Wednesday, August 31, 2011

ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ!


-આનંદ શુક્લ

રાજ્યનું ગુનેગારો પ્રત્યે નરમ વલણ ગુનાઓની તીવ્રતા અને સંખ્યામાં વધારો કરે છે. આ પ્રકારનો અહેસાસ ભારતને વર્ષોથી થઈ રહ્યો છે. સંસદ પર હુમલાની સજા ફાંસી છે, ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનીહત્યાની સજા ફાંસી છે, પંજાબમાં આતંકવાદી હત્યાઓની સજા ફાંસી છે. પરંતુ દેશનું કમભાગ્ય છે કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક કારણોને કારણે આવા ગુનેગારોની ફાંસીની સજા પર નિર્લજ્જ રાજકારણ ખેલાય છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ત્રણ હત્યારાઓની દયા અરજી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કેટલાંક દિવસ પહેલા ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાજીવના હત્યારાઓને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે કેટલીક બાબતોને આધારે હત્યારાઓની ફાંસીની સજાને હાલપૂરતી આઠ સપ્તાહ માટે થંભાવી દીધી છે. કોર્ટે સવાલ કર્યો છે કે ગુનેગારોની દયા અરજી પર નિર્ણય કરવામાં 11 વર્ષોનો લાંબો સમય કેમ લાગ્યો?

જસ્ટિસ સી. નાગપ્પન અને જસ્ટિસ એમ. સત્યનારાયણનની ખંડપીઠે મામલાને કાયદા સામે એક પ્રશ્ન ગણાવ્યો છે. વાસ્તવમાં ત્રણેય ગુનેગારો જેલમાં 20 વર્ષની સજા કાપી ચુક્યા છે. તેવામાં ઘણાં લોકો સવાલ કરે છે કે શું આટલી લાંબી સજા કાપ્યા બાદ પણ ફાંસી આપવી યોગ્ય છે? આ તમામ ઘટનાક્રમ વચ્ચે તમિલ રાજકારણના સમીકરણોને કારણે તમિલનાડુની વિધાનસભાએ ફાંસીની સજા ઓછી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ રાજ્યના લોકોની ભાવનાત્મક અપીલના નામે કરવામાં આવ્યો હતો. તેમા રાષ્ટ્રપતિને ફાંસીની સજા સંદર્ભે પુનર્વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. જો કે વિધાનસભાનો ઠરાવ કોઈને બાધ્યકારી નથી.

રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા ઓછી કરવાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવાને કારણે દક્ષિણ ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આજે દેશમાં દરેક સંવેદનશીલ મુદ્દા પર રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ થઈ રહી છે. તમિલ રાજકારણને કારણે તમિલનાડુના ઘણાં નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીને આજીવન કેદમાં ફેરવવાની માગણી કરી રહ્યા છે. મામલો ચાહે પંજાબમાં દેવિંદરપાલ સિંહ ભુલ્લરનો હોય કે દક્ષિણમાં રાજીવના હત્યારા મુરુગન, પેરારિવલન અને સંતનનો, ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાની માગણી કરવા પાછળ રાજકીય પક્ષોનો ઉદેશ્ય પ્રાદેશિક મતદારોની સહાનુભૂતિ હાસિલ કરીને પોતાની રાજકીય જમીન મજબૂત કરવાનો છે.

રાજકીય સાંકડાપણું પ્રાદેશિકતાને કારણે તેજ બન્યું છે. પહેલા તો કેટલાંક સ્થાનિક સંગઠનો જ રાજીવ ગાંધીના હત્યારાઓને ફાંસી આપવાનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે મામલાએ આગ પકડી, તો કોંગ્રેસના સહયોગી અને તમિલ રાજકારણને હવા આપનારું ડીએમકે પણ તેમા સામેલ થઈ ગયું. જયલલિતા એક પગલું આગળ વધીને કેન્દ્ર સરકારને અપીલ કરી કે જો આ હત્યારાઓની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવામાં આવશે, તો તમિલ લોકો ખુશ થશે. આ પ્રકારની કવાયતોથી રાજકીય પક્ષો રાજ્યના લોકોની ભાવનાઓ ભડકાવાની વધારે કોશિશ કરી રહ્યાં છે.

તમિલનાડુની રાજનીતિ શ્રીલંકામાં તમિલ સંગઠન એલટીટીઈની હાર બાદ સંપૂર્ણપણે બદલાઈ ચુકી છે. જો ત્રણેય ગુનેગારોને ફાંસી આપી દેવામાં આવે, તો પણ કોઈ મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની નથી. આ સમગ્ર ઘટનાની ચર્ચા નાના સ્તરે જ થાત. કેટલાંક સમય પહેલા પંજાબના રહેવાસી ભુલ્લરની ફાંસીની સજા આપવાનો વિરોધ તેના પંજાબી હોવાના નાતે કરવામાં આવ્યો હતો. તેની પહેલ કેટલાક રાજકીય-બિનરાજકીય સંગઠનો સાથે ખુદ પંજાબ સરકારે પણ કરી હતી. આ પહેલા સંસદ પર હુમલાના ગુનેગાર કાશ્મીરી આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીની સજા પર પણ લાંબુ રાજકારણ ચાલી રહ્યું છે. અફઝલને ફાંસી ન આપવાની માગણી સાથે દલીલ કરવામાં આવે છે કે આવું કરવાથી જમ્મુ-કાશ્મીર રાજ્યની પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દિલ્હી સરકાર, ગૃહ મંત્રાલયની મિલીભગતથી અફઝલ ગુરુને ફાંસીની સજા સંદર્ભેની ફાઈલ વર્ષો સુધી દબાવી રાખવામાં આવી હતી. હવે તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાઈ છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તમિલનાડુની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ સંદર્ભે ટ્વિટ કરીને રાજકીય પાંસો ફેંક્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે- જો જમ્મુ-કાશ્મીર વિધાનસભા તમિલનાડુ જેવો જ પ્રસ્તાવ અફઝલ ગુરુના મામલામાં પસાર કરત, તો શું આવી જ ચુપકીદીવાળી પ્રતિક્રિયા રહેત? મને લાગે છે કે નહીં. આમ ટ્વિટ કરીને તેમણે પણ અફઝલ ગુરુની પેરવી કરવાનો પ્રયત્ન કરીને ઘણો મોટો રાજકીય દાવ ખેલીને સમગ્ર મામલાને ધાર્મિક એન્ગલ આપવાનો પ્રયત્ન કર્યો છે.

ભારતમાં 2004 બાદથી કોઈને પણ ફાંસીની સજા આપવામાં આવી નથી. આ વર્ષોમાં 28 દયા અરજીઓ રાષ્ટ્રપતિ સામે મૂકવામાં આવી. લાંબા સમય સુધી તેના પર નિર્ણય થઈ શક્યો નહીં. પરંતુ બાદમાં સક્રિયતા દેખાડતા રાષ્ટ્રપતિએ રાજીવ ગાંધી હત્યાકાંડમાં ફાંસીની સજા પામેલા પ્રતિબંધિત તમિલ સંગઠન એલટીટીઈના ત્રણ સભ્યો સિવાય ભુલ્લરની દયા અરજી ફગાવી દીધી છે.
ફાંસીની સજા કઠોરતમ સજા છે. ઘણાં દેશોએ ફાંસીની સજા સમાપ્ત કરી દીધી છે. જો કે ઘણાં દેશોએ તેને ફરીથી બહાલ પણ કરી છે. ઘણાં વિચારકો પણ ફાંસીની સજાનું સમર્થન કરે છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓ તેને ખતમ કરવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. ભારતમાં ફાંસીની સજા રેરેસ્ટ ઓફથી રેર કેસમાં આપવામાં આવે છે. ભારતીય બંધારણ નિર્માતાઓએ કાયદાની યોગ્ય પ્રક્રિયાની જગ્યાએ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે. ભારતમાં કોર્ટને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની જોગવાઈ હેઠળ ઘણી શક્તિ મળી છે. ફાંસી આપવામાં વિલંબ તેને આજીવન કેદમાં ફેરવવા માટેનો એક આધાર છે.

1983માં હાઈકોર્ટની એક ખંડપીઠે બાથિશ્વરન મામલામાં ચુકાદો આપ્યો હતો કે ફાંસી આપવામાં બે વર્ષથી વધારે વિલંબ થવાથી તે પોતાની મેળે આજીવન કેદમાં પરિવર્તિત થઈ જશે. કાયદાની જોગવાઈઓનો છટકબારી તરીકે ઉપયોગ કરીને રાજીવ ગાંધી હત્યાકાંડના કેસને જેમ જોવામાં આવી રહ્યો છે, તેવી રીતે અફઝલ ગુરુની દયા અરજીના રદ્દ થવાની સ્થિતિમાં કોઈને કોઈ પક્ષ રાજકીય ફાયદા માટે વિલંબને આધાર બનાવીને ફાંસીને આજીવન કેદમાં બદલવાની અરજી દાખલ કરી દેશે.

તમિલનાડુમાં વિપક્ષ ડીએમકે પ્રચારીત કરી રહ્યો છે કે રાજીવ ગાંધી હત્યાકાંડના ત્રણેય ગુનેગારોના જીવ મુખ્યમંત્રી જયલલિતાની ઈચ્છાશક્તિ પર નિર્ભર થઈ ગયા છે. તેનાથી ક્યાંકને ક્યાંક તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની છબીને કમજોર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ કારણ છે કે રાજીવ ગાંધીના હત્યારાઓને તમિલવાદનું પ્રતીક બનાવવાની પૂરજોર કોશિશો થઈ રહી છે. રાજકારણનું આ સ્વરૂપ બેહદ ખતરનાક છે. આ રાજનીતિનું નીચામાં નીચું સ્તર છે. ફાંસીની સજા માફ થાય કે બહાલ થાય, પણ એવું પ્રતિપાદિત થવું કે હત્યારાઓને રાજકીય લાભને કારણે બચાવવામાં આવી રહ્યા છે, તો તે બેહદ ખતરનાક સ્થિતિ પેદા કરશે. આવા રાજકીય ઉધામાથી લાગે છે કે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય હિતો અને બંધારણીય મૂલ્યોની કોઈ પરવાહ નથી. ફાંસી પર રાજકારણ રમી રહેલા રાજકારણીઓને જનતા તરફથી સ્પષ્ટ સંદેશ મળવો જોઈએ કે જાતિ, ક્ષેત્ર અને ધર્મના નામે આવી રાજનીતિ યોગ્ય નથી. આ દેશના રાજકીય ભવિષ્ય સંદર્ભે સારા સંકેતો નથી.

Monday, August 29, 2011

અન્નાના અનશનની આગમાંથી નીકળતા અર્થો!


-આનંદ શુક્લ

ભારતીય માનસ બિનરાજકીય નથી, પરંતુ રાજકારણ વિરોધી છે. રાજનીતિને ભારતમાં ઉપેક્ષા અને ઉદાસિનતાથી જોવામાં આવે છે. કેટલાંક પક્ષોના નેતાઓએ રાજનીતિને સમાજજીવનના ઘરમાં પાયખાનાની ઉપાધિ સુદ્ધાં આપી છે. પરંતુ શૌચ માટે જેટલું પાયખાનું મહત્વનું હોય છે, તેટલું રસોડું મહત્વનું હોતું નથી. કહેવાનું તાત્પર્ય એટલું છે કે જીવનનું કોઈપણ પાસું મહત્વહીન અથવા ઉપેક્ષાને પાત્ર નથી. મહત્વહીન અને ઉપેક્ષાપાત્ર સમાજજીવનના જે-તે ક્ષેત્રમાં મળી આવે છે. રાજનીતિને આમ પણ સજ્જનો માટેનું સ્થાન ભારતીય માનસમાં ગણાવામાં આવ્યું નથી. આ કારણ છે કે આજે ભારતના રાજકારણને ભ્રષ્ટાચારનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવી રહ્યો છે. જો કે હકીકત એ છે કે સમાજજીવનમાં મૂલ્યો, સિદ્ધાંત, નૈતિકતા, સંસ્કાર અને ધર્મની અસ્થિરતા અથવા હ્રાસે આજે ભ્રષ્ટાચારનો ભડકો કર્યો છે. અત્યારે કોઈપણ રાજનેતા, રાજકીય પક્ષ કે સંગઠન જનતાનો વિશ્વાસ ધરાવતું નથી. જનતાના મગજમાં એક ભાવના ઘર કરી ગઈ છે કે બધાં ચોર છે. તેની અનુભૂતિ તાજેતરમાં સ્થગિત થયેલા અન્નાના અનશન-આંદોલનથી થાય છે.

જનતાને અન્ના હજારેમાં એક વિકલ્પ દેખાયો છે. એક બિનરાજકીય વિકલ્પ દેખાયો છે. અન્નાનું સરળ અને સીધું લાગતું વ્યક્તિત્વ જનતાના દિલમાં અંકિત થઈ ચુક્યું છે. માટે મીડિયાના ભરપૂર સાથથી ઈન્ટરનેટ, ટીવીના માધ્યમથી જનતાના ઘણાં મોટાભાગને અન્નાના અનશન આંદોલને આવરી લીધો છે. જો કે અત્રે યાદ રાખવું જોઈએ કે આંદોલનમાં આવરી લેવાયેલો જનતાનો મોટોભાગ 121 કરોડની જનતાનો ખૂબ નાનો હિસ્સો છે. પરંતુ સિવિલ સોસાયટી અને તેમના ટેકેદારોનો આ નાનો હિસ્સો સંસદને કેટલીક બાબતોમાં નમાવા માટે સફળ થયો છે. પરંતુ આ જનતાની જીત કરતાં સિવિલ સોસાયટીની જીત વધારે છે. એટલા માટે કે સિવિલ સોસાયટી અને અન્નાને પોતાની વાત રજૂ કરવાની, જનતાનું સમર્થન મેળવવાની અને લોકપાલ મુદ્દે સંસદ પાસેથી કેટલાંક આશ્વાસનો મેળવવાની સફળતા મળી છે. પરંતુ ભ્રષ્ટાચાર મુદ્દે જનતાને લાભ થાય તેવી કોઈ સફળતા હજી સુધી જનતાને મળી નથી.

લોકશાહીમાં જનતાને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવીને સરકાર અને સત્તાપક્ષ પર દબાણ લાવવાનું કામ વિરોધ પક્ષનું છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયના આતંકવાદી હુમલા, મોંઘવારીનું મહાભારત, ગોટાળાના ચક્રવ્યૂહ, નક્સલી હિંસા, ખેડૂતોની સમસ્યા, જમીન અધિગ્રહણના કાળા કામો, વિનાશના પંથે આગળ ધપતો વિકાસ જેવાં મુદ્દાઓ વિરોધ પક્ષ જનતાની તરફેણમાં, જનતાના અવાજ તરીકે ઉઠાવીને જનતાની ભાવનાનું સરકાર પર દબાણ લાવવામાં નાકામિયાબ રહ્યો છે. જેના કારણે જનતા એનડીએ, ડાબેરીઓ અને અન્ય પ્રાદેશિક પક્ષોના વિપક્ષને વિશ્વાસની નજરે જોતી નથી. તેના કારણે ભારતીય રાજનીતિના ક્ષેત્રમાં પહેલી વખત બીજા ધ્રુવ પર મહાશૂન્ય દેખાયું. ત્યારે આ મહાશૂન્યને ભરવા માટે અન્ના હજારે અને તેમની સાથેની સિવિલ સોસાયટીને મીડિયાએ પોતાના સતત અભિયાન દ્વારા લોકોના દિલમાં પ્રસ્થાપિત કરી દીધી. તેના કારણે લોકોએ સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા તેમની થઈ રહેલી ઉપેક્ષાનો અન્નાના આંદોલનમાં ભરપૂર સાથ આપીને પડઘો પાડયો. ભારતીય રાજનેતાઓ અને રાજકીય પક્ષોએ દેશના રાજકીય પરિદ્રશ્યમાં ઉભા થયેલા દ્રશ્યો પરથી સંકટને ઓળખવું જોઈએ. કારણ કે આ દ્રશ્ય તેમના માટે જ નહીં, દેશ માટે પણ કોઈપણ રીતે ખુશનુમા નથી.

જાણીતા રાજનીતિક વિચારક ગોવિંદાચાર્યનું કહેવું છે કે દેશમાં અત્યારે સક્ષમ વિપક્ષની જરૂર છે. તેમણે ભારતીય પક્ષ નામના સામાયિકમાં મુલાકાતમાં કહ્યું છે કે દેશમાં અત્યારે સત્તાપક્ષ અને છદ્મ સત્તાપક્ષ અસ્તિત્વમાં છે. ત્યારે દેશના રાજકારણમાં એક બાબત સ્પષ્ટ રીતે આંખો સામે ઉપસી આવે છે કે આપણે ત્યાં જનતાના અવાજને પ્રતિબિંબિત કરનારો વિરોધ પક્ષ મૂક-બધીર છે. અને કારણ તેમના રાજકીય અંધાપામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પદે આવતાની સાથે જ મોહનરાવ ભાગવતે ભાજપની કિમોથેરપી અને સર્જરીની વાત કરી હતી. પરંતુ અન્ના હજારેના અનશન આંદોલન અને તેમાં વિરોધ પક્ષ તરીકે ભાજપની છેક છેલ્લી ઘડીઓ સુધીની અસમંજસતાએ સાબિત કરી દીધું છે કે હજી સર્જરી અથવા કિમોથેરપીની તીવ્રતા ઓછી છે અને તે લાંબો સમય સુધી ચલાવવી પડશે. મોંઘવારી સહીતના પ્રશ્નો સંદર્ભેની ભાજપની રેલીઓ એક કર્મકાંડ બની ગઈ હતી. આર્થિક ચિંતનમાં મૂડીવાદની પ્રાધાન્યતા અને વિકાસની વિકૃત વિભાવનામાં કોંગ્રેસ અને ભાજપમાં કોઈ ઝાઝો ફરક નથી. ત્યારે ભારતના 77 ટકા લોકો 8થી 20 રૂપિયાની રોજી કમાય રહ્યાં છે, તેની તેમને કોઈ ચિંતા ન હોય તે સ્વાભાવિક છે. તેવા સમયે ભારતના લોકો પોતાનામાં કોઈ મસિહા શોધે તે સ્વાભાવિક છે.

