Thursday, June 20, 2013

દેશની સમસ્યાઓનો ઉકેલ: હિંદુઓને તાત્કાલિક પોલિટિકલ સ્ટેજ મળે

- પ્રસન્ન શાસ્ત્રી

વિભાજન સાથેની આઝાદીનો ઈતિહાસ ધરાવતા ભારતમાં સ્વતંત્રતાના 66 વર્ષમાં અંગ્રેજો પાસેથી ભારતીય શાસકોને વારસામાં મળેલી ભાગલાવાદી માનસિકતામાં કોઈ ફેર પડયો નથી. ભારતે 66 વર્ષમાં બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને તથાકથિત સેક્યુલર સિસ્ટમને સ્વીકારી છે. 66 વર્ષો દરમિયાન આ વ્યવસ્થાથી ભારતને ફાયદો થયો છે, તેનાથી વધારે નુકસાન જ થયું છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારતને નુકસાન થવાના ઘણાં ઉદાહરણો છે. ભારતની સામે સમસ્યાઓના પહાડ ઉભા થઈ ચુકયા છે. પરંતુ આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ વ્યવસ્થિત અને પાયાગત વિચાર થયો નથી. ભારતમાં રહેલી સમસ્યાઓના મૂળભૂત કારણો સંદર્ભે વિચાર થતો નથી. 

66 વર્ષના આઝાદીના ગાળામાં ભારતમાં એક પાર્ટીનું શાસન ઘણો લાંબો સમય રહ્યું. 70ના દાયકામાં દેશમાં રાજ્યોમાં બીજી પાર્ટીઓ વિકલ્પ તરીકે ઉભરવા લાગી હતી. પરંતુ કેન્દ્રમાં તો એક જ પાર્ટી સત્તા પર રહી. 1947થી 1989ના સમયગાળામાં કટોકટી બાદ ટૂંકાગાળા માટે સત્તા પર આવેલી જનતા પાર્ટીની સરકારના લગભગ અઢી વર્ષના ગાળાને બાદ કરી દેવામાં આવે, તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો જ સત્તામાં રહી. 1989થી 1998 સુધીના ગાળામાં લઘુમતી સરકારો અને રાજકીય જોડતોડ તથા જોડાણોવાળી સરકારો સત્તા પર આવી. 1998થી 2014 સુધીના ગાળામાં દેશની બે મુખ્ય પાર્ટીઓની આગેવાનીવાળા ગઠબંધનોની સરકારો દેશે જોઈ. 

આ રાજકીય પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ હતી કે આ દેશના 85 ટકા હિંદુઓને દેશની એકપણ રાજકીય પાર્ટીએ પોલિટિકલ સ્ટેજ આપ્યું નથી. આ દેશની તમામ સરકારો બહુમતી હિંદુ મતદારોના વોટથી ચૂંટાઈ છે. પરંતુ સત્તાનો ભોગવટો કરનારી એકપણ સરકારે હિંદુઓને હિંદુના નામે રાજકીય સ્ટેજ પુરું પાડયું નથી. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે દેશ પર અનેક આક્રમણો થયા. કેટલાંક વિદેશીઓ જીતી પણ ગયા. પરંતુ દેશના મૂળનિવાસી એવા હિંદુઓએ પ્રતિઆક્રમણોનો દોર ચલાવી સતત સંઘર્ષ કર્યો. અંગ્રેજોને બાદ કરતા આખો દેશ ક્યારેય કોઈ બાદશાહ કે સુલતાનના તાબામાં રહ્યો નથી અને થોડા ગાળામાં રહ્યો હોય, તો તેમા હિંદુ રાજાઓએ ઘણાં પ્રભાવી પદો ભોગવ્યા છે. મુગલોના અસ્ત પછી મરાઠાઓએ છત્રપતિ શિવાજી થકી હિંદુ પદપાદશાહીની સ્થાપના કરી હતી. અનેક યુદ્ધો બાદ ભારતના હિંદુઓને રાજપૂત કે મરાઠા કે શીખ તરીકે નહીં, પણ હિંદુ તરીકે રાજકીય સ્ટેજ કોઈએ પુરું પાડયું હોય તો તે છત્રપતિ શિવાજી હતા. શિવાજી દ્વારા સ્થાપવામાં આવેલી હિંદુ પદપાદશાહી પેશ્વાઓના પ્રતાપે અટકથી કટક સુધી વિસ્તરી. પરંતુ અંગ્રેજોના આગમન પછી પરિસ્થિતિ બદલાઈ. હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ લઈ લેવા માટે દેશમાં કમજોર પડી ગયેલા મુસ્લિમોને અંગ્રેજોએ ધર્મના નામે આગળ કરવાના શરૂ કર્યા. આમ અંગ્રેજોએ હિંદુઓ પાસેથી પોલિટિકલ સ્ટેજ આંચકી લીધું. 

