Friday, June 29, 2012

કેશુભાઈ પટેલે હિંદુત્વ વિચારધારાની દ્રષ્ટિએ મોદી કરતા સુપિરિયર સાબિત થવું પડશે

- આનંદ શુક્લ
રાજનીતિ વ્હાલા અને દવલા, માનીતા અને અણમાનીતા વચ્ચે શક્તિ સંતુલનનું તંત્ર છે. દરેક પક્ષ-સંગઠનમાં નેતાના વ્હાલા અને દવલા, માનીતા અને અણમાનીતા જૂથ-કાર્યકરો હોય છે. જ્યારે શક્તિ સંતુલન બગડે છે, ત્યારે સત્તાના સમીકરણોમાં પરિવર્તન આવે છે. વ્યક્તિપૂજા હંમેશા શક્તિ સંતુલનોને અસર પહોંચાડીને સત્તાના સમીકરણો બગાડે છે. ગુજરાતમાં હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કદાચ નહીં ચાહવા છતાં તેમની વ્યક્તિપૂજાનો એક દાયકો વીતી ગયો છે. ગુજરાત ભાજપના સંગઠનમાં કેશુભાઈ પટેલ સરીખા નેતાને પણ હવે લાગવા માંડયુ છે કે તેમની ઉપેક્ષા થઈ રહી છે. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભૂતપૂર્વ કરવા માટે મોરચો ખોલી નાખ્યો છે.

આઝાદી પહેલા કોંગ્રેસ પક્ષમાં તત્કાલિન સર્વોચ્ચ નેતા ગાંધીજીની આસપાસના નેતાઓનું જબરૂ વર્ચસ્વ હતું. જેના કારણે પહેલા મહંમદ અલી ઝીણા અને ત્યાર બાદ સુભાષચંદ્ર બોઝ જેવા કદાવર નેતાઓએ કોંગ્રેસ છોડીને પોતપોતાના રસ્તા પકડવા પડયા. મહંમદ અલી ઝીણાએ મુસ્લિમ લીગના અધ્યક્ષ બનીને ભારતને તોડનારી પાકિસ્તાન ઉભું કરનારી ચળવળ ચલાવી. જ્યારે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સ્વીકારીને દ્વિતિય વિશ્વ યુદ્ધમાં અંગ્રેજો સામે જાપાની અને જર્મની સત્તાધીશોની મદદથી મોરચો ખોલ્યો હતો. ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યારે સરોજિની નાયડુએ તેમને હિંદુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા. પરંતુ 1947 સુધીમાં ગાંધીજીની ઉપેક્ષાના પરિણામે મુસ્લિમ લીગના અધ્યક્ષ મહંમદ અલી ઝીણા હિંદુ-મુસ્લિમ એકતાના દૂત મટીને પાકિસ્તાનના સર્જક થઈ ચુક્યા હતા. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના મતે ઝીણા સેક્યુલર હતા. અડવાણી સહીતના ઘણાં સંઘવિચારકોનું માનવુ છે કે ઝીણા ગાંધીજીની ઉપેક્ષાને કારણે મુસ્લિમ લીગ તરફ ખેંચાયા, કારણ કે ગાંધીજી ઝીણા જેવા આધુનિક અને સાક્ષર મુસ્લિમ નેતાઓની જગ્યાએ ખિલાફત આંદોલનમાં રૂઢીવાદી મુસ્લિમ નેતાગીરીને આગળ કરી રહ્યા હતા.

બીજી તરફ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના અતિઅહિંસાવાદી વિચારો સાથે સંપૂર્ણપણે અસહમત હતા. ગાંધીજીનો વ્યક્તિ તરીકે પૂર્ણ આદર કરતા હોવા છતાં સૈદ્ધાંતિક રીતે મહાત્મા સાથે સુભાષબાબુ મતભેદ ધરાવતા હતા. ગાંધીજીના ઉમેદવારને હરાવીને સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. જો કે ગાંધીજી માટે આંધળો અહોભાવ ધરાવતા નેતાઓના અસહકારપૂર્ણ વલણને કારણે સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવી પડી હતી. તેમણે ભારતની બહાર અફઘાનિસ્તાનના રસ્તે જર્મની અને જાપાન જઈને ભારતીય યુદ્ધકેદીઓની સેના તૈયાર કરીને અંગ્રેજી હકૂમત સામે જંગનું બ્યૂગલ વગાડયું હતું. આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ પોતાના હાથમાં લેતી વખતે ભારતીયોને કરાયેલા સંબોધનમાં સુભાષબાબુએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે આદરપૂર્વક સંબોધ્યા હતા.

આમ તો ભારતની કેટલીક સદીઓથી તાસિર રહી છે કે સિદ્ધાંત અને મૂલ્યો કરતા વ્યક્તિને મહત્વ વધારે આપવામાં આવે છે. વ્યક્તિપૂજાને કારણે ભારતે ઘણું ગુમાવ્યું છે અને હજીપણ ઘણું ગુમાવી રહ્યું છે. જ્યારે વ્યક્તિપૂજા કરવામાં સમાજ આંધળો બની જાય છે, ત્યારે તે વ્યક્તિના સંમોહનમાં પોતાના હિત-અહિતને જોઈ શકતો નથી. માત્ર મુંગે મોઢે પૂજનીય વ્યક્તિનું અનુસરણ કરે જાય છે, પછી ભલે પોતાને ખાડા કે ખાઈમાં પડવું પડે.

ગુજરાત ભાજપમાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એકહથ્થુ સત્તા છેલ્લા એક દાયકાથી ચાલી રહી છે. એક રીતે જોઈએ તો ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદીની વ્યક્તિપૂજા થઈ રહી છે. અહીં મોદીજૂથના વ્યક્તિઓએ સંગઠનનો કબજો લઈ લીધો છે. રાજકારણમાં વ્હાલાં-દવલાં, માનીતાં-અણમાનીતાં વચ્ચે શક્તિ તથા સત્તાનું સંતુલન નથી. જેને કારણે સંગઠનમાં ઘર્ષણ અને સંઘર્ષની શક્યતાઓ ઘણી વધી જાય છે. 2007માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં આવો પ્રયત્ન થયો હતો. જો કે સંઘના વરિષ્ઠ નેતાઓના પ્રયત્નોથી કેશુભાઈએ સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવક હોવાની વાત કહીને પોતાના સંઘર્ષને વિરામ આપ્યો હતો. છતાં સત્તા-શક્તિનું સંતુલન નહીં જળવાતા ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ભાજપમાં નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ છે.

ગુજરાતમાં ભાજપને પોતાના લોહીપાણીથી પોષનારા વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે 2007 પછી ઘણાં લાંબા સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ ખુલ્લેઆમ આક્રમકશૈલીમાં અણગમો વ્યક્ત કર્યો છે. પહેલા કેશુભાઈ પટેલે સૂરત ખાતેના સંમેલનમાં ગુજરાતમાં એક દશકાથી પટેલો ભયભીત હોવાનું નિવેદન આપ્યું. તેના થોડા સમય બાદ તેમણે કહ્યુ કે રાજ્યના બધાં સમાજના લોકો ભયભીત છે. ગુજરાતમાં પટેલ સંમેલનોનો તબક્કો ચાલ્યો. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પટેલ નેતાઓને સાઈડલાઈન કરાયા હોવાની પ્રત્યક્ષ અને પરોક્ષ ચર્ચા પણ ઉભરી. કેશુભાઈ પટેલે રોહિત સમાજના સંમેલનમાં પણ મોદીને નિશાના પર લીધા. કેશુભાઈ પટેલ સાથે મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ દરેક મંચ પર દેખાવા લાગ્યા.

કેશુભાઈ સાથે મોદી વિરોધી ગણાતા સુરેશ મહેતા, કાશીરામ રાણા સહીતના નેતાઓ જોડાવા લાગ્યા. કેશુભાઈ તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપના કેન્દ્રીય નેતાઓને મળ્યા અને ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને હટાવીને નેતૃત્વ પરિવર્તન કરવાની રજૂઆતો કરી. કેશુભાઈએ પોતાની રજૂઆતમાં મોદી સામેના વાંધા રજૂ કરતો 10 પાનાનો પત્ર પણ રજૂ કર્યો. તેમણે ભાજપના નેતાઓને એમ પણ કહ્યુ છે કે જો તેઓ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરશે નહીં, તો જનતા પરિવર્તન માટે મજબૂર બનશે. કેશુભાઈ પટેલે એક અગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે મોદીને વડાપ્રધાન બનાવો પણ ગુજરાતમાંથી હટાવો. ગુજરાતની પ્રજા મોદીથી થાકી ગઈ છે. મુલાકાતમાં કેશુભાઈએ મુખ્યમંત્રી બનવાનો અથવા કોઈ પદ સ્વીકારવાનો ઈરાદો હોવાના સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે.

કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમાજ અને ખાસ કરીને લેઉવા પાટીદારો મોદી વિરુદ્ધ ઘરી ઉભી કરે તેવી શક્યતા દેખાય રહી છે. 2001ના ઓક્ટોબર માસમાં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે તેઓ પોતાને હિંદુ નેતા તરીકે જ ઓળખાવા માંગતા હતા. પોતાને બક્ષીપંચના નેતા તરીકે ઓળખાવા બાબતે તેમને સખત અણગમો હતો. જો કે પરિસ્થિતિ બદલાતા તેમને પણ પોતે બક્ષીપંચના બેટા હોવાની વાત કહેવી પડી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, મોદીએ પોતાના શાસનમાં પટેલ સમાજના પોતાની વિરુદ્ધના મજબૂત નેતાઓનો રાજકીય આંકડો કાઢી નાખ્યો છે. જેની સામે મોદીએ નવી પટેલ નેતાગીરીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. જો કે વિશ્લેષકોના મતે સામાજિક રીતે સક્રિય રાજનેતાઓના નવા વિકલ્પ ઘણાં સીમિત હોય છે. જાણકારોનું માનીએ તો મોદીના શાસનમાં ભૂતકાળની પ્રભાવી બ્રાહ્મણ અને પટેલ લોબીને ગણતરીપૂર્વક શાસનથી દૂર રાખવામાં આવી છે. તેની સામે ગુજરાતના 24 ટકા પટેલ સમુદાયના વોટરોને એકજૂથ કરવા માટે પટેલ સમાજના નેતાઓ વિવિધસ્તરે પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્નની અંતિમ રણનીતિના ભાગરૂપે કેશુભાઈ પટેલ ખુલીને મોદી વિરુદ્ધ બહાર આવી ગયા છે.

અખબારોના અહેવાલો પ્રમાણે, કેશુભાઈ પટેલ પોતાના ખૂનપસીનાથી સિંચેલા ભાજપને છોડીને નવી પાર્ટી બનાવે અથવા તો મહાગુજરાત જનતા પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ વહેતી થઈ છે. જો કે આનો જવાબ ભવિષ્યના ગર્ભમાં જ છુપાયેલો છે. તેથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોવી જ યોગ્ય રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેની ભાજપની પ્રદેશ કારોબારીમાં ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ સંદર્ભે કેશુભાઈનું નામ લીધા વગર બિહાર-યૂપીની સ્થિતિ માટે ત્યાંનું જ્ઞાતિવાદી રાજકારણ જવાબદાર હોવાનું નિવેદન કર્યુ હતુ. જેનો રાષ્ટ્રીય સ્તરે ભડકો થયો અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સામા નિવેદનો કર્યા. પરંતુ સવાલ એ છે કે ગુજરાતમાં શું જ્ઞાતિવાદી રાજકારણ છેલ્લા દોઢ દાયકામાં દૂર થયું છે? ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં રાજકીય પક્ષો ટિકિટ વહેંચણી વખતે જે-તે બેઠકના જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખે છે. રામજન્મભૂમિ આંદોલન વખતે પણ યૂપીમાં જ્યારે ભાજપે લોકસભાની 60 બેઠકો કબજે કરી હતી, ત્યારે પણ ટિકિટની વહેંચણી જ્ઞાતિના આધારે જ કરી હતી. ગુજરાતમાં 1989થી લઈને 2007 સુધીની વિધાનસભા ચૂંટણીમાં દર વખતે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે. તો શું આ જ્ઞાતિવાદી રાજકારણ ન કહેવાય?

ગુજરાતમાં ઝીણાભાઈ દરજી અને માધવસિંહ સોલંકી જેવા કોંગ્રેસી નેતાઓના વખતે પટેલ પાવરને ગુજરાતના રાજકારણમાંથી દૂર કરવા માટે ખામ થિયરીની રચના કરીને અમલીકરણ કરવામાં આવ્યું હતું. ખામ (KHAM)) થિયરી એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતદારોના મત મેળવીને સત્તા કબજે કરવાના સમીકરણો ઉભા કરવા. ગુજરાતમાં ક્ષત્રિય 24 ટકા, આદિવાસી 12 ટકા, હરિજન 14 ટકા અને મુસ્લિમો 9 ટકા છે. ખામ થિયરીને કારણે ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રી આવવો ઘણી અઘરી વાત બની ગઈ હતી. જો કે કોંગ્રેસ સામેના રોષને કારણે ખામ થિયરીના સમીકરણો અસંતુલિત બનતા અને પટેલ સમુદાયના વોટ જનતાદળ અને ભાજપ તરફ જતાં ચિમનભાઈ પટેલ 1990માં મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી બન્યા. ઓક્ટોબર-2001માં કેશુભાઈ પટેલને હટાવીને નરેન્દ્ર મોદી સંઘના આશીર્વાદથી મુખ્યમંત્રી બન્યા, તો ફરીથી સ્થાપિત થઈ ચુકેલા પટેલ પાવરના હટાવવા માટે પ્રયત્ન થવા લાગ્યા. જેના માટે કેશુભાઈ પટેલ જેવા સ્થાપિત નેતાઓથી માંડીને ગોરધન ઝડફિયા સુધીના નેતાઓને પાર્ટીમાં કોરાણે મૂકવાની શરૂઆત થઈ. જેના પરિણામે ઝડફિયાએ ભાજપ છોડીને મહાગુજરાત પાર્ટીની રચના કરી. જો કે તેમને હજીસુધી ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવતા નથી.

