Monday, October 31, 2022

“ડિકોડિંગ” કેજરીવાલ :2017માં નોટાથી પણ પાછળ રહેલી AAP 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસનો ખેલ બગાડશે!

                                                         -     આનંદ શુક્લ




આમ આદમી પાર્ટી ભારતના માત્ર બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સરકાર ધરાવે છે. પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ચર્ચા ભાજપ અને કૉંગ્રેસના મુકાબલા વચ્ચે વધુ પ્રમાણમાં થઈ રહી છે. આમ આદમી પાર્ટીનો ભાજપના ડબલ એન્જિનની સરકારના દાવા સામે વળતો દાવો છે કે તે રાજ્યનું નવું એન્જિન બનવાની ક્ષમતા ધરાવે છે. જો કે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં ત્રીજું રાજકીય પરિબળ હજી સુધી સફળ થયું નથી. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા 2021ની મહાનગરપાલિકાઓમાં કરવામાં આવેલા દેખાવના આધારે કૉંગ્રેસની મુખ્ય વિપક્ષની ભૂમિકા આંચકી લે તેવી શક્યતાઓ છે.



મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં 2013માં ત્રણ ટર્મથી સત્તામાં રહેલી કૉંગ્રેસને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 2015 અને 2020ની વિધાનસભાની ચૂંટણીમાં નામશેષ કરી છે. દિલ્હી વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા પણ ગણતરીની છે. પંજાબમાં ગત વિધાનસભામાં મુખ્ય વિપક્ષ બનેલી આમ આદમી પાર્ટી 92 બેઠકો સાથે સત્તામાં આવી ચુકી છે. આમ આદમી પાર્ટીને ખૂબ ઝડપથી ભારતમાં વિસ્તરતી પાર્ટી માનવામાં આવે છે. જો કે હજી સુધી આમ આદમી પાર્ટીને દેશના માત્ર ત્રણ રાજ્યો દિલ્હી, પંજાબ અને ગોવામાં જ સ્ટેટ પાર્ટી તરીકેની માન્યતા મળી છે. ગોવા વિધાનસભા ચૂંટણી બાદ હવે ગુજરાત પર અરવિંદ કેજરીવાલે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

હિંદુત્વના પોલિટિક્સની પીચ પર કેજરીવાલની શતરંજ- મોદીને નિશાન નહીં બનાવવાની રણનીતિ-

અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં હિંદુત્વવાદી પોલિટિક્સની પીચ પર ભાજપને ભાજપના જ દાવમાં ભેરવવા માટે અલગ-અલગ ગતકડાં કરવાનું શરૂ કર્યું છે. જેમાં પોતે સૌથી વધુ પ્રામાણિક અને દેશભક્ત હોવાની વાત તો તેઓ અવાર-નવાર કરતા રહે છે. તેના સિવાય ભ્રષ્ટાચારના મામલાઓમાં તેમના મંત્રીઓ સામે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થઈ રહેલી તપાસ અને કાર્યવાહીને ભાજપની કેન્દ્ર સરકારની રાજકીય કિન્નાખોરીમાં ખપાવવા માટે પુરેપુરું જોર લગાવી રહ્યા છે. જો કે અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધું નિશાન બનાવવાનું લગભગ ટાળી રહ્યા છે.



હિંદુત્વવાદી મુદ્દાઓ પર કેજરીવાલનું સંતુલિત વલણ-

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે જે રણનીતિ અખત્યાર કરી છે, તેમાં વડાપ્રધાન મોદીને ટાર્ગેટ નહીં કરીને ભાજપ તથા તેની નીતિઓને નિશાન બનાવવી. મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર બોલવાની સાથે તેમણે લોકોને મફત સુવિધાઓ આપવાની ઘણી મોટી જાહેરાતો કરી છે. આ સિવાય હિંદુત્વવાદી પોલિટિક્સને સ્પર્શતા તમામ મુદ્દાઓથી સુરક્ષિત રાજકીય અંતર જાળવવાનું પણ કેજરીવાલે નક્કી કર્યું હોય તેમ લાગે છે. આ સિવાય ગુજરાતીઓના માનસપટલ પર છવાયેલા હિંદુત્વવાદી વિચારોને છેડયા સિવાય ભાજપથી નારાજ વર્ગને પોતાની સાથે જોડવા પરોક્ષપણે હિંદુત્વવાદી મુદ્દાઓને જનતા વચ્ચે વહેતા મૂકવાની રણનીતિ પણ શરૂ કરી છે.

