Monday, November 20, 2017

2017ની ગુજરાતની ચૂંટણી: ભારતની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા




-          પ્રસન્ન શાસ્ત્રી

ધર્મ એક અફીણ હોવાનું હિંદુઓના અત્યંત ધર્માંવલંબનને ઉતારી પાડીને તેમની લાગણીને ઠેસ પહોંચાડવા માટે કમ્યુનિસ્ટ અને સોશલિસ્ટો દ્વારા બહુપ્રચારીત વાક્ય છે. આ વાક્ય ધર્માંધતાની હદે જનારા દેશદુનિયાના મુસ્લિમો માટે વાપરવામાં આવતું નથી. ભારતની રાજનીતિમાં સેક્યુલારિઝમનો અર્થ છે, હિંદુઓની લાગણીઓનો વિરોધ, અવગણના અને અનાદર.. ભારતની રાજનીતિમાં 60 વર્ષ જેટલો લાંબો સમય સુધી કેન્દ્રની સત્તામાં રહેનારી કોંગ્રેસે દેશમાં આવું જ સેક્યુલારિઝમ ચલાવ્યું છે. કોંગ્રેસનું આવું સેક્યુલારિઝમ ભારતની રાજનીતિમાં એક પરિપાટી બની ચુક્યું છે. આવા સેક્યુલારિઝ્મની રાજરમતના ખેલાડીઓને ગુજરાત સતત બાવીસ વર્ષથી હરાવતું આવ્યું છે. 2017ની ચૂંટણીના પરિણામમાં જીત કોની થશે તે મહત્વનું નથી, પણ આમા ફરીથી હિંદુદ્રોહીઓ નાપાસ થવાના હોવાનું નિશ્ચિત છે. 

રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતની ભૂમિકા:

ભારતની આઝાદી વખતે સોમનાથ મંદિર નિર્માણનું કામ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે સંસદમાં કાયદો પસાર કરાવીને કરાવ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિર નિર્માણમાં ખાસ રસ દાખવ્યો ન હતો. હવે ભારતની રાજનીતિના હિંદુકરણ માટે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. અયોધ્યા જ આઝાદ ભારતમાં રાષ્ટ્રીય રાજનીતિના હિંદુકરણનું પ્રારંભબિંદુ છે અને તેનું પૂર્ણબિંદુ પણ અયોધ્યા જ હશે.
ભારતની રાજનીતિના હિંદુકરણમાં ગુજરાતે એક રાષ્ટ્રીય ભૂમિકા નિભાવી છે. ગુજરાતે 1989-90, 2002, 2014માં ભારતના લોકોને રાષ્ટ્રીય દિશાનો નિર્દેશ કર્યો હતો. ગુજરાત જે દિશામાં ચાલ્યું તે દિશામાં દેશે મજબૂતાઈથી દોડવાનું મુનાસિબ માન્યું છે. 2017ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પણ એક આવો જ પડાવ છે. 18 ડિસેમ્બરે ગુજરાતની જનતાનો જે પણ કોઈ ચુકાદો આવશે, તેના આધારે ભારતના લોકો પોતાના ભવિષ્યને લઈને આગામી નિર્ણય કરવાના છે.

22 વર્ષથી ગુજરાત દેશની હિંદુત્વની રાજનીતિનો ગઢ રહ્યું છે. હિંદુત્વની રાજનીતિના ગઢના કાંગરા ખેરવવા માટે કોંગ્રેસ સતત કોશિશ કરતી રહી છે. પણ 2017માં કોંગ્રેસે હિંદુત્વની રાજનીતિના કાંગરા ખેરવવાના સ્થાને હિંદુત્વની રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે ફરી રહ્યા છે. પોતાને શિવભક્ત પણ ગણાવી રહ્યા છે. આ બધું થઈ રહ્યું છે, ગુજરાતની ચૂંટણી જીતવા માટેની કવાયતના ભાગરૂપે. તો સામે પક્ષે વિકાસની વાતોની સાથે હિંદુઓની લાગણીઓની ચિંતાઓનો પડઘો પણ ભાજપના ચૂંટણી પ્રચારમાં દેખાઈ રહ્યો છે. એટલે કે કુલ મળીને દેશની રાજનીતિના હિંદુકરણના દ્રઢીકરણની પ્રક્રિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધતી દેખાઈ રહી છે.

