Thursday, May 31, 2012

અડવાણીની હૈયાવરાળ: જનતા ભાજપથી નિરાશ!


-આનંદ શુક્લ
ભયાનક ભ્રષ્ટાચાર, વિદેશમાં અઢળક કાળું નાણું, આસમાને આંબતી મોંઘવારી, પેટ્રોલમાં જંગી ભાવવધારો, ડોલરની સામે રસાતળે જઈ રહેલો રૂપિયો- આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે લોકો સત્તારુઢ યુપીએ સરકાર પર રોષે ભરાયેલા હોય. પરંતુ તેની સાથે સાથે એક વાત સ્પષ્ટ છે કે તેઓ વિરોધ પક્ષના મોરચા એનડીએથી પણ નિરાશ છે. હાથમાંથી લપસી રહેલી પરિસ્થિતિઓ સામે વિરોધ કરવાના મામલામાં ભાજપ સહીતનું એનડીએ સરેઆમ નિષ્ફળ ગયું છે. તેનું કારણ મુખ્ય વિપક્ષ ભાજપની આંતરીક ભાંજગડ છે.
મુંબઈ ખાતે તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં તેની આંતરીક ભાંજગડ સંજય જોશીના રાજીનામાથી બહાર આવી. સંજય જોશીએ બેઠકના થોડા કલાક પહેલા રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું રાજીનામું પાર્ટીના લાંબાગાળાના હિતને કારણ બનાવીને આપી દીધું. સંજય જોશીના રાજીનામા બાદ ઉદયપુર ખાતે મહારાણા પ્રતાપની જન્મજયંતીના કાર્યક્રમમાંથી બપોર બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે આવ્યા. જો કે મોદીના આવ્યાના અડધો કલાકની અંદર પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કારોબારી બેઠક છોડી ગયા હતા.
ભાજપની કારોબારી બેઠક બાદ યોજાયેલી સભામાં પણ અડવાણી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ગેરહાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે અડવાણી ગડકરીની ભાજપના અધ્યક્ષ તરીકેની બીજી ટર્મથી નારાજ છે. તેમણે આ નારાજગીને એનડીએ દ્વારા ભારત બંધના એલાનના દિવસે જ બ્લોગ લખીને જાહેર કરી દીધી. અડવાણીએ સ્વીકાર્યું છે કે લોકો યુપીએ પર રોષે ભરાયેલા છે, તો એનડીએથી નિરાશ થયા છે. તેમણે પ્રવર્તમાન પરિસ્થિતિને આત્મનિરીક્ષણ યોગ્ય ગણાવી છે. મુંબઈની ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ પાર્ટી સંગઠન સંદર્ભે વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો બ્લોગ પર આ પહેલો પ્રતિભાવ છે. આ પ્રતિભાવ ત્યારે આવ્યો છે કે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પેટ્રોલના જંગી ભાવવધારા સામે ભારત બંધ કરાવી રહ્યા હતા.
બ્લોગમાં અડવાણીએ ગડકરી દ્વારા લેવામાં આવેલા ત્રણ નિર્ણયો પર તેમનું નામ લીધા વગર આંગળી ચિંધી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો, યૂપીના તત્કાલિન  મુખ્યપ્રધાન  માયાવતી દ્વારા હાંકી કઢાયેલા મંત્રી (બાબુસિંહ કુશવાહ)ને ભાજપમાં આવકારવાનો નિર્ણય, ઝારખંડ અને કર્ણાટકના મામલાને જે રીતે સંભાળવામાં  આવ્યા છે, તેના તરફ અડવાણીએ બ્લોગમાં આંગળી ચિંધી છે. તેમણે નિરીક્ષણ કર્યુ છે કે ભાજપમાં હાલના દિવસોમાં આંતરીક મૂડ ઉત્સાહજનક નથી.
તેમણે જાણીતા કટાર લેખક સ્વપન દાસગુપ્તાના લેખને ટાંકીને કહ્યુ છે કે જ્યારે હાલના દિવસોમાં મીડિયા યુપીએ સરકારને ગોટાળા માટે ઝાટકી રહ્યું છે, પરંતુ આ પ્રસંગે મીડિયા ભાજપની આગેવાની હેઠળના એનડીએના મુદ્દાઓ પર ઉભાં થઈ જવાના મામલે દિલગીરી વ્યક્ત કરી રહ્યું છે. અડવાણીએ ભૂતપૂર્વ પત્રકાર હોવાના નાતે મીડિયાના આ વલણને જનતાના અભિપ્રાયને પ્રતિબિંબિત કરનારું ગણાવ્યું. ભ્રષ્ટાચાર અને વિદેશમાં કાળા નાણાંના મામલે અણ્ણા હજારે અને બાબા રામદેવના આંદોલનોને પરિણામે દેશ આંદોલિત થયો હતો. પરંતુ મુખ્ય વિપક્ષ ભાજપની આગેવાની હેઠળનું એનડીએ યુપીએ સરકારના આટલા ગોટાળા  અને ભ્રષ્ટાચાર છતાં જનતાને પોતાના નેતૃત્વમાં આંદોલન માટે પ્રેરીત કરી શકી નથી. તેની પાછળનું કારણ રાજકીય વિશ્લેષકો પ્રમાણે, દેશમાં મુખ્ય વિપક્ષ અત્યારે કેગ છે અને કેગ જ સરકારને ભારે પડી રહ્યું છે, જ્યારે ભાજપ મુખ્ય વિપક્ષ બનીને મિત્ર વિપક્ષ બની ગયો હોવાથી જનતાના મુદ્દાઓ પ્રત્યે રાજકીય સંવેદનશીલતા ઘટી છે.
ભાજપમાં આંતરીક વર્તુળોમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પ્રવર્તમાન સમયમાં મધ્યસત્ર ચૂંટણી આવી પડે, તો ભાજપને યુપીએ સામેના જનાક્રોશનો લાભ મળે. તેને કારણે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની દોડ પણ તેજ બની છે. રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન પદના ભાજપના ચાર-પાંચ ઉમેદવારોમાંના એક ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને મ્હાત આપીને પોતાની પહેલી જીત નોંધાવી દીધી છે. જો કે મોદી સામે ભાજપમાં અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓનો અણગમો વધ્યો હોવાની વાત હવે કોઈનાથી છુપાયેલી રહી નથી.
બીજી તરફ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા અપનાવામાં આવેલા આક્રમક વલણથી મોદી માટે પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નથી. આમ પણ છેલ્લા એક દશકાથી ગુજરાતમાં સત્તા પર રહેલા મોદી અપાર લોકપ્રિયતા છતાં એન્ટિ-ઈન્કમ્બન્સીનો સામનો આ વિધાનસભા ચૂંટણીમાં કરશે તે નક્કી છે. જો કે જોવાનું એ રહે છે કે તેમાં વધારો કરવામાં કેશુભાઈ પટેલ સહીતના મોદી વિરોધીઓ કેટલા સફળ થશે?
તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ ગુલાબચંદ કટારિયાની મેવાડ પ્રદેશમાં યોજાનારી યાત્રાનો પુરજોર વિરોધ કર્યો. તેમણે ભાજપમાંથી રાજીનામું આપવાની પણ ધમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ખંડૂરી-નિશંક, હિમાચલ પ્રદેશમાં પ્રેમકુમાર ધૂમલ-શાંતા કુમાર, કર્ણાટકમાં સદાનંદ ગૌડા-યેદિયુરપ્પા, ઝારખંડમાં અર્જૂન મુંડા-યશવંત સિંહા વચ્ચેના ખટરાગ દેશની સામે છે. જ્યારે છત્તીસગઢમાં રમણ સિંહ સામે પણ દબાતા સૂરે તકલીફો સામે આવી રહી છે.
આ સિવાય એનડીએ સાચવવાની  જવાબદારી પણ ગઠબંધનના મોટા પક્ષ હોવાના નાતે ભાજપની બની જાય છે. ત્યારે એનડીએના બીજા સૌથી મોટા રાજકીય પક્ષ જનતાદળ-યૂનાઈટેડના વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારે ધમકી આપી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે, તો જેડીયૂ એનડીએમાંથી અલગ થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે દેશની લોકસભાની 543 બેઠકોમાંથી દેશની મુખ્ય રાષ્ટ્રીય પાર્ટીઓ  કોંગ્રેસ અને ભાજપ પાસે કુલ 322 બેઠકો છે. જેમાંથી કોંગ્રેસને 206 બેઠકો મળી છે અને ભાજપને 116 બેઠકો  મળી છે. એટલે કે ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષોને 221 બેઠકો મળી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી મોહભંગ થયેલી જનતા ત્રીજો વિકલ્પ ઉપલબ્ધ હશે ત્યાં તેને  પસંદગી આપે તેવી સંભાવના રહેલી છે. તેવી પરિસ્થિતિમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપની દેખાયેલી નિક્રિયતાને કારણે પ્રાદેશિક પક્ષોને વધારે ફાયદો થવાની ભીતિ પણ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં 2014ની ચૂંટણીમાં એનડીએના સત્તા પર પહોંચવાના સપનાં પર ગ્રહણ પણ લાગી શકે છે! આ પરિસ્થિતિને જોતા અડવાણીની એનડીએના ભારત બંધના એલાનના દિવસે બ્લોગ પર ઠાલવવામાં આવેલી હૈયાવરાળમાં ખરેખર વજૂદ છે.
અડવાણીએ  બ્લોગમાં કહ્યુ છે કે 1984માં ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ અત્યારે  લોકસભામાં ભાજપની સારી બેઠકો છે તથા નવ રાજ્યોમાં સરકાર છે અને સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના નેતૃત્વમાં બંને ગૃહોમાં ભાજપનો દેખાવ સારો છે. જો કે તેમણે એમ પણ ઉમેર્યુ છે કે આ કરવામાં આવેલી ભૂલોના નુકસાનની ભરપાઈ નથી.

