Thursday, August 13, 2015

હિંદુસ્થાનની રાષ્ટ્રીય આવશ્યકતા: રાજનીતિનું સંપૂર્ણ હિંદુકરણ, હિંદુઓનું સંપૂર્ણ સૈનિકીકરણ


- પ્રસન્ન શાસ્ત્રી



પડકારો હિંદુસ્થાનની સરહદથી અંદર સુધી ફેલાયેલા છે. આ પડકારો વૈશ્વિકસ્તરના છે. ચોક્કસ ભારત સામેના પડકારોમાં ધાર્મિક ઝનૂનથી પેદા થનારા હિંસાચાર અને આતંકવાદની મુખ્ય ભૂમિકા છે. દુનિયાનો બીજા ક્રમનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ અને સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી ભૂમિસેના ધરાવતું ભારત દેશની ટૂંકી દ્રષ્ટિવાળા રાજકારણીઓ અને તુષ્ટિકરણની રાજનીતિને કારણે આતંકવાદીઓની સ્વર્ગ બની ગયું છે. દેશના સીમાડા સુરક્ષિત નથી અને આંતરિક સ્તરે સુરક્ષાના પડકારો વચ્ચે નાગરિકોથી લઈને ઉચ્ચસ્તરના કોઈપણ વ્યક્તિની સુરક્ષાની ચોક્કસ ખાતરી આતંકવાદના આકાઓના સક્રિય હોવાથી મળી શકતી નથી. 


આવા સંજોગોમાં હિંદુસ્થાનને વિશ્વની ઉભરતી મહાશક્તિ અને ક્ષેત્રીય સત્તા તરીકે પોતાના વજન પ્રમાણે પ્રહાર નહીં કરવાની માનસિકતા ખરેખર પીડાકારક છે. આની પાછળ ભારતીય ચિંતનની તમામ ધારાઓનો આદર કરતા વિશ્લેષણ કરવાની જરૂર છે. ભગવાન શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાન અને ભગવાન બુદ્ધના અહિંસાના સંદેશા સુધીની વિવિધતા હિંદુસ્થાની ચિંતનમાં છે. પરંતુ ક્યારે ક્યાં ચિંતનનો ઉપયોગ કરવો તેની સમજ અને પરિપકવતા એક સમાજ તરીકે હિંદુઓ કદાચ ગુમાવી ચુક્યા છે અથવા તેમાં ક્ષીણતા આવી છે. 

તેનું પરિણામ 1947માં અખંડ ભારતના પાકિસ્તાન નામે અસ્તિત્વમાં આવેલા અને સદા પીડતા પાકિસ્તાન તરીકે આપણી સામે છે. જો કે 1971માં ભારતના તત્કાલિન રાજનેતાઓની ઈચ્છાશક્તિના કારણે પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ બનાવવામાં સફળતા મળી અને સદીઓ બાદ દુશ્મન દેશના 95 હજાર સૈનિકોને યુદ્ધબંદી બનાવીને અભૂતપૂર્વ વિજય હિંદુસ્થાનની સેનાઓએ અપૂર્વ વીરતા દ્વારા પ્રાપ્ત કર્યો હતો. પરંતુ ફરીથી વાટાઘાટના મેજ પર યુદ્ધમાં પાકિસ્તાન સામે જીતેલા હિંદુસ્થાનની હાર થઈ હતી. 


1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજીની બર્બરતાનો સશસ્ત્ર પ્રતિકાર કરાયો. પરંતુ 1947માં મળેલી સ્વતંત્રતાને અહિંસક આંદોલનની દેણ દેખાડવાની એક કુસમજ ઉભી કરવામાં આવી. ભારતમાં છેલ્લા ત્રણ દશકથી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદમાં લગભગ એક લાખ જેટલા લોકોના મોત નીપજ્યા છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરથી શરૂ થયેલી દહેશતગર્દી હવે ભારતના કોઈપણ ખૂણે જનતાને દઝાડી શકે છે અને એક હુમલા પછી બીજા હુમલાની રાહ એલર્ટોથી એલર્ટો વચ્ચે જોવાતી રહે છે. કોઈ નક્કર કાર્યવાહી થઈ શકતી નથી. ત્યારે લાગે કે આવો વિશાળકાય દેશ પોતાના વજન અને ક્ષમતાઓથી ઓછો પ્રતિઘાત કરી રહ્યો છે. 

