Friday, September 30, 2011

સરકાર ગરીબોની ગરીબી પ્રત્યે સંવેદનશીલ બનશે?


-આનંદ શુક્લ

ભારતમાં ગરીબો અને ગરીબીનું રાજકારણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. દેશમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતી હતી. દેશમાં ત્યાર પછી સત્તામાં આવતી દરેક પક્ષોની કે મોરચાની સરકારે હંમેશા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારી છે. જો કે દેશમાંથી ગરીબી દૂર થઈ નથી, તેનાથી ઉલટું ગરીબી વધી છે. દેશમાં કલ્યાણના સ્થાને તથાકથિત વિકાસના રાજકીય એજન્ડાએ ગરીબો માટે જીવન દુભર બનાવી દીધું છે. ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. જેને કારણે મૂડીવાદી વિકાસના જુદાંજુદાં ઉદ્યોગપતિઓના એજન્ડાને આગળ વધરાતી કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કલ્યાણ યોજનાઓ માત્ર કર્મકાંડ બની ગઈ છે. હાલની મૂડીવાદી વિકાસની સરકારી મનોવૃતિએ કેટલાંક ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓના ખિસ્સા ભરવાનું કામ જ કર્યું છે. આ દેશનો ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. ચિંતાનો વિષય છે કે દેશનો વિકાસ દર જેટલી ગતિથી વધી રહ્યો છે, તેટલી ગતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા વધી રહી છે. દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીવનયાપન ઘણું કઠિન બની રહ્યું છે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં પણ દેશનો વહેપાર કરી રહેલા નીતિ-નિર્ધારકો અને તેમની સરકારો ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા હોવાના એક કરતાં વધારે દાખલા સામે આવી રહ્યાં છે.

ભારતમાં કલ્યાણકારી યોજનાઓ યોજના પંચના દિશાનિર્દેશ પ્રમાણે અમલી બનતી હોય છે. યોજના પંચના અધ્યક્ષ હોદ્દાની રુએ વડાપ્રધાન ખુદ હોય છે. ગરીબો, શોષિતો-વંચિતો અને પીડિતો માટેની કલ્યાણ યોજનાઓ બનાવતું યોજના પંચ કેટલી હદે અસંવેદનશીલ છે, તે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેણે રજૂ કરેલા સોગંદનામાથી સ્પષ્ટ બન્યું છે. યોજના પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે શહેરોમાં રોજના 32 રૂપિયા અને ગામડાંમાં રોજના 26 રૂપિયા મેળવનાર વ્યક્તિ ગરીબ કહી શકાય નહીં. યોજના પંચનું ગરીબો સંદર્ભે કરવામાં આવેલું આકલન આ કાળઝાળ મોંઘવારીમાં કેટલું વ્યવહારીક છે, તે તો સામાન્ય જનતાની સાથે મળીને અનુભવવાનો વિષય છે. યોજના પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ રોજના રૂપિયા 32 લેખે એક અઠવાડિયું ગુજારીને ગરીબી કોને કહેવાય તેનો અનુભવ કરવો જોઈએ. યોજના પંચના આંકડામાં કેટલી સચ્ચાઈ છે, તે કદાચ ભાગ્યે જ કોઈનાથી અજાણ હશે. પરંતુ ગરીબી આકલન અને માપનની પદ્ધતિઓને લઈને ભ્રમ છે. આ સંદર્ભે સમાધાન આપણી એક મોટી જરૂરત છે.

ગરીબી માપવાની પારાશીશી જુદીજુદી પદ્ધતિઓ અને માપદંડોને આધારે ઉભી કરવામાં આવે છે. તેના કારણે ભારતમાં ગરીબોની વસ્તી કેટલી છે? તેના ઘણાં જવાબ હોઈ શકે છે. જુદાંજુદાં રિપોર્ટોને જોઈએ તો આ એક રાષ્ટ્રીય શરમ છે. આપણા દેશમાં કેટલાં ગરીબો છે, તે સાચા માપદંડોને આધારે આપણે જાણતા નથી. યોજના પંચના નવા રિપોર્ટનો અસ્વીકાર કરી શકાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા રિપોર્ટના આધારે જ કલ્યાણકારી યોજનાઓ સંચાલિત થાય છે અને ત્રુટિપૂર્ણ અહેવાલોને આધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવવાનો અર્થ છે, વિકાસની દુર્ગતિ. સરકાર ગરીબી નિયંત્રણ માટે યોજના પંચના આંકડાને આધારે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જો કે યોજના પંચનું આકલન અન્ય આવા આકલનોની સરખામણીએ ગરીબોની વસ્તી ઓછી જણાવે છે.

દેશમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન પ્રમાણે 60.50 ટકા, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી એન. સી. સક્સેના સમિતિ પ્રમાણે 50 ટકા, વિશ્વ બેંક પ્રમાણે 42 ટકા, અર્જૂનસેન ગુપ્તા પ્રમાણે 78 ટકા અને સુરેશ તેંડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે 37.2 ટકા ગરીબો દેશની કુલ વસ્તીમાં છે. જો કે યોજના પંચના નવા આકલન પ્રમાણે દેશમાં લગભગ 30 ટકા લોકો જ ગરીબ છે. ગરીબોની વસ્તી સંદર્ભેના આ તમામ આકલનોના માપદંડો અલગ અલગ છે. યોજના પંચના આકલનમાં ખાવાપીવાની વસ્તુઓનો ઉપયોગ અને પ્રતિ વ્યક્તિએ કેલરીના ઉપયોગને મહત્વનું માપદંડ માનવામાં આવ્યું છે. જ્યારે તેંડૂલકર સમિતિએ ભોજનની સાથે, શિક્ષણ અને આરોગ્ય પર થનારા ખર્ચાને પણ માપદંડ તરીકે સામેલ કર્યા હતા. તેવી રીતે સક્સેના સમિતિ ગ્રામીણ વિસ્તારો માટે 700 રૂપિયાની આવક અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયાની માસિક આવકનને ગરીબી અનુમાન માટે આધાર બનાવે છે. તેમણે કુપોષિત બાળકો અને એનિમિયા જેવા રોગોથી પીડિત મહિલાઓને પણ આધાર બનાવ્યા છે.

ખરેખર દેશમાં ગરીબી નિર્મૂલન માટે સૈદ્ધાંતિક નહીં, પણ વ્યવહારીક નીતિની જરૂર છે. તેના માટે ગરીબોની સંખ્યા સિદ્ધાંતોના આધારે નહીં, વ્યવહારના આધારે બનાવવી જોઈએ. સરકારે નવી આર્થિક નીતિ અને સુધારાની અસરોનું નિષ્પક્ષ આકલન કરવા માટે યોજના પંચને પ્રેરીત કરવું જોઈએ. જો કે સરકાર આવા પ્રભાવોને સકારાત્મક બતાવવા માટે જ ગરીબો અને ગરીબીના આકંડામાં હેરફેર કરે છે. સરકારે ગરીબને યોગ્ય રીતે પરિભાષિત કરવાની સાથે અમીરીને પણ પરિભાષિત કરવી પડશે. ગરીબ અને અમીર વચ્ચેના મધ્યમ વર્ગને પરિભાષિત કરીને કોઈક યોજનાઓ તેઓ ગરીબીના સ્તરમાં આવી ન જાય તેના માટે પણ બનાવવી પડશે. જો સરકાર આવી કોઈ પરિભાષાઓ યોગ્ય માપદંડોના આધારે વ્યવહારીક રીતે બનાવી શકે નહીં, તો તેમણે સરકારી યોજનાઓને આંકડાબાજીની જાળમાંથી બચવવા માટે તમામ જનકલ્યાણ યોજનાનો લાભ દેશના તમામ નાગરીકોને ઉપલબ્ધ થાય તેમ કરવું જોઈએ.

Thursday, September 29, 2011

ચીનનું આક્રમક વલણ ભારત માટે ખતરનાક


આનંદ શુક્લ

ભારતના સામરીક હિતોને સૌથી વધારે નુકસાન ચીન દ્વારા થઈ રહ્યું છે. એનડીએની અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની સરકારના તત્કાલિન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે ચીનને ભારતનું દુશ્મન નંબર વન ગણાવ્યું હતું. ભારત સાથે 1962માં હિંદી-ચીની ભાઈ ભાઈના બેશુદ્ધ વાતાવરણમાં યુદ્ધ કરનાર ચીન છેલ્લા કેટલાંક વર્ષોથી ભારત સાથે અત્યંત આક્રમક વલણ દાખવી રહ્યું છે. ઈન્ડિયન ડિફેન્સ રિવ્યૂના સંપાદક અને સંરક્ષણ મામલાના જાણકાર કેપ્ટન ભરત વર્માએ ચીનના વલણને જોઈને આગાહી કરી હતી કે ચીન ભારત વિરુદ્ધ 2012 પહેલા યુદ્ધ છેડશે. ભારતને અંતિમ પાઠ ભણાવવા માટે હતાશ થઈ ચુકેલી ચીની સરકાર પાસે તેના ઘણાં કારણ છે કે આ સદીમાં એશિયામાં તે પોતાનું પ્રભુત્વ કાયમ કરી શકે. ચીની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સામાયિક કીશીના અંકમાં પ્રકાશિત લેખમાં ભારત સાથેના સીમા વિવાદના ઉકેલ માટે અને શાંતિ સ્થાપિત કરવા માટે યુદ્ધની તરફેણ કરવામાં આવી હતી.

સંરક્ષણ મામલાના મેગેઝીન ઈન્ડિયન મિલિટ્રી રિવ્યૂમાં પ્રકાશિત લેખમાં ભારતીય સેનાના સેવાનિવૃત મેજર જનરલ જી.ડી.બક્ષીએ દાવો કર્યો હતો કે ભારતની વધતી આર્થિક હેસિયત અને અમેરિકા સાથેના નજીકના સંબંધો જંગનું કારણ બનશે. જો કે સંરક્ષણ વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ચીનના ભારત પરના આ સંભવિત હુમલામાં અમેરિકા કોઈ દખલ કરશે નહીં, કારણ કે ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં અમેરિકાની સેનાને જાનમાલની ઘણી હાનિ પહોંચી છે. જી.ડી.બક્ષીએ સંભાવના વ્યક્ત કરી છે કે ચીનથી સંભવિત યુદ્ધમાં ઓપરેશનનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીર હશે, જ્યાં પૂર્વ અને પશ્ચિમી છેડા પર પાકિસ્તાન સાથે મળીને હુમલો કરી શકે છે.

આ વર્ષે ચીને પોતના સંરક્ષણ બજેટમાં 12.7 ટકાની વૃદ્ધિ કરીને કહ્યું છે કે તે ભારત જેવાં પડોશી દેશો સાથે સારા સંબંધ ચાહે છે. આ વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ વધીને 601 અબજ યુઆન એટલે કે 91.5 અબજ ડોલર કરીદેવામાં આવ્યું છે. 2010માં ચીને પોતાના સંરક્ષણ બજેટમાં 7.5 ટકાની વૃદ્ધિ કરી હતી. ભારતના સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન અને ચીનને ભારતની સુરક્ષા માટે ટેન્શનના બે મોટા કારણો ગણાવ્યા હતા. પાકિસ્તાનમાં શાસનની સમસ્યા અને આતંકવાદી સંગઠનોને સરકારી મદદ મળવી ચિંતાનું કારણ છે, તો ચીનની વધતી લશ્કરી તાકાત ભારત માટે મોટો પડકાર બનેલો છે. ચીન દ્વારા છેલ્લા કેટલાંક સમયમાં ઉઠાવાયેલા પગલાં તેના ખતરનાક ઈરાદા જાહેર કરે છે. તેમાં તિબેટમાં રણનીતિક રીતે મહત્વના વિકાસ કામોમાં ઝડપ, ચીનની આવાગમનની ક્ષમતામાં વધારો, કારાકોરમ હાઈવેને પહોળો બનાવવો, ગિલગિટમાં ચીની સૈનિકોની તેનાતી અને ગિલગિટની પહાડીઓમાં ગુફાઓ તથા સુરંગોનું નિર્માણ કરી ત્યાં ડોંગ ફેંગ 21 ડી વિમાનની તેનાતી કરવાની વ્યવસ્થા કરવી, મુખ્ય છે. તિબેટમાં લડવા માટે સૈન્ય અભ્યાસમાં ઝડપ જેવા પગલાં પણ સામેલ છે.

