Friday, October 30, 2015

સમયનો સાદ સરદાર – 4: ભારતની અખંડિતતાના ગૌરવપથના શિલ્પી

- આનંદ શુક્લ

હૈદરાબાદમાં પોલીસ પગલાં

હૈદરાબાદના નિજામ સામે કડક કાર્યવાહી કરવાના સરદાર પટેલના અભિપ્રાયને માઉન્ટબેટના કહેવાથી શાંતિથી કામ લેવાનો દ્રષ્ટિકોણ ધરાવતા નહેરુ નામંજૂર કરતા હતા. માઉન્ટબેટને ભારત છોડયા પછી ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતના ગવર્નર જનરલ બન્યા. ત્યારે સરદાર પટેલે હૈદરાબાદના નિજામના હાસ્યનાટક પર પડદો પાડતી સીધી પોલીસ કાર્યવાહીથી 13મી સપ્ટેમ્બરે ભારતીય સેનાઓને મોકલી હતી. 15 સપ્ટેમ્બર સુધી ભારતીય સેનાની કાર્યવાહીને રોકવાની કોશિશો થઈ. પણ સરદાર પટેલની લોખંડી દ્રઢતા આગળ બધું જ નિષ્ફળ ગયું અને હૈદરાબાદ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ કરવામાં સફળતા મળી.

ખંડિત આઝાદી વખતે ભારતીય સંઘની રચના માટે 563 રજવાડાને એકઠા કરવાનો પડકાર હતો. જેમાં હૈદરાબાદના નિજામે મોટી અડચણ પેદા કરી હતી. અંગ્રેજી હકૂમતના સમયે પણ નિજામના રાજ્યમાં પોતાની સેના, રેલવે અને ટપાલ-તાર વિભાગો હતા. વસ્તી અને કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દ્રષ્ટિએ હૈદરાબાદ તે સમયે ભારતનું સૌથી મોટું રજવાડું હતું. તેનું ક્ષેત્રફળ 82 હજાર 698 વર્ગ માઈલ હતું. નિજામના રાજ્યનું કદ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળથી પણ વધારે હતું.

હૈદરાબાદ ભૌગોલિક રીતે ચારે તરફથી ભારતીય ગણરાજ્યથી ઘેરાયેલું હતું. અહીંની 80 ટકા વસ્તી હિંદુઓની હતી અને મુસ્લિમો વહીવટી તંત્ર અને સેનામાં મહત્વપૂર્ણ સ્થાનો પર હતા. હૈદરાબાદની પ્રજા પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી. પરંતુ પાકિસ્તાન તરફી નિજામ અને તેના કટ્ટરપંથી પ્રતિનિધિ કાસિમ રાજવીએ રજાકારો સાથે મળીને હૈદરાબાદની આઝાદીના ટેકામાં જાહેરસભાઓ કરી હતી. વિસ્તારમાંથી પસાર થનારી ટ્રેનોને રોકીને બિનમુસ્લિમ પ્રવાસીઓ પર હિંસક હુમલા કર્યા હતા. હૈદરાબાદ નજીકના ભારતીય ક્ષેત્રોમાં રહેતા લોકોને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું.

કનૈયાલાલ મુન્શીના પુસ્તક એન્ડ ઓફ એન એરામાં આપેલા સંદર્ભે પ્રમાણે નિજામે હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ રોકવા માટે પાકિસ્તાનના તત્કાલિન ગવર્નર જનરલ મહંમદ અલી જિન્નાને સંદેશ મોકલીને જાણવાની કોશિશ કરી હતે કે શું તેઓ ભારત વિરુદ્ધની લડાઈમાં હૈદરાબાદનું સમર્થન કરશે? જાણીતા પત્રકાર કુલદીપ નૈયરે પોતાની આત્મકથા બિયોન્ડ ધ લાઈન્સમાં લખ્યું છે કે જિન્નાએ તેના જવાબમાં કહ્યુ હતુ કે તેઓ મુઠ્ઠીભર શાસકવર્ગના લોકો માટે પાકિસ્તાનના અસ્તિત્વને જોખમમાં નાખવા ઈચ્છશે નહીં. બીજી તરફ નહેરુ લોર્ડ માઉન્ટબેટની સલાહ પ્રમાણે હૈદરાબાદના મામલાનો ઉકેલ શાંતિપૂર્ણ ઢંગથી કરવાની વાતો કરવા લાગ્યા હતા. પરંતુ લોખંડી પુરુષ સરદાર પટેલ નહેરુના દ્રષ્ટિકોણથી અસંમત હતા. તેઓ માનતા હતા કે નિજામની ઈચ્છા પ્રમાણે ભારતથી અલગ હૈદરાબાદ રાજ્ય દેશના પેટમાં કેન્સર સમાન હતું. તેને સહન કરી શકાય નહીં.

મુત્સદીગીરીમાં માહેર સરદાર સાહેબ સંપૂર્ણપણે જાણતા હતા કે નિજામ સંપૂર્ણપણે પાકિસ્તાનના પ્રભાવમાં હતો. ત્યાં સુધી કે પાકિસ્તાન પોર્ટુગીઝો સાથે હૈદરાબાદની સમજૂતી કરાવવાની ફિરાકમાં હતું. જેના પ્રમાણે હૈદરાબાદ ગોવામાં પોર્ટ બનાવીને જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે.

તો હૈદરાબાદના નિજામે પોતાના એક બંધારણીય સલાહકાર સર વોલ્ટર મૉન્કટોન દ્વારા લોર્ડ માઉન્ટબેટનનો સીધો સંપર્ક કર્યો હતો. મૉન્કટૉન કન્જર્વેટિવ પાર્ટી સાથે ઘનિષ્ઠતા ધરાવતો હતો. ત્યારે માઉન્ટબેટને તેને સલાહ આપી કે હૈદરાબાદે બંધારણીય સભામાં તો પોતાનો ઓછામાં ઓછો એક પ્રતિનિધિ મોકલવો જોઈતો હતો. તો તેના જવાબમાં મૉન્કટૉને કહ્યુ હતુ કે જો તેઓ વધારે દબાણ નાખશે તો હૈદરાબાદ પાકિસ્તાન સાથે વિલિનીકરણ સંદર્ભે ગંભીરતાથી વિચારશે.

સરદાર પટેલના દ્રઢ નિર્ધાર સામે નિજામને ઢીલા પડવું પડયું અને તેણે હૈદરાબાદને એક સ્વાયત્ત રાજ્ય રાખીને વિદેશ, સંરક્ષણ અને સંચારની જવાબદારી ભારતને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે તેને આખરી સ્વરૂપ આપવા માટે તેઓ રજાકારોના પ્રમુખ કાસિમ રાજવીને રાજી કરી શક્યા નહીં. રજાકારોની હિંદુઓ પર હુમલા કરવાની આતંકી પ્રવૃતિએ ભારતના જનમતને તેમની વિરુદ્ધ કરી દીધો. 22મી મે, 1948ના દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા હિંદુઓ પર ગંગાપુર રેલવે સ્ટેશને હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે હૈદરાબાદના રજાકારો પ્રત્યેનું વલણ ભારત સરકારે આકરું કર્યું હતું.

ભારતીય સેનાના ભૂતપૂર્વ ઉપસેનાધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સિન્હાએ પોતાની આત્મકથા- સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટમાં લખ્યું છે કે “ હું જનરલ કરિયપ્પા સાથે કાશ્મીરમાં હતો કે સંદેશ મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા ઈચ્છે છે. દિલ્હી પહોંચીને બંને પાલમ એરપોર્ટથી સીધા સરદાર પટેલના નિવાસસ્થાને ગયા. હું વરંડામાં રહ્યો જ્યારે કરિયપ્પા અંદર તેમને મળવા ગયા અને પાંચ મિનિટમાં બહાર આયા. બાદમાં તેમણે મને કહ્યુ કે સરદારે તેમને સીધો સવાલ પુછયો જેને તેમણે એક શબ્દમાં જવાબ આપ્યો છે. સરદારે તેમને પુછયું કે જો હૈદરાબાદના મામલે પાકિસ્તાન તરફથી કોઈ સૈન્ય પ્રતિક્રિયા આવે છે તો શું તેઓ કોઈપણ વધારાની મદદ વગર તે પરિસ્થિતિનો સામનો કરી શકશે? કરિયપ્પાએ તેનો એક શબ્દમાં જવાબ આપ્યો – હા- અને ત્યાર બાદ બેઠક પૂર્ણ થઈ ગઈ.”

ત્યાર બાદ નહેરુની નામરજી છતા સરદાર પટેલે દેશહિતમાં ગૃહપ્રધાન તરીકે હૈદરાબાદ વિરુદ્ધ લશ્કરી પગલાને આખરી રૂપ આપ્યું. ભારતના તત્કાલિન સેનાધ્યક્ષ જનરલ રોબર્ટ બૂચર અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બંને સરદારના નિર્ણય વિરુદ્ધ હતા. તેમનું કહેવું હતું કે પાકિસ્તાનની સેના તેના જવાબમાં અમદાવાદ અથવા મુંબઈ પર બોમ્બમારો કરી શકે છે. બે વખત હૈદરાબાદમાં સૈન્ય કાર્યવાહીની તારીખો નક્કી થઈ પણ રાજકીય દબાણોને કારણે તેને રદ્દ કરવી પડી. દુર્ગાદાસે પોતાના પુસ્તક – ઈન્ડિયા ફ્રોમ કર્જન ટૂ નહેરુ એન્ડ આફ્ટરમાં લખ્યું છે કે જ્યારે નિજામના કાર્યવાહી રોકવા સંબંધિત પત્રના જવાબનો મુસદ્દો તૈયાર થયો ત્યારે પટેલે ઘોષણા કરી કે ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી ચુકી છે અને તેને રોકવા માટે હવે કંઈ કરી શકાય નહીં. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર પુસ્તકનો સંદર્ભ ટાંકીને દાવો કર્યો હતો કે હૈદરાબાદના પોલીસ એક્શનને કારણે જવાહરલાલ નહેરુએ સરદાર પટેલ પર કોમવાદી હોવાનો આરોપ મૂકતું નિવેદન પણ કર્યું હતું...

નહેરુ અને રાજાજી ચિંતિત હતા કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. પરંતુ ચોવીસ કલાક સુધી પાકિસ્તાન તરફથી કોઈ જ કાર્યવાહી થઈ નહીં. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાને ડિફેન્સ કાઉન્સિલની બેઠકમાં પુછયું કે શું હૈદરાબાદમાં પાકિસ્તાન કોઈ એક્શન લઈ શકે છે? બેઠકમાં હાજર ગ્રુપ કેપ્ટન અલવર્દીએ દ્રઢતાથી કહ્યું, ના.

ભારતીય સેનાના હૈદરાબાદ ખાતેના લશ્કરી પગલાને ઓપરેશન પોલો નામ આપવામાં આવ્યું... કારણ કે તે વખતે હૈદરાબાદમાં વિશ્વમાં સૌથી વધારે 17 પોલો મેદાન હતા. પાંચ દિવસ ચાલેલી લશ્કરી કાર્યવાહીમાં 1373 રજાકારો માર્યા ગયા હતા. હૈદરાબાદ સ્ટેટના 807 જવાનો માર્યા ગયા હતા. તો ભારતીય સેનાના 66 જવાનો શહીદ થયા અને 97 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાના હૈદરાબાદમાં લશ્કરી પગલાના બે દિવસ પહેલા 11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના સંસ્થાપક મહંમદઅલી જિન્નાનું નિધન થયું હતું. પાંચ દિવસના પોલીસ એક્શન બાદ હૈદરાબાદની સેનાના મેજર જનરલ સૈયદ અહમદ અલ ઈદ્રશે ભારતીય સેનાના મેજર જનરલ જે. એન. ચૌધરી સામે આત્મસમર્પણ કર્યું હતું.

જમ્મુ-કાશ્મીરને બચાવવા માટેની સરદારની કોશિશ


સરદાર પટેલે જમ્મુ-કાશ્મીરના વણઉકેલ્યા વિવાદને ભારત માટે લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પેચીદા મામલાને ઉકેલવા માટે સરદારે પોતાની તમામ કુનેહ અને મુત્સદીગીરી દ્રઢતાપૂર્વક લગાવી દીધી હતી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો શ્રીનગર સહીતનો ઘણો મોટોભાગ ભારત બચાવી શક્યું છે. પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગરની દખલગીરી અને માઉન્ટબેટનની સલાહથી પાકિસ્તાનને ખદેડયા વગર યૂનોમાં જવાની ભૂલનું ભોગ આજે પણ ભારતને બનવું પડે છે. ત્યારે ખરેખર સરદાર સાહેબને યાદ કરીને ભારતની જનતા આજે પણ કાશ્મીર મામલે આવી જ કુનેહ ફરી વખત દેખાડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહી છે.

દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતથી જિન્નાની જીદે અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામના ટુકડાઓ ધર્મના નામે બંને બાજુના પડખામાંથી કાપી લીધા. જિન્નાની મહત્વકાંક્ષા વિશાળ પાકિસ્તાનની રહી હતી. પરંતુ પંજાબ અને બંગાળના ભાગલા કરીને તૂટેલું-ફૂટેલું પાકિસ્તાન મળવાનો જિન્નાહને ભારે વસવસો હતો. જિન્નાહે 543 રજવાડાઓ પર નજર બગાડવાની શરૂ કરી. તેમાં મુસ્લિમ બહુમતીવાળા જમ્મુ-કાશ્મીર રાજ્ય પર તેમની ગીધ દ્રષ્ટિ મંડાઈ. જમ્મુ-કાશ્મીરમાં રાજા હિંદુ હતા અને વસ્તીની બહુમતી મુસ્લિમોની હતી. તત્કાલિન મહારાજા હરિસિંહ પાકિસ્તાન સાથે જવા ઈચ્છતા ન હતા અને મુસ્લિમ બહુમતી હોવાને કારણે રાજકીય સમીકરણો પ્રમાણે ભારત સાથે વિલીનીકરણના સ્થાને સ્વતંત્ર રહેવા ઈચ્છતા હતા.