હવે આમ આદમીના ખિસ્સાની આગ પર ‘પેટ્રોલ’ જ છંટાશે કે પાણી?


 -આનંદ શુક્લ
પેટ્રોલના ભાવમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા 10 ટકા જેટલો જંગી વધારો કરવામાં આવતા આમ આદમી વધારે બિચારો બની ગયો છે. આમ આદમીના ખિસ્સામાં લાગેલી આગે દેશમાં આક્રોશનો માહોલ પેદા કરી દીધો છે, પરંતુ હવે જોવાનું  એ રહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ આગ પર રોલબેકનું પાણી છાંટે છે કે પેટ્રોલને પડવા દેશે? 31 મે,ના રોજ એનડીએ અને ડાબેરી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ભારત બંધ સંદર્ભેના પ્રારંભિક અહેવાલો પ્રમાણે, દેશભરમાં તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કેટલાંક ઠેકાણે હિંસક ઘટનાઓ પણ બની રહી છે.
લોકો આક્રોશિત છે અને તેમના આક્રોશનો લાભ એક રાજકીય મોરચા પાસેથી બીજા રાજકીય મોરચા તરફ જતો દેખાઈ રહ્યો છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મામલે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર વિરુદ્ધનું વાતાવરણ પેદા થઈ ગયું છે. તેમાં 2012ના અંત સુધીમાં ગુજરાત સહીત પાંચ રાજ્યોની ચૂંટણી આવતી હોવા છતા પેટ્રોલના ભાવમાં કરવામાં આવેલી 7.50 રૂપિયાની પ્રતિ લિટરે વૃદ્ધિએ માહોલ વધારે પ્રમાણમાં સરકાર વિરોધી બનાવી દીધો છે.
22મી મેએ બજેટ સત્રની સમાપ્તિ બાદ તાત્કાલિક 23મી મેના રોજ ઓઈલ કંપનીઓ સામે ઝૂકીને સરકારે એકસાથે 7.50 રૂપિયા પ્રતિ લિટરે ભાવવધારાને મંજૂરી આપી દીધી. પેટ્રોલની કિંમતો સંદર્ભે એકસામટો કરવામાં આવેલો આ સૌથી મોટો ભાવવધારો છે! યુપીએ સરકારે અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતોમાં 28 વખત ભાવવધારો કર્યો છે. 25 જૂન, 2010થી 23 મે, 2012ના બે વર્ષના સમયગાળામાં પેટ્રોલની કિંમતોમાં 15 વખત વધારો કરવામાં આવ્યો છે. 47.93 રૂપિયા પ્રતિ લિટરથી ભાવ વધીને 77.92 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
પેટ્રોલના જંગી ભાવવધારાને મંજૂરી આપનારી યુપીએ સરકાર કહી રહી છે કે પેટ્રોલિયમ કંપનીઓને જીવિત રાખવા માટે કિંમતોમાં વધારો જરૂરી હતો. પરંતુ સચ્ચાઈ સરકારી તર્ક-દલીલથી બિલકુલ વિપરીત છે. દેશની ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓ  ઈન્ડિયન ઓઈલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ સતત નફો રળી રહી છે. આ ત્રણેય કંપનીઓએ ટેક્સની કપાત બાદ પણ 2009-10માં 13,050 કરોડ રૂપિયા, 2010-11માં 10,531 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો રળ્યો છે. સતત તગડો નફો કરતી પેટ્રોલિયમ કંપનીઓ આ વર્ષે પણ તે રસ્તે જ આગળ વધી રહી છે.
સરકારના આમ આદમીને પીડનારા નિર્ણય સામે યુપીએ સરકારના ઘટક દળોમાં પણ ઘણાં મોટા પ્રમાણમાં નારાજગી  પ્રવર્તી રહી છે. 26મી મેના રોજ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાંચ કિલોમીટર લાંબા વિશાળ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. રીટેલમાં એફડીઆઈ મુદ્દે મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવતા યુપીએ સરકારને  પારોઠના પગલાં ભરવા પડયા હતા. તો પેટ્રોલના જંગી ભાવવધારા સામે પણ મુખ્યમંત્રી તરીકે પહેલી વખત મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કોઈ પ્રદર્શનની આગેવાની કરી છે.
એનસીપી પણ આ નિર્ણયથી નારાજ છે. ડીએમકેએ પણ તમિલનાડુમાં 30મી મેના રોજ પેટ્રોલની  કિંમતોમાં ભાવવધારાના વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા. ચેન્નઈમાં ડીએમકે સુપ્રીમો એમ. કરુણાનિધિએ કહ્યુ હતુ કે ગઠબંધન અલગ વાત છે, પરંતુ તેમનું કર્તવ્ય લોકોને અસર કરનારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવો પણ છે. એનડીએ હોય અથવા વી. પી. સિંહની કેબિનેટ હોય, તેમણે ગઠબંધનોથી સંબંધો તોડયા છે. જો કે બીજા દિવસે જ ડીએમકેએ યુપીએ ગઠબંધન તોડવાની ધમકી આપ્યાની વાતને નકારી હતી.
કોંગ્રેસમાં પણ પેટ્રોલના જંગી  ભાવવધારા સામે અસંતોષ ભડકી રહ્યો છે. સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ 29મી મેએ કહ્યુ કે પેટ્રોલનો ભાવવધારો યોગ્ય નથી. પેટ્રોલિયમ કંપનીઓએ કંઈક ઉદારતા દેખાડવી જોઈતી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનિલ શાસ્ત્રીએ લોકો રોલબેકની પ્રતિક્ષા કરી રહ્યા હોવાનું અને લોકામાં ભારે આક્રોશ હોવાની વાતને સ્વીકારી છે. પરંતુ સવાલ એ છે કે યુપીએ સરકાર અંદર-બહારથી આટલા વિરોધ છતાં પણ પેટ્રોલની કિંમતોમાં ભાવવધારો પાછો ખેંચશે કે નફ્ફટ તર્કોનો મારો ચાલુ રાખશે?