પરંતુ હવે પાકિસ્તાન પ્રેરીત દહેશતના ખેલમાં વૈશ્વિક સ્તરના ધાર્મિક પડકારો પણ ભળ્યા છે. 

આઈએસઆઈએસના આતંકવાદીઓ 2020 સુધીમાં ભારતને સ્ટેટ ઓફ ખુરાસાનનો ભાગ બનાવવા માટેની ગુલબાંગો પોકારી રહ્યા છે. આઈએસઆઈએસનું જોખમ હિંદુસ્થાન પર તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારતમાં ચોક્કસ સમૂહોના તુષ્ટિકરણની નીતિ અને તેમની રાષ્ટ્રવિરોધી માગણીઓ સામે ઝુકવાની રાજનીતિ બિલકુલ ચલાવી શકાય તેમ નથી. આવા સંજોગોમાં સૌથી પહેલી જરૂર હિંદુસ્થાનની રાજનીતિના સંપૂર્ણ હિંદુકરણની જરૂરિયાત છે. તેની સાથે હિંદુ સમાજના સૈનિકીકરણની પણ તાતી જરૂરિયાત છે. 



સૈનિકીકરણ માત્ર શસ્ત્ર ચલાવવા માટે જ જરૂરી નથી. જનમાનસને બદલવા માટે પણ સૈનિકીકરણની જરૂર છે. હિંદુ સમાજના સૈનિકીકરણ દ્વારા જનમાનસ અને પ્રજાના વલણને પણ ધરમૂળથી બદલીને મિલિટ્રી એટીટ્યૂટને પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે ભારતમાં ચાલી રહેલો આતંકવાદ એક યુદ્ધ છે. યુદ્ધને લડવા માટે સૈનિકોની જરૂર પડે છે. આ સૈનિકોને શસ્ત્રની તાલીમ આપતા પહેલા માનસ મજબૂત કરીને માનસિકતાને લડાયક બનાવવાની જરૂર છે. યુદ્ધ ચાલશે ત્યારે પોતાના અને પારકા બંને મરશે. દર્દ પણ થશે અને જખમ પણ થશે. પરંતુ આ સહેવાની શક્તિ સમાજના મિલિટ્રી એટીટયુડ દ્વારા જ પ્રાપ્ત થશે. મિલિટ્રી એટીટ્યુટના આવ્યા બાદ ચોક્કસપણે શસ્ત્ર તાલીમ અર્થપૂર્ણ સાબિત થઈ શકે છે. જેની અસર યુદ્ધભૂમિ પર લડાતા જંગના પરિણામો પર નિશ્ચિતપણે દેખાય છે. 



રાજનીતિનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ આખા હિંદુસ્થાનને રણભૂમિમાં ફેરવવાની મનસા ધરાવતા દુશ્મનોને નેસ્તોનાબૂદ કરવાની રણનીતિનો એક ભાગ છે. આ યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં આવી ચુક્યું છે. 1947માં જમીનના ટુકડા આપીને શાંતિ ખરીદવાની કોશિશ થઈ હતી. પરંતુ પાકિસ્તાન તરીકે અસ્તિત્વમાં આવેલા મજહબી આધારના ઈસ્લામિક દેશ દ્વારા હિંદુસ્થાનને શાંતિનો અહેસાસ થવા દેવાતો નથી. હસ કે લિયા પાકિસ્તાન.. લડ કે લેંગે હિંદુસ્થાનના સૂત્રોચ્ચાર 1940થી થતા રહ્યા છે. ભારતમાં દહેશતગર્દી આવા તત્વોનો લડ કે લેંગે હિંદુસ્થાનનો ઈરાદો આતંકવાદથી સ્પષ્ટ થઈ રહ્યો છે. આ યુદ્ધખોર પાગલ તત્વોના ઈરાદા સામે હિંદુસ્થાનના વિરાટ હિંદુ સમાજે વજનદાર જવાબ આપવો પડશે. તેના માટે રાજનીતિનું હિંદુકરણ કરીને હિંદુઓના સૈનિકીકરણ સુધીની સફરને પરિશ્રમથી પૂર્ણ કરવી પડશે. 



