Tuesday, November 17, 2009

વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર

ભારતમાં બ્રિટિશકાળથી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવવાનો એક સિલસિલો શરૂ થયો છે. લાગતું હતું કે આઝાદી બાદ આ સિલસિલો સમાપ્ત થશે. પણ લાગે છે કે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતા અને તેને પામવા માટે કાર્યરત લોકો અને સંગઠનો આવી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવી રાખવાનો સિલસિલો સમાપ્ત કરવા માટે તૈયાર નથી. વંદે માતરમ એટલે કે માતૃભૂમિની માતા માનીને વંદના કરવી. શું વાંધો હોઈ શકે છે, માતૃભૂમિની માતાતુલ્ય સમજીને વંદના કરવામાં? આઝાદી પહેલા જે વંદે માતરમ ગીત ગાતા ગાતા હિંદુ-મુસ્લિમ યુવાનિયાઓ સ્વતંત્રતા માટે હસતે મોઢે ફાંસીએ ચઢયા હતા, જે વંદે માતરમના ગાનથી બંગ-ભંગને રદ્દ કરવું પડયું હતું, જે વંદે માતરમ ભારતની એકતાનો સૂત્રપાત કરતું હતું. તે વંદે માતરમ કોમવાદી રાજકારણ ચલાવી રહેલી મુસ્લિમ લીગ માટે એક શસ્ત્ર બન્યું હતું. મુસ્લિમ લીગે વંદે માતરમ કે જે તે વખતે રાષ્ટ્રીય ગાન બની ચૂક્યું હતું, તે વંદે માતરમને કોંગ્રેસ સામે શસ્ત્ર સ્વરૂપે ઉપયોગમાં લાવીને મુસ્લિમોને હિંદુઓ વિરુધ્ધ ભડકાવ્યા હતા. દેશના અન્ય પ્રતીકો સામે પણ આવી જ મોહિમ ચલાવીને મુસ્લિમ લીગે થોડા વર્ષોમાં જ ધર્મના આધારે દ્વિરાષ્ટ્રના પ્રતિપાદન સ્વરૂપે પાકિસ્તાનને પ્રાપ્ત કરી લીધું હતું. જો કે આઝાદી બાદ વંદે માતરમ રાષ્ટ્રીય ગાનનો દરજ્જો તો પામ્યું નથી. પણ વંદે માતરમને જન ગન મન- રાષ્ટ્રીય ગાન સમકક્ષ રાષ્ટ્ર ગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માનવામાં આવતું હતું કે આ વિવાદ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પણ આ 1937 નથી, આ 1947 નથી, આ 1948 નથી કે આ 1949 કે 1950 નથી, આજે 2009 છે. ઉત્તરપ્રદેશના દેવબંદ ખાતે પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા મુસ્લિમોના રાષ્ટ્રવાદી ગણાવાતા સંગઠન જમિયત ઉલેમા એ હિંદના 30મા અધિવેશનમાં સેંકડો ઉલેમાઓ અને મુસ્લિમોની હાજરીમાં વંદે માતરમને બિનઈસ્લામિક ગણાવતા ફતવાનું સમર્થન કરતો પ્રસ્તાવ પારિત કરે છે. આઝાદીના 62 વર્ષ બાદ આટલી મોટી સંખ્યમાં એકઠા થયેલા મુસ્લિમોને ઉલેમાઓ અને જમિયત ઉલેમા એ હિંદ શું સંદેશો આપવા માગે છે? દેવબંદના વંદેમાતરમ વિરુધ્ધના ફતવાનું અત્યારે સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદ શું સાબિત કરવા માગે છે? આ ઈતિહાસના કોઈ પુનરાવર્તનની ઘટના તો નથી ને? આ સવાલોના જવાબ તો સમય જ આપશે.
જમિયત ઉલેમા એ હિંદના મૌલાના મહમૂદ મદનીએ જમિયતના વંદે માતરમને બિન ઈસ્લામિક કરાવતા ફતવા અંગે સ્પષ્ટીકરણ આપતા કહી રહ્યાં છે કે આ પ્રસ્તાવમાં વંદે માતરમનો વિરોધ કરવાની વાત નથી. માત્ર વંદે માતરમ બિન ઈસ્લામિક હોવાથી મુસ્લિમોને વંદે માતરમ ન ગાવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેઓ સુપ્રિમ કોર્ટના ફરજિયાત વંદે માતરમ ગાવ સંબંધે કોઈને બાધ્ય ન કરી શકાય, તે મતલબના ચુકાદાને પણ ટાંકી રહ્યાં છે. જો કે અત્રે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આજે વંદે માતરમને બિન ઈસ્લામિક ગણાવીને તે ન ગાવાનું સુચન કરાયું છે. બની શકે કે કદાચ ભવિષ્યમાં આ સંસ્થા કે અન્ય કોઈ મુસ્લિમોના નામે કામ કરતી સંસ્થા વંદે માતરમનો વિરોધ પણ કરે. આજે વંદે માતરમન ગાવાનું સૂચન કરનારા લોકો આવતીકાલે કદાચ ભારતના રાષ્ટ્રધ્વજ સામે ઝુકવાની પણ મનાઈ ફરમાવે, અશોક સ્તંભ સામે પણ વાંધો ઉઠાવે, જન ગન મન પણ તેમને કોઈ કારણસર વાંધાજનક લાગે, તો તેવા સંજોગોમાં ફરી એક વખત ભારતમાં ઈતિહાસની પુરોક્તિ થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. વંદે માતરમ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલું ગીત છે, માત્ર ગીત જ નથી, પણ શહીદો અને સ્વતંત્રસેનાનીઓએ ભારતને પરતંત્ર બનાવનારી શક્તિઓ સામે કરેલો યુધ્ધ ઘોષ છે. રાષ્ટ્ર પેદા થાય છે અને તેનો ક્રમિક વિકાસ આગળ વધે છે, ત્યારે તેની સાથે...તેની અસ્મિતા સાથે કેટલીક બાબતો પ્રતીકો જોડાય છે. સમયાંતરે જોડાતા આ પ્રતીકો અને બાબતો રાષ્ટ્રના લોકો માટે સર્વદા આદરણીય બની જતા હોય છે. પછી તે તિરંગો હોય, જન ગન મનનું રાષ્ટ્રીય ગાન હોય કે અશોક સ્તંભ હોય કે પછી વંદે માતરમ હોય. આવા પ્રતીકો અને બાબતોનું રાષ્ટ્ર સન્માન કરે, તેવી સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ રાષ્ટ્રની અસ્મિતા સાથે, રાષ્ટ્રના ગૌરવ સાથે અને રાષ્ટ્રના અસ્તિત્વ સાથે જોડાયેલી રાષ્ટ્ર અને લોકો દ્વારા માન્યતા પ્રાપ્ત બાબતોનો અનાદર કરે છે, ત્યારે તેવા વ્યક્તિ કે સંગઠનને રાષ્ટ્રદ્રોહી કેમ ન સમજવો જોઈએ? જેવી રીતે ગુલાબમાં ખુશ્બુ પોતાની મેળે પેદા થાય છે. તેવી રીતે જ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ પણ પેદા થવી જોઈએ. રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા પ્રતિકોના સન્માન સાથે જ તો નાગરિકોની રાષ્ટ્રભક્તિ જોડાયેલી છે. જે ગુલાબમાં ખુશ્બુ ન હોય, તે ગુલાબને કોણ સુંઘશે? જેઓ પોતાના રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણનું સન્માન નથી કરતાં, તેમનું સન્માન કોણ કરશે? રાષ્ટ્રીયગાન સમકક્ષ સન્માન પામેલા રાષ્ટ્રગીત વિરુધ્ધ ફતવો જાહેર કરનારા અને તેનું સમર્થન કરનારા લોકોનું કતૃત્વ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેવો પોતે બુધ્ધિદ્રોહીની કક્ષામાં પહોંચે છે.
