Tuesday, March 20, 2018

એક હિંદુની સલાહ માનો: અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરો અને પાંડવ સાબિત થાવ

-     પ્રસન્ન શાસ્ત્રી
ભારતીય રાજનીતિના કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં હિંદુઓ જ છે અને હિંદુઓ જ આ મહાભારતનો નિર્ણય કરવાના છે. ભગવાન કૃષ્ણની જેમ હિંદુઓએ ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ સુપેરે પારખ્યો છે. હિંદુઓએ રાજનીતિના કુરુક્ષેત્રના ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસનોને જોયા છે. ભીષ્મને બાણશૈયા પર સૂતેલા પણ જોયા છે. હિંદુઓ માટે રાજનીતિના કુરુક્ષેત્રમાં પાંડવો એવા નેતા સાબિત થઈ શકે કે જેઓ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરે, અનુચ્છેદ-370 હટાવે અને સમાન નાગરિક ધારો લાગુ કરે. એક હિંદુ રાજનીતિના કુરુક્ષેત્રમાં ઉભેલા નેતાઓને સલાહ આપે છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરો અને પોતાને પાંડવ સાબિત કરો. ધર્મની સ્થાપના માટે અને અધર્મના વિનાશ અર્થે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. આજે ભારતની રાજનીતિ કદાચ કુરુક્ષેત્ર બની ચુકી છે. રાજનીતિનો ધર્મ રાષ્ટ્રનીતિને મજૂબત કરીને રાષ્ટ્રના વાહકોને મજબૂત બનાવવાનો છે. પરંતુ કોણ જાણે કેમ ભારતની રાજનીતિમાં આવો ધર્મ અવાર-નવાર ચુકાયો છે. આઝાદી પહેલા અને પછી ભારતની રાજનીતિમાં સો ટચનું સોનું સમજીને લોકોએ ભરોસો મૂકેલા નેતાઓ બગભગતો સાબિત થઈ ચુક્યા છે. જેમની પાસેથી દેશે કોઈ મોટી અપેક્ષા રાખી ન હતી તેવા નેતાઓએ દેશને ઘણું આપ્યું છે. જો કે આવા નેતાઓની રાજનીતિ પર પણ પ્રશ્નો અવશ્ય છે. હિંદુની સલાહ પાંડવ સાબિત થવા માટે રાજનીતિના કુરુક્ષેત્રમાં ઉભેલા નેતાઓને કાને પહોંચાડતા પહેલા થોડું સિંહાવલોકન પણ કરીએ.
ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કર્યા, પણ ઈમરજન્સી અને તેમના નિધન બાદ શીખ વિરોધી રમખાણના મામલે રાજનીતિક પ્રશ્નો અવશ્ય થાય છે. રાષ્ટ્રહિતમાં ઓપરેશન બ્લૂસ્ટાર જેવો આત્મઘાતી નિર્ણય કરનાર ઈન્દિરા ગાંધીની રાજનીતિને કારણે જ ભિંદરાનવાલે જેવા તત્વો ફૂલ્યા-ફાલ્યા હોવાનું પણ ચોક્કસથી યાદ રાખવું પડે.
તો બાબરી નામનું કલંક મિટાવતી વખતે કારસેવકોને કલ્યાણસિંહે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે તેમના પુરોગામી મુલાયમસિંહ યાદવના રસ્તે ચાલીને ગોળીઓ ચલાવવાનો હુકમ આપવા કરતા રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. પરંતુ કલ્યાણસિંહનું ભાજપમાં કોરાણે મૂકાવું અને સમાજવાદી પાર્ટીમાં જવું તથા પોતાની પાર્ટી બનાવીને ભાજપમાં પાછા ફરવા સુધીની રાજકીય ઘટના-દુર્ઘટનાઓને પણ યાદ રાખવી પડે. 6 ડિસેમ્બર, 1992માં તત્કાલિન વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવને પણ યાદ કરવા પડે કે બાબરીના કલંકને મિટાવવામાં તેમના દ્વારા કોઈ મોટી અડચણ પેદા કરવામાં આવી નહીં. ભારતના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો શરૂ કરવાનું કામ પણ નરસિમ્હારાવે કર્યું હતું. નરસિમ્હારાવે ભારતની પરમાણુ શક્તિ વધારવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી અને સત્તા પરિવર્તન સમયે અટલ બિહારી વાજપેયીને તેની ગુપ્તપણે જાણકારી પણ આપી દીધી હતી. જેથી વાજપેયીની આગેવાનીવાળી એનડીએ સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરીને પાકિસ્તાન અને દુનિયાના બહેરા કાનમાં ભારતની શક્તિનો પડઘો પાડયો હતો. પરંતુ નરસિમ્હારાવની સરકારના કાર્યકાળમાં સ્વદેશીની ભાવના અને ઉદારીકરણના નામે આર્થિક અસમાનતાને આપવામાં આવેલા મહત્વને તથા તેના દ્વારા દેશના ઝડપી વિકાસદરની સાથે મૂલ્યાત્મક દુર્ગતિના દરમાં થયેલા વધારાને પણ માપવાનું ભૂલવું જોઈએ નહીં.
