Friday, May 27, 2016

આસામમાં સફળતા મળી, પ. બંગાળ-દક્ષિણ ભારતમાં રાજનીતિના હિંદુકરણની જરૂર

-પ્રસન્ન શાસ્ત્રી
ભારત એક વિશાળ અને વિવિધતાથી ભરપૂર લોકશાહી છે. તાજેતરમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્ચા છે. આ ચૂંટણીના પરિણામોએ ભારતના રાજકારણની બદલાતી તાસિરનો પરિચય જરૂરથી આપ્યો છે. પરંતુ આઈડિયા ઓફ ઈન્ડિયાને મજબૂત બનાવવા માટે હજી વધુ પરિશ્રમ અને બલિદાનોની જરૂર હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
જ્યાં સુધી આઈડિયા ઓફ ઈન્ડિયાની વાત છે. તો તેનો સંબંધ સનાતન વિચાર પ્રકાશધારાના પ્રવાહ સાથે છે. આ વિચાર પ્રકાશધારામાં જેને દુનિયા હિંદુ તરીકે ઓળખે છે અને જેઓ સદીઓથી પોતાને હિંદુ તરીકે ઓળખાવી રહ્યા છે, તેમનું યોગદાન અવગણી શકાય તેમ નથી. આમા આસ્તિક-નાસ્તિક, સનાનત-હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ સહીતના તમામ ભારતીય જમીન સાથે જોડાયેલા પંથ-સંપ્રદાય, જાતિ-વર્ગનો સમાવેશ થાય છે. આઈડિયા ઓફ ઈન્ડિયામાં તમામને આવકાર છે. પરંતુ એવી કોઈ બાબતને આઈડિયા ઓફ ઈન્ડિયામાં દાખલ થવા દેવાય નહીં કે જેનાથી ભારતના સનાતન વિચાર પ્રકાશધારાના પ્રવાહને વિકૃત કરવા, તેની દિશા બદલવા અથવા તો તેને નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવે.
મધ્યયુગમાં અરબી, અફઘાન, મુઘલ શાસન અને આધુનિક કાળમાં બ્રિટિશરાજના સમયગાળામાં આઈડિયા ઓફ ઈન્ડિયાને એટલી હદે વિકૃત કરવાની કોશિશ થઈ કે ભારતના રાષ્ટ્રત્વ એવા હિંદુપણા અને હિંદુત્વની બાદબાકી કરવા હદે વૈચારિક ધોવાણ કરવામાં આવ્યુ હતું. આઝાદી બાદ પણ સમાજવાદ અને કમ્યુનિસ્ટ વિચારધારાની અસરમાં અંગ્રેજીયતની અસર તળે બ્રિટિશરાજમાં પેદા થયેલા તેમના માનસપુત્રોએ આઈડિયા ઓફ ઈન્ડિયાને બેહદ વિકૃત કરીને તેમાંથી પહેલા હિંદુપણાની, બાદમાં હિંદુત્વની અને હવે હિંદુઓની બાદબાકી કરવાની વૈચારીક કોશિશને રાજકીય કોશિશમાં બદલવાનું શરૂ કર્યું છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનું સંઘમુક્ત ભારતનું આહવાન પણ આવી જ એક વિકૃતિનું પરિણામ છે.
