Monday, November 25, 2013

હિંદુ જીવનપદ્ધતિથી વિશ્વ અને ભારતનું કલ્યાણ થશે

- પ્રસન્ન શાસ્ત્રી
દરેક દેશનું પોતાનું માનસ અને માનસિકતા હોય છે. આ માનસ અને માનસિકતા દેશનો પોતાનો તર્ક તથા દ્રષ્ટિકોણ આપે છે. જેનાથી ઘડાયેલી દિશાઓ દેશના ભાવિને એક સુનિશ્ચિત, યોગ્ય અને સાચી દિશા આપે છે. ભારત એક દેશ જ નહીં, પણ વેદકાળથી એક રાષ્ટ્ર છે. જેમ શરીરમાં આત્માનો વાસ હોય ત્યાં સુધી તે જીવંત રહે છે. તેવી રીતે રાષ્ટ્ર અને રાષ્ટ્રપુરુષની ચિત્તિ હોય છે. આ ચિત્તિ જ્યાં સુધી જીવંત અને સુવ્યવસ્થિત છે, ત્યાં સુધી રાષ્ટ્ર પોતે સુવ્યવસ્થિતપણે જીવંત રહી શકે છે. યૂનાન, મિસર, રોમ જેવા મહાકાય રાજ્યોનું આજે તે સ્વરૂપમાં નામોનિશાન નથી. પરંતુ ભારતનું અસ્તિત્વ અપાર સંકટ સામે પણ અડિખમ રહ્યું છે. જો કે એ વાત એટલી જ સાચી છે કે ભારત સંકટોના વાવાઝોડાઓમાં સમય-સમય પર ખંડિત પણ બન્યું છે. છતાં ભારતની એક રાષ્ટ્ર તરીકેની ચિત્તિ તેને અકબંધ રાખે છે.

નીતિઓ દેશને સાચી કે ખોટી દિશામાં લઈ જવા માટે જવાબદાર હોય છે. ભારતનું લક્ષ્ય વેદકાળથી ઋષિ-મુનિઓએ નક્કી કર્યું છે. વિશ્વનું કલ્યાણ કરવું ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું લક્ષ્ય છે. વિશ્વના કલ્યાણની સદઈચ્છા રાખવા માટે ભારતે વિશ્વગુરુ જેવા સમ્માનીય સ્થાને પહોંચવું પડે કે જે ક્યારેક ભારતનું વિશ્વમાં હતું. પરંતુ અત્યારની સમાજનીતિ, આર્થિકનીતિ, રાજનીતિ, વાણિજ્યનીતિ, કૃષિનીતિ કે કૂટનીતિ ભારતને આ સ્થાન પર પહોંચાડી શકે તેમ નથી. તેની પાછળ એક જ કારણ જવાબદાર છે. ભારતની નીતિઓ ભારતના માનસ અને માનસિકતા પ્રમાણે બનાવાતી નથી. ભારતની નીતિઓ બનાવતી વખતે અમેરિકા, યૂરોપ કે ચીન જેવા દેશોને આદર્શ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. જેના કારણે ભારતને કલ્યાણકારી ભૂમિકામાં લાવવા માટે કોઈ પ્રગતિ સાધી શકાતી નથી ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. પરંતુ ભારતને હજી સુધી ભારતના લોકો માટે કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરી શકાયું નથી.

ભારતની પ્રવર્તમાન ખોટી નીતિઓ તેને ખોટી દિશામાં લઈ જાય છે. જેના કારણે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક નૈતિક અધ:પતનનું એક કુચક્ર શરૂ થયું છે. જેની અસર જીવનને સાંકળતા તમામ ક્ષેત્રોમાં દેખાઈ રહી છે. ભારતના નીતિનિર્ધારકો ખંડિત આઝાદીના કાળથી નીતિ-નિર્ધારણમાં વિદેશની નકલ કરતા આવ્યા છે. ભારતે શરૂઆતમાં કમ્યુનિસ્ટ સોવિયત સંઘની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક નીતિઓની નકલ કરવાની શરૂઆત કરી. ખંડિત આઝાદીકાળથી ભારતે બ્રિટિશ રાજકીય મોડલને સ્વીકાર્યું છે. તેની સાથે 80ના દાયકાના મધ્યભાગથી યૂરોપની આર્થિક પ્રગતિથી અંજાઈને યૂરોપના આર્થિક મોડલની નકલ કરવાનું શરૂ કર્યું. 90ના દાયકાના અંતમાં અમેરિકી આર્થિક મોડલને વૈશ્વિકરણના નામે ભારતમાં પ્રવેશવા માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપી.