વંદે માતરમમાં એવું તે શું છે કે તે ગાવામાં કોઈને પણ તકલીફ પડે? બંકિમચંદ્રે જે વંદેમાતરમ 1875માં લખ્યું હતું, તેના માત્ર પહેલા બે પદો જ આપણા રાષ્ટ્રગીતના સ્વરૂપે માન્યતા પામેલા છે. આ બંને પદોમાં એકપણ શબ્દ એવો નથી કે જે ઈસ્લામ કે અન્ય કોઈની વિરુધ્ધમાં લખાયો હોય. ફતવો બહાર પાડનારા લોકોએ વંદે શબ્દના અર્થને જાણવાની કોશિશ કરી હોય, તેવી કોઈ સંભાવના દેખાતી નથી. સંસ્કૃતનો વંદે શબ્દ વંદ ધાતુ પરથી બનેલો છે. જેનો મૂળ અર્થ છે પ્રણામ, નમસ્કાર, સન્માન, પ્રશંસા. કેટલાંક શબ્દકોશોમાં પૂજા-અર્ચના પણ લખેલું છે. પણ સવાલ એ છે કે માતૃભૂમિની પૂજા કેવી રીતે થશે? મંદિર, મસ્જિદ કે અન્ય પૂજા સ્થળ બનાવવામાં આવશે, તો માતૃભૂમિની પૂજા થઈ જશે? લાખો વર્ગ કિલોમીટરમાં પથરાયેલી આ રાષ્ટ્રભૂમિને કોઈપણ વ્યક્તિ મંદિર કે અન્ય પૂજા સ્થાનમાં કેદ કરી શકશે નહીં. હા, તેના પ્રતિક સ્વરૂપને અવશ્ય પોતાની ભક્તિ અને ભાવનાથી આદર આપશે. પણ તે જે-તે વ્યક્તિની શ્રધ્ધાના આપયેલા સ્વરૂપની વાત છે. અહીં માતૃભૂમિની વંદનાનો સીધો-સાદો અર્થ છે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે શ્રધ્ધા અને સન્માન રાખવા. એવો ક્યો ઈસ્લામી દેશ છે કે જે પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રધ્ધા રાખવાનો વિરોધ કરતો હોય? હજરત મોહમ્મદ પયગંબરે પણ કહ્યું છે કે માતાના પગ તળે સ્વર્ગ હોય છે. ત્યારે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જનની જન્મભૂમિનો અનાદર કરવો પયગંબર મહોમ્મદ સાહેબના ઉપદેશની વિરુધ્ધનું આચરણ નથી, તે ઈસ્લામ વિરુધ્ધનું આચરણ નથી?
માતાનો દરજ્જો એટલો ઉંચો છે કે આપણાં રાષ્ટ્રગીતમાં રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કહેવામાં આવી છે. અફઘાન લોકો પાસેથી માદરે વતન શબ્દ મળ્યો છે. શું તેઓ મુસલમાન નથી? બાંગ્લાદેશના રાષ્ટ્રગીતમાં માતૃભૂમિનો ઉલ્લેખ ચાર વખત આવે છે. શું તમામ બાંગ્લાદેશીઓ કાફિર છે? ઈન્ડોનેશિયા, તુર્કી અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રગીતમાં પણ માતૃભૂમિના સૌંદર્ય પર જાન છીડકવામાં આવી છે. શું આ તમામ ઈસ્લામિક રાષ્ટ્રો ઈસ્લામનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને ભારતના મુસ્લિમો વંદે માતરમ ગીતને બિનઈસ્લામિક ગણાવીને તેના વિરુધ્ધ ફતવો જાહેર કરીને ઈસ્લામનું પાલન કરી રહ્યાં છે? જનની જન્મભૂમિને સ્વર્ગથી મહાન ગણાવી છે, તેને ક્યાંય બ્રહ્મથી મહાન ગણાવાઈ નથી. ત્યારે બ્રહ્મ કે અલ્લાહ સાથે સરખામણી કરવી અયોગ્ય બની રહેશે. આને કારણે વંદે માતરમને તૌહીદ(એકશ્વરવાદ) વિરુધ્ધ ઉભું કરવું એક મૂર્ખામીથી વધારે કંઈ જ નથી. હિંદુઓમાં પણ એકેશ્વરવાદીઓ છે, તેમણે પણ ક્યારેય માતૃભૂમિની વંદનામાં તેમના એકેશ્વરવાદનું ઉલ્લંઘન થતું હોવાની વાત કરી નથી. માટે જ વંદે માતરમને તૌહીદ વિરુધ્ધ ઉભું રાખીને તેને ઈસ્લામ વિરોધી ગણાવવું તર્ક સંગત નથી. જ્યાં સુધી વંદે માતરમના ઉર્દૂ તર્જુમાનો સવાલ છે, તો તેમા વંદેનો અર્થ સલામ કે તસ્લીમાત છે. ક્યાય પણ વંદેને ઈબાદત કે પૂજા નથી કહેવાયું. વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ કરીએ તો તેમા વંદેને સેલ્યુટના અર્થમાં લેવાયું છે. તેને ક્યાંય પણ વરશિપના અર્થમાં લેવાયું નથી. તેથી જ વંદે માતરમને બુત પરસ્તી સાથે જોડવામાં કોઈ ઔચિત્ય દેખાતું નથી.
