Monday, July 18, 2016

આતંકીના ટેકામાં હિંસા!: કાશ્મીરના જેહાદી આતંકવાદને લશ્કરી પ્રતિઘાત જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી બુરહાન વાનીને ઠાર કરવામાં આવે અને કાશ્મીર ખીણમાં ભાગલાવાદીઓ પાકિસ્તાનની શેહ પર ભીડ સાથે મળીને ભારતને પડકારે આવી સ્થિતિ શાખી શકાય તેવી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓની પાકિસ્તાનવાદી દાદાગીરીને તેઓ સમજે છે, તેવી ભાષામાં જવાબ આપવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં સુરક્ષાકર્મીઓને માર મારતા કે તેમના વાહનો પર પથ્થરમારો કરતી કાશ્મીર ખીણની ભીડને જોઈને લોહી ઉકળી ઉઠે છે. પ્રશ્ન પણ થાય છે કે હાથ બાંધીને સિપાહીને યુદ્ધના મેદાનમાં કેવી રીતે છોડી દેવાય? ભારતમાં પરિવર્તનની 70 વર્ષથી લગાવાયેલી આશા હજીપણ પરિપૂર્ણ થવાની બાકી છે તેવું ચોક્કસપણે દરેક રાષ્ટ્રવાદી વ્યક્તિને લાગે છે. જ્યારે સેના-અર્ધલશ્કરી દળોને નિશાન બનાવનારી ભીડની સામે આત્મરક્ષામાં કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને અત્યાંતિક બળપ્રયોગના નામે સેક્યુલર અને ઉદારવાદી દેખાવા માટે હંમેશા તૈયાર રહેતી એક ભીડ આતંકવાદીને નેતા અને સરકાર-સુરક્ષાદળોને કાર્યવાહી રોકવા માટે કકળાટ કરતી જોવા મળે છે. આવા સેક્યુલર કાગડાઓ અને વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં જ્યારે સુરક્ષાદળોને જરૂરી બળપ્રયોગની વાત કરીને સ્થિતિ કાબુમાં લેવા માટેની કાર્યવાહીમાં નિયંત્રણો લગાવવાની કોશિશો થાય છે, ત્યારે પણ સવાલ ચોક્કસ થાય છે કે હાથ બાંધીને જંગમાં ઉતારાયેલા ભારતના સપૂતો કંઈ શહીદ થવા માટે જ તો નથી અને તેમની આત્મરક્ષાનો અધિકાર ગિરવે મૂકવાનો અધિકાર દેશની જનતાએ કોઈને આપ્યો છે શું?

 જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર અને તેના ટેકામાં ચાલતા આતંકવાદનો સવાલ છે, તો આ આતંકવાદને જેહાદી આતંકવાદ ચોક્કસપણે કહેવો પડે. જેહાદી આતંકવાદનો ઈસ્લામ સાથે બિલકુલ ચોક્કસ અને ગાઢ સંબંધ છે. જેહાદ અને ઈસ્લામની ખોટી પરિભાષાઓનો ઉપયોગ કરાયો છે કે નહીં, તેની ચર્ચાઓ અહીં અસ્થાને છે. પરંતુ આવા ધાર્મિક ઝનૂન પર આધારીત આતંકવાદને તથાકથિત સેક્યુલર રાજવ્યવસ્થા ધરાવતું હિંદુઓની બહુમતી ધરાવતું પ્રવર્તમાન ભારત સ્વીકારી શકે તેમ નથી. છતાં સેક્યલુર રાજવ્યવસ્થાના સિંહાસન બેસનારા મોટાભાગના શાસકો દેશની રાજકીય મજબૂરીઓ અને પોતાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય છબીની ચિંતાઓમાં દેશહિતને શહીદોની ચિતામાં સળગાવતા રહ્યા છે. આવી સ્થિતિ કાશ્મીરની તાજેતરની ઘટનાઓને અનુલક્ષીને હવે સદંતર કડકાઈપૂર્વક બંધ કરવા માટેની કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. આના માટે મુસ્લિમ મતદાતાના વોટ ગુમાવી દેવાના ડરને દરકિનાર કરવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ બેહદ જરૂરી છે. 

રાજનેતાઓ સિવાય બુદ્ધિજીવીઓ, સામાજિક-સાંસ્કૃતિક અને મીડિયાના માંધાતાઓએ દંભ હોય તો દંભ અને ડર હોય તો ડર દૂર કરીને બેવડા માપદંડો છોડવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. ભારતમાં ઈસ્લામને લઈને કંઈક વધારે જ સેક્યુલરપણું આપોઆપ આવા લોકોના દિલોદિમાગમાં છવાઈ જતું હોય છે. તેથી રાષ્ટ્રવાદી નિવેદનો અને ઘટનાક્રમોને કોમવાદી ગણાવીને છાતી કૂટનારા તથાકથિત સેક્યુલરો અફઝલ ગુરુ જેવા આતંકવાદીની ફાંસીનો વિરોધ કરતા નજરે પડે છે અને બુરહાન વાનીના એન્કાઉન્ટર પર સવાલો કરતા પણ ખચકાતા નથી. વાની જેવા આતંકવાદીને કાશ્મીરનો નેતા બનાવીને પણ રજૂ કરવાની કોશિશો કરતા હોય છે. આવી સ્થિતિમાં લોકમતને યોગ્ય દિશામાં વાળવા માટે દંભ છોડીને હિંમત કરીને સેક્યુલારિઝમની વાર્તાઓને બાજૂએ મૂકી ભારતના અસ્તિત્વને અખંડ રીતે જાળવી રાખવા માટે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદ અને આતંકવાદ સામે આવા વર્ગે પણ ઝીરો ટોલરન્સ દેખાડીને તેમને પ્રાણવાયુ પુરો પાડવાનું બંધ કરવાની જરૂર છે. 

