Sunday, December 2, 2012

2012નો ગુજરાતનો જંગ: નરેન્દ્ર મોદી Vs. કેશુભાઈ પટેલ

-આનંદ શુક્લ

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારોની દોડમાં આગળ દોડી રહેલા નરેન્દ્ર મોદી માટે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા મહત્વની સાબિત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત તેમની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી મજબૂત બનાવશે. પરંતુ આ ચૂંટણીમાં થોડી પણ ઉંચ-નીચ તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જેટ ગતિએ આગળ વધવાની ક્ષમતાને ગ્રહણ લગાવી શકે છે. 2002માં હિંદુત્વના રાજકારણથી 2012માં સદભાવનાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. તેમના માટે કોંગ્રેસ કરતા કેશુભાઈ પટેલને ભાજપના મત કાપતા રોકવાનો મોટો પડકાર છે.
હિંદુત્વ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જમીન છે. હિંદુત્વનું રાજકારણ ખેલનારા તમામ પક્ષો અને સંગઠનોમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા હીરો છે. નરેન્દ્ર મોદીની આ લોકપ્રિયતા જ્યાં સુધી સાબૂત રહેશે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. આ કહેવું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારજીતની ચર્ચા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું.
ડીસેમ્બર માસમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 20 ડીસેમ્બરે મતગણતરી બાદ નક્કી થશે કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના નાથ બનશે કે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમના ફરીથી મુખ્યમંત્રી બનવાની પ્રબળ આશા છે. જો કે આ વખતે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણી જેવો સીધો મામલો દેખાતો નથી.
2012ની ચૂંટણી 1998 બાદ રાજ્યમાં પહેલો ત્રિપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ, શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વડપણ નીચે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણી જંગમાં ઝુકાવશે. જનસંઘ અને ભાજપમાં 60 વર્ષ કામ કરનારા સંઘના સનિષ્ઠ સ્વયંસેવક એવા કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે 6 ઓગસ્ટ, 2012ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સીધો રાજકીય પડકાર ફેંક્યો છે.
2002 અને 2007ની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ હતો. પરંતુ જાણકારો 2012ના ચૂંટણી જંગને મોદી વિરુદ્ધ કેશુભાઈ પટેલનો સીધો જંગ માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો કેશુભાઈ પટેલ 10 વર્ષ સુધી ચુપ રહ્યા, તે મોદીની સ્થિરતાનું સૌથી મોટું કારણ છે. ભાજપના ચૂંટણી સમીકરણો કેશુભાઈ પટેલના ખુલીને વિરોધમાં નહીં આવવાથી મોદીને બહુ નડયા નથી.
કેશુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 6 વખત તેઓ ધારાસભ્ય રહ્યા અને એક-એક વખત લોકસભા તથા રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો બનાવવાની આગવી સૂઝ હોવાનું પણ માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાતની પ્રભાવી પટેલ જ્ઞાતિના નેતા છે. તેમનો સૌરાષ્ટ્રમાં ઘણો મોટો બેઝ છે. વધારે માઈક્રો લેવલે વાત કરીએ તો કેશુભાઈ લેઉવા પટેલ જ્ઞાતિના નેતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પટેલોની વસ્તી 1.20 લાખની છે અને તેમના મતદાતાઓની સંખ્યા અંદાજે 80 લાખની છે. તેમા લેઉવા પટેલોની સંખ્યા 65 ટકા થવા જાય છે.
ગત વર્ષ ખોડલધામ ખાતે પટેલ જ્ઞાતિએ બિનરાજકીય ગણાતો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સામે ખુલીને વિરોધમાં આવ્યા ન હતા. પરંતુ ખોડલધામના કાર્યક્રમની એક વિશિષ્ટતા હતી કે બોલાવવામાં આવેલા તમામ પટેલ નેતાઓને મંચની નીચે બેસાડવામાં આવ્યા હતા અને મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ખોડલધામના સંમેલન બાદ કેશુભાઈ પટેલ મોદી સામે નવી પાર્ટી બનાવવાના વિચાર સાથે ખુલ્લેઆમ વિરોધમાં ઉતર્યા.
જો વાત કરીએ 2007ની તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 અને કોંગ્રેસને 59 બેઠકો મળી છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી છે. 2009ની લોકસભાની ચૂંટણી નવા ડિલિમિટેશન પ્રમાણે થઈ હતી. જેમા વિધાનસભા બેઠકના મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ભાજપને 107 બેઠકો પર અને કોંગ્રેસને 75 બેઠકો પર સરસાઈ મળી હતી. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દેખીતો 16 બેઠકોનો ફાયદો થયો અને ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે.
જો કે ત્યાર બાદ 2010માં યોજાયેલી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોની ચૂંટણીમાં ભાજપને 479 અને કોંગ્રેસને 144 કોર્પોરેશનોમાં સત્તા મળી છે, જ્યારે અન્યોના ખાતામાં 19 કોર્પોરેશનો ગઈ છે. ભાજપના હાથમાં 549 અને કોંગ્રેસના હાથમાં 240 જિલ્લા પંચાયતો છે, જ્યારે અન્યની પાસે 12 જિલ્લા પંચાયતો છે. ભાજપના હાથમાં 2456 અને કોંગ્રેસના હાથમાં 1438 તથા અન્યની પાસે 154 તાલુકા પંચાયત છે. આમ જોવો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પરિણામો કેશુભાઈ પટેલના ભાજપમાંથી અલગ થયા પહેલાના છે. વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસના નિશાન પર નહીં લડાતી હોવા, છતાં કોંગ્રેસના ટેકેદાર સરપંચોની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેશુભાઈ પટેલના ભાજપથી અલગ થયા બાદ તેના પરિણામો પર અલગ-અલગ પ્રકારના ક્યાસો લગાવાય રહ્યા છે.
ગુજરાતમાં 1975માં કોંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી નામે જાણીતુ જ્ઞાતિ સમીકરણ રજૂ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યની 20 ટકાથી વધારે વસ્તી ધરાવતી પટેલ જ્ઞાતિને સત્તામાંથી દૂર કરવાનું હતું. 1962ની ગુજરાતની પ્રથમ વિધાનસભાથી 1975 સુધીમાં ગુજરાતને ત્રણ વખત પટેલ મુખ્યમંત્રી મળ્યા. જો કે ત્યાર પછી કોંગ્રેસમાં પટેલ જ્ઞાતિ સિવાયના મુખ્યમંત્રી માટે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. KHAM (થિયરી)માં 24 ટકા ક્ષત્રિય, 8 ટકા હરિજન, 15 ટકા આદિવાસી અને 12 ટકા મુસ્લિમોના મતોનું નવું જ્ઞાતિ સમીકરણ રજૂ કરીને તેના પર કામ કરવામાં આવ્યું. કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવાના મોકા મળ્યા હતા. માધવસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી અને અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હતા. પરંતુ 1990માં વી. પી. સિંહના કોંગ્રેસ વિરોધી આંદોલન અને રામજન્મભૂમિથી ઉભી થયેલી રામલહેરમાં ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ થયું. 1990માં જનતાદળે ચિમનભાઈ પટેલ અને ભાજપે કેશુભાઈ પટેલના વડપણ નીચે ચૂંટણીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર લાવી દીધી હતી. અહીંથી ફરી પાછો ગુજરાતના રાજકારણમાં પટેલ યુગ શરૂ થયો હતો. રાજકારણમાં ફરીથી પટેલ પાવર છવાવા લાગ્યો. પરંતુ પટેલ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા, પણ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં.
1995માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર સામે બળવો કરીને અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી હતી. કેશુભાઈ પટેલની સરકાર ગણતરીના મહીનાઓમાં પડી ગઈ હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા, તેમના પછી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈ પટેલને 1998માં ફરીથી સત્તા મળી. જો કે ઓક્ટોબર-2001માં ભાજપ હાઈકમાન્ડે સત્તા પરિવર્તન કરીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેની પાછળ ભૂકંપ બાદ રાહત અને પુનર્વસનની કામગીરીમાં થનારા વિલંબને કારણ ગણવામાં આવ્યો. વળી બે પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સામે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે રજૂઆતો થવા લાગી હતી.
કેશુભાઈ પટેલે સત્તા પરિવર્તનને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકની રાહે સ્વીકારી લીધું હતું. જો કે દશ વર્ષ સુધી તેમની થયેલી ઉપેક્ષાએ તેમને સંઘ પરિવારમાં મોદી વિરોધીઓનું નેતૃત્વ કરવા માટે મજબૂર બનાવી દીધા. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, નરેન્દ્ર મોદી સામે ખુલ્લો બળવો કરવાની સૌથી પહેલી હિંમત શંકરસિંહ વાઘેલાએ કરી હતી. કેશુભાઈ પટેલની પહેલી સરકારમાં નરેન્દ્ર મોદી સુપર ચીફમિનિસ્ટર તરીકે વર્તતા હતા. વાઘેલાએ પોતાની થતી ઉપેક્ષા સામે બળવો પોકાર્યો હતો. જે કેશુભાઈ પટેલથી વધારે નરેન્દ્ર મોદી સામે હતો. વાઘેલા દ્વારા કરાયેલા બળવા બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
સંઘ વર્તુળોમાં ચર્ચા છે કે કેશુભાઈ પટેલે 1995માં જ નરેન્દ્ર મોદીથી ચેતી જવાની જરૂરત હતી. વળી મુખ્યમંત્રી પદેથી કોઈપણ પ્રકારની આંતરીક સમજૂતી વગર હટવું પણ કેશુભાઈની ભૂલ હતી. સંઘ વર્તુળોના માનવા પ્રમાણે કેશુભાઈએ 10 વર્ષ કરતા વધારે સમય પોતાની ઉપેક્ષા સહન કરીને મોદીને શક્તિશાળી થવા દીધા છે. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાનસંઘ અને સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં નરેન્દ્ર મોદીની આપખુદશાહી કાર્યશૈલી સામે અસંતોષ 2003થી શરૂ થયો હતો. જેના કારણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ ગૌરવયાત્રા થકી ગોધરાકાંડના રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ્વલંત જીત મેળવી હોવા છતાં, 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી માત્ર 14 બેઠકો અપાવી હતી. આના માટે ભાજપ અને સંઘ પરિવારના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોદીના વિરોધમાં થયેલું કામ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
જાણકારોના માનવા પ્રમાણે, ગુજરાતમાં વિધાનસભા બેઠકો પર જીતના સમીકરણો લોકસભા બેઠકોથી સાવ અલગ છે. વળી મોદી વિધાનસભા બેઠકો જેટલી સિફતપૂર્વક મેનેજ કરી શકે છે, તેટલી સમજથી લોકસભા બેઠકોનું અંકગણિત ગોઠવી શકતા નથી. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. હાલ પોતાને વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવાની ઉઠાપઠકમાં મોદી માટે 2012ની વિધાનસભા ચૂંટણી રાજકીય જીવન-મરણનો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સદભાવના મિશન થકી પોતાની રાષ્ટ્રીય છબી સેક્યુલારિઝમના ઢોળથી ચમકાવાનો પ્રયત્ન કરી જોયો. જો કે ગોધરાકાંડ બાદના રમખાણો માટે મુસ્લિમ સમાજમાં નરેન્દ્ર મોદીની છાપ હજી પણ ખાસ વધારે સુધરી નથી. તેના કારણે મોદીના સદભાવના મિશનને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ હજી સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. પરંતુ ચર્ચા હતી કે 2012માં સદભાવના મિશનની રાજનીતિમાં પડેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ મુસ્લિમ નેતાઓને ભાજપની ટિકિટ આપે પણ ખરા.જો કે ભાજપે 2012માં યોજાનારી ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 
પરંતુ રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને અડવાણીના જિન્ના પ્રકરણ સાથે સરખાવે છે. તેમનું એમ પણ માનવું છે કે મોદીએ સદભાવના ઉપવાસ ચૂંટણીના વર્ષ પહેલા કર્યા છે, તેથી તેની ચૂંટણીમાં તાત્કાલિક અસર પડશે નહીં. પરંતુ સંઘ પરિવારમાં મોદીની મુસ્લિમ તરફી રાજનીતિની ભારે ટીકા થઈ રહી છે. કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે 200 કરોડના ખર્ચે 33 સ્થાનો પર મુસ્લિમોને ગળે લગાડવા ભૂખ્યા રહેવાના તાયફા આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. મુસ્લિમોને ગળે લગાડનારા મુખ્યમંત્રીએ સ્ટેજ પર આરએસએસના પ્રાંત પ્રચારક અને પ્રાંત સંઘચાલકનું માન જાળવ્યું નથી, તેમને બીજી લાઈનમાં બેસાડયા હતા. વળી મંચ પર ઉપસ્થિત સાધુ-સંતોના ચરણસ્પર્શ કરવાની પણ મુખ્યમંત્રીએ દરકાર લીધી ન હતી. સદભાવના મિશનને કારણે મોદી પર પણ મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ સંઘ પરિવારમાંથી છાને ખૂણે લગાવવામાં આવી રહ્યો છે.
તેની સામે કેશુભાઈ પટેલની રાજનીતિ પણ સ્પષ્ટ છે તેમણે કહ્યુ છે કે તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી સંઘ વિચારની પૃષ્ઠભૂમિમાં આગળ વધશે. ગુજરાત જેવા ડાર્ક હિંદુત્વવાળા રાજ્યની રાજનીતિને ધ્યાનમાં રાખીને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી સંદર્ભે ખાસ કાળજી લીધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપના વખતે મંચ પર કોઈ મુસ્લિમ નેતાને હાજર રાખ્યો નથી. કેશુભાઈની પાર્ટીમાં હજી સુધી લઘુમતી સેલ બનાવવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ મોદી દ્વારા કેશુભાઈની પાર્ટીને મુસ્લિમો તરફ ઝોકવાળી પાર્ટી ગણાવવાનો ડર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા ગુજરાતે જોઈ છે. વિવેકાનંદ યાત્રામાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે, જ્યારે પરિવર્તન યાત્રામાં આવી કોઈ તૈયાર મશીનરી વપરાય નથી. તેની સામે કોંગ્રેસે આ બંને યાત્રા પહેલા આદિવાસી વિસ્તારો અને દરિયાકિનારાના વિસ્તારોમાં યાત્રાઓ કરી છે અને ક્ષત્રિય સંમેલનો પણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમણે પણ માની લીધું છે કે જંગ મોદી અને કેશુભાઈ વચ્ચેનો છે. કેશુભાઈ પટેલ ભાજપના મત તોડે અને તેનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ તેમને આશા છે. પરંતુ સ્થિતિ ઊંટનો લબડતો હોઠ જોઈને તેની નીચે ચાલતા શિયાળ જેવી છે.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલનો બેઝ ભાજપના વોટરો છે. પટેલો પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. કેશુભાઈ પટેલ પટેલ વોટરો અને સંઘ વિચારધારા સાથે સંકળાયેલા વોટરોને પોતાની તરફ ખેંચશે. આ સિવાય તેઓ ઠાકોર સમાજને પણ પોતાની સાથે જોડવા માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છમાં કચ્છી પટેલોનું મોટું મોબીલાઈઝેશન કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજો સાથે જ્ઞાતિ સમીકરણો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એક ગણતરી પ્રમાણે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે 1995થી 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં સરેરાશ 10 ટકાનું અંતર રહ્યું છે. કેશુભાઈ પટેલ ભાજપના 10થી 15 ટકા વોટ પણ તોડે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘટે અને ભાજપને બેઠકોનું નુકસાન જઈ શકે છે. જો કે તેનો ફાયદો કોંગ્રેસને કહી શકાય તેમ નથી. કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી 20થી 25 બેઠકો જીતવા માટે જ લડશે. જ્યારે 30 બેઠકોમાં ભાજપ કપાય તેવો પણ પ્રયત્ન કરી શકે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. પરંતુ તેમની નીતિ સ્પષ્ટ છે કે તેઓ જીત્યા પછી કોંગ્રેસને ટેકો નહીં આપે. પરંતુ ભાજપને ટેકાની જરૂર હશે, તો મોદી અને તેમના મળતિયા વગરની સરકાર બનાવવાની શરત ગુજરાત પરિવર્તન પાર્ટી મુકી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વીએચપીની ઝીણવટભરી નજર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાગપુર સંઘના મુખ્યમથકે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. તો તેના બીજા દિવસે કેશુભાઈ પટેલે અમદાવાદમાં પ્રાંત સંઘ કાર્યાલય અને વીએચપી મુખ્યાલયની મુલાકાતો લીધી છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ માટે વીએચપીમાં લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે સંઘના પ્રાંત સંગઠનમાં કેશુભાઈ માટે કોઈ છોછ નથી.
જાણકારોના માનવા પ્રમાણે, શંકરસિંહ વાઘેલાના ભાજપમાં બળવા સમયે સંઘ પરિવારની સંસ્થાઓ સંપૂર્ણપણે તેમની વિરુદ્ધ હતી. જ્યારે કેશુભાઈ પટેલને સંઘ પરિવારમાંથી ઘણો મોટો સાથ-સહકાર મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા સાથે 45 ધારાસભ્યો હતા. પરંતુ ક્ષત્રિય વોટરો ભાજપના પરંપરાગત વોટરો ન હતા. તેથી 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાજપાએ 11.86 ટકા વોટ મેળવ્યા. જેમાં મોટા ભાગના કોંગ્રેસી વોટ હતા. જેને કારણે કોંગ્રેસને તે ચૂંટણીમાં સીધું નુકસાન ગયું. જ્યારે કેશુભાઈ પટેલ સાથે હાલ કોઈ ધારાસભ્ય કે ભાજપના મોટા પદાધિકારીઓ ખુલીને સાથે આવ્યા નથી. પરંતુ પટેલ સમુદાયના તેઓ નિર્વિવાદ કદ્દાવર નેતા છે. ત્યારે પટેલ વોટરોની સિમ્પથી ઘણો મોટો ઉલટફેર કરે તેવી શક્યતા છે. કારણ કે પટેલ વોટરો મોટેભાગે ભાજપના વોટર છે. તેની સાથે સંઘની વિચારધારાને માનનારા ગુજરાતના ઘણાં લોકો નરેન્દ્ર મોદીથી ગોચર,ગોહત્યા જેવા મુદ્દાઓ પર નારાજ છે. તેથી તેમને પણ કેશુભાઈ રાજકીય વિકલ્પ પુરો પાડી રહ્યા છે.
આમ છતા નરેન્દ્ર મોદીની સ્થિતિ એટલા માટે મજબૂત માનવામાં આવે છેકે સંઘ પરિવારની સંસ્થાઓએ ગુજરાતમાં હિંદુત્વનો પ્રચાર કરતી વખતે કોંગ્રેસનો વિલન અને મુસ્લિમ લીગ સમાન ગણાવી છે. લોકો હજી પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, તેવું વ્યાપકપણે ઈચ્છી રહ્યા નથી. ત્યારે કેશુભાઈ પટેલ સરકાર ન બનાવી શકવાના હોય, તો તેવા સંજોગોમાં તેમના માટે હિંદુત્વના હીરો રહેલા નરેન્દ્ર મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના પ્રસંગો બાદ નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટ બન્યા હતા. તેઓ હજી પણ ગુજરાતના આમ હિંદુઓમાં હ્રદય સમ્રાટનું સ્થાન ભોગવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય જમીન તેમની હિંદુત્વવાદી ઈમેજ છે. ત્યારે 20મી ડીસેમ્બરના પરિણામો જ બતાવશે કે હિંદુત્વની ટ્રેનમાંથી વિકાસરથ પર બેસીને હવે સદભાવનાના રાજકારણનો રસ્તો પકડનારા મોદીની ઈમેજ કેટલી બદલાઈ છે. 

