Wednesday, September 30, 2009

દક્ષિણ એશિયામાં બદલાતા સામરિક સમીકરણો અને ભારત

તાજેતરમાં ઈન્ડિયા ડિન્ફેન્સ રિવ્યૂના તંત્રી કેપ્ટન ભરત વર્માએ પોતાના તંત્રીલેખમાં આગાહી કરી છે કે હતાશ ચીન 2012 સુધીમાં ભારત પર હુમલો કરે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ ચીનની થિંક ટેન્ક ગણાતી એક વેબસાઈટ પર ચીન થોડી કોશિશ કરે તો, તે ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે,તેવી ચર્ચા કરતાં લેખો પ્રકાશિત કરાયા છે. જેમાં કાશ્મીર, ઉત્તર-પૂર્વ ભારત અને તામિલનાડુમાં અલગતાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના ઈરાદાઓ વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ વેબસાઈટ પર વિખંડિત ભારતને દક્ષિણ એશિયા માટે લાભપ્રદ ગણાવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા કેટલાંક સમયથી ચીની લાલ સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણના સમાચાર આવી રહ્યાં છે.
તેમા લડાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ફિંગર પોઈન્ટ વિસ્તારનો તો, સમાવેશ થાય જ છે. સાથે ઉત્તરાખંડ અને હિમાલચલ પ્રદેશમાં પણ ચીની સેનાઓ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાને જુલાઈ માસમાં ભારત સરકારને પત્ર લખીને ચીની સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણ સંદર્ભે માહિતી આપી હતી. જો કે એકંદરે ભારત અને ચીન સરહદ ઘણાં વખતથી શાંત રહી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે ‘લાઈન ઓફ એક્ચુયલ કંટ્રોલ’ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતાઓ વધારી દીધી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે લાઈન ઓફ એકચયુલ કંટ્રોલ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. જેના કારણે ભારતે ચીની સરહદે વિશેષ સૈનિક પ્રબંધો આરંભ્યા છે. લડાખમાં ચીની સરહદથી માત્ર 23 કિલોમીટર દૂર જંગી હવાઈજહાજ ઉતરે તેવી હવાઈ પટ્ટીને સક્રિય બનાવી દીધી છે. જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારતીય સેના અને અન્ય સુરક્ષાદળોનું ધ્યાન હવે ભારત-પાકિસ્તાન સરહદ સાથે ભારત-ચીન સરહદ તરફ પણ વધી રહ્યું છે.
ભારત ચીન સરહદે આવેલી ગરમી વાતાવરણમાં આવેલા કોઈ અચાનક ફેરફારને કારણે તો આવી નથી. તેની પાછળ દક્ષિણ એશિયમાં બદલાઈ રહેલી સમારિક પરિસ્થિતિ અને સમીકરણોની બહુ મોટી ભૂમિકા રહેલી છે. તેનાથી કોઈપણ સામરિક બાબતોના નિષ્ણાતોએ ઈન્કાર કર્યો નથી. ભારત-ચીન વચ્ચે તાજેતરમાં ઉભી થયેલી સૈનિકી સરગર્મીઓ પાછળ દૂરોગામી અને શીઘ્રગામી સામરિક ગણતરીઓ કારણભૂત હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ચીન અને પાકિસ્તાનની ધરી છેલ્લા કેટલાંય સમયથી ભારત વિરુધ્ધ સક્રિય બની છે. જેમાં બંનેના અલગ-અલગ વ્યૂહાત્મક ગણિત કારણભૂત છે. એક તરફ અફધાનિસ્તાનમાં ચાલી રહેલી તાલિબાનો વિરુધ્ધની અમેરિકા અને ગઠબંધન સેનાની કાર્યવાહી અને તેમા પાકિસ્તાનનું મને-કમને ઢસડાવું એક બહુ મોટી સામરિક ઘટના છે. તો બીજી તરફ પાકિસ્તાન પર ભરોસો ડગમગી જવાને કારણે અને વોર ઓન ટેરરની પાકિસ્તાની સીમાડામાં પહોંચવાની ગણતરી સાથે જ અમેરિકાએ ભારત સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ એશિયામાં અમેરિકાની કૂટનીતિક અને સૈનિકી ઉપસ્થિતિ તથા તેની ભારત સાથે વધી રહેલી ઘનિષ્ઠતાઓના કારણે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જ્યારે અમેરિકા-પાકિસ્તાન અને ચીનના સંબંધોમાં આવેલા કે આવી રહેલા પરિવર્તનને કારણે ભારત માટે આગામી સમયમાં નવા પ્રકારની સામરિક પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
26/11ની ઘટના બાદ ભારત અન્ય તેવા જ આતંકવાદી હુમલાની જાણે કે રાહ જોઈ રહ્યું છે. અમેરિકી અને ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓએ પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં મુંબઈ હુમલા જેવો આતંકવાદી હુમલો થવાની સંભાવના દર્શાવતી ચેતવણી ભારત સરકારને આપી છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનાના એક લાખથી વધારે સૈનિકો સ્વાત ખીણમાં તાલિબાનો સામેની કાર્યવાહીમાં રોકાયેલા છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ તણાવમાં પાકિસ્તાનને ભારતીય સરહદ પર પોતાના સૈનિકો ગોઠવવા પડે, તો તેવી શક્યતાઓ વખતે સ્વાત ખીણમાં ચાલી રહેલા તાલિબાન વિરોધી ઓપરેશન્સને ઘણો મોટો ધક્કો પહોંચે તેમ છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેનાને તેના કરતાં સંખ્યા, શક્તિ અને સામર્થ્યમાં બેથી ત્રણ ગણી ભારતીય સેના સામે યુધ્ધનું જોખમ ખેડી લેવું કોઈપણ સંજોગોમાં પોષાય તેમ નથી. વળી અમેરિકાએ તાલિબાની સરગના મુલ્લા ઓમરને પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં શરણ અપાયાની શંકાને કારણે હવાઈ હુમલા કરવાની ચેતવણી આપી છે. જેના કારણે ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાને જોતા વોર ઓન ટેરરમાંથી કોઈપણ હોશિયારી કરીને ઢીલાશ દર્શાવવી પાકિસ્તાન માટે ભારે પડી શકે તેમ છે. આવે વખતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરાયેલું એક સૂચક નિવેદન મીડિયામાં ચમક્યું છે. જેમાં ઝરદારીએ ચીન સાથે સામરિક સંબંધોમાં સહકાર વધી રહ્યો હોવાની વાત કબૂલી છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના 60 વર્ષથી વધારે જૂના સંબંધોનું કારણ બંનેના સમાન શત્રુ ભારત વિરુધ્ધ મોરચાબંધી છે. હાલમાં પણ તેવી જ પરિસ્થિતિ આકાર પામી રહી છે. ચીન માટે ભારત અને અમેરિકા વચ્ચેના પરમાણુ કરારના કારણે વધી રહેલી ઘનિષ્ઠતા જોખમ રૂપ છે. વળી અફધાનિસ્તાનમાં અમેરિકી ગઠબંધન સેનાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ પણ ચીનના સામરિક હિતો માટે ઘાતક છે. આવા સંજોગોમાં ચીન તેના જૂના સામરિક સહયોગી પાકિસ્તાન સાથે મળીને કોઈ તિકડમ રચે તેવી સ્પષ્ટ સંભાવનાઓ ઉભી થઈ છે. અમેરિકા ભારત થકી ક્ષેત્રમાં ચીન સામે જટિલ સામરિક પડકાર ઉભો કરે તેવી સંભાવનાઓ ચીની વિશેષજ્ઞો દ્વારા દર્શાવાઈ રહી છે. તેવા સંજોગોમાં ચીન પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સેના દ્વારા ભારતીય સરહદે થઈ રહેલા અતિક્રમણ બે પ્રકારના છે. એક તો, ચીની સેના જે જગ્યાએ ભારતીય સેના સાથે સરહદ સંદર્ભે અલગ મત દર્શાવે છે, તેવી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે ચીની સત્તાવાળાઓ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન રેખાને માન્યતા આપતા નથી અને ભારત ચીનની સરહદના પુન:સીમાંકનની માગણી કરી રહ્યાં છે. ભારત અને ચીન વચ્ચેની 4,057 કિલોમીટર લાંબી સરહદે મેકમોહન રેખા થકી વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે બંને દેશો વચ્ચે 14 જેટલી ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજવામાં આવી છે. તેમ છતાં પરિણામ નોંધપાત્ર આવ્યા નથી. વળી ચીની સેના અન્ય એવી જગ્યાએ ઘૂસણખોરી કરે છે કે જ્યાં બંને દેશોની સરહદ બાબતની સમજ સ્પષ્ટ છે. તેમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારની હરકતમાં ચીનની સાથે સાથે પાકિસ્તાનના સામરિક હિતોની સંડોવણીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે ચીનનો સ્વાર્થ જોઈએ, તો તેવો અરુણાચલ પ્રદેશના નેવું હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યાં છે. તેઓ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને તવાંગ સહિત અરુણાચલ પ્રદેશના મોટા ભાગના હિસ્સા પર પોતાનો દાવો મૂકી રહ્યાં છે. જો કે ભારતે અરુણાચલ પ્રદેશને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પણ ચીન ભારત સાથેની લાઈન ઓફ કંટ્રોલને વધારે વખત શાંત રહેવા દેવા માંગતુ ન હોવાની સ્પષ્ટતા તેની હરકતો દ્વારા કરી ચૂક્યું છે. આ સાથે ચીને સિક્કિમના ફિંગર પોઈન્ટમાં પણ ઘૂસણખોરીની કોશિશ કરી છે.જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાજપેયીની ચીન યાત્રા દરમિયાન ભારતે તિબેટ ચીનનો હિસ્સો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે ચીની નેતાઓની વાતચીત પરથી 1963માં ભારતીય સંઘ સાથે જોડાયેલા સિક્કિમને ચીન ભારતનો ભાગ માને છે, તેવા મીડિયા અહેવાલો પણ પ્રસારિત થયા હતા. ત્યારે સિક્કિમ બાબતે ચીનનું વલણ ચિંતા ઉપજાવી રહ્યું છે.