પરંતુ પાકિસ્તાન પ્રેરીત હરકતો અને ખુદ પાકિસ્તાની સૈનિકોએ કબાઈલીઓનો વેશપલટો કરીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. 23 ઓક્ટોબર, 1947ના દિવસે કબાઈલીઓના વેશમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર પર હુમલો કર્યો હતો. ગિલગિટ સ્કાઉટ્સના બ્રિટિશ સેનાપતિએ બળવો કરીને ગિલગિટ પાકિસ્તાનને સોંપી દીધું. તો બાલટિસ્તાનમાં પણ પાકિસ્તાને કબજો જમાવવામાં સફળતા મેળવી હતી. મુઝફ્ફરાબાદમાં તેનાત કાશ્મીરની બટાલિયયના તમામ મુસ્લિમ સૈનિકોએ બળવો કરીને કમાન્ડિંગ ઓફિસર અને પોતાના સાથી સૈનિકોને ઠાર કર્યા હતા. ભયાનક કત્લેઆમ કરતા તેઓ શ્રીનગર પર કબજો જમાવવા આગળ વધી રહ્યા હતા.

મહારાજા હરિસિંહે પોતાની સેનાઓની પીછેહઠના પરિણામે ભારત સરકારને મદદ માટે પેગામ મોકલ્યો. ભારત સરકારે પોતાના વિશેષ દૂત વી. પી. મેનને શ્રીનગર મોકલ્યા અને મહારાજાને જોડાણપત્ર પર હસ્તાક્ષર કરાવા માટે સમજાવ્યા. જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનના કબજામાં જાય નહીં તેના માટે ભારતના ગૃહપ્રધાન તરીકે સરદાર પટેલ સૌથી વધારે ચિંતિત હતા. ભારતના રજવાડાઓને એકઠા કરીને આધુનિક ભારતનું નિર્માણ તેમના હસ્તગત આવતી જવાબદારી હતી. 26 ઓક્ટોબર, 1947ના રોજ મહારાજા હરિસિંહ દ્વારા જોડાણખત પર હસ્તાક્ષર કરાયા બાદ તાત્કાલિક ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનીઓને ખદેડવા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. તેના માટે સરદાર પટેલે સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરીને જણાવ્યું કે કાશ્મીર બચાવવા માટે જે જરૂર હોય તે કરો. જો કે પંડિત નહેરુનું વલણ થોડું ઢચુંપચું હતું. ત્યારે સરદારે તેમને દ્રઢતાપૂર્વક પુછયું કે તેઓ કાશ્મીર બચાવવા ઈચ્છે છે કે કેમ? નહેરુએ પણ તાત્કાલિક જવાબ આપતા કહ્યુ કે નિશ્ચિતપણે કાશ્મીર ભારત સાથે ઈચ્છે છે. તુરંત સરદારે સૈન્ય અધિકારીઓને કહ્યુ કે તમને આદેશ મળી ગયો છે.
ભારતીય સેનાના જવાનોએ અપાર સાહસ અને બહાદૂરી સાથે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર ખાતે પહોંચીને પાકિસ્તાનીઓને ભારતની ધરતી પરથી ખદેડવામાં સફળતા મેળવી. શ્રીનગર બચાવવામાં ભારતીય સેનાને મળેલી સફળતા બાદ અન્ય મોરચાઓ પર પણ પાકિસ્તાનની પીછેહઠ થઈ રહી હતી. તેવા સમયે ડિસેમ્બર-1948માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું પંચ દિલ્હી અને કરાચીના પ્રવાસે આવ્યું હતું. લોકમત સંગ્ર માટે અમુક ઠરાવો રજૂ કર્યા. પાકિસ્તાન તેને સ્વીકારવા માટે ટાંપીને જ બેઠું હતું.

ભારતીય લશ્કર પાકિસ્તાનીઓને ખદેડી મૂકે તે પહેલા જ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુદ્ધવિરામની ઘોષણા કરી નાખી. જેના કારણે આજે પણ જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ ભાગ પાકિસ્તાનના કબજા હેઠળ છે. જાણકારોનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પંડિત નહેરુએ હસ્તક્ષેપ કર્યો ન હોત અને સરદાર પટેલને કાર્યવાહી કરવા દીધી હોત.. તો હૈદરાબાદની જેમ જ જમ્મુ-કાશ્મીરનો મામલો પણ કાયમ માટે ઉકેલી શકાત

ભારતના પ્રથમ વડાપ્રધાનની વરણીના પચ્ચીસ વર્ષ બાદ ચક્રવર્તી રાજગોપાલાચારીએ પંડિત જવાહરલાલ નહેરુની ભૂલોનો સીધો ઉલ્લેખ ટાળતા લખ્યું હતુ કે નિશંકપણે સારું હોત, જો નહેરુને વિદેશ પ્રધાન અને સરદાર પટલને વડાપ્રધાન બનાવવામાં આવત. જો પટેલ થોડા દિવસ વધુ જીવિત રહેત તો તેઓ પ્રધાનમંત્રી પદે જરૂરથી પહોંચત અને તેના માટે કદાચ તેઓ યોગ્ય પાત્ર હતા. ત્યારે ભારતમાં કાશ્મીર, તિબેટ, ચીન અને અન્ય વિવાદોની કોઈ સમસ્યા રહેત નહીં. સરદાર સાહેબે પણ એચ. વી. કામતને જમ્મુ-કાશ્મીરનો મામલો ગૃહ વિભાગના સ્થાને વિદેશ વિભાગ હસ્તગત કરવાના મામલે પોતાની નાખુશી વ્યક્ત કરી હતી.


જૂનાગઢમાં આરઝી હૂકુમત


જૂનાગઢનો નવાબ આઝાદી વખતે પોતાની પ્રજાના અભિપ્રાય વિરુદ્ધ પાકિસ્તાનમાં જોડાવાની જીદ લઈને બેઠો હતો. તેણે પાકિસ્તાનમાં જોડાવા માટે બેનઝીર ભૂટ્ટોના દાદા અને જૂનાગઢના તત્કાલિન દિવાન શાહનવાઝ ભુટ્ટોના દોરીસંચાર હેઠળ ખૂબ ધમપછાડા કર્યા છે. પણ જનતાના વિરોધ વચ્ચે નવાબને પોતાની એક બેગમ અને બાળકને છોડીને ભાગવું પડયું. જો કે આશ્ચર્યની વાત એ છે કે જૂનાગઢનો નવાબ ભાગતી વખતે પોતાના કૂતરાં અને રોકડ-દસ્તાવેજો-આભૂષણો સાથે લઈ જવાનો ભૂલ્યો નહીં

ગુજરાતના કાઠિયાવાડમાં જૂનાગઢનું રાજ્ય એક મુસ્લિમ નવાબના હાથમાં હતું. રાજ્યની એક બાજુ સમુદ્ર અને બંને તરફ હિંદુ રાજાઓના રજવાડા હતા કે જેઓ ભારતનો ભાગ બની ચુક્યા હતા. જમીન માર્ગે જૂનાગઢનો પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી. છતાં મહોમ્મદ અલી જિન્નાહે નવાબને પાકિસ્તાનમાં ભળવા માટે રાજી કર્યો અને કરાચીના મુસ્લિમ લીગી દિવાન શાહનવાઝ ભૂટ્ટોને હાથો બનાવીને પોતાની રાજકીય ચાલ પૂર્ણ કરવા પ્રયત્નો કર્યા હતા.

જૂનાગઢ સાથે જોડાયેલા બાવરિયાવાડ અને માંગરોળના રજવાડા ભારત સાથે જોડાઈ ગયા. જૂનાગઢના નવાબની સેનાએ આ વિસ્તારો પર ચઢાઈ કરીને તે વિસ્તાર પોતાનો હોવાનો દાવો કર્યો. વી. પી. મેનન પ્રમાણે, આ સંદર્ભે માઉન્ટબેટન પાકિસ્તાન તરફી ચાલ ચાલ્યા હતા. વી. પી. મેનને કહ્યુ હતુ કે આ સંદર્ભે સરદાર પટેલનો અભિપ્રાય હતો કે જૂનાગઢ દ્વારા બાવરિયાવાડમાં સેના મોકલવીઅને તેને પાછી બોલાવવાનો ઈન્કાર કરવાની કાર્યવાહી આક્રમણ જેવી છે. તેનો જવાબ દંડાથી જ આપવો જોઈએ. માઉન્ટબેટને આ પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રને સોંપવાનું સૂચન કર્યું હતું. પરંતુ સરદાર પટેલે દ્રઢતાથી તેનો ઈન્કાર કર્યો અને યુદ્ધની શક્યતાઓ વચ્ચે ભારતીય સેનાને પોતાના રાજ્ય ક્ષેત્રોમાં રહે તેવી રીતે તાત્કાલિક જૂનાગઢ તરફ મોકલવાનો નિર્ણય કરાયો.

જૂનાગઢ અને કાઠિયાવાડના લોકોએ તાત્કાલિક વિદ્રોહનું બ્યૂગલ ફૂંક્યું અને એક આરજી હકૂમતની રચના કરી અને તેના સ્વયંસેવકોએ વહીવટી તંત્ર પર કબજો જમાવી દીધો હતો. તો ભારતીય સેનાએ પણ ત્યાં પહોંચીને સ્થિતિને સામાન્ય બનાવી દીધી. જૂનાગઢનો પાકિસ્તાનવાદી નવાબ પુંછડી દબાવીને પોતાની રિયાસત છોડીને ભાગી ગયો હતો. જૂનાગઢમાં લોકોએ ભારતમાં જોડાવાની તરફેણ કરતો મત વ્યક્ત કર્યો. જૂનાગઢના મામલાનો સરદાર પટેલ દ્વારા દ્રઢતાથી ઉકેલ તેમની દબાણોમાં ત્વરિત નિર્ણય લેવાની શક્તિનો પરિચય આપે છે.

સોમનાથ મંદિરના પુનર્નિમાણથી ભારતના ગૌરવનું પુનર્સ્થાપન

માનવના હ્રદયમાં સર્જનાત્મકતા શક્તિ અને શ્રદ્ધા સર્વદા વાસ કરે છે. તે તમામ શસ્ત્રો, સેનાઓ કે સમ્રાટોથી વધુ શક્તિશાળી છે. સોમનાથજીનું આ મંદિર આજે પોતાનું મસ્તક ઊંચુ કરીને સંસારની સામે એ ઘોષણા કરે છે કે જેને જનતા આદર કરે છે, જેના માટે જનતાના હ્રદયમાં અક્ષય શ્રદ્ધા અને સ્નેહ છે. તેને સંસારમાં કોઈ મિટાવી શક્તું નથી. આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી થઈ રહી છે અને જ્યાં સુધી તેનો આધાર જનતાના હ્રદયમાં બનેલો રહેશે, ત્યાં સુધી આ મંદિર અમર રહેશે.. આ અસામાન્ય શબ્દો ભગવાન સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હતા. જો કે તેમના આ શબ્દોને સાકાર કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. સરદાર અને સોમનાથ વચ્ચેના અજ્ઞાત અને દિવ્ય સંબંધોને સાચી શબ્દાંજલિ આપતા કનૈયાલાલ મુન્શીએ કહ્યુ હતું કે જો સરદાર ન હોત.. તો આપણી આંખો સોમનાથનું પુનર્નિમાણ જોવા ન પામી હોત..

શ્રદ્ધાસ્થાનો પર આઘાત કરવાથી અને તેને ધ્વસ્ત કરી નાખવાથી... વારંવાર આમ કરવાથી કોઈપણ શ્રદ્ધાનો નાશ કરી શકાતો નથી. ગુજરાતના દરિયાકિનારે ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું ભગવાન સોમનાથનું મંદિર આનું સૌથી મોટું ઉદાહરણ છે. અફઘાનિસ્તાનના ગઝનીના મહેમૂદ ગઝનવીએ સૌથી પહેલી વખત 1015માં ભગવાન સોમનાથના ભવ્ય મંદિરને ધ્વસ્ત કર્યું અને આ સિલસિલો ઔંરંગઝેબના શાસનકાળ સુધી ચાલુ રહ્યો.. ભારતના શ્રદ્ધાકેન્દ્રોને ધ્વસ્ત કરવાની શેતાની માનસિકતા છતા વારંવાર મંદિર તો ફરીથી બનાવી લેવાતું હતું. પરંતુ હાલનું ભવ્ય સોમનાથ મંદિર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોહપુરુષ સરદાર પટેલના પ્રયત્નોનું પરિણામ છે.

જૂનાગઢના નવાબને ભગાડીને પ્રજામતથી તેનું ભારતમાં વિલિનીકરણ સોમનાથ મંદિરના પુનર્નિમાણનું પ્રથમ પગલું હતું. 13મી નવેમ્બર, 1947ના રોજ સરદાર પટેલ જૂનાગઢમાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ કનૈયાલાલ મુન્શી, જામસાહેબ દિગ્વિજસિંહજી અને કાકાસાહેબ ગાડગીલ સાથે સોમનાથ ગય હતા. સોમનાથ મંદિરના ભગ્નાવશેષો જોઈને તમામ રાષ્ટ્રભક્તોના હ્રદય દ્રવી ઉઠયા હતા. સાથીદારો સાથે સંવાદ કર્યા પછી સરદાર સાગર કિનારે ગયા અને રત્નાકરની અંજલિ હાથમાં લઈને સોમનાથના ચરણે મંદિરના પુનર્નિમાણનો સંકલ્પ-અર્ઘ્ય સમર્પિત કર્યો. સરદાર પટેલે જનમેદની સામે મંદિર નિર્માણનો સંકલ્પ રજૂ કર્યો અને જામસાહેબથી શરૂ થયેલી દાનની સરવાણીએ શ્રીસોમનાથ મંદિર ટ્રસ્ટના શ્રીગણેશ કર્યા. પરંતુ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સોમનાથ મંદિરના પુનર્નિમાણના પક્ષમાં ન હતા. તેમનું કહેવું હતું કે બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર આવું કેવી રીતે કરી શકે.. પરંતુ સરદારની મક્કમતા હિમાલયની જેમ અડગ રહી. નિયમ પ્રમાણે મહાત્મા ગાંધી વચ્ચે પડયા અને મંદિર માટે સરકારની તિજોરીમાંથી નાણાં નહીં વપરાય તેવી જાહેરાત કરવામાં આવી. પરંતુ તમામ વિઘ્નો વચ્ચે સરદારના માર્ગદર્શન પ્રમાણે સોમનાથ મંદિરનું પુનર્નિમાણ કાર્ય શરૂ થઈ ગયું.

