Friday, April 22, 2016

પાકિસ્તાની આતંકવાદને ચીનનો ટેકો, યુએનમાં વાપર્યો વીટો

પાકિસ્તાની આતંકવાદને ચીનનો ટેકો, યુએનમાં વાપર્યો વીટો
- પ્રસન્ન શાસ્ત્રી

ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વીટો અધિકારનો ઉપયોગ કરીને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને પ્રતિંબંધિત આતંકવાદીની યાદીમાં સામેલ કરવાના ભારતના પ્રસ્તાવને રદ્દ કરાવ્યો છે. તેની સાથે ચીનની પાકિસ્તાનના રાજ્ય પ્રેરીત આતંકવાદ સાથેની સાંઠગાંઠ પણ ખૂબ ખરાબ રીતે ખુલ્લી પડી ગઈ છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી જૂથ છે અને તેણે ભારતમાં સંસદ પરના હુમલા સહીત છેલ્લે પઠાનકોટ એરફોર્સ સ્ટેશન ખાતે એટેક કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રસ્તાવ સામે ચીનનો વીટો હકીકતમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગ કરાયેલો હિડન વીટો હતો.

જૈશ-એ-મોહમ્મદને 2001થી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનની યાદીમાં રાખવામાં આવ્યું છે. પરંતુ ચીને જૈશ-એ-મોહમ્મદ ચીફને પ્રતિબંધિત આતંકવાદીની યાદીઓમાં સામેલ કરવા માટે ટેક્નિકલ આધારોને આગળ કરીને વીટોનો ઉપયોગ કરવાની બાબતને યોગ્ય ગણાવી છે. આ પહેલા ચીન દ્વારા લશ્કરે તોઈબાના ટોચના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવી સામેના ભારતના પ્રસ્તાવને પણ સંયુક્ત રાષ્ટ્રમાં ચીને વીટો કરીને રદ્દ કરાવ્યો હતો. લખવી 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 2008 પહેલા પણ ચીને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવા મામલે વિરોધ કર્યો હતો. પાકિસ્તાની સેના સાથે જોડાયેલા આતંકવાદી જૂથોને ચીનના વલણને કારણે ભારત અને અફઘાનિસ્તાનમાં પોતાની આતંકી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળશે. 

ચીન અને પાકિસ્તાનની ધરી ભારતીય ઉપખંડમાં ભારત સામે ઘણાં વ્યૂહાત્મક અને સુરક્ષાલક્ષી પડકારો પેદા કરી રહી છે. ચીન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પર દક્ષિણ એશિયામાં પોતાના વ્યૂહાત્મક હિતો બાબતે નિર્ભરતા ધરાવે છે. 

ચીન દ્વારા દક્ષિણ ચીન સાગર વિવાદમાં પ્રાદેશિક અસ્થિરતા પેદા કરવા માટે ઉત્તર કોરિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. તેવી રીતે અફઘાનિસ્તાન અને ભારતમાં પાકિસ્તાની સેના દ્વારા પ્રાયોજિત આતંકવાદને પણ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વીટો વાપરીને છૂટોદોર અપાયો છે. જેના માટે દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી સામે પડકાર બનેલા અમેરિકા સાથે ભારતની વધી રહેલી ઘનિષ્ઠતાને પણ કેટલાક વિશ્લેષકો જવાબદાર ગણી રહ્યા છે. અમેરિકા અને ભારત એકબીજાના સૈન્ય ઠેકાણાઓનો લોજિસ્ટિક સપોર્ટ માટે ઉપયોગ કરે તેવી એક સંધિ પર હસ્તાક્ષર કરવા બાબતે યુએનમાં ચીને દેખાડેલા પાકિસ્તાનપ્રેમ બાદ સંમતિ સધાઈ છે. અમેરિકા દક્ષિણ ચીન સાગર ખાતે પોતાની 60 ટકા નૌસેનાને તેનાત કરવા જઈ રહ્યું છે.

પાકિસ્તાની સેનાના ઓપરેશન ઝર્બે-અજ્બમાં પીઓકે ખાતે ઉઈઘૂસ આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કરાયા છે. ચીનના ઝિનઝિયાંગ પ્રાંત ખાતે ઉઈઘૂર ઈસ્લામિક આતંકવાદીઓ વંશીય હિંસા કરતા હતા. જો કે ઈસ્લામિક જેહાદી આતંકવાદના વલણોની ખાસિયત છે કે તેઓ જરાક ગાફેલ થવાની અવસ્થામાં ફરીથી માથું ઉંચકતા હોય છે. તેથી હાલ પાકિસ્તાની સેનાનો અભાર વ્યક્ત કરવા માટે ચીને આઈએસઆઈના આતંકી જૂથના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત યાદીમાં સામેલ થવાથી બચાવી લીધો છે. પરંતુ આગામી સમયમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોઈબાના આતંકવાદી કેમ્પોમાં તાલીમા પામેલા ઉઈઘૂર આતંકવાદીઓના હુમલાથી બચવા માટે ચીને તૈયાર રહેવું પડશે. 

