Sunday, December 2, 2012

2012નો ગુજરાતનો જંગ: નરેન્દ્ર મોદી Vs. કેશુભાઈ પટેલ

-આનંદ શુક્લ

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારોની દોડમાં આગળ દોડી રહેલા નરેન્દ્ર મોદી માટે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા મહત્વની સાબિત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત તેમની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી મજબૂત બનાવશે. પરંતુ આ ચૂંટણીમાં થોડી પણ ઉંચ-નીચ તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જેટ ગતિએ આગળ વધવાની ક્ષમતાને ગ્રહણ લગાવી શકે છે. 2002માં હિંદુત્વના રાજકારણથી 2012માં સદભાવનાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. તેમના માટે કોંગ્રેસ કરતા કેશુભાઈ પટેલને ભાજપના મત કાપતા રોકવાનો મોટો પડકાર છે.
હિંદુત્વ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જમીન છે. હિંદુત્વનું રાજકારણ ખેલનારા તમામ પક્ષો અને સંગઠનોમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા હીરો છે. નરેન્દ્ર મોદીની આ લોકપ્રિયતા જ્યાં સુધી સાબૂત રહેશે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. આ કહેવું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારજીતની ચર્ચા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું.
ડીસેમ્બર માસમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 20 ડીસેમ્બરે મતગણતરી બાદ નક્કી થશે કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના નાથ બનશે કે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમના ફરીથી મુખ્યમંત્રી બનવાની પ્રબળ આશા છે. જો કે આ વખતે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણી જેવો સીધો મામલો દેખાતો નથી.
2012ની ચૂંટણી 1998 બાદ રાજ્યમાં પહેલો ત્રિપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ, શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વડપણ નીચે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણી જંગમાં ઝુકાવશે. જનસંઘ અને ભાજપમાં 60 વર્ષ કામ કરનારા સંઘના સનિષ્ઠ સ્વયંસેવક એવા કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે 6 ઓગસ્ટ, 2012ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સીધો રાજકીય પડકાર ફેંક્યો છે.
2002 અને 2007ની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ હતો. પરંતુ જાણકારો 2012ના ચૂંટણી જંગને મોદી વિરુદ્ધ કેશુભાઈ પટેલનો સીધો જંગ માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો કેશુભાઈ પટેલ 10 વર્ષ સુધી ચુપ રહ્યા, તે મોદીની સ્થિરતાનું સૌથી મોટું કારણ છે. ભાજપના ચૂંટણી સમીકરણો કેશુભાઈ પટેલના ખુલીને વિરોધમાં નહીં આવવાથી મોદીને બહુ નડયા નથી.
કેશુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 6 વખત તેઓ ધારાસભ્ય રહ્યા અને એક-એક વખત લોકસભા તથા રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો બનાવવાની આગવી સૂઝ હોવાનું પણ માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાતની પ્રભાવી પટેલ જ્ઞાતિના નેતા છે. તેમનો સૌરાષ્ટ્રમાં ઘણો મોટો બેઝ છે. વધારે માઈક્રો લેવલે વાત કરીએ તો કેશુભાઈ લેઉવા પટેલ જ્ઞાતિના નેતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પટેલોની વસ્તી 1.20 લાખની છે અને તેમના મતદાતાઓની સંખ્યા અંદાજે 80 લાખની છે. તેમા લેઉવા પટેલોની સંખ્યા 65 ટકા થવા જાય છે.
ગત વર્ષ ખોડલધામ ખાતે પટેલ જ્ઞાતિએ બિનરાજકીય ગણાતો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સામે ખુલીને વિરોધમાં આવ્યા ન હતા. પરંતુ ખોડલધામના કાર્યક્રમની એક વિશિષ્ટતા હતી કે બોલાવવામાં આવેલા તમામ પટેલ નેતાઓને મંચની નીચે બેસાડવામાં આવ્યા હતા અને મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ખોડલધામના સંમેલન બાદ કેશુભાઈ પટેલ મોદી સામે નવી પાર્ટી બનાવવાના વિચાર સાથે ખુલ્લેઆમ વિરોધમાં ઉતર્યા.