ભારતે ભૂતકાળમાં બુદ્ધના રસ્તે ચાલીને જોયું. સમ્રાટ અશોકે શક્તિથી યુદ્ધો જીત્યા અને પછી તેમણે બુદ્ધનો રસ્તો અપનાવ્યો હતો. યુદ્ધો જીતીને સમ્રાટ અશોકે આજુબાજુના તમામ પાડોશીઓને ભારતની શક્તિનો ચમત્કાર દેખાડયો હતો. ત્યાર બાદ તેમણે અપનાવેલા બુદ્ધના અહિંસાના રસ્તાથી રાષ્ટ્રને તાત્કાલિક નુકસાન થયું નહીં. પરંતુ ત્યાર બાદ કાળક્રમે સમ્રાટ અશોકે યુદ્ધો જીત્યા બાદ બુદ્ધનો રસ્તો અપનાવ્યો હોવાની હકીકતને ભૂલાવી દેવામાં આવી અને માત્ર બુદ્ધના અહિંસાના રસ્તાની મોટી-મોટી દાર્શનિક વાતો થવા લાગી. વાતો થતી રહી અને બીજી બાજુ યુદ્ધો હારવાની શરૂઆતો થતી રહી. મોટી-મોટી વાતો કરનારાની રણભૂમિમાં હાર નિશ્ચિત હોય છે. આવા સંજોગોમાં બર્બર મજહબી ઝનૂનીઓ સામે જંગોમાં મળેલી હારે દેશને લગભગ આઠસો વર્ષની ગુલામીની ગર્તમાં ધકેલી દીધો હતો. ભગવાન બુદ્ધ પ્રત્યે તમામ આદર સાથે કહેવું પડે કે એક રાષ્ટ્ર અને એક સમાજને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે બુદ્ધના નામે યુદ્ધથી ભાગવું જોઈએ નહીં. આમ કરવાથી રાષ્ટ્ર અને સમાજ બંનેનું નુકસાન થાય છે. અંગત રીતે બુદ્ધના અહિંસક રસ્તાને જૂજ લોકો અપનાવી શકે.. પરંતુ આત્મરક્ષાને કોરાણે મૂકીને સમાજ બુદ્ધના માર્ગના નામે નિરપેક્ષ અહિંસાના પથ પર ચાલે છે.. ત્યારે ચોક્કસ બરબાદીને પામે છે. 



સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની જરૂરિયાતને પારખી હતી. તેમણે 1942થી 1947 સુધી આ ઉદેશ્ય માટે તત્કાલિન હિંદુસ્થાનની પરિસ્થિતિ પ્રમાણે એક માર્ગદર્શન પુરું પાડયું હતું. જો તુષ્ટિકરણની રાજનીતિનું હિંદુકરણ થયું હોત અને ગાંધીની નિરપેક્ષ અહિંસાના સ્થાને હિંદુસ્થાનના હિંદુઓએ સમાજના સંપૂર્ણ સૈનિકીકરણની રાહ પકડી હોત તો 1947માં દેશના વિભાજનની કરુણાંતિકાઓની પીડામાંથી પસાર થવું પડત નહીં. સ્વર્ગથી પણ વધારે એવી જન્મભૂમિના ટુકડા થયા હોત નહીં. 