દારુલ ઉલુમ દેવબંદ દ્વારા વંદે માતરમ વિરુધ્ધ ફતવાનું સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદે ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે કેટલાંક લોકો ભારતની પંથનિરક્ષતાના તાણા-વાણાંને તારતાર કરવા માટે હજી પણ કાર્યરત છે. આવા લોકો એવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે કે જેનું સમાધાન આપણા બંધારણે શોધી કાઢયું છે. વળી કટુ હકીકત એ છે કે મુસ્લિમ નેતૃત્વ દ્વારા વંદે માતરમ સંદર્ભે જે તર્કો રજૂ કરાઈ રહ્યાં છે, તે તર્કોની વકીલાત જ્યારે દેશના વિભાજનની માગણી વખતે મુસ્લિમ લીગે કરી હતી. આ ભાગલાવાદી પરંપરાને હજી પણ ભારતમાં આગળ વધારવામાં આવશે? આવા અધિવેશનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને બાબરી ઢાંચો તૂટયો તે યાદ આવ્યું, પણ વંદે માતરમનો વિરોધ કરનારી જમાતને દેશ તૂટયો તેના સંદર્ભે કંઈપણ કહેવાનું ચિદમ્બરમ ચુકી ગયા હતા. મીડિયામાં ખબર આવી હતી કે વંદે માતરમ વિરુધ્ધના જમિયતના પ્રસ્તાવના મંજૂર થવાના સમયે પી.ચિદમ્બરમ હાજર હતા. જો કે પાછળથી આ સમાચારને રદિયો આપવામાં આવ્યો હતો.
જરા નજર કરો વંદે માતરમના ઈતિહાસ પર. વંદે માતરમનો ઈતિહાસ કોઈ પણ રીતે કલંકિત નથી. જો કે તેને મુસ્લિમ લીગી વિરોધ અને દેવબંદી ફતવાઓથી કલંકિત થવું પડયું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠમાં સામેલ વંદે માતરમની રચના તે ઉપન્યાસની રચના પહેલા એટલે કે 1875માં રચના કરવામાં આવી હતી. જ્યારે બંકિમચંદ્રે આનંદ મઠની રચના 1882માં કરી હતી. પોતાના આવિર્ભાવના ત્રીસ વર્ષ બાદ એટલે કે 7મી ઓગસ્ટ, 1905ના દિવસે પહેલી વાર વંદે માતરમે રાષ્ટ્રમંત્રનું રૂપ લીધું અને બંગ ભંગના વિરોધમાં કોલકત્તાની ગલીઓમાં ગુંજવા માંડયું હતું. 20મી મે, 1906ના દિવસે બોરિસાલમાં વંદે માતરમ લખેલા ઝંડાઓ સાથે વંદે માતરમના ગાન અને ઉદઘોષ સાથે દસ હજાર હિંદુ-મુસ્લિમોનું જૂલુસ નીકળ્યું હતું. બંગ ભંગ વિરુધ્ધના આંદોલન વખતે ખૂન-ખરાબા અને ધરપકડો થઈ, ત્યારે વંદે માતરમે જન જનના કંઠહાર બનીને પ્રેરક બળ પુરું પાડયું હતું. 1920-22ના ખિલાફત આંદોલનમાં ઈસ્લામી કટ્ટરવાદીઓના ફરીથી ઉભરવાને કારણે વિરોધના સૂર પ્રખર બન્યા હતા. તે પહેલા મુસ્લિમ લીગ મંદ સૂરોમાં વંદે માતરમનો વિરોધ કરતી હતી. જો કે કોંગ્રેસના રાષ્ટ્રગાન સ્વરૂપે માન્યતા પ્રાપ્ત વંદે માતરમનો વિરોધ 1923ના કાકીનાડા અદિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ મજહબી આધારે વિરોધ કર્યો હતો. તેમ છતાં સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ પરંપરા 1938ના હરિપુરા કોંગ્રેસ અધિવેશન સુધી ચાલું રહી હતી. મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી વંદે માતરમનું ગાન કરતાં હતા. જો કે 1937માં મુસ્લિમ લીગ કોન્ફરન્સમાં ઝીણાએ રાષ્ટ્રીય ઝંડા, વંદે માતરમ અને હિંદીનો વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે ઝંડો, ગીત અને ભાષા ત્રણેય હિંદુઓના પ્રતિક ચિન્હ છે, માટે તે મુસ્લિમો માટે સર્વદા અસ્વીકાર્ય છે. 1937માં કોંગ્રેસે મુસ્લિમોમાં વધી રહેલા વંદે માતરમ વિરોધને ધ્યાનમાં રાખીને સમિતિની રચના કરીને નિષ્કર્ષ આપ્યો કે વંદે માતરમના પહેલા બે છંદોને રાષ્ટ્રીય ગીત સ્વરૂપે સ્વીકારવા. જો કે રિયાયતો અને તેવી જ અન્ય છૂટને કારણે એક દશક જેટલાં ઓછા સમયમાં ઝીણા ઈસ્લામિક દેશ સ્વરૂપે પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરી શક્યા હતા. આઝાદી બાદ કેટલાંક મુસ્લિમ નેતાઓના વાંધાને ધ્યાનમાં રાખીને વંદે માતરમના પ્રથમ બે છંદોને જ રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપીને જન ગન મન સમાન સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત વંદે માતરમમાં ભારતની પ્રાકૃતિક સૌંદર્યની વાતથી મજહબી કટ્ટરતા ધરાવતા લોકોના પેટમાં તેલ કેમ રડાય છે? તેમના હ્રદયમાં અન્ય કોઈ બાબત તો રમી નથી રહી ને? તે પણ સંશોધનનો વિષય છે.
