Tuesday, August 14, 2012

બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી અંગારાની સેજ પર આસામ


-ક્રાંતિવિચાર
આસામમાં તાજેતરમાં થયેલી કોમી હિંસાની ઘટનાઓ આઝાદ ભારતના સૌથી વધારે ભયાનક હુલ્લડોમાંની એક છે. આ હિંસામાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા 4 લાખથી લઈને 9 લાખ સુધીની દર્શાવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં કોમી રમખાણોના પરિણામે ભારતમાં ક્યારેય કોઈપણ સ્થાને લોકો વિસ્થાપિત થયા નથી. જો કે આ રમખાણોમાં મરનારાઓની સંખ્યા માત્ર 77ની દર્શાવામાં આવે છે. પરંતુ પૂર્વોત્તરની પરિસ્થિતિ અને ત્યાં ચાલી રહેલા ઉગ્રવાદીઓના હથિયારના ખેલ અને બાંગ્લાદેશ તરફથી કટ્ટરપંથીઓના દોરીસંચારને પરિણામે હુલ્લડોમાં મરનારની સંખ્યા 77થી ઘણી વધારે હોઈ શકે છે.

જેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ અલગતાવાદે જોર પકડયું છે, તેવી સ્થિતિ કંઈક અંશે આસામમાં પણ ઉભી થઈ રહી છે. જેવી રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અસ્તિત્વમાં છે, તેવી રીતે આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ કેટલાંક જિલ્લાઓને બાંગ્લાદેશ અધિકૃત આસામ (બીઓએ)માં તબદીલ કરી નાખ્યા છે. પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામ ખાતે ત્યાંના મૂળ નિવાસીઓ સામે તેમના સંસાધનો અને જમીનો પર કબજો કરવા માટે દોઢસો વર્ષથી અસ્તિત્વમાં આવેલી બાંગ્લાદેશી મુસ્લિમોની જેહાદ હવે છેલ્લા સ્ટેજમાં છે. જેની વરવી પ્રતિક્રિયા પહેલા આસામના કોકરાઝાર અને બાદમાં ચિરાંગ અને ધુબરી જિલ્લામાં થયેલા હિંદુ બોડો જનજાતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો વચ્ચેના લોહિયાળ ઘર્ષણના સ્વરૂપમાં સામે આવી છે.

આસામના કોકરાઝાર જિલ્લામાં બે મુસ્લિમ વિદ્યાર્થી નેતાઓને બોડો ઉગ્રવાદીઓ દ્વારા કથિતપણે મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ મુસ્લિમ ઉગ્રવાદી વિદ્યાર્થી જૂથે હિંસા છોડી ચૂકેલા ચાર ભૂતપૂર્વ બોડો ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. જેના પરિણામે ક્ષેત્રમાં હિંસક પ્રતિક્રિયાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી થઈ. તેના પરિણામે એક અંદાજ પ્રમાણે, 9 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જેમાં બોડો જનજાતિઓના પ્રભાવવાળા વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર સહીતના મુસ્લિમો અને મુસ્લિમોના પ્રભાવવાળા ક્ષેત્રમાંથી બોડો સહીતના હિંદુઓને વિસ્થાપિત થવું પડયું છે. મોટા પ્રમાણમાં મુસ્લિમો વિસ્થાપિત થવા છતાં બેઘર બનેલા બોડો અને અન્ય હિંદુઓની સંખ્યા ઓછી નથી. હજી પણ તેઓ રાહત કેમ્પોમાં અમાનવીય પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.

પરંતુ આ ઘટનાઓને માત્ર કોમી રમખાણો ગણવી તેની તીવ્રતાને ઘટાડનારું આકલન હશે. બોડો જનજાતિ સમૂહોમાંથી આવી રહેલી હિંસક પ્રતિક્રિયા બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા તેમના સંશાધનો અને જમીનોને કબજે લેવાની “ગ્રો મોર મુસ્લિમ” જેહાદ સામેની પ્રતિક્રિયા છે. આ લડાઈ તેમના હક અને અસ્તિત્વની લડાઈ છે. આમ તો પૂર્વોત્તર ભારતનો સમગ્ર વિસ્તાર વિષમ પરિસ્થિતિવાળો છે. પરંતુ તેમાં પણ આસામ વધારે વિષમતા ધરાવે છે. આઝાદી વખતે આસામનો માત્ર એક જિલ્લો મુસ્લિમ બહુમતીવાળો હતો, તેના સ્થાને હાલ 11 જિલ્લા મુસ્લિમ બહુમતીવાળા બની ગયા છે.

મુસ્લિમ ઉગ્રવાદી જૂથો અને બાંગ્લાદેશી મદદથી ખુવારી

2011ની વસ્તીગણતરી પ્રમાણે, આસામની કુલ વસ્તી 3.11 કરોડ છે અને તેમાંથી અંદાજે એક કરોડ મુસ્લિમો છે. એટલે કે આસામમાં મુસ્લિમોની વસ્તી 35 ટકાની આસપાસ છે. આ મુસ્લિમ વસ્તી વિસ્ફોટને કારણે અહીંની ધાર્મિક આધારે વસ્તી સંતુલનની સ્થિતિ ભયજનક રીતે ખોરવાઈ છે. આસામામાં મુસ્લિમ ઉગ્રવાદી જૂથો પણ ઘણાં મોટા પ્રમાણમાં સક્રિય થયા છે. આ મુસ્લિમ ઉગ્રવાદી જૂથોને બાંગ્લાદેશ અને આઈએસઆઈ દ્વારા હથિયારો અને નાણાંની મદદ મળી રહી છે. તાજેતરમાં બોડો વિસ્તારમાં થયેલી હિંસામાં યુનાઈટેડ મુસ્લિમ નેશનલ આર્મી (યુએમએનએ)ની સામેલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જૂથને બાંગ્લાદેશી મદદ પણ મળતી હોવાની શંકા છે. આ સિવાય મુસ્લિમ લિબરેશન આર્મી, મુસ્લિમ લિબરેશન ફ્રન્ટ, મુસ્લિમ લિબરેશન ટાઈગર્સ ઓફ આસામ, મુસ્લિમ સિક્યુરિટી કાઉન્સિલ ઓફ આસામ, મુસ્લિમ સિક્યુરિટી ફોર્સ, મુસ્લિમ ટાઈગર ફોર્સ, મુસ્લિ યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, મુસ્લિમ યુનાઈટેડ લિબેરેશન ટાઈગર્સ ઓફ આસામ અને મુસ્લિમ વોલ્યુટિયર ફોર્સ નામના મુસ્લિમ ઉગ્રવાદી અને અલગતાવાદી જૂથો ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. જેના કારણે આસામમાં મુસ્લિમો દ્વારા બોડો અને અન્ય હિંદુઓ પરની હિંસક ઘટનાઓ વધારે તીવ્ર બની છે.

બોડોએ પોતાની મદદ ખુદ કરી

આસામની ભયજનક હિંસા સામે બોડોએ પોતાની મદદ પણ ખુદ કરી છે. બોડોને મદદ કરવા માટે કોઈ સરકારી મશીનરી તાત્કાલિક સક્રિય બની ન હતી. પૂર્વોત્તર ભારતમાં સરકારી મશીનરીના સ્થાને દરેક જનજાતિ અને સમૂહોએ પોતાની સુરક્ષા પોતે જ સુનિશ્ચિત કરવી પડે તેવી સ્થિતિ છે. આસામની તાજેતરની હિંસામાં કોંગ્રેસના મુખ્યમંત્રી તરુણ ગોગાઈની સરકારે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં ઘણી મોટી ઢીલ કરી. તેમના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે ઢીલ કરી હતી. જો કે જે હોય તે બોડોના હાથમાં હથિયાર હોવાને કારણે તેઓ વધારે મોટી ખુવારીમાંથી બચી ગયા. નહીંતર બોડો બાંગ્લાદેશી મુસ્લિમોના પ્રભાવવાળા વિદેશી મદદગારો પર નભતા ઉગ્રવાદી જૂથોનો ખરાબ રીતે ભોગ બન્યા હોત.

સંસદીય ચર્ચામાં આસામ હિંસા પર ટાઢાં ઢોળાયા

હાલ કેન્દ્ર સરકારે આસામ હિંસાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. જો કે વોટર્સ લિસ્ટમાંથી 40 લાખ જેટલા બાંગ્લાદેશીઓના નામ હટાવવાને ગેરબંધારણીય ગણાવતો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. એટલે એક વાત તો નિશ્ચિત છે કે આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો કોંગ્રેસ સહીતના ઘણાં પક્ષોની વોટબેંક છે. જેના કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંસદીય ચર્ચા દરમિયાન પણ તેમને ડિપોર્ટ કરવા માટે આકરા અને સજ્જડ પગલાંની તરફેણ કરવાની જગ્યાએ તમામ પક્ષે ‘ટાઢા ઢોળે રાખ્યા.’ સંસદીય ચર્ચામાં હિંસાના પ્રકાર પર ચર્ચા થઈ, હિંસામાં બેઘર થયેલા લોકોની અને મરનારની સંખ્યા પર ચર્ચા થઈ, અરે બાંગ્લાદેશની વસ્તીવિસ્ફોટની ચર્ચા થઈ, પરંતુ આસામની મૂળ સમસ્યા બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી રાજ્યના ઈસ્લામીકરણની લગીરે ચર્ચા થઈ નહીં! શું આ રીતે બાંગ્લાદેશના મુસ્લિમ ઘૂસણખોરોની આસામ અને ભારતને ભરડો લઈ રહેલી સમસ્યાનો ઉકેલ આવશે?

