Monday, November 21, 2016

અમેરિકામાં ટ્રમ્પયુગ : ઈસ્લામિક આતંકવાદને છાવરતા અમેરિકન ગ્લોબલાઈઝેશનની હાર

-  પ્રસન્ન શાસ્ત્રી

અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ભારત ખાતે મીડિયાના કેટલાંક ખાસ તત્વો વિકૃત મુલવણી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકાની લોકશાહીની હાર છે! શું અન્ય દેશની લોકશાહીને ભારતની અંદર વ્યાપ્ત કથિત સેક્યુલારિઝમના વિકૃત માપદંડોથી મુલવી શકાય? અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ભારતની અંદર કેટલાક ખાસ રાજકીય-સામાજિક-મીડિયાના વર્તુળોમાં ચાલતો અથવા તો ચલાવાતો ગુંચવાડો નથી. આવો ગુંચવાડો હશે તો તેને અમેરિકામાં ભારતના ચોક્કસ તત્વોની જેમ છાવરવામાં આવતો નથી. લોકશાહીમાં જનતા જનાર્દન છે અને જનતાનો ચુકાદો જ સર્વોચ્ચ છે. તેથી અમેરિકાની લોકશાહી પ્રક્રિયામાં ત્યાંની જનતાએ આપેલો ચુકાદો ઐતિહાસિક છે અને તે દુનિયામાં કથિતપણે ઉદારવાદી અને નિર્વિવાદીતપણે આત્મઘાતી સાબિત થયેલા માપદંડો સામે અસ્વીકારનો બુલંદ થઈ રહેલો અવાજ પણ દર્શાવી રહ્યો છે. 

ઈસ્લામિક આતંકવાદ દુનિયાની 1400 વર્ષ જૂની સમસ્યા છે. આ ઈસ્લામિક આતંકવાદની સમસ્યા તાજેતરના દોઢસો વર્ષથી વધારે મોટો પડકાર બની છે. તેની પાછળનું કારણ પોલિટિકલ ઈસ્લામનો ઉદભવ અને ઉપયોગ છે. પોલિટિકલ ઈસ્લામના માઠા પરિણામોથી વિશ્વમાં કોઈપણ દેશ સૌથી વધારે પરિચિત અને પીડિત હોય તો તે ભારત છે. 1947 પહેલા અને 1947ના ભાગલા બાદ પોલિટિકલ ઈસ્લામના વિવિધ સ્વરૂપો અને તેની તકવાદી રાજકીય તત્વો સાથેની સાંઠગાંઠ અને તેને દુષ્પરિણામોથી ભારત સુપેરે પરિચિત છે. એ અલગ વાત છે કે હજીસુધી ભારતવિરોધી રહેલા પોલિટિકલ ઈસ્લામને નાથવા માટે ખુરશી પર બેસવા માટેના રાજકારણમાંથી નવરા નહીં પડેલા રાજકારણીઓ કંઈ કરી શક્યા નથી. 

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની જીત અમેરિકામાં ઈસ્લામિક આતંકવાદી વિચારધારા અને તેના વાહકોની સામે ઉભા થઈ રહેલા ખ્રિસ્તી દક્ષિણપંથીઓની સામુહિક ચિંતામાંથી ઉભા થયેલા ચિંતનની જીત છે. ભારતમાં કેટલાંક ચોક્કસ તત્વો ટ્રમ્પની જીતને ઈસ્લામફોબિયાની અમેરિકા ખાતેની જીતમાં ખપાવે છે. ટ્રમ્પની જીતને કારણે આઈએસઆઈએસ, અલકાયદા જેવા ઈસ્લામિક આતંકવાદીઓ તેનો પોતાના સંગઠનોમાં આતંકીઓની ભરતી માટે ઉપયોગ કરશે તેવા આકલનો પણ કરી રહ્યા છે. ખેર, આવા આકલનોનો તો ચાલતા રહેવાના.. પણ હકીકત એ છે કે ભારત હોય કે મ્યાંમાર હોય, યુરોપ હોય કે અમેરિકા હોય, જાપાન હોય કે પૂર્વ એશિયાના દેશો હોય તમામ બિનઈસ્લામિક દેશોમાં ઈસ્લામિક આતંકવાદના પડકાર સામે અસરકારક પગલા લેવા માટે અહીંની સરકારો પાસે લોકો આશા રાખીને બેઠા છે. તેથી અમેરિકામાં પણ ઈસ્લામિક આતંકવાદ સામે ઢીલીઢાલી નીતિની તરફદારી કરનારા ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના સ્થાને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકનોએ પસંદગી કરી છે. ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, યુરોપના અન્ય દેશોમાં આતંકવાદી હુમલાઓ બાદ દક્ષિણપંથી ઉભાર જોવા મળી રહ્યો છે. આખી દુનિયાને વીસ વર્ષ પહેલા ઉદારવાદી મુક્ત નીતિઓની સલાહ આપતા યુરોપ અને અમેરિકા હવે ભયાનક હદે રાષ્ટ્રવાદી બનવા તરફ આગળ વધી રહ્યા છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો તેને પણ અહીં દક્ષિણપંથી રાષ્ટ્રવાદી ઉભાર તરીકે જોવાઈ રહ્યો છે. ફ્રાન્સ અને જર્મનીની આગામી ચૂંટણીઓમાં તેના સત્તાના સૂત્રો દક્ષિણપંથી પાર્ટી કે દક્ષિણપંથી વિચારો ધરાવતા નેતાઓના હાથમાં જવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. વિશ્વ આખાની એકમાત્ર ચિંતા આતંકવાદનો ખાત્મો કરવા બાબતે છે. 

