Thursday, March 17, 2016

પઠાનકોટ પાકિસ્તાનની સુરક્ષા નીતિનું પરીક્ષણ

- પ્રસન્ન શાસ્ત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક લાહોર યાત્રામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાનના આતંકવાદીઓએ જૈશ-એ-મહોમ્મદની આગેવાનીમાં બીજી જાન્યુઆરીએ પરોઠિયે પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પર હુમલો કરીને ભારતને હેપ્પી ન્યૂ ઈયર કર્યા હતા. પઠાનકોટ હુમલા બાદ પાકિસ્તાનના આતંકવાદની મોટી-મોટી તાત્વિક વાતોની ચિંતાની હદે ચર્ચા થઈ હતી.

હકીકતમાં પઠાનકોટ પરનો આતંકવાદી હુમલો પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ હેઠળ  ભારત વિરુદ્ધ પોતાના એજન્ડાને આગળ વધારવાની એક કડી માત્ર છે. જેને ભારતની અત્યાર સુધીની સરકારો પાકિસ્તાન પ્રેરીત-પ્રયાજિત આતંકવાદ ગણાવી રહી છે. તે હકીકતમાં ભારત સામેના પાકિસ્તાનના નાના-નાના યુદ્ધો છે. જેને ભારતના લોકો આતંકવાદ સમજીને સહી રહ્યા છે.. તે હકીકતમાં પાકિસ્તાનના એવા નાના યુદ્ધો છે કે જેને કરાચી-લાહોર-રાવલપિંડી જેવા પાકિસ્તાની શહેરોમાંથી ઈચ્છા પડે ત્યારે શરૂ કરાય છે અને પોતાના ઉદેશ્યોની પૂર્તિ સાથે આટોપી લેવાય છે. પરંતુ ભારતના લાકોને માત્ર આતંકવાદની વાતોથી સમજાવાય છે.

કહેવામાં આવે છે કે આતંકવાદનો કોઈ રંગ અને મજહબ હોતો નથી. જો કે ભારતમાં પાકિસ્તાન પ્રેરીત અને પ્રયોજિત આતંકવાદમાં મજહબી પ્રેરણાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આતંકવાદને ડામવા માટે ભારતની સરકારોની અત્યાર સુધીની નીતિઓ અસ્પષ્ટ રહી છે. જેને કારણે વૈશ્વિકસ્તરે વિશેષજ્ઞોમાં એક એવી ધારણા પેદા થઈ છે કે પરંપરાગત મોટા યુદ્ધમાં પાકિસ્તાન ભારત સાથે જીતી શકે તેમ નથી. તો તેવી રીતે ભારતમાં પાકિસ્તાનના કોઈપણ આતંકી હુમલારૂપી નાના યુદ્ધને હરાવવા માટેની આક્રમક ક્ષમતાનો અત્યાર સુધી અભાવ દેખાયો છે.
1971ના યુદ્ધમાં ઐતિહાસિક હાર અને પોતાના ભાગલા બાદ પાકિસ્તાને ભારતને લોહીલુહાણ કરવા માટે આતંકવાદને સામરિક હથિયાર તરીકે વાપર્યો છે. 1984માં પાકિસ્તાને પંજાબમાં આતંકવાદને પોત્સાહન આપ્યું હતું. બાદમાં અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે મુજાહિદ્દીનોની જેહાદને 1990 બાદ કાશ્મીરમાં વાપરવાની શરૂઆત પાકિસ્તાન દ્વારા કરાઈ છે. જેના પરિણામે કાશ્મીર અને ભારતમાં અન્ય ઠેકાણે જેહાદી આતંકવાદની સ્થિતિ પેદા થઈ છે.

ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોર નામના પાકિસ્તાન મિલિટ્રી એકેડમીના અભ્યાસક્રમમાં રહેલા પુસ્તકમાં પણ ભારત સામે લડવા માટે પાકિસ્તાની સેનાને જેહાદના પાઠ ભણાવાય છે. તો પાકિસ્તાનના આતંકી જૂથોને પણ આઈએસઆઈ દ્વારા જેહાદના ઝેર પાઈને ભારતમાં છોડવાની પ્રવૃત્તિ કરાય છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ જૈશ-એ-મોહમ્મદને આતંકી જૂથ લશ્કરે તોઈબાના એક પ્રતિસ્પર્ધી સંગઠન તરીકે ઉભું કર્યું છે. મહત્વપૂર્ણ છે કે પઠાનકોટ હુમલા બાદ લશ્કરે તોઈબાના આતંકીઓએ પમ્પોરમાં હુમલો કર્યાનું પણ સામે આવ્યું છે.  આઈએસઆઈ દ્વારા પાકિસ્તાનમાં ચલાવાતી જેહાદી આતંકની વ્યૂહાત્મક રણનીતિમાં આવા સંગઠનો પોતાની જરૂરિયાતો સાબિત કરવા માટે ભારતને સોફ્ટ ટાર્ગેટ તરીકે નિશાન બનાવતા રહે છે.  જો કે પહેલા આઈએસઆઈ દ્વારા લશ્કરે તોઈબાને ઉભું કરાયુ હતું. જૈશ-એ-મહોમ્મદનની સ્થાપના પહેલા પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ- મુશ્તાક અહમદ ઝરગાર, અહમદ ઉમર સઈદ શેખ અને મૌલાના મસૂદ અઝહરને ભારત સરકારે ડિસેમ્બર-1999માં ભારતીય વિમાનના અપહરણ કાંડમાં પ્રવાસીઓની અવેજીમાં મુક્ત કર્યા હતા. કંધારકાંડમાં મુક્ત કરાયેલા આતંકવાદીઓને આઈએસઆઈ પોતાના સંરક્ષણમાં પાકિસ્તાન લઈ ગઈ હતી. તેના થોડા જ સપ્તાહોમાં મસૂદ અઝહરે કરાચીમાં જૈશ-એ-મહોમ્મદની સ્થાપનાની ઘોષણા કરી હતી.

લશ્કરે તોઈબા અને જૈશ-એ-મહોમ્મદ બંને વૈચારીક ધરાતલ પર અલગ સંગઠનો છે. જૈશ-એ-મોહમ્મદ અફઘાન અને પાકિસ્તાની તાલિબાનોની જેમ જ દેવંબદી વિચારધારાનું જેહાદી આતંકી જૂથ છે. જ્યારે લશ્કરે તોઈબા અહલે હદીસની વિચારધારાને અનુસરે છે. જૈશ મોટાભાગે ફિદાઈન હુમલા કરીને લશ્કરે તોઈબાથી વધારે જોખમી આતંકી અભિયાનોને અંજામ આપતું રહ્યું છે. આ આતંકવાદી જૂથોને પાકિસ્તાની આર્મીના મેજર કે તેની ઉપરની રેન્કના અધિકારીની ફાળવણી કરાય છે. આ પાકિસ્તાની સૈન્ય અધિકારી તેમને તાલીમ અને સંસાધન સુનિશ્ચિત કરાવવાનુ કામ કરે છે. ભારતીય સેનાની ટુકડી વિરુદ્ધ પાકિસ્તાની સૈન્યનો ઈન્ચાર્જ અધિકારી આવા આતંકી જૂથોને કાશ્મીરમાં નાના સ્તરે ભારતીય સેનાની ટુકડીઓને નિશાન બનાવવાની મંજૂરી આપતો હોય છે. આવા હુમલાના કોઈ મોટા વ્યૂહાત્મક નિહિતાર્થ હોતા નથી.

સંભવિત વ્યૂહાત્મક પાસાઓને ધ્યાનમાં રાખીને કાશ્મીરની બહાર થનારા તમામ આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનના આર્મી ચીફની મંજૂરી મહત્વની હોય છે. આવા હુમલાઓને કારણે અમેરિકાનું નારાજ થવાનું બનતું રહેતું હોય છે અને તે ગઠબંધનોને મદદ માટેનું ફંડિંગ બંધ કરે છે. ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ પર તેની જવાબદેહી હોય છે.

એક ચર્ચા એવી પણ ચલાવાઈ કે વડાપ્રધાન મોદીની લાહોર યાત્રા અને પાકિસ્તાન સાથેની વાટાઘાટોની બહાલીની દિશામાં આગળ વધી રહેલી શાંતિ પ્રક્રિયાને રોકવા માટે પઠાનકોટ હુમલો કરાયો છે. પરંતુ વ્યૂહાત્મક બાબતોના આંતરરાષ્ટ્રીય જાણકારોએ આશંકા વ્યક્ત કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ પ્રક્રિયાને બાધિત કરવાની કોશિશ તરીકે પઠાનકોટ પરના આતંકવાદી હુમલાને જોવું જોખમને અવગણવા સમાન છે. આવો દ્રષ્ટિકોણ પાકિસ્તાન દ્વારા દક્ષિણ એશિયાઈ વિસ્તારોમાં તેના રણનીતિક હિતોને સુરક્ષિત કરવા માટે જેહાદી શક્તિઓને અપાઈ રહેલા પ્રોત્સાહનની ખોટી વ્યાખ્યા કરનાર સાબિત થશે.

પઠાનકોટ એરફોર્સ સ્ટેશન પરનો આતંકવાદી હુમલો મોદી-શરીફની મુલાકાતના ઘટનાક્રમની પ્રતિક્રિયા નહીં હોવાની શક્યતા છે. ભારત વિરુદ્ધ પોતાના એજન્ડાને આગળ વધારવા માટે પાકિસ્તાની સેના અને આઈએસઆઈની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિના ભાગ હેઠળ જ આવો હુમલો થાય છે.