1857ના અંગ્રેજો સામેના હિંદુ-મુસ્લિમ રાજા-નવાબો અને પ્રજાના લોહિયાળ સ્વતંત્રતા સંઘર્ષ બાદ બ્રિટિશરોએ પોતાની નીતિઓ ફેરવી. શરૂઆતમાં મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું. પરંતુ હિંદુઓની અસીમ રાજકીય શક્તિને જોયા પછી તેને કાબૂમાં કરવા માટે અંગ્રેજોએ મુસ્લિમોની ભારત પર રાજ કરવાની આકાંક્ષાઓને કબરમાંથી ખોદીને કાઢી. અંગ્રેજોએ 1885માં કોંગ્રેસની સ્થાપના કરાવી. તેનો ઉદેશ્ય દેશના ભણેલા હિંદુઓને એકઠા કરીને અંગ્રેજોના કહ્યામાં રહે તેવી રાજકીય પાર્ટી ચલાવી દેશ પર વધુ વર્ષો રાજ પાકું કરવાનો હતો. અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ હિંદુઓનું રાજકીય સ્ટેજ ક્યારેય હતી નહીં. પરંતુ 1906માં અંગ્રેજોએ રાષ્ટ્રવાદી હિંદુઓની કોંગ્રેસમાં વધતી તાકાત જોઈને મુસ્લિમોને મુસ્લિમ લીગ નામે અલગ પોલિટિકલ સ્ટેજ સ્થાપવામાં મદદ કરી. બસ દેશમાં મુસ્લિમોના પોલિટિકલ સ્ટેજ સામે કોંગ્રેસે હિંદુઓના પોલિટિકલ સ્ટેજ તરીકે કામ કરવાનું હતું. પરંતુ વસ્તુસ્થિતિ સાવ વિપરીત નિવડી. કોંગ્રેસે દોઢું મુસ્લિમપણું સ્વીકારીને હિંદુ-મુસ્લિમ એકતાના ગાણાં ગાઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ કર્યું. તેમા પછી ખિલાફત આંદોલન હોય, વંદેમાતરમનો મુસ્લિમ વિરોધ હોય કે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની વાત હોય. તમામ સ્તરે કોંગ્રેસે મુસ્લિમો સામે નમતું જોખ્યું. જેના પરિણામે મુસ્લિમ લીગ નામના પોલિટિકલ સ્ટેજનો સફળ ઉપયોગ મુસ્લિમ નેતાઓએ ભારતમાતાને ખંડિત કરીને અલગ પાકિસ્તાન બનાવવામાં કર્યો. (નોંધ- કોંગ્રેસ ભલે પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી રહી, પરંતુ મુસ્લિમ લીગના નેતાઓ અને અન્ય મુસ્લિમો તેને હિંદુ પાર્ટી તરીકે જોતા હતા. વળી બહુમતી હિંદુ મતદારોની કોંગ્રેસ તરફની લાગણીને પરિણામે કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ બની હતી. પરંતુ જ્યારે હિંદુઓએ કોંગ્રેસને પોતાના પોલિટિકલ સ્ટેજ તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, તો મહાત્મા ગાંધી અને નહેરુ સહીતના કોંગ્રેસી નેતાઓએ હિંદુની અવગણના કરતા વલણો અપનાવી દેશ ઘાતક ખતરનાક નિર્ણયો કર્યા હતા.)

