Wednesday, December 9, 2020

હાથમાં ગીતા, હ્રદયમાં ભારત ભક્તિ લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર વીરતાના શક્તિપુંજ ખુદીરામ બોસ

 

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-1)

-------------0-----------0------------------0--------------

ગીતાના કર્મના સિદ્ધાંતથી પ્રેરીત થઈને સ્વતંત્રતાના યજ્ઞમાં પ્રાણની આહૂતિ આપનાર ક્રાંતિકારીની અનોખી શૌર્યગાથાની વાત કરવી છે. આ ક્રાંતિકારી ભારતના સ્વાધીનતા સંગ્રામમાં સ્વતંત્રતા માટે પહેલો બોમ્બ વિસ્ફોટ કરનાર અને સૌથી પહેલા ફાંસીના તખ્ત પર બલિદાન આપનાર તથા સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર સ્વતંત્રતાસેનાની છે.

---------0-----------------                                        

દ્રશ્ય:1

તારીખ         11 ઓગસ્ટ, 1908

સમય           સવારે 6 કલાક

સ્થાન           મુઝફ્ફપુર જેલ

સિંહબાળ જેવો 18 વર્ષનો જુવાન અડગ ડગલા દઈને જેલમાંથી નીકળીને પોતાના સર્વોચ્ચ બલિદાન માટે બલિવેદી તરફ આગળ વધી રહ્યો છે... આ બલિવેદી એટલે ફાંસીનો માંચડો છે. સ્વાધીનતા સંગ્રામમાં સૌથી પહેલા અને સૌથી નાની વયના ક્રાંતિકારી પોતાના જીવનની રાષ્ટ્રયજ્ઞમાં આહૂતિ આપવા માટે આગળ વધી રહ્યા છે. તેમના ચહેરા પર કોઈ ડર નથી, કોઈ હડબડાટ નથી. યુવાનના હાથમાં રહેલી ભગવદ ગીતા અને તેના મોંઢામાંથી નીકળતા ભારતમાતા કી જય અને વંદેમાતરમના સૂત્રો તેની નિર્ભયતાનો ખુલ્લો પુરાવો છે. કર્મનો સિદ્ધાંત શીખવતી હિંદુઓની પરમ શ્રદ્ધેય ભગવદ ગીતામાં આ યુવાનની અતૂટ શ્રદ્ધા છે. આ યુવાને તો માત્ર 13 વર્ષની વયે કંઠસ્થ કરી હતી.

ફાંસીના તખ્તા પાસે પહોંચ્યા બાદ યુવાને સૌથી પહેલા હાથમાંથી ભગવત ગીતાને માથે લગાવીને પ્રણામ કર્યા.. ભારતમાતા કી જય અને વંદે માતરમનો જયકાર કર્યો... ત્યારે ભારતમાતાની પરતંત્ર હોવાની પીડા તેના ચહેરા પર છલકી ઉઠી, યુવાનના છેલ્લા શબ્દો હતા- ઘણો ગરીબ છું હું માર, મારી પાસે ભારતમાતાના ચરણોમાં અર્પણ કરવા માટે મારો પ્રાણ જ હતો.

આટલું બોલ્યા પછી ફરી એકવાર તેમના ચહેરા પર સ્મિત રેલાવા લાગ્યું, ફાંસીના ફંદાને ચુમતા કાળું કપડું પહેરી ગાળિયો ખુદ પોતાના ગળામાં નાખ્યો અને વંદેમાતરમના ઉદ્ઘઘોષ સાથે તેઓ ફાંસીના ફંદે ઝુલી ગયા.. ભારતના સ્વાધીનતા સંગ્રામમાં ફાંસીએ ઝુલીને બલિદાન આપનાર આ સૌથી નાની વયનો યુવાન બીજું કોઈ નહીં ક્રાંતિજ્યોત સમા ખુદીરામ બોસ હતા.

માત્ર 18 વર્ષ 8 માસ અને 8 દિવસની વયે સર્વોચ્ચ બલિદાન આપનાર ખુદીરામ બોસની ચિતા ગંડક નદીના તટ પર વસેલા ચંદવારાના સોડા ગોદામ ચોકમાં સજી હતી. આ સ્થાન મુઝફ્ફરપુર સેન્ટ્રલ જેલથી માત્ર બે કિલોમીટરના અંતરે હતું.