કાશ્મીરમાં અઢી દાયકા પહેલા ત્રણ લાખ લોકોને પોતાના ઘરબાર છોડીને વિસ્થાપિત એટલા માટે થવું પડયું કારણ કે તેઓ પાકિસ્તાન પ્રેરીત જેહાદી આતંકવાદીઓ માટે કાફિર હતા. તેમના હિંદુ હોવાને કારણે તેમને હિંદુ બહુમતી ધરાવતા દેશમાં વિસ્થાપિત થવું પડે તેનાથી મોટી કોઈ શરમ હોઈ શકે નહીં. એટલું જ નહીં ત્યાર બાદ ચાલેલા આતંકવાદની અંદર જેહાદી આતંકવાદીઓએ હિંદુઓના કેટલાંક મોટા હત્યાકાંડો કર્યા હતા. જેમાં તેમણે હત્યાકાંડ પહેલા ધાર્મિક માન્યતાઓને આધારે ઘણાં અત્યાચાર કર્યા અને ધર્મ બદલવા માટે ગૌમાંસ ખાઈને ખાતરી આપવા માટેના દબાણમાં લોકોના જીવ પણ લીધા હતા. આ હકીકતોથી દેશના લોકોને હજીસુધી વાકેફ કરાયા નથી. પરંતુ હવે આવી ઘટનાઓના પુરતા અહેવાલો લોકો સામે રજૂ કરવાની પણ જરૂર છે. જેથી તેમની સામેના જોખમની ભયાનકતાનો ખ્યાલ આવી શકે અને તેઓ આત્મરક્ષા માટે સજ્જ થઈ શકે. તાજેતરમાં ઢાકા ખાતેના આતંકવાદી હુમલામાં મુસ્લિમોના જીવ બક્ષવામાં આવ્યા અને બિનમુસ્લિમોના નિર્દયતાપૂર્વક ગળા રહેંસી નાખવામાં આવ્યા હતા. ધાર્મિક પરીક્ષા માટે કુરાનની આયાતો પણ બોલાવવામાં આવી હતી. આમા નિષ્ફળ જનારા કેટલાંક લોકોના પણ ઢાકા એટેકના આતંકવાદીઓએ સિર કલમ કર્યા હતા. એક મુસ્લિમ મહિલાએ હિજાબ નહીં પહેર્યો હોવાથી અને કુરાનની આયાતોને આતંકીઓના હુકમના અમલ તરીકે પઢવાનો ઈન્કાર કરવા બદલ ઢાકા એટેકમાં જીવ ગુમાવ્યો હતો. 

આતંકથી ડરી જવું આતંકવાદીઓની જીત છે. આતંકનો મુકાબલો બહાદૂરીથી જ શક્ય છે. બહાદૂરી દરેક જીવંત વ્યક્તિમાં હોય છે. બસ તેને બહાર લાવવા માટે તેની સામે રહેલા જોખમની યોગ્ય વિગતો તેની સામે લાવવી જરૂરી હોય છે. આતંક અચાનક મોત બનીને સામે આવતું હોય છે. આવા ખતરા સામેની યોગ્ય જાણકારી બચાવ વખતે બહાદૂરીને બહાર લાવવાનું કારણ બની શકે છે. 2008ના મુંબઈ પરના પાકિસ્તાની આતંકવાદી હુમલા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ખૂબ મહત્વપૂર્ણ વાત જણાવી હતી કે જ્યારે ખરાબ લોકો ખરાબ હરકતો કરે છે, તો સારા લોકોએ સંગઠિત બનીને આવા લોકોનો સામનો કરવો જરૂરી બને છે. 

ઈરાક અને સીરિયાના આઈએસઆઈએસના આતંકવાદીઓ શરિયતના નિજામના નામે જંગાલિયતની તમામ હદો વટાવતા દેખાઈ રહ્યા છે. વહાબી અથવા સલાફી ઈસ્લામના નામે ચાલી રહેલા આતંકવાદના વૈશ્વિક હિંસાચારને ખતમ કરવા માટે આવા લોકો દ્વારા ઈસ્તંબુલ, બગદાદ, ફ્લોરિડા, ઢાકાના રમઝાન માસમાં થયેલા હત્યાકાંડોની વિગતોની અવગણના કરી શકાય નહીં. 

જેહાદી આતંકવાદીઓ ઘણીવાર પોતાની હિંસાને ઈસ્લામ સાથે જોડાયેલી સાબિત કરવાની કોશિશો કરી ચુક્યા છે. ઈન્ટરનેટ પર આઈએસના આતંકવાદીઓ કુરાનની આયાતોથી પોતાની તમામ હિંસાને ઈસ્લામિક ઠેરવી ચુક્યા છે.પરંતુ આમિરખાન જેવા ઉદારવાદી ગણાતા મુસ્લિમો પણ ઢાકા એટેક બાદ કહે છે કે આતંકવાદની કોઈ મજહબ સાથે લેવાદેવા નથી. જેહાદી આતંકવાદ ઈસ્લામની માન્યતાઓને આધારે પેદા કરવામાં આવ્યો હોવાનું જ્યાં સુધી આવા કથિત ઉદારવાદીઓ અને સેક્યુલરપણાનો દંભ કરનારા લોકો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી જેહાદી આતંકવાદીઓની જીત થતી રહેશે. નીસ ખાતેના હુમલા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યુ છે કે તેમનો દેશ ઈસ્લામિક આતંકવાદનો સામનો કરી રહ્યો છે. તેની સાથે યુદ્ધને યુદ્ધની રીતે લડવાનું એલાન પણ તેમણે કર્યું છે. આટલી સ્પષ્ટતા અને તેની સાથેની પરિપક્વતા ભારતમાં પણ એટલી જ જરૂરી છે. 

