Monday, April 15, 2013

જરૂર છે, સંવેદનશીલ વિકાસ મૉડલની


-         આનંદ શુક્લ
આખા દેશ અને ગુજરાતમાં વિકાસના વાયરા વાયા છે. આ વાયરા પહેલા યૂરોપ અને પછી અમેરિકાથી વાયા. ભારતે આઝાદીના 65 વર્ષો બાદ 90ના દશકથી વિકાસની વાટ પકડવા માટે યૂરોપ અને અમેરિકી મોડલને આધાર બનાવ્યું છે. ભારતમાં યૂરોપિયન અને અમેરિકન મોડલના આધારે થઈ રહેલો વિકાસ યંત્રવત હોવાનું ઘણાં વિશેષજ્ઞોનું માનવું  છે. આ વિકાસ પ્રક્રિયા એક યંત્રવત છે. વિકાસ પ્રક્રિયા માણસ માટે હોય છે, માણસ વિકાસ પ્રક્રિયા માટે નહીં. પરંતુ ભારતમાં અમેરિકન વિકાસ મોડલના પ્રભુત્વમાં માણસ વિકાસ પ્રક્રિયા માટે છે! વિકાસ પ્રક્રિયામાં ભવ્યતા અંતિમ પડાવ છે. પરંતુ ભારત અને ગુજરાતમાં વિકાસનો વાયરો વાવાઝોડામાં ફેરવાઈને ભવ્યતાના રવાડે વિષચક્ર બની ચુક્યો છે. આપણે ત્યાં સરકારોએ ભવ્યતા અને રેકોર્ડને વિકાસ માની લીધો છે. આ વિષચક્ર બની ચુકેલા વિકાસના મોડલથી મહિલાઓની સ્થિતિ ખરાબ છે, બાળકો કુપોષણના ભોગ છે, ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે, સીમાડા પર દુશ્મન દેશો ભારતને કનડી રહ્યા છે, વિકાસદર 5 ટકાએ માંડ પહોંચી રહ્યો છે. ખાદ્ય અને દેવામાં સરકારો સપડાઈ રહી છે. દેશમાં માત્ર રસ્તાઓ સારા થઈ જવા માત્રથી વિકાસ થતો નથી. આ સારા રસ્તાઓ તેની આસપાસ વસતા માણસોને ચોક્કસ મદદરૂપ થાય છે. પણ તેનાથી વધારે મદદ આ દેશની કુદરતી સંપત્તિનો વેપલો કરતા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસને કરે છે. આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં.
આ દેશમાં 90ના દશકમાં જે સંવેદનશીલતાનો માહોલ હતો, તે માહોલ વિષચક્ર બનેલા વિકાસના વાવાઝોડામાં ગાયબ છે. આ વિકાસ અસંવેદનશીલ છે, આ વિકાસ પ્રક્રિયા અસંવેદનશીલ છે. જયપુરમાં તાજેતરમાં એક અકસ્માત થયો. રસ્તા પર એક મહિલા અને તેની છ માસની બાળકીનું કોઈ વાહનની અડફેટે અવસાન થયું. મૃત મહિલાનો પતિ અને તેનો નાનો પુત્ર મદદ માટે વલખા મારતા રહ્યા. પરંતુ ત્યાંથી પસાર થતી લગભગ 100 ગાડીઓ અને વાહનોમાંથી એકની પણ સંવેદના જાગી નહીં. તેમણે મહિલા જીવે છે કે મરી ગઈ છે, તે જાણવાની દરકાર સુદ્ધાં લીધી નહીં. અંતે અડધો કલાક બાદ કેટલાંક બાઈકસવારોએ મદદ કરવાનું શરૂ કર્યું. વિકાસમાં માનવીય સંવેદનાઓ મરી પરવારે છે, ત્યારે તે વિકાસ અસંવેદનશીલ બને છે. ભારતીય વિચારધારામાં ધર્મના (નોંધ- ધર્મનો અર્થ અંગ્રેજી રિલિજયન પ્રમાણે કરવો નહીં) આધારે ધન પેદા કરવું, સંપત્તિ પેદા કરવી, ધન-ધાન્ય પેદા કરવું, સુખ-સંપન્ન તા વધારવાની મંજૂરી બેશક છે. પરંતુ શું અત્યારે જે વિકાસ થઈરહ્યો છે, અત્યારે જે વિકાસ પ્રક્રિયા આરંભાઈ છે, તેમાં મૂલ્યો-સિદ્ધાંતો અને માનવીય સંવેદનોઓને સ્થાન છે?