ખુદીરામ બોસની ફાંસીથી અંગ્રેજોને લાગ્યું કે ક્રાંતિની જ્યોતિ બુઝાઈ ચુકી છે. પરંતુ ક્રાંતિપુંજ ખુદીરામ બોસનું શરીર માત્ર પંચતત્વમાં વિલિન થયું હતું, તેમના વિચારો અને ભારતમાતાની સ્વતંત્રતાની અદમ્ય આકાંક્ષા બંગાળ અને ભારતના યુવાનોમાં રોપાય ચુક્યા હતા. ક્રાંતિજ્યોતને બુઝાવવાની કોશિશ કરનાર અંગ્રેજ સરકારના એક-એક પ્રયત્ને ક્રાંતિજ્યોતને ક્રાંતિજ્વાળા અને બાદમાં જ્વાળામુખીમાં ફેરવી દીધી હતી.

જેલમાં ખુદીરામ બોસને ફાંસી આપવાની પ્રક્રિયાનો આદેશ આપનારા મેજિસ્ટ્રેટે બાદમાં જણાવ્યું હતું કે ખુદીરામ બોસ એક સિંહબાળની જેમ ફાંસીના તખ્તા તરફ ચાલી રહ્યો હતો. દુબળું-પાતળું શરીર હોવા છતાં તેની આંખોમાં ચમક હતી. તેની આંખોમાં સહેજ પણ ડર દેખાતો ન હતો. તે શાનથી ફાંસીના તખ્તા તરફ આગળ વધી રહ્યો હતો કે જાણે તેને આ ઘડીની પહેલેથી જ ખબર હતી.

ખુદીરામના બલિદાને સ્વાધીનતા સંગ્રામમાં અનેક ક્રાંતિકારીઓને પ્રેરણા આપી હતી. બંગાળના બુનકરોએ એક ખાસ પ્રકારની ધોતી બનાવવાનું શરૂ કર્યું હતું. આ ધોતીની કિનારી પર ખુદીરામ લખેલું હતું. ખુદીરામ દ્વારા પ્રજ્વલિત થયેલી ક્રાંતિજ્યોત ક્રાંતિજ્વાળામાં ફેરવાઈ ચુકી હતી અને તેની ગરમી અંગ્રેજ સલ્તન ખમી શકે તેમ ન હતી. 1905માં બંગાળના ભાગલા કરનારી અંગ્રેજ સરકાર સામે માત્ર 16 વર્ષની વયે બંગભંગ વિરુદ્ધના આંદોલનમાં ઉતરનાર યુવાનની ફાંસી બાદ આંદોલન વધુ ઉગ્ર બન્યું, ખુદીરામ બોસ ખરેખર શેર-એ-હિંદ હતા અને તેમના સમ્માનમાં બંગાળમાં ભાવપૂર્ણ લોકગીતો દ્વારા આંદોલન આગળ વધ્યું. આખરે અંગ્રેજ સરકારે 11 ડિસેમ્બર-1912ના રોજ બંગાળ વિભાજનનો નિર્ણ પાછો ખેંચવો પડયો હતો.

--------0---------------

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-2)

 

3 ડિસેમ્બર, 1889ના રોજ બંગાળના મિદનાપુર ખાતે ખુદીરામ બોસનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોકનાથ અને માતાનું નામ લક્ષ્મીદેવી હતું. માત્ર 6 વર્ષની વયે અનાથ થયેલા ખુદીરામ બોસનું લાલન-પાલન તેમની મોટી બહેને કર્યું હતું. ખુદીરામના માતા બેહદ ધાર્મિક હતા અને તેના કારણે નાનપણથી ખુદીરામ બોસનું વલણ પણ આવું જ હતું. તેમણે 13 વર્ષની વયે ભગવદ ગીતા કંઠસ્થ કરી લીધી હતી. તેની સાથે જ નાનપણથી તેમના મનમાં આઝાદીની લગન લાગી હતી. નવમા ધોરણ બાદ ખુદીરામ બોસે અભ્યાસ છોડી દીધો હતો. 1905માં બંગાળના વિભાજન વખતે તેઓ સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થઈ ગયા હતા.