ભારત માટે કાશ્મીરની સમસ્યા કોઈ નિવેદનબાજી અથવા રાષ્ટ્રીય રાજકીય ઘટનાક્રમોનું કારણ નથી. પાકિસ્તાન કાશ્મીરને પાર્ટીશનનો અનફિનિશ્ડ એજન્ડા ગણાવે છે. આવા સંજોગોમાં ભારતે પાકિસ્તાન અને વૈશ્વિક આતંકવાદીઓથી સાવધ રહેવાની જરૂર છે ઈન્ડોનેશિયા બાદ દુનિયામાં સૌથી વધારે મુસ્લિમો ભારતમાં છે. ભારતના મુસ્લિમ સમુદાયને પાકિસ્તાનવાદી તત્વો સેક્યુલારિઝમના નામે કટ્ટરપંથી બનાવી રાખવા રાજકીય ઝેર રેડતા રહે છે. તો જેહાદી આતંકવાદીઓ ઈસ્લામિક માન્યતાઓના આધારે ભારતની બહુમતી સામે તેમને ઉભા કરવાની કોશિશો પણ કરી રહ્યા છે. જેહાદી આતંકવાદીઓ માટે ભારત એક મોટું સોફ્ટ ટાર્ગેટ હોવાનું છેલ્લા બે દાયકાની આતંકી હુમલાની ઘટનાઓ દર્શાવી ચુકીછે. વળી ભારત હિંદુ બહુમતીવાળો દેશ છે અને જેહાદી આતંકવાદીઓ માટે કાફિરોને મારવા મજહબી કાર્ય હોવાનું ઠસાવાય છે. આરબ દેશોથી પાકિસ્તાન થઈને જેહાદી આતંકવાદની હવાઓ સલાફી અથવા વહાબી ઈસ્લામના કથિત ઉપદેશકો અને પ્રચારકો તેને ભારતમાં ફેલાવવાના પ્રયત્ન કરીરહ્યા છે. આવા સંજોગોમાં ભારતના શાસકોએ સજ્જતાપૂર્વક પરિપકવ વ્યવહાર કરવાની સાથે જનતાની અંદર આત્મવિશ્વાસ પેદા કરીને તેમને આત્મરક્ષા માટે પુરતા પ્રમાણમાં તૈયાર કરવાના પ્રયત્નો ઝડપથી શરૂ કરવાની પણ જરૂરી છે. 

Saturday, July 9, 2016

ઢાકા એટેકના સંકેત: ISISના બુરખામાં ISIનો ભારતમાં આતંકી ખેલનો નવો કારસો

- પ્રસન્ન શાસ્ત્રી

દુનિયા વૈશ્વિક આતંકવાદના નવા સ્વરૂપના જોખમ સામે ઝઝૂમી રહી છે. પોતાના વ્યૂહાત્મક હિતો માટે આતંકવાદને સામરિક હથિયાર સમજતા દેશો આઈએસના નામે ચાલી રહેલા આતંકના ખેલમાં પોતાના હિત સાધી રહ્યા છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાઓથી આશંકા પેદા થઈ રહી છે કે શું આઈએસઆઈએસના આંચળા હેઠળ પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા આતંકનો નવો ખૂની ખેલ શરૂ થયો છે અને તેની આંચ ભારત સુધી પહોંચશે?

બાંગ્લાદેશમાં પાકિસ્તાનવાદીઓનો આતંક- 

1906માં ઢાકા ખાતે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. આ ક્ષેત્રમાં પૂર્વ પાકિસ્તાન ઉભું થતા 1947 સુધીનો એકત્તાલિસ વર્ષનો સમયગાળો લાગ્યો. પરંતુ 1971માં માત્ર 23 વર્ષમાં પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું. મુસ્લિમ લીગના કટ્ટરવાદી ઉદભવ સાથે પૂર્વ પાકિસ્તાન બનેલા બાંગ્લાદેશમાં બંગલા અસ્મિતા ક્યારેય મારી શકાય નહીં. બાંગ્લાદેશમાં બંગલા અસ્મિતાના ઉભારને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના તત્કાલિન શાસકોએ ભારે કત્લેઆમ ચલાવી હતી. પરંતુ બાંગ્લાદેશ મુક્તિ વાહિનીએ પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવવામાં કામિયાબી મેળવી હતી. 

તાજેતરમાં થયેલા ઢાકા ખાતેના આઈએસના કથિત આતંકવાદી હુમલા અને ઈદની નમાજ વખતે જ કિશોરગંજ ખાતે ફેંકવામાં આવેલા પેટ્રોલબોમ્બ અને હિંસાની કોશિશો શું બાંગ્લાદેશના ફરીથી પાકિસ્તાન બનવાની પ્રક્રિયાનો ભાગ છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે.. કારણ કે બાંગ્લાદેશમાં ગત બે વર્ષથી બેફામ રાજકીય હિંસા અને બાદમાં લઘુમતી ખાસ કરીને હિંદુઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થયો છે. ધર્મનિરપેક્ષ બ્લોગરો.. પ્રકાશકો અને ઉદારવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ વણથંભી ચાલી રહી છે. ઢાકા એટેકમાં પણ બાવીસ લોકોમાં વીસ લોકો વિદેશી હતા. 

આઈએસના ઓનલાઈન પ્રકાશનમાં બાંગ્લાદેશમાં આતંકના ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. આઈએસ દ્વારા બાંગ્લાદેશમાં આતંકના ખેલ ખેલવાના ખૂની મનસૂબા વ્યક્ત થયા છે. વીડિયો દ્વારા આઈએસ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી છે.  ઢાકા એટેકની જવાબદારી આઈએસ દ્વારા લેવામાં આવી છે. પરંતુ બાંગ્લાદેશની સરકાર પ્રમાણે આખો મામલો પોતાને ત્યાં વિકસી ચુકેલા સ્થાનિક ઈસ્લામિક કટ્ટરવાદ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના દોરીસંચાર હેઠળ ઉભા કરાયેલા આતંકવાદીઓ સાથે સંકળાયેલો છે. 