આસામનો સંદેશ-
આઈડિયા ઓફ ઈન્ડિયા માટે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો ઘણાં મોટા સંદેશ લઈને આવ્યા છે. ઈશાન ભારતમાં આસામમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને પહેલી વખત જીત મળી છે. વાજપેયીએ ક્યારેક ભવિષ્ય ભાખ્યું હતું કે આસામમાં ભાજપનો વિજય થશે. બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી લોઅર આસામના નવ જિલ્લામાં ધાર્મિક વસ્તીસંતુલન ખતરનાક સ્તરે ખોરવાયું છે. અહીં મુસ્લિમોની ભારે વસ્તીવૃદ્ધિ નોંધાઈ છે અને પચાસ ટકાથી વધુ વસ્તી મુસ્લિમ સમુદાયની છે. આખા આસામની વાત કરીએ તો અહીં મુસ્લિમોની વસ્તી 35 ટકા છે. હિંદુઓની વસ્તી 61 ટકા અને અન્ય ધર્મના લોકોની વસ્તી ચાર ટકા જેટલી છે. લાસ્ટ બેટલ ઓફ સરાઈઘાટના એલાન સાથે ભાજપની સાથે આસામ ગણ પરિષદ, બોડો જનજાતિનું બીપીઓએફ એક સાથે ચૂંટણી લડયું હતું. ભાજપની આગેવાનીમાં એનડીએને મોટી જીત મળી છે. લગભગ 46 ટકા મત મળ્યા છે. જ્યારે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરુદ્દીન અજમલને હારવાના વારો આવ્યો છે. એઆઈયુડીએફ આસામના મુસ્લિમ વોટરોના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. 2011ની સરખામણીએ બદરુદ્દીન અજમલની પાર્ટીને મળેલા મતની ટકાવારી અને બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેની સાથે અહીં કોંગ્રેસની ફેબિયન સોશયાલિઝમ અને નહેરુ બ્રાન્ડ સેક્યુલારિઝમની હાર થઈ છે. એઆઈયુડીએફનો ઘટવાની સાથે બદરુદ્દીન અજમલના રૂપમાં આસામ વિધાનસભામાં મુસ્લિમો વતી કરવામાં આવતી રાજકીય દાદાગીરી ખતમ થાય તેવું હાલ લાગી રહ્યું છે. આ સાથે ઈશાન ભારતની અસ્થિરતા દૂર કરીને તેને બાંગ્લાદેશી ઘૂસણખોરીથી આઝાદ કરીને સ્થાનિક જનતાને સુખ-શાંતિ આપીને બાકીના ભારતના લોકો સાથે પ્રગાઢતાથી જોડવાની એક સુવર્ણ તક ભારતીય જનતા પાર્ટીને આસામની જનતાએ આપી છે.
પશ્ચિમ બંગાળનો સંદેશ-
પશ્ચિમ બંગાળની અંદર પણ આસામ જેવી જ સમસ્યા છે. બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં ધાર્મિક વસ્તીસંતુલન ખોરવાયેલું છે. બાંગ્લાદેશી આતંકવાદી જૂથ અને આઈએસઆઈનું નેટવર્ક પણ રાજકીય આશ્રય હેઠળ યથાવત છે. માલ્દામાં મુસ્લિમોના અઢી લાખના ટોળાએ આયોજનબદ્ધ રીતે કરેલી તોડફોડ તેનું ઉદાહરણ છે. 2016ના જનાદેશમાં પશ્ચિમ બંગાળની રાજકીચ તાસિરમાં ઘણા મોટા પરિવર્તનોના આસાર છે. તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીએ પાર્ટીને મુસ્લિમ તુષ્ટિકરણ નીતિના સહારે ઘણી મોટી જીત અપાવી છે. ડાબેરી મોરચા પાસેથી મુસ્લિમ મતો તૂટીને ટીએમસી તરફ મોટા પ્રમાણમાં ગયા છે. પશ્ચિમ બંગાળમાં 28 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે અને રાજ્યની 294 બેઠકોમાંથી 