Monday, December 25, 2017

ગુજરાતમાં પુન: વિજયી ભવ:



-   પ્રસન્ન શાસ્ત્રી
હિંદુ હિત કી બાત કરેગા વોહી દેશ પર રાજ કરેગા.. રામજન્મભૂમિ આંદોલન વખતથી સેક્યુલારિઝમના નામે લઘુમતી તુષ્ટિકરણના માર્ગે ચાલી નીકળેલી કોંગ્રેસ સહીતની પાર્ટીઓને સમજાવવા માટે પોકારવામાં આતું હતું. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં કોંગ્રેસને આની સમજ પડવા લાગી હોવાનું દેખાયું છે. તો સતત છઠ્ઠી વખત વિજયી બનવામાં સફળ થયેલી ભારતીય જનતા પાર્ટીને માત્ર 99 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. ગત છ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ખાતે ભાજપનું સૌથી નબળું પરિણામ 2017ની ચૂંટણીમાં રહ્યું હોવાની બાબત પણ એક હકીકત છે. આની પણ સમીક્ષા કરવાને ઘણો અવકાશ રહ્યો છે. સુપેરે એક વાત ધ્યાનમાં આવે છે, તે એ છે કે હિંદુત્વના એજન્ડામાં ઢીલા પડવાનું વિરોધીઓને મહેસૂસ થશે, તો તેઓ જ્ઞાતિવાદને ઉભારવામાં સફળ થવા લાગશે. જ્ઞાતિવાદના માથું ઉંચકવાની સાથે ભારતની રાજનીતિમાં મુસ્લિમ તુષ્ટિકરણની રણનીતિ ફરીથી પુનર્જિવિત થવા લાગશે. કુલ મળીને ગુજરાતની ચૂંટણીનો સંદેશ છે કે ભારતના કોઈપણ રાજકીય પક્ષ માટે હિંદુઓની લાગણી અને માગણીની અવગણના કરવી ભારે પડવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાજ્યના મતદાતાઓની સમજને પણ ખૂબ સારી રીતે ઉપસાવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રચાર અભિયાનની કમાન રાહુલ ગાંધીએ સંભાળી હતી અને તેમણે પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત દ્વારકા ખાતે જગતમંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ ગુજરાતના લગભગ 30 જેટલા મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના કરી છે. કદાચ તેનું જ પરિણામ છે કે કોંગ્રેસ અને ગઠબંધનને ગુજરાતમાં ગત સાત વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત 80 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે. ભૂતકાળમાં 2002ના ગોધરાકાંડને ટાંક્યા વગર હુલ્લડોની વાત કરવી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો મામલો હોય કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મોતના સોદાગરવાળી ટીપ્પણી હોય કે દિગ્વિજયસિંહ દ્વારા 2007માં બોલાયેલી હિંદુ આતંકવાદની વાત હોય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ બાબતો પર બોલવાનું ટાળ્યું છે. માત્ર તેમણે જ નહીં કોંગ્રેસ લગભગ તમામ મોટા નેતાઓએ આવી કોઈપણ બાબત ઉચ્ચારવાનું મુનાસિબ માન્યું નથી. 

