Saturday, June 19, 2010

દક્ષિણ એશિયામાં અમેરીકાનું સામરીક ગણિત!

દક્ષિણ એશિયામાં અમેરીકા પોતાના સામરીક ગણિતને આધારે કામ કરી રહ્યું છે. તેના માટે ભારત અને પાકિસ્તાન તેના સામરીક કોયડાનો ઉકેલ મેળવવાની બે બાજુઓ છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ધમપછાડા કરી રહ્યું છે. તેના માટે તે પોતાના સામરીક ગણિતના આધારે ભારત અને પાકિસ્તાન પાસે કામ લઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ થનારી વાતચીત અને વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણાના પાકિસ્તાન પ્રવાસ પાછળ પણ અમેરીકી પ્રભાવ કામ કરતો હોવાની વાત નકારી શકાય તેમ નથી.

અમેરીકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી. જે. ક્રાઉલેએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની ભાગીદારી છે અને તેની સાથે તેનું હિત જોડાયેલું છે. યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે અમેરીકા ભારત સાથે સહયોગ વધારવા માટે ઈચ્છુક છે. ગત સપ્તાહે અમેરીકા અને ભારત વચ્ચેની સામરીક વાતચીત વખતે પણ અફઘાનિસ્તાનનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સાથે અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત અને પાકિસ્તાનની ઈચ્છા હોય તો અમેરીકા તેમની વચ્ચે ‘ઈન્ટરલોક્યુટર’ એટેલે કે ‘વાર્તાકાર’ બનવા માટે પણ તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપ્રક્રિયા શરૂ થઈ રહી છે. અમેરીકી યાત્રા પરથી પાછા ફરી રહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. ભારત અને અમેરીકા વચ્ચેની સામરીક ચર્ચામાં અફઘાનિસ્તાન અને કાશ્મીરના મુદ્દા ઉઠવા સ્વાભાવિક હતા અને તે ઘણાં સૂચક પણ છે.
અમેરીકાની સામરીક નીતિ ઘણી જટિલ છે. તેને સમજવી ઘણી અઘરી છે. ઓબામાએ સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરીકી સેનાઓની વાપસી માટે 2011ની ‘ડેડ લાઈન’ ઘોષિત કરી છે. તેમણે તેના માટે જમીન પર અને સામરીક રીતે પ્રયત્નો પણ આદર્યા છે. અમેરીકાને અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ભારત અને અમેરીકા બંનેની જરૂર છે. ભૌગોલિક સ્થિતિને કારણે પાકિસ્તાન અમેરીકાને અફઘાનિસ્તાનના હાલના મિશનો પૂરા કરવા માટે મદદરૂપ થઈ શકે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા પછી ‘દૂધના રખોપા બિલાડીને સોંપાય તેમ નથી’. એટલે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટો દોર આપી શકાય તેમ નથી. જો અમેરીકાની વાપસી બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટોદોર મળશે તો તે તાલિબાનો માટે ઘણી સારી અને વ્યાપક તકો ઉભી કરશે. આમ ન થાય તે માટે અમેરીકાને ભારતની મદદની જરૂર છે. ભારત અફઘાનિસ્તાનમાં વિકાસના કામોમાં લાગેલું છે. ભારત દ્વારા માળખાગત સુવિધા અને અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર સુદ્રઢ કરવામાં મદદ મળે, તો પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનમાં વઘારે હસ્તક્ષેપને અવકાશ રહેતો નથી.

