Tuesday, December 22, 2015

સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2015માં તાલુકા-જિલ્લા-નગરપાલિકા-મહાનગરપાલિકાઓની વોટિંગ પેટર્ન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતોની વોટિંગ પેટર્ન

230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ઘણાં લાંબા અરસા બાદ કોંગ્રેસને તાલુકા પંચાયતોમાં ભાજપથી વધારે મત મળ્યા છે. તાલુકા પંચાયતોના પરિણામોને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે રેડ સિગ્નલ સમાન ગણવામાં આવે છે. વોટિંગ પેટર્નમાં નોટા- અપક્ષના મતોની સંખ્યા ભાજપને ઘણો મોટો રાજકીય સંદેશો પાઠવી રહી છે. 

ગુજરાતની 230 તાલુકા પંચાયતો તાજેતરની ચૂંટણીની વોટિંગ પેટર્ન ઘણી ચોંકવનારી દેખાઈ છે. લગભગ પંદર વર્ષ બાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. મળેલા આંકડા પ્રમાણે કોંગ્રેસને 46 ટકા એટલે કે 72 લાખ 35 હજાર 708 મત મળ્યા છે. તો ભાજપને કોંગ્રેસ કરતા 2.68 ટકા ઓછા મત સાથે કુલ મતના 43.32 ટકા મત મળ્યા છે. ભાજપને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 68 લાખ 14 હજાર 573 મત મળ્યા છે. 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષોને 4.96 ટકા એટલે કે સાત લાખ 81 હજાર 486 મત મળ્યા છે. તો અન્યના ખાતામાં 1.41 ટકા એટલે કે બે લાખ બાવીસ હજાર બસ્સો ત્રીસ મત મળ્યા છે. જ્યારે નોટાના બટનનો ઉપયોગ કરનારા મતદાતાઓની સંખ્યા 2.88 ટકા એટલે કે ચાર લાખ 53 હજાર 149 મત મળ્યા છે. તો બીએસપીને 0.63 ટકા સાથે 99 હજાર 987 મત મળ્યા છે. જ્યારે એનસીપીને 0.18 ટકા એટલે કે 28 હજાર 659 મત મળ્યા છે. તો સીપીએમને માત્ર 1305 મત મળી શક્યા છે. સમાજવાદી પાર્ટીને 2549.. જેડીયુને 88 હજાર 169 મત મળી શક્યા છે. 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ 57 લાખ 27 હજાર 815 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

કોંગ્રેસને ભાજપ કરતા 2.68 ટકા જેટલા ઓછા મત મળ્યા છે. ભાજપ કરતા કોંગ્રેસને ચાર લાખ 21 હજાર 135 જેટલા વધુ વોટ મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મતના અંતરમાં કરતા નોટાનો ઉપયોગ કરનારા મતદાતાઓની સંખ્યા બત્રીસ હજાર 14 જેટલી વધારે હતી. એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પસંદ કરનાર ઉપલબ્ધ તમામ વિકલ્પો સિવાયના વિકલ્પની શોધમાં દેખાયા છે. તો અપક્ષ અને અન્યને પસંદ કરનાર મતદાતાઓની સંખ્યા 10 લાખ ત્રણ હજાર 716 જેટલી છે. તેથી અપક્ષ અને અન્યનો વોટ કાપવા માટે ક્યાં પક્ષે કેવી રીતે ઉપયોગ કર્યો તે પણ એક રાજકીય અભ્યાસનો વિષય બન્યો છે. 

કોંગ્રેસની ગુજરાતમાંથી સત્તા ગઈ ત્યારે મતદાતાઓની વોટિંગ પેટર્નમાં આવા જ સંકેતો સાંપડયા હતા. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીતને 2017માં ભાજપના વળતા પાણીની શરૂઆત તરીકે જોવામાં આવે છે. તો મોદીકાળમાં ગુજરાતમાં મુર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસને ફરીથી કળ વળી હોય તેવું પણ દેખાઈ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીની આક્રમકતાથી દેખાઈ રહ્યું છે. પરંતુ ભાજપ પાસે હજીપણ નોટા અને અપક્ષ દ્વારા કપાયેલા મતોને પોતાના તરફ વાળવા માટે પોણા બે વર્ષ જેટલો સમય છે.. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોની વોટિંગ પેટર્ન

31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ વોટિંગ પેટર્ન ભાજપની પોતાના ગઢમાં બગડી રહેલી રાજકીય પરિસ્થિતિનો તાગ આપે છે. નોટા અને અપક્ષની ભૂમિકાને કારણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. 

