Sunday, November 15, 2015

સીરિયાના ગૃહયુદ્ધની સાઈડ ઈફેક્ટ યુરોપ પર ત્રાટકેલું શરણાર્થીઓનું સંકટ

સીરિયાને વિદેશી શક્તિઓએ ભેગા મળીને પોતાની સરસાઈ સાબિત કરવાનો અખાડો બનાવી દીધું છે. તો સુપરપાવરોના ટકરાવ વચ્ચે ઈરાન અને સાઉદી અરેબિયાની પ્રાદેશિક સ્તરે પ્રભાવ વધરવાની લડાઈ પણ તીવ્ર બની છે. જેના કારણે સીરિયા હવે શિયા-સુન્નીપંથીઓની સૌથી મોટી યુદ્ધભૂમિમાં તબ્દીલ થઈ ચુક્યું છે. પરંતુ અહીં લાગેલી આતંકની આગ દુનિયાને દઝાડી રહી હોવાથી હવે તે વૈશ્વિક પડકાર છે.

સીરિયાના ગૃહયુદ્ધને બીજા વિશ્વયુદ્ધના સૌથી મોટા માનવીય સંકટ ગણવામાં આવે છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેટલા જ લોકો ગુમ થયા છે અથવા ઈજાગ્રસ્ત બન્યા છે. તો બે કરોડ વીસ લાખ જેટલા લોકો નિરાશ્રિત બનીને દુનિયામાં ભટકીને દોઝખનો જીવતેજીવત અનુભવ કરી રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે સીરિયા ઈસ્લામિક જગતના સૌથી તીવ્ર ધાર્મિક મતભિન્નતાના શિયા-સુન્ની પંથી વર્ગવિગ્રહની સૌથી મોટી યુદ્ધભૂમિ પણ બની ચુક્યું છે. તેના પરિણામે મધ્ય-પૂર્વ એશિયાની સરહદો પર તેની ગંભીર અસર થઈ રહી છે અને વિશ્વમાં પણ આતંકવાદની આગ સીરિયાની સમસ્યા સાથે વધુ ભભૂકી ઉઠી છે. 

સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદે દેશમાં વિરોધને દબાવી દેવા માટે કરેલી કોશિશોએ પ્રાદેશિક ગૃહયુદ્ધને ભડકાવ્યું છે. સીરિયામાં હાલ ત્રણ અલગ-અલગ શક્તિઓનું વર્ચસ્વ છે. સીરિયાના પશ્ચિમ ભાગમાં અલાવાઈટ અને લઘુમતીના પ્રભાવવાળી અસદની સરકારની સત્તા છે. તેને ઈરાનિયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા તાલીમ પામેલા શિયા જૂથોનો ટેકો છે. સીરિયાના મધ્યભાગમાં સુન્ની મોડરેટ.. ઈસ્લામિક અને જેહાદી જૂથોનું વર્ચસ્વ છે. જેમાં આઈએસઆઈએસ અને અલકાયદા સાથે જોડાયેલા જમાત-અલ-નુસરાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં કુર્દીશ લોકોના પીપલ્સ પ્રોટેક્શન યુનિટ્સ એટલે કે વાયપીજી પશ્ચિમ કુર્દીસ્તાનના રોજાવા સુધીના ક્ષેત્ર પર નિયંત્રણ મેળવ્યું છે. 

ઘરવિહોણા થયેલા લોકો નજીકના દેશોમાં શરણ શોધતા હોય છે. તેનો ફાયદો પાડોશી દેશો પોતાના વંશીય એજન્ડાને આગળ વધારવા માટે કરતા હોય છે. તેના કારણે સીરિયાના સામાજિક તાણાવાણાંને તોડી રહ્યા છે. ઈરાન અને રશિયાના ટેકાથી અસદ હજી સુધી સત્તામાં ટકી રહ્યા છે. તો તુર્કી.. જોર્ડન.. સાઉદી અરેબિયા.. કતર અને યુએઈ સુન્નીપંથી બળવાખારો જૂથોને ટેકો આપી રહ્યા છે. જ્યારે કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી વાયપીજીને સમર્થન આપી રહી છે. 