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ઈસ્લામાબાદની મુલાકાત વખતે 46 અબજ ડોલરનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) બનાવવા માટે સંમતિ સધાઈ હતી. જેના કારણે ચીનના પાકિસ્તાનમાં ઘણાં મોટા સ્ટ્રેટજિક ઈન્ટરેસ્ટ છે. જેમાં સીપીઈસી એક મોટું કારણ છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની સુરક્ષા બંને દેશો માટે યક્ષપ્રશ્ન છે. તેને પાકિસ્તાનના આતંકવાદી જૂથોથી મોટું જોખમ છે. આવા સંજોગોમાં ચીન લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ભારત અને અફઘાનિસ્તાનમાં ઓપરેટ કરતા આતંકવાદી જૂથો સાથે સંબંધો જાળવે તો જેહાદી આતંકીઓનું જોખમ તેઓ ટાળી શકે તેમ છે. તેથી પહેલા લખવી અને પછી મસૂદ અઝહરને ચીને બચાવ્યા છે. 

ચીન દ્વારા વીટોનો સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલો ઉપયોગ માત્ર અને માત્ર રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હુકમથી જ કરાયો છે. તેના માટે ચીનના મિડલ રેન્જના પીપલ્સ લિબરેશન આર્મીના અધિકારીઓની ભૂમિકા બિલકુલ હોઈ શકે નહીં. જિનપિંગ હાલ ચીનના સર્વોચ્ચ શક્તિ ધરાવતા રાષ્ટ્રપ્રમુખ છે અને તેમના હાથમાં પીપલ્સ લિબરેશન આર્મીની બાગડોર પણ છે. તેથી તેમની સંમતિ વગર ડિપ્લોમેટિક સ્તરે કોઈપણ પાંદડુ હલે તેવો કોઈ અવકાશ નથી. 

ચીન દ્વારા પીઓકેમાં ઝેલમ નદી પર પાવર પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. નૌગાંવ સેક્ટર ખાતે ચીનના સૈનિકોની હાજરી હોવાના ચિંતાજનક અહેવાલો પણ આવી ચુક્યા છે. તાજેતરમાં ચીન અને પાકિસ્તાનની સેનાઓ અને વાયુસેનાએ પણ સંયુક્ત લશ્કરી કવાયતો હાથ ધરી હતી. તો પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ખાતે કોઈ ષડયંત્ર કરી રહ્યું હોવાનું ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોનું માનવું છે. અહેવાલો છે કે રાજસ્થાન સરહદે સંવેદનશીલ વિસ્તારોમાં પાકિસ્તાને ગુપચુપ રીતે પાક્કા બંકરો બનાવી રહ્યું છે. આવા પાક્કા બંકરો યુદ્ધ માટેની તૈયારીના ઉદેશ્યથી બનાવાય છે. તેને ડેઝર્ટ વોરફેયર ટેકનીકથી બનાવવામાં આવ્યા છે. ગત એક માસમાં પાકિસ્તાને રાજસ્થાન સરહદે આવા 180 પાકા બંકરો બનાવ્યા છે. આના સિવાય વધુ એકસો બંકરો બનાવવાની તૈયારી પણ પાકિસ્તાને કરી છે. આ બંકરો જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગરથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે બનાવવામાં આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ સરહદે મોટી સંખ્યામાં ચીનીઓ પણ હાજર છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ વિસ્તારમાં સેટેલાઈટ ફોન્સના સિગ્નલ્સ મળી રહ્યા છે. આ સેટેલાઈટ ફોન સિગ્નલ્સ ચીનની કંપનીઓના હોવાનું જાણવા મળે છે. ચીનની કંપનીઓના કારીગરોની સુરક્ષામાં મોટી સંખ્યામાં ચીનની સેનાના સૈનિકો પણ તેનાત છે. બીએસએફ દ્વારા ફ્લેગ મિટિંગ દરમિયાન આ મામલે વાંધો વ્યક્ત કરાયો હતો.
હકીકત ધ્યાને લેવાવી જોઈએ કે ભારતની લાખ કોશિશો છતાં ચીન ભારતનું મિત્ર ક્યારેય રહ્યું નથી. તેના સાથે પાકિસ્તાનના રાવલપિંડી ખાતેના સૈન્ય મુખ્યમથક ખાતેના જનરલો સાથે મળીને ચીન દ્વારા ભારત સામે લશ્કરી પડકારો ઉભા કરાયા છે. પાકિસ્તાન માટે ચીન પોતાની લશ્કરી ક્ષમતાઓની ભારત સામે સરસાઈ કે સંતુલન માટેની જરૂરિયાત છે. તો ચીન માટે પાકિસ્તાન એશિયામાં સ્વિંગ પાવર તરીકે ઉભરી રહેલા ભારત સામેનું સામરિક હથિયાર છે. ચીન અને પાકિસ્તાન સાથે શાંતિપાઠ કરનારી ટ્રેક-ટુ ડિપ્લોમસી બિલકુલ કારગાર સાબિત થઈ નથી અને થવાની નથી. ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારત સમ્માનજનક શાંતિ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં ત્યારે જ આવી શકશે કે જ્યારે ભારતીય સેનાઓને યુદ્ધની તૈયારીઓની સજ્જતાના ઉચ્ચસ્તરે રાખવામાં આવે. તેની સાથે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને સરહદોએ યુદ્ધની સ્થિતિમાં વિજય પ્રાપ્ત થાય તેવી લશ્કરી સરસાઈ માટે વાયુસેનાને વધુ મજબૂત બનાવવી પડશે. 