19 એપ્રિલ, 1950ના રોજ તત્કાલિન સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન ઢેબરભાઈના હસ્તે ગર્ભગૃહ નિર્માણ માટે ભૂમિખનન વિધિ થઈ હતી. તો 8 મે, 1950ના રોજ નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે મંદિરનો શિલાન્યાસ થયો. 15મી ડિસેમ્બર, 1950ના રોજ સરદારના દેહત્યાગ બાદ પણ સોમનાથ મંદિરનું કામ ચાલુ જ રહ્યું. 11 મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે દમના દર્દી હોવાછતાં સમુદ્રસ્નાન કરીને સવારે સાડા નવ વાગ્યે હોરા નક્ષત્રમાં શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી નવા મંદિરનો શ્રીગણેશ કરાવ્યો. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા પર તત્કાલિન વડાપ્રધાન પંડિત નહેરુનો વિરોધ હોવાનું ચર્ચાતું રહ્યું છે.

13 મે, 1965ના રોજ મહારાજા જામસાહેબના હસ્તે મંદિરના ગર્ભગૃહ અને સભામંડપ પર કળશ પ્રતિષ્ઠા અને શિખર ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. 28મી નવેમ્બર, 1966ના રોજ સ્વર્ગવાસી જામસાહેબના પત્ની ગુલાબકુંવરબા દ્વારા તૈયાર થનારા દિગ્વિજય દ્વારનો કનૈયાલાલ મુન્શીના હસ્તે શિલાન્યાસ કરાયો હતો. 4 એપ્રિલ, 1970ના રોજ રવિશંકર મહારાજના હસ્તે સરદારની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું. 19 મે, 1970ના રોજ સત્ય શ્રી સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું લોકાર્પણ થયું. 1 ડિસેમ્બર, 1995ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા દ્વારા નૃત્ય મંડપ પર કળશ પ્રતિષ્ઠા સાથે સોમનાથ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.

સમયનો સાદ સરદાર-3 : RSS પરત્વેનું વલણ અને મુસ્લિમો પ્રત્યેનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતા લોહપુરુષને કથિત સેક્યુલરોના પક્ષપાતપૂર્ણ દ્રષ્ટિકોણથી અન્યાય

- આનંદ શુક્લ

કટ્ટર હિંદુવાદી અથવા મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા નેતા તરીકે બદનક્ષી પામેલા સરદાર પટેલ ભારતના પહેલા ગૃહ પ્રધાન હતા કે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સૌથી પહેલો પ્રતિબંધ લગાવ્યો હતો. સરદાર પટેલ વ્યવહારકુશળ અને હકીકતોને આધારે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારા વ્યક્તિ હતા. તેઓ પોતાના જાહેરજીવનની છાપ કરતા ભારતના હિતને વધારે મહત્વ આપતા હતા. તેના કારણે સરદાર સાહેબને ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો છે.


આરએસએસ પ્રત્યેનો સરદારનો દ્રષ્ટિકોણ


1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સૌથી પહેલો પ્રતિબંધ પંડિત જવાહરલાલ નહેરુએ નહીં, પણ સરદાર પટેલે ગૃહપ્રધાન તરીકે લગાવ્યો હતો. ગાંધીજીની હત્યા બાદ સંઘના દ્વિતિય સરસંઘચાલક ગુરુ ગોલવલકરને નહેરુએ નહીં, પણ પટેલે જેલમાં બંધ કર્યા હતા. નહેરુ તો સંઘ પર પ્રતિબંધ લગાવવા માત્રથી સંતુષ્ટ હતા. તેઓ વધુ કંઈ કરવા ઈચ્છતા ન હતા. પરંતુ કટ્ટર હિંદુવાદી ગણાતા સરદાર પટેલે કહ્યુ હતુ કે બસ હવે બહુ થઈ ચુક્યું, સંઘને હવે છૂટ્ટા સાંઢની જેમ સમાજમાં ખુલ્લો મૂકી શકાય નહીં. તેના પર લગામ કસવી પડશે.

27મી ફેબ્રુઆરી, 1948ના રોજ નહેરુને લખેલા પત્રમાં તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે આની પાછળ હિંદુ મહાસભા અને સંઘનું ષડયંત્ર છે. . 4 ફેબ્રુઆરી, 1948ના રોજ સંઘ પર પ્રતિબંધનું જાહેરનામું જારી કરતી વખતે ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે સંઘના સ્વયંસેવકો અયોગ્ય કાર્ય પણ કરી રહ્યા છે. હિંદુ મહાસભાના નેતા અને આઝાદ ભારતની પહેલી સરકારમાં ઉદ્યોગ પ્રધાન શ્યામ પ્રસાદ મુખર્જીને સરદાર પટેલે 18મી જુલાઈ, 1948ને મોકલેલા પત્રમાં સરદારે સ્પષ્ટપણે લખ્યું હતું કે આરએસએસ અને હિંદુ મહાસભાની વાતને લો. ગાંધીજીની હત્યાનો મામલો કોર્ટમાં છે અને આ બંને સંગઠનોની ભાગીદારી સંદર્ભે કંઈ કહેવું જોઈએ નહીં.પણ તેમને મળેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ થાય છે કે બંને સંસ્થા ખાસ કરીને આરએસએસની ગતિવિધિઓના પરિણામે દેશમાં આવો માહોલ બન્યો કે આવો બર્બર કાંડ શક્ય બન્યો. મારા દિમાગમાં કોઈ શંકા નથી કે હિંદુ મહાસભાનું અતિવાદી જૂથ ષડયંત્રમાં સામેલ હતું.

ગાંધીજીની હત્યા સંદર્ભે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરને 19મી સપ્ટેમ્બર, 1948ના રોજ પત્ર લખીને જણાવ્યું હતુ કે હિંદુનું સંગઠન કરવું, તેમની મદદ કરવી એક વાત છે. પરંતુ તેમની મુસીબતોનો બદલો નિશસ્ત્ર લાચાર મહિલાઓ, બાળકો અને વ્યક્તિઓથી લેવો બીજી વાત છે. તેમના તમામ ભાષણો કોમવાદી વિષથી ભરેલા હતા. હિંદુઓમાં જોશ પેદા કરવો અને તેમની સુરક્ષા કરવા માટે એ જરૂરી ન હતુ કે આવું ઝેર ફેલાવવામાં આવે. આ ઝેરનું ફળ આખરે એ આવ્યું કે ગાંધીજીની અમૂલ્ય કુરબાની દેશને સહન કરવી પડી.

લોખંડી નિર્ણયો કરવા માટે જાણીતા સરદાર પટેલે આરએસએસને સ્પષ્ટ જણાવ્યુ હતુ કે પ્રતિબંધ ત્યારે જ હટાવાશે અને ગુરુ ગોલવલકર ત્યારે જ જેલની બહાર આવશે જ્યારે સંઘ પોતાનું લેખિત બંધારણ બનાવે. દેશના ગૃહ પ્રધાન તરીકે સરદાર પટેલે સંઘ પાસે લેખિત બંધારણ દ્વારા હિંસાનો ત્યાગ, ગુપ્તતાનો ત્યાગ અને દેશના બંધારણમાં આસ્થાનો સ્વીકાર કરવાની ખાતરી માંગી હતી. સરદાર પટેલના પ્રસ્તાવ પર ગુરુ ગોલવલકરે વચન આપ્યું કે જેલમાંથી બહાર નીકળીને તેઓ સંઘનું બંધારણ બનાવશે. તે વખતે ગોલવલકર મધ્યપ્રદેશની શિવની જેલમાં હતા. ગોલવલકરના આશ્વાસનથી સરદાર પટેલ માન્યા નહીં. સરદારે પૂર્ણ દ્રઢતાથી કહ્યુ કે પહેલા સંઘનું બંધારણ બને પછી ગુરુ ગોલવલકર જેલમાંથી બહાર આવશે. શિવની જેલમાં જ સંઘનું બંધારણ બનાવવામાં આવ્યું. આરએસએસનું લેખિત બંધારણ બાલાસાહેબ દેવરસ, એકનાથ રાનડે અને પી. બી. ધાતીએ તૈયાર કર્યું હતું. પટેલે જૂન-1949માં સંઘ દ્વારા તૈયાર કરાયેલા બંધારણને મંજૂરી આપી હતી અને 11મી જુલાઈ, 1949ના રોજ આરએસએસ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. જાણકારોનું માનીએ તો આરએસએસને સાંસ્કૃતિક સંગઠન તરીકે જ કામ કરવા માટે સરદાર પટેલે બાધ્ય કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે ગાંધીજીની હત્યા વખતે સરદાર પટેલ પર ગંભીર આક્ષેપબાજી દ્વારા રાજીનામાની ઉગ્ર માગણી થઈ હતી. કેટલાક સરદાર પટેલ વિરોધી તત્વોએ ષડયંત્રમાં સરદાર પટેલની સામેલગીરી જેવા બેહૂદા આક્ષેપો પણ લગાવ્યા હતા. પરંતુ સરદારની ગાંધી ભક્તિ અને રાષ્ટ્ર સાધના તમામ શંકાઓથી પર છે. સરદાર પટેલ સંઘના સ્વયંસેવકોની રાષ્ટ્રભક્તિ માટે શંકા ધરાવતા ન હતા. પરંતુ તેમની પદ્ધતિ સામે તેમને વાંધો હતો. પ્રતિબંધ દૂર થયા બાદ કોંગ્રેસની કારોબારીમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો કે સંઘના સ્વયંસેવકો ઈચ્છે તો કોંગ્રેસમાં જોડાઈ શકશે. પરંતુ તેઓ કોંગ્રેસ કે સેવાદળ સિવાય બીજા કોઈ સંગઠનમાં ભાગ લઈ શકશે નહીં. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા પ્રાત્ સ્મરણ વખતે ગવાતા એકાત્મતા સ્તોત્રમાં સરદાર વલ્લભાઈ પટેલનું નામ પણ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. સંઘ અને સરદાર પટેલને જોડતી કડી માત્ર રાષ્ટ્રભક્તિ છે. બંનેનું એકબીજા પ્રત્યેનું વલણ પાર્ટી લાઈન પર છે. ગાંધી-નહેરુ પરિવારની રાજસત્તાના તબક્કાઓમાં સરદાર પટેલની અવગણનાઓ વચ્ચે તેમના યોગદાનને લોકો આજે પણ યાદ કરે છે.

સાચા સેક્યુલર સરદાર


સરદાર પટેલ બહુમતીવાદી અને લઘુમતીવાદી એમ બંને પ્રકારની કોમવાદી માનસિકતાના વિરોધી હતા. જિન્નાની પાકિસ્તાનવાદી વિચારધારા અને મુસ્લિમ લીગના કોમવાદનો સરદાર પટેલે ખૂબ દ્રઢતાથી વિરોધ કર્યો હતો. તો હિંદુ મહાસભા અને આરએસએસના અંતિમવાદી વલણોનો પણ સરદાર પટેલે ખૂબ જ આક્રમકતાથી વિરોધ કર્યો. ઘણાં ઈતિહાસવિદ્દો એ વાત સાથે સંમત છે કે સરદાર પટેલનું જીવન દર્શન બિલકુલ બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી હતું. ભારતનું દુર્ભાગ્ય છે કે રાષ્ટ્રવાદને કોમવાદ ગણાવવાની કોશિશો ચોક્કસ ષડયંત્રો હેઠળ છેલ્લા દોઢસો વર્ષથી ચાલી રહી છે અને તેનો સરદાર પટેલને પણ ભોગ બનવું પડયું છે.

1937માં સરદાર સાહેબે કેન્દ્રીય એસેમ્બલીના ભાષણમાં કહ્યું હતું કે- આપણે 25 કરોડ હિંદુઓની આઝાદી નહીં, પરંતુ 35 કરોડ ભારતીયોની આઝાદી ઈચ્છીએ છીએ. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી, તમામ છે. સ્વરાજથી પહેલાની કોંગ્રેસે 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે હિંદુ મહાસભા, આરએસએસ અને મુસ્લિમ લીગનું સભ્યપદ લેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરદાર પટેલની તેમાં પૂર્ણ સંમતિ હતી.

કોમવાદના કટ્ટર વિરોધી અને બિનસાંપ્રદાયિકતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ લોહપુરુષે જૂન-1947માં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સૂચન ફગાવતા કહ્યું હતું કે આપણે એ ભૂલવું જોઈએ નહીં કે આપણે ત્યાં અન્ય લઘુમતી પણ છે, તેમની સુરક્ષા આપણી જ પ્રાથમિક જવાબદારી છે. રાજ્ય બધા માટે છે અને તેમાં જાતિ અથવા ધર્મનો કોઈ ભેદભાવ નથી. ડિસેમ્બર-1948માં જયપુરમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં પટેલે કહ્યુ હતુ કે કોંગ્રેસ તથા સરકાર ભારતને એક સાચ્ચો ધર્મનિરપેક્ષ દેશ બનાવવા માટે કટિબદ્ધ છે. સરદારે ફેબ્રુઆરી-1949ના રોજ હિંદુ રાજ્યને એક પાગલપણાથી ભરેલો વિચાર ગણવ્યો હતો.

1950માં એક જાહેરસભામાં સરદારે કહ્યુ હતુ કે આપણે એક ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ અને આપણી નીતિઓ અને અન્ય રીતિ-નીતિઓને પાકિસ્તાનની રીતિ-નીતિઓ પર આધારીત કરી શકીએ નહીં. આપણે જોવું જોઈએ કે આપણે ધર્મનિરપેક્ષ વિચાર અને આદર્શને વ્યવહારમાં પણ ઉતારીએ. અહીં દરેક મુસ્લિમોને પોતાના ભારતીય નાગરિક હોવા અને તેને કારણે સમાન અધિકારો મેળવવાની આશા રાખવી જોઈએ. જો આપણે તેમના મનમાં આ ભાવના ઉભી કરી જગાવી શકતા નથી, તો આપણે પોતાના દેશ અને વારસા, એમ બંને માટે ઉણાં ઉતરીએ છીએ.