આ સિવાય ચીને બ્રહ્મપુત્ર નદી પર 3370 ફૂટની ઊંચાઈવાળો બંધ બાંધ્યો છે. તેના કારણે બ્રહ્મપુત્ર નદીના વહેણ પર વિપરીત અસર પડશે. પરંતુ ચીન બંધની ઊંચાઈને ઓછી નહીં કરવા માટે અક્કડ છે. જૈંગૂમ બંધ તિબેટના પૂર્વ ભાગમાં બનાવાય રહ્યો છે અને તેનાથી ભારત તરફ હિમાલયના પર્યાવરણ પર પણ વિપરીત અસર પડશે. ચીન બ્રહ્મપુત્ર પર અન્ય ઘણાં ડેમ બનાવવાની યોજના કરી રહ્યું છે અને સંકેત છે કે ચીને આ પરિયોજનાઓ પર કામ પણ શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ પ્રમાણે, ચીન બ્રહ્મપુત્ર નદી પર લગભગ 24 બંધો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના સિવાય પાંચ બંધ ડેમ બામચૂ નદી પર પણ બનાવાય રહ્યાં છે, આ નદી ભારતમાં કોસી નદીના નામથી જાણીતી છે. ચીન ભારત સાથે પાણીની વહેંચણી સંદર્ભે કોઈપણ સંધિ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર નથી. આમ ચીન ભારતની જળસંપદા પર પણ ટાંપીને બેઠું છે.

ચીન ભારતના સામરીક હિતોને પાકિસ્તાનનો ઉપયોગ કરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાન ભારત સામે આતંકવાદનો અને ચીન પાકિસ્તાનનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેના કારણે ચીન પાકિસ્તાની સેનાને પરમાણુ શસ્ત્રો, મિસાઈલ, ફાઈટર પ્લેન જેવી યુદ્ધસામગ્રીઓ પૂરી પાડે છે. જેના કારણે ભારતની લશ્કરી શક્તિની સાથે પાકિસ્તાન સમતુલા જાળવી શકે. જ્યારે પાકિસ્તાન ભારત સામેની તેની દુર્ભાવનાઓના પરિણામે આતંકવાદને હથિયાર બનાવીને ભારતને નબળું પાડીને 1971ના યુદ્ધમાં મળેલી કારમી હારનો બદલો વાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીનના ટેકાને કારણે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પાકિસ્તાની સેના અમેરિકાને પણ આંખો બતાવવા માંડી છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નજીકના એબટાબાદમાં હણ્યો. ત્યાર બાદ પાકિસ્તાને જણાવ્યું હતું કે તે પોતાની સાર્વભૌમિકતાનો ભંગ કદાપિ સહન કરશે નહીં.

હવે ઉત્તર વજીરીસ્તાનમાં તાલિબાની હક્કાની નેટવર્ક પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના દોરીસંચાર નીચે નાટો અને અમેરિકન સેના પર હુમલા કરતું હોવાનો અમેરિકાએ આક્ષેપ કર્યો છે. ત્યારે પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કિયાનીએ 6 કલાક લાંબી બેઠક બોલાવીને અમેરિકાને જવાબ આપવાની ધમકી ઉચ્ચારી છે. માનવામાં આવે છે કે આ બધું પાકિસ્તાની સેના ચીનના પાછલા બારણે મળી રહેલા મજબૂત ટેકાથી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે 2014 સુધીમાં અમેરિકી અને નાટો સેનાઓ અફઘાનિસ્તાનમાંથી હટી જશે. ત્યારે હક્કાની નેટવર્ક થકી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાના સામરીક હિતો સાધશે. સ્વાભાવિક છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સામરીક હિતો પાર પડશે, તો તેનું સૌથી મોટું નુકસાન ભારતને થશે. ભારતના સામરીક નુકસાનમાં ચીનનો ફાયદો છે. તેને કારણે ચીન પાકિસ્તાનને મદદ કરવામાં આગળ પડતો ભાગ ભજવશે. તાજેતરમાં ભારતના સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોનીએ કહ્યું છે કે તાલિબાન ભારત માટે મોટું જોખમ બની શકે છે. તેમના આ નિવેદનનું કારણ પણ કદાચ સામરીક હિતોનું ચીન-પાકિસ્તાનનું સંયુક્ત ગણિત હોઈ શકે છે.

ચીને પાકિસ્તાન સાથે મળીને ભારત સામે આક્રમક વલણ ચરમ પર પહોંચાડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીને પોતાના સૈનિકો તેનાત કર્યા હોવાના અમેરિકા અખબારમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારત પોતાનો ભાગ ગણે છે. આ ક્ષેત્ર પર પાકિસ્તાનનો ગેરકાયદેસરનો કબજો હોવાની વાત ભારત ઉઠાવતું રહે છે. પરંતુ તેને નજરઅંદાજ કરીને ચીને કારાકોરમ હાઈવે અને અન્ય પરિયોજનાઓ પર કામ કરવાનું ચાલુ જ રાખ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના નાગરીકને સ્ટેપલ વીઝા આપવાની અવળચંડાઈ પણ કરી છે. તાજેતરમાં ભારતીય સરહદમાં ફરી એક વખત ચીનની સેનાએ ઘૂસણખોરી કરી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો કાશ્મીરના ન્યૌમા સેક્ટરના ચુમાર વિસ્તારમાં ઘૂસ્યા હતા. એવી જાણકારી પણ બહાર આવી છે કે ચીની સેનાના બે હેલિકોપ્ટર્સે પણ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. ચીની સૈનિકો ભારતીય સીમામાં દોઢ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા હતા. ચીની સૈનિકોએ ભારતીય સીમાના ખાલી બંકરો અને ટેન્ટોને પણ નુકસાન પહોંચાડયું છે. આ પહેલો મોકો નથી કે જ્યારે ચીની સેનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હોય. 2009માં લડાખમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરીને લાલ રંગથી ચીની ભાષામાં ક્ષેત્ર ચીનનું હોવાનું લખ્યું હતું.

આ પહેલો મોકો નથી કે જ્યારે ચીની સેનાએ આવી હરકત કરી હોય. આ પહેલા ચીની નૌસેનાએ ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવત વિયેતનામના પોર્ટમાંથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે દક્ષિણ ચીન સાગરમાં હસ્તક્ષેપ કરીને પોતાની ઓળખ જણાવવા કહ્યું હતું. ત્યાર બાદ વિયેતનામના દાવાવાળા સમુદ્રી ક્ષેત્રમાં તેલ શોધવાનો કાર્યક્રમ ચાલુ રાખવા સંદર્ભે ચીને ભારતને ધમકી આપી છે. દક્ષિણી ચીને સમુદ્રમાં ચાલી રહેલા શોધ કાર્ય પર કડક શબ્દોમાં ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેના તટીય વિસ્તારમાં કોઈપણ પ્રકારના શોધ કાર્યથી તેની સાર્વભૌમતાનું ઉલ્લંઘન થાય છે અને તેનાથી વિવાદ વધી શકે છે. જો કે ભારતને ધમકી આપનારું ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાની પરિયોજનાઓ અને લશ્કરી ઉપસ્થિતિ યથાવત રાખી રહ્યું છે અને ભારતની કોઈપણ પ્રકારની ચેતવણીને માની રહ્યું નથી.

આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચે તણાવ યુદ્ધ કે તેના જેવી સ્થિતિ સુધી વણસવાની શક્યતાઓ વિશેષજ્ઞો જોઈ રહ્યાં છે.ભૂતકાળમાં ભારતીય વિશેષજ્ઞો જણાવી ચુક્યા છે કે, ચીન થંડર ડ્રેગન-2014 નામના ઓપરેશનની યોજના બનાવી રહ્યું છે. તેમાં પાકિસ્તાન સાથે મળીને તે ભારત પર બે તરફથી હુમલો કરશે. જાણકારોના માનવા પ્રમાણે, ઓપરેશન હેઠળ પાકિસ્તાની સેના પીપલ્સ લિબરેશન આર્મી તિબેટના લોખા વિસ્તારમાં આક્રમક સૈન્ય અભ્યાસ કરશે, જેથી ભારતીય સેના ધોખામાં રહે. તેની સાથે 26/11ની તર્જ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા ભારતના મહત્વપૂર્ણ શહેર મુંબઈ કે અન્ય કોઈ શહેર પર હુમલો કરવામાં આવશે. આ ઓપરેશનના બ્લૂ પ્રિન્ટ પ્રમાણે ભારતીય જનતાના મનવમાં ઉપજેલા ગુસ્સાને કારણે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેના દ્વારા હુમલા કરશે, ત્યાર બાદ પાકિસ્તાન ભારતના મુખ્ય શહેરો પર જવાબી હુમલા કરશે. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્તરે સૈન્ય હુમલા વચ્ચે પરિસ્થિતિ ગંભીર થતાં જ રાજ્યના મેદાન વિસ્તારમાં સૈનિકોને ઉતારવામાં આવશે. બીજી તરફ, પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં પોતાની રેપિડ એક્શન ફોર્સના જવાનોને સક્રિય કરી દેશે. ઓપરેશન થંડર ડ્રેગન-2014 પ્રમાણે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના હુમલાના ત્રણ સપ્તાહમાં ચીનની સેના લડાખમાં પોતાનું અભિયાન શરૂ કરી દેશે.

ભારતના સેવાનિવૃત જનરલ દીપક કપૂરે સેના માટે ચીન અને પાકિસ્તાન સરહદે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની તરફેણ કરી હતી. તેની પાછળની ગણતરી ચીન અને પાકિસ્તાન તરફથી થનારા સંભવિત એકસામટા આક્રમણ સામે ભારતની સુરક્ષા કરવાની હતી. તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોનના રિપોર્ટમાં ચીનની સૈન્ય ક્ષમતાઓ સંદર્ભે રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેમાં ભારતની સરખામણીએ ચીનની સૈન્ય ક્ષમતા ઘણી વધારે હોવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ચીનની મોટી સૈન્ય ક્ષમતા સામે ભારતે પણ વળતી વ્યૂહરચના ઘડવી પડે, તે સમયની માગણી છે. ભારત પર ચીન આક્રમણ કરશે કે કેમ, તેનો આધાર ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવામાં કરેલી તૈયારી પર છે. જો ભારત ચીનને જડબાતોડ જવાબ આપવામાં સહેજ પણ કચાશ કરશે, તો ભારતીય સંરક્ષણ વિશેષજ્ઞોની 2014માં ચીન દ્વારા હુમલો થવાની સંભાવનાઓ તદ્દન સાચી પડશે. આવા સંજોગો ટાળવા માટે ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજકારણીઓએ હવે ભારત રક્ષા માટે સેનાને ફ્રી હેન્ડ આપીને કામ કરવા દેવું પડશે.