પેટ્રોલના ભાવવધારા  સામે ભારત બંધ કરી રહેલા એનડીએના કાર્યકાળના 6 વર્ષના ગાળામાં 35 વખત કિંમતો વધી હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો છે. આમ તો દાવા-પ્રતિદાવાના માહોલમાં લાગી રહ્યું છે કે યુપીએ અને એનડીએ મોરચાઓ પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા સંદર્ભે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે.
પેટ્રોલના ભાવવધારા પર તમામ પ્રકારના હોબાળા વચ્ચે ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે કહ્યુ છે કે ડીઝલ, કેરોસિન અને રાંધણ ગેસ પર 1 લાખ 90 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે અને સંરક્ષણ બજેટ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનું છે અને ગ્રામીણ વિકાસ મંત્રાલયનું બજેટ 99 હજાર કરોડ રૂપિયા છે. આ ક્યાં પ્રકારનો  દેશ છે?

ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ધનિકોના પ્રમાણમાં આમ આદમી માટે વધારે થાય છે. ડીઝલનો સૌથી વધારે ઉપયોગ રેલવે અને ટ્રાન્સપોર્ટમાં થાય છે. જ્યારે પેટ્રોલનો ઉપયોગ દેશના નાના-મોટા શહેરો અને 6 લાખ ગામડાઓ સુધી નહીં પહોંચેલી જાહેર ટ્રાન્સપોર્ટ સેવાને કારણે લોકોને મજબૂરીથી કરવો પડે છે. ત્યારે સવાલ એ છે કે આમ આદમીના ઉપયોગમાં આવતી પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી ચાલુ રહે અને ધનિકો દ્વારા થતા બેફામ ઉપયોગ પર નિયંત્રણ રહે તેવી વ્યવસ્થાનો વિચાર સરકારો કેમ કરતી નથી?

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પેટ્રોલના ભાવમાં વધારો ધીરે-ધીરે કરવો જોઈતો હતો. જો કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ નિયોજન અને  વિશ્લેષણ વિભાગ પ્રમાણે, ઓઈલ કંપનીઓને પેટ્રોલની પડતર કિંમત 44 રૂપિયા પ્રતિ લિટર પડે છે. તેના સિવાય સરકાર પેટ્રોલ પર 14.35 રૂપિયા કર લગાવે છે, જેમાંથી 6.35 રૂપિયા એક્સાઈઝ, 6 રૂપિયા વિશેષ ઉત્પાદન કર અને 2 રૂપિયા વધારાની એક્સાઈઝ લગાવે છે.
ત્યારે નાણાં મંત્રાલય પ્રતિ લિટર પર ઉત્પાદન કરમાં 5 રૂપિયા કપાત કરી દેત, તો તેનાથી આમ આદમીને રાહત પણ મળત અને ભાવવધારાની નોબત જ આવત નહીં. 2005માં વેટ લાગુ  કરવા માટેના દાશમુન્શી કમિશને દેશભરમાં એક સમાન 20 ટકા વેટ લગાવવાની ભલામણ કરી હતી, પરંતુ તેને રાજ્યોએ સ્વીકારી નહીં અને પોતાપોતાના હિસાબથી વેટના દરો નિર્ધારીત કરી લીધા છે.
તેને પરિણામે દેશભરમાં વેટના દરોમાં વધઘટને કારણે પેટ્રોલના ભાવમાં પણ ચઢ-ઉતર રહેલી છે. પરંતુ આવી સ્થિતિમાં રાજ્યો પોતાના વેટ દરો ઘટાડવા માટે તૈયાર નથી. ત્યારે પ્રશ્ન એ છે કે ગોવાએ વેટ દરોમાં 11 રૂપિયાનો ઘટાડો કરીને રાજ્યના લોકોને રાહત આપી હતી, તો બીજા રાજ્યો પોતાના વેટના દરમાં ઘટાડો કરવાનો ઈન્કાર કેમ કરી રહ્યા છે?

આમ આદમીને રાહત પહોંચાડવાની જવાબદારી ભારતના સમવાયી તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી જવાબદારી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમાં પચાસ-પચાસ ટકાના દરે વધારો ભોગવીને પ્રજાને રાહત કેમ આપી શકે નહીં?

પેટ્રોલના ભાવમાં જંગી વધારાથી ફૂગાવો પણ વધે તેવી શક્યતા દર્શાવાય રહી છે. તેનો અર્થ એ છે કે રૂપિયાની ખરીદ  શક્તિમાં વધારે ઘટાડો થશે અને ભારતીય રિજર્વ બેંકના હસ્તક્ષેપ છતાં વ્યાજ દરોને વધારવા પડશે. તેના કારણે વૃદ્ધિદર ઘટશે અને લોકોની ખરીદ શક્તિ ઘટવાને કારણે ફેકટરીના માલની ખપતમાં ઘટાડો નોંધાશે.
યુપીએ-2 તેના કાર્યકાળમાં ખોટી આર્થિક નીતિઓને કારણે ફૂગાવાના દરમાં વૃદ્ધિ, કૃષિ સંકટ, વધતી બેરોજગારી જેવી મુખ્ય સમસ્યાઓનું નિવારણ કરવામાં નિષ્ફળ રહી છે. લોકોમાં હતાશા અને આક્રોશ વધી રહ્યો  છે. ખેડૂતો આત્મહત્યા માટે પ્રેરાય રહ્યા છે અને આમ આદમી ચક્કાજામ તથા બંધ કરતો નજરે પડે છે. સમય આવી ગયો છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર આમ આદમીની સાથે મજાક બંધ કરે, પેટ્રોલનો જંગી ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચે અને વધતા ફૂગાવા તથા મોંઘવારી પર કાબુ મેળવવા કડક પગલાં ઉઠાવે. 

Wednesday, May 30, 2012

PMને ‘શિખંડી’ કહેનાર ટીમ અણ્ણા ભ્રષ્ટાચારના મહા’ભારત’ના અર્જૂનની ચર્ચા ક્યારે કરશે?