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો છે. આવા સંજોગોમાં બંને વચ્ચે મોટા યુદ્ધની શક્યતા ખૂબ જ પાંખી છે અને નાના-નાના યુદ્ધોની મોટી સંભાવનાઓ છે. નાના યુદ્ધણાં પાકિસ્તાનને હરાવવાની ક્ષમતાનો ભારતમાં અભાવ હોવાની ચાડી ઉપલબ્ધ આંકડાઓ અને તેના વિશ્લેષણો ખાય છે.

ઉફામાં મોદી અને શરીફની બેઠકની પ્રતિક્રિયા તરીકે ગુરુદાસપુર ખાતેનો આતંકવાદી હુમલો થયો ન હતો. આ હુમલાનો સમયગાળો મહત્વનો છે. આ હુમલો ત્યારે થયો કે જ્યારે ભારતે મ્યાંમારમાં આતંકવાદીઓ વિરુદ્ધ સીમાપાર અભિયાન છેડયું હતું. તેની સાથે પાડોશી દેશોને નિવેદનોના સ્વરૂપમાં ચેતવણીઓ અપાઈ હતી કે આતંકવાદીઓને શરણ આપનારા પાડોશીઓ સાથે આવો જ વ્યવહાર કરાશે. તેની સામે પાકિસ્તાનને પણ સામે નિવેદનબાજી કરીને ઘણો કકળાટ કર્યો હતો.

પઠાનકોટ અને ગુરુદાસપુર બંને આતંકી હુમલા નાના શહેરોમાં થયા છે. મુંબઈ અથવા દિલ્હી જેવા શહેરોમાં આતંકી હુમલા ખૂબ મોટો વૈશ્વિક હંગામાનું કારણ બનતા હોય છે. સંસદ પરનો 2001નો આતંકી હુમલો પણ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવામાં આવ્યો હતો. તેમાં પણ ભારતની પાકિસ્તાન પ્રત્યેની સહિષ્ણુતા અને સહનશીલતાની આંકણી કરવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ ખાતેના ભારતીય દૂતાવાસ પરના આતંકવાદી હુમલાને પણ ભારતની સહનશીલતાના પરીક્ષણ તરીકે જ જોવામાં આવે છે.

પાકિસ્તાનનો કાશ્મીર પરનો દાવો ગેરકાયદેસ છે. ભારત પાસે રિયાસતે જમ્મુ-કાશ્મીરનો જોડાણપત્ર ઉપલબ્ધ છે. આ જોડાણપત્ર પર તત્કાલિન મહારાજા હરિસિંહે 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ હેઠળ હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાને કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ પ્રમાણે જનમત સંગ્રહની પહેલી શરતને જ પુરી કરી નથી. આવા સંજોગોમાં હવે દાયકાઓ બાદ આતંકવાદના દબાણમાં પાકિસ્તાન દ્વારા ભારતને કાશ્મીર મુદ્દે ચર્ચા માટે દબાણ કરાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરશે તો તેનાથી પાકિસ્તાનને વધુ પ્રોત્સાહન મળવાનું કારણ ઉભું થાય છે અને તેની સાથે ઘરઆંગણે કાશ્મીર પર તેના દાવાની વાતને કાયદેસરની હોવાની લાગણી ઉભી કરવાનો મોકો પણ મળે છે. પાકિસ્તાની સેના પણ પોતાના દેશના લોકોને કહી શકે છે કે ભારતના લોકોને પણ લાગે છે કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જરૂરી છે.

પઠાનકોટ જેવા આતંકી હુમલાઓની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને પાકિસ્તાનને એક જ પલડામાં મૂકીને બંનેને વિવાદો ઉકેલવાની સલાહોનો મારો શરૂ થઈ જતો હોય છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારના બજેટમાંથી નાણાં ફાળવાય છે. પાકિસ્તાની પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફની પાર્ટીની સરકાર છે અને તેમનો ભાઈ અહીં મુખ્યપ્રધાન છે. તો પઠાનકોટ હુમલા બાદ પણ ભારતના આકરા વાંધા છતા અમેરિકા પાકિસ્તાનને આઠ એફ-16 ફાઈટર જેટ્સ વેચી રહ્યું છે.

આવા સંજોગોમાં આતંકવાદી કૃત્યો માટે દંડ આપવાની વાત તો દૂર રહી પણ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય અને અમેરિકાની સહાયતાથી વંચિત રાખવાનું હજી સુધી શક્ય બન્યું નથી. આમ તો ભારત પાસે પાકિસ્તાનની આતંકી હરકતો સામેના ઝૂઝ વિકલ્પો ઉપલબ્ધ છે. તેમ છતાં તેનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે તો પાકિસ્તાનને આતંકી હુમલારૂપી નાના યુદ્ધોમાં પ્રભાવી ઢંગથી હરાવી શકાય તેમ છે. તેના માટે આંતરરાષ્ટ્રીય સરહદો અને એલઓસી ખાતે સરસાઈ સાબિત કરવા માટે વધુ રોકાણ કરવાની જરૂરિયાત છે.

ભારત સરહદો પર મોટાભાગે સંરક્ષણાત્મક ક્ષમતાઓનું જ પ્રદર્શન કરતું રહ્યું છે. પરંતુ પાકિસ્તાન સામેના વલણમાં ફેરફારનો સમય પાકી ગયો છે. આ સિવાય પાકિસ્તાન પાસે તેના સુરક્ષાદળોના સંયુક્ત સંચાલન કરવાની સત્તા ધરવાતો એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. પરંતુ ભારતીય સેના અને સુરક્ષાદળો સંદર્ભે આવી વ્યવસ્થા હજી સુધી કોશિશો છતાં ઉભી થઈ શકી નથી. આ સિવાય અફઘાનિસ્તાનમાં આતંક સામેના યુદ્ધના નામે અમેરિકાની સેનાની ઉપસ્થિતિ અને હવે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે પીઓકેમાં ચીનની સેનાના સૈનિકોની હાજરી પણ ભારતના મુકાબલે પાકિસ્તાનની સૈન્ય સ્થિતિને મજબૂત બનાવે છે. આ સંજોગોમાં ભારતે પણ વ્યૂહાત્મક રીતે વધુ મજબૂત સૈન્ય સ્થિતિ પ્રાપ્ત કરવાની જરૂર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય યુટર્ન

ભારતમાં કોઈપણ પક્ષ શાસનમાં આવે સત્તાની મજબૂરીઓના પાંજરામાં કેદ થઈ જતો જોવા મળ્યો છે. તો વિપક્ષમાં રહેલા પક્ષો સત્તાપક્ષની મજબૂરીને મુદ્દો બનાવીને પોતાના સત્તામાં જવાનો ચિલો ચાતરવાનું કામ કરતા જોવા મળે છે. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની સત્તાની સાઠમારીમાં જનતાના હિતોને ઘણું મોટું નુકસાન પણ થતું જોવા મળ્યું છે. આર્થિક બાબતોની વાત કરીએ.. તો હાલની ભાજપની આગેવાનીવાળી એનડીએની મોદી સરકારે પણ બે બજેટ સત્રમાં પાંચ મોટા યૂટર્ન લીધા છે. કદાચ મોદી પણ સત્તામાં આવ્યા પછી મનમોહનસિંહની જેમ મજબૂર બની ગયા હશે.. 

દેશમાં દશ વર્ષ કોંગ્રેસની આગેવાનીવાળી મનમોહનસિંહની યુપીએ સરકારનું શાસન ચાલ્યું. જીએસટી બિલ અને આધાર કાર્ડ જેવા તે સમયના ઘણાં આર્થિક મુદ્દાઓનો ભાજપ દ્વારા આકરો વિરોધ કરાયો હતો. મોદી સરકારે આર્થિક મોરચે મુખ્ય પાંચ યુટર્ન લીધા છે. જેમાં કાળું ધન.. મનરેગા.. આધાર કાર્ડ.. જીએસટી બિલ.. અને ઈપીએફ પર ટેક્સ વાપસી જેવા મામલાનો સમાવેશ થાય છે. 

ભાજપે બ્લેક મનીને લોકસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવ્યો હતો. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પ્રચાર અભિયાનોમાં વિદેશમાંથી કાળું ધન પાછું લાવવાના ઘણાં બણગાં ફૂક્યા હતા. ભાજપે વાયદો કર્યો હતો કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો એકસો દિવસમાં કાળું ધન વિદેશોમાંથી ભારત પાછું લાવવામાં આવશે. 

મોદી સરકારને સત્તામાં આવ્યાને બે વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે. જો કે આર્થિક સુધારાની વાતો અને કડવી દવા પીડાવાની ગોવામાં કરેલી વાતો પરથી મોદી સરકાર યુટર્ન લેતી જોવા મળી છે. 

કદાચ ભારતની લોકશાહીની મજબૂરી છે કે વોટબેંકના પોલિટિક્સ સામે ભારત અને ભારતના લોકોના આર્થિક હિતો બાજૂ પર કરીને પાર્ટી હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. તો હકીકત એ પણ છે કે કંઈપણ કરવા માટે સત્તા રહેવી પણ જરૂરી છે અને જનતાને સમજાવીને આર્થિક સુધારા કરવા માટે વોટબેંક પોલિટિક્સમાં પોપ્યુલર પગલા લેવા પણ જરૂરી હોય છે કે જેથી ચૂંટણીઓમાં ચૂંટાવાનો મોકો મળતો રહે... એટલે કે દુનિયાની જેમ ભારતનું રાજકારણ પણ ગોળ છે..

બ્લેક મની- 

ભારતના લોકોના હકના ઘણાં કાળા નાણાં દેશ અને વિદેશોમાં છૂપાવામાં આવ્યા હોવાના મસમોટા દાવાઓ છેક આઝાદીથી થતા આવ્યા છે. કાળું નાણું ભ્રષ્ટાચારની જડને મજબૂત બનાવે છે. ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો કરીને દેશમાં સત્તા પર પહોંચી શકાયું હોવાના દાખલા ઘણાં છે. ભાજપને લોકસભામાં બહુમતી મળવા પાછળ વિદેશોમાંથી કાળું નાણું લાવવાનો વાયદો એક મહત્વનું ફેક્ટર હતો. આ મોરચે મોદી સરકારે અત્યાર સુધી કંઈ ખાસ કર્યું નથી. 

