Saturday, May 28, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)

Friday, May 27, 2011

ભારતમાં વિકાસ હશે, પણ શાંતિ-સુરક્ષા ક્યાં?


જેને વિકાસની દોડ ગણવામાં આવે છે, તે હકીકતમાં વિનાશની દોડ સાબિત થઈ રહી છે. વિશ્વ આખામાં વિકાસની વાત થઈ રહી છે. પણ જેને અત્યારે વિકાસ ગણવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં એ વિકાસ છે કે જેને વિકાસ ગણવામાં આવે છે, તે વિકાસના માપદંડો પર પુનર્વિચારની આવશ્યકતા છે કે કેમ તે વિચારવાનો સમય આવી ગયો છે? વર્ષો પહેલા રશિયાના થયેલી પરમાણુ દુર્ઘટના, ભારતમાં ભોપાલનો ગેસ કાંડ અને હાલમાં મેક્સિકોની ખાડીમાં થઈ રહેલો ક્રૂડ ઓઈલનો રિસાવ તેના ઉદાહરણો છે. આગની સાથે રમવા માટે આગની જેટલી નજીક જવામાં આવશે તેટલું આગ દઝાડશે.

હાલના વિકાસના માપદંડોનો વિચાર કરીએ વિશ્વના તમામ દેશો ધન-દોલત પાછળ દોડી રહ્યાં છે. તેમની દોડ અમીર બનવાની છે. વૈશ્વિક સલાહકાર ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના 10મા વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2009થી 2014ના અંત સુધી સંપત્તિ બનાવવાના મામલામાં ભારત અને ચીનનો વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ ત્રણ ગણી રહેશે. 2009માં વૈશ્વિક સંપત્તિઓ ઉલ્લેખનીય 11.5 ટકાના વધારા સાથે 1,11,500 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આટલી બધી અધધ સંપત્તિ છતાં વિશ્વમાં ગરીબી, ભૂખમરી, આતંકવાદ, અશાંતિ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમ કેમ થઈ રહ્યું છે? તેના કારણો ઘણાં છે. પરંતુ સૌથી મોટું કારણ છે કે આ સંપત્તિનો મોટો ભાગ અમેરીકા સહીતના વિકસિત દેશો પાસે છે. આ વિકસિત દેશો પોતાના દેશના પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખે છે. પોતાના દેશનું પર્યાવરણ કોઈપણ રીતે બાધિત ન બને તેના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંમેલનોમાં ભારત અને ચીન જેવા દેશો પર કાર્બન એમિશન મુદ્દે દબાણ પણ લાવે છે. પોતાના દેશમાં પ્રતિબંધિત હોય તેવા ઉત્પાદનો તેઓ અન્ય વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કંપની નાખીને કરે છે.

વિશ્વમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 149 દેશોમાં ભારતનો ક્રમ 128મો આવે છે. ગત વર્ષે તેનો ક્રમ 122મા ક્રમે હતું અને 2007માં ભારત શાંતિની બાબતમાં 109મા ક્રમે હતું. આમ ભારત આતંકવાદ, નક્સલવાદ અને અન્ય જીવન સામેના જોખમોને કારણે શાંતિથી અશાંતિ તરફ ગતિ કરી રહ્યું હોવાની વાત આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ અને પીસ (આઇઇપી) દ્વારા વિશ્વના ૧૪૯ દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, ત્રાસવાદ અને માનવ અધિકારોનો ભંગ આઇઇપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના મુખ્ય પરબિળો હોવાનું જણાવવામાં આવ્યું છે. જીપીઆઇના ચોથા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સતત બીજા વર્ષે વિશ્વમાં શાંતિ ઘટી ગઇ છે. આપણા પડોશી દેશ પાકિસ્તાન શાંતિની બાબતમાં સૌથી અશાંત રહ્યો છે. તેનો ક્રમ 145મો છે.

ત્યારે સવાલ એ છે કે 8થી 9 ટકાના વૃદ્ધિદરથી વિકાસ કરી રહેલા ભારતમાં વિકાસ એટલે કે દેશની સંપત્તિ વધી રહી છે. પરંતુ અશાંતિ વધી રહી છે. ત્યારે દેશમાં આવા વિકાસની બાબતમાં વિચારવું ન જોઈએ કે જેમાં દેશના નાગરીકોને શાંતિ ન મળતી હોય, તેમના જીવનની કોઈ સુરક્ષા ન થઈ હોય ભોપાલ ગેસ કાંડ જેવી ઘટનાઓના ચુકાદા પણ આવી સ્થિતિમાં પીડિતોને દાઝયા પર ડામ દેવાનું કામ કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની શરૂઆતના વર્ષોમાં જ ભારતમાં અમેરીકી કંપની યૂનિયન કાર્બાઈડ આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ પાંચ-સાત વર્ષ બાદ રાજકીય કટોકટી અને આર્થિક કટોકટી જોઈ હતી. આર્થિક કટોકટી સામે ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી.

નરસિંહરાવના શાસનકાળ દરમિયાન તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહની ગ્રાન્ડ ડિઝાઈન હેઠળ જ ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતમાં અમેરીકા સહીતના દેશોનું વિદેશી રોકાણ વધવા લાગ્યું હતું. ભારતમાં ઔદ્યોગિકરણે પણ વેગ પકડયો હતો. પાણીથી પરમાણુ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરવાની શરૂ કરી દીધી છે. તેવામાં ભોપાલ ગેસ દુર્ઘટનાને કોલ્ડ બોક્સમાં નાખી દેવાય હોય તેવી સંભાવના વધારે છે. કારણ કે જે પ્રકારે ચુકાદાને આવતા 25 વર્ષ લાગ્યા અને જે પ્રકારે અત્યારે એન્ડરસનને ભગાડવામાં અમેરીકી દબાણ અને એન્ડરસનના પ્રત્યાર્પણ મામલે સીબીઆઈની ઢીલી નીતિઓની વાત સામે આવે છે, તે તમામ બાબતો કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

જો ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ સ્વીકાર્યું તેના થોડા સમયમાં જ ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે ભારત સરકારે કોઈ કડક વલણ અપનાવ્યું હોત તો જે આઠથી નવ ટકાના વિકાસદરની ગણતરી સરકાર કરી રહી છે. તે થવી કેટલી સંભવ હતી તે તો આકલનનો જ વિષય છે! ત્યારે વિકાસની પરિભાષા અને વિકાસ તરફના દ્રષ્ટિકોણને પણ પુનર્વિચાર કરવાની જરૂર ઉભી થઈ છે. આ સંદર્ભે વિચાર કરવાની અત્યારે આવશ્યકતા છે. કારણ કે ભારતે સમૃદ્ધિ તરફ, વિકાસ તરફ જરૂરથી આગળ વધવું પડશે. ત્યારે સવાલ એ છે કે દેશના નાગરીકોના જીવનના ભોગે તો ભારતને ધન-દોલતના રાહ પર લઈ જવા માટે એટલે કે વિકાસના રસ્તે લઈ જવા માટે દેશના કર્ણધારોએ કોઈ સમજૂતી પરિસ્થિતિ સાથે કે અન્ય દેશ સાથે તો નથી કરી લીધી ને? વળી તેવો હજી પણ આ નીતિને વળગી તો નથી રહ્યાં ને? તે તમામ બાબતોના ખુલાસા દેશની જનતા સામે થવા જરૂરી છે.

પણ તે પણ આપણે યાદ રાખવું પડશે કે માત્ર વૃદ્ધિદરના ગણિતમાં સમાયેલા વિકાસની કોખમાં વિનાશને પણ ગળે લાગાડીને ચાલી રહ્યાં છીએ. જ્યારે અમેરીકા સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પરમાણુ ઊર્જા મેળવવા માટે આપણે ડગ ભરતા હોઈએ ત્યારે ભારતમાં નાગરીકોના જીવનની સુરક્ષા માટે પણ સરકાર સતર્ક બને અને કોઈ જવાબદાર પગલા ભરે તે જરૂરી છે. નાગરીકોના જીવન સામે આતંકવાદ, નક્સલવાદ, બોમ્બ વિસ્ફોટો અને આવી દુર્ઘટનાઓનું જોખમ ઓછું થાય તેવા એક્શન પ્લાન સાથે સરકારે હવે સામે આવવાનો વખત આવી ગયો છે.

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.

વિવેકાનંદના વિચારોથી ભ્રષ્ટાચારના ભોરિંગને નાથો


ભારત આજે ભ્રષ્ટાચારના કાદવમાં ખૂપી ગયું છે. તાજેતરમાં ઘણાં ગોટાળાઓ સામે આવ્યા છે. આ ગોટાળા રાજકારણીઓ અને ઉદ્યોગોની મિલીભગતથી થયા છે. તેમાં 1.72 લાખ કરોડ રૂપિયાનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું મનાતું કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટીનો કડદો, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં જમીનના ગોટાળા, રેડ્ડી બંધુઓનું માઈનિંગ કૌભાંડ અને અન્ય સામે ન આવ્યા હોય તેવા ગોટાળા તો સામે આવે તો જ ખબર પડે. માનવામાં આવે છે કે ભારતના 70000 લાખ કરોડ રૂપિયા સ્વિઝ બેંકોમાં છે. આ કાળા નાણાંને ભારતમાં લાવવાનો મુદ્દો ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો હતો. આ મુદ્દો હજી પણ ચાલુ છે. પરંતુ આ તમામ ભ્રષ્ટાચારની સમસ્યામાંથી નીકળવાનો માર્ગ યુગપુરષ સ્વામી વિવેકાનંદના વિચારદર્શનમાં છે. જરૂર છે, માત્ર તેને જાણવાની અને જાણીને સમજવાની. યોગાનુયોગ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પણ છે. સ્વામી વિવેકાનંદના ઉત્કૃષ્ટ વિચારો ભ્રષ્ટાચારના ભોરિંગની ફેણ કચડવા માટે મદદરૂપ બની શકે તેમ છે.

મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે

રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્રસાધના એ આપણાં પ્રત્યેકના જીવનનું લક્ષ્ય બનવું આવશ્યક છે. જેનાથી રાષ્ટ્ર ઉન્નતિ તરફ આગળ વધશે. પણ કોઈપણ કાર્યની સાધના તેના સાધન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ આદર્શથી એટલો વશીભૂત બની જાય છે કે તેની પ્રાપ્તિના સાધનોનો વિચાર તેની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ ત્યારે રાષ્ટ્ર સાધનામાં રત સાધકોને રસ્તો બતાવતા કહે છે કે ‘જ્યારે કોઈ અસફળતા મળે છે, ત્યારે તેમાની 99 ટકા ઘટનાઓમાં માત્ર એક જ નિષ્કર્ષ નીકળશે કે સાધનો તરફ ધ્યાન ન અપાયું તે અસફળતાનું કારણ છે. તેથી જો સાધન બિલકુલ યોગ્ય હશે, તો સાધ્ય પ્રાપ્ત થઈને રહે છે. કારણ જ પરિણામનું જનક હોય છે. પરિણામ કોઈ પોતાની મેળે નહીં નીકળે. એક વખત જો આદર્શોને લગભગ ભૂલી પણ જઈએ તો કોઈ હર્જ નથી, કારણ કે સાધનોની પૂર્ણતાની સાથે તેની સિદ્ધિ અપરિહાર્ય છે. આદર્શની પ્રાપ્તિ પરિણામ માત્ર છે. સાધન તેનું કારણ છે. તેથી સાધનોની ચિંતા જ રાષ્ટ્ર જીવનની સફળતાની કુંજી છે.’ આ સાધનોના સ્વરૂપે તેમણે ધર્મ અને આધ્યાત્મિક ચિંતનધારાને પ્રગટ કરી, જેનાથી જનસાધારણને સંગઠિત કરવામાં સહાયતા પ્રાપ્ત થઈ.

સ્વામી વિવેકાનંદે મનુષ્ય નિર્માણ માટે આહ્વાન કર્યું છે, જેનાથી સમાજમાં મત વિભિન્નતા, પોંગાપંથી, અજ્ઞાન, જાતિભેદ, ઈર્ષા હોવા છતાં સામાજીક પુનરોત્થાન થશે અને રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે. આ જ આધારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘દીર્ઘ રાત્રિ હવે સમાપ્ત થઈ હોય તેમ લાગે છે.’ સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજને આહ્વાન કરતાં પોતાની ‘સંન્યાસીના ગીત’ કવિતામાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાનો ઉદઘોષ કરતાં કહ્યું છે કે-

‘તોડો સબ શ્રૃંખલા, ઉન્હેં નિજ જીવન બંધન જાન,
હો ઉજ્જવલ કાંચન કે અથવા ક્ષુદ્ર ધાતુ કે મ્લાન
પ્રેમ, ધૃણા, સદ-અસદ, સભી યે દ્વંદ્વો કે સંધાના
દાસ સદા હી દાસ, સમાદ્રત્ત વા તાડિત-પરતંત્ર
સ્વર્ણ નિગડ હોને સે ક્યાં વે સુદ્રઢ ન બંધન યંત્ર?
અત: ઉન્હેં સંન્યાસી તોડો, છિન્ન કરો, ગા યહ મંત્ર’


ભારતના અમૃતપુત્રોને સ્વામી વિવેકાનંદનો સંદેશ અને માર્ગદર્શન

સંસારનો ઈતિહાસ સાક્ષી છે કે પરિવર્તન દુરાગ્રહપૂર્ણ સુધારાઓથી આવી શકતું નથી. બુરાઈ વિરુદ્ધ સંઘર્ષ માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલો રસ્તો વધારે આત્મનિષ્ઠ લાગે છે. તેમણે ભારતના સમાજની બુરાઈઓ સામે લડવા માટે રસ્તો સૂચવતા જણાવ્યું છે કે ‘હે મારા ભારતવાસીઓ! હે અમૃત પુત્રો! તમારું આ રાષ્ટ્રીય વહાણ યુગોથી સભ્યતાઓને ધારણ કરી રહ્યું છે અને પોતાના અમૂલ્ય રત્નો સંપૂર્ણ વિશ્વના કોષમાં ભરતું રહ્યું છે. સેંકડો શાનદાર શતાબ્દિઓથી આપણું આ રાષ્ટ્રીય જળયાન જીવનસાગરની આરપાર ચક્કર લગાવી રહ્યું છે અને અગણિત આત્માઓને સાંસારિક દુ:ખોથી દૂર, પેલે પાર લઈ ગયું છે. પરંતુ આઝે ભલે તમારી પોતાની ભૂલોથી, ચાહે કોઈ અન્ય કારણથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું, થશે અથવા તેમાં એકાદ છેદ થઈ ગયો અને તમે બધાં તેમાં બેઠાં છો, તો શું કરશો? શું તમે તેને કોસતા રહી અને આપસમાં ઝગડતા રહેશો? શું તમે બધાં એકતાના સૂત્રમાં ગુંથાઈને આ છિદ્રને બંધ કરવાનો પ્રયત્ન નહીં કરો? આઓ, આમ કરવા માટે આપણે આપણાં હ્રદય આપીએ, આપણાં રક્ત આપીએ અને જો આપણે આપણાં પ્રયત્નોમાં અસફળ રહીએ તો સાથે ડૂબી જઈએ.’

આપણા રાષ્ટ્રીય વહાણના છિદ્રને ભરવા માટે ‘હું આત્મા છું, મને તલવાર કાપી નહીં શકે, શસ્ત્ર છેદી નહીં શકે, અગ્નિ બાળી નહીં શકે, વાયુ શોષી નહીં શકે, હું સર્વશક્તિમાન છું, હું સર્વદર્શી છું’ વેદાંતના આ દર્શનથી પ્રત્યેકના જીવનમાં આધ્યાત્મિકતાથી પ્રેરણા જગાડી શકાશે. આ આત્મ વિશ્વાસથી ભારતના દરેક વ્યક્તિનું નિર્માણ કરવું તે જ રાષ્ટ્રસાધના છે. આ આત્મવિશ્વાસ જગાડવાની ક્રિયા જ હકીકતમાં રાષ્ટ્રોત્થાન છે. આ આત્મવિશ્વાસથી છલરકતો દરેકે દરેક ભારતીય શક્તિશાળી, સુદ્રઢ, ભ્રષ્ટાચાર અને અન્ય બદીથી મુક્ત રાષ્ટ્રનું પુનર્નિમાણ કરી શકશે. ભારતનું પુનરોત્થાન ભારતની વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓના એકીકરણથી જ શક્ય બનશે. સમાન આધ્યાત્મિક સ્વરના સ્પંદનો ધરાવતાં હ્રદયવાળા લોકોના સંગઠનથી ભારતએ ખરા અર્થમાં ભારત બની શકશે.

ભારતના યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનું જણાવ્યું છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું છે કે ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યો’. તેઓ ઈચ્છતા હતા કે ભારતનો યુવાન મંદિરોની જગ્યાએ ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડી પોતાના યૌવનને ઝંકૃત કરે. તેઓ યુવાનોને ભારતના પુનરોત્થાન માટેનું કારણ માનતા હતા. તેમણે ભારતના યુવાનોમાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન જોયું હતું. જો કે અફસોસ એ વાતનો છે કે વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરવામાં આવી રહી છે, છતાં હજીપણ રાષ્ટ્રની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

સ્વામી વિવેકાનંદે ધાર્મિક પરંપરાઓને એક એવી સંયુક્ત પરંપરા ગણાવી છે કે જેમાં શંકરનો નિર્ગુણ નિરપેક્ષતાવાદ, રામાનુજનો ભક્તિવાદ અને ભગવાન બુદ્ધનો માનવતાવાદ ઓતપ્રોત થઈ ગયા છે.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ધર્મને વહેમ અને લાગણીવેડાથી મુક્ત કરીને શુદ્ધ કરવામાં આવે તથા તર્ક અને વિજ્ઞાનને તેમની આક્રમણકારી કઠોરતાથી મુક્ત કરવામાં આવે તો, જરૂર એક સૈમ્ય અને સંતોષકારક જીવનદ્રષ્ટિ ઉત્પન્ન કરી શકાય. તેમણે ભારતને ચેતવણી આપી છે કે ‘રીત-રીવાજ અને અંધશ્રદ્ધાવાળી રૂઢ પ્રાણાલિકાઓ પર ચણાયેલો ધર્મ એ ‘ધર્મનો વિક્રય કરતી દુકાન’ બની જાય છે, તેમાં ઈશ્વર એ સાધ્ય નહીં પણ સાધન બની રહે છે.’

તેમણે પશ્ચિમની સભ્યતા માટે ભવિષ્યવાણી કરી છે કે ‘જો આધ્યાત્મનો પાયો નહીં હોય, તો આખીય પશ્ચિમી સભ્યતા ધરાશાહી થઈ જશે. માનવજાત પર તલવારના જોરે શાસન કરવું તદ્દન નિરર્થક છે.’

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ હંમેશા યુવાનોને પ્રેરણા આપતો રહ્યો છે. તેમના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યોનો જયઘોષ યુવાનોને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. વિવેકાનંદનો ઉપદેશ વ્યવહારીક, માનવકેન્દ્રી અને સક્રિય પુરુષાર્થ સભર છે. ગીતામાં નિર્દિષ્ટ ‘નિષ્કામ કર્મ’ ઉપર તેઓ હંમેશા ભાર મૂકતા હતા. હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો વિશ્વભરમાં ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો ભારતના યુવાનોને તેમનામાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રને પરમ વૈભવે પહોંચાડવાના કાર્યમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપશે.

તમારો અભિપ્રાય

સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થાય છે. ભારતની હાલની ભ્રષ્ટાચાર સહીતની અન્ય સમસ્યાઓનું મૂળ મનુષ્ય નિર્માણ કરવા માટેના મૂલ્યોનો હ્રાસ તો નથી ને? વિચાર માંગી લે તેઓ વિષય છે. કારણ કે મૂલ્યો, નૈતિકતા, સદાચાર, વિશ્વાસ, આત્મસમ્માન, માનવતા વગરે દ્વારા જ તો મનુષ્યનું નિર્માણ થાય છે. પરંતુ ભારતની હાલની વ્યવસ્થા આ પ્રકારે મૂલ્યો અને નૈતિકતા સહીતના મનુષ્ય નિર્માણમાં નિષ્ફળ જવાને કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, દ્વેષ, હિંસાચાર, આતંકવાદ જેવી સમસ્યાનું કારણ બની રહી છે. ત્યારે સમય છે કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી કોઈ માર્ગદર્શન મેળવવામાં આવે. વાચક મિત્રો નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં આપના વિચારો, અભિપ્રાયો અને મંતવ્યો લખીને સબમિટ કરો. દુનિયાભરના વાચકો સાથે સંવાદનો પ્રારંભ કરો......