પરંતુ કેશુભાઈ પટેલ દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલો મોદી વિરોધી મોરચો કાર્યરત થતા મહાગુજરાત પાર્ટી માટે રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સામે આવવાની તકો વધી ગઈ છે. ગુજરાતની 40થી 45 બેઠકો પર પટેલ સમુદાયનો પ્રભાવ છે. આ સિવાય ઘણી બેઠકો પર પટેલ સમુદાયના થોકબંધ વોટ છે. જેને કારણે કેશુભાઈ દ્વારા પાર્ટી છોડવાની સ્થિતિમાં પટેલ વોટ મોદી વિરોધી વોટમાં રૂપાંતરીત થાય તેવી શક્યતા વધી જાય છે. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, મહાગુજરાત જનતા પાર્ટી કેટલીક બેઠકો પર જીતે તેના કરતા ભાજપની 25-30 બેઠકો કાપે તેવી શક્યતા વધારે છે. તેવી સ્થિતિમાં ભાજપ માટે 151 બેઠકો લાવવાનું લક્ષ્ય અઘરું બનશે.

પરંતુ ગુજરાત રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી ડાર્ક હિંદુત્વનો ગઢ રહ્યું છે. ગુજરાતમાં હિંદુત્વના મોજા નીચે જ્ઞાતિવાદ પ્રભાવી હોવા છતાં પ્રછન્ન થઈ જાય છે. પરંતુ હાલ આવું કોઈ મોજું દેખાતું નથી જેના કારણે 2012ની ચૂંટણી 2002 પછીની વિધાનસભાની ચૂંટણીઓ બાદની પહેલી ચૂંટણી હશે કે જેમાં મતદારો ઉમેદવારને જોઈને વોટિંગ કરશે. એટલે કે દરેક પાર્ટી માટે મજબૂત ઉમેદવાર જરૂરી બની જશે.

જો કે કેશુભાઈ પટેલની તમામ રાજકીય કવાયતો રાજ્યમાં પટેલ મુખ્યમંત્રી લાવવાની રહેશે, તો તેમની સફળતા માટે શંકા ઉપજવી સ્વાભાવિક છે. એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દેશમાં હિંદુત્વવાદી વડાપ્રધાન કેમ ન બનવા જોઈએ? તેમ કહેતા હોય અને બીજી તરફ ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીની ચળવળ ચાલશે તો તેનાથી સૌથી મોટું નુકસાન સંઘપરિવારની હિંદુત્વાદી ચળવળને જ પહોંચશે. આવી સ્થિતિમાં કેશુભાઈ પટેલે શંકરસિંહ વાઘેલા બનવાથી બચવું પડશે. ભૂતકાળમાં ખજૂરાહો કાંડ વખતે હિંદુત્વના મુદ્દા પર સંઘ પરિવારે શંકરસિંહ વાઘેલા સામે કેશુભાઈ પટેલને સાથ આપ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચેના ઘર્ષણની છે. તો તેવા સમયે વિચારધારાની દ્રષ્ટિએ કેશુભાઈ પટેલનો મોરચો નરેન્દ્ર મોદીની સામે સુપિરિયર છે, તેવું પણ સાબિત કરવું પડશે. આમ થશે તો સંઘ પરિવારની સાથે લોકોનો ટેકો તેમને આપોઆપ મળી જશે.


Tuesday, June 26, 2012

નરેન્દ્ર મોદીએ વાજપેયીની જેમ સેક્યુલર દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ

-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદીએ સેક્યુલર બનવાની અને દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ. તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીની વાજપેયી જેવા સેક્યુલર દેખાવની કોશિશો પર ફરી વળેલા પાણી બાદ નરેન્દ્ર મોદીએ બોધપાઠ લેવો જોઈએ. ભારતમાં સેક્યુલર હોવું એટલે લઘુમતી તરફી અને ખાસ કરીને મુસ્લિમ તરફી વલણ અપનાવું તેવો અર્થ થાય છે. ભારતમાં જેટલાં પણ પક્ષો અને નેતાઓ મુસ્લિમ તરફી ઝોક ધરાવે છે, તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે. ભારતમાં રાજધર્મ હંમેશા પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર રહ્યો છે. ભારતીય મૂળના રાજા-મહારાજા અને શહેનશાહોએ રાજધર્મ નિભાવતી વખતે ક્યારેય પંથનિરપેક્ષતાને છોડી નથી.

સમદ્રષ્ટિ અને સમાન વ્યવહાર સેક્યુલારિઝમ એટલે કે પંથનિરપેક્ષતાની પહેલી શરત છે. હાલનો પોતાને સેક્યુલર ગણાવતો એકપણ રાજકીય પક્ષ અથવા રાજકીય નેતા આવી કોઈ શરતને પુરી કરતો નથી. તેમની આંખોની સામે માત્ર 20 કરોડ મતોની મુસ્લિમ વોટબેંક નજરે પડે છે. તેમને મુસ્લિમોની લાગણીઓને ઉશ્કેરીને તેમની વોટબેંક પર કબજો જમાવવો છે. કોંગ્રેસ બાદ યૂપીમાં મુલાયમ સિંહ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સફળ થયા છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતીશ કુમાર પણ આ જ શ્રેણીમાં આવતા તથાકથિત સેક્યુલર નેતા છે. તેમના મતે એનડીએ તરફથી ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર કોઈ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હોવા જોઈએ. પરંતુ સવાલ એ છે કે ભારતમાં ધર્મનિરપેક્ષ થવા માટે મુસ્લિમ તરફી તથાકથિત સેક્યુલર નેતાઓમાં નેતાઓએ અને રાજકીય પક્ષોએ માન્યતા પ્રાપ્ત કરવી પડે છે. એટલે કે ભાજપે અને નરેન્દ્ર મોદીએ પોતે ધર્મનિરપેક્ષ હોવાનું પ્રમાણપત્ર નીતીશ કુમાર, નવીન પટનાયક, ચંદ્રાબાબુ નાયડુ, મુલાયમ સિંહ યાદવ સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓ પાસેથી લેવું પડશે.

નીતીશ કુમાર વાજપેયીના ઉદારવાદી સેક્યુલારિઝમને યાદ કરે છે. વાજપેયી નીતીશ કુમારને આજે પણ સેક્યુલર લાગી રહ્યા છે. પરંતુ રામજન્મભૂમિ આંદોલનના કર્ણધાર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમને ક્યારેય સેક્યુલર લાગવાના નથી. મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી આખા ભારતમાં એવા પહેલા નેતા હતા કે જેમણે માઈનોરિટી કમિશનનું પ્રાઈવેટ બિલ સૌથી પહેલા રજૂ કર્યું હતું. ખુદ મોરારજી દેસાઈએ લાલકૃષ્ણ અડવાણીના આ પગલાં સામે અણગમો વ્યક્ત કરીને તત્કાલિન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. અડવાણીએ પાકિસ્તાન યાત્રા પર જઈને મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા હતા. મહંમદ અલી ઝીણાને પાકિસ્તાનના સર્જક ગણવામાં આવે છે. અડવાણી આટલેથી અટક્યા નહીં. તેમણે પાકિસ્તાનમાં ઝીણાની કબર પર માથું પણ ટેકવ્યું અને મિનારે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી. મિનારે પાકિસ્તાન હિંદુસ્તાનથી અલગ પાકિસ્તાનનું પ્રતીક છે અને કોંગ્રેસના પાકિસ્તાનની મુલાકાતે ગયેલા કોઈપણ નેતાએ અડવાણી પહેલા ક્યારેય આ સ્થળની મુલાકાત લીધી નથી.

અડવાણીએ પાકિસ્તાનની ધરતી પર કહ્યુ કે 6 ડિસેમ્બર, 1992નો બાબરી ધ્વંસનો દિવસ તેમની જીંદગીનો સૌથી દુખદ દિવસ છે. ઉલ્લેખનીય છે કે અડવાણી મૂળ કરાચીના છે અને ભાગલા વખતે તેમના પરિવારને પણ પાકિસ્તાનથી ઉચાળા ભરવા પડયા હતા. પરંતુ અડવાણીને ભાગલા વખતે તેમના પરિવારના ભારતમાં આવવાનો દિવસ જીંદગીનો સૌથી દુખદ દિવસ લાગ્યો નહીં. ઝીણાને સેક્યુલર કહેવા માટે અડવાણીને ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડયું. પરંતુ તેમ છતા અડવાણીને સેક્યુલર કે ઉદારવાદી ગણવામાં આવશે નહીં, કારણ કે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન વખતે રામરથયાત્રા કાઢી હતી. હિંદુ તરફી એક કામ કર્યું, એની અડવાણીને મોટી કિંમત ચૂકવવી પડી છે. કદાચ અડવાણીને તેનો વસવસો પણ રહેશે. રામરથયાત્રા વખતે અડવાણી સંઘની પણ વડાપ્રધાન તરીકે પહેલી પસંદ હતા અને વાજપેયી કરતા લોકપ્રિયતામાં પણ આગળ હતા. તેમ છતાં સેક્યુલર દેખાવાના રાજકારણમાં વાજપેયીના નામે ગઠબંધન થઈ શક્યું અને અડવાણી વડાપ્રધાન થઈ શક્યા નહીં.

હિંદુત્વવાદી ગણતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી શરૂઆતથી જ જવાહરલાલ નહેરુના પગલે ચાલનારા વ્યક્તિ તરીકે પંકાયેલા હતા. ભારતીય જનસંઘને જનતા પાર્ટીમાં વિલીન કરીને હિંદુત્વવાદી રાજનીતિને ધરાશાયી કરવાના કામમાં વાજપેયીનો સિંહફાળો હતો. વાજપેયીએ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળીને પ્યારા પાકિસ્તાનની યાત્રા કરી હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની બંધ થયેલી સરહદો વાજપેયીના પ્રયત્નોથી ફરીથી ખુલી હતી. વાજપેયી શરૂઆતથી જ પાકિસ્તાન સાથે ખૂબ જ નરમાશભર્યું વલણ ધરાવતા હતા. રામજન્મભૂમિ આંદોલનમાં વાજપેયીએ કોઈપણ ઠેકાણે ભાગ લીધો ન હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ તેઓ અયોધ્યામાં ન હતા. બાબરી ધ્વંસને દુખદ ગણાવનારા સૌથી પહેલા ભાજપાઈ નેતા અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીને કરિશ્માઈ નેતૃત્વવાળા ગણવામાં આવે છે. પરંતુ 1980માં ભાજપની સ્થાપના બાદ તેમના નેતૃત્વમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. વાજપેયીએ ભાજપને હિંદુત્વના સ્થાને ગાંધિયન સોશ્યલિઝમના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. એનડીએની રચના વખતે વાજપેયીએ રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને સમાન નાગરિક ધારાને લાગુ કરવા જેવા હિંદુત્વવાદી ગણાતા ભાજપના મુખ્ય મુદ્દાઓને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી દૂર રાખવાની સહમતી આપી.

વાજપેયી વડાપ્રધાન રહ્યા ત્યાં સુધી દર વર્ષે અજમેર ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા હતા. પરંતુ તેમના સંસદીય મતવિસ્તાર લખનૌથી માત્ર 60 કિલોમીટર દૂર અયોધ્યા ખાતે ક્યારેય રામલલ્લાના દર્શન કરવા માટે ગયા નથી. વાજપેયીનું સેક્યુલારિઝમ અને ઉદારવાદ અહીં અટકતો નથી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અમનનો સંદેશ આપીને લાહોર બસયાત્રા લઈ ગયા. ત્યારે પાકિસ્તાની લશ્કરે કારગીલમાં ઘૂસણખોરી કરી. પરંતુ ભારતીય જવાનોના ભોગે વાજપેયી લાર્જસ્કેલ વોરના સ્થાને સીમિત યુદ્ધ લડયા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી નહીં. તેમણે નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના તાનાશાહ બની બેઠેલા જનરલ પરવેઝ મુશર્રફને ગોષ્ઠિ માટે આગ્રા ખાતે આમંત્ર્યા. પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ મુશર્રફને સૌથી પહેલી માન્યતા પણ વાજપેયી સરકારે ભારત આમંત્રીને આપી હતી. પાકિસ્તાન સાથે પીસ પ્રોસેસના નામે એક નાટક ચલાવવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદે ભારતમાં હુમલા કર્યા અને આપણે વેપારની વાત કરતા રહ્યા. પાકિસ્તાની આતંકવાદીઓએ 13 ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો કર્યો. જેના કારણે વાજપેયીએ આરપારની લડાઈની વાત કરીને ભારતીય લશ્કરને પાકિસ્તાની સરહદે તહેનાત કર્યું. પણ લશ્કર દોઢ-બે માસ સરહદની ધૂળ ખાતું રહ્યું અને વાજપેયી મનાલી રજાઓ ગાળવા જતા રહ્યા.

2002માં ગુજરાતના કોમી રમખાણો વખતે અમદાવાદના શાહઆલમ ખાતેના રાહતકેમ્પની મુલાકાત લીધી, પરંતુ 58 કારસેવકોની હત્યાના સાક્ષી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાત લેવાનું વાજપેયી પોતાની ઉદારવાદી છબી જાળવી રાખવા માટે સિફતપૂર્વક ટાળી ગયા. તેમણે કારસેવકોના સળગાવી નાખનારા કોમીતત્વો સંદર્ભે કોઈ વાત કરી નહીં, પરંતુ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ અમદાવાદ એરપોર્ટ ખાતેની પત્રકાર પરિષદમાં જરૂરથી આપી. વાજપેયી ગુજરાત રમખાણોને કારણે કલંકિત બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા પાછળ પણ તેમના પરનું તથાકથિત સેક્યુલર નેતાઓનું દબાણ અને પોતાની સેક્યુલર છબીને અકબંધ રાખવાની મનસા હતી. ભારતમાં ગુજરાત રમખાણોથી પણ ભયંકર હુલ્લડો થયા છે. પરંતુ આ હુલ્લડો બદલ બાબરી ધ્વંસના અપવાદને બાદ કરતાં એકપણ ઠેકાણે સરકાર દૂર કરવામાં આવી નથી અથવા મુખ્યમંત્રીને દૂર કરાયા નથી. પરંતુ નરેન્દ્ર મોદીની તથાકથિત મીડિયામાં ઉછાળવામાં આવેલી હિંદુવાદી છબીને કારણે તેમને વાજપેયીએ પદ પરથી હટાવવાની તૈયારીઓ દિવંગત પ્રમોદ મહાજનની રાહબરીમાં તૈયાર કરી હતી.