ભારતમાં હાલના અમેરિકન મોડલના તથાકથિત વિકાસના વાયરા વાયા ન હતા, તે વખતે ભારતનો ગરીબ પણ ભૂખ્યાને પોતાના અડધા રોટલામાંથી બટકું આપી દેવાની વૃતિવાળો હતો અને આજે પણ વિકાસના વાયરાથી વંચિત આ વર્ગમાં આ પ્રવૃતિ સામાન્ય રીતે જોવા મળે છે. આજે દેશની મોટાભાગની સંપત્તિ મુઠ્ઠીભર અમીરો અને કોર્પોરેટના હાથમાં કેદ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં સપડાયેલા લોકામાં ભારતના ગરીબ પહેલા હતી અને અત્યારે છે, તેવી સંવેદનાનો અભાવ છે. કોર્પોરેટો, મલ્ટીનેશનલ્સો અને ઔદ્યોગિક ગૃહોને વિકાસ પ્રક્રિયાના સાધન ગણવામાં આવે છે, પરંતુ તેમની ખુદની આંતરીક વ્યવસ્થા અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી એકપણ વ્યવસ્થામાં સંવેદનાનો રડયો-ખડયો સૂર પણ રાખવામાં આવ્યો નથી. આવા વિકાસના તથાકથિત વાહકોના રવાડે ચઢીને ભારતનું તંત્ર પણ અસંવેદનશીલ બની રહ્યું છે. ભારતમાં ગરીબોની સંખ્યા ઘણીમોટી છે, ઘણો મોટો મધ્યમ વર્ગ છે અને નવમધ્યમ વર્ગ વિકસિત થઈ રહ્યો છે. તેમના માટે જુદીજુદી સબસિડીની વ્યવસ્થાઓ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં અસંવેદનશીલ બનેલી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સબિસિડીઓ આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. ગરીબવિરોધી, જનવિરોધી અર્થશાસ્ત્રીઓની પેનલ સબિસિડીઓ નાબૂદ કરવાની વિચારધારા પર કામ કરે છે, પરંતુ તેની સામે ઔદ્યોગિક ગૃહોને લગભગ સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની મબલખ સહાય આપતા ખચકાતા નથી. મદદની જરૂર કોને છે, જે કમજોર છે તેને કે જે મજબૂત છે અને વધારે મજબૂત થવાનો છે તેને?
ભારતમાં હાલ વિકાસનું વિકસેલું વિષતંત્ર એટલી હદે બેશરમ બની ગયું છે કે ખુલ્લેઆમ ધન-ધાન્યના સટ્ટા અને સંગ્રહાખોરી થાય છે, ખેતીનું સત્યાનાશ નીકળી રહ્યું છે, ગાય અને અન્ય ઉપયોગી પશુઓનું નિકંદન નીકળી રહ્યું છે અને તેને આ લોકો પિંકરિવોલ્યૂશન કહી રહ્યા છે, બાળકો શાળામાં સારા સંસ્કારની જગ્યાએ માત્ર કમાવવું કંઈ રીતે તેની જ ચિંતા કરી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. જાતીય સ્વૈચ્છાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. દેશમાં એટલો વિકાસ થયો છેકે કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણ વધી રહ્યા છે. મૂલ્યો અને નૈતિકતાના હ્રાસને વિકાસના નામે ઓળખવામાં આવે છે. માનવીય સંવેદનાઓની ગેરહાજરીમાં શહેર, રાજ્ય કે દેશની ભવ્યતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. અસંવેદનશીલતા વચ્ચે વ્યક્તિની સાધન-સંપન્નતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. પરંતુ વ્યક્તિની માનસિકતા માનવીય સંવેદનાઓ પ્રત્યે વિકસિત બને તેના માટે પ્રયત્નો થતા નથી. અરે, આશ્ચર્ય એ વાતનું છે કે જે માનવીય સંવેદનાઓ પરંપરાગત રીતે ભારતીય જીવનપદ્ધતિમાં વણાયેલી છે, તેને પણ દૂર કરવાનો આ વિકાસ પ્રક્રિયામાં પ્રયત્ન કરવામાં આવે છે.