અનામતનું રાજકારણ હિંદુ એકતા તોડવાનું કાવતરું

સંઘમુક્ત ભારત પાકિસ્તાની એજન્ડાઅનામતનું રાજકારણ હિંદુ એકતા તોડવાનું કાવતરું

- પ્રસન્ન શાસ્ત્રી


સંઘ દ્વારા હિંદુત્વનું દ્રઢીકરણ


1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાનના નામે જ્યારે બે ટુકડા કાપીને ભાગલા કરવામાં આવ્યા હતા, ત્યારે સેક્યુલર હિંદુઓની રાજકીય રીતે હાર થઈ હતી. મુસ્લિમ લીગે ફેલાવેલા વૈમનસ્યથી અખંડ ભારતમાં પાનઈસ્લામિક મૂવમેન્ટના માર્ગે અંગ્રેજોના દોરીસંચાર હેઠળ પોલિટિકલ મુસ્લિમની અલગ હોમલેન્ડની મનસા ફળીભૂત થઈ હતી. અંગ્રેજોની ભાગલા કરો અને રાજ કરોની નીતિમાં સૌથી વધુ ધાર્મિક ભાગલાવાદને પ્રોત્સાહન આપવાની નીતિ તેમની સત્તાની વ્યૂહરચનાનો ભાગ રહી હતી. આજે પણ અંગ્રેજોની ધાર્મિક ઓળખની ભાગલાવાદી માનસિકતાને પ્રોત્સાહિત કરવાની વારસાઈ કથિત સેક્યુલર રાજકીય પક્ષોના હાથમાં છે. તેમ છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુત્વનું ભારતની સમાજનીતિમાં સંરક્ષણ કરવાનું અશક્ય લાગતું કપરું કામ સેક્યુલર રાજકારણના વાવાઝોડામાં સામા પવને ચાલીને પણ કર્યું છે. હજી પણ આરએસએસ અને તેની પ્રેરણાથી કામ કરતા હિંદુ સંગઠનો અને રાષ્ટ્રવાદી જૂથો હિંદુત્વને દ્રઢીભૂત કરીને ભારતને વિશ્વમાં ગૌરવભેર સ્થાને સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આમ કરતા રહેશે.

1947માં હાર, 2014માં જીત


1947માં ભારતના વિભાજનની પીડા સાથે પોલિટિકલ મુસ્લિમ લીગ સામે હારેલો સેક્યુલર હિંદુ 2014 સુધીમાં રાજકીય રીતે ઘણો જાગ્રત થયો હતો. તેનું પરિણામ હતું કે હિંદુવાદી ભાજપના હિંદુત્વવાદી છબી ધરાવતા નેતા નરેન્દ્ર મોદીને ભારતના ઓળખ વાંછનારા અને તેને સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવતા હિંદુઓએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તાની સોંપણી કરી હતી. 2014માં પોલિટિકલી જીતેલો ઓળખ ઉજાગર કરવાની મનસા ધરાવતો હિંદુ જીત્યો, પણ  2016 સુધીમાં તો જીતેલો હિંદુ અનામતના આંદોલનના નામે ફરીથી જાતિવાદી ચક્કરમાં ફસાઈ ચુક્યો છે. 