જો કે  સરદાર પટેલે પાકિસ્તાનના કોમવાદી વિચારોને ક્યારેય સમર્થન આપ્યું ન હતું. મુસ્લિમ લીગના રાજકારણ સામે સરદાર ચટ્ટાનની જેમ ઉભા રહ્યા હતા. મુસ્લિમ નેશનલ ગાર્ડ, ખાકસાર અને આરએસએસ ત્રણેય સંદર્ભે સરદારની સમદ્રષ્ટિ હતી અને તેમની સામે ગૃહ પ્રધાન તરીકેની જવાબદારીઓના નિર્વહન વખતે એક સરખું વલણ અખત્યાર કર્યું હતું. ભાગલા વખતની કોમી હિંસાથી તેઓ અત્યંત દુખી હતા. પરંતુ મસ્લિમ લીગના કોમવાદી ગુંડાઓથી સરદાર પટેલ જરા પણ ડગ્યા ન હતા. તેમની સામે કડક હાથે કેમ લેવા બદલ સરદારની ફરિયાદ ગાંધીજી સુધી કરવામાં આવી હતી. છતાં પોતાની છાપની પરવાહ કર્યા વગર તેમણે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ જેવા મામલાઓમાં ભારતના હિતોને ધ્યાનમાં રાખીને પગલા લીધા હતા. તો કોમી હિંસા કરતા મુસ્લિમ લીગી ગુંડાઓને તેમની ભાષામાં સમજાવાની પણ તેમણે શરૂઆત કરી હતી.

બે વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે મૌલાના આઝાદને નામને આગળ કરનારા સરદાર પટેલ જ હતા. ભાગલા વખતે પટિયાલામાં રાજપુર-લુધિયાણા અને રાજપુર-ભટિંડા વચ્ચે મુસ્લિમો પરના હુમલાઓ અટકાવામાં સરદારે મહત્વની ભૂમિકા નિભાવી હતી. દિલ્હીમાં હુલ્લડો વખતે સરદારે રામપુરના નવાબની વિનંતીથી હજારો મુસ્લિમ નિવાસીઓ માટે સ્પેશ્યલ ટ્રેન રામપુર ખાતે દોડાવી હતી. મુસ્લિમ હિજરતીઓને સહીસલામત પાકિસ્તાન પહોંચાડવા સરદાર પટેલે પુરતો બંદોબસ્ત પણ કર્યો હતો અને અમૃતસરમાં સભા લઈને લોકોને શાંત પણ પાડયા હતા. આ દ્રષ્ટાંતો સરદારને મુસ્લિમ વિરોધી કહેતા લોકોને જવાબ છે.
જો કે સરદાર પટેલની ધર્મનિરપેક્ષતા તુષ્ટિકરણની નીતિને આધારીત પણ ન હતી. સરદારને બે મોઢાં રાખીને ભારતમાં ઉન્મતતાથી ફરનારા કટ્ટરવાદી મુસ્લિમોથી સખત નફરત હતી. સરદાર કહેતા કે ભારતના મુસ્લિમોને મારે એક સવાલ પુછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી? હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોય તે જઈ શકે છે.

તો ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યે તેમનો વ્યવહાર અત્યંત શાલીન અને લાગણીસભર રહેતો હતો. તેઓ ભારત માટે વફાદારી દેખાડનારા પાકિસ્તાન વિરોધી મુસ્લિમો માટે કહેતા કે રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈપણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે.

બંધારણ સભાની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે 28 ઓગસ્ટ, 1947ના રોજ સરદાર પટેલે સેપરેટ ઈલેક્ટોરેટની માગણીને ફગાવતા કહ્યુ હતુ કે ભારતનું નવું રાષ્ટ્ર કોઈપણ પ્રકારની ખંડનાત્મક પ્રવૃતિઓને ચલાવી લેશે નહીં. જો કોઈ ફરી એ જ માર્ગ અપનાવા ઈછ્છશે જે માર્ગે દેશના ભાગલા થયા, તો જે લોકો ફરી ભાગલા કરવા માગે છે અને ભાગલાના બીજ વાવવા માગે છે તેમના માટે અહીં કોઈ જ સ્થાન નહીં હોય. કોઈ ખૂણો પણ નહીં હોય. પરંતુ હું જોઈ રહ્યો છું કે દેશમાં અલગ મતદાર મંડળોની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી ત્યારે જે યુક્તિઓનો ઉપયોગ કરાયો હતો તે જ યુક્તિઓ આજે ફરીથી અપનાવાઈ રહી છે. મુસ્લિમ લીગના વક્તાઓની વાણીમાં અત્યંત મીઠાશ હોવા છતાં પણ તેમણે અપનાવેલા ઉપાયોમાં ઝેરનું ભરપૂર પ્રમાણ છે.

સિદ્ધાંતોના આદર્શવાદને સ્થાને વ્યવહારકુશળતા, કુશાગ્ર રાજકીય સમજ, દૂરદ્રષ્ટિ, કુનેહબાજ મુત્સદી અને સ્પષ્ટવાદિતા સરદાર પટેલના મહત્વના ગુણ હતા. જેના કારણે તેઓ ભારતના એકમાત્ર લોહપુરુષ છે. સરદાર પટેલના જીવનમાં ક્યારેય તેમના બેવડા ચહેરા દેખાયા નથી. તેઓ જેવા હતા તેવા જ દેશના લોકો સામે હતા. તેમના વ્યવહારની પ્રામાણિકતાએ તેમને લોકોના હ્રદયના સમ્રાટ બનાવ્યા હતા. સરદાર સાહેબ ધર્મનિરપેક્ષ હતા, પણ કોઈ જૂથ કે કોમનું તુષ્ટિકરણ કરવાની બિલકુલ વિરુદ્ધ હતા. રાષ્ટ્રયજ્ઞમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સરદાર સાહેબ પોતાની છાપની નહીં પણ રાષ્ટ્રહિતની પરવાહ કરતા હતા.

સમયનો સાદ સરદાર-2 : લોખંડી મનોબળના ખેડૂતપુત્રની લોહપુરુષ બનવાની જીવન સફર

- આનંદ શુક્લ

આધુનિક ભારતની અખંડતા અને એકતાનું મૂળ ગુજરાતના ખેડૂતપુત્રે નાખ્યું છે. લોખંડી મનોબળ દ્વારા વલ્લભભાઈ પટેલ ભારતની આઝાદીના આંદોલના સરદાર બન્યા. ભારત વિભાજન બાદ ખંડિત બનેલા ભારતના પ્રવર્તમાન સ્વરૂપની અખંડિતતા અને એકતાને શિલ્પીની જેમ કંડારીને સરદાર પટેલ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા. ખેડૂતપુત્રમાંથી લોહપુરુષ સરદારથી ભારતની અખંડિતતાના શિલ્પી તરીકેની ગુજરાતના પનોતાપુત્ર વલ્લભભાઈ પટેલની જીવનસફર ઘણાં સંઘર્ષો અને ત્યાગ-બલિદાનોની કહાણી છે.

31મી ઓક્ટોબર, 1875ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મોસાળમાં ઝવેરભાઈ અને લાડબાના ચોથા પુત્ર તરીકે વલ્લભાઈ પટેલનો જન્મ થયો હતો. 1891 સુધીમાં વતન કરમસદ, પેટલાદ અને નડિયાદમાં વલ્લભભાઈએ અંગ્રેજીના છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1893માં કરમસદ નજીકના ગાના ગામમાં ઝવેરબેન સાથે તેમના લગ્ન થયા. 16મી એપ્રિલ, 1897ના રોજ વલ્લભભાઈએ અંગ્રેજી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એક ડિસેમ્બર, 1900ના રોજ વકીલાતની પરીક્ષા પાસ કરીને ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી. 7મી ડિસેમ્બરે, 1902ના રોજ ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરી. ફોજદારી વકીલ તરીકે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી. 3 એપ્રિલ, 1903માં પુત્રી મણિબહેનનો જન્મ થયો. પહેલી નવેમ્બર, 1905નમા રોજ પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો. 2 જાન્યુઆરી, 1909ના રોજ વલ્લભભાઈના પત્ની ઝવેરબાનું મુંબઈ ખાતે અવસાન થયું.

1910માં સરદાર બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ ગયા. મિડલ ટેમ્પલ નામની સુપ્રસિદ્ધિ કાનૂની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 31મી મે, 1912ના રોજ બેરિસ્ટરની આખરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા. 50 પાઉન્ડનું ઈનામ મેળવ્યું અને બાદમાં ભારત આવવા માટે પ્રયાણ કર્યું. પહેલી ફેબ્રુઆરી, 1913થી અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી. પહેલી જાન્યુઆરી, 1914ના રોજ પિતા ઝવેરભાઈનું 85 વર્ષની વયે વતન કરમસદ ખાતે અવસાન થયું.

1915માં અમદાવાદની સંસ્થા ગુજરાત સભાના સભ્ય બન્યા અને જાહેરજીવનનો પ્રારંભ કર્યો. ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. લખનૌ ખાતેના કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાત સભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. 1916માં અમદાવાદની સેનીટરી કમિટીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપાલિટીના કમિશનર તરીકે અંગ્રેજ અધિકારીની નિમણૂકને રદ્દ કરાવી હતી. ગોધરા ખાતે મળેલી પ્રથમ ગુજરાત પ્રાંતિક રભાની કારોબારી સમિતિનું મંત્રીપદ પણ સંભાળ્યું હતું. સરદારે વેઠપ્રથા સામે આંદોલન કર્યું. 1918માં અમદાવાદમાં ફાટી નીકળેલા ઈન્ફ્લૂએન્ઝાના રોગચાળાના પ્રતિકાર માટે મ્યુનિસિપાલીટી પાસેથી ગુજરાત સભાને સહાય અપાવી અને કામચલાઉ હોસ્પિટલની સ્થાપના કરાવી. અસરગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસે સરકાર દ્વારા વસૂલ કરતા જમીન મહેસૂલની વિરુદ્ધ –ના-કર લડતનું સફળ સંચાલન કર્યું. સરદારે ખેડા સત્યાગ્રહ દ્વારા અંગ્રેજ હકૂમત સામે પ્રથમ સફળ જંગ ખેલ્યો.

1919માં અમદાવાદની મ્યુનિસિપાલિટીની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ બન્યા. આઝાદીના આંદોલનને કચડવા અંગ્રેજ સરકારે લાદેલા રોલેટ એક્ટ સામે લડત આપી. 7મી એપ્રિલે ગુજરાતીમાં સત્યાગ્રહ પત્રિકાનો પ્રારંભ કર્યો. 1920માં અમદાવાદ મ્યુનિસિપાલીટીની ચૂંટણીમાં કોંગ્રેસની તમામ બેઠકો પર જીત થઈ. સરદારે પાશ્ચાત્ય વસ્ત્રોને ત્યાગીને ખાદીના સાદા વસ્ત્રો અપનાવ્યા. સવિનય કાનૂન ભંગના પ્રસ્તાવના ટેકામાં 10 લાખનું ફંડ ઉઘરાવ્યું અને કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા હતા. ગાંધીજી સાથે મળીને અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય કર્યો. 1921માં ગુજરાત પ્રાંતિ કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. સરદાર ડિસેમ્બર-1921ના રોજ અમદાવાદ ખાતેના કોંગ્રેસના 36મા અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 1922માં તેમણે ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે બર્માના રંગૂનથી 10 લાખ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું.

વલ્લભભાઈ પટેલે 1923માં અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ કર્યો હતો. બોરસદ તાલુકામાં સરકારે નાખેલા અન્યાયી હેડિયા વેરા વિરુદ્ધ સત્યાગ્રહ કરીને તેને રદ્દ કરાવ્યો હતો. જેને કારણે તેમને બોરસદના સૂબાનું બિરુદ મળ્યું હતું. 1924માં વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે કરવેરો નહીં ભરનારાઓ સામે કડક પગલા ભરીને મ્યુનિસિપાલિટીની આવકમાં કર વસૂલીથી વધારો કર્યો હતો. 1927માં ગુજરાતમાં અભૂતપૂર્વ પૂરસંકટ આવ્યું. વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટી માટે પૂરરાહત માટે સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની મદદ મેળવી હતી. 1928માં તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથીરાજીનામું આપ્યું અને ખેડૂતો પરના મહેસૂલ કરના વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો.

બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમને ખેડૂત નેતા તરીકે સરદારનું બિરૂદ અપાવ્યું હતું. કોલકત્તા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભાઈ પટેલને આઝાદીની લડતના સરદાર તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. 1929માં પૂનામાં મળેલી મહારાષ્ટ્ર રાજકીય પરિષદ અને મોરબી ખાતેની કાઠિયાવાડ રાજકીય પરિષદના અધ્યક્ષ બન્યા હતા. 1930માં નમક સત્યાગ્રહ માટે પ્રચાર કરતા 7મી માર્ચે રાસ ગામની જાહેરસભામાં સરદારની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. 26મી જૂને તેમને જેલમાંથી મુક્ત કરાયા. આ સરદારની પહેલી જેલયાત્રા હતી. 30મી જૂને કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઈ અને પહેલી ઓગસ્ટે ફરીથી તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલાયા હતા.

1931માં ગાંધી-ઈરવિન કરારના પરિણામે સરદારને માર્ચ માસમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કરાચી ખાતે 1931માં યોજાયેલા 46મા કોંગ્રેસ અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવાયા હતા. 1932માં અંગ્રેજ સરકાર વિરુદ્ધ આઝાદીની આંદોલનની આગેવાની લેવા બદલ જાન્યુઆરી માસમાં યરવડા જેલમાં ગાંધીજી સાથે 16 માસ નજરકેદ રખાયા હતા. તે જ વર્ષે નવેમ્બર માસમાં સરદારના માતા લાડબાનું વતન કરમસદ મુકામે અવસાન થયું હતું. 1933માં સરદારને યરવડાથી નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તે વર્ષે 23મી ઓક્ટોબરે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું સ્વિટ્ઝરલેન્ડ ખાતે અવસાન થયું હતું.