31 જેટલી જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને 47.85 ટકા સાથે 73 લાખ 34 હજાર 455 મત મળ્યા છે. તો ભાજપને 43.97 ટકા સાથે 67 લાખ 40 હજાર 397 મત મળ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષને 2.91 ટકા સાથે 4 લાખ 47 હજાર 136 મત મળ્યા છે. તો નોટાનો ઉપયોગ 2.95 ટકા એટલે કે 4 લાખ 53 હજાર 328 મતદાતાઓએ કર્યો છે. જ્યારે અન્ય પક્ષોના ઉમેદવારોને 0.97 ટકા સાથે એક લાખ 49 હજાર 652 મત મળ્યા છે. 

જ્યારે બીએસપીને 0.40 ટકા સાથે 61 હજાર 893 મત.. એનસીપીને 0.08 ટકા સાથે 13 હજાર 630 મત મળ્યા છે. સીપીએમએમને 0.02 ટકા સાથે 4 હજાર 496 મત.. એસપીને 0.01 ટકા સાથે એક હજાર 948 મત અને જેડીયુને 0.7 ટકા મત સાથે એક લાખ 19 હજાર 218 મત મળ્યા છે. 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ એક કરોડ 53 લાખ 26 હજાર 53 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

31 જિલ્લા પંચાયતો માટે કુલ એક કરોડ 53 લાખ 26 હજાર 53 મતદાતાઓએ વોટિંગ કર્યું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા 3.88 ટકા વધુ મત મળ્યા છે. કોંગ્રેસને ભાજપ કરતા પાંચ લાખ 94 હજાર 58 જેટલા વધુ મત મળ્યા છે. આ તફાવત નોટા કરતા એક લાખ ચાલીસ હજાર 730 જેટલો વધુ છે. બંને પાર્ટીઓ વચ્ચેના મતનો તફાવત અપક્ષને મળેલા મત કરતા એક લાખ 46 હજાર 922 જેટલો વધુ છે. અપક્ષ અને નોટાને મળેલા કુલ મત નવ લાખ ચારસો ચોસઠ જેટલા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ નોટા અને અપક્ષને મળેલા મતની કોંગ્રેસને મળેલી સરસાઈમાં મોટી ભૂમિકા રહી છે. 

શહેરી વિસ્તારની પાર્ટી ગણાતા ભાજપ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાના પરિણામો રાહત આપનારા જરૂર છે. પરંતુ અહીં પણ મતોનું ધોવાણ થયું છે અને કોંગ્રેસના મતમાં વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોના આધારે સેમીઅર્બન અને અર્બન વિસ્તારોમાં કોંગ્રેસને અમુક વિધાનસભાઓમાં સરસાઈ મળી હોવાનું તારણ પણ વહેતું થયું છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાઓની વોટિંગ પેટર્ન 

56 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 44.69 ટકા સાથે 37 લાખ ત્રણ હજાર 127 મત મળ્યા હતા. તો કોંગ્રેસને 39.59 ટકા સાથે 32 લાખ 80 હજાર 150 મત મળ્યા હતા. અપક્ષનો 11.97 ટકા સાથે નવ લાખ 91 હજાર 932 મત મળ્યા હતા. અન્ય પક્ષોને 1.44 ટકા સાથે એક લાખ 19 હજાર 448 મત મળ્યા હતા. તો નોટાનો ઉપયોગ માત્ર 0.36 ટકા એટલે કે 30 હજાર 623 મતદાતાઓએ કર્યો હતો. તો બીએસપીને 0.72 ટકા સાથે 60 હજાર તેંત્રીસ મત.. એનસીપીને 0.65 ટકા સાથે 54 હજાર 91 મત.. સીપીએમને 0.07 ટકા સાથે 6 હજાર 536 મત... સીપીએમએમને 0.07 ટકા સાથે 6 હજાર 10 મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને 0.05 ટકા એટલે કે ચાર હજાર 434 મત.. જેડીયુને 0.34 ટકા સાથે 28 હજાર 437 મત મળ્યા છે. નગરપાલિકા માટે કુલ 82 લાખ 84 હજાર 821 મતદાતાઓએ મતદાન કર્યું હતું. 

