Monday, December 21, 2009

રંગનાથ પંચ: ભારત વિભાજનનો નવો પેંતરો

ધર્મને આધાર બનાવીને ભારતને વિભાજીત કરવાનું દુષ્કૃત્ય અંગ્રેજોની કુટિલનીતિઓનો હાથો બનીને મુસ્લિમ લીગ થકી 1947માં સંપન્ન થયું છે. છતાં જે કામ ભારત વિભાજન પહેલા મુસ્લિમ લીગે કર્યું હતું, તેવું જ કામ કોંગ્રેસ કરી રહી છે. ભારત હવે ધર્મના આધારે વિભાજીત થાય કે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેના માટે માત્ર અને માત્ર કોંગ્રેસ અને તેની નીતિઓ જ જવાબદાર હશે. રામમંદિર આંદોલનની તીવ્રતાએ ભાજપને રાજકીય તક આપી હતી. હિંદુત્વનું આંદોલન રાજકીય દ્રષ્ટિએ પણ તીવ્ર બન્યુ હતું. પણ આ આંદોલનને છોડવાને કારણે હિંદુત્વનું આંદોલન રાજકીય રીતે શિથિલ થયું છે. જેના કારણે હિંદુઓનું જે સામુહિક ચિંતન રાજકીય રીતે મતદાન થકી પ્રદર્શિત થતું હતું, હાલ વેર-વિખેર થયું છે. લોકોની આસ્થાઓ અને ભાવનાઓ સાથેની રમત ભાજપને ભારે પડી છે. જેના કારણે ઉપરાઉપરી બે લોકસભા ચૂંટણીઓમાં જનતાએ ભાજપને નકાર્યો છે. જો કે આ કારણોનું કોંગ્રેસ ખેમાએ અલગ જ અર્થઘટન કર્યું હોવાનું તેના કેટલાંક રાજકીય પગલાં થકી નજરે પડે છે. 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની કફોડી હાલતને કારણે કોંગ્રેસના નેતાઓએ આકલન કર્યું છે કે હિંદુત્વનું આંદોલન રાજકીય રીતે શિથિલ થયું છે અને હિંદુ સમાજની વેરવિખેર રાજકીય આંકાક્ષાઓને સ્વરૂપ આપનારા ટાંચા સાબિત થયા છે. જેના કારણે હવે તેઓ તેમના લઘુમતી તુષ્ટિકરણના પત્તાને આરામથી રમી શકશે અને તેમ કરીને વોટબેંકના નીચ રાજકારણ થકી તેઓ પોતાની ખુરશીઓ સાબૂત રાખી શકશે. આ પ્રયત્નો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર 2004માં સત્તા પર આવી ત્યારથી જ આદરવામાં આવ્યા હતા. સચ્ચર સમિતિના ગઠનથી શરૂ થયેલું લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ તુષ્ટિકરણ લિબરાહન રિપોર્ટ અને રંગનાથ પંચના અહેવાલ થકી ઉભરાય રહ્યું છે. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પરથી બાબરી ઢાંચાને હટાવવાની ઘટના ભારતની રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહેલી કોંગ્રેસને હટાવવાનું સાધન બની હતી. જેના કારણે લગભગ એક દસકો કોંગ્રેસને સત્તાસ્થાનેથી અળગા રહેવું પડયું હતું. તેનું મુખ્ય કારણ હતું, હિંદુઓમાં જાગૃતિ અને મુસ્લિમોનું કોંગ્રેસથી અલગ થવું. જો કે દોઢ દાયકા બાદ પરિસ્થિતિ બદલાય રહી છે. આ પરિવર્તિત પરિસ્થિતિઓમાં કોંગ્રેસ પોતાની રાજકીય બઢત જાળવી રાખવા માટે મુસ્લિમ વોટબેંકને ફરીથી અંકે કરવા માટે નવા રાજકીય આંટાપાટા રમી રહી છે.