ISI પર તણાયેલી શંકાની સોય- 

ભારત માટે મિત્રવત વ્યવહાર ધરાવતી બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારે પોતાના દેશમાં આઈએસઆઈએસની હાજરીના દાવાઓને નકાર્યા છે. આઈએસઆઈ બાંગ્લાદેશને ફરીથી પાકિસ્તાન બનાવવાની ફિરાકમાં છે. આવા સંજોગોમાં ભારત અને બાંગ્લાદેશે સાથે મળીને આતંકનો સામનો કરવા પ્રેક્ટિકલ મોડલ તૈયાર કરવું જોઈએ અને આઈએસઆઈ હોય કે આઈએસઆઈએસ તેના આતંકી મનસૂબાઓને સરહદની બંને તરફ નાકામિયાબ બનાવવા જોઈએ. 

બાંગ્લાદેશના ગૃહ પ્રધાને આખો મામલો રાજકીય રંગે રંગાયેલા આતંકવાદનો હોવાના મતલબનું એક નિવેદન પણ કર્યું છે. બાંગ્લાદેશના ગૃહ પ્રધાન પ્રમાણે.. બંગાળી રાષ્ટ્રવાદને ખતમ કરીને અહીં ઈસ્લામિક કટ્ટરવાદને આતંકવાદમાં બદલવાની આઈએસઆઈની રણનીતિ હોવાનું પણ જણાવી ચુક્યા છે. 

ભારતના પૂર્વ અને પશ્ચિમી પડખામાં આવેલા બંને દેશો અનુક્રમે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ટેરર હબ બની ચુક્યા છે. આજે વૈશ્વિક સ્તરે આતંકવાદને રોકવા માટે સહયોગની જરૂર છે. મજહબી આતંકવાદને રોકવામાં મુલ્કોની સરહદો બેઅસર થઈ રહી છે... ત્યારે ભારત માટે પહેલી પ્રાથમિકતા બાંગ્લાદેશની સરકાર સાથે મળીને પાડોશી દેશને બીજું પાકિસ્તાન બનતા અટકાવવાનો હોવો જોઈએ. 

ભારત ગત બે દશકથી આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિની તરફદારી કરી રહ્યું છે. આની શરૂઆત પણ ભારત અને બાંગ્લાદેશના કારગર સહયોગથી આતંક વિરોધી આંતરરાષ્ટ્રીય સહયોગના એક વ્યવહારીક મોડલનને પણ દુનિયા સામે મૂકવું જોઈએ. 

બાંગ્લાદેશમાં આઈએસ નહીં પણ આઈએસઆઈ ખૂની ખેલના મંડાણ કરી ચુક્યું હોવાના કેટલાંક સંકેતો ઢાકા એટેકમાં મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં આતંકથી અસ્થિરતાના ખેલ પાછળ જમાત-એ-ઈસ્લામીની નારાજગી અને શેખ હસીના સરકારને હટાવવાની વિપક્ષી દળોની રાજકીય કોશિશોની ગણતરીઓ સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. 

ઢાકા એટેકની જવાબદારી ભલે આઈસિસ દ્વારા લેવામાં આવી હોય.. પરંતુ આ હુમલો અલકાયદા અથવા આઈસિસ દ્વારા દુનિયાભરમાં થતા ફિદાઈન હુમલા જેવો બિલકુલ નહીં હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. કેટલાંક જાણકારો પ્રમાણે આતંકવાદીઓ વૈશ્વિક આતંકવાદી જૂથોના આતંકીઓની જેમ તાલીબદ્ધ પણ ન હતા. 

આઈએસ અથવા અલકાયદાના આતંકવાદી હુમલાનો ઉદેશ્ય મહત્તમ જાનમાલનું નુકસાન પહોંચાડવાનો હોય છે. આઈએસ અથવા અલકાયદાના આતંકવાદીઓ સરકારો સાથે વાટાઘાટોમાં સામેલ થતા નથી. ઢાકા એટેકમાં સામેલ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. 

બાંગ્લદેશમાં આતંકી હુમલા પાછળ જમાત-એ-ઈસ્લામીનો હાથ હોવાની પુરેપુરી આશંકા સેવાય છે. જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં સંપૂર્ણપણે ઈસ્લામિક રાજ્યની સ્થાપના ઈચ્છી રહી છે. 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટેના યુદ્ધમાં વોર ક્રાઈમ્સ બદલ જમાત-એ-ઈસ્લામીના ટોચના નેતાઓને ફાંસીની સજાથી તેઓ નારાજગી ધરાવે છે. આ કટ્ટરવાદી સંગઠન બાંગ્લાદેશના તમામ જેહાદી આતંકી સંગઠનોનું અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન છે. જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રત્યે હમદર્દી ધરાવે છે અને કેટલાક દાવાઓ પ્રમાણે આઈએસઆઈના એજન્ટોના ખાસા પ્રભાવમાં પણ છે. 

ઢાકા અને ત્યાર બાદ કિશોરગંજ ખાતેના આતંકવાદી હુમલા પાછળના ઉદેશ્ય બાંગ્લાદેશમાં અસ્થિરતા પેદા કરીને આંતરરાષ્ટ્રીય પબ્લિસિટી દ્વારા શેખ હસીનાની સરકારની બદનામીની કોશિશ થઈ રહી છે. બાંગ્લાદેશમાં અસ્થિરતા વધશે.. તેની અસર ભારતના પૂર્વીય ક્ષેત્રોમાં પડશે. પશ્ચિમ બંગાળ, આસામથી લઈને સિક્કિમ સુધીના ભારતના રાજ્યો બાંગ્લાદેશની અસ્થિરતાથી પ્રભાવિત થવાની શક્યતા છે. ભારત માટે બાંગ્લાદેશને અસ્થિરતા તરફ આગળ વધારતા આતંકના ખેલ સામે ભારતે તકેદારી રાખવાની વિશેષ જરૂર છે. 