પણ આને હિંદુસ્થાનનું દુર્ભાગ્ય જ ગણવું જોઈએ. તુષ્ટિકરણની રાજનીતિએ ભાગલાવાદીઓની કટ્ટરતાને વિકસિત થવાની તક પુરી પાડી છે. સ્વતંત્રતા યજ્ઞમાં પ્રાણોની આહૂતિઓ આપનારા ક્રાંતિકારીઓને ભૂલીને પણ તુષ્ટિકરણની રાજનીતિ આજે પણ દેશમાં ચાલુ છે. જેના કારણે ભાગલાવાદીઓની કટ્ટરતાએ આતંકનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આવા સંજોગોમાં સાવરકરે દર્શાવેલા બંને લક્ષ્યો હિંદુ સમાજે હિંદુસ્થાનના એક રાષ્ટ્ર તરીકેના અસ્તિત્વ માટે પ્રાપ્ત કરવા માટે જરૂર છે. 



10 મે- 1957ના રોજ આખો દેશ 1857ની સ્વતંત્રતા સંગ્રામની ક્રાંતિની શતાબ્દિ ઉજવી રહ્યો હતો. દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક ભવ્ય કાર્યક્રમ થયો હતો. હિંદુ મહાસભાના નેતા વીર સાવરક અસ્વસ્થ હોવા છતાં ઐતિહાસિક સમારંભમાં ઉપસ્થિત રહીને સ્વતંત્ર ભારતનું માર્ગદર્શન કરી રહ્યા હતા. વીર સાવરકર એવા પહેલા રાજપુરુષ હતા કે જેમણે 1857ની ક્રાંતિને ગદર અથવા વિદ્રોહ કહેનારા લોકોમાં સ્વાભિમમાન જગાવવા એક પુસ્તક લખીને તેને હિંદુસ્થાનીઓનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાવ્યો હતો. 1957માં સાવરકરે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે આપણી સામે બે આદર્શ છે. એક આદર્શ છે બુદ્ધની નીતિનો અને બીજો છે યુદ્ધની નીતિનો. આપણે બુદ્ધનીતિ અથવા યુદ્ધની નીતિમાંથી એકને અપનાવવા છે. આ આપણી દૂરંદેશી પર નિર્ભર છે કે આપણે બુદ્ધની આત્મઘાતી નીતિને અપનાવીએ અથવા યુદ્ધની વિજયપ્રદાયિની વીરનીતિને. 



1957 સુધીમાં સ્વતંત્ર હિંદુસ્થાનના તત્કાલિન નેતૃત્વને ચીન સાથેના સંબંધોનો પડછાયો દેખાવા લાગ્યો હતો અને ક્રાંતિવીર સાવરકરને ચીનના બદઈરાદાઓની ભનક મળી ચુકી હતી. વિસ્તારવાદી ચીન સામે રાષ્ટ્રહિતોના સંરક્ષણ માટે ગાંધી અને નહેરુની નીતિઓના અનુકરણ આત્મઘાતી હોવાનું પણ સાવરકર ઓળખી ચુક્યા હતા. તેથી 1947માં આઝાદી મળી ચુકી હોવા છતા સાવરકરે 1957માં બુદ્ધના નામે ચાલી રહેલા નકલી અહિંસાવાદ કે જેનાથી હિંદુસ્થાનના રાષ્ટ્રીય હિતોના નુકસાનની નીતિ પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તો જ્યારે તેમણે યુદ્ધની વાત કરી તેનો અર્થ સ્પષ્ટ હતો કે આપણા રાષ્ટ્રીય હિતો સામેના પડકારોનો મજબૂતાઈથી સામનો કરવાનો માર્ગ હિંદુ સમાજે એક રાષ્ટ્ર તરીકે પ્રશસ્ત કરવાનો હતો. તેમણે જ્યારે યુદ્ધ અને બુદ્ધમાંથી એકની પસંદગીની વાત કરી ત્યારે તેમના આ બંને શબ્દપ્રયોગને આવા અર્થમાં જ સમજવા જરૂરી છે. 



