Sunday, December 23, 2018

હિંદુત્વવાદી રાજનીતિ ભાજપની ગુલામ નથી


હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની હારના સંકેત

હિંદુત્વવાદી રાજનીતિ ભાજપની ગુલામ નથી

-     પ્રસન્ન શાસ્ત્રી

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની હાર ભાજપ માટે રાજકીય દ્રષ્ટિએ બેહદ અસામાન્ય બાબત છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનું પંદર વર્ષથી શાસન હતું અને રાજસ્થાનમાં 2013ની વિધાનસભામાં ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી હતી અને 2014ની લોકસભામાં ભાજપને રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો પ્રાપ્ત થઈ હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશને ભૂતકાળમાં ગુજરાતની જેમ ભાજપશાસિત મોડલ સ્ટેટ તરીકે 2012 પહેલા પ્રચારીત કરાયા હતા.  જો કે લગન હોય તેના ગાણા ગવાયના અંદાજમાં 2012થી 2014 દરમિયાન ભાજપશાસિત મોડલ સ્ટેટ તરીકે પાર્ટીના તત્કાલિન વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર ધરાવતા ગુજરાતને જ પ્રચારીત કરવામાં આવ્યું હતું. 
2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદી બેલ્ટના મહત્વના આ ત્રણેય રાજ્યોની કુલ 65 લોકસભા બેઠકોમાંથી ભાજપને 62 પર જીત મળી હતી. રાજસ્થાનમાં 25માંથી 25, મધ્યપ્રદેશમાં 29માંથી 27 અને છત્તીસગઢમાં 11માંથી 10 બેઠકો ભાજપને મળી હતી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં ઉત્તરપ્રદેશની 80માંથી 73 બેઠકો પર એનડીએની જીત બાદ સૌથી મોટું બીજું યોગદાન હિંદી બેલ્ટના આ ત્રણેય રાજ્યોનું રહ્યું હતું.
આ ત્રણેય રાજ્યોમાં અંદાજે 90 ટકા કે તેથી વધારે પ્રમાણ હિંદુઓનું છે. મધ્યપ્રદેશમાં 6.5 ટકા, છત્તીસગઢમાં બે ટકા અને રાજસ્થાનમાં નવ ટકા જેટલા મુસ્લિમો વસવાટ કરે છે. આંગળીના વેઢે ગણાય તેટલી બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક છે. આ ત્રણેય રાજ્યોમાં આરએસએસ-વીએચપી દ્વારા રામમંદિર નિર્માણ માટે આંદોલન છેડવાની કોશિશો થઈ હતી. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતથી માંડીને યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સુધીના નેતાઓએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિવદેનો આપ્યા હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વખતે જ અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથના કોંગ્રેસને અલી જોઈએ અને ભાજપને બજરંગબલી જેવા નિવેદનો વચ્ચે બજરંગબલીને દલિત ગણાવતું નિવેદન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પહેલા જ રાજસ્થાન અને અવિભાજીત મધ્યપ્રદેશ હિંદુત્વની પ્રયોગશાળા તરીકે કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓ પ્રચારીત કરતા રહ્યા છે. અન્ય રાજ્યો અને કેન્દ્રીય સ્તર પહેલા આ રાજ્યોમાં ટેકસ્ટ બુક બદલાઈ ચુકી છે. આ રાજ્યોના આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી કલ્યાણ આશ્રમ ખાસું સક્રિય છે. પરંતુ આ ત્રણેય હિંદી બેલ્ટના મહત્વપૂર્ણ રાજ્યોના પરિણામો હિંદુત્વને ડેકોરેટિવ પોલિટિક્સનો ભાગ બનાવીને માત્ર રૂપકો તરીકે ઉપયોગ કરનારા રાજકારણીઓ માટે એક લાલબત્તી સમાન છે. કુલ મળીને ભારતની રાજનીતિના હિંદુકરણને એક મોટો ધક્કો છે અને તેથી જ તેના ગંભીર રાજકીય અર્થો પણ છે. રામજન્મભૂમિ આંદોલનના પ્રારંભે આ રાજ્યોમાં ભાજપને જનતા દ્વારા સત્તા સોંપવાની શરૂઆત થઈ ચુકી હતી. એક રીતે હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યો હિંદુત્વની રાજનીતિના ગઢ પણ ગણાતા હતા. તેમ છતાં 2014ની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદના નામે ભાજપને સમર્થન આપનારા ત્રણેય મહત્વપૂર્ણ રાજ્યોમાં ભાજપની હાર હિંદુત્વવાદીઓના અંતરમનમાં નિરાશાનો પણ સંકેત આપે છે. દેવાલય પહેલા શૌચાલયની વાત કરવા છતાં પણ 2014માં હિંદુ મતદાતાઓએ ભાજપને હિંદુ અંતરમનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વોટ આપ્યા હતા. પરંતુ હિંદુ અંતરમનની આકાંક્ષાઓની સતત અવગણના થઈ હોવાની એક લાગણી પણ આકાર લઈ ચુકી છે અને કદાચ એટલા માટે જ ભાજપ પર હિંદુ વોટરનો ભરોસો ડગમગવા લાગ્યો હોવાના સંકેત હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામોએ સંકેત આપ્યા છે.