Friday, September 23, 2011

‘વિકાસ પ્લસ હિંદુત્વ’નો એજન્ડા જ મોદીને વડાપ્રધાન બનાવશે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થશે, તો પાર્ટી આપમેળે જ ઘણી બાબતોમાં સ્પષ્ટ થઈ જશે. સદભાવના મિશનના અનુભવ પછી જોઈ શકાયું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટની છબીમાંથી છટકી શકે તેમ નથી. સદભાવના મિશન ઉપવાસના બીજા દિવસે એક સૂફી સંતે મંચ પર નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી. હકીકતમાં નરેન્દ્ર મોદી સામે ટોપી પહેરવી અને ટોપી ન પહેરવીના બંને વિકલ્પોમાં નુકસાન હતું. તેમની પાસે ઓછું નુકસાન થાય તેવો વિકલ્પ પસંદ કરવાની રાજકીય મજબૂરી હતી. નરેન્દ્ર મોદી કટ્ટરવાદી છબી ધરાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી બન્યા બાદ થોડા મહીનાઓમાં ગોધરાકાંડની 56 હિંદુઓને ટ્રેનમાં સળગાવી દેવાની ઘટના બની. ત્યાર બાદ ગુજરાતે 2002માં મોટા રમખાણોના તબક્કામાંથી પસાર થવું પડયું. જનઆક્રોશના પરિણામે ગુજરાતમાં મુસ્લિમોને સૌથી વધારે જાનમાલની હાનિ ઉઠાવવી પડી. સેક્યુલર અંતિમવાદીઓના તર્ક-કુતર્કોને પરિણામે નરેન્દ્ર મોદીની છબી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કટ્ટર હિંદુવાદી નેતા તરીકે ઉપસી આવી. તો ગુજરાતની જનતાએ તેમને તમામ પ્રચાર-દુષ્પ્રચાર છતાં હિંદુ હ્રદય સમ્રાટ બનાવી દીધા. હિંદુ હ્રદય સમ્રાટની ઈમેજના આધારે નરેન્દ્ર મોદી ડિસેમ્બર-2002માં વિધાનસભાની ચૂંટણી મીડિયામાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ અને દુષ્પ્રચારના ચક્ર છતાં જીત્યા. જો કે નરેન્દ્ર મોદી જાણતા હતા કે તેમને હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની મળેલી લોકચાહનાને પરિણામે ઉપસેલી છબી વાઘની સવારી છે. તેમ છતાં તેવા સંજોગોમાં તેમના માટે સેક્યુલર દેખાવાનો વિકલ્પ આત્મઘાતી હતો. તેના કારણે તેમણે હિંદુ હ્રદય સમ્રાટની છબીને જાળવી રાખીને વિકાસપુરુષ અને સુશાસક તરીકેની છબી ઉપસાવાનો ભરપૂર પ્રયત્ન કર્યો.

તેના માટે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદે 2002માં ચૂંટાયા બાદ ગુજરાતમાં વિકાસ કાર્યોને નવી ઊંચાઈ આપી. ગુજરાતમાં વિકાસ સહજ રીતે થાય છે, પણ તેની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં મોદી સફળ થયા. ઉદ્યોગોના મૂડી રોકાણમાં છત્તીસગઢ અને બિહાર જરાય પાછળ નથી. છતાં ગ્લેમરાઈઝ્ડ પ્રચારે ગુજરાતને વિકાસ રાજ્યની ઈમેજ આપી. આ એ ગુજરાત છે કે જ્યાં 1969માં આખા ભારતમાં સૌથી વધારે ફોર વ્હીલર્સ હતા. તેના કારણે ભારતનું સૌથી પહેલું ડ્રાઈવ ઈન થિયેટર ગુજરાતમાં બનાવાયું હતું. રાજ્યનું ઔદ્યોગિકરણ પણ તેજ ગતિથી થાય તેના માટે તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને રાજ્યમાં દેશી-વિદેશી રોકાણને આકર્ષવા માટે કોશિશ કરી. તેમના આ પ્રયાસોને ધારી સફળતા મળી. તેની સાથે નરેન્દ્ર મોદીના પ્રચાર તંત્રે તેમની હિંદુ હ્રદય સમ્રાટની છબીના સ્થાને વિકાસપુરુષ અને સફળ સુશાસકની છબીને ઉંચકવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. તેમા નરેન્દ્ર મોદી 2007 સુધીમાં સફળ પણ થયા. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દા પર વોટ માંગવા માટે ચૂંટણી જંગમાં ઉતર્યા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે મોતના સોદાગર જેવો શબ્દ વાપરીને જીતના પવનની દિશા મોદી તરફ ફેરવી દીધી. 2002થી 2007ની ટર્મ દરમિયાન મોદીને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબીથી જ પોતાના ઘોર રાજકીય વિરોધીઓને એક પછી એક માર્ગમાંથી હટાવવામાં સફળતા મળી હતી. એટલે કે 2007માં તેમને હિંદુ હ્રદય સમ્રાટની છબીની કોઈ જરૂરત ન હતી. તેમ છતાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને રમખાણોની પૃષ્ઠભૂમિમાં મોદી માટે વપરાયેલા મોતના સોદાગર જેવાં સોનિયા ગાંધીના શબ્દોએ ભાજપ અને મોદીને ફરીથી હિંદુત્વના મુદ્દે જ જીત અપાવી દીધી.

પરંતુ રાજનીતિ મહત્વકાંક્ષાઓનો ખેલ છે. મહત્વકાંક્ષાઓને પૂરી કરવા માટે રાજકારણીઓ એક ઈમેજ તોડીને બીજી ઈમેજ બનાવતા હોય છે. નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જઈને વડાપ્રધાનના સર્વોચ્ચપદની ઉમેદવારી કરવામાં સૌથી મોટી અડચણ છે. આ વાત નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે. તેથી તેમણે 2009ની ચૂંટણી સુધીમાં પોતાની વિકાસપુરુષ તરીકેની છબીને વધારે દ્રઢ બનાવીને રજૂ કરી. તેના પરિણામે 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી એલ. કે. અડવાણી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા હોવા છતાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકશે અંબાણી, અનિલ અંબાણી અને સુનિલ મિત્તલ જેવાં ઉદ્યોગપતિઓએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા. 2009ની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી સંદર્ભે ઉદ્યોગપતિઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ પર ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહીં. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, 2009ની ચૂંટણીમાં વિકાસપુરુષ બનવા મથી રહેલા કટ્ટર હિંદુવાદી ઈમેજમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ માટે ઉદ્યોગપતિઓ દ્વારા પહેલી પસંદ બતાવવાની વાતથી મતદારોમાં ગુંચવાડો ઉભો થયો હતો. જેના પરિણામે ભાજપને કોંગ્રેસ સામે સારો દેખાવ કરવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે 2009ની ચૂંટણીમાં ભાજપને દેશભરમાં મુસ્લિમોના અંદાજે માત્ર સાત ટકા મત મળ્યા હતા.

હવે જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં કોંગ્રેસ વિરુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે, ત્યારે ફરીથી અડવાણી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નવી રથયાત્રા દ્વારા ભાજપને સક્રિય કરી રહ્યાં છે. તેનો રાજકીય અર્થ એવો લગાવાતો હતો કે અડવાણી હજીપણ વડાપ્રધાનપદની રેસમાં છે. બરાબર તેવા જ સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુલમર્ગ કાંડમાં એસઆઈટી અને એમએક્સક્યુરીના રિપોર્ટો અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયને નરેન્દ્ર મોદીએ રમખાણોમાં પોતાને ક્લિનચીટ મળી હોવાનું ગણાવીને રાજકીય દાવ ખેલી લીધો. તેમણે સદભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં મુસ્લિમો દ્વારા અલ્લાહ હો અકબરના સૂત્રો પોકારાયા. આ સેક્યુલારિઝ્મના તમામ પ્રયોગો નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ઉપસાવા અને પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી દૂર કરવા માટે કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું પણ ખરું કે તેમના સદભાવના મિશનના ઉપવાસ દેશમાં વોટબેંકની રાજનીતિનો અંત અને વિકાસની રાજનીતિની શરૂઆત છે. પરંતુ ઈમામ શાહી સૈયદ દ્વારા મુસ્લિમ ટોપી ન પહેરવાની ઘટનાએ નરેન્દ્ર મોદીના સદભાવના મિશન પર પાણી ફેરવી નાખ્યું. દેશભરના મુસ્લિમ સમુદાયમાં એક સંદેશ ગયો કે મુસ્લિમ ટોપી પહેરવાનો ઈન્કાર કરીને નરેન્દ્ર મોદી પોતાની હિંદુ હ્રદય સમ્રાટની છબી યથાવત રાખવાનું નક્કી કરી ચુક્યા છે. જો કે આ બાબત નરેન્દ્ર મોદીની રાજકીય મજબૂરી હતી કે તેઓ ગુજરાતમાં 2012ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુસ્લિમ ટોપી પહેરીને કોઈપણ પ્રકારના રાજકીય આપઘાતને આમંત્રણ આપે નહીં. પરંતુ ટોપીકાંડથી નરેન્દ્ર મોદીના 2014ના મિશન દિલ્હીને કમરતોડ ફટકો પડયો છે.

સપ્ટેમ્બર માસમાં આવેલા અમેરિકી કોંગ્રેસની એજન્સીના રિપોર્ટમાં કહેવાય છે કે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર ગણાવાયા છે. તેમાં 2014નો ચૂંટણી જંગ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો જંગ હશે, તેવી વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના શાસનની પણ પ્રશંસા કરવામાં આવી છે. સદભાવના મિશન દરમિયાન અડવાણી સહીતના ભાજપના મોટામોટા નેતાઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર બની શકે તેવી વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી છે. ભૂતકાળમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ પોતાની નિયુક્તિ બાદ થોડા સમયમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાની વાત કહી છે. ભાજપના અરુણ શૌરી, એમએનએસના રાજ ઠાકરે સહીત ચીન-જાપાન જેવાં દેશોના મતે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર હોવાની વાતો સામે આવી છે. પરંતુ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસ બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો પક્ષ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરતો નથી. આવી સંભવિત પરિસ્થિતિમાં જેડીયૂએ એનડીએથી છેડો ફાડવા સુધીના અર્થની વાત પણ કહી છે. આમ એનડીએમાં ભાજપ બાદ દ્વિતિય ક્રમના પક્ષ જનતાદળ-યૂનાઈટેડે નરેન્દ્ર મોદીને એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નાપસંદ કર્યા છે.

અત્રે નોંધનીય છે કે બિહાર વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને તેમની કટ્ટર હિંદુવાદી નેતા તરીકેની છબીને કારણે નીતિશ કુમારના કહેવાથી ભાજપે પ્રચાર કાર્યથી દૂર રાખ્યા હતા. કારણ કે નીતશ કુમારની સેક્યુલર છબી છે અને તેમને બિહારમાં 16 ટકા મુસ્લિમ મતોની ફિકર સતાવતી હતી. એમએનએસના રાજ ઠાકરેને સદભાવના મિશનના મંચ પર નરેન્દ્ર મોદી સાથે જોઈને ભાજપના જૂના સહયોગી શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેના પેટમાં તેલ રેડાયું છે. તો એઆઈએ-ડીએમકેના જયલલિતાએ પણ નરેન્દ્ર મોદીને હાલ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ટેકો આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેલગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ અને ખુદ અણ્ણા હજારેએ પણ નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની સંભવિત ઉમેદવારી સામે જાહેરમાં નાખુશી વ્યક્ત કરી છે.

ત્યારે હાલ ‘વિકાસ માઈનસ હિંદુત્વ’ની નીતિ પર બે લોકસભા ચૂંટણી લડીને હારેલું ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવે તો જ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે વડાપ્રધાન પદે પહોંચવાનો રસ્તો ખુલ્લો રહે તેમ છે. પરંતુ સવાલ એ છે કે શું ભાજપની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા સર્જરી અને કેમોથેરપીની સારવાર પૂરી થઈ ચુકી છે કે જેથી ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની રાજનીતિ પર ચૂંટણી લડવા માટે તૈયાર થાય? આ સવાલનો હાલ તો કોઈ જવાબ મળે તેવી શક્યતા નથી. જો કે પોતાની રથયાત્રા માટે મંજૂરી લેવા નાગપુર સંઘમુખ્યાલય ગયેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એવા સંકેત આપ્યા છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. તેવા સંજોગોમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદ માટે અન્ય વિકલ્પો પર વિચાર થશે. તેમાં જો ભાજપ વિકાસ માઈનસ હિંદુત્વની રણનીતિ નીચે ચૂંટણીમાં ઉતરશે, તો નરેન્દ્ર મોદી તેમની કટ્ટર હિંદુવાદી નેતાની છબીને કારણે પાર્ટી માટે પ્રચારમાં તો કામમાં આવશે, પરંતુ ગઠબંધનના યુગમાં વડાપ્રધાન તરીકની ઉમેદવારીના કામમાં નહીં આવે.