અર્ધશહેરી વિસ્તારોમાં ભાજપને કોંગ્રેસ કરતા પાંચ ટકા વધારે મત મળ્યા છે. બંને પક્ષો વચ્ચે ચાર લાખ બાવીસ હજાર 977 મતનો રહ્યો છે. જો કે અપક્ષ અને અન્યને મળેલા મતનો સરવાળો અગિયાર લાખ અગિયાર હજાર 360નો છે. જે ભાજપ અને કોંગ્રેસના મતોની તફાવત કરતા લગભગ બેગણો છે. આવા સંજોગોમાં અપક્ષ અને અન્ય અહીં ભાજપ અને કોંગ્રેસની હાર-જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની વોટિંગ પેટર્ન

છ મહાનગરપાલિકાની વોટિંગ પેટર્ન ભાજપ માટે સારી છે. અહીં ભાજપે પોતાની સત્તા તો જાળવી રાખી છે. પરંતુ તેમના મતની ટકાવારીમાં ખાસું ધોવાણ જોવા મળ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 50.13 ટકા એટલે કે 76 લાખ 4 હજાર 169 મત મળ્યા છે. તો કોંગ્રેસને 41.12 ટકા એટલે કે 62 લાખ 37 હજાર 26 મત મળ્યા છે. અન્ય પક્ષોના ખાતામાં 1.69 ટકા સાથે બે લાખ 57 હજાર 673 મત ગયા છે. અપક્ષને 2.71 ટકા એટલે કે ચાર લાખ 11 હજાર 583 મત મળ્યા છે. નોટાનો ઉપયોગ કરનારા મતદાતા 0.54 ટકા એટલે કે 82 હજાર 382 જેટલા રહ્યા હતા. તો બીએસપીને 1.85 ટકા એટલે કે બે લાખ 80 હજાર 667 મત.. એનસીપીને 1.16 ટકા એટલે કે એક લાખ 77 હજાર 405 મત... સીપીએમએમને 0.26 ટકા એટલે કે 40 હજાર 691 મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને 0.48 ટકા સાથે 73 હજાર 776 મત મળ્યા હતા. તો જેડીયુને 0.009 ટકા સાથે માત્ર એક હજાર 421 મત મળ્યા હતા. છ મહાનગરપાલિકામાં એક કરોડ 51 લાખ 66 હજાર 793 મતદાતાઓએ વોટિંગ કર્યું હતું. 

ગુજરાતમાં લગભગ 43 ટકા જેટલો શહેરી વિસ્તાર છે. છ મહાનગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. ભાજપને કોંગ્રેસ કરતા 9.01 ટકા વધુ મત મળ્યા છે. બંને વચ્ચે 13 લાખ 67 હજાર 143 જેટલા મતનો તફાવત છે. જેમાં અપક્ષ અને અન્યના મતનો સરવાળો છ લાખ 69 હજાર 256 થાય છે. તો મહાનગરપાલિકામાં બીએસપી અને એનસીપીના મતોનો સરવાળો ચાર લાખ 58 હજાર 72 જેટલો થાય છે. અપક્ષ.. અન્ય.. બીએસપી અને એનસીપીના મતોનો સરવાળો અગિયાર લાખ 27 હજાર 328 થાય છે. મહાનગરપાલિકામાં બીએસપી દલિત સમાજ અને એનસીપી પણ ચોક્કસ સમુદાયનો મોટો વોટ શેયર ધરાવે છે. 

અમદાવાદ અને સૂરતની મહાનગરપાલિકાઓ પર સૌની નજર હતી. અહીં બીએસપી-એનસીપી ફેક્ટર સાથે સુરતમાં અપક્ષને મળેલા મતોનું પરિબળ ઘણું મહત્વનું રહ્યું છે. મહાનગરપાલિકાઓમાં સૌથી રસપ્રસદ મુકાબલો રાજકોટમાં રહ્યો હતો. 
અમદાવાદની વોટિંગ પેટર્ન પ્રમાણે ભાજપને 50. 47 ટકા સાથે 31 લાખ 47 હજાર 131 મત મળ્યા હતા. કોંગ્રેસને 42.22 ટકા સાથે 26 લાખ 32 હજાર 840 મત મળ્યા છે. બંને વચ્ચે પાંચ લાખ 14 હજાર 291 મતનો તફાવત છે. ભાજપને કોંગ્રેસ કરતા 8.25 ટકા વધુ મત મળ્યા છે. 

અમદાવાદમાં બીએસપીને 92 હજાર 171.. એનસીપીને 66 હજાર 972 .. સીપીએમએમને 16 હજાર 478.. સમાજવાદી પાર્ટીને 12 હજાર 454 અને અન્યના ખાતામાં 32 હજાર 900 મત ગયા છે. જ્યારે અપક્ષને 38 હજાર 647 મત મળ્યા છે. 

સુરતમાં ભાજપને 51.76 ટકા સાથે 18 લાખ 89 હજાર 891 મત મળ્યા હતા. તો કોંગ્રેસને 39.01 ટકા સાથે 14 લાખ 45 હજાર 521 મત મળ્યા છે. ભાજપને કોંગ્રેસ કરતા 12.75 ટકા જેટલા વધુ મત મળ્યા છે. ભાજપને કોંગ્રેસ કરતા ચાર લાખ 65 હજાર 370 જેટલા વધુ મત મળ્યા છે. 