સાવરકરની હાકલ બનશે હકીકત:

વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર એવા ભારતની ઓળખને વિશ્વની સામે ફરીથી પ્રસ્થાપિત કરવાની એક લડાઈ હવે આખરી તબક્કા તરફ આગળ વધી રહી છે. આ લડાઈનો પહેલો પડાવ 1989-90ની રામરથ યાત્રા હતો, બીજો પડાવ 2002ની ગુજરાત ગૌરવયાત્રા હતી અને ત્રીજો પડાવ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હશે. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે 1947 પહેલા ભારતની રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની દૂરંદેશીથી ભરપૂર હાકલ કરી હતી. પરંતુ સમાજવાદ અને સામ્યવાદી વિચારધારાના અફીણના ઘેનમાં ચકચૂર બનેલા તત્કાલિન નેતાઓએ વીર સાવરકરની હાકલની અવગણના કરી હતી.

આઝાદી બાદ પણ સોશયાલિસ્ટ ગણાવવાની લ્હાયમાં કમ્યુનિસ્ટોની વૈચારીક કાંખઘોડીએ ચઢીને દેશની રાજનીતિમાં હિંદુઓને હાંસિયામાં ધકેલવાની સતત કોશિશ થઈ હતી. હિંદુઓની લાગણીઓને રંજાડવી અને માગણીઓને નામંજૂર કરવાનો ધંધો ચૂંટણીની રાજનીતિના કારોબારીઓ દ્વારા સતત થતો રહ્યો છે. ભારતને જાતિવાદી રાજકારણના વમળોમાં નાખનારા રાજનેતાઓએ પાકિસ્તાનના અસ્તિત્વમાં આવ્યા બાદ પણ પાકિસ્તાનવાદી વલણ ધરાવતા મુસ્લિમોને તુષ્ટિકરણની રાજનીતિમાં પ્રાસંગિકતાનો પ્રાણવાયુ પુરો પાડતા રહ્યા છે. સેક્યુલારિઝમના નામે હિંદુદ્રોહની ભારતદ્રોહી રાજનીતિ કરવી આવા રાજકારણીઓ માટે માત્ર ચૂંટણી જીતવાની રણનીતિ હતી.

પહેલો પડાવ:

ભારતમાં હિંદુઓને પોતાની સતત અવગણના અને અખંડ ભારતના તુષ્ટિકરણની રાજનીતિથી થયેલા ટુકડા સતત પીડા આપી રહ્યા હતા. 1989-90માં રામરથ યાત્રા ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં પહેલો પડાવ હતો અને આ પહેલા પડાવની ચરમસીમા 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ધ્વંસના સ્વરૂપમાં જોવા મળી હતી. બાબરી ધ્વંસ કોઈ ઈમારતને નષ્ટ થવાનો મામલો ન હતો. બાબરી ધ્વંસનો દિવસ દરેક ભારતીયો માટે સ્વાભિમાન દિવસ છે. બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા રામજન્મભૂમિને રંજાડવાના દુષ્કૃત્ય સામેનો સ્વાભિમાની હિંદુઓનો આક્રોશ હતો કે જેણે બાબરીને ધ્વંસ કરી હતી.

બીજો પડાવ:

ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયા સતત આગળ વધતી રહી અને 2002માં ગોધરાકાંડનો ગુનો કરનારા લોકો સામે ગુજરાતની જનતાએ રાજકારણીઓને નવી રાજકીય દિશાના નિર્દેશ કર્યા અને હિંદુ સ્વાભિમાનના ગૌરવપથ પર ગૌરવયાત્રા કાઢનારાઓને સતત જનસમર્થન આપ્યું  હતું. આ રાજનીતિના હિંદુકરણનો બીજો પડાવ હતો. 2002માં હિંદુઓના ગૌરવરથ પર સવાર થનારાઓને 2014માં દિલ્હીની ગાદીની સોંપણી પણ દેશભરના હિંદુઓએ કરી છે. ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના બીજા તબક્કાની આ ચરમસીમા છે.