આતંકનો વૈશ્વિક ખૂની ખેલ - 

મુસ્લિમો માટેના રમઝાનના પાક મહિનામાં આતંકવાદીઓએ ઈસ્લામના નામે આતંકી હત્યાના ખૂની ખેલનો રેકોર્ડ બનાવ્યો છે. પમ્પોર એટેક પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ અને ઢાકા ખાતેના આતંકી હુમલા બાદ શેખ હસીનાએ નિર્દોષોના લોહી વહેવડાવનારાઓને મુસ્લિમ ગણવા સુદ્ધાંનો ઈન્કાર કરીને આતંકને બિનઈસ્લામિક કૃત્ય ગણાવ્યું છે. 

દુનિયામાં ચારે તરફ આતંકવાદે પોતાનો ખૂની પંજો વધુ ફેલાવ્યો છે. આતંકવાદીઓની પોતાને ઈસ્લામિક સ્ટેટ નામથી ઓળખાવતી ટોળકી હાલ સૌથી શક્તિશાળી અને ખતરનાક ગણાય છે. મુસ્લિમો માટે રમઝાન માસ સૌથી વધારે પાક અને મુબારક મહિનો હતો. રમઝાન માસમાં હિંસાનો સંપૂર્ણપણે નિષેધ હોય છે. સ્ટ્રેટજીક બાબતોના નિષ્ણાતો પ્રમાણે.. જેહાદના નામે આતંકવાદીઓ પોતાના સ્વાર્થોની પૂર્તિ કરવા માટે આવી બાબતોની ખોટી વ્યાખ્યાઓ કરીને લોકોને ગેરમાર્ગે દોરતા રહે છે. 

12મી જૂને અમેરિકાના ઓરલાન્ડો શહેરમાં 49 લોકોની હત્યા કરવામાં આવી હતી. 21 જૂને સીરિયા-જોર્ડન બોર્ડર ખાતે એક સૈન્ય ચોકી પર બોમ્બ હુમલામાં સાત સૈનિકોને મારી નાખવામાં આવ્યા હતા. 27 જૂને યમનના મુકાલા શહેરમાં 43 લોકોની કતલ કરવામાં આવી હતી. એક હુમલામાં સૈનિકોને રોઝા ખોલવા માટે મોકલવામાં આવેલા ભોજનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. 27 જૂને સીરિયાની સરહદે લેબનાનના એક ગામડાંમાં આત્મઘાતી હુમલાખોરોએ પાંચ લોકોને મારી નાખ્યા હતા. 28 જૂને ત્રણ આત્મઘાતી હુમલાખોરોએ તુર્કીના ઈસ્તંબુલના એરપોર્ટ પર 44 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

પહેલી જુલાઈએ બાંગ્લાદેશના ઢાકામાં 22 લોકોની હત્યાની જવાબદારી આઈએસ દ્વારા સ્વીકારવામાં આવી હતી. ત્રીજી જુલાઈએ ઈરાકના બગદાદ નજીક બસ્સોથી વધારે લોકોને કરપીણ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ચોથી જુલાઈએ મદીનાની પવિત્ર એવી પયગમ્બરની મસ્જિદ સહીત ત્રણ સ્થાનો પર આતંકી હુમલા કરીને ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. છઠ્ઠી જુલાઈએ યમનના અદનમાં સૈનિકો પર કારબોમ્બ હુમલામાં દશ લોકોની હત્યા કરવામાં આવી હતી. સાતમી જુલાઈએ બાંગ્લાદેશના શહેર કિશોરગંજમાં ઈદની નમાજ વખતે જ ઈદગાહ નજીક હુમલો કરાયો અને ચાર લોકોના મોત નીપજ્યા હતા. કિશોરગંજમાં ત્રણ લાખ લોકો ઈદની નમાજ અને ઉજવણી માટે એકઠા થયા હતા. 

સામાન્ય રીતે રમઝાન માસમાં આતંકવાદી જૂથો હિંસાની ઘટનાઓ ટાળતા હોય છે. પરંતુ આતંકના ખૂની ખેલથી પાગલ બનેલાઓએ ઈન્સાનિયતના આધારરૂપ મજહબી માન્યતાઓનો પણ છેદ ઉડાડયો.. 
દુનિયામાં ઠેકઠેકાણે આતંકની ક્ષિતિજો વિસ્તરી રહી છે. સંગઠનો અલગ છે અને તેમના નિશાના પણ અલગ છે. પરંતુ બર્બરતામાં તમામ આતંકવાદી જૂથો લગભગ એકસમાન છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો આતંક - 

એક તરફ દુનિયા આઈએસના આતંકી જોખમ સામે લડી રહી છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદ ફરીથી માથું ઉંચકી રહ્યો છે. 29 જૂને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ત્રીસથી વધુના મોત નીપજ્યા અને પચાસથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તાલિબાનોએ કાબુલ એટેકની જવાબદારી લીધી હતી. 19 જૂને કાબુલમાં એક બસ પર તાલિબાનો દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં 14 નેપાળી સુરક્ષાગાર્ડોના મોત નીપજ્યા હતા. પાંચમી જૂને પણ કાબુલમાં એક વિસ્ફોટમાં એક અફઘાન સાંસદ અને ત્રણ અન્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

હિંસાગ્રસ્ત ઈરાક અને સીરિયાથી માંડીને ઉદારવાદી ઈસ્લામિક દેશ તુર્કી સુદ્ધાં આતંકની પીડામાંથી બાકાત નથી. અફઘાનિસ્તાન.. ભારત અને બાંગ્લાદેશમાં પણ આતંકી હિંસાનો ખેલ યથાવત છે. 

પાકિસ્તાનમાં પણ આતંકી હુમલા થાય છે.. પણ પાકિસ્તાનના આતંકી હુમલા પોતાના પેદા કરેલા ભસ્માસુર જેવા આતંકીઓના કારણે થઈ રહ્યા છે. મલેશિયા અને ઈન્ડોનેશિયા તરફ પણ આતંકની આગની લપટો પહોંચી રહી છે. અમેરિકા.. ફ્રાન્સથી લઈને બેલ્જિયમ અને જર્મની સુધી દહેશતગર્દોની દહેશત છે. યુરોપ આખું આતંકના ઓથાર નીચેથી નીકળવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પોતાના દેશમાં પણ ઈસ્તંબુલ સ્ટાઈલના એટેકની આશંકા વ્યક્ત કરાઈ છે. 