85 બેઠકો પર મુસ્લિમ મતોથી ચૂંટણીની વેતરણી તરી શકાય તેવી સ્થિતિનો ટીએમસીને ફાયદો મળ્યો છે. મમતા બેનર્જીને મુસ્લિમ વોટરોએ તેમની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે ટેકો આપ્યો છે. આ એ જ મમતા બેનર્જી છે કે જેમણે લોકસભામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો આક્રમકતાથી ઉઠાવ્યો હતો અને આક્રોશને કારણે કેટલાંક દસ્તાવેજો પણ ફેંક્યા હતા. આ ઘટના 2005ની છે અને 2011માં મુખ્યપ્રધાન બન્યા બાદ મુસ્લિમ વોટરોને સાચવવા માટે મમતા દીદી સીધો પડકાર ફેંકી રહ્યા છે કે એકપણ બાંગ્લાદેશી મુસ્લિમને હાથ તો લગાડી જોવો! 2016ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળીને ચૂંટણી લડયા, પણ કોંગ્રેસને 34 વર્ષ પશ્ચિમ બંગાળની સત્તામાં રહેલા સીપીએમ કરતા વધારે બેઠક મળી હતી. ભાજપને અહીં કોંગ્રેસ કરતા બે ટકા ઓછા મત મળ્યા છે. ભાજપને અહીં રાજકીય અસ્તિત્વ દર્શાવવાની તક તો સાંપડી છે. તેની સાથે ઘણી બેઠકો પર ભાજપ રનર-અપ રહ્યું છે. આગામી સમયમાં પશ્ચિમ બંગાળના રાજકારણ માટે આમા મોટા સંકેતો મળી રહ્યા છે. કમ્યુનિસ્ટ વિચારધારા પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી મૂળિયા સુધી ઉતરેલી છે. ટીએમસી અને કોંગ્રેસના નેતાઓ પણ પશ્ચિમ બંગાળની કમ્યુનિસ્ટ વિચારધારાની રાજકીય પરંપરાઓથી પ્રભાવિત છે. પરંતુ અહીં આગામી સમયમાં ફરીથી આનંદમઠમાં વર્ણવેલી અને બંગભંગના વિરોધમાં થયેલા આંદોલન વખતે પ્રગટેલી વંદેમાતરમની લાગણી મુખરતા સાથે પ્રગટશે.
કેરળનો સંદેશ-
કેરળની વાત કરીએ તો અહીં ભાજપને 15 ટકા જેટલા વોટની સાથે માત્ર એક બેઠક જીતવાની તક સાંપડી છે. કેરળમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની કુલ વસ્તી 45 ટકાની આસપાસ છે. મુસ્લિમોની અહીં વસ્તી 24 ટકા જેટલી અને ખ્રિસ્તીઓની વસ્તી 21 ટકા જેટલી છે. જ્યારે હિંદુઓની વસ્તી 55 ટકા જેટલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કેરળમાં મોટો પ્રભાવ છે. આખા ભારતમાં સંઘની સૌથી વધારે શાખાઓ કેરળમાં છે. પરંતુ બિનહિંદુ સમુદાયોની વસ્તીના પ્રભાવને કારણે સામાજિક સ્તરે પ્રભાવ ધરાવતું આરએસએસ કેરળની રાજનીતિમાં હિંદુ ઓળખને કોઈ રાજકીય મંચ અપાવી શક્યું નથી. પરંતુ કેરળના 2016ના જનાદેશમાં ઉભી થયેલી પેટર્ન એક સારું રાજકીય પરિદ્રશ્ય ઉભું થઈ શકે તેવા સંકેત ચોક્કસપણે આપે છે. હિંદુત્વ વિરોધીઓ તરીકે કુખ્યાત ડાબેરીઓને સૌથી વધારે ટેકો નાયર અને ઈઝહાવા જેવા હિંદુ સમુદાયો તરફથી મળતો રહ્યો છે. દલિતો અને આદિવાસીઓ પણ ડાબેરી મોરચા સાથે જ રહેતા આવ્યા છે. જ્યારે કોંગ્રેસની આગેવાનીવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના સમર્થનમાં મુસ્લિમ અને ખ્રિસ્તી વોટબેન્ક છે. 