મોટાભાગે સેક્યુલારિઝમ એટલે લઘુમતી તેમાય ખાસ કરીને મુસ્લિમોની તરફદારી કરવી તેમની આળપંપાળ કરવી તેવો અર્થ કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધી સમજાવતા આવ્યા હતા. પરંતુ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત કોંગ્રેસે લગભગ ચાર દાયકા બાદ જમણેરી ઝોક ધારણ કરીને પોતાની રણનીતિમાં આગળ વધવાનું યોગ્ય માન્યું છે. કદાચ 2014 અને ત્યાર પછીની ચૂંટણીઓમાં એક પછી એક લપડાકો ખાધા પછી કોંગ્રેસને પણ હિંદુઓની અવગણના કરીને સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણ કરીને દિલ્હીની ગાદી પર આવી નહીં શકાય તેવું 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અવશ્યપણે સમજાયું છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે શિવભક્ત હોવાનો ખુલાસો કર્યો હતો. તેઓ ચૂંટણી પ્રચાર વખતે અને ચૂંટણી પરિણામો બાદ સોમનાથ ખાતે ભગવાન શિવના ભાવપૂર્ણ દર્શન કરવા માટે જતા જોયા. જો કે પહેલી વખત દર્શન કરવા માટે ગયા ત્યારે રાહુલ ગાંધીનું નામ બિનહિંદુઓના રજિસ્ટરમાં નોંધવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં કોંગ્રેસના પ્રવક્તા તરફથી રાહુલ ગાંધી હિંદુ હોવાનું અને તેનાથી આગળ વધીને રાહુલ ગાંધી જનોઈધારી હિંદુ હોવાની વાત જણાવવી પડી હતી. આનું એકમાત્ર કારણ રાહુલ ગાંધીના ધર્મ પરના વિવાદથી ગુજરાતની ચૂંટણીમાં મતદાન પહેલા વોટરો તરફથી ફટકો પડવાની ભીતિ હતી. તો કોંગ્રેસના ચાણક્ય ગણાતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચુકેલા અહમદ પટેલ રાહુલ ગાંધી સાથે પ્રચાર અભિયાનમાં ખાસ જોવા મળ્યા નહીં. અહમદ પટેલનું સ્થાન અશોક ગેહલોતને મળ્યું હતું. કોંગ્રેસમાં આવેલું આ પરિવર્તન પણ ઘણું મોટું અને સૂચક છે. જો કે આવા પરિવર્તનના માર્ગે કોંગ્રેસ કેટલી આગળ વધશે તેમા અવશ્ય આશંકાઓ રહેલી છે. પરંતુ રાહુલ ગાંધીની ભગવાન શિવમાં દર્શાવેલી શ્રદ્ધાનું સમ્માન કરવું જોઈએ. તેની સાથે રાહુલ ગાંધીએ પણ યાદ રાખવું જોઈએ કે ભગવાન શિવ અને ભગવાન રામને એકબીજાથી અલગ કરી શકાય તેમ નથી. રામાયણના કથાનકો પ્રમાણે શિવ રામ જપતા અને રામ શિવનામ જપતા હોવાનું કોઈનાથી અજાણ્યું નથી. ત્યારે અયોધ્યામાં શિવની પણ જેમના તરફ શ્રદ્ધા રહી છે.. તેવા ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર અયોઘ્યાપતિ રાજારામનું ભવ્ય મંદિર નિર્માણ થવા બાબતે પણ રાહુલ ગાંધીએ પોતાના વલણ અને પિતા રાજીવ ગાંધીની જેમ વિવાદીત સ્થાનના તાળા ખોલવા જેવા કોઈ સાહસ માટે તૈયાર થવું જોઈએ... કારણ કે શિવભક્ત ક્યારેય રામદ્રોહી બની શકે નહીં.. 

કોંગ્રેસના પ્રચાર અભિયાનની મુખ્ય ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચનારી છે. 1952થી યોજાતી ભારતની કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસના શીર્ષસ્થ નેતા દ્વારા હિંદુ તરીકે લોકોની વચ્ચે પ્રસ્થાપિત થઈને પ્રચાર કરવામાં આવ્યો નથી. પહેલીવાર કોંગ્રેસે હિંદુઓને ધ્યાનમાં રાખીને વોટ માંગ્યા છે. કોંગ્રેસનું મોટાભાગનું વલણ મુસ્લિમ તરફી પાર્ટી તરીકે જોવા મળ્યું છે.. તેવા સંજોગોમાં કોંગ્રેસ માટે દક્ષિણપંથી રાજકીય વળાંક રાજકીય મજબૂરીમાં સામે આવ્યો છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજી વાત સામે આવી છે કે મુસ્લિમ વોટરો અને ઉમેદવારોની કોઈ ચર્ચા જોવા મળી નથી. જો કે ભૂતકાળની મોટાભાગની ચૂંટણીઓમાં આવી ચર્ચાઓ થતી જોવા મળી છે. ભાજપે ફરી એકવાર ગુજરાતમાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. તો કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા, પણ તેની કોઈ ખાસ ચર્ચા ઉભી થવા દીધી નથી. હિંદુ સમાજની જાગૃતિનું પરિણામ છે કે ગુજરાતની ચૂંટણીમાં સત્તાપક્ષ અને વિરોધપક્ષે જીત માટે માત્ર હિંદુઓને ધ્યાનમાં રાખીને પોતાની વ્યૂહરચના આગળ વધારવી પડી છે.

ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી પાર્ટી સાચા હિંદુત્વવાદ પર ચાલનારી પાર્ટી તરીકે ગુજરાતમાં ખાસી માન્યતા પ્રાપ્ત છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સૌથી મોટા રાજનેતાઓમાંથી એક છે. તેમણે ગુજરાતની અંદર અંદાજે 27 જેટલી રેલી-સભાઓ કરી છે. ભાજપના પ્રચાર અભિયાનમાં ગુજરાતમાં કર્ફ્યૂમુક્ત શાસનની વાત જણાવીને કોંગ્રેસના શાસનકાળમાં કાયદો અને વ્યવસ્થા સામેના પડકારો ડામવામાં નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવી હતી. તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને ફાયરબ્રાન્ડ હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથને પણ ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે પ્રચાર અભિયાનમાં ઉતારવામાં આવ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન વોટર્સ સાથે કમ્યુનિકેટ કરવાના મામલે હાલના સમયે સૌથી વધુ અસરકારક રાજનેતા છે. તેમણે ઉઠાવેલા કેટલાક મુદ્દાઓ પણ ગુજરાતના હિંદુત્વવાદી માનસને આકર્ષી ગયા હતા. રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનતી વખતે મણિશંકર અય્યરે આપેલા ઉદાહરણના આધારે ઔરંગઝેબરાજની વાત મોદીએ કરી હતી. તો મણિશંકર અય્યરે નીચ જેવો અણછાજતો શબ્દ વાપર્યો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનો જવાબ આપતા અય્યરની ઝાટકણી કાઢવાની સાથે મણિશંકરના નિવાસસ્થાને પાકિસ્તાનના ડિપ્લોમેટ સાથે બેઠક યોજાવાની અને અહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવાની પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીનો મામલો પણ જોરશોરથી ગુજરાતના લોકો વચ્ચે રજૂ કર્યો હતો. 

તો કપિલ સિબ્બલ રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી રજૂ થઈને દૈનિક સુનાવણીને 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી હોવાનું જણાવતી દલીલનો મામલો પણ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા રામજન્મભૂમિ પર મંદિર નિર્માણમાં અટકાવવામાં આવતા કાયદાકીય રોડાની વાતનો મામલો પણ ઉઠાવ્યો હતો. સરદાર પટેલ, ડોકલામ વિવાદમાં ચીનની સામે નીડર વલણ, પાકિસ્તાન અને આતંકવાદીઓની સામેની કાર્યવાહીના રાષ્ટ્રવાદને લગતા મુદ્દાઓ પણ વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં અસરકારક રીતે ઉઠાવ્યા હતા. નવમી ડિસેમ્બરના પહેલાના પખવાડિયામાં વડાપ્રધાન મોદી દ્વારા પ્રચારમાં ઉઠાવાયેલા મુદ્દાઓએ જ્ઞાતિવાદના ચક્કરમાં ફસાઈ રહેલા ગુજરાતના મતદાતાઓને ભાજપ તરફ વાળવામાં સારી એવી સફળતા મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવિદેશના મંદિરોમાં અવાર-નવાર જતા જ હોય છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે દ્વારકાધીશ, સોમનાથ, અંબાજી, વડનગર સહીતના મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. 

ભારતીય જનતા પાર્ટીએ જીતેલી 99 બેઠકોમાંથી 69 વિધાનસભા બેઠકો કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી છે. 2002ની ઘટનાઓ બાદ આઈબી રિપોર્ટના આધારે ચૂંટણી પંચે રાજ્યની 182 બેઠકોમાંથી 154 બેઠકોને કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાવી હતી. 55માંથી 44 સંવેદશનશીલ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જેમાં ભાજપે અમદાવાદ જિલ્લાની 21માંથી 15, વડોદરાની દશમાંથી આઠ, રાજકોટની આઠમાંથી છ અને સુરતની 16માંથી 15 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. આ સિવાય કોમવાદી દ્રષ્ટિએ સંવેદનશીલ ખેડાની છમાંથી ત્રણ, આણંદની સાતમાંથી બે, પંચમહાલની પાંચમાંથી ચાર, ભરૂચની પાંચમાંથી ત્રણ, મહેસાણાની સાતમાંથી બે, ગાંધીનગરની પાંચમાંથી બે, સાબરકાંઠાની સાતમાંથી ત્રણ અને ભાવનગરની સાતમાંથી છ એમ કુલ પચ્સીસ બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે.