રશિયા-અમેરિકાના હસ્તક્ષેપ બાદ સીરિયાના ગૃહયુદ્ધમાં હાર-જીતનો ફેંસલો અધ્ધરતાલ

સીરિયામાં હિંસાગ્રસ્ત સ્થિતિ અને આઈએસના આતંકને કારણે નિરાશ્રિતો આશ્રય શોધવા માટે દુનિયાભરમાં ભટકી રહ્યા છે. શરણાર્થીઓ અન્ય દેશમાં આશ્રય મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સીરિયા અને ઈરાકની સરહદો ભૂંસીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કબજો જમાવ્યો છે. આઈએસના આતંકના ખેલને કારણે સીરિયાના લોકોએ દેશ છોડીને અન્ય સ્થાનો પર આશ્રય શોધવાનું શરૂ કર્યું છે. ચાલીસ લાખ નોંધણી પામેલા સીરિયન નિરાશ્રિતોમાંથી લેબનોન અને તુર્કીએ સંયુક્તપણે ત્રીસ લાખ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. 2011થી અત્યાર સુધીમાં પાંચ લાખ સીરિયન નિરાશ્રિતોએ યુરોપમાં શરણું શોધવાની કોશિશ કરી છે. અમેરિકાએ પણ બે હજાર જેટલા રેફ્યુજીને પોતાને ત્યાં શરણ આપ્યું છે. તો અમેરિકા પણ આવતા વર્ષે દશ હજારથી વધારે સીરિયન શરણાર્થીઓને આશ્રય આપે તેવી પણ શક્યતા છે.
ટ્યુનેશિયા અને ઈજીપ્ત ખાતે આંદોલનો સાથે બંને આરબ દેશોના તાનાશાહને સત્તા  છોડવી પડી હતી. પરંતુ સીરિયાનું યુદ્ધ આરબ વિશ્વમાં ઉભી થયેલી હલચલમાં વિશિષ્ટ છે. પરંતુ ગૃહયુદ્ધના મામલે સીરિયા કંઈ ખાસ નથી. સ્ટેન્ડફોર્ડ્સ જેમ્સ ફીયોરનની દલીલ છે કે ગૃહયુદ્ધ માટે ભાગે મજબૂત બનેલા અને પહેલેથી અસ્તિત્વમાં રહેલી નીતિઓ પર અસંમતિ ધરાવતા રાજકીય જૂથોની સાપેક્ષ શક્તિના ધક્કાથી મોટાભાગે શરૂ થાય છે. ત્યાર બાદ જંગમાં સામેની બાજુને તાત્કાલિક સરસાઈ મેળવતા રોકવા માટે આગળ વધારવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપતના રિપોર્ટ પ્રમાણે અસદે પહેલા વિરોધ પ્રદર્શનોની પ્રતિક્રિયામાં કેટલાંક રાજકીય કેદીઓને મુક્ત કરીને નાગરિકોની ફરિયાદ પર પુરતું ધ્યાન આપવા માટે આદેશ કર્યા હતા. પરંતુ તીવ્ર પરિવર્તનો સાથેના વિખવાદો સીરિયામાં રાષ્ટ્રીય કટોકટીનું સ્વરૂપ ધારણ કરી ચુક્યા છે.
એટલાન્ટિક ડોમિનિક તિર્નેય પ્રમાણે અસદ હેતુપૂર્વક વિરોધીઓને ઉગ્રવાદી બનાવે છે કે જેથી બળવાખોરો અપ્રસ્તુત બની જાય. આ સાથે અસદે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ સામે લડવાનું ટાળીને જેલમાંથી આતંકવાદીઓને મુક્ત કર્યા છે. આઈએસના મજબૂત થવાથી અસદની સામેના બળવાખોર જૂથોને આતંકવાદી સંગઠનની સામે હિંસક ઘર્ષણોમાં ઉતરવું પડે છે.
રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર બાર્બરા એફ. વોલ્ટરે કહ્યુ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ગૃહયુદ્ધો સરેરાશ દશ વર્ષ જેટલા ચાલ્યા છે. પરંતુ તેમાં સામેલ કેટલાંક જૂથો તેને લંબાવવા ધમપછાડા કરતા રહે છે. મોટા ભાગે બળવો વિદેશી દોરીસંચાર દૂર થાય કે તેમના દ્વારા ટેકો પાછો ખેંચાય ત્યારે બંધ થઈ જતો હોય છે. તો અસાતત્યપૂર્ણ અથવા આંશિક ટેકો પણ મોટાભાગે હારની ભૂમિકા તૈયાર કરતા હોય છે. પરંતુ જ્યારે સીરિયાના ગૃહયુદ્ધની જેમ બંને તરફથી વિદેશી હસ્તક્ષેપ વધે છે... ત્યારે આવા ગૃહયુદ્ધનો હારજીતનો ફેંસલો થતો નથી અને તે ઝડપથી પુરું પણ થતું નથી. 

સીરિયાનું ગૃહયુદ્ધ મહાસત્તાનો જંગ કે ઈસ્લામિક શિયા-સુન્ની મતભેદોની સૌથી મોટી યુદ્ધભૂમિ?