Friday, November 23, 2012

બાળાસાહેબ ઠાકરે: હિંદુત્વના આંદોલનના સેનાપતિ

- ક્રાંતિવિચાર

વ્યક્તિને પોતાના પરનો વિશ્વાસ પોતાના વિચારો અને માન્યતાઓમાં અસીમ શ્રદ્ધા પ્રગટાવે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પણ આવા જ વ્યક્તિ હતા. તેમણે પોતાના પરના વિશ્વાસને કારણે જ પોતાના વિચારો અને માન્યતાઓને દ્રઢતાથી વળગી રાખવાનું વલણ મૃત્યુ સુધી જાળવી રાખ્યું. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબને હકીકતમાં હિંદુત્વના સેનાપતિ કહેવું વધારે યોગ્ય છે. જ્યારે દેશમાં હિંદુત્વના પંથને કટ્ટરપંથ તરીકે વગોવવામાં આવતો હોય, ત્યારે બાળાસાહેબ ઠાકરેની ત્રાડે તમામ હિંદુવિરોધીઓને સીધા દોર રાખ્યા છે. આનાથી પણ મોટી ઘટના એ છે કે જ્યારે રામરથયાત્રીઓ અને હિંદુત્વના આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા કંઈક હિંદુ હ્રદયસમ્રાટોની નકલી છબીઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ભષ્મીભૂત બની છે. જ્યારે બાળાસાહેબ ઠાકરેની હિંદુ હ્રદયસમ્રાટની છબી તેમના મૃત્યુ પછી પણ અકબંધ રહી છે. તેમને હિંદુ હ્રદયસમ્રાટની ઉપાધિ દેશના કરોડો હિંદુઓના પ્રેમને કારણે મળી છે, તેમને તેના માટે કોઈ ગોબેલ્સ પ્રચારનો સહારો લેવો પડયો નથી. તેમની વાતમાં હિંદુત્વનો પડઘો હતો અને તેના કારણે દેશના કરોડો હિંદુઓ તેમને દિલથી ચાહતા હતા.
17મી નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું. 18મી નવેમ્બરે રવિવારે મુંબઈની સડકો પર હિંદુત્વના સેનાપતિની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયું હતું. કહેવાય છે કે બાલાસાહેબની અંતિમ યાત્રામાં અંદાજે 20 લાખ લોકોએ ભાગ લીધો અને શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર વખતે બે લાખથી વધારે લોકો હાજર હતા. હિંદુત્વની દ્રઢતાથી વાત કરનારા બાળાસાહેબને કટ્ટર ગણાવાયા. હિંદુત્વને આજીવન વળગી રહેનારા બાળાસાહેબને કોમવાદી રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યા. હિંદુત્વના હિતની વાત કરનારા બાળાસાહેબને જલ્લાદ દર્શાવવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તેમની અપાર લોકપ્રિયતાએ મીડિયાને પણ મજબૂર કર્યું કે તેઓ હિંદુત્વના સેનાપતિને છાજે તેવી તેમને શ્રદ્ધાંજલિ આપે. 1966માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ મરાઠી માનુષના હિત અને શિવશાહી સ્થાપિત કરવા માટે શિવસેનાની સ્થાપના કરી. મરાઠી માનુષની રાજનીતિ કરતી વખતે તેમને હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમની હિંદુ પદપાદશાહીની વાતો યાદ રહેતી હતી. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ બાળ ઠાકરેએ હિંદુ હિતની વાતોને રાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણીને તેના પર દ્રઢતાથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. મરાઠી માનુષના હિતની રાજનીતિ બાળ ઠાકરેની રાજનીતિનું મહત્વનું અંગ હતું, તો હિંદુત્વના મુદ્દે દ્રઢતા તેનો આત્મા હતો.
દેશમાં 90ના દાયકામાં હિંદુઓના શ્રદ્ધાકેન્દ્રો પર આઘાત કરવાની ફેશન ચાલતી હતી. ત્યારે મીડિયા પણ આવા તત્વોને સાથ આપતું નજરે પડતું હતું. મુંબઈના એક અગ્રણી અખબારમાં છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે અયોગ્ય વાત પ્રકાશિત થઈ. બાળ ઠાકરેને આની ખબર પડી, તુરંત તેમણે શિવસૈનિકોને આદેશ આપ્યો કે શિવાજી વિશે અભદ્ર વાતો પ્રકાશિત કરનારા અખબારની એકપણ નકલ વાચકો સુધી પહોંચે નહીં. શિવસૈનિકોએ તેમના સેનાપતિની વાતને અક્ષરશ માની અને આવી ગલીચ હરકત કરનારા અખબારની એકપણ નકલને મુંબઈની બહાર જવા દીધી નહીં.
1992માં બાબરી ઢાંચાને કારસેવાના અંતે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બાબરી ઢાંચો ધ્વસ્ત થવાથી આંદોલનમાં સામેલ નેતાઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા અને સંગઠનો સંરક્ષણાત્મક સ્ટેન્ડ લઈ રહ્યા હતા. ત્યારે બાળ ઠાકરેએ કહ્યુ કે જો શિવસૈનિકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો હોય, તો તેનો તેમને ગર્વ છે. બાળ ઠાકરેની આ બેબાકી જ હતી કે જેણે તેમને હિંદુ હ્રદય સમ્રાટના પદે સ્થાપિત કર્યા હતા.
બાલ ઠાકરેએ દેશમાં વધી રહેલા ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોના હુમલાની સામે સરકારના ઉદાસિન વલણની છડેચોક ટીકા કરી હતી. 2002માં તેમણે કહ્યુ હતુ કે આવા ફિદાયિનોના જવાબમાં હિંદુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી બનાવવી જોઈએ. મુંબઈ રમખાણો વખતે બાળ ઠાકરેએ મુસ્લિમોને દેશમાં કેન્સર સમાન ગણાવ્યા હતા. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતના દરેક મુસ્લિમોના વિરોધી નથી, પરંતુ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન નહીં કરતા મુસ્લિમોના તેઓ વિરોધી છે. તેમણે આવા લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે 2008માં ફરીથી કડક નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈસ્લામિક આતંકવાદનો જવાબ હિંદુ આતંકવાદમાં છુપાયેલો છે. હિંદુઓ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વોર્ડની જરૂર છે. બાળ ઠાકરેના વિચારો ઉદ્દામવાદી લાગી શકે છે. પરંતુ તેમના વિચારો ભારત સરકારની ઈસ્લામિક આતંકવાદ સંદર્ભેની ઢીલી નીતિઓ સામેના રોષમાંથી પ્રગટયા હતા. નિર્દોષ ભારતીયો અને સુરક્ષાકર્મીઓના રક્તસ્ત્રાવથી બાળ ઠાકરે નારાજ હતા. જેના પરિણામે તેમણે ઉદ્દામવાદી વિચારો પુરી બેબાકીથી રજૂ કર્યા હતા.
પાકિસ્તાન સાથેના સંબંધો બાબતે પણ તેમના વિચારોની ધાર સ્પષ્ટ અને તેજ રહેતી. પાકિસ્તાન સાથે થોડું પણ નમતું મૂકવાના મતના તેઓ ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેમને એક દિવસ માટે દેશની સત્તા સોંપવામાં આવે, તો તેઓ કાશ્મીર સમસ્યા એક દિવસમાં જ ઉકેલી બતાવશે. તેમણે વાજપેયીની પાકિસ્તાન સાથેની પીસ પ્રોસેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પાકિસ્તાની દોરીસંચાર હેઠળ ભારતમાં આતંકવાદી હુમલા છતાં પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવાની ભારતીય નીતિની આકરી ટીકા કરી છે. ઠાકરેએ ભૂતકાળમાં પાકિસ્તાનની ટીમ ભારતમાં કોઈપણ સ્થાને ક્રિકેટ મેચ રમી શકે નહીં તેની તકેદારી રાખવા શિવસૈનિકોને જણાવ્યુ હતુ. જેના પરિણામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ શિવસૈનિકોએ ભારત-પાકિસ્તાનની મેચના આગલા દિવસે જ ખોદી નાખી હતી. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ ભારત ક્રિકેટ રમવા આવવાની છે. ત્યારે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યુ છે કે ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી જોઈએ. આ નિવેદનની બાળાસાહેબે આકરી ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાનની ટીમને ભારત નહીં બોલાવવાનો મત વ્યક્ત કર્યો હતો.
સંસદ પરના આતંકવાદી હુમલામાં ફાંસી પામેલા આતંકવાદી અફઝલ ગુરુની દયા અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવી બાળ ઠાકરેને ઈચ્છા હતી. મહત્વપૂર્ણ છે કે બાળ ઠાકરે એનડીએમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના મોતના ચોથા દિવસે ભારત સરકારે મુંબઈ પરના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસીને માંચડે લટકાવી દીધો છે.
મુંબઈમાં મુસ્લિમ ગુંડા દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલની દાદાગીરી ચાલતી હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, બંનેને ભારત છોડવા માટે મજબૂર કરનારા બાળ ઠાકરે હતા. મુસ્લિમ ડોન દાઉદ સામે હિંદુ ડોન અરુણ ગવળીની વાત પણ બાળ ઠાકરેએ ભૂતકાળમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અરુણ ગવળી શરૂઆતના સમયમાં શિવસૈનિક હતો.
બાળ ઠાકરેએ હિંદુત્વના મોટામોટા સિદ્ધાંતો અને વિચારધારાની ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે હિંદુત્વને વ્યવહારીકતામાં કેવી રીતે સર્વોપરી બનાવી શકાય તેની સતત ચિંતા કરી છે. જેને કારણે સેક્યુલર માઈન્ડ સેટમાં ઘડાયેલા સેક્યુલરમેનિયાથી પીડાતા બુદ્ધિજીવીઓને બાળાસાહેબ કોમવાદી લાગી શકે છે, તેમને બાળાસાહેબ દબંગ લાગી શકે છે, તેમને બાળાસાહેબ મુંબઈના દાદા લાગી શકે છે. પરંતુ બાળાસાહેબ શું હતા, તે તો તેમની અંતિમ યાત્રામાં સામેલ 20 લાખ લોકો અને દેશમાં ટેલિવિઝન પર નિહાળનારા કરોડો હિંદુઓ સારી રીતે જાણતા હતા.
બાળાસાહેબને શિવસેનાના તાનાશાહ ગણવામાં આવતા હતા. જો કે હકીકત તેનાથી વિપરીત હતી. શિવસૈનિકોના અપાર પ્રેમે તેમને શિવસેનના સર્વોચ્ચ સ્થાને 45 વર્ષોથી બેસાડયા હતા. જો કે તેમણે દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહ હિટલરની એક મુલાકાતમાં પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ હિટલરના બહુ મોટા પ્રશંસક છે અને તેમને આવું કહેવામાં કોઈ શરમ અનુભવાતી નથી. હિટલરની તમામ પદ્ધતિથી તેઓ સહમત પણ ન હતા. તેમણે કહ્યુ કે હિટલર સારો આયોજક અને વક્તા હતો.તેમને લાગે છેકે તેમના બંનેમાં ઘણું સામ્ય છે. ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૂર છે.
બાળાસાહેબ હંમેશા પોતાને સાચી લાગતી વાત કરતા, પોતાની સાચી વાતને અંતિમ ક્ષણ સુધી વળગી રહ્યા. તેમણે ક્યારે પોતાની વ્યક્તિગત મર્યાદાને પડદામાં રાખીને દંભ કર્યો નથી. તેઓ બિયર અને વાઈન પીતા હતા, સિંગાર અને ચિરુટના ભૂતકાળમાં બંધાણી હતા. આવી કોઈ વાત તેમણે ક્યારેય પડદામાં રાખી નથી. તેઓ હિંદુત્વની વાત કરતા હતા, પરંતુ માંસાહાર કરતા હોવાની વાતને ક્યારે છુપાવી નથી. બાળાસાહેબે પોતાના જીવન દરમિયાન રાજકીય સમજૂતીઓ પોતાની રાજનીતિ પ્રમાણે કરી હશે, પરંતુ હિંદુત્વના મુદ્દે આજીવન એકપણ સમજૂતી તેમણે કરી નથી. આવા દંભ વગરના દ્રઢ જીવને જ તેમને હિંદુ હ્રદય સમ્રાટ બનાવ્યા છે. 