11 મે – 1957ના રોજ વીર સાવરકરે હિંદુ મહાસભાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વિષમ અને વિપરીત પરિસ્થિતિઓમાં હિંદુ ધ્વજ નીચે ડટેલા રહેવા બદલ તમે ધન્યવાદને પાત્ર છો. અપમાન અને દરિદ્રતા સહીને પણ હિંદુ સમાજને બળવાન બનાવવા માટે કષ્ટો ઉઠાવ્યા છે. તમારી દ્રઢતા..અડગતા અને સિદ્ધાંતનિષ્ઠાથી ખુશ છું. આ હિંદુ ધ્વજને ખભા પર નાખીને આગળ વધો. આ સંઘર્ષ આસાન નથી. પરંતુ પૂર્ણ આશાવાદ છે કે આખરી વિજય આપણો છે. 



ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવાની સૌથી પહેલી ઉદઘોષણા વીર સાવરકરે કરી હતી. 1955માં મેરઠના સત્યાગ્રહીઓના એક જત્થાએ ગોવા જતી વખતે મુંબઈ ખાતે વીર સાવરકરના આશિર્વાદ લીધા હતા. તેમણે આ જત્થાના નેતા વિ. સં. વિનોદને કહ્યુ હતુ કે તમે ક્રાંતિની ભૂમિ મેરઠથી આટલી દૂર ગોવા મુક્ત કરાવવાની અભિલાષાથી ગોળી ખાવા.. બલિદાન આપવા આવ્યા છો. આ તમારી દેશભક્તિનું પરિચાયક છે. પરંતુ સશસ્ત્ર પોર્ટુગીઝ દાનવો સામે તમે નિશસ્ત્ર.. ખાલી હાથે મરવા માટે જાવ તેવી નીતિને ક્યારેય યોગ્ય માની નથી અને આજે તેને યોગ્ય સમજતો નથી. જ્યારે તમારા લોકોને હ્રદયમાં બલિદાન આપવાની ભાવના છે તો તમે લોકો હાથોમાં રાઈફલો લઈને કેમ જતા નથી? શસ્ત્રસજ્જ થઈને જાવ અને શત્રુઓને મારીને મરી જાવ. 



આ વાતચીતમાં થોડીવાર માટે થોભીને તેમણે એક મહત્વપૂર્ણ વાત કરી હતી કે ગોવાની મુક્તિનું કામ તો સરકારે સેનાને સોંપી દેવું જોઈએ. સશસ્ત્ર સૈન્ય કાર્યવાહી દ્વારા જ ગોવા મુક્ત થશે. સત્યાગ્રહના સ્થાને શસ્ત્રાગ્રહથી જ સફળતા મળશે. જ્યારે 1961માં ભારત સરકારે ગોવામાં સૈન્ય કાર્યવાહી કરીને તેને મુક્ત કરાવ્યું ત્યારે વીર સાવરકરની 1955ની ભવિષ્યવાણી સ્વયંસિદ્ધ થઈ હતી. 



1962માં ચીનના હાથે દેશના તત્કાલિન નેતૃત્વની ભૂલોના કારણે ભારે અપમાન સહન કરવું પડયું અને ચીને હિંદુસ્થાનનો ઘણો મોટો ભૂભાગ છીનવી લીધો હતો. વીર સાવરકરે અસીમ પીડા સાથે પોતાની વેદનાની અભિવ્યક્તિ કરતા કહ્યુ હતુ કે કાશ અહિંસા.. પંચશીલ અને વિશ્વશાંતિના ભ્રમમાં ફસાયેલા આ શાસનાધિકારીઓએ સૂનચ માનીને સૌથી પહેલા રાષ્ટ્રનું સૈનિકીકરણ કરી દીધું હોત તો આજે આપણી વીર અને પરાક્રમી સેના ચીનીઓને પીકિંગ સુધી ખદેડીને તેમના મદને ચુરચુર કરી નાખત. પરંતુ અહિંસા અને વિશ્વશાંતિની કાલ્પનિક ઉડાણો ભરનારા આ મહાપુરુષ (નેહરુ તરફ સંકેત) ન જાણે ક્યાં સુધી દેશના સમ્માનને અહિંસાની કસોટી પણ કસીને તેનું પરીક્ષણ કરતા રહેશે? હકીકતમાં કલ્પનાવિશ્વને આદર્શ માનીને તેની સનક આત્મઘાતી સિદ્ધ થતી હોય છે. દરેક સિદ્ધાંતની એક પોતાની મર્યાદા હોય છે. આવી સૈદ્ધાંતિક મર્યાદાનું અતિક્રમણ આત્મઘાતી જ સિદ્ધ થતી હોય છે.  