વાજપેયીએ લખનૌ ખાતે શિયા-સુન્નીના વિશાળ સંમેલનની આગેવાની કરી હતી. વાજપેયી દેશના પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે યૂપીમાં ચાલતા શિયા-સુન્નીના ઝઘડાંનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે સત્તા પર આવીને લીલા પાઘડા અને મુસ્લિમ ટોપીઓ પહેરીને અઢી કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો આપ્યા અને હજયાત્રામાં સુવિધાઓ વધરાવા તથા ક્વોટા વધારવાના વચનો પણ આપ્યા. પાકિસ્તાનીઓને ભારતમાં આવવા માટે સરળતાથી વીઝા આપવાની શરૂઆત પણ વાજપેયી સરકારે કરી હતી. જો કે સંઘપરિવારમાં વાજપેયીના ઉદારવાદી ચહેરા સાથે સહમત થનારા ઘણાં લોકો છે. તેમના મતે વાજપેયી મહાન ન હતા, પણ તેમને મહાન બનાવી દેવાયા છે.

વળી વાજપેયીનો ઉદારવાદી, સેક્યુલર અને વિકાસપુરુષનો ચહેરો સર્વસ્વીકૃત હતો તો 2004ની લોકસભાની ચૂંટણીમાં ફીલગુડ, ઈન્ડિયા શાઈનિંગ અને અટલના ચૂંટણી પ્રચારને દેશની જનતાએ શા માટે ફગાવી દીધો? વાજપેયીએ પોતાના જીવનમાં અડવાણીની જેમ આગળ રહીને હિંદુતરફી એકપણ કામમાં નેતૃત્વ કર્યું નથી. માટે ઝીણાને સેક્યુલર કહેનારા અડવાણી કરતા વાજપેયી વધારે ઉદારવાદી અને સેક્યુલર છે.

ભાજપને કોંગ્રેસ થવાની અને તેના નેતાઓને વાજપેયી થવાની ચળ ઉપડી છે. ભાજપને 2009ની ચૂંટણીમાં માત્ર 7 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. તેમ છતાં ભાજપ પોતાને મુસ્લિમોનું સમર્થન કૂદકેને ભૂસકે વધી રહ્યું હોવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આઝાદી વખતે ઝીણા કોંગ્રેસને હિંદુઓનો પક્ષ કહેતા હતા અને કોંગ્રેસ પોતાને મુસ્લિમોનું પણ સમર્થન હોવાની વાત કરતી હતી. જો કે દેશના 95 ટકાથી વધારે મુસ્લિમો મુસ્લિમ લીગને ટેકો આપતા હોવાની વાત 1946ની સામાન્ય ચૂંટણીઓના પરિણામોથી સાબિત થઈ ચુકી છે. આઝાદ ભારતમાં કોંગ્રેસ મુસ્લિમ લીગની જેમ અને ભાજપ કોંગ્રેસની જેમ વર્તી રહ્યો છે. તેવા સંજોગોમાં હિંદુઓ રાજકીય રીતે અનાથપણાનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં હવે મુસ્લિમોનો સંસાધનો પર પહેલો અધિકાર આપવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહ કરી રહ્યા છે. તમામ પક્ષો મુસ્લિમ અનામત માટે બંધારણ બદલવા સુધીના પ્રયત્નો કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો કોંગ્રેસ બની ગયેલા ભાજપના નેતાઓ પોતાને વાજપેયી સાબિત કરવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેમને દેશના વડાપ્રધાન બનવાનું આંકડે મધ દેખાઈ રહ્યું છે.

અડવાણીએ વાજપેયી જેવી સેક્યુલર ઈમેજ ચમકાવીને 2009ની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવા માટે ઝીણાને સેક્યુલર ગણવાની રાજનીતિ શરૂ કરી. જેના પરિણામે તેમણે પોતાની માસ અપીલ ગુમાવી દીધી. હવે ગુજરાતામાં વિકાસપુરુષ સાબિત થયેલા અને હિંદુત્વના પોસ્ટરબોય તરીકે ખ્યાતિપ્રાપ્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની હિંદુત્વાદી છબી ધોઈને વાજપેયી બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ હિંદુત્વવાદીની જગ્યાએ સફળ પ્રશાસક અને વિકાસપુરુષની છબી આગળ કરી રહ્યા છે. મુસ્લિમો તેમને મત આપી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમો માટે સદભાવના મિશનના 36 ઉપવાસો પણ મોદી કરી ચુક્યા છે. છતાં મોદીને નીતીશ કુમાર સેક્યુલર ગણવા માટે તૈયાર નથી. નીતીશ કુમાર મોદીને પોતાની સ્થાનિક રાજકીય જમીન વધારે ફળદ્રુપ બનાવવા માટે ભૂતકાળની જેમ પ્રવર્તમાન સમયમાં નિશાન બનાવી રહ્યા છે. ત્યારે મોદીએ પણ પોતાની રાજકીય જમીન છોડવી જોઈએ નહીં. મોદીની માસ અપીલ હિંદુત્વવાદી નેતા તરીકેની છે. દેશમાં આજે પણ તેમને હિંદુત્વવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. વાજપેયી જેવા બનવામાં મોદીની રાજકીય જમીન ધોવાશે. તેથી વાજપેયીએ રાજધર્મ નિભાવનારા હિંદુત્વવાદી નેતા તરીકેની ઈમેજથી જ રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવુ જોઈએ. મોદીએ સેક્યુલર તરીકે ઓળખાવાની કોશિશો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.


Saturday, June 23, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

Thursday, June 21, 2012

એનડીએ તૂટી જશે?:'હિંદુત્વવાદી' મોદીની ઈમેજ પર નીતીશ કુમારનું રાજકારણ

-આનંદ શુક્લ

એનડીએમાં હાલની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા ઓછી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય અસંતુષ્ટોની વિરોધમાં સક્રિય થયેલી રાજકીય ધરીથી નરેન્દ્ર મોદી માટે ગત વિધાનસભા ચૂંટણીઓ જેવી સરળ પરિસ્થિતિ નથી. કેશુભાઈ પટેલના ગઢ રાજકોટની કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાતિવાદી રાજકારણ પર નિશાન સાધવા માટે નીતીશ કુમારના બિહાર પર ટીપ્પણી કરી હતી. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ અને અન્ય અસંતુષ્ટો દ્વારા ચલાવવામાં આવતા પટેલ અને અન્ય જ્ઞાતિઓના સંમેલનો પર નિશાન સાધવા બિહાર અને યૂપીના જાતિવાદી રાજકારણનો દાખલો આપીને તેને તેમની દુર્દશા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

પરંતુ તેના કારણે ત્રણ વર્ષ પહેલા અંગારા નીચે ધરબાયેલી મોદી વિરોધી આગ બિહાર ખાતેથી ફરીથી ભભૂકી ઉઠી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને છેલ્લા કેટલાંક સમયથી નિવેદનો આપવાના શરૂ કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા વ્યક્તિ હોવા જોઈએ. નીતીશ કુમારની પાર્ટી જેડી-યૂ સેક્યુલર છબીવાળા વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે કોઈપણ જાતની સમજૂતી કરવા માટે તૈયાર નથી. તેના માટે તેઓ 1997થી ભાજપ સાથેના પોતાના ગઠબંધનનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે. જેડીયૂના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે બિહારની સરકાર સત્તામાં રહે કે ન રહે, પરંતુ ધર્મનિરપેક્ષતાના મુદ્દે તેમની પાર્ટી કોઈ સમજૂતી કરશે નહીં.

ભાજપમાં મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ પરથી એવો સંદેશ જાય છે કે પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું મન બનાવી લીધું છે. જો કે સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં મોદીનું નામ લીધા વગર ટીકા કરવામાં આવી. પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની સંગઠનાત્મક ક્ષમતા પર સવાલ ઉભા કર્યા. ત્યારે બિહારમાંથી પણ એક અવાજ ઉઠયો હતો કે પાર્ટીને કોઈ હાઈજેક કરી શકે નહીં. આ અવાજ હતો બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનો. ભાજપમાં પ્રદેશ સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે મોદી તરફી અને મોદી વિરોધી જૂથ હોવાનું કોઈનાથી હવે છુપું નથી. મોદી તરફી જૂથ મોદીને કોઈપણ ભોગે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાવવા માટે તત્પર છે. જ્યારે મોદી વિરોધી જૂથ મોદીના 2002ના ગુજરાત રમખાણોના કલંકિત ઈતિહાસ પૃષ્ઠને આગળ કરીને તેમના રાજકીય ઈરાદાઓ ધરાશાયી કરવાનો પ્રયત્ન કરે છે.

એનડીએમાં જેડીયૂના નીતીશ કુમાર સાથે ભાજપના મોદી વિરોધી જૂથને ખાસો ધરોબો છે. નીતીશ કુમારે તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા હોવા જોઈએ. આ મુલાકાતમાં નીતીશ કુમારે મોદીનું નામ તો લીધુ નથી. પરંતુ સમીક્ષકોના માનવા પ્રમાણે, નિવેદન નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચાલી રહેલી રાજકીય ઉઠાપઠક અને કવાયત સામે છે. નીતીશ કુમારને નરેન્દ્ર મોદીના વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સૌથી મોટી રાજકીય અડચણ પણ નીતીશ કુમારને ગણવામાં આવે છે. કોસી નદીમાં આવેલા વિનાશક પૂર વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાની મદદ કરી હતી. બિહારમાં રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીની મુલાકાતના ટાણે અખબારોમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોદી અને નીતીશ કુમારની સાથે તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં ટાંકણે વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે નીતીશ કુમાર મુસ્લિમ વોટબેંકને લઈને ખાસા સતર્ક હતા. તેમણે તાત્કાલિક મોદી સરકારને બિહારને આપવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની મદદ પાછી આપી. ભાજપની કારોબારીમાં આવેલા નેતાઓ માટેનો રાત્રિભોજનનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો. જેને નરેન્દ્ર મોદીની હાજરી સાથે જોડીને જોવામાં આવ્યો.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારક નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા. જેનું સીધું કારણ નરેન્દ્ર મોદી માટે નીતીશ કુમારનો અણગમો હતો. જો કે જાણકારોના માનવા પ્રમાણે, મોદી અને નીતીશ વચ્ચેના સંબંધો 2010 બાદ જ બગડયા. વાજપેયી સરકારમાં 2002ના ગુજરાત રમખાણો બાદ પણ કેન્દ્રીય મંત્રી તરીકે નીતીશ કુમારે ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે અને મોદી સાથે મંચ પર પણ બેઠા છે. સમીક્ષકો પ્રમાણે, મોદીનું હિંદુત્વ અને નીતીશ કુમારનો સેક્યુલરવાદ બંને તકવાદી છે. મોદીને જ્યાં સુધી હિંદુત્વની મદદથી ગુજરાતની ગાદી પર બેસવામાં મદદ મળતી હતી, ત્યાં સુધી તેના એજન્ડાને આગલ વધાર્યા. જ્યારે તેમને વડાપ્રધાનપદે પહોંચવાની રાજકીય મહત્વાકાંક્ષામાં હિંદુત્વ અડચણ લાગવા લાગ્યું, તો તેમણે સદભાવના મિશન હેઠળ ઉપવાસો કર્યા. પોતાની રાજકીય ઈમેજ બદલવા માટે પુરજોર કોશિશ કરી. જ્યારે નીતીશ કુમારે ગુજરાત રમખાણો બાદ મોદી સરકારને બરખાસ્ત નહીં કરવાના મુદ્દે વાજપેયીની સરકારના મંત્રીપદનું બલિદાન આપ્યું ન હતું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2002ની ઘટનાઓ બાદ પણ મંચ ઘણી વખત બેઠાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 16 ટકા મુસ્લિમ મતોને નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને કારણ બનાવીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી.

નીતીશ કુમારના મોદી સામેના મનાતા નિવેદન મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જવાબ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યુ છે કે કોઈ હિંદુત્વવાદી ભારતના વડાપ્રધાન કેમ બની શકે નહીં? જો કે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીની દાવેદારીના ટેકામાં સંઘ ખુલીને સામે આવી ગયો છે. ભાજપે પણ સંઘના સૂરમાં સૂર મિલાવતા જેડીયૂ પર હુમલો કરતા કહ્યું છે કે પાર્ટીને કોના સર્ટિફિકેટની જરૂરત નથી. અહીં મુદ્દો છે કે ભારતમાં 82 ટકા હિંદુ વસ્તી છે. હિંદુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. આ તથ્યને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. ભારતની ધર્મપરાયણ પ્રજાને ધર્મનિરપેક્ષ બનાવવી હકીકતમાં પાપ છે. ધર્મ ભારતના અસ્તિત્વની મુખ્ય ધરી છે. ભારતમાં સંપ્રદાય-પંથ નિરપેક્ષતા આવે તે જરૂરી છે. પરંતુ ભારત ધર્મનિરપેક્ષ બની શકે નહીં. હિંદુત્વ જીવન પદ્ધતિ હોવાને કારણે આપમેળે જ તે સેક્યુલર છે. ત્યારે દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ ઉંબાડિયા કરતા રહે છે. પરંતુ હિંદુત્વના નામ પર દેશના વડાપ્રધાન બનવા જોઈએ નહીં તેમ કહેનારા નેતાઓની અહીં ભરમાર છે. દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને, સેનાધ્યક્ષ બને, મુખ્ય ન્યાયાધીશ બને, અરે વડાપ્રધાન બનવાનું વ્યક્તિત્વ ધરાવનારો મુસ્લિમ વડાપ્રધાન બને તો પણ કોઈને વાંધો નથી. તો હિંદુત્વવાદી વ્યક્તિના વડાપ્રધાન બનવા બાબતે વાંધો શા માટે ઉઠાવવામાં આવે છે?