1938માં કેન્દ્રીય કોંગ્રેસ પાર્ટીની શિસ્તના અનુપાલન માટે પ્રાંતિય કોંગ્રેસની નેતાગીરી સોંપાઈ હતી. કડક પગલા અને શિસ્તપાલનની ફરજ પાડવાની નીતિ-રીતિને કારણે સરદારને ટીકાકારો દ્વારા હિંદના તાનાશાહનું બિરૂદ પણ આપવામાં આવ્યું. 1938માં તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા. 1940માં ગાંધીજી પ્રેરિત સ્વતંત્રતા આંદોલનને દેશભરમાં વેગવંતુ બનાવવા માટે સરદારે આગેવાની લીધી. જેના કારણે અંગ્રેજ હકૂમતે તેમની 18મી નવેમ્બરના રોજ ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. બાદમાં તેમના પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

1941ની 18મી નવેમ્બરે નાદુરસ્ત તબિયતને કારણે સરદારને અંગ્રેજ સરકારે કેદમાંથી મુક્ત કર્યા હતા. 1942માં તેમણે ક્રિપ્સ મિશનની મંત્રણમાં સક્રિય ભાગ લીધો. પણ ક્રિપ્સ મંત્રણાઓ નિષ્ફળ રરહી હતી. 1942ની 8મી ઓગસ્ટે મુંબઈ ખાતે અખિલ હિંદ કોંગ્રેસ કારોબારી બેઠકમાં હિંદ છોડોના ઠરાવને મંજૂરી મળી. તેના બીજા દિવેસ 9મી ઓગસ્ટે સરદાર પટેલની ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ કારોબારીના અન્ય રાષ્ટ્રીય સભ્યો સાથે મહારાષ્ટ્રના અહમદનગરના કિલ્લામાં તેમને કેદી તરીકે મોકલવામાં આવ્યા હતા. 1944 સુધી સરદાર અહમદનગર કિલ્લામાં અંગ્રેજોની કેદમાં જ રહ્યા હતા. 1945માં તેમને અહમદનગરથી પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. 1040 દિવસના કારાવાસ દરમિયાન આંતરડાનું દર્દ વકરતા સરદારને 15મી જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

1946માં 9મી ડિસેમ્બરે સરદારે ભારતીય બંધારણ સભામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. 1947માં ચોથી એપ્રિલે તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તે વર્ષે 5મી જુલાઈએ દેશી રાજ્યોની સમસ્યાને ઉકેલવા માટે સરદારની અધ્યક્ષતામાં નવું રિયાસતી ખાતું બનાવાયું અને તેમણે દેશના તમામ રાજાઓને દેશની સ્વતંત્રતા અને એકતાને સુદ્રઢ કરવા અનુરોધ કર્યો હતો. 15મી ઓગસ્ટે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. તેમની પાસે માહિતી અને પ્રસારણ, રિયાસતી ખાતા સહીત નિરાશ્રિતોના પુનર્વસનની મહત્વની જવાબદારીઓ પણ હતી. 1947માં 13મી નવેમ્બરે સરદાર પટેલે સોમનાથ પાટણની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આક્રમણખોરો દ્વારા વારંવાર ધ્વસ્ત કરાયેલા સોમનાથ મહાદેવના મંદિરની પુનર્પ્રતિષ્ઠાનો સંકલ્પ લીધો હતો.

1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા બાદ ગૃહપ્રધાન તરીકે રાષ્ટ્રજોગ પ્રવચન આપ્યું હતું. તે વર્ષે 15મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર સંઘની સ્થાપના કરી હતી. તો 7મી એપ્રિલે તેમણે જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોના બનેલા રાજસ્થાન સંઘનું ઉદ્ઘાટન કર્યું. 22મી એપ્રિલે ગ્વાલિયર, ઈન્દૌર, મધ્ય ભારતના 23 રાજ્યોના રાજાઓએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા માટેના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. 1948ની ત્રણ નવેમ્બરે નાગપુર યુનિવર્સિટી તરફથી સરદારને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી એનાયત કરાઈ હતી. 25મી નવેમ્બરે બનારસ હિંદુ યુનિવર્સિટી તરફથી તેમને ડોક્ટર ઓફ લોઝનું સમ્માન આપવામાં આવ્યું. તો તે જ વર્ષે 27મી નવેમ્બરે સરદારને અલ્હાબાદ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી આપી હતી.

1949માં 26મી ફેબ્રુઆરીએ ઉસ્માનિયા યુનિવર્સિટીએ પણ સરદાર સાહેબને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવીથી સમ્માનિત કર્યા હતા. તે વર્ષે 7મી ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી વડાપ્રધાન જવાહરલાલ નહેરુની અમેરિકા, કેનેડા અને બ્રિટનની મુલાકાત દરમિયાન સરદાર પટેલે દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકેની કામગીરી પણ સંભાળી હતી. 1950માં 20થી 22 સપ્ટેમ્બર સુધી ચાલેલા નાસિક ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી હતી. તે વર્ષે 15મી ડિસેમ્બરે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ સરદાર સાહેબે બિરલાભવન ખાતે દેહત્યાગ કર્યો હતો. મુંબઈના સોનાઘાટ સ્મશાનઘાટમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ગુજરાતના ખેડૂતપુત્રના લોખંડી મનોબળે તેમને સરદાર બનાવ્યા. સરદારે આઝાદી વખતે ખંડિત બનેલા આજના ભારતની અખંડિતા માટે એક શિલ્પીની જેમ કામ કર્યું. ભારતની કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છતી કામરૂપ સુધીની એકસૂત્રતાને કંડારવાનું કામ સરદાર પટેલની દ્રઢતા અને મુત્સદીગીરીથી પૂર્ણ થયું છે. સરદાર સાહેબનું આધુનિક ભારતના આજના સ્વરૂપમાં યોગદાન તેમને આભને આંબતી ઊંચાઈ પ્રદાન કરે છે. આ ઊંચાઈ સામે તમામ પ્રતિમાઓ અને સરદાર બનવા તેમના પગરખામાં પગ નાખવાની કોશિશ કરનારા તમામ નેતાઓ વેંતિયા લાગે છે. બસ સરદારના બલિદાનથી મળેલા આ વારસાની જતનપૂર્વકની જાળવણી આપણે એટલે કે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાની સંયુક્ત જવાબદારી છે...આપણા સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.

સમયનો સાદ સરદાર-1 : નહેરુએ થાપ ખાધી સરદારે ચીનના ખતરાને પિછાણ્યો, લોહપુરુષની દૂરંદેશીમાં ટુ ફ્રન્ટ વૉર ડોક્ટ્રિનનું મૂળ

- આનંદ શુક્લ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમના તરફ ચીનને વિશેષ અનુરાગ રહ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન સાથે વ્યાપારિક સંબંધો વધારવા માટે ઉત્સુક છે. જાણકારો કહી રહ્યા છે કે નહેરુના હિંદી-ચીની ભાઈ ભાઈના યુગ બાદ હવે મોદી-ચીની ભાઈ ભાઈનો યુગ આવ્યો છે. પરંતુ નહેરુને 1962માં ચીનની લાલસેનાના ભીષણ આક્રમણનો આઘાત અને નામોશીભરી હારનું કલંક ખમવું પડયું હતું. આમ તો ઈતિહાસમાંથી બોધપાઠ નહીં લેનારા માટે તેનું પુનરાવર્તન થતું હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી નહેરુવાદી વિચારસરણીથી અલગ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. ત્યારે ચીન સાથે સંબંધો સુધારવાની આવકારદાયક પહેલ સાથે ભારતની અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર પટેલની વાતો પણ યાદ રાખવી જરૂરી છે.


ચીન માટેની સરદારની દૂરંદેશીને ચેતવણી ગણવી- 



ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સાવધ કર્યા હતા. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના ભીષણ આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની નહેરુની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે. વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોંધમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. ગિરિજાશંકર વાજપેયી આશંકિત હતા કે ચીન સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યપદ માટેના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

ગિરિજાશંકર વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતની પોતાની સરહદોને હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેરે તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને અવગણીને નહેરુએ ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. તેના બદલામાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે અક્સાઈ ચીન અને લડાખના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી. ભારતીયોને ચિંતા માત્ર આ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તેની હોય તે સ્વાભાવિક છે.


ભારતે ચીન-પાકિસ્તાન બંને મોરચે સૈન્ય સજ્જતા કેળવવી પડશે



સંરક્ષણ નિષ્ણાતો ભારત અને ચીન વચ્ચેના સળગતા સરહદી વિવાદ અને ચીનની આક્રમક ઘૂસણખોરીની કાર્યવાહીને યુદ્ધનો ટાઈમબોમ્બ ગણાવી રહ્યા છે. ભારત માટે સૈન્ય સજ્જતા તેની વ્યૂહાત્મક જરૂરિયાત છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના નાપાક સૈન્ય જોડાણને કારણે પણ ભારત માટે ઘણી મોટી સામરિક સમસ્યાઓ પેદા થઈ છે. ત્યારે ભારતે ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે સૈન્ય સજ્જતા રાખીને બંને તરફના સંભવિત એકસાથેના આક્રમણનો સામનો કરવા માટે તૈયારી રાખવી પડશે, તેવી ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની થિયરી 2010માં ભારતના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે લશ્કરી આવશ્યકતા પ્રમાણે જણાવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી હતી, તેને 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનો ઉપયોગ કરવો જોઈએ.’ સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન દેશ તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.

સરદાર પટેલની સલાહ નહેરુએ અવગણી તો અવગણી.. પણ હવે ભારતના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને સરદાર પટેલની સલાહને નવા દ્રષ્ટિકોણ સાથે મોદી સરકાર ધ્યાનમાં લે તે જરૂરી છે. બાકી ચીન સાથે વેપાર-વેપારની માળા જપવાથી તેનું વિસ્તારવાદી વલણ કાબુમાં આવવાનું નથી. તેના માટે ભારતે વેપારની સાથે સામરિક તૈયારીઓ પણ રાખવી પડશે.

Saturday, October 17, 2015

સેક્યુલર હોવાનો અર્થ હિંદુવિરોધ અને મુસ્લિમોની આંધળી તરફદારી!!

- પ્રસન્ન શાસ્ત્રી 

ભારતમાં સેક્યુલર તરીકે લેખક અથવા સ્વનામધની બુદ્ધિજીવીને ત્યારે જ માન્યતા મળે છે કે જ્યારે તેઓ ભારતના સનાતન હિંદુ ધર્મ.. પરંપરાઓ.. સંસ્કૃતિ.. સમાજ અને લાગણીઓને ગાળો આપવામાં આવે. આવા કથિત સેક્યુલરો બુદ્ધિજીવીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ ત્યારે જ મળતી હોય છે કે જ્યારે તેઓ હિંદુવિરોધથી આગળ વધીને માત્ર મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતીઓને તરફદારી કરવી અને તેમની કટ્ટરતાને છાવરવાની પ્રવૃત્તિ ખૂબ જ ઝનૂનપૂર્વક કરવામાં આવે. 

હિંદુત્વવાદી વિચાર.. વ્યક્તિ અને સંગઠન પ્રત્યે આવા કથિત સેક્યુલરોનો પક્ષપાત વૈચારીક ધ્રુવીકરણની પરાકાષ્ઠા જેવો જ દેખાય છે. આઝાદ ભારતમાં લાંબો સમય ગાંધીજીના નામે નહેરુ મોડલ ચાલતું રહ્યું છે. તેની સાથે રાજકીય વ્યવસ્થાઓમાં પણ સમાજવાદના નામે અસમાજવાદી મોડલ અસંવેદનશીલતાની હદે મજબૂત બનતું ગયું છે. આ નહેરુ મોડલને મજબૂત કરવાનું કામ આવા કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓએ ખૂબ ઝનૂનપૂર્વક કર્યું છે. 

તાજેતરમાં કન્નડ લેખક કલબુર્ગીની હત્યાના મામલેથી શરૂ કરીને દાદરી કાંડ બાદ સંખ્યાબંધ લેખકોએ પોતાના એવોર્ડો પાછા આપવાનું શરૂ કર્યું છે. તેમણે એવોર્ડો પાછા આપવા માટે કારણ આપ્યું છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. કેટલાકનું કહેવું છેકે હિંદુ કટ્ટરવાદ વધી રહ્યો છે. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી ઢબે કોઈને પણ અહીં વિરોધ અને સમર્થન વ્યક્ત કરવાનો અધિકાર છે. લેખકો પણ પોતાના આવા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જો માત્ર વિરોધ માટે જ આવા લેખકો અને બુદ્ધિજીવીઓ એવોર્ડ પાછા આપતા હોય.. તો તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. 

પરંતુ લેખકો-બુદ્ધિજીવીઓનો વિરોધ માત્ર અહિષ્ણુતાનો વિરોધ નથી. પરંતુ નહેરુ મોડલ બદલવા માટે સક્ષમ હિંદુત્વવાદી વિચારધારાના રાજકારણમાં પ્રભાવી થવાના અને સત્તામાં સ્પષ્ટ બહુમતીથી આવવાને અટકાવી નહીં શકવાનો અફસોસ વધારે દેખાઈ રહ્યો છે. 

કથિત સેક્યુલર રાજકીય પક્ષોના શાસનકાળમાં ભારતમાં મોટા પ્રમાણમાં કોમવાદી હુલ્લડો થતા રહ્યા છે. 1984ના શીખ વિરોધી રમખાણો.. 1989ના ભાગલપુરના હુલ્લડો.. યુપીના મેરઠનો હત્યાકાંડ.. આસામ ખાતે ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કોમી હિંસા.. બાબરી ધ્વંસ પછીના મુંબઈના રમખાણો.. ગોધરાકાંડ અને ત્યાર પછીના હુલ્લડો પણ આ દેશે જોયા છે. આઝાદ ભારતમાં જબલપુરથી જ કોમી હુતાસણની શરૂઆત થઈ છે. 1969ના અમદાવાદ ખાતે થયેલા રમખાણોથી માંડીને 2013ના મુઝફ્ફરનગર અને મુરાદાબાદ સુધીની કોમી વૈમનસ્યની ઘટનાઓ થતી રહી છે. આવી ઘટનાઓ બિલકુલ બનવી જોઈએ. પરિપક્વતા પકડી રહેલી લોકશાહી આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકશે. 