બીજી શક્યતાનો વિચાર કરીએ તો ભાજપ ‘વિકાસ પ્લસ હિંદુત્વ’ની નીતિ પર આગળ વધે, તો નરેન્દ્ર મોદી હાલ ભાજપ તરફથી સૌથી મોટા ‘ક્રાઉડ પુલિંગ કટ્ટર હિંદુવાદી નેતા’ તરીકે વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ બની શકે. જો કે આ પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર મોદીએ સંઘ, સંઘ પરિવાર અને ભાજપમાં રહેલા પોતાના નારાજ, નાખુશ અને અસંતુષ્ટ સાથીદારોને માનવવા પડશે. કોર્પોરેટ જગતની વડાપ્રધાન તરીકેની પહેલી પસંદ બની ચુકેલા નરેન્દ્ર મોદી ખૂબ મોટાપ્રમાણમાં પાર્ટી ફંડ એકઠું કરે છે. પાર્ટી, સંગઠનો ફંડથી ચાલતા હોય છે, ત્યારે આવી સ્થિતિમાં નરેન્દ્ર મોદી માટે પોતાનાથી અસંતુષ્ટ, નારાજ અને નાખુશ સાથીદારોને મનાવવું અઘરું નહીં રહે.

Wednesday, September 21, 2011

સદભાવના મિશન: મોદીનો સેક્યુલારિઝમ સાથેનો પ્રયોગ!


-આનંદ શુક્લ

આમ તો નરેન્દ્ર મોદીએ જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી અને કઠલાલ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ પોતાના સેક્યુલારિઝમના પ્રયોગો ચાલુ કરી દીધા હતા. ભારતીય રાજનીતિની પહેલી જરૂરિયાત છે કે વ્યક્તિએ રાષ્ટ્રવ્યાપી માન્યતા પ્રાપ્ત કરવા માટે સેક્યુલર દેખાવું પડે છે અને સેક્યુલર દેખાવા માટે મુસ્લિમો પોતાની સાથે હોવાનું બતાવવું પડે છે. મુસ્લિમોને પોતાની સાથે હોવાનું દેખાડવા માટે રાજકારણીઓ જુદાંજુદાં પ્રકારે તુષ્ટિકરણનો સહારો લે છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં મુસ્લિમો ઉમેદવારોને ભાજપની ટિકિટ આપવામાં આવી. પરંતુ પરિણામ આવ્યું કે જૂનાગઢમાં ભાજપના તમામ મુસ્લિમો હારી ગયા. જો કે મુસ્લિમો પોતાની સાથે હોવાનું દેખાડવું રાષ્ટ્રીય સ્તરે એનડીએમાં સ્વીકૃતિ મેળવવા માટે નરેન્દ્ર મોદી માટે રાજકીય મજબૂરી સુધીનું કારણ બની ગયું હતું. કઠલાલની પેટાચૂંટણીમાં ભાજપને 65 ટકા મુસ્લિમોના મતો મળ્યા હોવાની જાહેરાત ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. ત્યાર બાદ યોજાયેલી છ શહેરોની મહાનગરપાલિકામાં મુસ્લિમોના ત્રીસ ટકા વોટ મળ્યા હોવાનો ભાજપે દાવો કર્યો હતો. તો ત્યાર બાદ પંચાયતી ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો ઉભાં રાખ્યા હતા અને તેમાંથી માત્ર 200 મુસ્લિમ ઉમેદવારો ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા. જમાલપુર, કાળુપુર, દરિયાપુર, શાહપુર, ભરૂચ, જામનગર, સૂરતની મુસ્લિમ બહુલ વિસ્તારની વોટિંગ પેટર્ન જોવામાં આવે, તો ભાજપને તેમણે પસંદ કર્યા હોય તેમ લાગતું નથી. છતાં ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ગુજરાતના મુસ્લિમો તેમના તરફ વળી રહ્યાં છે અને માટે વિકાસ તરફ વળી રહ્યાં હોવાની જોરશોરથી જાહેરાતો કરવામાં આવી છે.

તાજેતરમાં અમદાવાદના ગુલમર્ગ સોસાયટી કાંડમાં સુપ્રીમ કોર્ટે મામલો અમદાવાદના મેજીસ્ટ્રેટને સોંપ્યો છે અને પોતે કોઈ ચુકાદો આપવાનું ટાળ્યું છે. નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ તરફથી મળેલી તાત્કાલિક રાહતને તેમના દ્વારા ક્લિન ચીટ તરીકે પ્રચારીત કરવામાં આવી છે. તો પહેલી સપ્ટેમ્બરે અમેરિકન કોંગ્રેસની એજન્સી દ્વારા નરેન્દ્ર મોદીના ગુજરાતમાં વિકાસોન્મુખ શાસનની પ્રશંસા કરીને તેમને 2014માં વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની દાવેદારી મજબૂત કરવામાં માટે જ સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસનું રાજકીય પાસું ફેંક્યુ હતું. સદભાવના મિશનના તડક-ભડકવાળા આયોજનમાં મુસ્લિમોને ટોપીમાં સજ્જ કરીને મોટી સંખ્યામાં લાવવા માટે ભાજપના પ્રદેશ એકમે સૂચનાઓ આપી હતી. ભાજપના લઘુમતી સેલે મુસ્લિમોને ત્રણ દિવસના ઉપવાસ આયોજનમાં મુસ્લિમોને રાજ્યભરમાંથી સારી એવી સંખ્યામાં લાવ્યા હતા.

આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કોઈ કાર્યક્રમમાં જય શ્રીરામ અને અલ્લાહુ અકબરના સૂત્રો એકસાથે લાગ્યા. નરેન્દ્ર મોદીએ તેનાથી સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તેમણે પણ હવે પોતાનો રાજકીય કાયાકલ્પ કરવા માટે કટ્ટર હિંદુવાદી નેતાની છાપ ધીમેધીમે છોડવાની તૈયારી કરી દીધી છે. જો કે નરેન્દ્ર મોદીના આવા પ્રયત્ની સફળતા તરફ આશંકા યથાવત છે અને ભાજપ-એનડીએના તડા વધારે ખુલી ગયા હોય તેવો માહોલ બન્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને ઉપવાસ મંચ પર આવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી એક સારા વડાપ્રધાન બની શકે છે. પરંતુ ભાજપના સૌથી જૂના સહયોગી શિવસેનાને નરેન્દ્ર મોદીના મંચ પર તેમને છોડી ગયેલા રાજ ઠાકરેની ઉપસ્થિતિ ખૂંચી છે. શિવસેના સુપ્રિમો બાલ ઠાકરેએ સેક્યુલારિઝ્મના પ્રયોગો કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રામસેવકોની યાદ અપાવતા કહ્યું છે કે ગોધરાકાંડમાં હિંદુ રામસેવકો માર્યા ગયા હતા, જેથી આક્રોશિત થઈને હિંદુઓ જાગી ઉઠયા હતા. હવે તેમને ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મ સદભાવનું ઝેર પીવડાવીને મારો નહીં.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન કટ્ટરવાદી હિંદુ નેતાની છબીને કારણે નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાન માટે ત્યાં આવવાની મનાઈ ફરમાવી હતી. પહેલા તો નરેન્દ્ર મોદીના સદભાવના મિશન સંદર્ભેના પ્રશ્નનો બે હાથ જોડીને ચાલ્યા જઈને સ્પષ્ટ સંદેશ આપ્યો. ત્યાર બાદ મોદીના ત્રણ દિવસના ઉપવાસ પૂરા થયા બાદ તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી જનતાદળ-યૂનાઈટેડ નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈપણ હિસાબે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં. બિહારમાં 18 ટકા મુસ્લિમો છે અને જનતાદળ-યૂનાઈટેડના નીતિશ કુમાર સેક્યુલર છબી ધરાવે છે. નીતિશ કુમારને બિહારની રાજનીતિ કટ્ટરવાદી હિંદુનેતાની છબીમાં કેદ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવાની પરવાનગી આપતી નથી. આમ એનડીએમાં ભાજપના સૌથી મોટા સાથીદળ જનતાદળ-યૂનાઈટેડના વલણની મોદીની વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ સંદર્ભે મોટી અસર પડશે. આ સિવાય નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેક ક્ષેત્રોમાં નંબર વન કર્યું છે. પરંતુ અટલ-અડવાણી બાદ ભાજપના દ્વિતિય પંક્તિના નેતાઓમાં નરેન્દ્ર મોદી હજીપણ આધિકારીક રીતે નંબર વન બની શક્યા નથી. તેના કારણે નરેન્દ્ર મોદી પોતાની હિંદુવાદી નેતાની છબીમાંથી છટકવા માટે વિકાસપુરુષની ઈમેજને હંમેશા આગળ કરતાં નજરે પડે છે અને હવે મુસ્લિમો સાથે હોવાનું દેખાડીને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃતિ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

એઆઈએ-ડીએમકેના સુપ્રીમો અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના બે પ્રતિનિધિઓ મોદીના સદભાવના ઉપવાસમાં ગયા. જયલલિતાએ મોદીના ઉપવાસને સદભાવનાનું પ્રતિક તો ગણાવ્યા, પરંતુ તેમણે અત્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાતના કોમી રમખાણોને પરિણામે ઓરિસ્સાના નવીન પટનાયક, આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડી ગયા હતા. જયલલિતા પણ પહેલા એનડીએ સાથે હતા. અત્યારે તેઓ મોદીના સદભાવના મિશનને ટેકો આપી રહ્યાં છે, પરંતુ એનડીએ સાથે નથી.

એટલું જ નહીં, ઉપવાસના પહેલા દિવસે નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરનારા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હવે પોતાની 11 ઓક્ટોબરથી પ્રસ્તાવિત ભ્રષ્ટાચાર વિરોધી રથયાત્રાને ગુજરાતના સ્થાને બિહારથી કાઢવાના છે. નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના દરેક જીલ્લામાં જઈને એક-એક દિવસના સદભાવના ઉપવાસ કરવાની જાહેરાત બાદ અડવાણી માટે ફરીથી ગુજરાતમાંથી રથ પર ચઢવું અઘરું બની ગયું હતું. હવે તેઓ જયપ્રકાશ નારાયણની જન્મજયંતીએ બિહારમાં લોકનાયકના જન્મસ્થળ સિતાબદિયારથી રથયાત્રા કાઢશે.

નરેન્દ્ર મોદીએ 55 કલાકના ઉપવાસના પારણાં બધાં ધર્મના સંતો-મહંતો અને ધર્મગુરુઓ દ્વારા કર્યા. પરંતુ ઉપવાસના બીજા દિવસે ઠાસરાના ઈમામ શાહી સૈયદે મંચ પર આવીને મોદીને આશિર્વાદ આપીને ટોપી પહેરાવાની કોશિશ કરી. પરંતુ અન્ય પંથ-સંપ્રદાયોની પાઘડીઓ પહેરનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમામની ટોપી પહેરવાનો સ્પષ્ટ ઈન્કાર કરીને તેમને શાલ ઓઢાડવા માટે કહ્યુ હતુ.

ઈમામે મોદીને શાલ ઓઢાડવાનું સ્વીકારી લીધું. પરંતુ બાદમાં તેમણે કહ્યુ કે મોદી દ્વારા તેમના દ્વારા લાવવામાં આવેલી ટોપીને પહેરવાનો ઈન્કાર હકીકતમાં તેમનું વ્યક્તિગત નહીં, પણ ઈસ્લામનું અપમાન છે. મોદીનો ઈમામની ટોપી પહેરવાના વિવાદે દેશના મુસ્લિમોમાં ખોટો સંદેશ પ્રસારીત કર્યો છે. નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને ટોપી વિવાદથી ખાસ્સું નુકસાન ગયું છે. ધાર્મિક રીતે સંવેદનશીલ મુસ્લિમ સમાજમાં ગોધરાકાંડ બાદના રમખાણો માટે દુષ્પ્રચારથી બદનામ મોદી વધારે બદનામ થયા છે.

તો બીજી તરફ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના કલ્બે જાવેદે પણ મોદીના ઉપવાસને છેતરપિંડી ગણાવીને મુસ્લિમોને હાકલ કરી છે કે તેઓ મોદીના રાજકીય પતન માટે રોજા કરે અને દુઆઓ માંગે.