-આનંદ શુક્લ

ભ્રષ્ટાચારે ભારતને ભરડામાં લીધું છે. લાખો-કરોડના ભ્રષ્ટાચાર અને ગોટાળાથી દેશનો આમ આદમી ત્રસ્ત બન્યો છે. દેશના આમ આદમીના અધિકારની સંપત્તિ ગોટાળામાં ગરક થઈ રહી છે. ત્યારે એપ્રિલ-2010માં અણ્ણા હજારેની ભ્રષ્ટાચાર સામેની રણભેરીએ લોકોને આશાનું કિરણ દેખાડયું હતું. પરંતુ ટીમ અણ્ણાની અણઘડ રણનીતિએ આખા આંદોલનના પ્રજામાં ઉભા થયેલા જોશને સોડા વોટરની જેમ બેસાડી દીધું. જો કે દેશનો ભ્રષ્ટાચારથી ત્રસ્ત આમ આદમી હજી પણ ભ્રષ્ટાચારના ખાતમા માટે લડવા તૈયાર છે અને પ્રબળ નેતૃત્વની તલાશમાં હોય તેવું લાગી રહ્યું છે.

પરંતુ મુંબઈ ખાતેના અણ્ણાના અનશનમાં થયેલા ફિયાસ્કો બાદ પણ આંદોલનની તૈયારી કરી રહેલી ટીમ અણ્ણાએ હવે વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના 14 પ્રધાનો વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ તમામ પર ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અત્યાર સુધી વડાપ્રધાન મનમોહન સિંહ માટે એમ કહેવાતુ કે આઝાદી પછીની સૌથી બેઈમાન કેન્દ્ર સરકારમાં મનમોહન સૌથી વધારે ઈમાનદાર વડાપ્રધાન છે. પરંતુ ટીમ અણ્ણાએ વડાપ્રધાનની ઈમાનદારીને નિશાન બનાવી છે. કાશ્મીર મુદ્દે જનમતની વાત કરીને લાત-ઘૂંસા ખાનારા ટીમ અણ્ણાના મહત્વના સભ્ય પ્રશાંત ભૂષણે તો વડાપ્રધાનને શિખંડી કહી દીધા છે!

પ્રશાંત ભૂષણે મહાભારતના અર્ધનારી પાત્ર એવા શિખંડીનું ઉદાહરણ આપીને કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાનનો ઉપયોગ શિખંડી તરીકે કરી રહી છે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનની આસપાસ રહેનારા લોકો અને તેમની નીચે કામ કરનારા પ્રધાનો તેમને આગળ કરીને ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહની ઈમાનદારીને નિશાન બનાવી છે. જો કે ખુદ અણ્ણા હજારે ટીમ અણ્ણાના અભિપ્રાય સાથે સહમત નથી. અણ્ણા મનમોહન સિંહને સ્વચ્છ છબીવાળા નેતા ગણાવે છે.

પોતાના પર ભ્રષ્ટાચારના આરોપોથી વ્યથિત બનેલા વડાપ્રધાન મનમોહન સિંહે મ્યાંમારના પ્રવાસથી પાછા ફરતા કહ્યુ છે કે તેમના પર લગાવવામાં આવેલો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લેશે. વડાપ્રધાને પોતાના પરના ભ્રષ્ટાચારના ટીમ અણ્ણા દ્વારા લગાવાયેલા આરોપોને તથ્યહીન અને બિનજવાબદાર ઠેરવ્યા છે.

વડાપ્રધાનને શિખંડી કહેવા બદલ ટીમ અણ્ણાને આકરી પ્રતિક્રિયાઓને સામનો કરવો પડયો છે. શિખંડી આમ તો સ્ત્રી કે પુરુષમાં ન હોય તેવું મહાભારતનું પાત્ર છે. આ પ્રકારના પાત્ર સાથેની વડાપ્રધાનની સરખામણી ખરેખર રાજનીતિમાં શબ્દપ્રયોગના રસાતળે ઉતરી ગયેલા સ્તરની સાબિતી છે. જો કે વારંવાર ભાષા સંયમ નહીં દાખવનારા લાલુપ્રસાદ યાદવે પ્રશાંત ભૂષણને માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવીને કહ્યુ છે કે તેઓ આવા પગ-માથા વગરના નિવેદનો આપે છે, તો તેમની પિટાઈ થાય છે. લાલુએ કહ્યુ કે વડાપ્રધાન દેશના નેતા છે અને તેમની ઈમાનદારીને બધા માને છે.

વડાપ્રધાન સામેના અમર્યાદિત શબ્દપ્રયોગ પર ભાજપે સત્તાવારપણે ટીમ અણ્ણાની ટીપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો છે. જો કે તેમના વાંધામાં ક્યાંક એવી ભીતિ ધબરાયેલી હોઈ શકે કે કદાચ આગામી લોકસભાની ચૂંટણી પછી એનડીએના વડાપ્રધાન હોય અને આવી ઘટનાઓ માટે ક્યાંક કોઈ તેમના માટે આવો શબ્દપ્રયોગ કરે નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ કહ્યું છે કે વડાપ્રધાન સામે કોઈપણ ટીપ્પણી મર્યાદા ઓળંગીને કરવી જોઈએ નહીં, કારણ કે તેઓ  દેશના ઉચ્ચ બંધારણીય પદ પર આસનસ્થ છે.

બંધારણીય પદો પર આસનસ્થ કોઈપણ વ્યક્તિ સામે મર્યાદા ભંગ કરતાં શબ્દપ્રયોગ સાથેની ટીપ્પણી સર્વથા નકારવી જોઈએ. રાજકારણમાં ‘શબ્દસંયમ’ ગુમાવવો ખરેખર તેના સ્તરને વધારે નીચે લઈ જનારી બાબત છે. પરંતુ અત્રે થોડા મુદ્દાઓનો વિચાર કરવો પડશે.

-વડાપ્રધાન મનમોહન સિંહ વ્યક્તિગત રીતે ઈમાનદાર હોવાની છાપ ધરાવે છે. તેમ છતાં તેમના પ્રધાનમંત્રીકાળ દરમિયાન મસમોટા ગોટાળા સામે આવ્યા છે. જેમાં  2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ 1.76 કરોડ રૂપિયા અને કોલસા કૌભાંડ 10.76 લાખ કરોડ રૂપિયાનું હોવાનું કેગના રિપોર્ટમાં અંદાજવામાં આવ્યું છે. ટીમ અણ્ણાએ વડાપ્રધાન સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંગળી ચિંધી છે, તો તેની પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે જે સમયે કોલસા કૌભાંડ આચરાયાની વાત કરવામાં આવે છે, તે વખતે કોલસા મંત્રાલય વડાપ્રધાન મનમોહન સિંહને આધિન હતું. તો સવાલ એ છે કે વડાપ્રધાનના આધિન રહેલા મંત્રાલયમાં કોઈ ગોટાળો થાય તો તેની નૈતિક જવાબદારી તેમની બને કે નહીં? વળી વડાપ્રધાનના મંત્રીમંડળમાં કોઈ મંત્રી ભ્રષ્ટાચાર કરે તો તેની નૈતિક જવાબદારી વડાપ્રધાનની બને કે નહીં?