આ તમામ સૈન્ય હરકતો દ્વારા ચીન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે તે ભારત સાથેની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર વધારે સમય માટે જૈસે થે પરિસ્થિતિ ચાલુ રાખવા માટે તૈયાર નથી. તેના કારણે અત્યાર સુધી શાંત મનાતી ભારત-ચીન સરહદ પર લાલસેનાએ ઉબાડિયા કરવાનો પ્રારંભ કરી દીધો છે. ચીને જ્યાં બંને દેશોની સરહદો સ્પષ્ટ છે, તેવા કેટલાંક શાંત ગણાતા વિસ્તારોમાં અતિક્રમણની ઘટનાઓ કરીને પોતાના દાવાઓના વિસ્તરણનો ઈરાદો સ્પષ્ટ કરીને અરુણાચલ પ્રદેશ બાબતે ભારત પર દબાણ લાવવાનો કારસો છતો કર્યો છે. સાથે ભારત અને અમેરિકા વચ્ચેના અસૈનિક પરમાણુ કરાર અને તેના થકી બંને વચ્ચેની સામરિક નજદીકીઓ સંદર્ભે પણ ચીને પોતાની હરકતો દ્વારા નાપસંદગી જાહેર કરી છે. ચીન માટે ભારત પરંપરાગત ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી છે. જ્યારે આર્થિક , રાજકીય અને સૈનિકી દ્રષ્ટિએ શક્તિસંપન્ન બની રહેલા ચીન માટે વૈશ્વિક ફલક પર અમેરિકા પણ પ્રતિસ્પર્ધી છે. તેવામાં દક્ષિણ એશિયામાં અમેરિકાની ઉપસ્થિતિ અને અમેરિકાની સામરિક સહાયતાથી ભારતની તાકાત વધે કે તેનો પાડોશી દેશો પર પ્રભાવ વધે તેવી કોઈપણ બાબત ચીન માટે અસ્વીકાર્ય છે. કારણ કે ચીને ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથે સામરિક ઘનિષ્ઠતા કેળવીને ભારતની મોરચાબંધી કરી છે. તેવામાં ચીન અન્ય કોઈપણ સામરિક સમીકરણોની શક્યતાને સ્વીકારી શકે તેમ નથી. ભારતની વધી રહેલી આર્થિક તાકાત અને સૈન્ય શક્તિ પણ ચીની આંખોમાં ખટકી રહી છે. ભારતની શક્તિ આ જ પ્રકારે વધતી રહે તો, ચીન સાથેની સરહદો પર ચીની ઈચ્છાનુસાર પુન:સીમાંકનની પીએલએ(પીપલ્સ લિબરેશન આર્મી)ની ઈચ્છા બર આવે નહીં. જેના કારણે ચીન દૂરોગામી પરિણામો અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભારતની સામરિક શક્તિને ખોરવવા માટે જ સરહદો પર છમકલાં કરીને ભારતને દબાણમાં રાખવા માગે છે.
સ્વાત ખીણ અને અફધાનિસ્તાન સરહદે તાલિબાનો સામે સૈનિકી કાર્યવાહીમાં સપડાયેલા પાકિસ્તાન માટે ભારત પાકિસ્તાન સરહદે ચુસ્ત રહે તે પોસાય તેમ નથી. કારણ કે હવે મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટના બને તો તેવા સંજોગામાં ભારત તેની સામે કોઈ સૈનિકી કાર્યવાહી કે કડક પગલાં ભરે તેવી શક્યતા નકારી શકાય તમે નથી. જેના કારણે ભારત અને પાકિસ્તાન સરહદે તણાવભરી સ્થિતિ અવશ્યભાવી છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન તેનાથી બેથી ત્રણ ગણી વધારે સૈન્ય શક્તિ સામે ઝઝુમવાનું ગાંડપણ કરી શકે તેમ નથી. જેના કારણે શક્ય છે કે તેમણે તેમના પરંપરાગત સામરિક સહયોગી ચીન સાથે પોતાના સામરિક હિતો સંદર્ભે સહકાર માગ્યો હોય. આવા સંજોગોમાં આસિફ અલી ઝરદારી દ્વારા ચીન સાથે સામરિક સહયોગ વધી રહ્યો હોવાના નિવેદનનું મહત્વ ઘણું વધી જાય છે. કારણ કે ઘણાં સામરિક સહયોગમાંનું એક એવું પણ હોઈ શકે કે ભારતને પાકિસ્તાન સહીત અન્ય કોઈ સરહદે પણ ઉલઝાવી રાખવું. જેમાં ચીન તેમને સહકાર આપી શકે તેમ છે. કારણ કે ચીની લાલ સેનાઓના અતિક્રમણની ઘટનાઓ બાદ ભારતે ચીની સરહદો પર પોતાના સૈનિકો ગોઠવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ચીન સરહદે બે વધારાની પર્વતીય ડિવિઝન એટલે કે પચાસ હજાર જેટલા સૈનિકો ગોઠવવાની હિલચાલ શરૂ કરી દીધી છે. કેટલાંક ઠેકાણે ટી-72 ટેન્કોને પણ તૈનાત કરવામાં આવી છે. એરફોર્સે પણ સુખોઈ-30ની સ્કોવર્ડન અસમના તેજપુર ખાતે તૈનાત કરી છે. આમ ભારતીય સેનાઓને ચીની સરહદો પર હવે અતિક્રમણની ઘટનાઓ બાદ વિશેષ સૈનિકી પ્રબંધ કરવા પડયા છે. આમ તો ચીન 1965,1971 અને કારગીલ યુધ્ધ વખતે ભારત સરહદે શાંત રહ્યું હતું. પણ હાલની લાલ સેનાની લુચ્ચી હરકતો બાદ ભારત માટે ગાફેલ રહેવું પોષાય તેમ નથી. આમ ભારતને પોતાના સૈનિકી પ્રબંધ બે મોરચે કરવા પડયા છે. જેના કારણે પાકિસ્તાને ભારતનો સામનો કરવાનો વખત આવે, ત્યારે તેમને ભારતની અડધી સૈન્ય શક્તિનો સામનો કરવો પડે તેવી વ્યવસ્થા ચીને કરી આપી છે. વળી ચીની સામરિક હિતોને સમજીએ તો, પીપલ્સ લીબરેશન આર્મી કારાકોરમ હાઈવે અને હાઈડ્રોઈલેકટ્રીક પ્રોજેક્ટની દેખરેખ માટે ગીલગીટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. સાથે તેઓ ગ્વાદર બંદરગાહ સુધી પોતાનો પ્રભાવ ધરાવે છે અને તેમાં તેમના પ્રત્યક્ષ અને પ્રછન્ન હિતો સમાયેલા છે. કેટલાંક આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, પાકિસ્તાન બાલ્કનાઈઝેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગામાં તાલિબાનો સામેની પાકિસ્તાની સેનાની કાર્યવાહી લેબેનોનાઈઝેશનની પરિસ્થિતિ પેદા કરી રહી છે. તેવા સંજોગોમાં જો તાલિબાનો એનડબલ્યુએફપી કે ફાટા પર કબ્જો જમાવે, તેવી અરાજકતાભરી પરિસ્થિતિમાં ચીન પાકિસ્તાનમાં તેના હિતોને પાકિસ્તાનની સરકારની મરજી કે મરજી વગર સંરક્ષી શકે તે પ્રકારની હલચલ ચીન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાની ઉભી થઈ રહેલી સામરિક ધરીને પાકિસ્તાનથી દૂર રાખવા માટે ચીનના ઉબાડિયા કામ આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. એવા સંજોગોમાં ભારત એલઓસી અને સીરક્રિક તેમજ સીયાચીન જેવા સરહદી મુદ્દાઓને હલ કરવાની લશ્કરી તક ગુમાવે તેવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે. જેના કારણે ચીન ભારતીય સેનાને ચીની સરહદે પોતાના અને પાકિસ્તાનના સામરિક હિતોની રક્ષા કરવા માટે વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જો કે વિવાદ, સ્પર્ધા અને સહયોગના સંબંધોમાંથી પસાર થઈ રહેલા ભારત અને ચીનના સંબંધોમાં પરિસ્થિતિ સાવ 1962 જેવી નથી જ. 1962માં ચીને ભારતને હિંદી ચીની ભાઈ ભાઈના ધોખામાં નાખીને આક્રમણ કર્યું હતું. જેના કારણે ભારતે 38,000 ચો.કિમી.નો અક્સાઈ ચીનનો વિસ્તાર અને સાત હજાર જેટલા સૈનિકોનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ ચીને ભારત સામે એકતરફી યુધ્ધ વિરામ જાહેર કરીને લાઈન ઓફ એક્ચયુલ કંટ્રોલને અમલમાં આણવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ 1968માં ચીને અરુણાચલ પ્રદેશ પાસે ફરીથી લશ્કરી ઉબાડિયું ભર્યું પણ આ વખતે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપીને ખામોશ થવા મજબૂર બનાવ્યું હતું. ત્યાર બાદ છેક 1987માં ચીને ફરીથી પૂર્વોત્તર સરહદે લશ્કરી જોખમ ઉભું કર્યું હતું. જેનો ભારતીય સેનાએ માકૂલ જવાબ આપીને ચીનને પોતાના ઈરાદા બર લાવતા રોક્યું હતું. ભારત ચીન માટે જટિલ સામરિક પડકાર છે. જ્યારે ભારત-ચીન વચ્ચે આગામી વર્ષ સુધીમાં સાઈઠ અબજ ડોલર સુધીનો જંગી વેપાર થાય તેવી સંભાવના રહેલી છે. ગ્લોબલ વોર્મિંગ અને વિકાસશીલ દેશોના હિતોના મામલે બંને દેશોના વલણ લગભગ સરખા છે. બંને દેશો દુનિયાના બજારોમાં એકબીજાને ટક્કર પણ આપી રહ્યાં છે. ત્યારે 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ભારત પાસે અતિવિનાશક પરમાણુ વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતે તાજેતરમાં પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત બ્લુ સીમાં ઉતારીને પોતાની પ્રતિરક્ષા ક્ષમતા માટે કોઈને પણ ગાફેલ ન રહેવા માટેના સંકેતો પાઠવી દીધા છે. તેમ છતાં ભારતે પોતાની સીમા પાર વાર કરવાની પ્રતિરોધક ક્ષમતાઓમાં વધારો કરવા સંદર્ભે પોતાની સંકલ્પબધ્ધતા સતત વધારવી પડશે. હાલ પૂરતું લાગે છે કે વાજપેયી કાળને બાદ કરતાં ભારત પાસે ચીનનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ સંકલ્પ નથી. પણ જો સંસદમાં આપસી સહયોગ કરીને સર્વસંમતિથી ચીન સામે કોઈ યોગ્ય નીતિ ઘડવામાં આવશે, તો તે ચીન માટે બહુ મોટો સંકેત બની રહેશે. ભારતે પોતાના સામરિક હિતોની રક્ષા માટે અમેરિકા અને ચીન બંનેથી સાવધાન રહીને એક ચોક્કસ સ્વતંત્ર નીતિ ઘડવી આવશ્યક છે. તેના માટે કૂટનીતિક પ્રયત્નો સાથે સાથે સૈન્ય ક્ષમતાઓ વધારવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની વ્યૂહરચના ઘડીને પાકિસ્તાન અને ચીનની સામરિક ઘરીને યોગ્ય જવાબ આપવો જરૂરી બન્યો છે. જો કે હાલ પૂરતો ચીનનો સામનો કરવાનો રસ્તો બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સતત વૃધ્ધિ છે. બંને દેશો પોતાની આર્થિક નિર્ભરતાને ખૂબ ઝડપથી વધારે તે યોગ્ય છે. સાથે ચીનને કૂટનીતિક વાતચીતમાં વ્યસ્ત રાખવું પણ એક ખૂબ સારો વિકલ્પ છે. હવે 2009માં ચીનને 1962નું પુનરાવર્તન કરતું રોકવા માટે પ્રતિરક્ષા ક્ષમતામાં વધારો કરતાં રહેવું પણ એક બહુ મોટું સામરિક લક્ષ્ય છે. જેના માટે ભારતના કર્ણધારોએ સાદગીના દેખાડામાંથી બહાર નીકળીને સામરિક હિતો સાચવવા માટે વૈશ્વિક અખાડામાં પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરવા તરફ ધ્યાન આપવું પડશે. ભારત અને પાકિસ્તાન સામરિક હિતોની દ્રષ્ટિએ એક બીજાના પ્રતિસ્પર્ધી છે. તો બીજી તરફ ચીન અને અમેરિકા વૈશ્વિક સ્તરે એકબીજાના વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી છે. જ્યારે ચીન ભારતને ક્ષેત્રીય સ્તરે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. જેના કારણે દક્ષિણ એશિયાના ફલક પર ભારત અને અમેરિકાની ધરી સામે ચીન અને પાકિસ્તાનની ધરી ઉભરી રહી છે. જેના કારણે દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલા સામરિક સમીકરણોથી ઉભી થઈ રહેલી પરિસ્થિતિ માટે ભારતે સાવધ રહીને પોતાના સામરિક હિતોની રક્ષા માટે સજ્જ બનવા માટે નવી નીતિ બનાવવી પડશે.