RSS કટ્ટર 'રાષ્ટ્રવાદ' ફેલાવે તો તેમા ખોટું શું છે?


દેશમાં કોંગ્રેસની એકહથ્થુ સત્તાને આઝાદી બાદ કોઈ વિચારધારાએ ટક્કર આપી છે, તો તે છે હિંદુત્વની વિચારધારા. દેશમાં આઝાદી બાદ હિંદુ મહાસભાના પ્રભાવહીન થયા બાદ ભારતની રાજકીય ક્ષિતિજ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થકી ભારતીય જનસંઘનો ઉદય થયો અને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની. ભારતીય જનતા પાર્ટીએ 1989થી 2010 સુધીના સમયગાળામાં કોંગ્રેસને નાકે દમ લાવી દીધો છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને મગજ જ કામ કરી ગયું છે. સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસના વિરોધીઓની યાદીમાં હોય જ. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસના વિરોધીઓના લિસ્ટમાં સૌથી ઉપર હોય.

રાહુલ ગાંધીએ વૈચારીક કટ્ટરતામાં મુસ્લિમ વિદ્યાર્થીઓના કટ્ટરવાદી પ્રતિબંધિત સંગઠન સ્ટૂડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સીમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કોઈ ફેર ન હોવાનું જણાવ્યું છે. જો કે તેમાં કેટલું તથ્યા છે, તે તારવવું હજી બાકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની જમણેરી વિચારધારાનો એક સ્તંભ અવશ્ય છે. દરેક દેશમાં જમણેરી, મધ્યમાર્ગી અને ડાબેરી વિચારધારાઓ રહેતી હોય છે. તેવી રીતે ભારતમાં પણ જમણેરી વિચારધારાના લોકોને પણ પોતાની વિચારધારાને આગળ વધારવા પ્રસારીત કરવાના અને તેના માટે લોકતાંત્રિક અહિંસક સત્યાગ્રહી આંદોલનો ચલાવવાનો અધિકાર છે.

ત્યારે તેની સામે કોઈ વૈચારીક રીતે આંદોલન ચલાવવાનો મધ્યમમાર્ગી કોંગ્રેસને પણ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ આવું વૈચારીક આંદોલન ચલાવ્યા વગર જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપોનો મારો ચલાવે છે. જો કે એમાં પણ તથ્ય હોવાની સંભાવના છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા ‘કેટલાંક’ લોકો ઉગ્રપંથી કૃત્યોમાં સામેલ હોઈ શકે છે. પરંતુ તે હજી તપાસ થવાની બાકી છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા જ ‘જજમેન્ટ’ પાસ કરી દેવાય તે કેટલું યોગ્ય છે?

આ એ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે જેને ચીન સામેના યુદ્ધમાં સેનાનો સહકાર આપવા બદલ સેક્યુલર ગણાતાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નવી દિલ્હીમાં પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ગાંધી હત્યામાં સામેલ હોવાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લાગ્યો હતો. જો કે પાછળથી આ આરોપોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિર્દોષ જાહેર કરવામાં આવ્યું હતું. તે વખતે પણ ભારતના તત્કાલિન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસને દેશભક્ત સંગઠન જ કહ્યું હતું. ભારતને કટ્ટરવાદી કે આતંકવાદી સંગઠન ભારતના દેશભક્ત રાજકારણીઓએ તેના વિરોધી હોવા છતાં પણ કહ્યું નથી. ત્યારે રાહુલ ગાંધીની અયોધ્યાનો ચુકાદો આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરની ટિપ્પણી હિંદુત્વ વિચારધારાના ધ્વજારોહકો વિરુદ્ધ કોંગ્રેસ તરફથી આક્રમક રણનીતિના સંકેતો દર્શાવે છે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહને ડાહપણની દાઢ ઉગી નીકળી છે. તેમણે કહ્યું છે કે સંઘ પર પ્રતિબંધ મૂકવો સમસ્યાનું સમાધાન નથી. તેમની આ વાત સાથે સંમત થવું પડે તેમ છે. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગાંધી હત્યા વખતે, કટોકટી વખતે અને બાબરી ધ્વંસ પછી એમ કુલ ત્રણ વખત પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન આરએસએસનો જનાધાર આશ્ચર્યજનક રીતે વધ્યો હતો. અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઘટાડો થયો હોવાનું તેમના વાર્ષિક પ્રતિવેદનમાં સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે આરએસએસ વિરુદ્ધની કોઈપણ પ્રતિબંધાત્મક કાર્યવાહી તેનો જનાધાર વધારવાની તક પૂરી પડશે. આરએસએસ દરેક પ્રતિબંધ બાદ વધારે મજબૂત બનીને બહાર આવ્યું છે.

જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના ગાંધી-નહેરુ પરિવારને વત્તા-ઓછાં અંશે છત્રીસનો આંકડો રહેલો છે. પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતની રાજનીતિમાં બે ધ્રુવો ઉભા કરવાનું પણ આરએસએસના પ્રયત્નોથી જ શક્ય બન્યું છે. ત્યારે લોકતંત્રમાં વિરોધી વિચારધારાને વૈચારીક, લોકતાંત્રિક રીતે જવાબ આપવાની પરિપક્વતા દાખવવાની આવશ્યકતા છે. દિગ્વિજય સિંહે અયોધ્યા ચુકાદા પહેલા કહ્યું હતું કે વીએચપી અને સંઘ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેમણે ભાજપ, વીએચપી અને સંઘના કોઈપણ વાયદામાં વિશ્વાસ ન કરી શકાય તેમ કહ્યું હતું. જો કે અયોધ્યા ચુકાદા બાદ આ બધાં જ સંગઠનોએ શાંતિ જાળવવામાં સરકારને સહકાર આપ્યો છે. આ હકીકતથી હવે ઈન્કાર થઈ શકે તેમ નથી.

તેની સામે સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા ભારતમાં ઈસ્લામના ફેલાવાના નામે પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત આતંકવાદી સંગઠનો સાથે મળીને દેશમાં અજારકતા ફેલાવે છે. જેના કારણે તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અત્યાર સુધીનો ઘોષિત પક્ષ તો લોકતાંત્રિક, બંધારણીય અને અહિંસાના માર્ગે પોતાના વિચારને આગળ વધારવાનો રહ્યો છે. હવે લોકોને જ નક્કી કરવા દેવું જોઈએ કે તેમને શું જોઈએ છે? તેમને ક્યાં માર્ગે આગળ વધવું જોઈએ?

આરએસએસના દ્વિતિય સરસંઘચાલક એમ. એસ ગોલવલકરે કહ્યું છે કે જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124)

કટ્ટર રાષ્ટ્રવાદી હોવું શું ગુનો છે? રાષ્ટ્રવાદની કટ્ટરતા કોમવાદી કટ્ટરતા કરતાં તો સારી ગણાય કે નહીં? ભારતના ઘણાં દુ:ખોનું કારણ રાષ્ટ્રવાદની કટ્ટરતાની અછત રહી છે. જો આવી કટ્ટરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફેલાવતું હોય તો તેમા ખોટું શું છે?

રાષ્ટ્રવાદની કટ્ટરતા દેશના સ્વાભિમાન માટે જરૂરી છે. રાષ્ટ્રવાદની કટ્ટરતા ફેલાવવું કોઈ ગુનો બનતું નથી. ગુનો બને છે કે જ્યારે રાષ્ટ્રવાદની જગ્યાએ કોમવાદી કટ્ટરતા ફેલાવવામાં આવે છે. જો કોઈ કોમવાદી કટ્ટરતા ફેલવાતું હોય તો તેને રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણવો જોઈએ. પરંતુ રાષ્ટ્રવાદીઓને કોમવાદી કટ્ટરતાવાદીઓ સાથે બેસાડવું કેટલું યોગ્ય છે?

વાચકમિત્રો તમે શું માનો છો કે સંઘ રાષ્ટ્રીય વિચારધારા ધરાવે છે કે કોમવાદી? આપના આ લેખ સંદર્ભે શું અભિપ્રાયો છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છે. આપના અભિપ્રાયોનું સ્વાગત છે.....

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું!


11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ, જુદાંજુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટાં હોય, તો પણ અંતે તો એ બધાં તારા પ્રત્યે જ લઈ જાય છે.’ આ સંન્યાસી અન્ય કોઈ ન હતા પરંતુ દેશ-દુનિયાના સેંકડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદનું પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ

ભગવા વસ્ત્રોમાં સજ્જ કેસરી પાઘડીવાળા સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર આજે પણ દેશ અને દુનિયાના સેંકડો યુવાનોને પ્રેરણા આપી રહ્યું છે. તેમની આંખોના ભાવ આજે પણ ભારતના યુવાનોમાં નચિકેતાને શોધી રહ્યાં છે, કે જે ભારતને પરમ વૈભવે પહોંચાડી શકે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી બળ અને ધૈર્ય નીતરે છે.

જ્યારે તેઓ 1892માં અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં અસરકારક ભાષણ દ્વારા ભારતીય વેદાંતના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે સમજાવીને પોતાના સ્થાન પર બેઠાં ત્યારે ત્યાં આવેલા તમામ ધર્માચાર્યો તેમની પ્રભાવી વાણીમાં હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન અંગે સાંભળીને શું બોલવું? તે નક્કી કરી શક્યા ન હતા!