-રાજકારણમાં નૈતિકતાના ઉદાહરણ હવે ઘણાં ઓછા જોવા મળે છે. લાલબહાદૂર શાસ્ત્રી રેલવે મંત્રી હતા, ત્યારે એક ટ્રેન અકસ્માતને પોતાની નૈતિક જવાબદારી ગણીને તેમણે રેલવે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય જ્યારે શાસ્ત્રીજી વડાપ્રધાન હતા, ત્યારે દેશમાં અનાજની તંગી હતી, તો તેમણે દેશમાં એક દિવસ લોકોને એક ટંક ખાવાની અપીલ કરી હતી અને શરૂઆત પોતાનાથી કરી હતી! આટલા ઉચ્ચ આદર્શ અત્યારના નેતાઓમાં કેમ દેખાતા નથી?

-ટીમ અણ્ણાએ વડાપ્રધાન મનમોહન સિંહ સામે એવા સમયે આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ આપણા પડોશી દેશ મ્યાંમાર સાથે સંબંધો સુધારવા ત્યાંના શાસકો અને વિરોધ પક્ષના નેતાની સાથે મુલાકાત કરી રહ્યા હતા. શું આવા સમયે દેશના વડાપ્રધાનની ઈજ્જતને કોઈપણ પ્રકારના સીધા પુરાવા વગર દેખીતી રીતે રાજકીય કારણોથી ઉછાળવી યોગ્ય છે?

-ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોરારજી દેસાઈને ભારતરત્ન અને ‘નિશાને પાકિસ્તાન’  બંને મળ્યા છે. તેમને ‘નિશાને પાકિસ્તાન’ લેવા માટે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ ઝિયા-ઉલ-હકે આમંત્ર્યા હતા, તો મોરારજીએ તેમનું પાકિસ્તાન જવાનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. મોરારજી દેસાઈએ તેના માટે અંગત લોકો સાથેની વ્યક્તિગત ચર્ચામાં કહ્યુ હતુ કે તેઓ પાકિસ્તાન જઈને ખોટું બોલશે નહીં અને દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાકિસ્તાની ધરતી પર વખોડશે નહીં. એટલે કે મોરારજી દેસાઈ જેવા ઈન્દિરા ગાંધીના ઘોર વિરોધી પણ તેઓ વડાપ્રધાન પદે હોવાને કારણે તેમને વિદેશમાં વખોડવા માટે તૈયાર ન હતા. વડાપ્રધાન દેશના નેતા હોય છે, તેઓ કોઈ પાર્ટીના નેતા હોતા નથી. ત્યારે વડાપ્રધાન મનમોહન સિંહને તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જ શિખંડી કહેવા કેટલું યોગ્ય છે?

-જો કે લગભગ 80 વર્ષના મનમોહન સિંહ કહે કે તેમના પરનો ભ્રષ્ટાચારનો એકપણ આરોપ સાબિત થશે તો તેઓ જાહેર જીવનને તિલાંજલિ આપશે. (ઉલ્લેખનીય છે કે 80 વર્ષથી વધારે ઉંમરે આમેય જાહેરજીવનમાંથી નિવૃતિ  લેવાની હોય છે.) પરંતુ આ દેશમાં ભ્રષ્ટાચારના આરોપ સાબિત થવા ઘણાં અઘરા છે. તાજેતરમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડના મુખ્ય આરોપી એ. રાજાને જામીન મળી તો રાજા અમર રહોના સૂત્રોચ્ચાર પણ થયા અને ફટાકડાં પણ ફૂટયા! વળી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાનની હોસ્પિટલના બે કર્મચારીઓને 100 રૂપિયાની લાંચના પ્રકરણમાં કેદની સજા કરી છે. આ કેસ 1994માં બન્યો હતો, તે કેસ 18 વર્ષે તેના અંજામ પર પહોંચ્યો. જો 100 રૂપિયાના કેસમાં સજા મળતા 18 વર્ષ લાગે, તો લાખો કરોડના ગોટાળાના આરોપીઓના પેટનું પાણી કેવી રીતે હલશે? વડાપ્રધાનને પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોની ખરેખર તપાસ થવા દેવાની ઈચ્છા હોય, તો તેમણે પહેલા તો પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડે. કારણ કે વડાપ્રધાન પદે મનમોહન સિંહ આસનસ્થ રહે ત્યાં સુધી કોઈ નક્કર પુરાવા એજન્સીઓને હાથ લાગે તેવી કોઈ સંભાવના પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે દેખાતી નથી.

ભ્રષ્ટાચાર મહારોગ છે અને તેનો ઈલાજ ભ્રષ્ટાચારીને કડક સજા થાય તે છે. તેના માટે એવી કોઈ વ્યવસ્થાની જરૂર છે કે ભ્રષ્ટાચારી ખુલ્લા પડે અને તેના માટે તેઓને આકરી સજા થાય. પરંતુ અત્યારની વ્યવસ્થામાં આરટીઆઈ અને અન્ય કેટલીક ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વ્યવસ્થાઓ હોવા છતાં પણ હજી એવી પારદર્શકતા નથી કે જેનાથી ભ્રષ્ટાચાર પર રોક લાગે. વળી આરટીઆઈ એક્ટિવિસ્ટો પર થઈ રહેલા હુમલા અને તેમની હત્યાથી સાબિત થાય છે કે વ્યવસ્થાને પારદર્શક બનવા દેવી, વ્યવસ્થામાં રહેલા લોકો પોતાના હિતમાં જોતા નથી.

જનલોકપાલ બિલની અણ્ણાની માગણી ‘ભયંકર’ ભ્રષ્ટાચારને જોતા તેના પર લગામ લગાવવાની આશામાં વ્યાજબી લાગે છે. પરંતુ તેના પણ હાલ દાંત વગરના સિંહ જેવા થાય તેવી શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં આમ આદમીને  ભ્રષ્ટાચાર સામે વધારે સમજદાર બનાવવો અને નાના-નાના ભ્રષ્ટાચારને પ્રવર્તમાન વ્યવસ્થામાં જ કેવી રીતે અટકાવી શકાય, તેની એક ચળવળ ચલાવવી જોઈએ. પ્રવર્તમાન ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ ખૂબ અસરકારક રીતે અમલી બને તેના માટે વ્યવસ્થા તંત્ર પર દબાણ લાવી શકાય. આ તમામ કવાયતો પછી આવનારા જનલોકપાલ બિલથી ભ્રષ્ટાચાર ઘણા મોટા પ્રમાણમાં ચોક્કસપણે રોકી શકાશે. બાકી અત્યારની પરિસ્થિતિમાં લાવવામાં આવેલા લોકપાલના કાયદાની સ્થિતિ અન્ય દંતહીન કાયદાઓ જેવી થઈ જવાની મોટી શક્યતા રહેલી છે.



Thursday, May 3, 2012

RSSના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં સફળ, પણ રાજનીતિમાં નિષ્ફળ કેમ?