પરંતુ સવાલ એટલો છે કે એવોર્ડો પાછા આપનારા સાહિત્યકારો. લેખકોને સમ્માનિત કરાયા તે સમયે કથિત સેક્યુલર પક્ષોની સરકારો હતી અથવા તેમના દ્વારા જ તેમને એવોર્ડો અપાયા છે. પરંતુ 1984ના શીખ વિરોધી રમખાણો બાદ કે ભાગલપુરના રમખાણો બાદ કે મુંબઈના રમખાણો બાદ આવો કોઈ વિરોધ આવા બુદ્ધિજીવી સાહિત્યકારોએ પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કર્યો ન હતો. આવી ઘટનાઓ વખતે કેન્દ્રમાં કથિત સેક્યુલર પક્ષની સરકારો સત્તામાં હતી. 

આવા કથિત સેક્યુલરોની માનસિકતાને સામે છેડેથી જોવાની પણ જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં 1989-90માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના દેશમાં જ નિરાશ્રિત બનીને દર-દર ભટકવું પડયું.. પણ કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓનું રુવાડુંય ફરક્યું નહીં. 1984ના શીખ વિરોધી રમખાણો વખતે પણ આવી જ સ્થિતિ રહી.. મુંબઈના રમખાણો કે ગોધરાકાંડમાં 59 રામસેવકોના મોત પર પણ આવા કથિત સેક્યુલરોનો દંભ ચાલુ રહ્યો અને તેમણે કોઈપણ પ્રકારે વિરોધ કર્યો નહીં. 

ભારતમાં એક પછી એક ઈસ્લામિક આતંકવાદના હુમલા થતા રહ્યા છે... 2008ના મુંબઈ હુમલાની ઘટના તેની પરાકાષ્ઠા હતી. પણ એકપણ સાહિત્યકાર કે બુદ્ધિજીવી કે કર્મશીલે પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કોઈપણ પ્રકારનો વિરોધ વ્યક્ત કર્યો નહીં. કારણ કદાચ માત્ર એટલું જ હતું કે હુમલો કરનારા મુસ્લિમ હતા અને મરનારા મોટાભાગના હિંદુઓ કે બિનમુસ્લિમો હતા. અપવાદરૂપ કેટલાંક મુસ્લિમોએ પણ આવી ઘટનાઓમાં જીવ ગુમાવ્યો હશે. પરંતુ ભારતીય મીડિયામાં આવા મુસ્લિમ પરિવારોના દ્રશ્યો જ આવર-નવાર હાઈલાઈટ કરવાની એક પરંપરા બની ચુકી છે. 

દાદરી કાંડની વાત કરીએ તો ગાયનું માંસ ખાધાની કથિત અફવાના પગલે ઉશ્કેરાયેલી ભીડે એક વ્યક્તિને માર માર્યો અને તેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓ થઈ છે. ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના માટે મુખ્યપ્રધાન અખિલેશ યાદવ કરતા વધારે જવાબદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગણાવવાની કોશિશ કરવામાં આવી. ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યની જવાબદારી છે. 

સવાલ અહીં કોઈ પક્ષ કે વ્યક્તિનો નથી.. પણ દાદરી કાંડમાં મરનારના બચાવમાં ઉતરેલા લોકોની માનસિકતાનો છે. મરનાર મુસ્લિમ વ્યક્તિ હતો અને ગાય હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગાયનું માંસ ખાવું હિંદુઓમાં વર્જ્ય છે. છતાં ગોકુશીની ઘટનાઓ થતી રહે છે. આવા સંજોગોમાં તર્કો આપવામાં આવ્યા કે વ્યક્તિને પોતાને શું ખાવું તેવું નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે. 

દાદરી કાંડની બિટવિન ધ લાઈન છે કે આખરે ભારતમાં બહુમતી હિંદુઓના આસ્થા કેન્દ્ર ગાયની હત્યાની અવગણના શા માટે કરવામાં આવે છે? ગૌહત્યાનો વિરોધ કરનારા વિચાર અને વ્યક્તિથી માંડીને સંગઠનની મજાક ઉડાવવાની સાથે તેમને મૂઢ સાબિત કરવાની ભયાનક કોશિશ થઈ રહી છે. ગાય પણ અન્ય પશુઓ જેવી છે અને પોતે પણ ગોમાંસનું સેવન કરતા હોવાની વાતો ભાંડ ઋષિકપૂરથી માંડીને જજ રહેલા માર્કંડેય કાત્જૂ સુધીના કથિત બુદ્ધિજીવીઓએ કરી છે. આવા લોકોએ કહ્યુ કે તેઓ ગૌમાંસ ખાય છે અને હિંમત હોય તો આઓ મારી નાખો.. ભારતીયો ગર્વથી કહો અમે ગૌમાંસ ખાઈએ છીએ. અમુક ગ્રંથો કહે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ પણ ગૌમાંસનું સેવન કરતા હતા. કેરળ અને કેટલાંક અન્ય ક્ષેત્રોમાં હિંદુઓ પણ ગૌમાંસ ખાય છે. વોટની ખેતીમાં લાલુ યાદવે હિંદુઓ પણ ગૌમાંસ ખાતા હોવાનું જણાવીને હદ કરી.. તો તેમના ખુશામતખોર નેતા રઘુવંશ પ્રસાદે પણ કહ્યુ કે ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા હતા. ગાય આખા ભારતનું આસ્થા કેન્દ્ર છે અને આખા દેશની જવાબદારી તેના સંરક્ષણ તથા સંવર્ધનની છે. પરંતુ હજી સુધી એક ખાસ ચોક્કસ પક્ષ અને વિચારધારા સિવાયના લોકો સિવાય કોઈને ગૌહત્યા પ્રતિબંધની જરૂરિયાત હોવાનું લાગતું નથી. 

ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતા આઝમ ખાન હાલ સમાજવાદી પાર્ટીમાં છે. 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એકલા ઉત્તર પ્રદેશની બાવીસ કરોડની વસ્તીમાં પોણા ચાર કરોડ જેટલી મુસ્લિમોની વસ્તી છે. બિહારમાં પણ દોઢ કરોડ જેટલા મુસ્લિમોની વસ્તી છે. ઉત્તર ભારતમાં મુસ્લિમોની નેતાગીરીમાં ઝડપથી હૈદરાબાદના અસદુદ્દીન ઓવૈસી પગપેસારો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ઉત્તર ભારતના મુસ્લિમોની નેતાગીરી જળવવા માટે આઝમ ખાને ધમપછાડા શરૂ કર્યા છે. આઝમ ખાને વિચિત્ર નિવેદનબાજીઓ સાથે દાદરી કાંડને યુએનમાં લઈ જવા માટે પત્ર લખ્યો છે. દાદરી કાંડને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળીને હિંદુત્વવાદી વિચારધારા સાથે કથિત ઝુકાવ ધરાવતી સરકારને બદનામ કરીને દબાણમાં લાવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર હાથ ધરવામાં આવ્યું છે. 
જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપી સાથે ભાજપની જોડાણ સરકાર બન્યા બાદ અહીં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનવા તરફ જઈ રહી છે. આતંકવાદી હુમલા અને ભાગલાવાદીઓની પથ્થરબાજીની ઘટનાઓ વધી છે. દર શુક્રવારે પાકિસ્તાન, લશ્કરે તોઈબા, આઈએસ અને હાફિઝ સઈદના પોસ્ટરો અને તેમના તરફી સૂત્રોચ્ચાર સાથે તેમના વાવટા ફરકાવા એક કર્મકાંડ બની ચુક્યો છે. 

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ દ્વારા ગૌહત્યાને રાજ્યમાં પ્રતિબંધિત કરવાના ચુકાદા સામે તો આસિયા આંદ્રાબી નામની ભાગલાવાદી કાશ્મીરી મહિલાએ વિરોધ માટે કાશ્મીરમાં કોઈ સ્થાને કથિત ગૌકુશી કરી હોય તેવો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો હતો. બકરી ઈદ પહેલા ભાગલાવાદી તત્વો દ્વારા શ્રીનગરના લાલચોક ખાતે જાહેરમાં ગોકુશી કરવાની જાહેરાત કરાઈ હતી. આસિયા અંદ્રાબીને અલગ મામલામાં ધરપકડમાં લેવાઈ હતી. 

પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરે બીફ પાર્ટીઓ આપીને ગૌહત્યા પ્રતિબંધ વિરોધનો ઝંડો કદાચ પાકિસ્તાનવાદી ભાગલાવાદીઓને ખુશ કરવા માટે જ ઉઠાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આવા ભાગલાવાદી તત્વો સેક્યુલર હોવાની વાત કરતા રહે છે. પરંતુ તેઓ ત્યાંની લઘુમતીઓ કે જે હિંદુ છે અને તેમના માટે ગાય આસ્થાનું કેન્દ્ર છે. તેવી ગાયોની હત્યા રોકવા માટે તૈયાર નથી. જમ્મુ-કાશ્મીરના આવા ભાગલાવાદી તત્વો મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યમાં ગૌહત્યાને પોતાના મૂળભૂત અધિકાર ગણાવે છે. 

જમ્મુ-કાશ્મીર સરકારે હાઈકોર્ટની જમ્મુ બેચ તરફથી આપવામાં આવેલા ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને બેચ બનાવીને આ મામલે સુનાવણી કરવા જણાવ્યું હતું. શ્રીનગરની હાઈકોર્ટ બેચે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા પ્રતિબંધિત કરતો ચુકાદો રદ્દ કર્યો છે. શું મુસ્લિમ આસ્થાની બાબતો સાથે કોઈપણ હિંદુ બહુમતી ધરાવતા રાજ્યમાં આવી કોઈ ઘટના કરવા માટે કોઈ ધારાસભા કે કોઈ અદાલતી નિર્ણય દ્વારા પડકાર ફેંકવાની ક્ષમતા ધરાવે છે? 

ભારતની કેટલીક કોર્ટોએ ધ્વનિ પ્રદૂષણ મામલે મસ્જિદો પરના માઈકના ભૂંગળા ઉતારવાના આદેશ... નિર્દેશ કે ટીપ્પણીઓ કરી છે. પરંતુ ભારતની કોઈપણ કાયદાનો અમલ કરનાવનારી વ્યવસ્થા તેને લાગુ કરી શકી નથી. વિદેશમાં કોઈ અખબારમાં મહોમ્મદ પયગંબરનું કાર્ટૂન બને અને તેના દેખાવો ભારતના તમામ શહેરોમાં થાય છે. તેમાં હિંસાની ઘટનાઓ પણ હિંદુઓ વિરુદ્ધ થયેલી નોંધાઈ છે. દુનિયામાં કોઈ ઠેકાણે કોઈ કુરાને-શરીફ સળગાવે તો તેના વિરોધમાં ભારતમાં પણ આતંકની હદે ઉત્પાત મચાવવામાં આવે છે. પ્રોફેટ મોહમ્મદ પર અમેરિકામાં બનેલી ફિલ્મનો વિરોધ છ માસ બાદ અમદાવાદ સહીતના ભારતના શહેરોમાં આયોજનબદ્ધ રીતે કરાય છે. અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન સહીતની સરકારી સંપત્તિઓને આગચંપી અને નુકસાન પહોંચાડવામાં આવે અને કથિત સેક્યુલરો આવા ઉત્પાતિયા વિરોધનો બચાવ કરે.. આનાથી મોટું આશ્ચર્ય અને દુર્ભાગ્ય દુનિયાના કોઈપણ ઠેકાણે જોવા મળતું નથી. 

કાશ્મીર ખીણમાં ચાલી રહેલો ભાગલાવાદ અને આતંકવાદ બંને મજહબી કારણોથી વધારે ભડકાવામાં આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન ગિલાની દિલ્હીમાં પાકિસ્તાનના હાઈકમિશનમાં માથું ટેકવે છે.. પાકિસ્તાનના રાજદ્વારીઓ અને નેતાઓ ભાગલાવાદીઓને ભારત સરકાર સાથેની વાતચીત પહેલા મોઢામાં મોઢું નાખીને વાતો કરે છે. તેના કારણે વિદેશ સચિવ અને એનએસએ સ્તરની વાતચીત રદ્દ કરાય તો માછલા ભારત સરકાર પર ધોવાના.. 1972ના સિમલા કરાર અને લાહોર ડેક્લેરેશનમાં જમ્મુ-કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો માનવામાં આવ્યો છે. જેમાં અન્ય કોઈપણ ત્રીજા પક્ષને સામેલ નહીં કરવાની વાત કરાઈ છે. આવા સંજોગોમાં ભારત સરકાર ક્યાં ઠેકાણે ખોટી છે? એવું કોઈપણ કારણ આવા કથિત સેક્યુલર સ્વનામધનીઓ આપતા નથી. પણ વાતચીત રદ્દ કરાયાની કાગારોળ મચાવીને પાકિસ્તાનના પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાની વાતો કરીને સરકાર અને ભારતને ડરાવવાની હદ સુધી શાંતિપાઠ કરવા માટે મજબૂર થવા દબાણ કરાતું રહે છે. 

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે હિંદુ બહુમતીવાળા વિસ્તારો પર પાકિસ્તાન તરફથી સતત થયેલા ગોળીબાર સંદર્ભે પણ કોઈ સેક્યુલર ચીપિયો પછાડવા તૈયાર નથી. જમ્મુ ખાતેના વિસ્તારોની ડેમોગ્રાફી બદલવા માટેની કોશિશો આતંકીઓ.. પાકિસ્તાન અને ભાગલાવાદીઓ સાથે મળીને કરી રહ્યા છે. મુફ્તિ મોહમ્મદ સઈદની આગેવાનીવાળી જોડાણ સરકાર સત્તામાં આવી પછી પીડીપીએ સંસદ હુમલાના ગુનેગાર આતંકી અફઝલ ગુરુના દેહાવશેષોની માગણી કરીને કાશ્મીર ખાતે સ્મારક બનાવવાની વાતો કરી.. મસર્રત આલમને મુક્ત કરીને કાશ્મીરમાં હાફિઝ સઈદ છાપ આતંકવાદના ટેકામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો હતો. 

ગિલાનીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ઈસ્લામાબાદ આવવાનું આમંત્રણ આપ્યું છે. ગિલાનીએ એનએસએ સ્તરની વાતચીત રદ્દ થયા બાદ શરીફને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કાશ્મીર વિવાદના ઉકેલ માટે મજબૂત પાકિસ્તાનની જરૂરિયાત હોવાનું જણાવીને ભાગલાવાદીઓની ખરી મનસા પ્રદર્શિત કરી દીધી છે. 

શું સાઉદી અરેબિયા.. પાકિસ્તાન કે અન્ય કોઈપણ ઈસ્લામિક દેશમાં સ્થાનિક માન્યતા.. પરંપરા.. ધાર્મિક લાગણી અને સંસ્કૃતિ કે સમાજ વિરુદ્ધ અથવા તેમને નામંજૂર વાત કોઈપણ હિસાબે ચલાવવામાં આવે? આવા દેશોમાં આવા કથિત સેક્યુલરોને લવરી કરીને વૈચારીક આતંકવાદ ચલાવવાની કોઈ પરવાનગી ક્યારેય આપવામાં આવે ખરી? ઉત્તર પ્રદેશના કેટલાંક મુસ્લિમ બહુમતી ધરાવતા ગામડામાં મંદિરોમાં આરતી અને ઘંટારવ કરવાથી પણ હિંદુઓને રોકવામાં આવે છે. કારણ કે મુસ્લિમો તેનો ધાર્મિક માન્યતાઓના આધારે વિરોધ કરે છે. આવી ઘટનાઓમાં પણ સહિષ્ણુતા હિંદુઓની જ જવાબદારી હોવાના ઉપદેશો આપવામાં આવે છે. 

સેક્યુલારિઝમના ઉપદેશ આપનારા પોતે સમજતા હોય તેવા સેક્યુલારિઝમને સ્પષ્ટ કરે તેની હવે ખરેખર જરૂરત ઉભી થઈ છે. સેક્યુલારિઝમના નામે બેવડા માપદંડોથી મુસ્લિમોની તુષ્ટિકરણની હદેથી પણ નીચે ઉતરીને તરફદારી અને હિંદુઓનો દુશ્મનની કક્ષાએ વિરોધ દેશના લોકો લાંબો સમય ચલાવવા નહીં માગતા હોવાનો ગૂઢાર્થ પણ ઘણી આવી ચોક્કસ ઘટનાઓથી સામે આવી રહ્યો છે. સેક્યુલારિઝમમાં તમામ સાથે કોઈપણ પ્રકારના પક્ષપાત અને ભેદભાવ વગર સમાન વ્યવહાર એક પાયાગત શરત છે. પરંતુ કથિત સેક્યુલરો આવી કોઈ પાયાગત યોગ્યતાથી પરિપૂર્ણ નથી. 

કથિત સેક્યુલર વિચારધારાવાળા અને આવા કથિત બિનસાંપ્રદાયિકતાના ઝંડાધારી પક્ષોની સરકારોના કાર્યકાળમાં સત્તાધારીઓ માટે બિલકુલ નિરુપદ્રવી રહેલા લોકો હવે એવું સાબિત કરવાની હોડમાં આવી ગયા ।છે કે જાણે મોદીના શાસનમાં તો આમ જ થવાનું હતું. એક દાદરી કાંડને કારણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાને અર્થહીન ગણાવી દેવામાં આવી. સેક્યુલારિઝમ હંમેશા માટે દફન થઈ ગયાની કાગારોળ પણ થવા લાગી. આવી ઘટનાઓ માટેની જવાબદારી મોદી સરકારની નીતિ-રીતિના દુષ્પરિણામો તરીકે સ્થાપિત કરવાની કોશિશો પણ વિકૃત્તિની હદે કરવા લાગી. આશ્ચર્યની વાત એ છે કે જવાબદાર પણ કેન્દ્ર સરકાર અને જવાબદેહ પણ કેન્દ્ર સરકાર. ભારતમાં સહઅસ્તિત્વ માટેની રૂપરેખા બંધારણમાં આપવામાં આવી છે. તેમાં તમામની ધાર્મિક લાગણીઓના સમ્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારે પરસ્પર ધાર્મિક સમ્માનની લાગણીને ઠેસ પહોંચાડનારા તત્વોને જવાબદાર ગણવાની પ્રવૃત્તિ આઘાતજનક રીતે સહિષ્ણુતાનો ઉપદેશ આપનારા કરતા નથી. વળી ગોહત્યા પ્રતિબંધના કાયદા અમલી હોવા છતાં કાયદા વિરુદ્ધ વર્તન કરીને ગુનો કરનારને છાવરવાની વ્યવસ્થિત કોશિશો વોટબેન્કનું ગણિત સાચવવા માટે કરાઈ રહી છે. 

હવે જો કઈ હિંદુઓનું ટોળું અન્ય સમુદાયના વ્યક્તિને કોઈ કારણસર ઘેરે કે મારે તો તેના માટે પણ કેન્દ્ર સરકારને પ્રેરક અને સંચાલક માનવાની પ્રવૃત્તિ થતી રહે છે. સંબંધિત રાજ્યમાં સરકાર ક્યાં પક્ષની છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની છે.. તેના વિશે કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી. જ્યારે મુઝફ્ફરનગરના હુલ્લડો થયા ત્યેરે આવો કોઈ સૂર સંભાળતો ન હતો. મોટાભાગે તત્કાલિન યુપીએ સરકારના સ્થાને ઉત્તરપ્રદેશ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી હતી. ત્યાં સુધી  કે તમામ આવા સેક્યુલરો અને ખુદ મનમોહનસિંહની સરકારના નિશાને પણ યુપીની અખિલેશ યાદવની સરકાર જ હતી. 

હદ તો ત્યારે છે કે જ્યારે અમેરિકાના વિદેશ વિભાગના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના મામલે રિપોર્ટ આવતા પહેલા દાદરી કાંડ પર ખામોશ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું મૌન તોડવું પડે છે. વડાપ્રધાનનો પોતાનો અધિકાર છે કે તેઓ ક્યાં મુદ્દે ક્યારે બોલે અને ક્યારે બોલે નહીં.. પરંતુ અમેરિકાના રિપોર્ટ પહેલા બંગાળી અખબાર આનંદ બાજાર પત્રિકાની મુલાકાતમાં દાદરી કાંડને વડાપ્રધાન મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેથી એક ચિંતા અવશ્ય થાય છે કે શું ભારતના ઘરઆંગણાના નાના-મોટા મામલા પર પણ અમેરિકાનું દબાણ રહેશે? શું અમેરિકા અથવા આંતરરાષ્ટ્રીય મંચોને ધ્યાનમાં રાખીને ભાજપના સાંસદ સત્યપાલસિંહ દ્વારા નાની ગણાવાયેલી ઘટના પર પણ પ્રતિક્રિયા આપવાની મજબૂરીનું કારણ શું હોઈ શકે? 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા પ્રજાસત્તાક દિવસે ભારતના મહેમાન બન્યા હતા. તેમણે દિલ્હીના સિરીફોર્ટ ખાતે ભારતને સહિષ્ણુતાના પાઠ ભણાવીને ઉપદેશ આપ્યો. અમેરિકા ગયા બાદ ફરીથી ભારતમાં અસહિષ્ણુતા વધવાની વાત કરીને ગાંધીજીને ટાંકીને નિવેદન કર્યું હતું. આ નિવેદન પણ ઓબામાએ ખ્રિસ્તી ધર્મગુરુઓ અને ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં કર્યું હતું. એક તો તુષ્ટિકરણની રાજનીતિને કારણે ભારતનો બહુમતી સમાજ અંદરને અંદર ધુંધવાયા કરે છે. લગભગ 68 વર્ષમાં એવો કોઈ અપવાદ દેખાયો નથી કે જેમાં કોઈપણ પક્ષે તુષ્ટિકરણની રાજનીતિને સંપૂર્ણપણે કોરાણે મૂકી દીધી હોય. આવી અપેક્ષા નહેરુ મોડલ હેઠળની વ્યવસ્થામાં તુષ્ટિકરણની રાજનીતિમાંથી છૂટકારો મળી શકે તેમ નહીં હોવાની પણ માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારતમાં મુસ્લિમ નેતાઓની રાજનીતિને સમજીને ભારતના હિતમાં વર્તવા માટે હિંદુ સમાજે સજ્જ થવાની જરૂર છે. તેના માટે રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની જરૂર છે. આમા ભારત સામેના તમામ પડકારોનો જવાબ પણ છે. 

ઈસ્લામ ધર્મ નહીં, પણ આરબ સામ્રાજ્યવાદની મજહબી સંકલ્પના

-         પ્રસન્ન શાસ્ત્રી

ઈશ્વર જીવનની ભીરુતાનો પરિચાયક નથી. ભારતમાં ઈશ્વરની સંકલ્પના વ્યક્તિના અંતરમન અને અંતરાત્માને મજબૂત અને સ્વાભિમાની બનાવનારી વિશ્વ કલ્યાણ માટે પ્રેરીત કરનારી છે. કોઈ લાભ મેળવવા માટે ઈશ્વરની સંકલ્પનાનો ઉપયોગ નહીં કરવાની એક પરંપરા ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ભાગ છે. ભારતમાં ધર્મનો રાજકીય ઉદેશ્યોની પૂર્તિ માટે શાસકો દ્વારા અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા કરાયો નથી.

ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યે અખંડ ભારતને એલેક્ઝાન્ડરના આક્રમણ સામે અડિખમ રાખવા માટે રાષ્ટ્રવાદને જાગરૂક કર્યો હતો. બંને યુગપુરુષોએ અખંડ ભારતને બચાવવા માટે પંથ, સંપ્રદાય, જાતિ, વર્ગથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદની વાત કરી હતી.

એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદ અને ધર્મ બંને અલગ-અલગ મામલા છે. ધર્મ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને સ્વરૂપને ઘડે છે. તેના હિતોના સંરક્ષણ માટે રાષ્ટ્રવાદ પેદા થાય છે. રાષ્ટ્રવાદ માત્ર જમીન નહીં, પણ તેના પર રહેતા લોકોની તેમની માન્યતાઓ, સ્વભાવ અને સ્વરૂપ સાથે રક્ષા કરવા માટે છે.  

રાષ્ટ્રની ઓળખની જાળવણી અને વિસ્તરણ રાષ્ટ્રવાદ છે. જ્યારે ધર્મ આધિભૈતિક અને આધ્યાત્મિક બાબત છે. જેમાં માત્ર કલ્યાણ માર્ગે ચાલીને અનિષ્ટોને દૂર કરીને વિશ્વ માટે સર્વોત્તમ યોગદાન આપીને અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ છે.

ભારતના ધર્મની સંકલ્પના અને સ્વભાવથી ઈસ્લામ બિલકુલ અલગ છે. ઈસ્લામનો ઉદભવ આરબ વિશ્વમાં અંધકારયુગમાં થયો હતો. આરબોને મજહબના નામે એક કરવાનું કામ ઈસ્લામે ભૂતકાળમાં કર્યું. તેના 72 કે 73 ફિરકાઓ હોવા છતાં આરબોએ વિશ્વને એક કોલોની બનાવવા માટે આરબ જગત અને તેની બહાર યુરોપથી માંડીને અગ્નિ એશિયાના દેશો સુધી તલવાર અને કુરાનનો સહારો લીધો હતો.

ઈસ્લામના પયગંબર મહંમદે આરબ વિશ્વને મજહબના નામે આરબ રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. તેમના જીવનકાળ દરમિયાન જ આરબ રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને ઈસ્લામના નામે મુસ્લિમોની સેનાઓ દુનિયાને મુસ્લિમ બનાવવા નીકળી પડી હતી.

મજહબી અર્થ ગમે તે હોય, પણ સામાજિક-સાંસ્કૃતિક અર્થમાં મુસ્લિમ બનવું એટલે શું? તેનો વિચાર કરવામાં આવે, તો બિલકુલ માલૂમ પડે છે કે મુસ્લિમ બનવું એટલે અરબી સભ્યતાનું અનુકરણ કરવું. અરબી જીવનપદ્ધતિ અને આચાર-વ્યવહાર, રહેણી-કરણીની નકલ કરવી પોતાની જાતને આરબ તરીકે પ્રસ્થાપિત કરવી. જે-તે દેશની જૂની જીવનપદ્ધતિઓ, માન્યતાઓ, સંસ્કૃતિ, સભ્યતાને ફગાવી દેવી.

મુસ્લિમ સ્પેનનો હોય કે ફ્રાન્સનો રશિયાનો હોય કે મલેશિયાનો, ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો તેમના નામ અરબી ભાષી કે તેની છાંટવાળા હોવાના. મુસ્લિમો ખુદા શબ્દનો ઉપયોગ પણ અલ્લાહ માટે કરતા હોય છે. પરંતુ પાકિસ્તાનના સુન્નીપંથી કટ્ટરવાદી મુસ્લિમોએ ખુદા હાફિઝના સ્થાને અલ્લાહ હાફિઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ચલણ ઉભું કર્યું છે. દુનિયાભરના અરબી અને બિનઅરબી દેશોના મુસ્લિમો વચ્ચે ઘણી ભિન્નતા છે. પરંતુ ઈસ્લામના નામે તેઓ પોતાને એક માને છે.

પરંતુ હકીકત એ છે કે ઈસ્લામના ઉદભવથી આજ સુધી અરબી મુસ્લિમોએ બિનઅરબી દેશોના મુસ્લિમોને તેમનાથી ઉતરતા અને દ્વિતિય દરજ્જાના ગણ્યા છે.

ઈસ્લામના નામે ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી પડકારજનક સમસ્યા એટલે આતંકવાદ. ભારત ઈસ્લામિક આતંકવાદથી સદીઓથી પીડિત છે. આઝાદી બાદ લગભગ ત્રણ દાયકાથી ઈસ્લામિક આતંકવાદીઓએ ભારતમાં ઘણું લોહી વહેવડાવ્યું છે. પરંતુ તેમ છતાં કહેવામાં આવે છે કે આતંકવાદ અને આતંકવાદીનો ધર્મ હોતો નથી.