માત્ર હિંદુ પ્રતીકોને આગળ કરીને થતી રાજનીતિમાં હિંદુ અંતરમનની આકાંક્ષાઓની કોઈ પૂર્તિ થતી દેશના 78 ટકા જેટલા હિંદુઓએ છેલ્લા સાડા ચાર વર્ષમાં જોઈ નથી. પાકિસ્તાનના મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ સામે ધમકીઓ આપતી ઓડિયો ટેપ જાહેર કરી રહ્યા છે. ત્યારે ભારતની છેલ્લા ત્રીસ વર્ષની સૌથી શક્તિશાળી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે કોઈપણ રાજકીય સક્રિયતા દાખવવાની દરકાર ધરાવતી નહીં હોવાની રાજકીય ઢબે જ હજી સુધી વર્તી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલાવા મામલે નિવેદનબાજીઓમાં કોંગ્રેસના નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલને જવાબદાર ઠેરવીને સરકાર પોતાની જવાબદારીમાંથી કદાચ છટકી જવાની કોશિશ કરી રહી છે. ભાજપ અને સંઘ પરિવાર પાસે કપિલ સિબ્બલને જવાબ આપી શકે તેવા વકીલો છે. તો પછી આવી બાલિશ દલીલોનો શો અર્થ છે?
તેની સાથે જ હિંદુઓ વ્યવસાયની દ્રષ્ટિએ ખેડૂત, સરકારી કર્મચારી, શ્રમિક, સ્ટૂડન્ટ, દુકાનદાર અને મિડલ ક્લાસ તથા ગરીબ પણ હોય છે. હિંદુ ધર્મની સાથે જ જ્ઞાતિના આધારે તેઓ એસસી, એસટી, ઓબીસી અને આદિવાસી તથા જનરલ કેટેગરીમાં આવતા લોકો પણ હોય છે. રામજન્મભૂમિ આંદોલન, કાશ્મીરની કલમ-370 અને સમાન નાગરિક ધારાએ અલગ-અલગ રાજકીય દ્રષ્ટિકોણોમાં સામન્જસ્યતા સ્થાપિત કરીને હિંદુ વોટબેંકને એકીકૃત સ્વરૂપ આપ્યું હતું. તેના કારણે જ ભાજપ આ રાજ્યોમાં સત્તામાં આવતું રહ્યું છે. પરંતુ હિંદુ અંતરમનની આકાંક્ષાઓની અવગણનાએ ઉભી કરેલી નિરાશા હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પ્રતિબિંબિત થઈ રહી છે
.
હિંદુઓએ અંતરમનની આકાંક્ષાઓ હકીકત બનશે તેવી આશા સાથે ઘણી વખત વોટિંગ કર્યું છે. 2014માં પણ જ્યારે ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનું એલાન કર્યું, ત્યારે રામજન્મભૂમિ આંદોલનની પૃષ્ઠભૂમિમાં ગુજરાતે 2002માં અનુભવેલી ઘટનાઓને કારણે 2014માં હિંદુ આકાંક્ષાનો માહોલ બન્યો હતો. પરંતુ મિડલ ક્લાસને અચ્છે દિનની અનુભૂતિ થઈ શકી નહીં. તેની સામે પહેલા નોટબંધી અને નાના દુકાનદારોને જીએસટીની આંટીઘૂંટીએ ખૂબ હેરાન કર્યા. તો પેટ્રોલ-ડીઝલના ભાવવધારાએ પણ જનાક્રોશમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ખેડૂતોની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નહીં આપી શકવાની સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા દેવામાફીના વાયદાઓ પણ ત્રણેય રાજ્યોમાં ખાસી અસર પેદા કરી ગયા હતા.
ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના વળતા પાણી જોવા મળ્યા છે. જેમાં 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ રાજસ્થાનમાં ભાજપને 80 ટકા બેઠકો મળી હતી અને 2018માં અહીં ભાજપની બેઠકો માત્ર 31 ટકા થઈ છે. મધ્યપ્રદેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભા બેઠકો 67 ટકામાંથી ઘટીને 42 ટકા પર પહોંચી છે. જ્યારે છત્તીસગઢના ગ્રામ્ય વિસ્તારોમાં 52 ટકાથી ઘટીને ભાજપની બેઠકો 17 ટકા પર પહોંચી છે. હિંદી બેલ્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય મિજાજના બદલવાના સંકેત તરીકે આ ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામને જોવાઈ રહ્યા છે. તેમા ખેડૂતોની સમસ્યાઓ અને મિડલ ક્લાસની મુશ્કેલીઓની મોટી ભૂમિકા છે. તેની સામે એસસી-એસટી એક્ટના મામલા સાથે સંબંધિત ઘટનાઓ અને જાતિવાદી રાજકારણની પણ મોટી ભૂમિકા છે.
આ સિવાય છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા પણ પોતાની છબીના કાયાકલ્પની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત, કર્ણાટક, કૈલાસ-માનસરોવરથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢના મંદિરોમાં રાહુલ ગાંધીની ટેમ્પલ રનનો પણ પીએમ મોદીના કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનને મોટો આંચકો લાગવાનું મહત્વનું કારણ છે. શિવસેના હોય કે ફારુક અબ્દુલ્લા હોય, ચંદ્રાબાબુ નાયડુ હોય કે એમ. કે. સ્ટાલિન હવે રાહુલ ગાંધી પપ્પૂ નહીં હોવાનું કહેવા લાગ્યા છે. તેની સાથે જ પીએમ મોદીની મસ્જિદોની મુલાકાત અને બહાદૂરશાહ ઝફરની મજાર પર જવા જેવી બાબતોની પણ ઘણી ઘેરી અસર હિંદુ અંતરમન પર પેદા થઈ ચુકી છે. જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપની ગઠબંધન સરકાર બની હોવા છતાં આતંકવાદ અને સરહદે પાકિસ્તાનનો બેફામ ગોળીબાર તેમા શહીદ થતા જવાનોના મૃતદેહો જોઈને દેશ ઉકળી ઉઠયો હતો. આખરે ભાજપને મહબૂબા મુફ્તિની મહોબ્બતને અલવિદા કહીને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવું પડયું છે. માત્ર 10થી 15 ટકા મતદાન સાથે શ્રીનગર બેઠક પરથી ફારુક અબ્દુલ્લા લોકસભાના સાંસદ બન્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ છથી સાત તબક્કામાં કરાવવી પડી છે. પાકિસ્તાન યુએન સુધી કાશ્મીર મુદ્દે ઉમ્બાડિયા કરી રહ્યું છે.
આ ત્રણ રાજ્યો પહેલા જ તેની હારના સંકેત ભાજપને ઉત્તરપ્રદેશ અને બિહારની તમામ પેટાચૂંટણીમાં હાર તરીકે મળી ચુક્યા હતા. યુપીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ગોરખપુર અને નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર લોકસભા બેઠક પરની ભાજપની હાર હિંદુ અંતરમનની આકાંક્ષાઓની અવગણના હોવા બાબતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહીં. ભાજપ કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ હારી ગયું હતું. કેરાનાથી હિંદુઓના હિજરતના દાવાઓ ખુદ ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં કેરાના બેઠક પર ભાજપની હાર થઈ હતી. આ ત્રણેય બેઠકો હિંદુ બહુલ બેઠકો છે. કેરાનામાં મુસ્લિમ વોટર્સની સંખ્યા વધારે છે. પણ એટલી પણ નથી કે હિંદુ વોટરની એકજૂટતા સામે ટક્કર લઈ શકે.
હિંદુ અંતરમનને એક સવાલ વિહવળ બનાવી રહ્યો છે કે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં પ્રચંડ બહુમતી હોવા છતાં ભાજપની સરકારો રામમંદિર નિર્માણ માટે કેમ કોઈ નક્કર રૂપરેખા માટે સક્રિય દેખાઈ રહી નથી? આરએસએસ દ્વારા રામમંદિર નિર્માણ માટે કાયદાની માગણી કરવામાં આવી છે. તો આરએસએસના નેતા એમ પણ કહી રહ્યા છે કે રામમંદિર નિર્માણની માગણી કરીને તેઓ કોઈ ભીખ માંગી રહ્યા નથી. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પર દબાણ વધારતા આખરે કહી જ દીધું છે કે જો આ વાત તેમના હાથમાં હોત, તો રામમંદિર નિર્માણનું કામ 24 કલાકમાં શરૂ થઈ જાત. માનવામાં આવે છે કે આ નિવિદન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને કદાચ નિશાન બનાવીને આપ્યું છે. તેવામાં ભાજપ જો રામમંદિર નિર્માણ મામલે કોઈ નક્કર પગલું નહીં ભરે, તો તેવી સ્થિતિમાં હિંદુત્વવાદી સંગઠનોના કાર્યકર્તાઓ અને તેમના ટેકેદારોમાં મોટી નિરાશા ચૂંટણી પરિણામોમાં ચુકવવાનો વારો આવે તેવી ભીતિ પણ ભાજપ-સંઘ પરિવારના એક વર્ગમાં મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. હિંદુત્વવાદી રાજનીતિ પર મોનોપોલી અને હિંદુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની માનસિકતા બંને પ્રકારના રાજનેતાઓ માટે આ એક લાલબત્તી છે.
લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પૂર્વોત્તરના રાજ્યોને બાદ કરતા બાકીના તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વોટની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. હરિયાણામાં 2014માં 34.7 ટકા અને પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 33.2 ટકા, મહારાષ્ટ્રમાં 2014માં 27.3 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 27.8 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 2014માં 34.4 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 23 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઝારખંડમાં 2014માં ભાજપને 40.10 ટકા અને વિધાનસભામાં 31.3 ટકા, દિલ્હીમાં 2014માં 40.10 ટકા અને 2015ની વિધાનસભાની ચૂંટણીમાં 31.3 ટકા વોટ ભાજપને મળ્યા હતા. તો બિહારમાં 2014માં 29.4 ટકા અને 2015ની વિધાનસભામાં 24.4 ટકા, આસામમાં 2014માં 36.5 ટકા અને 2015ની વિધાનસભામાં 29.5 ટકા, પશ્ચિમ બંગાળમાં 2014માં 18 ટકા અને 2016ની વિધાનસભામાં 10.2 ટકા, ગોવામાં 2014માં 53.40 ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 32.5 ટકા વોટ મળ્યા હતા. મણિપુરમાં 2014માં ભાજપને 11.9 ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં વધારા સાથે 36.3 ટકા વોટ મળ્યા હતા. જો કે પંજાબમાં 2014માં 8.7 ટકા અને 2017ની વિધાનસભામાં 5.4 ટકા, યુપીમાં 2014માં 42.3 ટકા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 39.7 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને 2014માં 55.3 ટકા અને 2017ની વિધાનસભામાં 46.5 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં 2014માં 60.11 ટકા અને 2017ની વિધાનસભામાં 48.8 ટકા વોટ, હિમાચલપ્રદેશમાં 2014માં 53.31ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 48.8 ટકા વોટ ભાજપને મળ્યા હતા. મેઘાયલમાં 2014માં 8.9 ટકા અ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં નજીવા વધારા સાથે 9.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ત્રિપુરામાં 2014માં માત્ર 5.7 ટકા અને 2018ની વિધાનસભામાં ધરખમ વધારા સાથે 43 ટકા વોટ મેળવી ભાજપને મોટી જીત મળી હતી. તો નાગાલેન્ડમાં 2014માં ભાજપને બિલકુલ પસંદ કરવામાં આવ્યું ન હતું અને 2018માં ભાજપને 15.4 ટકા વોટ નાગાલેન્ડમાંથી મળ્યા હતા. જ્યારે કર્ણાટકમાં 2014માં 43 ટકા અને 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 36.35 ટકા વોટ મળ્યા હતા. તો છત્તીસગઢમાં 2014માં 48.7 ટકા અને 2018ની વિધાનસભા ચૂંઠણીમાં 33 ટકા, મધ્યપ્રદેશમાં 2014માં 54 ટકા અને 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 40.9 ટકા, રાજસ્થાનમાં 2014માં 54.9 ટકા અને 2018ની વિધાનસભામાં 38.8 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે મિઝોરમમાં 2014માં શૂન્ય ટકા સામે 2018ની વિધાનસભામાં આઠ ટકા અને તેલંગાણામાં 2014ના 8.5 ટકા સામે 2018ની વિધાનસભા ચૂંટણીમાં 7.1 ટકા વોટ ભાજપને પ્રાપ્ત થયા હતા. 
