Monday, February 12, 2018

પાર્થ હોવ તો ચઢાવો બાણ: જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે યુદ્ધ એ જ કલ્યાણ




-    પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર ગત લગભગ પોણા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં છે. તો કેન્દ્રમાં ત્રીસ વર્ષ બાદ પહેલી મજબૂત સરકારના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની સરકાર ગત પોણા ચાર વર્ષથી વધુ સમયથી અમલમાં છે. પરંતુ આ સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ કેટલી હદે વણસી છે, તેની ચિંતા અને એક દબાયેલો આક્રોશ આખા દેશમાં પ્રવર્તી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષાદળો ખૂબ અસરકારક કામગીરી કરી રહ્યા હોવા છતાં ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની હરકતો થંભી રહી નથી. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ગંભીર ચિંતા ઉપજાવનારી હોવાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. જમ્મુ-કાશ્મીર ભારતનું અતૂટ અંગ હોવાની વાત જાણે કે નિવેદનો પુરતી મર્યાદીત રહી ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. 

આમ લાગવાને માટે કારણો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે અને તેની વિધાનસભા ભારતના બંધારણ હેઠળ કામ કરી રહી છે. પરંતુ જ્યારે જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો અને ત્યારે આર્મી કેમ્પ નજીક રહેતા રોહિંગ્યા મુસ્લિમોને પાકિસ્તાની આતંકવાદીઓએ હથિયાર બનાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર કવિન્દ્ર ગુપ્તા, ભાજપના એમએલસી વિક્રમ રંધાવા સહીતના મોટા નેતાઓએ પણ રોહિંગ્યા મુસ્લિમોની ટેરર લિંકની વાત કરી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જ્યારે સ્પીકર કવિન્દ્ર ગુપ્તાએ રોહિંગ્યા મુસ્લિમોની ટેરર લિંકની વાત કરવામાં આવી, તો ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અકબર લોનને પેટમાં દુખાવો ઉપડયો. ભાજપના ધારાસભ્યો પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો પોકારી રહ્યા હતા અને ફારુક અબ્દુલ્લાની પાર્ટીનો ધારાસભ્ય અકબર લોન પાકિસ્તાન જિંદાબાદનો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બકવાસ કરી રહ્યો હતો. કદાચ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પહેલીવાર કોઈ ધારાસભ્યે આટલી બેશરમીથી પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો પોકાર્યા હશે. આ ઘટના પહેલી વખત બની છે અને દુખની વાત એટલા માટે છે કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએની નરેન્દ્ર મોદીની 30 વર્ષ બાદ સત્તામાં આવેલી મજબૂત સરકાર છે. તો જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસનિક ગઠબંધન દ્વારા મહબૂબા મુફ્તિની પીડીપી સાથે પણ ભાજપની જોડાણ સરકાર છે. છતાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો પોકારવાની કોઈ નાલાયકી થાય અને કોઈ એક્શન લેવાય નહીં. તો પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે. પ્રશ્ન એ છે કે ભારતની ભાવનાને ખંડિત કરીને અમલમાં આવેલા પાકિસ્તાન બાદ શું ભારતના બંધારણમાં ક્યાંય પાકિસ્તાન જિંદાબાદ કહેવાની બંધારણના ઘડવૈયાએ કોઈ જોગવાઈ રાખી છે? શું વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદ પોકારનારા ધારાસભ્ય સામે દેશદ્રોહની કાર્યવાહી કરવાનું કલેજું દેખાડવામાં આવશે?
 