આશ્ચર્યની વાત છે કે મજહબી રંગે રંગાયેલા આતંકના કહેરમાં રેડાતું લાલ લોહી તો દેખાય છે. પરંતુ તેના કારણ માટેના આતંકનો રંગ જાણીને અપનાવાયેલી રંગઅંધતામાં કોઈ જોવા માટે તૈયાર નથી. તેની પાછળના રાજકીય કારણોને બાદ કરતા ઈસ્લામ વિશેની અજ્ઞાનતા તેના કારણે પેદા થયેલી સમસ્યાના સમાધાનમાં ગુંચવાડો ઉભો કરે છે. ઈસ્લામથી ઉભા થયેલા હિંસાચાર અને આતંકવાદની સમસ્યાના ઉકેલ માટે સૌથી પહેલા આ અરબી રાષ્ટ્રવાદને સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા સુધી લઈ જનારા મજહબને જાણવો જરૂરી છે.

આરબોની વિશ્વમાં રાજકીય મહત્વ ઘટી રહ્યું છે. પરંતુ ઈસ્લામના નામે તેમની સંસ્કૃતિ હજી પણ વિસ્તરી રહી છે. મહંમદ પયગંબરે ઉભી કરેલી મજહબી વ્યવસ્થામાં ઈસ્લામિક જગતમાં આરબોની સર્વોચ્ચતા ક્યારેય ઘટવાની નથી. મક્કાના કાબાના સ્થાનને મુસ્લિમો માટે સર્વશ્રેષ્ઠ અને પવિત્ર ઘોષિત કરવું. કાબાની હજ મુસ્લિમો માટે ફરજિયાત ઘોષિત કરીને ખનીજ તેલના મહત્વના સામે આવ્યા પહેલાના યુગમાં આરબ સામ્રાજ્યોને તેનાથી આર્થિક લાભ ચોક્કસપણે થયો હતો. અરબી કુરાનને અલ્લાહનો સંદેશ બનાવ્યો, અલ્લાહ અને મુસ્લિમો વચ્ચે મધ્યસ્થ ભૂમિકામાં રહેલા મહંમદ ખુદ અરબી છે.

ઈસ્લામમાં આરબોની પ્રાધાન્યતા સિવાય અન્ય કોઈ બાબત જોઈ શકાતી નથી. જેના કારણે દુનિયાના કોઈપણ ઠેકાણે રહેલો મુસ્લિમ મોટાભાગે પોતાના વતનની સંસ્કૃતિ કરતા પણ આરબ સંસ્કૃતિને શ્રેષ્ઠ માને છે. એક તુર્કીને બાદ કરતા દુનિયાના તમામ દેશોના મુસ્લિમો પોતાની રાષ્ટ્રીય ઓળખ વિરુદ્ધ પોતાને માત્ર મુસ્લિમ તરીકે ઓળખાવા ઈચ્છે છે. આવા દેશોના મુસ્લિમોનો ખુદનો કઈ ઈતિહાસ નથી કે જેના પર તેઓ ગર્વ કરી શકે.

અરબસ્તાન પોતાનો દેશ નહીં હોવા છતાં ઈસ્લામના નામે આવા મુસ્લિમો તેને પોતાનો મૂળ દેશ માને છે. જે ક્યારેય હકીકત નથી. ન તો આરબ દેશો તેમને સ્વીકારશે અને ન તો આરબ દેશમાં આટલા બધાં મુસ્લિમોને વસાવવાની ક્ષમતા છે.

વૈશ્વિક સ્તરે રાજકીય ઉદેશ્યો અને મહાસત્તાઓની હિતસાધાના માટે ઈસ્લામનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મહંમદે ઈસ્લામના પયગંબર બનીને આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદનું સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કર્યું છે. પરંતુ મુસ્લિમો ઈસ્લામના નામે પોતાના દેશ કરતા આરબ દેશો તરફ વધુ અહોભાવ રાખીને પોતાના દેશોના હિતો વિરુદ્ધ લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આમા મુસ્લિમોની મજહબી ભાવનાને ઉન્માદમાં ફેરવીને ઈસ્લામિક દેશો તેમાં ઈંજન પણ પુરું પાડતા રહે છે.

આરબોની સત્તાના ગુણગાન કરવાના એકમાત્ર ઉદેશ્યવાળા વિદેશી ધર્મ સિદ્ધાંતમાં અંધવિશ્વાસ કરનારા મુસ્લિમો ખુદ પોતાની રાષ્ટ્રીયતા અને સ્વાભિમાનને અપમાનિત કરે છે. તેના બદલામાં જન્નતમાં હૂરો મળવાના સપના જોવે છે. ઈસ્લામને દુનિયા અને સમગ્ર માનવજાતિની તમામ સમસ્યાનો ઉકેલ ગણાવવા માટે આતંક, કટ્ટરતા અને હિંસાચાર માટે પણ ઉશ્કેરણી થતી રહે છે.

ઈસ્લામ અરબ રાષ્ટ્રીયતાનું સાધન છે. તેનો ઉદેશ્ય અન્યો પર આરબ સંસ્કૃતિ ઠોકી બેસાડવાનો છે. હિંદુસ્થાન, ઈજીપ્ત અને ઈરાનનો ઈતિહાસ તેની સાક્ષી પુરે છે. ભારતમાં વહાબી આંદોલનથી માંડીને તબલીગી અને અન્ય ઈસ્લામિક આંદોલનોએ રાજકીય વિદ્વેષમાં મોટી ભૂમિકા ભજવી છે. જેના કારણે વંદેમાતરમ ગાવાનો ઈન્કારથી માંડીને ભારતના ભાગલા અને કાશ્મીરના અલગતાવાદ સુધીના મામલાઓ વખતોવખત સપાટી પર આવતા રહ્યા છે.

દિને-ઈસ્લામની સર્વોચ્ચતાના નામે અન્ય તમામના અસ્તિત્વનો અસ્વીકાર અને અન્યોને કાફિર ગણવાની માનસિકતા આતંકના હિંસાચારના પેદા થવાનું મુખ્ય કારણ છે.

ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની કથિત ખિલાફતની ઘોષણાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. હાલ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સીમાડે દસ્તક દઈ રહેલું આઈએસ ખુદને ઈસ્લામિક સ્ટેટ ગણાવે છે. તાલિબાનો અને અલકાયદાને પણ પોતાના દુશ્મનો ગણી રહેલું ઈસ્લામિક સ્ટેટ દુનિયામાં જેહાદના નામે હિંસાચાર ફેલાવીને દારુલ ઈસ્લામ બનાવવા માંગે છે.

ઈસ્લામિક સ્ટેટમાં સરકારી આંકડા પ્રમાણે 11 જેટલાં મુસ્લિમો ભારતમાંથી ગયા હતા. તેમાંથી પાંચના મોત નીપજ્યા છે. તો પાંચ હજી મોરચા પર લડી રહ્યા છે અને એક મુસ્લિમ આઈએસમાંથી ભાગીને પાછો ફરવામાં સફળ થયો છે.

તેણે એનઆઈએની પુછપરછમાં કથિતપણે ભાગવાનું કારણ બિનઆરબી દેશોના આતંકીઓ પાસે નીચલા દરજ્જાના કામ કરાવવા, ઉતરતા ગણવા, ઉપેક્ષા કરવી અને સંડાસ-બાથરુમ સાફ કરાવવા તથા જાતીય શોષણ માટે પણ ઉપયોગમાં લેવા સુધીના ગંભીર મામલાઓ ઉજાગર કર્યા છે. હાલ આ છોકરો એનઆઈએની કસ્ટડીમાં છે.

ઈસ્લામના ઉદભવ સાથે તેના પ્રવર્તકે આખી ધરતી પર ઈસ્લામને ફેલાવવાની યોજના બનાવી હતી. તે બે, દશ, અથવા બસ્સો વર્ષ માટે નહીં, પરંતુ આખી દુનિયા પર ઈસ્લામના આધિપત્ય અને તમામને મુસ્લિમ બનાવવા સુધીની છે. ઈસ્લામને જાણવા માટે કુરાન, હદીસ સહીતના મજહબી ગ્રંથોને સમજવા ખૂબ જરૂરી છે. તેને વાંચ્યા વગર, સમજ્યા વગર ઉભડક ટીપ્પણીઓ કરનારની ભારતમાં સેક્યુલારિઝમના નામે ભરમાર કંઈ ઓછી નથી. ભારતમાં ઈસ્લામિક આતંકવાદ માટે અવકાશ ઉભો કરવામાં સેક્યુલારિઝમના નામે રાજકારણ ખેલનારાઓની જમાતોનો ઘણો મોટો હિસ્સો છે.

ઈસ્લામનો આધાર કુરાન છે. કુરાનમાં અલ્લાહ માત્ર મુસલમાન, ઈસ્લામ અને ઈમાનદારોનો છે. તેના સિવાય કુરાનના અલ્લાહ સૌને કાફિર માને છે. આ કાફિરોના સમૂળ નાશ કરીને અથવા તેમને સમાપ્ત કરીને તેમના સ્થાને ઈસ્લામિક રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવાનું એક લક્ષ્ય છલકે છે. આ ઉદેશ્યોની પૂર્તિ કરનારને અલ્લાહ સર્વોચ્ચ ઈનામમાં જન્નતૂલ ફિરદૈસમાં પ્રવેશ આપે છે.

ભારત અને ભારતના લોકો માટે ઈસ્લામને જાણવો, સમજવો અને ઓળખવો ખૂબ જરૂરી છે. એક હજાર વર્ષ સુધી ભારતની ધરતી ઈસ્લામના નામે થતા હિંસાચારમાં રક્તસ્નાન કરતી રહી છે. તો 1947માં ઈસ્લામને નામે ભારતના રક્તરંજિત ભાગલા થયા હતા. આજે પણ ઈસ્લામિક અલગતાવાદ અને આતંકવાદને અલગ-અલગ સ્વરૂપે ભારતના લોકોને સહન કરવાનો વારો આવ્યો છે.

હિસ્ટ્રી ઓફ રિલિજિયનના વિખ્યાત લેખક બિલ ડ્યૂરેન્ટે ઈસ્લામના મૂળ ગ્રંથો, કુરાન અને હદીસ તથા મુસ્લિમ ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ડ્યૂરેન્ટે કહ્યુ હતુ કે ભારતમાં મુસ્લિમોનો વિજય કદાચ ઈતિહાસની સર્વાધિક રક્તરંજિત કહાણી છે. આ અત્યંત અરુચિકર કહાણીનું તારણ એ જ નીકળે છે કે કોઈપણ રાષ્ટ્રની સભ્યતા-સંસ્કૃતિ એવી નાજૂક વસ્તુ છે કે જેના તાણાવાણા શાંતિ અને સુવ્યવસ્થા બહારથી આવીને હુમલો કરનારા અથવા તેની અંદર જ ફળતા-ફૂલતા બર્બર આક્રમણખોરો દ્વારા કોઈપણ સમયે નષ્ટ કરી શકાય છે.

ખિલાફત અને ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રણી શેર-એ-પંજાબ લાલા લાજપતરાયે ઈસ્લામના અધ્યયન બાદ 1924માં સી. આર. દાસને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમણે ગત છ માસ મુસ્લિમ ઈતિહાસ અને શરિયતનો અભ્યાસ કરવામાં લગાવ્યા છે. તેઓ પુરી ઈમાનદારીથી હિંદુ-મુસ્લિમ એકતાની જરૂરિયાત તથા વાંછનીયતામાં ભરોસો ધરાવ છે. તેઓ મુસ્લિમ નેતાઓ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા માટે પણ તૈયાર છે. પરંતુ કુરાન અને હદીસના આદર્શોનું શું થશે? તેનું ઉલ્લંઘન તો મુસ્લિમ નેતાઓ પ નહીં કરી શકે. તો શું આપણે (હિંદુઓ) નષ્ટ થઈ જઈશું?

ભારતમાં વિનાયક દામોદર સાવરકર અને ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતાને ખૂબ સારી રીતે ઓળખી હતી અને તેને વ્યક્ત પણ કરી છે. તેમ છતાં મોટાભાગે ભારતના રાજનેતાઓમાં ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતા બાબતે ઘણી મોટી અજ્ઞાનતા પ્રવર્તી રહી છે.

11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના આતંકવાદીઓના ઈસ્લામ પ્રેરીત હુમલા બાદ કેટલાંક પશ્ચિમી વિદ્વાનોએ આતંકવાદના મજહબી મૂળિયાને શોધવા જરૂરી સમજ્યા છે. પરંતુ ભારતમાં જ્યારે ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન અને ભારત પર આક્રમણ કરવાની અને ગઝવા-એ-હિંદની ઈચ્છાઓ ધરાવતા હોય, ત્યારે તેમની આતંકની મનસાના મૂળિયાને શોધવાનું સમજવાનું આવશ્યક માનવામાં આવ્યું નથી. ઈસ્લામના નામે મુસ્લિમોનું ઘણું મોટું રેજિમેન્ટેશન થયેલું છે.

ભારત વિરોધી શક્તિઓ આ રેજિમેન્ટેશનનો અવાર-નવાર ઉપયોગ કરતા રહ્યા છે. તો ભારતે 1920થી પાન-ઈસ્લામિક યુગ અને હવે પાન-ઈસ્લામિક આતંકવાદમાં ડગ માંડયા છે. શરૂઆતો પાન-ઈસ્લામિક મૂવમેન્ટની પણ નાની હતી, પણ પરિણામ પાકિસ્તાન હતું. ભારતમાં રહેતા મુસ્લિમો કદાચ દુનિયાની આતંકવાદી પ્રવૃતિમાં પ્રમાણમાં ઓછા હશે, પણ આ નાની શરૂઆત આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે તેમ હોવાથી ગાફેલ રહેવું જોખમી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે આરબો અને આરબ દેશો સિવાય દુનિયાને ઈસ્લામને નામે રક્તરંજિત કરવામાં બિનઆરબી દેશોના નવમુસ્લિમોની ઘણી મોટી ભૂમિકા છે કે જેની આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેઓ ઈસ્લામના નામે આરબ સામ્રાજ્યવાદનો હિસ્સો બની જાય છે.