બિલ્કિસ બાનો કેસ પર AAPનું લગભગ મૌન-

સૌથી પહેલા 2002ના બિલ્કિસ બાનો કેસમાં સજા પામેલા આરોપીઓને કોર્ટ નિર્દેશિત સમિતિ દ્વારા જીવે ત્યાં સુધીની કેદની સજામાં રાહત આપવામાં આવતા દેશભરમાં ગુજરાતની ભાજપ સરકારના નિર્ણયની વિપક્ષી નેતાઓ દ્વારા ટીકા થઈ હતી. કૉંગ્રેસે થોડી તકેદારી સાથે ટીકાઓ કરી છે, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી લગભગ આ મામલે મૌન પાળવામાં આવ્યું છે. આ સિવાય રામજન્મભૂમિ પર રામમંદિરના નિર્માણ સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા સંમત નહીં થનારા કેજરીવાલે ગુજરાતના લોકોને મંદિર બન્યા બાદ રામલલાના દર્શન માટે નિશુલ્ક યાત્રા કરાવવાનો વાયદો કર્યો છે.

મહાત્મા ગાંધી તરફ દ્વેષ કે કેજરીવાલનું હિંદુત્વનું કાર્ડ?-

કેજરીવાલ આમ તો મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ઘણીવાર આંદોલનો દરમિયાન પહોંચ્યા હોવાના દ્રશ્યો આપણને યાદ છે. પરંતુ પંજાબ વિધાનસભાની ચૂંટણી વખતે સરકારી કાર્યાલયોમાં માત્ર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને શહીદ-એ-આઝમ ભગતસિંહની તસવીરો રાખવાનું શરૂ કર્યું હતું. આની સામે કોઈને કોઈ વાંધો પણ ન હોય શકે. પરંતુ આના પહેલા જોવા મળતી મહાત્મા ગાંધીની તસવીર હવે આમ આદમી પાર્ટીની સરકાર ધરાવતા રાજ્યોના કાર્યાલયોમાં જોવા મળતી નથી. મહાત્મા ગાંધીની તસવીરો ભારતની ચલણી નોટોમાં પણ છે. પરંતુ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ગણેશ અને લક્ષ્મીની તસવીરો હોવી જોઈએ તેવી પત્ર લખીને માગણી કરી છે.

યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન!-

ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે યુનિફોર્મ સિવિલ કોડના લાગુ કરવા માટે મૂલ્યાંકન સમિતિ બનાવવાની જાહેરાત કરી, તો આના સંદર્ભે પણ અરવિંદ કેજરીવાલ પોતાના પરંપરાગત સ્ટેન્ડથી અલગ દેખાયા છે. કેજરીવાલે ભાજપની નિયત સામે સવાલ ઉઠાવતા કહ્યુ છે કે બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તે એવો બનાવવો જોઈએ જેમાં તમામ સમુદાયોની સંમતિ હોય, તમામ સમુદાયોને સાથે લઈને સમાન નાગરિક ધારો બનાવવો જોઈએ.

કેજરીવાલની રેવડીબાજી -

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં સરકારી શાળાઓમાં નિશુલ્ક શિક્ષણ, ગુણવત્તા સભર નિશુલ્ક આરોગ્ય સેવાઓ, 15 લાખ સરકારી નોકરીઓ અને બેરોજગારોને ત્રણ હજાર રૂપિયાના માસિક ભથ્થાંના વાયદા કર્યા છે. આ સિવાય દર મહિને 300 યુનિટ નિશુલ્ક વીજળી પુરી પાડવી અને મહિલાઓને 1 હજાર રૂપિયા એકાઉન્ટમાં આપવાના પણ વાયદા કેજરીવાલે કર્યા છે. ખેડૂતોને 2 લાખ સુધીની લોન માફી, વધુ ટેકાના ભાવ, સિંચાઈ માટે લઘુત્તમ 12 કલાકની વીજ આપૂર્તિ, પાક નિષ્ફળ જવાના મામલામાં એકર દીઠ 20 હજાર રૂપિયાના વળતર જેવા પણ વાયદા કર્યા છે. રાજ્યના પોલીસકર્મીઓને પણ પગાર મામલે કેજરીવાલ માગણી પુરી કરવાનો વાયદો કરી ચુક્યા છે. આ નિશુલ્ક સુવિધાઓના વાયદાઓને ભાજપ રેવડી ગણાવી રહ્યું છે. જો કે જાણકારો આ રેવડીને જ ભાજપના હિંદુત્વવાદી રાજનીતિની અસરને ઘટાડવાની કેજરીવાલની રણનીતિ માને છે. દિલ્હી અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના સત્તામાં આવવા પાછળ આવા વાયદાઓ જવાબદાર હોવાનું રાજનીતિના જાણકારો માની રહ્યા છે. ગુજરાતમાં પણ 27 વર્ષથી ભાજપ સત્તામાં છે અને તેના પહેલા કૉંગ્રેસ પણ થોડાક સમયગાળાને બાદ કરતા સતત સત્તામાં રહી હતી. ગુજરાતમાં ગત કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કૉંગ્રેસ બંને તરફ અણગમો ધરાવતા મતદાતાઓ પાસે ત્રીજો વિકલ્પ નહીં હોવાની ચર્ચા હતી. જો કે તેમ છતાં 2012 અને 2017માં ભાજપને જ સત્તા મળી હતી. પરંતુ 2017માં ભાજપની સ્થિતિ છેલ્લા 27 વર્ષમાં સૌથી વધુ ખરાબ થઈ હતી.