વંદે માતરમનો વિરોધ કરનારાઓને ખબર છે કે વંદે માતરમના ગીત ગાતા ગાતા ખુદીરામ બોઝ , મદનલાલ ઢીંગરા અને અશફાક ઉલ્લાખાન જેવા અનેક નામી-અનામી દેશભક્તોએ ફાંસીને માંચડે ચઢીને મોતને વ્હાલું કર્યું હતું. કિશોર વયના ચંદ્રશેખર આઝાદને વંદે માતરમના નારા થકી જ ક્રૂર અંગ્રેજોના કોડા સહન કરવાની શક્તિ મળી હતી. વંદે માતરમના ગાન થકી જ તેઓ અન્ય ક્રાંતિકારી પ્રવૃતિઓને જારી રાખી શકયા હતા. વંદે માતરમ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો યુધ્ધ ઘોષ હતો. સંપૂર્ણ વંદે માતરમમાં ભારતમાતાને દુર્ગા કે કાલી સ્વરૂપે દર્શાવવામા આવ્યા છે. પણ તે કવિની અભિવ્યક્તિનું સામર્થ્થ છે કે માતૃભૂમિને તેમણે દુર્ગા સ્વરૂપે કે કાલી સ્વરૂપે દર્શાવી છે. પણ કોઈ કવિ પોતાની પૃષ્ઠભૂમિ પ્રમાણે પોતાની રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કે દુર્ગા સ્વરૂપે સ્થાપીને તેની વંદના ન કરી શકે. વળી આનંદ મઠમાં વિદ્રોહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓનો જંગ મુસ્લિમ જમીનદાર સામે હતો. તે યોગાનુયોગ છે. વંદે માતરમ ગીત આનંદ મઠની રચના પહેલા 1875માં રચાયું છે. વળી આનંદ મઠના દ્વીતિય સંસ્કરણમાં વિદ્રાહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓ સામે બ્રિટિશરોને દર્શાવાયા છે. જો કે આના કારણે વિરોધ કરનારા લોકોને કારણે વંદે માતરમના પ્રથમ બે છંદોને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે મુસ્લિમ લીગે આવી સમજાવટો છતાં અંત સુધી પોતાનો દુરાગ્રહ છોડયો નથી, પણ પોતાની દુર્બુધ્ધિ અહીં છોડી ગયા છે. આ દુર્બુધ્ધિને આપણા સ્વતંત્ર ભારતની જમિયત ઉલેમા એ હિંદ છાતીએ શા માટે લગાડી રહી છે? જમિયત ઈસ્લામના પંડિતો, વિદ્વાનો અને આલિમોની સંસ્થા છે. તે મુસ્લિમ લીગીઓની જેમ અંગ્રેજોના હાથમાં ખુરશી માટે રમતું રમકડું તો નથી. ત્યારે તેમની પાસે આશા રાખી શકાય કે તેઓ સમગ્ર મામલા પર ફરીથી ખુલીને વિચારે અને મુસ્લિમોને સાચો સંદેશો આપે. તેઓ મુસ્લિમ લીગના ટોટકાઓની લાશનું વહન શા માટે કરી રહ્યાં છે? તેનો મકસદ ઈસ્લામની ખિદમત છે કે મુસ્લિમ લીગના વારિસ બનવાનો છે? વંદે માતરમ પરના નકલી વિવાદના મુદ્દાઓ ક્યારનાય મુસ્લિમ લીગની કબરમાં સુઈ ગયા છે. હવે તેમને જગાડવાનો ફાયદો અને તેની પાછળનું શું ગણિત હોઈ શકે? જો કે પરિસ્થિતિ આઝાદી પહેલા હતી તેટલી હદે ખરાબ નથી. અત્યારે ઘણા મુસ્લિમો જમિયતના વંદે માતરમ વિરોધી પ્રસ્તાવ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જે ઘણું સૂચક છે. આઝાદી પહેલા મુસ્લિમોના માનસ વિષાક્ત કરીને વંદે માતરમ જેવા મુદ્દાઓ થકી મુસ્લિમ લીગની દેશ વિભાજનની મનસા પૂરી થઈ શકી હતી. પણ લોક માનસને જોતા મુસ્લિમો હવે આઝાદી પહેલાની માનસિકતા ધરાવતા નથી. અહીંના વતન પરસ્ત મુસ્લિમોએ વંદે માતરમ સામે અપાયેલા ફતવા અને તેનું સમર્થન કરનારાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. માટે જો કોઈના પણ મુસ્લિમ લીગી ઈરાદાઓ હોય તો તેમણે ચેતવાની જરૂર છે, આ વખતે દેશ તૂટશે નહીં, પણ તેમનો દેશ નિકાલ થશે. આમતો દેશ ભક્તિમાં પણ ભક્તિ શબ્દ આવે છે અને ભક્તિનો અર્થ પૂજા અને આરાધન થાય છે. તો તમે દેશભક્તિ કે દેશભક્ત સરીખા શબ્દો સામે વાંધો ઉઠાવવાની દુર્બુધ્ધિ તો વાપવાના નથી ને? યાદ રાખો દેશ ભક્તો વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર છે. જેને કોઈપણ ભારતીય સહન કરશે નહીં.