અમદાવાદની એક સમાજસેવી સંસ્થાએ નરેન્દ્ર મોદીના ઉપવાસ તેમની વ્યક્તિગત બાબત હોવાથી તેમાં થયેલો ખર્ચો મોદી પાસેથી વસૂલવામાં આવે, તેવી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.
સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસના ઘટનાક્રમને જોતાં લાગી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના નિર્ણય બાદ નરેન્દ્ર મોદી ચુપચાપ બેઠાં રહ્યાં હોત, તો તેમને વધારે ફાયદો થયો હોત. કારણ કે તેમના ઉપવાસો દરમિયાન તેમની સાથે જોડાયેલા વિવાદો વધારે તીવ્ર બન્યા છે.

હા, નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે સફળ શક્તિ પ્રદર્શન માની શકાય. પરંતુ આનો ફાયદો નરેન્દ્ર મોદીને ગુજરાતમાં જ થશે, દેશભરમાં તેમને સદભાવનાના ફળ ચાખવા મળશે નહીં. હાલના ઘટનાક્રમથી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દાવેદારીને એનડીએ અને ભાજપમાં ધક્કો જ લાગ્યો છે. પ્રવર્તમાન સંકેતોથી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીને ન તો સુપ્રીમ કોર્ટે ક્લિન ચીટ આપી છે અને ન તો તેમને સમગ્ર એનડીએનો ટેકો પ્રાપ્ત થયો છે.

નરેન્દ્ર મોદીના સેક્યુલારિઝ્મના પ્રયોગો સદભાવના મિશન થકી દેશમાં મહાત્મા ગાંધીના સમયથી ચાલી આવતી મુસ્લિમ તુષ્ટિકરણની પરંપરા આગળ વધી છે. મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતાના નામે મુસ્લિમોને વિશેષ દરજ્જો આપીને તુષ્ટિકરણ કર્યું, આઝાદ ભારતમાં ધર્મનિરપેક્ષતાના નામે લઘુમતી મુસ્લિમ સમાજનું કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું, હિંદુત્વ એ જ રાષ્ટ્રવાદ હોવાનું કહેનારા ભાજપે પણ સેક્યુલર દેખાવાની ચાહતમાં મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું, નરેન્દ્ર મોદીના સદભાવના મિશન દ્વારા પણ જાણે-અજાણે, પ્રત્યક્ષ-પરોક્ષ રીતે મુસ્લિમ તુષ્ટિકરણની પરંપરા આગળ વધી રહી છે. કદાચ નરેન્દ્ર મોદી માટે મુસ્લિમ તુષ્ટિકરણનો અર્થ સદભાવના થતો હશે.

Sunday, September 18, 2011

ઉપવાસોથી મોદીને રાજકીય સદભાવના સ્થાપવાની તક?


-આનંદ શુક્લ

ઉપવાસ પ્રાયશ્ચિતનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનાથી આત્મશુદ્ધિ થાય છે. કદાચ આત્મશુદ્ધિ અને પ્રાયશ્ચિતની ભારતના રાજકારણમાં સૌથી વધારે કોઈને જરૂર છે, તો તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. નરેન્દ્ર મોદી હિંદુત્વની રાજનીતિના ખભે બેસીને ગુજરાતના મુખ્યમંત્રી પદે પહોંચ્યા છે, પરંતુ 2002માં ગોધરાકાંડ અને તેના પછી ફાટી નીકળેલા કોમી રમખાણોએ મોદીને કોમવાદી નેતા બનાવી દીધા છે. ગોધરાકાંડ અને ગોધરાકાંડ પછીની ઘટનાઓ ન રોકી શકવા માટે નરેન્દ્ર મોદીને જરૂરથી દર્દ મહેસૂસ થવું જોઈએ અને તેનું પ્રાયશ્ચિત પણ તેમણે કરવું જોઈએ. જ્યારે રાજનેતા ઉપવાસ કરે છે, તો તેમાં રાજકીય હેતુ આપમેળે નિહિત બની જાય છે. નેતાઓ દ્વારા આવા ઉપવાસો પહેલા પણ થતા રહ્યા છે, જેવા કે નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, પરંતુ આ કદાચ પહેલીવાર છે કે જ્યારે કોઈ ઉપવાસે રાષ્ટ્રીય આયોજનનું સ્વરૂપ લીધું છે. નરેન્દ્ર મોદીને હ્રદય છે અને તેમાં પણ પરિવર્તન થઈ શકે છે. તેમના સદભાવના મિશન અંતર્ગતના ત્રણ દિવસના ઉપવાસમાં ખોટું કશું જ નથી. રાજકીય ઉદેશ્યવાળા ઉપવાસ કરવા અને તેના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનો મોદીને પૂરો અધિકાર છે.

પરંતુ એ સમજવું અઘરું છે કે તેમણે આ ઉપવાસના આયોજન પાછળ આટલો તામ-જામ કેમ કર્યો છે? જેમ કે વ્યાપક પ્રબંધન, તડક-ભડક અને પ્રચાર તંત્ર સાથે થઈ રહેલા ઉપવાસથી એવું લાગી રહ્યું છે કે જાણે કે રાજકીય પક્ષનું મહાઅધિવેશન અથવા રેલી થઈ રહી હોય. ઉપવાસ ભારતીયોની ધાર્મિક શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની સફર માટેનું સૌથી સરળ અને સાદું સાધન છે. મહાત્મા ગાંધી પણ આત્મશુદ્ધિ અર્થે ઉપવાસ કરતાં હતા, પરંતુ તેમના ઉપવાસમાં ફાઈવસ્ટાર કલ્ચર હંમેશા ગેરહાજર રહેતુ હતું. નરેન્દ્ર મોદીએ પણ પોતાના ઉપવાસ સાદાઈથી કર્યા હોત તો તેનું મહત્વ અનેકગણું વધી જાત અને તેના સંદર્ભે આટલો હોબાળો થાત નહીં. પરંતુ મોદીના ફાઈવસ્ટાર ઉપવાસથી દેશની જનતામાં એ સંદેશો જઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા પોતાના રાજકીય કદને વિસ્તાર આપી રહ્યાં છે અને પોતાને 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે, તો તેમાં લોકોનો દોષ કાઢવો ખોટો છે. કારણ કે ઉપવાસની ઘોષણા ગુજરાતના રમખાણો સંદર્ભેના મોદીને રાહત આપનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનો દાવો છે કે તે સદભાવના મિશન હેઠળ ત્રણ દિવસના ઉપવાસ દ્વારા એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા ચાહે છે. પરંતુ એ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે તેમને એકતા અને સદભાવનાનું અભિયાન છેડવાની એકાએક જરૂર શા માટે પડી? આમ જોવો તો મોદીના ફાસ્ટ ફેસ્ટિવલમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીથી માંડીને મોટાભાગના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અથવા આવી રહ્યાં છે. બધાં સ્વીકારે છે કે મોદીમાં વડાપ્રધાન બનવાની હેસિયત છે. મોદીના ઉપવાસના કાર્યક્રમમાં આવીને ભાજપના નેતાઓએ મને-કમને પોતાનું સમર્થન આપ્યું છે. કમને એટલા માટે કે વિદેશ અને ઉદ્યોગપતિઓ દ્વારા વડાપ્રધાન પદ માટેના નરેન્દ્ર મોદીને દાવેદાર ગણવા છતાં અને દેશભરમાં નંબર વન મુખ્યમંત્રી રહેવા છતાં ભાજપમાં હજી પણ તેઓ નંબર વન નેતા તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શક્યા નથી. આમ મોદીના ઉપવાસો આવા ઘણાં સવાલ ઉભાં કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ ઉપવાસના પ્રારંભે કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે ગુજરાત ક્યારેય પણ માનવતાના માપદંડોમાંથી નીચે ઉતરશે નહીં. તેમણે કહ્યું છે કે હુલ્લડોનું દર્દ તેઓ મહેસૂસ કરે છે. તેમણે હુલ્લડો સંદર્ભે શાબ્દિક માફી માંગી નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જો તેઓ ગુજરાતના તોફાનો માટે જવાબદાર હોય, તો તેમને ફાંસી આપવામાં આવે. પરંતુ એક વાત એ પણ છે કે ગુજરાતના હુલ્લડપીડિતો હિંદુ હોય કે મુસલમાન તેમને સંપૂર્ણ ન્યાય મળી શક્યો નથી. તેના કારણે જુદાંજુદાં રાજકીય પક્ષોને નરેન્દ્ર મોદીને નવેસરથી ઘેરવાનો અવસર મળી ગયો છે.

વિરોધી રાજકીય પક્ષો દ્વારા નરેન્દ્ર મોદીની ઘેરાબંધી એ જ સ્ટીરીયો ટાઈપ આક્ષેપો નીચે થઈ રહી છે. વિરોધી રાજકીય પક્ષોની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેઓ દુષ્પ્રચારની રાજનીતિમાં પોતાનો વિશ્વાસ ધરાવે છે અને જો તેમનું ચાલે તો ખુદ ન્યાયાધીશ બનીને મોદીને ફાંસીની સજા સંભળાવી દે. પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે દેશમાં ન્યાયતંત્ર સંપૂર્ણ સ્વતંત્રતાથી જીવંત સ્થિતિમાં છે. દેશના ન્યાયતંત્ર પર કોઈ રાજકીય પક્ષને વિશ્વાસ હોય કે ન હોય, પણ દેશની જનતાને તો વિશ્વાસ છે. પરંતુ મોદી વિરોધી રાજકીય પક્ષોએ એક વાત ગાંઠે બાંધવા જેવી છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધના રાજકીય રુદનથી તેઓ વધારે મજબૂત બન્યા છે. એ પણ હાસ્યાસ્પદ છે કે નરેન્દ્ર મોદીના મિશન સદભાવના નીચેના ઉપવાસનો વિરોધ કરનારી કોંગ્રેસ તેમના પ્રદેશ સ્તરના નેતાઓને ઉપવાસ કરવા દઈ રહી છે.

જો નરેન્દ્ર મોદી ઉપવાસ દ્વારા રાજકીય સ્ટંટ કરી રહ્યાં છે, તો તેનાથી મોટો તમાશો ફૂટપાથ પર બેસીને કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા સરીખા નેતાઓ કરી રહ્યાં છે. આખરે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિ કોઈને ઉપવાસ કરવાથી કેવી રીતે રોકી શકે? જો નરેન્દ્ર મોદીના ઉપવાસની જાહેરાત બાદ આટલી હાયતોબા મચાવામાં ન આવત તો કદાચ આની આટલી ચર્ચા પણ ન થાત. નરેન્દ્ર મોદીના ઉપવાસ દ્વારા સદભાવના કાયમ કરવામાં કેટલી સફળતા મળશે, તે કહેવું અઘરું છે. પરંતુ મોદીના ઉપવાસ વિરુદ્ધ થઈ રહેલા હોબાળાથી નરેન્દ્ર મોદીનું રાજકીય સ્વરૂપ વધારે વિરાટ બનશે અને તેનો તેમને રાજકીય લાભ પણ મળશે.