ગરીબ-લોઅર મિડલ ક્લાસ, ખેડૂત-પાટીદાર પોલિટિકલ પ્રાથમિકતા-

હાલની ચૂંટણીમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના લક્ષિત મતદારોમાં સૌથી પહેલા ગરીબ-લોઅર મિડલ ક્લાસ, મોંઘવારી-બેરોજગારીથી ત્રસ્ત મતદાતાઓ છે. આ સિવાય મોંઘવારી-બેરોજગારીથી ત્રસ્ત ભાજપના એવા વોટરો છે કે જેમને કૉંગ્રેસ સ્વીકાર્ય નથી. ભાજપથી નારાજ ગણાતા પાટીદાર સમુદાયના મતદાતાઓને ગુજરાત પરિવર્તન પાર્ટી બાદ નવો વિકલ્પ આપવાની કોશિશ પણ આમા સામેલ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓની આમ આદમી પાર્ટીમાં સક્રિયતા છે. પાસના નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ખેડૂત વર્ગને પણ રાહત આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરી છે. ખેડૂત વર્ગમાં પણ પાટીદાર સમુદાય અને બક્ષીપંચનો ઘણો મોટો વર્ગ સામેલ છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મતદાતાઓ પણ કેજરીવાલની પ્રાથમિકતા છે. તેમણે એસસી-એસટી સંદર્ભે પણ કેટલાક વાયદાઓ કર્યા છે.



ગુજરાતમાં AAPના લક્ષ્યાંકો-

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેની પાછળ કેટલાક કારણો છે. સૌથી પહેલું અને તાત્કાલિક કારણ તો એ દેખાય છે કે ગુજરાતની ચૂંટણીમાં સારો દેખાવ કરીને આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા મેળવવા માગે છે. બીજું કારણ કૉંગ્રેસને દિલ્હી, પંજાબ અને ગુજરાતમાંથી ઉખાડીને ભાજપ સામે 2024માં મુકાબલામાં અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય અપીલ હોવાનું સાબિત કરવા માંગે છે. જેથી વિપક્ષી મોરચામાં નેતાગીરીની દાવેદારી કેજરીવાલ કરી શકે. ત્રીજું કારણ છે કે ગુજરાત હિંદુત્વની રાજનીતિનો ગઢ છે અને તેના દ્વારા કેજરીવાલ પીએમ મોદી અને અમિત શાહની જોડીને હંફાવીને રાષ્ટ્રીય સ્તરે હિંદુત્વ પ્લસ રાહતોની રેવડીની રાજનીતિ કરીને 2024માં ભાજપને ટક્કર આપવાની મનસા ધરાવે છે.

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં શું ખુંટે છે?

ભારતમાં રાષ્ટ્રીય પક્ષ માટે નીચેની ત્રણ શરતોમાંથી એક પૂર્ણ થવી જરૂરી છે.

(1) જો કોઈ પક્ષ ત્રણ રાજ્યોમાંથી લોકસભાની 2 ટકાથી વધુ બેઠકો મેળવે

(2) જો કોઈ પક્ષ લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમમાં ચાર કે તેનાથી વધુ રાજ્યોમાં 6 ટકા વોટ મેળવે અને લોકસભાની 4 બેઠકો પણ જીતે

(3) જો કોઈ પક્ષ 4 રાજ્યોમાં પ્રાદેશિક એટલે કે સ્ટેટ પાર્ટી તરીકેની માન્યતા મેળવે.