હૈદરાબાદ અને તેના પહેલા પણ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આઈએસના મોડ્યુલ્સને ક્રેક કર્યા છે. આઈએસ અને તાલિબાનો દ્વારા થઈ રહેલી રોજબરોજની આતંકી હિંસામાં અલકાયદાની ભારતીય ઉપખંડની શાખા પણ સક્રિય થવાની કોશિશમાં લાગેલી છે. ભારતમાં ગુરુદાસપુરથી ઉધમપુર અને પઠાનકોટથી પમ્પોર સુધીના આતંકી હુમલા પાછળ પાકિસ્તાનની આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી સંગઠનો લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદની ભૂમિકા છે. પાકિસ્તાન દ્વારા ભારત અને અફઘાનિસ્તાનમાં વ્યૂહાત્મક કારણોથી આતંકનો ખેલ ખેલાઈ રહ્યો છે. આઈએસ અને અલકાયદાના નામે આશંકાઓ એવી પણ પ્રવર્તી રહી છે કે પાકિસ્તાનની આઈએસઆઈ ભારતમાં દહેશતગર્દીની નવી ઈનિંગ શરૂ કરે તેવી શક્યતા છે. 

આઈએસ અને અલકાયદા ઈસ્લામિક આતંકવાદી સંગઠનો છે. બંને પોતપોતાને દુનિયામાં ઈસ્લામિક રાજની એટલે કે ખિલાફતની સ્થાપના કરવા માટેના સંગઠનો ગણાવી રહ્યા છે. તો આતંકવાદી દેશ પાકિસ્તાન અને તેના સ્ટેટ એક્ટર્સથી સમર્થિત એવા કથિત નોન-સ્ટેટ એક્ટર્સ પણ ઈસ્લામિક યૂનિયનના નામે ભારતમાં આતંકનો ખૂની ખેલ ત્રણ દાયકાથી ખેલી રહ્યા છે. આઈએસ અને અલકાયદા સાથે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ પોતાને વધુ પાક્કા ઈસ્લામી ગણાવવાની હોડમાં સામેલ થઈ ચુક્યા છે. આને કારણે મજહબી ઝનૂનને કારણે દુનિયાભરમાં દહેશતગર્દોએ દહેશત પેદા કરી છે. પરંતુ દુનિયાના આતંક સામે લડનારા દેશો પણ ગુડ ટેરેરિસ્ટ અને બેડ ટેરરિસ્ટના ચક્કરમાં ફસાતા રહ્યા છે. જેને કારણે આતંક સામેની લડાઈમાં દુનિયા એકજૂટતા દાખવી શકી નથી. આનાથી મોટો અફસોસ દુનિયાએ બીજો તો ક્યો કરવો જોઈએ?

આઈએસઆઈએસના નામે આઈએસઆઈનું નવું કાવતરું - 

પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પરના પાકિસ્તાની આતંકીઓના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈસ્લામાબાદ પર બેહદ વૈશ્વિક દબાણ છે. પમ્પોર એટેક અને હજી કેટલા હુમલા ભારતે સહન કરવાના તેવી એક વિચાર પ્રક્રિયા પણ આંતરીક રીતે શરૂ થઈ ચુકી છે. આવા સંજોગોમાં આઈએસઆઈ પર પણ દબાણમાં વધારો થયો છે. ત્યારે આશંકા વહેતી થઈ છે કે શું આઈએસઆઈએસના નામે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ આતંકના નવા ષડયંત્રને આકાર આપી રહી છે? 

ઢાકા પરના આતંકવાદી હુમલા બાદ બાંગ્લાદેશની સરકારે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈ સામે આશંકાની સોય તાકી છે. આઈએસઆઈનો ઈતિહાસ અને વર્તમાન દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતમાં પાકિસ્તાનથી સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ ફેલવતું રહ્યું છે. ઢાકાના હુમલાના ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ સારા સંકેત નથી. 

જેહાદી આતંકવાદનો નવો યુગ આતંકી કમાન્ડરો વચ્ચે વર્ચસ્વની લડાઈનો છે. આ આખા વૈશ્વિક આતંકવાદમાં પાકિસ્તાનના ઘરઆંગણાના ઈસ્લામિક આતંકી જૂથો અને આંતરરાષ્ટ્રીય સુન્ની આતંકી સંગઠનો વચ્ચે આઈએસઆઈ સુવિધા આપનાર અને સંયોજક તરીકેની ભૂમિકા નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય અને પાકિસ્તાની આતંકવાદી જૂથો ખિલાફતની સ્થાપનાના નામે આતંકનું દુષ્ચક્ર ચલાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય જેહાદી આતંકવાદીઓના રડાર પર ભારત 80ના દાયકાથી છે. તાજેતરમાં આઈએસ દ્વારા વાયા બાંગ્લાદેશના માર્ગે ભારતમાં આતંકનો ખેલ ખેલવાની મનસા જાહેર કરાઈ છે. 

ભારતમાં આઈએસઆઈનો આતંક - 

દક્ષિણ એશિયામાં ઈસ્લામિક કટ્ટરવાદી નેટવર્કને વિચારધારાત્મક અને સરસામાનથી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જ આઈએસઆઈની રાહબરી હેઠળ મદદ મળી રહી છે. આઈએસઆઈની બાજ નજર ભારતના વિવિધતાપૂર્ણ સમાજના નાના-મોટા મતભેદોની તિરાડોને વધારે પહોળી કરવા પર મંડાયેલી છે. ભારત ખાતેના આઈએસઆઈના એજન્ટો અને સ્લીપર સેલ્સ કોમવાદી લાગણીઓને ઉશ્કેરવામાં લાગેલા છે. આનો ફાયદો સોશયલ મીડિયાના માધ્યમથી ભારતમાં રહેલા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. 