અન્નાનું આંદોલન જેટલું સત્તાધારી કોંગ્રેસની વિરોધમાં છે, તેટલું જ ભાજપ અને અન્ય રાજકીય પક્ષો માટે પણ વિરોધમાં છે. હકીકતમાં આ આંદોલન વર્તમાન વ્યવસ્થાના વિરોધમાં છે. જ્યાં કેન્દ્ર સહીત ઘણાં રાજ્યોમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારો છે, તો ઘણાં રાજ્યોમાં ભાજપ અને અન્ય પક્ષોની સરકારો છે. માટે અન્નાનું આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કોઈ એક પક્ષ વિરુદ્ધ નહીં, પરંતુ સંપૂર્ણ રાજકીય પક્ષોના વિરોધમાં નજરે પડયું છે. તેથી જ આ આંદોલનની આડમાં ભાજપ અથવા અન્ય પક્ષો કોંગ્રેસ પર કટાક્ષ કરે અથવા વડાપ્રધાનના રાજીનામાની વાત કરે, તો તેને યોગ્ય ઠેરવી શકાય નહીં. તેવી જ રીતે કોંગ્રેસના પણ આવા પ્રયાસોને યોગ્ય ઠેરવી શકાય નહીં કે જેમાં તે કોઈ વિરોધી પક્ષને આ આંદોલનથી જોડે. જનતાએ સમજવાની જરૂર છે કે હાલના રાજકીય પરિદ્રશ્યમાં કોઈપણ પક્ષ પોતે સ્વચ્છ હોવાનો જનતાને વિશ્વાસ આપતો નથી, પરંતુ તેઓ એવી હોડમાં છે કે તેમના કરતાં અન્ય પક્ષ વધારે ભ્રષ્ટ છે અને તેવો ઓછા ભ્રષ્ટ છે.

આ આંદોલને ભારતીય રાજકીય ચિંતકો અને નેતાઓને એ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે ભારતીય રાજકારણ હવે એ હદે આવી ચુક્યું છે કે આમ આદમી આ રાજકીય પરિસ્થિતિઓથી અત્યંત પરેશાન થઈ ગયો છે. આપણે સત્તાની વાત કરીએ તો કોઈપણ પક્ષ, ગત 64 વર્ષોમાં કોઈપણ સમાધાન સામે લાવી શક્યો નથી કે આમ જનતાને લાગે કે તએ લોકશાહીમાં જીવન જીવી રહ્યો છે. આ પ્રકારે વિપક્ષની વાત કરીએ તો આઝાદીના કેટલાંક દશકોને બાદ કરતાં ભારતમાં વિપક્ષ ઘણો કમજોર રહ્યો છે. જો વિપક્ષમાં દમખમ હોત તો જે આંદોલન અન્નાએ કર્યું છે તે આંદોલન આજે ભાજપના હાથમાં હોત. હકીકતમાં આ વિપક્ષની કમજોરી છે કે જે મુદ્દા અને વાતો આમ જનતાના હિતમાં વિપક્ષે કરવી જોઈતી હતી, તેને સિવિલ સોસાયટીએ ઉઠાવી છે. લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષનું કામ છે કે તે સત્તા પર અંકુશ રાખે અને સત્તારૂપી મદમસ્ત હાથીને નિયંત્રિત રાખે. તેના માટે બંધારણે લઘુમતને સંરક્ષણ આપ્યું છે. પરંતુ સંસદમાં વિપક્ષની કમજોરીએ બંધારણની આ જોગવાઈ પર પાણી ફેરવી નાખ્યું છે. ભાજપ આંતરીક ઝગડાઓમાં ગુંચવાયેલી છે, તો ડાબેરીઓ પ.બંગની ચૂંટણીમાં હારના ધક્કામાંથી ઉગરી શક્યા નથી. ત્રીજા મોરચાને હવે આ દેશની જનતાએ નકારી દીધો છે. આવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ હોવાના નાતે ભાજપ પર એ ભાર વધારે છે કે તે યુપીએ સરકાર પર નિયંત્રણ રાખે અને જો સરકાર નિયંત્રિત ન થાય, તો તેઓ લોકતાંત્રિક રીતે આમ જનતા વચ્ચે આંદોલનો કરે, ધરણાં કરે, પ્રદર્શનો કરે. પરંતુ છેલ્લા થોડા સમયની પરિસ્થિતિઓ પર નજર કરીએ તો, પેટ્રોલના ભાવમાં વધારો, મોંઘવારીમાં વધારો, દેશમાં મોટામોટા ગોટાળા પરંતુ વિપક્ષ કોઈ મોટું પગલું ઉઠાવી શક્યો નથી. માત્ર પોતપોતાના વક્તવ્યો જારી કરે અને નાનામોટા પ્રદર્શનો કરીને કર્મકાંડી દાયિત્વોનું નિર્વહન કરવાથી ઈતિશ્રી માને. આજે જો સમયસર વિપક્ષી દળોએ સત્તાના વિરોધમાં મોરચો ખોલી નાખ્યો હોત, તો અન્ના હજારેના આંદોલનને આટલો ટેકો મળ્યો ન હોત.

અત્રે એક વાત નિશ્ચિત છે કે દેશની સામાન્ય જનતા કોઈ સક્ષમ વિકલ્પ ચાહે છે. તે કોંગ્રેસ-ભાજપ સહીતના રાજકીય પક્ષોથી ઉબાઈ ગઈ છે. તેના કારણે અન્નાની આજુબાજુના ખોટા માણસોને અવગણીને પણ અન્ના હજારે જેવાં નિષ્પક્ષ અને યોગ્ય લાગનારા આમ આદમીને નેતૃત્વ કરવા મળે તો આમ આદમી આજે તેમની સાથે થવા માટે તૈયાર છે. એવું નથી કે ભ્રષ્ટાચાર આ દેશમાં અચાનક જ ફૂટી નીકળ્યો છે. વખતોવખત સરકારોએ તેના ઉપાયો પણ કર્યા છે, પરંતુ મોટામોટા ગોટાળા અને હાલની રાજકીય-સામાજિક પરિસ્થિતિઓએ આમ જનતાના મનમાં આ દેશના નેતાઓ પ્રત્યે વિશ્વાસ ખતમ કરી નાખ્યો છે. આમ જનતાને આ વખતે એવું લાગ્યું છે કે વાસ્તવમાં એક વ્યક્તિ છે, જે આપણી વચ્ચે છે, જે આપણો છે, જે આપણા ખુદના અવાજમાં, આપણી ખુદની ભાષામાં વાત કરે છે અને બસ એ જ કારણ છેકે લોકોને અન્ના પર વિશ્વાસ થઈ ગયો કે આ વ્યક્તિ આપણો નેતા બનવાને લાયક છે અને લોકો મીડિયાની મદદથી તેમની તરફ ખેંચવા લાગ્યા. જો કે હવે જવાબદારી અન્ના હજારે પક્ષે છે કે તેઓ જનતાની અપેક્ષાઓને જાળવી રાખે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં રાજકીય પક્ષોએ પોતપોતાની સ્થિતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ અને તેમણે સમાન્ય જનતાની વચ્ચે જઈને તેમની વાત અને પરિસ્થિતિને સમજવી જોઈએ.

આવનારી સામાન્ય ચૂંટણીઓમાં આ આંદોલનની ઘણી અસર થશે તેવા અનુમાનો લગાવાય રહ્યાં છે. હાલમાં એવું લાગે છે કે આ આંદોલનથી કોંગ્રેસને ઘણું નુકસાન જશે, પરંતુ એ પણ સત્ય છે કે ભાજપ સહીત કોઈપણ વિપક્ષ આ આંદોલનનો રાજકીય ફાયદો ઉઠાવી શક્યો નથી. આવી પરિસ્થિતિમાં અન્ના હજારે અને તેમની ટીમના સાચાખોટાં માણસોની એ જવાબદારી છે કે સામાન્ય જનતાનીવચ્ચે જાય, કારણ કે આ દેશનો આમ આદમી અન્નાની તરફ તાકીને ઉભો છે કે કદાચ કોઈ રસ્તો બતાવી દે. જો આવું નથી થતું તો પછી તે જ પક્ષ છે, તે જ લોકો છે, તે સત્તા અને તે જ વિપક્ષ છે. માત્ર એટલું થઈ શકશે કે તેમના બેસવાના સ્થાન બદલાઈ જશે.

Friday, August 26, 2011

ભ્રષ્ટતંત્રને લોકતંત્રમાં ફેરવવાનો જનમાર્ગ


-આનંદ શુક્લ

ભારતમાં લોકતંત્ર ક્યાં છે? અહીં તો પાર્ટીનું, પાર્ટી દ્વારા અને સત્તા માટે ચાલતુ પાર્ટીતંત્ર જ અસ્તિત્વમાં છે. ભારતની સંસદીય લોકશાહી હકીકતમાં સંસદીય પાર્ટીશાહી છે. લોકશાહીમાં લોકો, લોકોની લાગણી અને લોકોની માગણી બધું જ અદ્રશ્ય છે. દેશની સંસદમાં પાર્ટીઓ પોતાને ફાવે તે રીતે, પોતાને ફાવે તેવી વ્યવસ્થા ઉભી કરીને દેશનું શોષણ અને દોહન કરે છે. તેના પુરાવા તરીકે ઘણી વસ્તુઓ મળી શકે તેમ છે. ભારતમાં 78 કરોડ લોકો ગરીબોની શ્રેણીમાં આવે છે. તેમ છતાં દેશની સંસદે ગરીબોને કેટલું પ્રતિનિધિત્વ આપ્યું છે, તેની જાણકારી દેશના સાંસદોએ જાહેર કરેલી સંપત્તિ પરથી મળી શકે તેમ છે. દેશની સંસદ અને વિધાનસભા કરોડપતિઓ અને અબજોપતિઓના હાથમાં છે. દેશની સંસદમાં 150થી વધારે સાંસદો ગુનેગારની શ્રેણીમાં આવે છે. છેલ્લા એક વર્ષમાં લોકોની સામે આવેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાના મામલા જણાવે છે કે દેશની પાર્ટીશાહીએ આપણને લૂંટવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ આયોજન, નોઈડા જમીન અધિગ્રહણ, આદર્શ હાઉસિંગ સોસાયટી, કર્ણાટક ખનન અને જમીન કૌભાંડ. આ તો ખાલી લોકો સામે ખુલ્લા પડી ગયેલા ગોટાળાનું નાનું લિસ્ટ છે. કહેવામાં આવે છે કે દેશની જનતાના સાડા સાત લાખ કરોડ રૂપિયા ભ્રષ્ટ નેતાઓ ચાઉ કરી ગયા છે. આટલો ભ્રષ્ટાચાર થાય, ત્યારે તેને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં? પણ જ્યારે વાડ જ ચિંભડા ગળતી હોય, ત્યારે કોઈ વ્યવસ્થા કામ આવે કે કેમ?

અન્ના હજારે જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર પર 60-65 ટકા રોક લાગવાની આશા સેવી રહ્યાં છે. પરંતુ સવાલ એ છે કે ભ્રષ્ટ પાર્ટીશાહી એવી કોઈ વ્યવસ્થા બનાવવા દેશે કે જે તેમના દ્વારા થતાં ભ્રષ્ટાચારમાં કોઈ બ્રેક મારી શકે? વળી જનલોકપાલની નિમણૂક અને પસંદગી પાર્ટીશાહીની દેખરેખ નીચે જ થવાની છે. ત્યારે જનલોકપાલ ભ્રષ્ટ નહીં હોય તેવું કોઈ ખાતરીપૂર્વક કહી શકે તેમ નથી. હાલમાં કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન કર્યું છે કે આજે દરેક ભારતીય ભ્રષ્ટાચારથી પરેશાન છે, પરંતુ માત્ર એક કાયદાથી ભ્રષ્ટાચાર દૂર થશે નહીં. આ બુરાઈના ખાત્મા માટે કાયદો અને મજબૂત સરકારી ઈચ્છાશક્તિની જરૂરત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એવી ધારણા છે કે જનલોકપાલ બિલ પાસ થઈ જવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, પરંતુ મને તેમા ગંભીર શંકા છે. જો લોકપાલ ભ્રષ્ટ થઈ ગયો તો પછી શું થશે, માટે આપણે શા માટે લોકપાલને ચૂંટણી પંચની જેમ મજબૂત બંધારણીય સંસ્થા ન બનાવીએ? તેમણે અન્ના પર પરોક્ષ નિશાન સાધતા કહ્યું કે વ્યક્તિઓના રૂપમાં લોકોએ દેશને મહાન યોગદાન આપ્યું છે. તેમણે દેશની આઝાદી અને વિકાસ માટે લોકોને એકજૂટ કર્યા. પરંતુ વ્યક્તિગત ફરમાન કેટલું પણ નેક ઈરાદાથી કેમ ન થાય, લોકતાંત્રિક પ્રક્રિયાને કમજોર કરે છે. ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન પણ વિચારવા યોગ્ય તો છે જ? જો કે ભારતનું લોકતંત્ર ભ્રષ્ટતંત્રના કબજામાં છે. ત્યારે સવાલ એ પણ છે કે ભારતના લોકતંત્રને ભ્રષ્ટતંત્રમાંથી બચાવીને કેવી રીતે મુક્ત કરવું?

સંસદીય લોકશાહીની મર્યાદા સંદર્ભે ગાંધીજી અને આંબેડકરના વિચારો

ભારતે આઝાદી વખતે જવાહરલાલ નેહરુની આગેવાનીમાં સંસદીય લોકશાહી પ્રણાલી અંગિકાર કરી હતી. પરંતુ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર સંસદીય લોકશાહી પ્રણાલીની તરફેણમાં ન હતા. મહાત્મા ગાંધીએ તેમના જગવિખ્યાત પુસ્તક હિંદ સ્વરાજમાં 1909માં બ્રિટનની સંસદીય લોકશાહી અને સંસદ પર સ્પષ્ટ અને ધારદાર ટિપ્પણી કરી હતી. મહાત્મા ગાંધીએ બ્રિટનની સંસદને વેશ્યા (અનૈતિક) અને વાંઝણી (અરચનાત્મક) કહી હતી. તેમણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં આજે (1909) જે પરિસ્થિતિ છે, તે ખરેખર દયનીય છે. ઈંગ્લેન્ડની સંસદે આજ સુધી પોતાની મેળે એકપણ સારું કામ કર્યું નથી. જો તેના પર કોઈ જોર-દબાણ કરનારું ન હોય, તો તે કંઈપણ ન કરે તેવી તેની કુદરતી સ્થિતિ છે. અને તે એ અર્થમાં એક વેશ્યા સમાન છે કે જે મંત્રીમંડળ તેના પર કાબિજ રહે છે, તેની પાસે રહે છે. સંસદ સભ્ય બનાવટી અને સ્વાર્થી મળે છે. બધાં પોતાનો મતલબ સાધવાનું વિચારે છે કોઈ લોકોનું ભલાઈ માટે વિચારતુ નથી. માત્ર ડરને કારણે જ સંસદ કંઈક કામ કરે છે. જે કામ આજે કરે છે, તે કાલે તેને રદ્દ કરવું પડે છે. જેટલો સમય અને પૈસા સંસદ ખર્ચ કરે છે, જો તેટલો સમય અને પૈસા સારા લોકોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. બ્રિટિશ સંસદ માત્ર પ્રજાનું રમકડું છે અને આ રમકડું પ્રજાને ભારે ખર્ચામાં નાખે છે. શું 1909માં બ્રિટનની પાર્લામેન્ટ માટે કહેલી ગાંધીજીની વાતો આજે ભારતની સંસદ માટે સાચી નથી?

આંબેડકરની સ્પષ્ટ માન્યતા હતી કે સંસદીય લોકતંત્ર જનતાની મૂળ સમસ્યાઓનું સમાધાન કરી શકતું નથી. 1943માં ઈન્ડિયન ફેડરેશનના કાર્યકર્તાઓની એક શિબિરમાં ભાષણ કરતાં તેમણે કહ્યું હતું કે દરેક દેશમાં સંસદીય લોકશાહી પ્રત્યે ઘણો અસંતોષ છે. ભારતમાં આ પ્રશ્ન પર વિચાર કરવાની ઘણી જરૂરત છે. ભારત સંસદીય લોકશાહી પ્રાપ્ત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. એ વાતની જરૂરત છે કે કોઈ યથેષ્ઠ સાહસ સાથે ભારતવાસીઓને કહે કે- સંસદીય લોકતંત્રથી સાવધાન. આ એટલું સારું ઉત્પાદ નથી કે જેટલું દેખાતું હતું. તેમણે આ ભાષણમાં કહ્યું હતું કે સંસદીય લોકશાહી ક્યારેય જનતાની સરકાર રહી નથી, ન તો જનતા દ્વારા ચાલનારી સરકાર રહી. ક્યારેય એવી સરકાર પણ રહી નથી, જે જનતા માટે હોય. આંબેડકરે સંસદીય લોકશાહીની વ્યાખ્યા કરતાં લખ્યુ છે કે સંસદીય લોકશાહી શાસનનું એવું સ્વરૂપ છે જેમાં જનતાનું કામ પોતાના માલિકો માટે વોટ આપવો અને તેમને શાસન કરવા માટે છોડી દેવા થાય છે.

ગાંધીજી અને આંબેડકર બંને સંસદીય લોકશાહી માટેના પોતાના મંતવ્યો પર સાચા પુરવાર થઈ રહ્યા છે. ભારતમાં દર પાંચ વર્ષે જનતાને માત્ર વોટ આપવાનો અધિકાર મળે છે અને પાંચ વર્ષ માટે જનપ્રતિનિધિઓને રાજ કરવાનો અધિકાર મળે છે. પાંચ વર્ષ સુધી સત્તા પરિવર્તન માટે આંદોલનો સિવાય અન્ય કોઈ રસ્તો ભારતીય સંસદીય લોકશાહીમાં ખુલ્લો રાખવામાં આવ્યો નથી. 1977માં જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં થયેલા આંદોલનોના પરિણામે કટોકટી બાદ શક્તિશાળી વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસે સત્તામાંથી દૂર થવું પડયું. 1989માં બોફોર્સ મુદ્દે વી.પી.સિંહ દ્વારા બિનકોંગ્રેસી રાષ્ટ્રીય મોરચા થકી સત્તા પરિવર્તન થયું. ત્યાર બાદ 1996થી 2004 સુધી બિનકોંગ્રેસી સરકારો સત્તામાં રહી. પણ આ સમયગાળામાં પ્રજાએ અનુભૂતિ કરી લીધી કે કોંગ્રેસી રાજકારણી હોય કે બિનકોંગ્રેસી રાજકારણી તેમની માનસિકતા અને સત્તાની હિતસાધનામાં કોઈ તફાવત હોતો નથી. પ્રજાને રાજકારણીઓથી થયેલા મોહભંગને કારણે દેશમાં એક નિરાશાની સ્થિતિ પ્રવર્તી રહી છે. દેશમાં મોંઘવારીનો મુદ્દો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, આતંકવાદનો મુદ્દો હોય, નક્સલવાદનો મુદ્દો હોય પણ વિરોધ પક્ષ અને સત્તાપક્ષ વચ્ચે જાણે કે કોઈ સમજૂતી થઈ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દેખાડા માટે પ્રતીકાત્મક ધરણાં અને રેલીઓથી પ્રજા કંટાળી ગઈ છે. તેવા સમયે દેશના રાજકારણમાં ઉભા થયેલા મહાશૂન્યને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ આંદોલને ભરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે આ મહાશૂન્ય લગભગ ભરાઈ ગયું છે. વિપક્ષો-ભાજપ અને ડાબેરી બંને અન્નાની પડખે ગમા-અણગમા સાથે ઉભા રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે ભારતની સંસદીય લોકશાહી લોકતંત્રની પૂર્ણતા સ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે? શું ભારતમાં જનભાવનાને પ્રતિબિંબિત કરતું લોકતંત્ર સ્થાપિત કરી શકાય? તેના માટે સંસદીય લોકશાહીમાં કોઈ વ્યવસ્થા ઉભી કરીને પ્રયોગ કરી શકાય?