સૂરતમાં બીએસપીને 71 હજાર 186 .. એનસીપીને 34 હજાર 554 .. સીપીએમએમને ત્રણ હજાર અઠ્ઠાવીસ.. અન્યને 66 હજાર 273.. અપક્ષને એક લાખ પિસ્તાલીસ હજાર 787 મત મળ્યા છે. અહીં નોટાનો 16 હજાર 14 મતદાતાઓએ ઉપયોગ કર્યો છે. સુરતમાં અપક્ષને મળેલા પોણા બે લાખ મતોની ભૂમિકા પણ અવગણી શકાય તેમ નથી. 

જેટલીના બચાવમાં અડવાણીનું ઉદાહરણ, વડાપ્રધાન મોદીના વઝીરને ખાસ રાજકીય સંકેત ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ વઝીર અરુણ જેટલીની કામગીરીથી છેલ્લા કેટલાંક સમયથી તેઓ નારાજ છે. પરંતુ તેમને સીધું કહી શકતા નથી. બિનઆધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે.. સેવન- આરસીઆરથી જેટલી તરફ આંગળી ચિંધતા ડીડીસીએ વિવાદની શરૂઆત કરવાની લીલીઝંડી આપી હોવાનું મનાય છે. આ વિવાદ સંપૂર્ણપણે ચગાવાયા બાદ જેટલીના સંરક્ષણના નામે મોદીએ ભાજપની સંસદીય દળની બેઠક સમક્ષ  અડવાણીની જેમ બેદાગ બનીને જેટલી બહાર આવશે તેવું નિવેદન કરીને પોતાના પ્રધાનમંડળના વઝીરને કોઈ ખાસ રાજકીય સંકેતો આપ્યા છે. 

ભાજપના દિગ્ગજ નેતાઓને ઘેરતા વિવાદોના ટાઈમિંગ પણ ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ તરફ સંકેત કરે છે.. બજેટ સત્ર પહેલા ડીડીસીએના આરોપના ચક્રવ્યૂહમાં અરુણ જેટલીને ફસાવવાની કોશિશ અને કીર્તિ આઝાદને ખુલ્લા દાવાઓની આઝાદી પાછળ ભાજપની અંદરની કોઈ હરકત છે કે કેમ તેવા પણ સવાલો અને અટકળબાજીઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે. 

ભાજપની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પર ડીડીસીએ મામલે કરાયેલા આરોપના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી પ્રતિક્રિયાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે જેવી રીતે રામજન્મભૂમિ આંદોલનના રથ પર સવાર થઈને અડવાણી લોકપ્રિયતાને આંબી રહ્યા હતા. ત્યારે જ હવાલા કાંડમાં તેમનું નામ ઉછળ્યું હતું. તે વખતે ડાયરીમાં ખાલી નામના ઉલ્લેખ માત્રથી અડવાણીએ સાંસદ પદ સહીતના પાર્ટીના પદો પરથી રાજીનામા આપી દીધા હતા. હવાલા કાંડમાંથી તેઓ બેદાગ સાબિત થયા ત્યારે જ તેમણે ફરીથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉચ્ચપદે કામ કરવાની જવાબદારી સ્વીકારી હતી. 

અડવાણીની જેમ જેટલીને બેદાગ સાબિત થઈને નીકળશે તેવા પીએમ મોદીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં અટકળબાજી તેજ બની છે. આમ તો 2002 ઘટનાઓની પડકારજનક રાજકીય સ્થિતિમાં જેટલી નરેન્દ્ર મોદી સાથે જ રહ્યા હતા. ગોવા કારોબારીમાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ તેવો ભાજપનો સ્પષ્ટ મત ઉભો કરવામાં અરુણ જેટલીની ઘણી મોટી ભૂમિકા હતી. આમ તો જેટલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગતપણે ઘણાં ખુશ છે. તેથી તેમને અમૃતસર ખાતે નવજોતસિંહ સિદ્ધૂના સ્થાને લોકસભાની ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. હારવા છતાં જેટલીને કેન્દ્રીય નાણાં પ્રધાન અને સંરક્ષણ પ્રધાન એમ એક સાથે બે મહત્વના પ્રધાનપદા પણ આપ્યા હતા. મનોહર પર્રિકરના સંરક્ષણ પ્રધાન બનાવ્યા બાદ જેટલી પાસે નાણાં મંત્રાલય જેવું મહત્વપૂર્ણ ખાતું છે. 

