Tuesday, October 11, 2016

પાકિસ્તાની આતંક સામે સર્જિકલ સ્ટ્રાઈક આવકાર્ય શરૂઆત

- પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનનો પાયો અમન નથી. તેથી પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની શાંતિ માટેની કોશિશો ઠગારી નિવડશે. પાકિસ્તાન એક એવી સમસ્યા છે કે જે માત્ર ભારત માટે પડકાર નથી રહી. પાકિસ્તાનની સમસ્યાના મૂળિયાને તપાસવામાં આવે, તો તે આખી દુનિયાની સમસ્યાનું મૂળ છે. પાકિસ્તાન આખી દુનિયા માટે પડકારરૂપ બનેલી સમસ્યા છે. પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા માટે અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયે 1947થી ભારત પર ખૂબ મોટું દબાણ રાખ્યું છે. 1971 બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવા દેવાયું નથી. કારગીલમાં પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની ઘૂસણખોરી છતાં ભારતને અંકુશ રેખા નહીં ઓળંગવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પરથી અને ખાસ કરીને અમેરિકા દ્વારા ભયાનક દબાણ કરવામાં આવ્યું હતું.

ભારતની સામે પાકિસ્તાની આતંકવાદને નાથવા માટે ઘણી વ્યૂહાત્મક અડચણો છે. આવી વ્યૂહાત્મક અડચણોમાં ક્યારેક અમેરિકા, તો ક્યારેક ચીન  એક અથવા બીજી રીતે પાકિસ્તાનને બચાવતા રહ્યા છે. પરંતુ ત્રણ દાયકાથી ચાલી રહેલા પાકિસ્તાની આતંકવાદ સામે ભારતીયોની સહનશક્તિ હવે સમાપ્ત થઈ ચુકી છે. ભારતની સરકારો પર છેલ્લા ઘણાં વર્ષોથી ભારતની જનતાના આક્રોશનું ઘણું મોટું દબાણ પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ગુરુદાસપુરથી શરૂ કરીને પઠાનકોટથી માંડીને ઉરી ખાતેના હુમલાઓએ પાકિસ્તાનના આતંકવાદીઓની હરકતો સામે ભારતીયોના આક્રોશને ભડકાવી દીધો છે. બસ અચાનક ભારતની સરકારે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પીઓકે તરીકે ઓળખાતા વિસ્તારમાં જઈને સેનાના કમાન્ડોને સર્જિકલ સ્ટ્રાઈક માટે મોકલવા માટે મજબૂર થવું પડયું છે. આતંકવાદીઓ સામે કડક હાથ કામ લેવાની પહેલ અને વ્યૂહાત્મક અડચણની અંકુશ રેખા ઓળંગીને પાકિસ્તાનીઓના કબજા હેઠળના વિસ્તારમાં જઈને કાર્યવાહી કરવી એક આવકાર્ય પગલું છે. છેલ્લા ત્રીસ વર્ષથી ભારતની જનતા જેની રાહ જોઈ રહી હતી તેવું એકમાત્ર પગલું જનતાની જાણકારીમાં સરકાર દ્વારા સત્તાવાર મૂકવામાં આવ્યું છે.

પરંતુ એક સર્જિકલ સ્ટ્રાઈક એ તો માત્ર એક મોટી લડાઈની શરૂઆત માત્ર છે. ઉરી હુમલા બાદ પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ લગભગ ત્રણથી ચાર હુમલા સેના અને પોલીસને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. તેનો સીધો અર્થ છે કે પાકિસ્તાની આતંકવાદીઓ અને તેનું આકા પાકિસ્તાની સેના –સરકાર- આઈએસઆઈ બિલકુલ સુધરવાના નથી. પાકિસ્તાનના આતંકી નેટવર્કના ખાત્મા માટે ભારતે આવી ઘણી બધી સર્જિકલ સ્ટ્રાઈક્સ અને ભીષણ યુદ્ધ સુધીના વિકલ્પો માટે તૈયારી કરવી પડશે. પાકિસ્તાન એક એવો રોગ છે કે જેનો ઈલાજ માત્ર બળપ્રયોગ છે. પાકિસ્તાનને બળપ્રયોગ સિવાયની અન્ય કોઈ ભાષાથી બુદ્ધિ આવતી નથી. પાકિસ્તાનના આતંકવાદીઓને સંરક્ષણ આપતી તેમની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને નબળી પાડવાની દિશામાં ભારત તરફથી વૈશ્વિક કૂટનીતિક અને વ્યૂહાત્મક કોશિશોને અસરકારક રીતે ઝડપથી આગળ વધારવી જરૂરી છે. 