અમેરીકાની હાલની પ્રાથમિકતા 2011 સુધીમાં તાલિબાનો સામેના મિશનોને સમાપ્ત કરવાની છે. તેમા તેને લાગે છે કે પાકિસ્તાનની મદદની જરૂર છે. પરંતુ પાકિસ્તાન ભારતનો ભય દેખાડીને પોતાનું મહત્તમ ધ્યાન અને સેના ભારતની સરહદે રાખી રહ્યું છે. તેઓ અમેરીકાની સામરીક જરૂરિયાતો સમજીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે દબાણ કરી રહ્યાં છે. અમેરીકા પણ તેના આધારે ભારત પર પાકિસ્તાન સાથે કાશ્મીર સહીતના તમામ મુદ્દાઓ ઉકેલવા માટે શાંતિવાર્તા કરવા માટે પ્રભાવના દબાણનો ઉપયોગ કરી રહ્યું છે. તેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દોર ફરી ચાલુ થઈ રહ્યો છે. પણ એક વખત પાકિસ્તાન સંદર્ભે નીતિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે રોનાલ્ડ રેગનની એક ઉક્તિનો ઉપયોગ કર્યો હતો કે ‘ભરોસા પછી પુષ્ટિ કરો’. પણ અહીં તો ભારત અમેરીકાના પ્રભાવમાં મુંબઈ જેવા ભીષણ આતંકવાદી હુમલા બાદ પણ ભરોસો અને માત્ર ભરોસો કરવાની જ નીતિ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સચિવ સ્તરની વાતચીતના એક દિવસ પહેલા જ પુણેની જર્મન બેકરીમાં પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ઈન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કરે તોઈબાના નેટવર્કથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 17 લોકાના જીવ ગયા હતા. ત્યારે ભારતને પાકિસ્તાન પર ભરોસા બાદ કેવી પુષ્ટિ મળે છે? તે તો આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ બને છે.

ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો ઉઠે તેનો સીધો સંબંધ અમેરીકાના અફઘાનિસ્તાનના સામરીક હિતો સાથે છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માગે છે. તેના માટે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદના તાલિબાનના પ્રભાવવાળા ક્ષેત્રોની નાકાબંધી કરે તેમાં એમેરીકાને વિશેષ રસ છે. પણ પાકિસ્તાન ભારતનો ભય બતાવીને અમેરીકાને `બ્લેક મેઈલ` કરી રહ્યું છે. જેના કારણે અમેરીકાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરાવીને ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો પણ સામેલ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. વળી પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની ઉપસ્થિતિ પણ પસંદ નથી. તેના કારણે પાકિસ્તાને શર્મ-અલ-શેખમાં ભારત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવતું હોવાની વાત કરી ચુક્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ચર્ચા થાય છે, ત્યારે પાકિસ્તાન તેમા બલુચિસ્તાનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનારી તાજેતરની વાતચીતમાં કાશ્મીર સહીતના મહત્વના મુદ્દા બાજુ રાખવાની વાત ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ તૈયાર કરવા તરફ હોય તેમ જણાવાય છે. આ વિશ્વાસપૂર્ણ વાતાવરણ સ્થપાયા બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે, તે પ્રકારનું એક નિવેદન કે સ્પષ્ટતા ભારતે વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાના અમેરીકા પ્રવાસ બાદ અને તેમના પાકિસ્તાન પ્રવાસ પહેલા કરી છે.

દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક વિચારધારાએ પોતાના સામ્રજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા. જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી. દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા.

પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં હતા. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું. કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના રેલાએ જ્યારે અમેરીકાને પલાળ્યું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે તેની કોઈ આધિકારીક ઘોષણા થઈ ન હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું. તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો ઉપયોગ રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા. ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી. તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે. એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અમેરિકાને ભારત ચીન સાથે દ્રઢ વલણ અપનાવે તે પસંદ છે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કડક વલણ ન અપનાવે તેના માટે પ્રયત્નો કરે છે. જ્યારે પાકિસ્તાન ભારત સામે આક્રમક હરકતો કરે તેનો અમેરીકાને ખાસ કોઈ વાંધો હોતો નથી, તો પાકિસ્તાનના ચીન તરફી ઝુકાવની પણ અમેરીકાની સામરીક ગણતરીમાં કોઈ મોટી કિંમત નથી. ત્યારે કોલ્ડ વોરની સમાપ્તિ પછી અને સોવિયત રશિયાના વિઘટન બાદ વૈશ્વિક પરિદ્રશ્ય સાથે દક્ષિણ એશિયાની સામરીક પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો છે. હાલના રશિયાનો વૈશ્વિક પ્રભાવ ઓગળી ગયો છે. ત્યારે ભારતના રાજકારણીઓએ અમેરીકાની નજીક પહોંચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરંતુ અમેરીકા હજી પણ ભારતને પાકિસ્તાન જેટલું મજબૂત સહયોગી ગણતું નથી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણાની યાત્રા અમેરીકા સાથેની પહેલી સામરીક વાટાઘાટો છે. ત્યારે પી. વી. નરસિંહરાવના સમયથી શરૂ થયેલી અમેરીકાની નજીક જવાની નીતિથી અમેરીકાને ભારત પાકિસ્તાનની સરખામણીએ ખાસ પ્રભાવિત કરી શક્યું નથી.