ટીએમસી, બીએસપી, ભાજપ, કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, એનસીપી, નેશનલ પીપલ્સ પાર્ટી હાલ દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ છે.

આમ આદમી પાર્ટીની બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સરકાર છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગોવામાં સ્ટેટ પાર્ટી તરીકે માન્યતા મેળવી ચુકી છે. તેને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે ચાર કે તેથી વધારે રાજ્યોમાં સ્ટેટ પાર્ટીની માન્યતા મળવી જરૂરી છે. જે શરતને ગુજરાતમાં 6 ટકાથી વધુ વોટ મેળવીને પૂર્ણ કરી શકાય તેમ છે.

ગુજરાતમાં પાટીદાર ફેક્ટર AAPને ફાયદો કરાવશે, તો કોને થશે નુકશાન?

ગુજરાતની વસ્તીના 15 ટકા જેટલા પાટીદાર છે. જેમાં 6 ટકા કડવા પાટીદાર અને 9 ટકા લેઉવા પાટીદાર છે. પાટીદારને 1989થી ભાજપનો કોર-વોટર માનવામાં આવે છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ અને તેના પહેલાની કેટલીક રાજકીય ઘટનાઓને કારણે પાટીદાર વોટર ભાજપથી દૂર થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ પાટીદાર વોટરોએ 2017માં કૉંગ્રેસને ફાયદો કરાવ્યો હોવાનું તારણ છે. જો કે આમ આદમી પાર્ટીને 2022ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર રાજકીય ફાયદો કરાવી શકે તેમ છે.



2012માં ભાજપને 78 ટકા કડવા પાટીદારોએ વોટ આપ્યા હતા. પરંતુ 2017માં 10 ટકાના ઘટાડા સાથે 68 ટકા કડવા પાટીદારે ભાજપને પસંદ કર્યું હરતું. જ્યારે 2012માં 64 ટકા પાટીદારોએ ભાજપને વોટ આપ્યો હતો અને 2017માં 12 ટકાના ઘટાડા સાથે 51 ટકા કડવા પાટીદારોએ ભાજપને વોટ આપ્યો હતો. 2002માં કુલ પાટીદારોમાંથી 82 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો. જ્યારે 2007માં 71 ટકા અને 2012માં 61 ટકા પાટીદાર વોટરો ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા. 2017ની ચૂંટણીમાં પાટીદાર વોટરો દ્વારા ભાજપને આપવામાં આવતા સમર્થનમાં ઘટાડો થયો હતો.

રાજ્યમાં પાટીદારોના પ્રભુત્વવાળી કુલ 39 બેઠકો છે. આમા 2017માં મધ્ય ગુજરાતની 3 બેઠકોમાંથી 1 બેઠકના નુકશાન સાથે ભાજપને 2 બેઠકો પર જીત મળી હતી. ઉત્તર ગુજરાતની 11 પાટીદારના પ્રભુત્વવાળી બેઠકોમાંથી એકના ફાયદા સાથે 9 બેઠકો ભાજપને 2017માં મળી હતી. સૌરાષ્ટ્રની 20 પાટીદાર પ્રભુત્વવાળી બેઠકોમાંથી ભાજપને 6ના નુકસાન સાથે 7 બેઠકો જીતવામાં સફળતા મળી હતી. એટલે કે અહીં 2017માં કૉંગ્રેસે 7ના ફાયદા સાથે પાટીદાર પ્રભુત્વવાળી 13 બેઠકો મેળવી હતી. જો કે દક્ષિણ ગુજરાતની 5માંથી 5 પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ભાજપે 2017માં જીતી લીધી હતી. 3 બેઠકોના નુકસાન સાથે 31માંથી 17 બેઠકો મળી હતી. જ્યારે શહેરી વિસ્તારોની 53 બેઠકોમાંથી ભાજપને 4 બેઠકોના નુકસાન સાથે 44 બેઠકો જીતવામાં સફળતા મળી હતી. આના માટે ખેડૂતો અને પાટીદાર સમુદાયનો અસંતોષ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