Tuesday, September 22, 2009

સંઘ મુસ્લિમ વિરોધી નહીં, ભારતવિરોધીઓનો વિરોધી છે........


કોઈપણ વિચાર કે વિચારધારા પ્રત્યે તેને તેની સમગ્રતામાં વિચાર્યા વગર જ અસહિષ્ણુતા દાખવીને તેના માટે નિવેદનો કરવા કે લખાણ લખવું, તેનાથી મોટી સહિષ્ણુતાની ભાવનાની હત્યા અન્ય કંઈપણ નથી. કેટલાંક ચિંતકોના આરએસએસ માટે અલગ પ્રકારના મત અને દ્રષ્ટિકોણ છે.” આરએસએસ તમામ મુસ્લિમોને એક થીજેલું બીબું કે પછી અખંડ ખડક રૂપ માને છે. આરએસએસને તેની સંકુચિત અને હઠીલી માનસિકતામાંથી મુક્ત કરવા માટે ગોર્બોચોફની જરૂર છે.”- એવી રીતના નિવેદનો સાથે લેખ પણ છપાય છે. પણ આરએસએસ માટે આવા પ્રકારના લેખો કે વાતો નવી નથી. દુનિયામાં વિચારધારા પેદા થાય તે પહેલા તેને મારી નાખવાની ચેષ્ટા બહુ ઓછી થાય છે. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વરૂપે શરૂ થયેલા એક આંદોલનને તેના પ્રારંભકાળથી મૃત્યુશૈયા પર સુવડાવી દેવાની ચેષ્ટા અનેક મોટા નેતાઓ અને ચિંતકો દ્વારા થઈ છે, પણ આજે 83 વર્ષ બાદ પણ આ વિચારધારા મરવાનું તો બાજુ પર રહ્યું, પણ આજે પોતાના દમ પર હિંદુ સમાજને સંગઠિત કરીને અડીખમ ઉભી છે. 1925ની વિજ્યાદશમીના દિવસે નાગપુરમાં ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્ર આરાધન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનું બીજારોપણ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના સાથે જ કહેવાતા મોટામોટા વિચારકો, ચિંતકો, નેતાઓ અને સમાજના અગ્રગણ્ય સ્વનામધન્ય વ્યક્તિઓએ તેને ભારે અન્યાય કર્યો છે. કોઈપણ વિચાર કે વિચારધારાને તેની સમગ્રતામાં સમજ્યા વગર કરવામાં આવતા હુમલા કેવા હોય, તે આરએસએસ સાથે કરતા કહેવાતા બૈધ્ધિકોના વ્યવહારથી ધ્યાનમાં આવે છે. આ એક એવું સંગઠન છે કે જે તેના ઉદેશ્ય માટે વિચારબધ્ધ થતાં પહેલા સંગઠનબધ્ધ બન્યું હતું. 33 વર્ષ સુધી સરસંઘચાલક પદે રહેલા આરએસએસના દ્વિતિય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરે સંઘની વિચારધારાને વિચારબધ્ધ કરી હતી. જો કે સંઘને થોડુ-ઘણું જાણવાનો મોકો મળ્યો તે પરથી લાગે છે કે આરએસએસ સામે કરવામાં આવતી ટીકાઓને સંઘ સહન કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ તે આ પ્રકારે ચિંતકો અને લેખકોની ટીકા-ટીપ્પણીઓને આવકારશે કારણ કે આરએસએસના અત્યાર સુધીના નેતાઓના વલણ દર્શાવે છે કે તેમનામાં ચિંતનાત્મક સહિષ્ણુતા હંમેશા રહી છે અને આગળ પણ રહેશે.

આરએસએસ માટે થતી અનેક ટીકાઓમાંથી એક ટીકા તે મુસ્લિમ વિરોધી હોવાની છે. પણ આરએસએસની વિચારધારાને તપાસતા કે તેના સમગ્રતાથી સંપૂર્ણ વિચાર કરતાં તે કોઈના વિરોધ પર કે ધૃણા પર વિકસિત થયેલી છે કે કેમ? આ વિચારધારા સર્વપંથસમાવેશક છે કે કેમ? તેનો અભ્યાસ કરવો જરૂરી બને છે. એમ.એસ ગોલવલકરે આરએસએસની વિચારધારાને લીપિબધ્ધ કરવા માટે અનેક વક્તવ્યો, બંચ ઓફ થોટ્સ નામનું પુસ્તક, અનેક લેખો અને પત્રકારો તથા અન્ય મહાનુભાવો સાથે કરેલી વાતચીત દ્વારા તમામ દર્શનને સ્પષ્ટતા, નિડરતા અને અસંદિગ્ધાપૂર્વક સમગ્ર દેશ અને સમાજ સામે મૂક્યું છે. આ વિચારોની સમગ્રતાનું સંપૂર્ણપણે ચિંતન કરીને તેને પચાવનારા લોકો માટે તે કોઈ ફાસિસ્ટ, મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી કે અન્ય કોઈપણ બાબતનું વિરોધી નથી. એવા અસંખ્ય લોકો અને સ્વયંસેવકો છે કે જેમના માટે ગોલવલકરના વિચારો પૂર્ણત્ રાષ્ટ્રીય વિચારો છે.

આ વિચારો સંદર્ભે ચર્ચા કરતાં પહેલા એક ગંભીર ચેતવણી કે રાષ્ટ્રપ્રેમી વિચારો અને દ્રષ્ટિકોણ, રાષ્ટ્રને અને તેના હિતને નુકસાન પહોંચાડનારા રાષ્ટ્રવિરોધી તત્વો માટે અનુકૂળ નથી. માટે તેમણે તેમની પક્ષપાતી દ્રષ્ટિ સહિત તેનાથી દૂર રહેવું હિતાવહ છે. તેમ છતાં તેનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઈના વિરુધ્ધમાં કે કોઈ પ્રતિક્રિયામાંથી પેદા થયા છે. એમ. એસ ગોલવલકરે મધરલેન્ડના સંપાદક સાથેની વાતચીતમાં એકતા માટે સમરસતાની આવશ્યકતા હોવાનું જણાવતા કહ્યું છે કે "ભારતમાં સદૈવ અગણિત વિવિધતાઓ રહી છે, તેમ છતાં આપણું રાષ્ટ્ર ઘણાં લાંબા સમય સુધી અત્યંત સમર્થ અને સંગઠિત રહ્યું છે. એકતા માટે એકરૂપતા નહીં, પણ સમરસતાની જરૂર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-107) તેમના મત પ્રમાણે, જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંહ સાથેની મુલાકાતમાં ગોલવલકરે હિંદુ અને મુસલમાનને સરખાં ગુનેગાર ગણાવીને જણાવ્યું હતું કે "ભારત અને પાકિસ્તાન પ્રત્યે મુસલમાનોની બેવડી નિષ્ઠા પ્રત્યેના કારણો ઐતિહાસિક હોવા પાછળ રંજ માત્ર પણ શંકા નથી. તેના માટે હિંદુ અને મુસલમાનો સરખા ગુનેગાર છે. ભાગલા બાદ તેમની ઉપર આવેલી મુસીબતો અને પેદા થયેલી અસલામતીની ભાવના પણ એક કારણ છે, તેમ છતાં કેટલાંક લોકોની ભૂલને કારણે સંપૂર્ણ સમાજને જવાબદાર ઠેરવી શકાય નહીં.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ્ષ્ઠ ક્રમાંક-110) તેમણે સ્નેહથી મુસ્લિમોની નિષ્ઠા પર વિજય પ્રાપ્ત કરવાની નીતિને તેમની તરફની સાચી નીતિ ગણાવી છે. તેમણે મુસલમાનોને ભારતીયતાના પ્રવાહમાં ભળી જવા માટે આહવાન કર્યું છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-110) તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124) પાંચજન્યના તત્કાલિન તંત્રી સાથેની વાતચીતમાં ગોલવલકરે ઉપાસના પધ્ધતિ તરફ હિંદુત્વના અભિગમ સંદર્ભે જણાવ્યું હતું કે "હિંદુઓના આધ્યાત્મિક જીવનનો નિષ્કર્ષ છે કે ભગવાન સુધી પહોંચવાના અનેક માર્ગ છે,જે માર્ગ જેને પસંદ હોય તે જ એને માટે અનુકૂળ અને શ્રેષ્ઠ છે. તેથી હિંદુ સમાજે પોતાની અંતર્ગત અને બહાર પણ મનચાહી રીતે ઉપાસના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે, ભવિષ્યમાં પણ આપશે.”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-100)

ન્યૂયોર્ક ટાઈમ્સના સંવાદદાતા લુક્સ સાથેની વાતચીતમાં ગોલવલકરે હિંદુ-મુસ્લિમને બે વિરોધી જૂથ તરીકે જોવામાં આવે છે, તેને જ મુશ્કેલી ગણાવી હતી. તેમણે કહ્યું છે કે "છેલ્લા દોઢસો વર્ષથી એવો સિધ્ધાંત નિર્માણ કરવામાં આવ્યો છે કે તેઓ એક બનીને રહી શકે તેમ નથી. પણ મને વિશ્ર્વાસ છે કે અમે ખૂબ સારી રીતે સાથે રહી શકીએ તેમ છીએ. ઉપરોક્ત અશુધ્ધ વિચાર આપણે છોડવો પડશે અને આપણે સૌ એક જ રાજ્યના નાગરિકો છીએ એવા શુધ્ધ અને સરળ દ્રષ્ટિકોણને અપનાવવો પડશે. કોઈને કોઈ વિશિષ્ટ સગવડો નહીં મળે, તે વૈચારિક દ્રષ્ટિ અપનાવવામાં આવે તો કોઈ મુશ્કેલી નહીં નડે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-86,87) તેમણે સંઘ ઈસ્લામ વિરોધી ન હોવાનું જણાવતા કહ્યું છે કે "અમે ઈસ્લામ પંથના વિરોધી નથી. હિંદુ ખૂબ ઉદાર છે. તેમનામાં વૈદિક અને અવૈદિક વગેરે સૌને માટે સ્થાન છે. અમારો વિરોધ આ દેશના મુસલમાનોની મનોવૃતિ સામે છે. કોઈ ત્રીજું પરિબળ સામે ન આવ્યું હોત તો અમે બહુ સારી રીતે આ સમસ્યાને ઉકેલી હોત.અન્ય પંથોની જેમ જ મુસલમાનો પણ હિંદુ ધર્મમાં એવું જ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-87) બિનહિંદુઓ પ્રત્યે ધૃણાના આક્ષેપોને નકારતા ગોલવલકરે કહ્યું છે કે "આ તો સૌથી કમનસીબ આક્ષેપ છે. આ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવું પૂરતુ છે કે અમે આપણી ઉજ્જવળ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માગીએ છીએ. જેમાં તલભાર પણ ધૃણા નથી. અમે કોઈપણ જનસમુદાયની ધૃણા કરતાં નથી.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-4) તેમણે ધૃણાને નકારાત્મક પ્રતિક્રિયા ગણાવીને કહ્યું છે કે "શત્રુ અને તેના ધૃણાજનક કામનો સતત વિચાર કરવાથી આપણા લોકો અને સંસ્કૃતિ પ્રત્યેનો હકારાત્મક સ્નેહ નષ્ટ થાય તો સ્વાભાવિક છે. તેથી જ આપણા લોકો દેશભક્તિના નામે બ્રિટિશ વિરોધી કે મુસ્લિમ વિરોધી બની રહ્યાં છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-18) પાકિસ્તાન સંદર્ભે ગોલવલકરે કહ્યં છે કે "પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર જ ભારત પ્રત્યેની ધૃણા છે. તેથી પાકિસ્તાન માટે ધૃણા અનિવાર્ય છે. તે સિવાય તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25) ગોલવલકરના મતે દેશ અખંડ બનશે તો મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. તેમના કહ્યું છે કે " વિભાજન તર્કહીન છે. તે ખતમ થવું જોઈએ. તેનાથી મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. ભાગલાથી આ સમસ્યા ઉકલી નથી, ઊલટી વધારે તીવ્ર બની છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25)