જો કે સમગ્ર રાજકીય ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે નીતીશ કુમાર હાલ ભલે વડાપ્રધાનપદની દાવેદારી રજૂ કરતા ન હોય. પરંતુ તેમની ધરબાયેલી રાજકીય મહત્વકાંક્ષા જોર મારી રહી છે. ગુજરાત રમખાણો બાદ રાજ્યમાં મોદીના શાસન નીચે વિકાસ યાત્રા થઈ. કેટલાંક સર્વેમાં ગુજરાતના વિકાસને અવ્વલ દરજ્જાનો ગણાવવામાં આવ્યો. મોદી વિરોધીઓએ ગુજરાત રમખાણોની ચર્ચા કરી અને મોદીએ વિકાસના કામો કર્યા હોવાની છાપ પણ હાલ પ્રવર્તી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનતા પહેલા નીતીશ કુમારે મોદી સંદર્ભેના કેટલાંક ભ્રમ દૂર કરી દીધા. મોદી વગર ભાજપ માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો શક્ય નથી. નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં મોદીને પ્રચાર અભિયાનથી દૂર રખાવ્યા હતા. છતાં જેડીયૂ અને ભાજપનું ગઠબંધન ત્રણ ચતુર્થાંસ બહુમતીથી સત્તામાં આવ્યું. મુસ્લિમ મતો મોદીના કારણે ભાજપથી દૂર થાય છે, તેવી માન્યતાને દ્રઢીભૂત કરી. કારણ કે મોદીના નહીં આવવાથી ભાજપ-જેડીયૂ ગઠબંધનને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હિંદુત્વવાદી છાપને નીતીશ કુમારે પોતાની રાજનીતિનો મહત્વનો ભાગ બનાવ્યો. મોદીને પોતાની વડાપ્રધાન બનવાની રાજકીય મહત્વકાંક્ષામાં કટ્ટર ઈમેજ અડચણરૂપ લાગતા તેમણે પણ હિંદુત્વની કાંચળી ઉતારવાની શરૂઆત કરી. દરેક ઠેકાણે ગુજરાતની વિકાસ યાત્રાની વાતો પુરજોર કરવા માંડી. ઈમેજ મેકઓવર માટે સુપ્રીમ કોર્ટની કથિત ક્લિનચીટવાળા ગુલમર્ગ કાંડ સંદર્ભેના ઓર્ડર બાદ સદભાવના મિશન શરૂ કર્યું. તેના હેઠળ તેમણે કુલ 33 જગ્યાએ 36 ઉપવાસો કર્યા. આ સમગ્ર તામજામમાં 200 કરોડનો ખર્ચો થયો. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા મોદીને હિંદુત્વવાદી નેતા ગણાવતું તેમના નામ લીધા વગરનું નિવેદન ઘણી મોટી અસર પેદા કરશે. સંઘ જેને હિંદુત્વવાદી ગણતું હશે,તેને રાજકીય પક્ષો કેવી રીતે સેક્યુલર ગણશે? એટલે ચર્ચા એવી પણ છે કે મોહન ભાગવતે મોદીને કોથળામાં પાંચશેરી મારીને એનડીએના ગઠબંધનમાં તેમની વડાપ્રધાનપદની ઉમેદવારીને હાલ બ્રેક મારી દીધી છે.

હાલની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રવૃતિ સામે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ જેડીયૂના વાંધા બાદ તિરાડ વધુ પહોળી બની છે. રાજકીય વિશ્લેષકોના મતે મોદીને આગળ કરવાથી 2014 પહેલા એનડીએ તૂટી જશે. મોદીના હિંદુત્વવાદી ચહેરાથી એનડીએમાં ભાજપ બાદ શિવસેના સિવાયના તમામ પક્ષોને કોઈને કોઈ વાંધો છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીને 2014ની વડાપ્રધાનપદની ઉમેદવારી કરાવવા માટે ભાજપે એનડીએનું વિસર્જન કરીને હિંદુત્વવાદી એજન્ડા પર પાછા ફરવું પડે તેમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવી અને સમાન નાગરિક ધારાનો અમલ જેવા મુદ્દાઓ ફરીથી જીવિત કરવા પડે. આ મુદ્દાઓ દોઢ દશકથી કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોલ્ડ બોક્ષમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનના કેટલાંક વરિષ્ઠ નેતાઓનો મોદી સામેનો અણગમો જગજાહેર છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ગજગ્રાહ પણ ઘણો મોટો છે. વળી પ્રખર હિંદુત્વવાદી સંગઠન મોદી દ્વારા ગાંધીનગરમાં તોડવામાં આવેલા 250થી વધારે મંદિરોના મુદ્દે નારાજ છે. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે મોદીની સરખામણી મહંમદ ગઝની સાથે કરી હતી.

આવા સંજોગોમાં મોદીની હિંદુત્વવાદી છબી દુનિયામાં યથાવત છે, પરંતુ સંઘપરિવારમાં તેને ગ્રહણ લાગેલું છે. ગુજરાતના વિચારપત્ર નિરીક્ષકના એક અંકમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથે થયેલી ખાનગી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યુ કે તેમણે મોટીસંખ્યામાં હિંદુ મંદિરો તોડયા હોવા છતાં તેમને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. (શબ્દશ વાત યાદ નથી, બાકી જે વાત હતી તેનો મર્મ આવો કંઈક હતો) આનો અર્થ એ થયો કે મોદી પોતાની હિંદુત્વવાદી છબી તોડવા માટે ખૂબ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ 2002ની ગુજરાત રમખાણોની ઘટનામાં તેમની ઉભી થયેલી ઈમેજ વધારે ગાઢ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મોદીની વડાપ્રધાનપદ માટેની એનડીએમાં દાવેદારીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની રાજનીતિથી ગ્રહણ લાગી રહ્યું છે.


Friday, June 15, 2012

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાજરમતે 1969ની યાદ તાજી કરી!


-આનંદ શુક્લ
2012માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે થઈ રહેલો સત્તાસંઘર્ષ બરાબર 43 વર્ષ પહેલા 1969ની રાજરમતની  યાદ અપાવે છે. 1969ની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવાર વી. વી. ગિરિની જીતે સાબિત કરી દીધુ હતુ કે રાષ્ટ્રપતિ ભવનનો રસ્તો વડાપ્રધાન કાર્યાલય થઈને જાય છે. વી. વી. ગિરિની જીત શરૂઆતના તબક્કામાં ગુંગી ગુડિયા તરીકે જાણીતાં બનેલા વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સંગઠનમાં વર્ચસ્વ ધરાવતી સિન્ડિકેટ પરની પહેલી જીત હતી. અહીંથી ઈન્દિરા ગાંધીએ શક્તિશાળી વડાપ્રધાન તરીકે માન્યતા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી હતી.

1969માં નીલમ સંજીવ રેડ્ડી કોંગ્રેસ સિન્ડિકેટના ઉમેદવાર હતા. અપક્ષ તરીકે વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના ટેકાવાળા વી. વી. ગિરિ ઉમેદવાર હતા. કોંગ્રેસ પર તે જમાનામાં એક સિન્ડિકેટ હાવી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ કે. કામરાજ, મોરારજી દેસાઈ, નીલમ સંજીવ રેડ્ડી, નિજલિંગપ્પા અને એસ. કે. પાટિલ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના સોવિયત રશિયાના તાશ્કંદમાં થયેલા અવસાન બાદ સિન્ડિકેટે જાન્યુઆરી-1966માં ઈન્દિરા ગાંધીને વડાંપ્રધાન બનાવ્યા હતા. શરૂઆતના તબક્કામાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને સિન્ડિકેટના સભ્યોની મહેરબાનીથી ગુંગી ગુડિયા તરીકે ઓળખવામાં આવતા હતા.

1969માં કોંગ્રેસ પાર્ટીમાં સિન્ડિકેટના વર્ચસ્વના જંગમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ડૉ. જાકિર હુસૈનના અવસાન બાદ ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરી રહ્યા હતા. સિન્ડિકેટના વર્ચસ્વવાળી કોંગ્રેસ કાર્યસમિતિએ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે ચર્ચાવિચારણા કર્યા વગર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નીલમ સંજીવ રેડ્ડીના નામની જાહેરાત કરી હતી.

ઈન્દિરાએ સિન્ડિકેટની આ હરકતને વડાપ્રધાન પદની શક્તિ સામેનો પડકાર માન્યો. તેમણે પાર્ટીનો નિર્ણય માનવાનો ઈન્કાર કરી દીધો. ઈન્દિરાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અંતરાત્માના અવાજ પર વોટ કરવાની હાકલ કરી હતી. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની મદદથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અપક્ષ તરીકે વી. વી. ગિરિએ ઝુકાવ્યુ હતુ.

70ના દાયકામાં કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનને સર્વોચ્ચ માનનારાઓની સંખ્યા વધારે હતી, જેના કારણે 1969માં રાષ્ટ્રપતિ  પદની ચૂંટણીથી પાર્ટીમાં મહાભારતની  શરૂઆત થઈ અને આ મુકાબલો ઘણો રસાકસીભર્યો બન્યો.

પહેલી પ્રાથમિકતાના મતોની ગણતરીમાં કોઈને બહુમતી મળી નહીં. વી. વી. ગિરિને 4,01, 515 મતો મળ્યા હતા, જે બહુમતીથી 15,654 ઓછા હતા. નીલમ સંજીવ રેડ્ડીને પણ પહેલી પ્રાથમિકતાના 3,13, 548 મતો જ મળી શક્યા હતા. તેવામાં બીજી પ્રાથમિકતાના મતોની ગણતરી થઈ. હવે વી. વી. ગિરિના મતો 4, 20, 077 જ્યારે નીલમ સંજીવ રેડ્ડીના કુલ મતોની સંખ્યા 4,05, 427 સુધી જ પહોંચી શકી. 14, 650 મતોથી વી. વી. ગિરિ વિજયી જાહેર થયા.

વી. વી. ગિરિ ખુદ સ્વતંત્રતાસેનાની હતા અને મજૂરો માટે તેમણે ઘણું કામ કર્યુ હતુ. વ્યક્તિગત રીતે તેઓ રાષ્ટ્રપતિભવન માટે ખુબ યોગ્ય વ્યક્તિ હતા. પરંતુ 1969માં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વી. વી. ગિરિની જીત હકીકતમાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો વિજય હતો. વી. વી. ગિરિ રાષ્ટ્રપતિ બનતા કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું. અહીંથી રાષ્ટ્રપતિભવનનો રસ્તો વડાપ્રધાન કાર્યાલય તરફ જતો હોવાની વાત સ્પષ્ટ બની. પહેલી વખત દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે રાજકીય રસાકસીની સ્થિતિ પેદા થઈ. ઈન્દિરા ગાંધીએ દેશના સૌથી શક્તિશાળી વડાંપ્રધાન બનવાનો માર્ગ પણ આ ચૂંટણી થકી કંડાર્યો હતો.

રાષ્ટ્રપતિનું સ્થાન સંસદમાં સૌથી ઉંચુ છે. દેશમાં કોઈપણ ખરડો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વગર કાયદો બની શકતો નથી. પરંતુ 1969માં પહેલીવાર લાગ્યું કે ભારતનું રાષ્ટ્રપતિ પદ પણ અપનાવાયેલા બ્રિટિશ સંસદીય લોકશાહીના મોડેલમાં સત્તા સંઘર્ષનો ભાગ છે. બરાબર 43 વર્ષ બાદ ફરીથી 13મા રાષ્ટ્રપતિને લઈને દિલ્હીમાં આવો ખેલ થઈ રહ્યો છે. આ એક એવી રમત છે કે જેમા રાષ્ટ્રપતિ પદ જેવા સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમા ઝાંખી પડી રહી છે. પરંતુ રાજનીતિમાં મર્યાદા, સાફ નિયત અને ઈમાનદારીની હંમેશા ગેરહાજરી રહી છે, તેથી લોકશાહીમાં ગૌરવમય પદની થઈ રહેલી મજાક પર દુ:ખ વ્યક્ત કરવા સિવાય હાલ અન્ય વિકલ્પ નથી.

Thursday, June 14, 2012

રાષ્ટ્રપતિ પદનું અવમૂલ્યન કરતું દિલ્હીનું રાજકારણ


-આનંદ શુક્લ
રાષ્ટ્રપતિ પદ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે તેના ઉમેદવારોના નામ જાહેર કરવા સંદર્ભે દિલ્હીમાં ખેલાઈ રહેલું ગંદુ રાજકારણ આઘાતજનક છે. ભૂતકાળમાં એકાદ અપવાદને બાદ કરતા આવી ઘટના ક્યારેય બની નથી કે સર્વોચ્ચ બંધારણીય પદની ઉમેદવારીની ચર્ચા રાજકારણના મેદાનમાં ફૂટબોલ બની જાય. દેશમાં હાલ જે પણ કોઈ સંકટ છે, તે આર્થિક નહીં રાજકીય હોવાનું આ સમગ્ર ઘટનાક્રમ પરથી પ્રતિબિંબિત થઈ રહ્યું છે. યુપીએના ઘટકદળોના પ્રમુખો મમતા અને મુલાયમની રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાતની ઘટનામાં બળવાખોરીથી ગઠબંધનનું રાજકીય દેવાળિયાપણું બંધ બારણેથી શેરીઓમાં આવી ગયું છે. 

કેન્દ્રમાં સત્તામાં રહેલી યુપીએ ગઠબંધન સરકાર વડાપ્રધાન મનમોહન સિંહ અથવા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી નહીં, પરંતુ ઘટકદળો ચલાવી રહ્યા છે. તાજેતરની ઘણી ઘટનાઓ દર્શાવે છે કે યુપીએ સરકાર પાસે ઘટકદળો મનનું ધાર્યું કરાવી રહ્યા છે. 121 કરોડ ભારતીયોનું આનાથી મોટું અપમાન ન થઈ શકે કે દરેક રાજકીય પક્ષ પોતપોતાની તાકાતનો સિક્કો હવામાં ઉછાળીને પરિસ્થિતિને વધુ દયાજનક બનાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ મમતા બેનર્જી સાથેની મુલાકાતમાં કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે પહેલી પસંદ પ્રણવ મુખર્જી અને બીજી પસંદ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ગણાવ્યા છે. તો તેની સામે મમતા-મુલાયમે સહિયારો નિર્ણય લઈને ત્રણ નામો જાહેર કર્યા. જેમાં તેમણે પહેલી પસંદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ, બીજું નામ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને ત્રીજા સ્થાને ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીના નામો રજૂ કર્યા છે. જો કે કોંગ્રેસે મમતા પર મર્યાદાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને મમતા-મુલાયમના નામ હાલ નામંજૂર કર્યા છે. પરંતુ કોંગ્રેસ મમતા-મુલાયમ વગર પોતાની પસંદના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવી શકે તેમ નથી.

મમતા-મુલાયમે રજૂ કરેલા રાષ્ટ્રપતિ પદના ત્રણ ઉમેદવારોના નામમાં પ્રવર્તમાન વડાપ્રધાનનું નામ હોવું દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં એકદમ નીચલા દરજ્જાની  મજાક જેવું છે. આનો એક જ અર્થ થઈ શકે કે યુપીએના ઘટકદળો તૃણમૂલ કોંગ્રેસ અને તેને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહમાં વિશ્વાસ નથી. આ પરિસ્થિતિ દેશ માટે સૌથી વધારે ભયજનક છે. પ્રવર્તમાન નાણાંમંત્રી અને યુપીએ સરકારમાં નબંર ટુ ગણાતા પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારીને મમતા-મુલાયમ દ્વારા નકારાયા બાદ તેમના તરફ પણ અવિશ્વાસનું  વાતાવરણ હોવાનું સ્પષ્ટ બન્યું છે. મનમોહન અને પ્રણવ સામેનો અવિશ્વાસ સીધો યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે છે. સોનિયા ગાંધીની નિર્ણય ક્ષમતા સામે પહેલીવાર યુપીએને ટેકો આપી રહેલા ઘટકદળોમાંથી અવિશ્વાસનો માહોલ બહાર આવ્યો છે.