ખુદીરામ બોસ ઘણાં ક્રાંતિકારી સંગઠનો સાથે જોડાયા હતા. તેમની મુલાકાત ક્રાંતિકારી લેખક સત્યેન્દ્રનાથ બોસ સાથે થઈ હતી. બંનેએ સાથે મળીને ઘણા ક્રાંતિકારી સાહિત્યનું સંપાદન અને વિતરણ શરૂ કર્યું હતું. તેના કારણે તેમના પર રાજદ્રોહના આરોપ પણ લાગ્યા હતા. પરંતુ પુરાવાના અભાવમાં તેઓ બચી ગયા હતા.

બંગાળ વિભાજનના વિરુદ્ધમાં શરૂ થયેલા આંદોલનમાં ખુદીરામ બોસ સત્યેન બોસ દ્વારા લખવામાં આવેલી સોનાર બાંગ્લા પત્રિકાનું વિતરણ કરતા હતા. 28 ફેબ્રુઆરી-1906ના રોજ અંગ્રેજ પોલીસે તેમને પકડવાની કોશિશ કરી તો તેઓ પોલીસના ચહેરા પર મુક્કો મારીને ભાગી છૂટવામાં સફળ થયા હતા. 16 મે, 1906ના રોજ પોલીસે તેમની ધરપકડ કરી. પરંતુ પુરાવાના અભાવમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

બંગાળના વિભાજન સામે લોકોને જાગૃત કરવા માટે વંદેમાતરમ લખેલા ચોંપાનિયાં વહેંચીને તેઓ જનજાગૃત્તિ કરતા હતા. 28 ફેબ્રુઆરી-1906ના રોજ અંગ્રેજ પોલીસે ખુદીરામની સોનાર બંગલા નામની પત્રિકા વહેંચતા ધરપકડ કરી હતી. પરંતુ તેઓ પોલીસના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. 16 મે, 1906ના રોજ પોલીસે ફરીથી તેમની ધરપકડ કરી, પરંતુ નાની વયના કારણે તેમને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા.

---------0------------------

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-3)

 

બંગભંગ વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેનારા આંદોલનકારીઓ માટે કોલકત્તાના જિલ્લા મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની બર્બરતાપૂર્ણ કાર્યવાહી ખુદીરામ બોસ અને તેમના સાથી ક્રાંતિકારીઓના ગુસ્સાનું કારણ બની હતી. અંગ્રેજ સરકારે કિંગ્સફોર્ડને પ્રમોશન આપીને મુઝફ્ફપુર મોકલી દીધો હતો. પરંતુ તેમ છતાં ખુદીરામ બોસ અને તેમના સાથીદારો યુગાંતર સમિતિની ગુપ્ત બેઠકમાં કિંગ્સફોર્ડને મારવાની યોજના બનાવી ચુક્યા હતા.

બંગભંગ વિરુદ્ધના આંદોલનમાં કિંગ્સફોર્ડની આંદોલનકારીઓને આપવામાં આવેલી સજાના વિરોધમાં તેની હત્યાની યોજનાને અમલી બનાવવાની જવાબદારી ખુદીરામ બોસ અને પ્રફુલ્લ ચાકીને આપવામાં આવી હતી. ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ મુઝફ્ફરપુર જઈને કિંગ્સફોર્ડની રેકી કરી હતી અને 30 એપ્રિલ-1908ના દિવસે કિંગ્સફોર્ડની બગી જેવી દેખાતી બગી પર બોમ્બ ફેંક્યો હતો અને તેઓ ત્યાંથી ભાગી છૂટયા હતા.

આ બોમ્બ વિસ્ફોટનો અવાજ ત્રણ માઈલ સુધી સંભળાયો અને તેના પડઘા લંડન સુધી પડયા હતા. જો કે કિંગ્સફોર્ડની બગી થોડા સમય બાદ પસાર થઈ અને તે બચી ગયો હતો. જો કે બોમ્બ વિસ્ફોટને કારણે બગીમાં બેઠેલી બે અંગ્રેજ મહિલાઓના મોત નીપજ્યા હતા. પરંતુ આનાથી બેખબર બંને ક્રાંતિકારીઓ કિંગ્સફોર્ડના માર્યા જવાનું માગીને ભાગી છૂટયા હતા. ઉઘાડા પગે 24 માઈલ ભાગીને બંને વેની રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.