સિમી, ઈન્ડિયન મુજાહિદ્દીન, લશ્કરે તોઈબા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તોઈબા, જમાત-ઉદ-દાવા જેવા પ્રતિબંધિત આતંકવાદી જૂથોના માધ્યમથી આઈએસઆઈ ભારતમાં આતંકી પ્રવૃત્તિ કરી રહ્યું છે. કટ્ટરવાદથી પોષાયેલો આતંકવાદ પાકિસ્તાનથી આગળની આતંકી ક્ષિતિજોને પણ પાર કરવા ઈચ્છી રહ્યો છે. આવા સંજોગોમાં આઈએસ અને અલકાયદા જેવા આતંકવાદી સંગઠનોની આતંકી જાળને વણવા માટે આઈએસઆઈ દ્વારા પુરેપુરી મદદ થઈ રહી છે. ભારતમાં આઈએસ-અલકાયદાના નેટવર્કથી પાકિસ્તાનને ઘણાં વ્યૂહાત્મક ફાયદા થઈ શકે છે અને તેની જવાબદારી પણ પાકિસ્તાનના સિરે નહીં આવે તેવી એક ગણતરી પણ આઈએસઆઈ ધરાવતી હોવાની આશંકાઓ વહેતી થઈ છે. 

વિકિલીક્સ પ્રમાણે અમેરિકાના વિદેશ વિભાગે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને અલકાયદા અને તાલિબાન સમકક્ષ આતંકવાદી સંગઠન ગણાવી છે. પાકિસ્તાનમાં આઈએસઆઈનો સ્ટેટ વિધિન સ્ટેટ જેવો દરજ્જો છે. પાકિસ્તાનની નાગરિક સરકાર પર આઈએસઆઈનો પુરેપુરો કાબુ રહેતો હોય છે અને તેની ડ્રગ્સના કારોબારથી માંડીને પાકિસ્તાની સેનાના તમામ ગેરકાયદેસર વ્યૂહાત્મક કામકાજમાં સામેલગીરી છે. 
નશીલા પદાર્થોના સ્મગલરો અને જેહાદી આતંકવાદી સંગઠનો વચ્ચે નાપાક ગઠબંધન છે. આ બંનેના વાલી તરીકે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ છે. 1988માં અફઘાનિસ્તાનથી કાશ્મીર ખાતે જેહાદી આતંકવાદી જૂથોના નેજા હેઠળ આતંકીને ખસેડવામાં આઈએસઆઈએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાન.. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આઈએસઆઈ પ્રેરીત જેહાદી આતંકવાદે ખૂબ ઊંડા મૂળિયા જમાવ્યા છે. 

ભારતની આસપાસ આતંકનું દુષ્ચક્ર- 

ભારત પાકિસ્તાન પ્રેરીત આઈએસઆઈ પ્રાયોજિત જેહાદી આતંકવાદનું સૌથી મોટું પીડિત છે. આઈએસઆઈ નેપાળ, શ્રીલંકાની અંદર પણ ભારતના હિતોને નુકસાન પહોંચાડવા માટે પોતાનું આતંકી નેટવર્ક સ્થાપિત કરી ચુક્યું છે. સુન્ની મુસ્લિમોની બહુમતી ધરાવતા માલદીવ્સમાં પણ આઈએસઆઈ દ્વારા આતંકવાદીઓ માટેના આશ્રયસ્થાનો ઉભા કરી દેવાયા છે. 

આઈએસઆઈ પર પાકિસ્તાની સેનાની મજબૂત પકડ છે. પાકિસ્તાની સેના માટે એક વાત ખૂબ કુખ્યાત છે. આમ તો જુદાજુદા દેશો પાસે પોતાની સેના હોય છે. પરંતુ પાકિસ્તાની સેના એક એવી સેના છે કે જેની પાસે પોતાનો દેશ છે. આમ તો ઈસ્લામિક આતંકવાદ ડાબેરી રૂપરંગ સાથે મધ્ય-પૂર્વ એશિયા સુધી મર્યાદીત રહેવા સાથે શરૂ થયો હતો. પાકિસ્તાનના માર્ગદર્શન હેઠળ ઈસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા જેહાદી આતંકવાદમાં રૂપાંતરીત થઈ ચુક્યો છે. આ જેહાદી આતંકવાદના સ્વરૂપ અને સંયોજક તરીકે પાકિસ્તાની સેનાએ આઈએસઆઈની પોતાના ખતરનાક હથિયાર તરીકે રચના કરી છે. 

પાકિસ્તાન 26/11ના મુંબઈ એટેક અને પઠાનકોટના આતંકવાદી હુમલા બાદ આતંકવાદ ફેલાવવાના મામલે દુનિયાભરમાં ખૂબ નામોશી ભોગવી રહ્યું છે. તેમ છતાં અફઘાનિસ્તાન અને ભારત બાદ બાંગ્લાદેશને પણ આઈએસઆઈ પોતાના જેહાદી આતંકવાદના હથિયારથી ઘાયલ કરવાનું ચાલુ રાખશે. 

2001ના ભારતીય સંસદ પરના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પરમાણુ યુદ્ધમાં બદલા તેવી શક્યતાઓ ઈરાક યુદ્ધની તપાસ કરનારા બ્રિટિશ પંચની તપાસમાં સામે આવી છે. 2008નો લશ્કરે તોઈબા દ્વારા કરાયેલો મુંબઈ ટેરર એટેક પણ એક આવો જ ફ્લેશ પોઈન્ટ હતો. પહેલી જાન્યુઆરી-2016ના રોજ પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પરનો જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલો આતંકી હુમલો ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનું કારણ બન્યો છે. પરંતુ છેલ્લે પમ્પોર એટેકમાં લશ્કરે તોઈબાએ પણ ભારતમાં આતંકી હુમલા ચાલુ રહેવાની આઈએસઆઈની રણનીતિને આગળ વધારી છે. 