સાવરકરે સ્પષ્ટતા સાથે કહ્યુ હતુ કે ભારતના શાસનાધિકારીઓએ સારી રીતે સમજી લેવું જોઈએ કે જેમની સેના શક્તિશાળી તેનું રાજ્ય સુરક્ષિત છે. આ સિદ્ધાંત જ વ્યવહારીક છે. સાવરકરે સ્વતંત્ર હિંદુસ્થાનની સુરક્ષા માટે ઓછામાં ઓછા 25 લાખ સૈનિકોની અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ નિયમિત સેના બનાવવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી. 



જોધપુર ખાતે 1955માં હિંદુ મહાસભાના અધિવેશનમાં પોતાના સંબોધનમાં સાવરકરે કહ્યુ હતુ કે જ્યાં સુધી હિંદુસ્થાનની રાજનીતિનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ કરવામાં નહીં આવે. ત્યાં સુધી ભારતની સ્વાધીનતા.. તેની સીમાઓ .. તેની સભ્યતા અને સંસ્કૃતિને કદાપિ સુરક્ષિત કરી શકાશે નહીં. હિંદુ યુવકો પાસેથી અપેક્ષા છે.. એ જ આદેશ છે કે વધુમાં વધુ સંખ્યામાં સેનામાં ભરતી થઈને સૈન્ય તાલીમ પ્રાપ્ત કરે. જેથી તેઓ સમય આવ્યે દેશની સ્વાધીનતાની સુરક્ષામાં યોગદાન આપી શકે. 



હિંદુઓના સૈનિકીકરણના સાવરકરના વિચારણને સમજવા માટે તેમના ચિંતનને સમજવાની જરૂર છે. અહિંસાનો અર્થ અન્યાય અને અત્યાચારને સહન કરવાનો બિલકુલ થતો નથી. ન્યાય અને ધર્મની સુરક્ષા જ સૌથી મોટી અહિંસા હોવાનું એક મોટું દર્શનશાસ્ત્ર હિંદુ ચિંતનમાંથી નીકળે છે. 



સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.” 



સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)



યુદ્ધથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 68 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે જનમાનસના પરિવર્તનથી યુદ્ધ સુધીની ક્રાંતિ અનિવાર્ય છે. 



એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે યુદ્ધ જીતનારી ક્રાંતિની હત્યા થઈ શકે છે. હિંદુસ્થાન સામેના આતંકના યુદ્ધને જીતવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. 

ખરેખર દેશને જરૂર છે, સૈનિકોની વીર સાધનાની. પણ યુદ્ધ ઘણું કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ. યાદ રાખવું જરૂરી છે કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા અને સૈન્ય સાધના બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. ત્યારે સાવરકરના માર્ગદર્શન હેઠળ આગળ વધવું જરૂરી છે. રાજનીતિનું સંપૂર્ણ હિંદુકરણ અને હિંદુઓનું સંપૂર્ણ સૈનિકીકરણ.. 


Saturday, August 8, 2015

ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતથી કોઈ સમસ્યા ક્યારેય ઉકેલાશે ખરી?