પ્રતિભા દેવી પાટીલે ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ હવે કોઈપણ છાપ ઉભી કર્યા વગર રાયસીમા હિલ્સ ખાલી પણ કરશે. પરંતુ અત્યારે રાષ્ટ્રપતિ કોણ બનશે તે મુદ્દો નથી રહ્યો. હવે મુદ્દો એ રહી ગયો છે કે કોઈ ઉમેદવાર ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ બનીને આત્મવિશ્વાસ સાથે પદભાર ગ્રહણ કરશે કે કેમ? રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું આટલું રાજનીતિકરણ થઈ જશે, તો તેમની હેસિયત તેમને મળેલા વોટથી નક્કી થશે. રાષ્ટ્રપતિ પદે બેસનારી વ્યક્તિનું આનાથી મોટું અવમૂલ્યન બીજું કોઈ ન હોઈ શકે. આવી પરિસ્થિતિમાં જ્યારે તેમને 2014ની લોકસભાની ચૂંટણી પછી ઉભી થનારી સંભવિત ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં બંધારણીય નિર્ણય કરવાનો વખત આવશે, ત્યારે પણ તેમની સામે રાજકીય આક્ષેપ થશે. આવી પરિસ્થિતિમાં તેમણે બંધારણીય જવાબદારીઓ તલવારની ધાર પર નિભાવવી પડશે.

મમતા-મુલાયમ ઈચ્છત તો તેઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરી શક્યા હોત. પરંતુ મમતાએ પહેલા સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષની પસંદગીના નામ પ્રેસ સામે જાહેર કર્યા અને બાદમાં મુલાયમ સાથે સંયુક્ત સંબોધન કરીને ત્રણ નામ જાહેર કર્યા. છેલ્લા કેટલાંક સમયમાં યુપીએ સરકાર મનમોહન અથવા સોનિયા ગાંધી નહીં, પરંતુ મમતા બેનર્જી ચલાવી રહ્યા છે. આ દેશના રેલવે મંત્રી મમતા બેનર્જી નક્કી કરે છે, દેશમાં રિટેલમાં એફડીઆઈ આવશે કે નહીં તે પણ મમતા નક્કી કરી રહ્યા છે. હવે તેઓ આ દેશના રાષ્ટ્રપતિ પણ નક્કી કરવા માંગે છે. બની શકે કે ભવિષ્યમાં તેઓ લોકસભામાં ઓછી બેઠકો છતાં દેશના વડાપ્રધાન નક્કી કરવાની સ્થિતમાં પણ આવી શકે.

યુપીએ ગઠબંધન સરકાર રાજકારણના દાદાઓ અને દીદીઓથી ચાલી રહી છે. જેના કારણે ઉભી થયેલીનેતૃત્વવિહીન સ્થિતિને કારણે એક મોટા આર્થિક સંકટ તરફ જઈ રહ્યો છે. દેશના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે ગઠબંધનથી ભ્રષ્ટાચાર અને અનિર્ણયની સ્થિતિ  વધી છે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દેશનું આર્થિક રેટિંગ ઘટાડવાની વાત પણ રેટિંગ એજન્સીઓ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આર્થિક સંકટ દરવાજે દેખાઈ રહ્યું છે. અત્યારની પરિસ્થિતિમાંથી નીકળવા માટે સરકારે અનિર્ણયની સ્થિતિમાંથી બહાર આવવું પડશે.

જો કે વડાપ્રધાન મનમોહન સિંહ દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. પરંતુ પ્રણવ મુખર્જીની આ મામલે પ્રતિક્રિયા ઘણી મહત્વની સાબિત થવાની છે, કારણ કે મમતા-મુલાયમે તેમની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારીનો પણ છેદ ઉડાડયો છે. કોંગ્રેસે મમતા-મુલાયમના રાષ્ટ્રપતિ પદના  ઉમેદવારોને નામંજૂર કર્યા છે. તેમણે મમતા બેનર્જી સાથે વાતચીત નહીં કરવાનું મન બનાવી લીધું છે. જો કે મુલાયમ સિંહને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ યુપીએ સરકારે હવે મમતાગીરી સામે પગલા લેવાનો સમય પાકી ગયો છે. પરંતુ હજી કોંગ્રેસને મમતા બેનર્જી સામે કડક વલણ અપનાવતા પહેલા પોતાના રાજકીય સમીકરણો વ્યવસ્થિત કરવાની  દરકાર રહેશે. 

Tuesday, June 12, 2012

લઘુમતી સબક્વોટા: અનામતના રાજકારણે ધરી બદલી


-આનંદ શુક્લ
જાતિ આધારીત અનામતની રાજનીતિ ધાર્મિકતાને આધાર બનાવીને થવા લાગી છે. ગત શિયાળુ સત્રના સમાપનના બીજા દિવસે જ કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરીને ઓબીસીના 27.5 ટકા ક્વોટામાં લઘુમતીઓ માટે 4.5 ટકા સબક્વોટાની જાહેરાત કરી હતી. સૌથી વધારે મુસ્લિમ મતો ધરાવતા યૂપી સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આ નોટિફિકેશનના એક-બે દિવસમાં જ જાહેર થઈ હતી. જેના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના ઈરાદાઓ પર સવાલ ઉઠાવાયા હતા. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમો માટેના 4.5 ટકા સબક્વોટાને રદ્દ કરવાના આદેશ પર તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. આ બે ઘટનાઓથી અનામતના રાજકારણની ઓળખ થોડી સ્પષ્ટ થઈ છે. અનામતની બંધારણીય વ્યવસ્થાઓ અને અનામતનું રાજકારણ બે અલગ બાબતો છે.

ભારતીય બંધારણમાં આઝાદીના દશ વર્ષ સુધી એસસી અને એસટી માટે અનામતની વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી. પરંતુ અનામતની જાતિ આધારીત રાજનીતિ એવી ચાલી કે અલગથી ઓબીસી ક્વોટા ઉભા કરાયા. એસસી અને એસટી સમુદાયમાં નહીં આવનારી જાતિઓને પાછલે બારણેથી અનામતનું ગાજર બતાવીને રાજકીય રોટલા શેકવાની રાજનીતિ ભારતમાં લગભગ બે દશકા જેટલા લાંબા સમય સુધી ચાલી. કમજોરને સશક્ત બનાવવા માટે અનામતની વ્યવસ્થા બેશક હોવી જોઈએ. બંધારણમાંની અનામતની જોગવાઈ કોઈપણ હિસાબે અયોગ્ય નથી. પરંતુ તેના પર થતી રાજનીતિ અને તેના અમલીકરણમાં જરૂર કોઈને કોઈ ખામી છે કે જેના કારણે હકીકતમાં શોષિત, વંચિત અને પીડિત વર્ગને કોઈ મોટો ફાયદો થયો નથી.

2004ની લોકસભા ચૂંટણીથી ધર્મના આધારે અનામતનું રાજકારણ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવ્યું. જેમાં સમાજવાદી પાર્ટી અને બીએસપી સહીતના પ્રાદેશિક પક્ષો પણ જોડાયા. યૂપીની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ધ્યાનમાં રાખીને 9 ટકા અને 18 ટકા અનામત આપવાના વચનો પણ અપાયા. અનામતના લાભાર્થી સમાજના ઉપેક્ષિત વર્ગોને મુખ્યપ્રવાહ સાથે જોડવાના માધ્યમ કરતાં રાજકીય પક્ષો અને સરકારો માટે રાજકીય હિતસાધનાનું સાધન અનામત બની ગયું. ઉપેક્ષિત વર્ગના ઉત્થાન માટે અનામત એક માધ્યમ ત્યારે બની શકે કે જ્યારે આ વર્ગના વ્યક્તિને યોગ્ય અવસર ઉપલબ્ધ કરાવવામાં આવે. તાજેતરમાં સંપન્ન આઈઆઈટીની લગભગ દસ હજાર બેઠકો માટેની પ્રવેશ પરીક્ષમાં પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સાડા ચાર ટકા અનામતથી તેમાં લઘુમતી સમુદાયના 325 બાળકોને જ મુશ્કેલીથી લાભ મળી શક્યો છે.

આવી જ હાલત નોકરીઓમાં છે. આપણે એ ભૂલવું જોઈએ નહીં કે અનામત સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ સુધી જ સીમિત છે. સચ્ચર કમિટી અને રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમોની ગરીબી અને અસુરક્ષાની ભાવના દૂર કરવા માટે અનામત સિવાય આર્થિક મદદ સહીતની અન્ય ભલામણો પણ કરી હતી. જો કે તેના સંદર્ભે કેન્દ્ર સરકાર વધારે વાત કરવા ઈચ્છતી નથી.

મુસ્લિમોને સબક્વોટાના મામલાને સુપ્રીમ કોર્ટે બંધારણીય મર્યાદાના ઉલ્લંઘન તરીકે જોયું છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે આ અનામત ધાર્મિક આધારે આપવામાં આવ્યું છે અને તેની મંજૂરી બંધારણ આપતું નથી. સરકારના દાવા પ્રમાણે તેમણે વ્યાપક સર્વેને આધારે નિર્ણય કર્યો છે. જો કે ભારતના બહુ થોડા લોકો સાધન-સંપન્ન અને ઘણાં લોકો શોષિત, વંચિત તથા ઉપેક્ષિત છે. ત્યારે સરકારને ખાતરી થઈ ગઈ છે કે ઓબીસી સમુદાયના લોકોની સ્થિતિ હવે વધારે સુધરી હોવાથી તેમના અનામતને ઘટાડી શકાય છે? શું કેન્દ્ર સરકાર રાજકીય લાભ ખાટવા બાકીના 22 ટકા ઓબીસી ક્વોટાને વધારે વિભાજિત નહીં કરવાની ગેરેન્ટી આપશે?

Monday, June 11, 2012

મોદી સામેની ટીપ્પણીઓ ફરીથી કોંગ્રેસ માટે ‘મોત કા સોદાગર’ બનશે?


-    આનંદ શુક્લ
ગુજરાત હવે સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયું છે. ભાજપની પ્રદેશ કારોબારીની રાજકોટ ખાતેની બેઠકમાં 2012ની વિધાનસભાની ચૂંટણીઓ જ્વલંત દેખાવ સાથે જીતવાનો પાર્ટીએ નિર્ધાર કર્યો છે. પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના મોદી વિરોધી વલણથી રાજકીય પરિસ્થિતિઓમાં મોટું પરિવર્તન આવશે તેવી ગણતરીઓ થઈ રહી છે. વડાપ્રધાન બનવા માટે થનગનતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશ કારોબારીના સમાપન પ્રસંગે હિંદીમાં આક્રમક ભાષણ કર્યું. તેમણે કોંગ્રેસને ડૂબતી નાવ કહીને વડાપ્રધાન પર આકરા વાકપ્રહારો કર્યા.
કોંગ્રેસે પણ તેના પગલે વળતા શાબ્દિક હુમલા શરૂ કરી દીધા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ મોદીને રાજકીય આતંકવાદી ગણાવીને તેમના પર ગુજરાતની પ્રજાનું વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી નારાયણ સામીએ પણ મોદીને નિશાન બનાવીને કહ્યુ છે કે ગુજરાતમાં જ ઘણું ખોટું થઈ રહ્યું છે, ત્યારે મોદીને કેન્દ્રની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. સામીએ મોદીને કોમવાદી આતંકી ગણાવીને તેમને પહેલા કમ્યુનલ કાર્ડમાંથી બહાર આવવાની સલાહ પણ આપી છે.
આવનારા દિવસોમાં મોદી સામેના કોંગ્રેસી નેતાઓના હુમલા વધુ ઉગ્ર બનશે. ભૂતકાળની ઘટનાઓમાંથી કોંગ્રેસે કોઈ બોધપાઠ લેવાની જરૂર છે. મોદી માટે 2007ની વિધાનસભા ચૂંટણી જેટલી સરળ સ્થિતિ 2012માં દેખાઈ રહી નથી. ગુજરાતના વિરોધ પક્ષ કોંગ્રેસ કરતાં મોદીના પક્ષના વિરોધીઓ અત્યારે વધારે જોરમાં છે, કારણ કે તેમની આગેવાની પાર્ટીના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે લીધી છે. આ વખતે કેશુભાઈ પણ મોદી સામે 2007ની વિધાનસભા ચૂંટણીની જેમ પારોઠના પગલા ભરવા માટે તૈયાર નથી. વળી સંજય જોશીએ પહેલા ભાજપની રાષ્ટ્રીય કારોબારી અને પછી પક્ષની તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપવાની ઘટનાએ પક્ષમાં કેન્દ્રીય સ્તરે પણ મોદી વિરોધી વાતાવરણને હવા આપી છે.
સંજય જોશી પ્રકરણમાં મોદીની ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં નામ લીધા વગર ટીકા કરવામાં આવી છે. મોદીની કાર્યપદ્ધતિ પર પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ ચિંતક દેવેન્દ્ર સ્વરૂપે ટીકા કરી છે. તરુણ ભારતમાં એમ. જી. વૈદ્યે મોદીને સલાહ આપી છે કે વ્યક્તિ નહીં, સંગઠન મહાન છે. આ ઘટનાક્રમો  પરથી લાગી રહ્યું છે કે મોદી હાલ પક્ષમાં જ ઘેરાયેલા છે અને તેમના માટે પરિસ્થિતિ પહેલા જેવી સરળ દેખાતી નથી. તેવા સમયમાં મોદીને રાજકીય આતંકવાદી અથવા કોમવાદી આતંકી કહેવા તેમના ફાયદામાં જઈ શકે છે.
ભૂતકાળની ઘટનાઓ સાક્ષી છે કે મોદીનો વિરોધ મોદીને વધારે મજબૂત બનાવે છે. 2002ની ગોધરાકાંડ બાદની ઘટનાઓ વખતે મોદી પર માછલા ધોવામાં આવ્યા હતા. જો કે ડીસેમ્બર-2002ની ચૂંટણીમાં ગૌરવરથ પર સવાર મોદીને જનતાએ જ્વલંત જીત અપાવી હતી.
2007માં તેમની સામે વિરોધનું  વાતાવરણ જામ્યુ હતુ, ત્યારે દિગ્વિજય સિંહે પહેલા હિંદુ આતંકવાદની વાત કરી અને સોનિયા ગાંધીએ 2002ની ઘટનાઓ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સંદર્ભે મોદીને મોતના સોદાગર ગણાવ્યા હતા. આ ઘટના 2007ની ચૂંટણીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ગુજરાતની જનતાએ ફરીથી મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ મોદી જરૂરથી આવા કોઈ મુદ્દાની તલાશમાં હશે. મોદી સામે 2002ની ઘટનાઓ અથવા તો એન્કાઉન્ટરો સંદર્ભે કરવામાં આવતી આકરી ટીપ્પણીઓ અને નિવેદનો કોંગ્રેસ માટે હંમેશા બૂમરેંગ સાબિત થાય છે.
તાજેતરમાં મોદી સામે શરૂ થયેલી આકરી કોંગ્રેસવાણી ભાન ભૂલશે, તો તેનો સીધો રાજકીય ફાયદો મોદીને થશે. કોંગ્રેસ 2012માં મોદીને ગુજરાત ફરી તાસક પર સજાવીને સોંપી દેશે. મોદી પર 2002ની પૃષ્ઠભૂમિમાં ટીપ્પણીઓ કરીને મોદીને ફાયદો કરવા કરતાં કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. મોદીની 2002ની ઘટનાઓમાં શું ભૂમિકા હતી? તેઓ તેના માટે જવાબદાર હતા કે નહીં ? આ તમામ બાબતોની સંપૂર્ણ તપાસ કરીને કોર્ટ જ કોઈ તાર્કિક અંત પર આવીને નિષ્કર્ષ આપે તે યોગ્ય છે. કાયદાકીય રીતે આવા મામલાનો તાર્કિક અંત આવે નહીં, ત્યાં સુધી તેમને રાજકીય ચર્ચામાંથી બહાર રાખવા જોઈએ.
લોકશાહી વિવિધ વિચારધારાના સહઅસ્તિત્વનું નામ છે. ભારતમાં બંધારણ દ્વારા પ્રસ્થાપિત લોકશાહી છે. ગુજરાતની ગાદી પર 11 વર્ષથી નરેન્દ્ર મોદી લોકતાંત્રિક  રીતે મુખ્યમંત્રી પદે સત્તારૂઢ છે. નરેન્દ્ર મોદી એક જનપ્રતિનિધિ છે. જનપ્રતિનિધિઓ લોકોનું અને તેમની ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે જનપ્રતિનિધિઓની ટીકા કરતી વખતે પ્રજાની ઉપેક્ષા કે અપમાન કરનારી ટીપ્પણીઓ પણ ટાળવી હિતાવહ હોય છે. મોદી હંમેશા પોતાના સંદર્ભે આપવામાં આવેલા નિવેદનોને ગુજરાતની અસ્મિતા સાથે જોડતા આવ્યા છે. ત્યારે કોંગ્રેસે રાજ્યની પ્રજા માટે સંવેદનશીલ બની ચુકેલા મુદ્દાઓ પર ટીપ્પણી કરતી વખતે મોદી રાજકીય લાભ ખાટી જાય નહીં તે માટે વિશેષ સાવધાની રાખવી પડશે.