કોંગ્રેસ મહાસચિવ અને સોનિયાના લાલ રાહુલ ગાંધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગયા હતા, ત્યારે એક યુવતીએ તેમને પુછયું હતું કે આ દેશમાં મુસ્લિમ વડાપ્રધાન બની શકશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વડાપ્રધાન પદ માટેની યોગ્યતા ધરાવતો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બની શકે છે. તેમણે હાલના વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે તેઓ શીખ હોવાના કારણે વડાપ્રધાન નથી, તેઓ તેમની યોગ્યતાના કારણે વડાપ્રધાન છે. ભારતનું બંધારણ આ પ્રકારની વ્યવસ્થા ધરાવે છે, તે પણ હકીકત છે. આપણે આ વાતને બીજી રીતે લઈએ કે ભારતની મુખ્યધારામાં સમર્પિત થયેલો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન કે અન્ય કોઈપણ પદ માટે યોગ્યતાના આધારે બિરાજમાન થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે અન્ય લઘુમતીઓની સરખામણીએ ભારતની મુખ્યધારામાં મુસ્લિમો કેટલી હદે સામેલ થયા છે અને તેની પાછળના કારણો ક્યાં છે? ભારતની મુખ્યધારામાં મુસ્લિમોને સામેલ કરવા માટે ગાંધીજીથી માંડીને અત્યારસુધીના મોટાભાગના નેતાઓએ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. દુર્ભાગ્ય તો એ વાતનું છે કે જેઓ કહી રહ્યાં છે કે જસ્ટિસ ફોર ઓલ એન્ડ અપિઝમેન્ટ ફોર નન, તેમણે પણ પોતાના વચનો પાળ્યા નથી. જેના કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 1937નું પુનરાવર્તન થઈ રહ્યું છે, તે વખતે જે રીતે મુસ્લિમ લીગના વડપણ નીચે મુસ્લિમોએ વંદેમાતરમનો વિરોધ કર્યો હતો, તેવી જ રીતે જમિયત ઉલેમા એ હિંદના અધિવેશનમાં વંદેમાતરમને બિનઈસ્લામિક ગણાવતા દેવબંદના ફતવાનું ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવ્યું છે. આઝાદીને આજે 62 વર્ષ થયા છે, છતાં મુસ્લિમોની તકિયાનુસી માનસિકતામાં કોઈ ફરક આવ્યો નથી. ભારતની પ્રત્યે પ્રેમની આદરની અભિવ્યક્તિ કરતાં વંદેમાતરમ ગીતને કેટલાંક નાસમજોની હરકતને કારણભૂત ગણાવીને બિનઈસ્લામિક ગણવાની હિમાકત કરી છે. આવી પરિસ્થિતિ તથા ભારતમાં ચાલી રહેલી ભાંગફોડની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં મુસ્લિમ યુવાનોની સંલિપ્તતા મુસ્લિમ સમાજના ભારતમાં મુખ્યપ્રવાહમાં સામેલ થવાની બાબતે પ્રશ્નાર્થો ઉભા કરે છે. ત્યારે કારણો શોધવા જોઈએ કે તેઓ ભારતના મુખ્યપ્રવાહમાં સામેલ થયા નથી તેની પાછળ અન્ય સમાજ જવાદાર છે, ભારતની બંધારણીય વ્યવસ્થા જવાબદાર છે, બંધારણનો દુરુપયોગ કરનારી રાજકીય વ્યવસ્થાનો દોષ છે કે ભારતના રાજનેતાઓની મુસ્લિમ સમાજને વોટબેંક તરીકે જોવાની વૃતિ જવાબદાર છે?