ભારત અને પાકિસ્તાન ફરી એકવાર કૂટનીતિક સ્તરે સંબંધ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આ પ્રકારની વાટાઘાટો લઈને ઘણી આશંકાઓ પણ છે. છેલ્લા 67 વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક વાટાધાટો થઈ છે. દરેક વાતચીતને નવો ટર્નિંગ પોઈન્ટ ગણાવવામાં આવે છે. પરંતુ તેમાં વાટાઘાટો એકડે એકથી શરૂ થાય છે અને પરિણામ શૂન્ય જ રહે છે. અમનની આશાઓ શાંતિપાઠ સમી વાટાઘાટોમાં ઠગારી નિવડે છે. બસ પછી મેજ પર વાટાઘાટો અને સરહદે ફાયરિંગનો સિલસિલો ચાલતો રહે છે.
ત્યારે એવા સમયે કે જ્યારે સંબંધો સામાન્ય બનાવવા માટે બંને દેશોના લોકોમાં કોઈ ઉભરો દેખાતો નથી. એવા કોઈ સંકેત નથી કે બંને દેશના નેતાઓ.. સેના અથવા બ્યૂરોક્રેટ્સ મેળમિલાપ અને સમજૂતી માટે બિલકુલ તૈયાર દેખાતા નથી અને કડવાશ મૂળથી ટોચ સુધી અનુભવાઈ રહી છે. ત્યારે કૂટનીતિક સંબંધો સામાન્ય કરવાની કોશિશમાં માત્ર ભ્રમણાની સંભાવના વધુ છે.
તણાવ ઓછો કરવાને લઈને જાણકારો પ્રમાણે સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે બંને દેશો વચ્ચે તમામ વિવાદો વાટાઘાટો અને કૂટનીતિથી ઉકેલી શકાય છે.
હકીકતમાં કૂટનીતિ તો માત્ર સુગર કોટિંગ સમાન છે. હકીકતમાં નિર્ણયો લડાઈના મેદાનમાં જ થાય છે. ચાહે સીધુ યુદ્ધ હોય અથવા શીતયુદ્ધ બંનેમાં યુદ્ધક્ષેત્રનું પરિણામ જ નિર્ણાયક છે.
અમેરિકા અને વિયતનામ વર્ષો સુધી વાટાઘાટો કરી શકતા હતા. પરંતુ વિયતનામના યુદ્ધનો અંત વાતચીતથી આવ્યો નથી. તેનો નિર્ણય યુદ્ધના મેદાનમાં ઉત્તર વિયતનામની જીત સાથે જ થઈ શક્યો હતો. 
તેવી જ રીતે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે સતત કૂટનીતિક વાતચીતો અને હથિયાર નિયંત્રણની સંધિઓ થતી રહી છે.
પરંતુ બંને વચ્ચેનું શીતયુદ્ધ સોવિયત સંઘના ધરાશાયી થયા બાદ જ થઈ શક્યું છે. સોવિયત સંઘ શીતયુદ્ધમાં અમેરિકાને ટક્કર આપવાનો ખર્ચો વહન કરી શક્યું નહીં અને અંતે કેટલીક વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાના દોરીસંચાર નીચે તૂટી પડયું.
ત્યારે દુનિયાભરના નિર્ણાયક બનેલા ટર્નિંગ પોઈન્ટ જેવા કિસ્સાઓમાં યુદ્ધક્ષેત્રના મુકાબલાની મુખ્ય ભૂમિકા રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન પણ કૂટનીતિથી કેટલી સમસ્યાઓનો ઉકેલ કાઢી શકશે તેનું અનુમાન લગાવવું બેહદ મુશ્કેલ છે. 
બંને દેશો વચ્ચે વાટાઘાટાના બે વિકલ્પ છે. જેમાં ટ્રેક વન એટલે કે સરકારી સ્તરે બંને દેશો વચ્ચે વાતચીત થાય અને બીજો વિકલ્પ બંને તરફના લોકો વચ્ચે આ મામલે ટ્રેક ટૂ વાટાઘાટો કરવાનો છે.
જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનમાંથી કોઈપણ એક પક્ષ પોતાના વલણમાંથી પીછેહઠ કરવા તૈયાર નહીં થાય ત્યાં સુધી બંને વચ્ચેના સંબંધોમાં કાયમી સુધારાની પ્રક્રિયાની આશા ઠગારી જ નીવડવાની છે.