Monday, November 16, 2009

ચીની ડ્રેગનના ખંધાઈ ભરેલા દાવપેચ

ભારતની મોટાભાગની સામરિક સમસ્યાઓ માટે પરોક્ષ કે પ્રત્યક્ષપણે ચીન જવાબદાર છે. આ ચીન 1962 પછી એકાદ બે લશ્કરી અટકચાળાને બાદ કરતાં ઘણો લાંબો સમય સુધી પ્રત્યક્ષપણે શાંત રહ્યું હતું. જો કે હવે એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલી સામરિક પરિસ્થિતિને કારણે વધારે વખત શાંત રહેવા માંગતું નથી. જ્યારથી દક્ષિણ એશિયામાં અમેરિકાના પ્રત્યક્ષ લશ્કરી હસ્તક્ષેપને કારણે અને ભારત સાથે કરવામાં આવેલા અસૈનિક પરમાણુ કરારને કારણે સામરિક સ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થઈ છે, ત્યારથી ભારત સામે ડ્રેગને આગ ઓકવાનું તેજ કર્યું છે. પછી તે છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારત-ચીન સરહદે લાલસેના દ્વારા થતું અતિક્રમણ હોય, અરુણાચલપ્રદેશની વડાપ્રધાન મનમોહનસિંહની યાત્રા હોય કે દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત હોય. તિબેટને હડપ કરી ગયેલું ચીન હવે અરુણાચલ પ્રદેશ પર પોતાની વક્ર દ્રષ્ટિ કરી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતની સરહદે ચીને સૈનિકી ગતિવિધિઓ વધારી દીધી છે. જેના કારણે ભારતે પણ તેવા પગલાં લેવા પડયા છે. ચીની થિંક ટેન્કે કહ્યું છે કે ચીન થોડો પ્રયત્ન કરે તો ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે. તેના માટે ચીની થિંક ટેન્કે ભારતમાં કાશ્મીર, પૂર્વોત્તર અને તમિલ ક્ષેત્રના અલગતાવાદીઓને મદદ કરવાની ભલામણ કરી છે. ભારતના સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્માએ જણાવ્યું છે કે પોતાની આંતરિક પરિસ્થિતિથી પરેશાન ચીન ભારત પર 2012 સુધીમાં હુમલો કરે તેવી સંભાવના છે. તો 4052 કિલોમીટર લાંબી સરહદો પર બંને તરફની લશ્કરી ગતિવિધિઓ જોઈને લોકો જણાવી રહ્યાં છે કે આવી સૈનિકી હિલચાલ 1962 વખતે પણ ન હતી! જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારત-ચીન સરહદે પરિસ્થિતિ 1962થી અત્યાર સુધી રહી તેવી સામાન્ય નથી. આ તમામ પરિસ્થિતિઓ યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તેવી સંભાવનાઓ દર્શાવી રહી છે.
વળી ભારતે દલાઈ લામાને દેશના સન્માનીય મહેમાન ગણાવીને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃતિઓની છૂટ આપી છે. જેના અંતર્ગત તેવો તિબેટિયનો અને બૈધ્ધોના દ્વિતિય આસ્થા કેન્દ્ર સમા તવાંગ મઠની મુલાકાતે ગયા છે. જેના પરથી ભારત સરકારે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે અને ત્યાં દલાઈ લામા પોતાની ધાર્મિક પ્રવૃતિઓ માટે બેરોકટોક જઈ શકે છે. જો કે ભારતના આ પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારના નિયંત્રણમાં રહેલા ચીનના મીડિયાએ ભારતને 1962ના યુધ્ધની યાદ અપાવીને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કૂટનીતિક રીતે દલાઈ લામાની તવાંગ યાત્રાને ચીન સામેની અલગતાવાદી પ્રવૃતિ ગણાવી છે. ચીનનો દાવો છે કે તવાંગ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તે વિવાદાસ્પદ વિસ્તાર હોવાથી ત્યાં આવી યાત્રાઓ માટે પરવાનગી આપવી ન જોઈએ. ચીનના આવા અટકચાળાથી તેની વિસ્તારવાદી માનસિકતા ખુલ્લી પડી રહી છે. સામ્યવાદી ચીનના સંસ્થાપક માઓત્સે તુંગે ચીનના વિસ્તાર સંબંધિત પોતાની વસિયતમાં લખ્યું છે કે તિબેટ એ હાથની હથેળી છે કે જેની પાંચ આંગળીઓ લડાખ, સિક્કિમ, નેપાળ, ભૂટાન અને નેફા(હાલનું અરુણાચાલ પ્રદેશ) છે. આ તમામ વિસ્તારોને આઝાદ કરાવીને ચીનમાં સામેલ કરવા આવશ્યક છે. ચીની નેતૃત્વ પોતાના સર્વોચ્ચ નેતાનું સ્વપ્ન ભૂલી ગયું હશે, તે માનવું બેવકૂફી હશે. જે પ્રકારે ચીન પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદા બહાર જઈને વધારી રહ્યું છે, તે ભારત પ્રત્યેના ચીનના આક્રમક વલણને જાણવા માટે પૂરતું છે. ભારતીય ક્ષેત્રોમાં ધૂસણખોરી કરી રહેલા ચીન તરફ ભારતનું વલણ ઉદાસિન છે. ચીનના લશ્કરની નાની-મોટી ઘૂસણખોરી તેની બૃહત્તર રણનીતિનું મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં ભારત સરકારના પેટનું પાણી હલતું નથી. આ ધૂસણખોરીઓ ચીની આદત હોવાનું માનીને ભારત સરકારે તેને નજરઅંદાજ કરી છે. વળી ભારત ચીનની નારાજગી વ્હોરી લેવામાં માનતું નથી. કારણ કે ન તો ભારતની સૈનિક ક્ષમતા ચીન જેટલી છે અને ન તો ચીનને પાકિસ્તાનની જેમ સક્રિય શત્રુની શ્રેણીમાં મૂકવાની ભારત સરકારની હિંમત છે. ભારત સરકારની નહેરુના જમાનાથી ચાલી આવતી આવી નીતિ અને આપરાધિક ઉપેક્ષાને પરિણામે ભારતે અકસાઈ ચીન ક્ષેત્રનો 43,180 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને તે પહેલા ગુલામ કાશ્મીરનો 5180 વર્ગ કિલોમીટરનો ભાગ ગુમાવ્યો છે. હવે ધીરે ધીરે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે હિમાલયન રેન્જમાં ભારતીય અને અન્ય દેશોના વિસ્તારો પર ચીની ડ્રેગનના વિસ્તાવાદની આગ અવિરત સળગી રહી છે.