આઝાદી વખતે મહાત્મા ગાંધી અને નહેરુની કોંગ્રેસમાં સદબુદ્ધિ આવી નહીં. ભારતને બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને સેક્યુલર વ્યવસ્થાના વિનાશપંથે અગ્રેસર કર્યું. દેશમાં વ્યવસ્થાના નામે અવ્યવસ્થાનું રાજ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યું. આશ્ચર્ય છે કે આ અવ્યવસ્થાને વ્યવસ્થા ગણવામાં આવી. આજે સુસાશનને નામે વ્યવસ્થા ઠીક કરી લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુદરતી કહેર કે માનવસર્જિત આફતો આવે છે, ત્યારે તમામ સુશાસનોની પોલ ખુલી જાય છે, પછી તે ઉત્તરાખંડ હોય કે ગુજરાત. કોંગ્રેસે સમાજવાદ અને સેક્યુલારિઝમના ગાણા ગાઈને 1989 સુધી કેન્દ્રમાં થોડા વર્ષોના અપવાદને બાદ કરતા સત્તા હસ્તગત રાખી. પરંતુ આ કોંગ્રેસે આઝાદી પહેલા પણ હિંદુઓને હિંદુના નામે પોલિટિકલ સ્ટેજ પુરું પાડયું નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ પણ હિંદુઓને હિંદુ તરીકે રાજકીય સ્ટેજ પુરું પાડવાનો ઈન્કાર કર્યો. આ ત્રણેય વડાપ્રધાનોએ હિંદુઓને રાજકીય સ્ટેજ મળે નહીં, તેના માટે ઘણી રાજરમતો અને ઉધામા કર્યા.  1925માં રાષ્ટ્રવાદી વિચારાધારના આંદોલન તરીકે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. 

આનું એકમાત્ર કારણ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈચ્છા છે કે દેશના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળે અને તેના થકી સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય. આરએસએસની પ્રેરણાથી 1952માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાના ઈરાદા સ્પષ્ટ ઉપસી આવ્યા. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે મળીને જનસંઘના નેતાઓ ચૂંટણી જીત્યા. સત્તામાં આવ્યા બાદ જનતાપાર્ટીમાં વિલિન થઈ ગયા. પરંતુ આરએસએસ સાથે સંબંધને કારણે બેવડી સદસ્યતાનો મામલો ઉઠયો. તેથી કેટલાંક સ્વયંસેવક હતા, તેવા નેતાઓએ અલગ પાર્ટી સ્થાપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. 1980માં ભારતીય જનતા પાર્ટી નામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહીતના સંઘના સ્વયંસેવકોએ જનતાપાર્ટીથી અલગ પાર્ટી બનાવી. આ ઘટનાક્રમમાં પણ એક વાત સ્પષ્ટ છે કે જનસંઘના જનપ્રતિનિધિઓ સામે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવનારા તત્વો સંઘ સાથે તેમનો નાતો તૂટે તેવી રમત રમતા હતા. તેનો સીધો અર્થ હતો કે સંઘ દ્વારા પ્રેરીત હિંદુ પોલિટિકલ સ્ટેજને પુરી રીતે નેસ્તોનાબૂદ કરી દેવું. 