મિશન સદભાવના: મુસ્લિમોમાં મોદીની સ્વીકૃતિ માટેનો દાવ


- આનંદ શુક્લ

મિશન સદભાવના હકીકતમાં મોદીનું મિશન 2014 છે. શાંતિ, એકતા અને સદભાવના માટેના પોતાના ત્રણ દિવસના ઉપવાસથી નરેન્દ્ર મોદીએ ભાજપનો આગામી લોકસભા ચૂંટણી માટેનો એજન્ડા નક્કી કરી દીધો છે. ભાજપના ફાયરબ્રાન્ડ હિંદુ ચહેરાએ પોતાની ચાલ,ચરિત્ર અને ચહેરો બદલવાના સંકેતો આપી દીધા છે. એટલે કે હવે ભાજપ ફરીથી હિંદુત્વના માર્ગ પર ચઢશે નહીં. આમ તો 2004 અને 2009ની ચૂંટણીઓમાં પણ ભાજપે હિંદુત્વને કોરાણે મૂકીને વિકાસના મુદ્દાને આગળ કરીને જંગમાં ઝુકાવ્યું હતું. પરંતુ હિંદુત્વના(ભાજપ તેને રાષ્ટ્રવાદ પણ કહેતો હતો) મુદ્દાને છોડનારી ભાજપને પ્રજાએ છોડી દીધી હતી. તેમ છતાં કોણ જાણે કેમ, મુસ્લિમોને પોતાની સભામાંથી ઉભા થઈને જતાં રહેવાનું કહેનારા અને મુસ્લિમોના વોટની પોતાને જરૂર ન હોવાની વાત કહેનારા ભાજપના નેતાઓ અત્યારે મુસ્લિમ વોટો પાછળ દોડવા માંડયા છે. ગુજરાતની કઠલાલની પેટાચૂંટણી હોય કે ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણી ભાજપને સારા પ્રમાણમાં મુસ્લિમોના મતો મળ્યા હોવાનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે. બિહારની ચૂંટણીમાં પણ ભાજપને મુસ્લિમોના મતો મળ્યા હોવાના દાવા કરવામાં આવે છે. આ દાવાઓમાં કેટલું સત્ય છે, તે સંશોધનનો વિષય છે? તાજેતરમાં એક ટેલિવિઝન ચેનલના સર્વેક્ષણમાં પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદ હોવાની અને તેમને ત્રીસ ટકા મુસ્લિમોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાંક સમયથી પોતાનો હિંદુત્વવાદી ચહેરો બદલીને સેક્યુલર વિકાસપુરુષનું મ્હોરું પહેરવા માગે છે. કારણ કે નરેન્દ્ર મોદીની નજર વડાપ્રધાન પદ પર છે. ઉપવાસના પ્રથમ દિવસે પોતાના ભાષણમાં આ વાતના સંકેત આપતા તેમણે કહ્યું હતું કે તેમને દેશસેવા કરવાના આશિર્વાદ મળે. એવા દેખીતા કારણો છે કે તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન પદે પહોંચી શકાય તેવી માન્યતા મળે. અમેરિકન કોંગ્રેસની એજન્સીએ તેના તાજેતરના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીના શાસનની ઘણી પ્રશંસા કરી છે. અડવાણીએ પોતાના બ્લોગમાં પણ આ વાતને મ્હોર મારી છે. ચીન અને જાપાન પણ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની શકે તેમ હોવાની વાતને સ્વીકારી રહ્યાં છે. પરંતુ દરેક ઠેકાણે માન્યતા પ્રાપ્ત કરી શકનારા અને દેશમાં ઘણાં લાંબા સમયથી મીડિયા સર્વેમાં મુખ્યમંત્રી નંબર વન રહેનારા નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીમાં અટલ-અડવાણી બાદના દ્વિતિય પંક્તિના નેતાઓમાં હજી સુધી નંબર વનની માન્યતા મેળવી શક્યા નથી. એનડીએમાં તેમની સર્વસંમત નેતા તરીકે સ્વીકૃતિ નથી. કારણ કે 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના ડાઘે મોદીનો ચહેરો કોમવાદી નેતાનો બનાવી દીધો છે. તેના કારણે બિહારની ચૂંટણીમાં જેડીયૂના નેતા નીતિશ કુમારના કહેવાથી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યા હતા. નીતિશ કુમારના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીના બિલકુલ સહયોગ વગર ભાજપ-જેડીયૂ ગઠબંધને ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી હતી. તો ભાજપના નેતાઓનો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના પ્રશ્નનો એક જ સ્ટીરીયો ટાઈપ જવાબ હોય છે કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાના ગુણો છે. જો કે દેવેગૌડા વડાપ્રધાન બન્યા ત્યારથી સાબિત થયું કે વડાપ્રધાન બનવા ગુણો નહીં માથા જોઈએ. પરંતુ ભાજપમાં આવા ઘણાં નેતાઓ છે અને આ સંદર્ભેનો નિર્ણય પાર્ટી કરશે. વળી 2009ના પીએમ ઈન વેઈટિંગ એલ. કે. અડવાણીએ કેશ ફોર વોટ મામલે સંસદમાં બોલતા ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે નવી રથયાત્રાની ઘોષણા કરી દીધી. આમ તેમણે ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતૃત્વમાં ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે પોતાને ફરીથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં સામેલ કરી લીધા.

આ પરિસ્થિતિઓમાં વડાપ્રધાન પદના ભાજપ અને એનડીએના ઉમેદવાર બનવા માટે નરેન્દ્ર મોદીએ સેક્યુલર દેખાવું પડે તે તેમની રાજકીય મજબૂરી છે. સેક્યુલર દેખાવા માટે મુસ્લિમો પોતાની નજીક હોવાનું દેખાડવું પડે અને તેના માટે નરેન્દ્ર મોદીને તુષ્ટિકરણનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ સહારો લેવો પડે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી અને એમએક્સક્યૂરીનો રિપોર્ટ અમદાવાદની નીચલી અદાલતને સોંપવાના નિર્ણયની તક નરેન્દ્ર મોદીએ પોતાના ‘પોલીટીકલ મેકઓવર’ માટે ઝડપી લીધી. નરેન્દ્ર મોદીએ સુપ્રીમના નિર્ણય બાદ તુરંત મિશન સદભાવના નીચે ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી દીધી. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપવાસ સ્થળે મુસ્લિમોને મોટી સંખ્યામાં લાવવા માટેની સૂચના આપવામાં આવી છે અને મુસ્લિમોને ઉપવાસ સ્થળે ટોપી પહેરીને આવવાનું પણ કહેવામાં આવ્યું છે. આમ નરેન્દ્ર મોદી પોતાની સમગ્ર તાકાત પોતાને મુસ્લિમોનું પણ મોટું સમર્થન મળી રહ્યું હોવાની વાતને સાબિત કરવા પાછળ લગાડી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના ઉપવાસ પહેલો પ્રસંગ છે કે જ્યારે મોદીના ભાષણ બાદ ‘ભારત માતા કી જય’ અને ‘અલ્લાહ હો અકબર’ના સૂત્રો એકસાથે પોકારાયા હોય. અત્યાર સુધી બેગમ-બાદશાહના રાજને દૂર કરવાની અને પોતાના ચૂંટણીના ભાષણોમાં મિયાં મુશર્રફનો વારંવાર ઉલ્લેખ કરનારા નરેન્દ્ર મોદીમાં અચાનક યૂટર્ન આવ્યો છે. 2002ના રમખાણો સમયે દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોવાની વાત સમજાવીને તેમણે ન્યૂટનનો ત્રીજો નિયમ સમજાવ્યો હતો. 2011માં તેમણે ગુલમર્ગ કાંડના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે ‘વેરથી વેર સમે નહીં’. પરંતુ મરહૂમ કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના વિધવા જાકીયા જાફરીએ નરેન્દ્ર મોદીના ઉપવાસને, ‘સો ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી’ તેવી ઉપમા આપી છે. કેટલાંક સમીક્ષકો કહી પણ રહ્યાં છે કે મોદીના મોઢામાં સદભાવના, શાંતિ અને એકતાની વાત દુર્યોધનના મોઢામાં ગીતાના પાઠ જેવી લાગે છે અથવા તો શેતાન બાઈબલ વાંચે તેવું લાગે છે. તેમનું દ્રઢપણે માનવું છે કે મોદીનું મિશન સદભાવના નહીં, પણ મિશન 2014 છે.

જો કે એનડીએના સૌથી મોટા ઘટક દળ જેડીયૂએ મોદીના ઉપવાસ સંદર્ભે કોઈ ઉત્સાહ દેખાડયો નથી. જેડીયૂના અધ્યક્ષ શરદ યાદવે આની મજાક ઉડાવીને કહ્યું છે કે દેશની વસ્તીનો મોટો હિસ્સો જે અમાનવીય પરિસ્થિતિમાં જીંદગી ગુજારી રહ્યો છે, તેને તો રોજ ઉપવાસ પર રહેવાનું હોય છે. પરંતુ કોઈ તેના હાલચાલ પુછતું નથી. કેટલાંક ખાસ ઉપવાસોની જ ચર્ચા થતી રહે છે. આમ જેડીયૂના સંકેત સ્પષ્ટ છે કે તેઓ મોદીના ઉપવાસને સમર્થન ન આપીને બિહાર ચૂંટણી વખતનું મોદી સંદર્ભેનું પોતાનું વલણ યથાવત રાખશે. એટલે કે બની શકે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે, તો એનડીએમાં ભંગાણની સ્થિતિ પેદા થઈ શકે. વળી એઆઈએડીએમકેના સુપ્રિમો અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીના સદભાવના ઉપવાસને ટેકો આપ્યો છે. તેમણે આની રાજકીય સમીકરણો પર અસર પડવાની વાતને નકારી છે. તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો ટેકો આપવાની વાતને ટાળતા કહ્યું હતું કે એવી સ્થિતિ પેદા થશે, ત્યારે તેનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે જયલલિતાએ પોતાના પ્રતિનિધિઓ મોદીના ઉપવાસના ટેકામાં મોકલ્યા છે. જયલલિતાના વલણ પરથી સ્પષ્ટ છે કે એનડીએ સિવાયના પક્ષો પણ મોદીને વડાપ્રધાન પદ માટે ટેકો આપતા ખચકાય છે.

મોદીએ ઉપવાસના પ્રથમ દિવસે કહ્યું હતું કે તેમનુ સદભાવના મિશન વોટબેંકની રાજનીતિના અંતની શરૂઆત છે. તુષ્ટિકરણ કર્યા વગર તેઓ બધાં વર્ગોને સાથે લઈને ચાલી રહ્યાં છે. પરંતુ તેમની આ વાતમાં હજી પણ શંકાને સ્થાન છે. મોદીનું મિશન વોટબેંકની રાજનીતિના અંતની શરૂઆત કેવી રીતે બનશે? તેઓ પોતે પણ હિંદુ વોટબેંકની રાજનીતિ રમી ચુક્યા છે અને હવે પોતાની વોટબેંકની રાજનીતિ મુસ્લિમ મતો મેળવવા સુધી વિસ્તારી રહ્યાં છે. તેઓ તુષ્ટિકરણ કર્યા વગર બધાં વર્ગોને સાથે લઈને ચાલી રહ્યાં છે. પરંતુ તેમણે છેલ્લા કેટલાંક વખતથી જાણે-અજાણે મુસ્લિમ વોટની લ્હાયમાં તુષ્ટિકરણની રાજનીતિ શરૂ કરી નથી? અમદાવાદમાં બીઆરટીએસ શાહઆલમ વિસ્તારમાં આવીને કેમ અટકી ગઈ છે? રસ્તા પરના મંદિરો કાં તો તોડી પડાય છે અથવા સ્થળાંતરીત થાય છે, પરંતુ દરગાહોને કેમ સુરક્ષિત રાખવામાં આવે છે? કપાતમાં હિંદુ વિસ્તારના ઘરો-દુકાનો તોડવામાં આવે છે, પરંતુ મુસ્લિમ વિસ્તારો બને ત્યાં સુધી અકબંધ રાખવાનો પ્રયત્ન શા માટે કરવામાં આવે છે? આવા તો ઘણાં સવાલો રાજ્યના લોકાના દિલોદિમાગમાં ઘુમી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અઢીસો મંદિર નરેન્દ્ર મોદીની સૂચનાથી તોડી પાડવામાં આવ્યા હતા. સરખેજના રોજાના વિકાસ માટે સરકારી રાહે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના ઉર્સમાં નરેન્દ્ર મોદીએ પઠાણી સૂટ પહેરીને હાજરી આપી હતી. સામાન્ય જનતા માની રહી છે કે મોદીના ઉપવાસોનું મિશન સદભાવના મુસ્લિમોમાં પોતાની સ્વીકૃતિ ઉભી કરવાનો દાવ માત્ર છે. આમ કરીને મોદી પોતાને એનડીએમાં સ્વીકૃતિ અપાવીને વડાપ્રધાન પદ માટે તૈયાર કરી રહ્યાં છે. મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાના નામે તુષ્ટિકરણ કર્યું, કોંગ્રેસે લઘુમતીઓના નામે આઝાદ ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને ચાલુ રાખી. ભાજપમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ ઘૂસી ચુક્યો છે અને સદભાવનાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનો નવો ચીલો ચાતરશે.