ચીનની ઉદંડ અને વિસ્તારવાદી માનસિકતા તેની વિકાસ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે. 1949માં પછાત અવસ્થામાંથી આજે ચીન વિશ્વભરમાં આર્થિક અને સૈનિકી ક્ષેત્રે પોતાની ધાક ધરાવે છે. એશિયાના મોટા દેશો જાપાન અને ભારતથી વિપરિત ચીને પહેલા આર્થિક શક્તિને વધારવાની જગ્યાએ સૈનિકી ક્ષમતાને વધારવાની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપી હતી. 1978માં દેંગ જિયાઓપિંગના આર્થિક આધુનિકીકરણ કાર્યક્રમ પહેલા જ ચીન આંતરમહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરી ચૂકયું હતું. ડીએફ-5 નામની તેની મિસાઈલ 12 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. ચીને આ સાથે થર્મોન્યુક્લિયર હથિયારો વિકસિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. અમર્યાદિત સૈનિકી ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકેલા ચીને આર્થિક આધુનિકીકરણ દ્વારા આજે પોતાની અર્થ વ્યવસ્થાને 13 ગણી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેના કારણે ચીન તકનીકી અને સંશાધન એમ બંને ક્ષેત્રોમાં વૈશ્વિક આર્થિક ખેલાડી બની ચૂક્યું છે. જ્યારે ચીન પછાત હતું અને આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત હતું, ત્યારે 1949માં શિનશિયાંગ અને 1950માં તિબેટને સૈનિકી શક્તિના જોરે ચીનનો ભાગ બનાવ્યા હતા. ચીને 1950માં કોરિયા પર હુમલો કર્યો, 1962માં ભારત પર આક્રમણ કર્યું હતું. એટલું જ નહીં, 1969માં સૈન્ય હુમલાઓ દ્વારા સોવિયત રશિયા સાથે લશ્કરી ટકરાવ ઉભો કર્યો હતો અને 1979માં વિયેતનામ પર હુમલો કર્યો હતો. આર્થિક અને સૈન્ય શક્તિ સંપન્ન ચીન હવે તેના પાડોશીઓ અને ખાસ કરીને ભારત માટે ખતરારૂપ બની ગયું છે.
આવી પરિસ્થિતિમાં ચીન ભારત માટે કૂટનીતિક અને સામરિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ચીને થોડા વખત પહેલા કાશ્મીરીઓને સ્ટેપલ વિઝા આપીને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જો કે ભારત સરકારે તેનો જોરદાર વિરોધ કર્યો હોવા છતાં ચીન તેની આવી ગતિવિધિઓ બંધ કરવા માટે રાજી નથી. સાથે ચીને પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ અને ટેકનોલોજી પૂરી પાડી હોવાની વાતથી આગળ વધીને મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે કે પાકિસ્તાનને ચીને તૈયાર પરમાણુ બોમ્બ જ આપી દીધો છે. ચીન પાકિસ્તાનને નવા અદ્યતન ફાઈટર જેટ પણ આપી રહ્યું છે. આ સિવાય ચીને પાકિસ્તાનને ઘાતક મિસાઈલો પણ આપ્યા છે. ચીન પાકિસ્તાનને સૈનિકી મદદ કરતું રહ્યું છે અને ભારત સાથેની સામરિક જરૂરતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રવૃતિ આગળ પણ ચાલુ રાખશે, તે નિશ્ચિત છે.
ભારતે કમ્યુનિસ્ટ ચીન સાથે પહેલેથી સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે કમ્યુનિસ્ટ ચીનને દુનિયાના વિરોધ છતાં માન્યતા આપી હતી. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય પદ અપાવવા માટે નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. જો કે નહેરુના પ્રયત્નોથી મળેલા વીટો પાવરને ચીને અવાર-નવાર ભારત વિરુધ્ધ વાપર્યો છે. ભારત શરૂઆતથી જ ચીને પોતાના સામરિક સહયોગી તરીકે જોતું રહ્યું હતું. ભારતના શરૂઆતના પ્રયત્નોમાં તેની તે મનસા પ્રતિબિંબિત થાય છે. પણ લુચ્ચાઈથી ભરેલા ચીની ડ્રેગનના દિલમાં કંઈક બીજી ગણતરીઓના મંડાણ થયા હતા. ચીનનો વિસ્તારવાદી ચહેરો ત્યારે સામે આવ્યો કે જ્યારે તેણે શિનશિયાંગ અને તિબેટ પર લશ્કરી બળ વાપરીને કબ્જો જમાવ્યો હતો.
તિબેટ પર કબ્જો જમાવીને ચીન સમગ્ર હિમાલયન પટ્ટીના નાના સ્વતંત્ર રાજ્યો અને ભારતીય પ્રદેશોને હડપ કરવાની મનસા ધરાવે છે. ચીનની આ વિસ્તારવાદી ગણતરીમાં કોઈ આડે આવે, તેમ હતું કે છે તો તે ભારત છે. કારણ કે ભારતની વધતી આર્થિક અને સૈનિકી તાકાત ચીન માટે મોટો પડકાર બની શકે તેમ છે. જેના કારણે ભારત તરફથી લંબવવામાં આવેલા મિત્રતાના હાથને ચીને ઠુકરાવ્યો હતો. જો કે ચીનને જ્યાં સુધી પોતાની શક્તિ ભારતનો મુકાબલો કરવા માટે સક્ષમ હોવાની ખાતરી ન થઈ, ત્યાં સુધી તેણે હિંદી-ચીની ભાઈ ભાઈનું નાટક ચાલુ રાખ્યું હતું. જ્યારે ચીનને ભારત પર સામરિક અને લશ્કરી બઢતની ખાતરી થઈ ગઈ તે વખતે જ ચીને ભારત પર 1962માં હુમલો કર્યો હતો. જો કે ત્યાર બાદ તે તેના અન્ય પાડોશી દેશો સાથે યુધ્ધમાં વ્યસ્ત રહ્યું હતું. સાથે વૈશ્વિક સ્તરે પોતાની વિસ્તારવાદી છબી ખુલ્લી પડી ન જાય, તે માટે તે વખતના સંજોગોમાં ચીનને ભારત સાથેનું કોઈપણ લશ્કરી અટકચાળું ભારે પડી શકે તેમ હતું. આવે વખતે ચીનને એક એવા સામરિક સાથીની જરૂર હતી કે જે ભારતને લશ્કરી અને આર્થિક ક્ષેત્રે આગળ વધતું રોકે. ચીનની આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ કોઈ હતું તો તે એક માત્ર પાકિસ્તાન હતું.