આજે ભારતમાં ભારતનું આર્થિક ચિંતન ક્યાંય દેખાતું નથી. ભારતીય દર્શને માનવજીવનના ચાર પુરુષાર્થો ગણાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવજીવનના ચાર પુરુષાર્થો છે. ભારતીય દર્શન પ્રમાણે, માનવીએ અર્થ અને કામ સંબંધિત પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવાની છે, પણ તેનો આધાર ધર્મ છે. ધર્મ તમામ પુરુષાર્થોના મૂળમાં છે, જ્યારે સર્વોચ્ચ અને અંતિમ પુરુષાર્થ મોક્ષ છે. જે માનવીય જીવનની આધ્યાત્મિકતાની સર્વોચ્ચ પ્રાપ્તિ છે. પશ્ચિમના શાસ્ત્રો માણસને સામાજિક પ્રાણી ગણાવે છે. જ્યારે ભારતીય દર્શન પ્રમાણે, માનવીય જીવન આધ્યાત્મિકતા માટે સર્જાયેલું છે અને તેથી માનવી આધ્યાત્મિક યોનિ છે. અહીં ધર્મનો અર્થ રિલિજયન કરીને સંપ્રદાય, પંથ કે મજહબ કરવાની માનસિકતાથી બચવા જેવું છે. ધર્મ એટલે જેને માનવી ધારણ કરે છે અને માનવી જેનાથી રક્ષાયેલો છે, તે ધર્મ. ધર્મ માણસને જીવનજીવવાની પદ્ધતિ ઘડી આપે છે. ભારતીય દર્શન પ્રમાણે, ભારતમાં જીવનજીવવાની પદ્ધતિ યુગોથી અસ્તિત્વમાં છે. કહેવામાં આવે છે કે જ્યારે દુનિયામાં માનવી રખડું જીવન ગુજરાતો હતો, તે વખતે ભારતમાં માનવીય જીવનપદ્ધતિ વિકસિત થઈ હતી. જેને આજે હિંદુ જીવનપદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ ખંડિત આઝાદી મળ્યા બાદ ભારતના નીતિનિર્ધારકોની ખોટી નીતિઓ અને સ્થાપિત હિતોના પરિણામે સૌથી વધારે નિશાન હિંદુ જીવનપદ્ધતિને બનાવવામાં આવી છે. આમ જોવો તો ભારતની ઓળખ હિંદુ જીવન પદ્ધતિના કારણે ભારત કે હિંદુસ્થાન તરીકેની છે. જો આ જીવન પદ્ધતિ પર સંકટ આવશે, તો ભારતની ઓળખ પર સંકટ આવશે. પરંતુ ભારતની હિંદુ જીવનપદ્ધતિના સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓનો પ્રવર્તમાન ભારતની સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક નીતિઓમાં સર્વથા અભાવ દેખાય છે. નીતિઓ દેશ માટે હોય છે, દેશ નીતિઓ માટે નહીં. પરંતુ દેશના નીતિ-નિર્ધારકો એવી રીતે વરતી રહ્યા છે કે જાણે દેશ નીતિઓ માટે હોય. જેના કારણે દેશ ગુંગળાઈ રહ્યો છે. આ દેશની ગુંગણામણ આક્રોશ તરીકે દેશની જનતાના મન-હ્રદયમાં વહી રહી છે. જો તેને દિશા મળશે, તો તે આંદોલન સ્વરૂપે કોઈ મોટા પરિવર્તનની પથગામી બની શકે છે.

1992થી દેશને એક બજાર બનાવી દેવામાં આવ્યો છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણના નામે અમેરિકી આર્થિક મોડલ પ્રમાણેની આર્થિક નીતિઓએ માણસનું સ્થાન વસ્તુઓને આપી દીધું છે. જેના કારણે ભારતના માનવીય જીવનમાંથી વ્યક્તિની બાદબાકી થઈ રહી છે અને વસ્તુઓની ભરમાર વધી રહી છે. જેના કારણે માનવીય સંબંધોમાં ઉષ્મા અને લાગણીની પણ બાદબાકી નજરે પડી રહી છે. હાલ ભારતમાં આર્થિક ઉન્નતિનો અર્થ થાય છે, પારિવારીક ભાવનાઓની બાદબાકી. પ્રવર્તમાન આર્થિક મોડલે ભારતમાં પરિવાર જેવી પાયાની સામાજિક સંસ્થા પર સંકટ ઉભું કર્યું છે. આ પરિવાર ભારતની હિંદુ જીવનપદ્ધતિની પ્રાથમિક સામાજિક સંસ્થા છે. દેશમાં છૂટાછેડા અને તેને પરિણામે સિંગલ પેરેન્ટિંગ, ઘરડાંઘર, એકલતા, આત્મહત્યાઓ, તણાવ, સ્વૈચ્છાચારનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે દેશમાં નૈતિકતાનું અવમૂલ્યન શરૂ થયું છે. પ્રસ્થાપિત સામાજિક મૂલ્યોને તોડવા-મરોડવામાં આવ્યા છે. લોકોની માનસિકતા બજારવાદને અનુરૂપ બનાવવા માટે પહેલું પગથિયું છે પ્રસ્થાપિત હિંદુ જીવનપદ્ધતિના મૂલ્યોને બદલવા. બીજું પગથિયું છે, જો આ મૂલ્યો બદલાય નહીં, તો તેને ખોટા ઠેરવીને આર્થિક મોડલ પ્રમાણેના મૂલ્યો માટે જગ્યા કરવી. ત્રીજું પગથિયું છે કે વ્યક્તિને ઉપભોગવાદી બનાવી દેવો જેથી તેના જીવનમાં મૂલ્યોનું કોઈ મહત્વ રહે નહીં.