ગુજરાત હિંદુત્વનો ગઢ


ગુજરાત હિંદુત્વનો ગઢ ગણાય છે. લગભગ ત્રણ દાયકાથી આરએસએસ અને તેની અસર તળે ભાજપનો અહીં સામાજિક અને રાજકીય પ્રભાવ છે. 1998થી ભાજપની ગુજરાતમાં અવિરત સત્તા પણ છે. જેમાં ગુજરાતની રાજનીતિના હિંદુકરણ પર માત્ર દેશમાં નહીં, પણ વિદેશોમાં પણ ભારતના સેક્યુલર કાગડાઓની ભારે કાગારોળ થતી રહી છે. ગુજરાતમાં બેહુદી સેક્યુલર રાજનીતિના નામે ચાલતી તુષ્ટિકરણની વોટનીતિને આરએસએસ દ્વારા રાજ્યની રાજનીતિના હિંદુકરણે ઝડપથી બદલી નાખી છે. ભારતની રાજનીતિના હિંદુકરણ માટેનું માર્ગદર્શક પણ ગુજરાત જ બન્યું છે. 2014માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપે પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવીને દેશભરમાં કેન્દ્રમાં સત્તા મેળવવા માટે વોટ માંગ્યા અને દેશના લોકોએ અઢળક અપેક્ષાઓ વચ્ચે મત આપ્યા પણ ખરા.. કેન્દ્રમાં પ્રવર્તમાન સરકારમાં ત્રીસ વર્ષના ગઠબંધનના નામે ચાલેલા તકવાદી રાજકારણમાંથી જનતાના ખોબલેને ખોબલે મળેલા વોટે છૂટકારો અપાવ્યો. 

ગુજરાતમાં અનામત આંદોલન


ત્રીસ વર્ષ બાદ કોઈ એક પક્ષને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી છે. ત્રીસ વર્ષની સૌથી શક્તિશાળી રાજકીય સ્થિતિ હાલની સરકારની હોવાનું તેના સત્તામાં આવ્યાના પહેલા દિવસથી ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં ગુજરાતથી પટેલ અનામત આંદોલનની શરૂઆત થઈ. સરકારના લગભગ એક વર્ષ બાદ પટેલ અનામત આંદોલનની માગણી માટે આર્થિક વિકાસનું મોડલ અને ગુજરાતમાં છેલ્લા બાર વર્ષથી ચાલેલું રાજકારણ જવાબદાર છે. આની પાછળ દોરીસંચાર બની શકે કે વિરોધ પક્ષોનો હોય, પરંતુ ગુજરાતનું વિકાસ મોડલ જોબલેસ ડેવલોપમેન્ટ મોડલ હોવાની ઘણાં અર્થશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે. આવા સંજોગોમાં સ્પર્ધાત્મક વિશ્વમાં ઘટી રહેલી રોજગારીની તકો, ખેડૂતોની સમસ્યાઓ અને જમીન સંપાદન જેવા ઘણાં મુદ્દાઓ પટેલ સમુદાય સહીતના ગુજરાતના લોકોને સ્પર્શે છે. પટેલ સમુદાય મોટાભાગે ભાજપનો ટેકેદાર રહ્યો છે. અનામતની માગણીના આંદોલન પહેલા ગુજરાતની રાજનીતિના હિંદુકરણ બાદ પટેલ સમુદાયે રાજકીય દ્રષ્ટિએ પોતાની જાતિવાદી ઓળખ જાહેર કરી ન હતી. અપવાદરૂપ કિસ્સામાં 2012માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી ગુજરાત પરિવર્તન પાર્ટી માટે આવી માન્યતા બની હતી. પરંતુ હવે કેશુભાઈ પટેલ ભાજપમાં છે અને જીપીપીનું અસ્તિત્વ નથી. કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની સરકાર બન્યાના લગભગ એક વર્ષ બાદ પટેલ અનામત આંદોલન શરૂ થયું હતું.


ભાજપશાસિત રાજ્યોમાં અનામતની માગણી


રાજસ્થાનમાં ગુર્જર સમુદાયે પણ વસુંધરા રાજે સિંધિયાની સરકાર સમક્ષ અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં અનામતની માગણી કરી હતી. તો હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરની સરકાર સમક્ષ જાટ સમુદાયે હિંસક આંદોલન કરીને અનામત આપવા માટે ભાજપની સરકારને લાચાર કરી હતી. તો આંધ્રપ્રદેશમાં ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ સાથે ભાજપની જોડાણ સરકાર છે. અહીં પણ કાપુ સમુદાયે અનામતની માગણી સાથે આંદોલન કર્યું હતું. જો કે કાપુ સમુદાયની અનામતની માગણી સાથેનું આંદોલન લગભગ સપ્તાહમાં ઠંડુ પડી ગયું છે. મહારાષ્ટ્રમાં ફડણવિસના નેતૃત્વમાં ભાજપ અને શિવસેનાની જોડાણ સરકાર છે. અહીં પણ મરાઠા સમુદાય ઓબીસી અનામતની માગણી કરી રહ્યો છે. જો કે મહારાષ્ટ્રમાં આના માટે પટેલ, ગુજ્જર, જાટ અથવા કાપુ સમુદાયની જેમ આંદોલન કરવામાં આવ્યું નથી. પરંતુ હકીકત એ છે કે અનામતની માગણી કરી રહેલા સમુદાયો મોટાભાગે સંપન્ન હોવાની માન્યતા ધરાવે છે અને તેની સાથે તેઓ ભાજપ અથવા એનડીએના રાજકીય રાહે મોટા ભાગે ટેકેદાર હોવાનું પણ માનવામાં આવે છે. તેની સાથે હાલ અનામતની માગણી સાથેના આંદોલનોવાળા રાજ્યોમાં ભાજપ અથવા તો એનડીએની સરકારો છે. તેથી એક માન્યતા એવી છે કે આની પાછળ વિરોધ પક્ષોનો અસંતુષ્ટોને હાથો બનાવીને દોરીસંચાર કરાયો હોય. 