Friday, June 8, 2012

હવે મોદી ઈઝ બીજેપી, બીજેપી ઈઝ મોદી?


-આનંદ શુક્લ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થક એવા મરાઠી અખબાર તરુણ ભારતે સંજય જોશીને દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા તથા મોદીને અડિયલ ગણાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ કારોબારી વખતે સંજય જોશીને લઈને અપનાવામાં આવેલા વલણની તરુણ ભારત અખબારમાં સંઘના ચિંતક એમ. જી. વૈદ્યે ટીકા કરી છે. તેમણે મોદીના વલણ પર પરોક્ષ ટીપ્પણી કરતા લખ્યુ છે કે વ્યક્તિ નહીં, પણ સંગઠન મોટું છે.

અત્યારે ભાજપની રાજકીય પક્ષ તરીકે એવી પરિસ્થિતિ ઉભી થતી દેખાય રહી છે કે ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ. એક વખતના ભાજપના શક્તિશાળી કેન્દ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીએ યૂપીનું પ્રભારી પદ અને પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે ગડકરીને આગ્રહ કરવો પડયો છે. માનવામાં આવે છે કે સંજય જોશી તેમના પ્રત્યેના નરેન્દ્ર મોદીના કડવા વલણથી છેલ્લા કેટલાંક વખતથી પરેશાન હતા. ગત સપ્ટેમ્બર માસમાં છ વર્ષ નિર્વાસિત રહ્યા બાદ સંજય જોશીને મોદીના વિરોધ છતાં સંઘના આશિર્વાદથી પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ પક્ષમાં ફરીથી સામેલ કર્યા હતા.

સંજય જોશીના ભાજપમાં પુનરાગમનથી સૌથી વધારે નારાજ કોઈ વ્યક્તિ હતી, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. યૂપીના પ્રભારી પદે સંજય જોશીની વરણી બાદ મોદી એટલા નારાજ હતા કે દિલ્હી ખાતેની ભાજપની મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં નવરાત્રિના ઉપવાસનું કારણ આગળ ધરીને સામેલ થયા ન હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સંજય જોશીને કારણે યૂપીના ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેવા માટે ભાજપના વડાપ્રધાન પદના ચાર-પાંચ ઉમેદવારો પૈકીના એક નરેન્દ્ર મોદી અન્ય ચાર રાજ્યોમાં પણ પ્રચાર કરવા ગયા નહીં!

સંજય જોશીને પાર્ટીમાં લેવા માટે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીથી મોદી સખત નારાજ રહ્યા. ભાજપ કદાચ એવી પહેલી પાર્ટી હશે કે જ્યાં પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન પદના સંભવિત ચાર-પાંચ ઉમેદવારોમાંના એક વચ્ચે સતત સાત માસથી વાતચીત થઈ ન હોય! મુંબઈ ખાતેની ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગડકરીને અધ્યક્ષ તરીકે બીજી ટર્મ માટે ચાલુ રાખવા માટે પક્ષના બંધારણમાં સુધારો કરવાનો હતો. તે વખતે અડવાણી, સુષ્મા સ્વરાજ સહીતના નેતાઓની નારાજગીને કારણે નરેન્દ્ર મોદીના ટેકાની ગડકરીને જરૂરિયાત હતી. ગડકરીએ મોદીનો ટેકો મેળવવા માટે રાષ્ટ્રીય કારોબારીના થોડા કલાક પહેલા આપવામાં આવેલું સંજય જોશીનું રાજીનામું સ્વીકારવું પડયું. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપની જન્મજયંતીમાં સામેલ થયેલા મુખ્યમંત્રી મોદીએ પોતાના કટ્ટર રાજકીય હરીફ ગણાતા સંજય જોશીના કારોબારીમાં હાજર રહેવાને પોતાની ગેરહાજરીનું બહાનું બનાવ્યું હતું. સંજય જોશી કારોબારીમાંથી રાજીનામું આપીને યૂપી જવા માટે નીકળ્યા, ત્યાર પછી જ મોદી મુંબઈમાં પ્રવેશ્યા.

જો કે મોદીના કારોબારી આવ્યાના અડધા કલાકમાં અડવાણી, સુષ્મા અને મુરલી મનોહર જોશી સ્થાન છોડી ગયા હતા. બેઠક બાદ યોજાયેલી જાહેરસભામાં પણ આ નેતાઓ હાજર રહ્યા ન હતા. મુંબઈ રાષ્ટ્રીય કારોબારી બાદ અડવાણીએ ગડકરી પર અને ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદી પર પરોક્ષ નિશાન તાક્યા. પેટ્રોલના જંગી ભાવવધારા સામે આપવામાં આવેલા ભારત બંધના એલાનના દિવસે જ અડવાણીએ ગડકરીને નિશાન બનાવીને બ્લોગ લખ્યો. તો ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદીનું નામ લીધા વગર તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાની ઉતાવળ પર કટાક્ષ કર્યો. પ્રભાત ઝાના તંત્રીલેખનો ટોન હતો કે મોદીની વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાની ઉતાવળથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

સંઘના હિંદી મુખપત્ર પાંચજન્યમાં વરિષ્ઠ ચિંતક દેવેન્દ્ર સ્વરૂપે પોતાની કોલમ મંથનમાં મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા. દેવેન્દ્ર સ્વરૂપે ત્યાં સુધી લખ્યુ કે મોદીએ પોતાની કાર્યપદ્ધતિ અને સંગઠન ક્ષમતા સંદર્ભે ફરીથી વિચાર કરવાની જરૂરત છે. બીજી તરફ અમદાવાદ અને નવી દિલ્હી ખાતે રસ્તાઓ પર મોદીનું નામ લીધા વગર તેમની ટીકા કરતા અને જોશીની તરફેણમાં પોસ્ટરો લાગ્યા.

અમદાવાદ ખાતે લાગેલા પોસ્ટરોમાં અટલ બિહારી વાજપેયીની કાવ્યપંક્તિઓ- છોટે મન સે કોઈ ખડા નહીં હોતા, તૂટે મન સે કોઈ ખડા નહીં હોતા, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં છેલ્લે લખવામાં આવ્યું હતું કે કહો દિલ સે સંજય જોશી ફિરસે. તો દિલ્હી ખાતે લાગેલા પોસ્ટરમાં સંજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરવા પર નારાજગી વ્યક્ત કરીને ભાજપની નીતિ પર સવાલ કરવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર સંજય જોશી પ્રકરણ પર મોઢું ખોલતા કહ્યુ છે કે કોઈને પાર્ટી હાઈજેક કરવા દેવામાં આવશે નહીં.

અમદાવાદમાં ફરીથી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે રાજધર્મનું પાલન કરો, પ્રજાનો ધર્મ નિભાવો, પાર્ટી ધર્મને અપનાવો. આ પોસ્ટર યુદ્ધ માટે મોદી જૂથ તરફથી અંદરખાને જોશીના પ્રશંસકો તરફ શંકા કરવામાં આવી છે. જો કે હજી સુધી તેમને આ સંદર્ભે કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેવામાં સંજય જોશીએ રાજીનામું આપીને પોતે પાર્ટી હિતમાં પોતાનું બલિદાન આપી રહ્યા હોવાની  અદાથી શહીદ થઈને ઉભરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે સંજય જોશીના રાજીનામાથી તેમના પ્રશંસકોને આંચકો લાગ્યો છે.

સંજય જોશી ભાજપ છોડી હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરવા પાછા ફરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. જો કે ચૂંટણીના સારા રણનીતિકાર ગણાતા સંજય જોશીના 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી ગેરહાજર રહેવાની અસરોને પણ પાર્ટી હાઈકમાન જરૂરથી તપાસશે.

પરંતુ સમગ્ર પ્રકરણમાં હાલપુરતા નરેન્દ્ર મોદી સૌથી વધારે શક્તિશાળી નેતા તરીકે પાર્ટીમાં ઉભરી આવ્યા છે. જોશીના લિટમસ ટેસ્ટ પછી મોદી પાર્ટીમાં અન્ય રાજકીય વિરોધીઓને કોરાણે મૂકવાની પ્રક્રિયા હાથ ધરશે, કારણ કે જોશી સંઘ અને ગડકરીના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. કેટલાંક લોકો નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિને હિટલર સાથે સરખાવે છે. પરંતુ તેમની કાર્યપદ્ધતિ હિટલર જેવી હોય કે ન હોય, ઈન્દિરા ગાંધી જેવી હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ગુજરાતમાં જે પ્રકારે ભાજપ સંગઠન પર મોદીએ પકડ જમાવી છે અને જે પ્રકારે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થતા પહેલા ભાજપમાં કેન્દ્રીય સ્તરે પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે, તેના પરથી તેઓ ઈન્દિરા ગાંધી જેવો વટ પોતાની પાર્ટી પર પાથરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાગપુરથી ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવનારા સંજય જોશી મુંબઈની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામું આપ્યા બાદ રેલવે માર્ગે રાજ્યમાંથી પસાર પણ થઈ શક્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જોશીને રેલવે માર્ગેના સ્થાને હવાઈ માર્ગે દિલ્હી જવા માટે મોદીના દબાણમાં ફરમાન કરવામાં આવ્યું હતું.


Thursday, June 7, 2012

ધર્મનિરેપક્ષ ભારતની સરકારનું કોમવાદી પગલું!


-આનંદ શુક્લ
સચ્ચર કમિટીની એક મહત્વપૂર્ણ ભલામણ સ્વીકારતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પોલીસ અધિકારી તહેનાત કરવા માટે તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો પાસે જૂનના આખર સુધીમાં સ્થિતિ અહેવાલ રજૂ કરવા માટે જણાવ્યું છે.

9 માર્ચ, 2005માં કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટિસ રાજિન્દર સચ્ચરના અધ્યક્ષ પદે રચાયેલી સચ્ચર કમિટીને દેશના મુસ્લિમ સમુદાયની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સ્થિતિની હકીકતો જાણવાની કામગીરી સોંપવામાં આવી હતી. જસ્ટિસ સચ્ચરે દેશની ત્રણેય સેનાઓ અને ન્યાયતંત્ર સહીત તમામ સ્તરે મુસ્લિમોની ગણતરી કરી હતી. જેના કારણે તે સમયે મોટો વિવાદ થયો હતો. સચ્ચર સમિતિ પહેલા દેશના ન્યાયતંત્ર અને ત્રણેય સૈન્ય પાંખમાં કામ કરનારા વ્યક્તિઓનો વિચાર હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અથવા અન્ય કોઈ ધર્મના અનુયાયી તરીકે થયો ન હતો. જેના કારણે ભાજપ અને સંઘપરિવારે સચ્ચર સમિતિને દેશમાં ભાગલાવાદી પ્રવૃતિઓને વધારનારો ગણાવ્યો હતો. તેમણે કોંગ્રેસની આગેવાની નીચેની યુપીએ સરકાર પર મુસ્લિમ વોટબેંકની રાજનીતિ ખેલવાનો આરોપ લગાવ્યો હતો.