1984માં માત્ર બે બેઠકોથી જીતની શરૂઆત કરનારા ભાજપે 1998થી 2004 સુધી દેશમાં સફળ ગઠબંધન સરકાર ચલાવી. 1997માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર પણ બની હતી. તે સમયના માહોલમાં જય શ્રી રામના નારા ગુંજતા હતા. 1987થી શરૂ થયેલું રામજન્મભૂમિ આંદોલન 1992માં ચરમસીમાએ પહોંચ્યું. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાને બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા બનાવાયેલા બાબરી ઢાંચાને ધ્વસ્ત કરી દેવાયો. દેશમાં હિંદુ ઉત્સાહ અને લાગણીઓ ચરમસીમાએ હતી. સોમનાથથી અયોધ્યા જવા નીકળેલી રામરથયાત્રાનું નેતૃત્વ પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધું. ત્યાર બાદ 1991માં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી. આતંકવાદીઓની ધમકી છતાં જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો હતો. 1989થી 1998 સુધીનો માહોલ દેશમાં હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળી જશે તેવા પ્રકારનો હતો. પરંતુ 1998માં અટલ બિહારી વાજપેયીના વડપણ નીચે 24 પક્ષોનો શંભુમેળો એનડીએના નામે ભેગો થયો. આ શંભુમેળાએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાં હિંદુના હિતના અને તેમને રાજકીય સ્ટેજ આપતા ત્રણ મુદ્દાઓ બાકાત રાખ્યા. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ-370 દૂર કરવી, દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવો અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામંદિર નિર્માણ કરવું હતા.

દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટાતા હતા. લખનૌથી અયોધ્યા 60 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ વાજપેયી ક્યારેય અયોધ્યામાં રામમંદિરની મુલાકાતે ગયા નથી. તેમ છતાં સત્તામાં રહ્યા ત્યાં સુધી દરવર્ષે અજમેરશરીફમાં ચાદર મોકલાવાનુ ભૂલ્યા ન હતા. વાજપેયી શરૂઆતથી રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો. બાબરી ધ્વસ્ત થવાની ઘટના સમયે તેઓ અયોધ્યામાં ન હતા. તો અડવાણી તેમનાથી પણ આગળ નીકળ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ 2005માં પાકિસ્તાન ગયા. ત્યાં પાકિસ્તાનના સંસ્થાપક મહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેક્વ્યું. ઝીણાને સેક્યુલર ગણાવ્યા. પાકિસ્તાનમાં બાબરી ધ્વંસનું દુ:ખ વ્યક્ત કર્યું. બધા કહે છે કે હવે ભાજપમાં વિકાસની નવી હવા ચાલે છે. આ હવા ગાંધીનગરથી દેશભરમાં ફેલાય છે. પહેલા અટલના ઉદારમતવાદી ચહેરાને કારણે હિંદુઓને રાજકીય મંચ મળ્યો નહીં. બાદમાં ઝીણા સંદર્ભેના નિવેદને અડવાણીની હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાની ક્ષમતા હણી નાખી.
હવે વિકાસ અને સદભાવનાના નામે હિંદુઓને પોલિટિકલ સ્ટેજથી હિંદુઓના નામે દૂર રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002થી 5 કરોડ લોકોની વાતો કરતા આવ્યા છે, હવે વસ્તી વધી છે એટલે આંકડા બદલ્યા છે અને 6 કરોડ ગુજરાતીઓ એમ બોલે છે. મોદીએ સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં પણ તથાકથિત સેક્યુલર લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો માઈન્ડ સેટ ઉજાગર થાય છે. આ દેશમાં હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ. ભારતની રાષ્ટ્ર તરીકેની ઓળખને હિંદુઓથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેવા સંજોગોમાં હિંદુત્વના વિકાસમાં સૌનો વિકાસ કોઈ રાજનેતાને દેખાતો નથી. ખરેખર આ સ્થિતિ ભારતનું દુર્ભાગ્ય છે. 