જો વાત કરીએ 2007ની તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 અને કોંગ્રેસને 59 બેઠકો મળી છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી છે. 2009ની લોકસભાની ચૂંટણી નવા ડિલિમિટેશન પ્રમાણે થઈ હતી. જેમા વિધાનસભા બેઠકના મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ભાજપને 107 બેઠકો પર અને કોંગ્રેસને 75 બેઠકો પર સરસાઈ મળી હતી. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દેખીતો 16 બેઠકોનો ફાયદો થયો અને ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે.
જો કે ત્યાર બાદ 2010માં યોજાયેલી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોની ચૂંટણીમાં ભાજપને 479 અને કોંગ્રેસને 144 કોર્પોરેશનોમાં સત્તા મળી છે, જ્યારે અન્યોના ખાતામાં 19 કોર્પોરેશનો ગઈ છે. ભાજપના હાથમાં 549 અને કોંગ્રેસના હાથમાં 240 જિલ્લા પંચાયતો છે, જ્યારે અન્યની પાસે 12 જિલ્લા પંચાયતો છે. ભાજપના હાથમાં 2456 અને કોંગ્રેસના હાથમાં 1438 તથા અન્યની પાસે 154 તાલુકા પંચાયત છે. આમ જોવો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પરિણામો કેશુભાઈ પટેલના ભાજપમાંથી અલગ થયા પહેલાના છે. વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસના નિશાન પર નહીં લડાતી હોવા, છતાં કોંગ્રેસના ટેકેદાર સરપંચોની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેશુભાઈ પટેલના ભાજપથી અલગ થયા બાદ તેના પરિણામો પર અલગ-અલગ પ્રકારના ક્યાસો લગાવાય રહ્યા છે.
ગુજરાતમાં 1975માં કોંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી નામે જાણીતુ જ્ઞાતિ સમીકરણ રજૂ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યની 20 ટકાથી વધારે વસ્તી ધરાવતી પટેલ જ્ઞાતિને સત્તામાંથી દૂર કરવાનું હતું. 1962ની ગુજરાતની પ્રથમ વિધાનસભાથી 1975 સુધીમાં ગુજરાતને ત્રણ વખત પટેલ મુખ્યમંત્રી મળ્યા. જો કે ત્યાર પછી કોંગ્રેસમાં પટેલ જ્ઞાતિ સિવાયના મુખ્યમંત્રી માટે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. KHAM (થિયરી)માં 24 ટકા ક્ષત્રિય, 8 ટકા હરિજન, 15 ટકા આદિવાસી અને 12 ટકા મુસ્લિમોના મતોનું નવું જ્ઞાતિ સમીકરણ રજૂ કરીને તેના પર કામ કરવામાં આવ્યું. કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવાના મોકા મળ્યા હતા. માધવસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી અને અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હતા. પરંતુ 1990માં વી. પી. સિંહના કોંગ્રેસ વિરોધી આંદોલન અને રામજન્મભૂમિથી ઉભી થયેલી રામલહેરમાં ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ થયું. 1990માં જનતાદળે ચિમનભાઈ પટેલ અને ભાજપે કેશુભાઈ પટેલના વડપણ નીચે ચૂંટણીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર લાવી દીધી હતી. અહીંથી ફરી પાછો ગુજરાતના રાજકારણમાં પટેલ યુગ શરૂ થયો હતો. રાજકારણમાં ફરીથી પટેલ પાવર છવાવા લાગ્યો. પરંતુ પટેલ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા, પણ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં.
1995માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર સામે બળવો કરીને અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી હતી. કેશુભાઈ પટેલની સરકાર ગણતરીના મહીનાઓમાં પડી ગઈ હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા, તેમના પછી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈ પટેલને 1998માં ફરીથી સત્તા મળી. જો કે ઓક્ટોબર-2001માં ભાજપ હાઈકમાન્ડે સત્તા પરિવર્તન કરીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેની પાછળ ભૂકંપ બાદ રાહત અને પુનર્વસનની કામગીરીમાં થનારા વિલંબને કારણ ગણવામાં આવ્યો. વળી બે પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સામે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે રજૂઆતો થવા લાગી હતી.