ભારતના તૂટી રહેલા સમાજજીવનની અસર દેશની રાજનીતિ પર પણ પડી રહી છે. કોઈપણ દેશની રાજનીતિ તે દેશનું ભવિષ્ય ઘડતી હોય છે. તેવી રીતે ભારતનું ભવિષ્ય ભારતની રાજનીતિમાં છે. જો કે દંભી લોકો રાજનીતિને ખરાબ ગણે છે, પરંતુ કરે છે રાજનીતિ. ભારતની રાજનીતિમાં નૈતિક મૂલ્યહીનતાએ ખૂબ ખરાબ સ્થિતિ પેદા કરી છે. હાલ ભ્રષ્ટાચારના સૌથી વધારે આક્ષેપો રાજકારણ સાથે સંબંધિત છે. જનતામાં લાગણી વહી રહી છે કે આ દેશના રાજકારણીઓએ દેશને આબાદ કરવાના સ્થાને તેને બરબાદ કરી નાખ્યો. તેની સાથે દેશના રાજકારણમાં ગુંડાતત્વોનો વધતો પ્રભાવ પણ એક સમસ્યા છે. ભારતના રાજકારણીઓના સ્થાપિત હિતો સત્તા ટકાવવામાં છે અને તેના માટે તેઓ વિદેશી હિતો ધરાવતી મલ્ટીનેશનલ્સ કંપનીઓ અને કોર્પોરેટના સાથ લેતા પણ નજરે પડી રહ્યા છે. ક્યારેક ભારતના રાજકારણમાં અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને ભૂતપૂર્વ સોવિયત રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના એજન્ટોની ભરમાર હતી. પરંતુ પ્રવર્તમાન સમયમાં જુદાજુદા દેશોના આર્થિક હિતો સાથે સંકળાયેલી મલ્ટીનેશનલ્સ અને કોર્પોરેટના એજન્ટોની દેશની રાજનીતિમાં ભરમાર છે. કેટલાંક જણકારોના મતે, ભારતમાં હવે કોર્પોરેટો નક્કી કરશે કે દેશમાં સત્તા કોની પાસે રહે. કારણ કે રાજકીય પક્ષોને ફંડફાળો આપવામાં આવી કોર્પોરેટ કંપનીઓનો મોટો ફાળો હોય છે. જેના કારણે સત્તા પર આવ્યા બાદ આવા રાજકીય પક્ષો પ્રજાહિતની નહીં, પણ તેમની સાથે સંબંધિત કોર્પોરેટના હિતની નીતિઓ બનાવે છે.

આવી નીતિઓ દેશમાં ભ્રષ્ટાચાર માટે સૌથી મોટું કારણ છે. ભારતમાં છેલ્લા દશ વર્ષમાં ઘણાં કૌભાંડો કેન્દ્રીય સ્તરે અને પ્રાદેશિક સ્તરે ઉજાગર થયા છે. તેની પાછળ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જવાબદાર છે. ભ્રષ્ટાચારા આક્ષેપથી અમુક અપવાદોને બાદ કરતા કોઈ બાકાત નથી. જો કે આવા અપવાદો પણ શંકાથી પર નથી. ત્યારે સ્થિતિ એવી છે કે દેશના રાજકારણીઓની હરકતોને કારણે લોકોનો દેશની રાજનીતિમાં વિશ્વાસ નથી. આવી પરિસ્થિતિને જોતા લોકોને ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર પસંદ નહીં હોવાનો મળેલો વિકલ્પ રાજકારણીઓને સીધા થઈ જવા માટે સંકેત કરે છે. પરંતુ તેમ છતાં રાજકારણીઓ પોતાની હરકતોમાંથી બાજ નહીં આવે, તો જનતા તેમને મળેલા અધિકારોમાંથી જ કોઈ રસ્તો કાઢે તો નવાઈ પામવા જેવી નથી.