નરેશ પટેલની પીએમ સાથે મુલાકાત, ઈટાલિયાને ખોડલધામમાં મોળો પ્રતિસાદ-

પાટીદાર સમુદાયમાં અગ્રિમ સ્થાન ધરાવતી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી બનવા જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ત્યારે નરેશ પટેલે આમ આદમી પાર્ટી માટે રાજ્યમાં સંભાવના હોવાની પણ વાત કરી હતી. બાદમાં તેમના કૉંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની હતી. પરંતુ આખરે તેમણે રાજકારણમાં આવવાનું માંડી વાળ્યું છે. જો કે તેમના તરફ આદર ભાવ ધરાવતી પાટીદાર અનામત આંદોલન સમિતિની કેડર આમ આદમી પાર્ટી સાથે જોડાય ગઈ છે. પરંતુ તેની સાથે પાટીદાર અનામત આંદોલનના લીડર રહેલા હાર્દિક પટેલ હાલ ભાજપમાં છે. તો નરેશ પટેલ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી આવ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વડાપ્રધાન મોદીને લઈને કરાયેલા વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થવાના મામલે દિલ્હીમાં તેમની ધરપકડ બાદ મુક્તિ થઈ હતી. તેઓ ખોડલધામ ખાતે દર્શન કરવા માટે ગયા હતા. પરંતુ ત્યારે ખોડલધામના કોઈ ટ્રસ્ટી હાજર રહ્યા ન હતા. તેને પણ ખોડલધામના ટ્રસ્ટીઓ તરફથી ગોપાલ ઈટાલિયા તરફનો અણગમો માનવો કે આમ આદમી પાર્ટી તરફનું વલણ તેને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

આમ આદમી પાર્ટી કોની બી-ટીમ?

હવે 2022માં ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોને નુકસાન કરશે અને કોને ફાયદો કરાવશે? કૉંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી-ટીમ ગણાવે છે. તો ગત કેટલીક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના દેખાવને ચકાસીને તારણ કાઢવાની કોશિશ કરવી જોઈએ.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી------------

2017ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર 0.1 ટકા એટલે કે  29 હજાર 517 વોટ મેળવી શકી હતી. 29માંથી માત્ર 4 બેઠકો પર આમ આદમી પાર્ટી ત્રીજા ક્રમાંકે રહી હતી. આમ આદમી પાર્ટી કરતા તો નોટાને અઢી ગણા વધુ વોટ મળ્યા હતા. 2017માં નોટાને 1.8 ટકા એટલે કે 5 લાખ 51 હજાર 615 વોટ મળ્યા હતા.

2017માં 2 બેઠકોના પરિણમ પર આપની અસર-

2017માં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતના વોટરો દ્વારા નકારવામાં આવેલી આમ આદમી પાર્ટી બે બેઠકોના પરિણામો પર અસર કરવામાં સફળ રહી હતી. જેમાની એક બેઠક આદિવાસી બેલ્ટની એસટી માટે અનામત છોટાઉદેપુરની બેઠક હતી. છોટાઉદેપુર બેઠક પરથી કૉંગ્રેસને 1093 મતની સરસાઈથી જીત મળી હતી અને અહીં આમ આદમી પાર્ટીને 2.9 ટકા એટલે કે 4 હજાર 551 વોટ મળ્યા હતા. તો 2017માં સૌરાષ્ટ્રની વાંકાનેર બેઠક પરથી કૉંગ્રેસને 1 હજાર 361 વોટની સરસાઈથી જીત મળી હતી અને વાંકાનેરમાં આમ આદમી પાર્ટીને 1.6 ટકા એટલે કે 2,808 વોટ મળ્યા હતા.