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી વિક્રમજનક જાહેરસભાઓ અને રેલીઓમાં મોટા ભાગે કાળા ધનની વિદેશોથી વાપસીનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. દરેક ગરીબોને પંદરથી વીસ લાખ રૂપિયા મળી જશે તેવી આશા પણ જગાવી હતી. 

જો કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ લોકોની આશા ધીમેધીમે ઠગારી સાબિત થવા લાગી. ગરીબોના ખાતામાં પંદરથી વીસ લાખ રૂપિયા વિદેશોમાં કાળા ધનની વાપસીથી આવી જશે તેવી લોકોની આશાને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીલક્ષી જુમલો ગણાવ્યો હતો. 

બ્લેક મની ધારકો સામે કડક કાર્યવાહી માટેનો કાયદો પણ બનાવાયો. પરંતુ 2016-17ના સામાન્ય બજેટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ જાહેરાત કરી કે અઘોષિત સંપત્તિ ધરાવતા લોકો પિસ્તાલિસ ટકા ટેક્સ ચુકવીને કાયદાકીય કાર્યવાહીથી બચી શકશે. આ યોજના એક જૂન- 2016થી 30 સપ્ટેમ્બર- 2016 સુધી લાગુ રહેશે. 

કાળા ધનને સફેદ કરવાની મોદી સરકારની આ યોજનાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ફેયર એન્ડ લવલી યોજના ગણાવી હતી. 

કાળા નાણાંનો આર્થિક વ્યવહાર લાખો કરોડનો હોવાનું માનવામાં આવે છે. વિદેશોમાં કાળા નાણાંના લાખો કરોડ રૂપિયાની ગણતરી નરેન્દ્ર મોદીના ખાસ ટેકેદાર બાબા રામદેવે પણ કરાવી હતી. જો કે ભારતના લોકો પોતાના પરથી કરનો બોજો દૂર થાય તેના માટે વિદેશમાંથી બ્લેક મની મોદી સરકાર પાછા લાવે તેની રાહ જોઈને બેઠા છે... બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ અને દેશમાંથી કાળું ધન બહાર કઢાવે અને દેશના વિકાસમાં આ નાણાંને લગાવે.. પણ આમ થવામાં હવે કેટલી રાહ જોવી પડશે.. ભગવાન જાણે.. 

મનરેગા- 

મનરેગાની યોજના ખરેખર આઝાદીના છ દાયકાઓમાં ગરીબોની ગરીબી દૂર કરવા માટેની કોશિશોમાં ઘણી મોટી કચાસને ઉઘાડી પાડે છે. મનરેગાની ટીકા કરતા મોદી પણ તેના માટે હજારો કરોડની ફાળવણી કરવા માટે મજબૂર છે. મહત્વપૂર્ણ છે કે ભારતના વિકાસદરને ઉંચો લઈ જવાની લ્હાયમાં ક્રોની કેપિટાલિસ્ટોની ફોજમાં વધારો કરવાના સ્થાને દેશના લોકોમાં આર્થિક સમાનતા માટેની ક્ષમતા પેદા કરવાની નીતિઓની તાબડતોબ જરૂરિયાત પર તમામ રાજકીય પક્ષોએ રાજકારણથી પર રહીને પ્રયત્નોમાં જોતરાવાની આવશ્યકતા છે. 

યુપીએ સરકાર દ્વારા ચાલુ કરાયેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગાની ભાજપ દ્વારા ઘણી ટીકાઓ થઈ છે. મનરેગાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ સરકારની નિષ્ફળતાનું સ્મારક સુદ્ધાં ગણાવી ચુક્યા છે. 

જો કે ગરીબોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે મનરેગા ચાલુ રાખવી મનમોહનની જેમ મોદીની પણ મજબૂરી છે. 2016-17ના બજેટમાં મનરેગા માટે મોદી સરકારે 38 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 

ભારતમાં કરોડોપતિઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે.. પરંતુ તેનાથી અનેકગણા ગરીબો ભારતમાં રહે છે. એકસો પચ્ચીસ કરોડની વસ્તીવાળા ભારતમાં ગરીબો અલગ-અલગ સરકારી અંદાજ પ્રમાણે 35 ટકાથી માંડીને 42 ટકા સુધીમાં ક્યાંક છે.. પરંતુ તેનો સીધો અર્થ છે કે ભારતના કરોડો લોકો દારૂણ ગરીબીમાં સબડી રહ્યા છે. વ્યવસ્થા માત્રને માત્ર ધનિકોના જીવવા માટેની જ બની રહી છે. સ્માર્ટ સિટીના વાવાઝોડાંમાં ભારતના આત્મા સમાન ગામડાંઓ ગાયબ થાય નહીં તેની પણ ચિંતા છે. આવા સંજોગોમાં રોજગાર દેશના ગરીબો સામે મોટો પડકાર છે. 

આધાર નંબર - 

આતંકવાદ અને ઘૂસણખોરીની સમસ્યા સામે ઝઝૂમી રહેલા ભારતના લોકો માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી નંબર એટેલે કે આધાર કાર્ડની યોજના જાણકારોએ બેહદ જરૂરી માની હતી. પરંતુ વિપક્ષમાં રહેતી વખતે ભાજપે તેની ટીકા કરી હતી. પરંતુ હવે સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આધાર કાર્ડના ફાયદા સમજાવા લાગ્યા છે. 

કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે યુઆઈડીએઆઈ એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ સંખ્યા નામથી આધાર કાર્ડની યોજના શરૂ કરી હતી. ભાજપે વિપક્ષમાં રહેતી વખતે આધારના આંકડાઓની વિશ્વસનીયતા પર ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપનું કહેવું હતું કે વિશિષ્ટતા કોઈની ઓળખ પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી શરત હોઈ શકે નહીં. પરંતુ 2016-17ના બજેટમાં સબસિડી અને અન્ય સરકારી લાભ માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવી દેવાયું છે. 

ભારતના નાગરિકોના ખાનગીપણાની જાળવણી સાથે યુઆઈડીએઆઈની યોજનાનો જનતાના કલ્યાણમાં ઉપયોગ કરવા માટેના હકારાત્મક પાસાને મોદી સરકાર જોઈ રહી હોય.. તો તે આવકાર્ય છે. આધાર કાર્ડના ડેટાબેસ કલ્યાણ યોજનાઓના યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે.. તો આધાર કાર્ડના ડેટાબેસનો ઉપયોગ દેશની સામે રહેલા પડકારોને પહોંચી વળવા માટે પણ ઉપયોગમાં લેવાવાની સંભાવનાઓને પણ સાકાર બનાવવાની દિશામાં વિચારી શકાય તેમ છે.. 

જીએસટી બિલ- 

ભારતમાં રોકાણકારો આવે તેના માટે મજબૂત કર માળખાની જરૂરિયાત હોવાનું શીર્ષસ્થ અર્થશાસ્ત્રીઓનું માનવું રહ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરવાની જરૂરિયાત કોંગ્રેસને પોતાની ગઠબંધન સરકારમાં સમજાઈ હતી. પરંતુ ભાજપે તેનો વિરોધ કર્યો હતો. હવે સત્તામાં આવ્યા બાદ યુટર્ન હેઠળ ભાજપની આગેવાનીવાળી ગઠબંધન સરકાર જીએસટી ઈચ્છી રહી છે.. પણ કોંગ્રેસ જીએસટી બિલને મંજૂર કરાવવા માટે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. 

કોંગ્રેસની ગઠબંધન સરકાર જીએસટી લાગુ કરવા બિલ પસાર કરાવવા માંગતી હતી.. ત્યારે ભાજપે સંસદની અંદર અને બહાર તેનો વિરોધ કર્યો હતો. હવે ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ બિલને ભાજપની સરકારે મોનસૂન સત્રમાં લોકસભામાં પારીત કરાવી લીધું છે. 

રાજ્યસભામાં ભાજપ તથા એનડીએની બહુમતી નથી. સરકાર સામે એકજૂટ બનેલા વિપક્ષે કોંગ્રેસની આગેવાનીમાં જીએસટી બિલ પર રાજ્યસભામાં અડંગો લગાવ્યો છે. હવે યુટર્ન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને જીએસટી બિલ મંજૂર કરાવવાની વિપક્ષને હાર્દિક અપીલ પણ કરી છે. 

જીએસટીના લાગુ થયા બાદ ઉત્પાદ શુલ્ક અને સર્વિસ ટેક્સ સહીત કેન્દ્ર અને રાજ્યોના પરોક્ષ ટેક્સ સમાપ્ત થઈ જશે. જીએસટીના લાગુ થવાથી આખા દેશમાં એક પ્રોડક્ટ લગભગ એક કિંમતે મળવા લાગશે. જો કે મોદી સરકારના જીએસટી બિલમાં કોંગ્રેસ સુધારા ઈચ્છી રહી છે. 

ઈપીએફ પર ટેક્સનો મામલો- 

ઈપીએફના ઉપાડ પર ટેક્સ લગાવીને સરકારી કર્મચારીઓ અને મજૂર સંગઠનોના વિરોધ વચ્ચે મોદી સરકારને યુટર્ન લેવાની ફરજ પડી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈપીએફ પર ટેક્સ લગાવવાની બજેટ પ્રસ્તાવની જોગવાઈની આકરી ઝાટકણી કરીને સરકારની રાજકીય નાકાબંધી પણ કરી હતી. 