2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાની 9/11ના નામથી કુખ્યાત દુર્ઘટના સર્જાઈ હતી. તેના પંદર વર્ષના સમયગાળા દરમિયાન અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ. બુશ અને નિવર્તમાન રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા દ્રઢતાપૂર્વક આતંકવાદ મુસ્લિમ માન્યતાઓની આસપાસ વણાયેલા હોવાના અભિપ્રાયને નકારતા રહ્યા છે. 

11 સપ્ટેમ્બર-2001ના આતંકી હુમલાના બીજા દિવસે બુશે વોશિંગ્ટન ખાતેના ઈસ્લામિક સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશે ઈસ્લામ એટલે શાંતિ હોવાનું જણાવ્યું હતું. આતંકવાદનો ચહેરો ઈસ્લામનો વાસ્તવિક ચહેરો નહીં હોવાનું પણ બુશે જણાવ્યું હતું. ઈસ્લામની માન્યતાઓ ઉદ્દામવાદ અને આતંકવાદનું કારણ હોવાનું જાણવતા વિશેષજ્ઞો અને જૂથોને મુખ્યપ્રવાહમાંથી અમેરિકામાં હાંસિયામાં ધકેલી દેવાયા હતા. તેમને ઈસ્લામફોબિક ગણવવામાં આવ્યા હતા. 

પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ અમેરિકાનની ઈસ્લામિક દુનિયા સામેની નીતિઓને ઘડવાનું કામ આવા કથિત ઈસ્લામફોબિકના હાથમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના કેટલીક ટીપ્પણીઓ આને ખાસ ઉજાગર કરનારી છે. તેમણે સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અભિપ્રાય આપ્યો હતો કે ઈસ્લામ આપણને (અમેરિકાને કે બિનમુસ્લિમોને?) ધિક્કારતો હોવાનું લાગે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં મુસ્લિમોની સંપૂર્ણપણે અમેરિકા ખાતે પ્રવેશબંધી કરવાના અને મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને પાછા ધકેલી દેવાની વાત પણ કરી છે. તો આતંકવાદીઓ સામે ઘાતક હથિયારોના ઉપયોગ અને આતંકવાદીઓના પરિવારજનોને ખતમ કરવા સુધીની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચુક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આઈએસ સામેની બરાક ઓબામાની નીતિઓ સામે અસંતોષ પ્રગટ કરીને વધુ આકરી કાર્યવાહી જમીની અભિયાનોની વાત પણ કરી છે. હવે ટ્રમ્પ 20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કરવા જઈ રહ્યા છે. અમેરિકામાં સત્તા હસ્તાંતરણ માટેની પ્રક્રિયામાં તેમની એક ટીમ લાગેલી છે. ગત ફેબ્રુઆરી માસમાં અમેરિકાના આગામી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક ફ્લિને ટ્વિટ કર્યું હતું કે મુસ્લિમોથી ડર કારણ વગરનો નથી. બ્રિટન ખાતેના ઈરાકી મૂળના વિશેષજ્ઞ આઈ. ક્યૂ. અલ-રાસુલીનો એક વીડિયો પણ તેમણે ફોરવર્ડ કરવા માટે વિનંતી કરી હતી. ઈરાકી મૂળના બ્રિટિશર અલ-રાસુલીએ ઈસ્લામને પશ્ચિમ સામે અવિરત યુદ્ધરત પંથ ગણાવ્યો હતો. 