લોકતંત્રને ભ્રષ્ટતંત્રમાંથી મુક્ત કરવાનો જનમાર્ગ

લોકોની લાગણી વિરુદ્ધ વર્તન કરતાં જનપ્રતિનિધિઓને પક્ષપલટા, ભ્રષ્ટાચાર, દાદાગીરી કરતાં રોકવા માટે જનભાગીદારી વધારવાનો એક પ્રયોગ ભારતની લોકશાહીમાં થવો જોઈએ. આ પ્રયોગ માટે જનતાને વધારે શિક્ષિત અને જાગરૂક કરવાની સાથેસાથે તેને નવા અધિકારો આપીને જનપ્રતિનિધિઓ પર લગામ નાખવી જોઈએ. તેના માટે સાત પ્રકારની જોગવાઈઓને તબક્કાવાર અમલમાં લાવી શકાય-(1) પક્ષોમાં આંતરીક લોકતંત્રની સ્થાપના (2) ચૂંટણી ફંડના ધારાધોરણો નક્કી કરવા (3) રાઈટ ટુ રિજેક્ટ (4) રાઈટ ટુ રિકોલ (5) વ્હિપ નહીં, અંતરાત્મા અને જનભાવનાને આધારે નિર્ણય (6) રેફરન્ડમ કે જનમત લેવાનો વિકલ્પ ખુલ્લો રાખવો (7) રાષ્ટ્રીય સરકારની જોગવાઈ કરવી

આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશના તમામ પક્ષોમાં વત્તાઓછા પ્રમાણમાં વંશવાદ, આઈડિયોલોજીકલ જોહૂકમી, સત્તા-સ્વાર્થ સાધના, તકવાદ, સિદ્ધાંતવિહીનતા વગેરે અનિષ્ટો જોવા મળી રહ્યાં છે. રાજકીય પક્ષોમાં યોગ્યાતા નહીં, ચમચાગીરીથી આગળ વધી શકાય છે, તેવી એક આમ ધારણા રહેલી છે. પક્ષોને અમુક પરિવારો, જૂથ કે લોકો પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે ચલાવે છે. ભાજપની સામે તાજેતરમાં પક્ષમાં પાછા ફરેલા ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે આવા આરોપો મૂક્યા હતા. કોંગ્રેસ પાર્ટી ગાંધી-નેહરુ પરિવારની છત્રછાયામાં ચાલે છે. સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહના પરિવારની જાગીર છે. શિવસેનાને બાલ ઠાકરે રિમોટ કંટ્રોલથી ચલાવે છે. ડીએમકેને કરુણાનિધિ વર્ષોથી પારિવારીક જાગીરની જેમ ચલાવે છે. તેલગુદેશમ પાર્ટી પણ ચંદ્રાબાબુ નાયડુને સસરાની વારસાઈમાં મળી છે. ત્યારે આ તમામ પક્ષોમાં ટિકિટ વહેંચણી અને પદો પરની નિમણૂકમાં કોઈપણ પ્રકારનું વ્યવસ્થા તંત્ર દેખાતું નથી. તેમાં લોકતંત્રનો અભાવ હંમેશા વર્તાય છે. પરંતુ ભારતના લોકોની સામંતી માનસિકતાને કારણે પાર્ટીના આંતરીક લોકતંત્ર માટે પાર્ટીમાંથી કોઈ અવાજ ઉભો થતો નથી. તો ચૂંટણી પંચે રાજકીય પક્ષોના આંતરીક લોકતંત્ર માટે ચોક્કસ નીતિ-નિયમોની આચારસંહીતા પણ બનાવવી જોઈએ. કારણ કે સંસદીય લોકતંત્રમાં લોકોમાંથી પાર્ટી અને પાર્ટીમાંથી સત્તાપક્ષ અને વિપક્ષ બંને આવે છે. લોકોની ભાવના તંત્રમાં ત્યારે જ પ્રતિબિંબિત થાય કે જ્યારે રાજકીય પક્ષોમાં આંતરીક લોકશાહીની શરૂઆત થાય.

આ સિવાય ચૂંટણી ફંડોમાં ઘણાં કાળા નાણાંનો ઉપયોગ થતો હોવાની વાત કોઈનાથી છુપી નથી. રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચાના ખોટા હિસાબ આપતા હોવાની અથવા ઉમેદવારો પણ આ સંદર્ભે ખોટી માહિતી આપતા હોવાની બાબત ચર્ચામાં છે. વળી ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની જે મર્યાદા છે, તે મર્યાદામાં ચૂંટણી ખર્ચ આટોપવો અઘરો છે. ત્યારે ચૂંટણી ફંડની એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે જેમાં પક્ષો અને ઉમેદવારો ખોટું બોલવા પ્રેરાય નહીં અને સાચી માહિતી આપે. વળી બ્લેક મનીના ઉપયોગને સદંતર ટાળવા માટે ચૂંટણી ફંડ અથવા અન્ય વૈકલ્પિક યોજના વિચારી શકાય.

રાજકારણના અપરાધીકરણ અને તમામ રાજકારણીઓના એકસરખા અનુભવને કારણે જનતાને ચૂંટણીમાં ઉભા રહેનારા કોઈપણ ઉમેદવારને ચૂંટવામાં રસ હોતો નથી. તેના કારણે તેઓ મતદાન કરવા જતાં નથી. જે લોકો જાય છે, તેમની પાસે ચૂંટણીમાં ઉભા રહેલા એક ઉમેદવારને ચૂંટવાનો વિકલ્પ હોય છે. ત્યારે ચૂંટણીમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોને નાપસંદ કરવાનો અધિકાર રાઈટ ટુ રિજેક્ટની જોગવાઈથી આપવો જોઈએ. તેના કારણે મતદાનની ટકાવારી જે 50-70ની વચ્ચે રહે છે, તે વધારવામાં સફળતા મળશે. અત્યારે મતદાનની ટકાવારી ચૂંટણીઓમાં ઓછી રહે છે, ચૂંટણી મેદાનમાં ઘણાં બધાં ઉમેદવારો હોય છે. માટે જે ચૂંટાયેલો ઉમેદવાર હોય છે, તે 50-70 ટકા મતદાનમાંથી કુલ 30-40 ટકા મતદારોનો ટેકો મેળવી શકે છે. ત્યારે સવાલ એ છે કે આવા જનપ્રતિનિધિઓ કેવી રીતે જનતાના પ્રતિનિધિ ગણી શકાય?

આ સિવાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વહિત, સત્તાપ્રાપ્તિ અને સ્વાર્થને વશ થઈને સિદ્ધાંતોને છોડીને જનતાની ભાવનાને અવગણીને પક્ષપલટા કરે છે. ત્યારે એવી જોગવાઈ હોવી જોઈએ કે પક્ષપલટા તદ્દન અટકી જાય. અત્યારે પક્ષના એક તૃતિયાંશ સભ્યો સંમત હોય તો પક્ષપલટો કરે છે. પરંતુ જ્યારે સિદ્ધાંત અને વિચારધારા સિવાયના મુદ્દા પર પક્ષપલટો થતો હોય, ત્યારે જનપ્રતિનિધિનું સંસદ સભ્યપદ રદ્દ થાય અને તેને ફરીથી ચૂંટણીમાં ઉતારવા જેવી કડક જોગવાઈ કરવી જોઈએ. આના માટે જનતાને રાઈટ ટુ રિકોલનો અધિકાર પણ આપવો જોઈએ.
આ સિવાય સંસદ અને ધારાસભામાં પૂર્ણ લોકતંત્ર હોવું જોઈએ. ઉમેદવારોને કોઈપણ મુદ્દે સંસદ અને ધારાસભામાં મતદાન કરવા માટે પાર્ટી વ્હિપ આપવામાં આવે છે. જો સાંસદ કે ધારાસભ્ય પાર્ટી વ્હિપ પ્રમાણે વર્તે નહીં, તો તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થાય છે. જેના કારણે જનપ્રતિનિધિઓ અંતરાત્મા, જનતાના અવાજ અને સિદ્ધાંતને અવગણીને પણ ઘણીવાર પાર્ટીના વ્હિપ પ્રમાણે મતદાન કરતો હોય છે. લોકશાહી માટે આ એક ઘણી વિકટ વ્યવસ્થા છે. ત્યારે પૂર્ણ લોકશાહી માટે સંસદ અને ધારાસભામાં જનપ્રતિનિધિને જનતાની લાગણી પ્રમાણે અંતરાત્મા મુજબ પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે મત વ્યક્ત કરવાનો અધિકાર મળવો જોઈએ.

ભારતમાં રાષ્ટ્રીય નીતિ અને રાજનીતિ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદ રેખા નથી. જેના કારણે રાષ્ટ્રનીતિ પર રાજનીતિ થાય છે અને દેશના રાષ્ટ્ર હિતને ઘેરુ નુકસાન થાય છે. ભારતમાં રાષ્ટ્રીય મુદ્દાઓ સંદર્ભે ઘોર અસ્પષ્ટતાઓ અને અસમંજસતાઓ પ્રવર્તી રહી છે. આવી બાબતોમાં પાકિસ્તાન, ચીન, અમેરિકા, રશિયા સંદર્ભેની નીતિમાં અસ્પષ્ટતાઓ, પરમાણુ નીતિઓમાં મતભેદ, કાશ્મીર મુદ્દા પર નીતિભેદ, આતંકવાદ પર મતભેદ, નક્સલવાદ, કોમવાદ, જાતિવાદના મુદ્દાઓ ચોક્કસ નીતિનો અભાવ જોવા મળે છે. ત્યારે આ પ્રકારના મુદ્દાઓ કે જેના પર તમામ પક્ષો સંમત ન થઈ શકતા હોય અથવા જે લોકોની લાગણી વિરુદ્ધના લાગતા હોય, તેમાં સરકાર અને તંત્રએ જનતાનો સીધો મત જાણવા માટે જનમત લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેના દ્વારા જનતાની રાષ્ટ્રીય મુદ્દાઓમાં સીધી ભાગીદારી થશે અને પક્ષોને સત્તાસાધના માટે રાજનીતિ કરવાનો મોકો મળશે નહીં.

આટલા મોટા દેશમાં સતત ચૂંટણીઓ અને જનમત લેવાની વાત ઘણી કપરી, ખર્ચાળ અને ક્યારેક અવ્યવહારીક થઈ જાય છે. ત્યારે તેવી સ્થિતિમાં તમામ પક્ષો દ્વારા રાષ્ટ્રીય સરકારના વિકલ્પને ખુલ્લો રાખવો જોઈએ. રાષ્ટ્રીય સરકારોનો પ્રયોગ ઈઝરાયેલ અને અન્ય ઘણાં પશ્ચિમી દેશોમાં સફળતાથી થયો છે. ભારતની આઝાદીથી 1952માં પ્રથમ ચૂંટણી થઈ ત્યારે પંડિત જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રીય સરકાર સ્થાપીને દેશનો વહીવટ ચલાવ્યો હતો. તે વખતની રાષ્ટ્રીય સરકારને હજીપણ ઘણાં જાણકારો અને વડીલબંધુઓ શ્રેષ્ઠ સરકાર ગણાવે છે.

ત્યારે લોકશાહી એટલે લોકને તેમની ભાવના પ્રમાણે, તેમના દ્વારા અને તેમના માટે ચાલતા તંત્રની અભિવ્યક્તિ છે. આવું તંત્ર ત્યારે જ સંભવી શકે કે જ્યારે લોકોની સંસદીય લોકશાહી પ્રણાલીમાં ભાગીદારી વધારવામાં આવે. આવી ભાગીદારી વધારવા માટે ઉપરના તમામ પ્રયોગો એકસાથે અમલમાં લાવવાની જરૂરત નથી. પણ તેમના પ્રયોગાત્મક અમલ માટેની દિશામાં તબક્કાવાર વિચારવું જોઈએ. જે દેશના રાજકીય આરોગ્ય અને સંસદીય લોકશાહીને સફળ બનાવવા માટે બેહદ જરૂરી છે. ભ્રષ્ટાચાર એ વ્યસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે, તે કોઈ એક જનલોકપાલના આવી જવાથી ખતમ થવાનો નથી. તેમાં વ્યવસ્થા પરિવર્તન અથવા સુધારાને ઘણો બધો અવકાશ છે.

આંબેડકરની ધારણા હતી કે લોકપ્રિય સરકારના તામજામ વગર સંસદીય લોકશાહી વાસ્તવમાં આનુવંશિક શાસકવર્ગ દ્વારા આનુવંશિક પ્રજા વર્ગ પર હકૂમત છે. આ સ્થિતિ વર્ણવ્યવસ્થાથી ઘણી મળતી છે. ઉપરથી લાગે છે કે કોઈપણ વ્યક્તિ ચૂંટાઈ શકે છે, મંત્રી થઈ શકે છે, શાસન કરી શકે છે. વાસ્તવમાં શાસક વર્ગ એક પ્રકારે વર્ણ બની જાય છે. તેમાંથી જ થોડા ઉલટફેરની સાથે શાસકો ચૂંટાય છે. જે પ્રજા વર્ગ છે, તે સદા શાસિત બની રહે છે. આવી વ્યવસ્થા લોકતંત્રને ભ્રષ્ટતંત્ર બનાવે છે અને તેનાથી ભ્રષ્ટાચાર માઝા મૂકે છે. ત્યારે આવી વ્યવસ્થાને બદલવા માટે આપણી પાસે બે વિકલ્પ છે, કાં તો વ્યવસ્થા પરિવર્તન કરવું અને કાં તો વ્યવસ્થામાં તસવીર ધડમૂળથી બદલાય તેવા સુધારા અને ફેરફાર કરવા. જો કે દરેક સફળ તંત્ર, વ્યવસ્થાની સફળતા તેને અમલી બનાવનારા લોકો પર નિર્ભર કરે છે. જો કે સારી વ્યવસ્થા લોકોથી ખરાબ અને ખરાબ વ્યવસ્થા લોકોથી જ સારી થતી હોય છે. ત્યારે લોકોએ આના માટે દ્રઢ શરૂઆત કરવી જોઈએ. આખરે વ્યવસ્થા તેમના માટે છે.

Tuesday, August 23, 2011

જનમત વગરની લોકશાહી એટલે સામંતી લોકશાહી


-આનંદ શુક્લ

લોકશાહીમાં લોકો સાર્વભૌમ અને સર્વોચ્ચ હોય છે. લોકોની સાર્વભૌમિકતા અને સર્વોચ્ચતાનો મુસદ્દો દેશનું બંધારણ હોય છે. લોકતંત્ર લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતુ તંત્ર હોય, પણ તે પુરતું નથી, લોકોને તેવું લાગવું પણ જોઈએ. ભારતની સંસદીય લોકશાહીની સૌથી મોટી ખામી એ છે કે ભારતના લોકોને લોકતંત્રનો સીધો અહેસાસ થતો નથી. આ અહેસાસ તેમને ચૂંટણી વખતે જ થાય છે. આ પ્રકારનું લોકતંત્ર પૂર્ણ લોકતંત્ર કઈ રીતે કહી શકાય? લોકતંત્રની પૂર્ણતા ત્યારે જ છે, જ્યારે લોકોને દેશના મહત્વપૂર્ણ નિર્ણયોમાં સીધા સામેલ કરવામાં આવે. ભારતના લોકતંત્રમાં લોકો વોટ દ્વારા પોતાનું પ્રતિનિધિત્વ સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરોમાં રૂપાંતરીત કરે છે. ત્યારે બને છે, એવું કે આ જનપ્રતિનિધિઓ કુલડીમાં ગોળ ભાંગીને ક્યારેક, હવે તો અવાર-નવાર એવા નિર્ણયો કરે છે, કે જેની સાથે જનતા સંમત ન હોય. પણ પ્રણાલીની ખામી છે કે આવી બાબતોનો પડઘો જનતા તુરંત પાડી શકતી નથી. તેના માટે તેમને ચૂંટણી સુધીની રાહ જોવી પડે છે, તેના માટે તેઓ સત્તા પરિવર્તન કરવાની અથવા એક અન્ના હજારેની રાહ જોતા રહે છે. હકીકતમાં લોકશાહીના સ્વાસ્થ્ય માટે આવી પરિસ્થિતિ ઉભી થવી યોગ્ય નથી. પૂર્ણ લોકશાહીમાં આંદોલનોનો અધિકાર હોવા છતાં આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થતી નથી અથવા ઓછી ઉભી થાય છે.


બંધારણના ઘડવૈયાઓની આમા કોઈ ભૂલ હોવાનું કહેવાનું કોઈ તાત્પર્ય નથી. બંધારણના ઘડવૈયાઓએ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે કેટલીક જોગવાઈઓને બંધારણમાં સામેલ કરી નહીં હોય. તેના માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય, સામાજીક-રાજકીય અને અન્ય તમામ પ્રકારના પરિબળો કારણભૂત હશે.
ખેર તેની ચર્ચા અત્યારે અસ્થાને છે. પરંતુ એક વાત ચોક્કસ કરવી જોઈએ કે દેશમાં 1990થી શરૂ થયેલી લઘુમતી સરકાર અને ગઠબંધનની સરકારના ચાલે એવી લાગણી-માગણી અને જરૂરત ઉભી કરી છે કે જનભાવનાઓનો પ્રણાલી અને તંત્ર પૂર્ણ ખ્યાલ રાખે. આના માટે પ્રણાલી અને તંત્ર લોકોની ભાવના પ્રમાણે વર્તે તેવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી બની છે. જેથી જનતાએ સત્તા પરિવર્તન અથવા અન્ના હજારે જેવા વ્યક્તિઓના અનશન-આંદોલન સુધી રાહ ન જોવી પડે. કોઈપણ સમસ્યાના અસ્થાયી હલની જગ્યાએ તેનો તાત્કાલિક ઉકેલ કરીને સ્થાયી નિવારણની દિશામાં વિચાર કરવો જોઈએ. આવી નીતિમાં લોકતંત્રની પરિપકવતા પ્રતિબિંબિત થશે.