બિહારમાં 2015માં વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી-જેડીયુ-કોંગ્રેસ મહાગઠબંધનને જીત મળી હતી. આ વોટિંગ પેટર્ન પ્રમાણે 2019માં વોટિંગ થાય, તો બિહારમાં આરજેડીની બેઠકો ચારમાંથી 12, જેડીયુની બેઠક બેમાંથી આઠ થવાની સંભાવના છે. જો કે જેડીયુ હવે એનડીએમાં સામેલ છે. 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 વિધાનસભા બેઠકો પર જીત મળી હતી. 2019માં દિલ્હીમાં આ પેટર્ન પર વોટિંગ થાય,તો દિલ્હીની સાત બેઠકો ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીના ખાતામાં જાય છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી જેવી વોટિંગ પેટર્ન રહે, તો 2019માં 11ના સ્થાને 15 બેઠકો ટીઆરએસને મળી શકે તેમ છે. આવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીની 34 બેઠકો 38માં ફેરવાઈ શકે છે. તમિલનાડુમાં એઆઈએડીએમકેની બેઠક 37માંથી 34 થવાની સંભાવના છે. તો આ વોટિંગ પેટર્ન પર ઓડિશામાં બીજેડીને 20ના સ્થાને 21, જ્યારે તેલુગૂદેશમ પાર્ટીને 15 અને અન્યને 99 બેઠક મળવાની શક્યતા છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી હવે એનડીએની સાથે નથી. જ્યારે તમિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ પણ હવે નથી. તેથી અહીં વોટિંગ પેટર્ન બદલાવાની પુરી સંભાવના છે. યુપીમાં 2017ની વોટિંગ પેટર્ન પર 2019માં મતદાતા વોટ કરે તો સમાજવાદી પાર્ટીને પાંચ અને બહુજન સમાજ પાર્ટીને ત્રણ બેઠકો મળી શકે છે. જો કે હવે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને કારણે ભાજપને વધુ આકરી ટક્કર મળવાની સંભાવનાઓ રાજકીય બાબતોના જાણકારો દર્શાવી રહ્યા છે.
અંગ્રેજી અખબાર લાઈવ મિન્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણી બાદની વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર 2019માં વોટિંગ થશે તો ભાજપને 219 બેઠકો મળે તેવી સંભાવના છે. 2014માં ભાજપને 282 બેઠકો મળી હતી. જ્યારે 2014માં 44 બેઠકો પર જીત મેળવનારી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની વોટિંગ પેટર્નના આધારે 2019માં વોટિંગ થાય તો 97 બેઠકો મળવાની સંભાવના છે. એટલે કે એક તો કોંગ્રેસમુક્ત અભિયાનના નામે કોંગ્રેસયુક્ત ભાજપ 2019માં ધાર્યો રાજકીય પ્રભાવ જમાવી શકશે નહીં. તો તેની સામે મોદી મેજિક બેઅસર થવાને કારણે અન્ય કોઈ હિંદુ અંતરમનની આકાંક્ષાને અનુરૂપ રાજકીય વિકલ્પના અભાવમાં કોંગ્રેસ ફરીથી બેઠી થવા લાગશે. 
2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 15 રાજ્યોમાં લોકસભાની 27 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. આ 27 લોકસભા બેઠકોમાંથી 16 પર એનડીએનો કબજો હતો, પરંતુ પેટાચૂંટણીમાં એનડીએ માત્ર નવ બેઠકો બચાવી શકી છે અને સાત બેઠકો ગુમાવી છે. મોદીની હિંદુવાદી છબીના ઉગ્ર ટેકેદારો માટે પહેલો આંચકો દેવાલય પહેલા શૌચાલય હતો, બીજો આંચકો ગૌરક્ષકોને ગુંડા ગણાવતી ટીપ્પણી હતી. એસસી-એસટી એક્ટ મામલે દલિતો અને સવર્ણ જ્ઞાતિઓ વચ્ચે રાજકીય સંતુલન જાળવવામાં પણ બેદરકારી દાખવવામાં આવી. મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં આની મોટી અસર હોવાનું માનવામાં આવે છે. એમા મિડલ કલાસ અને કારોબારીઓની નોટબંધી અને જીએસટી સંબંધિત મુશ્કેલીઓમાં મોદીનું મસ્જિદોમાં જવું, મુસ્લિમોના પયગંબરના જન્મદિવસનો શુભેચ્છા સંદેશો આપવો પણ તેમની હિંદુવાદી છબીના ટેકેદારોને બિલકુલ અસ્વીકાર્ય રહ્યો હશે. તેવામાં સવાલ એ છે કે હિંદુત્વવાદીઓના અંતરમન ઘાયલ છે અને શું હિંદુત્વવાદી રાજનીતિનું નેતૃત્વ કરનારાઓને હિંદુઓના અંતરમનને પહોંચેલી ઈજાઓનો કોઈ અહેસાસ છે? આભ ફાટે ત્યારે થિંગડા મારવાની સ્થિતિ ટાળવી જોઈએ. હિંદુઓના અંતરમનની આકાંક્ષાને આદર આપવા માટે 2019 પહેલા હજીપણ સમય છે.