આસામનું ઈસ્લામીકરણ સમસ્યાનું મૂળ

આસામની સમસ્યાનું મૂળ બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી રાજ્યનું ઈસ્લામીકરણ છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આસામમાં ગત ત્રીસ વર્ષોમાં વસ્તીમાં ઘણી મોટી વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણવાત એ છે કે આ વસ્તી વૃદ્ધિ અસામાન્ય છે. આસામમાં 1971-81માં હિંદુઓની વસ્તી વૃદ્ધિનું પ્રમાણ 42.89 હતું, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં 35 ટકા વધારે એટલે કે 77.42 ટકાની અસામાન્ય વૃદ્ધિ નોંધાઈ હતી. તેની સામે સંપૂર્ણ ભારતમાં બંને વચ્ચે વસ્તી વૃદ્ધિનું અંતર 19.79 ટકા રહ્યું હતું. 1991-2001માં હિંદુ વસ્તી વૃદ્ધિનો દર 14.95 ટકા રહ્યો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં તેનાથી 14.35 ટકા વધારા સાથે 29.3 ટકાનો વસ્તી વૃદ્ધિ દર રહ્યો હતો. 1991માં આસામમાં મુસ્લિમોની સંખ્યા 28.42 ટકા, 2001માં વધીને 30.92 ટકા અને 2011ની વસ્તીગણતરીના આકલનો પ્રમાણે મુસ્લિમોની વસ્તી 35 ટકા થઈ છે. હાલ આસામની 3.11 કરોડની વસ્તીમાં એક કરોડથી વધારે મુસ્લિમો છે.

વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે, આસામના તત્કાલિન 23 જિલ્લાઓમાંથી 6 જિલ્લા ધુબરી (74.3 ટકા), બારપેટા (59.3 ટકા), હૈલાકાંડી (57.6 ટકા), ગ્વાલપાડા (53.7 ટકા), કરીમગંજ (52.3 ટકા) અને નૌગાંવ (51 ટકા)માં મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે. મરીગાંવમાં તેમની સંખ્યા 47.6 ટકા અને કાછાર જિલ્લામાં 36.1 ટકા મુસ્લિમો થઈ ગયા છે. આસામના 23 જિલ્લામાંથી 8 જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 1.6 ટકાથી 8 ટકા વચ્ચે છે. જો કે બિનઆધિકારીક રીતે આસામના 11 જિલ્લામાં મુસ્લિમોની બહુમતી હોવાનું માનવામાં આવે છે. ગત દસ વર્ષોમાં તેમની સંખ્યા ઘણી વધી છે.

હિંસાગ્રસ્ત જિલ્લામાં અસમાન્ય વસ્તીઅસંતુલન

આસામના ત્રણ જિલ્લામાં આ સંઘર્ષ ચાલી રહ્યો, જો તે જિલ્લાની વસ્તીનું વિશ્લેષણ કરીએ તો તેનાથી પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ બની જાય છે. સૌથી પહેલા કોકરાઝાર જિલ્લા પર નજર કરીએ તો વર્ષ 2001-2011માં અહીં વસ્તીમાં 5.19 ટકાનો વધારો થયો છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે, આ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા વધીને લગભગ 20 ટકા થઈ ગઈ છે. જો આસામમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિ દરને જોઈએ તો બાંગ્લાદેશ સાથે લાગેલા જિલ્લામાં આ સૌથી વધારે છે. તેની પાછળનું મુખ્ય કારણ આ જિલ્લામાં બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરી છે.

ધુબરી જિલ્લો પણ બાંગ્લાદેશની સરહદે આવેલો છે. 1971માં અહીં મુસ્લિમોની વસ્તી 64.46 ટકા હતી, જે 1991માં વધીને 70.45 થઈ ગઈ. 2001ની વસ્તીગણતરી પ્રમાણે, મુસ્લિમોની વસ્તી વધીને 75 ટકા થઈ ગઈ છે. આવો જ હાલ 2004માં બનેલા ચિરાંગ જિલ્લાનો પણ છે. ઉલ્લેખનીય છે કે કોકરાઝાર જિલ્લાની હિંસાની આગ ધુબરી અને ચિરાંગ જિલ્લાઓમાં પણ ફેલાઈ છે.

આખા ભારત માટે બાંગ્લાદેશી ઘૂસણખોર ખતરો

મિયાં-બીબી બાંગ્લાદેશમાં બાળકો પેદા કરે છે અને સમસ્યા ભારત માટે છૂટી મૂકે છે. બાંગ્લાદેશના અંદાજે 1.47 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં 18 કરોડની વસ્તી છે. આ વસ્તીનો ભાર બાંગ્લાદેશનું માળખું વેંઢારી શકે તેમ નથી. તેના કારણે ગ્રેટર બાંગ્લાદેશ માટેનો સળવળાટ કરી રહેલી સંસ્થાઓ અને સંગઠનો ગરીબ બાંગ્લાદેશી મુસ્લિમોને ભારતમાં ઠાલવી રહ્યા છે. ભારત સરકારના બોર્ડર મેનેજમેન્ટ ટાસ્ક ફોર્સના વર્ષ 2000ના રિપોર્ટ પ્રમાણે, 1.5 કરોડ બાંગ્લાદેશી ભારતમાં ઘૂસણખોરી કરી ચુક્યા છે અને લગભગ ત્રણ લાખ દર વર્ષે ઘૂસણખોરી કરે છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં બાંગ્લાદેશથી બિનહિંદુઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરે છે. પશ્ચિમ બંગાળમાં 54 લાખ, આસામમાં 40 લાખ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેમાં 5-5 લાખથી વધારે અને દિલ્હીમાં 3 લાખ બાંગ્લાદેશી મુસ્લિમો છે. વર્તમાન આકલનો પ્રમાણે, ભારતમાં લગભગ ત્રણ કરોડથી વધારે બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો છે અને તેમાંથી 50 લાખ ઘૂસણખોરો આસામમાં છે.

બાંગ્લાદેશી આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, નાગાલેન્ડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધી ફેલાયેલા છે. તેના કારણે કેટલાંક ઠેકાણે વસ્તી અસંતુલનો ઉભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઉપયોગ આતંકવાદીઓ પોતાના સેલ તરીકે કરે છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને કટ્ટરપંથીઓના નિર્દેશ પર મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનું લક્ષ્ય ગ્રેટર બાંગ્લાદેશનું નિર્માણ કરવાનું છે. તેની સાથે જ ભારતના અન્ય ભાગમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ભારતના સામાજિક માળખાનો દુરુપયોગ કરીને આર્થિક સંસાધનોને વાપરવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરીને રાષ્ટ્રીય કલંક ગણો

વડાપ્રધાન મનમોહન સિંહે આસામની કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારના કેન્દ્રીય મદદ મોડી પહોંચ્યાના નિવેદન બાદ તુરંત રાજ્યની મુલાકાતે જઈને 300 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. તેમણે આસામની હિંસાને રાષ્ટ્રીય કલંક ગણાવી. આ એટલા માટે થયું કે આસામમાં સરકારના નહીં, પણ હથિયારોને સહારે રહેલા બોડો હિંદુ જનજાતિની તીવ્ર પ્રતિક્રિયાને કારણે 75 ટકા નુકસાન મુસ્લિમોને થયું છે. સરકારે બોડો જનજાતિના દર્દને સમજ્યું હોત, તો આસામ અને આખા દેશમાં થઈ રહેલી બાંગ્લાદેશી મુસ્લિમોની વોટબેંક તરીકેની ઘૂસણખોરીને રાષ્ટ્રીય કલંક અને શરમ ગણી હોત. તથા તેમના પાછા બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવા માટે કોઈ સજ્જડ કાયદાકીય જોગવાઈ તાત્કાલિક અમલમાં લાવી હોત. વડાપ્રધાન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આસામની મુલાકાતે દોડી ગયા છે, પરંતુ બેમાંથી એકેયે હજીસુધી આસામના બોડો વિસ્તારના મૂળ નિવાસી બોડો હિંદુ જનજાતિઓના દર્દને કોઈપણ રીતે વાચા આપવાનું કામ કર્યું નથી, ઉલ્ટાનું તેઓ બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોના દર્દે દુ:ખી છે.