કેશુભાઈ પટેલે સત્તા પરિવર્તનને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકની રાહે સ્વીકારી લીધું હતું. જો કે દશ વર્ષ સુધી તેમની થયેલી ઉપેક્ષાએ તેમને સંઘ પરિવારમાં મોદી વિરોધીઓનું નેતૃત્વ કરવા માટે મજબૂર બનાવી દીધા. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, નરેન્દ્ર મોદી સામે ખુલ્લો બળવો કરવાની સૌથી પહેલી હિંમત શંકરસિંહ વાઘેલાએ કરી હતી. કેશુભાઈ પટેલની પહેલી સરકારમાં નરેન્દ્ર મોદી સુપર ચીફમિનિસ્ટર તરીકે વર્તતા હતા. વાઘેલાએ પોતાની થતી ઉપેક્ષા સામે બળવો પોકાર્યો હતો. જે કેશુભાઈ પટેલથી વધારે નરેન્દ્ર મોદી સામે હતો. વાઘેલા દ્વારા કરાયેલા બળવા બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
સંઘ વર્તુળોમાં ચર્ચા છે કે કેશુભાઈ પટેલે 1995માં જ નરેન્દ્ર મોદીથી ચેતી જવાની જરૂરત હતી. વળી મુખ્યમંત્રી પદેથી કોઈપણ પ્રકારની આંતરીક સમજૂતી વગર હટવું પણ કેશુભાઈની ભૂલ હતી. સંઘ વર્તુળોના માનવા પ્રમાણે કેશુભાઈએ 10 વર્ષ કરતા વધારે સમય પોતાની ઉપેક્ષા સહન કરીને મોદીને શક્તિશાળી થવા દીધા છે. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાનસંઘ અને સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં નરેન્દ્ર મોદીની આપખુદશાહી કાર્યશૈલી સામે અસંતોષ 2003થી શરૂ થયો હતો. જેના કારણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ ગૌરવયાત્રા થકી ગોધરાકાંડના રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ્વલંત જીત મેળવી હોવા છતાં, 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી માત્ર 14 બેઠકો અપાવી હતી. આના માટે ભાજપ અને સંઘ પરિવારના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોદીના વિરોધમાં થયેલું કામ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
જાણકારોના માનવા પ્રમાણે, ગુજરાતમાં વિધાનસભા બેઠકો પર જીતના સમીકરણો લોકસભા બેઠકોથી સાવ અલગ છે. વળી મોદી વિધાનસભા બેઠકો જેટલી સિફતપૂર્વક મેનેજ કરી શકે છે, તેટલી સમજથી લોકસભા બેઠકોનું અંકગણિત ગોઠવી શકતા નથી. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. હાલ પોતાને વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવાની ઉઠાપઠકમાં મોદી માટે 2012ની વિધાનસભા ચૂંટણી રાજકીય જીવન-મરણનો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સદભાવના મિશન થકી પોતાની રાષ્ટ્રીય છબી સેક્યુલારિઝમના ઢોળથી ચમકાવાનો પ્રયત્ન કરી જોયો. જો કે ગોધરાકાંડ બાદના રમખાણો માટે મુસ્લિમ સમાજમાં નરેન્દ્ર મોદીની છાપ હજી પણ ખાસ વધારે સુધરી નથી. તેના કારણે મોદીના સદભાવના મિશનને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ હજી સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. પરંતુ ચર્ચા હતી કે 2012માં સદભાવના મિશનની રાજનીતિમાં પડેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ મુસ્લિમ નેતાઓને ભાજપની ટિકિટ આપે પણ ખરા.જો કે ભાજપે 2012માં યોજાનારી ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 
પરંતુ રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને અડવાણીના જિન્ના પ્રકરણ સાથે સરખાવે છે. તેમનું એમ પણ માનવું છે કે મોદીએ સદભાવના ઉપવાસ ચૂંટણીના વર્ષ પહેલા કર્યા છે, તેથી તેની ચૂંટણીમાં તાત્કાલિક અસર પડશે નહીં. પરંતુ સંઘ પરિવારમાં મોદીની મુસ્લિમ તરફી રાજનીતિની ભારે ટીકા થઈ રહી છે. કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે 200 કરોડના ખર્ચે 33 સ્થાનો પર મુસ્લિમોને ગળે લગાડવા ભૂખ્યા રહેવાના તાયફા આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. મુસ્લિમોને ગળે લગાડનારા મુખ્યમંત્રીએ સ્ટેજ પર આરએસએસના પ્રાંત પ્રચારક અને પ્રાંત સંઘચાલકનું માન જાળવ્યું નથી, તેમને બીજી લાઈનમાં બેસાડયા હતા. વળી મંચ પર ઉપસ્થિત સાધુ-સંતોના ચરણસ્પર્શ કરવાની પણ મુખ્યમંત્રીએ દરકાર લીધી ન હતી. સદભાવના મિશનને કારણે મોદી પર પણ મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ સંઘ પરિવારમાંથી છાને ખૂણે લગાવવામાં આવી રહ્યો છે.