ઈરાક અને સીરિયામાં વધી રહેલા આતંકવાદી જૂથ આઈએસના વર્ચસ્વ અને સીરિયામાં ગૃહયુદ્ધની સ્થિતિએ મિડલ-ઈસ્ટની સ્થિતિને વધુ ગંભીર અને જટિલ બનાવી દીધી છે. સીરિયાની સમસ્યા દેખાય છે.. તેટલી સરળ નથી. તેમાં અમેરિકા અને રશિયા સહીતની મહાસત્તાઓથી માંડીને ઈસ્લામિક જગતના આંતરીક મતભેદોની પણ મોટી ભૂમિકા છે.
સિરીયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધના પાંચમા વર્ષે રશિયા દ્વારા 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા હવાઈ હુમલાથી નવો તબક્કો શરૂ થયો છે. સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની સરકારને બચાવવા માટે રશિયાના હવાઈ હુમલા ઘણાં મદદગાર સાબિત થઈ રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ પોતાની સૈન્ય હાજરી વધારવાની શરૂઆત કરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિન અસદની સ્થિતિ મજબૂત કરીને ગૃહયુદ્ધના અંત બાદ અમેરિકા સાથેની રાજદ્વારી વાટાઘાટોમાં મહાસત્તા તરીકેનો પ્રભાવ જાળવી રાખવાની મનસા ધરાવે છે. પરંતુ ધ એટલાન્ટિક્સના નવા પ્રોજેક્ટ હેઠળ ડેવિડ ઈગ્નાસિયસે અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે સીરિયાની શિયાપંથી સરકાર અને ઈરાન સાથેની રશિયાની ભાગાદીરીથી સીરિયા યુદ્ધ માટે કારણભૂત ઈસ્લામિક વિશ્વમાં ચાલતા શિયા-સુન્ની મતભેદ વધુ ઘાતક બનશે.
તાજેતરના સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત 20111માં અસદની સરકાર સામેના શાંતિપૂર્ણ દેખાવોથી થઈ હતી. ત્યાર બાદ અહીં હિંસક બળવાખોરી શરૂ થઈ હતી. સીરિયાનું ગૃહયુદ્ધ આંશિકપણે સરકાર વિરુદ્ધ લોકોનો જંગ છે.. આંશિકપણે અસદના લઘુમતી સમુદાય અલાવાઈટ્સ સામેનું ધર્મયુદ્ધ છે.. જેમાં ઈરાન અને લેબનાનના હિઝબુલ્લાહનો અસદને સાથ મળી રહ્યો છે. જો કે સીરિયાનું ગૃહયુદ્ધ રશિયા અને ઈરાનનું અમેરિકા તથા તેના મિત્રદેશો સામેનું પ્રોક્સી વૉર પણ છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં લગભગ બે લાખ ત્રીસ હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આઈએસના વધતા પ્રભાવ વચ્ચે સીરિયાની અડધોઅડધ વસ્તી નિરાશ્રિત બનીને દુનિયાના દેશોમાં આશ્રય શોધી રહ્યા છે.
સીરિયામાં અસદના સત્તાવાર જોડાણને રશિયા અને ઈરાન તરફથી ટેકો મળી રહ્યો છે.. તો અમેરિકા અને મિત્રદેશો સાઉદી અરબિયાના સાથી ખાડીદેશો સાથે મળીને અસદ સામેના બંડખોરોને મદદ કરી રહ્યા છે. જો કે આ બધાં દેશોનો એકમાત્ર સમાન શત્રુ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ છે. જો કે પરસ્પર એકબીજાના હિતોનો વેધ સીરિયાના તમામ જૂથોને ઈસ્લામિક સ્ટેટ કરતા વધુ એકબીજા સાથે લડાવી રહ્યો છે.
2013થી ગણતરી કરવામાં આવે તો સીરિયામાં તેર જેટલા મોટા બળવાખોર જૂથો યુદ્ધ લડી રહ્યા છે. અમેરિકાની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીએ નાનાથી માંડીને મોટા બંડખોર જૂથોની ગણતરી કરીને સીરિયામાં કુલ 1200 જૂથો લડી રહ્યા હોવાનું જણાવ્યું છે. અમેરિકાની આગેવાનીમાં નવ દેશોની ગઠબંધન સેના સીરિયામાં હવાઈ હુમલા કરી રહી છે. જો કે કેનેડાના નવા વડાપ્રધાને સીરિયાના સૈન્ય અભિયાનથી અલગ થવાની વાત કરી છે. રશિયાએ ઈરાન અને હિઝબુલ્લાહના લડાકુઓ સાથે મળીને સીરિયામાં આઈએસ અને અન્ય બંડખોર જૂથો વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કર્યા છે. આ સિવાય દુનિયાના ડઝનબંધ દેશોના લોકો આઈએસ અને સીરિયાના અલગ-અલગ બંડખોર જૂથોમાં સામેલ થવા માટે આવતા રહે છે.
સીરિયાના ગૃહયુદ્ધને મુખ્યત્વે ચાર મુખ્ય શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. જેમાં પહેલા મોડરેટમાંથી જેહાદી બનેલા બંડખોરો.. અસદની સેનાઓ અને તેમના ટેકેદારોના વફાદારો.. ઉત્તર-પૂર્વ સીરિયામાં સ્વાયત્તતા મેળવી ચુકેલા કુર્દીશ.. આ કુર્દીશ જૂથો હાલ અસદને દૂર કરવા ઈચ્છતા નથી. કુર્દીશ જૂથો આઈએસ સામે લડી રહ્યા છે. જ્યારે ચોથી શ્રેણીમાં વિદેશી શક્તિઓનો સમાવેશ થાય છે.
સીરિયાના ગૃહયુદ્ધમાં અસદની સરકારને રશિયા, ઈરાન અને હિઝબુલ્લાનો ટેકો મળ્યો છે. તો અસદ સામે લડી રહેલા બંડખોર જૂથોને અમેરિકાની ગઠબંધન સેના.. તુર્કી અને સાઉદી અરેબિયાના દોરીસંચારવાળી ખાડી દેશોની સેનાનો સાથ મળ્યો છે. 
સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ઈસ્લામિક જગતના ધાર્મિક મતભેદોની ભૂમિકા ઘણી મોટી છે. જેમાં શિયાપંથી ઈરાન, અસદના અલાવાઈટ્સ સમુદાય અને હિઝબુલ્લા એક તરફ છે.. તો બીજી તરફ ખાડીદેશો, અસદ વિરોધી બંડખોરો અને સુન્ની આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો સમાવેશ થાય છે. જો કે અસદ સામેના બંડખોર જૂથો અને આઈએસઆઈએસ એકબીજાના કટ્ટર દુશ્મનો તરીકે લડી રહ્યા છે. 
સીરિયાના ગૃહ યુદ્ધમાં અમેરિકા અને રશિયા વચ્ચે મહાસત્તા તરીકે મિડલ-ઈસ્ટમાં વર્ચસ્વના જંગ માટે પ્રોક્સી વૉર લડાતું હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં અમેરિકા અને ખાડી દેશો સાથે યુરોપીયન દેશોની ગઠબંધન સેના છે. તો સામેની બાજું હિઝબુલ્લાહ અને ઈરાનને રશિયાનો ટેકો મળ્યો છે. 
સીરિયામાં લડી રહેલા તમામ દેશો આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેમાં રશિયા અને ઈરાન જેવા દેશો સીરિયામાં અસદની સત્તા રહે તેવો દ્રષ્ટિકોણ ધરાવે છે. જ્યારે અમેરિકા અને ખાડી દેશો ઈસ્લામિક સ્ટેટ સામે લડવાના નામે અસદ પદભ્રષ્ટ થાય તેવો અભિપ્રાય ધરાવે છે. 
કુલ મળીને રશિયાએ અસદના ટેકેદારોની તરફદારી સાથે સીરિયાના ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો છે. તો અમેરિકાએ અસદ વિરુદ્ધ બળવો કરનારા જૂથો તરફથી સીરિયામાં ઝંપલાવ્યું છે. તેના માટે અમેરિકા દ્વારા બળવાખોરોના ચોક્કસ જૂથોને તાલીમ અને શસ્ત્રો આપવામાં આવે છે. અમેરિકાના અસદને પદભ્રષ્ટ કરવાના લક્ષ્યાંકમાં વિરોધાભાસ પણ ઉભરી આવ્યો છે. સીરિયામાં આઈએસ સૌથી મજબૂત અસદ વિરોધી આતંકી જૂથ છે. પરંતુ અમેરિકા આઈએસને ખતમ કરીને તેના સિવાયના બંડખોરોને અસદના સ્થાને સત્તા પર બેસાડવા ઈચ્છે છે. એટલે કે દુશ્મનનો દુશ્મન સીરિયાની લડાઈમાં અમેરિકાનો મિત્ર નથી. પરંતુ અસદના કેટલાંક ચોક્કસ દુશ્મન બળવાખોર જૂથને અમેરિકા મિત્ર બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
જ્યારે સીરિયા સંકટમાં રશિયાએ ખૂબ ઓછી સંવેદનશીલતા દાખવીને બળવાખોર જૂથોમાં કોઈ ભેદ નહીં કરવાનો દ્રષ્ટિકોણ અપનાવીને તમામ અસદ વિરોધી જૂથોને એક જ કાટલે તોળવાનું પોતાની લશ્કરી કાર્યવાહીમાં શરૂ કર્યું છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ઓક્ટોબર માસમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આપેલા નિવેદનનો પડઘો સીરિયામાં રશિયાની કાર્યવાહીમાં દેખાઈ રહ્યો છે. સર્ગેઈ લાવરોવે કહ્યુ હતુ કે જો આતંકવાદી લાગે તો આતંકવાદીની જેમ વર્તો અને આતંકવાદીની જેમ લડો.. તે આતંકવાદીઓ છે.. 
બરાબર ? 

સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવનારા બનાવનારા ત્રણ ખેલાડી – અમેરિકા, ઈરાન અને રશિયા!

સીરિયાના ગૃહયુદ્ધમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ છે. જેમાં સૌથી મોટું ખેલાડી અમેરિકા છે. તેની સાથે ઈરાન અને રશિયા પણ અન્ય મહત્વના સૂત્રધાર છે. સીરિયામાં આ ત્રણેય દેશના હિતો એકબીજા સાથે હરિફાઈ કરી રહ્યા છે અને એકમાત્ર લક્ષ્ય તેમને જોડે તેવી શક્યતા છે. જેમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખાતમો અમેરિકા, ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્ય છે.
અમેરિકાનું લક્ષ્ય સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસદને પદભ્રષ્ટ કરવાનું છે. તેના માટે અમેરિકા ચોક્કસ સીરિયન બળાવખોર જૂથોનું સમર્થન કરી રહ્યું છે. આ સિવાય અમેરિકા અન્ય ત્રણ લક્ષ્યો પણ ધરાવે છે. જેમાં ઈરાકને સૈન્ય સહયોગ આપવાનું લક્ષ્ય ઈરાન સાથે મેળ ખાય છે. તો ઈઝરાયલ સાથે મિત્રતા જાળવી રાખવાનું હિત રશિયા સાથે મેળ ખાય છે. જો કે તેના માટે અમેરિકાએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા માટે પણ લડાઈ લડવી પડે છે. તે અમેરિકા.. ઈરાન અને રશિયાનું સમાન લક્ષ્યાંક છે.
સીરિયામાં ઈરાનના પણ મોટા હિતો સંકળાયેલા છે. ઈરાનના ચાર સ્વતંત્ર રાષ્ટ્રીય હિતો છે. જેમાં સૌથી પહેલું લેબનાનના બળાવખારો જૂથ હિઝબુલ્લાહનું સમર્થન કરવાનું છે. બીજું હિત ઈરાનનું પ્રાદેશિક વર્ચસ્વ વધારવાનું છે. તેના માટે તે સાઉદી અરેબિયાના પ્રાદેશિક વર્ચસ્વને પડકારવા ઈચ્છે છે. તેની સાથે ઈઝરાયલ સાથે આમનો-સામનો કરવાનું પણ તેનું ચોથું રાષ્ટ્રીય હિત છે. ઈરાનના રશિયા સાથે મેળ ખાતા હિતોમાં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અસાદને સૈન્ય અને રાજદ્વારી સમર્થન પુરું પાડવાનું લક્ષ્ય છે. બીજું ઈરાન અને રશિયા બંને સીરિયા ખાતે અમેરિકાની નીતિનો સામનો કરવા ઈચ્છે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે મેળ ખાતું માત્ર એક જ લક્ષ્ય છે અને તે છે ઈરાકને અરાજકતામાંથી બહાર લાવવા માટે ઈરાકની સરકારને લશ્કરી સહયોગ પુરો પાડવાનું છે.
30 સપ્ટેમ્બરથી રશિયાએ સીરિયામાં ભીષણ હવાઈ હુમલા શરૂ કર્યા છે. જેમાં રશિયાના બે સ્વતંત્ર હિતો છે. એક રશિયા પોતાની મહાસત્તા તરીકેની પ્રતિષ્ઠાની પુનર્સ્થાપના કરવા ઈચ્છે છે અને તેની સાથે ભૌગોલિક રીતે રશિયાની નજીકના મધ્ય-પૂર્વ એશિયા પર પ્રાદેશિક પ્રભાવ જમાવવાની પણ મોસ્કો ઈચ્છા ધરાવે છે. આ સાથે અમેરિકા અને રશિયાનું સમાન લક્ષ્ય ઈઝરાયલ સાથેની મિત્રતા જાળવવાનું પણ છે.
અમેરિકા, રશિયા અને ઈરાન ત્રણેયને સુન્ની આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટથી જોખમ છે. તેથી ત્રણેયનું સમાન લક્ષ્ય સીરિયા અને ઈરાકમાંથી આતંકવાદી જૂથ આઈએસનો પ્રભાવ ખતમ કરવાનું છે. આ ત્રણેય દેશોના સમાન અને સ્પર્ધાત્મક હિતોના ટકરાવે સીરિયાના ગૃહયુદ્ધને જટિલ ચક્રવ્યૂહ બનાવી દીધો છે.