જંગ ગ્રેટર બાંગ્લાદેશ મૂવમેન્ટ સામે છે

આઝાદી વખતે આસામના ઘણાં મોટા ભાગને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવાની હિલચાલ મોટાપાયે થઈ હતી. પરંતુ તેને સ્થાનિક પ્રજા દ્વારા દ્રઢતાથી ડામી દેવામાં આવી હતી. જો કે આસામનો થોડો ભાગ પૂર્વ પાકિસ્તાનમાં જતો રોકી શકાયો ન હતો. આઝાદી વખતની મુસ્લિમ લીગીઓની માનસિકતાના પરિણામો મુસ્લિમ વસ્તીઓને ભારતના ભૂભાગમાં ઘૂસાડીને તેને પહેલા બાંગ્લાદેશી મુસ્લિમોના પ્રભાવમાં લાવીને બાંગ્લાદેશના નિયંત્રણમાં કરવાની ગ્રેટર બાંગ્લાદેશની ડિઝાઈન પ્રમાણે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. આસામ પર વિશેષ કરીને ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કારણ કે આસામમાં ઉગ્રવાદી પ્રવૃતિઓને કારણે સ્ટેટ અને સેન્ટ્રલ મશીનરી તેમની સામે ઝઝુમી રહી છે અને લોકોનું ધ્યાન પણ તેના પર કેન્દ્રીત છે. ત્યારે 1980થી અત્યાર સુધી બાંગ્લાદેશી મુસ્લિમોને આસામમાં ઘૂસાડીને તેનું ધાર્મિક અસંતુલન વ્યવસ્થિતપણે ખોરવી નાખવામાં આવ્યું છે. આસામની બોડો, ખાસી સહીતની 23 જનજાતિઓ અને મૂળ આસામી લોકોના સંસાધનો અને જમીન પરના હકો કબજે કરીને ઘૂસણખોરો ગ્રેટર બાંગ્લાદેશની ડિઝાઈનને કામિયાબ કરી રહ્યા છે. ત્યારે તેની સામે મૂળ નિવાસી હિંદુ જનજાતિઓ અને આસામીઓના રોષ કોમ્યુનલ વાયોલન્સ નથી, પણ પોતાના હકો અને અસ્તિત્વ બચાવવાની લડાઈ છે.

મીડિયાનો શરમજનક માઈન્ડ સેટ

2002ના ગુજરાત રમખાણો વચ્ચે ચીસો પાડીને ભારતીય મીડિયાએ હિંદુત્વવાદી વિચારધારાને બદનામ કરીને ઉતારી પાડવામાં કંઈ બાકી રાખ્યું નથી. પરંતુ આસામની હિંસામાં તેમણે ભયાનક મૌન જાળવી રાખ્યું છે. તાજેતરમાં રાજદીપ સરદેસાઈએ એક લેખમાં કહ્યુ આનો બચાવ કરતા કહ્યુ છે કે ગુજરાતમાં રમખાણો શહેરી વિસ્તારમાં અને મીડિયાના કાર્યાલયોથી માત્ર થોડા કિલોમીટરોના અંતરે થયા છે. જ્યારે આસામમાં કોકરાઝારના તોફાનો અંતરિયાળ વિસ્તારમાં થયા છે અને તેના માટે ઓબીવાન ઉપલબ્ધ ન હતી.

પોતાને સેક્યુલરવાદી ગણાવતા રાજદીપ સરદેસાઈની હિંદુવિરોધી માનસિકતા ત્યારે છતી થઈ, જ્યારે તેમણે સોશ્યલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કર્યું કે જ્યાં સુધી આસામ હુલ્લડોમાં એક હજાર હિંદુઓ માર્યા જશે નહીં, ત્યાં સુધી રાષ્ટ્રીય ચેનલો પર આસામ હુલ્લડોના સમાચાર દેખાડવા જોઈએ નહીં અને તેઓ પોતાની ચેનલ પર આસામ હુલ્લડોના સમાચાર કોઈપણ પરિસ્થિતિમાં દેખાડશે નહીં. આ ટીપ્પણી સામે ઉભા થયેલા રોષને પગલે રાજદીપ સરદેસાઈએ માફી માંગી. પરંતુ મીડિયાના આ માઈન્ડ સેટનું શું કરવું?

 સેક્યુલરવાદીઓ ખુલ્લા પડયા

ભારતમાં સેક્યુલરવાદ એટલે લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમોની જ આળપંપાળ અને ખુશામત કરવી થાય છે. ગુજરાતના 2002ના ગોધરા ખાતે હિંદુ કારસેવકોને બાળી નાખવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો વખતે હિંદુત્વની વિચારધારા, સંગઠનો અને વ્યક્તિઓ પર તૂટી પડનારા સેક્યુલરવાદીઓ આસામ હિંસાના પગલે બોડો પર થયેલા જુલમો અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરીની સમસ્યા સંદર્ભે ખામોશ રહ્યા. આસામ હિંસામાં મુસ્લિમ ઘૂસણખોરો અને ઉગ્રવાદી સંગઠનોની ભૂમિકાથી શું સેક્યુલરવાદીઓ અવગત છે?  શું તેમને આસામમાં કોંગ્રેસના તરુણ ગોગોઈની સરકાર હોવાથી સોનિયા ગાંધીની શરમ આવે છે?

આસામ હિંસાના બહાને મુંબઈમાં તોફાન, 2ના મોત

આસામ હિંસા અને મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા કથિત જુલમો સંદર્ભે મુંબઈની રજા એકેડેમી અને ભૂતપૂર્વ પોલીસ કર્મચારી શમશેરખાન પઠાણના પક્ષ દ્વારા મુંબઈના આઝાદ મેદાનમાં મુસ્લિમોએ દેખાવો યોજ્યા. આ દેખાવોમાં 10 હજાર લોકોને દેખાવની મંજૂરી મળી હતી, તેની સામે 50 હજાર લોકોને મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપીની મુસ્લિમ ખુશામતખોરીવાળી સરકારે ભેગા થવા દીધા. ત્યાર બાદ આ 50 હજાર મુસ્લિમોના ટોળાને ત્યાં ઉગ્ર ભાષણો અને વિક્ષિપ્ત તસવીરોથી ઉશ્કેરવામાં આવ્યા. જેના પરિણામે પહેલા મહિલા પોલીસ કર્મચારીઓના કપડા ફાડવાની અને તેમના વિનયભંગ થવાની ઘટના થઈ. ત્યાર બાદ ટોળાએ પોલીસના વાહનો અને મીડિયાની ઓબીવાનોની આગચંપી કરી. નજીકના સીએસટી સ્ટેશન રોડ પર 90 મિનિટ સુધી હુલ્લડખોરોએ તોફાન મચાવ્યું. અહીં અમર જવાન જ્યોતિને પણ મુસ્લિમોના કટ્ટરપંથી ટોળાએ તોડફોડ કરીને નુકસાન પહોંચાડયું. આ તોફોનોમાં બે લોકોના મોત નીપજ્યા છે.

મીડિયાએ આ ઘટના પ્રત્યે જબરી શિસ્ત દાખવી, એકપણ ટોપીવાળા ફૂટેજ ટેલિવિઝન પર પ્રસારીત કર્યા નહીં. હિંદુ સંગઠનોના દેખાવ વખતની અપવાદરૂપ ઉગ્ર ઘટનાઓમાં ભગવા ગુંડા જેવા ગલીચ શબ્દો વાપરનારા મીડિયાએ આ વખતે મુસ્લિમ દેખાવકારો શબ્દ વાપરવાનું ટાળ્યું. ત્યારે દેશભરમાં મ્યાંમારના રોહિંગ્યા સાથે ભારતને કંઈ ન્હાવા નિચોવાનું નથી, તેમની તરફેણમાં દેખાવો કરવા ઉમટેલા કટ્ટરપંથી મુસ્લિમોએ તેની સાથે આસામ હિંસાને જોડીને દેશને કોમી હુતાસણ તરફ ધકેલવાનો કારસો તો નથી ઘડયો ને? શું ભારતના મુસ્લિમોએ કાશ્મીર ખીણમાં વિસ્થાપિત થયેલા હિંદુઓ માટે ક્યારેય દેખાવ કર્યો છે? હાલ દેશમાં મ્યાંમાર અને આસામની હિંસા મુદ્દે દેખાવો કરી રહેલા ભારતના કટ્ટરપંથી મુસ્લિમો સ્પષ્ટ કરે કે મ્યાંમારના રોહિંગ્યા કે જેમને ત્યાંની સરકારે નાગરીક હકોથી વંચિત કર્યા છે તેઓ અને આસામમાં ઘૂસી ગયેલા બાંગ્લાદેશી મુસ્લિમો તેમના શું સગા થાય છે?

Thursday, August 9, 2012

કેશુભાઈની પાર્ટી દ્વારા સંઘ પરિવારની રાજકીય દિશા બદલાઈ શકે



- આનંદ શુક્લ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતના રાજકારણમાં હિંદુત્વના પોતાના એજન્ડાને આગળ વધારવા માટે બે રાજકીય વિકલ્પો અત્યાર સુધીમાં આપ્યા છે. 1952માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં ભારતીય જનસંઘની સ્થાપના આરએસએસના તત્કાલિન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી. પરંતુ કટોકટી બાદની રાજકીય પરિસ્થિતિમાં જનસંઘ સામુહિક રીતે જનતા પાર્ટીમાં વિલિન થઈ ગયું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓના બેવડા સભ્યપદના મામલે ઉઠેલા વિવાદમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1979-80માં ભાજપની સ્થાપના થઈ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત વિભાજન બાદ દેશની સેક્યુલર રાજનીતિને હિંદુત્વના રસ્તે ચઢાવવાના એજન્ડાને આગળ વધારવા માટે ઉભા કરવામાં આવેલા રાજકીય વિકલ્પો એક યા બીજા કારણોસર નકામા સાબિત થયા. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વર્ષોમાં પોતાની વિચારધારાનો આધાર ગાંધિયન સોશ્યાલિઝમને રાખ્યો. જો કે તેના આધારે તેમને 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાને કારણે સિમ્પથી વેવનો ભરપૂર લાભ મળ્યો હતો.