ભારતની બંધારણીય ભાવના પ્રમાણે પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર પોકારવા એ દેશદ્રોહ જ છે. પરંતુ ફારુક અબ્દુલ્લાની પાર્ટીના ધારાસભ્ય અકબર લોનને આનો કોઈ વસવસો નથી અને તેણે તો પહેલા તે મુસ્લિમ અને બાદમાં કાશ્મીરી કે અન્ય કંઈપણ હોવાની વાત કહી છે. બસ આ જ તો વિચાર હતો કે જેને 1906માં બનેલી મુસ્લિમ લીગે 1940માં પાકિસ્તાનના નામે અલગ હોમલેન્ડની માગણી સાથે આગળ વધાર્યો હતો. ફારુક અબ્દુલ્લા પહેલા જ ભારતના ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા પચાવી પાડવામાં આવેલા કાશ્મીરના ભાગને પાડોશી દેશનો ગણાવી ચુક્યા છે. પરંતુ અકબર લોનની શર્મનાક હરકત પર તેઓ આને નેશનલ કોન્ફરન્સનો અભિપ્રાય નહીં હોવાનું કહીને પોતાને ભારતથી કોઈ દૂર કરી શકશે નહીં તેવી બે મોંઢાની વાતો કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ફારુક અબ્દુલ્લાના દિલમાંથી પણ તેમના પિતા શેખ અબ્દુલ્લાની જેમ ભારત હવે ઘણું દૂર થઈ ચુક્યું છે. જો ભારત ફારુક અબ્દુલ્લાના દિલમાં હોય અરે એમના દિલની નજીક પણ હોય તો અકબર લોનને પાકિસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચારના 24 કલાકમાં નેશનલ કોન્ફરન્સમાંથી હાંકી કાઢવામાં કેમ આવ્યો નહીં?

ખેર, જમ્મુ-કાશ્મીરમાં આ કોઈ પહેલો મામલો નથી. જમ્મુ-કાશ્મીરના એક નાયબ મુફ્તિએ પણ પચાસ વર્ષ પહેલા ભારતને ખંડિત કરનારા મહમ્મદઅલી ઝીણાની ભાષા ફરીથી બોલવાની કોશિશ કરી છે. આ પાકિસ્તાનવાદી ઝીણામુખી મુફ્તિની વાતને અકબર લોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં દહોરાવાની કોશિશ કરી છે. વાત અહીંથી અટકતી નથી. ભાજપની સાથે જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન કરનારી પીડીપી અને તેના પ્રમુખ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પણ કંઈ કમ નથી. લગભગ સાડા નવ હજારથી વધારે પથ્થરબાજો સામેના કેસ રદ્દ કરનારી મુફ્તિ સરકારે શોપિયાંની ઘટનામાં ભારતીય સેનાના એક મેજર સહીત દશ સૈન્યકર્મીઓ સામે એફઆઈઆર કરી છે. આ એફઆઈઆરનું કારણ પણ ચોંકાવનારું છે. સેનાનો કાફલો શોપિયાંથી પોતાની કાર્યવાહી બાદ પાછો ફરી રહ્યો હતો, ત્યારે અઢીસો-ત્રણસો પથ્થરબાજો દ્વારા સૈન્ય કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સેનાએ સંયમ સાથે કામ લેવાની કોશિશ કરતા પથ્થરબાજો બેફામ બન્યા અને સેનાએ ફાયરિંગ કર્યું જેમાં ત્રણ પથ્થરબાજોના મોત નીપજ્યા હતા. આ પથ્થરબાજો છેલ્લા ઘણાં સમયગાળાથી જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગની સુરક્ષાદળોની કાર્યવાહીમાં અડચણ પેદા કરવા પથ્થરમારો કરે છે. આવી જ એક ઘટનામાં સેનાએ એક પથ્થરબાજને સેનાના વાહન સાથે બાંધીને પથ્થરબાજોની ભીડમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. આ બંને ઘટનામાં પથ્થરબાજોને છોડી મૂકવાની જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકારમાં સેનાના જવાનો સામે એફઆઈઆર દાખલ કરવાના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ આદેશ આપ્યા હતા. જો કે શોપિયાં કાંડમાં સેનાના જવાનો સામેની એફઆઈઆર પર ભારતની સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી છે. પરંતુ તેમા પણ મેજર આદિત્યના લેફ્ટિનન્ટ કર્નલ પિતાને સુપ્રીમ કોર્ટ સામે અરજ કરવાની ફરજ પડી છે. 