આમ તો મોદીની કેબિનેટમાં ભલે રાજનાથ નંબર-ટુ ગણાતા હોય.. પરંતુ અરુણ જેટલી હકીકતમાં વડાપ્રધાનના વઝીર હોવાની માન્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા માટે અર્થતંત્રની ગતિ અને ઊંચો વિકાસ દર નાણાં મંત્રાલય પાસેથી તેમની પહેલી અપેક્ષા હોઈ શકે છે. પરંતુ નાણાં મંત્રાલયનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે.. તેવું નહીં હોવાની ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ડીડીસીએ વિવાદમાં જેટલી સામે આમ આદમી પાર્ટીના આરોપો બાદ ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને એક કાંકરે બે પક્ષીઓ માર્યા હોવાની ચર્ચા છે. 

ચર્ચા છે કે વડાપ્રધાન મોદી આમ તો અંગતપણે જેટલીથી ખુશ છે. પરંતુ નાણાં મંત્રાલયના પ્રદર્શનથી એટલા ખુશ નથી. જેનો સીધો અર્થ થાય છે કે જેટલીના કામકાજથી તેઓ ખુશ નહીં હોય. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને જેટલીને રાજીનામું આપવાના સંકેત આપ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. કેટલાંક રાજકીય જાણકારોનું કહેવું છે કે આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ માટેની કામરાજ યોજનાની શરૂઆત પણ કહી શકાય. જેવી રીતે ઈન્દિરા ગાંધીના વડાંપ્રધાન બન્યા બાદ કામરાજ યોજના હેઠળ કોંગ્રેસના અડચણરૂપ જૂનાજોગીઓને સરકારમાંથી હટાવીને પાર્ટી સંગઠનમાં મોકલવામાં આવ્યા હતા. તેવી રીતે વડાપ્રધાન મોદી પણ તેમની સરકારના બાકી બચેલા સાડા ત્રણ વર્ષથી ઓછા સમય માટે કામરાજ યોજનાની તર્જ પર પ્રધાનમંડળમાં કોઈ ફેરફારની ઈચ્છા ધરાવતા હોય તો તેને નકારી શકાય તેમ નથી. 

વળી લલિતગેટ મામલે કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ.. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા સામેની આક્ષેપબાજી થઈ ચુકી છે. જેના કારણે મોનસૂન સત્ર ધોવાયું હતું. તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન સામે વ્યાપમનું કૌભાંડ પણ ખૂબ આક્રમક રીતે કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યું હતું. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ સામે પણ ચોખાના કૌભાંડનો મામલો ઉઠાવાયો હતો. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે રિપીટ થવાનું નક્કી મનાતું હતું તેવા સમયે જ પ્રવર્તમાન પરિવહન પ્રધાન નીતિન ગડકરી સામે પૂર્તિ કાંડ સામે આવ્યો હતો. ભાજપના મહત્વના નેતાઓ સામે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના ટાઈમિંગને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ રહે છે કે કદાચ ક્યાંક પીએમઓમાંથી તો કોઈ દોરીસંચાર તો થતો નથી ને... ગડકરીના મામલે તો આરએસએસના એક વયોવૃદ્ધ નેતાએ સીધી શંકાઓ પણ વ્યક્ત કરી હતી. 

ત્યારે જેટલી સામે બજેટ સત્ર પહેલા જ ડીડીસીએ મામલે ભાજપના જ સાંસદ કીર્તિ આઝાદ દ્વારા કરવામાં આવેલા ખુલ્લા દાવાઓ અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસના આક્રમક વલણો ચોક્કસ રાજકીય સંકેતો આપી રહ્યા છે. જેટલી પણ સોનિયા ગાંધી સાથે મળીને તેમની પાર્ટીના સાંસદ દ્વારા તેમની વિરુદ્ધ કથિત ષડયંત્રની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. 

ત્યારે સવાલ એ છે કે કીર્તિ આઝાદને જેટલી દબાણમાં આવે તેવા સાત વર્ષ જૂના મામલાને આવી રીતે ઉઠાવવાની આઝાદી કોણે આપી?.. શું ભાજપની અંદરથી કોઈ દોરીસંચાર છે? .. શું પીએમઓ કીર્તિ આઝાદની આક્ષેપબાજી કરતા દાવાઓની આઝાદી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? દિલ્હીના રાજકીય વર્તુળોમાં જેટલીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી બાદ ઉપરથી શાંત લાગતા કેન્દ્રીય રાજકારણમાં અટકળબાજીના વમળો પેદા થયા છે.