રેલવે સ્ટેશન પર કેટલાક લોકોની વાતચીત પરથી તેમને જાણકારી મળી કે વિસ્ફોટમાં બે અંગ્રેજ મહિલાઓના મોત નીપજ્યા છે. તેના પર ખુદીરામ બોસે આશ્ચર્ય વ્યક્ત કરીને સવાલ કર્યો કે શું તો કિંગ્સફોર્ડ જીવતો છે? આ સવાલ સાંભળીને બંનેને પકડવા માટે જાળ બિછાવીને બેઠેલી અંગ્રેજ પોલીસના એક કર્મચારીને શંકા ગઈ અને વેની સ્ટેશન પર તેમને ઘેરી લીધા હતા. પ્રફુલ્લકુમાર ચાકીએ યુગાંતર સમિતિનો ભેદ ખુલી જાય નહીં તેના માટે ખુદને ગોળી મારીને વીરગતિ પામ્યા હતા. જ્યારે ખુદીરામ બોસની ધરપકડ કરવામાં આવી હતી.

-------0----------

હાથમાં ગીતા લઈને સૌથી નાની વયે ફાંસી પર ચઢનાર ક્રાંતિકારી ખુદીરામ બોસ  (ભાગ-4)

 

ખુદીરામ બોસે નીડરતાથી કિંગ્સફોર્ડને મારવાની કોશિશ કરી હોવાનું પોલીસને આપેલા નિવેદનમાં સ્વીકાર્યું હતું. તેમણે બે અંગ્રેજ મહિલાના મોત બદલ ઘણો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. 8 જૂન-1908ના રોજ ખુદીરામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ખુદીરામ બોસને કોર્ટમાં લઈ જતી વખતનું દ્રશ્ય પણ ક્રાંતિકારીની લલકને છાજે તેવું હતું. દુબળા-પાતળા શરીરમાં ચિત્તા જેવી સ્ફૂર્તિ, પાતળા હોઠ પર ગર્વિલુ સ્મિત, કમરમાં કિનારીદાર સફેદ ધોતી અને દેહ પર લાંબો ખાદીનો કુર્તો પહેરેલા ખુદીરામ બોસ ખભા પર બંગાળી અંગરખુ નાખીને અંગ્રેજ પોલીસના ઘેરામાં અદાલત તરફ આગળ વધી રહ્યા હતા. તેમના કૂર્તાના એક-એક દોરામાંથી સોડાઈ રહેલી દેશભક્તિની ખુશ્બૂ, યુવાન હોવા છતા બાળક જેવા લાગતા ઓજસ્વી ખુદીરામના હાથમાં ખનકતી હાથકડીઓ અને પગમાં પડેલી બેડીઓ ટોળે વળેલા લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. આ યુવાન કાળના કપાલ પર તેના એક-એક ડગલે ભારતના સ્વાધીનતા સંગ્રામમાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી શૌર્ય ગાથા લખી રહ્યો હતો.

આસપાસની ભીડમાંથી એક મહિલાએ કહ્યું, હાય રામ- આટલી નાની ઉંમરમાં આટલી મોટી સજા.... આવી ક્રૂર અંગ્રેજ સરકાર પર લાનત છે.

ખુદીરામે મહિલા સામે જોઈને સ્મિત રેલાવ્યું... તો મહિલાએ ફરીથી તેને સંબોધીને કહ્યું કે અરે બેટા! હજી તો તારી ખેલવા-કૂદવાની ઉંમર છે. ત્યારે તું શા માટે મોતની સામે બાખડી પડયો? દેશ પર મરી ફિટનારા હજી તો ઘણાં લોકો છે.