હિંદુ શબ્દ સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે "હિંદુ શબ્દ સાંપ્રદાયવાચક નથી. તેમ છતાં ઘણું ખરું લોકો હિંદુ રિલિજ્યન શબ્દ વાપરે છે, જે ખોટો શબ્દપ્રયોગ છે. હિંદુ રાષ્ટ્રીયતાનો બોધ કરે છે. આપણી માતૃભૂમિ પ્રત્યે અસંદિગ્ધ, નિષ્કપટ ભક્તિને પ્રાથમિકતા અપાય છે. આપણા અતિ પ્રાચીન ઈતિહાસ પ્રત્યે શ્રધ્ધાનો સ્વાભાવિક અર્થ આપણા પૂર્વજો પ્રત્યે શ્રધ્ધા થાય છે. એક સુરક્ષિત વૈભવયુક્ત રાષ્ટ્રીયજીવનની સમાન આંકાક્ષા, જેમાં ઉપાસનાપધ્ધતિ ક્યાંય આડી આવતી નથી. આ બાબતોનો સંપુટ હિંદુ રાષ્ટ્ર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-58) તેમણે મુસ્લિમોની અલગ રાષ્ટ્રીયતાને નકારી છે. તેમણે કહ્યું છે કે "દેશના મુસ્લિમો કોઈ વિશિષ્ટ ઉપાસના પધ્ધતિ અંગિકાર કરવા માત્રથી જ પોતાના પૂર્વજોથી અલગ શી રીતે થઈ જાય છે? પોતાની ભાષાનું જ્ઞાન ભૂલી જવાની જરૂર શા માટે માને છે? વિદેશી ભાષા અને લીપિ અપનાવવાનો દુરાગ્રહ શા માટે રાખે છે? આ સંદર્ભે તર્ક શુધ્ધ્ અભિગમ અપનાવવાથી કોઈ સમસ્યા રહેશે નહીં. અસંખ્ય મતમતાંતરો છતાં આજે પણ આપણે એક રાષ્ટ્ર છીએ. રાષ્ટ્રીયતાની આ પુરાતન ધારા આજે પણ અવિરત વહી રહી છે. આ રાષ્ટ્રીયતા જ છે. તેમના મતે રાજકીય ક્ષેત્રમાં જે પંથનિરપેક્ષતાનો ઉદઘોષ થઈ રહ્યો છે, તેનો અર્થ ધર્મનો વિરોધ નહીં પણ તમામ ધર્મો પ્રત્યે આદર અને સન્માનની ભાવના ધરાવવી છે. આ હિંદુતાની સંકલ્પના છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-59) તેમણે બિનહિંદુઓ માટે કહ્યું છે કે "તેમણે પણ હિંદુઓની જેમ જ આ દેશ, તેમા વસતા લોકો, સંસ્કૃતિ, પરંપરા, ઈતિહાસ-ભૂતકાળની સ્મૃતિઓ ભવિષ્યની આંકાક્ષાઓ પ્રત્યે પોતીકાપણાની ભાવનાનો અનુભવ કરવો જોઈએ. આટલું કર્યા બાદ કોઈ કહે કે તેણે કુરાન કે બાઈબલનું ઝીણવટથી અધ્યયન કર્યું છે અને તેના હ્રદયને ઝંકૃત કરે છે, તો તેને અનુસરવાનું પગલું આવકાર્ય હશે. વ્યક્તિગત જીવનમાં તેને આ બાબતે પૂર્ણ અધિકાર છે. બાકીની તમામ બાબતોમાં તેણે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહની સાથે રહેવું જોઈએ.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ-59,60)ગોલવલકરના મત પ્રમાણે, રાષ્ટ્રીય ચેતનાનો અભાવ અને પરિણામે અલગતાવાદની વૃધ્ધિ રાષ્ટ્રીય બીમારી છે. ગોલવલકરના મત પ્રમાણે, અન્યો પર આક્રમણ કર્યા વગર પોતાના ધર્મનું પાલન કરે તે હિંદુ છે.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-68) મુસલમાનોને સંદેશ આપતા ગોલવલકરે કહ્યું છે કે "તેઓ આ દેશના છે અને તેમની નસોમાં એક જ રક્ત વહી રહ્યું છે. તેઓ ન તો અરબી છે, ન તો તુર્કી છેકે ન તો મોગલ છે. જેમનો ધર્મ બદલાયો છે. તેવા મુસલમાનો પણ ભારતીય છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-69)

હિંદુસ્થાન હિંદુઓનું એ નારા સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે "હિંદુઓ માટે હિંદુસ્થાનને બાદ કરતાં વિશ્વમાં અન્ય ક્યો દેશ છે? આ વાત સાચી નથી ?તેથી અમે એટલું જ કહીએ છીએ કે હિંદુસ્થાન હિંદુઓનું છે. હિંદુસ્થાન માત્ર હિંદુઓનું છે, તેમ કહેનારા લોકો બીજા છે”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-7) જો કે સંઘની ઈસ્લામ સંદર્ભે અને રાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રત્યે સ્પષ્ટતા કરતાં ગોલવલકરે કહ્યું છે કે "એક સંપ્રદાય તરીકે ઈસ્લામનો સંઘમાં સમુચિત આદર થાય, પણ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિને બદલે ઈસ્લામી કે અન્ય કોઈ સંસ્કૃતિ કે પરંપરા સ્થાપવા માટે સંઘ કદાપિ તૈયાર નહીં થાય.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-179) દૈનિક નવકાલના સંપાદક સાથે વાતચીતમાં ગોલવલકરે કહ્યું છે કે "લઘુમતી માટેના અધિકાર અને વિશેષાધિકારની દ્રષ્ટિથી ઈન્ટીગ્રેશનનો વિચાર ડિસઈન્ટીગ્રેશન માગી લેવા બરાબર છે. પ્રત્યેક જમાત, વર્ગ કે પ્રદેશની વિશેષતા ટકાવી રાખવાની વાત એટલી જ ઘાતક છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-95) તેમણે ડૉ.સૈફુદ્દીન જિલાની સાથેની વાતચીતમાં કહ્યું છે કે "અન્ય લોકોની જેમ જ તેમની યોગ્ય માગણીઓને પૂરી કરવી જોઈએ. તેમ છતાં મનમાં આવે ત્યારે વિભિન્ન પ્રકારની સુવિધાઓ અને વિશેષાધિકારોની માગણીઓને કરતાં રહેવું ન્યોયોચિત નથી.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-103) તેમણે ભારતીયકરણ સંદર્ભે કહ્યું છે કે "ભારતમાં વસતી પ્રત્યેક વ્યક્તિ પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય ,ઈસાઈ હોય કે પછી બીજી જાતિની હોય-પોતાના દેશ ભારતને વફાદાર રહેવું જોઈએ. તેઓ પોતાની પધ્ધતિ મુજબ ભગવાનની પ્રાપ્તિ માટે જે કરતાં હોય, તેમા આપણે સહકાર આપીશું. પણ રાષ્ટ્રવિરોધી બાબતો દૂર કરવા માટે જ ભારતીયકરણનું સૂ્ત્ર અપનાવ્યું છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-138,139) દેશની કરુણ હાલતના ઉકેલ માટે ગોલવલકરે તમામ રાષ્ટ્રભક્ત પરિબળો અને તમામ રાષ્ટ્રવિરોધી તત્વોના ધ્રુવિકરણનો માર્ગ દર્શાવ્યો છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-12)
ગોલવલકરના મતે પચાસ પ્રકારના કાપડના ટુકડાઓને જોડી દેવાથી કાશ્મીરી શાલ નહીં, પણ ગોદડી જ બને છે. આ અલગતાની ભાવનાથી સંપૂર્ણરહિત અને સમરસ ઘટક અવયવો દ્વારા જ ભારતમાં એકાત્મતાની સુંદર શાલ પ્રાપ્ત થશે.(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.- 95) ગોલવલકરના મતે એકરૂપતા રાષ્ટ્રોના વિનાશનો સંકેત આપે છે. તેમણે કહ્યું છે કે "પ્રકૃતિ એકરૂપતાનો સ્વીકાર કરતી નથી. હું વિવિધ જીવનપધ્ધતિઓના સંરક્ષણની તરફેણ કરું છું. તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધતાઓ રાષ્ટ્રીય એકતામાં સહાયક બને રાષ્ટ્રીય એકતામાં અવરોધક ન બને.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-109) ગોલવલકરના વિચારો રાષ્ટ્રોતેજક છે. રાષ્ટ્રીયતા સામે અરાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તો સામે રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેના સંઘર્ષમાં રાષ્ટ્ર માટે વાંછનીય શક્તિઓનો વિજય થાય તેવી ઈચ્છા અને ભાવના સંઘની વિચારધારામાંથી પ્રતિબિંબિત થાય છે. આ બાબત ક્યાં તત્વોને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂંચે છે? અને કેમ ખૂંચે છે? કોના સ્થાપિત હિતો પાર પાડવામાં સંઘનો વિરોધ કરવાથી સહયોગ મળે છે? તે સંશોધનનો વિષય છે. માટે જ કોઈપણ વિચારધારા તેની સમગ્રતાને આધારે સંપૂર્ણતાના છાયામાં ચિંતન પામે તે યોગ્ય છે. વળી સામ્યવાદની વિચારધાર અને વ્યવસ્થાની સરખામણી સંઘ સાથે થઈ શકે તેમ નથી. એકરૂપતાના પાયા પરની સામ્યવાદી ઈમારતની પાયાની ઈંટો વિચારધારાના ભટકાવને કારણે હલબલી ઉઠી હતી. તેવામાં ગોર્બોચોફનો ઉદય રશિયાના સામ્યવાદી શાસનના અંત અને મહાકાયદેશના વિધટનનું કારણ બન્યું છે. જ્યારે હિંદુત્વના માનવતાવાદી સર્વસમાવેશક વિચારની પાયાની ઈંટો મજબૂતીથી ગોઠવાઈ છે કે જેથી તે વર્ષોના ભારે વૈચારિક ઝંઝાવાતોનો અડગતાથી સામનો કરવા માટે સક્ષમ છે.. જ્યાં સુધી આ પ્રકારની ક્ષમતાઓ હિંદુત્વની વિચારધારામાં નિહિત રહેશે, ત્યાં સુધી કોઈ ગોર્બોચોફની હિંદુત્વને જરૂર પડશે નહીં. કારણ કે હિંદુત્વની વિચારધારાને આત્મસાત કરીને ચાલી રહેલા સંઘને આવા કોઈ ઉધારના નેતાઓ કે તેના વિચારોની ક્યારેય જરૂર પડી નથી કે પડશે નહીં.

ઉંડા અંધારેથી પરમ તેજે-
"આપણે જેવું બનાવીએ તેવું જ આપણું ભવિષ્ય હશે. બધો આધાર આપણે શું ઈચ્છીએ છીએ અને કેટલો પ્રયત્ન કરીએ છીએ તેના પર છે-"શ્રીગુરુજી

Saturday, September 19, 2009

અખંડ ભારત માટે આગેકૂચ કરીએ

15 અગસ્ત કા દિન કહેતા-
આઝાદી અભી અધૂરી હૈ.
સપને સચ હોને બાકી હૈ,
રાવી કી શપથ ન પૂરી હૈ.