વાજપેયીની આગેવાનીમાં 24 પક્ષોની ટેકણ લાકડીએ સત્તામાં આવેલી એનડીએ સરકારે કારગીલ યુદ્ધ જીત્યું, પોખરણ-ટુમાં પરમાણુ પરીક્ષણો કર્યા, અમેરિકાના આર્થિક પ્રતિબંધો સામે અડગ અને અથગ રહીને દેશ માટે કામ કર્યું. પરંતુ સાથે એ પણ ભૂલવું જોઈએ નહીં કે વાજપેયીની સરકારના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીર સહીત દેશમાં આતંકી હુમલાની વણઝાર પણ વધી. કારગીલમાં પાકિસ્તાનના ઘૂસણખોરો ઘૂસવામાં સફળ થયા અને સરકારને ખૂબ મોટી જાણકારી મળી, ડિસઈન્વેસ્ટમેન્ટની નીતિઓ પણ વાજપેયીના કાર્યકાળમાં હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. વાજપેયી સરકારમાં યશવંત સિંહા સરીખા નાણાં પ્રધાન સામે આરએસએસના વિચારક અને વરિષ્ઠ પ્રચારક દિવંગત  દત્તોપંતજી ઠેંગડીએ ક્રિમિનલ ફાઈનાન્સ મિનિસ્ટર કહીને બળાપો પણ કાઢયો હતો. દત્તોપંતજી ઠેંગડી સ્વદેશી આંદોલનના પ્રખર સ્ત્રોત હતા. વાજપેયી સરકાર રામમંદિર નિર્માણ કરીને રાષ્ટ્રનું સમ્માન પુનર્સ્થાપિત કરવાના મુદ્દે વાયદો કરવા છતાં પણ કંઈ ખાસ કરી શકી નહીં. જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કૂટનીતિક તથા જમીન પર કોશિશો કરવા છતાં પણ ઢીલા વલણની છાપને ભૂંસવામાં વાજપેયી સરકાર નાકામિયાબ રહી હતી. કંદહાર કાંડમાં મસૂદ અઝહર સહીતના ત્રણ આતંકવાદીઓને છોડવાના મામલે આજે પણ ભાજપને આતંકવાદ સામે કંઈ ખાસ ઉકાળી નહીં શકેલા કોંગ્રેસના નેતાઓ સામે સંરક્ષણાત્મક મુદ્રામાં આવી જવું પડે છે.
મનમોહનસિંહની આગેવાનીવાળી કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ સરકારના દશ વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર, 26-11 જેવા આતંકી હુમલા અને હિંદુ આતંકવાદથી માંડીને ભગવા આતંકવાદ જેવા શબ્દોમાં મુસ્લિમ તુષ્ટિકરણની એકમાત્ર દિશામાં કરાયેલી કથિત સેક્યુલર રાજનીતિ પણ ભારતીય રાજનીતિમાં નેતાઓની એક મોટી નિષ્ફળતાથી વધુ કંઈ જ નથી. 2008ની મંદીમાં પણ ભારતનું અર્થતંત્ર ટકાવી રાખવું અને 14 કરોડ લોકોને ગરીબીની રેખાની ઉપર લઈ આવવાનું કામ પણ મનમોહનસિંહની નબળી ગણાતી સરકારના ફાળે જ જાય છે. જો કે મૌન રહીને મનમોહનસિંહે પાકિસ્તાન સામેની વાજપેયી સરકારની નીતિઓને આગળ વધારવાનું કામ કર્યું હતું. 2014માં દશ વર્ષના મનમોહનસિંહની સરકારના શાસનકાળમાં યુપીએની સરકારની જાહેરછાપના આધારે લોકો સત્તાનો નવો વિકલ્પ શોધી રહ્યા હતા અને આ વિકલ્પની શોધ આશા સાથે ભારતની જનતાએ કરી હતી.