તો ટ્રમ્પના ચીફ સ્ટ્રેટર્જિસ્ટ સ્ટીવ બેન્નોને 2014માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પશ્ચિમી ખ્રિસ્તી જગત જેહાદિસ્ટ ઈસ્લામિક ફાસિજ્મ સામેના ક્રૂર અને લોહિયાળ સંઘર્ષના ખૂબ પ્રારંભિક તબક્કામાં છે. આ દુશ્મનની સામે કડક માપદંડો સાથે પગલા ભરવામાં નહીં આવે તો ગત બે હજારથી પચ્ચીસો વર્ષમાં મેળવેલું બધું નષ્ટ થઈ જશે. 2001થી 2016 સુધીના સમયગાળામાં અમેરિકાના નીતિ-નિર્ધારકોમાં આવેલું પરિવર્તન કોના કારણે આવ્યું તેનો પણ જવાબ આઈએસને ટ્રમ્પની જીતમાંથી  આતંકીઓની ભરતીમાં મદદ મળશે તેવી વાતો કરનારાઓએ ચોક્કસપણે આપવો જોઈએ. 

ટ્રમ્પ દ્વારા પસંદ કરાયેલા અમેરિકાના આગામી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક ફ્લિને ઈસ્લામને એપિક ફેલ્યોર એટલે કે ઐતિહાસિક નિષ્ફળ ગણાવ્યો છે. આની પાછળ પણ તેમના ઘણાં તર્કો છે. તો પાકિસ્તાનના આતંકી નેટવર્કોથી તેઓ સારી રીતે અવગત છે. તેમણે પાકિસ્તાનને અપાતી મદદને બંધ કરવાની ઘણી વખત પેરવી કરી છે. જો કે અમેરિકાની કેટલીક થિન્ક ટેન્કો ઓબામાના વહીવટી તંત્ર પર ઈજીપ્તના કટ્ટરવાદી સંગઠન મુસ્લિમ બ્રધરહુડના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતી રહી છે. હુમા અબેદીન હિલેરી ક્લિન્ટનના પ્રચાર અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. પાકિસ્તાની મૂળની આ મુસ્લિમ મહિલા પર પણ મુસ્લિમ બ્રધરહુડ માટે લાગણી દાખવવાનો આરોપ લાગતો રહ્યો છે.

ટ્રમ્પની જીતની સાથે વૈશ્વિકરણની કથિત વાતો વાર્તાઓ બનવા તરફ આગળ વધી રહી છે. વૈશ્વિકરણનું સૌથી મોટું તરફદાર અમેરિકા પોતાની પ્રકૃતિમાં ફેરફાર કરે તેવી પુરેપુરી શક્યતા છે. ત્યારે આવા મોટા પરિવર્તનના કારણ ઈસ્લામિક આતંકવાદને પ્રોત્સાહિત કરનારા ઈસ્લામિક દુનિયાના તત્વોને હતોત્સાહીત કરવાની પ્રક્રિયા બાબતે કેવી રીતે શરૂઆત કરવામાં આવશે? નહીંતર દુનિયાના ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ એટલે કે સભ્યતાઓના સંઘર્ષના પથ પર આગળ વધવાની સંભાવનાઓ વધારે પ્રબળ બનશે. જો કે આતંકવાદ અને તેના સમર્થકોને સભ્ય નહીં પણ અસભ્ય જ ગણી શકાય. એટલે કે સભ્યતાઓનો અસભ્યતા સામેના સંઘર્ષની શક્યતાઓ વધુ પ્રબળતા તરફ આગળ વધશે. બાકી સાઉદી અરેબિયાના નાણાંનું જોર અમેરિકામાં પણ નીતિઓ પર અલગ-અલગ લોબિસ્ટો દ્વારા દેખાતું રહે છે. આવી જ રીતે ઈસ્લામિક દુનિયાના પેટ્રોડોલરનું જોર ભારતમાં પણ ચોક્કસ રાજકીય વર્તુળો, મીડિયાના તત્વો, કથિત એનજીઓ સુધી જોઈ શકાય છે. પણ સવાલ એ પણ છે કે તેમની સામે કેમ કંઈ કરી શકાતું નથી? તેના સંદર્ભે પણ નિર્ણાયક વિચાર કરવો જરૂરી છે. 