બજેટ સત્રમાં સરકારી કર્મચારીઓના ઈપીએફ ઉપાડના 60 ટકા ભાગ પર ટેક્સ લગાવવાની સરકાર તરફથી જાહેરાત કરાઈ હતી. અઘોષિત મિલ્કત જાહેર કરનારાઓને 45 ટકા ટેક્સ ચુકવ્યા બાદ રાહત આપવાની મોદી સરકારની યોજનાનો મામલો ઉઠાવીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈપીએફ પર ટેક્સનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ચોરો માટે ફેયર એન્ડ લવલી યોજના અને સરકારી કર્મચારીઓના પરસેવાની કમાણી પર કર લાગુ કરવાનું પગલું ખોટું છે. 

ઈપીએફના ઉપાડ પર કર લાગુ કરવાની જોગવાઈ મામલે મોદી સરકારે યુટર્ન લીધો અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેને પાછો ખેંચવાની જાહેરાત પણ કરી.. કેટલીક રાજકીય મજબૂરી અને કેટલીક જરૂરિયાતો વિરોધ પક્ષમાં રહેતી વખતે સમજાતી હોતી નથી. પરંતુ સત્તામાં આવ્યા બાદ આવા પક્ષોને શાણપણ આવતું હોય છે. ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકારને પણ સત્તામાં આવ્યા બાદ આવા શાણપણનો અનુભવ તેમને કદાચ ઉપરાઉપરી યુટર્ન લેવા માટે મજબૂર બનાવતો હશે... 

જમીન સંપાદન બિલ - 

2014ની લોકસભાની ચૂંટણીમાં ઉછળતા મોજા જેવી લોકપ્રિયતા સાથે ત્રીસ વર્ષ બાદ પહેલી વખત એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી.. મોદી સરકારને ત્રણ દાયકા બાદ ભારતમાં આવેલી સૌથી શક્તિશાળી સરકાર ગણવામાં આવે છે. પરંતુ જમીન સંપાદન બિલમાં સંશોધન મામલે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં પછડાટ મળી હતી. તેની સાથે મોદી સરકારને રાજકીય રીતે બે ગેરફાયદા પણ થયા.. જેમાં ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છાપ ખૂબ ઉછાળવામાં આવી.. તો બીજી છાપ એવી પેદા થઈ કે અબ કી બાર આવેલી મોદી સરકાર.. હકીકતમાં યુટર્ન સરકાર સાબિત થઈ રહી છે. 

જમીન સંપાદન બિલ મોદી સરકારની પહેલી મોટી રાજકીય લડાઈ હતી. પરંતુ રાજ્યસભામાં બહુમતી નહીં હોવાની સાથે સંઘ પરિવારના સંગઠનો અને ખુદ એનડીએના શિવસેના જેવા પક્ષોના વિરોધના સૂરે મોદી સરકારને જમીન સંપાદન બિલ પડતું મૂકવા માટે મજબૂર બનાવી હતી. મહત્વપૂર્ણ છે કે ખેડૂત વિરોધી છબી બનવાને કારણે યુપી-બિહારના ભાજપના કેટલાંક સાંસદો પણ જમીન સંપાદન બિલ મામલે સરકારના સૂરમાં સૂર મિલાવવા માટે તૈયાર હતા નહીં. 

તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જમીન સંપાદન બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા શાબ્દિક હુમલા કર્યા હતા. 

આખરે બિહારની ચૂંટણી પહેલા મોદી સરકારને જમીન સંપાદન બિલ મામલે પારોઠના પગલા ભરવા પડયા હતા. વિપક્ષ દળો ખાસ કરીને કોંગ્રેસે સ્વાભિમાન રેલી કરીને જમીન સંપાદન માટેના વટહુકમોનો સિલસિલો બંધ કરવા માટે મોદી સરકારને ઝુકવું પડયું હોવાનો દાવો પણ કર્યો હતો. 

યુપીએ સરકારના કાર્યકાળમાં જમીન સંપાદન કાયદામાં ઘણી જટિલતા હોવાનું મોદી સરકારનું માનવું હતું. અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવા માટે નવા પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને સંશોધિત જમીન સંપાદન બિલ પારીત કરવું જરૂરી હોવાનું પણ સરકારનું માનવું હતું. પરંતુ ખેડૂત વિરોધી છબી ઉપસી આવતા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નુકસાનથી ભાજપ બચી શકી નહીં.. 

ભારતદ્રોહીઓ પ્રત્યે સહિષ્ણુતા ધરાવનારાઓ સામે અસહિષ્ણુતા જરૂરી


- પ્રસન્ન શાસ્ત્રી



કોઈપણ દેશ પોતાના મૂળ રાષ્ટ્રીય તત્વ અને તેના આધારરૂપ બાબતોના વિરોધો પ્રત્યે સહિષ્ણુ હોઈ શકે નહીં. આવી બાબતો પ્રત્યે સહિષ્ણુ રાષ્ટ્ર અને દેશ દુનિયામાં ઓળગી જતા હોય છે. યુનાન (ગ્રીસ), ઈજીપ્ત કે રોમ જેવી મહાકાય સલ્તનતો દુનિયાના નક્શાઓમાંથી અલોપ થઈ ચુકી છે. પરંતુ ભારત સતત પડકારો વચ્ચે પોતાનું અસ્તિત્વ જાળવવામાં સફળ રહ્યું છે. પરંતુ સહિષ્ણુતાના અતિરેકથી ભારતવિરોધી તત્વોને પાંગરવાનો ફરીથી મોકો આપવામાં આવશે.. તો ભારત સામે ફરીથી વિકટ પડકારો પેદા થશે. એક તરફ વિશ્વમાં ગ્લોબલ જેહાદના નામે આતંકનો ખૂની ખેલ ચાલી રહ્યો છે.. ત્યારે ભારતે રાષ્ટ્રવાદ અને દેશભક્તિ યુક્ત એકતા સાથે વૈશ્વિક પડકારોની સામે ઝઝૂમવાનું છે અને જીતવાનું છે. દેશમાં છેલ્લા કેટલાંક મિહનાઓથી ચાલી રહેલો ઘટનાક્રમ ચિંતા ઉપજાવનારો છે. ખરેખર આપણે ભારતના લોકોએ સાવધાન થઈને આનો મુકાબલો કરવાની તાબડતોબ જરૂરિયાત છે. 



દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે ડાબેરી અને કાશ્મીરી વિદ્યાર્થીઓના જૂથો દ્વારા દેશવિરોધી સૂત્રોચ્ચાર કરાયો. ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર સંસદ પર હુમલાના એક ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની વરસીએ નવમી ફેબ્રુઆરીએ કથિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારત તેરે ટુકડે હોંગે ઈન્શાહઅલ્લાહ ઈન્શાહઅલ્લાહ સૂત્રોચ્ચાર પોકારાયા. તો તુમ કિતને અફઝલ મારોગે.. હર ઘર સે અફઝલ નિકલેગાના સૂત્રોચ્ચાર સાથે દલીલો રજૂ કરાતી રહી કે અફઝલ ગુરુને અપાયેલી ફાંસી એક જ્યુડિશયલ મર્ડર હતું. ત્યારે સવાલ એ છે કે જે અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કરી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદ પર હુમલાના ગુનેગારની દયાઅરજી નામંજૂર કરી.. તેની ફાંસીના બે વર્ષ બાદ પણ આ મુદ્દો જીવતો રાખવાનો અર્થ શું છે? પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટી ખાતે પણ જેએનયુ જેવા ઘટનાક્રમનું પુનરાવર્તન થયું અને ભારતવિરોધી સૂત્રોચ્ચાર થયા હતા. 



આ કાર્યક્રમમાં કાશ્મીરના જેહાદી આતંકવાદના મૂળસ્ત્રોત ગણાતા મકબૂલ બટ્ટની તસવીરોનો પણ પોસ્ટરોમાં ઉપયોગ કરાયો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના છાત્રસંઘના પ્રમુખ કન્હૈયા કુમારની ધરપકડ કરાઈ. તેને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલાયો અને પટિયાલા હાઉસ કોર્ટ ખાતે કન્હૈયા કુમાર સામે આક્રોશ પણ વ્યક્ત કરાયો હતો. ઉમર ખાલિદ અને આનિર્બાન સહીત અન્ય ત્રણ વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરાઈ છે. જો કે આ ત્રણેય વિદ્યાર્થીઓ ઘણો લાંબો સમય ભૂગર્ભમાં રહ્યા અને બાદમાં જેએનયુ કેમ્પસ ખાતે દેખાયા હતા. કન્હૈયા કુમારને શરતી જામીન મળ્યા બાદ દેશદ્રોહી સૂત્રોચ્ચારવાળા કથિત સાંસ્કૃતિક કાર્યક્રમ બદલ ક્રાંતિના મસીહા તરીકે મીડિયામાં સ્વાગત કરાયું. કેટલાંક ખાસ પત્રકારો પણ કન્હૈયા કુમારને રાષ્ટ્રીય નાયક તરીકે રજૂ કરવા માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. જો કે ભારતના દેશપ્રેમી લોકો આવા કોઈપણ પ્રયત્નોથી દોરવાય તેવી શક્યતા બિલકુલ નથી. 2002ની ગુજરાતમાં બનેલી ગોધરાકાંડ અને તેના પછી બનેલી ઘટનાઓમાં પણ મીડિયાના આવા તત્વોએ જનતાનો મિજાજ જોઈ લીધો છે. પરંતુ હજીપણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય મીડિયાના આવા ચોક્કસ તત્વો કદાચ અમેરિકા કે અન્ય કોઈ દેશો પાસેથી સેક્યુલર હોવાનું સર્ટિફિકેટ જાળવી રાખવા માટે તેઓ ભારત વિરોધી તત્વોને છાવરવાની પોતાની પરંપરાને જાળવવા ઈચ્છી રહ્યા છે. 