પરંતુ રામજન્મભૂમિ આંદોલનને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિંદુ પરિષદના હાથમાંથી રાજકીય એજન્ડા સાથે લઈને ભારતીય રાજનીતિમાં સત્તાસ્થાને પહોંચવામાં કામિયાબી મેળવી. 1996, 1998, 1999માં અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં અનુક્રમે 13 દિવસ, 13 માસ અને એક ટર્મ માટે સત્તામાં રહેવાનો એનડીએના નેજા નીચે ભાજપને મોકો મળ્યો. રામજન્મભૂમિના રથ પર સવાર થનારા ભાજપે રામરથની સવારી સત્તા માટે છોડી દીધી. તેની સાથે 2004 સુધીમાં હિંદુત્વની વિચારધારાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળ હિંદુત્વવાદી એજન્ડાને પુરા કરવાની તાકાત પણ ગુમાવતી નજરે પડી. ભાજપને સુધારવાની અથવા કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ઉભો કરવા માટે સંઘ પરિવારમાં ગણગણાટ શરૂ થઈ ગયો. 2009ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપના નેતૃત્વવાળું એનડીએ હાર્યું. ત્યારે સંઘના નવનિર્વાચિત સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી અથવા સર્જરીની જરૂર હશે, તો તેને કરવાની વાત સાર્વજનિક રીતે કરી.

હિંદુત્વવાદી એજન્ડાને આગળ વધારનારા રાજકીય વિકલ્પના તૂટવાનો અફસોસ ઉંડે ઉંડે સંઘ પરિવારના નેતાઓમાં નવું ચિંતન, મનન અને મંથન પેદા કરનારો સાબિત થયો. જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટપણે ભાજપના રાજકીય વિકલ્પ તરીકે નવો રાજકીય પક્ષ સ્થાપવાની વાતને દ્રઢતાથી નકારી નાખી હતી. પરંતુ તેમ છતાં સંઘ પરિવારમાં રાજકીય વિકલ્પ તરીકે અપ્રાસંગિક બનતા જતા ભાજપ અને તેના નેતાઓ પ્રત્યે અસંતોષનું પ્રમાણ કાયમ રહ્યું છે. સંઘના રોજિંદા કામમાંથી દૂર થયેલા નેતાઓએ ભાજપનો રાજકીય વિકલ્પ શોધવાની કવાયત ક્યારની શરૂ કરી દીધી છે. ક્યારેક બાબા રામદેવને રાજકીય એજન્ડા માટે તૈયાર કરવાની કોશિશ થઈ, તો ક્યારેક અણ્ણા હજારેના મુસ્લિમ તરફી ધર્મનિરપેક્ષતાવાદી આંદોલનને હાઈજેક કરવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો.

જો કે અણ્ણા હજારે કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને આંદોલન બંને ઉભું કરવામાં નિષ્ફળ ગયા. અણ્ણા ખુદ રાજકીય વિકલ્પ આપવાની વાત કરી ચુક્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ આણિ મંડળીના રાજકીય વિકલ્પમાં સંઘ પરિવારના એજન્ડાને જરાપણ સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. તેને કારણે સંઘ પરિવાર હવે આ સંદર્ભે કોઈ મહેનત કે કડાકૂટમાં પડવા માંગતો નથી. અણ્ણાના અનુભવ પછી બાબા રામદેવને વિકલ્પ તરીકે જોવામાં ખૂબ સાવચેતીઓ દાખવવામાં આવી રહી છે.

જો કે અત્યાર સુધી હિંદુત્વવાદી રાજનીતિનું પ્રબળ કેન્દ્ર રહેલા ગુજરાતમાં પ્રાંતિય સ્તરે ભાજપનો રાજકીય વિકલ્પ ઉભો થયો છે. 4 ઓગસ્ટે ભાજપમાં 60 વર્ષ કામ કરનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપીને 6 ઓગસ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. આ પાર્ટીમાં કેશુભાઈ ઉપરાંત કાશીરામ રાણા, સુરેશ મહેતા, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહીતના ઘણાં નેતાઓ છે. હજી ઘણાં નેતાઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને સંઘના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલે અને નેતા પ્રવિણ મણિયારના આશિર્વાદ પણ પ્રાપ્ત છે.

કેશુભાઈ પટેલનુ કહેવુ છે કે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શો પર ટકેલી હશે અને અસલી ભાજપની ભૂમિકા નિભાવશે. તેઓ આ વાત જ્યારે કહી રહ્યા હતા, ત્યારે સંઘના દિગ્ગજ નેતા પ્રવિણ મણિયાર અને ભાસ્કરરાવ દામલે હાજર હતા. એક સચ્ચાઈ એ પણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાનો સિક્કો ચલાવ્યો છે, ત્યારથી બાકીના તમામ સિક્કાઓનું ચલણ બંધ થઈ ગયું છે, પછી તે સિક્કો સંઘ પરિવારના સંગઠનોનો કેમ ન હોય.

નરેન્દ્ર મોદી અત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી વધારે આગળ છે. ભાજપના ઘણાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા ઈચ્છી રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી સામે બે મુશ્કેલી છે, પહેલી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજું ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાથે અહમનો ટકરાવ. 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો બાદ મોદીને કોમવાદી ગણવાની ભારતીય રાજનીતિમાં ફેશન ચાલી છે, આને હિંદુત્વ ગણવાની ફેશન ચાલી છે. મોદીના વધેલા રાજકીય કદનો સામનો કરવા અને તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવા માટે ખુબ વ્યૂહાત્મક રીતે ભાજપના જ કેટલાંક કેન્દ્રીય નેતાઓની મિલીભગતથી મોદી કોમવાદી હોવાની વાત વારંવાર ગણતરીપૂર્વક ઉછાળવામાં આવી. ઘણાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2004 સુધીમાં મોદીની દેશમાં લોકપ્રિયતાથી ગભરાઈને જ ભાજપે હિંદુત્વના એજન્ડાને છોડીને વિકાસ અને અટલજીના નામે વોટ માંગ્યા હતા, કારણ કે જો ભાજપ હિંદુત્વના એજન્ડા પર આગળ વધત તો અટલજીના રાજનીતિમાંથી નિવૃત થયા બાદ નરેન્દ્ર મોદીને જ તેમના વધેલા રાજકીય કદને કારણે કેન્દ્રમાં મોટી ભૂમિકા આપવી પડે.

બીજી તરફ સેક્યુલરવાદના નામે મુસ્લિમ તરફી રાજનીતિમાં ગળાડૂબ નીતિશ કુમારે એક અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે એનડીએનો વડાપ્રધાન પદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. તાજેતરમાં અખબારી અહેવાલ પ્રમાણે નીતિશ કુમારે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પાસે ખાતરી માંગી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નહીં કરે. જો કે ગડકરીએ કહ્યુ છે કે એનડીએના તમામ પક્ષો સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ તમામ કવાયતમાં એક વાત સ્પષ્ટ છેકે નરેન્દ્ર મોદી પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા માટે જોર લગાવશે અને નીતિશ કુમાર તેના કારણે જેડીયૂ સાથે એનડીએમાંથી બહાર નીકળી જશે.

બીજી તરફ ગુજરાતમાં મોદી અને ભાજપની મુશ્કેલી એ છે કે કેશુભાઈની નવી પાર્ટી તમામ મોદી વિરોધીઓનું કેન્દ્ર તો બનશે જ, સાથે સંઘની વિચારધારાત્મક શક્તિઓ પણ સાથે આવી જશે. મોદી માટે સૌથી વધારે ચિંતાજનક કોઈ બાબત હશે, તો તે હશે કે ગત બે દશકમાં પહેલીવાર શક્તિશાળી 1 કરોડ 68 લાખની વસ્તી ધરાવતા પટેલ સમુદાયને ભાજપનો એક સ્પષ્ટ રાજકીય વિકલ્પ મળશે. મહત્વપૂર્ણ છે કે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમુદાયના ભાજપ તરફ ઝુકવાના પહેલા 80ના દાયકામાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી દ્વારા પ્રચલિત ખામ (ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ અને હરિજન) થિયરીની ગુજરાતની રાજનીતિમાં બોલબાલા હતી.

રાજ્યના પટેલ સમુદાયને કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવીને ખામ થિયરીને અપ્રસ્તુત બનાવીને ભાજપને સત્તામાં આગળ વધારવાનું શ્રેય જાય છે. પરંતુ પાર્ટીની અંદરની રાજનીતિમાં કેશુભાઈ જેવું સશક્ત પટેલ નેતૃત્વ મોદી હાથે પરાસ્ત થયું તે પણ એક હકીકત છે. પરંતુ હવે કેશુભાઈ પટેલ પોતાના તમામ દમખમથી પાર્ટી બહાર ખુલ્લા રાજકીય મેદાનમાં ચૂંટણી જંગ ખેલવાના છે.  જો કે આ પરિસ્થિતિ છતાં નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા પર પકડ જમાવી રાખશે, તો ભાજપના હાઈકમાન્ડ માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રોકવાનું કોઈ કારણ બાકી રહેશે નહીં.

આવી પુરી શક્યતા છે, કારણ કે મોદી  સામે ભાજપના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વધારે કંઈ થઈ રહ્યું નથી. રાજકીય વર્તુળોની ચર્ચા પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસ જેમના હાથમાં છે, તેમણે પીઠ પાછળ મોદી સાથે હાથ મિલાવી રાખ્યા છે. સંઘ પરિવારની શક્તિઓના નારાજ થવાનું એક કારણ એ પણ છે કે તેમના દ્વારા સૂચવવામાં આવેલા કામ મોદી કરતા નથી, પરંતુ કોંગ્રેસીઓના કામ ફટાફટ કરી નાખે છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે શું કેશુભાઈની નવી પાર્ટી આટલી જલ્દી પોતાનું સંગઠન ઉભું કરીને મોદીના નેતૃત્વમાં ચાલનારી સક્ષમ ચૂંટણી મશનરીને ટક્કર આપી શકશે કે જે ગત બે ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખી ચુકી છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપને સત્તાની બહાર કરવામાં કેશુભાઈ પટેલ સફળ થશે, તો નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પદ માટેનો રથ ગુજરાતમાં જ થંભી જશે.