15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં એકતાવાળું એકાત્મ ભારત ખંડિત બન્યું. દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત અને જિન્નાની જીદ્દ તથા તત્કાલીન નેતાઓની મહત્વકાંક્ષાઓ અને રાજકીય ઉદાસિનતાને કારણે સદીઓથી એકાત્મ રહેલું રાષ્ટ્ર ખંડિત બન્યું છે. આજે આઝાદીના 62 વર્ષ વિત્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન ક્યાં આવીને ઉભા છે? ભારતે પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથે એક પારંપરિક યુધ્ધ કર્યું છે. જ્યારે પાકિસ્તાન સાથે કારગીલમાં મર્યાદિત યુધ્ધ પણ કરવું પડયું છે. 1971ના યુધ્ધમાં દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંતને નિષ્ફળ સાબિત કરીને પૂર્વ પાકિસ્તાનના અલગ થવાથી બાંગ્લાદેશની રચના થઈ હતી. આજે બાંગ્લાદેશ ગરીબી અને અસ્થિરતાની સમસ્યા સાથે જીવી રહ્યું છે. ભારતમાં પંજાબ, કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની સંડોવણી અને દોરીસંચાર થકી આતંકવાદ ચાલી રહ્યો છે. મુંબઈની 26/11ની આતંકવાદી ઘટનાના ઘાવ હજી પણ રુઝાયા નથી. ભારત અને ભારતીય રાષ્ટ્રીય પ્રવાહના દ્રોહ પર, તેના વિરોધના પાયા થકી રચાયેલા પાકિસ્તાનમાં રાજકીય આતંકવાદથી ભારતમાં નિર્દોષોના રક્ત વહી રહ્યાં છે. જ્યારે 14મી ઓગસ્ટ, 1947ના દિવસે આઝાદ થનારા પાકિસ્તાનમાં પણ તાનાશાહી શાસન, રાજકીય અસ્થિરતા અને અરાજકતા, તેમજ કટ્ટરપંથીઓ દ્વારા દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવાં તાલિબાનોની સમસ્યાએ પણ માથું ઉચક્યું છે. પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી આકાઓ દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ઝનૂન થકી તાલિબાનનો ભસ્માસૂર પાકિસ્તાનને પણ રક્તરંજિત કરી રહ્યો છે. હાથના કર્યા હૈયે વાગ્યા હોવા સંદર્ભની કબૂલાત પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી કરી ચૂક્યા છે. ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર હોવાના કારણે ક્ષેત્રમાં પરમાણુ યુધ્ધનો ખતરો ઝળુંબી રહ્યો છે, કારણ કે પાકિસ્તાન ભારતને પારંપરિક યુધ્ધમાં હરાવી શકે તેવી સજ્જતા અને સ્થિતિ ધરાવતું નથી.
આ તમામ પરિસ્થિતિ જાણતા હોય કે તેની સંભવના જોતા હોય, તેમ 15મી ઓગસ્ટ, 1947ના દિવસે મહર્ષિ અરવિંદે તેમના જન્મદિવસ અને ભારતના પ્રથમ સ્વતંત્રતા દિને આપેલા સંદેશામાં ખંડિત ભારતને અખંડ બનાવવા માટે લોકોને આહ્વવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારત આજે સ્વતંત્ર થઈ ગયું છે, પરંતુ એકતા પ્રાપ્ત કરી નથી. લાગે છે કે હિંદુ અને મુસલમાનના સ્વરૂપમાં જૂનું કોમવાદી વિભાજન હવે તરલ રહ્યું નથી. પરંતુ તેમણે દેશના સ્થાયી રાજકીય વિભાજનનું ઠોસ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ છે. એ આશા રાખવી જોઈએ કે આ નિર્ધારિત બાબત હંમેશા માટે પથ્થરની લકીર નહીં બને, તેને એક અસ્થાયી આવશ્યકતા જ સમજવી જોઈએ, કારણ કે આ વિભાજન અસ્તિત્વમાં રહેશે તો ભારત ગંભીરપણે અશક્ત બની જશે, વિકલાંગ પણ બની જઈ શકે છે, સદા ગૃહ ક્લેશની સંભાવના ઉભી થઈ શકે છે. બની શકે કે નવું આક્રમણ થઈ જાય અને વિદેશી આધિપત્ય આવી જાય. બની શકે કે ભારતનો આંતરિક વિકાસ અને સમૃધ્ધિ સ્થગિત થઈ જાય અને રાષ્ટ્રો વચ્ચે તેની પ્રતિષ્ઠા ઓછી થઈ જાય, તેનું ભાગ્ય ફૂટી જાય. આ ન થવું જોઈએ. જે પ્રકારે પણ હોય, જેવું પણ હોય વિભાજન સમાપ્ત થવું જોઈએ. એકતા આવશ્યકતા છે અને તેને પ્રાપ્ત કરવી જોઈએ, કારણ કે ભારતની ભાવિ મહાનતા તેના જ ગર્ભમાં સમાયેલી છે.”
આજે ભારતની નજીકમાં અફધાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અમેરિકા અને મિત્રદેશો તાલિબાનો સામે ભીષણ યુધ્ધ લડી રહ્યાં છે. દક્ષિણ એશિયામાં અમેરિકાનો પ્રભાવ અને દોરીસંચાર વધી રહ્યો છે. બની શકે કે ભારત અને પાકિસ્તાન પર અમેરિકા પોતાના આંતરરાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે તેમના સાર્વભૌમત્વને ખોરવી નાખવાની હદ સુધી પોતાનું દબાણ અને પ્રભાવ વધારી શકે છે. ઈજીપ્તના શર્મ-અલ-શેખમાં મુંબઈની આતંકવાદી ઘટનાના આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી વગર વાતચીત નહીં કરવાની રેકર્ડ વગાડનારા વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સાથે બે કલાક જેટલી લાંબી વાતચીત કરીને વિવાદાસ્પદ સંયુક્ત નિવેદન પણ બહાર પાડયું છે. માનવામાં આવે છે કે હિડન એજન્ડા સાથે ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનની યાત્રા પહેલા અમેરિકી પ્રભાવના દબાણ હેઠળ જ શર્મ-અલ-શેખમાં ભારતે પાકિસ્તાન સાથે શર્મનાક સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું. અફધાનિસ્તાનમાં 9/11નો બદલો લેવા માટે ખેલાઈ રહેલા યુધ્ધમાં પાકિસ્તાની સેનાની જરૂરત હોવાના કારણે બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ રહે અને તણાવ ઓછો રહે તો, પાકિસ્તાનને ભારતની સરહદે પોતાની સેના ખસેડવાનું બહાનું મળે નહીં, તે માટે જ અમેરિકા પોતાના હિતો માટે શાંતિના તથાકથિત પ્રયત્નો કરી રહ્યું છે. જો કે આ પ્રક્રિયામાં અમેરિકાને પોતાનું હિત સાધ્ય થતું નહીં દેખાય, તો તે અન્ય વિકલ્પોને અજમાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે દક્ષિણ એશિયામાંથી અમેરિકી પ્રભાવને ઓછો કરવા માટે આવી પરિસ્થિતિઓના દબાણમાં આવ્યા વગર સ્વયંસ્ફૂરણાથી ભારત અને પાકિસ્તાને સહિયારી સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને સમજીને અખંડ ભારત માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવો જોઈએ, કે જેથી આ ક્ષેત્રના લોકો સૃમધ્ધિ, શાંતિ અને વિકાસનો ખરા અર્થમાં લાભ ઉઠાવી શકે.
અખંડ ભારત દેશની ભૌગોલિક એકતાનો જ પરિચાયક માત્ર નથી, તે જીવનના ભારતીય દ્રષ્ટિકોણનો પણ ઘોતક છે. તેનાથી અનેકતામાં એકતાના દર્શન થાય છે. તેથી અખંડ ભારત કોઈ રાજકીય નારો નથી. અખંડ ભારત આ રાષ્ટ્રત્વના સંપૂર્ણ દર્શનનો મૂળાધાર છે. વિભાજન, યુધ્ધો, આતંકવાદ અને અપાર જાનમાલની હાનિના કારણે લોકોને ભારતની અખંડતાના અભાવના પ્રત્યક્ષ પરિણામો જોવા પડયા છે. તેથી જ બંને દેશોને ફરીથી એક બનાવવા માટેની ભૂખ પ્રબળ બનાવવી પડશે. યુગોથી ચાલી આવતી વિચારધારાઓના અંતર્પ્રવાહોને જોવાનો પ્રયત્ન કરીએ, તો ખબર પડશે કે ભારતીય રાષ્ટ્રીય ચેતના સદૈવ અખંડતા માટે પ્રયત્નશીલ રહી છે અને આ પ્રયત્નોમાં આપણે સફળ પણ થયા છીએ.
ઉત્તરમ્ યત્ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણ.
વર્ષ તદ્ ભારતમ્ નામ ભારતી યસ્ય સંતતિ:
પુરાણોમાં ભારતવર્ષની વ્યાખ્યા કેવળ ભૂમિપરક નહીં, પણ જનપરક અને સંસ્કૃતિપરક છે. ભૂમિ, જન અને સંસ્કૃતિને એકબીજાથી અલગ ન કરી શકાય. આ તમામની એકાત્મતાની અનુભૂતિથી રાષ્ટ્રનો સાક્ષાત્કાર થાય છે. રાષ્ટ્રીય અને એકાત્મ સંસ્કૃતિની આધારભૂત માન્યતાઓને અખંડ ભારતમાં સમાવેશ થઈ જાય છે. અટકથી કટક, કચ્છથી કામરૂપ, કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સંપૂર્ણ ભારતના કણ-કણ ને પુણ્યશાળી અને પવિત્ર જ નહી, પણ આત્મીય માનવાની ભાવના અખંડ ભારતમાં અભિપ્રેત થાય છે. આ પુણ્યભૂમિ પર અનાદિકાળથી જે પ્રજા ઉત્પન્ન થઈ છે, તેમનામાં સ્થાન અને કાળક્રમ પ્રમાણે ભિન્નતાઓ ગમે તેટલી હોય, પણ તેમના સંપૂર્ણ જીવનમાં મૂળભૂત એકત્વનું દર્શન અવશ્ય થાય છે.
અખંડતા ભારતની રાષ્ટ્રીય પ્રકૃતિ છે, જ્યારે ખંડિત ભારત વિકૃતિ છે. આજે વિકૃતિમાં આનંદાનુભૂતિનો ભ્રમ થાય, તો પણ વાસ્તવિક આનંદ તો અખંડ ભારત વગર દૂર જ રહેવાનો છે. જો આ સત્યને સ્વીકારીને અંત:સંઘર્ષ દૂર કરવામાં આવે તો જ અખંડ ભારત બનાવવાના પ્રયત્નોમાં એકતા અને બળ આવી શકે તેમ છે. અત્યારની વિપરીત પરિસ્થિતિમાં પણ અખંડ ભારતનું સપનું જોવું અને તેને યોગ્ય રસ્તે સાકાર કરવા માટેનો પ્રયત્ન કરવો કોઈ ગુનો નથી. જો જર્મની, ઓસ્ટ્રિયા, વિયેતનામ અને યમન એક થઈ શકતા હોય. દક્ષિણ-ઉત્તર કોરિયા ફરીથી એક થવા માટે પ્રયત્નો કરતાં હોય, યુરોપના 25 દેશો યુરોપિયન યુનિયનના નેજા હેઠળ એક મંચ પર આવતા હોય, ત્યારે ભારત, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના અન્ય રાષ્ટ્રો એક બનવાનું સ્વપ્ન કેમ ન જોઈ શકે ? આઝાદીના પર્વ નિમિત્તે પ્રશ્ન ઉદભવે છે કે શું ભારત અને પાકિસ્તાન ફરીથી એક ન થઈ શકે ?
જો ભારતનું વિભાજન પાયાની ભૂલ હોય, તો બંને દેશોના લોકો ભેગા મળીને ભૂતકાળની મહાભયાનક ભૂલને સુધારી ન શકે ? ભૂલોને સુધારવાની પ્રક્રયામાં માનવીય અહમો અને મૂર્ખતાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. જો કે આ સપનું જાર-જબરદસ્તીથી સાકાર નહીં થઈ શકે. તેના માટે લશ્કરો કામમાં નહીં આવે, પણ ભૂતકાળની ભૂલો સુધારવા માટે આત્મમંથનની પ્રક્રિયા દ્વારા લોકોના હ્રદયપરિવર્તનની આવશ્યકતા છે. જેમણે ભારતની એકતામાં અનેકતા જોઈ અને દ્વિ-રાષ્ટ્રના સિધ્ધાંત ઘડયા, પ્રાદેશિક રાષ્ટ્રવાદની અવધારણાને પ્રોત્સાહન આપ્યું, જેના કારણે લોકોના માનસ વિષાક્ત બન્યા છે, તેમને ફરીથી હ્રદયપરિવર્તનની પ્રક્રિયા દ્વારા વિષવિહીન કરી શકાય તેમ છે. એક જન, એક રાષ્ટ્ર અને એક સંસ્કૃતિના જનસમૂહમાં પૂજા પધ્ધતિ અને પંથોના બદલાવવા માત્રથી રાષ્ટ્રીયતામાં કેવી રીતે પરિવર્તન થઈ શકે ? આ ધરતીને પુલકિત કરવા માટે તમામ વર્ગ, જાતિ અને પંથના લોકએ પોતાના ખૂન-પસીનાથી સિંચન કર્યું છે. ત્યારે હિંદુ અને મુસ્લિમને એક અલગ રાષ્ટ્ર માની લેવું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રને પાર પાડવા જેવું કામ છે. ભારતવર્ષની આઝાદી પ્રસંગે બીજા વિશ્વયુધ્ધમાં ખુવાર થયેલા બ્રિટન, યુરોપ અને અમેરિકા અખંડ ભારત થકી પોતાની સામે કોઈ પડકાર ઉભો થાય તેમ ઈચ્છતા ન હતા. જેના કારણે બ્રિટિશરોએ ભારતમાં પાન-ઈસ્લામિક મૂવમેન્ટને પ્રચારિત અને પ્રસારિત થવામાં સહાયતા પૂરી પાડી હતી. જેના થકી ભારતમાં પંથના નામે પૃથકતા ઉભી કરીને ઈતિહાસના વિકૃતિકરણ દ્વારા ભારત બહારથી પ્રેરણા મેળવીને સ્વતંત્રતાના યુધ્ધમાં એક જનસમૂહના મોટા હિસ્સાને દૂર રાખવામાં આવ્યો હતો.