2017ની ચૂંટણીમાં 29 બેઠકો પર આમ આદમી પાર્ટીનો દેખાવ-

બેઠક                           વોટ                   વોટનું પ્રમાણ

બાપુનગર                     1548                  1.3 ટકા

છોટાઉદેપુર                    4551                  2.9 ટકા

કામરેજ                        1454                  0.5 ટકા

કતારગામ                     4135                  2.3 ટકા

દસાડા                         1334                  0.9 ટકા

ગોંડલ                          2179                  1.6 ટકા

રાજકોટ-પૂર્વ                   1927                  1.1 ટકા

ગાંધીધામ                     1101                  0.7 ટકા

સૂરત-પૂર્વ                      299                    0.2 ટકા

વડોદરા શહેર                  807                    0.4 ટકા

વાંકાનેર                       2808                  1.6 ટકા

રાજકોટ-દક્ષિણ                 284                    0.2 ટકા

વલસાડ                        347                    0.2 ટકા

અંકલેશ્વર                      243                    0.2 ટકા

કરજણ                         464                    0.3 ટકા

લાઠી                           797                    0.6 ટકા

ઓલપાડ                      473                    0.2 ટકા

ગાંધીનગર-ઉત્તર               377                    0.2 ટકા

કારંજ                          325                    0.4 ટકા

પારડી                         539                    0.4 ટકા

ઉંઝા                           387                    0.3 ટકા

ધ્રાંગધ્રા                         512                    0.3 ટકા

ખંભાળિયા                     449                    0.3 ટકા

માંજલપુર                      282                    0.2 ટકા

પાલનપુર                      484                    0.3 ટકા

લિંબાયત                      384                    0.2 ટકા

ધોરાજી                         339                    0.2 ટકા

જામનગર-ગ્રામીણ        327                    0.2 ટકા

બોટાદ                         361                    0.2 ટકા

6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં AAPનું પરફોર્મન્સ-

આમ આદમી પાર્ટી ફેબ્રુઆરી-2021ની ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓનું ઈલેક્શન લડી હતી. આ ચૂંટણીમાં સુરત અને રાજકોટમાં આમ આદમી પાર્ટીને નોંધપાત્ર વોટ મેળવવામાં સફળતા મળી હતી. 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 13.28 ટકા વોટ મળ્યા હતા. 6 મહાનગરપાલિકાઓમાં ભાજપને સત્તા મળવા છતાં ત્રીજા રાજકીય પરિબળ તરીકે આમ આદમી પાર્ટીની અહીંથી ગણતરી શરૂ થઈ હતી. આ સિવાય ઓક્ટોબર, 2021માં ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 21.77 ટકા વોટ મળ્યા હતા. જો કે ગાંધીનગર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક જ જીતવામાં સફળતા મળી હતી. પરંતુ ગાંધીનગર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી હતી.

સુરતમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો અને 28.47 ટકા વોટ મળ્યા હતા. ગાંધીનગરમાં 1 બેઠક અને 21.47 ટકા વોટ મળ્યા હતા. જ્યારે રાજકોટમાં 17.40 ટકા, ભાવનગરમાં 8.41 ટકા અને અમદાવાદમાં 6.99 ટકા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસને AAPએ કરી સાફ-

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 2.42 ટકા વોટના નુકસાન સાથે 48.93 ટકા વોટ મળ્યા હતા. તો 13 બેઠકોના ફાયદા સાથે સુરતમાં ભાજપને 93 બેઠકો મળી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીને 28.47 ટકા વોટ સાથે 27 બેઠકો જીતવામાં સફળતા મળી હતી અને મહાનગરપાલિકામાં તે મુખ્ય વિપક્ષી પાર્ટી બની હતી. કૉંગ્રેસને સુરતમાં 18.6 ટકા વોટ મળ્યા, પરંતુ એકપણ બેઠકો જીતવામાં સફળતા મળી નહીં. કૉંગ્રેસને 21.45 ટકા વોટનું નુકશાન થયું અને આ વોટનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો હતો. જ્યારે અન્યને પણ 4.65 ટકા વોટના ઘટાડા સાથે 4 ટકા વોટ મળ્યા હતા. આનો ફાયદો પણ આમ આદમી પાર્ટીને થયો હતો.

ગાંધીનગર મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં AAPને લીધે હારી કૉંગ્રેસ?-

ગાંધીનગર મ્યુનિસિપાલિટી ચૂંટણીમાં 2011 અને 2016માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ હરિફાઈ જોવા મળી હતી. પરંતુ 2021માં આમ આદમી પાર્ટીના પ્રવેશ સાથે કૉંગ્રેસને હાર ખાવી પડી હતી. ભાજપને 46.49 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત વોટ 49.79 ટકા થતાં હતા. જે ભાજપ કરતા વધારે હતા. ગાંધીનગર મ્યુનિસિપાલિટી ચૂંટણીમાં ભાજપને 1.73 ટકાના ફાયદા સાથે 46.49 ટકા વોટ અને 25 બેઠકોના ફાયદા સાથે 41 બેઠકો મળી હતી. કૉંગ્રેસને 14 બેઠકો અને 18.91 ટકા વોટના નુકસાન સાથે 2 બેઠકો અને 28.02 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 1 બેઠક અને 21.77 ટકા વોટ મળ્યા હતા. જ્યારે અન્યનો 4.58 ટકા વોટના નુકસાન સાથે 3.73 ટકા વોટ મળ્યા હતા.