મહિલાના કરુણાસભર સ્વર સાંભળીને બાળક લાગતા અંગ્રેજોની પોલીસની વચ્ચે ચાલતા દેશભક્તે ખૂબ જ પ્રેમથી તેના માટે વિલાપ કરી રહેલા મહિલા સામે જોયું.. તેમણે કહ્યુ- અરે મા તું તો મારી માતા જેવી છે. માતાના દૂધ પર હજારો જન્મનું બલિદાન કરવામાં આવે તો પણ ઓછું પડે.. મા.. જ્યારે પણ ક્યારેય દેશની સ્વાધીનતાનો ઈતિહાસ લખવામાં આવશે,  તો કોઈ એ નહીં કહી શકે કે આ રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના મહાયજ્ઞમાં નાના બાળકોનું યોગદાન ઓછું રહ્યું... આવું વિચારીને જ હું ભારતમાતા કાજે મારું બલિદાન કરી રહ્યો છું.

હાથકડી અને બેડીઓમાં ઝકડાયેલા ખુદીરામ બોસના અવાજમાં સ્વતંત્રતાની આકાંક્ષાની અજબની ખણક હતી અને તેના શબ્દોના રણકાને પારખનારી ભીડે જોશભેર ભારતમાતા કી જય અને વંદેમાતરમના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા.... આ સૂત્રોચ્ચાર સાંભળીને અદાલતમાં બેઠેલા અંગ્રેજ સરકારના જજને કંપારી છૂટી ગઈ હતી.

દેખાવમાં 13થી 14 વર્ષનો લાગતો 18 વર્ષનો છોકરો સામાન્ય લાગતો છોકરો જ્યારે અદાલતમાં જઈ રહ્યો હતો, તો કોર્ટની બહાર હકડેઠઠ્ઠ ભરાયેલી ભીડને નિયંત્રિત કરવા માટે વધુ પોલીસ ફોર્સ બોલાવવી પડી હતી. જ્યારે ખુદીરામ બોસ અદાલતના કઠઘરામાં છાતી કાઢીને ઉભો રહ્યો... તો તેના ચહેરા પર ડરનું નામોનિશાન ન હતું.

ભારતમાતાની સ્વતંત્રતા કાજે જીવ ન્યોછાવર કરવાની તમન્ના ધરાવતા આ છોકરાની સામે અંગ્રેજ જજે ઘુરકિયું કરતા સવાલ કર્યો- તારું નામ શું છે?

ખુદીરામ બોસે કહ્યુ હતુ કે નામમાં શું રાખ્યું છે શ્રીમાન. નામ અને જશની કામના તો છીછરા લોકો કરે છે. વીર, દેશભક્ત અને સંતો તો નામથી ઘણાં દૂર રહે છે. દેશભક્ત યુવાનનો આ જવાબ અંગ્રેજ જજને ખુંચ્યો હતો.

જજે ખુદીરામને તતડાવતા કહ્યુ, સીધેસીધો જવાબ આપ, નકામી વાતોમાં સમય વેડફીશ નહીં.

ખુદીરામે જજને જવાબ આપતા કહ્યુ કે તને જવાબ સંભળાય અને સમજાય ત્યારે ને.... સારું થશે કે તું ભારત છોડીને તારા દેશમાં પાછો જતો રહે... નહીંતર સમય બરબાદ કરીશ નહીં, નહીંતર બેમોત માર્યો જઈશ.

આટલું સાંભળીને જજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને તેણે ખુદીરામને કહ્યુ સટ અપ- ઈડિયટ. જજ મેજ પર વારંવાર હથોડી પછાડીને બૂમો પાડતો રહ્યો કે હવે તેને એ સજા આપીશ કે તારા હોશ ઠેકાણે આવી જશે.

ખુદીરામ બોસે નીડરતાથી જવાબ આપ્યો કે તારા કાયદામાં મોતથી પણ મોટી કોઈ સજા છે.. જો હોય તો તે પણ મને આપી દે. અમે બંગાળના સિંહો ડરવાના નથી. બહાદૂર મોતથી નહીં, પણ જમીન પર ઘસડાઈને ચાલવાવાળા જીવનથી ડરે છે. તેની સાથે આસપાસ બેઠેલા લોકો અને બહાર ઉભેલી ભીડે ભારતમાતા કી જય અને વંદેમાતરમના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા..

થોડો સમય જજ હતપ્રભ બનીને ચુપચાપ બધું જોતો રહ્યો... બાદમાં તેમણે સવાલ કર્યો કે તે બગી પર બોમ્બ કેમ ફેંક્યો હતો?