મનમોહનસિંહની સરકારમાં મુસ્લિમ તુષ્ટિકરણ કરતી કથિત સેક્યુલર રાજનીતિના કારણે દેશમાં હિંદુઓની રાષ્ટ્રીય ભાવનાની લાગણીને અને ધાર્મિક આસ્થાઓને ખાસી ઠેસ લાગી હતી. રામસેતુ મામલે મનમોહનસિંહની સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને ભગવાન શ્રીરામ કપોળકલ્પિત હોવાનું જણાવ્યું, ત્યારે ખરેખર ભારતના 100 કરોડ હિંદુઓની આસ્થાને મોટી ઠેસ લાગી હતી અને અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર રામમંદિર નિર્માણમાં આવતી અડચણોના કેટલાક કારણોની પણ પણ હિંદુઓને પુરી માહિતી મળી હતી. જમ્મુ-કાશ્મીર અને સમાન નાગરિક ધારા મામલે પણ મનમોહનસિંહની સરકારમાં સામેલ કોંગ્રેસ અને તેના સાથીપક્ષોની માનસિકતાએ પણ લોકોને ઘણી મોટી ઠેસ પહોંચાડી હતી. આવા સંજોગોમાં વિકલ્પ શોધી રહેલી દેશની જનતાએ ગુજરાતની રાજકીય ઘટનાઓ વચ્ચે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન પદે ખૂબ મોટી આકાંક્ષાઓ સાથે દિલ્હીની ગાદી સોંપી હતી.
આવી આશાઓમાં અચ્છે દિનના સૂત્રે જનતામાં મોટી આશા જગાવી હતી. જ્યારે ભાજપની ત્રીસ વર્ષ બાદ લોકસભામાં સ્પષ્ટ બહુમતીવાળી જીત થઈ, ત્યારે ખુદ નરેન્દ્ર મોદીએ પણ કહ્યુ હતુ કે અચ્છે દિન અને જનતાએ જવાબ આપ્યો હતો કે અચ્છે દિન આ ગયે. આજે મોદી સરકારને ચાર વર્ષનો સમયગાળો થઈ ચુક્યો છે. પરંતુ હજીપણ જનતાને પોતાની આકાંક્ષાઓ પુરી થતી દેખાઈ રહી નથી. અચ્છે દિન આ ગયેનો પ્રતિસાદ પુરતી જનતાએ છેલ્લે ફૂલપુર-ગોરખપુર જેવી પેટાચૂંટણીઓમાં ભાજપને રાજકીય સંદેશો આપવાની કોશિશો કરી છે. ગોરખપુર તો 29 વર્ષથી હિંદુત્વની રાજનીતિમાં યુપી ખાતેનું કેન્દ્રીય માનબિંદુ છે. પરંતુ અહીં પણ ભાજપની હાર થવી એક મોટી રાજકીય હોનારત તરીકે જાણકારો જોઈ રહ્યા છે. ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ખાસો મોટો સંદેશો આપવાની રાજ્યની જનતાએ કોશિશો કરી હતી. વિકાસના નામે ભલે રાજનીતિ ચલાવાય, પણ હિંદુત્વના પડઘા વગરનો વિકાસ લોકોને ખપતો નથી. વિકાસની રાજનીતિની ઈમારતમાં હિંદુત્વના પાયાની ઈંટ હચમચશે તો વિકસિત થયેલી રાજનીતિની ઈમારત કડડભૂસ થતા વાર નહીં લાગે તેવો સંદેશો પણ 2017માં ગુજરાતની ચૂંટણીમાં ભાજપની થયેલી જીતમાંથી પાર્ટીને લોકોએ આપવાની કોશિશ કરી છે. ગુજરાત હિંદુત્વની રાજનીતિનો સૌથી મજબૂત ગઢ હોવાને કારણે તેને હિંદુત્વની પ્રયોગશાળા તરીકે સેક્યુલર રાજનીતિના નીતિનિર્ધારકો દ્વારા વગોવવાની ઘણી કોશિશ થઈ છે. ગુજરાતની 2017ની ચૂંટણીમાં લગભગ વીસ વર્ષે રાજ્યમાં જાતિના નામે વોટનો વેપાર જોવા મળ્યો અને હિંદુત્વના મુદ્દાઓ ચિંતાજનક રીતે બાજુએ મૂકાયેલા રહ્યા હતા. જો કે ત્રિપુરામાં પણ 25 વર્ષ જૂની ડાબેરીઓની સત્તાને હટાવવામાં ભાજપને સફળતા મળી છે. પણ આ સફળતા ભાજપની જીત બાદ ત્રિપુરામાં તૂટેલાના લેનિનના પૂતળાથી સમજી શકાશે. ત્રિપુરામાં ભાજપને મળેલી જીત હિંદુઓની લાગણીઓની આકાંક્ષાના ઉછાળાથી મળેલી જીત છે.