સ્વામી વિવેકાનંદની ઉંચી ખડતલ દેહયષ્ટિ, વેધક અને તેજસ્વી વિશાળ આંખો, ઘેરો અને સમૃદ્ધ એવો સ્વર તેમના પ્રતિભાશાળી તથા પ્રભાવશાળી વ્યક્તિત્વને વિશિષ્ટ શક્તિ પ્રદાન કરતાં હતા. તેઓએ ખરેખર 11 સપ્ટેમ્બર, 1892ના દિવસે વિશ્વ ધર્મ પરિષદમાં ભારત માટે ‘દિગ્વિજય’ કર્યો હતો. તેઓ ધાર્મિક હોવા છતાં સમર્પણ તેમના માટે સ્વભાવગત ન હતું! તેમનું મન એક વિજેતાનું મન હતું. શું તફાવત હતો સ્વામી વિવેકાનંદના વિચારોમાં અને અન્ય ધર્માચાર્યોના વિચારમાં? સ્વામી વિવેકાનંદે કોઈ જ વિદ્વતાપૂર્ણ નિંબધ વાંચ્યો ન હતો. તેમજ કોઈના ભલામણ પત્ર પણ સાથે લાવ્યા ન હતા. સૌને સવાલ થયો હતો કે ભારતથી આવેલા એક અજાણ સંન્યાસીએ કેવી રીતે આટલો ઉંડો પ્રભાવ પાડયો?

તેનો જવાબ સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના શિકાગો ખાતે થયેલા ઉદબોધનમાંથી મળી જાય છે. આ પરિષદમાં અન્ય ધર્માચાર્યો પોતાના ધર્મના ઈશ્વર અંગે બોલ્યા હતા, જ્યારે સ્વામી વિવેકાનંદ સૌના ઈશ્વર વિશે બોલ્યા હતા!જો કે આ વાત હજી સુધી સમજી ન શકનારા આપણે હજી પણ આપણાં ઈશ્વર માટેની લડાઈઓ ચાલુ રાખી છે.

ઓસામાના 9/11ને કદાચ સ્વામી વિવેકાનંદે પારખી લીધું હતું!


સ્વામી વિવેકાનંદે કદાચ 11 સપ્ટેમ્બર, 1893ના દિવસે જ ઓસામા બિન લાદેનના દોરી સંચાર હેઠળ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થનારા અમેરીકા પરના ભીષણ આતંકવાદી હુમલાને કદાચ જોઈ લીધો હશે. કારણ કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ઉદઘાટન વખતે બોલાયેલા શબ્દો તેના સાક્ષી છે.

વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાનઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે.’ સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદના ઘંટારવને યાદ કરીને કહ્યું હતું કે ‘આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદાંજુદાં માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃતિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતાં સર્વ ત્રાસનો મૃત્યુ ઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

વિશ્વમાં આતંકવાદની સૌથી મોટી ઘટના 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે થઈ હતી. તેના વિલન અલકાયદા અને તેનો સરગના ઓસામા-બિન-લાદેન હતા. આ ઘટનાને આતંકના ઈતિહાસમાં 9/11ની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 11 સપ્ટેમ્બર, 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના અજાણ્યા સંન્યાસી ભગવા વસ્ત્રધારી સ્વામી વિવેકાનંદે ભારત અને હિંદુ ધર્મનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજ કોઈ યુદ્ધ કરીને, કોઈ હિંસા કરીને કે કોઈ પ્રકારની બળજબરીથી મળેલા વિજયને કે ઓસામાના જેવા આતંકી કુકૃત્યોને પરિણામે ફરક્યો ન હતો. પણ પ્રેમ, સમજણ અને જ્ઞાન દ્વારા સ્વામી વિવેકાનંદે ભારતમાં જન્મેલા અને વિશ્વમાં અનેક સ્વરૂપે પ્રસરેલા સનાતન હિંદુ ધર્મની ધ્વજ પતાકા પોતાના ઓજસ્વી ભાષણથી ફરકાવી હતી.

આ પણ અમેરીકા પર એક હુમલો હતો, પણ આ હુમલો હતો અમેરીકા અને અન્યોના જ્ઞાનના ગરુર પરનો હુમલો. આ એવો હુમલો હતો કે જેમાં એક પણ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે ઘાયલ થઈ ન હતી કે મૃત્યુ પામી ન હતી. હા, ત્યાં ઉપસ્થિત સેંકડો લોકો સ્વામી વિવેકાનંદના હિંદુ ધર્મ ચિંતન અને તત્વજ્ઞાનથી નતમસ્તક જરૂર થઈ ગયા હતા. 1893ના શિકાગોમાં થયેલા 9/11ના હીરો સ્વામી વિવેકાનંદ હતા.

વિશ્વ ધર્મ પરિષદમાં કહેલી સ્વામી વિવેકાનંદની વાતોને જો માનવ સમાજે યાદ રાખી હોત તો કદાચ 9/11ની ભીષણ આતંકવાદી હુમલાની ઘટના બની ન હોત. ધર્મો વચ્ચે સંવાદની પ્રક્રિયા સાધી શકાય હોત તો કદાચ જેહાદી આતંકવાદીઓના જથ્થા તૈયાર કરનારા ઓસામ બિન લાદેનો પેદા થઈ શક્યા ન હોત. સારા વિશ્વ ધર્મ સંવાદથી કદાચ ધર્મના નામે ચાલતો આતંકવાદ નિર્મૂળ કરી શકાશે. કદાચ ઓસામ બિન લાદેન અને તેના અનુયાયીઓની વિચારધારા અને માનસિકતાને વિશ્વમાંથી રૂખસદ આપી શકાશે.

તમારો અભિપ્રાય


વાચકમિત્રો સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદના ભાષણ સંદર્ભે અને તેમણે આપેલા દ્રષ્ટિકોણ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? તમને લાગે છે કે ભારતે સ્વામી વિવેકાનંદના વૈચારીક માર્ગદર્શન હેઠળ પોતાનો પથ નક્કી કરવો જોઈએ? ભારતીય તત્વજ્ઞાનને ઘેરાયથી સમજવાની જરૂર છે? તમારો મત અમને નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં લખીને મોકલી જણાવશો.

જલિયાંવાલા બાગ: 1650 રાઉન્ડમાં 1000થી વધારેની હત્યા!


અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.

13 એપ્રિલ, 1919નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ, 1699ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે.

દમનકારી રોલેટ એક્ટના કાળા કાયદાની પૃષ્ઠભૂમિ

અંગ્રેજી હુકૂમતનું દમનકારી વલણ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ શરૂ થઈ ચુક્યું હતું. દેશ આખાએ તેનો અનુભવ કર્યો હતો. જો કે તેમ છતાં ભારતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં (1914-1918) બ્રિટિશ હુકૂમતનો ખુલીને સાથ આપ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધની સમાપ્તિએ આશા હતી કે ભારત સાથે બ્રિટિશ શાસન નરમાશથી વર્તશે. પરંતુ લોકોની ભાવનાથી વિપરીત બ્રિટિશ સરકારે મોન્ટેગૂ-ચેમ્સફર્ડ સુધારા લાગુ કરી દીધા. પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે પંજાબના ક્ષેત્રોમાં બ્રિટિશરો સામે વિરોધ કંઈક વધારે પ્રમાણમાં સપાટી પર આવ્યો હતો. તેને દબાવવા માટે ભારત પ્રતિરક્ષા કાયદો (1915) લાગુ કરીને કચડી નાખ્યું હતું. ત્યાર બાદ 1918માં એક બ્રિટિશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની જવાબદારી ભારતમાં ખાસ કરીને પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી શક્તિઓની સહાયતાથી થઈ રહ્યો હતો, તેનું અધ્યયન કરવાની હતી. આ સમિતિના સૂચનો પ્રમાણે, ભારત પ્રતિરક્ષા કાયદાનો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટનો હેતુ આઝાદી માટે ચાલી રહેલા આંદોલન પર રોક લગાવવાનો હતો. રોલેટ એક્ટના કાળા કાયદા પ્રમાણે, સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. તેમાં તેઓ પ્રેસ પર સેન્સરશીપ લગાવી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે, લોકોને વોરંટ વગર પકડી શકે, તેમના પર વિશેષ ટ્રિબ્યૂનલો અને બંધ કરમામાં જવાબદેહી વગર ચુકાદા ચલાવી શકતા હતા.

રોલેટ એક્ટ તે સમયે બ્રિટિશ હુકૂમતની દમનકારી નીતિઓનું વાહક બની ગયો હોવાથી તેની સામે વિરોધનું વાતાવરણ બની ગયું હતું. તેને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવતો હતો અને લોકો તેના વિરોધમાં ધરપકડ વ્હોરી રહ્યાં હતા. ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવી ચુક્યા હતા અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી. તેમણે રોલેટ એક્ટના વિરોધનું આહવાન કર્યું હતું. તેને કચડવા માટે બ્રિટિશ સરકારે વધુ નેતાઓ અને લોકોની ધરપકડ કરી હતી. જેનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો અને લોકોએ રેલવે તથા તાર-ટપાલ સેવાઓને બાધિત કરી હતી. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. લાહોર અને અમૃતસરની સડકો પર માનવ મહેરામણ ઉમટેલો રહેતો હતો. લગભગ 5 હજાર લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા. બ્રિટિશ સરકારના ઘણાં અધિકારીઓ તેને 1857ની ક્રાંતિ અને તેમની દ્રષ્ટિએ વિપ્લવના પુનરાવર્તન જેવી પરિસ્થિતિ લાગી રહી હતી. તેને ન થવા દેવા અને કચડવા માટે તેઓ કંઈપણ કરવા માટે તૈયાર હતા.

રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો આશરો

આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના ઉપ-કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં 5 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટિશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને 8થી 20 ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું. પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાઈ ગઈ હતી અને અન્ય 3 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરી દીધો હતો.

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો.

જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.

વરિષ્ઠોને જનરલ ડાયરનું રિપોર્ટિંગ

મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો.

જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ

આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.

હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.

જલિયાંવાલા બાગ હત્યાકાંડનો વિરોધ

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. આઝાદી માટે લોકોના જોશમાં આવી ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની આકાંક્ષા વધવા લાગી હતી. આ હત્યાકાંડની ખબર તે વખતના અપૂરતાં સંચાર સાધનો છતાં જંગલમાં આગની જેમ દેશભરમાં ફેલાઈ ગઈ હતી. જલિયાંવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શરૂઆત કરી હતી.

ઉધમસિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડનું વેર વાળ્યું

જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા. ગાંધી અને નેહરુએ ઉધમ સિંહ દ્વારા માઈકલ ઓ ડાયરની કરવામાં આવેલી હત્યાની ટીકા કરી હતી.

ભગતસિંહને ક્રાંતિકારી બનવા પ્રેરણા આપી

જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢયા હતા.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ટર્નિંગ પોઈન્ટ હતો? ભારતને બે ઉચ્ચકોટિના ક્રાંતિકારી ઉધમસિંહ અને ભગતસિંહ આપનારા જલિયાંવાલા બાગને કેવી રીતે મુલવો છો? જલિયાંવાલા હત્યાકાંડના આજના દિવસે તમે શહીદોને કેવી રીતે શ્રદ્ઘંજલિ આપશો? તમારો અભિપ્રાય અને સંદેશ નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો.

ચીન-પાક બંને મોરચે સૈન્ય સજ્જતાનું સરદારનું વિઝન હતું!


સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્મા દ્વારા 2012 સુધીમાં ભારત પર ચીનનું આક્રમણ થવાની આશંકાઓ વ્યક્ત કરતાં સમાચારો ગત વર્ષે ચમક્યા હતા. ચીને ગત વર્ષ ભારતીય સીમામાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ઘૂસણખોરી કરીને આક્ર્મક વલણ દર્શાવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાન બંને સરહદો પર એક સાથે મોરચો સંભાળવાની રણનીતિ એટલે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા પણ કરી છે. તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે ચીન અને પાકિસ્તાનના આક્રમક વલણને ધ્યાનમાં રાખીને ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ની ચર્ચા કરી હતી. તેની પાછળનું કારણ ચીન અને પાકિસ્તાનની સતત ભારત વિરોધી વૃતિ અને બંને વચ્ચેના ઘનિષ્ઠ લશ્કરી સંબંધો છે. જો કે ભારતના શાસક વર્ગે ચીન અને પાકિસ્તાનની પ્રતિક્રિયાઓથી ગભરાયને તેના પર ઠંડુપાણી રેડી દીધું હતું. જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી છે, તે વાતની 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.’

ચીન-પાક બંને મોરચે ભારતને તૈયાર રહેવા સરદારે હાકલ કરી હતી

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.’

સરદાર પટેલ તિબેટ પરના ચીની આક્રમણથી નાખુશ હતા

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનનો ઉપયોગ કરવો જોઈએ.’

સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીની ખતરા તરફ નહેરુની ઉપેક્ષાથી સરદાર નિરાશ હતા

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

સરદારની સલાહ અવગણવા બદલ નહેરુને દોષિત ઠેરવાયા

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન રાજ્ય તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

લોકનાયક જયપ્રકાશ નારાયણે સરદારના પત્રની ચર્ચા કરી

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ચીનના આક્રમણ સંદર્ભે સરદારના પુત્રી મણિબહેનની પ્રતિક્રિયા

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.’

સરદારે ચીનના ખતરાને પારખ્યો, પણ નહેરુએ થાપ ખાધી!


15 ડિસેમ્બર ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. યોગાનુયોગ આજથી જ (15-12-2010)ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓની ત્રણ દિવસીય ભારત યાત્રા શરૂ થઈ હતી. ત્યારે યાદ કરવું જોઈએ કે સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાનને આગાહ કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના જંગી આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

ભારતના એકમાત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતાને વાસ્તવિક અર્થમાં સાકાર કરીને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા છે. ભારતનો ઈતિહાસ ભારતની એકતા અને અખંડિતતાના પ્રકરણમાં ક્યારેય સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને અવગણી શકશે નહીં. ભારતની આંતરીક બાબતો સાથે સરદાર પટેલે ભારતની વિદેશ નીતિ સાથે સંકળાયેલા ભારતના હિતો તરફ પણ વખતોવખત તત્કાલિન ભારતીય વડાપ્રધાન અને વિદેશ મામલાના મંત્રી જવાહરલાલ નહેરુનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે જવાહરલાલ નહેરુની ઠંડી પ્રતિક્રિયાથી સરદાર પટેલ નિરાશ થયા હતા.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે.

વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોટમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. વાજપેયી આશંકિત હતા કે સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સામે સમર્પણ કરવાના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતે પોતાની સરહદોથી હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.’

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેર તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.’

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમને લાગ્યું કે તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. સરદાર પટેલેને એવું લાગ્યું કે ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈનન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.’

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા નજરઅંદાજ કરાય તે સ્પષ્ટ દેખાય આવે છે. ભારતે ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. બદલમાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે લડાખ અને નેફાના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી.

તમારો અભિપ્રાય જણાવો

ભારતે ચીન પ્રત્યે સરદારની સલાહને ધ્યાનમાં રાખીને કેવું વલણ અપનાવવું જોઈએ? વાચક મિત્રો આપનો અભિપ્રાય અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા લખી જણાવો.

‘સ્યૂડો કલ્ચરલ નેશનાલિસ્ટો’ માટે વિવેકાનંદના વિચારોની લાલબત્તી


કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં આત્મવિશ્વાસ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જ્યારે પોતાનામાંતી વિશ્વાસ હટી જાય છે, ત્યારે તે રાષ્ટ્ર ગુલામ બની જાય છે. પ્રાચીન ધર્મોમાં કહેવાયું છે કે જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો નથી, તે નાસ્તિક છે. પણ નૂતનકાળમાં જે આત્મવિશ્વાસ ધરાવતો નથી, તે ખરેખર નાસ્તિક છે. કારણ કે પોતાનામાં વિશ્વાસ એ જ ઈશ્વરમાં વિશ્વાસ છે.

કેટલાંક લોકો માલિક છે, જ્યારે કેટલાંક લોકો ગુલામ છે અને મનુષ્યોમાં આ ભેદનું મુખ્ય કારણ માત્ર આત્મવિશ્વાસની ઉપસ્થિતિ અને તેનો અભાવ છે. સમગ્ર સંસારનો ઈતિહાસ એવા લોકોનો ઈતિહાસ છે કે જેમાનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ આત્મવિશ્વાસ અંતરમાં રહેલા દેવત્વને લલકારીને પ્રગટ કરી દે છે અને ત્યારે વ્યક્તિ કંઈપણ કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ સર્વસમર્થ બની જાય છે. અસફળતા ત્યારે જ મળે છે કે જ્યારે અંતસ્થ અમોઘ શક્તિને અભિવ્યક્ત થવાનો યોગ્ય પ્રયત્ન થતો નથી. આમ જોવામાં આવે, તો જે ક્ષણે વ્યક્તિ કે રાષ્ટ્ર પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે, તે જ ક્ષણે તે મૃત્યુ પામે છે. રાષ્ટ્રમાં રહેલો આ આત્મવિશ્વાસ સામૂહિક રીતે તે રાષ્ટ્રના લોકોએ અભિવ્યક્ત કરેલી ભાવના છે. જેને રાષ્ટ્રવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાવના એટલે કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રના આત્મારૂપ હોય છે.

સ્વામી વિવેકાનંદના વિચારોમાં રાષ્ટ્રોત્થાન અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

સ્વામી વિવેકાનંદે ભારતીય રાષ્ટ્રવાદ સંદર્ભે પોતાના ગહન ચિંતન દ્વારા આપણું માર્ગદર્શન કર્યું છે. તેમણે કહ્યું છે કે પ્રત્યેક રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ ભિન્ન સ્વરૂપે વિકસિત થયો છે. ફ્રાંસમાં સ્વતંત્રતાનું મહત્વ છે. અંગ્રેજોના ચરિત્રમાં વ્યવસાય અને આદાન-પ્રદાનની પ્રધાનતા છે. જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ પ્રમાણે-‘રાજકીય અને સમાજીક સ્વતંત્રતા ખૂબ સારી છે, પરંતુ વાસ્તવિક સાધ્ય આધ્યાત્મિક સ્વાધીનતા અર્થાત મુક્તિ છે.’ તેમણે ભારતીય ઈતિહાસનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે ‘જે કોઈ આક્રમણખોરોએ અહીંના ધર્મમાં હસ્તક્ષેપ કર્યો છે, તે અહીં પોતાનું શાસન કરી શક્યા નથી. ધર્મના આધારે જ ભારતીયોનું ચરિત્ર ઘડાયું છે. ભારતનો પ્રાણ ધર્મ છે, ભાવ ધર્મ છે અને રાષ્ટ્રીય જાગૃતિનું કારણ પણ ધર્મ છે.’ ભારતીયોમાં ધર્મની મહત્તાને કારણે જ સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રવાદનું આધ્યાત્મિકરણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ દ્રઢપણે માનતા હતા કે ધર્મ જ વ્યક્તિ અને રાષ્ટ્રને શક્તિ પ્રદાન કરી શકે છે.

‘પ્રત્યેક વ્યક્તિની જેમ પ્રત્યેક રાષ્ટ્રનો પણ એક વિશેષ જીવન ઉદેશ્ય છે, તે જ તેના જીવનનું કેન્દ્ર હોય છે, તેના જીવનનો મુખ્ય સ્વર હોય છે, જેની સાથે અન્ય તમામ સ્વરો મળીને સમરસતા ઉત્પન્ન કરે છે. ભારતવર્ષમાં ધાર્મિક જીવન જ રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર છે અને તે જ રાષ્ટ્રીયજીવનરૂપી સંગીતનો પ્રધાન સ્વર છે. જો ધર્મને અલગ કરીને રાજનીતિ, સમાજનીતિ કે અન્ય કોઈ નીતિને જીવનશક્તિનું કેન્દ્ર બનાવવામાં સફળ થઈ જઈશું, તો તેનું પરિણામ હશે કે ભારતનું અસ્તિત્વ જ નહીં રહે. ધર્મરૂપી મેરુદંડથી બધાં કાર્ય કરવા પડશે. વેદાંત દ્વારા સામાજીક અને રાજકીય વિચારોથી પ્લાવિત કરતાં પહેલા આવશ્યક છે કે આધ્યાત્મિક વિચારોનું પૂર લાવી દેવામાં આવે.’ આ અદભૂત ચિંતન હતું સ્વામી વિવેકાનંદનું! તેઓ વેદાંતી, સંન્યાસી હતા. તેઓ ભારતીય રાષ્ટ્રવાદને લોકો સુધી સમાજના દરેક ભાગ સુધી લઈ જવામાં અત્યંત સફળ થયા છે.