2016માં ઉજાગર થયેલી વોટિંગ પેટર્નમાં એલડીએફને નાયરોના 45 ટકા, ઈઝહવાના 49 ટકા, દલિતોના 51 ટકા, આદિવાસીઓના 71 ટકા, મુસ્લિમોના 35 ટકા અને ખ્રિસ્તીના 35 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસની આગેવાનીમાં રહેલા યુડીએફને નાયર સમુદાયના 20 ટકા, ઈઝહવાના 28 ટકા, દલિતોના 22 ટકા, આદિવાસીઓના 24 ટકા, મુસ્લિમોના 58 ટકા, ખ્રિસ્તીઓના 52 ટકા મત મળ્યા હતા. તો ભાજપને નાયરના 34 ટકા, ઈઝહવાના 18 ટકા, અને દલિતોના 23 ટકા મત મળ્યા હતા. નાયર અને દલિતોના ભાજપને મળેલા મત યુડીએફને મળેલા મતોથી વધારે છે. જ્યારે ભાજપને આદિવાસીઓના માત્ર પાંચ ટકા અને મુસ્લિમોના માત્ર ત્રણ ટકા મત મળ્યા છે. જો કે ખ્રિસ્તિ સમુદાયના 10 ટકા વોટ ભાજપને મળ્યા છે. યુડીએફ  અને એલડીએફને કેરળમાં 25 વર્ષથી ઉપરના મતદાતાઓએ વોટ આપ્યા છે. જ્યારે ભાજપ કેરળમાં 25 વર્ષથી નીચેના મતદાતાઓમાં ઠીકઠીક પસંદગી પામ્યું છે. જો કે પચ્ચીસ વર્ષથી ઓછી ઉંમરના મતદાતાઓમાં 39 ટકાએ એલડીએફ, 30 ટકાએ યુડીએફ અને 23 ટકાએ ભાજપને પસંદ કર્યું હતું. કેરળની અંદર ઈઝહવા સમુદાયના ઘણાં નેતાઓ કમ્યુનિસ્ટ પાર્ટીઓની કેડર છે. કેરળમાં હિંદુ સમુદાયને એકજૂટ કરવામાં આવે અને રાષ્ટ્રવાદી લોકોને સંગઠિત કરવામાં આવે તો તેવા સંજોગોમાં કેરળમાં પણ આસામ જેવી રાજકીય સ્થિતિનો પ્રાદૂર્ભાવ ઉભો કરવાની તક છે.
તમિલનાડુનો સંદેશ-
તમિલનાડુમાં દ્રવિડ અને તમિલ ઓળખના રાજકારણને કારણે પેરિયારના સમયગાળાથી ડીએમકે અને એઆઈએ-ડીએમકેએ દ્વિધ્રુવીય રાજકારણ પર કબજો જમાવ્યો છે. અહીં ધાર્મિક વસ્તીસંતુલનમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સંખ્યા એટલી પ્રભાવી નથી. છતાં ભારતની રાજનીતિના હિંદુકરણ માટેની તક તમિલનાડુમાં ઉભી કરવા માટે હજી મોટો અવકાશ હોવાનું દેખાઈ રહ્યું છે. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એકસો ટકા હિંદુપણું ધરાવતું તમિલનાડુ રાજકીય રીતે પણ હિંદુ ઓળખના આધારે આગળ વધે તેના માટે ઘણી મોટા વૈચારીક આંદોલનની અહીં જરૂર છે. તમિલ ઓળખ હિંદુ ઓળખથી અલગ નહીં હોવાનું જણાવવા માટે દર્શાવવા માટે તમિલનાડુના ગામડેગામડે પહોંચવાની જરૂર છે.
આસામની જીતમાં બે વર્ષ પહેલા બનેલી કોકરાઝારની મુસ્લિમો દ્વારા બોડો આદિવાસીઓને દબાવવાની કોશિશ સામે ઉભા થયેલા પ્રતિકારની ઘણી મોટી ભૂમિકા છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વનવાસી કલ્યાણ આશ્રમ અને વિશ્વ હિંદુ પરિષદ જેવી સંસ્થાઓના જમીની સ્તરે કરવામાં આવેલા કામનું ઘણું મોટું યોગદાન છે. તો કેરળ અને પશ્ચિમ બંગાળમાં રાજકીય અસ્તિત્વ નોંધાવવામાં કામિયાબ રહેલા ભાજપની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શક્તિની ઘણી મોટી ભૂમિકા રહી છે.