પણ ભાજપના જૂના ગઢ બની ચુકેલા પશ્ચિમ-ઉત્તરના રાજ્યોમાં હિંદુઓની લાગણીઓ અને આકાંક્ષાઓને હજી સુધી સંતુષ્ટ થવાની શક્યતા દેખાઈ રહી નથી. તેને કારણે અહીં ખાસો અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. આ અસંતોષ અનામતની માગણીના આંદોલનો, ખેડૂતોના આંદોલન અથવા અન્ય કોઈપણ સ્વરૂપે બહાર આવવાની કોશિશમાં છે. આવા અસંતોષમાં નોટબંધી અને જીએસટી જેવી વ્યવસ્થાઓને લાગુ કરવામાં થયેલી ચુકે ઈંજનનું કામ કર્યું છે. બેરોજગારી, ગરીબી તમામ ભારતની મૂળભૂત સમસ્યા છે. પરંતુ આ તમામ મૂળભૂત સમસ્યાઓના કારણરૂપ સમસ્યા છે સ્વાભિમાનયુક્ત રાષ્ટ્રભાવનાના સંવર્ધનમાં દાખવવામાં આવેલી ઉણપ.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી હોય કે જમ્મુ-કાશ્મીર હોય કે છેલ્લે અરરિયામાં આજેડીના નેતાની જીત હોય, રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારની કથિત ઘટનાઓની ચર્ચાઓ જોવા મળી છે. જો આવા સ્થાનો પર પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા હોય, ભારત વિરોધી સૂત્રોચ્ચાર થતા હોય અને કાર્યવાહીના નામે લગભગ મીડું જોવા મળતું હોય એટલે કે આવા કૃત્યો કરનારને દાખલારૂપ સજા આપવામાં સરકાર સફળ થઈ શકતી નથી, તો કદાચ પુરોગામી સરકારો કરતા હાલની મજબૂત બહુમતી ધરાવતી સરકાર નબળી જ લેખાશે. સત્તામાં આવ્યાને ચાર વર્ષે પણ યુપીએના કાર્યકાળમાં કરવામાં આવેલા ટુજી સ્પેક્ટ્રમ કાંડના દોષિતોને સજા અપાવી શકાઈ નથી. યુપીએ સરકારના ભ્રષ્ટાચારના મોટા આંકડાની અવાર-નવાર ચર્ચાઓ થઈ છે. પણ હજી સુધી સજા સુધી આના માટે જવાબદારોને પહોંચાડવામાં ખાસ સફળતા મળી નથી. તો બીજી તરફ લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ફૂલેકાબાજો ફરાર થવામાં કામિયાબ થાય છે. શું આ કોઈ મજબૂત ગણાતી સરકારની મોટી નબળાઈ નથી?
જમ્મુ-કાશ્મીરમાં સરહદે પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ અને જીવ ગુમાવતા નાગરિકો તથા શહીદ થતા સુરક્ષાદળોના જવાનો પણ જનતાના દિલોદિમાગને સૂન કરી રહ્યા છે. ચોક્કસ જમ્મુ-કાશ્મીરમાં મરનારા આતંકવાદીઓની સંખ્યા સુરક્ષાદળના શહીદ થનારા જવાનોથી વધારે છે. પરંતુ શહીદ થનારા જવાનોનો આંકડો પણ પહેલાના વર્ષોની સરખામણીએ વધારે છે. પાકિસ્તાન ગોળીની ભાષા સમજે છે. તેની સાથે દોસ્તીની ખોટી કોશિશો કરવામાં સમય બગાડવાને કારણે પઠાનકોટ, ઉરી અને નાગરોટાના આતંકી હુમલા રોકી શકાયા નથી. જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજી અને આતંકવાદને રોકી શકાયો નથી. સર્જિકલ સ્ટ્રાઈક કરવા છતાં આતંકવાદી હુમલા અને પાકિસ્તાનની બંદૂકોને ચુપ કરાવી શકાઈ નથી. સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાની અપ્રતીમ બહાદૂરી છતાં તેની સામે ઉઠી રહેલા બેશરમ સવાલોને બંધ કરાવી શકાયા નથી.