સચ્ચર સમિતિની ભલામણોને આધારે વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના પ્રથમ કાર્યકાળમાં 15 સૂત્રીય કાર્યક્રમની જાહેરાત કરી હતી. તે પ્રસંગે તેમણે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું પણ વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. સચ્ચર સમિતિની ભલામણો યુપીએ સરકાર અલગ-અલગ રસ્તાઓથી ધીમે ધીમે લાગુ કરી રહી છે. યૂપી ઈલેક્શન પહેલા કેન્દ્ર સરકારે લઘુમતીઓ માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. યૂપી ઈલેક્શનમાં પ્રચાર અભિયાન દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શિદે રાજ્યમાં કોંગ્રેસના સત્તામાં આવ્યા બાદ લઘુમતી અનામત 9 ટકા કરવાની જાહેરાત કરી હતી.
લઘુમતી અનામતથી શરૂ થયેલી લઘુમતી વોટબેંકની રાજનીતિ હવે ઘણી આગળ નીકળી રહી છે. મુસ્લિમ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ અધિકારીની તહેનાતી કરવાની કેન્દ્ર સરકારની ભલામણ ખરેખર ભારતના ધર્મનિરપેક્ષ કલેવર માટે મોટી શરમ છે. આઝાદીના 65 વર્ષે પણ ભારતનું સ્વરૂપ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ થઈ શક્યું નથી. આ દેશનું વ્યવસ્થા-તંત્ર ધર્મનિરપેક્ષ થઈ શક્યું નથી. દેશની વ્યવસ્થાને ધર્મનિરપેક્ષ બનાવવાના સ્થાને તેને ચોક્કસ ધર્માંવલંબી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી મુસ્લિમ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ પોલીસ અધિકારીની તહેનાતીની તાકીદનો અર્થ ઘણો ભયાનક છે. આ સમગ્ર બાબત દેશની ધર્મનિરપેક્ષ લોકશાહી માટે જોખમરૂપ છે. આ દેશમાં ધર્મના આધારે હિંદુઓની બહુમતી છે. પરંતુ આજ સુધી કોઈ 100 ટકા હિંદુ વિસ્તારમાં કોઈ મુસ્લિમ અધિકારી ન હોવો જોઈએ તેવી માગણી કરવામાં આવી છે? શું 100 ટકા હિંદુ વિસ્તારોમાં મુસ્લિમ પોલીસ અધિકારીઓ અને કલેક્ટરો તહેનાત કરવામાં આવતા નથી?

ઉદાહરણ તરીકે આવી કોઈ માગણી ઉઠી હોત તો દેશમાં સેક્યુલર કાગડાંઓની કાગારોળ મચી હોત. હિંદુ વિસ્તારમાંથી મુસ્લિમ પોલીસ અધિકારીને  ખસેડવાની માગણીને કોમવાદી ગણવામાં આવી હોત. ત્યારે પ્રશ્ન એ છે કે મુસ્લિમ વિસ્તારમાં ઓછામાં ઓછો એક મુસ્લિમ પોલીસ અધિકારી તહેનાત કરવાની સરકારની તાકીદ કોમવાદી નથી? જ્યારે કોમી રમખાણો કે તેવી અન્ય પરિસ્થિતિ ઉભી થશે ત્યારે આગળ જતાં સરકાર પર સેનાને પણ ધર્મના આધારે તહેનાત કરવાની માગણી પણ કરવામાં આવે તો હવે નવાઈ પામવા જેવું નથી.

સચ્ચર કમિટીની ભલામણોને વ્યાપકતાથી વિચારીએ તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય જેવા બિનહિંદુઓની બહુમતીવાળા રાજ્યોમાં હિંદુ વિસ્તારોમાં ઓછામાં ઓછા એક હિંદુ પોલીસ અધિકારીની તહેનાતી કરવામાં આવશે? કેરળમાં 23 ટકા મુસ્લિમ 21 ટકા ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે, તો આ રાજ્યમાં હિંદુ બહુલ વિસ્તારો માટે પણ કોઈ વિશેષ જોગવાઈ કરવામાં આવશે?

આ દેશનું બંધારણ કોઈ ધર્મનો વિરોધ કે કોઈ ધર્મની તરફેણ કરતું નથી. આ દેશે બંધારણ દ્વારા પોતાનો કોઈ ધર્મ નહીં હોવાનું જાહેર કર્યું છે. તો આઝાદીના 65 વર્ષે આ દેશમાં વ્યવસ્થાનું તંત્ર ધર્મથી પર થઈને કામ કરે તેવું કેમ થઈ શક્યું નથી? ધર્મનિરપેક્ષ બંધારણની નીચે હંમેશા દેશમાં ધર્મનું વોટબેંક પોલિટિક્સ ખેલાયું છે. કોઈ પક્ષે લઘુમતી સમુદાયોના નામે રાજકારણ ખેલ્યું, તો કોઈ પક્ષે બહુમતી સમુદાયના નામે. તેમાં પણ 1984ના દિલ્હીના શીખ વિરોધી રમખાણો, 1989ના ભાગલપુરના હુલ્લડો, 1992 અને 2002ના કોમી હૂતાસણોમાં બનેલી ઘટનાઓ આપણને અવશ્ય વિચારતા કરી શકે કે જેમને રાજધર્મ નિભાવવાનો હતો, તેઓ તેમાં નિષ્ફળ ગયા છે.

શાસકની પહેલી ફરજ છે પોતાની તાબેદારી હેઠળના તમામ લોકોને કોઈપણ ભોગે સુરક્ષા ઉપલબ્ધ કરાવે. પરંતુ કેટલાંક કિસ્સાઓમાં એવું માનવાને કારણ છે કે વ્યવસ્થા-તંત્રના કેટલાંક લોકોએ ધર્મના આધારે પક્ષપાત કર્યો હોય તેવી શક્યતા રહેલી છે. પરંતુ તેના કારણે ધર્મનિરપેક્ષ વ્યવસ્થાતંત્રમાં જે લોકો પોતાની ફરજની બજવણી પૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છે, તેમની નિષ્ઠા પર કેન્દ્ર સરકાર શા માટે શંકા પેદા કરી રહી છે? તેના કરતા તો એ કરવું સારું હોત કે વ્યવસ્થાતંત્રમાં કામ કરનારા જે લોકોએ પોતાની ફરજની યોગ્ય બજવણી કરી નથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 

Wednesday, June 6, 2012

ગરીબો પ્રત્યેની સંવેદનશીલતાનું મૂલ્ય આયોજન ભવનના ‘ટોઈલેટ્સ’ કરતાં પણ ઓછું!


-આનંદ શુક્લ
ભારતમાં બહુમતી કોની? આ પ્રશ્નનો જવાબ ધર્મના આધારે આપવો હોય તો  હિંદુ હોઈ શકે. પરંતુ આ દેશમાં રહેતા નાગરીકોની વરવી પરિસ્થિતિ જોઈએ, તો જવાબ અલગ હોઈ શકે. આ દેશમાં બહુમતી ખરેખર તો ગરીબોની જ છે. જો કે કેન્દ્ર સરકારના આયોજન પંચના માપદંડો પ્રમાણે ગરીબોની સંખ્યા 30 ટકા નીચે છે. પરંતુ આ ગરીબી રેખાના માપદંડોનો આધાર કેલરીનો ઉપયોગ અથવા દરરોજની કમાણીને બનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર પોતાની કામગીરીની સફળતા દર્શવાવા માટે ગરીબોની સંખ્યા ઘટતી હોવાનું બતાવવા માંગે છે અને તેથી જ આ માપદંડોમાં ફેરફારો કરતી રહેતી હોય છે.
આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ શહેરી વિસ્તારમાં 32 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 26 રૂપિયા પ્રતિદિનની કમાણી કરનાર વ્યક્તિને ગરીબ ગણ્યો નથી. ગરીબી રેખાના યોજના પંચના પ્રતિદિન ખર્ચ કરવાના માપદંડની સુપ્રીમ કોર્ટ સહીત દેશના મોટાભાગના રાજકીય પક્ષોએ ટીકાઓ કરી હતી. તેન્ડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે, દેશમાં 42 ટકા ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે.
હકીકત એ પણ છે કે ગરીબી રેખાની નીચે નહીં, પણ તેની આસપાસ રહેનારા લોકોનું જીવન પણ કોઈ સમ્માનજનક સ્થિતિમાં હોતું નથી. કેલોરીનો ઉપયોગ અથવા કમાણીને ગરીબી રેખા હેઠળ માપદંડ બનાવવાના સ્થાને વ્યક્તિને સમ્માનજનક જીવન જીવવા માટે જરૂરી આવકને માપદંડ બનાવવામાં આવે, તો ભારતમાં ગરીબોની સંખ્યા ખાસ્સી વધી જાય.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ છે કે ગરીબી રેખાનો માપદંડ નક્કી કરતી વખતે વ્યક્તિના સમ્માનજનક જીવન જીવવાના માપદંડને ધ્યાનમાં રાખવો જોઈએ. દરરોજની કમાણી અથવા કેલોરી ઉપયોગના આધારે ગરીબી રેખાના માપદંડ યોગ્ય નથી.
નીતિશ કુમારે ગરીબી રેખા સંદર્ભે કરેલી વાતમાં દમ છે, કારણ કે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ હાલ ખોટી સાબિત થઈ રહી છે. ફૂગાવો અને મોંઘવારી આસમાને છે, વ્યક્તિને જીવનજરૂરિયાતની વસ્તુઓ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકતી નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ-21 પ્રમાણે ભારતમાં રહેનારા દરેક વ્યક્તિને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે અને ભારતમાં રહેતા કોઈપણ વ્યક્તિની બદતર જીંદગી બંધારણમાં આપવામાં આવેલા આ હકનું ઉલ્લંઘન છે.
પરંતુ ભારતનું આયોજન પંચ દેશમાં રહેનારા દરેક વ્યક્તિને સમ્માનજનક જીવન ઉપલબ્ધ કરાવવાની યોજનાઓમાં ધ્યાન ઓછું આપી રહ્યું હોય તેમ લાગે છે. તેમનો મોટાભાગનો સમય ગરીબી રેખાના માપદંડોનો પુનર્વિચાર કરીને દેશમાં રહેલા ગરીબોની સંખ્યા છુપાવવામાં જ જાય છે. સરકાર બજારલક્ષી આર્થિક નીતિ તરફ આગળ વધી રહી છે. જેમાં તેમના માટે ગરીબો માટેની સબસિડી ભારરૂપ છે. આ સબસિડી ઓછી કરવા માટે તેમને દેશના ગરીબોની સંખ્યામાં ઘટાડો દર્શાવવો પડે છે. ગરીબોની સંખ્યા ઓછી દેખાય તો જ જે-તે સરકારની કામગીરી સારી પુરવાર થઈ શકે તેમ છે. બાકી આજે સારી કંપનીના મિનરલ વોટરની કિંમત 15થી 20 રૂપિયા વચ્ચે છે. ત્યારે રોજના  32 રૂપિયા જ ખર્ચ કરી શકનારો વ્યક્તિ ગરીબ કેવી રીતે ન ગણવો જોઈએ?

માહિતી અધિકાર (રાઈટ ટુ ઈન્ફર્મેશન-આરટીઆઈ) હેઠળની અરજીથી માલૂમ થયું છે કે આયોજન પંચના ભવનમાં તાજેતરમાં ટોઈલેટોનું સમારકામ કરાવવામાં આવ્યું. જેની પાછળ 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. ત્યાર બાદ આયોજન પંચના 60 અધિકારીઓ સુધી ટોઈલેટોનો ઉપયોગ નિયંત્રિત કરવા માટે લગાડવામાં આવેલી ડોર એક્સેસ કંટ્રોલ સિસ્ટમ માટે 5.19 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. યોજના પંચના અધિકારીઓ માટેની શૌચાલય જેવી વ્યવસ્થાનું સ્તર એટલું ઉંચુ છે કે દેશના ગરીબોને ગરીબ હોવા પર આપોઆપ લઘુતાગ્રંથિ બંધાય જાય છે.
દેશમાં ગરીબ કોણ તે નક્કી કરનારા આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયા સંદર્ભેની આરટીઆઈમાં માલૂમ પડયું છે કે મે અને ઓક્ટોબર-2011 વચ્ચે તેમની વિદેશ યાત્રા દરમિયાન રોજના 2.02 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
એક અન્ય રિપોર્ટમાં  કહેવામાં આવ્યું હતું કે જૂન-2004થી જાન્યુઆરી-2011 વચ્ચે તેમણે 42 વિદેશ યાત્રાઓ  કરી છે. 274 દિવસના પ્રવાસનો ખર્ચ 2.34 કરોડ રૂપિયા આવ્યો છે. જો કે આહલુવાલિયાનુ કહેવુ છે કે અધિકૃત ફરજ અદા કરવા માટે વિદેશ યાત્રા  ફરજિયાત છે.
સાદું જીવન અને ઉચ્ચ વિચાર આપણા દેશના મહાન નેતાઓની જીવનશૈલીના ભાગ હતા. પરંતુ હાલ સરકારી તંત્રમાંથી સાદું જીવન ગાયબ છે અને ઉચ્ચ વિચારના પરિણામ દેશ ભોગવી જ રહ્યો છે. 