રાષ્ટ્ર વ્યક્તિઓથી બને છે. માટે જ વિવેકાનંદનો અનુરોધ હતો કે રાષ્ટ્રની દરેક વ્યક્તિમાં પુરુષત્વ, માનવગરિમા તથા આત્મસમ્માનની ભાવનાઓનો વિકાસ કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના અહમ અને રાષ્ટ્રના આત્મા સાથે બરાબર તાલમેલ રાખવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ પવિત્ર ભારતીય પરંપરાઓ અને ધર્મને જ ભારતનો સામાન્ય આધાર માનતા હતા. તેમનું સ્પષ્ટપણે માનવું હતું કે ‘યુરોપની રાષ્ટ્રીય એકતાનું કારણ રાજકીય વિચારધારા છે, પણ એશિયામાં રાષ્ટ્રીય ઐક્યનો આધાર ધર્મ છે, માટે ભારતમાં ભવિષ્યના સંગઠનોની પહેલી શરત ધાર્મિક એકતા છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર છે, તે સિદ્ધાંતને માનવાવાળો આખા દેશનો એક જ ધર્મ હોય.’

ધર્મનો અર્થ

ધર્મ શબ્દનો ભારતમાં પ્રચાર એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવ્યો છે. જેને કારણે ભારતનો સામન્ય નાગરીક ધર્મ એટલે Religion સમજી બેસે છે. પણ હકીકતમાં ધર્મ અને રિલિઝિયનમાં આસમાન-જમીનનો તફાવત છે. અંગ્રેજી શબ્દ રિલિઝિયન સંકુચિત અર્થમાં વપરાયો છે. જ્યારે ધર્મનો અર્થ અતિવ્યપાક છે. અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે, રિલિઝિયન એટલે એક વિશિષ્ટ પ્રકારની ઉપાસના પદ્ઘતિ અથવા શ્રદ્ધા (Religion means a system of faith and woship.). જ્યારે ભારતીય ધર્મ ઉપાસના પદ્ધતિ સુધી જ સીમિત નથી. પરંતુ તે ઉપાસના પદ્ધતિ તેનું એક અંગ માત્ર છે. ધર્મ શબ્દની ઉત્પતિ ‘ધૃ’ ધાતુ પરથી થઈ છે. જેનો અર્થ છે, ‘ધારયતિ ઈતિ ધર્મ:’ અથવા ‘ધ્રિયતે લોક: અનેન’ અર્થાત જેને કાણે લોકોની સૃષ્ટિનું ધારણ થયું છે અથવા જે લોકોને ધારણ કરે છે. આમ ધર્મની સરળ વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે જેના કારણે સમાજનું ગઠન થાય છે, તે નિયમ ધર્મ છે. તેનો અન્ય અર્થ છે કે ઉપાસના પરંપરાઓ રુઢ ભિન્નજાતિ અથવા સંપ્રદાયના આચાર વિધાન, સંવિધાન, નૈતિક સદાચાર, સત્કર્મો, કર્તવ્યો, ન્યાય, પવિત્રતા, નીતિ વગેરે છે. બૃહદારણ્યક ઉપનિષદ ધર્મને સત્ય માને છે. તેના પ્રમાણે, ‘જો કોઈ વ્યક્તિ સત્યની ઘોષણા કરે છે, તો તે ધર્મની ઘોષણા કરી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ધર્મની ઘોષણા કરી રહ્યો છે, તો તે સત્યની ઘોષણા કરી રહ્યો છે. આમ સત્ય અને ધર્મ બંને સમાનાર્થી છે’.
રાષ્ટ્રપુરુષને સશક્ત કરવાનો વિવેકાનંદે દર્શાવેલો ઉપાય

એક તરફ માનવામાં આવે છે કે ભૂતકાળ તરફ દ્રષ્ટિ નાખવાથી કોઈ લાભ થશે નહીં, ભવિષ્ય તરફ જોવું જોઈએ. જ્યારે બીજી તરફ માનવામાં આવે છે કે ભૂતકાળથી જ ભવિષ્યનું નિર્માણ થાય છે, તેથી ભૂતકાળને નજરઅંદાજ કરવો યોગ્ય નથી. અતીતના ગૌરવગાન પર જ ભારતને પહેલા કરતાં વધારે સર્વશ્રેષ્ઠ બનાવવાનો પાયો નખાયો છે અને તેમાંથી ભવિષ્યનું ભારત પણ બની રહ્યું છે. સ્વામી વિવેકાનંદે ભારતના પુનરોત્થાન માટે આધ્યાત્મિકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે ‘ભારતની આધ્યાત્મિકતા જ આપણાં જીવનનું રક્ત છે. જો તે શુદ્ધરૂપથી વહેતું રહે, જો તે શુદ્ધ અને સશક્ત રહે તો બધું જ ઠીક છે. રાજકીય, સામાજીક અને અન્ય કોઈપણ પ્રકારની ઐહિક ત્રુટિઓ હોય, ચાહે દેશની નિર્ધનતા જ કેમ ન હોય, જો ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતા શુદ્ધ હશે, તો બધું જ સુધરી જશે.’ સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભાર,તના રક્ત સમાન આધ્યાત્મિકતાને રોગકારક અશુદ્ધ કરનાર કીટાણુઓ શરીમાંથી દૂર થઈ જાય તો પછી બીજી કોઈ અશુદ્ધિ રક્તમાં સમાય શકવાની નથી.

જ્યાં સુધી રાષ્ટ્રીય જીવન સશક્ત રહે છે, ત્યાં સુધી આધ્યાત્મિકતાને અશુદ્ધ કરનારા તત્વો દૂર રહે છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય જીવન કમજોર બની જાય છે, ત્યારે દરેક પ્રકારના રોગાના કીટાણુઓ રાષ્ટ્રપુરુષના શરીરમાં એકઠાં થઈ તેની રાજનીતિ, સમાજનીતિ અને બુદ્ધિને અશક્ત બનાવી દે છે. તેથી તેની ચિકિત્સા માટે આપણે આ બિમારીના મૂળ સુધી પહોંચીને ભારતના રક્ત સમાન ભારતની આધ્યાત્મિકતામાંથી ધર્મનીતિ વિરુદ્ધની અશુદ્ધિઓને કાઢી નાખવી જોઈએ. ત્યારે ઉદેશ્ય એ હોવો જોઈએ કે રાષ્ટ્રપુરુષ બળવાન બને, રક્ત શુદ્ધ અને શરીર તેજસ્વી થાય જેનાથી તે બહારી ઝેરને દબાવી અને તેને હટાવવા લાયક બની જાય. ધર્મનને રાષ્ટ્રનું તેજ, બળ અને રાષ્ટ્રીય જીવનનો આધાર ઘોષિત કરનારા સ્વામી વિવેકાનંદ સશક્ત બનવા માટે કહે છે. વિદેશી આક્રમણખોરોએ સોમનાથ જેવા જૂનાં અને પવિત્ર ધર્મસ્થાનોનો ધ્વંસ કર્યો, પણ કેટલાંય સમય બાદ તે પુન: જીવનના પ્રવાહ બની ગયા. જો આ જીવનપ્રવાહમાંથી બહાર આવવાનો પ્રયત્ન થશે, તો તેની પરિણિતી રાષ્ટ્રનો માત્ર પૂર્ણ વિનાશ બનીને જ ઉભી રહેશે.

તમારો અભિપ્રાય

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને પક્ષો ભારતીય રાજકારણ અને સમાજજીવનમાં હાલ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેઓ શું ખરેખર સ્વામી વિવેકાનંદના વિચારોમાં રહેલી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ગંગાને સમજ્યા છે કે પછી લોકોને તેના નામે ઉલ્લૂ બનાવી રહ્યાં છે. વાચક મિત્રો આ આપણાં સૌ માટે વિચારવાનો સમય છે. તમારા વિચારો અમને નીચે દર્શાવેલા કોમન્ટ બોક્ષમાં મોકલી શકો છે.

ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું ઉપાડી અંગ્રેજી શાસનને હચમચાવ્યું!


એક દુબળા-પાતળા સાધુ સરીખા મહાત્મા ગાંધીએ પોતાના સત્યાગ્રહના શસ્ત્રથી દુનિયાના તત્કાલિન સૌથી શક્તિશાળી અંગ્રેજી સલ્તનતના પાયા એક મુઠ્ઠી મીઠું ઉચકીને હચમચાવી નાખ્યા હતા. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં ‘નમક સત્યાગ્રહ’ નામથી જાણીતી દાંડી યાત્રાએ સમગ્ર ચળવળને મોટા નેતાઓની પકડમાંથી મુક્ત કરીને જન-જન સુધી પહોંચાડી દીધી હતી.

ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધમાં 1919માં અસહયોગ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ થયેલી હિંસાથી વ્યથિત બનીને ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું હતું. પરંતુ સવિનય કાનૂન ભંગની લડતના ભાગ રૂપે ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ માત્ર 78 સ્વયંસેવકો સાથે અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી ‘દાંડી યાત્રા’નો પ્રારંભ કર્યો હતો. બ્રિટિશ હુકૂમત માટે આ એક પહેલી હતી કે આ યાત્રા જેનો અંત મીઠું બનાવવાથી થવાનો હતો, તે કેવી રીતે બ્રિટિશ સામ્રાજ્યને પ્રભાવિત કરી શકે છે.

પરંતુ 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી દ્વારા દાંડીના દરિયા કિનારે એક મુઠ્ઠી મીઠું પોતાના હાથમાં ઉઠાવાયું તેની સાથે જ ભારતીયોના કરોડો હાથમાં વિશ્વાસ આવી ગયો કે પોતાના હક માટે તેઓ બ્રિટિશ કાયદા સામે અહિંસક રીતે પણ ટક્કર લઈ શકે છે.