શોપિયાં ખાતે પથ્થરબાજો સામે સ્વરક્ષણમાં ફાયરિંગ કરવા બદલ સેનાના જવાનો સામે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એફઆઈઆર ઘણાં સવાલો પેદા કરે છે. શું પથ્થરબાજોને માફ કરનારી જમ્મુ-કાશ્મીર સરકારને ભારત સરકારના મિશન પર રહેલી સેનાની કાર્યવાહીમાં અડચણ ઉભી કરનારાઓ સામે સ્વરક્ષણમાં કાર્યવાહી બદલ એફઆઈઆર કરવાનો કોઈ નૈતિક અધિકાર છે? આતંકગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ એટલે કે અફસ્પા અમલી છે. આવા સંજોગોમાં સેના દ્વારા સ્વરક્ષણ અને દેશની સંપત્તિના રક્ષણમાં કરાયેલી કાર્યવાહી બદલ એફઆઈઆર કરવી શક્ય છે અને જો હા તો પછી અફસ્પાનો કોઈ અર્થ રહે છે ખરો? શું જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા એફઆઈઆર કરાયા બાદ ભાજપના સુબ્રમણ્યમ સ્વામીના કહેવા મુજબ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કોઈ સંમતિ આપી છે? શું જમ્મુ-કાશ્મીર સરકારની આવી હરકત સેના અને સુરક્ષાદળોના મનોબળ પર વિપરીત અસર પેદા કરનારી સાબિત નહીં થાય?
 
હવે વાત પાકિસ્તાનની કરીએ. પાકિસ્તાનમાં 2018માં નેશનલ એસેમ્બલીની ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનમાં સેના અને આઈએસઆઈ જેવા ડીપ સ્ટેટના તંત્રને અનુકૂળ પક્ષની સરકાર ઈસ્લામાબાદમાં સત્તામાં આવવાની નિશ્ચિત છે. આના માટે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને આતંકવાદી જૂથો દ્વારા પોતાની પ્રાસંગિકતા યથાવત રાખવાની કોશિશમાં ભારતનો એક ડર ઉભો કરવાની વ્યવસ્થિત કોશિશો થઈ રહી છે. જેથી પાકિસ્તાનની સેના સમર્થિત પક્ષને પાકિસ્તાનની આવામ સ્વાભાવિક રીતે ચૂંટે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો બીજો ઉદેશ્ય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને જીવતો રાખીને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવાનો છે. ભારતીય સેનાની 2017ની કાર્યવાહીમાં જમ્મુ-કાશ્મીર ખાતે 210થી વધુ આતંકીઓ ઠાર થયા છે. ભારતીય જવાનો પણ ચિંતા ઉપજાવે તેટલી સંખ્યામાં વીરગતિને પામ્યા છે. 2018ની શરૂઆતમાં જ પાકિસ્તાને લગભગ બસ્સો વખત શસ્ત્રવિરામ ભંગ કર્યા છે. 2017માં આઠસોથી વધુ વખત શસ્ત્રવિરામ ભંગ કરીને પાકિસ્તાને હવે 2003ના કથિત યુદ્ધવિરામનું ખૂન કર્યું છે. એટલે હવે ભારત પાકિસ્તાન તરફથી પહેલી ગોળી ચાલે તેની રાહ શેના માટે જોવે અને આવો તર્ક કરનારની વાત હવે ગળે ઉતરતી નથી. 

પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગ પાછળ બે મુખ્ય ઉદેશ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન ઓલઆઉટમાં સમાપ્ત થયેલી આતંકવાદીઓની કેડરને ફરીથી જીવિત કરીને કાશ્મીરમાં આતંકવાદને જીવતો રાખવો. એલઓસી પર સેનાના જાપ્તાને પરિણામે આતંકી ઘૂસણખોરી માટે જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરીને તણાવ પેદા કરીને દબાણ ઉભું કરાયું છે. જેમાં તેના બે ઉદેશ્ય છે. એક ભારતીય સેના અને બીએસએફનું ધ્યાન આંતરરાષ્ટ્રીય સરહદે કેન્દ્રીત કરીને એલઓસીનો જાપ્તો ઢીલો કરવાનું છે. જેનો ફાયદો ઉનાળામાં આતંકી ઘૂસણખોરી માટે પાકિસ્તાની સેના ઉઠાવી શકે. તો બીજો ઉદેશ્ય જમ્મુના સરહદી વિસ્તારોમાં હિંદુઓમાં ભય પેદા કરીને તેમને સ્થળાંતર કરવા માટે મજબૂર કરવાનો છે. જેથી કાશ્મીરની જેમ જમ્મુની સ્થિતિને પણ વસ્તી અસંતુલન કરીને બગાડવામાં આઈએસઆઈ અને આતંકવાદીઓ કામિયાબ બને તેવો તેનો બદઈરાદો છે.