આંદોલનોના સંભવિત કારકો


વિરોધ પક્ષ ત્યારે જ સબળ બનતા હોય છે, જ્યારે સત્તાપક્ષ નબળા દેખાતા હોય છે. વળી સત્તાપક્ષ ,ત્યારે જ નબળા દેખાતા હોય છે, જ્યારે તેઓ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ઉણા ઉતરતા લાગતા હોય અને આવી સ્થિતિમાં જનતાના મોહભંગનો તબક્કો શરૂ થયો હોય. ગુજરાતમાં શક્તિશાળી નેતૃત્વ કર્યાની એક સર્વસામાન્ય છાપ નરેન્દ્ર મોદી માટે આખા વિશ્વમાં પ્રવર્તી રહી છે. આવી જ અપેક્ષા ભારતના વડાપ્રધાન તરીકે તેમની પાસે લોકોને હોય તેવું અપેક્ષિત છે. પરંતુ હજીસુધી મોંઘવારી કાબુમાં લઈ શકાઈ નથી. પેટ્રોલ-ડીઝલ અને દાળથી માંડીને જીવનજરૂરિયાતની ઘણી વસ્તુઓ લોકોને આભે આંબતી મોંઘવારીમાં ઘણી દૂર લાગી રહી છે. તો રોજગારી ઉભી કરવામાં પણ એટલી સફળતા મળી શકી નહીં હોવાની એક માન્યતા રાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહી છે. ખેડૂતોની સમસ્યાને નજરઅંદાજ કરીને જમીન સંપાદન બિલ પારીત કરાવવા માટે કોશિશો કરાઈ હોવાની એક છાપ પણ પ્રવર્તી રહી છે. મહત્વપૂર્ણ છે કે પટેલ, જાટ, ગુજ્જર, કાપુ સમુદાયો મોટાભાગે ખેતી-પશુપાલન સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જો કે સરકારે હવે જમીન સંપાદન બિલ સંદર્ભે પોતાની જીદને છોડી દીધી હોય છે. પરંતુ આ આખા ઘટનાક્રમમાં વિપક્ષના હાથમાં લોકોમાં શક્તિશાળી બનવાનો એક મોટો ચોક્કસથી હાથ લાગ્યો છે. 

તો જમ્મુ-કાશ્મીરમાં અફઝલ ગુરુને શહીદ ગણાવતી અને સોફ્ટ સેપરેટિસ્ટ એજન્ડા માટે વગોવાયેલી પીડીપી સાથે ભાજપે જોડાણ સરકાર બનાવી છે. જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકારના કાર્યકાળમાં માથું ઉંચકતા ભાગલાવાદીઓ અને દર શુક્રવારે નમાજ બાદ પાકિસ્તાન, આઈએસઆઈએસ, લશ્કરે તોઈબા, હાફિઝ સઈદ અને બગદાદી જેવાના વાવટા તથા તસવીરો લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર થતા આખો દેશ જોઈ રહ્યો છે. આવા સંજોગોમાં ગુરુદાસપુર, ઉધમપુર અને છેલ્લે પઠાનકોટ ખાતેના આતંકવાદી હુમલાઓની ઘટનાઓ પણ લોકોના દિલોદિમાગમાં પુરોગામી કોંગ્રેસી ગઠબંધનવાળી સરકારો જેવી નીતિઓની છબી ઉપસાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક યોજાયેલી લાહોર યાત્રા સંદર્ભે પણ જનતાના દિલમાં ઘણાં સવાલો છે. તેની સાથે પાકિસ્તાન સામેની નીતિમાં દેખાતી ઢીલાશ પણ ભારતની જનતાના દિલનો કોરી ખાય છે. આવા સંજોગોમાં જાણે કે હવે અપેક્ષાના બોજ તળે સત્તામાં આવેલી સરકાર સામે જનતાના મોહભંગનો તબક્કો શરૂ થયો હોવાનું પણ માનવામાં આવે છે. દિલ્હી અને બિહારમાં ભાજપને મળેલી કારમી હાર આવા મોહભંગના તબક્કા તરફ સંકેત કરી રહી છે. 

રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રત્યે ઉદાસિનતા


અહીં એક તથ્ય ધ્યાન ખેંચે તેવું છે. ભાજપની ઓળખ પાર્ટી વિથ ડિફરન્સ તરીકે રાષ્ટ્રવાદી એજન્ડા લાગુ કરનારી પાર્ટી તરીકેની અપેક્ષા સાથે જોડાયેલી છે. લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરિક ધારો દેશમાં લાગુ કરવાની બાબતો સામેલ કરવામાં આવી છે. પરંતુ આ ત્રણ મુદ્દાઓ પર સરકારે પોતાના બે વર્ષના કાર્યકાળમાં કોઈપણ નક્કર કહી શકાય તેવું કામ કર્યું નથી. આ સિવાય દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધની લાગણીને ઝડપાઈ રહેલા ગૌમાંસ અને કપાતા ગૌવંશ અને ગાયોની કતલ સામે દુભાઈ રહી છે. લવ-જેહાદની ઘટનાઓમાં હિંદુ દિકરીઓને દોઝખમાં જતી અટકાવવા માટે કોઈ કાયદાકીય કોશિશો લાગુ કરાતી નહીં હોવાની પણ એક ફરિયાદ પ્રવર્તી રહી છે. તેની સાથે પાકિસ્તાન પ્રેરીત આતંકી નેટવર્ક અને વૈશ્વિક આતંકી જૂથ આઈએસના વધી રહેલી અસરોને રોકવા માટે નક્કર પગલા ભરવા બાબતે સુસ્તી સામે પણ પઠાનકોટ હુમલાની ઘટના બાદ સવાલો થઈ રહ્યા છે. આવા સંજોગોમાં ડર છે કે 1947માં સેક્યુલર હિંદુની હાર 2014માં પોલિટિકલી એક્ટિવ હિંદુની જીતમાં બદલાઈ છે. પરંતુ શું પોલિટિકલી એક્ટિવ બનેલા હિંદુઓની અપેક્ષા પર રાજકીય નેતૃત્વ ઉણાં ઉતરવાની પરંપરાઓ પર જ ચાલશે? 

માથું ઉંચકતા દેશવિરોધી તત્વો


દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભારતવિરોધી સૂત્રોચ્ચારની ઘટના બને અને છઠ્ઠા ધોરણના મોનિટર બનવાની ઓકાત નહીં ધરાવતો વ્યક્તિ વિદ્યાર્થી નેતામાંથી રાષ્ટ્રીય નેતા બનવાની કોશિશ કરે, જેએનયુથી નાગપુર સુધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકારે, આરએસએસ અને હિંદુત્વ વિશે ઘસાતી ટીપ્પણીઓ કરે, હિંદુત્વની રાજનીતિના આઈકોન વીર સાવરકર સંદર્ભે એલફેલ ભાષાનો ઉપયોગ કરે. શ્રીનગર એનઆઈટીમાં ભારતની ક્રિકેટ ટીમની હારની ઉજવણી થાય અને પાકિસ્તાન જિન્દાબાદના સૂત્રોચ્ચાર થાય. આનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓ પર જમ્મુ-કાશ્મીર પોલીસ ભારતમાતા કી જય બોલીને તિરંગો ફરકાવવા બદલ લાઠીચાર્જ કરે. હદ તો ત્યારે થાય છે કે મુસ્લિમ લીગનો સાપ પાકિસ્તાન ગયા બાદ તેના લિસોટા જેવા પાલિકા સ્તરના નેતા ધાર્મિક લાગણીઓના નામે ગળા પર ચાકુ મૂકશો તો પણ ભારતમાતા કી જય નહીં બોલું તેવા પડકારો ફેંકીને ભારતના લોકોના દિલમાં રહેતી ભારતમાતાની આસ્થાને પડકારે.. અને તેવા સંજોગોમાં દેખીતી સક્રિયતા નહીં હોવાના મામલે સરકારને પોલિટિકલી એક્ટિવ હિંદુઓની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણી વધુ મહેનત કરવી પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. 

સંઘમુક્ત ભારત પાકિસ્તાનવાદીઓ માટે ઉત્સાહવર્ધક


2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને 2019માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ બનીને હવે રાષ્ટ્રીય રાજકારણમાં બિનભાજપી જૂથોને એકજૂટ કરવા માટે હાકલ કરી છે. તેના માટે સત્તર વર્ષ સુધી ભાજપ સાથે એનડીએમાં રહેલા નીતિશ કુમારે સંઘમુક્ત ભારત બનાવવા માટે બિનભાજપી વિરોધપક્ષોને એક થવા માટે આહવાન કર્યું છે. મતલબ કે નીતિશ કુમારે કોંગ્રેસમુક્ત ભારત સામે સંઘમુક્ત ભારતનું એલાન કરીને હવે આરએસએસ અને હિંદુત્વને રાજકીય નિશાન બનાવવાનું નક્કી કરી લીધું છે. 