પરગજુ વૃતિ અને અન્યને મદદ કરવાની પ્રવૃતિ આ વિકાસના આડંબરી વિષચક્રમાં ફસાયેલો વ્યક્તિ ગુમાવી રહ્યો છે. જ્યાં સુધી માનવીય જીવનનો સવાલ છે, ત્યાં સુધી તેમાં યંત્રવત બાબતોને કોઈ સ્થાન ન હોઈ શકે. માનવીય જીવન લાગણીઓ, ભાવનોઓ, સંવેદનાઓ, સદકર્મોનો સંપુટ છે. ત્યારે વિકાસ માનવીય જીવનના મૂલ્યોને વધારે મજબૂત બનાવનારું હોવું જોઈએ. ભારતે અપનાવેલા અમેરિકન-યૂરોપિયન વિકાસ મોડલમાં વ્યક્તિ સ્વકેન્દ્રી બની રહ્યો છે, તેના માટે સમાજ, દેશ અને દુનિયાનું કોઈ મહત્વ નથી. જે રીતે અમેરિકા દુનિયાની પરવાહ કર્યા વગર જીવી રહ્યું છે, તેવી રીતે અમેરિકન મોડલ પણ તેને અપનાવનાર વ્યક્તિ અને દેશમાં આ પ્રકારની જ લાગણી જન્માવે છે. ભારતે આઝાદીની 65 વર્ષની અંદર વિકાસનું ભારતીય મોડલ વિકસાવવાનો વિચાર કર્યો નથી. વિકાસની વાત થાય છે, તો કોઈ ટકાઉ વિકાસની વાત કરે છે. કોઈ ઈકો-ફ્રેન્ડલી વિકાસની વાત કરે છે. પરંતુ કયારેય વિશ્વમાં રહેલા દરેક પ્રકારના જીવન માટે સંવેદનશીલ વિકાસની ચર્ચા જ કરવામાં આવતી નથી. અત્યારના વિકાસમાં સંપત્તિ કેન્દ્રમાં છે અને તેને પેદા કરવા માટે માણસ સાધન છે. જ્યારે વિકાસમાં બનવું એવું જોઈએ કે માનવીય જીવન સાથેના તમામ પ્રકારનું જીવન કેન્દ્રમાં હોય અને સંપત્તિ તેને ઉન્નત બનાવવાનું સાધન બને.
ભારતે પોતાનું આગવું વિકાસ મોડલ વિકસાવ્યું હોત, તો તેની સફળતા તેની પોતાની હોત અને સમસ્યાઓ જો હોત-તો તે પણ પોતીકી હોત. જ્યારે અમેરિકી અને યૂરોપિયન મોડલની વિકાસની સફળતાઓ ઓછી છે અને સમસ્યાઓ વધારે છે. આ એવી સમસ્યાઓ છે, જ્યારે અમેરિકા અને યૂરોપે પોતાની વિકાસના ટેક-ઓફ પિરિયડમાં અનુભવી હતી. આ અનુભવ હોવા છતાં પણ ભારતની સરકારોની ખાડામાં પડવાની શું મજબૂરી હતી? ગુજરાતમાં વિકાસની ખૂબ વાતો થાય છે. પરંતુ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં પાણીપાણીના પોકારો શાંત થયા નથી. બાળકો, મહિલાઓ અને આદિવાસીઓમાં કુપોષણની સમસ્યાઓ નાથી શકાય નથી. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતનો ક્રાઈમ રેટ ગુજરાતમાં વધી રહ્યો છે. તેનો એક જ અર્થ છે કે ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે. ગઝનવીએ સોમનાથની સમૃદ્ધિને લૂંટી અને આજે ગુજરાતની સમૃદ્ધિ લૂંટવા નાના-મોટા ગુનેગારો આવી રહ્યા છે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં જ ઘણાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ગુજરાતની જે સમસ્યા થોડા નાના પ્રમાણમાં છે, તે સમસ્યાઓ આખા ભારતની મોટા પ્રમાણમાં છે. તેનું એક જ કારણ છે, મનમોહન અને મોદીના વિકાસ મોડલમાં કોઈ તાત્વિક તફાવત નથી.
પરંતુ અત્યારે વિચારવાનું માત્ર એટલું છે કે માનવીય સંવેદનાઓ રહીત વિકાસ જનતાને ક્યાં લઈ જશે? જે વિકાસમાં જનતાની સંવેદનાઓની બાદબાકી હોય, તેને વિકાસ કઈ રીતે ગણી લેવો? બજેટ અને જુદાંજુદાં રિપોર્ટમાં આંકડાનું અંકગણિત ઠીક રાખવા મથતી સરકારો જો જનતા માટે વિચારતી હોત, તો મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીતની સમસ્યાઓ પળભરમાં દૂર થઈ શકી હોત. આ વિકાસ મોડલો મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધારે છે. તેનું સૌથી મોટું નુકસાન જનતાને થઈ રહ્યું છે. તો જનતાને નુકસાન કરનાર મોડલને કઈ રીતે વિકાસ મોડલ ગણી શકાય?