Tuesday, October 9, 2012

હિંદુ આસ્થાઓને હીણ ગણવાની જયરામ રમેશની બૌદ્ધિક બદમાશી



-          આનંદ શુક્લ

હિંદુ મંદિરો વિદેશી મુસ્લિમ આક્રમણખોરોના નિશાના પર હતા. ત્યારે તેઓ મંદિરોમાં રહેલી અખૂટ સંપત્તિની લૂંટ સાથે સાથે હિંદુઓની આસ્થાને ઘેરી ચોટ પહોંચાડવા ઈચ્છતા હતા. વિદેશી મુસ્લિમ આક્રમણખોરોની પરંપરા આઝાદ ભારતમાં પણ આગળ વધી રહી છે. હિંદુ મંદિરો અને દેવ-દેવીઓ સંદર્ભે ઉતરતી ટીપ્પણીઓ કરવી આઝાદ ભારતના તથાકથિત આધુનિકો અને સુધારાવાદીઓની ફેશન છે. હિંદુ મંદિરો ભારતનું ભારત હોવાનું એકમાત્ર મહત્વપૂર્ણ કારણ છે. મંદિરોએ આ દેશની સંસ્કૃતિનો વિચાર આપ્યો, તેને દ્રઢીભૂત કર્યો અને આગળ વધાર્યો છે. અનેક આધ્યાત્મિક ચેતનાઓની સંજીવની મંદિરો સદીઓથી બનતા આવ્યા છે. આ આધ્યાત્મિક ચેતનાઓએ ભારતની હિંદુ જીવનપદ્ધતિ અકબંધ રાખી છે, જેના થકી ભારતનું સ્વરૂપ શક્ય બન્યું છે. આ મંદિરોને ઉતારી પાડવાની ફેશન ઘણી ખતરનાક છે.

તાજેતરમાં કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે નિવેદન આપ્યું છે કે ભારતમાં મંદિરોથી વધારે આપણા શૌચાલયો પવિત્ર છે. કેન્દ્ર સરકારની નિર્મલ ભારત યાત્રાને લીલી ઝંડી દેખાડતા તેમણે કહ્યુ છે કે આપમા દેશમાં મંદિરોથી વધારે શૌચાલયો મહત્વપૂર્ણ છે. જયરામ રમેશ બેફામ નિવેદનો કરવા માટે પંકાયેલા છે. ભૂતકાળમાં પણ તેમણે આવા કેટલાંક નિવેદનો કર્યા છે. પરંતુ તાજેતરનું તેમનું નિવેદન હિંદુઓના આસ્થા કેન્દ્રોને ચોટ કરનારું હોવાથી વધારે નિંદનીય છે.

ભારતમાં 64 ટકા લોકો આજે ખુલ્લામાં શૌચક્રિયા કરે છે અને તેને ભારતમાં કુપોષણનું ઘણું મોટું કારણ ગણવામાં આવે છે. પરંતુ કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે યાદ રાખવું જોઈએ કે ભારતની આઝાદીના 65 વર્ષમાં કોંગ્રેસે લગભગ 55 વર્ષ રાજ્ય ચલાવ્યું છે. 55 વર્ષના સમયગાળામાં કોંગ્રેસના વડાપ્રધાનો અને મંત્રીઓએ દેશમાં દરેક ઘરમાં શૌચાલયોની યોજનાઓને સાકાર કેમ કરી શક્યા નહીં?

શૌચાલયો આરોગ્ય અને સ્વચ્છતાની દ્રષ્ટિએ જરૂરી છે. શૌચાલયોથી ગંદકીની ઘણી મોટી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે મંદિરો કરતા શૌચાલયોને પવિત્ર ગણાવવા. હજી પણ દેશમાં શૌચાલયો બનાવવાથી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોને કોઈ રોકી રહ્યું નથી. પરંતુ જયરામ રમેશનો મંદિરો માટેનો વૈચારીક ગજનવી કક્ષાનો દ્રષ્ટિકોણ હિંદુઓની આસ્થાઓને ચોટ પહોંચાડનારો છે.

જયરામ રમેશ શૌચાલયોને મંદિરો કરતા વધારે પવિત્ર અને મહત્વના ગણે છે. પરંતુ તેમણે જવાબ આપવો જોઈએ કે મસ્જિદો અને મદરેસાઓ તથા ચર્ચો સંદર્ભે તેમનો શું અભિગમ છે. શું તેમણે ભારતના તમામ મંદિરોનો સર્વે કરાવ્યો છે કે તે બધાં ગંદા છે? શું તેમણે ભારતની તમામ મસ્જિદો અને મદરસાઓ તથા ચર્ચોનો સર્વે કરાવ્યો છે કે તે બધાં ચોખ્ખા ચણાક છે? જયરામ રમેશ પોતાના નિવેદનમાં મસ્જિદો અને ચર્ચોના વાપરે તો કંઈ નહીં, પણ તમામ ધર્મસ્થાનો એવો શબ્દ પણ વાપરી શક્યા હોત. પરંતુ તેમનું મંદિરો અને શૌચાલયો સંદર્ભે કરાયેલું નિવેદન તેમની વિશિષ્ટ વિકૃતિ ધરાવતી જમાતની માનસિકતાનું વરવું પ્રતિબિંબ છે. વળી મંદિરોની કથિત ગંદકીઓ અને શૌચની ગંદકીની તુલના પણ જયરામ રમેશ જેવા આઈઆઈટીયન માટે હાસ્યાસ્પદ છે. શું નિર્મલ ભારત યાત્રા કાઢનારા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રીને મંદિરો ગંદા લાગતા હોય, તો તેઓ મંદિરોની સ્વચ્છતા માટેના કોઈ પ્રોજેક્ટ કેમ લાવતા નથી?

2001માં કચ્છમાં થયેલા વિનાશક ભૂકંપ બાદ મારે ભચાઉ નજીકના અધોઈ પાસેના એક ગામડામાં જવાનું થયું. કોળીઓની વસ્તીવાળા આ ગામના તમામ મકાનો જમીનદોસ્ત હતા. ઘણાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. તેમ છતાં લોકો ગામમાં સૌથી પહેલા મંદિર બાંધવા ઈચ્છતા હતા. મંદિરોની આધ્યાત્મિક તાકાતે તેમને ભૂકંપના વિનાશક તબક્કા પોતાના સ્વજનો ગુમાવ્યા છતાં લડવા માટેની શક્તિ આપી હતી. મંદિરોની આસ્થા સાથે સંકળાયેલા કિસ્સાઓ આખા ભારતમાં ઠેરઠેર છે. આથી સ્વચ્છતા અને આધ્યાત્મિક શક્તિ કેન્દ્રો બંને અલગ મુદ્દાઓ છે. તેને એકબીજામાં ભેગા કરવા બૌદ્ધિક બદમાશી છે.

હિંદુ આસ્થાઓ પર ચોટ કરતું નિવેદન કરનારા જયરામ રમેશે કહ્યુ છે કે આ નિર્મલ યાત્રા એ ચીજ બનાવવા માટે છે જે હું સમજુ છુ મંદિરથી પણ વધારે પવિત્ર છે અને તે છે શૌચાલય. આપણે જેટલા પણ મંદિરમાં જઈએ, જો શૌચાલય નથી, તમે કેટલાય નારિયેળ ફોડી લો તમને મોક્ષ મળવાનો નથી. આપણા દેશમાં સૌથી વધારે અફસોસજનક વાત છે કે સૌથી ગંદી જગ્યા આપણા મંદિરો છે. જ્યાં તમે મંદિર જાવ છો, તમારે નાકબંધ કરીને જવું પડે છે, કારણ કે આપણે તેને સ્વીકારીએ છીએ.

જયરામ રમેશે મંદિરોની ટીકા કરીને તેને શૌચાલયોથી ઉતરતા ગણાવાની ગુસ્તાખી તો કરી છે, સાથે તેમણે નારિયેળ ફોડવા જેવી ધાર્મિક શ્રદ્ધાને પણ છંછેડી છે. ભારતમાં આજે 125 કરોડની વસ્તીમાં એક અબજ જેટલાં હિંદુઓ છે. જયરામ રમેશેને એ પણ ખબર હોવી જોઈએ કે દેશમાં રહેલા 36 ટકા શૌચાલયોમાંથી મોટાભાગના હિંદુ ઘરો, મંદિરો, સંસ્થાઓમાં છે. શું જયરામ રમેશ તેમની મંદિરો સંદર્ભે કરવામાં આવેલી ગલીચ ટીપ્પણી તેમના વિદેશી મૂળના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ખુશ કરવા માટે કરી રહ્યા છે? શું જયરામ રમેશના મતે ચર્ચો અને મસ્જિદો-મદરસાઓ સ્વચ્છતાની તમામ કસોટીઓ પર ખરા ઉતરે છે? શું તેઓ ચર્ચો, મસ્જિદો-મદરસાઓ સંદર્ભે આવી ટીપ્પણી કરીને છાતી કાઢીને બધે ફરી શકત? સેતાનિક વર્સિસ નામની નવલકથા લખવા બદલ ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશ્દી સામે ઈરાન અને ભારતમાં મૃત્યુદંડના ફતવા નીકળ્યા હતા. જયરામ રમેશે મસ્જિદો-મદરસાઓ અને ચર્ચો સંદર્ભે આવા ફતવાના ખોફથી નિવેદન કરવાનું ટાળ્યું હોય તેવું લાગે છે.  તેમને લાગે છે કે હિંદુઓ સદીઓથી પોતાના મંદિરો પર હુમલા સહન કરતા આવ્યા છે અને શાબ્દિક રીતે હીણ કક્ષાના હુમલાઓ પણ તેઓ સહન કરી લેશે.