આઈએસઆઈ માટે લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સલાહુદ્દીનની અધ્યક્ષતાવાળી જેહાદ કાઉન્સિલ એક સામરિક હથિયાર છે. આ બધાં સંગઠનોને ચોક્કસ વ્યૂહાત્મક ગણતરીઓ સાથે આઈએસઆઈ ભારત વિરુદ્ધ ઉપયોગ કરે છે. આવી જ રણનીતિ આગળ વધી રહી હતી. પરંતુ ભારતની અમેરિકા સાથેની સૈન્ય સહયોગમાં વધી રહેલી ઘનિષ્ઠતા હવે પાકિસ્તાન અને તેના આતંકી આકાઓને પોતાના માટે જોખમી લાગી રહી છે. 

આવા સંજોગોમાં ભીષણ આતંકી હુમલાની ભારત તરફથી આકરી લશ્કરી પ્રતિક્રિયાની આશંકા બ્રુસ રીડલ સહીતના સ્ટ્રેટજિક એનાલિસ્ટો વ્યક્ત કરી ચુક્યા છે. તાજેતરમાં હાફિઝ સઈદે પણ ભારત અને અમેરિકા સાથે મળીને યુદ્ધની તૈયારી કરી રહ્યા હોવાનું નિવેદન ગદ્દાફી સ્ટેડિયમ ખાતેના પોતાના સંબોધનમાં કર્યું છે. આવા સંજોગોમાં આઈએસઆઈ અને તેના બગલબચ્ચા જેવા આતંકવાદી આકાઓ પણ રણનીતિ બદલશે. આવા સંજોગોમાં ભારતમાં આતંકી ખેલ ખેલવા માટે આઈએસઆઈએસનું નામ આઈએસઆઈના કામમાં આવી શકે છે. 

વૈશ્વિક જેહાદીઓ અને પાકિસ્તાન વચ્ચે આંતકના આકા બનવાની સ્પર્ધા - 

આઈએસઆઈએસના આંચળો ઓઢીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ઢાકા ટેરર એટેક બાદ ભારત ખાતે પણ નવી ટેરર ગેઈમ શરૂ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તેના પાકિસ્તાન માટે વ્યૂહાત્મક ફાયદા છે અને આઈએસઆઈ નવી વ્યૂહરચના અખત્યાર કરે તેવી પણ શક્યતા છે. 

અમેરિકાનું પાકિસ્તાન પ્રત્યેનું વલણ છેલ્લા ઘણાં સમયથી બદલાયું છે. તેના કારણે પાકિસ્તાનને અમેરિકાથી મળતી કરોડો ડોલરની મદદ પર સંકટના વાદળો છવાયા હતા. પરંતુ તેવા સમયે અફઘાનિસ્તાનમાં એક પછી એક આતંકી હુમલા થયા અને તેમાં તાલિબાનોના હક્કાની નેટવર્કની ભૂમિકા હતી. આવા સંજોગોમાં માનવામાં આવે છે કે આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં અસ્થિરતા અને આતંકનો ખેલ ચાલુ રાખવા ઈચ્છે છે. જેથી પાકિસ્તાનને અમેરિકા કરોડો ડોલરની મદદ કરતું રહે. 

પાકિસ્તાનની આઈએસઆઈ દ્વારા સંચાલિત અને સંયોજિત આતંકવાદી સંગઠનોના હુમલાને કારણે ભારત પાસે તેમની સામે કામ કરવા માટેના આધારો પેદા થઈ રહ્યા છે. આવા સંજોગોમાં ભારતને અમેરિકાનો સાથ મળે તો આર્થિક.. રાજદ્વારી.. સહીતના આંતરરાષ્ટ્રીય મોરચે પાકિસ્તાનને ઘણી મોટી પછડાટ મળે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં પાકિસ્તાન સામે અમેરિકા સહીતના દેશો પ્રતિબંધો અને લશ્કરી રાહે પગલા ભરવાની પણ કોઈ ભૂમિકા પેદા થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. 

આઈએસઆઈ પ્રેરીત જેહાદી આતંકવાદીઓ 9/11 જેવી કોઈ આતંકી હુમલાની ઘટના કરી નાખે તો આખી પરિસ્થિતિ 2001ના અફઘાનિસ્તાન ખાતેના અમેરિકાના વોર ઓન ટેરર જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનનું ખુદનું અસ્તિત્વ પણ જોખમમાં આવી શકે છે. ત્યારે ભારતને આતંકથી લોહીલુહાણ કરવાની પાકિસ્તાની નીતિને તો આઈએસઆઈ આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ તેના માટે આતંકવાદી બેનરને બદલવાની પણ ઈચ્છા ધરાવે છે. આના માટે હાલના સંજોગોમાં આઈએસઆઈએસનું નામ પાકિસ્તાની સંસ્થા આઈએસઆઈ માટે એક આંચળા તરીકેની ભૂમિકા ઉભી કરી શકે છે. 

અલકાયદા અને તાલિબાનો વચ્ચેની ઘનિષ્ઠતા જગજાહેર છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો આવા આતંકી નેટવર્ક સાથેનો ધરોબો છે. આઈએસઆઈએસ અલકાયદાનું સ્પ્લિન્ટર ગ્રુપ છે. પરંતુ તેની સાથે હજી આઈએસઆઈ કે પાકિસ્તાનની સીધી લિન્કનો ખુલાસો થયો નથી. આવા સંજોગોમાં આઈએસઆઈએસના નામે દક્ષિણ એશિયામાં આતંકનો ખેલ આઈએસઆઈને બચવામાં મદદગાર સાબિત થાય તેવી શક્યતા તેને દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારત સામેના સુરક્ષા પડકારો વધુ વિકટ બનવાની પણ શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે આઈએસઆઈએસમાં ભારતમાંથી ગયેલા કેટલાક યુવાનો ભૂતકાળમાં ઈન્ડિયન મુજાહિદ્દીન.. સિમી અથવા તો અલકાયદાના જૂથો સાથે જોડાયેલા રહેલા હોવાની બાબત પણ નજરઅંદાજ થઈ શકે તેમ નથી.