18 વર્ષના છોકરાએ નિર્ભિકતાથી જવાબ આપ્યો કે હું દરેક પ્રકારના વિરોધનો સામનો કરવાનું શીખ્યો છું. કિંગ્સફોર્ડ એટલો ક્રૂર છે કે તેને પાઠ ભણાવવાનો જ હતો.

જજે ફરીથી સવાલ કર્યો કે આ કામ માટે તારી કોઈએ ઉશ્કેરણી કરી હતી?

ખુદીરામે ગર્જના કરી કે જી હા...

જજે સવાલ કર્યો કે કોણે ?

આટલો સવાલ સાંભળતાની સાથે જ ખુદીરામ બોસે એકીશ્વાસે કહ્યુ... મારા અંતરાત્માએ, મારા જમીરે.. મારી માતાના દૂધે અને મારી ભારતમાતાએ.

જજે ખુદીરામને વચ્ચેથી અટકાવતા કહ્યુ કે છોકરા તું આવી રીતે નહીં માને, હું તને ફાંસીની સજા ફટકારી રહ્યો છું.

ખુદીરામે કહ્યુ ધન્યવાદ જજસાહેબ, આ તો હું પોતે જ ઈચ્છું છું. આ તો મારા જીવનની શુભ ઘડી છે. ભારતમાતા પર સર્વસ્વ ન્યોછારવર કરવાનો મોકો તમે મને આપી રહ્યા છો. ખુદીરામ બોસ આટલું બોલીને જોરજોરથી હસવા લાગ્યા હતા.

જજને ખુદીરામનું હાસ્ય ખૂંચી રહ્યુ હતું અને તેણે ગુસ્સાને દબાવીને કહ્યુ કે સજા સાંભળીને છોકરા તું પાગલ થઈ ગયો છે. જો તું અંગ્રેજ સરકાર સમક્ષ તારી ભૂલ બદલ માફી માંગી લઈશ તો હું તારી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દઈશ.

જજના વિનમ્રતાના દેખાડાવાળા નાટકને પારખતા ખુદીરામ બોસે કહ્યુ, માફી માંગી લઉં હરામખોર. ગુનો તું કરે અને માફી હું માગું... આટલું બોલતાની સાથે જ ખુદીરામ જજનું ગળું પકડવા માટે દોડયા. પોલીસ વચ્ચે ન આવી હોત.. તો આ દેશભક્તે જજનું ગળું દબાવી દીધું હોત. પોલીસથી હાથ છોડાવતા ખુદીરામ બોસે ફરીથી ગર્જના કરી કે એટલું યાદ રાખજો જજસાહેબ, મે 13 વર્ષની ઉંમરે જ આખી ગીતા કંઠસ્થ કરી લીધી છે. મારો અહીં પુનર્જન્મ થશે. જલ્દીથી પાછો ફરીશ અને સૌથી પહેલા તમને ગોળીએ દઈશ. મારું નિશાન ચુકવાનું નથી. બરાબર જોઈ લો મને. પુનર્જન્મમાં મારા ગળા પર ફાંસીનું નિશાન હશે... ઓળખી લેજો મને.

પોલીસ ખુદીરામ બોસનું મોંઢુ બંધ કરીને તેમને કાળ કોઠરીમાં ખેંચી ગઈ હતી. અદાલતની બહાર એકઠી થયેલી ભીડે ત્યારે સતત જયકારા લગાવ્યા હતા.

11 ઓગસ્ટ, 1908ના રોજ ખુદીરામ બોસને ફાંસી આપવામાં આવી હતી. જો કે ખુદીરામ બોસની ફાંસી બાદ ડરી ગયેલા કિંગ્સફોર્ડને લાગતું હતું કે ક્રાંતિકારીઓ તેની હત્યા કરી નાખશે. આ ડરને કારણે કિંગ્સફોર્ડ ભારત છોડીને તેના ઈંગ્લેન્ડ પાછો ચાલ્યો ગયો હતો અને ભારતમાં ક્રાંતિની જ્વાળાઓ જ્વાળામુખી બનીને છેક 1947માં સ્વતંત્રતા સુધી પ્રજ્જવલિત રહી