આ પ્રશ્નોના જવાબ શોધવાના તો દૂર રહ્યાં પણ આ સંદર્ભે વધારે ગુંચવાડો ઉભો કરીને મુસ્લિમોને ભારતના મુખ્યપ્રવાહથી દૂર રાખીને ભારતની એકતા અને અખંડિતતાને તાક પર મૂકવાની કોશિશ રાજકારણીઓ અવારનવાર કરી રહ્યાં છે. સચ્ચર સમિતના રિપોર્ટને કારણે સરકારે પણ માન્યુ કે ભારતના મુસ્લિમોની હાલત દલિતો અને વનવાસીઓ કરતાં પણ ખરાબ છે. અહીંથી જ દલિતો અને આદિવાસીઓના હક પર તરાપ મારવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાને લોકસભાની ચૂંટણી પહેલા ભારતના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર હોવાની વાત કહીને હદ કરી નાખી છે. જાણે કે આ દેશમાં ગરીબ, વંચિત અને શોષિત સમાજ લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ જ હોય. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ધર્મના નામે મુસ્લિમોને અનામત આપવાની વાત કરવામાં આવી. ત્યાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટે ધર્મના નામે અનામત આપવાની મનાઈ કરીને તે જોગાવાઈને લાંબા સમય સુધી ઠેલી રાખી હતી. જો કે કાયદાનો પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરનારા અને અર્થઘટન કરનારા રાજકારણીઓએ આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપ્યુ છે. ધર્મના નામે અનામતનું રાજકારણ ખેલનારા રાજકારણીઓમાં કોંગ્રેસ મુખ્ય હતી. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ઓકટોબર 2004માં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચની રચના કરી હતી. આ પંચે 2005માં કાર્યભાર સંભાળ્યા બાદ મે-2007માં લઘુમતીઓને ધર્મના નામે અનામત આપવાની ભલામણોવાળો અહેવાલ વડાપ્રધાન મનમોહનસિંહને સુપ્રત કર્યો હતો. જો કે તે સમયે હિમાચલપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને 2009ની લોકસભાની ચૂંટણીઓમાં યુપીએ તથા કોંગ્રેસને કોઈ રાજકીય પડકારનો સામનો ન કરવો પડે, તે માટે અહેવાલને બે વર્ષ સુધી દબાવી રાખવામાં આવ્યો હતો.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં ડિસેમ્બર-2009ના આખરમાં આ અહેવાલને સંસદીય પટલ પર લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે મૂક્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે સંસદ બહાર જુદાજુદા રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓને કારણે રાજકીય ભડકાનું સ્વરૂપ ધારણ કરનાર રંગનાથ પંચનો અહેવાલ સંસદમાં કેવીક આગ લગાવે છે. કારણ કે સંસદમાં લાગેલી આગ તેના અમલીકરણ સ્વરૂપે સામે આવશે, તો દેશભરમાં આંદોલનો થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. વળી રંગનાથ પચના અહેવાલને સંસદીય પટલ પર અત્યારે જ શા માટે મૂકવામાં આવ્યો તે પરિસ્થિતિનું વિશ્ર્લેષણ કરવું પડે તેમ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં લીક થયા બાદ બાબરી ધ્વંસ પરનો લિબરાહન રિપોર્ટ સંસદીય પટલ પર નાછૂટકે યુપીએ સરકારને મૂકવો પડયો છે. આ રિપોર્ટને કારણે યુપીએના નેતાઓના નિવેદનો પરથી આકલન નીકળી શકે કે તેઓ માને છે કે દેશના મુસલમાનો તેમની તરફ ફરીથી ખેંચાયા છે અને ભાજપ તથા સંઘપરિવારના વિરુદ્ધનું વાતાવરણ બન્યું છે. આવી પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેમણે રંગનાથ પંચનો અહેવાલ રાજકીય ગણતરીઓના આધારે સંસદીય પટલ પર મૂક્યો છે. રંગનાથ પચે સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે દસ ટકા અનામત અને અન્ય લઘુમતીઓ માટે પાંચ ટકા અનામતની ભલામણ કરી છે. આ ઉપરાંત પંચે તમામ ધર્મોમાં દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની તરફેણ કરી છે. પંચે લઘુમતીઓ માટેના ક્વોટા સંદર્ભે કહ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ કેડર કે ગ્રેડમાં 10 ટકા મુસ્લિમ અનામતમાંની કોઈ જગ્યા ખાલી રહે છે, તો તે જગ્યાને અન્ય લઘુમતીઓ દ્વારા ભરવી જોઈએ. પરંતુ આ તમામ લઘુમતીઓ માટે જે કુલ 15 ટકા અનામત છે તે કોઈપણ સંજોગોમાં બહુમતી સમુદાયના સભ્યોથી ભરવી ન જોઈએ.