ગુજરાતમાં મુસ્લિમો સંદર્ભે મોદીએ જે રાજનીતિની શરૂઆત કરી છે, તેને દેશના કેન્દ્રસ્થાને પહોંચવા માટે મોટાપાયે કરવાની તૈયારી હોવાના તેમના દ્વારા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યાં છે. આમ તો ભાજપના ચાલ, ચરિત્ર અને ચહેરામાં મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ ઘૂસી ચુક્યો છે. આ વાઈરસ અટલ, અડવાણી બાદ નરેન્દ્ર મોદીને પણ પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. પરંતુ ઘેટું ઘાસ ચરવા જાય અને ઉન મૂકીને આવે, તેવા ઘાટની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મોદીના કરોડોના ઉપવાસ સામે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ફૂટપાથ પર ઉપવાસ કર્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના આપતાં કહ્યું છે કે ભગવાન સદબુદ્ધિ આપે. ગુજરાતમાં ઉપવાસની રાજનીતિ જોરમાં છે. રાજનીતિમાં ઉપવાસ છે, પરંતુ રાજનીતિનો લાભ ખાંટવામાં કોઈ ઉપવાસ કરે તેમ નથી. ત્યારે અત્રે સવાલો ઉભા થાય છે કે મોદી ભાજપ-એનડીએમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થશે? મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવાથી જેડીયૂ અને અન્ય દળો એનડીએમાં યથાવત રહેશે? શું નરેન્દ્ર મોદી પણ મુસ્લિમ તુષ્ટિકરણની રાહ પર ના-ના કરતાં આગળ વધી રહ્યાં છે? શું ભાજપ 2014ની ચૂંટણીમાં હિંદુત્વના મુદ્દાઓને આગળ કરશે કે આઘા રાખશે?

Wednesday, September 14, 2011

ભાજપમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ!!!


-આનંદ શુક્લ

સેક્યુલર દેખાવાની ફેશનની ચરમસીમા એટલે મુસ્લિમ તુષ્ટિકરણ. ભારતમાં સેક્યુલર દેખાવું રાજકીય ક્ષેત્રની બહુ મોટી ફેશન છે. સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ભારતના નસીબમાં મહાત્મા ગાંધીના સમયથી અમલમાં આવી છે. ભારતનું રાષ્ટ્રવાદી આંદોલન અને આઝાદ ભારતમાં હિંદુત્વનું આંદોલન બધું મુસ્લિમ તુષ્ટિકરણના ભમ્મરિયા વમળમાં ફસાઈને ડૂબી રહ્યું છે. હિંદુ હ્રદય સમ્રાટો મુસ્લિમ દિલોના શહેનશાહ બનીને સેક્યુલર દેખાવા માટે વલખાં મારી રહ્યાં છે. મહાત્મા ગાંધીની મુસ્લિમ તુષ્ટિકરણની દેશવિભાજનની નીતિનો સીધો વારસો કોંગ્રેસને મળ્યો હતો. તેની સામે જસ્ટિસ ફોર ઓલ, અપીઝમેન્ટ ફોર નન-ના સૂત્ર સાથે ભાજપ હિંદુત્વવાદી આંદોલનની રાજકીય અભિવ્યક્તિ તરીકે મેદાનમાં આવ્યું. ત્યારે દેશની જનતાને આશા હતી કે ભારત મુસ્લિમ તુષ્ટિકરણની પાકિસ્તાનનું પાપ પેદા કરનારી ઘાતક નીતિની અંતિમ ક્રિયા કરીને પ્રગતિના પંથે આગળ વધશે. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. જેના કારણે લોકોને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ અને ભાજપ કોંગ્રેસ બની ગઈ છે. લોકશાહીમાં ધર્મના નામે તુષ્ટિકરણ કરવાની વોટબેંકની રાજનીતિ ઘણી ખતરનાક હોય છે. ભારતે આઝાદીના 64 વર્ષોમાં આ બધી વાતો અનુભવી છે. પરંતુ તેમ છતાં ભારતના રાજકીય પક્ષો મુસ્લિમ તુષ્ટિકરણનો રસ્તો છોડવા માટે તૈયાર નથી.

મુસ્લિમ તુષ્ટિકરણનું નામ પડે અને કોંગ્રેસ સામે આવતી હોય છે. પરંતુ હકીકતમાં મુસ્લિમ તુષ્ટિકરણની બાબતમાં ભાજપનો ચહેરો પણ કોંગ્રેસ જેટલો જ ખતરનાક છે. ભાજપ દ્વારા થયેલા મુસ્લિમ તુષ્ટિકરણની વાતો ધ્યાને લઈએ તો લાગે કે તેનું હિંદુત્વ બેહદ માટીપગુ છે. 1989માં હિંદુત્વ અને રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં ભાજપના નેતાઓને હિંદુ નેતાઓ તરીકે મીડિયામાં ઉલ્લેખિત કરવામાં આવતા હતા, તો તેમની છાતી ગજગજ ફૂલતી હતી. પરંતુ હાલ એલ. કે. અડવાણી અને નરેન્દ્ર મોદી સહીતના હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની લોકલાગણી પામી ચુકેલા નેતાઓ પોતાની સેક્યુલર ઈમેજ ચમકાવા માટે તત્પર છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓની સભામાં મુસ્લિમ બેઠો હોય, તો તેને તાત્કાલિક સભા સ્થળેથી જતા રહેવા માટે મંચ પરથી કહેવામાં આવતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે, ભાજપ તાજેતરની દરેક ચૂંટણીમાં પોતાને મુસ્લિમોનો ટેકો મળ્યો હોવાની વાત કરીને મુસ્લિમ મતોનો હિસાબ-કિતાબ કરે છે. ભાજપની હિંદુત્વથી સેક્યુલારિઝમ તરફની યાત્રા મુસ્લિમ તુષ્ટિકરણ નામના માર્ગ પરથી પસાર થઈ રહી છે.

1990માં રામરથ યાત્રા દ્વારા દેશ આખામાં રામ લહેર ઉભી કરનારા અડવાણીને પણ હિંદુત્વવાદી નેતા તરીકેની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરવી પડી છે. અડવાણીએ પાકિસ્તાનની અઘોષિત સેક્યુલર યાત્રા દરમિયાન પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની મજાર પર ચાદર ચઢાવી હતી. અડવાણી પહેલા પાકિસ્તાનની યાત્રાએ ગયેલો કોઈપણ ભારતીય નેતા ઝીણાની મજાર પર માથું ટેકવવા ગયો ન હતો. અડવાણી પહેલા ભારતના કોઈપણ નેતાએ મિનારે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. અડવાણી પોતાની અઘોષિત સેક્યુલર યાત્રામાં વધુ બેફામ બનીને બોલ્યા હતા કે બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી વધારે દુ:ખદ દિવસ હતો. પાકિસ્તાનની ધરતી પર રામરથ યાત્રાના નાયકે ખલનાયક બનીને 6 ડિસેમ્બર,1992ના રોજ ધ્વસ્ત થયેલા બાબરી ઢાંચાની ઘટના સંદર્ભે ખેદ વ્યક્ત કર્યો હતો. અડવાણીએ તેનાથી પણ મોટી ગુસ્તાખી કરી કે પાકિસ્તાનની રચના માટે જવાબદાર મુસ્લિમ કોમવાદી નીતિઓના કટ્ટર પ્રણેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર કહ્યાં. અડવાણી 1992થી તેમની અઘોષિત સેક્યુલર પાકિસ્તાન યાત્રા સુધી હિંદુત્વના પોસ્ટર બોય હતા. પરંતુ તેમને હિંદુત્વનું લેબલ ખૂંચતું હોય તેમ સેક્યુલર દેખાવા માટે વિચારધારાના મૂળ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને ભારતના લોકોની લાગણીને દરકિનાર કરીને વિવાદાસ્પદ સેક્યુલર લાગતા મુસ્લિમ તુષ્ટિકરણના વાસ્તવિક નિવેદનો કર્યા. આ પ્રયત્ન પાછળ એનડીએમાં અન્ય પક્ષોમાં પોતાની સ્વીકૃતિ વધારવા માટેની કવાયત હોવાની વાતો સમીક્ષકો કરતાં રહ્યાં છે.

પરંતુ હિંદુત્વના સર્વોચ્ચ નેતાનું સમ્માન પામી ચુકેલા અડવાણી તેમની અઘોષિત સેક્યુલર યાત્રાના પરિણામે પક્ષમાં મોટું રાજકીય કદ ધરાવતા હોવા છતાં પ્રજા સામે વામણાં થઈ ગયા છે. તેની સાબિતી તરીકે અડવાણીની ત્યાર બાદની યાત્રાઓને મળેલો પ્રતિસાદ છે. અડવાણીએ જુદાંજુદાં નામે રથયાત્રાઓ કાઢી પરંતુ તેમણે પ્રાયશ્ચિત યાત્રા કાઢી નહીં. તેના કારણે અડવાણીની પાકિસ્તાન યાત્રા પછીની તમામ રથયાત્રાઓ ફ્લોપ શો સાબિત થઈ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે અડવાણીએ નવી રથયાત્રાની જાહેરાત કરી છે. જોવો તેમાં અડવાણી સાથે ભાજપના કાર્યકર્તા સિવાય કેટલાં પ્રમાણમાં લોકો એકઠા થઈને સાથ આપે છે? જો અડવાણીની નવી રથયાત્રા ફ્લોપ જાય, તો તેમણે હિંદુત્વની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરીને નકામા નિવેદનો આપવા બદલ પ્રાયશ્ચિત યાત્રા કરવી જોઈએ. કદાચ અડવાણીની પ્રાયશ્ચિત યાત્રામાં લોકો ઘણાં મોટા પ્રમાણમાં જોડાશે, કારણ કે હિંદુ પ્રજા પ્રાયશ્ચિત કરનારને માફ કરતી આવી છે. તેમની માનસિકતામાં હજી કોઈ ફેરફાર નહીં થયો હોય, તો બની શકે કે અડવાણીને પણ માફ કરી દે. અડવાણી માટે એક બીજી મહત્વની વાત છે કે ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના 1993ના વર્ષમાં કરવામાં આવી છે. પણ ઘણાં લોકોને ખબર નહીં હોય કે જનતા પાર્ટીની મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકાર વખતે અડવાણીએ જ રાષ્ટ્રીય લઘુમતી પંચ જેવો વિચાર વહેતો મુક્યો હતો અને તેનાથી ત્યારના ઘણાં નેતાઓ ચિંતિત હતા.

1984માં ભાજપને લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી. ત્યાર બાદ રામજન્મભૂમિ આંદોલનના પરિણામે ભાજપ કોંગ્રેસને ટક્કર આપવાની સ્થિતિમાં આવ્યો. 1996, 1997 અને 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર પણ રચી. પરંતુ હિંદુ વોટબેંક ઉભી કરીને તેના આધારે તે સમયે સૌથી વધારે બેઠકો મેળવનારા ભાજપે વાજપેયીની સેક્યુલર ઈમેજને કારણે તેમને વડાપ્રધાન તરીકે આગળ કર્યા. લોકોની લાગણી અને માગણી હતી કે હિંદુત્વના રામરથ પર સવાર થયેલા ભાજપના મહારથી એલ. કે. અડવાણીને વડાપ્રધાન બનાવવામાં આવે. પરંતુ ભાજપે અડવાણીની કટ્ટર હિંદુત્વવાદી નેતાની છાપ હોવાને કારણે વાજપેયીની સેક્યુલર છબીને આગળ કરીને અન્ય કોંગ્રેસ વિરોધી રાજકીય પક્ષોનો ટેકો મેળવીને સરકાર બનાવી. 1996માં 13 દિવસની સરકાર બનાવી. 1997માં 13 માસની સરકાર બનાવી અને ત્યાર બાદ 1998માં પાંચ વર્ષની ટર્મ સુધી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ હેઠળ ભાજપે સત્તાસુખનો આસ્વાદ કર્યો. પણ તેના માટે પણ ભાજપે પોતાની મૂળ વિચારધારા હિંદુત્વ સાથે બેહદ શરમજનક સમજૂતીઓ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મંજૂરીથી વિશ્વ હિંદુ પરિષદના વિરોધ છતાં ભાજપે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોમન સિવિલ કોડ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ જેવાં મુસ્લિમોને અણગમતા રાષ્ટ્રીય મુદ્દાઓને કોરાણે મૂક્યા. હા, ટેકનીકલી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાઓ હતા. પરંતુ તેનો કોઈ અર્થ ન હતો.