6 એપ્રિલ, 1930 પહેલા નમક સત્યાગ્રહના આંદોલનને મજાક તરીકે લેવામાં આવતું હતું. સરકારે તેની સાથે સંલગ્ન તમામ નેતાઓની ધરપકડ કરી હતી. પરંતુ આ આંદોલન નેતાઓના હાથમાં રહ્યું જ ન હતું. આ એક જનઆંદોલન બની ચુક્યું હતું. મીઠાના કાયદાના ભંગ સાથે જ આખા દેશમાં સવિનય કાનૂન ભંગના આંદોલનનો પ્રારંભ થઈ ગયો હતો.

નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.1919માં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ અસહયોગનું આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ચૌરાચૌરીના કાંડ બાદ આંદોલનને અધવચ્ચે જ પડતું મુકવામાં આવ્યું હતું. ગાંધીજીનો મત હતો કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન શક્ય નથી. તેઓ તત્કાલિન ભારતની સમસ્યાઓના સમાધાન માટે અહિંસક રસ્તા પર લોકોને લઈ જવા માંગતા હતા. તેમનું દ્રઢપણે માનવું હતું કે દુનિયાની સૌથી મોટી શક્તિ સામે ભારતીયો આત્મવિશ્વાસ સાથે અહિંસક રસ્તે આગળ વધીને આંદોલન કરશે, તો તેનાથી છૂટકારો મેળવી શકાશે.

જો કે અસહયોગ આંદોલનના સમાપ્ત થયા બાદ મહાત્મા ગાંધીએ પોતાને સમાજ સુધારાના કાર્યો સુધી સીમિત રાખ્યા હતા. 1928માં તેમણે ફરીથી રાજકારણામં પ્રવેશ કરવાનું વિચાર્યું. તે વર્ષે શ્વેત સભ્યોવાળા સાઈમન કમિશનને ઉપનિવેશની પરિસ્થિતિઓની તપાસ માટે ઈંગ્લેન્ડથી મોકલવામાં આવ્યું હતું. સાઈમન કમિશન વિરુદ્ધ અખિલ ભારતીય અભિયાનો ચલાવાય રહ્યાં હતા. ગાંધીજીએ સાઈમન કમિશન વિરોધી આંદોલનોમાં ભાગ લીધો ન હતો. પરંતુ તેમણે પોતાના આશિર્વાદ આવા આંદોલનનો આપ્યા હતા. તે વર્ષે ગુજરાતના બારડોલી ખાતે સરદાર પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ સંદર્ભે પણ ગાંધીજીએ આવી જ નીતિ અપનાવી હતી.

1929માં ડિસેમ્બરના અંતમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન લાહોર શહેરમાં થયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નેહરુને અધ્યક્ષ તરીકે પસંદ કરીને કોંગ્રેસની કમાન યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને પૂર્ણ સ્વરાજની ઉદઘોષણા કરવામાં આવી હતી. તેના કારણે દેશમાં તત્કાલિન રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો આવ્યો હતો.

26 ફેબ્રુઆરી, 1930ના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશભક્તિના ગીતો ગાઈને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતે સ્પષ્ટ નિર્દેશ આપીને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? તેમણે કહ્યું હતું કે આમા ભાગ લેનારા દ્રઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરે કે અન્ય લોકોની જેમ ભારતીય લોકોને પણ સ્વતંત્રતા અને પોતાના કઠિન પરિશ્રમના ફળનો આનંદ લેવાનો અહરણીય અધિકાર છે અને જો કોઈપણ સરકાર લોકોને આવા અધિકારોથી વંચિત રાખે છે અથવા તેનું દમન કરે છે, તો લોકોને તેને બદલવાનો અથવા સમાપ્ત કરવાનો પણ અધિકાર છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ મહાત્મા ગાંધીએ ઘોષણા કરી કે તેઓ બ્રિટિશ ભારતના સર્વાધિક ધૃણિત કાયદામાંથી એક એવા મીઠાંના ઉત્પાદન અને વેચાણ પર રાજ્યના એકાધિકાર આપનારા કાયદાને તોડવા માટે એક યાત્રાનું નેતૃત્વ કરશે. મીઠાં પર કર અને એકાધિકાર સામે યાત્રાનો જે મુદ્દો ગાંધીજીએ હાથમાં લીધો હતો તે તેમની કુશળ સમજદારીનું અન્ય એક ઉદાહરણ હતું. પ્રત્યેક ભારતીય ઘરમાં મીઠાંનો ઉપયોગ અપરિહાર્ય હતો. પરંતુ બ્રિટિશ સત્તાધીશોએ લોકોને ઘરેલુ ઉપયોગ માટે પણ મીઠું બનાવતા રોક્યા હતા અને તેમને દુકાનોમાંથી ઉંચી કિંમતે મીઠું ખરીદવા પર બાધ્ય કર્યા હતા. મીઠાં પર રાજ્યનો એકાધિકાર ઘણો જ અલોકપ્રિય હતો. તેને નિશાન બનાવીને ગાંધીજીએ અંગ્રેજી શાસન વિરુદ્ધ વ્યાપક અસંતોષને સંગઠિત કરવાનો વિચાર કર્યો હતો.

મોટાભાગના ભારતીયો ગાંધીજીના આ આંદોલનના ગૂઢાર્થો સમજી ગયા હતા, પરંતુ અંગ્રેજી હુકૂમત ઉંઘતી ઝડપાય હતી. જો કે ગાંધીજીએ પોતાની દાંડી યાત્રાની માહિતી યાત્રા પહેલા વાઈસરોઈ લોર્ડ ઈરવિનને આપી દીધી હતી. પરંતુ ઈરવિન તેમની કાર્યવાહીનું મહત્વ સમજી શક્યો ન હતો.

12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સમુદ્ર તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. ત્રણ સપ્તાહ બાદ તેઓ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા. ત્યાં તેમણે મુઠ્ઠીભર મીઠું બનાવીને સ્વયંને કાયદાની નજરમાં અપરાધી બનાવી દીધા. તે વખતે દેશના અન્ય ભોગામાં સમાંતર નમક સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. નમક સત્યાગ્રહ સંદર્ભે અંગ્રેજોએ લગભગ 60 હજાર લોકોની ધરપકડ કરી હતી. ગાંધીજીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વસના નામના ગામમાં ગાંધીજીએ ઉંચી જાતિના લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો તમારે સ્વરાજની તરફેણમાં અવાજ ઉઠાવવો છે, તો તમારે અછૂતોની સેવા કરવી પડશે. માત્ર નમક કર અથવા અન્ય કરોના ખાત્માથી સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ માટે તમારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું પડે જે તમે અછૂતો સાથે કરી છે. સ્વરાજ માટે હિંદુ, મુસ્લિમ, પારસી અને શીખ, સૌએ એકજૂઠ થવું પડશે. આ સ્વરાજની સીડીઓ છે. ફ્પુલિસના જાસૂસોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ગાંધીજીની સભાઓમાં તમામ જાતિઓના સ્ત્રી-પુરુષો સામેલ થઈ રહ્યાં છે. તેમનું કહેવું હતું કે હજારો સ્વયંસેવકો રાષ્ટ્રવાદી ઉદેશ્યથી સામે આવી રહ્યાં છે. તેમાંથી ઘણાં બધાં એવાં સરકારી અધિકારીઓ હતા કે જેમણે ઉપનિવેશિક શાસનમાં પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા હતા.

અમેરિકાના ટાઈમ મેગેઝીનને ગાંધીજીની કદકાઠીથી હસવું આવતું હતું. ટાઈમ મેગેઝીને ગાંધીજીના સૂકલકડી શરીર અને કરોળિયા જેવા પગની ખૂબ મજાક ઉડાડી હતી. આ યાત્રા સંદર્ભે પોતાના પહેલા અહેવાલમાં ટાઈમે દાંડી યાત્રાના તેના મંઝિલ સુધી પહોંચવા પર ઘેરી શંકા વ્યક્ત કરી હતી. તેનો દાવો હતો કે બજા દિવેસ પગપાળા ચાલ્યા બાદ ગાંધીજી જમીન પર ફસડાઈ પડશે. મેગેઝીનને વિશ્વાસ ન હતો કે આ મરિયલ દેખાતા સાધુના શરીરમાં વધુ શક્તિ બચી છે. પરંતુ એક જ રાતમાં મેગેઝીનને પોતાનો વિચાર બદલવો પડયો હતો. ટાઈમે લખ્યું છે કે આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે અને તેણે અંગ્રેજી શાસકોને બેચેન કરી દીધા છે. તેઓ પણ ગાંધીજીને એવા સાધુ અને જનનેતા કહીને સલામી આપવા લાગ્યા હતા.

દાંડી યાત્રાની ત્રણ ઉપલબ્ધિઓ છે. આ યાત્રાથી મહાત્મા ગાંધીજી દુનિયાની નજરમાં આવ્યા. આ યાત્રાને યૂરોપ અને અમેરિકી પ્રેસમાં મોટું કવરેજ મળ્યું હતું. બીજું, રાષ્ટ્રવાદી પ્રવૃતિઓમાં મહિલાઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્રીજું, સૌથી મહત્વનું કારણ એ હતું કે નમક સત્યાગ્રહથી અંગ્રેજોને અહેસાસ થયો હતો કે હવે તેમનું રાજ્ય વધારે દિવસો સુધી ટકશે નહીં અને તેમણે ભારતીયોને પણ સત્તામાં ભાગ આપવો પડશે.

આમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સફળતા-અસફળતાના દાવા-પ્રતિદાવાઓ તથા વિવાદો છતાં આઝાદીની લડતમાં જનતાને જોડવા માટે 6 એપ્રિલ, 1930ની દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહને યાદ રાખવામાં આવશે.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે દાંડી યાત્રા ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ટર્નિંગ પોઈન્ટ હતો? એક મુઠ્ઠી મીઠું ઉંચકીને સૂકલડી દેખાતા અંદરથી મજબૂત મહાત્મા ગાંધીના અંગ્રેજી સત્તાને પડકારથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચી ગયા હતા? તમારા મતે જનતાની આકાંક્ષા અને ઈચ્છાઓ પૂરી ન કરતી સરકારને બદલવાનો અથવા તેને દૂર કરવાનો પૂરો અધિકાર જનતાને હોવાનો ગાંધીજીના મત સાથે તમે સંમત છો?