Tuesday, June 5, 2012

મોદી અને જોશીની રાજકીય ટક્કરથી ‘અંગત’ દુશ્મનીના મૂળિયા ઘણાં ઉંડા


-આનંદ શુક્લ

ગુજરાત ભાજપમાં ચાલી રહેલી હાલની અને ભૂતકાળની ડખાડખી પાછળ નરેન્દ્ર મોદી અને સંજય જોશીના અહમની ટક્કર કારણભૂત છે. ભૂતકાળમાં મિત્રતા સાથે રાજકારણમાં મોદી અને જોશીએ ડગ માંડયા હતા. પરંતુ 1989થી 1995 વચ્ચેના ગાળામાં ગુજરાતના બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં બંનેની મિત્રતામાં પહેલા કડવાશભરી ટક્કર અને પછી અગંત દુશ્મનીના નવા અધ્યાય જોડાવા લાગ્યા. કેશુભાઈ પટેલ જ્યારે પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદી સુપરસીએમની ભૂમિકામાં ધીમેધીમે દેખાવા લાગ્યા હતા. જેના કારણે કેશુભાઈ પટેલ અને ભાજપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા વચ્ચે ખટાશ પેદા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપના મૂળિયા ઉંડે સુધી નાખવા માટે કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાએ સાથે મળીને ગામડાં ખૂંદયા હતા.
ખજૂરિયા-હજૂરિયા કાંડ અને શંકરસિંહ વાઘેલાના બળવા પછી રચાયેલી રાજપાની ગુજરાતમાં સરકાર આવી. શંકરસિંહ વાઘેલા ભાજપ હાઈકમાનથી એટલા નારાજ હતા કે તેમણે અમદાવાદમાં ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સામે જાહેરમાં કારણ બતાવો અરજીના લીરેલીરે ઉડાડતા કહ્યુ હતુ કે ઈ હાઈકમાન કે જેની હાઈ પણ નથી અને જેનો કમાન પણ નથી. શંકરસિંહ વાઘેલાનો રોષ કેશુભાઈ કરતા તે વખતે સુપરસીએમ તરીકે વર્તનારા નરેન્દ્ર મોદી તરફ હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. બળવાની ઘટના બાદ તુરંત ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાંથી તડીપાર કરીને હિમાચલ પ્રદેશ મોકલી દીધા. 1995થી ઓક્ટોબર-2001 સુધી નરેન્દ્ર મોદીને ગુજરાતના રાજકીય પરિદ્રશ્યથી દૂર રાખવામાં આવ્યા.
આ સમયગાળા દરમિયાન સંજય જોશીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભાજપના સંગઠન પર સંજય જોશીએ ધીમેધીમે કરીને સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પરિસ્થિતિ એવી હતી કે ગુજરાતમાંથી દેશવટો અપાયેલા નરેન્દ્ર મોદી રાજ્યમાં આવતા તો તેમની ભાજપના સંગઠનમાંથી તેમના અતિવિશ્વાસુ વ્યક્તિઓ સિવાય કોઈ નોંધ પણ લેતુ ન હતું. તે સમયગાળા દરમિયાન સંઘ પરિવારના તમામ મંચ પરથી નરેન્દ્ર મોદી ગાયબ રહ્યા. અમદાવાદમાં આવે તો પોતાના દ્વારા ઉભા કરાયેલા શૈક્ષણિક સંકુલ સંસ્કારધામમાં જ રહીને મોદી પાછા અન્ય સ્થળે ચાલ્યા જતા. 1998માંભાજપની  જીત બાદ કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્યપ્રધાન બન્યા ત્યારે મોદીએ ગુજરાતમાં પુનરાગમનની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સંજય જોશીએ મોદીના ગુજરાતમાં પુનરાગમનનો વિરોધ કર્યો હતો. આથી નરેન્દ્ર મોદીને પોતાની થઈ રહેલી ઉપેક્ષા માટે તે વખતે સંજય જોશી જવાબદાર લાગ્યા હતા. ભાજપના પ્રદેશ સંગઠન પર પોતાનું ઓછું થઈ રહેલું નિયંત્રણ મોદીને અકળાવી રહ્યું હતું. વળી સંઘપરિવારમાં પણ મોદીને રાજ્યમાં સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમો માટે મોદી સંજય જોશીને જવાબદાર ગણવા લાગ્યા હતા.
જો કે ભૂકંપ બાદ મંથર રાહત અને પુનર્વસન કામ તથા પેટાચૂંટણીઓમાં થયેલી હારને કારણે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે અસંતોષ વધવા લાગ્યો હતો. ભાજપ, આરએસએસ અને વીએચપીના મોદી તરફી જૂથોએ ત્યારે અમદાવાદ આવેલા સંઘના  તત્કાલિન સરકાર્યવાહ એચ. વી. શેષાદ્રિને કેશુભાઈ પટેલ સરકાર વિરુદ્ધ રજૂઆતો કરી. તેમણે શેષાદ્રિ સામે નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત પણ કરી. જેના પરિણામે ઓક્ટોબર-2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદીની નિમણૂક સંઘના સીધા દોરીસંચાર નીચે કરવામાં આવી. કેશુભાઈ  પટેલે મુખ્યમંત્રી પદેથી હટતી વખતે કહ્યુ પણ ખરું કે મારો શું વાંક?

મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરતી વખતે નરેન્દ્ર મોદીએ ત્યાં હાજર ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાના આશિર્વાદ લીધા તથા તેમના માર્ગદર્શન નીચે કામ કરવાની વાત જાહેરમાં  કહી હતી. પરંતુ અહીંથી નરેન્દ્ર મોદી અને સંજય જોશીના સમીકરણો બદલાવા લાગ્યા. સંજય જોશીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી પદેથી પ્રમોશન આપીને કેન્દ્રીય સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા. ગુજરાતમાંથી સંજય જોશીના દૂર થયા બાદ મોદીએ સંગઠનમાં પોતાના માનીતા લોકોને ગોઠવવાની રાજકીય ચાલો શરૂ કરી દીધી. જેના પરિણામે 2004 સુધીમાં ભાજપના સંગઠન અને સરકારમાં અસંતોષનો પવન જોરશોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ 2002ની ઘટનાઓ બાદ મોદીનો સિતારો તેમની આગવી રાજનીતિને કારણે બુલંદ પર હતો. પ્રજામાં મોદીની ઈમેજ ખૂબ હિંદુહ્રદય સમ્રાટની બની ચુકી હતી. મોદીની લોકપ્રિયતાને કોઈ ટપી શકે તેવી સ્થિતિમાં હતું નહીં. જો કે અસંતુષ્ટોની કામગીરીના પરિણામે 2004ની લોકસભાની ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતા છતાં ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.
2004ની લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અસંતુષ્ટો દ્વારા કરવામાં આવેલી કામગીરીને પરિણામે મોદીએ તેમને સંગઠન અને સરકારમાંથી દૂર કરવાનો તખ્તો ગોઠવી નાખ્યો હતો. ત્યાર બાદ તેમણે એક-એક કરીને આ અસંતુષ્ટોને દૂર કર્યા. જેમાં ધારાસભ્ય રમીલા દેસાઈથી માંડીને ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાનો સમાવેશ થાય છે. 2007ની  વિધાનસભા ચૂંટણી આવતા ફરીથી અસંતુષ્ટોએ જૂથબંધી આકરી કરી. પટેલ સંમેલનો બોલાવાયા. મોદીને ચૂંટણીમાં નુકસાન થાય તેવો તખ્તો ઘડાયો અને તેમના વિરુદ્ધ ગુપ્ત પત્રિકાઓ પણ ફરવા લાગી.
મોદી સામેના અસંતુષ્ટોના યુદ્ધમાં પણ સંજય જોશીની ભૂમિકા હોવા સંદર્ભે શંકા સેવવા લાગી હતી. જેના પરિણામે નરેન્દ્ર મોદી સંજય જોશી માટે વધારે આકરેપાણીએ હતા. આ સમગ્ર ઘટનાઓ દરમિયાન કેન્દ્રીય સ્તરે એક ઘણી સૂચક ઘટના બની. ભાજપના તત્કાલિન કેન્દ્રીય મહામંત્રી સંજય જોશીએ તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીનું રાજીનામું માંગી લીધું. અડવાણીની  પાકિસ્તાનથી મોકલવામાં આવેલી પ્રેસનોટને સંજય જોશીએ પ્રસારીત પણ થવા દીધી નહીં. મામલો એવો હતો કે પાકિસ્તાનમાં કટાસરાજ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ગયેલા ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ત્રણ ભૂલો કરી હતી. પહેલી તો તેમણે પાકિસ્તાન બનવા માટે જવાબદાર ગણાતા તેના સંસ્થાપક મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા. બીજું, તેમણે પાકિસ્તાનમાં ઝીણાની મજાર પર માથું ટેકવીને ચાદર ચઢાવી. ત્રીજું, તેમણે પાકિસ્તાનની ધરતી પર બાબરી ધ્વંસની ઘટનાના દિવસ 6 ડીસેમ્બર, 1992ને પોતાના જીવનનો સૌથી વધારે દુ:ખદ દિવસ ગણાવ્યો.
જેના પરિણામે સંઘપરિવારમાં કથિત કટ્ટરવાદીઓમાં સળવળાટ થયો. વીએચપીએ અડવાણી સામે ખૂબ કડક વલણ અખત્યાર કર્યું. વીએચપીના તત્કાલિન આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ અડવાણીને લાલમહંમદ અડવાણી પણ કહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે અડવાણી  નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ ગણાય છે. 2002ની ગોધરાકાંડ પછીની ઘટનાઓમાં ગોવા ખાતેની ભાજપની બેઠકમાં મોદીના રાજીનામાનો તખ્તો ઘડાય ચૂક્યો હતો. પરંતુ અડવાણીએ મોદીને બચાવ્યા હોવાની વાત હવે જગજાહેર છે. ત્યારે સંજય જોશીના અડવાણીનું રાજીનામું લેવાની ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના તરફ વધારે નારાજ થયા હતા. તેવામાં મુંબઈ ખાતે રાષ્ટ્રીય કારોબારી વખતે જ સંજય જોશીની કથિત સેક્સ સીડી જાહેર થઈ હતી. જેના પરિણામે સંજય જોશીને પ્રચારક પદેથી અને ભાજપની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા. જો કે પાછળથી સીડી નકલી પુરવાર થતાં જોશીને ફરીથી ભાજપમાં લેવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર સીડી પ્રકરણ બાબતે જોશીના જૂથ તરફથી સીધી મોદી તરફ આંગળી ચિંધાઈ હતી. જો કે આ  સંદર્ભે વધારે કોઈ વાત સામે આવી શકી નથી.
પરંતુ મામલો વધારે ગરમ ત્યારે બન્યો કે જ્યારે સંજય જોશી અને ઉમા ભારતીને ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ફરીથી પાર્ટીમાં સામેલ કરીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનો પ્રભાર સોંપ્યો. સંજય જોશીના ભાજપમાં પુન:પ્રવેશથી મોદી નારાજ થયા હોવાની ચર્ચા પુરજોરમાં ચાલી. જોશીના પુનરાગમન પછી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં નવરાત્રિના ઉપવાસમાં બહાર નહીં નીકળતા હોવાના બહાના નીચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગેરહાજર રહ્યા. નરેન્દ્ર મોદી આમ તો ભાજપના ચાર-પાંચ વડાપ્રધાન પદના ઉમેદવારોમાંના એક છે. તેમની લોકપ્રિયતા હાલ ભાજપના અન્ય તમામ નેતાઓ કરતા સૌથી વધારે છે. તેમ છતાં યૂપીના ચૂંટણી પ્રભારી સંજય જોશી સામેની નારાજગીને કારણે તેમણે યૂપીમાં પ્રચાર અભિયાન ટાળવા માટે અન્ય રાજ્યોમાં જવાનું પણ ટાળ્યુ હતુ.
ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સાથે પણ સંજય જોશીને કારણે મોદીના સંબંધો તંગ બન્યા હતા. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારોમાંના એક નરેન્દ્ર મોદી વચ્ચે સાત માસ સુધી કોઈ વાતચીત થઈ ન હતી! જો કે મુંબઈ ખાતે તાજેતરમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મોદી હાજર રહેશે કે નહીં તેના સંદર્ભે પહેલેથી જ ચર્ચાઓ ચાલી હતી. પરંતુ જ્યારે રાષ્ટ્રીય કારોબારીના થોડા કલાક પહેલા સંજય જોશીએ કારોબારીમાંથી રાજીનામું આપ્યું, ત્યારે સમગ્ર મામલો લોકો સામે આવ્યો. મોદીએ કારોબારીમાં હાજર રહેવા માટે જોશીનું રાજીનામું લઈ લેવાની શરત કરી હતી. કહેવામાં આવે છે કે મોદીએ જોશી હાજર રહેશે, ત્યાં સુધી કારોબારીમાં આવવાનો નનૈયો ભણ્યો હતો. જોશીના કારોબારીમાંથી યૂપી જવાની ગડકરી દ્વારા જાહેરાત થઈ, ત્યાર બાદ જ મોદી રાજસ્થાનથી મુંબઈ ખાતે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા.
મોદી અને જોશીનો અહીં સમાપ્ત થતો નથી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કેશુભાઈના નેતૃત્વમાં અસંતુષ્ટો જૂથબંધી કરી રહ્યા છે, ત્યારે પોસ્ટર સ્વરૂપે યુદ્ધ ગુજરાતની ગલીઓમાં પહોંચી રહ્યું છે. ગુજરાતના ભાજપ કાર્યાલય અને અમદાવાદના ઘણાં સ્થાનો પર કોઈ અજ્ઞાત લોકો દ્વારા સંજય જોશીની તરફેણમાં અને મોદીની વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કાવ્યપંક્તિ છોટ મન સે કોઈ બડા નહીં હોતા, તૂટે મન  સે કોઈ ખડા નહીં હોતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે કહો દિલ સે, સંજય જોશી ફિર સે.

તો દિલ્હીમાં અડવાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓના ઘરની આસપાસ- ભાજપા કી ક્યાં મજબૂરી, નહીં ચલેગી યે દાદાગીરી. એક નેતા કો ખુશ કરે, દૂસરે  કા ઈસ્તીફા માંગે. ક્યાં યહી ભાજપા કી નીતિ? લખેલા હોર્ડિંગો લગાવી દેવામાં  આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજય જોશીના રાજીનામા બાદ ભાજપ અને સંઘપરિવારમાં પણ મોદી મુદ્દે તિરાડ સ્પષ્ટ દેખાય રહી છે. ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ મોદીનું નામ લીધા વગર તંત્રીલેખમાં તેમની ટીકા કરી હતી. તો આરએસએસના મુખપત્ર પાંચજન્યની મંથન કોલમમાં સંઘના  પ્રતિષ્ઠિત વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની ટીકા કરી છે. જો કે સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં રાજકીય વિશ્લેષક નરસિંમ્હાએ મોદીની  પ્રશંસા કરી છે.
ત્યારે સંજય જોશીના રાજીનામાની આગ ગુજરાતથી લઈને ભાજપમાં કેન્દ્ર સુધી લાગી ગઈ છે. ઘટનાક્રમો પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપની કેન્દ્રીય નેતાગીરીની  સંજય જોશી તરફ સિમ્પથી છે. તો ગુજરાતમાં પણ ભાજપની અંદર મોદી સામે પડેલા સંજય જોશી જૂથના નેતાઓ અને કાર્યકર્તાઓ ફરીથી સક્રિય થઈ રહ્યા છે. જો કે સંજય જોશીએ હોર્ડિંગ મામલે  પોતાની સામેલગીરીનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તો ભાજપે આ હોર્ડિંગ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે જોશીના રાજીનામા બાદ ગુજરાતની ગલીઓમાં શરૂ થયેલું હોર્ડિંગ યુદ્ધ ક્યાં સુધી પહોંચે છે?