તેમ છતાં એક વાત યાદ રાખવા જેવી છે કે ભારતવર્ષ મધ્યયુગીય બર્બરતા અને બ્રિટિશયુગની લુચ્ચાઈ થકી ખંડિત થયા બાદ પણ અખંડતાના બિંદુ પર સ્થિર થશે, જે આ રાષ્ટ્રની નિયતિ છે. કારણ કે તક્ષશિલા, નાનકાના સાહિબ, સિંધુ, ચટગાંવ અને ઢાકેશ્વરીના પોકારોને અણસૂના કરી શકાય તેમ નથી. એ તથ્યને બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધમનીઓમાં એજ રક્તસંચારિત થાય છે કે જે ભારતની રક્તવાહિનીઓમાં પ્રવાહિત થઈ રહ્યું છે. કેટલાંક પ્રસંગો પણ કહે છે કે ભારતનું વિભાજન એક અસ્થાયી રાજકીય વ્યવસ્થા માત્ર છે. યહુદીઓને તેમના દેશમાંથી ખદેડી મૂક્યાને 1800 વર્ષ જેટલો સમય થયો, પણ અનેક દમનકારી ઘટનાઓ બાદ પણ તેઓ તેમની માતૃભૂમિ ઈઝરાયેલમાં પોતના સ્વાધીન અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શક્યા છે. દ્રઢતા અને માનસિક બળના કારણે પેઢી દર પેઢી સદીઓ સુધી યહુદીઓના મનમંદિરમાં પ્રજવલિત રહેલા ઈઝરાયેલમાં પોતાના રાષ્ટ્રની પુનર્સ્થાપના માટેના અખંડદીપને કારણે તેમનું સ્વપ્ન સાકાર બની શક્યું હતું. યહુદીઓના ઘરોમાં ટંગાયેલા યેરુસલેમની વેલિંગ વોલના ચિત્ર અને આવતે વર્ષે યેરુસલેમમાં મળવાના દ્રઢસંકલ્પે તેમની ઈચ્છાઓની પૂર્તિ કરી તે સર્વવિદિત છે. ઈતિહાસના સમુદ્રમાં ગરકાવ થઈને પુનર્જીવત થયેલા આ રાષ્ટ્રની કથનીથી, અખંડ ભારતનું સ્વપ્ન વધારે દુષ્કર તો નથી ને ?
દ્વિતિય વિશ્વયુધ્ધમાં પરાજિત થયેલા ઓસ્ટ્રિયાને અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સે ચાર ભાગમાં વિભાજીત કર્યું હતું. પણ તેમ છતાં ઓસ્ટ્રિયાના લોકોની દ્રઢઈચ્છાશક્તિ અને ત્યાંના નેતાઓની સફળ કૂટનીતિના પરિણામે ઓસ્ટ્રિયા આજે સ્વતંત્ર અને એકીકૃત રાષ્ટ્ર છે. તો મૂડીવાદી ઉત્તર યમન અને કમ્યુનિસ્ટ દક્ષિણ યમન ત્રણ યુધ્ધો બાદપણ 1990માં ફરીથી એક બન્યા છે. તેમના એકીકરણ વખતે બંને દેશો વચ્ચે માથાદીઠ આવક અને વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું અંતર હતું. પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે યુધ્ધો કયારેય લડાયા નથી. પણ દ્વિતિય વિશ્વયુધ્ધ બાદ મિત્રદેશોએ 40 વર્ષ સુધી તેમને વિભાજીત અવસ્થામાં રાખ્યા હતા. પૂર્વ જર્મની પશ્ચિમ જર્મનીને ફાસિસ્ટ કહેતું હતું અને પશ્ચિમ જર્મની પૂર્વ જર્મનીને કમ્યુનિસ્ટ કહીને નફરત કરતું હતું. તેમની વચ્ચે ખટાશ એટલી હદે વધી ગઈ હતી કે સોશ્યાલિસ્ટ યુનિટી પાર્ટીએ પશ્ચિમ જર્મનીના ફાસિઝમ સામે રક્ષણ માટે રાજધાની બર્લિનમાં દિવાલ ચણાવી દીધી હતી. જો કે યુરોપમાં યુધ્ધખોરી વિરુધ્ધના પવન અને રાજકીય પીઢતાના પરિણામે કદી ન તૂટનારી બર્લિનની દિવાલ આજે અસ્તિત્વમાં નથી અને બંને જર્મનીનું ફરીથી એકીકરણ થઈ ચૂકયું છે. ઉત્તર અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ઘણાં લાંબા સમય સુધી લાંબા યુધ્ધો ચાલ્યા હતા. 1960થી 1975 વચ્ચે અમેરિકાએ વિયેતનામ યુધ્ધમાં હસ્તક્ષેપ કરીને પોતાની સેના ઉતારી હતી. જો કે તેમાં તેના ધણાં સૈનિકો માર્યા ગયા હતા. આટલા મોટાં જનસંહાર બાદ પણ કૂટનીતિ અને રક્તરંજિત ઈતિહાસને રૂખસદ આપવાની લોકોની તૈયારી તથા નેતાઓની તેને અનુકૂળ નીતિના પરિણામે હાલ સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામ અસ્તિત્વમાં આવી શક્યું છે.
દ્વિતિય વિશ્વયુધ્ધ બાદ ઉત્તર કોરિયા પર સોવિયત યુનિયન અને દક્ષિણ કોરિયા પર અમેરિકાએ નિયંત્રણ સ્થાપ્યું હતું. બંને ભૂ-ભાગોએ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ અલગ વિચારધારા અને જીવનપધ્ધતિ અપનાવી છે. તેમની વચ્ચે થયેલા હિંસાચારમાં અંદાજે ચાલીસ લાખથી વધારે લોકો મોતને ભેટયા છે. ત્યારે તણાવ અને છમકલાઓ વચ્ચે પણ બંને દેશો વચ્ચે દુશ્મની ખતમ કરીને ફરીથી એકીકરણ માટેની વાટાઘાટો હાથ ધરવાની કોશિશો કરવામાં આવે છે.
ઈમ્યુનલ કાંત નામના તત્વચિંતકે 1795માં સ્વતંત્ર દેશોના ફેડરેશનને વૈશ્વિક શાંતિ માટે આવશ્યક ગણાવ્યું હતું.પણ તે વખતે તેણે વિચાર્યુ પણ નહીં હોય કે 198 વર્ષ બાદ 25 જેટલા યુરોપીયન દેશો એકબીજાની નજીક આવીને યુનિયન બનાવશે. તે વખતે તો યુધ્ધગ્રસ્ત યુરોપની એકતા માત્રને માત્ર તત્વચિંતકના મનનું સ્વપ્ન માત્ર હતી. ફ્રાન્સ અને જર્મની વચ્ચે સત્તરમી સદીથી 1945 સુધી અનેક યુધ્ધો થયા હતા. બંને દેશોના પાડોશી દેશો તેમની વચ્ચેના ભીષણ યુધ્ધના ઓથાર નીચે જીવી રહ્યાં હતા. જેના કારણે યુરોપમાં બે મહાયુધ્ધો પણ થયા હતા. પણ યુરોપીયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટી દ્વારા 1951માં અપાયેલા સ્કૂમન પ્લાને યુરોપમાં યુધ્ધ અસંભવ બનાવી દીધુ હતું. ત્યાર બાદ આવેલી યુરોપીયન ફ્રી માર્કેટની સંકલ્પનાથી નાગરિકો, સરસામાન અને સેવાઓનું મુક્ત આવા-ગમન શક્ય બન્યું હતું.1957માં રોમ સંધિ દ્વારા યુરોપિયન ઈકોનોમી કોમ્યુનિટી (ઈઈસી) અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારબાદ ઈઈસીમાંથી યુરોપિયન યુનિયન(ઈયુ) અસ્તિત્વમાં આવ્યું છે. યુરોપિયન યુનિયને પારસ્પરિક અવલંબન અને આંતરિક ગુંથણીવાળા અર્થતંત્ર દ્વારા યુરોપમાં શાંતિની પ્રસ્થાપના કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હાલમાં યુરોપિયન યુનિયનના અર્થતંત્રના એકીકૃતની કડીથી આગળ વધીને સમાન સંરક્ષણ, સમાન વિદેશ નીતિ અને સમાન કરન્સી અપનાવી છે. જો જનમતમાં યુરોપિયન યુનિયનના લોકો હકારાત્મક પ્રતિસાદ આપે તો તેમનું સમાન બંધારણ પણ અસ્તિત્વમા આવે તેવી સભાવના પ્રબળ બની છે. દ્વિતિય વિશ્વયુધ્ધના 60 વર્ષો બાદ યુરોપિયન યુનિયન થકી યુરોપના તમામદેશોના સંરક્ષણ બજેટમાં ઘટાડો થયો છે. આ નાણાં જનવિકાસ માટે વપરાઈ રહ્યાં છે. ત્યારે યુરોપિયન યુનિયન દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર સમૂહના દેશોમાં એકતા અને શાંતિ માટે રોલ મોડલ બની શકે તેવી સંભાવના જાણકારો જોઈ રહ્યાં છે.
સાઉથ ઈસ્ટ એશિયન નેશન-આસિયાન પરથી પ્રેરિત થઈને સાઉથ એશિયન એસોશિયેશન ફોર રિજીઓનલ કો-ઓપરેશન (સાર્ક) 1985માં અસ્તિત્વમાં આવ્યું છે. સાર્કમાં 2000માં કોલંબો સમિટ દરમિયાન 2010 સુધીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, 2015 સુધીમાં કસ્ટમ યુનિયન, 2020 સુધીમાં ઈકોનોમિક યુનિયનની સંભાવના દર્શાવતો દસ્તાવેજ રજૂ કરાયો હતો. ઈસ્લામાબાદ ખાતેની સાર્ક સમિટમાં સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયાના ફ્રેમ વર્કની સંધિ પર હસ્તાક્ષર થયા હતા. જે પહેલી જાન્યુઆરી,2006થી અસ્તિત્વમાં આવનાર હતી. પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ખટાશ અને અન્ય કેટલાંક કારણોને કારણે સાર્કને તેના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે હજી ધારી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.
ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લચીલો મહાસંઘ બને તે માટેની પૂર્વભૂમિકા તૈયાર કરીને સંરક્ષણ, પરિવહન, વેપાર અને વિદેશી બાબતો દ્વારા નિકટતા સાધવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે. આજે તો આ સપનું છે, પણ યથાર્થ ગમે તેટલું કડવું હોય, તો પણ સપનું જોવાનું અને તેને સાકાર કરવાના સંકલ્પને છોડી શકાય તેમ નથી. અખંડ ભારતના સપના સંદર્ભે આપત્તિ વ્યક્ત કરનારાઓ કે તેને અપ્રસ્તુત ગણનારા લોકોની ભારતમાં અછત બિલકુલ નથી. તો સામે છેડે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આ બાબતે કોઈ વૈચારિક સળવળાટ દેખાતો નથી. જેના કારણે અખંડ ભારત સિધ્ધ થશે કે નહીં જેવી શંકાઓ પરાભૂત મનોવૃતિવાળા લોકો પર પ્રભાવી બની ગઈ છે. અર્ધશતાબ્દિના ઈતિહાસ અને પ્રયત્નશીલતાની અસફળતાથી દબાઈ ગયેલા લોકોમાં ઉપર ઉઠવાની હિંમત રહી નથી. 1947માં કોંગ્રેસની હિંદુ-મુસ્લિમ એકતાના તુષ્ટિકરણ થકીના પ્રયત્નોનો પરાજય અને મુસ્લિમ લીગની પૃથકતાવાદી નીતિઓનો વિજય થયો હતો. ત્યાર પછી તૂટેલી હિંમતવાળા લોકોએ આ પરાજયને સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરી જોયો છે, પણ આ પરાજય સ્થાયી થવો અસંભવ છે. રાષ્ટ્રની પ્રકૃતિથી પ્રતિકૂળ બનીને ચાલવું કોઈપણ માટે અશક્ય છે. ગત વર્ષની કષ્ટકારક પરંપરાઓનું કારણ રાષ્ટ્રની અખંડતાની પ્રકૃતિની પ્રતિકૂળ ચાલવાની આત્મઘાતી પ્રવૃતિનું પરિણામ છે. અખંડ ભારત દેશની, રા્ષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે આપણે કોઈ ખોટા ઉદેશ્યને કારણે કંઈ અસફળ નથી થયા, પણ આપણે આપણા સાધ્ય માટે ખોટું સાધન પસંદ કર્યું છે. જે આપણી અસફળતાનું મુખ્ય કારણ પણ બન્યું છે. સદોષ સાધનને કારણે સાધ્યની સિધ્ધિ ન થાય, તો બાદમાં સાધ્ય ક્યારેય ત્યાજ્ય અને અવ્યવહારિક બનતું નથી.
દિન દૂર નહીં ખંડિત ભારત કો
પુન: અખંડ બનાયેંગે .
ગિલગિટ સે ગારો પર્વત તક
આઝાદી પર્વ માનાયેંગે.
જો કે કાશ્મીર વગર પાકિસ્તાનને અધૂરું માનનારાઓને વિધેયક સંદેશ આપવો જોઈએ કે પાકિસ્તાન વગરનું ભારત પણ અધૂરું છે, ખંડિત છે. અનેક રાષ્ટ્રભક્તોએ આઝાદી વખતે અખંડ ભારત માટે જ બલિદાનો આપ્યા હતા. આજે પણ અખંડ ભારતનું સ્વપ્ન જોનારા રાષ્ટ્રભક્તો જ હોઈ શકે છે. જો કે જ્યાં સુધી પાકિસ્તાન અલગ છે, ત્યાં સુધી આતંકવાદ અને અન્ય મુદ્દાઓ સંદર્ભે દ્રઢ નીતિ અખત્યાર કરવી પડશે. કમજોર નીતિ ક્યારેય ઉદાર નીતિનો પર્યાય બની શકતી નથી. તેના ખોટા અર્થઘટનો પાકિસ્તાન દ્વારા થાય છે. જો કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સમૃધ્ધિ માટે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર બને તે જ એક માત્ર ઉકેલ છે. કદાચ અખંડ ભારતની રચના માટેની પ્રક્રિયા અને તેનો પ્રકાર અલગ હોઈ શકે, કારણ કે અખંડ ભારતની સંકલ્પના શાશ્વત છે. સોવિયત યુનિયનમાં તેના સ્વભાવ વિરુધ્ધ કમ્યુનિસ્ટ વિચારધારા તળે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળા રાષ્ટ્રોને એક કરવામાં આવ્યા હતા. તેની પરિસ્થિતિ MANY NATIONS UNDER ONE STATE હતી. જો કે 80 વર્ષના સમયગાળામાં સોવિયત યુનિયન વિખંડિત અવસ્થામાં આવી ગયું છે. તેનું કારણ સોવિયત યુનિયનના દેસોની પ્રકૃતિ એકાત્મતાવાળી ન હતી. જ્યારે ભારતવર્ષની પ્રકૃતિ એકાત્મ રાષ્ટ્રની છે. તેને ખંડિત કરવા છતાં તેનું ભાવિ અખંડતા જ છે.
માટે જ-
ઉસ સુવર્ણ દિવસ કે લિયે આજ સે
કમર કસેં, બલિદાન કરે.
જો પાયા ઉસમેં ખો ન જાયે.
જો ખોયા ઉસકા ધ્યાન કરે.