જેએનયુ વિવાદમાં આરએસએસના સરસંઘચલાક મોહન ભાગવતે પરોક્ષ ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે હવે યુવાનોને ભારતમાતા કી જય બોલતા પણ શીખવવું પડે તેવો સમય છે. આના સંદર્ભે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હદ વટાવી દીધી હતી. હિંદુવિરોધી અને પરોક્ષપણે સામાન્ય ભારતીયોની લાગણી ઘવાય તેવા નિવેદનો કરનારા ઓવૈસીએ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતને પડકાર ફેંકતા ભાગલા પહેલાની મુસ્લિમ લીગી માનસિકતાની ખુલ્લેઆમ અભિવ્યક્તિ કરી હતી. મુસ્લિમ લીગી માનસિકતાની આઝાદીનો જાણે કે ઓવૈસી અને તેના નાનાભાઈ અકબરુદ્દીનને અધિકાર મળ્યો છે. આવી સહિષ્ણુતાના માહોલમાં અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તેના ગળા પર ચાકૂ મૂકી દેવામાં આવે તો પણ તે ભારતમાતા કી જય બોલશે નહીં. ત્યાર બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં એમઆઈએમના ધારાસભ્યને ભારતમાતા કી જય નહીં બોલવાના મામલે સસ્પેન્ડ કરી દેવાયો છે. 



આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર બિલકુલ શાખી શકાય નહીં તેવું ખોંખારીને કહેવાના સ્થાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જેએનયુ ખાતે વિદ્યાર્થીઓના ચોક્કસ જૂથો સામે સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચા કરીને કન્હૈયા કુમારની ગેંગને ટેકો આપે છે. તો અરવિંદ કેજરીવાલ અને ડાબેરી નેતા સીતારામ યેચુરી અને ડી. રાજા સંસદમાં રાજદ્રોહના કાયદાની સમીક્ષાના મોરચાનું નેતૃત્વ કરે છે. 
આઈપીસીની કલમ-124(એ) પર નવેસરથી નજર નાખવાની જરૂરિયાત પર ચર્ચા જરૂરથી થઈ શકે છે. પરંતુ રાજદ્રોહના ગુના સામેની આઈપીસીની જોગવાઈની બંધારણીય જરૂરિયાતની ચર્ચાના બહાને ભારતવિરોધી સૂત્રોચ્ચારના મામલા પર પડદો પાડવાની કોશિશ કરવામાં આવે. ભારતને બરબાદ કરવામાં લાગેલા આતંકવાદીઓનો સીધો કે આડકતરો ટેકો આપવાના કરતૂતને આવી સમીક્ષાની ચર્ચામાં કોઈપણ પ્રકારની શેહ મળી શકે નહીં. 



ભારત એક જમીનનો ટુકડો નથી. જીવતોજાગતો રાષ્ટ્રપુરુષ છે. ભારતની અંદર આ દેશના કરોડો-કરોડો સંતાન માતાનું સ્વરૂપ જોવે છે. ભારતને માતા માનીને તેની આરાધના કરનારા લોકોની આ દેશમાં કોઈપણ પ્રકારે અછત નથી. આવા સંજોગોમાં જેએનયુ અને જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વૈચારીક રીતે ગેરમાર્ગે દોરવાયેલા એક સમૂહ દ્વારા ભારતીય બંધારણ પર શરમજનક આઘાત કરાય અને દેશની એકતા-અખંડિતતાને પડકારવામાં આવે તેવી બાબત ખરેખર નવા સંજોગોની નવી સામે આવેલી વાત છે. 



જેએનયુ નવમી ફેબ્રુઆરીના વિવાદીત પોસ્ટરથી સ્પષ્ટ છે કે કેટલીક દેશી અને વિદેશી શક્તિઓએ ભારતની પાયાગત બાબતોને નિશાને લઈને વૈશ્વિક દબાણ પેદા કરવાનું શરૂ કર્યું છે. અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની ન્યાયિક હત્યાની વાર્તાઓ કરનારાઓને ખાલી એટલો સવાલ છે કે આ બંને જેવા આતંકવાદીઓ દ્વારા કઈ ન્યાયિક પ્રક્રિયા હેઠળ કાશ્મીર અને ભારતના અન્ય ભાગોમાં જેહાદી આતંકનો ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને આવી નિર્દોષ લોકોની હત્યાઓને કઈ કેટેગરીમાં મૂકશો? દિલ્હી હાઈકોર્ટે પણ જેએનયુ કાંડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની જામીન અરજી પર સુનાવણી વખતે કથિત સાંસ્કૃતિક કાર્યક્રમના સૂત્રોચ્ચારનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સવાલ પણ છે કે  શું દેશની એકતા-અખંડિતતા પ્રત્યે પ્રતિબદ્ધ એવો ભારતનો કોઈપણ નાગરિક આવો સૂત્રોચ્ચાર કરી શકે? લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીની નામે આતંકવાદને કેવી રીતે સમર્થન આપી શકાય?



જેએનયુના દેશદ્રોહી સૂત્રોચ્ચાર કાંડ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પ્રતિભા રાનીએ સુનાવણી દરમિયાન ટાંક્યું છે કે આવા લોકો યુનિવર્સિટીના પરિસરમાં આઝાદીથી અબાધિતપણે આવા સૂત્રો પોકારી શકયા.. કારણ કે સેનાના જવાનોએ તેમને આ સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવ્યું છે. આપણા જવાનો દુનિયાના સૌથી ઉંચા શિખર પર દુર્ગમ પરિસ્થિતિઓમાં રાત-દિવસ સુરક્ષાનું કામ કરી રહ્યા છે. જે લોકો હાથમાં અફઝલ અને મકબૂલની તસવીરોવાળા પોસ્ટરો છાતીએ લગાવીને આતંકવાદીઓના સમ્માનમાં દેશવિરોધી સૂત્રો પોકારી રહ્યા છે.. તેઓ આવી પરિસ્થિતિમાં એક કલાક પણ ટકી શકે તેમ નથી. આવા દેશદ્રોહી સૂત્રોચ્ચારને તેમણે શહીદ જવાનોના પરિવારોને હતોત્સાહિત કરનારા ગણાવ્યા છે. 



જો કે નકલી સેક્યુલરવાદીમાંથી નકલી રાષ્ટ્રવાદીનો વેશ ધારણ કરી ચુકેલા કથિત બુદ્ધિજીવીઓએ ન્યાયાધીશની કડવી ટીપ્પણીઓ પર દલીલો કરી છે. આવા નકલી સેક્યુલરવાદીઓમાંથી નકલી રાષ્ટ્રવાદીઓ બનેલા તત્વોએ ન્યાયાધીશની ટીકા કરીને કહ્યુ છે કે જામીન અરજી પર આદેશ આપવાના સ્થાને જજે તો ઉપદેશ આપી દીધો. આવા તત્વો બિલકુલ ઈચ્છતા નથી કે ભારતના બંધારણ અને દેશની એકતા-અખંડિતતાની મજાક કરનારા દેશવિરોધીઓને દંડિત કરવામાં આવે. ભારતમાં રાષ્ટ્રવાદ નબળો પડે તેમાં આવા તત્વોના સ્થાપિત હિતો રહેલા છે. 



હેટ ઈન્ડિયા કેમ્પેનમાં હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એક કાયદાવિદ્દે કાયદાકીય પાસાઓની ચર્ચા વખતે ઓન રેકોર્ડ જણાવ્યુ છે કે દેશવિરોધી હોવું કોઈ આપરાધિક કૃત્ય નથી. ત્યારે સવાલ એટલો છે કે સહિષ્ણુતાની હદ ક્યાં સુધી હોવી જોઈએ? હિંદુસ્તાનને પોતાની એકતા-અખંડિતતા માટે જોખમી તત્વો સામેની આવી સહિષ્ણુતા પરવડે તેવી નથી. 



દાદરી કાંડમાં ગૌમાંસ ખાવાની આશંકાને કારણે એક મુસ્લિમની સ્થાનિક લોકો દ્વારા હત્યા કરાઈ હતી. ત્યારે ચર્ચા શરૂ થઈ કે ગૌમાંસ ખાવું જોઈએ કે નહીં? પરંતુ બંધારણમાં ધાર્મિક આસ્થાના આદરની ઘણી વાતોને નજરઅંદાજ કરનારા સગવડિયું વલણ ધરાવતા તત્વોએ દેશના એકસો કરોડ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ પરવાહ કરી નહીં. ગાયની હત્યા અને ગૌમાંસ સંદર્ભે જૂના-જૂના સંદર્ભો ટાંકીને ગૌકુશીને ન્યાયોચિત્ત ઠેરવવાની કોશિશો થઈ હતી. બંધારણમાં લખ્યું નહીં હોવાથી ભારતમાતાની જય બોલીશ નહીં તેવી દેશદ્રોહી વાતો કરનારા તત્વોને ખબર હોવી જોઈએ કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતમાં સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધની ઈચ્છા રાખવામાં આવી છે. 



માલ્દા અને પૂર્ણિયામાં મહંમદ પયગંબર સામેની કથિત ટીપ્પણીના મામલે સેંકડો મુસ્લિમોએ ટોળાબંધ સડકો પર ઉતરી આવીને કાયદો-વ્યવસ્થા અને શાંતિનું ખૂન કર્યું હતું. પરંતુ આવા મામલે નક્લી સેક્યુલરવાદીઓ અને તેમાથી નકલી રાષ્ટ્રવાદી બનેલા તત્વોએ આવી ઘટનાઓ સામે એક હરફ ઉચ્ચાર્યો નથી. તો મીડિયાના કેટલાંક ચોક્કસ તત્વોએ મલ્દાની ઘટનાને ગુનાખોરી સાથે સાંકળીને તેમાં મજહબી ઉન્માદની કોઈ ભૂમિકા નહીં હોવાની ખોટી ધારણા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. 