2015ના નવેમ્બર માસ સુધીમાં ફ્રાન્સમાં થયા છે 6 આતંકી હુમલા

ફ્રાન્સ અને ખાસ કરીને તેની રાજધાની પેરિસ 2015ની શરૂઆતથી જ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના આતંકી હુમલાના જોખમ તળે જ રહ્યું છે. ફ્રાન્સની ભૌગોલિક સ્થિતિ અને ડેમોગ્રાફીનો આઈએસ પર ઘણી મોટી ભૂમિકા હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. તાજેતરના હુમલાને સામેલ કરવામાં આવે 2015માં ફ્રાન્સમાં કુલ છ આતંકવાદી હુમલા થયા છે.
સાત જાન્યુઆરી, 2015ના રોજ પેરિસમાં કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દોના કાર્યાલય પર બે બંદૂકધારીઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને ચાર કાર્ટૂનિસ્ટ એક મુખ્ય સંપાદક સહીત વીસ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

3 ફેબ્રુઆરી, 2015ના રોજ નાઈસમાં એક યહુદી સામુદાયિક કેન્દ્ર પર હુમલો કરીને તેની સુરક્ષામાં તેનાત ત્રણ સૈનિકોને ઘાયલ કરાયા હતા. 

19 એપ્રિલ, 2015ના રોજ એક અલ્જેરિયન દ્વારા બે ચર્ચો પર હુમલો કરાયો હતો. તેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. 

26 જૂન, 2015ના રોજ પૂર્વ ફ્રાન્સની ગેસ ફેક્ટરીમાં શંકાસ્પદ હુમલાખોરે એક વ્યક્તિનું માથું વાઢયું હતું અને બે વ્યક્તિઓને ઘાયલ કરી હતી. 

21 ઓગસ્ટ-2015ના રોજ એમ્સટર્ડમથી પેરિસ જતી એક હાઈસ્પીડ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી. તેમા ચાર લોકો ઘાયલ થયા હતા. 

14 નવેમ્બર, 2015ના રોજ પેરિસમાં સાત સ્થાનો પર આતંકી હુમલા થયા અને 160થી વધુ લોકોના મોત નીપજ્યા.. જ્યારે બસ્સોથી વધારે લોકો ઘાયલ થયા છે. 

ISISની મધ્ય-પૂર્વ એશિયાથી વિસ્તરી રહેલી આતંકની જાળ, 11 દેશો બન્યા છે ખૂની ખેલનો ભોગ

આઈએસનો ચીફ બગદાદી...આતંકનો આકા હોવા છતાં પોતાને ખલીફા ગણાવે છે. આઈએસ દ્વારા અગિયાર દેશોને નિશાન બનાવાયા છે અને બગદાદીનું આતંકી સંગઠન આઈએસ વૈશ્વિક પડકાર છે. 

પેરિસમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓની જવાબદારી આઈએસઆઈએસએ લીધી છે. ઈરાક અને સીરિયાના કેટલાક ભાગ પર કબજો કરાયા બાદ આઈએસના ચીફ અબુ બકર અલ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કરીને સીરિયા અને ઈરાકના મોટા ભાગ પર પોતાની હકૂમત સ્થાપવાનો દાવો કર્યો છે.
પેરિસ પર તાજેતરમાં (13-11-2015) થયેલા હુમલાઓ સંકેત આપી રહ્યા છે કે આઈએસ યુરોપમાં પણ પોતાના પગ ફેલાવી રહ્યું છે. આ પહેલા પણ પેરિસમાં થયેલા હુમલામાં આઈએસનો હાથ હોવાનું સામે આવી ચુક્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાએ લગભગ અગિયા દેશોમાં આતંકવાદી હુમલા કર્યા છે. જેને કારણે આઈએસને હવે દુનિયાના દેશો વૈશ્વિક પડકાર માની રહ્યા છે.
આઈએસઆઈએસએ દુનિયાના અગિયાર દેશોને નિશાન બનાવ્યા છે. જેમાં સાઉદી અરેબિયા.. ફ્રાન્સ.. લીબિયા.. લેબનાન.. ઈજીપ્ત.. ટ્યૂનેશિયા.. યમન.. અફઘાનિસ્તાન.. તુર્કી.. કુવૈત અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.
2015ના વર્ષની શરૂઆતમાં સાતમી જાન્યુઆરીએ ફ્રાન્સના કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દો પર હુમલો કરીને ચાર કાર્ટૂનિસ્ટો અને એક મુખ્ય સંપાદક સહીત વીસ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. બાંગ્લાદેશમાં એક પછી એક બ્લોગરોની હત્યામાં પણ આઈએસનો હાથ છે. ઈજીપ્તથી રશિયા જતી ફ્લાઈટને તોડી પાડવનાનો પણ આતંકી જૂથે દાવો કર્યો છે. જેમાં 224 પ્રવાસીઓના મૃત્યુ થયા છે.
રશિયા સીરિયામાં આઈએસ સામે હવાઈ હુમલા કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન સહીત મોટાભાગના દેશોમાંથી આઈએસ સાથે જોડાયેલા શકમંદ આતંકવાદીઓની ધરપકડ થઈ ચુકી છે. પાકિસ્તાનમાં પણ કરાચી ખાતે ખોજા યાત્રાળુઓની બસ પર હુમલો કરીને પચાસથી વધુ શિયાપંથી લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં આઈએસનો હાથ હોવાનું ચર્ચાયું હતું. આઈએસની વધતી સક્રિયતા અને વર્ચસ્વના સીધા સંકેત છે કે તેણે અલકાયદા અને અન્ય ઈસ્લામિક આતંકી જૂથોનું સ્થાન લેવાનું શરૂ કર્યું છે. 

Wednesday, November 4, 2015

પાટલિપુત્રનું પાણિપત: બિહારમાં ભાજપની જીત લાલુ-નીતિશનો રાજકીય અંત, ભાજપની હાર મોદીના વળતા પાણી

- પ્રસન્ન શાસ્ત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એકબીજાના કટ્ટર રાજકીય વિરોધી ગણાય છે. બંને વચ્ચેની રાજકીય દુશ્મની બંનેની જનતામાં લોકપ્રિયતા સાબિત કરવાનો જંગ લોકસભાની ચૂંટણીથી બની રહ્યો છે. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોદી અને નીતિશના રાજકીય જંગનો ચુકાદો સંભળાવશે.
બિહારનો ચૂંટણી જંગ જીતવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. ભારતના રાજકીય ઈતિહાસમાં કદાચ પહેલા પ્રસંગ છે કે જ્યારે કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાને ચાલીસથી વધારે ચૂંટણી સભાઓને સંબોધિત કરી હોય. પરંતુ આ રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે થયો છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બિહારનો ચૂંટણી જંગ વડાપ્રધાન મોદી માટે કેટલો વધારે મહત્વનો છે. વડાપ્રધાન મોદીની આખી કેબિનેટ... ભાજપના પચાસ જેટલાં સાંસદો અને આરએસએસના હજારો કાર્યકર્તાઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાતદિવસ એક કરીને એનડીએની જીત માટે સંપૂર્ણપણે સક્રિય રહ્યા છે. મોદીએ બિહારની ચૂંટણીને પોતાના માટેનો પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો હતો. સૌને ચોક્કસ સવાલ થતો હશે કે આખરે બિહારની ચૂંટણી મોદી માટે આટલી મહત્વપૂર્ણ શા માટે છે? બિહારની ચૂંટણી માત્ર મોદી માટે જ નહીં.. પણ લાલુ તથા નીતિશ માટે પણ અસ્તિત્વની લડાઈ છે.

બિહારમાં ભાજપની જીતનો અર્થ- 



જો બિહારની ચૂંટણીમાં લાલુ અને નીતિશના ગઠબંધનની હાર થશે તો તેનાથી સામાજિક પરિવર્તનના દાવાવાળા તેમના રાજકીય આંદોલનને મોટો ફટકો પડશે અને આ પ્રક્રિયામાં તેઓ પોતાની ઉપયોગિતા ગુમાવી દેશે. સેક્યુલર રાજનીતિના નામે મોદીને ઘેરવાનો ચક્રવ્યૂહ પણ લાલુ-નીતિશની હારથી ધ્વસ્ત થશે. આ સાથે લાલુ અને નીતિશના રાજકીય પક્ષોના અસ્તિત્વની પણ ભવિષ્યમાં કોઈ ગેરેન્ટી રહેશે નહીં. તેના કારણે તેઓ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના બિનભાજપી પક્ષો માટે ચૂંટણી સમીકરણોમાં મહત્વ ગુમાવી દેશે.
બિહારમાં ભાજપની જીતનો અર્થ થશે મોદીની સત્તાને પક્ષમાં કોઈ પડકારી નહીં શકે અને તેમના માટે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવાની સૌથી મોટી રાજકીય પરીક્ષા એકદમ આસાન બની જશે. વ્યક્તિગત રીતે મોદી સામે ભાજપની અંદર રહેલા તેમના વિરોધીઓનો ખતરો સમાપ્ત થઈ જશે. મોદી કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ વગર પોતાના એજન્ડા પર વધુ અસરકારક રીતે આગળ વધી શકશે અને ભાજપમાંથી કોઈ વિરોધના સૂર ઉભા થઈ શકશે નહીં. ભાજપની ભગવા નીતિ પર મોદી એન્ગલ પ્રભાવી બની જશે. સંઘ પરિવારમાં પણ નરેન્દ્ર મોદી સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવશે. બિહારમાં ભાજપની જીત મોદીની જીત ગણાશે અને આરએસએસના સર્વોચ્ચ નેતૃત્વને પણ વડાપ્રધાનની લોકપ્રિયતા સામે ગુજરાતની જેમ જ વામણા બનીને ઉભા રહેવું પડશે.