ટ્રિપલ  તલાક સામે કાયદો લાવવો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કાયદો લાવવો સારું છે. પરંતુ તેની સાથે સવાલ પણ ઉભો થાય છે, દેશમાં બંધારણની સર્વોપરીતા સાબિત કરવા માટે કોમન સિવિલ કોડ લાવવાની દિશામાં સરકાર દ્રઢતાપૂર્વક આગળ વધવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવા માટે શા માટે તૈયાર નથી? જમ્મુ-કાશ્મીરમાં કલમ-35-એ અને કલમ-370ની નાબૂદી કરીને પાકિસ્તાનવાદીઓની હિંસાને સમાપ્ત કરવા માટેની બંધારણીય ભાવના મુજબની કાર્યવાહી કરવામાં સરકાર કેમ આગળ વધતી દેખાઈ રહી નથી?
હજ સબસિડી સમાપ્ત કરીને તેને મુસ્લિમ કે લઘુમતીઓ માટે વાપરવાની વ્યવસ્થા જ ભારતની બંધારણીય ભાવના સાથે વિરોધાભાસ ઉભો કરે છે. ભારતના બંધારણે તમામ વર્ગના ગરીબોને એકસરખા ગણવાની વાત કરી છે. પણ શું આવી વ્યવસ્થાઓથી તમામ ગરીબોને સમાન સમજવાની બંધારણીય ભાવનાનું સંરક્ષણ થઈ રહ્યું છે? શું આવી વ્યવસ્થાઓ રાજકીય ગણતરીઓ અને મજબૂરીઓ વશ ઉભી કરાઈ રહી નથી? દેશમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય અને લઘુમતી પંચ હોય કે લઘુમતીઓ માટેની બજેટમાં ફાળવણીનો મામલો હોય. આવી વ્યવસ્થાઓ બહુમતી અને લઘુમતીની વચ્ચેની ખાઈને વધારનારી વ્યવસ્થાઓ છે. શું ગરીબ કલ્યાણ મંત્રાલય અને ગરીબ કલ્યાણ પંચની વ્યસ્થા કરી શખાય નહીં? શું ગરીબી ઉન્મૂલન માટેની યોજનાઓ માટેના ફંડની ફાળવણીની બજેટીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીને લઘુમતી માટેની બજેટ ફાળવણીની વ્યવસ્થાને હટાવી શકાય નહીં ?
હિંદુત્વવાદી રાજનીતિમાં વૈચારીક ભ્રષ્ટતતા ધરાવતા લોકોના આગમને તેની સામેના પડકારોને વધુ ઘેરા બનાવ્યા છે. રાજ્યસભામાં જે વ્યક્તિ ભગવાન રામ, વિષ્ણુ, હનુમાન અને માતા સીતા માટે બેફામ વાણીવિલાસ કરતો હોય, તેને ભાજપ સામેલ કરવો શું જોડતોડની રાજનીતિ અને વૈચારીક ભ્રષ્ટતાને પ્રોત્સાહીત કરવાનું કામ નથી ? તેની સાથે જ રામજન્મભૂમિ આંદોલનના શહીદોને ભૂલી જવા અને અયોધ્યામાં તંબુમાં છેલ્લા 27 વર્ષોથી બિરાજમાન રામલલાને ભૂલી જવાનું પાપ સત્તાના નશામાં ચકચૂરોએ કરવુ જોઈએ નહીં. રામલલા વિરાજમાનને ભવ્ય રામમંદિરમાં રામજન્મભૂમિ ખાતે સ્થાપિત કરવા નવા ભારતનું નિર્માણ હશે અને તે ન્યૂ ઈન્ડિયાથી વધુ મહાન હશે. ભારત વિકાસનું વિરોધી ક્યારેય રહ્યું નથી. પણ વિકાસની સાથે હિંદુ ઓળખ અને હિંદુ તત્વની અનુભૂતિ પણ બેહદ જરૂરી છે. એટલે વિકાસની રાજનીતિની ઈમારત ચણતી વખતે હિંદુત્વને બાજુએ હડસેલવાની વાત પણ હિંદુઓ હવે શાખી લેવાના નથી તેવી વાત પણ આજની રાજનીતિમાં સ્પષ્ટપણે તરી આવે છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને પત્ર લખીને વટહુકમ લાવીને રામમંદિર મામલે સંસદમાં કાયદો લાવવાના માર્ગે આગળ વધવાની હાકલ કરી છે. જો ટ્રિપલ તલાક પર વટહુકમ આવી શકતો હોય, જો જમીન સંપાદન મામલે વટહુકમોની વણઝાર લાવી શકાતી હોય, તો રામમંદિર નિર્માણ માટે આમ કેમ કરી શકાય નહીં? વળી હિંદુઓએ 1984થી 2018 સુધી અયોધ્યામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને હટાવવી અને સમાન નાગરિક ધારા માટે જ તો ભાજપને મજબૂત બનાવ્યું છે. તો હવે ત્રીસ વર્ષ બાદ 2014માં પૂર્ણ બહુમતીથી સત્તામાં આવેલી મજબૂત સરકાર આવા ત્રણ રાષ્ટ્રીય મુદ્દાઓને લાગુ કરવામાં દ્રઢતા દેખાડીને હિંદુઓની રાષ્ટ્રીય ઓળખની લાગણીને વાચા આપવા માટેનું રાષ્ટ્રીય કામ કરવા માટેની તૈયારી કરે. આ મુદ્દાઓ ભાજપના એજન્ડામાં 1984થી સામેલ છે.