હિંદુઓને આઝાદી પહેલા કોંગ્રેસ પોતાનું પોલિટિકલ સ્ટેજ લાગી. કોંગ્રેસના આંદોલનોને કારણે દેશ આઝાદ થયો તેવી ભ્રમણાઓ પેદા કરીને અન્ય ક્રાંતિકારી ચળવળો તથા બલિદાનો ભૂલાવી દેવાયા. કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ હોવાનો ભ્રમ દ્રઢ રહ્યો, ત્યાં સુધી કોંગ્રેસ આઝાદી પછી એકહથ્થુ સત્તાનો ભોગવટો કરતી રહી. હિંદુઓનો ભ્રમ જ્યારે ભાંગીને ભૂક્કો થયો, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ સત્તા પર છે. પરંતુ તેના કારણો જાતિગત રાજનીતિ અને સેક્યુલારિઝમના નામે સત્તાની બંદરબાટ કરવામાં રહેલા છે. હિંદુઓને લાગ્યું ભાજપ તેમને રાજકીય મંચ પુરો પાડશે. પરંતુ તેમણે તો જીત પછી દગાબાજીના નવા ઈતિહાસ રચ્યા. પાકિસ્તાન સાથે શાંતિના પેગામ મોકલ્યા. પરમાણુ ધડાકા કર્યા પણ લશ્કરને સરહદે ગોઠવીને મુસ્લિમો પાકિસ્તાન સાથે યુદ્ધથી નારાજ થાય નહીં એટલે વાજપેયી મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા. આ પહેલા કારગીલ જેવી શર્મનાક ઘટના બની અને 500 સૈન્ય અધિકારીઓ અને જવાનોએ શહીદી વ્હોરી. દેશમાં 2 કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો અપાયા. આ તમામ ઘટના દર્શાવે છેકે હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ ખંડિત અને આઝાદ ભારતમાં ક્યારેય મળ્યું નથી. 

- અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરી ઢાંચાને હટાવાયા બાદ પણ ભવ્ય રામમંદિર નિર્માણનું સપનું હજી પૂર્ણ થયું નથી. ભગવાન શ્રીરામ હજી પણ કપડાના ટેન્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના અયોધ્યામાં આ સ્થળે જ રામજન્મભૂમિ હોવાના ચુકાદા બાદ પણ હિંદુઓને રામમંદિર નિર્માણ કરવા દેવાતું નથી. આવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ હિંદુઓ પ્રત્યે સંવેદનશીલ હોત, તો સંસદમાં ઠરાવ પસાર કરીને રામજન્મભૂમિની જમીન હિંદુઓને તાત્કાલિક સોંપી દેત. 

- ભગવાન રામ અને રામાયણ કપોળકલ્પિત હોવાના એફિડેવિટ માત્ર એટલા માટે થયા કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભગવાન રામ દ્વારા નિર્મિત મનાતા ભારત-શ્રીલંકા વચ્ચેના રામસેતુને તોડીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને આગળ વધારવા માગતી હતી. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તેમા તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પાર્ટી ડીએમકેના નેતાઓના સ્થાપિત હિતો છે. રામસેતુ મુદ્દે હિંદુઓને પોલિટિકલ સ્ટેજની પરવાહ કર્યા વગર આંદોલન કરવું પડયું. જેના પરિણામે રામસેતુ તોડવાનું કામ સરકારને રોકવું પડયું છે. પરંતુ હિંદુઓના પોલિટિકલ સ્ટેજની ગેરહાજરીમાં રામ, રામાયણ અને રામસેતુ ફરીથી પોતાને સેક્યુલર ગણાવતી સરકારના નિશાના પર આવી શકે છે.

- દેશના હિંદુઓએ ગાયને પવિત્ર અને માતા ગણે છે. પરંતુ આઝાદીના 66 વર્ષમાં ગાયોની કત્લેઆમ દેશમાં ચાલી છે. દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો બનાવવાની માગણી થઈ છે. કેટલાંક રાજ્યોએ નામનો કાયદો બનાવી પણ રાખ્યો છે. પરંતુ ગોહત્યા રોકાતી નથી. ભારત કૃષિપ્રધાન દેશ હતો. આજે ભારતમાં ઔદ્યોગિકરણની લ્હાયમાં ખેતીનું નખ્ખોદ નીકળી રહ્યું છે. નેતાઓ દાવો કરે છે કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસે પહેલા ગાય અને પછી ખેતીને અપાર નુકસાન પહોંચાડયું છે. આવા વિકાસનો પુનર્વિચાર કરવા માટે પણ કોઈ રાજકીય નેતા હાલ તૈયાર નથી.