પરમાણુ હથિયારો બંને દેશો પાસે છે અને મોટા પ્રમાણમાં છે. તેથી વિધ્વંસતાની ભયાવહ શક્યતાઓને જોતા યુદ્ધ બિલકુલ બંને દેશો વચ્ચેની સમસ્યાના ઉકેલના વિકલ્પ તરીકે જોઈ શકાય તેમ નથી.
તેથી બંને દેશો પોતપોતાની વાત પર વધુમાં વધુ સમય સુધી અડગ રહેવા માટેની કોશિશો કરતા રહેશે. 
કૂટનીતિ ઔપચારીક અને અનૌપચારીક વાતચીતના દરવાજા ખુલ્લા રાખી શકે છે.
તેનાથી વધુમાં વધુ ભારત અને પાકિસ્તાન પરસ્પરના સંબંધોમાં નિયમિત આવી રહેલી અડચણોનો ઉકેલ લાવી શકે તેવી શક્યતા છે. જેમ કે કેવી રીતે પૂરના પાણીની બંને દેશ એકબીજાને માહિતી આપી શકે છે. 
ટ્રેક વનની વાત કરીએ તો રાજદ્વારીને ન તો કોઈ અધિકાર હોય છે અને ન તો તેમની પાસે તેમના નેતાઓ પાસેથી મળેલા આદેશોની ઉપરવટ જવાનો વિચાર કે હેસિયત હોય છે.
વાતચીતની સંરચના એ પ્રકારે થાય છે કે તે કોઈ નવા રસ્તા સુધી જવાની કોઈ સંભાવના જ છોડતી નથી. 
આવી બેઠકો સંદર્ભે એક ફારસી કહેવત ટાંકી શકાય છે. નશિસ્તન. ગુફ્તન.. બરખાસ્તન એટલે કે તેઓ મળ્યા.. વાતો કરી અને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં મોટાભાગના વિવાદીત મુદ્દાઓ પછી આવી જ સ્થિતિ પેદા થતી રહી છે. ત્યાં સુધી કે આવી વાટાઘાટોમાં બંને પક્ષ અન્યને સાંભળવાના સ્થાને પોતાની વાતો જ કરતો રહે છે.
1997ના વર્ષ બાદ સંયુક્ત વાતચીતના દરેક તબક્કા બાદ જાહેર થયેલા નિવેદનોને જોઈએ તો તેને જોતા એવું પણ અનુમાન થઈ શકે તેવી સ્થિતિ નથી કે તે કઈ વાટાઘાટો બાદ જાહેર થયું હશે. તમામ નિવેદનો મોટાભાગે એક જેવા જ છે અને તેમાં કોઈ નવી વાત નથી.
કૂટનનીતિક કર્મકાંડ જરૂરથી આવી તમામ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પુરા કરવામાં આવે છે. ખાસ કરીને પાકિસ્તાન દ્વારા આવા કર્મકાંડો ખૂબ ચિવટપૂર્વક નિભાવવામાં આવે છે. જેમાં ભારતીય પ્રતિનિધિમંડળને ખાસ હોવાનો પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અહેસાસ અપાવવામાં આવે છે.
જેમ કે નાનકાના સાહિબ તીર્થ યાત્રા કરાવી દેવાય છે અથવા તો તક્ષશિલા જોવા લઈ જવાય છે અથવા કોઈ પ્રતિનિધિને તેમના પૈતૃક ગામની મુલાકાત કરાવવામાં આવે છે.
બદલામાં ભારત પણ આગ્રા અને અજમેરની મુલાકાતની વ્યવસ્થા કરી આપે છે.
પરંતુ જ્યારે પ્રતિનિધિમંડળો વાતચીતના મેજ પર આમને-સામને હોય છે ત્યારે બંને તરફથી પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે.
બંને પક્ષોને ખબર હોય છે કે સામેથી શું જવાબ આવવાનો છે.
આ વાતચીતના કર્મકાંડ બાદ માત્ર નિરસ નિવેદન જાહેર થાય છે. બંને તરફથી વાતચીતના ચાલુ રાખવાના વચનો આપવામાં આવે છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને તેને ઘટાડવાની સ્થિતિસ્થાપકતા આવી વાતચીતમાં હવે કેટલી જળવાશે.. તેના પર પણ આશંકાઓ ઉભી થઈ રહી છે.