ત્રીજા પડાવનો પ્રારંભ: ગુજરાતની પ્રેરણાથી કોંગ્રેસ હિંદુત્વના માર્ગે :

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાના ત્રીજા તબક્કાની શરૂઆત છે. આ ત્રીજા તબક્કાની ચરમસીમા તેના પ્રારંભની તીવ્રતાના આધારે આકાર પામવાની છે. ગુજરાતની 2017ની ચૂંટણી રાજનીતિના હિંદુત્વની દિશામાં સીમાચિન્હરૂપ ઘટના છે. 2005માં અફઘાનિસ્તાનમાં તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે બાબરની મજાર પર માથું ટેકનારા રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં મંદિરે-મંદિરે દેવીદેવતાઓના દર્શન કરતા નજરે પડે છે. ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ શિવભક્ત છે અને તેમના મંદિરે જવાથી ભાજપ ડરી રહ્યું છે.

મંદિરે-મંદિરે ફરતા રાહુલ ગાંધી:

ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ લેખ લખવાની તારીખ સુધીમાં ગત લગભગ 60 દિવસમાં ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. આ ચાર મુલાકાતોમાં રાહુલ ગાંધીએ ગુજરાતના 20 જેટલા મંદિરોમાં માથું ટેકવ્યું છે.

રાહુલ ગાંધીએ 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પાંચ મંદિરો દ્વારકાધિશ મંદિર, કાગવડમાં ખોડલધામ, વીરપુરમાં જલારામ મંદિર, ચોટિલાનું ચામુંડા મંદિર અને રાજકોટમાં દાસીજીવન મંદિર ખાતે દર્શન કર્યા હતા. પહેલી નવેમ્બરના ચૂંટણી પ્રચારના બીજા તબક્કામાં રાહુલ ગાંધીએ નડિયાદના સંતરામ મંદિર, ખેડાના રણછોડરાય મંદિર, ફાગવેલના ભાથીજી મહારાજના મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે પણ ગયા હતા. ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતની મુલાકાત વખથે રાહુલ ગાંધી નવેમ્બર મહિનામાં નવસારીના ઉનઈ માતાના મંદિર, ગાંધીનગરના અક્ષરધામ મંદિર, બનાસકાંઠાના અંબાજી મંદિર, મહેસાણાના બહુચરાજી મંદિર, વાલીનાથ મંદિર, પાટણના મેઘમાયા મંદિર અને વારનના ખોડિયાર મંદિર પણ ગયા હતા. કોંગ્રેસ કેડરનો દાવો છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં લગભગ તમામ મુખ્ય મંદિરોમાં જઈને દર્શન કર્યા છે અને આમાના ઘણાં એવા મંદિર છે કે જ્યાં નરેન્દ્ર મોદી 2001 બાદ કોઈપણ ચૂંટણી દરમિયાન દર્શન કરવા માટે ગયા નથી. 2012ની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર છ મંદિરમાં જ દર્શનાર્થે ગયા હતા.

2017ની ગુજરાતની ચૂંટણી એવી પહેલી ચૂંટણી છે કે જ્યાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંદિરોમાં જવાની સરખામણી થઈ રહી છે. એટલે કે જે ગુજરાતના હિંદુત્વની પ્રયોગશાળાના નામે ઓળખાવીને ગુજરાતની ચૂંટણીમાં હિંદુ આતંકવાદ અને મોત કા સોદાગર જેવા શબ્દપ્રયોગ કરનારી કોંગ્રેસને હવે નરમ હિંદુત્વના માર્ગે આવવું પડયું છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં પહેલીવાર મુસ્લિમોની ચર્ચા અને મુસ્લિમ નેતાઓની આગેવાની દેખાઈ રહી નથી. જંબુસરની જાહેરસભામાં પણ રાહુલ ગાંધીને મહંત દ્વારા આશિર્વાદ આપવાની ઘટના બની છે. કોંગ્રેસના ચૂંટણી સભાઓમાં જવલ્લે જોવા મળતી ઘટનાઓ 2017ની ગુજરાતની ચૂંટણીના અભિયાનોમાં જોવા મળી છે.
જૌહરની આગમાં દેશની આન-બાન-શાન માટે જીવન ન્યોછાવર કરી દેનારા ચિત્તોડના મહારાણી પદ્માવતી પર બનેલી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડના મામલે ઉગ્ર આક્રોશનું દેશભરમાં વાતાવરણ છે. દર વખતે અભિવ્યક્તિની આઝાદીના નામે આવા તત્વોને છાવરનારા કોંગ્રેસના નેતાઓ દ્વારા પદ્માવતી ફિલ્મના વિરોધમાં લોકલાગણીની સાથે રહેવાની કોશિશ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે સૌથી ધ્યાન ખેંચનારી બાબત છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય મામલે થયેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના મંથનમાં કેટલાક તારણો મીડિયામાં એન્ટની રિપોર્ટના નામે ખાસા ચર્ચાસ્પદ રહ્યા હતા. જેમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતીનો અનાદર કરતા અને લઘુમતીઓની આળપંપાળ કરતા સેક્યુલારિઝમ સંદર્ભે પાર્ટીના રાજકીય ભવિષ્યને લઈને કેટલીક ચેતવણીઓ આપવામાં આવી હતી. જેનો અમલ કદાચ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરતા દેખાઈ રહ્યા છે.