મહત્વપૂર્ણ છે કે 1947 પહેલા મુસ્લિમ લીગના પાકિસ્તાનવાદી ભાગલાવાદને તત્કાલિન કમ્યુનિસ્ટ પાર્ટીના ટેકા બાદ વધુ ધાર મળી હતી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રસ્તાવને ટેકા બાદ સત્તર વર્ષમાં મુસ્લિમ લીગ અને મહંમદ અલી જિન્નાહે પાકિસ્તાન અખંડ ભારતને ચીરીને પેદા કર્યું હતું. હવે કમ્યુનિસ્ટો સાથે કોંગ્રેસ અને અન્ય નકલી સેક્યલરવાદી પક્ષો અને તત્વો ફરીથી આવા કામ કરી રહ્યા છે. ઓવૈસી બંધુઓના દેશદ્રોહ સામે આંખો બંધ રાખનારા લોકો આરએસએસ, ભાજપ અને હિંદુવાદી સંગઠનો સામે કા-કા કરીને કકળાટ કરતા નજરે પડે છે. 


સવાલ એક પાર્ટીનો નથી.. સવાલ એક વિચારધારાનો નથી.. સવાલ એક સંગઠન પરિવારનો નથી. સવાલ મારા-તમારા અને આપણા દેશના અસ્તિત્વનો અને ઓળખ સાથેના અસ્તિત્વનો છે. જો દેશ તેના પ્રાણ સાથે જીવંત રહેતો હોય.. તો પાર્ટી.. સંગઠન તો શું ખુદનું પણ બલિદાન આપવાની તત્પરતા આ દેશના કરોડો લોકોમાં છે. દેશપ્રેમ અને દેશપ્રેમીઓ પ્રત્યે અસહિષ્ણુતા ધરાવતા તત્વો પ્રત્યે આ દેશની એકતા-અખંડિતતા પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવતો કોઈપણ વ્યક્તિ સહિષ્ણુ હોઈ શકે નહીં. દેશમાં કથિત અસહિષ્ણુતાના કથિત વધારાના કારણે એવોર્ડ વાપસી કરનારા કેટલાંક ચોક્કસ વળગણો ધરાવતા સાહિત્યકારો, લેખકો, બુદ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિકોને દેશમાં વધી રહેલો દેશદ્રોહ શા માટે દેખાતો નથી?

Thursday, March 3, 2016

ઈસ્લામની ફિરકાપરસ્તીવાળી સમાનતા અને બંધુત્વ

મુસ્લિમોના ફિરકા (પંથ) –

બિનઈસ્લામિક સમુદાયો ઈસ્લામના અનુયાયીઓને એક સમાન મુસલમાન ગણે છે. તો ઈસ્લામના અનુયાયીઓ પણ પોતાને મુસ્લિમ ગણાવે છે અને ઈસ્લામમાં તમામ એક સમાન મુસલમાન હોવાના દાવાઓ પણ થતા રહે છે. પરંતુ ઈસ્લામિક કાયદા (ફિકહ) અને ઈસ્લામિક ઈતિહાસની પોતપોતાની આગવી સમજ પરથી પેદા થયેલી ઓળખના આધારે મુસ્લિમ સમુદાય કુલ 72 જેટલા ફિરકાઓમાં વહેંચાયેલો છે.

મુખ્યત્વે મુસલમાનોના બે મુખ્ય ફિરકા છે. તેને શિયા અને સુન્નીના નામથી ઓળખવામાં આવે છે. શિયા અને સુન્ની પંથો પણ ઘણાં ઉપપંથોમાં વહેંચાયેલા છે.

જો ધાર્મિક માન્યતાઓની વાત કરવામાં આવે, તો શિયા-સુન્ની બંને અલ્લાહ એક હોવાની બાબતે સંમત છે. તેઓ બંને મોહમ્મદ સાહેબને અલ્લાહના પયગંબર તરીકે સમાનપણે સ્વીકારે છે. તો કુરાનને આસમાની કિતાબ એટલે કે અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલી કિતાબ ગણે છે. પરંતુ બંને સમુદાયોમાં માન્યતાઓ અને પયગંબર મોહમ્મદના નિધન બાદ તેમના ઉત્તરાધિકારીના મુદ્દે ઈસ્લામના અનુયાયીઓમાં ગંભીર મતભેદો સર્જાયા હતા. જેને કારણે અસ્તિત્વમાં આવેલા આ બંને મુખ્ય ઈસ્લામિક પંથોના ઈસ્લામિક કાયદાઓ અલગ-અલગ છે.

(A)   સુન્ની પંથી મુસ્લિમ વિશ્વ -

સુન્ની અથવા સુન્નતનો અર્થ થાય છે કે ઈ.સ. 570થી 632 દરમિયાન ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા અપનાવાયેલી પરંપરાઓને અનુસરવી. એક અંદાજ પ્રમાણે, ઈસ્લામિક જગતની કુલ વસ્તીમાં સુન્ની પંથી મુસ્લિમોની વસ્તી 80થી 85 ટકા છે. જ્યારે શિયા પંથી મુસ્લિમોની વસ્તી 15થી 20 ટકા જેટલી છે.

સુન્ની મુસ્લિમોનું માનવું છે કે પયગંબર મોહમ્મદના નિધન બાદ તેમના સસરા હઝરત અબુ-બકર ઈ.સ. 632થી 634 દરમિયાન મુસ્લિમોના નવા નેતા બન્યા. તેમને ખલીફા તરીકે પયગંબર મોહમ્મદના પહેલા ઉત્તરાધિકારી બનાવાયા હતા. તેમના પછી 634થી 644 વચ્ચે હઝરત ઉમર, 644થી 656 વચ્ચે હઝરત ઉસ્માન અને 656થી 661 વચ્ચે હઝરત અલીને ખલીફા તરીકે મુસ્લિમ સમુદાયના નેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી.

અબુ-બકર, ઉમર, ઉસ્માન અને અલીને ખુલફા-એ-રાશિદીન એટલે કે સાચી દિશામાં ચાલનારા ખલીફા કહેવામાં આવે છે. ત્યાર બાદ આવેલા ખલીફાઓ રાજકીય રીતે મુસ્લિમોના નેતા ગણાવાયા. પરંતુ તેમને મુસ્લિમ સમુદાય તરફથી ધાર્મિક એતબારની દ્રષ્ટિએ કોઈ ખાસ મહત્વ આપવામાં આવ્યું નથી.

સુન્ની મુસ્લિમોમાં ઈસ્લામિક કાયદાની વ્યાખ્યાના આધારે કુલ ચાર મુખ્ય સમૂહો છે. પાંચમો સમૂહ પણ છે. આ પાંચેય સુન્ની મુસ્લિમ સમૂહોના ધાર્મિક વિશ્વાસ અને માન્યતામાં ખાસ કોઈ અંતર નથી. પરંતુ તેમનું માનવું છે કે તેમના ઈમામ અથવા ધાર્મિક નેતાએ ઈસ્લામની યોગ્ય વ્યાખ્યા કરી છે.

સુન્ની પંથના ઈસ્લામિક કાયદાઓને આધારે મુખ્ય ચાર સ્કૂલ ઓફ થોટ્સ છે. આઠમી અને નવમી સદીમાં લગભગ 150 વર્ષની અંદર ચાર મુખ્ય ધાર્મિક નેતાઓ આવ્યા હતા. તેમણે ઈસ્લામિક કાયદાની વ્યાખ્યા કરી અને પછી સમય જતા તેમના અનુયાયીઓના અલગ-અલગ ફિરકા બન્યા હતા.

699થી 767 દરમિયાન ઈમામ અબુ હનીફા, 767થી 820 દરમિયાન ઈમામ શાફઈ, 780થી 855 દરમિયાન ઈમામ હંબલ અને 711થી 795 દરમિયાન ઈમામ માલિક નામના ચાર ઈમામો દ્વારા ઈસ્લામિક કાયદાઓની અલગ-અલગ વ્યાખ્યાના આધારે ચાર સ્કૂલ ઓફ થોટ્સ અસ્તિત્વમાં આવી છે.

(1)    હનફી સ્કૂલ ઓફ થોટ્સ-

ઈમામ અબુ હનીફાને માનનારાઓ હનફી કહેવાય છે. આ ફિકહ અથવા ઈસ્લામિક કાયદાને માનનારા મુસ્લિમોના પણ બે મુખ્ય જૂથ છે. જેમાં એક દેવબંદી અને બીજું જૂથ બરેલવી તરીકે ઓળખાય છે. હનફી ફિકહને માનનારા બંને જૂથોના નામ ઉત્તર પ્રદેશના દેવબંદ અને બરેલી જિલ્લાના નામ પર છે. વીસમી સદીના પ્રારંભમાં બે મુસ્લિમ ધાર્મિક નેતાઓ મૌલાના અશરફ અલી થાનવી (1863થી 1943) અને અહમદ રઝા ખાં બરેલવી (1856થી 1921) દ્વારા ઈસ્લામિક કાયદાની અલગ-અલગ વ્યાખ્યા કરવામાં આવી હતી. અશરફ અલી થાનવીનો સંબંધ દારુલ-ઉલૂમ દેવબંદ મદરસા સાથે હતો. જ્યારે આલા હઝરત અહમદ રઝા ખાં બરેલવીનો સંબંધ બરેલી સાથે હતો.