આ જોગવાઈ માટે બંધારણની અનુચ્છેદ-16(4)ને આધાર બનાવવામાં આવી છે. તર્ક આપવામાં આવ્યો છે કે ઓબીસીને તેના આધારે જોબ ક્વોટા મળી શકે, તો સામાજિક અને આર્થિક રીતે પછાત લઘુમતીઓને પણ અનામત આપી શકાય તેમ છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ધર્મના આધારે કોઈપણ સંજોગોમાં અનામત નહીં આપવાના બંધારણના ઘડવૈયાઓની ભાવના અને બંધારણીય સહમતીનું શું થશે? અન્ય ભલામણોની સાથે સાથે પંચે અનુસૂચિત જાતિના દરજ્જાને ધર્મથી અલગ રાખવાની ભલામણ કરી છે. પંચે 1950ના શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરને રદ્દ કરવાની માગણી કરી છે. શિડયુલ્ટડ કાસ્ટ ઓર્ડર હેઠળ શરૂઆતમાં હિંદુ અને ત્યાર બાદ બૌદ્ધ અને શીખને અનુસૂચિત જાતિમાં દાખલ થવાની પરવાનગી મળેલી છે. જ્યારે આ શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરના કારણે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જૈનો અને પારસીઓ એસસીમાંથી બાકાત રહ્યાં છે. પંચની આ ભલામણને અનુસૂચિત જાતિના હકો પર તરાપ મારવા બરાબર ગણવામાં આવે છે. પંચની અંદર પર આ સંદર્ભે સહમતિ નથી કે ખ્રિસ્તી કે મુસ્લિમ બનેલા દલિતોને પણ એસસી ગણવામાં આવે.પંચના સેક્રેટરી આશા દાસે પંચની આ ભલામણ સામે નારાજગી દર્શાવીને મામલો સુપ્રિમ કોર્ટને સોંપવા માટેનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેના માટેનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું છે કે કોઈ દલિત ધર્માંતરણ કરીને ઈસાઈ કે મુસ્લિમ બને તો તેનો સમાવેશ એસસીમાં ન કરતાં તેને ઓબીસીમાં સમાવિષ્ટ કરવા જોઈએ. જો કે પંચે કહ્યું છે કે તેઓ ભલામણના દરેક શબ્દને દ્રઠતાપૂર્વક વળગી રહ્યાં છે.
પંચે વિકલ્પ સૂચવતા કહ્યું છે કે જો આ ભલામણના અમલમાં મુશ્કેલી પડે તો ઓબીસીને અપાતા 27 ટકા અનામતમાંથી 8.4 ટકાનો સબ ક્વોટાલઘુમતીઓને ફાળવવો. પંચે તેમાંથી 6.2 ટકાનો ક્વોટા માત્ર મુસ્લિમો માટે અને બાકીનો ક્વોટા અન્ય લઘુમતીઓને આપવાની ભલામણ કરતું મોડલ પણ સૂચવ્યું છે. રંગનાથ પંચનો તર્ક છે કે કુલ લઘુમતીઓમાંના 73 ટકા મુસ્લિમો હોવાથી તેમને સબક્વોટામાંથી 6 ટકા હિસ્સો આપવો જોઈએ. રંગનાથ પંચની જોગાવાઈઓ જોતાં આ અહેવાલ બંધારણની મૂળ ભાવના અને અનામત સંદર્ભે બંધારણીય ઘડવૈયાઓની મૂળ ભાવના સાથે સુસંગત નથી. હિંદુ સમાજના કલંક સમાન અસ્પૃશ્યતાના દૂષણ અને જાતિપ્રથાની કુવ્યવસ્થાને કારણે આગળ વધી નહીં શકેલા સમાજના કચડાયેલા અને દબાયેલા વર્ગો માટે અનામતની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોતાને ત્યાં વર્ણવ્યવસ્થા, જાતિપ્રથા અને અસ્પૃશ્યતા જેવા દૂષણો ન હોવાનો દાવો કરનારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કઈ રીતે પોતાનામાં ધર્માંતરિત થનારા દલિત માટે અનામત માંગી શકે?આવું અનામત તેમના ધર્મની મૂળ ભાવનાઓની વિરુદ્ધ નથી? જો વંદેમાતરમ બિનઈસ્લામિક હોઈ શકે તો સામાજિક અસમાનતાને આધાર બનાવીને અમલમાં આવેલી અનામત પ્રથાને બિનઈસ્લામિક ગણીને તેના લાભ લેવાની મનાઈ ફરમાવતો ફતવો બહાર પાડવામાં નહીં આવે? જો આમ ન થાય તો સમજવું કે માત્ર ભારત વિરોધ અને હિંદુઓની ભાવનાનો અનાદર જ વંદેમાતરમ વિરુદ્ધના ફતવાની મૂળ ભાવના છે.