દક્ષિણ ભારતનું રાજકીય પરિદ્રશ્ય-
પરંતુ સવાલ એ છે કે સંઘ માટે કેરળ અને તમિલનાડુમાં ઘણી મોટી લાગણી પ્રવર્તી રહી છે. મોટા-મોટા સંમેલનો તેના સાક્ષી છે. કેરળ અને તમિલનાડુથી આરએસએસના ઘણાં વિચારકો અને વરિષ્ઠ નેતાઓ આવ્યા છે. આરએસએસના ઘણાં મોટા નેતાઓએ સંઘકાર્યની શરૂઆત કેરળથી કરી છે. તેવા સંજોગોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની આહલેક રાજકીય સ્તરે ભાજપને અહીં મોટો મંચ પુરો પાડી શક્યું નથી. તેના સંદર્ભે પણ 2019ની રાજકીય સ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિચારણા હાથ ધરવી જરૂરી છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભાજપની સરકારો આવી છે. પરંતુ તેમાં અસ્થિરતા અને અસંતોષનું પ્રમાણ ઘણું મોટું રહ્યું છે.
આની પાછળના કારણમાં સૌથી પહેલી માન્યતા ભાજપની હિંદી બેલ્ટની પાર્ટી તરીકેની માન્યતા એક મોટી અડચણ છે. દક્ષિણ ભારત ભૂતકાળમાં હિંદી ભાષા વિરુદ્ધના આંદોલનના ગઢ રહ્યા છે. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. બીજું દક્ષિણ ભારતમાં મજબૂત સ્થાનિક નેતાઓ આઝાદી વખતથી અહીં છે. સ્થાનિક નેતાગીરી ઉભી કરવાની કોશિશને ગંભીરતાથી આગળ વધારવી જરૂરી છે. લોકશાહી ક્યારેય વન મેન શૉ હોતો નથી અને સૌને આદર સૌના સાથ માટે બેહદ જરૂરી છે. દક્ષિણ ભારતના રાજ્યો વિકાસના મામલે અને સાક્ષરતા સહીતના માનવ વિકાસ સૂચકાંકમાં ઉત્તર ભારતના રાજ્યો કરતા ઘણાં આગળ છે. આવા સંજોગોમાં અહીં સરકારોના ગેરવહીવટથી તારવા માટે તારણહારની ભૂમિકામાં વ્ચક્ત થવાની નેતાઓની ભૂમિકા ભાજપ માટે ખતરનાક નીવડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ બંને દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. છતાં અહીં પ્રાદેશિક ભાવના પણ તેના કરતા પણ વધારે મજબૂત છે, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. દક્ષિણ ભારતની ડેમોગ્રાફીના કોઈપણ પ્રકારના પરિવર્તન પર ઝીણવટભરી નજર અને તેને વધુ બગડવા નહીં દેવા માટેની કોશિશો ચાલુ રાખવી જરૂરી છે.
જનાદેશના સંદેશાને ડીકોડ કરવો જરૂરી-

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોનો એક જ સંદેશ છે કે આઈડિયા ઓફ ઈન્ડિયાની મજબૂતીનો આધાર ભારતનું ધાર્મિક વસ્તીસંતુલન છે. આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ તેના ઉદાહરણો છે. પરંતુ અહીં ભાજપનું રાજકીય અસ્તિત્વ વધવું આઈડિયા ઓફ ઈન્ડિયાને મજબૂત બનાવવાની એક તક ઉભી કરે છે અને સાથે તેમની જવાબદારીઓ પણ વધારે છે. આઈડિયા ઓફ ઈન્ડિયામાં હિંદુત્વની બાદબાકી શક્ય નથી, આવી કોશિશો ભારત વિરોધી છે અને તેને સ્વીકારી શકાય તેમ નથી. તેનું પણ ધ્યાન ઈન્ડિયા ફર્સ્ટ અભિયાન માટે આઈડિયા ઓફ ઈન્ડિયાની વાત કરીને કેટલીક નકામી દલીલો કરનારી પાર્ટીઓને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા ફર્સ્ટ અભિયાન માટે આગળ વધી રહેલા ભાજપે ધ્યાન પર લેવી જોઈએ. આઈડિયા ઓફ ઈન્ડિયાને મજબૂત કરવા માટે રાજકીય મોરચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે નક્કર, નિશ્ચિત અને સ્પષ્ટ ભૂમિકા પણ લેવી જોઈએ.