આવા સંજોગોમાં ભારત પાસે હવે પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય તેની રાહ જોવાનો વિકલ્પ બાકી બચતો નથી. પાકિસ્તાન દ્વારા છોડાયેલી ગોળીની રાહ જોઈને ભારતની રણનીતિ તેને વ્યૂહાત્મક ફાયદો આપી રહી છે. પાકિસ્તાન ફાયરિંગ માટે પોતાનું સ્થાન પસંદ કરે છે અને પોતાની કાર્યવાહી કરે છે. ત્યાર બાદ ભારત પ્રતિક્રિયાત્મક કાર્યવાહીની તૈયારી કરે છે. હવે ભારતે રિએક્શનના સ્થાને પ્રોએક્શન માટે તૈયાર થવું પડશે. ભારતના રણનીતિકારો દ્વારા હવે પાકિસ્તાનના ડીપ સ્ટેટ સેના અને આઈએસઆઈને વધુમાં વધુ નુકસાન કરવાની શરૂઆત કરવી પડશે. તેના માટે આર્ટિલરી ફાયરિંગથી માંડીને મિસાઈલના ઉપયોગ સુધીના વ્યાપક વિકલ્પો ભારતીય સેના અને સુરક્ષાદળો પાસે ઉપલબ્ધ છે. ભારતીય સેના ટ્રાન્સ બોર્ડર એક્શન પણ કરી શકે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક પર દબાણ યથાવત રાખીને કાર્યવાહી ચાલુ રાખવી પણ બેહદ જરૂરી બનવાની છે. પથ્થરબાજોને પથ્થરનો જવાબ ગોળીથી આપવાની પણ છૂટ આપવી પડશે. આ સિવાય પાકિસ્તાની આતંકી આકાઓને સરહદ પાર જઈને કોઈ એજન્સીઓ અને ગુપ્તચર એજન્ટો દ્વારા મારવાનો પણ એક મોટો વિકલ્પ છે.

જમ્મુ-કાશ્મીરમાં પીડીપીના મહબૂબા મુફ્તિ આમા ભાજપને સાથ આપે નહીં તો રાજકીય છૂટાછેડા લઈને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું દેશહિતમાં મોટી કાર્યવાહી બની રહેશે. તેની સાથે આતંકવાદ નહીં છોડવાની સ્થિતિમાં પાકિસ્તાન સાથે વાટાઘાટોના મેજ પર આવવું એક રીતે થુંકેલું ચાટવા જેવી સ્થિતિ હશે અને આવી સ્થિતિ દેશનું મનોબળ તોડનારી હશે. તેથી આવી સ્થિતિથી પણ બચવું જરૂરી બનશે. આના માટે ભારતના વિપક્ષોના રાજકીય દબાણ કે આંતરરાષ્ટ્રીય દબાણ કે પાકિસ્તાની સેનાના ઉમ્બાડિયાથી ગભરાયા વગર નિર્ણય કરવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ પ્રવર્તમાન સરકારે દેખાડવી પડશે. કાશ્મીરમાં શાંતિની સ્થાપના અમનની મનમાં ને મનમાં આશાઓ કરીને ભારતના અખબારોમાં પ્રકાશિત કરવાથી થવાની નથી. તેના માટે જમ્મુ-કાશ્મીર અને જરૂર પડે તો પાકિસ્તાનના ડીપ સ્ટેટ સામે લશ્કરી કાર્યવાહી અને વ્યૂહાત્મક દબાણ પેદા કરવા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હિતો માટે જરૂરી છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જોતી હશે, તો હવે યુદ્ધ એ જ કલ્યાણ છે.