રંગનાથ પંચનો અહેવાલ તેની ભલામણો થકી એસસી, એસટી અને ઓબીસીના હાલના વર્ગોના અધિકારો પર તરાપ છે. આ પંચના અહેવાલ થકી યુપીએ સરકાર બંધારણીય સભાના ધાર્મિક આધારે અનામત નહીં આપવાની સહમતિનો હ્રાસ કરી રહી છે. રંગનાથ પંચના અહેવાલનો અમલ હિંદુ એસસી, એસટી અને ઓબીસી માટે મૃત્યુ સમાન છે. કારણ કે સુપ્રિમ કોર્ટે પોતાના વિખ્યાત ચુકાદામાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારે ન હોઈ શકે તેવું કહ્યું છે. ત્યારે જો રંગનાથ પંચની ભલામણોનો અમલ કરવો હોય તો દલિતો, વનવાસીઓ અને અન્ય પછાત વર્ગોના હકોમાં ભાગ પડાવવો પડે તેમ છે. વળી આ ભલામણો દ્વારા દેશમાં ધર્માંતરણને પ્રોત્સાહન પણ મળશે. કારણ કે અનામતના હકો મેળવવા માટે અલગ-અલગ જાતિના નેતાઓ અનામતની શ્રેણીમાં તે જાતિને લાવી દેવાનું રાજકારણ રમતા રહ્યાં છે. વળી કેટલાંક કિસ્સાઓમાં ખોટા સર્ટિફિકેટ દ્વારા અનામતનો લાભ લેનારા લોકોના કિસ્સા પણ સામે આવ્યા છે. તો તેવી જ રીતે બેકારીના આ વખતમાં ધાર્મિક આધારે અનામત યુવાનોના ધર્માંતરણનું કારણ બની શકે છે. મુસ્લિમ ધર્મમાં એક કરતાં વધારે પત્ની રાખવાનો કાયદો અન્ય ધર્મના લોકો દ્વારા દુરુપયોગ પામ્યો છે. ત્યારે ધાર્મિક આધારે અનામત હેઠળ આવા સગવડિયાં ધર્માંતરણોના દાખલા નહીં બને તેવી કોઈ ખાતરી ખરી?