Friday, September 21, 2012

સરળ જીવનનું સુંદર દર્શન એટલે કુપ. સી. સુદર્શનજી


-          આનંદ શુક્લ
ઋષિતુલ્ય સરળ અને સાદું જીવન, સ્પષ્ટ વક્તા, હિંદુ પરંપરાઓમાં અગાધ શ્રદ્ધારૂપી જીવન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક શ્રદ્ધેય કુપહલ્લી સીતારામૈયા સુદર્શન (કે. એસ. સુદર્શન). સુદર્શનજીનો જન્મ 18 જૂન, 1931ના રોજ તત્કાલિન મધ્ય પ્રદેશ (હાલ છત્તીસગઢ)ના રાયપુર જિલ્લામાં એક દક્ષિણ ભારતીય બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. સુદર્શનજી મૂળ તમિલનાડુ અને કર્ણાટકની સીમા પર વસેલા કુપ્પહલ્લી (મૈસૂર) ગામના નિવાસી હતા. કન્નડ પરંપરામાં સૌથી પહેલા ગામ, પછી પિતાનું નામ અને છેલ્લે વ્યક્તિનું નામ બોલાય છે. તેમના પિતા સીતારામૈયા વનવિભાગમાં નોકરીના કારણે મોટાભાગનો સમય મધ્ય પ્રદેશમાં જ રહ્યા. ત્રણ ભાઈઓ અને એક બહેન વાળા પરિવારમાં સુદર્શનજી સૌથી મોટા હતા. રાયપુર, દમોહ, મંડલા અને ચંદ્રપુરમાં પ્રારંભિક શિક્ષણ મેળવીને તેમણે જબલપુર સાગર યુનિવર્સિટીમાંથી 1954માં ટેલિકોમ્યુનિકેશન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. પરંતુ હિંદુત્વના વિચારવાળા પ્રખર રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે 1954થી કામ કરવાનું નક્કી કર્યું. આમ તો સુદર્શન 9 વર્ષની વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. 1964માં તેમને મધ્ય ભારત પ્રાંતના પ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા. સુદર્શનજી એવા પહેલા સરસંઘચાલક છે કે જેઓ અખિલ ભારતીય સ્તરે આરએસએસના શારીરિક પ્રમુખ અને બૌદ્ધિક પ્રમુખ બંને રહ્યા હોય.
તેમને 1969માં સંઘના અખિલ ભારતીય શારીરિક પ્રમુખ બનાવાયા હતા. 19 માસ સુધી કટોકટી વખતે મિસા હેઠળ જેલવાસ ભોગવીને તેઓ 1977માં પૂર્વાંચલ ક્ષેત્રના પ્રચારક બન્યા. 1979માં અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ અને 1990માં તેઓ સહ સરકાર્યવાહ બન્યા. તેમને પ્રો. રાજેન્દ્રસિંહ બાદ 10મી માર્ચ, 2000ના રોજ આરએસએસના સર્વોચ્ચ પદ સરસંઘચાલક તરીકેની જવાબદારી આપવામાં આવી. મણે 21 માર્ચ, 2009ના રોજ આ પદ પરથી સ્વયં નિવૃત થઈને મોહન ભાગવતને સરસંઘચાલક પદનું દાયિત્વ સોંપ્યું. તેઓ ત્યારથી ભોપાલમાં રહીને દેશનો પ્રવાસ કરતા રહ્યા અને સામાજિક કાર્યોમાં માર્ગદર્શન આપતા રહ્યા.
ખાલિસ્તાન આંદોલનના દિવસોમાં રાષ્ટ્રીય શીખ સંગત નામના સંગઠનનો પાયો નાખ્યો, આજે તે વિશ્વભરમાં શીખોનો એક સશક્ત મંચ બની ચુક્યું છે. આરએસએસના સરસંઘચાલક તરીકે તેઓ હંમેશા તુષ્ટિકરણની વિરુદ્ધ રહ્યા, પરંતુ તેઓ મુસ્લિમોના ભારતીયકરણના પક્ષધર હતા. તેમની પ્રેરણાથી રાષ્ટ્રીય મુસ્લિમ મંચની રચના થઈ. પ્રખ્યાત કોલમિસ્ટ મુજફ્ફર હુસૈન હોય કે વડીલ નેતા આરિફ બેગ, સુદર્શનજી સાથે ઈસ્લામ વિષયમાં કલાકો સુધી ચર્ચા કરતા હતા. તેઓ મુસ્લિમોને ઉદાર, શિક્ષિત, સહિષ્ણુ અને રાષ્ટ્રવાદી બનાવવા માટે ફીકરમંદ હતા.
આ વર્ષે ઈદના પ્રસંગે કે. એસ. સુદર્શને મસ્જિદ જઈને નમાજ પઢવાની જિદ પણ પકડી હતી. ભોપાલમાં તે દિવસે સવારે તેમણે અરેરા કોલોની ખાતે સંઘ કાર્યાલયથી પોતાના સુરક્ષાકર્મીઓના દળને તાજુલ મસ્જિદ જવા માટે કહ્યુ. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેમને અધવચ્ચે રોકવાની કોશિશ કરી, પરંતુ તેઓ માનવા માટે તૈયાર ન હતા.
સુદર્શનજીને ડિમેન્શિયા નામની ભૂલવાની બીમારી હતી. એકવાર તેઓ મૈસૂરમાં પોતાના ભાઈના ઘરેથી સવારે ટહેલવા નીકળ્યા હતા અને ગુમ થઈ ગયા હતા. જો કે પાંચ કલાક બાદ પોલીસે તેમને શોધી કાઢયા હતા. કહેવામાં આવે છે કે સ્મૃતિલોપની બીમારીને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા.
સુદર્શનજી સ્પષ્ટવક્તા હોવાને કારણે તેમના નિવેદનોને કારણે હંમેશા ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે. છતાં તેમણે પોતાની સ્પષ્ટતાઓ ક્યારેય છોડી નથી. તેમની સામે વિવાદોને પરિણામે ઉગ્ર દેખાવો પણ થયા, છતાં તેઓ પોતાના નિવેદનોમાંથી ડગ્યા ન હતા.
2010માં ભોપાલમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર કરવામાં આવેલી ટીપ્પણીથી આખા દેશમાં બબાલ મચી હતી. તેમણે સોનિયા ગાંધી પર ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે સોનિયા ગાંધીને સીઆઈએ એજન્ટ અને અવૈદ્ય સંતાન પણ કહી દીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે સોનિયાનું અસલી નામ સોનિયા માઈનો છે. આ નિવેદનને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓએ દેશવ્યાપી દેખાવો કર્યા હતા.
સુદર્શનના કાર્યકાળમાં ભાજપ અને સંઘના સંબંધોમાં નરમી-ગરમી આવતી રહી. સુદર્શન રાજકારણમાં યુવાનોની પ્રભાવી ભૂમિકાના તરફદાર હતા. તેમણે એક વખત એનડીએના કાર્યકાળ દરમિયાન સૂચન કર્યું હતુ કે વાજપેયી અને અડવાણીએ હવે ઓછી ઉંમરવાળા લોકોને પાર્ટીની કમાન સોંપી દેવી જોઈએ. જો કે સુદર્શનને તેમનાથી ઘણી ઓછી ઉંમરવાળા મોહન ભાગવતને સરસંઘચાલક પદ સોંપીને તેને આચરણમાં મૂક્યું હતું.
અયોધ્યામાં વિવાદીત ઢાંચા સંદર્ભે તેમણે નિવેદન આપ્યુ હતુ કે તેને બોમ્બથી ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2005માં હિંદુઓની વસ્તીને લઈને તેમણે કહ્યુ કે હિંદુઓએ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવા જોઈએ જેથી હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજની સુરક્ષા થઈ શકે.
2009માં તેમણે પાકિસ્તાનના સર્જક મહંમદઅલી જિન્ના પર ટીપ્પણી કરી હતી કે જિન્નાના ઘણાં ચહેરા હતા. જો તમે ઈતિહાસને યોગ્ય રીતે વાંચો તો તે ટીળકની જેમ સંયુક્ત ભારત માટે પ્રતિબદ્ધ હતા.
તેમણે પંડિત નેહરુ પર ટીપ્પણી કરી હતી કે પંડિત નેહરુ અને લોર્ડ માઉન્ટબેટન કાશ્મીર સમસ્યા માટે જવાબદાર હતા. પંડિત નેહરુ એડવિના માઉન્ટબેટનના પ્રભાવમાં કામ કરતા હતા. ઈન્દિરા ગાંધી તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના મોત માટે જવાબદાર હતા.
સુદર્શનજી પોતાના સમગ્ર જીવન દરમિયાન નિર્દોષ, સરળ અને સહજ પરંતુ સ્પષ્ટ અને બેબાક વિચારોને કારણે ઘણાં વિવાદો પણ થયા. તેઓ રાજનીતિની કુટિલતા અને પ્રપંચને ખૂબ સારી રીતે સમજતા હતા, પરંતુ તેમના વ્યક્તિત્વની સરળતાને કારણે તેઓ કુટિલતા અને પ્રપંચો સામે હંમેશા હારતા રહ્યા. તેના કારણે વિવાદીત પણ થયા. કદાચ તેના કારણે જ પાછળના દિવસોમાં તેઓ પોતાનો વધારે સમય ગ્રામ વિકાસ, હિંદીના વિકાસ અને વિસ્તાર, તકનીકોના સ્થાનીકરણ અને લોકોપયોગી રચનાત્મક કામોમાં લાગેલા રહ્યા હતા. કોઈ તેમને મળવા આવે તો પહેલા તેઓ પરંપરાગત તકનીક અને દેશભરમાં થઈ રહેલા સેંકડો પ્રયોગો સંદર્ભે કલાકો સુધી મુલાકાતીને જણાવતા હતા. પછી પોતાની પાસે સંગ્રહિત મોડલો દેખાડતા હતા. ગ્રામ વિકાસ, કૃષિ ગોપાલન અને ઊર્જા વગેરેને દેશજ અને પરંપરાગત અનુભવો અને જાણકારીઓ સંદર્ભે વાત કરીને કોઈપણ તેમને પોતાના પ્રશંસક બનાવી શકતુ હતુ.
સુદર્શનજીએ હંમેશા પોતાની નહીં, પણ પોતાનાઓની પરવાહ કરી છે. દેહ અને શરીર કમજોર થતું ગયું, પરંતુ તે દેશ-સમાજની સમસ્યાઓથી ઝઝુમતા રહ્યા. તેમના નજીકના લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેઓ જ્યોતિષના પણ જાણકાર હતા. જ્યોતિષના ઘણાં વિદ્વાનો સાથે લાંબી ચર્ચાઓ પણ કરતા હતા. કદાચ તેઓ આ જીવનના અંત અને આગામી જીવનના પ્રારબ્ધ વિશે પણ પરિચિત હશે. એ પણ સંજોગ છે કે 15 સપ્ટેમ્બર, 2012ના રોજ તેઓ પોતાના જન્મસ્થાન રાયપુર ખાતે યોગમુદ્રામાં દેહોત્સર્ગ કરી શક્યા. તેમણે એક હિંદુ તરીકે જન્મ લીધો. એક સ્વયંસેવક તરીકે દેશ-સમાજ અને માનવતાની સેવા કરી. પુનર્જન્મમાં હિંદુઓનો અકાટય્ વિશ્વાસ છે. પોતાના ધર્મ પ્રતિ નિષ્ઠા, હિંદુત્વ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને માનવતાની સેવાનું વ્રત તથા સંઘની પ્રતિજ્ઞા તેમને વારંવાર આપણી વચ્ચે જરૂરથી લાવશે. 

Thursday, September 20, 2012

ભારતમાં સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તરફદારીની વરવી રાજરમત


-          આનંદ શુક્લ
દેશમાં સત્તા કોણ નક્કી કરે, બહુમતી કે લઘુમતી? તો જવાબ હશે કે દેશમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે બહુમતી સત્તા નક્કી કરે. પરંતુ ભારતમાં શું બહુમતીએ સત્તા નક્કી કરી છે અને તે સત્તા નક્કી કરી રહી છે? આ બંને સવાલનો જવાબ નકાર જ હશે. ભારતમાં આઝાદી વખતે પણ ઈસ્લામ આધારીત દેશની ચર્ચાથી શરૂ થયેલી મુસ્લિમ તરફી રાજનીતિએ આઝાદ અને ખંડિત ભારતમાં ક્યારેય બહુમતી હિંદુઓને સત્તા નક્કી કરવા દીધી નથી. આ દેશનું કમનસીબ છે કે હિંદુના નામે આ દેશની સત્તા નક્કી થઈ શકી નથી. આઝાદી પહેલા ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાયું. પરંતુ મુસ્લિમોને ઈસ્લામના નામે અલગ દેશ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન મળ્યો. પરંતુ હિંદુઓને હિંદુઓ હોવાના નાતે કંઈ જ મળ્યું નહીં!

દેશ આઝાદી વખતે તત્કાલિન રાજનેતાઓ પાસે આશા રાખી રહ્યો હતો કે હજાર વર્ષની અફઘાન-તુર્ક મુસ્લિમો અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ દેશ પોતાની હિંદુ તરીકેને ઓળખને મુખર અને પ્રખર બનાવશે. પરંતુ દુર્ભાગ્ય છે કે દેશના નેતાઓએ આઝાદીના 65 વર્ષમાં એક જ કામ કર્યું અને તે કામ હિંદુ ઓળખને ભૂંસવાનું કર્યું. તેના માટે તેમણે સેક્યુલર નામના શબ્દને ઢાલ બનાવી. સેક્યુલારિઝમની તથાકથિત રાજનીતિના પગલે તેમણે ભારતની હિંદુ ઓળખને એક પછી એક સમાપ્ત કરવાની શરૂઆત કરી. મુસ્લિમોના 700 વર્ષ અને અંગ્રેજોના 150 વર્ષના શાસનમાં ભારતની હિંદુ ઓળખ અકબંધ અને અડિખમ રહી. પરંતુ ખંડિત થઈને આઝાદ બનેલા ભારતના સત્તાઘેલા રાજકારણીઓએ ભારતની એક પછી એક હિંદુ ઓળખની સાથે દુશ્મન બનીને તેને ખતમ કરવાની શરૂઆત કરી. હિંદુ ઓળખ ભૂંસવાના કામને ભારતમાં સેક્યુલારિઝમ અને આધુનિકતાનું નામ આપવામાં આવ્યું.

દુનિયામાં જે કાળું છે, તેને ભારતમાં ધોળું ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તેને ભારતમાં કાળું ગણવામાં આવે છે. કાયદો બધાં માટે સરખો અને કાયદા સામે સૌ સરખા-એ કાયદાની પ્રાથમિક શરત છે. પરંતુ ભારતમાં બધાં કાયદા બધાં માટે સરખા નથી અને કાયદા સામે સૌ સરખા પણ નથી. દેશને ખંડિત થવા પાછળ સૌથી મોટું કારણ હતું, મુસ્લિમોની સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ. પરંતુ આઝાદ ભારતમાં મુસ્લિમોની અલગતાવાદી સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ ચાલુ રહે, તેવી બંધારણીય અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. ભારતની બંધારણીય જોગવાઈઓમાં મુસ્લિમોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તેના માટે લઘુમતીઓને વિશેષ દરજ્જાની સગવડ કેટલાંક અનુચ્છેદોમાં કરવામાં આવી છે. આ બંધારણીય અનુચ્છેદો પ્રમાણે તેમને આમ હિંદુ કરતા વિશેષ બંધારણીય અધિકારો મળે છે. મુસ્લિમ સહીતની લઘુમતીઓને દેશમાં તેમના ધર્મના પ્રચાર, ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અધિકાર અને તેમની ઓળખ જળવાય રહે તેવી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ સેક્યુલર ભારતમાં હિંદુઓની હિંદુ તરીકેની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઓળખ જળવાય રહે અને તેનું દ્રઢીકરણ થાય તેવી કોઈ જોગવાઈ ભારતના બંધારણ સહીત કોઈપણ કાયદામાં નથી. ભારત એવો સેક્યુલર દેશ છે કે જેમાં હિંદુને હિંદુ તરીકે કંઈપણ કરવા માટે કાયદાકીય રીતે અસમર્થ બનાવી દેવામાં આવ્યો છે.

વિશ્વમાં કોઈપણ ઠેકાણે સ્થાનિક બહુમતી ઈચ્છે તે પ્રમાણે વ્યવસ્થા અને તંત્ર ચાલે છે. વ્યવસ્થા અને તંત્ર પણ સ્થાનિક બહુમતીના હાથમાં રહે છે. પરંતુ ભારત જ એક એવો દેશ છે કે જેની વ્યવસ્થા અને તંત્ર દેશમાં હિંદુ ઓળખવાળી બહુમતી હોવા છતાં તેમની ઈચ્છા અને આંકાક્ષાઓ પ્રમાણે આઝાદીના 65 વર્ષ છતાં ચાલી શકી નથી. મુસ્લિમ પર્સનલ લો, હિંદુ કોડ બિલ સહીતના ધાર્મિક ઓળખોને અલગ કરતા લગ્ન અને વારસાધિકારના કાયદાઓને ભારતના તમામ નાગરીકો માટે સમાન કરવા માટે સમાન નાગરીક ધારો લાવવા માટે માગણી કરવામાં આવી છે. વિશ્વમાં અન્ય કોઈ ઠેકાણે આ માગણી કરવામાં આવત, તો તેને સહર્ષ સ્વીકારી લેવામાં આવત. પણ દુનિયામાં ધોળું ભારતમાં કાળું ગણાય છે. ભારતમાં સમાન નાગરીક ધારાની માગણીને કોમવાદી ગણવામાં આવે છે, કારણ કે ભારતની સૌથી મોટી કથિત લઘુમતી મુસ્લિમોને સમાન નાગરીક ધારાને કારણે પોતાની ઓળખ ગુમાવવાનો ખતરો મહેસૂસ થાય છે. પરંતુ જો ભારત સેક્યુલર હોય, ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય અને આ દેશમાં હિંદુઓને પોતાની ઓળખ જાળવવા માટે કાયદાકીય સંરક્ષણ મળેલું ન હોય તો મુસ્લિમોને આવું સંરક્ષણ શેના માટે?

મુસ્લિમોની અલગ જળવાયેલી ઓળખને કારણે દેશને ઘણું નુકસાન જઈ રહ્યું છે. દેશમાં આતંકવાદ અને અલગતાવાદની સૌથી મોટી સમસ્યાઓ પાછળ મુસ્લિમોની અલગ ઓળખ જ કારણભૂત છે. ત્યારે દેશમાં રાષ્ટ્રીય પ્રવાહથી દૂર રહેલા મુસ્લિમોને મુખ્યધારામાં જોડવા માટે કોઈ કાયદાકીય પ્રયત્ન કરવાની પહેલ કરવામાં આવી નથી. મુસ્લિમોને દેશના મુખ્યપ્રવાહમાં ભેળવવા માટે સમાન નાગરીક ધારો બહુ મોટું માધ્યમ બની શકે છે. પરંતુ તેનો વિરોધ મુસ્લિમોની અલગ ઓળખથી તેમને દેશની મુખ્યધારાથી દૂર કરીને રાજકીય ખિચડી પકવનારા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સેક્યુલર એટલે તમામ ધર્મ પ્રત્યે સમભાવથી જોવું તેવો અર્થ કરવામાં આવતો હોય તો શું ભારતના સેક્યુલરો હિંદુ ધર્મીઓને મુસ્લિમોની જેમ સમદ્રષ્ટિથી જોવે છે? ભારતમાં લઘુમતી અને તેમાંય ખાસ મુસ્લિમ તરફી હોવું એટલે સેક્યુલર, એવી માનસિકતા પ્રવર્તી રહી છે. આ માનસિકતાનો દેશ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે શિકાર બની રહ્યો છે.

ભારતમાં આઝાદી વખતથી કાશ્મીર સમસ્યા સામે આવી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ તત્કાલિન મહારાજા હરિસિંહના સંમતિપત્ર પર સહી કરાયા પછી થયું. પરંતુ આજે પણ જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘમાં રાજ્ય તરીકે સ્પેશ્યલ સ્ટેટસ અનુચ્છેદ-370 નીચે મળેલું છે. શું તેનું એકમાત્ર કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે? જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ને દૂર કરવાનું કામ તો કોઈ રાજકીય નેતા કરતો નથી, પરંતુ તેને ઓટોનોમસ એટલે કે સ્વશાસિત પ્રદેશ બનાવવાની અને કેટલાંક તો 1953 પહેલાનું સ્ટેટસ કાયમ કરવાની ચળવળો ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 લાગુ હોવાને કારણે આ રાજ્ય સિવાયના ભારતના અન્ય લોકો અહીં જમીન ખરીદી શકતા નથી અને કાયમી વસવાટ પણ કરી શકતા નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારતમાં અન્ય ઠેકાણા પર રહેવા, વેપાર કરવા અને જમીન ખરીદવા સહીતના ભારતીય બંધારણે આપેલા તમામ મૂળભૂત અધિકારો ભોગવવા મળે છે. ત્યારે મુસ્લિમ તરફી રાજનીતિમાં મસ્ત બનેલા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા અનુચ્છેદ-370ને ચાલુ રાખવાની વાત કરવામાં આવે છે, તે કોમવાદી હરકત નથી?