ત્યારે સવાલ એ છે કે આવી વ્યવસ્થા શું હોઈ શકે? દેશમાં જ્યારથી ગઠબંધન સરકારોનો તબક્કો આવ્યો છે, ત્યારથી રાષ્ટ્રીય અસ્થિરતા અને રાષ્ટ્રીય નીતિઓમાં સ્પષ્ટતાની કમી વર્તાય રહી છે. સંસદ અને ધારાસભાઓમાં લોકોના પ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો મનફાવે તેમ જનતાની ભાવનાની અણદેખી કરીને તકવાદી જોડાણો ઉભા કરીને પક્ષીય કે વ્યક્તિગત હિત સાધના માટે ઘણી વસ્તુઓ કરતાં રહે છે. અન્ના હજારે ભ્રષ્ટાચારને દૂર કરવા માટેના પવિત્ર ઉદેશ્યથી આંદોલન કરી રહ્યાં છે. તેમનું આંદોલન સફળ થાય. શીર્ષસ્થ સ્તરે ભ્રષ્ટાચાર પર કાબૂ કરીને તેના પર લગામ લગાવવાની અન્નાની ટીમની થિયરી આંશિકપણે સાચી છે. તેના માટે લોકપાલ જેવી વ્યવસ્થા કરવામાં આવે, તેનો પણ વાંધો નથી. પરંતુ તેમાં જનભાવનાને સારી રીતે પરખવાની અને તપાસવાની જરૂર છે. તેના માટેની કોઈ પદ્ધતિનો વિચાર થવો જોઈએ. આવી પદ્ધતિમાં જનમત સંગ્રહ એટલે કે રેફરેન્ડમનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે જનમત સંગ્રહ લોકતંત્રમાં લોકોને પ્રત્યક્ષ ભાગીદારીનો અવસર આપે છે. પણ ભારતના બંધારણમાં જનમત સંગ્રહની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે આવી જોગવાઈઓને ઉમેરવામાં ન આવે, તેવી કોઈ પાબંધી પણ કરવામાં આવી નથી.

અમેરિકી રાજનેતા જેફરસને બહુસારગર્ભિત વિચાર વ્યક્ત કર્યા હતા કે-“અમે પ્રત્યેક પેઢીને એક નિશ્ચિત રાષ્ટ્ર માની શકીએ છીએ, જેને બહુમતની મનસા દ્વારા ખુદને પ્રતિબંધિત કરવાનો અધિકાર છે, પરંતુ જેવી રીતે તેને કોઈ અન્ય દેશના નાગરીકોને પ્રતિબંધિત કરવાનો અધિકાર નથી, ઠીક તેવી જ રીતે ભાવિ પેઢીઓને બાંધવાનો પણ અધિકાર નથી.” આ વાતનો ઉલ્લેખ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતની પહેલી બંધારણ સભાના સમાપન ભાષણમાં ટાંકી હતી. જેફરસનને ટાંકીને બાબાસાહેબે બીજી વાત કરી હતી કે-“રાષ્ટ્રના ઉપયોગ માટે જે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, તેમને પોતાના કૃત્યો માટે ઉત્તરદાયી બનાવવા માટે પણ તેમના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવેલા લોકોના અધિકારો સંદર્ભે ભ્રાંત ધારણાઓને આધિન એ વિચાર કે તેમને છેડી શકાય નહીં અથવા બદલી શકાય નહીં, તે એક નિરંકુશ રાજા દ્વારા સત્તાના દુરુપયોગ વિરુદ્ધ એક પ્રશંસનીય જોગવાઈ છે, પરંતુ એક રાષ્ટ્ર માટે આ બિલકુલ બેતુકુ છે.”

પરંતુ આવી કોઈ વ્યવસ્થા પરિવર્તન વખતે આપણે જોન સ્ટુઅર્ટ મિલની લોકશાહી જાળવી રાખવા માંગતા લોકોને આપેલી ચેતવણી પર પણ ધ્યાન આપવું જોઈએ કે- “પોતાની સ્વતંત્રતાને એક મહાનાયકના ચરણોમાં પણ સમર્પિત ન કરે અથવા તેના પર વિશ્વાસ રાખીને તેને એવી શક્તિઓ પ્રદાન ન કરી દે કે તે સંસ્થાઓને નષ્ટ કરવા માટે સમર્થ બની જાય.” અન્ના હજારેના આંદોલનમાં જે વાત ખુલીને સામે આવી રહી છે, તે એ છે કે તેઓ દેશની બંધારણીય સંસ્થાઓને તેઓ (અન્ના) ઈચ્છે છે, તે કરવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમના તર્ક ગમે તેટલા સાચા હોય, પણ લોકતંત્રમાં આ પ્રકારની હરકત ચાલી શકે નહીં. તેના માટે કોઈ યોગ્ય લોકતાંત્રિક પ્રક્રિયા હોવી જોઈએ કે જે લોકોની ભાવના જાળવે અને માને, તથા બંધારણીય સંસ્થાઓની શક્તિ અને સમ્માનને પણ જાળવે. આવી જો કોઈ વ્યવસ્થા હોય, તો તે જનમત સંગ્રહ એક વિકલ્પ તરીકે સામે આવી શકે છે.

કોઈ મતભિન્નતા અથવા જનતાની ભાવના સંદર્ભે તોડજોડ કરતાં રાજકીય પક્ષોની વાતને અટકાવા માટે જનમત સંગ્રહ શ્રેષ્ઠ રસ્તો છે. તેમાં જનતાની ભાવના સીધી પ્રતિબિંબિત થશે અને જનપ્રતિનિધિઓને જનતાનો આદેશ મળશે કે તેઓ જે-તે મુદ્દે કેવી રીતે વર્તે, કેવી નીતિ ઘડે, કેવો કાયદો બનાવે? જનમત હંમેશા અસમાન્ય પરિસ્થિતિમાં લેવો જોઈએ, તેના માટે કોમ્યુનિકેશનના નવા યુગમાં નવી નવી પદ્ધતિઓનો સુચારુરૂપથી ઉપયોગ થઈ શકે છે. આ સિસ્ટમ સંદર્ભેના વિચાર બાદમાં બધાં સાથે મળીને કરી શકે છે. પરંતુ ઉદાહરણ તરીકે મજબૂત લોકપાલ લાવવો કે નહીં? લોકપાલ હેઠળ વડાપ્રધાન અને ન્યાયતંત્રને લાવવા કે નહીં? અને અન્ય તમામ વાતોનો ઉપયોગ જનમત સંગ્રહ કરાવીને કરી શકાય છે. આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે, તો અન્નાના અનશન અથવા આંદોલનની સ્થિતિ ઉભી થવાની શક્યતાઓ ઘણી નહીંવત રહે છે.

આ સિવાય દેશમાં રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને પણ હલકી રાજનીતિ થઈ રહી છે. આમા મુદ્દો આતંકવાદ હોય, કાશ્મીરનો હોય, કોમન સિવિલ કોડનો હોય, વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, નાણાંકીય નીતિ, સામાજીક ન્યાયના મુદ્દા, રામજન્મભૂમિ મંદિર-મસ્જિદ વિવાદ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે જોવું જોઈએ કે તમામ રાષ્ટ્રીય મુદ્દાઓને જનમત સંગ્રહથી ઉકેલી શકાય તેમ છે કે નહીં? જનતાની તેમા સીધી અભિવ્યક્તિ રહેશે અને એક વખત પરિણામ આવી ગયા પછી આ મુદ્દાઓ પરની રાજનીતિ અટકી જશે, વોટબેંકનું રાજકારણ અટકી જશે. આવા જનમત સંગ્રહ વિવાદીત કોમ્યુનલ વાયોલન્સ બિલ, મુસ્લિમ-ખ્રિસ્તી અનામત સંદર્ભે પણ કરી શકાય છે. જો કે સંસદ જનલોકપાલ મુદ્દે જે સ્ટેન્ડ લઈ રહી છે, તેવું જ જનવિરોધી સ્ટેન્ડ અવાર-નવાર શબ્દજાળ અને કાયદાના જાળામાં લેતી આવી છે. જેના કારણે દેશની રાષ્ટ્રનીતિ અને રાજનીતિ સ્પષ્ટ થઈ શકી નથી. માટે રાષ્ટ્ર નીતિને રાજનીતિની ભેળસેળમાંથી મુક્ત કરાવવા માટે લોકપાલના મુદ્દા સાથે રાષ્ટ્ર નીતિ સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ જનમત સંગ્રહ કરાવીને તેનો સ્થાયી ઉકેલ અને જનતાનો સીધો દિશા-નિર્દેશ જનપ્રતિનિધિઓએ મેળવવો જોઈએ. આ લોકશાહીની પૂર્ણતા અને પરિપકવતાની સર્વોચ્ચ સ્થિતિ હશે.

જો કે જનમત સંગ્રહ ક્યારે કરવો, કેવી રીતે કરવો, તેમા ક્યાં મુદ્દે જનતા પાસેથી ક્યારે નિર્દેશ લેવો, જનમત પહેલા જનજાગૃતિ માટે કેવી વ્યવસ્થા કરવી, તેવા સંજોગોમાં રાજકારણને કેવી રીતે અટકાવું- વગેરે બાબતોનો વિચાર કરીને એક ફૂલપ્રુફ સિસ્ટમ તૈયાર કરવી જોઈએ. ભારતની લોકશાહીની પૂર્ણતા જનતાની સીધી અભિવ્યક્તિને વાચા મળે તેમા રહેલી છે.

રેફરેન્ડમ કહીએ, પ્લેબિસાઈટ અથવા જનમત સંગ્રહમાં, આમ આદમી એ જ અર્થ કાઢે છે કે બહુમતી જનતાની હા અથવા ના- પ્રમાણે જ સરકાર કાયદો અને વ્યવસ્થા બનાવી શકે છે. ડાયરેક્ટ વોટના માધ્યમથી જનતા બંધારણમાં સંશોધન કરાવી શકે છે, જનપ્રતિનિધિઓને પાછા બોલાવવાનું કામ કરી શકે છે અને કાયદો બનાવી શકે છે. હાલના સમયમાં દુનિયાના 60થી વધારે દેશોની જનતાને જનમત સંગ્રહનો અધિકાર આપવામાં આવ્યો છે. યૂરોપીય સંઘનું સભ્ય પદ લેતા પહેલા તમામ 27 દેશોએ પોતાને ત્યાં જનમત સંગ્રહ કરાવ્યો હતો. યૂરોપીય સંઘનું ચલણ યૂરો છે. પરંતુ બ્રિટનની જનતાએ જનમત સંગ્રહમાં યૂરોનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો, તો સરકારે જનતાની વાત માનવી પડી. ભારત સાર્કનું સંસ્થાપક સભ્ય છે. પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં ભારત એકલો એવો દેશ છે, જેની જનતાને આ અધિકાર મળ્યો નથી.

જે ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાંમાર સંદર્ભે આપણે આકરી ટીકાઓ કરીએ છીએ કે આ દેશોની જનતાને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યાં પણ સરકારોએ જનમત સંગ્રહ કરાવ્યા છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ રહેશે અથવા વડાપ્રધાનનું, તેના પર 15 સપ્ટેમ્બર, 1991ના રોજ જનમત સંગ્રહ કરાવામાં આવ્યો હતો. રાજતંત્રથી લોકતંત્રની રાહ પર ચાલતા પહેલા ભૂટાનમાં પણ જનમત સંગ્રહ કરાવાયો હતો. 18 ઓગસ્ટ, 2007ના રોજ માલદીવમાં રાષ્ટ્રપતિ શાસન પદ્ધતિ અથવા સંસદીય શાસન વ્યવસ્થા, એ નક્કી કરવા માટે જનમત સંગ્રહ થયો હતો.

થાઈલેન્ડમાં નવા બંધારણ માટે 2007માં જનમત સંગ્રહ થયો હતો. નેપાળમાં 2 મે, 1980ના રોજ રેફરેન્ડમ થયું હતું, તેના દ્વારા જનતાએ રાજાની પંચાયતી વ્યવસ્થાને નકારી દીધી હતી. શ્રીલંકામાં સંસદની ટર્મ છ વર્ષ કરવાના સવાલ પર 22 ડિસેમ્બર, 1982ના રોજ જનમત સંગ્રહ કરાવાયો હતો. પરંતુ તમિલ બહુલ વિસ્તારોની સ્વાયત્તતાની માગણી પર શ્રીલંકામાં ક્યારેય જનમત સંગ્રહ થયો નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સુદાનની જેમ જનમત સંગ્રહની માગણી કેટલાંક તમિલ સંગઠનોએ કરી, તો શ્રીલંકાની સરકારે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

શું આને દેશની જનતાનું દુર્ભાગ્ય કહીએ કે ભારતના બંધારણમાં હજી સુધી જનમત સંગ્રહની કોઈ જોગવાઈ નથી? તેની પાછળ તર્ક આપવામાં આવે છે કે આ જોગવાઈનો દુરુપયોગ કાશ્મીરી અલગતાવાદીઓ કરી શકે છે. રાષ્ટ્રવાદીઓ આ પ્રશ્ને પંડિત નેહરુને કોસવાનો કોઈ મોકો છોડતા નથી કે તેમણે કાશ્મીર પર જનમત સંગ્રહ કરાવવાની વાત કેમ કહી હતી. પરંતુ પ્રશ્ન એ છે કે કાશ્મીર પર મતસંગ્રહ માત્ર કાશ્મીરમાં રહેનારાઓનો જ કરીશું? આખા દેશનો નહીં? અને શું આપણે શ્રીલંકાથી પણ કંઈ શીખી શકીએ નહીં? કાશ્મીરી અલગતાવાદીઓથી કેન્દ્રની કેમેસ્ટ્રી ન બેસવાને કારણે દેશ જનમત સંગ્રહના અધિકારથી વંચિત છે. આ ક્યાંનો ન્યાય છે?

લોકપાલ પર આજે નહીં તો કાલે કોઈને કોઈ હલ નીકળી આવશે. પરંતુ આ પ્રશ્ન અધૂરો રહી જશે કે દેશની કેટલી વસ્તી આ મહત્વપૂર્ણ પ્રશ્ન પર હા અથવા ના કહે છે. સંસદમાં આગળ પણ ઘણાં કાયદા બનશે અને બંધારણ સંશોધન થશે. તો શું દરેક સવાલ પર દેશને એક અન્ના હજારે જોઈએ?


કેનેડામાં એક એનજીઓ છે- વોટ વર્લ્ડ ગવર્નમેન્ટ. 13 મે, 2009ની વાત છે, આ એનજીઓના માધ્યમથી 45 દિગ્ગજ લેખકોએ દુનિયાના તમામ દેશોમાં જનમત સંગ્રહના અધિકારની માગણી કરી હતી. આ લેખકોએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો દાવો કરનારા ભારતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉલ્લેખ પ્રશંસાના સૂરમાં નહીં, પણ ટીકાના સૂરમાં હતો કે આ કેવું લોકતંત્ર છે?!

Sunday, August 21, 2011

અન્નાનું આંદોલન: ટોપીઓ બદલવાનો ખેલ?


-આનંદ શુક્લ

ક્રાંતિની મશાલ રસ્તો પણ બતાવે અને આગ પણ લગાડે. ક્રાંતિની મશાલનો ક્યો ઉપયોગ આગળ જતાં કરવામાં આવશે, તે તો આવનાર સમય જ જણાવશે. પરંતુ અન્ના હજારે ભ્રષ્ટાચારને ખતમ કરવાના પવિત્ર ઉદેશ્ય માટે અનશન કરી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે હું જીવું કે ન જીવું, પણ મશાલ પ્રજ્વલિત રહેવી જોઈએ. પણ અન્ના હજારે પહેલા તો આપણે જોવું પડે કે તમે લોકોને જે મશાલ હાથમાં પકડાવી છે, તે ક્રાંતિની મશાલ જ છે ને? વળી આ મશાલ અંધારામાં અજવાળું પણ કરે અને આગ પણ લગાડે. તમે આ મશાલ અંધારામાં અજવાળું કરવા માટે જ કરી છે. પરંતુ ભરોસો નથી, તમારા ટેકેદારો પર અને તમારા આંદોલનની તેજીમાં પોતાની ટોપીઓ બદલનારા લોકો પર, કારણ કે બની શકે કે તમારા ન જીવવાની સ્થિતિમાં તેઓ આ મશાલનો ક્યો ઉપયોગ કરે? માટે અન્ના હજારે તમે જીવો હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર.

કોઈ ગાંધીટોપી પહેરે તેટલા માત્રથી ગાંધીવાદી થઈ જતું નથી, તેવી જ રીતે સર્વશક્તિમાન લોકપાલના આવી જવાથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી. આ તો સ્પીડ બ્રેકર હશે, પણ રસ્તો તો ખુલ્લો જ રહેશે. તમે એવી કોઈ વ્યવસ્થા સૂચવો કે જેમાં ભ્રષ્ટાચારનો માર્ગ જ બંધ થઈ જાય. હજી તમે આવી કોઈ વ્યવસ્થા સૂચવી શક્યા નથી કે જેમાં તમે પૂર્ણ ખાતરી આપી શકો. ભ્રષ્ટાચાર સામે જેપીએ આંદોલન કર્યું હતું, પરંતુ તે આંદોલન ઈન્દિરા ગાંધીને સત્તા પરથી હટાવીને પૂરું થઈ ગયું. ક્યાંક તમારું આંદોલન આઝાદીના સૌથી બેઈમાન કેબિનેટના સૌથી ઈમાનદાર વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને હટાવા સુધીનું તો નથી ને?

કારણ કે અન્ના સાથે જે લોકો છે, તે રાજકીય રીતે ઉત્તર-દક્ષિણ ધ્રુવના છે અને તેઓ એટલા તકવાદી છે કે પોતપોતાના લક્ષ્ય સિદ્ધ થઈ જવાથી તેઓ અન્નાની પાછળથી હટી જવાના છે. તકવાદી માણસો હંમેશા તકલાદી હોય છે. તકલાદી માણસોના તકવાદી રાજકારણે ભ્રષ્ટાચારને છૂટોદોર આપ્યો છે. આ હકીકતથી ખુદ અન્ના હજારે પણ ઈન્કાર કરી શકે તેમ નથી. વળી બ્રિટિશ સામ્રાજ્યવાદને આધિન ભારતમાં જે લોકો અંગ્રેજોની સાથે હતા, આઝાદી મળી તેના થોડા વખત પહેલા તેમમે પોતાની ટોપી બદલી નાખી હતી અને આવા ચાલાક લોકો ગાંધી ટોપીમાં આવી ગયા હતા. સર શોભા સિંહ જેવા લોકો ભગત સિંહને ફાંસી કરાવવાનું ઈનામ પણ મેળવી ચુક્યા અને આઝાદ ભારતમાં કેટલાંક ટુકડા ફેંકીને સૌથી મોટા પરોપકારીના રૂપમાં પણ સામે આવ્યા.

ભ્રષ્ટાચાર આઝાદી બાદ એક ભયાનક મહામારી તરીકે ઉભર્યો, પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થામાં એ. રાજાથી લઈને એમ. કરુણાનિધિ જેવા શક્તિશાળી પ્રાદેશિક નેતાની લાડકી દીકરી કનિમોઝી સુધીના લોકો જેલમાં છે. તો અન્ય કેટલાંક લોકો પર જેલમાં જવાનું જોખમ તોળાય રહ્યું છે. ભ્રષ્ટાચાર મૂડીવાદી વ્યવસ્થાનો ગુણ છે અને આ વ્યવસ્થામાં અમેરિકા, ઈંગ્લેન્ડ સમર્થિત ગાંધી ટોપીના સહારે અન્ના મૂડીવાદને બચાવવા માટે સૌથી મોટું આંદોલન ચલાવી રહ્યાં છે. ગાંધી ટોપી ગાંધીવાદી જ પહેરે તે જરૂરી નથી. ટોપી બદલનારાઓની ભારતમાં અછત નથી અને ભ્રષ્ટાચાર માટે ટોપી બદલનારા લોકો જ જવાબદાર છે.

અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ભાગ લેનારા અને ગાંધી ટોપી પહેરીને ફરનારા લોકો પોતપોતાના હિત માટે આંદોલનને પોતપોતાની દિશામાં વાળવાનો પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં આંદોલની કુલ મળીને જે દિશા હશે, તે તદ્દન ખોટી દિશામાં હશે. વળી આ આંદોલનમાં એવા પણ ઘણાં લોકો છે કે જેમને દેશની જનતાએ ક્યારેય સ્વીકાર્યા નથી, તેઓ અન્નાના ખભે બેસીને પોતાની સ્વીકૃતિ ઉભી કરવાની દોડમાં છે. આ સિવાય ભ્રષ્ટાચારના નામ પર ઘણાં મોટા-મોટા ભ્રષ્ટાચારીઓ પણ ગાંધી ટોપી લગાવીને આંદોલનના મેદાનમાં છે. ત્યારે અન્નાનું આંદોલન માત્ર ટોપીઓ બદલવાનું અને ટોપીઓ પહેરાવાનું આંદોલન જ બની રહેશે? અન્નાનું અંતિમ ઘોષિત લક્ષ્ય ભ્રષ્ટાચારને દેશવટો કેવી રીતે પૂરું થશે? પવન જોઈને શઢ બદલનારાઓ કેવી રીતે ખુલ્લા પડશે? આવા લોકો ભ્રષ્ટાચારી ન કહેવાય?

Friday, August 19, 2011

અન્ના દૂરનું જોવો છો, આજુબાજુમાં પણ જોવો


- આનંદ શુક્લ

અન્ના હજારે દૂરનું ઘણું જોવે છે. તેમને દેશમાં ઉપરથી નીચે સુધીના ભ્રષ્ટાચારને દૂર કરવો છે. મિશન ખૂબ જ પ્રશંસનીય છે. તેઓ ખૂબ દૂરનું જોઈ શકે છે. તેમના માનવા પ્રમાણે, તેમની સિવિલ સોસાયટીએ બનાવેલું જનલોકપાલ બિલ પારીત કરી દેવામાં આવશે, તો 60-65 ટકા ભ્રષ્ટાચારનો ખાતમો બોલી જશે. પણ પછી ચિંતા 35-40 ટકા ભ્રષ્ટાચારની તો કરવી જ પડશે. તેના માટે અન્ના હજારેએ બીજી આઝાદીની લડાઈ અને હવે ક્રાંતિની વાત પણ કરી છે. અન્નાની દ્રષ્ટિ ઘણી વિશાળ છે અને મિશન ઘણું બધું પ્રશંસનીય છે.

અન્ના હજારેએ જાહેરાત કરી છે કે તેમના મંચ પર કોઈ રાજકીય વ્યક્તિઓને આવવા દેવામાં આવશે નહીં. અરે, વિદેશમાંથી કાળાધન અને ભ્રષ્ટાચારના મુદ્દે અનશન કરનારા યોગગુરુ બાબા રામદેવને પણ પોતાના મંચ પર નહીં આવવા દેવાની જાહેરાત અન્ના અને તેમની ટીમ કરી ચુકી છે. પરંતુ તેની સામે હકીકત એ છે કે ટીમ અન્નાએ લાલકૃષ્ણ અડવાણી, નીતિશ કુમાર સહીતના રાજકારણીઓને જનલોકપાલ મુદ્દે સમર્થન મેળવવા માટે સંપર્ક કર્યો છે.

અન્ના સાથે અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા, પ્રશાંત ભૂષણ, શાંતિભૂષણ, સંતોષ હેગડે જેવાં લોકો છે. જરા આમાના કેટલાંકની પૃષ્ઠભૂમિ તપાસવા જેવી છે. અગ્નિવેશ ભગવા વસ્ત્રો પહેરે છે. તેઓ આર્ય સમાજી છે. પરંતુ તેમની માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ અદભૂત છે. તેઓ સરકાર તરફથી માઓવાદીઓ સાથે વાતચીત કરે છે. માઓવાદી આઝાદના એન્કાઉન્ટર સામે એસઆઈટીની માગણી કરે છે. તેઓ છત્તીસગઢમાં માઓવાદીઓને લાલ સલામ કરી આવે છે. તો કાશ્મીરના અલગતાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની સાથે તેમને અત્યંત પ્રેમ છે. તેઓ શ્રીનગરમાં જઈને અલગતાવાદીઓને પણ આશિર્વાદ આપી આવે છે. તેઓ શ્રીનગરમાં પવિત્ર અમરનાથ યાત્રાને તૂત અને અમરનાથના શિવલિંગને બરફનો ઢગલો કહી આવે છે. આ વ્યક્તિને અમદાવાદમાં આ મુદ્દે થપ્પડનો પણ સામનો કરવો પડયો છે. આ સિવાય છત્તીસગઢમાં ઈંડા-ટામેટાનો વરસાદ તો એક-બે વખત પામી ચુકયા છે. ગુજરાતના વિકાસના અન્નાએ વખાણ કર્યા હતા, ત્યારે અગ્નિવેશે અન્નાનું નિવેદન પાછું ખેંચાવાની વાત કરી હતી. તેના માટે તેઓ અઠવાડિયું ગુજરાતમાં ધામા નાખીને અન્નાને ગુજરાતના વિકાસ વિરોધી નિવેદનો પણ કરાવી ગયા છે. ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા છે અને અહીં દૂધ નહીં દારૂની નદીઓ વહે છે-એવા આત્યાંતિક નિવેદનો અન્ના પાસે કરાવવામાં અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં ગુજરાતના વિકાસના ઘોર વિરોધીઓ સફળ થયા છે.

આ સિવાય મેધા પાટકર પણ અન્નાના આંદોલનમાં ખૂબ ચમકતા તારા જેવાં છે. મેધા પાટકર સંદર્ભે ગુજરાતની જનતાને આમ તો પરીચયની કોઈ જરૂરત નથી. પરંતુ મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાનો ભરપૂર વિરોધ કર્યો હતો. તેમણે નર્મદા યોજનાનો નહીં, પણ ગુજરાતના વિકાસનો વિરોધ કર્યો હતો. મેધા પાટકરને તેમના આ ગુના બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ કરી શકે તેમ નથી.

મલ્લિકા સારાભાઈ પણ એક આવું જ નામ છે. ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓમાં મલ્લિકા સારાભાઈએ ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. તેમની આ ભૂમિકા પ્રત્યે ગુજરાતના લોકોને પુરતો અણગમો છે. પોતાની સેક્યુલર છબી ચમકાવા માટે ગુજરાતના હિતોને ઠેસ પહોંચાડવાથી પરહેજ ન કરનાર મલ્લિકા સારાભાઈએ અન્ના હજારેની ગુજરાત યાત્રામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. અન્ના હજારેએ તેમના અને અગ્નિવેશના બતાવેલા ગુજરાતને જોયું હતું. ત્યાર બાદ અન્નાએ પોતાના પહેલાના નિવેદનને મીડિયાના આધારે કરાયેલું નિવેદન ગણાવીને નવું નિવેદન કર્યું હતું.

આ સિવાય 2002ના રમખાણો દરમિયાન હર્ષ મંડરે પણ ગુજરાતના હિતોને નુકસાન પહોંચાડતી વાતો કરીને ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અન્નાની ટીમમાં હર્ષ મંડર સાથે સારા સંબંધો ધરાવનારા અરવિંદ કેજરીવાલ સહીતના લોકો પણ સામેલ છે. આ સિવાય પ્રશાંત ભૂષણ ડાબેરી વિચારધારા ધરાવનારા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ લડનારા વકીલ છે. એપ્રિલ માસના અનશન દરમિયાન એક મહીલા ડાબેરી નેતાને અન્નાના મંચ પર કેટલાંક એનજીઓ એક્ટિવિસ્ટોએ આમંત્ર્યા હતા અને ત્યાર બાદ થોડી ક્ષણોમાં તેમને ધક્કે પણ ચઢાવ્યા હતા. ડાબેરી વિદ્યાર્થી સંગઠને કપિલ સિબ્બલના એક કાર્યક્રમમાં કાળા વાવટા પણ દેખાડયા હતા.

ત્યારે અન્ના એક ખૂબ સારું મિશન લઈને આગળ વધી રહ્યાં છે. પરંતુ તેઓ તેમની આસપાસમાં એક એવી ટોળકીથી ઘેરાઈ ગયા છે કે જે માઓવાદીઓ સંદર્ભે સહાનુભૂતિ રાખે છે, આતંકવાદ સંદર્ભે મુંગી રહે છે, કાશ્મીરના અલગતાવાદીઓ સાથે સારા સંબંધો ધરાવે છે, અમરનાથના શિવલિંગ સંદર્ભે વાંધાજનક ટિપ્પણીઓ કરે છે, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતના વિકાસના વિરોધી છે. તો બીજી તરફ બાબા રામદેવના અનશનમાં આરએસએસે સાથ આપ્યો હતો અને તેમના મંચ પર સાધ્વી ઋતંભરા બેઠાં હતાં તેટલા માત્રથી અન્ના બાબા રામદેવને શરતોને આધારે જ મંચ પર આવવા દેવાનું કહી ચુક્યા છે. ત્યારે સવાલ એ છે કે અન્ના હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ માટે આવો અભિગમ કેમ રાખે છે? તેઓ પણ આ દેશના નાગરીકો છે અને તેમને પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં અન્નાને સાથ આપવાનો અધિકાર નથી?

અન્નાના આંદોલનનો ફાયદો કોને?


-આનંદ શુક્લ

અન્નાના આંદોલને મીડિયા અને લોકોના ભ્રષ્ટાચારી, અત્યાચારી રાજકારણીઓ તથા તંત્ર સામેના ગુસ્સાથી દેશભરમાં સારા પ્રમાણમાં લોકજુવાળ ઉભો કર્યો છે. ભારતના અને વિશ્વના અન્ય તમામ મુદ્દાઓ પરથી ધ્યાન ખસેડીને અત્યારે અન્ના અને તેમની ટીમે લોકોને ભ્રષ્ટાચાર મુદ્દે વાતો કરતા કરી દીધા છે. ભ્રષ્ટાચાર એક ખૂબ ખરાબ દૂષણ છે. તેનો ખાત્મો અનિવાર્ય છે. અન્ના હજારે તેમા સફળ થાય તે જરૂરી છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જનલોકપાલ માટે અન્નાને સફળતા મળે, તો પણ ભ્રષ્ટાચાર દૂર કરવામાં તેઓ સંપૂર્ણપણે સફળ થશે કે કેમ? કારણ કે ભ્રષ્ટાચાર લોકોના રંગસૂત્રમાં પહોંચી ચુક્યો છે. ભ્રષ્ટાચાર સામે જેપી આંદોલન થયું હતું, પરંતુ તેમા માત્ર સત્તા પરિવર્તન જ થયું હતું. ત્યારે અન્નાના ભ્રષ્ટાચર અને જનલોકપાલના આંદોલનથી વડાપ્રધાન મનમોહન સિંહની ખુરશી હાલકડોલક થઈ રહી છે. શક્યતાઓ ચર્ચામાં છે કે મનમોહન સિંહને વડાપ્રધાન પદેથી હટાવીને કોઈ અન્યને લોકપાલ કાયદા સાથે ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવાનું કામ સોંપાશે. કેટલાંક ઉત્સાહી કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીની વડાપ્રધાન પદે તાજપોશી કરીને અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો તાર્કીક અંત લાવવા માટે પ્રયત્ન કરાશે. અલબત આ બધી વાતો મજાકમાં જ કહેવાય છે.

અન્નાના આંદોલનથી એક વાત તો સ્પષ્ટ બની છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકમુખે બળવત્તર બન્યો છે. મહારાષ્ટ્રના રાલેગાંવ સિદ્ધિના અન્ના હજારે આજે દેશ આખાના ધ્યાનમાં આવ્યા છે. અત્યારે અન્ના હજારે લોકોની નજરમાં હીરો અથવા તારણહાર છે. મીડિયા અન્ના ઈવેન્ટને આંદોલન બનાવવામાં સફળ થયું છે. એટલે કે મીડિયાને સૌથી પહેલો એ ફાયદો થયો છે કે તેના ટીઆરપીએ આકાશ સર કરી લીધું છે. મીડિયાની છબી લોકાભિમુખી બની છે. કારણ કે ભ્રષ્ટાચારનો મુદ્દો લોકોનો મુદ્દો છે. બીજું મીડિયાને તેની શક્તિનો પૂરતો પરિચય થઈ ગયો છે કે તે ધારે તેવી રીતે જનમત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. અત્યારે ઈલેક્ટ્રોનિક મીડિયાની શક્તિનું પરીક્ષણ થઈ ગયું છે. મીડિયા હાલ પત્રકારોના હાથમાં નથી, પણ કોર્પોરેટના હાથમાં છે અને આ શક્તિ પરીક્ષણની સફળતા બાદ કોર્પોરેટો મીડિયાને પોતાના હિતના એજન્ડા પર કામ વધારે પ્રમાણમાં પ્રેરીત કરી શકે છે.

બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ વિચાર કરીએ તો મનમોહન સિંહની વડાપ્રધાન તરીકેની આબરૂ પૂરી રીતે ધૂળધાણી થઈ ગઈ છે. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન નહીં, પણ સીઈઓ વધારે લાગે છે. કારણ કે અત્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી બીમારીની સારવાર માટે દેશની બહાર છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પક્ષની કમાન અન્ય ત્રણ સાથીઓ સાથે સંભાળી છે. કપિલ સિબ્બલ, અંબિકા સોની અને પી. ચિદમ્બરમ જેવાં નેતાઓ અન્ના સામે કડક સ્ટેન્ડ લેવા માંગતા હતા, કે જેવું બાબા રામદેવના અનશન વખતે લીધું હતું. પરંતુ યુવરાજ રાહુલ ગાંધીના આદેશ પ્રમાણે, અન્ના અને તેમની ટીમ સંદર્ભે રાજકીય નિર્ણયો લેવાયા છે. એટલે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગતા અને મનમોહનને પસંદ ન કરતાં અસંતુષ્ટ કોંગ્રેસીઓને પણ અન્નાના અનશનનો ફાયદો મળ્યો છે.

યુપીએ સરકાર, કોંગ્રેસ અને મનમોહન સિંહની હાલત પાતળી થવાને કારણે વિપક્ષનું ગેલમાં આવવું સ્વાભાવિક છે. પરંતુ તેનો ફાયદો મેળવવા માટે મુખ્ય વિપક્ષ ભાજપ-એનડીએને ખૂબ વધારે મહેનત કરવી પડશે. સંસદમાં અન્નાને અનશન ન કરવા દેવાની અને તેમની ધરપકડ કરવાની વાત પર વિપક્ષે સરકારની ટીકા કરી છે. પરંતુ ભાજપ, શરદ યાદવ, મુલાયમ સિંહ, લાલુ યાદવ, માયાવતીનો બહુજન સમાજ પક્ષ, ડાબેરીઓ અને ખૂદ યુપીએ અન્ના હજારેના જનલોકપાલ બિલ સાથે સંપૂર્ણપણે સંમત ન હોવાની વાત કહી ચુક્યા છે. ત્યારે આગળ જતાં અન્ના ભારતની સમગ્ર રાજકીય વ્યવસ્થા સામે સંઘર્ષમાં ઉતરશે તે નક્કી છે. ત્યારે અત્યારે માત્ર કોંગ્રેસના પક્ષમાં દેખાતું નુકસાન વિપક્ષ-ભાજપ, ડાબેરીઓને દેખાતો દેખીતો ફાયદો ખૂબ મહેનત અને સંઘર્ષ કરાવશે.

બીજું અન્નાના આંદોલનને સાધનો ઉપલબ્ધ કરાવવામાં દેશના વાણિજ્યિક પ્રતિષ્ઠાનો અને અપ્રવાસી ભારતીયોનું ઘણું યોગદાન રહ્યું છે. ત્યારે તેમના મનસૂબા શું છે, તે હજી સમજવાનું બાકી છે.

આ જનઆંદોલનમાં સ્વૈચ્છિક સંગઠનો-એનજીઓને પણ સરકારને ભીંસમાં લેવાનો મોકો મળ્યો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, અગ્નિવેશ, પ્રશાંત ભૂષણ, મેધા પાટકર, મલ્લિકા સારાભાઈ, મનિષ સિસોદીયા જેવાં એનજીઓના લોકોને પણ ઘણો પ્રચાર મળ્યો છે. તેથી તેવો તેમની ડિઝાઈનમાં ફીટ થતાં અન્ય આંદોલનોમાં તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન અવશ્ય કરશે. બની શકે કે ત્યારે જનતામાં ઉપસેલી તેમની છબી તેમના આંદોલનોને વ્યાપક બનાવવામાં મદદ કરે.

ઉલ્લેખનીય છે કે તમામ સંગઠનો, સંસ્થાઓ, પક્ષો અને વ્યક્તિઓ વચ્ચે અન્નાના આંદોલનમાં નીતિગત અને રાજકીય મતભેદો મોટા પ્રમાણમાં છે. કુલ મળીને અન્ના હજારેને ટેકો આપવા પાછળ બધાંએ પોતપોતાના લાભ જોયા છે, પરંતુ અંતમાં જે છેતરાવાના છે, તે આમ આદમી છે.

અન્ના ઈવેન્ટથી આંદોલનમાં મીડિયાની ભૂમિકા


-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારના શિષ્ટાચાર વિરુદ્ધ ઉઠેલા આક્રોશને અન્ના હજારેએ અભિવ્યક્તિ આપી છે. ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ, તેવી અન્નાની માગણી પૂરી થવી જોઈએ. તેના માટે સરકારે, સમાજે અને તંત્રે તમામ સ્તરે કામ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકોને હતાશામાંથી બહાર આવવા માટે અન્ના રૂપી આશાનું કિરણ દેખાયું છે. પરંતુ અન્નાના આંદોલનમાં શરૂઆતથી જ મીડિયાની ભૂમિકા ઘણી મોટી રહી છે. મહારાષ્ટ્રના રાલેગાંવ સિદ્ધિ ગામમાં સુધારાના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક ચલાવનારા સામાજીક કાર્યકર્તાને મીડિયાએ મહાત્મા ગાંધી અને લોકનાયક જયપ્રકાશ નારાયણ બનાવવા માટેના પ્રયત્ન સાથેની ઘણી મોટી ભૂમિકા અદા કરી છે. એમા કોઈ શંકા નથી કે સામાજીક કાર્યકર્તા તરીકે અન્ના હજારેનું યોગદાન ઘણું મોટું છે. તેઓની સ્વચ્છ છબી દરેક પ્રકારે બિરદાવા યોગ્ય છે. પરંતુ અન્ના હજારેને મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણની ઊંચાઈએ હોવાનો ભ્રમ પેદા કરવાની મીડિયાની ભૂમિકા ઘણી બધી રીતે નુકસાનકારક પણ છે. માત્ર અન્ના માટે જ નહીં, દેશ માટે પણ તે નુકસાનકારક છે.