-ક્રાંતિવિચાર
ભારતમાં રાજનીતિથી ધૃણા કરતા કરતા રાજકારણ ખેલવાની અનોખી અને આગવી ફેશન ચાલે છે. પોતે રાજનીતિમાં નહીં હોવાનું જણાવવા માટે લોકો દંભમાં જિંદગી ખર્ચી નાખે છે. આ દંભ ભારતમાં ઘણી સદીઓથી. ગાંધીજી પણ પોતે રાજનીતિથી દૂર એવા મહાત્મા હોવાનો ભ્રમ લોકોમાં ઉભો કરી શકયા. દેશ અત્યારે જે પણ જગ્યાએ પહોંચ્યો છે, તેના માટે ગાંધીજી દ્વારા મહાત્મા બનીને ઉપેક્ષાપૂર્ણ રાજનીતિ કરવામાં આવી તે સૌથી મોટું કારણ છે. ભારતને જ્યારે રાજનૈતિજ્ઞની જરૂર હતી, તો ભારતને મહાત્મા મળ્યા. જ્યારે મહાત્માની જરૂર છે, ત્યારે પોણિયા રાજકારણીઓ મળ્યા. મહાત્મા ગાંધીની પરંપરાને ભારતમાં આઝાદી પછી કમ સે કમ રાજનીતિના મામલામાં કોઈ અનુસરતું હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. જી હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ મહાત્મા હોવાનો વહેમ છે, તેઓ પણ રાજનીતિ પ્રત્યે ઉદાસિનતા પૂર્ણ વલણ દાખવીને રાજકારણ ખેલી રહ્યા છે. તેના પરિણામે આઝાદી પછી દેશમાં રાજનીતિની ઘણી મોટી દુર્દશા થઈ છે. સંઘનો સ્વયંસેવક મડદાં ઉંચકવાના કામમાં જેટલી નામના મેળવે છે અને સફળ થાય છે, તેટલી નામના અને સફળતા તેમને રાજનીતિના ક્ષેત્રમાં મળી નથી. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાના વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના વિષયમાં રાજનીતિ સાથેના ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી ઉભી થયેલી ખામી પર આત્મમંથન કરવું જોઈએ.

ત્યારે કહેવું પડે કે ભાઈ ના આવડતું હોય તેવું કામ કરવું જોઈએ નહીં અને કરવું જ પડે તો તેને પહેલા શીખી લેવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાને સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે. તેઓ કહે છે કે રાજકારણથી તેમને કોઈ લેવાદેવા નથી. રાજનીતિ તેમના માટે જવા જેવી જગ્યા નથી. રાજનીતિમાં તેમના સ્વયંસેવકો જઈ શકે છે. આમ આરએસએસ રાજનીતિમાં પ્રત્યક્ષ રીતે પહોંચ્યું નથી. પરંતુ આઝાદી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનસંઘને અને બાદમાં ભાજપને ટેકો આપ્યો છે, તેમના રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. પોતાના પ્રચારકો અને કાર્યકર્તાઓ તેમની રાજકીય પહોંચ વધારવા માટે દેશભરમાં કામ કરવા માટે આપ્યા છે. પરંતુ અત્રે સવાલ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો રાજનીતિમાં ગયા છે, તેમણે વૈચારીક સ્પષ્ટતા અને શુદ્ધતા જાળવી છે? શું તેઓ ભ્રષ્ટાચારના વમળમાં ફસાતા પોતાની જાતને બચાવી શકયા છે? શું તેઓ જે ભારતીય સંસ્કૃતિના જતન માટે હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જેવા વિચારો લઈને ચાલ્યા હતા તેને તેમણે નખશિખ સાચવ્યા છે?

જો આ રાજનીતિમાં ગયેલા સ્વયંસેવકો આવી બાબતોને સાચવી શક્યા ન હોય, તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું મિશન નિષ્ફળ ગયું છે. વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનું પોતાનું મિશન નિષ્ફળ જવા સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ખુદ આત્મમંથન કરવું પડશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કેડર તૈયાર કરવા માટે પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષ નામે ઓળખાતી શિબિરો કરાવવામાં આવે છે. તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકને વ્યક્તિત્વ નિર્માણનો આખરી તબક્કો માનવામાં આવે છે. તેમાં વ્યક્તિનું પૂર્ણપણે ઘડતર કરીને સમાજ માટે તેમને સારું કરવા માટે પૂર્ણ માનવામાં આવે છે.

આવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેડર અને પ્રચારકોને જુદાંજુદાં સામાજિક ક્ષેત્રોની સાથે સાથે રાજનીતિમાં મોકલવામાં આવે છે. આવા લોકો ખૂબ ગોટલા ફૂલાવતા ફૂલાવતા રાજનીતિમાં પહોંચી પણ જાય છે. પરંતુ તમને એવું એકપણ નામ યાદ આવે છે કે જે નામ રાજનીતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે રાજનીતિમાં આવ્યા પછી વરતીને પોતાની અમિટ છાપ મૂકી ગયું હોય. મારા વ્હાલા તમે તુરંત કહેશો કે શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાય આવા બે નામ છે. પરંતુ તમે ખાસ નોંધો કે શ્યામાપ્રસાદ મુખર્જીનો સંબંધ હિંદુ મહાસભા અને સાવરકરજી સાથે હતો. તેઓ ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ હતા. જ્યારે દીનદયાળ ઉપાધ્યાય જેવા કાબેલ અને સંપૂર્ણપણે નિષ્ઠાવાન પ્રચારકને તત્કાલિન સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે ભારતીય જનસંઘના કાર્યવિસ્તાર માટે ડૉ. મુખર્જીને સોંપણી કરેલી હતી. એટલે આ બંને નામને આપણે ચર્ચામાંથી બાકાત રાખીશું. શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયનો હિંદુત્વ પ્રત્યે લગાવ અને નિષ્ઠા બંને શંકાથી પર છે.

પરંતુ આ સિવાયના સંઘ દ્વારા રાજનીતિમાં જનસંઘ અને ભાજપમાં મોકલાયેલા લોકો વત્તાઓછા અંશે વિચારધારાત્મક રીતે અથવા આર્થિક બાબતોમાં ભ્રષ્ટ સાબિત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે, બંગારુ લક્ષ્મણ. ભાજપના સૌથી પહેલા દલિત અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ સંઘના તૃતિય વર્ષ શિક્ષિત છે. પરંતુ તેઓ તહેલકા સ્ટિંગ ઓપરેશનમાં એક લાખની લાંચ લેતા કેમેરામાં ઝડપાયા હતા. મામલો નકલી ડિફેન્સ ડીલનો હતો. કોર્ટે તાજેતરમાં સંઘના તૃતિય વર્ષ શિક્ષિત આ નમૂનાને ચાર વર્ષ કેદની સજા ફટકારી છે અને સાથે એક લાખનો દંડ પણ કર્યો છે.

બીજું ઉદાહરણ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન યેદિયુરપ્પાનું છે. તેઓ પણ સંઘના વરિષ્ઠ સ્વયંસેવક છે. પરંતુ તેમના પર જમીન ગોટાળા અને માઈનિંગ કૌભાંડ સંદર્ભે આંગળીઓ ચિંધાયેલી છે. લોકાયુક્તે પણ તેમની સામે આરોપો મુક્યા છે. પરંતુ આટલા બધાં ભ્રષ્ટાચારના આરોપો છતાં તેમાંથી તેઓ મુક્ત થઈને ફરીથી પોતાની નિર્દોષતા સાબિત કરવા ઈચ્છતા નથી, પરંતુ આવી જ પરિસ્થિતિમાં તેમને ફરીથી કર્ણાટકના મુખ્યમંત્રી બનવું છે. તેમણે ભાજપ હાઈકમાનને બળવો કરવા સુધીની કથિત ધમકી પણ આપી દીધી છે. તેમણે આ સંદર્ભે ભાજપ હાઈકમાન સામે ગડકરીની કર્ણાટક મુલાકાત વખતે મોટું શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.