ફેક કરન્સી: પાકિસ્તાન દ્વારા ભારતમાં આર્થિક આતંકવાદ

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ભારત અવાર-નવાર લોહીલુહાણ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની નાપાક હરકતો દ્વારા ભારતના વિકાસદરના નવા માનાંકો હાસિલ કરતાં અર્થતંત્રને નિશાના પર લીધું છે. ભારત સરકારે સંસદના બંને ગૃહોમાં આધિકારિકપણે કબૂલાત કરી છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય માફિયા દાઉદ ઈબ્રાહીમના નેટવર્ક થકી ભારતમાં પાકિસ્તાનથી નકલી નોટોનો ધોધ વહેવડાવવામાં આવે છે. ભારતમાં નકલી નોટોના પાકિસ્તાન દ્વારા વધી રહેલા પ્રવાહ પાછળ બે બાબતોની શક્યતા દર્શાવાય છે. એક તો ભારતીય અર્થતંત્રની રેલને વિકાસના પાટા પરથી ઉતારવી અને ભારત વિરોધી આતંકવાદી જૂથોની નાણાંકીય જરૂરિયાતો પૂરી પાડવી. એક અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2000 સુધીમાં 1,69,000 કરોડ રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી છે. જેના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. અધૂરામાં પૂરું બેંકોની શાખાઓ અને એટીએમમાં પણ નકલી નોટો ગ્રાહકોનેં નહીં મળે, તેની કોઈ ખાતરી નથી. ભારતમાં પેટ્રોલપંપોથી માંડીને શાકભાજીવાળા ફેરિયાઓ 500 અને 1000 રૂપિયાની નોટો સ્વીકારતા અચકાય છે. મોટાભાગે ફેક ઈન્ડિયન કરન્સી નોટ(એફઆઈસીએન)ને સાચી નોટોથી અલગ કરવી કઠિન છે. જો કે નકલી નોટોના નેટવર્કનો સ્વીકાર કરતી ભારત સરકાર અને આરબીઆઈ 1,69,000 કરોડ રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરતી હોવાના અહેવાલોને નકારે છે. ભારતીય અર્થતંત્રને વૈશ્વિક મંદીની અસર મોડી નડી હોવાનો દાવો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ એ પણ સત્ય છે કે 8થી 9 ટકાનો વિકાસદર હાલ 6 ટકાની આસપાસ સ્થિર થયો છે. ત્યારે નકલી નોટોના નાપાક નેટવર્ક થકી ભારતીય અર્થતંત્રને કેટલું નુકસાન થયું છે, તે સંશોધનનો વિષય બને છે. કારણ કે ફૂગાવાનો દર વધારે હતો, ત્યારે તેને દેશમાં ભાવવધારા માટે કારણભૂત ગણવામાં આવતો હતો. જો કે હાલમાં ફૂગાવાનો દર અત્યંત નીચો છે, તેમ છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓનો ભાવવધારો કાબૂમાં આવ્યો નથી. તેથી પ્રશ્ન અવશ્ય ઉદભવે છે કે નકલી નોટોના નાપાક નેટવર્કને કારણે ભારતીય અર્થતંત્ર આવા ભાવવધારાને કાબૂમાં લેવાની ક્ષમતા ગુમાવી ચૂક્યું તો નથી ને?

આર્થિક આતંકવાદ થકી ભારતીય અર્થતંત્ર પર હુમલો કરીને તેની વિકાસ યાત્રા ખોરવવા માટે પાકિસ્તાન ઘણી બધી તૈયારીઓ કરીને બેઠું છે. પાકિસ્તાને લંડન સ્થિત કંપની પાસેથી નાણાંના છાપકામ માટેના સ્તરના કાગળો અને શાહીની મોટાપ્રમાણમાં આયાત કરી છે. જે તેની નોટો છાપવાની જરૂરિયાત કરતાં ઘણી વધારે છે. વળી આ કંપની પાસેથી ભારત પણ નાણાંના છાપકામ માટેની વસ્તુઓ મેળવે છે. ત્યારે પાકિસ્તાનનો હેતુ સ્પષ્ટ છે કે તે નકલી ભારતીય નાણું છાપીને પોતાના નાપાક ઈરાદાઓ પાર પાડવાની વેતરણમાં છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓની માહિતી પ્રમાણે, પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના સરકારી પ્રિન્ટિંગ પ્રેસ, કરાચીના સિક્યુરીટી પ્રેસ અને લાહોર તથા પેશાવરના અન્ય બે પ્રિન્ટિંગ પ્રેસમાં નકલી ભારતીય નાણું છાપવામાં આવી રહ્યું છે. ગત નવેમ્બર માસમાં થયેલા મુંબઈ હુમલા બાદ પોલીસની નકલી નોટો ઝડપવાની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નકલી નોટોનું પ્રમાણ વધારે હોવાના અખબારી અહેવાલો પણ પ્રકાશિત થયા છે. આરબીઆઈના આંકડાઓ પ્રમાણે, 18 જુલાઈ, 2008 સુધીમાં 6,03,000 કરોડનું નાણું ચલણમાં છે. તેની સામે 1,69,000 કરોડની નકલી નોટ હોવાના આઈબીના અહેવાલને કારણે કુલ ચલણી નાણાંની 28 ટકા જેટલી ચલણી નોટો નકલી હોવાનો અંદાજો લગાવાય છે. જે ભારતની આર્થિક સ્થિરતા સામે મોટો ખતરો છે. નકલી ભારતીય ચલણી નાણાં સંદર્ભે 2008માં સીબીઆઈએ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સ્તરે 13 જેટલાં કેસો નોંધ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે, જાન્યુઆરી અને ઓગસ્ટ,2008 વચ્ચે નકલી નોટો સંદર્ભે 1,170 કેસો નોંઘાયા છે, જ્યારે 2007માં 2,204 બોગસ નોટોના કેસો નોંધાયા છે. નકલી ચલણ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. હૈદરાબાદમાં 2007માં થયેલા ટ્વીન બ્લાસ્ટ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગલુરુ પરના હુમલા, અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટો અને નવેમ્બર માસમાં થયેલા મુંબઈ હુમલાની તપાસમાં નકલી નોટોના નેટવર્ક સાથે આતંકવાદીઓના તાર ગાઢપણે જોડાયા હોવાનું ખુલ્યુ છે. નિશ્ચિતપણે આઈએસઆઈ ભારતમાં હોશિયારીપૂર્વક પ્રોક્સી વોર લડી રહી છે. તે એક તરફ આતંકવાદી હુમલા કરાવીને નિર્દોષોના લોહી વહેવડાવે છે, તો બીજી તરફ તે નકલી ભારતીય ચલણ દ્વારા નાણાં વ્યવસ્થાને આર્થિક આતંકવાદ થકી લોહીલુહાણ કરી રહી છે. આઈએસઆઈ દર વર્ષે આતંકવાદી પ્રવૃતિમાં 1,800 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાવે છે. જેનો મોટો હિસ્સો નકલી ચલણ થકી પૂરો કરવામાં આવે છે.