ભારત વિરોધ પર રચાયેલા પાકિસ્તાન સાથે 1952માં ચીને સામરિક સમજૂતી કરી હતી. જેના કારણે પાકિસ્તાન ચીનનું સામરિક સહયોગી બન્યું. ચીન અને પાકિસ્તાનની સામરિક ધરીએ ભારતને આજ દિન સુધી અકલ્પ્ય નુકસાન પહોંચાડયું છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કરીને કેટલોક ભારતીય ભૂભાગ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વખતે જે શાખ હતી, તેના કારણે ચીનને પોતાના વિકાસમાં ભારત વિરોધી પ્રવૃતિઓ અવરોધરૂપ બને તેવી શક્યતા હતી. ચીને આ સંભાવનાઓને જોઈ અને જાણ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુધ્ધ સામરિક ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના તમામ સામરિક અને લશ્કરી પગલાં ભારત વિરોધી હતા. તેમાં હંમેશા પાકિસ્તાનને પોતાના હિતોની પૂર્તિ દેખાતી હતી. પણ હકીકત એ હતી કે પાકિસ્તાનના હિતોની સાથે સાથે ચીન પોતાના ભારત વિરુધ્ધના સામરિક હિતો સાંધી રહ્યું હતું. ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને અદ્યતન ટેકનોલોજી માટે અમેરિકા કરતાં ચીન વધારે પ્રમાણમાં જવાબદાર હતું. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ હોય કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ હો.ય કે અન્ય લશ્કરી સહાયતા હોય. ચીને પાકિસ્તાનને તેનાથી બેથી ત્રણ ગણા ભારત સામે લડવાની ક્ષમતા પૂરી પાડી હતી. જો કે તે વખતે પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોરનો પણ ફાયદો મળ્યો હતો. પણ સૌથી વધારે ફાયદો ચીનની મદદથી થયો હતો. આ એ સમયગાળો છે કે જ્યારે પાકિસ્તાનમાં નોન સ્ટેટ એકટરની સરખામણીએ આર્મી સ્વરૂપે સ્ટેટ એકટર પ્રભાવી હતા. આવા સમયે મૂર્ખ તાનાશાહોએ ભારત સામે 1965 અને 1971માં યુધ્ધો કર્યા હતા. જેમાં 1971ના યુધ્ધમાં પાકિસ્તાનના ટુકડા થયા હતા. 80ના ઉતરાર્ધમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સ્વરૂપે નોન સ્ટેટ એકટર્સ પણ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના સહયોગથી પ્રભાવી બનવા લાગ્યા હતા. 1991માં કોલ્ડ વોરના સોવિયત રશિયાના પતન બાદ ખતમ થવાને કારણે પાકિસ્તાન ભારત સામે યુધ્ધ કરવા સુધી જઈ શકે તેમ ન હતું. જો કે ભારતમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ લઈને પાકિસ્તાને ભારતમાં આતંકવાદની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ પોતાના હિતો સાંધવા માટે શરૂ કરી હતી. જો કે પાકિસ્તાનના ભારત સામેના યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિઓથી ચીનના સામરિક લક્ષ્યો સિધ્ધ થતાં હતા.
ચીનનું એકમાત્ર લક્ષ્ય હતું કે ચીનની સરખામણીએ ભારત એશિયા કે વિશ્વમાં ચીનનો જવાબ બની ન શકે. આર્થિક દ્રષ્ટિએ અને સૈનિકી ક્ષેત્રોમાં ચીન કરતાં ભારત કોશો દૂર રહે. આ માટે ચીને પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ભારત પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિ તથા કારગિલ કાંડને કારણે આર્થિક પ્રગતિ તરફ પોતાનું ધ્યાન યોગ્ય પ્રમાણમાં કેન્દ્રિત કરી શક્યું ન નથી. યુધ્ધ અને અવિરત આતંકવાદી પ્રવૃતિને કારણે ભારત અદમ્ય પ્રયત્નો છતાં આર્થિક અને વિકાસમાં બહુ મોટી હરણફાળ ભરી શક્યું નથી. ભારતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી પ્રવૃતિઓ ચાલે તેમાં ચીનને પણ રસ છે. ભારતના ટુકડા કરવાની નીતિ પર ચીન તેની થિંક ટેન્કના સૂચન પહેલા જ કામ કરી રહ્યું છે. ભારતીય ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃતિ કરી રહેલા જૈશે મહોમ્મદના સરગના અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદીઓ વિરુધ્ધના પ્રસ્તાવનો ટેનકનિકલ કારણોસર ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિરોધ કર્યો છે. આ પ્રકારે પહેલા પણ કેટલીક પાકિસ્તાન તરફી અને ભારતના હિત વિરોધી પ્રવૃતિઓમાં ચીને ખુલીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. જો કે સોવિયત સંઘના પતન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રોમાં વધી રહેલા આતંકવાદે 9/11 બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે અમેરિકા અને નાટો દળો આ ક્ષેત્રોમાં ઉતરી આવ્યા છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પણ તેની પાછળનું કારણ પાકિસ્તાન સ્ટેટ તરીકે ટકી રહે અને આતંકવાદ સામે લડતું રહે તે છે. જો કે ભવિષ્યની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને સામરિક સહયોગ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનને પેટમાં દુખ્યું છે અને તે માથુ કૂટી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકાનો સામરિક સહયોગ વધે, તો તેના સામરિક હિતો ઘવાય તેમ છે. આવા સંજોગોમાં અમેરિકા ભારતને લશ્કરી અને આર્થિક મદદ પોતાની સામરિક જરૂરિયાતો પ્રમાણે કરે તેવી સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં ચીન સામે પાકિસ્તાન સાથે ઉલજેલું રહેલું ભારત એક મોટો પડકાર બની શકે, તેમ છે. અમેરિકાના ક્ષેત્રમાં લશ્કરી હસ્તક્ષેપને કારણે પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સીધા સામેલ થવું હવે અઘરું છે. કારણ કે પાકિસ્તાનના નિયંત્રણ બહાર ગણાતાં તથાકથિત નોન સ્ટેટ એકટર્સ અને તાલિબાન વિરુધ્ધ મોટું લશ્કરી અભિયાન તેમને રોકી રહ્યું છે.