દેશની સંસદમાં સરકાર અને વિપક્ષ સહીતના બધાં નેતાઓએ અન્નાના જનલોકપાલ બિલના બધાં મુદ્દાઓ સાથે સંમત ન થવાની વાત એકસૂરમાં કહી છે. તેમણે કહ્યું છે કે લોકપાલ બિલ સંદર્ભે સંસદ કાયદો બનાવશે. પરંતુ જનતા લોકપાલ મુદ્દે આ વાસ્તવિકતાને જાણ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે જનતાનો એક વર્ગ તો આંખો બંધ કરીને અન્ના અને તેમના સાથીદારોની વાતનો ભરોસો કરી રહ્યો છે. તેની સાથે એક સવાલ ઉભો થાય છે કે અન્નાનું આ આભામંડળ કેવી રીતે બન્યુ?

ગુરુવાર બપોરે ઈન્ડિયા ટુડે ગ્રુપની ચેનલ હેડલાઈન્સ ટુડેમાં જે પરિચર્ચા આવી, તેમાં આ બીજા સવાલનો જવાબ મળે છે. ચર્ચાનું શીર્ષક હતું કે શું અન્નાને મીડિયાએ સ્થાપિત કર્યા છે? આ ચર્ચામાં જે ચાર જાણીતાં લોકો ભાગ લઈ રહ્યાં હતા, તેમાના બધાંએ આ સ્વીકાર્યું કે ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો છે, પરંતુ તેના બહાને અન્નાને હીરો બનાવવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. તેમાંથી એક વાર્તાકાર દિલીપ ચેરિયને ત્યાં સુધી કહ્યું કે આજના સમયગાળામાં મીડિયાના માધ્યમથી જ કોઈ આંદોલન થઈ શકે છે. આ ચર્ચામાં એ વાત સ્થાપિત થઈ કે જો મીડિયા ખાસ કરીને ટીવીએ આટલું આગળ પડતું કવરેજ ન કર્યું હોત તો આંદોલનને જે વ્યાપકતા મળી, તે મળી શકી ન હોત.

અન્નાના લોકો ખુલ્લેઆમ જેટલું બોલી રહ્યાં છે અને પોતાની અસંમતિઓનો ઈજહાર કરી રહ્યાં છે તેવું અન્ય પક્ષો કરી શકતા નથી કારણ કે મીડિયાએ આખા મામલાને અન્ના વિરુદ્ધ સરકારનો મુદ્દો બનાવી દીધો છે.

અન્ના અને સરકાર સિવાય અનેક રાજકીય પક્ષો છે અને જુદાંજુદાં પ્રકારના સેંકડો સંગઠન છે. તેમની લાખો-કરોડોની મેમ્બરશિપ છે. મીડિયાની ચર્ચામાં આ સંગઠન એક તરફથી ગાયબ છે. તેનાથી એક વાતની ખબર પડે છે કે અન્નાને લઈને મીડિયા ઓબ્સેશનનો શિકાર છે. ઉદાહરણ તરીકે વિભિન્ન વિચારધારાના મહિલા, ખેડૂત, મજૂર, યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો છે, તેના સિવાય એવા પણ સ્વયંસેવી સંગઠનો છે કે જેમના સેંકડો એકમો છે. તેમનો મત એક તરફથી ગાયબ છે.

કોર્પોરેટ મીડિયા અન્ના પ્રત્યે ઓબ્શેસન એ વાતનો પુરાવો છે કે તે ભારતના બૃહત્તર ઓપિનિયનની ઉપેક્ષા કરી રહ્યું છે. વિગત દિવસોમાં ટીવી સ્ટુડિયોમાં ચર્ચાના નામે અન્ના ભક્તોની જે ભીડ ભેગી કરવામાં આવી હતી તે પણ કોર્પોરેટ મીડિયાના અન્ના ઓબ્શેસનને જ સામે લાવે છે. અન્નાભક્ત સ્ટુડિયોમાં અન્ના ટીમથી જુદો મત વ્યક્ત કરનારાઓને હૂટ કરી રહ્યાં હતા.

અન્ના ટીમનું પ્રચાર અભિયાન મીડિયા ઓબ્શેસન પર ટકેલું છે. તમામ ચર્ચાઓમાં અન્ના ટીમને સેલીબ્રિટી તરીકે મૂકવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટુડિયોમાં એવા લોકો બોલાવવામાં આવે છે જે અન્નાના ફેન છે અથવા અનુયાયી છે. અન્ના ટીમને મીડિયાએ સામાજીક કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે કલ્ટીવેટ કરી છે.

અન્નાએ 15 ઓગસ્ટની સાંજે મીડિયાને પોતાના પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંને સાથે મળીને લડાઈ લડશે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્ના હજારેને મીડિયાની ચરિત્રની બિલકુલ જાણ નથી અને તેમને જે ક્ષણિક પ્રસિદ્ધિ મળી રહી છે, તેનાથી તેઓ આત્મમુગ્ધ થતાં જઈ રહ્યાં છે. વળી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ભ્રષ્ટ હોવાનું અને તે ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાની વાત કોઈનાથી અજાણી નથી. ત્યારે ભ્રષ્ટાચારને રોકવા માટે બીજા ભ્રષ્ટાચારીનો સાથ કેવી રીતે લેવાય? ખુદ અન્નાએ એપ્રિલ માસના અનશન વખતે મીડિયા રિપોર્ટોને આધારે ગુજરાત અને બિહારમાં વિકાસ સંદર્ભે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ અનુક્રમે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની પ્રશંસા કરી હતી. પરંતુ તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે પોતાના નિવેદનને ફેરવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પહેલાનું તેમનું નિવેદન મીડિયાની માહિતીના આધારે હતું. આમ મીડિયા સંદર્ભે અન્ના હજારેને જાત અનુભવ છે.

આજકાલ જે સંચાર માધ્યમો છે તેની ઉપયોગિતાથી કોણ ઈન્કાર કરી શકે, પરંતુ આ રવિવારે ધ હિંદુમાં સેવંતી નાઈનને એક ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જે નવું સામાજિક મીડિયા આવ્યું છે, શું તે હંમેશા સમાજ હિતૈષી જ રહેશે અથવા તેની કોઈ નુકસાનકારક ભૂમિકા પણ હોઈ શકે છે? તેમણે ઈંગ્લેન્ડના તાજેતરના ઉપદ્રવોનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે ફેસબુક, ટ્વિટર વગેરેનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વાતને ભારતના સંદર્ભમાં મૂકીને જોવો. આ માધ્યમ બાળકોના રમકડાં નથી, તેનો શોખ રાખવો એક વાત છે, પરંતુ તેના સારા અને નરસા પ્રભાવો સંદર્ભે વિચારવાનું પણ જરૂરી છે.

એ સમજી શકાય છે કે આરબ જગતમાં ખાસ કરીને ટ્યૂનિશિયા અને ઈજીપ્તમાં સત્તા પરિવર્તનમાં આ માધ્યમોએ મહત્વની ભૂમિકા અદા કરી હતી. એવું લાગે છે કે ભારતનું મીડિયા તે સમયથી જ ઉતાવળુ હતું કે અહીં પણ આવું કંઈક કરી નાખવામાં આવે. હું ફરી એક વાર માર્શલ મેકલુહાનની ઉક્તિ યાદ કરું છું કે માધ્યમ જ સંદેશ છે. જેવું કે બધાં જાણે છે કે મીડિયા હવે પત્રકારોના હાથમાં નથી, પરંતુ કોર્પોરેટ હાઉસના હાથમાં છે. વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજકારણ પર નિયંત્રણ માટે આ મહામૂડીવાદીઓ પાસે મીડિયાના રૂપમાં એક સશક્ત શસ્ત્ર આવી ગયું છે. અન્નાને મહાનાયક બનાવવામાં આ શસ્ત્રોનો ઉપયોગ કરવો તેમની રણનીતિનો જ એક ભાગ માની શકાય છે, પરંતુ અહીં તેમની એક વિસંગતિ તરફ પણ ધ્યાન આપો. ગુરુવાર સવાર સુધી મીડિયા અન્નાનું અઢળક કવરેજ આપી રહ્યું હતું, પરંતુ બપોર બાદ તે કંઈક ઠંડુ પડી ગયું. શું એટલા માટે કે સરકાર દ્વારા સ્થિતિ સંભાળી લીધા બાદ સનસનાટી ફેલાવવામાં હાલ કોઈ અન્ય બિંદુ ન હતું, અથવા એટલા માટે કે એક અબજ વીસ કરોડની જનતાને ઘણાં લાંબા સમય સુધી બેવકૂફ બનાવી શકાય નહીં, આ વાત મીડિયાને સમજમાં આવી ગઈ?

મીડિયા અન્નાના આંદોલનમાં એક ઈવેન્ટ મેનેજર તરીકે વર્તયું હોય તેવું સ્પષ્ટ લાગે છે. મીડિયાએ અન્ના ઈવેન્ટને આંદોલનમાં ફેરવી નાખી છે. સતત ત્રણ-ચાર દિવસથી અન્ના સિવાય અન્ય કોઈ સમાચાર ટેલિવિઝન પર આવતા નથી. ઈલેક્ટ્રોનિક મીડિયાએ હદ કરી નાખી છે કે અન્નાના આંદોલનના હિસાબે જાણે કે દુનિયા થંભી ગઈ હોય અને અન્ય કોઈ ઘટનાઓ બનતી જ ન હોય! અન્ના હજારે તિહાડ જેલમાંથી બહાર આવ્યા, રેલીમાં ચાલ્યા અને દોડયા, રામલીલા મેદાનમાં સંબોધન કર્યું-જેવા સમાચારો ખૂબ બહોળા કવરેજથી બતાવ્યા કર્યા છે. આગળ જતાં મીડિયા અન્નાની તબિયત, સરકાર તરફથી કરવામાં આવતા નિવેદનો, વિપક્ષનું સ્ટેન્ડ, આંદોલનના ટેકેદારો વગેરે બાબતોમાં ઈવેન્ટને જલદ બનાવી આંદોલને ઉગ્ર બનાવવાની ફિરાકમાં રહેશે, જ્યાં તે આમ જનતાને પોતાના બનાવેલા એજન્ડા પર લઈ જઈ શકે. બાબા રામદેવનું આંદોલન પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હતું અને તેમાં વિદેશથી કાળું ધન પાછું લાવવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ બાબા રામદેવ અન્ના હજારેના આંદોલન જેટલું બહોળું અને હકારાત્મક કવરેજ મેળવવા માટે ભાગ્યશાળી બન્યા ન હતા. બાબા રામદેવ મહિલાઓના કપડાંમાં ભાગ્યા, બાબા રામદેવ ફરી ગયા, બાબા રામદેવની કંપનીઓ અને ટ્રસ્ટોની સંપત્તિનો વિવાદ, તેમના સહયોગી બાલકૃષ્ણ સામેના આરોપોની ચર્ચા-વગેરે ઘણી નેગેટીવ સ્ટોરી મીડિયા દ્વારા ચલાવવામાં આવી હતી.

આના પરથી એક વાત સ્પષ્ટ છે કે મીડિયાને પોતાના એજન્ડા માટે બાબા રામદેવ કરતાં અન્ના હજારે વધારે અનુકૂળ આવે તેમ છે. આગળ વાત કરી તેમ મીડિયા હવે પત્રકારો નહીં, કોર્પોરેટ હાઉસના હાથમાં છે. એટલે કે મીડિયા કોર્પોરેટ હાઉસના એજન્ડાઓ પ્રમાણે કામ કરે છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે જે કોર્પોરેટોના આંતરરાષ્ટ્રીય હિતો છે, તે રાષ્ટ્રહિતના મુદ્દાઓને પોતાના એજન્ડા પ્રમાણે ગેરમાર્ગે દોરવા તે દિશામાં જનમત ઘડવાનો પ્રયાસ પણ કરે. તમને નથી લાગતું કે મીડિયાનો એજન્ડા રાષ્ટ્ર હિત વિરુદ્ધ કોર્પોરેટના આંતરરાષ્ટ્રીય હિતના દિશા-નિર્દેશથી બનતો હશે?

Thursday, August 18, 2011

અણ્ણા હજારેને 21 સવાલ


આનંદ શુક્લ

(1) માનનીય અન્ના હજારે લોકપાલ નિયુક્ત કરવા માટે તમે આંદોલનની શરૂઆત કરી હતી, હવે તમે ભ્રષ્ટાચાર અને વ્યવસ્થા પરિવર્તન તથા બીજી આઝાદીની લડાઈનું આહ્વવાન કરવા લાગ્યા છો. ત્યારે તમે ભારતની લોકતાંત્રિક પદ્ધતિઓ પ્રમાણે આ વાત કરવા માંગતા હોય તેમ લાગતું નથી. તમારો ઈરાદો બીજા ગાંધી કે જેપી બનાવાની મહત્વકાંક્ષામાં દેશને અરાજકતા તરફ ઘસડી જવાનો તો નથી ને?

(2)તમારી વાતોને સાંભળીને લાગે છે કે કાં તો તમે સંભ્રમમાં છો અથવા લોકોને ભ્રમમાં નાખી રહ્યાં છો. તમે કોઈ અન્ય શક્તિઓના હાથમાં મ્હોરું બની ગયા હોય તેવી સંભાવના ઈન્કારી શકાય તેમ નથી. તો તેની તમે અથવા તમારી ટોળકી સ્પષ્ટતા શા માટે કરતાં નથી?

(3) અન્ના તમે તમારા ગામ રાલેગાંવ સિદ્ધિમાં ગ્રામ સુધારાના ઘણાં કાર્યક્રમો સફળતાપૂર્વક લાગુ કર્યા અને તમને ખ્યાતિ મળી. આવા કાર્યક્રમો અન્ય ગામડાંઓમાં લાગુ કરવાના પ્રયત્નો કેમ કર્યા નહીં? તમે અન્ય કેટલાં ગામોમાં આવા સફળ કાર્યક્રમો કર્યા છે? શું રાલેગાંવ સિદ્ધિની તમારી સફળતા તમારે રાજકીય આંદોલનો થકી અંકે કરવી હતી? તેના માટે જ તમે તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે મહારાષ્ટ્રની રાજકીય લડાઈઓ અને જનલોકપાલ બિલમાં કેટલાંક રાજકીય અને કદાચ અન્ય તત્વોનો હાથો બની ગયા છો?

(4) તાજેતરના વર્ષોમાં જોઈએ તો એક હકીકત સામે આવી છે કે કોઈ એક ક્ષેત્રમાં અનુકરણીય કામ કરનારા લોકોને નાયક બનાવીને તેમની છબીનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ આવા લોકો અન્ય ક્ષેત્રો માટે તૈયાર ન હોવાથી ટાંચા પુરવાર થયા છે. ત્યારે ટી. એન. શેષન, જી. કે. ખૈરનારની જેમ અન્ના હજારે તમારી પણ દશા થઈ રહી છે, તેવું તમને કેમ લાગતું નથી?

(5) અન્ના તમે જનલોકપાલ બિલના મસીહા તરીકે આજે અમારી સામે છો, પરંતુ શું આવા બિલની જરૂરિયાત, પ્રાસંગિકતા, ઉપયોગિતા, ઔચિત્ય વગેરે સંદર્ભે તમે કોઈ વિચાર કર્યો હતો અને કર્યો હતો તે શું છે? તમે તમારા રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આંદોલન કર્યા અને તેમા લોકપાલ વગર જ સફળ થયા છો. આ સિવાય ગત વર્ષે લોકપાલ વગર જ ભ્રષ્ટાચારના 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકનું માઈન્સ અને યેદિયુરપ્પાનું કૌભાંડ અને આદર્શ સોસાયટી જેવાં ઘણાં મોટામોટા ગોટાળા ખુલ્લા પડયા છે. ઘણાં પ્રભાવશાળી લોકોને જેલની હવા ખાવી પડી છે. ઘણાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ અને સીવીસી, સીબીઆઈ, એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ, લોકાયુક્ત, વગેરે હાલની લોકતાંત્રિક વ્યવસ્થામાં અસ્તિત્વમાં છે. શું તેનાથી એ નિષ્કર્ષ નીકળતો નથી કે વર્તમાન વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરતો અવકાશ છે? તમે લોકપાલની જીદ્દ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મેળવવા માટે તો નથી કરતાં ને?

(6) લોકપાલ લાવવા માટે તૈયાર હતા તો તમારે પહેલેથી જ લોકપાલનો મુસદ્દો તૈયાર કર્યા પછી જનતાની વચ્ચે જવું હતું, કોઈ ડાયલોગ કરવા હતા, જનજાગૃતિ કરવી હતી. પણ તેની જગ્યાએ એપ્રિલમાં અનશન અને અત્યારે અનશનના તાયફા શા માટે કરો છો? હું, બાવોને મંગળિયો બનીને ભારતના 121 કરોડ લોકોના પ્રતિનિધિત્વનો દાવો કરતી સિવિલ સોસાયટી થકી તમે સરકાર સાથે સંયુક્ત મુસદ્દા સમિતિમાં આટલી બેઠકોમાં શા માટે સામેલ થયા? તમે એક જ બેઠકમાં તમારી વાતો અને સૂચનો કહીને બહાર આવી શકતા હતા?

(7) તમે લોકતંત્રમાં લોકોને સર્વોપરી માનો છો. તો પછી સરકાર સાથે જનલોકપાલ મુદ્દે વાટાઘાટો અને વાતચીતનું નાટક શું કામ કર્યું? તમે સીધા જનમત એકઠો કરવાના કાર્યક્રમો સાથે જનતા વચ્ચે કેમ ન ગયા?

(8) અન્ના હજારે તમે સંસદની પ્રામાણિકતા પર સવાલો ઉભા કર્યા છે અને ચૂંટણી પ્રણાલી પર, તેમ છતાં તમે લોકતાંત્રિક પ્રક્રિયામાં અને દેશના બંધારણમાં કેવી રીતે વિશ્વાસ રાખો છો, તે સ્પષ્ટ કરો?

(9) તમે દેશની જનતાનું એમ કહીને અપમાન કર્યું છે કે પૈસા અને દારૂથી વોટરોની ખરીદી થાય છે. બીજા શબ્દોમાં કહું તો તમે મીડિયામાં આવતા થોડા કિસ્સાઓને આધારે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર પ્રશ્ન ચિન્હ કેવી રીતે લગાવી શકો? આવું કરતી વખતે તમે એ ઐતિહાસિક તથ્યો કેમ ભૂલી જાવ છો કે આ દેશની જનતાએ 1977, 1989, 1996, 1998માં સત્તા પરિવર્તનો કર્યા છે. શું આ બધાં સત્તા પરિવર્તનો પણ પૈસા અને દારૂથી વોટરોની ખરીદી કરીને કરવામાં આવ્યા છે? આવી વાહિયાત વાતો તમે કેમ કરો છો? લોકતંત્રમાં લોકોને સર્વોપરી માનો છો, પણ તમારી લોકો માટેની ધારણા સારી હોય તેમ લાગતું નથી?