કદાચ 2019ની લોકસભાની ચૂંટણી એવી પહેલી ચૂંટણી હશે કે જેમાં સંઘમુક્ત ભારતના નામે હિંદુત્વમુક્ત ભારત બનાવવાના નામે એક હિંદુ સમુદાયમાં જન્મેલા નેતા નીતિશ કુમાર વોટ માંગશે. સેક્યુલારિઝમના નામે મુસ્લિમ વોટબેન્કોમાંથી વોટના ઉપાડની ચાલતી રાજનીતિમાં હવે એવી કક્ષા આવી ચુકી છે કે પોલિટિકલી એક્ટિવ હિંદુઓને ખતમ કરવામાં આવે અને તેમને ફરીથી 1947ની સ્થિતિમાં સેક્યુલર હિંદુના નામે પોલિટિકિલી ડિસકેનેક્ટ કરીને નિષ્ક્રિય કરી દેવામાં આવે. જેથી વોટબેન્ક માટે મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનામત આપી શકાય. બાંગ્લાદેશથી આવતા મુસ્લિમ ઘૂસણખોરોને બેરોકટોક પોતાની વોટબેન્ક બનાવી શકાય. દેશના લાખો કરોડો રૂપિયાને ભ્રષ્ટાચાર કરીને લૂંટી શકાય. અનામતની આગ ભડકાવીને કાસ્ટ સેન્સસના નામે તેને વધુ ઉગ્ર બનાવવાની રાજરમત કરી શકાય.. સેક્યુલારિઝમના નામે વોટબેન્કના પોલિટિક્સ કરીને તુષ્ટિકરણને ફરીથી પ્રસ્તુત બનાવવાની નીતિશકુમાર જેવા નેતાઓ કોશિશ કરશે. તેના માટે કાસ્ટ સેન્સસનો ઉપયોગ કરીને જાતિવાદી અનામતના આંદોલનનો ખેલ પણ ખુલીને ખેલવામાં આવશે. તેના દ્વારા હિંદુઓના પોલિટિકલી એક્ટિવ થવાથી ઉભી થયેલી હિંદુઓની રાજકીય એકતાને તોડવાની કોશિશ થશે. 

સંઘમુક્ત ભારતનું એલાન કરવું એટલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ભારત તોડવાના એજન્ડાને સમર્થન આપવા જેવું છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ભારતમાં જાતિવાદી રાજકારણ ખૂબ અધમ કક્ષાએ ચાલે અને તેના માટે અનામત તરફી અને અનામત વિરોધી આંદોલનથી ભારતમાં જાતિયુદ્ધ ફાટી નીકળે તેવી મનસા કંઈ કોઈનાથી છૂપાયેલી નથી હિંદુ એકતા પાકિસ્તાની આઈએસઆઈને ભારતમાં આતંકનો ખેલ ખેલવામાં મોટી અડચણ છે. પાકિસ્તાનના આઈએસઆઈ તરફી સંરક્ષણ નિષ્ણાત સૈયદ તારીક પીરઝાદાએ એક ન્યૂઝ ચેનલ પર આવો સંકેત કરતું એક બેહદ સૂચક નિવેદન કર્યું હતું. પાકિસ્તાની વિશેષજ્ઞ તારીક પીરઝાદાએ કહ્યુ હતું કે મોદીને રોકવા માટે હિંદુઓને જાતિના આધારે વિભાજિત કરવા જોઈએ અને તેમને આશા છે કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ આવું જ કરી રહ્યા છે. કદાચ હવે રાહુલ ગાંધી અને કેજરીવાલ સાથે નીતિશ કુમારના નામને પણ સામેલ કરવું પડે. પાકિસ્તાને ભારતમાં ક્યારેય હિંદુ રાજનીતિ માથું ઉંચકે તેવું પસંદ કર્યું નથી. તેથી સંઘમુક્ત ભારતની નીતિશ કુમારની હાકલ સીધેસીધી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ માટે ઉત્સાહવર્ધક છે. 1947માં ભારતના સેક્યુલર હિંદુની દેશના ભાગલારૂપે પાકિસ્તાનની રચનારૂપી ઘટનાથી હાર થઈ હતી. હિંદુત્વવાદી સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુત્વ અને રાષ્ટ્રવાદને ઉજાગર કરીને દેશના ઘણાં હિંદુઓને પોલિટિકલી એક્ટિવ કર્યા છે અને એક રાજકીય પરિવર્તનના સપનાને સકારા કર્યું છે. આ રાજકીય પરિવર્તનને રાષ્ટ્રીય રાજકારણના હિંદુકરણ દ્વારા આરએસએસ અને તેની પ્રેરણાથી કામ કરતા સંગઠનો દ્રઢીભૂત કરવા કોશિશ પણ કરશે. તેવા સંજોગામાં સ્વાભાવિકપણે પાકિસ્તાન અને પાકિસ્તાનવાદીઓને સંઘ આંખના કણાંની જેમ ખૂંચશે. તેમાં સંઘમુક્ત ભારતની વાત તો આવા લોકોને ગળા નીચે લાપસીની જેમ ઉતરી જશે!