ભારતમાં હિંદુ સ્વાભિમાન જગાડનારી રામજન્મભૂમિ મુક્તિની ચળવળ ચાલી. દેશની રાજનીતિમાં હિંદુઓ કેન્દ્રસ્થાને આવવાની શરૂઆત થઈ. પરંતુ ફરીથી સેક્યુલર દેખાવવાની રાજરમતમાં રામજન્મભૂમિ આંદોલનમાં રામરથયાત્રા કરનારાઓએ જ મુસ્લિમ તરફી સેક્યુલર ગણાતી રાજનીતિ શરૂ કરી. આઝાદી પછી મરાઠા યુગ પછી પહેલી વખત દેશમાં હિંદુ રાજનીતિ કેન્દ્રસ્થાને આવી હતી. હિંદુઓએ પોતાની રાજકીય અભિવ્યક્તિ સ્વરૂપે રામરથ પર ચઢનારાઓને દેશમાં સૌથી વધારે બેઠકો આપી હતી. દેશમાં હિંદુ જનજાગરણનો માહોલ હતો. પરંતુ તેવા સમયે માટીપગા નેતાઓએ પાણીમાં બેસીને દેશની ઓળખ સ્થાપિત કરનારા ત્રણ મુદ્દાઓને છોડવાનું પાપ કર્યું. તે વખતે બનેલી ગઠબંધન સરકારે પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની નાબુદી અને સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા મુસ્લિમો સાથે ગોઠવણવાળા પક્ષોને ખુશ કરવા વિવાદિત ગણી લેવાયેલા મુદ્દાઓને બહાર રાખ્યા.

1996-97 પછી જ મુસ્લિમ તરફી ગોઠવણો અને સમજૂતીને કારણે હિંદુ જનજાગરણનું આંદોલન હતાશા તરફ ધકેલાવાની શરૂઆત થઈ. તો સામેપક્ષે મુસ્લિમો તરફી રાજનીતિની શરૂઆત થઈ. હજ ક્વોટા વધ્યા, ઉર્દૂ શિક્ષકોની મોટાપાયે ભરતી થઈ, ઝીણાની કબરે રામરથયાત્રાના નાયકે માથું નમાવ્યું. બાબરી ધ્વંસના દિવસને દુખદ ગણાવ્યો, ઝીણાને સેક્યુલર ગણાવ્યા. 2004 પછીની પરિસ્થિતિ તેનાથી પણ વધારે ભયાનક સાબિત થઈ. સચ્ચર કમિટી થકી સેના અને ન્યાયતંત્ર સહીત મુસ્લિમોની ગણતરી થઈ. દેશના સંસાધનો પર સૌથી પહેલો હક ગરીબો અને ભારતીય નાગરીકોનો નહીં, પરંતુ મુસ્લિમોનો હોવાની વાત દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરી. માત્ર મુસ્લિમોના ઉત્થાન માટે 15 સૂત્રીય કાર્યક્રમોની શરૂઆત થઈ. મુસ્લિમોની ધર્મના નામે અનામત આપવાની ભલામણ રંગનાથ મિશ્ર પંચે કરી. આંધ્ર પ્રદેશ જેવા રાજ્યમાં મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપવાની કોશિશ કરાઈ. જો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આવી કોશિશોને નાકામ બનાવી.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વાયદા થયા. કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીએ તો મુસ્લિમોને અનામત આપવા માટે મરવાની પણ તૈયારી બતાવી. મુલાયમ સિંહે 1989માં રામજન્મભૂમિ આંદોલનના કારસેવકો પર ગોળીબાર કરાવ્યો અને તેમની લાશોને સરયૂમાં રેતીના કોથળા બાંધીને ડૂબાડી દીધી. આ જ મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં દિલ્હીના પાકિસ્તાનપરસ્ત ઈમામ બુખારીનો ખુલ્લેઆમ સાથ લીધો. યૂપીમાં મુસ્લિમ નેતા આઝમખાનને સમાજવાદી પાર્ટીમાં મુલાયમે મહાસચિવનું પદ આપ્યું અને હાલ યૂપીની અખિલેશ યાદવની સરકારમાં મોટા માનપાન અને પ્રધાનપદું આપ્યું છે.

તાજેતરમાં ડીઝલના ભાવમાં વધારો, રાંધણગેસ સિલિન્ડરનું રેશનિંગ અને રિટેલમાં એફડીઆઈના મુદ્દે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચતી વખતે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમના પક્ષના પ્રધાનો જુમ્મા (શુક્રવાર)ના દિવસે જુમ્માની નમાજ બાદ વડાપ્રધાનને પોતાના રાજીનામા સોંપશે. આ પ્રકારની ભાષા અને ઘટના ભારતીય રાજકારણમાં પહેલીવાર બની રહી છે. આજ સુધી જુમ્માની નમાજને કોઈ રાજકીય પગલા સાથે સાંકળવાની કોઈપણ પક્ષે હિંમત કરી ન હતી. પરંતુ ભૂંસાય ગેયલા હિંદુ જનજાગરણના અભિયાનના પગલે દેશમાં ફરીથી મુસ્લિમ રાજકારણ કેન્દ્ર સ્થાને આવવા લાગ્યું છે. દરેક પક્ષને લઘુમતીઓમાં મુસ્લિમોના થોક વોટબેંકની દરકાર છે. કોઈને હિંદુઓના વોટની દરકાર નથી, કારણ કે હિંદુ દલિત, આદિવાસી, બ્રાહ્ણણ, વૈશ્ય, જેવી જાતિગત અને ભાષા આધારેની પ્રાદેશિકતાઓમાં વહેંચાયેલો છે. જેના કારણે થોક મુસ્લિમ વોટબેંકની સામે હિંદુ વોટની રાજકીય પક્ષો ગણતરી કરવા માટે અને તેની દરકાર લેવા માટે પણ તૈયાર નથી. અરે હદ તો ત્યારે થાય છે કે હિંદુત્વના પરંપરાગત ગઢ ગણાતા ગુજરાતમાં પણ હિંદુ વોટોથી જીતનારા પક્ષે કેટલા મુસ્લિમ મતો મેળવ્યા તેની ગણતરી આરંભી છે. ગુજરાતમાં પણ મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાની રાજ્યની સરકારી રાહે ફેશન ચાલી રહી છે. દેશમાં હિંદુત્વના ગઢ ગુજરાતમાં હિંદુઓ આવી કફોડી સ્થિતિમાં હોય, તો અન્ય ઠેકાણે હિંદુ તરીકેની ઓળખ સાથે જીવનારા હિંદુઓની શું દશા હશે તેની તો કલ્પના જ કરવી રહી? તેથી જ કહેવાનું મન થાય છે કે ભારતમાં સેક્યુલર હોવાનો અર્થ માત્ર મુસ્લિમોની તરફદારી કરવી તેવો કરી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને તેના યુપીએમાં રહેલા સાથીપક્ષો મોંઘવારી વધારી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં કેટલેક ઠેકાણે સપડાયેલા માલૂમ પડયા છે, લાખો કરોડોના ગોટાળા સામે આવ્યા છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે તેઓ હિંદુઓને વિભાજિત કરી શકશે અને મુસ્લિમોની થોક વોટબેંકને સેક્યુલારિઝમની તેમની આગવી મુસ્લિમ તરફી રાજનીતિથી પોતાની તરફે વાળી શકશે. ભારતીય રાજકારણમાં શરૂ થયેલા આ ખતરનાક ટ્રેન્ડને કારણે મુસ્લિમ રાજનીતિ જ તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા વર્ચસ્વ પામતી લાગે છે, બાકી મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, વિદેશોમાં કાળું નાણું, લોકપાલ સહીતના મુદ્દાઓ બિનઅસરકારક જ રહે તેવી આશા તથાકથિત સેક્યુલર પક્ષો દ્વારા સેવાય રહી છે.  

Wednesday, September 19, 2012

એફડીઆઈથી રીટેલ ક્ષેત્રમાં મનમોહની સંકટના વાદળ!


-          આનંદ શુક્લ
મોંઘવારી વધારવામાં માહેર મનમોહન સરકાર ભારતના નહીં, પરંતુ અમેરિકા અને અન્ય શક્તિશાળી દેશોના દબાણમાં તેમના હિતના નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં રાંધણગેસમાં રેશનિંગ અને ડીઝલમાં પાંચ રૂપિયા જેટલો કમરતોડ વધારો કરીને સરકારે આમ આદમીનો રોષ ભડકાવ્યો છે. પણ તેની સાથે જ સરકારે વિદેશી મૂડી રોકાણ માટે દેશના દરવાજા મોકળા કર્યા છે. કેન્દ્ર સરકારે રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ, ઊર્જા અને પ્રસારણ ક્ષેત્રમાં પણ એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. રીટેલ, એવિએશન, ઊર્જા અને પ્રસારણ ક્ષેત્રમાં ભારતની મનમોહન સરકાર દ્વારા વિદેશી મૂડી રોકાણને આપવામાં આવેલી મંજૂરી સામે દેશમાં વિરોધનો વંટોળ ઉઠયો છે.

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રીટેલમાં એફડીઆઈને મુદ્દે કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને ટેકો પાછો ખેંચ્યો છે. ભાજપ, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પણ રીટેલમાં એફડીઆઈનો અલગ-અલગ સૂરોમાં વિરોધ કર્યો છે. યુપીએ સરકારના સહયોગી પક્ષ ડીએમકેએ પણ 20મી સપ્ટેમ્બરના રોજ વિરોધ પક્ષો દ્વારા ડીઝલના ભાવવધારા અને એફડીઆઈ મુદ્દે આપવામાં આવેલા બંધમાં સામેલ થવાની તૈયારી બતાવી છે. વડાપ્રધાન મનમોહન સિંહના આર્થિક સુધારા સરકારની અંદર અને બહાર કોઈને પચી રહ્યા નથી. પરંતુ મનમોહનસિંહની ટીકા કરનારા અમેરિકી અખબારોમાં એફડીઆઈને મંજૂરીના યુપીએ સરકારના નિર્ણયની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના આ નિર્ણયથી ભારતના હિત જોખમાય તેવી પુરેપુરી શક્યતા છે અને તેનો સીધો ફાયદો અમેરિકા જેવા વિદેશી દેશો ઉઠાવશે તે પણ તેટલું જ નક્કી છે.

સરકારે રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ માટે તર્ક આપ્યો છે કે આ કારોબારનો વિકાસ દર બેહદ ધીમો છે, માટે તેમાં રોકાણથી આ બજારની મર્યાદા વધશે અને નવા રોજગારના અવસરો પણ પેદા થશે. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત થશે. સરકારનો તર્ક એ પણ છે કે વિદેશી વેપારીઓના આમા હસ્તક્ષેપથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ જશે અને ખેડૂતોને પોતાના પાકની સારી કિંમતો મળશે.
ઉપભોક્તાઓને પણ વ્યાજબી ભાવથી સામાન ઉપલબ્ધ થશે. પરંતુ આ દલીલો માત્ર બહાના છે. દેશના કર્તાધર્તા, નીતિનિર્માતા, ભવિષ્યના નિયંતાઓ હાલ નફાખોરો, વચેટિયાઓ, દલાલો અને અમેરિકી મૂડીપતિઓના દબાણમાં છે. એફડીઆઈની નીતિ લાગુ કરવી આ દબાણનું પરિણામ માત્ર છે. વોલમાર્ટ જેવી કંપનીઓ પોતાના પક્ષમાં નીતિ બનાવવા માટે આક્રમક લોબિંગ કરી રહી છે. રીટેલ માટે વોલમાર્ટે અત્યાર સુધીમાં 650 કરોડ રૂપિયા લોબિંગ પેટે ખર્ચ કર્યા છે. એફડીઆઈ દેશના 4.40 કરોડ રીટેલ વેપારીઓ, 17 કરોડ ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રમાં રહેનારા 60 ટકા લોકોને તબાહ કરનારી નીતિ છે. માત્ર વિદેશી મૂડી ભંડાર વધારવા માટે વિદેશી કંપનીઓને પોતાને ત્યાં બોલાવી દેશને મહાન બનાવી શકાય નહીં. સરકાર દાવો કરે છે કે એફડીઆઈથી 30 ટકા લઘુ ઉદ્યોગોને ફાયદો થશે, એક કરોડ લોકોને રોજગાર મળશે, મોંઘવારી ઓછી થશે, ખેડૂતોને ફાયદો થશે, ખેડૂતો વચ્ચેથી વચેટિયાઓ ગાયબ થઈ જશે.

પરંતુ હકીકત એ છે કે વિદેશી મૂડી રોકાણના ફાયદા ગણાવતી સરકારે આ રોજગાર વિરોધી નિર્ણય વિદેશી કંપનીઓ, વિશ્વ વ્યાપાર સંગઠન અને જી-20 દેશોના જબરદસ્ત દબાણને કારણે લેવો પડયો છે. વોલમાર્ટ, કેયરફોર, મેટ્રો-એજી, ટેસ્કો અને જોઈન્ટ જેવી વિદેશી કંપનીઓના સૂરમાં સૂર ભારતીય કંપની ભારતી અને એરટેલે પણ મિલાવ્યો છે. સરકારને આ કારોબારીઓએ આગામી પાંચ વર્ષમાં 100 અબજ ડોલરના રોકાણનો ભરોસો આપ્યો છે.

પરંતુ તેમ છતા વિદેશી રોકાણથી ભારતમાં ઉભી થયેલી સમસ્યાઓ દૂર થઈ જશે તેમ માનવું ભૂલ ભરેલું રહેશે. વૈશ્વિક સ્તરે કૃષિક્ષેત્રે કેટલાંક નિર્ણયો ડંકેલ પ્રસ્તાવ થકી થયા, ડંકેલ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી કૃષિપ્રધાન દેશ તરીકેની ભારતની ઓળખ ભૂંસાવા લાગી. ડંકેલ પ્રસ્તાવના સ્વીકાર્યા પહેલા દેશમાં 80 ટકાથી વધારે લોકો ખેતી પર નભતા હતા. પરંતુ અત્યારે આ આંકડો 65 ટકાની આસપાસ સ્થિર થયો છે. ખેતપેદાશોમાં કમી અને ભાવ લેવામાં ખેડૂતોને માર પડી રહ્યો છે. તેને કારણે દેશમાં ખેડૂત આત્મહત્યાના માર્ગે આગળ વધી રહ્યો છે અને ખેતીનું ધનોતપનોત નીકળી રહ્યું છે. કૃષિક્ષેત્ર સંદર્ભેના વૈશ્વિક કરારો સ્વીકારતી વખતે અને તેને લાગુ કરતી વખતે તત્કાલિન નરસિંહરાવની સરકારે ભારતના કૃષિક્ષેત્રનો સારો વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ આજે ખેડૂતોને ઋણમુક્તિની રાહતના પેકેજો જાહેર કરવા પડે છે અને છતાં ખેડૂતોની આત્મહત્યા અટકતી નથી.


કહેવામાં આવી રહ્યું છે કે રીટેલમાં એફડીઆઈના નિર્ણયથી નાના કારોબારીઓને ભારે નુકસાન થશે અને તેમની આજીવિકા પર સંકટ આવી જશે. દેશમાં રીટેલ કારોબારથી લગભગ પાંચ કરોડ લોકો જોડાયેલા છે અને અપ્રત્યક્ષ રીતે 20 કરોડ લોકોનું તેનાથી જીવનયાપન થઈ રહ્યું છે.

સચ્ચાઈ એ છે કે ભારતમાં 51 ટકા લોકો સરકારી મદદ વગર સ્વરોજગારના સહારે જીવન વિતાવી રહ્યા છે અને લગભગ 30 ટકા લોકો મજૂરી જેવા નાના-મોટા કામ કરીને આજીવિકા કમાય છે. માત્ર 20 ટકા ભારતીય જ સુસ્થાપિત માળખાગત ઉદ્યમ અને નોકરી સાથે જોડાઈને સારી આજીવિકા કમાવવા માટે સમર્થ છે.