ઉત્તરાખંડાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલને પણ ભ્રષ્ટાચારના મામલામાં દૂર કરવામાં આવ્યા હતા. તેમનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે. તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાંક પ્રચારકોના દોરીસંચાર સાથે મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. એનડીએ સરકારના ભૂતપૂર્વ મંત્રી દિલીપસિંહ જુદૈવનો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ગાઢ સંબંધ છે. પરંતુ છત્તીસગઢના નેતાએ કેમેરા પર લાંચ સ્વીકારતા શાયર બનીને કહ્યુ હતુ કે પૈસા ખુદા તો નહીં, લેકિન ખુદા સે કમ ભી નહીં. તેમના સંદર્ભે હજી કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે.

આ સિવાય આર્થિક જોડતોડ માટે પંકાયેલા દિવંગત પ્રમોદ મહાજન પર પણ ઘણી બધી બાબતોમાં આર્થિક સમજૂતી અને વિચારધારાત્મક રીતે સમજૂતી કરાઈ હોવાના આક્ષેપો થતા રહ્યા છે. પ્રમોદ મહાજન પર લગ્નેતર સંબંધો બાબતે પણ તેમની અંગત જિંદગીમાં આક્ષેપો થયા છે. પ્રમોદ મહાજન સંઘના પ્રચારક હતા અને તૃતિય વર્ષ શિક્ષિત હતા. એનડીએ હેઠળ બનેલી અટલ બિહારી વાજપેયીની ફીલગુડ સરકાર પ્રમોદ મહાજનના ઈશારે નાચતી હતી અને શાઈનિંગ ઈન્ડિયા કેમ્પેઈન પણ પ્રમોદ મહાજનના મગજની પેદાશ હતી. સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વર્ગસ્થ દતોપંતજી ઠેગડીએ આ એનડીએ સરકારને તેની આર્થિક નીતિઓને લઈને ક્રિમિનલ ગવર્નમેન્ટ અને તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિંહાને ક્રિમિનલ ફાઈનાન્સ મિનિસ્ટર કહ્યા હતા. એનડીએના શાસનકાળમાં પણ દીનદયાળજીની વિચારધારા પ્રમાણે અંત્યોદય થયો નહીં કે ગાંધીજીની વિચારધારા પ્રમાણે સર્વોદય થયો નહીં, પરંતુ ઉદ્યોગપતિઓની, ઉદ્યોગપતિઓ દ્વારા ચલાવાયેલી અને ઉદ્યોગપતિઓ માટેની સરકારે અમીરોદયનો નવો યુગ શરૂ કરી દીધો અને આજે પણ આ અમીરોદય ભારતમાં પુરજોરમાં ચાલુ છે. ભારતની 70 ટકા સંપત્તિ દેશના 8200 વ્યક્તિઓ પાસે કેન્દ્રીત છે, આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે. દેશમાં 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે અને કુલ 70 ટકા લોકો ગરીબ કહી શકાય તેવી શ્રેણીમાં આવી રહ્યા છે. પરંતુ ભારતની સંસદ અને તેના રાજ્યોની ધારાસભાઓમાં ગરીબના માપદંડ પર ખરો ઉતરતો અમુક અપવાદોને બાદ કરતા કોઈ સાંસદ કે ધારાસભ્ય નથી. આ રાજકીય પ્રવાહને સંઘના એકથી તૃતિય વર્ષ શિક્ષિત સ્વયંસેવકો બદલી શકયા નથી. કારણ કે આ સ્વયંસેવકોને ગરીબોની ચિંતા કરતા ઉદ્યોગપતિઓની ચિંતા વધારે હોય છે. તેઓ ગરીબોના કલ્યાણનું નહીં, પણ અમીરોના ઘર ભરવાનું વધારે વિચારે છે.

આ સિવાય વિચારધારાત્મક સ્તરે પણ સંઘ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ પામેલા સ્વયંસેવકો ટાંચા સિદ્ધ થયા છે. અરે, ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીના ગૃહ નગર નાગપુરમાં મહાનગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી પ્રમાણે, મુસ્લિમ લીગના બે સભ્યોને નાગપુર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા છે. મુસ્લિમ લીગની રાજકીય વિચારધારા બિલકુલ કોમવાદી છે, પાકિસ્તાનના નિર્માણ માટે મુસ્લિમ લીગના પુરોગામી મહંમદ અલી જિન્નાહની કોમવાદી ભૂમિકા કોઈનાથી પણ અજાણી નથી. પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે જે ભાજપને કેમોથેરપી કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા તેવા નીતિન ગડકરીની મુસ્લિમ લીગ સાથે સત્તાની ભાગબટાઈ કરવામાં ઘણી મોટી ભૂમિકા છે. ત્યારે સવાલ એ છે કે ગડકરી ભાજપને કેમોથેરપી આપે છે કે હિંદુત્વથી તરબદતર રહેલા સંઘને કટ્ટરવાદી મુસ્લિમ રાજકીય પાર્ટી સાથે ઘૂંટણિયા ટેકવા માટેની કેમોથેરપી આપી રહ્યા છે. શું મુસ્લિમ લીગ સાથે ભાજપને બેસાડીને ગડકરીએ તેને હિંદુત્વવાદી રહેવા દીધું છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાં નમૂના વિચારધારાત્મક સ્તરે નપાવાટ અને નપાણિયા સાબિત થયા છે, તેની તો લાંબી વણઝાર છે. તેમાં સૌથી મોટું નામ ભાજપના સૌથી મોટા હિંદુત્વવાદી ચહેરા લાલકૃષ્ણ કિશનચંદ અડવાણી છે. અડવાણી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનના સૌથી મોટા સેનાપતિ રહ્યા છે. તેમણે રામરથ યાત્રા કાઢી અને બાબરી ઢાંચાને હટાવા સુધી હિંદુઓમાં ખૂબ મોટી જાગૃતિ પેદા કરી હતી. પરંતુ અડવાણીને વડાપ્રધાન બનવાની ખંજવાળ ઉપડી એટલે તેમણે હિંદુત્વવાદી ચહેરાને ફેંકી દીધો. પરંતુ તેનાથી આઘાતજનક વાત એ છે કે તેમણે જે રસ્તો અપનાવ્યો તે સૌથી વધારે ધૃણાસ્પદ રહ્યો છે. અડવાણી 2005માં પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે જાહેર કર્યું કે પાકિસ્તાનના સંસ્થાપક, ભારતના વિભાજન માટે જવાબદાર મહંમદ અલી જિન્નાહ સેક્યુલર હતા. તેમણે પાકિસ્તાનમાં જ કહ્યુ કે ભારતમાં બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી દુ:ખદ દિવસ હતો. તેમને ત્યારે પોતાના પરિવારે કરાચી છોડયું હતું,તે દિવસ બિલકુલ યાદ આવ્યો નહીં. આ સિવાય તેઓ ભારતના પહેલા એવા રાજકારણી બન્યા કે જેમણે જિન્નાહની મજાર પર જઈને માથું ટેકવ્યું.

અડવાણી જેવું જ બીજું મોટું નામ કલ્યાણસિંહનું હતું. બાબરી ઢાંચો તૂટયો તે વખતે તેઓ યૂપીના મુખ્યમંત્રી હતા. તેમણે રામજન્મભૂમિ આંદોલનમાં ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમ છતાં તેમણે 1989માં અયોધ્યામાં કારસેવકોને ગોળીઓ ધરબી દેનારા મુલાયમ સિંહ સાથે હાથ મિલાવ્યો હતો. અત્યારે કલ્યાણસિંહ ભાજપમાં નથી.