એક હિંદુની સલાહ-

જાતિઓને પાછળ મૂકીને રાષ્ટ્રહિતમાં આગળ વધી ચુકેલા રાષ્ટ્રીય હિંદુને જાતિવાદી જાળમાં ફસાવનારા રાજનેતાઓએ અને વિકાસના નામે ઠગનારા રાજનેતાઓએ આ સલાહ ધ્યાનપૂર્વક વાંચવી. ભારતમાં પહેલા નકલી ધર્મનિરપેક્ષો અને અસલી ધર્મનિરપેક્ષોની લડાઈની વાત થતી હતી. પરંતુ હવે ભારતમાં નકલી હિંદુત્વવાદીઓ અને અસલી અસલી હિંદુત્વવાદીઓ વચ્ચેની રાજકીય લડાઈ શરૂ થઈ ચુકી છે. મંદિરો ગણવા માત્રથી કોઈ રાજનેતા ખુદને હિંદુ સાબિત કરી શકવાનો નથી. શ્રીરામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે મંદિરો ગણતા રાજનેતાઓએ પણ પોતાના વલણોને સ્પષ્ટ કરવા પડશે. તેની સાથે જ સત્તામાં પહોંચ્યા પછી પોતાને અસલી ગણાવતા હિંદુત્વવાદીઓના પથભ્રષ્ટ થઈ જઈને નકલી હિંદુત્વવાદીઓ જેવી રાજકીય હરકતો પણ બંધ થવી જોઈએ. ભારત હવે અસલી હિંદુને સત્તામાં પહોંચ્યા પછી નકલી હિંદુ થતો જોવાની સ્થિતિમાં નથી. તેની સાથે જ કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રીય હિતોનો બલિ આપીને મહાત્મા સાબિત થઈ શકે નહીં અને આવી પરવાનગી રાષ્ટ્ર ક્યારેય આપી શકે નહીં. એટલે રાષ્ટ્રસાધનામાં મહાત્મા સાબિત થવા કરતા દધીચિ ઋષિની ભૂમિકામાં પણ આવવાની કોશિશ થવી જોઈએ. બાકી ભારતમાં અસલી હિંદુઓની સંખ્યા અને શક્તિ બંને નકલી કે નકલી થતા હિંદુઓથી ઘણી વધારે છે. ભારતની રાજનીતિના કુરુક્ષેત્રમાં લડવા જઈ રહેલા મહાભારતમાં પાંડવ અને કૌરવ કોણ-નો નિર્ણય દેશના હિંદુઓએ કરવાનો છે અને ભારતના કોઈપણ રાજકારણીએ આને ભૂલવું જોઈએ નહીં. બાકી સ્માર્ટ સેક્યુલારિજમના નામે હિંદુઓની ઓળખ ભૂલાવવાની કોશિશ કરતા રાજકારણીઓ અને વિકાસવાદના નામે હિંદુઓને ઠગવાની કોશિશ કરનારા રાજકારણીઓએ ચેતીને રામમંદિરનું અયોધ્યા ખાતેની શ્રીરામજન્મભૂમિ પર રાષ્ટ્રમંદિરની તર્જ પર પાંડવ સાબિત થવા માટે નિર્માણ કરવું જરૂરી છે.