હિંદુઓનું ભવિષ્યમાં પણ સમ્માન કરશે રાહુલ ગાંધી?:

આશા રાખીએ કે જેએનયુમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ પાસે જનારા રાહુલ ગાંધીને ભારતના વારસાનું ગૌરવ સમજાય અને તેને જાળવવાની ઈશ્વર તેમને શક્તિ આપે. ગૌહત્યા મામલે ચાલી રહેલા રાજકીય વિવાદમાં કેરળમાં યૂથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જાહેરમાં વાછરડીનું ગળું રહેસવાની ઘટના જેવી રાક્ષસી વૃત્તિ ધરાવનારાઓથી કોંગ્રેસ મુક્ત બને. (રાહુલ ગાંધી એ જાહેરમાં ગૌકશી કરનારા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાને પાર્ટીમાંથી બરતરફ પણ કર્યો છે.) તેવી જ રીતે ઈશાન ભારતના મેઘાલય જેવા રાજ્યો, ગોવા અને કેરળમાં બીફ મામલે ભાજપના કથિતપણે નરમ વલણ પર દેશભરનો હિંદુ ચિંતિત પણ છે.

ભારતના રાષ્ટ્રીયત્વની ઓળખ હિંદુઓથી છે. હિંદુ કોમવાદી શબ્દ નથી, પણ હિંદુ રાષ્ટ્રવાદી ઓળખને ઉજાગર કરતો શબ્દ છે. આવા સંજોગોમાં ભારત વિરોધી તત્વોના ખાત્મા માટે આખો દેશ રાષ્ટ્વાદના મુદ્દે એકજૂટ બને તેવું થવું જરૂરી છે. ગુજરાત હિંદુત્વના રાજકારણને કારણે ખામ થિયરીના જાતિવાદી રાજકારણમાંથી માંડ બહાર આવ્યું છે. જો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોમાં દર્શને જઈને ઈશ્વર સામે માથું ટેકવે છે.. તો ઈશ્વર તેમને સદપ્રેરણા આપે અને ખરેખર નિતાંત વિશ્વ કલ્યાણની ભાવના ધરાવતા હિંદુઓની દેશની રાજનીતિમાં અવગણના બંધ કરવા માટે રાહુલ ગાંધીને પ્રેરીત કરે.
રાહુલ ગાંધીના પિતાશ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કોર્ટના નિર્દેશ બાદ અયોધ્યા ખાતે રામલલાના દર્શન માટે તત્કાલિન ઢાંચાના દરવાજા ખોલવાની હિંમત દેખાડી હતી. ભારતનો હિંદુ આશા રાખે છે કે શિવભક્ત રાહુલ ગાંધી શિવના ઈષ્ટ ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવી ભગવાન શિવ તેમને પ્રેરણા આપે. સોમનાથ મંદિર નિર્માણમાં પરનાના જવાહરલાલ નહેરુ જેવી નિરાશા રામમંદિર નિર્માણમાં દાખવવાનું રાહુલ ગાંધીએ ટાળીને પિતા રાજીવ ગાંધીને અનુસરવા જોઈએ. ભૂતકાળમાં રાહુલ ગાંધી જ કહી ચુક્યા છે કે ગાંધી-નહેરુ પરિવારના વ્યક્તિ વડાપ્રધાન હોત, તો બાબરી ધ્વંસ થવા દીધો ના હોત.. આશા છે કે ભવિષ્યમાં તેવો આવા નિવેદનો કરવાની રાજકીય ભૂલો નહીં કરે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરીને ભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રગાઢ બનાવવાની મુહિમ હોય કે દેશમાં ખરા અર્થમાં કાયદા સમક્ષ સૌ નાગરિકોને સમાન દરજ્જો મળે તેના માટે સમાન નાગરિક ધારાની વાત હોય કે ગૌહત્યા પ્રતિબંધ જેવી બંધારણમાં દર્શાવવામાં આવેલી ભાવના હોય તેને પુરી કરવા માટે શું રાહુલ ગાંધી દેશના હિંદુઓને સાથ આપશે?