પટેલ, મોદી અને નીતિશનો ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને કચ્ચરઘાણ ભાજપના ખુદના હિતોનો નીકળી રહ્યો છે. આ જંગમાં જીતનાર પોતપોતાના હિત સાધી શકશે, પરંતુ ભાજપના હિત કોરાણે મૂકાશે. આ દુવિધાના પરિણામો દૂરગામી હોઈ શકે . જો ગુજરાતમાં ભાજપને કેશુભાઈ પટેલની નવી પાર્ટી ટક્કર આપી શકશે, તો સંઘ પરિવારના રાજકીય વિકલ્પ શોધનારા જૂથ માટે નવી દિશા ખુલશે. કેશુભાઈ પટેલની પાર્ટીને સંઘ પરિવારની વિચારધારાની વધારે નજીક માનવામાં આવી રહી છે, ત્યારે તેની કોઈપણ પ્રકારની સફળતા સંઘ માટે એકદમ નવો અનુભવ હશે. આ અનુભવ પછી કદાચ સંઘ રાષ્ટ્રીય સ્તરે પણ વિચારધારાત્મક રીતે વધારે કટિબદ્ધ એક રાજકીય વિકલ્પ સંદર્ભે પણ વિચાર કરી શકશે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનું સારું પ્રદર્શન સંઘ પરિવારની રાજનીતિની દશા અને દિશા સ્થાયીપણે બદલી શકે છે.

Tuesday, August 7, 2012

ગુજરાતમાં વિકાસનું ગ્લેમરાઈઝેશન


-       મોદીએ વિકાસના નામે પોતાનું ગ્લેમર ઉભું કર્યું તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. શું ગુજરાતના વિકાસ અને ગરીબો માટે આટલા રૂપિયામાંથી નવી કોઈ યોજના શરૂ થઈ શકી ન હોત?

-       ગુજરાતમાં લાખોની ચોરી અને લૂંટ હવે આમ વાત બની ગઈ છે. મોદી સરકાર આને લો એન્ડ ઓર્ડરની નિષ્ફળતા ગણતી નથી. પરંતુ ચોરી અને લૂંટને ગુજરાતમાં થયેલા વિકાસની પારાશીશી સમજે છે.

-       ગુજરાતમાં વિકાસ કરતા વિકાસની વાતો ઘણી ઝાઝી થઈ છે. અમદાવાદના તથાકથિત વિકાસના બજેટ કરતા ઓછા બજેટમાં ભારતના હૈદરાબાદ જેવા અન્ય શહેરો વિકાસના માર્ગે પુરપાટ દોડયા છે. વિકાસના નામે માત્ર અને માત્ર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રાન્ડિંગ થયું છે અને વિકાસનું ગ્લેમર ઉભું કરવામાં આવ્યું છે.

-       મોદી ગુજરાતની અસ્મિતાની વાતો કરે છે. પરંતુ તેમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણની હત્યા કરી દેવામાં આવી છે. શિક્ષકોને સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત કરી દેવામાં આવ્યા છે અને બાળકોને મનેકમને નરેન્દ્ર મોદીને સાંભળવા સિવાય કોઈ છૂટકો નથી. મોદીએ જણાવવું જોઈએ કે પોતાના ગુજરાતમાં શાસનના એક દાયકામાં અમદાવાદ ખાતે આવેલી આઈઆઈએમમાં ગુજરાતની સરકારી શાળાઓમાં ભણેલા કેટલાં વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું?

-       ગુજરાતના અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં વિકાસનું ગ્લેમર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. સ્થિતિ કાબુ બહાર છે. અહીં નથી, પીવાનું પાણી, નથી સારા રસ્તા, નથી આરોગ્યની પુરતી સુવિધા. શું આ ગુજરાતનો વિકાસ છે!!!!!

-       ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે ઘણાં બલિદાનો આપવામાં આવ્યા. નર્મદા નદીના કેનાલનું કામ મોદીના 10 વર્ષના શાસનમાં પૂર્ણ થઈ શક્યું નથી. પરંતુ મોદી મેટ્રો અને બુલેટ ટ્રેનની વાતો કરે છે. પહેલા નર્મદાની કેનાલોનું કામ પુરું કર્યું હોત,તો દુકાળની સ્થિતિમાં રાજ્યને પાણીની અછતનો સામનો કરવો પડત નહીં. પણ ગુજરાતનું દુર્ભાગ્ય છે કે મોદીને નર્મદાની કેનાલના સ્થાને બુલેટ અને મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતનો વિકાસ દેખાય છે.!!!

-       ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની નાના-નાના ગામડામાં હાલત ખરાબ છે. આરોગ્ય સેવાની ગામડાઓમાં ભારે અછત છે. આ આરોગ્ય સેવાઓ ગરીબ માણસને માંદગીમાંથી સાજા કરવા માટે હોય છે. પરંતુ આ આરોગ્ય સેવાઓ ઉત્સવપ્રિય સરકારના રાજમાં ખતમ થવાના આરે છે. આ છે ગુજરાતનો વિકાસ!!!!

-       ગુજરાતના ગામડાંઓમાં નર્મદા નદીના પાણી પહોંચ્યા નથી, પણ પૈસા પહોંચી ગયા છે. ખેડૂતોને કામ વગરના કરવા માટે તેમની ખેતીલાયક જમીનો સેઝ અને અન્ય ઉદ્યોગ સહીતના કામ માટે ઉંચા ભાવે ખરીદી લેવાય છે. આ છે ગુજરાતનો વિકાસ!!!!