મૌલાના અબ્દુલ રશીદ ગંગોહી અને મૌલાના કાસિમ નનોતવીએ 1866માં દેવબંદ મદરેસાની શરૂઆત કરી હતી. દેવબંદી વિચારધારાનું વર્ચસ્વ વધારવામાં મૌલાના અબ્દુલ રશીદ ગંગોહી, મૌલિના કાસિમ નનોતવી અને મૌલાના અશરફ અલી થાનવીની મહત્વની ભૂમિકા રહી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા મોટાભાગના મુસ્લિમો દેવબંદી અને બરેલવી સુન્ની ફિકહ સાથે સંબંધિત છે.

દેવબંદી અને બરેલવી વિચારધારાના અનુયાયીઓનો દાવો છે કે કુરાન અને હદીસ જ તેમના કાયદાના મૂળસ્ત્રોત છે. પરંતુ તેમના પર અમલ કરવા માટે ઈમામના અર્થઘટનનું અનુસરણ જરૂરી છે. તેથી હનફી સ્કૂલ ઓફ થોટ્સ હેઠળના શરીયતના તમામ કાયદા ઈમામ અબુ હનીફાના ફિકહ પ્રમાણે છે.

તો બરેલવી વિચારધારાના લોકો આલા હઝરત રઝા ખાન બરેલવી દ્વારા દર્શાવાયેલા અર્થઘટનોને સાચા માને છે. બરેલીમાં આલા હઝરત રઝા ખાનની મજાર છે. આ મજાર બરેલવી વિચારધારાને માનનારાઓનું એક મુખ્ય કેન્દ્ર છે.

બરેલવી વિચારધારાના અનુયાયીએ માને છે કે પયગંબર મોહમ્મદ બધું જાણ છે. જે દેખાય છે તે પણ જાણે છે અને જે નથી જોઈ શકાતું તેને પણ જાણે છે. તેઓ દરેક ઠેકાણે હાજર છે અને બધું જોઈ રહ્યા છે. દેવબંદી આમા વિશ્વાસ ધરાવતા નથી. દેવબંદી અલ્લાહ બાદ નબીને બીજા સ્થાને રાખે છે. નબીને તેઓ માણસ માને છે. બરેલવી સૂફી ઈસ્લામના અનુયાયીઓ છે અને તેમની વિચારધારાના અનુયાયીઓ સૂફી મજારોને ઘણું મહત્વ આપે છે. જ્યારે દેવબંદીઓ મજારોને વધારે મહત્વ આપતા નથી. પરંતુ દેવબંદીઓ મોટાભાગે મજારોનો તાત્વિક રીતે વિરોધ કરે છે.

(2)    માલિકી સ્કૂલ ઓફ થોટ્સ-

ઈમામ અબુ હનીફા બાદ સુન્નીઓના બીજા ઈમામ, ઈમામ મલિક છે. એશિયામાં તેમના અનુયાયીઓનું પ્રમાણ ઘણું ઓછું છે. તેમનું મહત્વપૂર્ણ પુસ્તક ઈમામ મોત્તા નામથી ઓળખાય છે. ઈમામ માલિક દ્વારા બનાવાયેલા નિયમોને માનનારા મુસ્લિમ સમુદાયને માલિકી વિચારધારાના ગણવામાં આવે છે. આ સમુદાયના મુસ્લિમો ખાસ કરીને મધ્ય-પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકન દેશોમાં છે.

(3)    શાફઈ સ્કૂલ ઓફ થોટ્સ-

શાફઈ ઈમામ માલિકના શિષ્ય છે અને સુન્નીઓના ત્રીજા મુખ્ય ઈમામ છે. મુસ્લિમોનો એક ઘણો મોટો વર્ગ તેમના માર્ગદર્શનનો અમલ કરે છે. શાફઈ વિચારધારાના મુસ્લિમ સમુદાયો મધ્ય-પૂર્વ એશિયા અને આફ્રિકાના દેશોમાં વસવાટકરે છે.

આસ્થાના મામલામાં તેઓ અન્ય મુસ્લિમ વિચારધારાના અનુયાયીઓથી અલગ નથી. પરંતુ ઈસ્લામિક પરંપરાઓના આધારે તેઓ હનફી ફિકહથી અલગ છે. શાફઈ વિચારધારાના અનુયાયીઓ ઈમામનું અનુસરણ કરવું જરૂરી હોવાનું માને છે.

(4)    હંબલી સ્કૂલ ઓફ થોટ્સ –

સાઉદી અરેબિયા, કતર, કુવૈત, મધ્ય-પૂર્વ અને ઘણાં આફ્રિકન દેશોમાં રહેતા મુસ્લિમો ઈમામ હંબલના ફિકહ પર વધારે અમલ કરે છે. તેના કારણે તેમને હંબલી વિચારધારાના અનુયાયી મુસ્લિમ માનવામાં આવે છે. સાઉદી અરેબિયાના સરકારી કાયદાઓ ઈમામ હંબલના ધાર્મિક કાયદાઓ પર આધારીત છે. તેમના અનુયાયીઓનું કહેવુ છે કે તેમના જણાવવામાં આવેલા અર્થઘટનો હદીસોની વધુ નજીક છે.

હનફી, માલિકી, શાફઈ અને હંબલી વિચારધારાના અનુયાયી મુસ્લિમો માને છે કે શરીયતના પાલન માટે પોતપોતાના ઈમામનું અનુસરણ કરવું જરૂરી છે.

(5)    સલાફી, વહાબી અને અહલે હદીસ –

સુન્નીઓનો એક સમૂહ એવો પણ છે કે જે કોઈપણ ખાસ ઈમામના અનુસરણની વાતને માન્યતા આપતો નથી અને તેમનું કહેવુ છે કે શરીયતને સમજવા તથા તેનું યોગ્યરીતે પાલન કરવા માટે સીધું કુરાન અને હદીસ (પયગંબર મોહમ્મદે કહેલા શબ્દો)નું અનુસરણ કરવું જોઈએ. આ વિચારધારાના મુસ્લિમ સમુદાયોને સલાફી, અહલે-હદીસ અથવા વહાબી જેવા નામથી ઓળખવામાં આવે છે. સલાફી, વહાબી અને અહલે હદીસ તરીકે ઓળખતી આ વિચારધારામા4 ચારેય ઈમામોના જ્ઞાન, તેમના અભ્યાસ અને તેમના સાહિત્યની કદર કરવામાં આવે છે. પરંતુ તેમનું કહેવું છે કે આ ઈમામોમાંથી કોઈ એકનું અનુસરણ કરવું ફરજિયાત નથી. આ ચારેય ઈમામોની કુરાન અને હદીસ પ્રમાણેની વાતોનો અમલ યોગ્ય છે. પરંતુ કોઈ વિવાદાસ્પદ બાબતમાં આખરી નિર્ણય કુરાન અને હદીસ પ્રમાણે માનવામાં આવે.

સલાફી સમૂહનો દાવો છે કે તેઓ પયગંબર મોહમ્મદના સમયગાળામાં હતો, તેવા ઈસ્લામનો પ્રચાર કરવા ઈચ્છે છે. આ વિચારધારાને પ્રોત્સાહિત કરવા માટે ઈબ્ને તૈમિયા (1263થી 1328) અને મોહમ્મદ બિન અબ્દુલ વહાબ (1703થી 1792)ને કારણ માનવામાં આવે છે. અબ્દુલ વહાબના નામ પરથી જ આ સમુદાયને વહાબી નામથી પણ ઓળખવામાં આવે છે. મધ્ય-પૂર્વ એશિયાના મોટાભાગના ઈસ્લામિક વિદ્વાનો અબ્દુલ વહાબની વિચારધારાથી વધારે પ્રભાવિત છે. આ વિચારધારાને ઈસ્લામની બેહદ કટ્ટરપંથી અને ધાર્મિક મામલાઓમાં અતિવાદી માનવામાં આવે છે. સાઉદી અરેબિયિના હાલના શાસકો અને અલકાયદાના અમેરિકન કમાન્ડોને હાથે ઠાર થયેલા ચીફ ઓસામા બિન લાદેનને પણ સલાફી વિચારધારાનો ટેકેદાર માનવામાં આવે છે.

(6)    સુન્ની વ્હોરા -

ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મુસ્લિમોના વેપારી વર્ગના એક સમુદાયને વ્હોરા નામથી ઓળખવામાં આવે છે. વ્હોરા શિયા અને સુન્ની બંને મુસ્લિમ પંથોમાં છે. સુન્ની વ્હોરા હનફી ઈસ્લામિક કાયદાનો અમલ કરે છે. જો કે સુન્ની વ્હોરા સાંસ્કૃતિક દ્રષ્ટિએ શિયાપંથી દાઉદી વ્હોરાની નજીક છે.

(B) શિયા પંથી મુસ્લિમ-

શિયાપંથી મુસ્લિમોની ધાર્મિક આસ્થા અને ઈસ્લામિક કાયદા સુન્નીઓથી ઘણાં અલગ છે. તેઓ મોહમ્મદ પયગંબરના ખલીફા નહીં., પણ ઈમામ નિયુક્ત કરવાના ટેકેદાર છે. શિયાપંથીઓનું માનવું છે કે પયગંબર મોહમ્મદના મૃત્યુ બાદ તેમના અસલી ઉત્તરાધિકારી તેમના જમાઈ હઝરત અલી હતા. તેઓ અલીને જ પોતાના વારસદાર જાહેર કરી ચુક્યા હતા. પરંતુ છેતરપિંડીથી તેમના સ્થાને હઝરત અબુ-બકરને ખલીફા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

શિયા મુસ્લિમો મોહમ્મદ પયગંબરના નિધન બાદ બનેલા પહેલા ત્રણ ખલીફાઓને પોતાના નેતા માનતા નથી. પરંતુ પહેલા ત્રણેય ખલીફાઓને શિયાપંથીઓ ગાસિબ કહે છે. ગાસિબ અરબી શબ્દ છે. ગાસિબનો અર્થ થાય છે તફડાવી લેનારા.