દાદી ઈન્દિરા ગાંધીને પણ યાદ રાખજો:
રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધીની 100મી જન્મજયંતી તાજેતરમાં ગઈ છે. ઈન્દિરા ગાંધી સામેના એક હજાર વાંધા તેમના દ્વારા 1971માં પાકિસ્તાનને કારમી હાર આપીને બાંગ્લાદેશ બનાવવાને કારણે માફ છે. ખાલિસ્તાનવાદીઓના કબજા હેઠળથી સુવર્ણમંદિરને મુક્ત કરાવવા માટે ઓપરેશન બ્લૂસ્ટાર કરવાનો રાજકીય અને વ્યક્તિગત રીતે આત્મઘાતી ગણાતો નિર્ણય લેવાની હિંમત પણ ઈન્દિરા ગાંધીએ દાખવી હતી. તેના થોડા સમયગાળામાં ઈન્દિરા ગાંધીની કરપીણ હત્યા થઈ હતી. પણ આવી શક્યતાઓની આગોતરી જાણકારીઓ છતાં ઈન્દિરા ગાંધીએ જેવી રીતે રાષ્ટ્રહિતમાં ભાગલાવાદી અને આતંકવાદીઓ સામે પગલા લીધા તેવો આધ્યાત્મિક દોરી સંચાર પણ રાહુલ ગાંધીમાં થાય તેવી આશા સેવીએ..

હિંદુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલા સ્વીકાર્ય બનશે:
તો સામે પક્ષે છેલ્લા કેટલાક સમયથી માત્ર વિકાસની વાતોનું વાજું વગાડનાર ભાજપને પણ પોતાના પાર્ટીના ખેસમાંથી લીલા રંગનો પટ્ટો કાઢીને આખો ખેસ કેસરી કરવાની જરૂર દેખાઈ છે. ગુજરાતમાં ગૌહત્યા સહીતના મુદ્દાઓ પર સરકાર દ્વારા કડક કાયદાનું એલાન પણ કરવામાં આવ્યું છે. ગુજરાતના ચૂંટણી પ્રચાર અભિયાનમાં પ્રખર હિંદુત્વવાદી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ ઉતારવામાં આવ્યા છે. વિકાસ પ્લસ હિંદુત્વની રણનીતિના આધારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.

બાબરની મજાર પર જનારા મંદિરે જતા થઈ ગયા અને મંદિરે-મંદિરે દર્શને જનારા બહાદૂરશાહ ઝફરની મજાર અને સિદી સૈયદની મસ્જિદની મુલાકાતે પણ જવા લાગ્યા છે. તો મીડિયા અહેવાલોમાં ભાજપ દ્વારા કથિતપણે યુપીના મૌલવીઓને મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર માટે કથિતપણે ઉતારવામાં આવ્યાના દાવા કરાયા છે. આવી બાબતો રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવાની જરૂરિયાત હોવાનો ઈશારો પણ કરી રહી છે. રાજનીતિના હિંદુકરણની દિશાને વધુ વેગવંતી બનાવવામાં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીઓ ઘણું મોટું દિશાનિર્દેશન કરનારી સાબિત થવાની છે. 18 ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભારતની રાજનીતિના હિંદુકરણની દિશામાં ત્રીજા તબક્કાનું પ્રારંભબિંદુ સાબિત થવાનું છે. આશા રાખવી જોઈએ કે ભાજપ, કોંગ્રેસ અને ભારતીયતાની ઓળખ ધરાવતા તમામ પક્ષો અયોધ્યામાં રામજન્મભૂમિ માટે 2019માં સંસદમાં કાયદો બનાવવા માટે પ્રેરીત થાય તેવો ગુજરાતની જનતાનો ચુકાદો હશે.