- આખા ભારતમાં અમદાવાદ, દિલ્હી, હૈદારાબાદ, કાનપુર, અલ્હાબાદ, લખનૌ વગેરે જેવા જૂના શહેરોમાંથી હિંદુઓ બહાર નીકળી તેના પરાવિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. આવા શહેરોના કોટવિસ્તાર મુસ્લિમોના હાથમાં ચાલ્યા ગયા છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આખા દેશમાં ચાલી રહી છે. પણ રાજકીય નેતાઓની આ મુદ્દા પરત્વે ઉદાસનિતા છે. જેના માઠા પરિણામો આવા શહેરોને ભોગવવા પડે છે. 

- દિવાળી, નવરાત્રિ, ઉતરાયણ, હોળી જેવા હિંદુ તહેવારો હિંદુ પરંપરા પ્રમાણે નહીં, પણ હિંદુ-મુસ્લિમ ભાઈચારાના નામે મુસ્લિમોથી ડરીને ઉજવવા પડે છે. 

- જીવો અને જીવાડોના વિચારમાં વિશ્વાસ રાખનારા ભારતમાં આજે 36 હજારથી પણ વધારે કતલકાનાઓ થઈ ગયા છે. 

- આસામ, કેરળ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ઘણાં વિસ્તારોની ધાર્મિક જનસાંખ્યાયિકી ઝડપથી સુવ્યવસ્થિત રીતે બદલાઈ છે. તેના માટે મુસ્લિમોનું બહુપત્નીત્વ અને નસબંધીને નહીં સ્વીકારવાનું વલણ મોટા પ્રમાણમાં જવાબદાર છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક સંતુલન સ્થાપવા માટે કોમન સિવિલ કોડની માગણી થાય છે. પરંતુ તેને કોમવાદી ગણીને રાજકીય પક્ષોએ પોતાના ઉકરડાંઓમાં ફેંકી દીધી છે.

- દેશના ઘણાં મોટા હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે અને તેની આવક સરકાર જ વાપરે છે. 

- અમરનાથ યાત્રા માટે દેશના હિંદુઓને બલિદાની આંદોલનો કરવા પડે છે. જ્યારે હજયાત્રા માટે મુસ્લિમોને સરકાર વ્યવસ્થા કરી આપે છે

- દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક હોવાનું જણાવીને વડાપ્રધાન દેશના 100 કરોડ હિંદુઓનું અપમાન કરે છે.

- રાષ્ટ્રગીત વંદેમાતરમ ચાલતુ હોય, તે વખતે બીએસપીનો મુસ્લિમ સાંસદ સંસદમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાછળથી કહે છે કે વંદેમાતરમનું ગાન ઈસ્લામ વિરુદ્ધ છે. 

- આસામ અને બાંગ્લાદેશ સાથેની અન્ય સરહદે હિંદુઓની જમીન, જંગલ અને ખેતી પડાવી લેવા માટે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા ષડયંત્ર ચલાવાયું છે. પરંતુ દેશની સરકારોને આ મુસ્લિમોમાં વોટબેંક દેખાઈ અને તેના કારણે આજે આસામને બીજા કાશ્મીર બનવાના માર્ગે ધકેલી દેવામાં આવ્યું છે. 

- લઘુમતીઓને પંદર સૂત્રીય કાર્યક્રમ, અલગ બજેટ-સબસિડી અને શિષ્યવૃતિથી વિકરાળ લાભો આપવામાં આવે છે. જેના પરિણામે હિંદુ યુવાવર્ગ સ્પર્ધા અને વિકાસની હરિફાઈમાં પાછળ પડી ગયો છે. પરંતુ વિકાસના ગાણાં ગાનારા રાજકીય ગવૈયાઓને તેની કોઈ પરવાહ નથી. 