શિયાપંથીઓનું માનવું છે કે જેવી રીતે અલ્લાહે મોહમ્મદ સાહેબને પોતાના પયગંબર બનાવીને મોકલ્યા હતા. તેવી જ રીતે પયગંબર મોહમ્મદના જમાઈ અલીને પણ અલ્લાહે જ ઈમામ અથવા નબી નિયુક્ત કર્યા હતા અને બાદમાં તેમના વંશવેલામાંથી જ ઈમામ આવ્યા. સમય વિતવાની સાથે શિયાપંથીઓમાં પણ નવા ફિરકાઓ અસ્તિત્વમાં આવ્યા હતા.

(1)    ઈસ્ના અશરી-

શિયાપંથી મુસ્લિમોનો સૌથી મોટો ફિરકો ઈસ્ના અશરી અથવા બાર ઈમામોને માનનારા મુસ્લિમોનો સમૂહ છે. ઈસ્લામિક જગતના કુલ શિયાપંથી મુસ્લિમોમાંથી 75 ટકા શિયા મુસ્લિમ ઈસ્ના અશરી સમુદાય સાથે સંકળાયેલા છે. ઈસ્ના અશરી સમુદાયના કલમા સુન્નીઓના કલમાથી પણ અલગ છે. તેમના પહેલા ઈમામ હઝરત અલી અને આખરી એટલે કે બારમા ઈમામ જમાના અથવા ઈમામ મહેંદી છે. તેઓ અલ્લાહ, કુરાન અને હદીસને માને છે. પરંતુ તેમના ઈમામોના માધ્યમથી આવેલી હદીસોને તેઓ માન્યતા આપે છે.

કુરાન બાદ અલીના ઉપદેશ પર આધારીત પુસ્તક નહજુલ બલાગકા અને અલકાફિ પણ તેમના મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકો છે. આ સંપ્રદાય ઈસ્લામિક ધાર્મિક કાયદા પ્રમાણે, જાફરિયામાં પણ વિશ્વાસ ધરાવે છે. ઈરાન, ઈરાક, ભારત અને પાકિસ્તાન સહીત દુનિયાના મોટાભાગના દેશોમાં ઈસ્ના અશરી શિયા સમુદાયનો દબદબો છે.

(2)    જૈદિયા-

શિયાપંથીઓનો બીજો સૌથી મોટો ફિરકો જૈદિયા છે. તેઓ બાર ઈમામોના સ્થાને માત્ર પાંચ ઈમામોમાં જ વિશ્વાસ ધરાવે છે. તેમના પહેલા ચાર ઈમામો તો ઈસ્ના અશરી શિયાપંથના જ છે. પરંતુ પાંચમા અને આખરી ઈમામ હુસૈન (હઝરત અલીના પુત્ર)ના પૌત્ર જૈદ-બિન-અલી છે. તેના કારણે આ શિયાપંથી મુસ્લિમ સમુદાયને જૈદિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. જૈદિયા સમુદાયના ઈસ્લામિક કાયદા જૈદ-બિન-અલીના એક પુસ્તક મજમઉલ ફિકહમાંથી લેવામાં આવ્યા છે. મધ્ય-પૂર્વ એશિયામાં આવેલા યમનના હૌતી જૈદિયા સમુદાયના મુસ્લિમો છે.

(3)    ઈસ્માઈલી શિયા-

શિયાપંથીઓનો એક સમુદાયન માત્ર સાત ઈમામોને જ માન્યતા આપે છે અને તેમના આખરી ઈમામ મોહમ્મદ બિન ઈસ્માઈલ છે. તેના કારણે જ આ સમુદાયના મુસ્લિમોને ઈસ્માઈલી તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્ના અશરી શિયાઓ સાથે તેમનો વિવાદ ઈમામ જાફર સાદિક બાદ તેમના મોટા પુત્ર ઈસ્માઈલ-બિન-જાફર ઈમામ થશે કે તેમના બીજા પુત્ર મૂસા કાજિમ ઈમામ બનશે તેના સંદર્ભે હતો. ઈસ્ના અશરી સમૂહે જાફર સાદિક બાદ તેમના બીજા પુત્ર મૂસા કાજિમને ઈમામ માન્યા અને આમ શિયાપંથીઓમાં બે ફિરકા પડયા હતા. તેવી રીતે ઈસ્માલિયોએ પોતિના સાતમા ઈમામ ઈસ્માઈલ-બિન-જાફરને માન્યા. તેમની ફિકહ અને તેમની કેટલીક માન્યતાઓ પણ ઈસ્ના અશરી શિયાઓથી કેટલાંક અંશે અલગ છે.

(4)    દાઉદી વ્હોરા –

દાઉદી વ્હોરા ઈસ્માઈલી શિયા ફિકહને માને છે. ઈસ્માઈલી શિયા સાત ઈમામોને માન્યતા આપે છે.. જ્યારે દાઉદી વ્હોરા 21 ઈમામોને માને છે. દાઉદી વ્હોરાના આખરી ઈમામ તૈયબ અબુલ કાસિમ હતા. તેમના પછી ધાર્મિક નેતાઓની પરંપરા છે.તેમને દાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરામાં 52મા દાઈ સૈય્યદના બુરહાનુદ્દીન રબ્બાની હતા.

2014માં રબ્બાનીના નિધન બાદ તેમના બે પુત્રો વચ્ચે ઉત્તરાધિકારી બનવાનો વિવાદ થયો અને આ મામલો અદાલતમાં ગયો. દાઉદી વ્હોરા ભારતના પશ્ચિમ ક્ષેત્ર ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. જ્યારે પાકિસ્તાન અને યમનમાં પણ તેઓની વસ્તી છે. દાઉદી વ્હોરા એક સફળ વેપારી સમુદાય ગણાય છે. તેમનું એક જૂથ સુન્ની પણ છે.

(5)     ખોજા –

ખોજા સમુદાય ગુજરાતનો એક વેપારી વર્ગ છે. તેમણે થોડી સદીઓ પહેલા જ ઈસ્લામ અંગિકાર કર્યો હતો. આ સમુદાયના લોકો શિયા અને સુન્ની બંને ઈસ્લામિક પંથધારાઓમાં જોવા મળે છે. મોટા ભાગના ખોજા ઈસ્માઈલી શિયાના ધાર્મિક કાયદાનું પાલન કરે છે. પરંતુ ખોજા સમુદાયનો એક વર્ગ ઈસ્ના અશરી શિયાપંથમાં પણ જોવા મળે છે. કેટલાંક ખોજા સમુદાયના મુસ્લિમો સુન્નીપંથી પણ હોય છે. આ સમુદાયનો મોટો વર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂર્વ આફ્રિકાના દેશોમાં પણ વસવાટ કરે છે.

(6)    નુસૈરી –

શિયાઓના નુસૈરી સંપ્રદાય સીરિયા અને મધ્ય-પૂર્વના જુદાંજુદાં ક્ષેત્રોમાં જોવા મળે છે. તેને અલાવી નામથી પણ ઓળખવામાં આવે છે. સીરિયામાં નુસૈરી પંથના શિયાઓની સંખ્યા ઘણી મોટી છે. સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસદનો સંબંધ પણ નુસૈરી શિયા સમુદાય સાથે છે. આ સમુદાયના મુસ્લિમોનું માનવું છે કે અલી હકીકતમાં ભગવાનના અવતાર તરીકે દુનિયામાં આવ્યા હતા. તેમની ફિકહ ઈસ્ના અશરીમાં છે. પરંતુ તેમની આસ્થાઓ અને માન્યતાઓમાં મતભેદ છે. નુસૈરી પુનર્જન્મમાં પણ વિશ્વાસ ધરાવે છે અને કેટલીક ખ્રિસ્તી પંથી પરંપરાઓ પણ તેમની જીવનશૈલીનો ભાગ છે.

(C)  અહમદિયા –

હનફી ઈસ્લામિક કાયદાનું પાલન કરનાર મુસ્લિમોનો એક સમુદાય પોતાને અહમદિયા ગણાવે છે. આ સમુદાયની સ્થાપના ભારતમાં રહેલા પંજાબના કાદિયાનમાં મિર્જા ગુલામ અહમદે કરી હતી. અહમદિયા સમુદાયના લોકોનું માનવું છે કે મિર્ઝા ગુલામ અહમદ ખુદ નબીના જ એક અવતાર હતા. મિર્ઝા ગુલામ અહમદ ખુદ કોઈ નવી શરિયત લાવ્યા નથી. પરંતુ પયગંબર મોહમ્મદની શરિયતનું જ પાલન કરતા હતા. પરંતુ તેઓ નબીનો દરજ્જો ધરાવે છે. મુસ્લિમોના અહેમદિયા સિવાયના લગભગ તમામ પંથો મોહમ્મદ સાહેબ અલ્લાહના આખરી પયગંબર હોવાનો વિશ્વાસ ધરાવે છે. ભારત, પાકિસ્તાન અને બ્રિટનમાં અહમદિયા સમુદાયના લોકોની સારી એવી સંખ્યા છે. પરંતુ ધાર્મિક માન્યતાના મતભેદને કારણે મુસ્લિમોનો એક મોટો વર્ગ અહમદિયાને ઈસ્લામના અનુયાયી ગણવાનો પણ ઈન્કાર કરે છે. પાકિસ્તાનમાં તો સત્તાવાર રીતે અહમદિયાઓને બિનમુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે.

આના સિવાય પણ ઈસ્લામમાં ઘણાં નાના-નાના પંથ અને સમુદાયો છે. જો કે ઈસ્લામના અનુયાયીઓના તમામ ફિરકાઓ એકબીજાને અન્યથી શ્રેષ્ઠ મુસ્લિમ ગણાવે છે.