ગુજરાત પરિવર્તન પાર્ટીએ “પરિવર્તન પથ” તૈયાર કરવો પડશે


-          આનંદ શુક્લ
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, શાશ્વત નિયમ છે. પરિવર્તનથી અસ્તિત્વ ટકે છે. પરિવર્તન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની અગ્રિમ જરૂરિયાત છે. દુર્પરિવર્તનો સામે પરિવર્તનો પોતાની ઓળખ સાથે આગળ વધવા માટે જરૂરી છે. ભારત માટે કહેવામાં આવે છે કે પરિવર્તનો સામે સુમેળ સાધવાની ભારતીય સમાજની વૃતિ અને પ્રવૃતિએ ભારતનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે વાવાઝોડાંમાં અક્કડ રહેનારા ઝાડ મૂળમાંથી ઉખડી જાય છે અને ઝુકી જનારા પોતાનું અસ્તિત્વ ટકાવી જાણે છે.
પરિવર્તનો હંમેશા સ્થાપિત બાબતોમાં થતા હોય છે. પછી તેમાં સુધારા માટે હોય કે તેમા ફેરફાર કરવા માટેના હોય. સ્થાપિત બાબતોમાં પરિવર્તનો તેનો ઢાંચો અને તેમા રહેલા લોકો સહન કરી શકતા નથી. તેથી પરિવર્તનોનો જોરશોરથી વિરોધ થતો હોય છે કે પરિવર્તનો સંદર્ભેની તેઓ ખુદ વાતો શરૂ કરી દેતા હોય છે. આ બંને પરિસ્થિતિ પરિવર્તનો સામેના પડકાર છે. ગુજરાતમાં સત્તા પરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તનના ખુલ્લા ઉદેશ્ય સાથે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની 6 ઓગસ્ટ, 2012ના રોજ ઘોષણા કરી છે. તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક અધ્યક્ષ બન્યા છે. ટૂંક સમયમાં પદાધિકારીઓ અને અન્ય સંગઠનાત્મક બાબતોની ઘોષણા પણ થવાની છે.
કેશુભાઈ પટેલ 83 વર્ષની જૈફવયે ફરીથી પરિવર્તન માટેનું નિમિત્ત બનવા તૈયાર થયા છે. તેમણે પોતાની 60 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલા ભારતીય જનસંઘ અને બાદમાં ભાજપમાં પૂર્ણ સમર્પણથી કામ કર્યું. ગુજરાતના ગામડેગામડે જનસંઘ અને ભાજપને પહોંચાડવા માટે કેશુભાઈ પટેલે પોતાની સંગઠનાત્મક શક્તિથી સિંહફાળો આપ્યો હોવાની વાત તમામે સ્વીકારવી પડે તેમ છે. ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલનું કદ ભીષ્મ પિતામહ જેવું છે. પરંતુ આ એક એવા ભીષ્મ પિતામહ છે કે જેમણે દુર્યોધન બની ચુકેલા શાસકોના દુશાસનવાળા હસ્તિનાપુરને છોડી દીધું છે. તેમણે પ્રજાધર્મ નિભાવવા માટે સત્તા પરિવર્તનથી વ્યવસ્થા પરિવર્તનની હાકલ કરી છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બે માસ લીડર હતા, પહેલા કેશુભાઈ પટેલ અને બીજા શંકરસિંહ વાઘેલા. ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકા નિભાવતા હતા. ભાજપે પોતાને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવ્યો છે. પરંતુ તેમા એટલા બધાં ડિફરન્સ ઉભા થયા છે કે કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને નરેન્દ્ર મોદી ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી પદે છે. ભાજપના ત્રણેય મોટા કદના નેતાઓ જેના કારણે ભાજપ ગુજરાતમાં મજબૂત બની તેઓ આજે ત્રણ અલગ-અલગ ખેમામાં છે.
શંકરસિંહ વાઘેલાએ 1996માં બળવો કર્યો ત્યારે તેમની સાથે 46 ધારાસભ્યોએ ભાજપ છોડયું હતું. શંકરસિંહ વાઘેલાના ત્યારથી અત્યાર સુધી આવેલા નિવેદનો એક વાતની ચાડી ખાય છે કે તેમને વાંધો કેશુભાઈ પટેલ સામે ન હતો. તેમનો મુખ્ય વાંધો કેશુભાઈ પટેલની સરકાર વખતે સુપર ચીફ મિનિસ્ટર તરીકે વર્તતા નરેન્દ્ર મોદી સામે વાંધો હતો. કેશુભાઈ પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાક્ષસ ગણાવ્યા છે અને તેમનો જીવ વોટોમાં હોવાનું પણ કહ્યુ છે. તેમણે ભાજપ વ્યક્તિલક્ષી પાર્ટી બની ગઈ હોવાની હૈયાવરાળ પણ ઠાલવી છે.
કેશુભાઈ પટેલનું ભાજપ છોડવું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કદાચ દુ:ખદ ઘટના નહીં હોય, પરંતુ ભાજપ માટે ચોક્કસ દુ:ખદ ઘટના છે અને તેમણે આ બાબતે આત્મચિંતન કરવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ચુક્યું છે. કહેવાય છે કે ગુજરાતમાં આજ સુધી બનેલા ત્રીજા મોરચાના બાળમરણના પુનરાવર્તનનું જોખમ ગુજરાત જનતા પાર્ટી પર પણ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ચિમનભાઈ પટેલ, રતુભાઈ અદાણી અને ભાજપમાંથી શંકરસિંહ વાઘેલાએ બિનકોંગ્રેસી-બિનભાજપી ત્રીજા મોરચા માટે ગંભીરતાથી પ્રયત્ન કરી જોયા, પરંતુ આ કોશિશો સરેઆમ નાકામ ગઈ છે.
કેશુભાઈ પટેલના ત્રીજા વિકલ્પને જનતા સ્વીકારશે કે નહીં તેનો પ્રશ્ન ઉભો છે. પરંતુ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના પહેલા યોજાયેલા છ પરિવર્તન મહાસંમેલનોમાં ઉમેટેલા લોકોને જોતા લાગે છે કે કેશુબાપાની પરિવર્તનની હાકલ ઝીલનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. સોમવારે ગાંધીનગર ખાતે તેમના બંગલે ઉપસ્થિત અઢીથી ત્રણ હજારની ભીડમાં 50 વર્ષથી નીચેના લોકો મોટા પ્રમાણમાં દેખાતા હતા.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલ જમીન સાથે જોડાયેલા માણસ છે. 60 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ખુંદીને જાતેસંપર્ક ઉભો કર્યો છે. 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને કેશુભાઈ પટેલ માટે સહજ રીતે લાગણી છે. ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે 2012ની ચૂંટણીમાં મોટા પડકાર સાબિત થશે.
તેમના માનવા પ્રમાણે, ગુજરાતમાં અત્યારે ખરેખર પરિવર્તનની જરૂર છે. અહીં વિકાસ થયો છે, પરંતુ તેનું ગ્લેમરાઈઝેશન થયું છે અને તેનો સૌથી મોટો ફાયદો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો છે. વિકાસ કરતા વિકાસની વાતો ઘણી વધારે અને મોટી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં વિકાસના કામો થયા છે, પણ આમ આદમીને તેની કિંમત પણ ચુકવવી પડી છે. ગુજરાતના અંતરિયાળ ગામડામાં હજી પરિસ્થિતિ સુધરી નથી. શિક્ષણની બાબતમાં રાજ્ય પાછળ છે, બાળકોમાં કુપોષણની બાબતમાં પણ ખરાબ સ્થિતિ છે, માનવવિકાસ સૂચકાંકમાં પણ ગુજરાત પાછળના ક્રમે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક રાષ્ટ્રીય સામાયિકે સતત પાંચ વર્ષ સુધી નંબર વન ગણાવ્યા છે. રાજ્યમાં ચોરી, લૂંટ, બાળકોના અપહરણની ઘટનાઓ બહુમોટા પ્રમાણમાં થઈ છે. લાખોની લૂંટને કાયદો અને વ્યવસ્થાની ઢીલ ગણવાને બદલે વિકાસનું કારણ બનાવીને ગૌરવ લેવાય રહ્યું છે.
આ સિવાય રાજ્યમાં ઉદ્યોગો આવી રહ્યા હોવાનું દેખાડવા માટે વાઈબ્રન્ટ ગુજરાતના નામે મોટા વૈભવી અને ગ્લેમરસ તામજામ દર બે વર્ષે યોજવામાં આવે છે. પરંતુ આંકડા જણાવી રહ્યા છે કે વાઈબ્રન્ટ ગુજરાત નહીં યોજતા રાજ્યો વિદેશી મૂડી રોકાણના મામલે ગુજરાત કરતા આગળ છે. 2002ના કોમી રમખાણોની ઘટનામાં પોતાની કલંકિત છબી સાફ કરવા માટે મુખ્યમંત્રી મોદી વિકાસની માળા જપી રહ્યા છે અને તેનું ગ્લેમરાઈઝેશન કરી રહ્યા છે. જો કે હકીકત એ છે કે ગુજરાતમાં આવનારા ઉદ્યોગોને પાણીના ભાવે જમીનો અને સવલતો આપવામાં આવી રહી છે. તેમાંથી ઉભી થતી રોજગારી ગુજરાતીઓને સ્થાને બહારના રાજ્યોના લોકોને વધારે પ્રમાણમાં મળી રહી છે. ઉદ્યોગો માટે ગોચરની જમીનોના પણ કેટલેક ઠેકાણે વહીવટ થયા છે, તો કેટલેક ઠેકાણે ખેતીલાયક જમીનો પણ કાઢી આપવામાં આવી છે.
રાજકીય નિરીક્ષકોના માનવા પ્રમાણે, ગુજરાતને વિકાસ દોડમાં આગળ દેખાડીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ચમકાવીને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વોચ્ચ પદે જવા માટે વ્યૂહાત્મક રીતે કામ કરી રહ્યા છે અને તેમાં ગુજરાતના હિતોની બલિ આપવાની વૃતિ પણ રાજ્યની અસ્મિતાની વાતો કરનારા મુખ્યમંત્રી ધરાવે છે.
આ સિવાય ગુજરાતમાં હિંદુત્વની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જ ભાજપ 1995થી અઢી વર્ષના ગાળાને બાદ કરતા ગુજરાતમાં સત્તા પર રહ્યો છે. હિંદુત્વ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ગાય અને ગોચરના મુદ્દે મોદી સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ તાજેતરમાં કહ્યુ છે કે 1990 બાદ ગુજરાતમાં ગોહત્યા સદંતર બંધ હતી. ગોભક્ષકો અને ગોહત્યારાઓ ફફડતા હતા, પરંતુ રાજ્યમાં હવે છેલ્લા એક વર્ષમાં 68 હજાર કિલોગ્રામ ગોમાંસ ઝડપાયું છે. તેમનો કહેવાનો અર્થ રાજ્યમાં ગાય અને ગોવંશની હત્યાઓ થઈ રહી છે. રાજ્યમાં 187 લાખ હેક્ટર જમીનમાંથી માત્ર સાડા આઠ લાખ ગોચરની જમીન બાકી રહી છે. રાજ્યના અઢી કરોડ ઢોરઢાંખરના પાલન માટે કુલ 40 લાખ હેક્ટર જમીનની જરૂરત છે. ત્યારે આ સાડા આઠ લાખ ગોચરમાંથી જમીનોનો વહીવટ કરવાનો પ્લાન સરકાર બનાવતી હોવાના આક્ષેપો તેજ બન્યા છે. ત્યારે હિંદુત્વવાદી વિચારધારા ધરાવતા સંગઠનોમાં મોદી સરકાર સામે વિચારધારાત્મક સ્તરે પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
આ સિવાય ધાર્મિક સ્થાનો હટાવવાના કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે ગાંધીનગરમાં 300 જેટલા મંદિરો હટાવ્યા છે. આ કાર્યવાહી અમદાવાદ, ભાવનગર, વડોદરા જેવા સ્થાનો પર સીમિત રીતે કરવામાં આવી છે. પરંતુ ધાર્મિક સ્થાનો હટાવવાની કાર્યવાહીમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે હિંદુ ધાર્મિક સ્થાનનો મોદી સરકારે કચ્ચરઘાણ વાળ્યો છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સ્થાનો પ્રત્યે ખૂબ સદભાવનાજાળવી છે. ધર્મ ગુજરાતની પ્રજાની નસેનસમાં છે. ધાર્મિક સ્થાનો હટાવવા જેવી સંવેદનશીલ બાબતો સંદર્ભે મોદી સરકારે ધાર્મિક-સાંસ્કૃતિક અને સામાજિક સંગઠનો તથા લોકોને વિશ્વાસમાં લેવાનું જરાપણ યોગ્ય માન્યું નથી.
આ સિવાય અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રોના થયેલા કામોમાં કુલ 80 હજાર વૃક્ષોનો કચ્ચરઘાણવાળી દેવામાં આવ્યો છે. કુલ અંદાજે 4500 જેટલા મકાનોને વિકાસના કામોની નકારાત્મક અસરો પહોંચી છે. આ મકાનોમાંથી મોટાભાગના હિંદુ વિસ્તારમાં આવેલા છે. વિકાસના કામો મુસ્લિમ વિસ્તારો પાસે એટલા માટે રોકી દેવામાં આવે છે કે સરકાર અહીં કોઈ વિવાદ કે ઘર્ષણ કરવા માંગતી નથી. અમદાવાદ અને સૂરત જેવા ગુજરાતના મહાનગરો ખૂબ ચમકે તેની સામે કોઈને વાંધો નથી. પરંતુ વિકાસ માટે દંડાની જગ્યાએ લોકોને સહમત કરીને ભેદભાવ વગર કામો કરવામાં આવે તે સૌથી વધારે ઈચ્છનીય છે.
આ તમામ બાબતોમાં પરિવર્તનોની તાતી જરૂરિયાત છે. વિકાસના નામે ઉભા કરવામાં આવેલા ગ્લેમરના અંધાપામાંથી પ્રજાને બહાર કાઢવી જરૂરી છે. વિકાસના નામે આમ આદમીના લેવાતા ભોગ બાબતે પણ લોકોને જાગૃત કરવાની જરૂરિયાત છે. ગુજરાતના મુખ્યમંત્રી નંબર વન રહ્યા હશે, પરંતુ ગુજરાત ઘણી બાબતોમાં પાછળના ક્રમે ધકેલાયું હોવાની વાત પણ જનતા સામે મૂકવી પડશે. પરિવર્તનો ક્યારેય એમને એમ થયા નથી. તેના માટે ચોક્કસ બલિદાનો પણ આપવા પડે છે. ત્યારે કેશુભાઈની અધ્યક્ષતાવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીએ આના માટે પણ તૈયારી દાખવીને લોકોને મોટા પ્રમાણમાં પોતાની સાથે જોડીને તાત્કાલિક પરિવર્તન પથ તૈયાર કરીને તેના પર મક્કમ પગલે ઝડપથી આગળ વધવું પડશે. 