બ્રિટિશરોએ વસાહતો સ્થાપીને આખી દુનિયા પર રાજ કર્યું હતું. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ બાદ કમ્યુનિઝમનો ડર દેખાડી વિશ્વમાં અલગ-અલગ દેશોમાં લશ્કરી થાણા સ્થાપ્યા હતા. તેની સાથે અમેરિકાના મૂડીવાદી મૂડીપતિઓએ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા દુનિયાના ગરીબ વિકાસશીલ દેશોમાં આર્થિક શોષણનો ભરડો લેવાનું શરૂ કર્યું. તેના માટે તેમણે ઉદારીકરણ અને વૈશ્વિકરણના નામે નવી અમેરિકાના શોષણને સ્થાન આપતી વૈશ્વિક નીતિના ચક્કરમાં દુનિયાને નાખી દીધી હતી. અમેરિકન છાપ ગ્લોબલાઈઝેશનમાં ભારત જેવા દેશોને ઈસ્લામિક આતંકવાદ સામે આંખ આડા કાન કરવાના હતા. પાકિસ્તાનમાંથી ફેલાતા ઈસ્લામિક આતંકવાદે અમેરિકાને અફઘાનિસ્તાનના માર્ગે નુકસાન કર્યું નહીં ત્યાં સુધી સેક્યુલારિઝમના વિકૃત માપદંડોનું પ્રચલન ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં દ્રઢીકરણ કરવા માટે મીડિયા લોબિસ્ટોને યેનકેન પ્રકારે સીધા કે આડકતરી રીતે પ્રેરીત પણ કરાતા રહ્યા છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના એજન્ટ ફઈની પાસે ઘણાં ભારતીય મીડિયાકર્મીઓ અને કથિત વિચારકો અવાર-નવાર જઈ આવ્યા છે.

પણ અમેરિકામાં ટ્રમ્પની જીત અમેરિકા દ્વારા અત્યાર સુધી ચલાવવામાં આવેલા ગ્લોબલાઈઝેશનની હાર છે. તેની સાથે અમેરિકન રાષ્ટ્રવાદની ટ્રમ્પની જીત સાથે મોટી જીત થઈ છે. દેશના અસ્તિત્વનો આધાર રાષ્ટ્રવાદ છે. રાષ્ટ્રવાદ વગરના ગ્લોબલાઈઝેશનનો વિચાર અમેરિકાની લોકશાહીના ચુકાદામાં નામંજૂર કરાયો છે. તેમાં ઈમિગ્રેશન પોલિસીથી માંડીને ઈસ્લામિક આતંકવાદ સુધીની સમસ્યાઓ સંદર્ભે નવી નીતિઓના આગાજના સંકેત મળી રહ્યા છે. એક ધ્રુવીય દુનિયામાં અમેરિકાનો ઘટી રહેલો વૈશ્વિક પ્રભાવ અમેરિકાની ચૂંટણીમાં એક ઘણો મોટો મુદ્દો રહ્યો છે. અમેરિકના ઘટતા વૈશ્વિક પ્રભાવની પાછળ ઈસ્લામિક આતંકવાદ ઘણું મોટું કારણ છે. અમેરિકાને ઈસ્લામિક દુનિયાના પાકિસ્તાન જેવા કટ્ટરવાદી દેશો સાથે મિલભગત કરીને ચીન પડકારી રહ્યું છે. ઉત્તર કોરિયાને પણ ચીન પોતાના વ્યૂહાત્મક હથિયાર તરીકે અમેરિકા સામે વાપરી રહ્યું છે. રશિયા સાથે સારા સંબંધો બાંધવામાં બરાક ઓબામા નિષ્ફળ ગયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ગ્રેટ અમેરિકા બનાવવાના નામે મેળવેલી જીત અમેરિકનોની હકીકતમાં રહેલી પીડાની ઘણી હદે ચાડી ખાય છે.