અમેરીકા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દાનો ઉપયોગ દક્ષિણ એશિયામાં પોતાના સામરીક ગણિતના કોયડાનો તાળો મેળવવા માટે પાકિસ્તાન તરફે કરી રહ્યું હોવાની છાપ ઘણાં ભારતીય જાણકારોના મનમાં પ્રવર્તી રહી છે. પહેલા સોવિયત રશિયા સામે પોતાનો પ્રભાવ કાયમ કરવા માટે પાકિસ્તાનને પોતાની તરફે વાળવા માટે અને ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિમાંથી સાંગોપાંગો નીકળવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે અમેરીકા કાશ્મીર મુદ્દામાં ચંચુપાત અને પોતાનો પ્રભાવ દબાણી હદ સુધી લઈ જવાની વૃતિ ધરાવે છે. ત્યારે ભારતે પણ પોતાના સામરીક ગણિતને બરાબર બેસાડવું પડશે અને અમેરીકાને ખાતરી કરાવડાવી પડશે કે વિશ્વની પરમાણુ શક્તિ બનેલું ભારત વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તરે બહુ મોટા શક્તિ સંતુલનો પેદા કરવા માટે સક્ષમ છે અને તેવા સંજોગોમાં તેના સામરીક હીતોને તાક પર મૂકીને અમેરીકા દક્ષિણ એશિયામાં સામરીક ગણિતના કોઈપણ કોયડાનો સંતોષજનક જવાબ મેળવી શકશે નહીં. પાકિસ્તાન દક્ષિણ એશિયામાં અસંતુલનનું કારણ છે અને તેને દૂર કરવા માટેનો એકમાત્ર જવાબ ભારત બની શકે છે. પરંતુ અત્યારે અમેરીકાના દક્ષિણ એશિયાના સામરીક ગણિતમાં આ બાબતે બહુ મોટી સ્પષ્ટતાઓ જોવા મળતી નથી.

આવા સંજોગોમાં અમેરીકી પ્રભાવથી પાકિસ્તાન સાથે જમ્મુ-કાશ્મીર મુદ્દે શું ચર્ચા થવી જોઈએ? ભારત પાકિસ્તાનની ઈચ્છાથી ઈન્ટરલોક્યુટર બનવાની વાત કરનારા અમેરીકાએ કહ્યું છે કે કાશ્મીર નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારે અમેરીકાનો પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને જોવાનો એક ખાસ દ્રષ્ટિકોણ છે. તેમાં ભારત કેટલો બદલાવ કરી શકે છે? તેના પર પણ વિચાર થવો જોઈએ. અત્યારે પાકિસ્તાનની ઈચ્છા પ્રમાણે કાશ્મીર મુદ્દે ભારત પર અમેરીકી પ્રભાવની અસર પડી રહી છે. તેની જગ્યાએ ભારતીય વ્યૂહાત્મક નીતિના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે ભારતની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન પર અમેરીકી પ્રભાવની અસર ઉભી થાય અને તે ભારતમાં આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારતના દ્રષ્ટિકોણને સમ્માન આપે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકાય. જો કે હાલ એક વાત સ્પષ્ટ બને છે કે અફઘાનિસ્તાનમાં પોતાના મિશનોને પાર પાડવા માટે અમેરીકાને પાકિસ્તાનની મદદની જરૂર છે અને અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં નિયંત્રિત કરવા માટે ભારતની ઉપસ્થિતિની અમેરીકાના જરૂર છે. પણ તેના માટે તેને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાવી જોઈએ અને તેને લાગે છે કે આ શાંતિ કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાથી અને તેને ઉકેલવાથી સ્થપાઈ શકે છે. પરંતુ દક્ષિણ એશિયામાં અમેરીકાના સામરીક ગણિતમાં ભારતીય હિતો કેટલા સચવાય છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.