----0-

દેશની ગત ચૂંટણીઓમાં AAPનો દેખાવ--------

જો કે આ આદમી પાર્ટી ગુજરાતમાં કેવો દેખાવ કરશે, તે ડિસેમ્બરના મધ્યમાં દેશની સામે આવી જશે. પરંતુ આમ આદમી પાર્ટીએ લોકસભા અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં કેવો દેખાવ કર્યો હતો, તેના પર પણ એક નજર કરીએ.

આમ આદમી પાર્ટીનું લોકસભાની ચૂંટણીમાં પરફોર્મન્સ-

આમ આદમી પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં 35 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને માત્ર એક બેઠક પર જીત મેળવી હતી. 2019માં આમ આદમી પાર્ટીને માત્ર 0.4 ટકા વોટ જ મળ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીને 2014માં 432 બેઠકો પર ઉમેદવારી કરવા છતાં 4 બેઠકો પર જ જીત મળી હતી અને 414 બેઠકો પર તેની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 2.1 ટકા વોટ જ મળ્યા હતા.

આમ આદમી પાર્ટીનું વિધાનસભાની ચૂંટણીઓમાં પરફોર્મન્સ------------------

દિલ્હી---( આપ સ્ટેટ પાર્ટી)

2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખતના ચૂંટણી યુદ્ધમાં જ 28 બેઠકો અને 29.7 ટકા વોટ મેળવ્યા હતા

2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠકો અને 54.5 ટકા વોટ સાથે અભૂતપૂર્વ જીત મેળવીને સરકાર બનાવી હતી

2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો અને 53.8 ટકા વોટ મેળવ્યા હતા.

પંજાબ----------(આપ સ્ટેટ પાર્ટી )

આમ આદમી પાર્ટીએ 2017માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 20 બેઠકો અને 23.9 ટકા વોટ મેળવીને મુખ્ય વિપક્ષી દળ તરીકેનું સ્થાન મેળવ્યું હતું

આમ આદમી પાર્ટીએ 2022માં 92 બેઠકો અને 42.3 ટકા વોટ સાથે પંજાબમાં સરકાર બનાવી હતી.

ગોવા------------------ (આપ- સ્ટેટ પાર્ટી)

આમ આદમી પાર્ટીએ ગોવામાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ બેઠકો મેળવી નહીં, પરંતુ 6.3 ટકા વોટ જરૂરથી મેળવ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીએ ગોવામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 2 બેઠકો પર જીત મેળવી હતી અને તેની સાથે 6.8 ટકા વોટ પણ મેળવ્યા હતા.

ઉત્તરપ્રદેશ---

2022ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 349 ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ એકપણ બેઠક મેળવવામાં સફળતા મળી ન હતી. 2022માં યુપી ખાતે આમ આદમી પાર્ટીને માત્ર 0.4 ટકા વોટ મળ્યા હતા.

-------------0-----------------------------------------0---------------0-------------------------

 

Saturday, October 29, 2022

AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે, તો 2024 પહેલા રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શકશે

 

-આનંદ શુક્લ



આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રાજકીય મહત્વકાંક્ષાઓ કોઈનાથી છૂપાયેલી નથી. દિલ્હીમાં ત્રણ ટર્મથી ચૂંટાતી કોંગ્રેસને સત્તામાંથી ઉખાડી ફેંકનારા કેજરીવાલને પંજાબમાં મોટી જીત બાદ એવી આશા બંધાય છે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ 2024માં આવો કરિશ્મો કરી શકે છે. આના માટે અરવિંદ કેજરીવાલની પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને હિંદુત્વવાદી રાજનીતિના ગઢ ગુજરાતમાં ભાજપને પડકારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી અરવિંદ કેજરીવાલે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકાર્યા હતા. જો કે કેજરીવાલ નરેન્દ્ર મોદીને મહાવિજયથી અટકાવી શક્યા ન હતા. પરંતુ હવે અરવિંદ કેજરીવાલ 2024માં ભાજપને ફરીથી સત્તામાં આવતી અટકાવવાના વિપક્ષી એકતાના પ્રયાસો વચ્ચે ગુજરાતમાં પ્રભાવી રાજકીય પરિબળ બનીને વિપક્ષી મોરચાના નેતૃત્વની દાવેદારીને મજબૂત બનાવવાની રાજકીય ગણતરી ધરાવે છે. જો કે આમ આદમી પાર્ટીને હજી સુધી રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળી નથી. પરંતુ ત્રણ રાજ્યોમાં આમ આદમી પાર્ટીને સ્ટેટ પાર્ટી તરીકેના માન્યતા મળી છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી આઠ રાષ્ટ્રીય પાર્ટીઓની હરોળમાં આવવાની નેમ ધરાવે છે. તેના કારણે તેનું ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રીત છે. આવો જાણીએ રાષ્ટ્રીય પાર્ટી બનવા માટેની શરતો શું છે?