ગુજરાતની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા બહુ મોટું ઉદાહરણ છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો અને અલગ પાર્ટી બનાવી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પછી પાર્ટી વિખેરીને કોંગ્રેસમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ સંઘ, જનસંઘ અને ભાજપમાં કુલ મળીને 28 વર્ષ કામ કર્યું હતું. એટલે કે 28 વર્ષ સુધી કોંગ્રેસને ગાળો આપનારા શંકરસિંહ વાઘેલા અત્યારે 2012માં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. તેઓ પણ સંઘના ખૂબ સંનિષ્ઠ અને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાતા હતા.

સૌથી વધારે આશ્ચર્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું છે. તેમનાથી દેશને અને દેશના લોકોને વિચારધારાત્મક રીતે ઘણી મોટી આશા છે. પરંતુ તેમણે ગુજરાતમાં વિચારધારાત્મક પ્રયોગો કોરાણે મૂકીને નવા પ્રયોગો શરૂ કર્યા છે. તેમણે કુલ 33 સ્થાનો પર સદભાવના મિશનના પ્રયોગો કર્યા છે. તેમની લાલસા આ સદભાવના મિશનના પ્રયોગો થકી સેક્યુલર બનીને દિલ્હીની વડાપ્રધાનની ગાદી અંકે કરવાની નેમ છે. તેઓ હવે આખા દેશમાં સદભાવના પ્રયોગો કરવા માટે આતુર હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદી પર પણ દીનદયાલ ઉપાધ્યાયની એકાત્મ માનવવાદી વિચારધારા પ્રમાણે નહીં ચાલવા માટે ગણગણાટ સ્વરૂપે ટીકા થઈ રહી છે. તેમના રાજ્યમાં અંત્યોદયના બદલે અમીરોદય ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ગુજરાતના વિકાસ માટે એવું કહેવાય છે કે આ તો ચાર-પાંચ મુખ્યમંત્રી મોદીના માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ છે.

નરેન્દ્ર મોદીના પાર્ટીમાં સૌથી મોટા પ્રતિસ્પર્ધી સંજય જોશીની હાલત પણ બહુ સારી નથી. તેમના પર ચારિત્રિક આક્ષેપો અને સીડી પ્રકરણને કારણે તેમની કારકિર્દી પર પણ બ્રેક વાગી ગઈ હતી. જો કે તેમાથી તેઓને ક્લિનચિટ મળ્યા બાદ યૂપીમાં ચૂંટણી પ્રભારી તરીકે તેમને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ તેમાં સારી રીતે સફળ થયા નથી. મહિલા હોવાથી સંઘમાં ન હતા, પરંતુ સંઘના ખૂબ નજીકના ગણાતા ઉમા ભારતીએ ભાજપમાં આવન-જાવન કરીને પોતાની સંગઠન પ્રત્યેની અસ્થિરતાને વારંવાર ઉજાગર કરી છે. જેને કારણે ક્યારેક વાજપેયી પછી ભાજપમાં સૌથી મોટા માસ લીડર ગણાતા ઉમા ભારતીનું રાજકીય કદ હાલ ખૂબ નાનું થઈ જવા પામ્યું છે. તેમને પણ યૂપીની ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ચૂંટણીના પરિણામોએ તેમની તરફેણ કરી નથી.

ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ બલરાજ મધોકને અટલ બિહારી વાજપેયી સાથેના ગજગ્રાહને કારણે પાર્ટી છોડવી પડી હતી. તો અટલ બિહારી વાજપેયીની વિચારધારાત્મક અડગતા પર ઘણાં સંઘ-ભાજપની અંદરના અને બહારના લોકોએ શંકા વ્યક્ત સમયસમય પર શંકા વ્યક્ત કરી હતી. બલરાજ મધોકે દીનદયાલ ઉપાધ્યાયના મૃત્યુ વખતે અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખ સંદર્ભે કેટલીક આશંકાઓ વ્યક્ત કરી હતી. બલરાજ મધોક અટલ બિહારી વાજપેયીને હંમેશા જનસંઘના નેહરુ કહેતા હતા. એટલે આમની હિંદુત્વની વિચારધારા વિશે વાત કરી શકાય તેમ નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ હોનારતો અને 1962ના યુદ્ધમાં ખૂબ કામમાં આવ્યા. 1962ના યુદ્ધમાં ચીન સામે ભારતીય સેનાને રસદ પહોંચાડવાનું કામ સંઘના સ્વયંસેવકોએ ખૂબ દિલેરીથી કર્યું હતું. તેને કારણે દિલ્હી 1963માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં આમંત્રિત કર્યા હતા. તો વિભાજન વખતે હિંદુ-શીખોની લાશો એકઠી કરવાના કામમાં, હિંદુ-શીખોની રાહત છાવણીઓમાં દેખરેખ રાખવા, મચ્છુ હોનારત, લાતુર ભૂકંપ, કચ્છ ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી હોનારતોમાં મડદાં ઉંચકવાના કામમાં સંઘના સ્વયંસેવકો ખૂબ નામના ધરાવે છે. પરંતુ દેશની કમબખ્તી છે કે સંઘના સ્વયંસેવકો મડદાં ઉંચકવામાં જેટલી નામના ધરાવે છે, જેટલી પ્રામાણિકતા મડદાં ઉંચકવામાં દાખવે છે, તેટલી નામના અને પ્રામાણિકતા તેઓ રાજનીતિમાં દાખવી શક્યા નથી.

આમા વાંક કોનો છે, ભારતીય સમાજનો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વ્યક્તિ નિર્માણના મિશનનો? શું ભારતીય સમાજના સદીઓથી રાજનીતિ પ્રત્યે ઉપેક્ષાપૂર્ણ વ્યવહારથી સંઘનું વ્યક્તિત્વ નિર્માણ તેમાં હંમેશા ઉતરતું સાબિત થાય છે? સંઘની વિચારધારા પ્રમાણે રાજનીતિનું સ્થાન ઘરમાં રહેલા સંડાસ જેવું છે. જેમાં કોઈને જવું ગમે નહીં, પણ જવું પડે. આટલી ઉપેક્ષા અને આટલી નફરત રાજનીતિ પ્રત્યે સંઘ શા માટે ધરાવે છે? શું સમાજના અન્ય ક્ષેત્રોમાં સફળ થઈ રહેલા સંઘના સ્વયંસેવકો રાજનીતિમાં નિષ્ફળ જઈ રહ્યા છે તેની પાછળ સંઘનો રાજનીતિ માટેનો નફરત ભરેલો અભિગમ છે? વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના સંઘના મિશનમાં તેમણે રાજનીતિનો સહારો તો લેવો જ પડશે. રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં રાજનીતિનો ઘણો મોટો ફાળો રહેલો છે. વળી નિર્માણ પામેલા રાષ્ટ્રને ટકાવા માટે પણ રાજનીતિનું યોગદાન ખૂબ મોટું રહેવાનું છે. ત્યારે આવી સ્થિતિમાં રાજનીતિ પ્રત્યે સકારાત્મક અભિગમ પણ ઘણું મોટું પરિવર્તન આણિ શકે છે.