દેશની આર્થિક નીતિએ ભારતના ગૃહઉદ્યોગો, નાના-મધ્યમ ઉદ્યોગોનો કચ્ચરઘાણ કાઢયો છે. તો કૃષિક્ષેત્ર પ્રત્યેની ઉદાસિનતાએ દેશની સામે મોંઘવારી અને ફૂગાવા સહીતના સંકટો પેદા કર્યા છે. જેના કારણે દેશમાં આગામી દિવસોમાં આવી ઉદાસિનતા અન્ન સંકટ પેદા કરે તો નવાઈ નથી. દેશમાં આજે જીડીપીમાં કૃષિક્ષેત્રનો ભાગ ભલે ઓછો હોય, પણ દેશમાં સૌથી વધારે નોકરીઓ અને કામ કૃષિક્ષેત્ર જ આપે છે. પ્રવર્તમાન આર્થિક નીતિ દેશની કૃષિની કમર તોડી રહી છે. તેવા સંજોગોમાં દેશમાં અન્નસંકટને સાથે રોજગારીની સમસ્યા વધારે વિકટ બનશે. તો બીજી તરફ શૈક્ષણિક નીતિ પણ દેશમાં નાગરીક નહીં, પણ નોકરિયાત પેદા કરી રહી છે. આ તમામ પરિસ્થિતિ દેશની સાંસ્કૃતિક બાબતને અને હિંદુ જીવનપદ્ધતિને ઘણી મોટી ચોટ પહોંચાડી રહી છે.

ભારતમાં પ્રવર્તમાન આર્થિક મોડલ અને તેના થકી સર્જાય રહેલી રાજકીય સંસ્કૃતિ એક મોટા સંકટના એંધાણ આપી રહી છે. ભારતની હિંદુ જીવનપદ્ધતિ સામેનું સંકટ દેશની ઓળખ સામેનું વિકટ સંકટ બનશે. ભારતને ખંડિત આઝાદી વખતે ઘોષિત હિંદુ ઓળખથી વંચિત રાખવામાં આવ્યું. પરંતુ આઝાદીના 67 વર્ષે હવે છેલ્લા દોઢ દાયકાથી અમલમાં આવેલી દોઢ ડાહ્યા રાજકારણીઓની નીતિઓના પરિણામે સામાજિક-સાંસ્કૃતિક ઓળખ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ ઓળખ મટી ગયા બાદ ભારતનું ભારત તરીકેનું અસ્તિત્વ પણ જોખમાઈ શકે છે. પરંતુ પોતાની સત્તા ટકાવવા માટેના ઉદ્યમમાં લાગેલા નેતાઓને માત્ર પોતાની ખુરશીની ફિકર છે, દેશની કોઈ ચિંતા નથી. ભારત સામે આવનારા સંકટને જોતા દેશના લોકોએ તેની ફિકર કરવી પડશે અને દેશની હિંદુ જીવનપદ્ધતિ જાળવવા માટે સામાજિક-આર્થિક-રાજકીય સ્તરે કોઈ વિશેષ પરિવર્તનો માટેના પગલા ભરવા પડશે. લોકોએ પ્રવર્તમાન વ્યવસ્થાનો ઉપયોગ કરીને પરિવર્તનોને સાદ આપવો પડશે. ભારતની ચિત્તિને જીવંત રાખવા માટે, ભારતને એક રાષ્ટ્ર તરીકે જીવંત રાખવા માટે અને ભારત માટે વેદકાળથી નિર્ધારીત લક્ષ્યોની પ્રાપ્તિ માટે જનતાએ જ આંદોલન સ્વરૂપે નેતૃત્વની ચિંતા કર્યા વગર બહાર આવવું પડશે. જનતા આંદોલન સ્વરૂપે બહાર આવશે, તો નેતા પણ લોકોમાંથી જ ઉભરશે અને વિશાળ ભારતનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લેશે. આગામી પચાસ વર્ષ માટે જનતાનું સૂત્ર હોવું જોઈએ-ભારતને બચાવવા માટે હિંદુ જીવન પદ્ધતિ બચાવો, કારણ કે હિંદુ જીવનપદ્ધતિથી માત્ર ભારતનું જ નહીં, પણ વિશ્વનું કલ્યાણ થશે