26 નવેમ્બર, 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પ્રાયોજિત નોન સ્ટેટ એકટર્સ પર આંતરરાષ્ટ્રીય દબાણને વશ પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ જેવા કે આર્મી અને આઈએસઆઈએ નિયંત્રણો લાધવા પડયા છે. જેના કારણે ત્યારથી ઘણાં લાંબા સમય સુધી ભારત પર કોઈ આતંકવાદી હુમલો થયો નથી. જો કે આવા હુમલા માટેની તૈયારીઓ અને શક્યતાઓની ઈન્ટેલીજન્સ બ્રીફ આવતી રહે છે. આવા હુમલા હવે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સ હવે ભારતમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કરે તેવી સંભાવનાઓ વધારે છે. તેવા સંજોગોમાં જનતાના દબાણ નીચે ભારત સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર બને તેવી સંભાવનાઓ વધારે છે. આવા સંજોગોમાં ભારત સાથેના સામરિક લક્ષ્યો સાંધવા માટે ચીન માટે પાકિસ્તાન નકામુ સાબિત થશે. આવા સંજોગોમાં ચીન માટે પોતાના ભારત સામેના સામરિક લક્ષ્યોની પૂર્તિ માટે પોતે જ સામે આવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાલમાં અમેરિકાને જવાબ આપવાની ક્ષમતા ધરાવતું ચીન સરહદે અતિક્રમણ અને અરુણાચલ પ્રદેશ પરનો દાવો કરીને એશિયામાં પોતાની ધાક જમાવવા માટે ભારતને એક સામરિક સંદેશ આપી રહ્યું છે. ત્યારે ભારતે કોઈપણ આપરાધિક ઉપેક્ષા કર્યા વગર પોતાની તમામ પ્રકારની તૈયારીઓ રાખવી જરૂરી બની છે.
ચીન સાથે મુકાબલો કરવા માટે બંને દેશો વચ્ચેના શક્તિ અસંતુલનને સમાપ્ત કરવાની પહેલ કરવી પડશે. વિશ્વસનીય આંકડાઓથી સિધ્ધ થાય છે કે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ દ્વારા ચીન ભારતનો પહેલો શત્રુ હોવા સંદર્ભે કરાયેલા નિવેદનનો છતાં આપણે આપણી સૈન્ય ક્ષમતા બાબતે ઉપેક્ષા કરી હોવાની વાતની ચાડી ખાય છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે, જેના ત્રીસ લાખ સૈનિકો છે. ચીન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેન્ડિંગ આર્મી છે. 2009માં ચીનનું સંરક્ષણ બજેટ 70.3 અબજ ડોલર હતું. જ્યારે 2009માં ભારતનું સંરક્ષણ બજેટ 32.7 અબજ ડોલર હતું. સૈન્ય બાબતોના આંકડા જોઈએ, તો ભારત ચીન કરતાં દરેક મામલે પાછળ છે. ચીનનો સાક્ષરતા દર 92 ટકા છે, જ્યારે ભારતનો સાક્ષરતા દર 65 ટકા છે. ભારતની 27.5 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે છે, જ્યારે દસ ટકા ચીની લોકો જ ગરીબી રેખાની નીચે છે. ચીનના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન 48.6 ટકા છે, જ્યારે ભારતના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 29 ટકા છે. ચીન પાસે 21.3 ખરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે ભારત પાસે 280 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે. ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ચીન પાસે ભારત કરતાં બહેતર સામરિક તાકાત ઉપલબ્ધ છે. આ સમયે જરૂરી છે કે ભારત પોતાની પ્રતિરોધક ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરે.જો કે 1968માં નેફા બોર્ડર પર અને 1987માં સિક્કિમના ફિંગર પોઈન્ટ પર કરાયેલા ચીની અડપલાંઓનો ભારતીય સેનાએ પૂર્ણ દિલેરીથી માકૂલ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીને ભારત સામે આક્રમક વલણની શરૂઆત કરી છે. ત્યારે ભારતે પોતાની ક્ષમતા વધારવા સાથે આવા કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે.
એક દાર્શનિકનું કથન છે કે ન્યાયનો પ્રશ્ન ત્યારે ઉદભવે છે કે જ્યારે શક્તિનું સમીકરણ બરાબર હોય. બાકીની પરિસ્થતિઓમાં શક્તિશાળી જ બધું લઈ જાય છે કે જે તે લઈ જઈ શકે છે અને કમજોરને જ ઝુકવું પડે છે. જો આપણે વૈશ્વિક શક્તિ સંતુલનની એક ધુરી બનવું હશે, તો આપણે આપણી રાષ્ટ્રીય શક્તિની પરિધિ વધારવી પડશે અને તેના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. માત્ર શક્તિનું પાસું જ એ નિર્ધારિત કરનારું હશે કે આપણા રાષ્ટ્રીય ઉદેશ્યોની પૂર્તિ કેવી રીતે થશે? નિશંકપણે આ યોગ્ય સમય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નૈતિકતા, ન્યાય અને શક્તિ જેવા મુદ્દાઓ પર નવેસરથી ચર્ચા આરંભ થવી જોઈએ. આપણે સ્વીકાર કરવું પડશે કે આંતરરાષ્ટ્રીય નૈતિકતા સૈન્ય શક્તિના સહારા વગર કાયમ રહ શકે, તેવી બાબાત છે. ત્યારે ભારતે શાંતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, પણ 1962ની જેમ સામરિક બાબતોમાં કૂટનીતિ પર જ આધાર ન રાખવો જોઈએ. આપણે સૈન્ય શક્તિને વધારવા માટે અને આપણા સામરિક લક્ષ્યોને પર પાડવા માટે પૂરતું મહત્વ આપવું જોઈએ. આ માટે દીર્ધકાલિક, સ્થિર અને એકનિષ્ઠ સૈનિક નીતિ બનાવવી જોઈએ અને ભારતીય રાજકારણના ગેરરાષ્ટ્રીય, આત્મમુગ્ધ, વિલાસી ચરિત્રને છેહ આપવો જોઈએ.