ભાજપની હારની સંભવિત અસરો- 



પરંતુ ભાજપ બિહારમાં હારશે તો સૌથી વધારે મુશ્કેલી જેમના નામે વિધાનસભાની ચૂંટણી લડાઈ તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સર્જાશે. ભાજપની અંદર મોદી વિરોધી સૂર વધુ મુખર બનશે. વડાપ્રધાન મોદીના નિર્ણયો સાથેની અસંમતિઓ પણ ખુલ્લેઆમ પ્રદર્શિત થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ બનશે. ભાજપના મોદીકરણથી દુખી એવા વરિષ્ઠ નેતાઓ સાથે મળીને પ્રતિરોધની જમીન તૈયાર કરે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી. વખતોવખત અડવાણી.. શાંતાકુમાર.. શત્રુઘ્નસિંહા.. અરુણ શૌરી.. યશવંતસિંહા.. મુરલી મનોહર જોશી.. સહીતના ઘણાં નેતાઓ પરોક્ષપણે મોદી નીતિ સામે પોતાનો અણગમો વ્યક્ત કરી ચુક્યા છે. આ સંખ્યામાં વધારો થઈ શકે છે. બિહારમાં ભાજપની હાર એનડીએના સમીકરણોમાં પણ અસંતુલનો પેદા કરી શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને પંજાબમાં શિરોમણી અકાલી દળ ભાજપથી નાખુશ છે. બંનેની નારાજગી વખતોવખત સપાટી પર આવતી રહી છે. આવા સંજોગોમાં બિહારમાં ભાજપની હાર થાય તો તેનો પહેલો રાજકીય ફટાકડો મહારાષ્ટ્રમાં શિવસેના અને ત્યાર બાદ પંજાબમાં શિરોમણી અકાલીદળ ફોડે તેવી શક્યતાઓનો ઈન્કાર થઈ શકે તેમ નથી. 


ભાજપની હારની સંભવિત અસરો - 



બિહારમાં લાલુ-નીતિશનું મહાગઠબંધન જીતી જશે.. તો તેનો અર્થ થશે કે સીધી મોદીની લહેર સમાપ્ત થઈ ચુકી છે. મોદીની સરકારને સત્તર માસ બાદ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે વાયદા અને વાતોથી આગળ વધીને પરિણામલક્ષી વાસ્તવિક કામ આપવું પડશે. વડાપ્રધાન મોદીના વિશ્વવિહારની સાથે રાષ્ટ્રવિહાર પણ જરૂરી બનશે. મોદીએ પોતાની લોકપ્રિયતા અને લોકસંપર્ક જાળવવા માટે ચૂંટણી સિવાયનું દેશવ્યાપી સંપર્ક અભિયાન કરવું પડશે. સંસદમાં લાલુ-નીતિશની જીત બાદ વિપક્ષી દળો ગેલમાં આવીને સરકારને ઘેરવા માટે વધુ આક્રમક વલણ અખત્યાર કરશે. કથિતપણે વધતી અસહિષ્ણુતા અને લલિતગેટ સહીતના મુદ્દે મોદી સરકારને સંસદમાં વધુ તીખા રાજકીય હુમલા સહન કરવા પડશે.
બિહારમાં લાલુ-નીતિશની જીતનો અર્થ થશે કે ભાજપની ભગવા નીતિ અને તેનો મોદી એન્ગલ નરમ બનવવો પડશે. યુપીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વધુ આક્રમક રણનીતિ દ્વારા લોકસભા જેવી જીત મેળવવા તનતોડ મહેનત કરવી પડશે. તેની સાથે સેક્યુલારિજમના નામે લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ કેટલાંક સ્તરે લાલુ-નીતિશની બિહારમાં જીતથી સપાટી પર આવી જશે. તેના માટે મોદી સરકારે પણ કેટલીક સમજૂતીઓ કરવી પડશે. અનામતની રાજનીતિ વધુ વકરશે અને લાલુ-નીતિશનું મહાગઠબંધન સરકાર સામે નવો પડકાર સર્જી શકશે.
મોદીને લોકસભા અને રાજ્યસભામાં મહત્વના બિલો મામલે મનસ્વી વલણથી દૂર રહેવાની ફરજ પડશે. દિલ્હી વિધાનસભાની હાર બાદ જેવી રીતે જમીન સંપાદન બિલ મામલે પારોઠમાં પગલા ભરવા પડયા તેવી સ્થિતિ અન્ય આર્થિક સુધારાના એજન્ડા પર ઉભી થશે. જેના કારણે વર્લ્ડ બેન્ક.. અમેરિકા.. રેટિંગ એજન્સીઓ ઈચ્છે છે તેવા આર્થિક સુધારા વડાપ્રધાન મોદીને કરવા હશે તો તેઓ લાલુ-નીતિશની બિહારમાં જીત બાદ કરી શકશે નહીં. બિહાર જેવા જ મોદી વિરોધી મોરચા માટે બિનભાજપી પક્ષો રાષ્ટ્રીય સ્તરે પણ કોશિશો કરે તેવી શક્યતાઓ પણ મહાગઠબંધનની જીત બાદ પ્રબળ બની જશે.
બિહાર હાલ સ્પષ્ટપણે બે મોરચામાં વહેંચાઈ ચુક્યું છે. પાંચ તબક્કામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દરેક તબક્કા બાદ બંને તરફથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આઠમી નવેમ્બરે બિહારની જનતાનો ચુકાદો માત્ર લાલુ અને નીતિશના રાજકીય ભવિષ્ય માટે જ નહીં.. પણ આ પરિણામ ભારતના ભવિષ્યની રાજનીતિની દિશા નક્કી કરનાર બની રહેશે.