આ રિપોર્ટમાં બીપીએલ લિસ્ટને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત શોધવા માટેનો મુખ્ય આધાર ગણવાની વાત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે બીબીએલ લિસ્ટમાં ધાંધલીના અહેવાલોની તપાસ કરવામાં આવશે કે કેમ? આ સિવાય મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ માટે ઉપયોગમાં લેવાયેલા આંકડાઓની નિષ્પક્ષ સત્યતા ચકાસાશે કે કેમ? જો કે હાલમાં ઉપલબ્ધ આંકડાઓમાં પણ પંચ અને સરકારના તર્કો સામે વિરોધાભાસ ઉભો થઈ શકે તેવા તથ્યો રહેલા છે. હાલમાં શિક્ષણ, નર્સિંગ, ક્લેરિકલ અને જુનિયર સીઈઓ કક્ષાએ સારા ભણતર અને અન્ય યોગ્યતાઓને કારણે ખ્રિસ્તીઓ તેમની સંખ્યાના પ્રમાણમાં વધારે સંખ્યામાં છે. તો શું તેવા ખ્રિસ્તી સમુદાયની જોબ ઓપોર્ચ્યુનિટી રંગનાથ મિશ્રાના અહેવાલને કારણે ઘટી નહીં જાય? આ તથ્યને ધ્યાનમાં રાખીને ધ પુવર ખ્રિશ્ચિયન લિબરેશન મૂવમેન્ટ(પીસીએલએમ) અને ઈન્ડિયન ખ્રિશ્ચિયન રાયટિયસ એકશન ફોરમ(આઈસીઆરએએફ)ના નેતાઓએ રંગનાથ મિશ્રાની ભલામણોને નજરઅંદાજ કરવાની વડાપ્રધાનને અપીલ કરી છે. તેમણે રોગ કરતાં સૂચવાયેલી દવાને વધારે ખતરનાક ગણાવી છે. તેમના માનવા પ્રમાણે ધાર્મિક આધારે અનામત ગરબંધારણીય અને લઘુમતી તથા હિંદુ દલિતો અને ઓબીસી વચ્ચે વૈમનસ્ય પેદા કરનારું છે.
સવાલ એ છે કે દેશમાં લઘુમતીવાદને પુનર્જીવિત કરવાની ગણતરીમાં રંગનાથ મિશ્રા અહેવાલ એક પડાવ તો નથી ને? કારણ કે જસ્ટિસ રંગનાથ મિશ્રા રાજ્યસભામાં છ વર્ષ સુધી કોંગ્રેસના સાંસદ રહ્યાં છે. તેના કારણે તેમની ન્યાયિક દ્રષ્ટિ રાજકીય રંગે રંગાય હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. રંગનાથ મિશ્રા અહેવાલના રજૂ થયા બાદ તેના પર એકશને ટેકન રિપોર્ટ માટે પણ માગણી ઉઠી છે. જો કે આ પંચ ઈન્કવાયરી એક્ટ નીચે સ્થપાયેલું ન હોવાને કારણે તેના પર એકશન ટેકન રિપોર્ટની જરૂર ન હોવાની વાત લઘુમતી બાબતોના મંત્રી સલમાન ખુરશીદે સંસદમાં કરી છે. જેના કારણે સ્પષ્ટ બને છે કે ધાર્મિક આધારે મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને અનામતનું ગાજર બતાવીને કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીપૂર્વક મુસ્લિમ અને લઘુમતીવાદનું કાર્ડ ખેલવા માંગે છે. કારણ કે ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આગામી બે વર્ષ દરમિયાન આવનાર છે. જેમાંથી ઉત્તરપ્રદેશમાં 18 ટકા મુસ્લિમ, બિહારમાં 16 ટકા મુસ્લિમ, કેરળમાં 23 ટકા મુસ્લિમ અને પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસ્લિમ છે. જેમના એકજથ્થામાં મત લેવા માટે રંગનાથ મિશ્રા પંચનો અહેવાલ એક મોટી ભૂમિકા ભજવશે, તેવું કોંગ્રેસી નેતાગણને લાગે છે. તેઓ તેમના આ પ્રયાસમાં સફળ થશે, તો આગળ મિશન-2014 માટે કોંગ્રેસ અને યુપીએ ઘટકદળો મોટાપાયે લઘુમતીવાદને પુનર્જીવિત કરવાના અન્ય તિકડમ રચશે. ત્યારે તેની સામે હિંદુ હિત કી બાત કરેગા, વોહી દેશ મેં રાજ કરેંગા...વાળી ભાવના ફરીથી પેદા કરવા માટે કોઈ દીર્ધકાલિન, રચનાત્મક અને પરિણામલક્ષી કાર્યક્રમ દેશભરમાં આંદોલન સ્વરૂપે ઉભરે તો જ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી શકાય તેમ છે. યાદ રહે કે મુસ્લિમ લીગ જે કરી શકી, તેનું કોંગ્રેસ દ્વારા થઈ રહેલું પુનરાવર્તન અટકાવવા માટે હિંદુઓની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક એકતાની સાથે સાથે રાજકીય એકતા પણ એટલી જ જરૂરી છે.