તેની સામે કેશુભાઈ પટેલની રાજનીતિ પણ સ્પષ્ટ છે તેમણે કહ્યુ છે કે તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી સંઘ વિચારની પૃષ્ઠભૂમિમાં આગળ વધશે. ગુજરાત જેવા ડાર્ક હિંદુત્વવાળા રાજ્યની રાજનીતિને ધ્યાનમાં રાખીને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી સંદર્ભે ખાસ કાળજી લીધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપના વખતે મંચ પર કોઈ મુસ્લિમ નેતાને હાજર રાખ્યો નથી. કેશુભાઈની પાર્ટીમાં હજી સુધી લઘુમતી સેલ બનાવવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ મોદી દ્વારા કેશુભાઈની પાર્ટીને મુસ્લિમો તરફ ઝોકવાળી પાર્ટી ગણાવવાનો ડર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા ગુજરાતે જોઈ છે. વિવેકાનંદ યાત્રામાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે, જ્યારે પરિવર્તન યાત્રામાં આવી કોઈ તૈયાર મશીનરી વપરાય નથી. તેની સામે કોંગ્રેસે આ બંને યાત્રા પહેલા આદિવાસી વિસ્તારો અને દરિયાકિનારાના વિસ્તારોમાં યાત્રાઓ કરી છે અને ક્ષત્રિય સંમેલનો પણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમણે પણ માની લીધું છે કે જંગ મોદી અને કેશુભાઈ વચ્ચેનો છે. કેશુભાઈ પટેલ ભાજપના મત તોડે અને તેનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ તેમને આશા છે. પરંતુ સ્થિતિ ઊંટનો લબડતો હોઠ જોઈને તેની નીચે ચાલતા શિયાળ જેવી છે.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલનો બેઝ ભાજપના વોટરો છે. પટેલો પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. કેશુભાઈ પટેલ પટેલ વોટરો અને સંઘ વિચારધારા સાથે સંકળાયેલા વોટરોને પોતાની તરફ ખેંચશે. આ સિવાય તેઓ ઠાકોર સમાજને પણ પોતાની સાથે જોડવા માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છમાં કચ્છી પટેલોનું મોટું મોબીલાઈઝેશન કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજો સાથે જ્ઞાતિ સમીકરણો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એક ગણતરી પ્રમાણે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે 1995થી 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં સરેરાશ 10 ટકાનું અંતર રહ્યું છે. કેશુભાઈ પટેલ ભાજપના 10થી 15 ટકા વોટ પણ તોડે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘટે અને ભાજપને બેઠકોનું નુકસાન જઈ શકે છે. જો કે તેનો ફાયદો કોંગ્રેસને કહી શકાય તેમ નથી. કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી 20થી 25 બેઠકો જીતવા માટે જ લડશે. જ્યારે 30 બેઠકોમાં ભાજપ કપાય તેવો પણ પ્રયત્ન કરી શકે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. પરંતુ તેમની નીતિ સ્પષ્ટ છે કે તેઓ જીત્યા પછી કોંગ્રેસને ટેકો નહીં આપે. પરંતુ ભાજપને ટેકાની જરૂર હશે, તો મોદી અને તેમના મળતિયા વગરની સરકાર બનાવવાની શરત ગુજરાત પરિવર્તન પાર્ટી મુકી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વીએચપીની ઝીણવટભરી નજર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાગપુર સંઘના મુખ્યમથકે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. તો તેના બીજા દિવસે કેશુભાઈ પટેલે અમદાવાદમાં પ્રાંત સંઘ કાર્યાલય અને વીએચપી મુખ્યાલયની મુલાકાતો લીધી છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ માટે વીએચપીમાં લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે સંઘના પ્રાંત સંગઠનમાં કેશુભાઈ માટે કોઈ છોછ નથી.