Thursday, August 2, 2012

ક્રાંતિના કિનારે વ્યવસ્થાની અવ્યવસ્થાઓ સામે ઉભેલું ભારત

-          આનંદ શુક્લ
દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. અવ્યવસ્થા પણ વ્યવસ્થાની એક અવસ્થા છે. વ્યવસ્થા વ્યક્તિ માટે છે, વ્યક્તિ વ્યવસ્થા માટે નથી. જ્યારે વ્યક્તિને વ્યવસ્થા માટે ગણવાની શરૂઆત થાય છે, ત્યારે તે વ્યવસ્થામાં અવ્યવસ્થાનો પ્રવેશ થાય છે. આવી પરિસ્થિતિ રુઢિવાદી માનસ(કન્ફર્મિસ્ટ માઈન્ડ)ની નીપજ છે. જો વ્યક્તિ માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાને ટકાવવાનો વિચાર જ વ્યવસ્થા ચલાવનારા લોકો કરશે, તો આ પ્રકારનું માનસ રુઢિવાદી માનસ ગણાશે. વ્યવસ્થા વ્યક્તિનો વિચાર કરવા માટે છે. જો વ્યવસ્થા વ્યક્તિનો વિચાર બંધ કરી દે અને ખુદનો વિચાર ચાલુ કરે, તો આવી વ્યવસ્થાનું પરિવર્તન અતિઆવશ્યક છે. આવી વ્યવસ્થાને દૂર કરવી, આવી વ્યવસ્થાને નેસ્તોનાબૂદ કરવી જરૂરી છે. આવી વ્યવસ્થા, વ્યવસ્થાના નામે અવ્યવસ્થા હોય છે.
ભારતમાં પણ આઝાદી સાથે જ વ્યવસ્થાના નામે અવ્યવસ્થાની શરૂઆત થઈ ચુકી છે. ભારતની પ્રવર્તમાન વ્યવસ્થાએ હાલ વ્યક્તિનો વિચાર કરવાનું બિલકુલ બંધ કરી દીધું છે. વ્યવસ્થામાં અવ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે વ્યાપ્ત છે. લોકો આ વ્યવસ્થામાં ગુંગળાય રહ્યા છે. પોતાના જીવન અને ઓળખનું અસ્તિત્વ બચાવવા માટે અલગ-અલગ મોરચે ક્યારેક વિદ્રોહ કરી રહ્યા છે. પરંતુ આ વિદ્રોહ ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરતો નથી, કારણ કે આ વિદ્રોહ માત્ર વ્યવસ્થા સામેની પ્રતિક્રિયા છે. ભારતની પ્રવર્તમાન વ્યવસ્થા એવી છે કે તેણે લોકોના માનસ રુઢિવાદી બનાવ્યા છે અને ક્રાંતિકારી માનસનો ખાત્મો કરી દીધો છે. આ વ્યવસ્થાના દુષ્પરિણામો છે કે વ્યક્તિ પ્રતિક્રિયા આપે છે, પણ ક્રાંતિ કરી શકતો નથી. ક્રાંતિ માટે હાલ વ્યક્તિ પાસે ધૈર્ય નથી.
હાથમાં માત્ર હથિયારના આવી જવાથી ક્રાંતિ થતી નથી. ક્રાંતિની હવા હોય છે, આ ક્રાંતિની હવામાં ચિંતન હોય છે, મનન હોય છે, એક નવી દિશા હોય છે. ક્રાંતિ લોહી વહેવડાવામાં ઘણી કંજૂસ હોવી જોઈએ. વ્યવસ્થાને ક્રાંતિ તરફ જતી રોકવામાં જે બાબતો અડચણરૂપ હોય તેનો જ ક્રાંતિ ભોગ લે છે. જો કે આજ સુધી જેને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, તે તમામ વ્યવસ્થા સામેની પ્રતિક્રિયા સ્વરૂપે જન્મેલા અને સફળ થયેલા લોહિયાળ વિદ્રોહ છે. જે ક્રાંતિ માણસના ચિત્તને ઝંઝોડીને ચિંતન-મનના રસ્તે વ્યક્તિ પરિવર્તન કરી શકતી નથી, તે ક્રાંતિ નથી. આવી ક્રાંતિ બે-પાંચ વર્ષોમાં થઈ શકતી નથી. તેને આવતા પચ્ચીસ-પચાસ વર્ષનો સમય લાગે છે, કારણ કે ક્રાંતિ તાત્કાલિક સમસ્યાનો વિચાર કરવાને બદલે મૂલ્યોનો વિચાર કરે છે. પ્રવર્તમાન વ્યવસ્થાની કથિત નીતિ અને મૂલ્યો કે જેનાથી અવ્યવસ્થા ઉભી થઈ રહી છે અને આગળ વધી રહી છે, તેને રોકવા માટે વાતાવરણમાં ક્રાંતિની હવા પેદા થવી જોઈએ અને તેના થકી આવી વ્યવસ્થામાં રહેલા લોકોમાં ડાયલોગ ઉભો થાય. આનાથી લોકો ચિંતન અને મનનથી પરિસ્થિતિ બદલવા માટે સામૂહિક અને સ્વયંભૂ તૈયાર થાય છે.
ક્રાંતિને હિંસાનો અને હથિયારોનો છોછ હોતો નથી. પરંતુ આ બંને ક્રાંતિના છેલ્લા તબક્કાની પરિપકવ પ્રક્રિયાનો ભાગ હોય તો જ આવકાર્ય છે. જ્યારે પ્રવર્તમાન વ્યવસ્થાના માળખાને બદલવાની, તોડવાની અને તેને નેસ્તોનાબૂદ કરવાની ચેષ્ટા થશે, તો વ્યવસ્થાનું માળખું પણ પ્રતિક્રિયા આપશે. આ પ્રતિક્રિયા વૈચારીક હશે, રાજકીય હશે અને હિંસાત્મક પણ હોઈ શકે છે. ત્યારે વિચારો સામે વિચારથી, રાજકારણ સામે રાજકારણથી, હિંસા સામે પણ મર્યાદિત હિંસાથી લડવું ક્રાંતિની પરમ આવશ્યકતા છે.
કોઈપણ વ્યવસ્થાને હટાવવી અથવા બદલવી ઘણું સરળ કામ હોય છે. પરંતુ જ્યારે આ વ્યવસ્થાને હટાવવા માટે જે અવ્યવસ્થા ઉભી થાય છે, તેનો સામનો કરવો ઘણો કઠિન હોય છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યવસ્થા નિયમો થકી રહેલી હોય છે. તેની મર્યાદા હોય છે. જ્યારે અવ્યવસ્થાના નિયમો હોતા નથી અને તેની કોઈ મર્યાદા પણ હોતી નથી. તેથી જ જ્યારે વ્યવસ્થાના પરિવર્તનમાં લાગેલા લોકો વ્યવસ્થિત નહીં, હોય તો અવ્યવસ્થા ઘણી ભયાનક હશે. આવી અવ્યવસ્થાને હટાવવી અથવા વ્યવસ્થામાં પરિવર્તિત કરવી ઘણું કઠિન કામ હશે, આ વ્યવસ્થા પરિવર્તનમાં લાગેલા લોકો સામેનો મોટો પડકાર હશે. તેથી જ ક્રાંતિના મિશનમાં લાગેલા વ્યક્તિઓએ પોતાની સજ્જતા કેળવવી પડશે, આવી સજ્જતાઓ વ્યવસ્થા પરિવર્તન થકી સર્જાતી ક્રાંતિમાં ઓછામાં ઓછું લોહી વહેવડાવશે.