નાસ્તિક ભગતસિંહે જેલમાં ભગવત ગીતા માંગી હતી!


ભગતસિંહે પોતે નાસ્તિક કેમ છે, તે સમજાવતો સુપ્રસિદ્ધ લેખ લખ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે તરવરિયા ક્રાંતિકારી યુવાન ભગતસિંહે માર્ક્સ, લેનિન, બુકાનિન વગેરેને ખૂબ ધ્યાનથી વાંચ્યા છે. જો કે તેમને તેમના જીવનકાળ દરમિયાન ભારતીય દર્શન નહીં વાંચવાનો અફસોસ રહ્યો હતો. પરંતુ આ ક્રાંતિકારી યુવાન ભારતને ક્રાંતિપથના અગ્નિપથ પર આગળ લઈ જવા માંગતો હતો. પરંતુ તેમના સંદર્ભે ચાલતા થોડા વિવાદોમાંનો એક વિવાદ એ પણ છે કે શું તેમણે શ્રીમદ ભગવદ ગીતા પણ વાંચી હતી? એવું માની શકાય છે કે તેમણે પોતાના જેલવાસ દરમિયાન ગીતા વાંચી હતી.

એપ્રિલ, 1929માં જ્યારે ભગતસિંહને જેલમાં ગયાને થોડા દિવસો થયા હતા, ત્યારે તેમણે જેલમાં ભગવદ ગીતાની માગણી કરી હતી. 8 એપ્રિલે, 1929ના રોજ નેશનલ એસમ્બલીમાં બોમ્બ ફેંકવાના મામલામાં ભગતસિંહની ધરપકડ કરીને દિલ્હીમાં જેલમાં બંદી બનાવાયા હતા. અહીં તેમણે ગીતાની માગણી કરી હતી. આ સંદર્ભેના સમાચાર 30 એપ્રિલ, 1929ના લાહોરથી પ્રકાશિત થનારા તત્કાલિન અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યૂન’ના પૃષ્ઠ ક્રમાંક-9 પર પ્રકાશિત થયા હતા. 27 એપ્રિલે દિલ્હીની ‘બાય લાઈન’થી લખાયેલા સમાચારનું શીર્ષક હતું, ‘S. Bhagat Singh wants Geeta.’ અહેવાલમાં લખ્યું હતું ‘એવા રિપોર્ટ છે કે સરદાર ભગતસિંહે પોતાના પિતાને નેપોલિયનની આત્મકથા અને લોકમાન્ય તિલક લિખિત ગીતાની નકલ મોકલવા માટે લખ્યું છે.’

આ એક વધુ તથ્ય વિચાર કરવા યોગ્ય છે. પંજાબના નવાંશહરના ખટકડ કલાં સ્થિત શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સંગ્રહાલયમાં એક ભગવદ ગીતા રાખવામાં આવેલી છે. તેના કવર પેજ પર ‘ભગતસિંહ, સેન્ટ્રલ જેલ, લાહોર’ લખેલું છે. પરંતુ આ તિલક દ્વારા લિખિત ગીતા નથી, પરંતુ પં. નૃસિંહદેવ શાસ્ત્રીના ભાષ્યવાળી ગીતા છે. તે આર્ય બુક ડિપો લાહોરથી પ્રકાશિત થયેલી છે. તેના પર કોઈ પુસ્તકાલયની મહોર નથી. સંભવ છે કે તેમના કોઈ પરિવારજનોએ ગીતાની આ નકલ તેમની પાસે પહોંચાડી હોય. કવર પેજ પર અક્ષરો ભગતસિંહના છે કે નહીં, તેના પર જાણકારોમાં મતભેદો છે.

ભગતસિંહને તિલકની ગીતા ઉપલબ્ધ કરાવવાની તરફેણમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. ભગતસિંહના જીવન સંદર્ભે સંસોધન કરનારા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રખ્યાત માર્ક્સવાદી વિદ્વાન પ્રો. ચમનલાલે એક અખબારને ભૂતકાળમાં જણાવ્યું હતું કે સંભવ છે કે તિલકની ગીતા ન મળી હોય અને બજારમાં જે ગીતા મળી, તેને જ તેમની પાસે પહોંચાડી દેવામાં આવી હોય. પરંતુ તેમને શંકા છે કે તેમણે ગીતા વાંચી હશે, કારણ કે ભગતસિંહ જેલમાં જે કંઈપણ વાંચતા હતા, તેને પોતાની જેલ ડાયરીમાં નોટ કરીને રાખતા હતા અને તેમની જેલ ડાયરીમાં ગીતાના કોઈ સંદર્ભ મળતા નથી. પરંતુ શું જેલ ડાયરીમાં તેઓ બધું જ નોટ કરતાં હતા, તે સવાલના જવાબમાં પ્રો. ચમનલાલ જરૂર કંઈક છૂટ આપે છે. પરંતુ સાથે તેમણે કહ્યું હતું કે જો તેમણે જેલમાં ગીતા વાંચી પણ હશે, તો તેમાં તેમને કંઈ મહત્વપૂર્ણ લાગ્યું નહીં હોય. કારણ કે જેલ ડાયરીમાં તેમાંથી કોઈ નોટ મળતી નથી. આમ પણ તેમના દ્વારા તિલક જેવાં રાષ્ટ્રવાદી નેતાની લખેલી ગીતા માગવાનો હેતુ ધાર્મિક નહીં, પણ રાજકીય હશે.

આ સંદર્ભે જાણીતાં ઈતિહાસકાર પ્રો. કે. સી. યાદવે પ્રો. ચમનલાલની સાથે સંમતિ દર્શાવી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, આ વાત કોઈ મહત્વ ધરાવતી નથી કે જેલ ડાયરીમાં ગીતાની ચર્ચા નથી, કારણ કે કોઈ જરૂરી નથી કે તેમાં તેઓ દરેક પુસ્તકની ચર્ચા કરે જ. તેમાં ગીતાનો ઉલ્લેખન ન હોવાથી તેનું મહત્વ નકારી શકાય નહીં. મહત્વપૂર્ણ વાત છે કે તેમના દ્વારા જેલવાસ દરમિયાન ગીતા વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને હળવાશથી લઈ શકાય નહીં, કારણ કે ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહી છે. તેમને ગીતામાંથી દાર્શનિક આધાર મળતો રહ્યો છે. ગીતાનો કર્મવાદ તેમને માનસિક શાંતિ અને શક્તિ પ્રદાન કરતો રહ્યો છે.

પ્રો. યાદવે જણાવ્યું હતું કે ભગત સિંહની જીંદગીમાં ગીતાની ભૂમિકા સમજવા માટે તેમની વિચાર નિર્માણની પ્રક્રિયાના વિકાસને સમજવી પડશે. હકીકતમાં તેઓ આખી જીંદગી વિચાર નિર્માણની પ્રક્રિયામાંથી પસાર થયા છે. જો તેઓ વધુ સમય સુધી જીવિત રહેત, તો તેમની આ વિચાર પ્રક્રિયા ક્યાં જઈને થોભી જાત તે કહેવું મુશ્કેલ છે. તેમની પારિવારીક પૃષ્ઠભૂમિ આર્ય સમાજી હતી. પોતાની 23 વર્ષની જીંદગીમાં સમાજવાદના ઉંબરા સુધી પહોંચતા પહેલા બબ્બર અકાલી, આયરિશ અને રશિયન ક્રાંતિકારીઓ તથા દેશી ક્રાંતિકારીઓની વૈચારીક ગલીઓમાંથી પસાર થઈ ચુક્યા હતા. એ સાચું છે કે તેઓ માર્ક્સવાદ અને સમાજવાદમાં સંપૂર્ણપણે રસ દાખવતા હતા અને તેઓ તેનાથી પ્રભાવિત હતા. તેઓ રશિયન ક્રાંતિની પેટર્ન પર ભારતમાં પરિવર્તન ઈચ્છતા હતા. પરંતુ એ કહેવું કે તેઓ સંપૂર્ણપણે કમ્યુનિસ્ટ હતા, તે બિલકુલ ખોટું છે. તેઓ જે કંઈપણ હતા, તે યથાર્થવાદી હતા. જો તેઓ કમ્યુનિસ્ટ અથવા સમાજવાદી હતા, તો પોતાના જ પ્રકારના કમ્યુનિસ્ટ કે સમાજવાદી હતા.

વાસ્તવમાં ભગતસિંહને એ અફસોસ હતો કે તેમને ભારતીય સાહિત્ય વાંચવાનો સમય મળ્યો નથી. પરંતુ એવું માની શકાય છે કે ભગતસિંહે ગીતા વાંચી હશે. આ વાતની પૂરી શક્યતા છે કે તેમની પાસે જેલમાં ગીતા પહોંચાડવામાં આવી હશે, ચાહે તે દિલ્હીમાં પહોંચાડવામાં આવી હોય કે લાહોરમાં. ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસોમાં દિલ્હી કેસનો ચુકાદો આવ્યા બાદ તેમને સેન્ડર્સ કેસ માટે લાહોરની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ભગત સિંહની ફાંસી બાદ તેમનો સામાન તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. તેમાંથી ભગવદ ગીતા મળી હશે. સવાલ ઉભો થાય છે કે વિદ્વાનોનું ધ્યાન હજી સુધી આ તરફ કેમ ગયું નથી?

તમારો અભિપ્રાય

શહીદ ભગતસિંહે જેલવાસના થોડા દિવસોમાં શ્રીમદ ભગવદ ગીતાની લોકમાન્ય તિલક કૃત ગીતા રહસ્ય માંગી હોવાની વાત શું સૂચવી જાય છે? શું ભગતસિંહ ભગવદ ગીતાની નકલ મળ્યા બાદ તેને વાંચ્યા વગર જેલમાં મૂકી રાખે તે શક્ય લાગે છે? શું ભગવદ ગીતા તત્કાલિન ક્રાંતિકારીઓને દાર્શનિક આધાર પૂરો પડતી હતી, તો એવી કોઈ શક્યતા ન હોઈ શકે કે ભગતસિંહ રાજકીય હેતુસર ભગવદ ગીતાનું અધ્યયન કરવા માંગતા હોય? તમારા અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચાનો પ્રારંભ કરો.