રીટેલ ક્ષેત્ર દેશમાં કૃષિ બાદ સરકારી મદદ વગર સૌથી વધારે રોજગારી પેદા કરતું ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં એફડીઆઈને મંજૂરીનો અર્થ થાય છે કે રોજગારી પેદા કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ દેશના લોકોના હાથમાંથી વિદેશીઓના હાથમાં જતું રહેશે. અત્યારના અંદાજ પ્રમાણે, આનાથી 1 કરોડ રોજગાર પેદા થવાની શક્યતા દર્શાવાય છે. પરંતુ રીટેલ ક્ષેત્રમાં પહેલેથી પાંચ કરોડ લોકો પ્રત્યક્ષ રોજગારી મેળવી જ રહ્યા છે. આનો સીધો અર્થ છે કે વિદેશી મૂડી રોકાણ બાદ માત્ર એક કરોડ રોજગારી ઉભી થવાની હોય, તો બાકીની ચાર કરોડ રોજગારીનો ઘટાડો થવાની પુરેપુરી શક્યતા છે.

ભારતમાં રીટેલ કારોબાર ત્યારે 450 અબજ ડોલરનો છે. જીડીપીમાં તેની ભાગીદારી લગભગ 14 ટકા છે. વર્ષ 2015 સુધીમાં તે 785 અબજ ડોલરનો થવાની આશા વ્યક્ત કરવામાં આવે છે. આ રીટેલ ક્ષેત્રમાં 95 ટકા હિસ્સેદારી નાના કારોબારી અને દુકાનદારોની છે અને બાકીના પાંચ ટકા સંગઠિત કારોબારના છે. પરંતુ વિદેશી મૂડી રોકાણથી 450 અબજ ડોલરનો હાલનો ધંધો ભારતમાં જ રહે તેવી કોઈ વ્યવસ્થા સરકારે કરી નથી. આ ધંધાની મલાઈ વિદેશી મૂડી રોકાણકારો પોતાના દેશ લઈ જશે અને તેની ભારતના વિકાસમાં કોઈપણ ભૂમિકા નહીં હોય. રીટેલ કારોબાર 20 ટકાના દરથી વધે છે, પરંતુ તેનાથી રોજગાર ઘણાં મોટા પ્રમાણમાં પેદા થઈ રહ્યા છે તેને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.


વળી રીટેલમાં એફડીઆઈમાં વોલમાર્ટ જેવી કંપનીઓ શરૂઆતના તબક્કામાં પોતાના ભાવ બજાર કરતા નીચા રાખે છે અને એક વખત તેમના બજારના પ્રતિસ્પર્ધીઓ ખતમ થઈ જાય છે, તો તેઓ તેના પર એકહથ્થુ નિયંત્રણો સ્થાપી દે છે. ત્યારે વિચારવાનું એ છે કે આવી સ્થિતિ ખેડૂતો, ગ્રાહકો માટે કેટલી આવકારદાયક રહેશે અને મોંઘવારી વધશે કે ઘટશે?

ભારતમાં સંગઠિત રીટેલ કારોબારમાં હાલ ફ્યૂચર ગ્રુપ, ટાટા સમૂહ, રહેજા સમૂહ, આરપીજી સમૂહ અને રિલાયન્સ જેવી દિગ્ગજ રીટેલ કંપનીઓ છે. આમા વિદેશી મૂડી રોકાણને મંજૂરી બાદ તેમનો સીધો મુકાબલો દુનિયાની નામી રીટેલ કંપનીઓ વોલમાર્ટ, કેરફોર, મેટ્રો એજી અને ટેસ્કો સાથે થશે. પરંતુ તેની સાથે વોલમાર્ટ જેવી કંપનીઓનો ધંધો કેટલાંક દેશોની કુલ જીડીપી જેટલો થાય છે. ત્યારે આવા મોટા ખેલાડીઓ દેશી રીટેલ કંપનીઓને ગળી જાય તેવી પુરેપુરી શક્યતા છે અને જો દેશી રીટેલ કંપનીની કોઈ વિસાત ન હોય તો નાના દુકાનદારો તો એમ જ નવરા થઈ જશે.

ભારતમાં કરિયાણાનો દુકાનદાર માત્ર ધંધાદારી તરીકે જ વર્તતો નથી, તેની સાથે સામાજિક સ્તરે લોકો થકી સંબંધો પણ પેદા થાય છે. આવા દુકાનદારો ગામડાંઓમાં અને થોડેઘણે અંશે શહેરોમાં ઘણાં પરિવારોની નજીક હોય છે. આજે દેશમાં રીટેલ ક્ષેત્રમાં એકહથ્થુતા નહીં હોવાને કારણે ક્યાંક સસ્તો માલ મળી જવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ વિદેશી મૂડી રોકાણ આવવાથી દેશમાં રીટેલ ક્ષેત્રમાંથી આવી સંભાવના હંમેશા માટે ચાલી જશે અને તે 70 કરોડથી વધારે ગરીબ ધરાવતા દેશ માટે મોટા પડકાર સમાન બાબત બની રહેશે.

રહી વાત વચેટિયાની તો દેશી વચેટિયા દૂર થઈ અને વિદેશી કંપનીઓ વતી કામ કરનારા દેશી-વિદેશી વચેટિયાઓ સ્થાનબદલી કરશે. તેનાથી વચેટિયાની સમસ્યા બદલાશે નહીં, પરંતુ તેના સ્વરૂપમાં વિદેશી કંપનીઓને અનુકૂળ પરિવર્તન આવશે. આ પરિવર્તન ખેડૂતોના હિતમાં નહીં હોય, પણ વિદેશી કંપનીઓના જ હિતમાં હશે, કારણ કે વિદેશી કંપનીઓ ભારતમાં ધંધો કરવા માટે આવી રહી છે, કોઈ સેવા માટે નહીં.

ભારત સરકારે નિર્ણય લેવો હતો, તો વાયદા બજાર સામે નિર્ણય લેવાની જરૂર હતી. ભારતના ખાદ્યાન્નોના ભાવ આ વાયદા બજારને કારણે જ ઉંચી સપાટીએ સ્થિર રહ્યા છે. શું સરકારને ખબર નથી કે વાયદા બજાર થકી માત્ર 25-30 મોટા વેપારીઓએ ખાદ્યાન્નોના ભાવ ઉંચી સપાટીએ સ્થિર રાખીને આમ આદમીને પીડા આપવાનું નક્કી કર્યું છે? જો સરકાર દેશી વેપારીઓ સામે પગલા લઈ શકતી નથી, તો વિદેશી કંપનીઓ જ્યારે આ પ્રકારની રીતિ-નીતિ અપનાવશે, ત્યારે સરકાર શું કરશે?

વળી દેશના જળ, જમીન અને જંગલો વિદેશીઓના હાથમાં જાય તેવી નીતિ બનાવવામાં આવશે, તો તેનાથી ઈસ્ટ ઈન્ડિયા કંપની થકી બ્રિટિશરોના શાસનનો ઈતિહાસ કોઈ અલગ સ્વરૂપ લઈને પુનરાવર્તન પામે તેવી સ્થિતિ પણ નકારી શકાય તેમ નથી. વિદેશી મૂડી રોકાણને દેશમાં મંજૂરી આપવાનો સીધો અર્થ એવો થાય છે કે દેશનું અર્થતંત્ર દેશી હાથમાંથી લઈને વિદેશીઓને સોંપી દેવું. આવી સ્થિતિમાં ભારતનું મહાશક્તિ બનવાનું સપનું પણ ચકનાચુર થઈ શકે છે, કારણ કે વિદેશી મૂડી રોકાણ એવા દેશોમાંથી થવાનું છે કે જેવો અત્યારે મહાશક્તિ છે જ અને કોઈ મહાશક્તિશાળી દેશ અન્ય કોઈ દેશને પોતાની સમકક્ષ આવવા દે નહીં તે પણ તેટલું જ સ્વાભાવિક છે.

રીટેલમાં એફડીઆઈની તરફેણ હંમેશા ભારતમાં સત્તામાં આવનાર પક્ષે કરી છે, જ્યારે તેનો વિરોધ પક્ષોએ વિરોધ કર્યો છે. ભાજપ પણ અત્યારે રીટેલમાં એફડીઆઈનો વિરોધ કરી રહી છે, કારણ કે તે કેન્દ્રમાં સત્તાસ્થાને નથી. 2002માં અટલ બિહારી વાજપેયીની સરકારે પણ રીટેલમાં એફડીઆઈને પ્રસ્તિવાત કરી હતી, ત્યારે ડાબેરીઓ અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતા અને તેમણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના લોકસભાના મુખ્ય સંચેતકે ત્યારે સંસદમાં એફડીઆઈને રાષ્ટ્ર માટે ઘાતક ગણાવી હતી. 2004માં જ્યારે ભાજપ દેશમાં ફીલગુડ કરી રહ્યું હતું, ત્યારે ભાજપના વિઝન ડોક્યુમેન્ટમાં રીટેલમાં એફડીઆઈ હતી. ભાજપ સત્તા ગુમાવી બેઠો અને રીટેલમાં એફડીઆઈનો વિરોધી બની ગયો.

ત્યારે આ તપાસનો વિષય બને છે કે સત્તામાં આવનાર દરેક પક્ષ રીટેલમાં એફડીઆઈની તરફેણ શા માટે કરે છે? વળી લોકો માટે તપાસનો વિષય એ પણ બને છેકે સંસદ, વિપક્ષ, સાથીપક્ષોને પડકારીને મનમોહન સિંહમાં રીટેલમાં એફડીઆઈ લાગુ કરવાની હિંમત ક્યાંથી આવી? ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહે નાણાંમંત્રી તરીકે 1991-92માં દેશને દેવાળિયો બતાવીને વર્લ્ડબેંકની મલ્ટીનેશનલ્સોને ભારતમાં ઘૂસાડીને કથિત ઉદારીકરણ કર્યું હતું. વર્લ્ડબેંક સહીતની વૈશ્વિક આર્થિક સંસ્થાઓમાં કામ કરનારા અમેરિકા તરફી હોવાની ખ્યાતિ પ્રાપ્ત બ્યૂરોક્રેટ મનમોહન સિંહે સંસદમાં નોટ દેખાડીને અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરી અને હવે એમએનસી (મલ્ટી નેશનલ્સ કોર્પોરેટ)ના રીટેલ માફિયાઓને ભારત લૂંટવાનું લાઈસન્સ પણ આર્થિક સુધારાના નામે આપી રહ્યા છે.  

Monday, September 17, 2012

શિંદે મજાક છોડી ગંભીર ગૃહમંત્રી બને


-          આનંદ શુક્લ
ભારતના ગૃહમંત્રી બન્યા પછી સુશિલકુમાર શિંદે મજાક કરી રહ્યા છે અને આ મજાક કરી રહ્યા છે, જનતાની! પુણેમાં આયોજિત એક સમારંભમાં તેમણે કહ્યુ કે જેવી રીતે લોકો બોફોર્સ કાંડ ભૂલી ગયા તેવી રીતે કોલસા કાંડ પણ ભૂલી જશે. આ ટીપ્પણી પછી વિવાદ ઉઠતા શિંદેએ કહ્યુ કે તેઓ તો મજાક કરી રહ્યા હતા. ભારતના ગૃહમંત્રી જ્યારે 1.86 લાખ કરોડના કોલસા કાંડ સંદર્ભે જનતાની મજાક કરે, ત્યારે મામલો ઘણો ગંભીર બને છે. કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષોનું માનવું છે કે જનતાની યાદશક્તિ બેહદ નબળી અને ટૂંકી હોય છે. તેને કારણે જ તેઓ જનતા સાથે આવી મજાક કરતા હોય છે.

પરંતુ સુશિલકુમાર શિંદેને યાદ હોવું જોઈએ કે બોફોર્સ કાંડમાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા પછીની ઘણી ચૂંટણીઓમાં કોંગ્રેસને કેન્દ્રમાં સત્તા માટે તરસવું પડયું છે. જ્યારે જનતાએ કોંગ્રેસના બદલે જેમને સત્તા આપી, તેઓ પણ મર્યાદા બહાર જતા રહ્યા, ત્યારે તેમણે વિકલ્પના અભાવમાં કોંગ્રેસને નહીં, પણ કોંગ્રેસના વડપણવાળા મોરચાને સત્તા સોંપી છે. આ વાત પણ કોંગ્રેસના મજાકિયા નેતાઓએ ભૂલવી જોઈએ નહીં.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનના સમયમાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળનારા શિંદેની આવી ટીપ્પણી ખરેખર બેજવાબદાર છે. તેનાથી સવાલ ઉભો થાય છે કે શું તેઓ ભ્રષ્ટાચાર અને ગોટાળાને મહત્વ આપી રહ્યા નથી અથવા તો તેને યોગ્ય ઠેરવી રહ્યા છે? તેમણે ઉપરોક્ત ટીપ્પણી મરાઠીના ચર્ચિત કવિ નારાયણ સુર્વેની સ્મૃતિમાં આયોજિત સમારંભમાં કરી, જેમનું આખું સાહિત્ય શહેરી કામદારોના કઠિન જીવન સંઘર્ષ પર કેન્દ્રીત હતું. ત્યારે પ્રશ્ન એ છે કે શિંદેને સમારંભની ગંભીરતાનો અહેસાસ પણ ન હતો?

ધ્યાન આપવાની વાત એ છે કે કોલસા કાંડને હસવામાં ઉડાડી દેવાનું નિવેદન લોકસભાના નેતા અને ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેએ ત્યારે આપ્યું છે કે જ્યારે ઈન્ટર મિનિસ્ટ્રરિયલ ગ્રુપે ચાર કોલસાની ખાણની ફાળવણી રદ્દ કરવાની ભલામણ કરી છે અને આગામી સમયમાં વધુ 6 કોલસા ખાણો પર પોતાનો અભિપ્રાય આપશે. સુશિલકુમાર શિંદે દ્વારા બેજવાબદારીપૂર્ણ નિવેદન આપવાનો આ પહેલો મોકો નથી. ગૃહમંત્રી બન્યાના થોડા સમયમાં આસામ હિંસા પરની એક ચર્ચા દરમિયાન રાજ્યસભામાં અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને પણ તેમની ફિલ્મી પૃષ્ઠભૂમિને લઈને ટીપ્પણી કરી હતી. તેમણે જયા બચ્ચનને કહ્યુ કે આસામ હિંસા ગંભીર મામલો છે, આ કોઈ ફિલ્મી વાત નથી. જો કે ત્યાર બાદ શિંદેને જયા બચ્ચનના વિરોધ બાદ ગૃહમાં માફી પણ માંગવી પડી હતી. પદ અને મર્યાદાને ધ્યાનમાં રાખીએ તો એક વરિષ્ઠ મંત્રી પાસેથી આવા આચરણની બિલકુલ અપેક્ષા રાખવામાં આવતી નથી.

જનતા દ્વારા ચૂંટાયા બાદ સત્તામાં આવીને બેપરવાહ બનનારાઓની સંખ્યા કંઈ ઓછી નથી અને આમા શિંદે એકલા પણ નથી. આ પહેલા એક કોંગ્રેસી મંત્રીએ મોંઘવારીને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ હતી, તો એક બીજા મંત્રીએ પાંચ રાજ્યોની ચૂંટણી વખતે લઘુમતી અનામત માટે મરવા-મારવાની વાત કહીને ઘણો અપજશ ભેગો કર્યો છે. કોંગ્રેસના મંત્રીઓ અને નેતાઓમાં અમર્યાદ અને બેજવાબદાર નિવેદનો કરીને જનતાની દુખતી નસ પર હાથ મૂકવાની ઘણી લાંબી પરંપરા છે. કદાચ આ પરંપરાને કારણે જ વડાપ્રધાન મનમોહનસિંહને કહેવુ પડતુ હશે કે સૌથી સારી મારી ચુપકીદી છે!!!