(10) તમે ખુદને ગાંધીવાદી ગણાવો છો. માટે તમારો સવિનય કાનૂન ભંગ, અહિંસા, સત્યાગ્રહ, અનશન વગેરેમાં વિશ્વાસ હશે. પરંતુ બીજી તરફ તમે ગાંધીનો રસ્તો છોડીને શિવાજીનો માર્ગ અપનાવવાની ઘોષણા પણ કરી છે. એટલે કે તેનો અર્થ એ છે કે તમને ગાંધીના ચિંધ્યા માર્ગ પર પૂર્ણ વિશ્વાસ નથી અને શિવાજીના માર્ગે ચાલવાની ઘોષણાથી સ્પષ્ટ થાય છે કે તમને હિંસાથી કોઈ પરહેજ નથી. ત્યારે તમે તમારી જાતને ગાંધીવાદી કહેવાને કેવી રીતે લાયક છો?

(11) ગાંધીજી આત્મશુદ્ધિ માટે તેઓ જ્યાં હોય ત્યાં ઉપવાસ કરતાં હતા.તમે દિલ્હીમાં જ અનશન કરવાનો આગ્રહ શા માટે રાખો છો? (તમારામાં જો ગાંધી જેટલી નૈતિકતા હોત તો તમે રાલેગાંવ સિદ્ધિમાં કરોડ લોકોને ભેગા કરીને અનશન કરી શક્યા હોત અને સરકારને તમારા ઘૂંટણિયે પડવું પડત.)

(12) અન્ના હજારે 15 ઓગસ્ટનું મહત્વ તમને ખબર છે. સ્વતંત્રતા દિવસે દેશવાસીઓને અંધારું કરવાની જે અપીલ કરી, તે એક સ્વાધીન દેશની અસ્મિતાથી બિલકુલ વિપરીત તમને કેમ ન લાગી? તમે લોકોને ઓફિસમાંથી રજા લઈને આંદોલનમાં જોડાવાની દરખાસ્ત કરી. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે નૈતિક બળના આધારે ગાંધીજીના આંદોલનમાં લોકોએ નોકરીઓમાંથી રાજીનામું આપીને ભાગ લીધો હતો. શું તમારામાં આવા નૈતિક બળનો અભાવ નથી કે જેથી તમારે લોકોને નોકરીઓમાંથી રજા લેવાની દરખાસ્ત કરવી પડે છે?

(13) અન્ના તમે 15 ઓગસ્ટની સાંજે મીડિયાને તમારા પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે તમે બંને સાથે મળીને લડાઈ લડશો. પરંતુ તમે મીડિયાની પ્રસિદ્ધિથી આત્મમુગ્ધ હો તેમ નથી લાગતું? વળી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા પણ ભ્રષ્ટ હોવાનું અને ભ્રષ્ટાચારથી ખદબદતું હોવાની વાત કોઈનાથી અજાણી નથી. ત્યારે તમે ભ્રષ્ટાચારને રોકવા માટે બીજા ભ્રષ્ટાચારીનો સાથ કેવી રીતે લીધો? તમારું આંદોલન મીડિયા સાથેની કોઈ ગોઠવણથી જ તો નથી ચાલતું ને? કારણ કે તમારું આંદોલન મીડિયામાં વધારે દેખાય છે. બાકી દેશ આખો અત્યારે સામાન્ય છે.

(14) એક તરફ તમે રાજકારણીઓનો સાથ લેવાની ના પાડો છો અને બીજી તરફ તમે અને તમારી ટોળકી લાલકૃષ્ણ અડવાણી સહીતના રાજકારણીઓના ઘરના ઉંબરા ઘસો છો. ત્યારે તમને લાગે છે કે આવા બેવડાં વલણોથી તમે કંઈપણ હાસિલ કરી શકશો? કારણ કે તંત્રમાં સુધારો કરવા કે તેને બદલવા માટે તમારે રાજકારણીઓની મદદ તો લેવી જ પડશે. પણ આ વાત તમને આંદોલનમાં જાહેરાતો કરતી વખતે ખબર પડતી ન હતી?

(15) તમે, અગ્નિવેશ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, મનિષ સિસોદિયા જેવાં ચાર-પાંચ માણસોની ટોળકી ભેગી થઈને 121 કરોડ લોકોના પ્રતિનિધિત્વનો દાવો કેવી રીતે કરી શકો? ચૂંટણી પ્રક્રીયાથી ચૂંટાઈને દેશની સંસદ અને વિધાનસભાઓમાં બેઠેલા લોકો તમારા મતે દેશના 121 કરોડ લોકોના પ્રતિનિધિઓ નથી? તમે સંસદ અને વિધાનસભાઓની પ્રતિષ્ઠાને ઓછી કરવાના નિવેદનો કેવી રીતે આપી શકો? આ લોકોનું, લોકોના તંત્રનું અપમાન નથી?

(16) તમારી સાથેના અગ્નિવેશ માઓવાદીઓની તરફદારી કરે છે, કાશ્મીરના અલગતાવાદીઓને પંપાળે છે અને અમરનાથના શિવલિંગનું અપમાન કરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે. પરંતુ તેઓ તમારી સાથે હંમેશા હોય છે, પરંતુ રાષ્ટ્રવાદની વાતો કરનાર અને રાષ્ટ્રવાદી લોકોને આવકારનાર બાબા રામદેવ નામના ભગવાધારી સાધુને તમે મંચ પર આવવા દેવાની ના પાડતા રહ્યાં છો. આ પ્રકારનો અભિગમ હિંદુત્વવાદીઓ, રાષ્ટ્રવાદીઓ અને ભગવાધારીઓ સાથે શા માટે?

(17) તમારી સાથે ગુજરાતના વિકાસની વિરોધી મેધા પાટકર છે. તેઓએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિરોધ ઘણાં લાંબા સમયથી કર્યો હતો. પણ તેઓ તમારી સાથે છે. તો બીજી તરફ હર્ષ મંડર નામના મહાનુભાવ પણ ગુજરાત અને તેના લોકો માટે સારી ભાવના ધરાવતા નથી. તેમની સાથે નજીકનો ધરોબો રાખનારા લોકો પણ તમારી ટોળકીમાં છે. ત્યારે તમને તેનાથી કોઈ વાંધો કેમ ઉઠતો નથી?


(18)
મીડિયામાં આવેલા સમાચારોને આધારે તમે ગુજરાતના વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરો છો. પરંતુ અગ્નિવેશ અને મલ્લિકા સારાભાઈ જેવાં પક્ષપાતપૂર્ણ અભિગમવાળા લોકોની વાત માનીને ગુજરાતમાં ગોટાળા જ ગોટાળા હોવાની જાહેરાત કરો છો. જો આના માટે તમારી પાસે પુરાવા હોય તો તે પુરાવા તમે કેમ જાહેર કરતા નથી? હવે તો ગુજરાત સરકારે પંચની પણ રચના કરી છે.

(19) તમે ભ્રષ્ટાચાર સામે જ લડવા માંગતા હોય, તો તમારા મહારાષ્ટ્રમાં ઘણાં બધાં કૌભાંડો હજીપણ છે, પરંતુ તમે ત્યાં અનશન અને આંદોલનો કરવાના શા માટે બંધ કરી દીધા? તમારી ઈચ્છા રાષ્ટ્રીય સ્તરે ઝળકવાની તો ન હતી ને?

(20) મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઉત્તર ભારતીયો પર મરાઠીવાદથી પ્રેરીત થઈને રાજ ઠાકરેના ગુંડાઓએ ઉત્તર ભારતીયો પર હુમલા કર્યા હતા. પરંતુ તમે તેની સામે કોઈ અનશન કે આંદોલન કર્યા નહીં, પરંતુ તેનાથી વિપરીત તમે રાજ ઠાકરેની પ્રશંસા કરી. તમારી આવી સંકુચિત પ્રાદેશિક દ્રષ્ટિ શા માટે છે?

(21) ગાંધીવાદી અન્ના હજારે ગાંધીજીએ પોતાની વાણીસંયમ અને મર્યાદાનો ક્યારેય ભંગ કર્યો નથી. તમે વડાપ્રધાનને લખેલા પત્રમાં ઘણો મર્યાદા ભંગ કર્યો છે. ત્યાર બાદ મનીષ તિવારીએ તમારી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું છે. તમને વડાપ્રધાનને લખેલા પત્રમાં વાણીસંયમ અને મર્યાદાનો ભંગ થયો હોવાનું લાગે છે? તમારે આના માટે માફી શા માટે ન માગવી જોઈએ?

મિત્રો ઉપરોક્ત સવાલમાં કોઈ અન્ય સવાલ ઉમેરવો હોય તો તમારું સ્વાગત છે. તમારો સવાલ લખીને મને પોસ્ટ કરી દો.

Sunday, August 7, 2011

હિંદુઓએ મુદ્દાઓના તાર્કિક અંત માટેની લડાઈ લડવી પડશે


-આનંદ શુક્લ

હિંદુ જાગી રહ્યો છે, પરંતુ નિષ્ક્રિય બનીને તમામ ઘટના-દુર્ઘટનાને થતી જોઈ રહ્યો છે. મુંબઈમાં તાજેતરમાં બોમ્બ વિસ્ફોટો થયા, વળી પાછા નિર્દોષ લોકોનું લોહી રેડાયું. હિંદુઓએ બળાપો કાઢયો કે સરકાર કંઈ કરતી નથી, હિંદુ સંગઠનો કંઈ કરતા નથી, નેતાઓના પેટનું પાણી હાલતું નથી. પરંતુ હકીકત એ છે કે હિંદુ સમાજ કંઈ કરવા ઈચ્છતો નથી, સમાજના પેટનું પાણી હાલતું નથી. આખો સમાજ મૂઢ બનીને તમામ અત્યાચારો અને દુર્ઘટનાઓને થતી જોઈ રહ્યો છે. તેમને હજી સરકાર, સંગઠનો અને નેતાઓ પર વિશ્વાસ છે. પરંતુ મોટાભાગે તેમનો વિશ્વાસ નઠારા તંત્ર, નકામા સંગઠનો અને નપાવટ નેતાઓને કારણે ઠગારો નીવડે છે. હિંદુઓએ દેશના ભૂતકાળને યાદ રાખવો જોઈએ. તેમની સાથે થયેલા અને થઈ રહેલા છળ-કપટને યાદ રાખવા જોઈએ. પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે હિંદુ કંઈ યાદ રાખતો નથી અથવા તો એમ કહો કે હિંદુઓને ઘણી વસ્તુઓ વિસ્મૃત કરાવી દેવામાં નેતા, સંગઠનો અને સરકાર હંમેશા કામિયાબ થાય છે.

બહુ દૂર ન જઈએ તો યાદ કરો કે છેલ્લી એક સદીમાં ચાલેલા કેટલાં આંદોલનો તેના તાર્કિક અંત સુધી પહોંચી શક્યા અને કેટલાં આંદોલનો તાર્કિક અંત સુધી ન પહોંચ્યા? આવા આંદોલનમાં આઝાદીનું આંદોલન મુખ્ય છે. ભારતને આઝાદી મળી, પણ કેવી આઝાદી મળી? ખંડિત અને લોહિયાળ આઝાદી. કહેવામાં આવે છે કે ભારતમાં અહિંસક આંદોલનથી આઝાદી મળી, પરંતુ કેટલીક કહેવાતી લોહિયાળ ક્રાંતિ કરતાં વધારે લોહી ભારતે આઝાદીની ચળવળ વખતે અને આઝાદી વખતે રેડયું છે. આ આઝાદી માટે લડનારા નેતાઓ, સંગઠનોએ કહ્યું હતું કે ભારતને પૂર્ણ આઝાદી મળશે અને ભારત અખંડ રહેશે. પરંતુ ભારતના હિંદુ નેતાઓ અને તે વખતે હિંદુ સંગઠન તરીકે માન્યતા પ્રાપ્ત કોંગ્રેસ ભારતના ભાગલા રોકવામાં નિષ્ફળ ગઈ. મહાત્મા ગાંધી ભારતના લોહીયાળ ભાગલાની પરિસ્થિતિમાં પણ મહાત્મા બનીને વર્તયા. તેના કારણે હિંદુઓને બેફામ પીડા સહન કરવી પડી.

વાત એટલેથી અટકતી નથી, ભારતને ખંડિત આઝાદી તો મળી, પરંતુ તેની સાચી ઓળખ પણ સ્થાપિત થઈ નહીં. ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાને પોતાને ઈસ્લામિક સ્ટેટ જાહેર કર્યું, પરંતુ ભારતના નેતાઓ અને તે સમયના એકમાત્ર સર્વશક્તિમાન સંગઠન કોંગ્રેસે ભારતના હિંદુઓને ઓળખ વગરનું સેક્યુલર સ્ટેટ આપ્યું. ભારતની આઝાદીની ચળવળ જે રીતે ચાલી અને તેનો જે અંત આવ્યો, તેમાં જે પરિણામ ભારતના હિંદુઓના માથે થોપવામાં આવ્યું, તે જરાપણ તાર્કિક ન હતું. છતાં હિંદુઓ તત્કાલિન સંગઠનો, નેતાઓ અને સરકાર પર પોતાની હિતરક્ષા માટેનો વિશ્વાસ રાખીને બેઠા રહ્યાં.

ત્યાર બાદ સ્વતંત્ર ભારતમાં ગોહત્યા વિરોધી આંદોલન થયું. ગાય હિંદુઓ માટે ધાર્મિક રીતે અતિ પવિત્ર છે. છતાં મુસ્લિમો તેની ખુલ્લેઆમ કતલ કરતાં હતા. આવી સ્થિતિમાં કેટલાંક નેતાઓ અને સંગઠનોએ ગોહત્યાના વિરોધમાં આંદોલન શરૂ કર્યું. દેશ આખો ગોહત્યા વિરોધમાં ઉભો થઈ ગયો. સંસદનો ઘેરાવો થયો, સરકારની અંદરના નેતાઓ પણ ગોહત્યાના વિરોધમાં આંદોલનના સમર્થનમાં સામે આવ્યા. ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાનને ગોહત્યા વિરોધી આંદોલનએ માથે તણાવની રેખાઓ પાડી દીધી. પરંતુ ગોહત્યા વિરોધમાં ચાલેલા આંદોલનનો તાર્કિક અંત આવ્યો નહીં. તે વખતે આંદોલન કોઈપણ નક્કર પરિણામ વગર આટોપી લેવાયું. જો કે ભારતમાં કેટલાંક રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધિત કરતાં કાયદા ઘણાં રાજ્યોએ પારિત કર્યા. પરંતુ તેનો કડકાઈથી અમલ થતો નથી. સરકાર હેલ્મેટ પહેરવાના કાયદાના અમલ માટે તમામ શક્તિ લગાવી રહી છે. પોલીસ તંત્ર પણ વાહનચાલકોને હેલ્મેટ પહેરાવા મેદાને પડવા માટે તૈયાર છે. પરંતુ ગોહત્યા પ્રતિબંધક કાયદાના અમલ માટે પોલીસ તંત્ર અને સરકાર, સંગઠનો અને નેતાઓ કોઈ ગંભીર પગલાં ઉઠાવી રહ્યાં નથી. અખબારોમાં ગોહત્યાના સમાચાર અવાર-નવાર વાંચવામાં આવે છે. ત્યારે વાંચીને દુ:ખની લાગણી અવશ્ય થાય છે કે હિંદુ સમાજની સક્રિયતાની ધાક તંત્ર, સરકાર, સંગઠનો અને નેતાઓ પર બિલકુલ નથી, જેને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

આ સિવાય બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પહેલા આસામ-પ. બંગાળમાં આંદોલનો ચાલ્યા. ત્યારબાદ આખા દેશમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ આંદોલનો થયા. પરંતુ પરિણામ શું આવ્યું? મહાશૂન્ય. વોટની લાલચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેના આંદોલનને તેના તાર્કિક અંત સુધી પહોંચાડવામાં આવ્યું નહીં. બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશમાં ખદેડવા માટે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે બાંગ્લાદેશી ઘૂસણખોરોથી દક્ષિણ આસામ અને પ. બંગાળના સરહદી જિલ્લાઓ વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં ભારતના અન્ય શહેરોમાં બાંગ્લાદેશીઓની મોટી વસાહતો છે. જે લોકો બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આંદોલન કરતાં હતા, તેઓ સત્તા પર આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ આંદોલનનો તાર્કિક અંત સત્તા સુધી પહોંચવાનો એક વળાંક પાર કરવા સુધીનો સાબિત થયો છે. આ બાબત હિંદુ સમાજ સામે છેતરપિંડી નથી? હિંદુ સમાજે તેમની સામે કેવી રીતે વર્તવું જોઈએ?

આ સિવાય કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની વાત, સમાન નાગરીક ધારો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની સ્થાપનાના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર છેડાયેલા આંદોલનનો શું હાલ થયો છે, તે તો આપણી સામે છે. આ આંદોલનો સત્તા પ્રાપ્તિ થયા બાદ બંધ કરી દેવામાં આવ્યા અને મુદ્દાઓને કોલ્ડબોક્ષના મ્યુઝિયમમાં સજાવીને રાખવામાં આવ્યા છે. હિંદુઓએ એમ વિચારી લીધું કે સમાજ અને રાષ્ટ્ર હિતના મુદ્દાઓ નેતાઓ, સંગઠનો અને સરકારે પોતાને હસ્તગત લીધા છે, માટે પોતે શાંતિથી ઉંઘી શકશે. પરંતુ તેમનો વિશ્વાસ ઠગારો નિવડયો. કારણ કે હિંદુઓએ સમાજ તરીકે, વ્યક્તિ તરીકે પોતાની સક્રિયતા ગુમાવી દીધી. તેને કારણે સત્તાની દુકાન પર બેઠેલા તમામ બેફિકર બનીને વર્તવા લાગ્યા.