તો કોંગ્રેસને પણ તેની હિંદુત્વની રણનીતિનો લાભ ચૂંટણીમાં થયો છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર અભિયાનમાં 27થી વધુ મંદિરોમાં દર્શન કર્યા હતા. આવા વિસ્તારોમાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસને ભાજપને હરાવવામાં સફળતા મળી છે. જેમાં ચોટીલા, રાધનપુર, ઊંઝા, પાટણ, ગઢડા, કપડવંજ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. 

જો કે 150 પ્લસ બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારીત કરનારા ભાજપને મળેલી 99 બેઠકો પણ ગુજરાતના મતદાતાઓનો મિજાજ દર્શાવનારી છે. ગુજરાત વિધાનસભાની 92 બેઠકના મેજિક ફિગર કરતા માત્ર સાત બેઠકો વધુ મેળવનારા ભાજપે 16 બેઠકો તો માત્ર ત્રણ હજાર સુધીના મતોની સરસાઈથી જીતી છે. તેમાય ગોધરામાં 258, ધોળકામાં 327 અને બોટાદમાં 906 મતની સરસાઈએ ભાજપને જીત મળી છે.
2012માં કોંગ્રેસને 38.9 ટકા વોટ મળ્યા હતા. પરંતુ 2017માં કોંગ્રેસના મતમાં 2.5 ટકાના વધારા સાથે 41.4 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપના વોટ શેરમાં 1.2 ટકાનો વધારો થયો છે અને 2012માં 47.9 ટકાની સરખામણીએ 2017માં 49.1 ટકા વોટ મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 2012માં નવ ટકા મતોનો તફાવત હતો. જ્યારે 2017માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મતોની ટકાવારીનો તફાવત માત્ર 7.7 ટકા છે. 

ખરાખરીના રાજકીય જંગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતીને વિજયભાઈ રૂપાણી ફરીથી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે. ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ અયોધ્યામાં રામ, હર હાથને કામની વાત જણાવી હતી. તેમણે પદ્માવતી ફિલ્મમાં ભારતીય નારીના અપમાનના મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ફિલ્મ પર રોક લગાવવાની પણ જાહેરાત કરી હતી. તો ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારે ગૌહત્યા પર રોક માટેની કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતા ખરડાને પારીત કરાવ્યો હતો. હવે ફરીથી મુખ્યપ્રધાન બન્યા બાદ વિજયભાઈ રૂપાણી રાજ્યમાં ગૌહત્યા પર રોકનો કડકથી અમલ કરાવે, ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ કરીને દરેક હાથને કામ આપવાની વ્યવસ્થા કરે. ભારતીય સંસ્કૃતિ અને તેના વાહકોના ગૌરવની જાળવણી માટેના પુરતા પગલા અને વાતાવરણને પ્રોત્સાહન આપે. જ્ઞાતિવાદમાંથી છૂટકારો પામેલા ગુજરાતમાં ફરી એકવાર આવા જાતિવાદી સમીકરણોએ માથું ઉંચક્યું છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હિંદુત્વના રાષ્ટ્રવાદી મામલાઓ પર અડગતાથી આગળ વધે ગુજરાતની જનતા તેમને સાથ આપશે. ગુજરાતમાં સમરસતાના વાતાવરણ માટે પણ હિંદુત્વ એટલે કે રાષ્ટ્રવાદની પ્રખરતા જરૂરી છે. ગુજરાતના દેખાડેલા રસ્તે ભારતના લોકોએ ચાલવાનું પસંદ કર્યું છે. નવનિર્માણનું આંદોલન, કટોકટી સામેની લડાઈ, રામજન્મભૂમિ આંદોલન, 2014માં ભાજપની જીત જેવી ઘટનાઓ આના સાક્ષી છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો પણ એક જ અર્થ છે કે રાષ્ટ્રવાદના મુદ્દાઓ અને હિંદુત્વની સાથે જોડાયેલા મામલાઓને ગૌરવથી પ્રખરતાથી ઉઠાવીને જનલાગણીને સંતુષ્ટ કરવાથી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો માર્ગ પ્રશસ્ત કરી શકાશે. શ્રેષ્ઠ ભારત આપોઆપ વિશ્વગુરુના સ્થાને ફરીથી બિરાજશે. તેવી આશા સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને શુભેચ્છા...