Saturday, September 15, 2012

મનમોહન સિંઘમ બન્યા, પણ સરકારનું ભવિષ્ય અધ્ધરતાલ


-          આનંદ શુક્લ
મનમોહન સિંહ છેલ્લા આઠ વર્ષમાં પહેલી વખત ઈકોનોમિસ્ટ અને વડાપ્રધાન તરીકે વર્તતા નજરે પડયા છે. મનમોહનસિંહ માટે મૌનીમોહનસિંહ જેવા વિશેષણો એક કરતા વધારે વખત વપરાયા છે. પરંતુ પોતાના પહેલા અને બીજા કાર્યકાળ દરમિયાન રાતોરાત મનમોહન સિંઘમ બની ગયા છે. 1.86 લાખ કરોડના કોલ બ્લોક કૌભાંડમાં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજના મોટા માલવાળા નિવેદનથી વ્યથિત થયેલા વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે પહેલી વખત પોતાનું મોઢું ખોલ્યું છે. એક અંગ્રેજી અખબારના સમાચાર પ્રમાણે, વડાપ્રધાને કોલ બ્લોક ફાળવણી મામલે સોનિયા ગાંધીના ખાસમખાસ પોલિટિકલ એડવાઈઝર અહેમદ પટેલને લપેટયા છે. અખબારના સમાચાર પ્રમાણે, મનમોહનસિંહે પોતાનું મૌન તોડીને સોનિયા ગાંધીને સ્પષ્ટ જમાવી દીધુ છે કે કોલ બ્લોકની ફાળવણીના નિર્ણય તેમના પોલિટિકલ સેક્રેટરી અહેમદ પટેલની ભલામણથી કર્યા હતા. આને મનમોહન સિંહનું અત્યાર સુધીનું સૌથી વધારે બોલ્ડ રાજકીય પગલું માનવામાં આવે છે.

બીજી તરફ 1991-92ના આર્થિક સુધારા વખતે નરસિંહરાવના નેતૃત્વમાં તત્કાલિન નાણાંમંત્રી મનમોહન સિંહે દેશને આર્થિક ઉદારીકરણની રાહ પર ચલાવનારી નીતિનો પાયો નાખ્યો હતો. જો કે નાણાંમંત્રી તરીકે મનમોહનસિંહે નરસિંહરાવના નેતૃત્વમાં જેટલા આર્થિક સુધારાના પગલા લીધા હતા, તેવા અને તેટલા પગલાં પોતાના વડાપ્રધાનકાળમાં લીધા નથી. જેને કારણે તેમના જ આર્થિક સલાહકારો કહી રહ્યા હતા કે દેશના વિકાસમાં ગઠબંધન અને ભ્રષ્ટાચાર મોટી અડચણો છે. પરંતુ જઈશું તો લડતા લડતા, તેવા નિર્ધાર સાથે વડાપ્રધાન મનમોહન સિંહે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ કોલગેટ કાંડની કાળી છાયા વચ્ચે આર્થિક સુધારાના નામે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસના સિલિન્ડરમાં રેશનિંગ કરીને રાહત ભાવે એક પરિવારને વર્ષ દરમિયાન માત્ર છ સિલિન્ડર આપવાનું ઠરાવ્યું. આ પગલું આમ આદમીને પસંદ પડયું નથી, કારણ કે તેનાથી દેશમાં મોંઘવારી વધવા લાગી છે. ડીઝલના ભાવવધારા સાથે જ ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડાંમાં 10થી 15 ટકાનો ધરખમ વધારો કર્યો છે. જેની અસર જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓ પર પણ પડવા લાગશે. ડીઝલના ભાવવધારાની સૌથી વધારે અસર સરકારને પણ થશે, કારણ કે દેશમાં સૌથી વધારે ડીઝલના વપરાશકાર ભારતીય સેના અને ભારતીય રેલવે છે. બની શકે કે આગામી બજેટમાં રેલવેના મુસાફર ભાડામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભાવવધારો કરવામાં આવે.

વડાપ્રધાન મનમોહનસિંહ આટલેથી અટક્યા નથી, તેમણે રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગત ડીસેમ્બરમાં તેમની સરકારને તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીના દબાણમાં શરમજનક રીતે પાછો લેવો પડયો હતો. નિર્ણય પાછો ખેંચતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ રીટેલમાં એફડીઆઈના નિર્ણયને રદ્દ નહીં, પણ સ્થગિત કરી રહ્યા છે. તેમણે તમામ પક્ષો સાથે ચર્ચા કરીને તેને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મમતા બેનર્જીએ આ નિર્ણય પર 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે આ નિર્ણય લેતી વખતે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તેમણે 72 કલાક બાદ ટેકો પાછો ખેંચવા સુધીના કડક નિર્ણયો થઈ શકે છે, તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે રેલવે મંત્રી મુકુલ રોયે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને જાણ કરી હોવાનું આધિકારીક સૂત્રોનું માનવું છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પણ રીટેલમાં એફડીઆઈનો વિરોધ કર્યો છે. તેમણે પણ આનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ પણ 10 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપી દીધું છે. ભાજપ અને ડાબેરીઓ પહેલેથી જ રીટેલમાં 51 ટકા એફડીઆઈ સાથે સૌદ્ધાંતિક રીતે વિરુદ્ધમાં છે.

તેથી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સરકાર પાસે માત્ર બે વિકલ્પ છે- કાં તો સરકાર રીટેલમાં એફડીઆઈ અને ડીઝલમાં ભાવવધારાના નિર્ણયને પાછો ખેંચે અથવા તો ન્યૂક્લિયર ડીલની જીદ્દ વખતે વિશ્વાસ મત લેવાયો હતો તેમ ફરીથી સંસદમાં બહુમતી સાબિત કરે. તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ટેકો પાછો ખેંચે તો પ્રવર્તમાન યુપીએ સરકારને બહુમતી સાબિત કરવામાં તકલીફ પડે તેવી છે. આવી સ્થિતિમાં દેશમાં મધ્યસત્ર ચૂંટણીની શક્યતાઓ પણ જાણકારો નકારતા નથી. રાજકીય નિરીક્ષકોના મત પ્રમાણે, કોલગેટ કાંડમાં ફસાયેલી સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે નામોશી સાથે જવા કરતા ભાવવધારા અને રીટેલમાં એફડીઆઈ જેવા કથિત આર્થિક સુધારાના મુદ્દે શહીદ થવાનું પસંદ કરે તેવી શક્યતા વધારે છે. મનમોહન સરકારે આ સિવાય એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના હાલના નિર્ણયો અમેરિકાના દબાણમાં લેવાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરો પર છે.

યોજનાપંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ તાજેતરના આમ આદમીને મારી નાખનારા કથિત આર્થિક સુધારા સંદર્ભે કહ્યુ છે કે આ દેશની પ્રગતિ માટે જરૂરી હતા. અહીં પાયાનો સવાલ એ છે કે દેશનો આમ આદમી મરણ પથારીએ પડે, તો તેવી દેશની પ્રગતિને શું કરવાની? દેશની અર્થવ્યવસ્થામાં સતત ઉછાળો મારતું શેરબજાર અને સોનાબજાર છે, તો બીજી તરફ રૂપિયાનું સતત ધોવાણ અને સસ્તી થતી મોંઘવારી છે. ભારતની અર્થનીતિમાં કોઈ બીમારી છે, તો અહીં છે. પરંતુ તેની કોઈ સારવાર કરવામાં આવતી નથી. તાજેતરના કથિત આર્થિક સુધારાથી ફરી એકવાર શેરબજારમાં ઉછાળો આવ્યો અને રૂપિયામાં બે  પૈસા મજબૂત પણ બન્યો, પરંતુ મોંઘવારીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. ત્યારે ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહનસિંહના આર્થિક સુધારાનું મનમોહનોમિક્સ પણ શંકાના દાયરાથી પર નથી. માનવામાં આવે છે કે દેશમાં આર્થિક સુધારા કોર્પોરેટોને વધારે ફાયદો કરાવે તેવા સાબિત થાય છે, કારણ કે તેને આમ આદમીને ધ્યાનમાં રાખીને નહીં પણ રેટિંગ એજન્સીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

મનમોહનોમિક્સમાં માત્ર મોંઘવારી જ સસ્તી!


-          આનંદ શુક્લ
દેશમાં આજે મોંઘવારી સસ્તી છે અને બાકીનું બધું મોંઘું છે. મોંઘવારીનું વિષચક્ર દેશના આમ આદમી માટે મૃત્યુઘંટ વગાડી રહ્યું છે. ખોટી અર્થનીતિ અને આર્થિક વિકાસમાં અસંતુલનને પરિણામે વિકાસના ઘણાં ફૂગ્ગા ફૂટી રહ્યા છે. જે વિકાસ દેશના લોકોનું કલ્યાણ કરવામાં અસમર્થ હોય અને માત્ર કોર્પોરેટો અને સરકારની તિજોરીઓનો ખ્યાલ રાખતો હોય, તો તેવા વિકાસની ખરેખર કોઈ જરૂરત હોતી નથી. દેશમાં આજે થયેલા વિકાસમાં ગરીબો અને અમીરો વચ્ચે અસંતુલનની ખાઈ મસમોટી બની છે. અમીરો વધારે જલ્સા કરી રહ્યા છે, જ્યારે ગરીબો વધારે દુભર જિંદગી જીવવા માટે સરકાર દ્વારા મજબૂર બનાવાયા છે.

પેટ્રોલના ભાવવધારાનું દમનચક્ર ચલાવ્યા બાદ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારે દેશમાં એક જ ઝાટકે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો કર્યો અને રાંધણગેસમાં રેશનિંગ કર્યું. હવે વર્ષમાં માત્ર 6 ગેસ સિલિન્ડર પર સબસિડી મળશે. ત્યાર બાદ સિલિન્ડર લેવા જનારને 746 રૂપિયા જેટલી મોટી રકમ ચુકવવી પડશે. આ કેન્દ્ર સરકાર આટલેથી જ અટકી નથી, જનતાવિરોધી નિર્ણયો લેવામાં મશહૂર મનમોહની અર્થનીતિને પરિણામે રીટેલમાં 51 ટકા એફડીઆઈ, એવિએશનમાં 49 ટકા એફડીઆઈ અને પાંચ જાહેરક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પણ સરકારે સંસદના મોનસૂન સત્રની સમાપ્તિ બાદ ઘોષણા કરી છે.

સરકારના આર્થિક સલાહકારો ઘણાં વખતથી કહેતા આવ્યા છે કે ગઠબંધન અને ભ્રષ્ટાચાર દેશના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. ગઠબંધનને કારણે કડક આર્થિક નિર્ણયો લેવાતા નહીં હોવાની વાત પણ મનમોહન સિંહ એકથી વધારે વખત કહી ચુક્યા છે. પરંતુ એક ડોલરની કિંમત 40 રૂપિયાથી વધીને 58 રૂપિયાની આસપાસ સ્થિર થઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વર્લ્ડક્લાસ ઈકોનોમિસ્ટ વડાપ્રધાન મનમોહન સિંહે રૂપિયાના આટલા અવમૂલ્યન વખતે કેમ કોઈ સાવધાની રાખી નહીં? અત્યારે દેશમાં વસ્તુઓની આયાત ખૂબ મોંઘી છે અને નિકાસ તેના પ્રમાણમાં સસ્તી છે. સરકાર ચાહત તો આ સ્થિતિ ટાળી શકી હોત. મોંઘવારી વધારવાના સ્થાને રૂપિયાને ગબડતો અટકાવી શકી હોત. રૂપિયો ગબડી રહ્યો છે, તે મોંઘવારીનું સૌથી મોટું તાત્કાલિક કારણ છે.

રૂપિયો ગબડવા માટે માત્ર વૈશ્વિક બજારની પરિસ્થિતિ જ જવાબદાર નથી, પરંતુ ભારતની ખોરંભે પડેલી અર્થનીતિ પણ કારણ છે. ભારતમાં ખાદ્યાન્નોની કિંમતો ઉંચી છે, પરંતુ વિદેશ મોકલાતા ખાદ્યાન્નોની કિંમતમાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ખાસ કોઈ વધારો થઈ શક્યો નથી. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને માંગનારને આટો છે!! વિદેશમાં ભારતથી જનારી તમામ વસ્તુઓમાં પરિસ્થિતિ લગભગ આવી જ છે. પરંતુ બહારથી આવતી ચીજ-વસ્તુઓના ભાવ રૂપિયાના અવમૂલ્યનને કારણે ઘણાં ઉંચા હોય છે. ભારતમાં મોટા ભાગની પેટ્રોલિયમ પેદાશો વિદેશ ખાસ કરીને ખાડી દેશોથી આયાત કરવામાં આવે છે. પરંતુ સરકારે હજી સુધી રૂપિયાને ડોલરના મુકાબલે ઉપરની સપાટીએ સ્થિર કરવા માટે કોઈ જવાબદાર પગલા ભર્યા નથી.

હાલ દેશનો વિકાસ દર 5.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવાય છે. બજેટ અને વેપારનું નુકસાન તથા ફૂગાવાનો દર એકસાથે વધી રહ્યા છે. ત્યારે સરકાર જણાવી રહી છે કે વધતી રાજકોષીય ખાદ્ય અને ઓઈલ કંપનીઓના વધતા નુકસાનને નિયંત્રણમાં લેવા માટે ડીઝલમાં ભાવવધારો અને રાંધણગેસમાં રેશનિંગ જરૂરી છે. આંકડા તપાસવામાં આવે, તો આ એક સરકારી જૂઠ્ઠાણું છે. સચ્ચાઈ એ છે કે આપણા જીડીપીના 6.9 ટકાના ઉંચા સ્તરે પણ રાજકોષીય ખાદ્ય લગભગ 5.22 લાખ કરોડ રૂપિયા થશે. પરંતુ ગત નાણાંકીય વર્ષમાં જ તો આ સરકારે કોર્પોરેટ ખેલાડીઓ અને ધનિકોને 5.28 લાખ કરોડ રૂપિયાની રાહતો આપી છે. આ સરકાર આમ આદમીને રાહત આપવામાં ખાદ્ય અને નુકસાનની ગણતરી કરે છે, પરંતુ કોર્પોરેટો અને ધનિકોને રાહતો આપવામાં સૌથી આગળ રહે છે.

યુપીએ-2ની મનમોહનસિંહની સરકારનું કહેવું છેકે ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ ભીમકાય ઓઈલ અને પ્રાકૃતિક ગેસ કંપની, ઓએનજીસીએ 2011-12 માટે 25,123 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો કર્યાનું એલાન કર્યું છે. આ પ્રકારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 2011-12માં 4,265.27 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ ઘોષિત કર્યો હતો. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પણ નફાની ઘોષણા કરી હતી. રસપ્રદ વાત એ છે કે ગત નાણાંકીય વર્ષના અંતિમ ત્રિમાસિક સમયગાળામાં આ કંપનીએ પોતાના શુદ્ધ નફામાં 312 ટકાનો વધારો દર્શાવ્યો હતો.