દેશની આઝાદીના 66 વર્ષનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એનડીએ હોય કે યુપીએ, ભાજપ હોય કે કોંગ્રેસ બંને મુસ્લિમો, મિશનરી અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે ખોળો પાથરીને ઉભેલા દેખાય છે. આમા આ દેશના 100 કરોડ હિંદુઓની સતત સમજણપૂર્વકની ઉપેક્ષા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આસામ, કાશ્મીર, ઓરિસ્સા જેવા રાજ્યોમાં હિંદુઓને પોતાના જ દેશમાં શરણાર્થી બનવું પડે છે. ગંગા સહીતની નદીઓ પર વિકારાળ ઉદ્યોગોની હારમાળા ઉભી કરી દેવાય છે. જેને પરિણામે ગંગા સહીતની નદીઓના શુદ્ધિકરણ માટે હિંદુઓએ જ ચળવળ ચલાવવી પડે છે. આઝાદી પછી આ દેશની સત્તા પર આવનારા તમામે હિંદુઓને છેતર્યા છે. તેમણે મુસ્લિમ તુષ્ટિકરણના નવા ઈતિહાસ પણ રચ્યા છે. બધાના શાસનમાં થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ હિંદુઓ જ મર્યા છે.

છતાં ચહેરો વાજપેયી જેવો ઉદારમતવાદી અને સેક્યુલર રાખીને હિંદુઓના વોટ મેળવવાની આશા રાખવામાં આવે છે. આજ સુધી કોઈ નેતા હિંદુત્વવાદી હોય કે ન હોય, પરંતુ સંતોના સંમેલનમાં કોઈએ જાહેર કર્યું ન હતું કે તેઓ માત્ર હિંદુઓના નેતા નથી, પણ બધાના નેતા છે. આવું બોલનારા નેતા પાસે હિંદુ સમાજ પોલિટિકિલ સ્ટેજ મેળવવાની આશા કંઈ રીતે રાખી શકશે? દેશમાં હિંદુત્વ જ આગળ રહેશે તેઓ વારંવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હિંદુત્વ જ આગળ રહે તેના માટે રાજકીય મંચની જરૂર છે. એવા રાજકીય મંચની કે જેને દુનિયા જોઈ શકે. જેના પરથી દુનિયાને બતાવી શકાય કે હિંદુ શું કરી શકે છે? પણ કેટલીક વખત હિંદુહિતની રાજનીતિ કરનારાઓ પર દયા આવે છે કે તેઓ બોલી શકતા નથી કે હા, અમે હિંદુહિતની રાજનીતિ કરીશું. આ દેશની સમસ્યાની જડ હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ મળ્યું નથી તે છે, જો હિંદુઓને તેમનું પોલિટિકલ સ્ટેજ મળી જાય, તો દેશની સમસ્યા જેટ ગતિએ ઉકેલાશે. ગુજરાતના વિકાસમાં કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. તે મોડલની ખામી હોઈ શકે. પરંતુ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું, કારણ કે રાજ્યના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ એક હદ સુધી પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાતે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદીને હિંદુત્વવાદી મુદ્દાઓ પર જ વોટ આપ્યા છે. હિંદુત્વવાદી મુદ્દાઓ પર જીતીને જ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું છે. ત્યારે દેશમાં હિંદુત્વવાદી ચહેરો છુપાવીને ગુજરાત વિકાસ મોડલને લઈને આગળ વધવાનો શું અર્થ છે? યાદ રહે ગુજરાતથી દિલ્હી જવાનો રસ્તો અયોધ્યાથી અવશ્ય જઈ શકે છે, પણ ગુજરાતથી ચીન-જાપાન થઈને દિલ્હી કોઈ રસ્તો પહોંચતો નથી.