આર્થિક અનામત દેશનું ડેથ વોરંટ


આર્થિક આધારે અનામતની વાતો અને તર્કો થઈ રહ્યા છે. પરંતુ ભારતીય બંધારણની વારંવાર દુહાઈ આપનારા સગવડિયા સેક્યુલર રાજકીય પક્ષોએ અનામતની જોગાવાઈ સંદર્ભે બાબાસાહેબ આંબેડકરના દ્રષ્ટિકોણને ધ્યાને લેવો પડશે. ભારતીય બંધારણની જોગવાઈ પ્રમાણે હિંદુ સમાજમાં જાતિગત ભેદભાવથી સામાજિક રીતે પછાત જાતિઓને સામાજિક સમાનતાના માધ્યમ તરીકે અનામત આપવામાં આવ્યું છે. અનામતનો આધાર ધર્મ અથવા આર્થિક સ્થિતિ બિલકુલ નથી. વળી આર્થિક આધારે અનામતની વાત કરવામાં આવે તો તેવા સંજોગોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પાછલા બારણે અનામત આપવામાં સગવડિયા સેક્યુલર રાજકીય પક્ષો માટે એક સરળતા ઉભી થઈ જશે. ભારતની કુલ વસ્તીમાં પાંચમો ભાગ મુસ્લિમ-ખ્રિસ્તી સમુદાયોનો છે. આર્થિક આધારે અનામત ભારત સામે ડેથ વોરંટની વ્યવસ્થા હશે. હાલની અનામતની જોગવાઈઓ ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓ દ્વારા ધર્માંતરણની કોશિશો પર સ્પીડ બ્રેકરનું કામ કરે છે. પરંતુ આર્થિક આધારે અનામતની કોઈપણ કોશિશ ખ્રિસ્તી મિશનરીઓ અને પેટ્રોડોલરની રેલમછેલ ધરાવતી મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓના મિશન ધર્માંતરણને પ્રોત્સાહક સાબિત થશે. 


આંબેડકરના ભારતપ્રેમની અવગણના કરનારાઓથી સાવધાન


ભારતને બંધારણ સોંપતી વખતે 25 નવેમ્બર-1949ના રોજ બંધારણીય સભામાં પોતાના આખરી સંબોધનમાં ડો. આંબેડકરે ભારતીય સમાજને એક અંતર્વિરોધ ભરેલા તબક્કામાં પ્રવેશ સંદર્ભે ઈશારો કર્યો હતો. આંબેડકરે કહ્યુ હતુ કે 26 જાન્યુઆરી, 1950થી આપણે એક અંતર્વિરોધ પૂર્ણ જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. રાજનીતિમાં આપણી પાસે સમાનતા હશે, જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં આપણે અસમાનતાથી ગ્રસ્ત હોઈશું. રાજનીતિમાં આપણે એક વ્યક્તિ-એક વોટ અને એક વોટ-એક મૂલ્યના સિદ્ધાંતને માન્યતા આપી ચુક્યા હોઈશું. સામાજિક અને આર્થિક જીવન સાથે જ આપણે સામાજિક-આર્થિક માળખાનું અનુસરણ કરતા આપણે એક વ્યક્તિ-એક મૂલ્ય- વાળા સિદ્ધાંતનો નિષેધ કરી રહ્યા હોઈશું. આંબેડકરનું રાજનીતિક સપનું જાતિવ્યવસ્થાના ભેદભાવો સંપૂર્ણપણે ખતમ કરીને સમરસ સમાજની સમજ ઉભી કરવાનું હતું. પરંતુ તત્કાલિન રાજકીય-સામાજિક દબાણો વચ્ચે પછાત અને કચડાયેલી જાતિઓને તાત્કાલિક રાહત આપવા માટે આંબેડકરે અનામત વ્યવસ્થાને પોતાના મોટા રાજનીતિક સપનાને સાકાર કરવા માટેના પહેલા પગથિયા તરીકે પસંદ કર્યું હતું. 

પરંતુ ત્યાર પછીની ભારતની રાજનીતિમાં અનામતનું રાજકારણ હિંદુ એક્તાને તોડવાનું એક મોટું કાવતરું બની ચુક્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે થોટ્સ ઓન પાકિસ્તાનમાં મુસ્લિમ લીગના રાજકારણ અને પાકિસ્તાન સંદર્ભે ખૂબ બેબાક વિચારો રજૂ કર્યા છે. તેની સાથે તેમણે બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટે આપેલા કારણોમાં તેમનો રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ઉજાગર થાય છે. પણ આંબેડકરના નામનો દુરુપયોગ કરીને હિંદુ એકતા માટે ખતરનાક રાજનીતિ કરનારાઓ બંધારણના ઘડવૈયાના રાષ્ટ્રવાદી ભારતપ્રેમી દ્રષ્ટિકોણને રાજકીય દુકાનો બંધ થવાની ભીતિથી સતત દબાવવાની કોશિશ કરતા રહે છે.