આ સાથે રીટેલ ભારતમાં ઘણું મોટું કારોબારનું સેક્ટર છે. તેમાં ચાર કરોડથી વધારે નાના કારોબારીઓ પોતાનું પેટિયું રળી રહ્યા છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી ચાર કરોડથી વધારે નાના ભારતીય કારોબારીઓના કારોબાર પર જોખમ તોળાઈ રહ્યું છે. રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરીથી બેરોજગારી અને ખાદ્યાન્નોમાં ધરખમ ભાવવધારાનું જોખમ પણ લાંબાગાળે દર્શાવવામાં આવી રહ્યું છે. વોલ માર્ટ જેવા મોટા ખેલાડીઓ ભારતના રીટેલ કારોબારને ગળી જવા માટે તૈયાર બેઠા છે. આજે રીટેલમાં એફડીઆઈ નહીં હોવાથી હજી પણ ગામડાઓમાં અથવા નાના શહેરોમાં સસ્તા ભાવે ખાદ્યાન્નો અને અન્ય વસ્તુઓ મળવાની સંભાવના બાકી રહેલી છે. પરંતુ રીટેલમાં એફડીઆઈ અને મોટા ખેલાડીઓના આવવાથી ભારતમાં 20 લાખથી ઉપરની વસ્તીવાળા 400 શહેરોમાં તેઓ નક્કી કરશે તેટલા મોંઘા ભાવે જ લોકોને વસ્તુઓ મળશે, નફામાં નાના કારોબારીઓ ધંધો ગુમાવશે તે નક્કી છે.

મનમોહન સરકારના તાજેતરના નિર્ણયોને ધરખમ આર્થિક સુધારા તરીકે ગણાવવામાં આવે છે. જેનાથી દુનિયાની રેટિંગ એજન્સીઓમાં ભારતનું રેટિંગ વધવાની આશા દેખાડવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારનું દેશના આમ આદમીમાં રેટિંગ એક ઝાટકે ઘટી ગયું છે. આ કથિત આર્થિક સુધારાથી આમ આદમીને ભારે પીડા પહોંચી રહી છે, ત્યારે તેને સુધારા કરતા સજા કહેવા વધારે યોગ્ય લેખાશે. 1991-92માં ભારતે પકડેલી આર્થિક ઉદારીકરણની રાહ ખરેખર દેશના લોકોને ઉંડી ખાઈમાં ધકેલનારી સાબિત થઈ રહી છે. આજે દેશમાં વિકાસની પેટર્નને પણ તપાસવાનો સમય આવી ગયો છે. અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. રોટલો મોંઘો થઈ રહ્યો છે, બીમારી મોંઘી પડી રહી છે, શિક્ષણ પહોંચ બહાર થઈ રહ્યું છે, સામાજિક સેવાઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આમ આદમી પાસે મોઢું વકાસીને બેસવા સિવાય હવે કોઈ વિકલ્પ બચતો નથી. આ મનમોહનોમિક્સ આમ આદમીની કરપીણ હત્યાનું મોટું કાવતરું છે!

Tuesday, September 4, 2012

ન્યાયની એરણે ન્યાયતંત્ર: હુલ્લડોના આરોપીઓ પ્રત્યે સંવેદનશીલ દ્રષ્ટિકોણ જરૂરી


-          ક્રાંતિવિચાર
ન્યાય થવો અને ન્યાય થયો હોય તેમ લાગવું બેહદ જરૂરી છે. પરંતુ સાથેસાથે ન્યાય થયો હોય તેમ લગાડવા માટે નબળા પુરાવાને આધારે નિર્દોષ હોવાની શક્યતા ધરાવતા લોકોને એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા ફીટ કરી દેવા પણ અન્યાય છે. કોર્ટે પોતાની પાસે ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓના આધારે ન્યાય તોળે છે. પરંતુ ત્યારે તપાસ પ્રક્રિયામાં રહેલી ખામીઓને કારણે સાક્ષીઓ અને પુરાવા ખોટી રીતે ઉભા કરી શકાતા હોવાની વાતને બિલકુલ નજરઅંદાજ કરવામાં આવતી હોય તેવું પણ લાગે છે.

ગુનો થયો, તો સજા થવી જરૂરી છે. પરંતુ કોર્ટે આનાથી આગળ વધીને જે-તે ગુનો કેમ થયો તેના કારણો પર પણ વિચાર કરવો પડશે. ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્યની સમસ્યા બેહદ પુરાણી છે. લગભગ ત્યારની જ્યારથી ભારતમાં ઈસ્લામનું આક્રમણો દ્વારા આગમન થયું. ભારતમાં હિંદુ-મુસ્લિમ વૈમનસ્યની સમસ્યાના પગલે આઝાદી પહેલા અને આઝાદી પછી ઠેરઠેર હુલ્લડો અને મારકાપ થઈ છે. ભાગલા વખતે કુલ 10 લાખ લોકો કોમી હુતાસણમાં માર્યા ગયા હતા.

કહેવામાં આવે છે કે આઝાદ ભારતમાં 70ના દાયકામાં મધ્ય પ્રદેશના જબલપુર ખાતે પહેલા કોમી તોફાનો થયા હતા. ત્યાર પછી ભારતમાં કોમી અથડામણની અસંખ્ય ઘટનાઓ બની છે. દેશના સત્તાકારણમાં જબલપુરના હુલ્લડો બાદ હુલ્લડોથી રાજકીય લાભ ખાંટી શકતો હોવાની વાત રાજકારણીઓના માનસપટલ પર ધીમેધીમે સ્પષ્ટ થવા લાગી. હુલ્લડોની રાજનીતિથી દેશનું ખુરશીકારણ વધારે મજબૂતી પામવા લાગ્યું. હુલ્લડો કરાવવામાં રાજકીય ઉદેશ્યો પણ ભળવા લાગ્યા.

પરંતુ આના સંદર્ભે કોઈ ચોક્કસ નીતિ અને કાયદા બન્યા નથી. કોમી હુલ્લડો અને કોમી તંગદિલીમાં નીપજેલા ગુનાઓ ઈન્ડિયન પીનલ કોડની સામાન્ય કલમો અને વિવિધ ગુનાખોરીના સામાન્ય કાયદાઓ નીચે સજા માટે જોવામાં આવ્યા. પરંતુ અત્રે પ્રશ્ન છે કે કોમી રમખાણોમાં સામેલ લોકોનો ઈતિહાસ તપાસવામાં આવે, તો તેઓ સામાન્ય રીતે ગુનાખોરીમાં સંડોવાયેલા લોકો જેવા હોતા નથી. વળી કોમી રમખાણો દરમિયાન વૈમનસ્યને કારણે નીપજેલા ગુનાઓ સામાન્ય અપરાધ જેવા હોતા નથી. ત્યારે શું આવા ગુનાઓ માટે તપાસ અને સજા માટે અલગ પ્રકારના કાયદા ન હોવા જોઈએ?

કોમી રમખાણોમાં સંડોવાયેલા એવા વ્યક્તિઓ કે જેમની માનસિકતા ગુનાખોરીની નથી, પરંતુ તેઓ કોમી ઉશ્કેરાટને કારણે કોઈ ગુનો કરે છે, તો તેમના માટે કાયદામાં અલગ જોગવાઈ અને કોર્ટો દ્વારા તેમને જોવાની અલગ નરમાશની દ્રષ્ટિ ન હોવી જોઈએ?

ભારતમાં જબલપુર બાદ અમદાવાદ, મેરઠ, ભાગલપુર, દિલ્હી, મુંબઈ અને છેલ્લો ગુજરાતના રમખાણો થયા છે. પરંતુ ગુજરાતના 2002ના રમખાણો સિવાય અન્ય કોઈ ઠેકાણે કોમી હુલ્લડોને અત્યારની જેમ જોવામાં આવ્યા નથી. તેનું સ્પષ્ટ કારણ છે કે 2002 સિવાયના રમખાણોમાં મોટાભાગે કોંગ્રેસી સરકારનું રાજ્ય અને કેન્દ્રમાં શાસન રહેલું હતું. આ કોંગ્રેસના શાસનની નિષ્ફળતા હતી. પરંતુ હુલ્લડોની કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી રાજનીતિમાં તેનો વિરોધ પક્ષ ભાજપ પણ પાવરધો બનતો ચાલ્યો. ગુજરાતમાં થયેલા રમખાણોમાંથી સૌથી વધારે તાત્કાલિક રાજકીય ફાયદો કોઈને થયો હોય, તો તે ભાજપને થયો હતો. તેથી ભાજપની હિંદુત્વની કહેવાતી વિચારધારાને સત્તામાં પહોંચતી રોકવા અથવા સત્તામાંથી બેદખલ કરવા માટે મીડિયા ટ્રાયલો અને એક્ટિવિસ્ટો દ્વારા તંત્રને ધર્મનિરપેક્ષતાના નામે કામે લગાડવામાં આવ્યું. આ કામ કોંગ્રેસના શાસન હેઠળની કેન્દ્ર સરકારના કાર્યકાળમાં પુરજોરથી ચાલ્યું.

માટે અત્યારે ગુજરાત રમખાણોમાં થઈ રહેલો ન્યાય હકીકતમાં કોર્ટોનો ચુકાદો હોવા છતા પણ એક વિચારધારાને મજબૂત થઈને કેન્દ્રમાં સત્તાસ્થાને પહોંચતી અટકાવવા માટે કોંગ્રેસના રણનીતિકારો દ્વારા તંત્રનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું સ્પીડ બ્રેકર સાબિત થયા છે. અત્યાર સુધીનો ઈતિહાસ રહ્યો છે કે ટોળા દ્વારા આચરવામાં આવેલા ગુનાઓ સંદર્ભે કોઈ ચોક્કસ વ્યક્તિઓને સજા આપવામાં આવી નથી. તાર્કિક રીતે એક પ્રશ્ન અવશ્ય થાય કે 10થી 15 હજારના વિશાળ ટોળા દ્વારા આચરવામાં આવેલા ગુનામાં માત્ર થોડાંક લોકોને પકડીને તેમાથી થોડાકને સજા આપવી ક્યો ન્યાય છે? આમા શક્યતા રહેલી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક કારણોથી ઘણાં લોકોના નામ તપાસ દરમિયાન લખાવવામાં આવતા હોય છે, તેમની સામે પુરાવા અને સાક્ષીઓ ઉભા કરવામાં આવતા હોય છે, તેમને ચોક્કસ રીતે ફ્રેમ પણ કરવામાં આવતા હોય છે. જ્યારે કોઈ વિચારધારાને આગળ વધવા નહીં દેવાનો સવાલ હોય છે, ત્યારે આવા કામ માટે સામાપક્ષનું રાજકીય અને આર્થિક પીઠબળ પણ સાંપડતું હોય છે.

ગુજરાતના રમખાણોમાં ઝડપાયેલા મોટાભાગના લોકો આવા પ્રકારથી ફ્રેમ થયા હોવાની મોટી શક્યતા રહેલી છે. પરંતુ તેના માટે તપાસ પ્રક્રિયામાં કોઈ વિશેષ જોગવાઈ થઈ હોય તેવું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી. બીજી તરફ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં 3 લાખ કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરવાના અને અત્યાર સુધીમાં ઘાટીમાં 70 હજારથી વધારે હિંદુઓની હત્યા કરનારા લોકોને હજી સુધી આકરી સજા કરવામાં આવી નથી. આના માટે કોઈ મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવી નથી અને કોઈપણ કહેવાતા ધર્મનિરપેક્ષ એક્ટિવિસ્ટોએ જમ્મુ-કાશ્મીરના કોમવાદી આતંકવાદ ચલાવનારાઓને સજા આપવા માટે કોઈ પ્રયત્ન હજી સુધી કર્યો નથી.

દેશમાં અત્યાર સુધી ઘણાં આતંકવાદી હુમલા થયા છે. પરંતુ આ આતંકવાદી હુમલામાં ઝડપાયેલા લોકોને માનવાધિકારના નામે ઢીલું વલણ દાખવીને મુક્ત કરવા માટે ન્યાયતંત્રે મજબૂર થવું પડયું છે. આમાના જવાબદાર એવા ઘણાં ઓછા લોકોને કોર્ટ સુધી ઘસડી શકાયા છે. તેમાંથી બહુ થોડા લોકોને સજા મળી છે. તેમની સજા નરોડા પાટિયા કેસમાં સજા પામેલા 32 આરોપીઓ જેવી આકરી નથી. વળી સંસદ પર હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલો અફઝલ ગુરુ જેને વર્ષોથી જેલમાં મટન-બિરયાની ખવડાવામાં આવે છે, તેને પણ હજી સુધી ફાંસી આપી શકાય નથી. જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા અફઝલની ફાંસીથી અસરગ્રસ્ત બને તેવી ત્યાંની સરકારને અને કેન્દ્ર સરકારને ભીતિ છે. આ સિવાય મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને સુપ્રીમ કોર્ટે પણ ફાંસીની સજા આપવા કહ્યું છે. પરંતુ તેને ફાંસી ક્યારે આપવામાં આવશે, તે નક્કી થઈ શક્યું નથી.

1984માં દિલ્હીમાં ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરતા ફાટી નીકળેલા રમખાણોમાં 4 હજારથી વધારે લોકોની નિર્મમતાથી હત્યાઓ થઈ. પરંતુ આજ સુધી તેના માટે જવાબદાર કોંગ્રેસના કોઈ મોટા નેતાઓને સજા થઈ શકી નથી. સીબીઆઈની આ કેસોમાં તપાસની ખૂબ મોટા પ્રમાણમાં ટીકા કરવામાં આવી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવના શાસનકાળમાં થયેલા ભાગલપુર રમખાણોમાં પણ નરોડા પાટિયા જેવી કડક સજાઓ કરવામાં આવી નથી. આ સિવાય 1969માં અમદાવાદમાં કોંગ્રેસના હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રીકાળમાં થયેલા રમખાણોમાં કોઈને સજા આપવામાં આવી ન હતી. 1969ના રમખાણોનો ભારતના મોટા રમખાણોમાં સમાવેશ થાય છે, તેમાં અંદાજે હજાર લોકો એકલા અમદાવાદમાં જ માર્યા ગયા હતા.

ભારતની કોઈપણ સરકારે કોમી હુલ્લડોને જોવાનો પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે, કારણ કે કોમી હુતાસણો સામાન્ય ગુનાખોરીની કેટેગરીમાં આવતા અપરાધો નથી. આ ગુના માટે અલગ મેન્યુઅલ, તપાસ પ્રક્રિયા, અલગ જ્યુડિશ્યલ પ્રોસિજર અને અલગ સજાનું માળખું તૈયાર કરવું પડશે. જો આતંકવાદીઓ પ્રત્યે માનવાધિકારના નામે નરમ વલણ અપનાવવામાં આવતું હોય, તો કોમી રમખાણોમાં કોમી ઉન્માદનો ભોગ બનેલા વ્યક્તિ પ્રત્યે કોર્ટે શા માટે નરમ વલણ ન અપનાવવું જોઈએ? ગુનાની પાછળ સજા આપતી વખતે હંમેશા વ્યક્તિનો ઈરાદો મહત્વનો ભાગ ભજવતો હોય છે, પણ ઉન્માદમાં આવીને મારકાટ પર ઉતરી આવેલા ગુનાખોરીની પૃષ્ઠભૂમિ નહીં ધરાવતા વ્યક્તિના ઈરાદા પ્રોફેશનલ ગુંડા કે આતંકવાદી જેટલા પૂર્વનિયોજિત અને ખતરનાક હોતા નથી. ત્યારે તેમને આતંકવાદી અથવા પ્રોફેશનલ ગુંડાની જેમ સજા શા માટે આપવામાં આવે છે?

કોઈ કોમનો અણગમો દૂર કરવા માટે આકરી સજાનો અભિગમ ન્યાયતંત્ર માટે પણ ખતરનાક છે, કારણ કે આનાથી જ્યારે અન્ય કોમ દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહીમાં જો આવો ન્યાય નહીં તોળાય તો સ્થિતિ વધારે ભયજનક બનશે. ન્યાય થવો, ન્યાય થયો હોય તેવું લાગવું સાથે સંતુલિત ન્યાય થયો હોવાનું તમામ પક્ષોને લાગે તે પણ એટલું જ જરૂરી છે. ન્યાય કરતી વખતે પલ્લુ કોઈ ચોક્કસ તરફ વધારે પડતું નમી જવું પણ ન્યાય માટે ખતરનાક બાબત છે.