જાણકારોના માનવા પ્રમાણે, શંકરસિંહ વાઘેલાના ભાજપમાં બળવા સમયે સંઘ પરિવારની સંસ્થાઓ સંપૂર્ણપણે તેમની વિરુદ્ધ હતી. જ્યારે કેશુભાઈ પટેલને સંઘ પરિવારમાંથી ઘણો મોટો સાથ-સહકાર મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા સાથે 45 ધારાસભ્યો હતા. પરંતુ ક્ષત્રિય વોટરો ભાજપના પરંપરાગત વોટરો ન હતા. તેથી 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાજપાએ 11.86 ટકા વોટ મેળવ્યા. જેમાં મોટા ભાગના કોંગ્રેસી વોટ હતા. જેને કારણે કોંગ્રેસને તે ચૂંટણીમાં સીધું નુકસાન ગયું. જ્યારે કેશુભાઈ પટેલ સાથે હાલ કોઈ ધારાસભ્ય કે ભાજપના મોટા પદાધિકારીઓ ખુલીને સાથે આવ્યા નથી. પરંતુ પટેલ સમુદાયના તેઓ નિર્વિવાદ કદ્દાવર નેતા છે. ત્યારે પટેલ વોટરોની સિમ્પથી ઘણો મોટો ઉલટફેર કરે તેવી શક્યતા છે. કારણ કે પટેલ વોટરો મોટેભાગે ભાજપના વોટર છે. તેની સાથે સંઘની વિચારધારાને માનનારા ગુજરાતના ઘણાં લોકો નરેન્દ્ર મોદીથી ગોચર,ગોહત્યા જેવા મુદ્દાઓ પર નારાજ છે. તેથી તેમને પણ કેશુભાઈ રાજકીય વિકલ્પ પુરો પાડી રહ્યા છે.
આમ છતા નરેન્દ્ર મોદીની સ્થિતિ એટલા માટે મજબૂત માનવામાં આવે છેકે સંઘ પરિવારની સંસ્થાઓએ ગુજરાતમાં હિંદુત્વનો પ્રચાર કરતી વખતે કોંગ્રેસનો વિલન અને મુસ્લિમ લીગ સમાન ગણાવી છે. લોકો હજી પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, તેવું વ્યાપકપણે ઈચ્છી રહ્યા નથી. ત્યારે કેશુભાઈ પટેલ સરકાર ન બનાવી શકવાના હોય, તો તેવા સંજોગોમાં તેમના માટે હિંદુત્વના હીરો રહેલા નરેન્દ્ર મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના પ્રસંગો બાદ નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટ બન્યા હતા. તેઓ હજી પણ ગુજરાતના આમ હિંદુઓમાં હ્રદય સમ્રાટનું સ્થાન ભોગવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય જમીન તેમની હિંદુત્વવાદી ઈમેજ છે. ત્યારે 20મી ડીસેમ્બરના પરિણામો જ બતાવશે કે હિંદુત્વની ટ્રેનમાંથી વિકાસરથ પર બેસીને હવે સદભાવનાના રાજકારણનો રસ્તો પકડનારા મોદીની ઈમેજ કેટલી બદલાઈ છે.