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં શું ઘટે છે?

ભારતમાં રાષ્ટ્રીય પક્ષ માટે નીચેની ત્રણ શરતોમાંથી એક પૂર્ણ થવી જરૂરી છે.

(1) જો કોઈ પક્ષ ત્રણ રાજ્યોમાંથી લોકસભાની 2 ટકાથી વધુ બેઠકો મેળવે

(2) જો કોઈ પક્ષ લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમમાં ચાર કે તેનાથી વધુ રાજ્યોમાં 6 ટકા વોટ મેળવે અને લોકસભાની 4 બેઠકો પણ જીતે

(3) જો કોઈ પક્ષ 4 રાજ્યોમાં પ્રાદેશિક એટલે કે સ્ટેટ પાર્ટી તરીકેની માન્યતા મેળવે.

ટીએમસી, બીએસપી, ભાજપ, કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, એનસીપી, નેશનલ પીપલ્સ પાર્ટી હાલ દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ છે.

------------0--------

આમ આદમી પાર્ટીનું લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પરફોર્મન્સ--------------------

આમ આદમી પાર્ટીની બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સરકાર છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગોવામાં સ્ટેટ પાર્ટી તરીકે માન્યતા મેળવી ચુકી છે. તેને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે ચાર કે તેથી વધારે રાજ્યોમાં સ્ટેટ પાર્ટીની માન્યતા મળવી જરૂરી છે.

ભારતના 31માંથી 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.

રાજ્યસભાની245 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી પાસે 10 બેઠકો છે

દેશની 4036 વિધાનસભા બેઠકોમાંથી 156 બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે.

 

આમ આદમી પાર્ટીનું લોકસભાની ચૂંટણીમાં પરફોર્મન્સ--------------------------

આમ આદમી પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં 35 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને માત્ર એક બેઠક પર જીત મેળવી હતી. 2019માં આમ આદમી પાર્ટીને માત્ર 0.4 ટકા વોટ જ મળ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીને 2014માં 432 બેઠકો પર ઉમેદવારી કરવા છતાં 4 બેઠકો પર જ જીત મળી હતી અને 414 બેઠકો પર તેની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 2.1 ટકા વોટ જ મળ્યા હતા.

આમ આદમી પાર્ટીનું વિધાનસભાની ચૂંટણીઓમાં પરફોર્મન્સ------------------

દિલ્હી---( આપ સ્ટેટ પાર્ટી)

2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખતના ચૂંટણી યુદ્ધમાં જ 28 બેઠકો અને 29.7 ટકા વોટ મેળવ્યા હતા

2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠકો અને 54.5 ટકા વોટ સાથે અભૂતપૂર્વ જીત મેળવીને સરકાર બનાવી હતી

2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો અને 53.8 ટકા વોટ મેળવ્યા હતા.

 

પંજાબ----------(આપ સ્ટેટ પાર્ટી )

આમ આદમી પાર્ટીએ 2017માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 20 બેઠકો અને 23.9 ટકા વોટ મેળવીને મુખ્ય વિપક્ષી દળ તરીકેનું સ્થાન મેળવ્યું હતું

આમ આદમી પાર્ટીએ 2022માં 92 બેઠકો અને 42.3 ટકા વોટ સાથે પંજાબમાં સરકાર બનાવી હતી.

 

ગોવા------------------ (આપ- સ્ટેટ પાર્ટી)

આમ આદમી પાર્ટીએ ગોવામાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ બેઠકો મેળવી નહીં, પરંતુ 6.3 ટકા વોટ જરૂરથી મેળવ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીએ ગોવામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 2 બેઠકો પર જીત મેળવી હતી અને તેની સાથે 6.8 ટકા વોટ પણ મેળવ્યા હતા.

ઉત્તરપ્રદેશ---

2022ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 349 ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ એકપણ બેઠક મેળવવામાં સફળતા મળી ન હતી. 2022માં યુપી ખાતે આમ આદમી પાર્ટીને માત્ર 0.4 ટકા વોટ મળ્યા હતા.

-------------0-----------------------------------------0---------------0-------------------------