Tuesday, October 9, 2012

હિંદુ આસ્થાઓને હીણ ગણવાની જયરામ રમેશની બૌદ્ધિક બદમાશી



-          આનંદ શુક્લ

હિંદુ મંદિરો વિદેશી મુસ્લિમ આક્રમણખોરોના નિશાના પર હતા. ત્યારે તેઓ મંદિરોમાં રહેલી અખૂટ સંપત્તિની લૂંટ સાથે સાથે હિંદુઓની આસ્થાને ઘેરી ચોટ પહોંચાડવા ઈચ્છતા હતા. વિદેશી મુસ્લિમ આક્રમણખોરોની પરંપરા આઝાદ ભારતમાં પણ આગળ વધી રહી છે. હિંદુ મંદિરો અને દેવ-દેવીઓ સંદર્ભે ઉતરતી ટીપ્પણીઓ કરવી આઝાદ ભારતના તથાકથિત આધુનિકો અને સુધારાવાદીઓની ફેશન છે. હિંદુ મંદિરો ભારતનું ભારત હોવાનું એકમાત્ર મહત્વપૂર્ણ કારણ છે. મંદિરોએ આ દેશની સંસ્કૃતિનો વિચાર આપ્યો, તેને દ્રઢીભૂત કર્યો અને આગળ વધાર્યો છે. અનેક આધ્યાત્મિક ચેતનાઓની સંજીવની મંદિરો સદીઓથી બનતા આવ્યા છે. આ આધ્યાત્મિક ચેતનાઓએ ભારતની હિંદુ જીવનપદ્ધતિ અકબંધ રાખી છે, જેના થકી ભારતનું સ્વરૂપ શક્ય બન્યું છે. આ મંદિરોને ઉતારી પાડવાની ફેશન ઘણી ખતરનાક છે.

તાજેતરમાં કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે નિવેદન આપ્યું છે કે ભારતમાં મંદિરોથી વધારે આપણા શૌચાલયો પવિત્ર છે. કેન્દ્ર સરકારની નિર્મલ ભારત યાત્રાને લીલી ઝંડી દેખાડતા તેમણે કહ્યુ છે કે આપમા દેશમાં મંદિરોથી વધારે શૌચાલયો મહત્વપૂર્ણ છે. જયરામ રમેશ બેફામ નિવેદનો કરવા માટે પંકાયેલા છે. ભૂતકાળમાં પણ તેમણે આવા કેટલાંક નિવેદનો કર્યા છે. પરંતુ તાજેતરનું તેમનું નિવેદન હિંદુઓના આસ્થા કેન્દ્રોને ચોટ કરનારું હોવાથી વધારે નિંદનીય છે.

ભારતમાં 64 ટકા લોકો આજે ખુલ્લામાં શૌચક્રિયા કરે છે અને તેને ભારતમાં કુપોષણનું ઘણું મોટું કારણ ગણવામાં આવે છે. પરંતુ કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે યાદ રાખવું જોઈએ કે ભારતની આઝાદીના 65 વર્ષમાં કોંગ્રેસે લગભગ 55 વર્ષ રાજ્ય ચલાવ્યું છે. 55 વર્ષના સમયગાળામાં કોંગ્રેસના વડાપ્રધાનો અને મંત્રીઓએ દેશમાં દરેક ઘરમાં શૌચાલયોની યોજનાઓને સાકાર કેમ કરી શક્યા નહીં?

શૌચાલયો આરોગ્ય અને સ્વચ્છતાની દ્રષ્ટિએ જરૂરી છે. શૌચાલયોથી ગંદકીની ઘણી મોટી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે મંદિરો કરતા શૌચાલયોને પવિત્ર ગણાવવા. હજી પણ દેશમાં શૌચાલયો બનાવવાથી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોને કોઈ રોકી રહ્યું નથી. પરંતુ જયરામ રમેશનો મંદિરો માટેનો વૈચારીક ગજનવી કક્ષાનો દ્રષ્ટિકોણ હિંદુઓની આસ્થાઓને ચોટ પહોંચાડનારો છે.

જયરામ રમેશ શૌચાલયોને મંદિરો કરતા વધારે પવિત્ર અને મહત્વના ગણે છે. પરંતુ તેમણે જવાબ આપવો જોઈએ કે મસ્જિદો અને મદરેસાઓ તથા ચર્ચો સંદર્ભે તેમનો શું અભિગમ છે. શું તેમણે ભારતના તમામ મંદિરોનો સર્વે કરાવ્યો છે કે તે બધાં ગંદા છે? શું તેમણે ભારતની તમામ મસ્જિદો અને મદરસાઓ તથા ચર્ચોનો સર્વે કરાવ્યો છે કે તે બધાં ચોખ્ખા ચણાક છે? જયરામ રમેશ પોતાના નિવેદનમાં મસ્જિદો અને ચર્ચોના વાપરે તો કંઈ નહીં, પણ તમામ ધર્મસ્થાનો એવો શબ્દ પણ વાપરી શક્યા હોત. પરંતુ તેમનું મંદિરો અને શૌચાલયો સંદર્ભે કરાયેલું નિવેદન તેમની વિશિષ્ટ વિકૃતિ ધરાવતી જમાતની માનસિકતાનું વરવું પ્રતિબિંબ છે. વળી મંદિરોની કથિત ગંદકીઓ અને શૌચની ગંદકીની તુલના પણ જયરામ રમેશ જેવા આઈઆઈટીયન માટે હાસ્યાસ્પદ છે. શું નિર્મલ ભારત યાત્રા કાઢનારા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીને મંદિરો ગંદા લાગતા હોય, તો તેઓ મંદિરોની સ્વચ્છતા માટેના કોઈ પ્રોજેક્ટ કેમ લાવતા નથી?