કોઈપણ લડાઈમાં પોતાની શક્તિઓ અને ખામીઓની ઓળખ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. તેની સાથે સામે રહેલા દુશ્મની ઓળખ પણ મહત્વપૂર્ણ છે. ભારતની સામે રહેલા પાકિસ્તાની આતંકવાદને દુશ્મન સમજીને માત્ર તેના સુધીની મર્યાદીત કાર્યવાહી દુરસ્ત ઈલાજ કરી શકશે નહીં. ભારતમાં આતંકવાદનું મૂળ કારણ પાકિસ્તાનની વિચારધારા અને તેમાંથી ઉભી થયેલી માનસિકતા છે. પાકિસ્તાન પોતાના ઈસ્લામિક દેશ ગણાવી રહ્યું છે. ઈસ્લામની કંઈ વિચારધારા સાચી અને કઈ વિચારધારા ખોટી તેની ચર્ચામાં ભારત અને ભારતના લોકોએ ફસાવવાની જરૂર નથી. પાકિસ્તાનના મલીન દિમાગમાં ચાલી રહેલા જોખમી વિચારોના મૂળ પ્રવાહને ભારતે બરાબર ઓળખવો પડશે. પાકિસ્તાન ધાર્મિક સહઅસ્તિત્વના ઈન્કારના આધારે બનાવાયું છે. આ ધાર્મિક સહઅસ્તિત્વનો ઈન્કાર વિભાજન પહેલાની રાજકીય ઈસ્લામની મજહબી માન્યતાઓનું પરિણામ છે. પાકિસ્તાન રુઢિવાદથી કટ્ટરવાદ,કટ્ટરવાદથી આતંકવાદ અને આતંકવાદથી અંતિમવાદના માર્ગે કથિત મજહબી માન્યતાઓને આધારે આગળ વધી રહ્યું છે. ભારતના લોકોના મનમાં માનવતાને બચાવવા માટેની લડાઈ સંદર્ભે કોઈપણ પ્રકારની શંકાઓ હોવી જોઈએ નહીં. માનવતાને બચાવવાની વૈશ્વિક લડાઈમાં ભારતની ઈચ્છાએ કે અનિચ્છાએ તેને તેમા સામેલ થવાનું જ છે. વળી માનવતાને બચાવવાની લડાઈ ખુદ ભારતના સ્વરક્ષણની લડાઈ પણ છે. 

પ્રવર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યોમાં આમૂલચૂલ પરિવર્તનો દેખાઈ રહ્યા છે. અમેરિકા હવે ભારતનું વધુ સારું મિત્ર બની રહ્યું છે, પરંતુ પાકિસ્તાન સાથેની દોસ્તી અમેરિકાની વ્યૂહાત્મક લાચારી હોય તેવું ઘણાં જાણકારો તારણ કાઢી રહ્યા છે. તો ચીન પાકિસ્તાનની પડખે વધુ મજબૂતાઈથી ઉભેલું દેખાય છે. રશિયા પણ પાકિસ્તાન સાથે ઠંડાયુદ્ધની સમાપ્તિ પછી ગત ત્રણ વર્ષોમાં સંબંધો સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતું દેખાઈ રહ્યું છે. ઠંડાયુદ્ધમાં તત્કાલિન સોવિયત સંઘની લાલસેનાઓ સામે લડનારા તાલિબાનો સાથે તેનું ઉત્તરાધિકારી એવું રશિયા ખાનગી રાહે પાકિસ્તાનની મદદથી પોતાના મધ્ય-પૂર્વના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને વાટાઘાટો પણ કરી રહ્યું હોવાના આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો છે. તો દક્ષિણ ચીન સાગરમાં આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નહીં માનવાની જીદ અહીં ચીન અને અમેરિકા વચ્ચે મોટા તણાવને આકાર આપી રહી છે. આવા સંજોગોમાં ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિતોની સર્વોપરીતા રાષ્ટ્રીય સુરક્ષા હોવા અંગે એક સ્પષ્ટતા હોવી જરૂરી છે. પાકિસ્તાનનની ન્યૂસન્સ વેલ્યૂને કારણે અમેરિકા સામેના સમીકરણોને જોતા ચીન અને રશિયા બંને તેની સાથે નજીક જવાની કોશિશ કરી રહ્યા છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદને કારણે શાંતિ અને સ્થિરતા પંદર વર્ષના આતંકવાદ સામેના અમેરિકાના યુદ્ધ છતાં પણ સ્થાપિત કરી શકાઈ નથી. આવા સંજોગોમાં અમેરિકા અને નાટો દેશોને પણ અફઘાનસ્તાનમાં એકસો અબજ ડોલરના અત્યાર સુધીના સૌથી વધુ ખર્ચાળ યુદ્ધમાંથી પોતાના હાથ પાછા ખેંચવા છે. પરંતુ તેના માટે કદાચ તેમને દક્ષિણ એશિયા ખાતે એક મજબૂત ખભાની પણ વ્યૂહાત્મક જરૂરીયાતો છે. કદાચ અમેરિકા છેલ્લા ઘણાં વર્ષોથી પાકિસ્તાનની હરકતોને સંતુલિત કરવા માટે ભારતની ભૂમિકા સંદર્ભે ગંભીરતાથી વિચાર કરી રહ્યું હોવાના સંકેતો પણ કેટલીક અમેરિકન થિન્ક ટેન્કો અને સામરિક વિશ્લેષકોની ટીપ્પણીઓમાંથી મળી રહ્યા છે. જો કે ભારત અને અમેરિકાના સરકારો સત્તાવાર રીતે આવી કોઈપણ ભૂમિકા સંદર્ભે ચુપકીદી સેવી રહ્યા છે.

પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચેના ઠંડાયુદ્ધમાં વોશિંગ્ટનનો સાથે તેની વ્યૂહાત્મક ન્યૂસન્સ વેલ્યૂને કારણે મળ્યો હતો. તો હવે નવા વૈશ્વિક પરિદ્રશ્યમાં પણ તેને રશિયા અને ચીન દ્વારા આવો સાથ મળે તેવી શક્યતાઓ ઘણી પ્રબળ હોવાનું નકારવામાં આવતું નથી. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત કરવાના મામલે ચીન ત્રણ વખત વીટો શક્તિનો ઉપયોગ કરી ચુક્યું છે. તો ભારતના ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશના બાધિત કરવામાં પણ ચીન અને પાકિસ્તાનની જુગલબંધી કોઈનાથી અજાણી નથી. 

ભારતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિની સત્વરે સમીક્ષા કરીને તેને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે. ભારતમાં થનારી કોઈપણ વિકાસયાત્રા મજબૂત સેના થકી મળનારી સુરક્ષા વગર ગમે ત્યારે અને પાકિસ્તાન-ચીન ઈચ્છે ત્યા અટકી જશે. તેથી વ્યૂહાત્મક અડચણોને દૂર કરીને પાકિસ્તાની આતંકવાદીઓ, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની નાપાક સાજિશો અને પાકિસ્તાની સેનાના ઉંબાડિયાઓને મજબૂતાઈથી જવાબ આપવાની રણનીતિ પ્રમાણે આગળ વધવું જરૂરી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને અસરકારક ઈન્ટેલિજન્સ માટે વધુ સક્રિય કરવાની જરૂર છે. તેની સાથે ભારતની અંદર રહેલા આતંકી નેટવર્ક સામે કડકાઈપૂર્વકની કાર્યવાહી માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ તથા જે-તે રાજ્યોની ક્રાઈમ બ્રાન્ચને વધુ અસરકારક કામગીરી માટે ફ્રીહેન્ડ આપવાની જરૂર છે. 

પાકિસ્તાન સાથે શાંતિ માટેની કોઈપણ વાટાઘાટો તેની નાપાક હરકતોને કારણે સફળ થવાની નથી. પાકિસ્તાન સાથેની કૂટનીતિ પણ સૈન્ય શક્તિના પરચા વગર અસરકારક નિવડવાની નથી. કોઈપણ ડિપ્લોમસી જમીન પર સૈન્યની શક્તિને સક્રિય કર્યા વગર સફળ થઈ શક્તી નથી. તેથી પાકિસ્તાન અને તેના પાયાના મલિન વિચારોના પડકારોનો સામનો કરવા માટે ભારતની સામર્થ્યવાન સેનાને વધુ શક્તિશાળી બનાવવી જરૂરી છે. એટલે કે ભારતને બૂલેટ ટ્રેન કરતા પહેલા પાંચમી પેઢીના અત્યાધુનિક યુદ્ધવિમાનો વસાવવાની જરૂર છે. આ સિવાય મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, અત્યાધુનિક નૌસૈન્ય શક્તિ અને આર્ટલરી તથા ભૂમિસેનાને વધુ અસરકારક કામગીરી કરવા માટેના આધુનિકીકરણને પુરઝડપે આગળ વધારવું જરૂરી છે. 

તેની સાથે જનતાની માનસકિતા અને પરિપક્વતાને વધારે ઉચ્ચસ્તરે લઈ જવા માટેની કાર્યવાહીઓ સરકાર અને સામાજિક-રાજકીય ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓએ હાથમાં લેવી જોઈએ. તેના માટે હવે વધુ રાહ જોઈને સમય બગાડવાની જરૂર નથી. આ સિવાય માનવતાનો વિરોધ કરનારાઓ સામે દુનિયાના તમામ માનવતામાં વિશ્વાસ કરનારા ધર્મો, વિચારધારાઓ, સમાજો, દેશોએ એકજૂટ બનવાની જરૂર છે. આતંકવાદને પ્રત્યક્ષ કે પરોક્ષ આશ્રય આપતા દેશ અથવા દેશોના સમૂહો અને વિચારસરણીઓને તેમની ભાષામાં લડત આપવી નવા વર્લ્ડ ઓર્ડરની વૈશ્વિક જરૂરિયાત પણ છે અને મજબૂરી પણ છે. વળી આવી વ્યવસ્થા ઉભી કરવાની કોશિશો અને કાર્યવાહીઓમાં રાજકારણ ખેલવાથી ભારતના તમામ રાજકીય પક્ષોએ રાષ્ટ્રહિતમાં દૂર રહેવું જોઈએ. પહેલા આવું બધું કરી ચુક્યા છીએ અને અમે જ આમ કર્યું એવા કોઈ પણ વાદવિવાદમાં પડયા વગર ભારતીય સેનાની સાથે મજબૂતાઈથી ઉભા રહીને પરાક્રમ કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આવો આપણે ભારતના લોકો સાથે મળીને ભારતને આતંકમુક્ત બનાવીએ..