બિહારનો ચુકાદો : મોદીની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા કે લાલુ-નીતિશના રાજકીય અસ્તિત્વનો ફેંસલો?

- પ્રસન્ન શાસ્ત્રી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર ખાતેની સરકારનો સત્તર માસનો સમયગાળો પૂર્ણ થયો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે મોદીનો વિજયરથ રોક્યો.. હવે બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મોદીની લોકપ્રિયતાની લહેર અને ભારતના રાજકારણની ફંટાઈ રહેલી દિશાના ભવિષ્યને નક્કી કરશે. 


બિહાર વિધાનસભાની ચૂંટણીને દેશની ચૂંટણી ગણાવીને લાલુપ્રસાદ યાદવ અને નીતિશ કુમારે જાની દુશ્મની છોડીને દોસ્તીનું મહાગઠબંધન બનાવ્યું. તેમાં કોંગ્રેસે પણ સાથ પુરાવ્યો.. તો સામે છેડે ભાજપ સાથે રામવિલાસ પાસવાનની એલજેપી.. જિતનરામ માંઝીની હમ અને આરએલએસપીનું એનડીએ છે. 

બિહાર ભારતના સૌથી પછાત રાજ્યોમાંથી એક છે. અહીં ગરીબી અને પછાતપણાનું સૌથી મોટું કારણ જાતિવાદી રાજકારણ છે. બિહારની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને લહેર દાંવ પર છે. તો નીતિશ અને લાલુના રાજકીય ભવિષ્યમાં ઘણું બધું દાંવ પર લાગેલું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બંને ગઠબંધનોની આગામી રાજકારણની દિશાને નક્કી કરતો ચુકાદો આપશે. 



બિહારમાં પછાત જાતિઓની બહુમતી છે. પરંતુ રાજ્યના રાજકારણ.. સંસાધનો અને અર્થવ્યવસ્થામાં કેટલીક ચોક્કસ જાતિઓના એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. બિહારની સામંતવાદી વ્યવસ્થાને રાજકીય સ્તરે સૌથી પહેલીવાર લાલુપ્રસાદ યાદવે જનતાદળ હેઠળ રહીને પડકારી હતી. તેમણે મુખ્યપ્રધાન તરીકે સામાજિક પરિવર્તનનું એક નવું રાજકારણ શરૂ કર્યું અને પછાત વર્ગોનો રાજકીય અવાજ બુલંદ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ ચારાકાંડ સહીતના ભ્રષ્ટાચારના મુદ્દા અને વધેલી ગુનાખોરીએ લાલુ અને તેમના જેલગમન બાદ તેમના પત્ની રાબડી દેવીના રાજને જંગલરાજની ઉપમા મળી હતી. જો કે લાલુપ્રસાદ યાદવના રાજકીય મૂળ ભ્રષ્ટાચાર સામેના જેપી આંદોલનમાં છે. પરંતુ તેમને ચારા કાંડના મામલે કોર્ટે સજા ફટકારી છે અને હાલ તેઓ જામીન પર જેલમાંથી બહાર છે. 



જેપી આંદોલનથી લાલુપ્રસાદ યાદવના સાથીદાર રહેલા નીતિશ કુમાર તેમનાથી કંટાળીને પહેલા સમતા પાર્ટી અને બાદમાં જનતાદળ-યૂનાઈટેડ બનાવી છે. નીતિશ કુમારની પાર્ટી અટલ-અડવાણીના યુગની ભાજપ સાથે જોડાણ કરીને એનડીએ સાથે સત્તર વર્ષ સુધી રહી. પરંતુ ભાજપમાં મોદીયુગના ઉદય સાથે નીતિશ કુમારે જેડીયુનો ભાજપ સાથે સંબંધ વિચ્છેદ કર્યો હતો. બિહારમાં મોદીની લોકપ્રિયતાની લહેર પર આગળ વધી રહેલા વિજયરથને રોકવા માટે લગભગ દોઢ દાયકો એકબીજાના જાની રાજકીય દુશ્મન રહેલા નીતિશ અને લાલુ મહાગઠબંધનના મિત્ર બન્યા છે. 


નીતિશ કુમાર પણ દશ વર્ષથી બિહારના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કરી ચુકયા છે. જેમાં 2005થી 2013 સુધી જેડીયુ અને ભાજપે બિહારમાં વિકાસના મસમોટા દાવા સાથે રાજ કર્યું હતું. પરંતુ બાદમાં નીતિશની વ્હારે લાલુ અને કોંગ્રેસ આવ્યા.. નીતિશ કુમારે પણ દલિત અને મહાદલિત તથા અતિપછાતની રાજનીતિને આગળ વધારી છે. તેમણે સુશાસન બાબુ તરીકે બિહારની ખોરંભે પડેલી સંસ્થાઓને બહાલ કરીને સ્થિરતા પ્રદાન કરી છે. બિહારના ચૂંટણી પરિણામો રાજ્યમાં નીતિશ કુમારની લોકપ્રિયતાની પણ અગ્નિપરીક્ષા છે.