2001માં કચ્છમાં થયેલા વિનાશક ભૂકંપ બાદ મારે ભચાઉ નજીકના અધોઈ પાસેના એક ગામડામાં જવાનું થયું. કોળીઓની વસ્તીવાળા આ ગામના તમામ મકાનો જમીનદોસ્ત હતા. ઘણાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. તેમ છતાં લોકો ગામમાં સૌથી પહેલા મંદિર બાંધવા ઈચ્છતા હતા. મંદિરોની આધ્યાત્મિક તાકાતે તેમને ભૂકંપના વિનાશક તબક્કા પોતાના સ્વજનો ગુમાવ્યા છતાં લડવા માટેની શક્તિ આપી હતી. મંદિરોની આસ્થા સાથે સંકળાયેલા કિસ્સાઓ આખા ભારતમાં ઠેરઠેર છે. આથી સ્વચ્છતા અને આધ્યાત્મિક શક્તિ કેન્દ્રો બંને અલગ મુદ્દાઓ છે. તેને એકબીજામાં ભેગા કરવા બૌદ્ધિક બદમાશી છે.

હિંદુ આસ્થાઓ પર ચોટ કરતું નિવેદન કરનારા જયરામ રમેશે કહ્યુ છે કે આ નિર્મલ યાત્રા એ ચીજ બનાવવા માટે છે જે હું સમજુ છુ મંદિરથી પણ વધારે પવિત્ર છે અને તે છે શૌચાલય. આપણે જેટલા પણ મંદિરમાં જઈએ, જો શૌચાલય નથી, તમે કેટલાય નારિયેળ ફોડી લો તમને મોક્ષ મળવાનો નથી. આપણા દેશમાં સૌથી વધારે અફસોસજનક વાત છે કે સૌથી ગંદી જગ્યા આપણા મંદિરો છે. જ્યાં તમે મંદિર જાવ છો, તમારે નાકબંધ કરીને જવું પડે છે, કારણ કે આપણે તેને સ્વીકારીએ છીએ.

જયરામ રમેશે મંદિરોની ટીકા કરીને તેને શૌચાલયોથી ઉતરતા ગણાવાની ગુસ્તાખી તો કરી છે, સાથે તેમણે નારિયેળ ફોડવા જેવી ધાર્મિક શ્રદ્ધાને પણ છંછેડી છે. ભારતમાં આજે 125 કરોડની વસ્તીમાં એક અબજ જેટલાં હિંદુઓ છે. જયરામ રમેશેને એ પણ ખબર હોવી જોઈએ કે દેશમાં રહેલા 36 ટકા શૌચાલયોમાંથી મોટાભાગના હિંદુ ઘરો, મંદિરો, સંસ્થાઓમાં છે. શું જયરામ રમેશ તેમની મંદિરો સંદર્ભે કરવામાં આવેલી ગલીચ ટીપ્પણી તેમના વિદેશી મૂળના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ખુશ કરવા માટે કરી રહ્યા છે? શું જયરામ રમેશના મતે ચર્ચો અને મસ્જિદો-મદરસાઓ સ્વચ્છતાની તમામ કસોટીઓ પર ખરા ઉતરે છે? શું તેઓ ચર્ચો, મસ્જિદો-મદરસાઓ સંદર્ભે આવી ટીપ્પણી કરીને છાતી કાઢીને બધે ફરી શકત? સેતાનિક વર્સિસ નામની નવલકથા લખવા બદલ ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દી સામે ઈરાન અને ભારતમાં મૃત્યુદંડના ફતવા નીકળ્યા હતા. જયરામ રમેશે મસ્જિદો-મદરસાઓ અને ચર્ચો સંદર્ભે આવા ફતવાના ખોફથી નિવેદન કરવાનું ટાળ્યું હોય તેવું લાગે છે.  તેમને લાગે છે કે હિંદુઓ સદીઓથી પોતાના મંદિરો પર હુમલા સહન કરતા આવ્યા છે અને શાબ્દિક રીતે હીણ કક્ષાના હુમલાઓ પણ તેઓ સહન કરી લેશે.