હિંદુ સમાજે આ તમામ બાબતોનો હિસાબ લેવાનો વખત આવી ગયો છે. આતંકવાદ, નક્સલવાદ, લઘુમતી તુષ્ટિકરણના મુદ્દાઓ સામે પણ ચલાવવામાં આવેલા અભિયાનો ઉધામા સાબિત થયા છે. કારણ કે આ અભિયાન ચલાવનારાઓ પર હિંદુ સમાજને વિશ્વાસ ન નથી અને પોતે વ્યક્તિ તથા સમાજ તરીકે સક્રિય થવા માગતો નથી. પરંતુ હકીકત એ છે કે જે ખુદની મદદ કરે છે, તેને ઈશ્વર મદદ કરે છે, બાકીના ઈશ્વર સહાય વગરના જ રહે છે. શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોકને વારંવાર યાદ કરવામાં આવે છે-

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥

એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યાર હું પોતે જન્મ લવું છું. સજ્જનોની રક્ષા અને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના માટે હું જુદાંજુદાં યુગોમાં અવતરિત થવું છું.
આ મહાન ગ્રંથરૂપે કૃષ્ણની વાણી પર હિંદુઓનો વિશ્વાસ હોવો સ્વાભાવિક છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે દરેક જીવ શિવનો અંશ છે, માટે દરેક મનુષ્યમાં પણ ઈશ્વરીય અંશ છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા લાગે છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે ત્યારે મનુષ્યમાં રહેલો ઈશ્વરનો અંશ પ્રભાવી બનવો જોઈએ અને તે વ્યક્તિ જ ઈશ્વર તરીકે વર્તીને દુષ્ટોનો વિનાશ અને ધર્મની પુનર્સ્થાપના કરવાની વૃતિ પોતાનામાં અવતરિત કરીને ઈશ્વરનો પ્રાદૂર્ભાવ કરી શકે છે. પરંતુ આવું કેટલાં હિંદુ કરવા માટેની તૈયારી રાખી રહ્યાં છે? ધર્મની રક્ષા કરો, તે તમારી રક્ષા કરશે- धर्मो रक्षति रक्षितः

પરંતુ આપણામાંથી કેટલાં ધર્મની સાચા અર્થમાં રક્ષા કરી શક્યા છે? જો ધર્મની સાચા અર્થમાં રક્ષા થઈ હોત, તો તે આપણી રક્ષા કરત અને આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનશનના તાયફા કરવા પડયા ન હોત. એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે દરેક હિંદુ દેવી-દેવતાના હાથમાં શસ્ત્ર અને શાસ્ત્ર બને છે. શાસ્ત્ર ધર્મ સમજાવા માટે છે અને શસ્ત્ર ધર્મનો અનાદર કરનારને સમજાવા માટે છે. આ કામ દરેક દેવી-દેવતાએ ખુદ કર્યું છે. ત્યારે જ તો તે દેવી-દેવતા બન્યા છે. ત્યારે હિંદુએ વ્યક્તિ તરીકે મજબૂત બનીને સામે આવવું પડશે. પોતાની ખુદની રક્ષા માટે ખુદના સિવાય અન્ય કોઈ પર આધાર રાખવાનું બંધ કરવું પડશે. આતંકવાદીના બોમ્બ-ગોળાથી બચવા, પોતાની ગાય બચાવવા, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા, કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે, સમાન નાગરીક ધારા માટે, રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે, મુસ્લિમ તુષ્ટિકરણના રાજકારણને ડામવા માટે હિંદુઓએ ખુદ કોઈ સંગઠન, નેતા કે સરકારને ભરોસે રહ્યાં વગર મેદાનમાં આવવું પડશે. કારણ કે સરકારો, નેતાઓ અને સંગઠનો તો આવશે અને જશે, પરંતુ જો હિંદુઓએ ભારતને જીવંત રાખવું હશે, તો સ્વયં પોતાના મુદ્દાઓ માટે પરિસ્થિતિ પ્રમાણેની રણનીતિથી લડવું પડશે. હિંદુઓએ પોતાની લડતમાં સાચા તાર્કિક અંત સુધી પહોંચવું પડશે. આ સાચો તાર્કિક અંત એ છે કે હિંદુઓએ ભારતને તેની ઓળખ અક્ષુણ્ણપણે પાછી આપવી. શું તમે હિંદુ ભાઈઓ અને બહેનો ભારતને તેની અક્ષુણ્ણ ઓળખ પાછી અપાવવા માટે તૈયાર છો?

Thursday, August 4, 2011

કોમવાદના બહાને હિંદુઓને ગુનેગાર ઠેરવતું શેતાની બિલ!


- આનંદ શુક્લ

કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. પહેલા સચ્ચર સમિતિના રિપોર્ટ હેઠળ ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતાં પણ ખરાબ હોવાનું સર્ટિફિકેટ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે અપાવ્યું. ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચના અહેવાલ હેઠળ મુસ્લિમ અને અન્ય લઘુમતીઓને તેમની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ અને નોકરીઓમાં 15 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી. આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાની વાત વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભૂતકાળમાં બોલી ચુક્યા છે, તેમણે પંદર સૂત્રીય કાર્યક્રમ પણ લાગુ કરાવી દીધો છે. પરંતુ આ દેશની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની મુસ્લિમ પરસ્તી આટલેથી અટકતી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણ નીચેની નેશનલ એડવાઈઝરી કમિટી (રાષ્ટ્રીય સલાહકાર સમિતિ) નેશનલ ઔરંગઝેબ કમિટી બનીને વર્તી રહી છે. આ કમિટીએ કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવ્યો છે. આ બિલનો મુસદ્દો ઘડવામાં એ વાતની ચિવટ રાખવામાં આવી છે કે કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા-હુલ્લડો માટે માત્ર બહુમતી હિંદુઓ જ ગુનેગાર હોઈ શકે, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ પીડિત જ હોઈ શકે. કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત રાજનીતિની ધાર વધુ તીખી કરનારા આ બિલને બનાવવામાં જે લોકોની સમિતિ હતી, તે ઘોર હિંદુ વિરોધી, નેહરુ-ગાંધી પરિવારના ભક્તો અને ઢોંગી સેક્યુલારિસ્ટોની લોબી છે. એનએસીની કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવનારી સમિતિમાં હર્ષ મંડર, ફરહ નકવી, ગોપાલ સુબ્રમણ્યમ, માજા દારુવાલા, નજમ બાજિરી, પી. આઈ. જોસ, તીસ્તા સીતલવાડ, ઉષા રાનાથન અને વૃંદા ગ્રોવરનો સમાવેશ થાય છે.

દેશના પંથનિરપેક્ષ હિંદુઓ પર જનોઈવઢ ઘા કરનારા આ બિલને કાયદાના નિષ્ણાતો ટાડા કરતાં પણ વધારે ખતરનાક ગણાવી રહ્યાં છે. તેમના મતે આ બિલથી દેશના પંથનિરપેક્ષ તાણાં-વાણા અને સંઘીય માળખાને ગંભીર જોખમ છે. આ કાયદાનો મુસદ્દો વાંચ્યા બાદ કોઈને પણ એવું લાગે કે સોનિયા ગાંધીના વડપણવાળી એનએસી પોતાના શેતાની બિલ દ્વારા દેશના કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરવાનું બંધારણ વિરોધી ષડયંત્ર કરી ચુક્યા છે. આ બિલ કેન્દ્ર સરકારને રાજ્યોના મામલાઓમાં હસ્તક્ષેપના નવા-નવા બહાના ઉપલબ્ધ કરવાનો કારસો છે.

ભારતમાં કોમી રમખાણો માત્ર હિંદુઓ કરે છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓનો કોઈપણ વાંક ન હોવાની થિયરી પર બિલનું ઘડતર થયું છે. આ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર ગણાવાની વાત સોનિયા એન્ડ કંપનીએ ઘડેલા બિલમાં કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ પ્રમાણે, કોમવાદી હિંસા અને કોમવાદી દુર્ભાવના માટે માત્ર હિંદુઓ પર જ કેસ ચાલશે, માત્ર હિંદુઓને જ દોષિત માનવામાં આવશે અને સજા માત્ર હિંદુઓને જ મળશે. જાણે કે હિંદુ હોવું આ દેશમાં મોટો ગુનો હોય! મુસદ્દામાં સૌથી મોટી શરારત સમૂહ શબ્દની પરિભાષામાં કરવામાં આવી છે. સમૂહનો અર્થ ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. આ હિંદુ વિરોધી શરારતથી મોટાભાગના રાજ્યોમાં બહુમતીમાં રહેલા હિંદુઓ સમૂહની મર્યાદામાં આવશે નહીં. હિંદુઓ કોમવાદી હિંસા નિવારક કાયદા હેઠળ કોઈ સંરક્ષણ મેળવી શકશે નહીં, પછી તેઓ ભલે મુસ્લિમ કે ખ્રિસ્તી કોમવાદ, ઘૃણા અને હિંસાનો શિકાર હોય.

ઉદાહરણ તરીકે જો ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને બાળી નાખવાની ઘટના વખતે આ કાયદો હોત, તો ગોધરાકાંડની ઘટના માટે હિંદુઓની હત્યા બદલ ફરીયાદ થઈ શકી ન હોત. પરંતુ ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોની ઘટનામાં સાંપ્રદાયિક હિંસા નિવારક બિલની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાત. બોલો છે ને, કોંગ્રેસી ન્યાય? તમે વિચારો કે પીડિતો વચ્ચે ધર્મ-જાતિ-ભાષા-વર્ગના આધારે ભેદભાવ કરવો કેટલો વ્યાજબી છે? આ બિલ કોમવાદી હિંસાના શિકાર હિંદુઓને બીજા દરજ્જાના નાગરીક તરીકે જોવાની તંત્રને ફરજ પાડશે.

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે, પીડિતની વ્યાખ્યામાં લઘુમતી એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના સભ્ય તરીકે કરવામાં આવી છે. પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી એટલે કોમવાદી હિંસામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદામાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થઈ જાય છે. લઘુમતી સમુદાયનો વ્યક્તિ હિંદુ પર મનોવૈજ્ઞાનિક નુકસાનનો ખોટો આરોપ લગાવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ બિલ કાયદો બને, તો કોઈપણ ગુમનામ મુસ્લિમ અથવા અન્ય લઘુમતી ફરીયાદકર્તા કોમવાદી ઘૃણા ભડકાવવા માટે કોઈ હિંદુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી શકે છે અને પોલીસ આને એક બિનજામીનપાત્ર ગુનો ગણીને ફરીયાદીની ઓળખ જાહેર કર્યા વગર આરોપી હિંદુની ધરપકડ કરશે અને આરોપી તરીકે પકડાયેલા હિંદુને ત્યાં સુધી દોષિત માની લેવાશે કે જ્યાં સુધી તે પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરે. આ એક ગેરબંધારણીય બાબત છે. કારણકે ભારતમાં પ્રવર્તી રહેલા મોટાભાગના કાયદામાં આરોપીને દોષિત સાબિત કરવાની જવાબદારી ફરીયાદીના સિરે રહેલી છે. આવા મામલાઓને એસસી અને એસટી સામેની એટ્રોસિટીને સમાંતર ચલાવવામાં આવશે.

આ વાત આટલેથી અટકતી નથી હિંદુઓને અસભ્ય મૂર્તિપૂજકો અને કાફિર કહેનારા ખ્રિસ્તી-મુસ્લિમો હિંદુ દેવી-દેવતાના અપમાન કરશે, તો પણ તેમને ભારતીય બંધારણ દ્વારા હંમેશા નિર્દોષ ગણાવાશે. હિંદુ દેવી-દેવતા અને ભારતમાતાને નગ્ન ચિતરનારા ચિતારા મકબૂલ ફિદા હુસેનનો કિસ્સો હજીપણ લોકોની સામે છે. મકબૂલ ફિદા હુસેનનું ભલે અવસાન થયું, પણ આ કાયદાથી નવા મકબૂલ ફિદા હુસેનો ફૂટી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. આ સિવાય હુલ્લડો દરમિયાન હિંદુ મહિલાઓ પર બળાત્કાર કે જાતિય અત્યાચારની ઘટના બનશે, તો તેના માટે હિંદુઓ આ બિલની જોગવાઈ પ્રમાણે ફરીયાદ નોંધાવી શકશે નહીં. જાતિય શોષણ અને જાતિય ગુનાના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકશે. હિંદુઓને બિલની જોગવાઈ પ્રમાણે તથાકથિત ગુના માટે બે વખત અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરાશે.

આ બિલ પોલીસ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આતંકવાદીઓ અને આઈએસઆઈની જેમ વર્તશે. મુસ્લિમો-ખ્રિસ્તીઓ વિરુદ્ધ હુલ્લડો દરમિયાન સુરક્ષાદળો પ્રભાવી ઢંગથી કામ કરી સ્થિતિ પર નિયંત્રણ નહીં કરે તો તેમની વિરુદ્ધ મુખ્ય આપરાધિક કલમો પ્રમાણે કેસ ચાલશે. આ બિલ મુસ્લિમ-ખ્રિસ્તી તરફી સ્પષ્ટ ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્યના સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરનારું છે. કોમી હિંસાને આંતરીક ઉપદ્રવ ગણીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત કરીને જે-તે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકે તેવી પણ જોગવાઈ છે. એટલે કે કેન્દ્રમાં સત્તા પર રહેલી પાર્ટીને કોઈ રાજ્યની સરકારને ગબડાવી હશે, તો ત્યાં કોમી રમખાણો કરાવીને તેઓ તેમ કરી શકશે! (ભારતના રાજકારણની હાલની નીચતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ પણ શકે છે.) જો બહુમતીનું સરઘસ લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવે અને મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતી એમ કહે છે કે તેમને આ સરઘસથી મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને સરકાર વળતર આપશે. બિલ પ્રમાણે આવી ઘટનાઓમાં આરોપી બહુમતી હિંદુ જ હશે અને આવા આરોપી વ્યક્તિઓની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી નિર્દોષ છૂટી ન જાય.

આ સિવાય સત્તાના બીજા કેન્દ્ર જેવી વિશિષ્ટ અધિકારવાળી એક રાષ્ટ્રીય સમિતિ કે પંચની પણ બિલમાં વકીલાત કરવામાં આવી છે. બિલ પ્રમાણે, કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક સાત સભ્યોની રાષ્ટ્રીય સમિતિ હશે. આ સમિતિના સાત સભ્યોમાંથી ચાર સભ્યો મુસ્લિમ-ખ્રિસ્તી અથવા અન્ય લઘુમતી સમુદાયાના હશે. આવી સમિતિઓ રાજ્ય સ્તરે પણ રચવામાં આવશે. સરકારે આ સમિતિને પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સમિતિને કોઈ ફરીયાદની તપાસ કરવા, કોઈ ઈમારતમાં ઘુસવાની, છાપો મારવાની અને તપાસ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સમિતિ કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ જારી કરી શકશે. આ સમિતિની નિમણૂક માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ અને પ્રત્યેક રાજકીય પક્ષના એક નેતાનું કોલેજિયમ બનાવવામાં આવશે. રાજ્યોના સ્તરે પણ આવી વ્યવસ્થા હશે.

આ સિવાય સીઆરપીસીની કલમ-161 નીચે નિવેદન નોંધવામાં આવશે નહીં. પીડિતના નિવેદન માત્ર કલમ-164 હેઠળ એટલે કે કોર્ટની સામે લેવાશે. આ જોગવાઈ હેઠળ સરકારને સંદેશાઓ અને ટેલિકોમ્યુનિકેશન બાધિક કરવા અને રોકવાનો અધિકાર હશે. બિલના ઉપબંધ-67 પ્રમાણે, લોકસેવક વિરુદ્ધ મામલો ચલાવવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ફરીયાદકર્તા પીડિતના હિતમાં કામ કરવામાં આવશે, પીડિતનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કેસની પ્રગતિનો રિપોર્ટ પોલીસ ફરીયાદકર્તાને જણાવશે.

જો કે આ ડ્રેકોનિયન લો વિશિષ્ટ દરજ્જો પામેલા મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્યાંની વિધાનસભાની સંમતિ બાદ જ લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1989માં અલગતાવાદે આતંકવાદના સ્વરૂપે માથું ઉંચક્યું અને સેંકડો હિંદુઓની કતલ કરીને ત્રણ લાખ જેટલાં કાશ્મીર ખીણમાં રહેતા હિંદુઓને તેમના આઝાદ દેશ ભારતમાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા છે. આ કામ ઈસ્લામિક જેહાદના રંગે રંગાયેલા મુસ્લિમ આતંકવાદીઓએ કર્યું છે. આજે પણ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાદળોએ ઘણી મહેનત કરવી પડે છે. અલગતાવાદ અને આતંકવાદની સ્થિતિ જેમની તેમ છે. ત્યારે જો કોમવાદી હિંસા નિવારક કાયદો જમ્મુ-કાશ્મીરમાં જ લાગુ ન થાય, તો તેનો અર્થ શો રહેવાનો?

વળી આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ પીડિતો અને દોષિતોને બરાબરીથી જોતું નથી. ત્યારે સરકારે આ બિલની સાથે કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવા જોઈએ. દેશમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્યાં સ્થાનો પર કોમી હિંસા થઈ? થયેલી આ કોમી હિંસામાં કોને સૌથી વધારે ભોગવવું પડયું? આ કોમી રમખાણોમાં મરનાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ કોમી રમખાણો થવાના કારણ અથવા કારણો ક્યાં હતા? પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ આંકડાઓથી જ ખબર પડી શકે કે દેશમાં કોમી રમખાણો માટે માત્ર હિંદુ જ જવાબદાર છે કે મુસ્લિમ-ખ્રિસ્તીઓ પણ જવાબદાર હોય છે?
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપમાં મુસ્લિમ, પંજાબમાં શીખ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ત્યારે આ રાજ્યોમાં કોમી હિંસાની ઘટનામાં સરકાર ક્યાં પ્રકારનું વલણ લેશે? આ સિવાયચ મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં કોઈ ધર્મના લોકોની સંખ્યા પચાસ ટકાથી ઉપર નથી અને કોઈને સ્પષ્ટ બહુમતી નથી. આ બંને રાજ્યોમાં કોમવાદી હિંસા વિરોધી કાયદાનો અમલ સરકાર કોને દોષિત ગણીને કરશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે?

આ બિલ કોંગ્રેસ દ્વારા હિંદુ-મુસ્લિમો વચ્ચે દુશ્મની પેદા કરીને ગલીએ ગલીએ દેશભરમાં રમખાણો કરીને પોતાની વોટબેંક મજબૂત કરવાની સાજિશ છે. શું આ કોમવાદી હિંસા નિવારક બિલથી દેશમાં કોમી સદભાવનાને ખરેખર પ્રોત્સાહન મળશે? ભારતમાં હિંદુઓ લઘુમતીમાં હોય તેવા શહેર અને જિલ્લાઓ ઘણાં છે. તો ત્યાં કોમવાદી હિંસા અને હુલ્લડો માટે કોને દોષિત ઠેરવવામાં આવશે? એક મુસ્લિમ બહુલ અને એક હિંદુ બહુલ શહેર વચ્ચે હુલ્લડો ફાટી નીકળે, તો પછી પોલીસ શું કરશે? આવી પરિસ્થિતિઓમાં પણ પોલીસ માત્ર હિંદુઓની ધરપકડ કરશે, કારણ કે ભારતીય કાયદામાં આ ઉલ્લેખિત છે? શું આ બિલ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશમાં હિંદુઓ પર હુમલા કરવાની પરવાનગી આપી દેશે?