આવા લક્ષ્યોને હાંસલ કરવા માટે સમાજનું ક્રાંતિકારી માનસ જાગૃત કરવું જરૂરી છે. સમાજનું ક્રાંતિકારી માનસ જાગૃત કરવા માટે વ્યવસ્થાની અવસ્થાને અવ્યવસ્થામાં બદલી રહેલા મૂલ્યો અને બાબતો સામે નિષેધ ઉભો કરવો ક્રાંતિની પ્રારંભિક જરૂરિયાત છે. નકારાત્મક બાબતો સામે નિષેધ ઉભો કરતા નેગેટિવ માઈન્ડ પેદા કરવા બિલકુલ નકારાત્મકતા નથી. આવા નેગેટિવ માઈન્ડ, ઈન્કારની સક્ષમતા સમાજના રિવોલ્યૂશનરી માનસને ઉત્તેજિત કરશે. વ્યક્તિ માટે જોખમરૂપ બની ગયેલી વ્યવસ્થાને બદલવા માટે રિવોલ્યૂશનરી માનસ વધારે કારગર સાબિત થશે.
લોકોમાં, સમાજમાં અને સમાજજીવનમાં ચિંતન-મનન અને ડાયલોગથી રિવોલ્યૂશનરી માઈન્ડ પેદા કરીને ક્રાંતિના લક્ષ્યો હાંસલ કરવા આગળ વધવું ક્રાંતિ માટે ઘણો મહત્વનો તબક્કો છે. તેના માટે 20થી 25 વર્ષ તાત્કાલિક સમસ્યાઓ તરફ ધ્યાન આપવાનું બંધ કરીને વ્યવસ્થામાં ઉભી થયેલી તમામ અવ્યવસ્થાઓને તેની નીતિઓ સહીત ઉજાગર કરી દેવી જોઈએ. આમ થયા પછી વ્યવસ્થા પરિવર્તન માટે સમાજની તૈયારી જોવી જોઈએ. ભારત કદાચ આ તબક્કામાં આવી ચુક્યું છે. પરંતુ હાલ ભારતની સમસ્યા છે કે લોકોના માનસ સંપૂર્ણપણે ક્રાંતિકારી બનાવવાનું કોઈ મિકેનિઝમ વ્યવસ્થાની અવ્યવસ્થાઓ ઉજાગર થયા છતાં ઉપલબ્ધ નથી.
જે લોકો પાસે આની આશા કરવામાં આવી હતી, તેઓ જ હવે અવ્યવસ્થા સાબિત થઈ ચુકેલી વ્યવસ્થાના ભાગ બની રહ્યા છે અથવા બની ચુક્યા છે. આવી સ્થિતિમાં ભારતે મજબૂત અને ઉંડું મંથન કરવું પડશે, ભારતે નક્કી કરવું પડશે કે તેણે ક્યાં જવું છે અને કેવી રીતે જવું છે? ભારતની રાજકીય વ્યવસ્થા અવ્યવસ્થા સાબિત થઈને સંપૂર્ણ નિષ્ફળતા તરફ આગળ વધી રહી છે. ભારતમાં ચાલી રહેલા ભયંકર ભ્રષ્ટાચારના વાતાવરણે, નીતિ-મૂલ્યોના હ્રાસે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી છે. રાજકીય વ્યવસ્થાની નિષ્ફળતાની અસર ભારતના સમાજજીવન પર પણ પડી રહી છે. સમાજજીવન પ્રભાવિત થવાથી આર્થિક ચિંતન અને સાંસ્કૃતિક વારસા પર પણ ખરાબ દુષ્પ્રભાવો ઉભા થઈ રહ્યા છે. જેના પરિણામે દેશ પોતાની ઓળખને ગુમાવે તેવું પણ સંકટ ઉભું થઈ રહ્યું છે.
ક્રાંતિનો અર્થ એવો ક્યારેય થતો નથી કે દેશ અને સમાજ, તેમા પોતાની ઓળખના મૂળતત્વોનો નાશ કરીને તદ્દન નવી ઓળખ પ્રાપ્ત કરે છે. ક્રાંતિને કારણે આવનારા પરિણામો જે-તે સમાજ અને દેશના મૂળ અને સનાતન તત્વોને આધારીત હોય છે. આ મર્યાદાની બહાર થનારી કથિત ક્રાંતિઓ ક્રાંતિના બદલે દેશના લોકો દ્વારા જ દેશ પર બહારી મૂલ્યો-નીતિઓ થકી થતું આક્રમણ વધારે હોય છે. ક્રાંતિનો પણ ચહેરો હોય છે. ચહેરા વગરની ક્રાંતિ શક્ય નથી. વ્યક્તિએ અને સમાજે કોઈપણ ક્રાંતિનો ભાગ બનતા પહેલા તેના ચહેરાને ઓળખવો જોઈએ. આ ચહેરો તેને અજાણ્યો લાગે અથવા ચહેરો દેખાય નહીં તો તેવી ક્રાંતિનો ક્યારેય ભાગ બનવું જોઈએ નહીં, કારણ કે આવી ક્રાંતિ બાદ આવનારી શાંતિ વ્યક્તિ અને સમાજને ખૂંચશે પરેશાન કરશે. ભારતના હાલની સમસ્યાનું મૂળ પણ એ છે કે જાણીતા ચહેરાઓથી અજાણ્યા ચહેરાવાળી ક્રાંતિ તરીકે ઓળખાતી પરિવર્તનોની હારમાળાનું ભાગ બન્યું.
ક્રાંતિનો ચહેરો ઓળખ્યા પછી પણ તેનો ભાગ બનનારાઓએ પોતાની ધીરજ ગુમાવવી જોઈએ નહીં. ક્રાંતિ ખૂબ લાંબી ચાલનારી પ્રક્રિયા છે. ક્રાંતિપથ પર ક્રાંતિકારીએ હિંસા સહીતના દરેક વિકલ્પ ખુલ્લા રાખવા જોઈએ, પરંતુ હિંસાને આખરી વિકલ્પ તરીકે જ સ્વીકારવો જોઈએ. ક્રાંતિ થકી વ્યવસ્થા પરિવર્તન સિવાય ઘણી અન્ય બાબતોમાં પરિવર્તનો આવવાના છે. પરિવર્તનો ઢાંચા વિરુદ્ધના હશે, જેને ઢાંચાની જાળવણી કરનારા લોકો સહન કરશે નહીં. આવા સંજોગોમાં ઢાંચો અને તેમા રહેલા વ્યક્તિઓ પ્રતિક્રિયા આપશે, તે હિંસક પણ હોઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં ક્રાંતિકારીઓએ પરિવર્તનો પ્રત્યે અડગતા દાખવીને હિંસક પ્રતિક્રિયાને પણ આખરી વિકલ્પ તરીકે ઓછામાં ઓછી હિંસાથી રોકવી જોઈએ.
સાચા અર્થમાં હાલ દુનિયામાં કોઈ જગ્યાએ ક્રાંતિની શક્યતા છે, તો તે ભારતમાં જ છે. ભારત અત્યારે એક એવું સ્થાન છે કે જ્યાં સિસ્ટમમાં અવ્યવસ્થા નથી, પરંતુ અવ્યવસ્થા સિસ્ટમને નામે ચાલી રહી છે. આ સિસ્ટમ તેને ચલાવી રહી છે. આ સિસ્ટમ હવે માનવા લાગી છે કે લોકો તેના માટે છે, તે લોકોથી પર અને તેમના માટે નથી. વ્યવસ્થાનો આ વિચાર તાત્કાલિક બદલાય તેવી કોઈ પરિસ્થિતિ વ્યવસ્થામાં રહેલા લોકો ઉભી થવા દે તેવી કોઈ શક્યતા નથી. જો વ્યવસ્થા પોતે લોકો માટે હોવાનું વિચારતી હોત, તો પોતાની ખામીઓ સંદર્ભે પણ સજાગ અને માનવીય અભિગમવાળી હોત. પરંતુ એવું કંઈ થઈ રહ્યું નથી. ત્યારે વ્યવસ્થા પરિવર્તનની લડાઈ ક્રાંતિના મુહાયુદ્ધમાં પરિણામે તેવી પુરી શક્યતા છે. પરંતુ ક્રાંતિ ખૂબ જવાબદારીવાળી પ્રક્રિયા છે, તેમા બેજવાબદારો અને ડરપોકોનું કોઈ સ્થાન નથી. ક્રાંતિ તાત્કાલિક થતી નથી, પરંતુ તેના પરિણામો તાત્કાલિક છે. તેથી લોકો અને સમાજ જાગરૂકતાના માધ્યમથી તેમા જોડાય તેવી પુરી શક્યતા છે. પરંતુ આના માટે નવું મિકેનિઝમ ઉભું કરવાની જરૂરત છે કે જે લોકોમાં ચિંતન-મનન અને ડાયલોગનું વાતાવરણ ઉભું કરે. લોકો સામૂહિક રીતે કોઈ નિર્ણય પર આવે અને ત્યાર બાદ તેના પર અમલ કરવા માટે સામૂહિક રીતે જ તૈયાર થાય.