મોટાભાગે નોટોની સત્યતા માટે 37 જેટલા સિક્યુરીટી ફિચર્સ ઉપલબ્ધ છે, પણ નકલી નોટોની સમસ્યાથી ત્રસ્ત ભારત દ્વારા તેમાંથી માત્ર આઠ સિક્યુરીટી ફિચર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે નકલી ભારતીય નોટોનું છાપકામ વધારે સરળ બન્યું છે. કારણ કે જેટલા સિક્યુરીટી ફિચર્સ વધારે ઉપયોગમાં લેવાય તેટલું નકલી નોટો છાપવાનું કામકાજ મુશ્કેલ બને છે. જો કે છેલ્લે 2005માં નોટો પરના સિક્યુરીટી ફિચર્સને સુધારવામાં આવ્યા હતા. પણ હાલમાં ચલણમાં ફરતી નકલી નોટોને અલગ કરવી તાલીમબધ્ધ બેંકિંગ એજન્ટો માટે પણ માથાનો દુખાવો છે. જેના કારણે બેંકો અને એટીએમ દ્વારા આવી નકલી નોટોની ફેરવહેંચણી થવી આશ્ચર્યની વાત રહી નથી. હકીકતમાં મોટી કિંમતની નકલી નોટો કરતાં ઓછી કિંમતની નકલી નોટો ચલણમાં વધારે પ્રમાણમાં ફરી રહી છે. કારણ કે મોટી કિંમતની નોટો વધારે ચીવટથી તપાસાય છે. જ્યારે ઓછી કિંમતની નોટો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, નેપાળ હાલમાં નકલી નોટોના ભારતમાં પ્રવેશ માટેનું મોટું હબ બન્યું છે. નેપાળથી ઉત્તરપ્રદેશમાં સિધ્ધાર્થનગર-મહારાજગંજ માર્ગે અને બિહાર થઈને એમ બે માર્ગે નકલી નાણું પ્રવેશે છે. 1000 રૂપિયાની નોટ 500થી 600માં અને 500 રૂપિયાની નોટ 300થી 400 રૂપિયામાં ઉપલબ્ધ થાય છે. આરોપીઓના જણાવ્યા પ્રમાણે, સો અને પચાસ રૂપિયાની નકલી નોટો પણ ઉપલબ્ધ છે. જો કે તેની પડતર કિંમત મોટી કિંમતની નોટોની સરખાણીએ વધારે હોય છે. જો કે નાની કિંમતની નોટોને ચલણમાં ફરતી કરવાનું સરળ હોવાની વાત તેઓ કબૂલે છે.

માત્ર નેપાળમાંથી જ નહીં, નકલી ભારતીય નાણું પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની મદદથી બાંગ્લાદેશ, શ્રીલંકા અને દુબઈમાં પણ મોકલવામાં આવે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસમાં પણ નકલી નાણાંની દાણચોરી થાય છે. ગુજરાતની દરિયાઈ અને ભૂમિ સરહદેથી મોટા પ્રમાણમાં નકલી નોટોની હેરાફેરી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. આ સિવાય દાઉદ ઈબ્રાહીમના દુબઈ ખાતેના નેટવર્કનો ઉપયોગ કરીને આઈએસઆઈ ત્યાં રહેતા એનઆરઆઈને પોતાના શિકંજામાં ફસાવીને નકલી નોટો ભારતમાં ઘૂસાડે છે. આ સિવાય થાઈલેન્ડ, મલેશિયામાંથી પણ નકલી નાણું ભારતમાં ઘૂસાડવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં જૈશે મહોમ્મદ તથા લશ્કરે તૈયબ્બા અને હુજી જેવા આતંકવાદી સંગઠનો દ્વારા નકલી નોટો ભારતમાં દાખલ કરાવાય. છે. ભારતમાં દાખલ થતી નકલી નોટોનો ખૂબ ઓછો હિસ્સો પોલીસની પકડમાં આવે છે. 2002માં 5.57 કરોડ, 2003માં 5.29 કરોડ, 2004માં 6.81 કરોડ રૂપિયાની નોટો ઝડપવામાં આવી હતી. આરબીઆઈના નિયમો પ્રમાણે, દર દસ લાખે સો રૂપિયાની 15 નકલી નોટો મળવી ગંભીર સ્થિતિને દર્શાવે છે અને હાલમાં આવી ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે. આરબીઆઈના વાર્ષિક અહેવાલ પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષમાં 100 રૂપિયાની નકલી નોટો પકડાવવાનું પ્રમાણ ઘટીને 60 ટકા થયું છે. જ્યારે 500 રૂપિયાની નોટો પકડાવવાનું પ્રમાણ વધીને 75 ટકા અને 1000 રૂપિયાની નોટોનું પ્રમાણ વધીને 300 ટકા થયું છે. પંજાબ, ઉત્તરપ્રદેશ અને પુણેમાં નકલી નોટો ઝડપાવાનું પ્રમાણ બમણું થયું છે. વળી, ભારતમાં દાઉદના નેટવર્કનો પાકિસ્તાન ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. હવે તો બેંક કર્મચારીઓને પણ નકલી ચલણના ફેલાવવા માટે પોતાની સાથે ભેળવવામાં આવી રહ્યાં છે. એસબીઆઈની દોમારીઆગંજની શાખાના ચીફ કેશિયર પાસેથી ચાર કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. નકલી નાણાંને સાર્વજનિક અને ખાનગી બેંકોના માધ્યમ થકી આઈએસઆઈના મળતિયાંઓ વ્યવસ્થિત રીતે અસલી નોટોમાં નકલી નોટો ભેળવીને દેશભરમાં ફેલાવી રહ્યાં છે.

નકલી નોટોનું નેટવર્ક દેશની સુરક્ષા માટે ખતરનાક છે. અસલી જેવી નકલી નોટો થકી ભારતમાં આતંકવાદીઓ પોતાનું નેટવર્ક અને લોજિસ્ટિક સપોર્ટ વધારી શકે છે. તેના માટે તેમને નકલી નોટો થકી નાણાંકીય સુવિધા ઉપલબ્ધ રહે છે. વળી આતંકવાદીઓ માટે ફંડ ઉપલબ્ધ કરાવતી આઈએસઆઈને ખાલી નકલી નોટો છાપવાનો જ ખર્ચ ઉઠાવવો પડે છે. નકલી નોટોના ધંધાની અવેજીમાં મળતા અસલી ભારતીય નાણાં થકી આતંકવાદી સંગઠનો માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં તેમને સરળતા રહે છે. ઈન્ટેલિજન્સ અધિકારીઓના માનવા પ્રમાણે, પ્રોપર્ટી માર્કેટમાં નકલી નાણાંનું ચલણ વધારે છે. અહીં 30થી 60 ટકા પેમેન્ટ કાળાં નાણાંથી કરવામાં આવે છે. જેમાં નકલી ચલણનો છૂટથી ઉપયોગ કરાવાય છે.

નકલી નોટોના વધી રહેલા નેટવર્કથી દેશની પ્રજાનો વિશ્વાસ દેશના ચલણમાંથી ડગી રહ્યો છે. હાલમાં 500 કે 1000ની નોટો લોકો ભારે મુશ્કેલી અને ચીવટ દાખવીને હાથમાં પકડે છે. જો કે અસલી જેવી જ નકલી નોટોને ઓળખવી ભારે મુશ્કેલ છે. ભારતમાં આતંકવાદ ફેલાવવા સાથે ભારતીય અર્થતંત્રને હલબલાવી નાખવા માટે આઈએસઆઈનો દાવ સફળ થતો દેખાય રહ્યો છે. ત્યારે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરીને ખર્ચાઓ પર કાપ રાખવાની વાત કરતા નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી માટે નકલી નોટોના વિકસેલા તંત્રથી ભારતના અર્થતંત્રને બચાવવું એક મોટો પડકાર બની ગયો છે. એક તરફ જનતા કહેવાતી મંદીની અસર તળે મોંઘવારીની સમસ્યાથી પીડાઈ રહી છે, તો બીજી તરફ નકલી નોટોની બ્રહ્મજાળ મોં ફાડીને ઉભી છે. ત્યારે આસમાને પહોંચેલા ભાવોને નિયંત્રિત નહીં કરી શકવાની સરકારની મજબૂરી મજબૂત ગણાતા ભારતીય અર્થતંત્રની પાકિસ્તાનના નકલી નોટોના નેટવર્કથી ખોખલા થયાની ચાડી તો નથી ખાતી ને ? જો કે આરબીઆઈએ ભારતીય ચલણમાં સિક્યુરીટી મેજર્સ વધારવાનો નિર્ણય લીધો છે. સાથે 1996થી 2000 વચ્ચેની નોટો તબક્કાવાર ચલણમાંથી પાછી ખેંચીને નવી સિરીઝની નોટો ચલણમાં અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે પાકિસ્તાની સરકાર ઈંગ્લેન્ડ, સ્વીઝરલેન્ડ, અનને સ્વીડન પાસેથી નોટોની પ્રિન્ટીંગ સામગ્રી મોટા પ્રમાણમાં મેળવી રહ્યું છે. ત્યારે નકલી નોટોના સાત કોઠાને ભેદવા માટે કેન્દ્ર સરકારન આગવી ફૂલપ્રુફ યોજનાની જરૂર પડશે. કારણ કે નકલી નોટોના નેટવર્કનો સમગ્ર મામલો દેશની સુરક્ષા અને વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલો છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં વિસ્તારવામાં આવેલા ફેક ઈન્ડિયન કરન્સી નેટવર્કને વિશેષજ્ઞો આર્થિક આતંકવાદ તરીકે જોઈ રહ્યાં છે. ત્યારે આતંકવાદને નાથવા માટે જેવી રીતે વિશેષ દળની જરૂર પડે છે, તેવી જ રીતે પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આર્થિક આતંકવાદને નાથવા માટે સ્પેશ્યલ બેન્કિંગ એરેન્જમેન્ટસ અને મિકેનિઝમની જરૂર છે.