વાજપેયીએ પરમાણુ પરીક્ષણ બાદ પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. વાજપેયી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને અમનની કવિતા સંભળાવા માટે વિશેષ તૈયારીઓ સાથે દિલ્હીથી બસ દ્વારા લાહોર પહોંચ્યા હતા. વાજપેયી એક તરફ લાહોર બસયાત્રા કરી રહ્યાં હતા અને બીજી તરફ પાકિસ્તાનની સેના કારગીલમાં ઘૂસણખોરી કરી રહી હતી. કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાની નામોશીભરી હાર બાદ જનરલ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને શરીફને ભગાડી મૂક્યા હતા. તેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય જનરલ પરવેઝ મુશર્રફના રાષ્ટ્રપતિપદે આસિન થવાથી બેહદ નારાજ હતો. પરંતુ વાજપેયી ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સાથે કૂણી લાગણી દર્શાવીને પોતાના પક્ષની કટ્ટરપંથી હિંદુત્વવાદીની છબી સુધારવા માગતા હતા. તેના કારણે વાજપેયીએ જનરલ મુશર્રફને આગ્રા શાંતિવાર્તા માટે પણ આમંત્ર્યા. દેશમાં પાકિસ્તાન સાથે શાંતિવાર્તાથી જાણે કે નવો ઈતિહાસ રચાવાનો હોય તેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. ભાજપના મોટા ગજાના દિગ્ગજ નેતાઓ નમસ્કારની ભારતીય પરંપરા છોડીને મુશર્રફને વાંકા વળીને સલામ કરવા લાગેલા. જનરલ મુશર્રફને ભારતમાં બોલાવીને વાજપેયીએ તેમને રાષ્ટ્રપતિ મુશર્રફ કહીને માન્યતા આપી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમ કરવા માટે પ્રેરીત કર્યો હતો. જો કે જનરલ મુશર્રફની આડોડાઈને કારણે આગ્રા સમિટનો ફિયાસ્કો થયો હતો.

જો કે તેમ છતાં પોતાના પક્ષની મુસ્લિમ વિરોધી છબી ભૂંસવા માટે વાજપેયીએ પાકિસ્તાન સાથે શાંતિવાર્તા અને કોમ્પોઝિટ ડાયલોગ-પીપલ ટુ પીપલ કોન્ટેક્ટના નામે નવી રાજનીતિ શરૂ કરી. વિરોધ પક્ષમાં રહીને પાકિસ્તાન સામે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બાબતે કોંગ્રેસની સરકારને સંસદમાં બેનકાબ કરનારા ભાજપના નેતા વાજપેયી વડાપ્રધાન પદે રહીને પાકિસ્તાન સામે બિનજરૂરી ઢીલું વલણ દાખવી રહ્યાં હતા. જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ સાથે વાજપેયી સરકારે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તો પાકિસ્તાન સાથે પણ એલઓસી પર યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. ભારતમાં એનડીએની સરકાર આતંકવાદ સંદર્ભે ઝીરો ટોલરન્સની નીતિઓની વાત કરતી રહી અને બીજી તરફ દેશભરમાં ઈસ્લામિક આતંકવાદીઓ હુમલા કરતાં રહ્યાં. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા, જમ્મુની સૈનિક છાવણી, રઘુનાથ ટેમ્પલ, મુંબઈ, દિલ્હી, ભારતની સંસદ સહીતના મહત્વના સ્થાનો આતંકી હુમલાનો ભોગ બન્યા. ભારતની સંસદ પર હુમલાના નિષ્ફળ પ્રયાસની ઘટના બાદ વાજપેયીએ આરપારની લડાઈની વાત કરી હતી. પરંતુ વાજપેયી લશ્કરને સરહદે મોકલીને પોતે મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા હતા. ભાજપની આતંકવાદ, પાકિસ્તાન અને મુસ્લિમો માટેની નીતિ બેહદ નિરાશાજનક રહી છે.

કારગીલ બાદ કંદહાર વિમાન અપહરણ કાંડ સામે આવ્યો. આ વિમાન અપહરણ કાંડે ભાજપના નેતાઓને વધારે ખુલ્લા પાડયા. જૈશે મહોમ્મદના અઝહર મસૂદ સહીતના ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી સાથે તાલિબાનના નિયંત્રણવાળા કંદહાર ખાતે પાકિસ્તાની અપહરણકારો વિમાન સાથે પહોંચ્યા હતા. ભારતના તત્કાલિન વિદેશ મંત્રી જસવંત સિંહ ત્રણેય આતંકવાદીઓ અને આક્ષેપ કરવામાં આવે છે કે કરોડો ડોલરો સાથે કંદહાર વળાવિયા તરીકે ગયા હતા. આજે પણ વાજપેયીના શાસનકાળના કાળા પાનાઓમાંનું એક કાળું પાનું કંદહાર કાંડ છે. દેશ માટે એ શરમજનક દિવસ હતો, પણ ભાજપ માટે તો જાણે તે ગૌરવ દિન હોય, તેવો માહોલ ત્યારે ભાજપમાં જોવા મળ્યો હતો. કંદહાર કાંડમાં વાજપેયી સરકારે 126 વિમાનયાત્રીઓને છોડાવીને આખો દેશ આતંકવાદીઓના હવાલે કરી દીધો.

આ સિવાય 2002માં 27મી ફેબ્રુઆરીઓ ગોધરા જંકશને સિગ્નલ ફળિયા પાસે મુસ્લિમ કટ્ટરપંથીઓના ટોળાએ અયોધ્યાથી આવી રહેલા રામસેવકો પર હુમલો કરીને ત્રણ કોચ સળગાવી દીધા હતા. તેમાં એસ-6 નામના કોચમાં 57 જેટલાં રામસેવકો બળીને વીરગતિ પામ્યા હતા. આઝાદ ભારતમાં મુસ્લિમો દ્વારા હિંદુઓને ટ્રેનમાં સામૂહિક રીતે સળગાવી દેવાની ઘટના ગોધરાકાંડના રૂપે પહેલી હતી. પરંતુ તેમ છતાં વડાપ્રધાન વાજપેયીએ ગોધરાકાંડ સંદર્ભે ઘણું ઓછું કહ્યું અને તેઓ પોતે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાતે આવ્યા નહીં. ગોધરાકાંડ પછીના રમખાણોમાં મુસ્લિમો ભોગ બન્યા, ત્યારે અન્ય દેશોમાં શું મોઢું બતાવીશની વ્યથા સાથે અમદાવાદ ખાતે વાજપેયી દોડી આવ્યા હતા. તેમણે અમદાવાદમાં આવીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી. વાજપેયી જે કરી રહ્યાં હતા, તે ભાજપની નીતિ પ્રમાણે કરી રહ્યાં હતા.

ભાજપના વરિષ્ઠ નેતા વાજપેયીના વડાપ્રધાન પદે રહેતા તત્કાલિન કેન્દ્ર સરકારે મુસ્લિમોની બહુમતી ધરાવતા બાંગ્લાદેશની દાદાગીરી સામે પણ પીછેહઠ કરી હતી. બાંગ્લાદેશી સેનાએ બીએસએફના 17 જવાનોની નિર્મમ હત્યા કરી હતી. તેની સામે વાજપેયી સરકાર માત્ર નિવેદનો કરવાથી સંતુષ્ટ થઈ. આશ્ચર્યજનક રીતે બાંગ્લાદેશ સામે વાજપેયી સરકારે કોઈ કડક પગલાં લીધા નહીં. વાજપેયીએ બે લાખ ઉર્દૂ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી. અટલ-અડવાણીએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેસરી સાફાની જગ્યાએ લીલા સાફા પહેર્યા. હજયાત્રાનો ક્વોટા અને સબસિડી વધારવા માટે મુસ્લિમોને દાણા પણ નાખ્યા. પાકિસ્તાન સાથેની વીઝા નીતિને ઢીલી કરીને દેશની સુરક્ષાને તાક પર પણ મૂકી.

દેશમાં મુસ્લિમોની હાલત જાણવા માટે યુપીએ-1 સરકારે સચ્ચર સમિતિ બનાવી. તેની સામે ભાજપે દેશવ્યાપી વિરોધ કર્યો. પરંતુ આ જ સચ્ચર સમિતિના અહેવાલના આધારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં પ્રચાર કરી રહ્યાં છે કે સચ્ચર સમિતિનો અહેવાલ કહે છે કે આખા ભારતમાં ગુજરાતના મુસ્લિમો સુખી છે અને સારી સ્થિતિમાં છે. સચ્ચર સમિતિ સંદર્ભેના ભાજપના આવા બેવડાં ધોરણો તેની મુસ્લિમોના પ્રેમને પામવાની અદમ્ય ઉત્કંઠાને દર્શાવી રહ્યાં છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવાં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકનો ભાજપને સેક્યુલર દેખાડવાની લ્હાયમાં ઉપયોગ કરતાં વાજપેયી સહીતના ભાજપી નેતાઓ શરમાયા ન હતા. ભાજપનો એવો પણ દાવો છે કે તેઓ કેન્દ્રમાં સત્તારુઢ થયા તે દરમિયાન મુસ્લિમ લઘુમતીઓના હિતો માટે મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા છે. ભારતીય મુસ્લિમ રાજનીતિમાં પોતાની મહત્વની ઓળખ રાખનારા આરિફ મોહમ્મદ ખાન અને નજમા હેપતુલ્લા જેવાં નેતાઓને ભાજપ દ્વારા પોતાની પાર્ટીમાં લાલ જાજમ પાથરીને આમંત્રિત કરાયા. ભાજપે જ પોતાના શાસનકાળમાં હજયાત્રીઓ માટે ઘણાં સ્થાનોથી વિશેષ વિમાનોની વ્યવસ્થા કરી હતી.

બે દશકોથી લખનૌમાં બંધ પડેલા ઐતિહાસિક મહોરમના જુલૂસને ઉત્તર પ્રદેશની તત્કાલિન ભાજપ સરકારે જ ફરીથી શરૂ કર્યું હતું. ભાજપ દ્વારા ઈસ્લામી વિદ્વાન મૌલાના વહીદુદ્દીનને પદ્મશ્રીથી નવાજમાં આવ્યા, ત્યાર બાદ ભાજપ માટે વોટ માંગવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. બશીર બદ્ર જેવાં કટ્ટરવાદી શાયરને ભાજપ દ્વારા મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડેમીના સચિવ બનાવાયા. તે વખતે અટલ હિમાયતી કમિટી નામે એક મુસ્લિમ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું અને તેને મુસ્લિમ વિસ્તારોમાં મોકલીને ભાજપ માટે વોટ માંગવાનું કામ સોંપવામાં આવ્યું. ભાજપના વાજપેયી અને અડવાણી જેવાં વરિષ્ઠ નેતાઓને રોજા-ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરતાં અને તેમાં ભાગ લેતા દેખાડવા માટે વિશેષ પ્રચાર વ્યવસ્થા કરાતી હતી. ભાજપે પાર્ટીમાં લઘુમતી મોરચો આખરે ક્યાં ઉદેશ્યથી ખોલ્યો છે? બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી વારંવાર એ નિવેદન આપે છે કે બિહારમાં મુસ્લિમ હિતોને ધ્યાનમાં રાખીને એનડીએ સરકારે લાલુ-રાબડી સરકારોથી વધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે, તો આનો અર્થ શું કરવો?

કર્ણાટક જેવાં ભાજપ શાસિત રાજ્યમાં હિંદુ મંદિરો અને ધર્મસ્થાનોનો વહીવટ રાજ્ય સરકારે પોતાને હસ્તક લઈ લીધો છે. આવા મંદિરો અને ધર્મસ્થાનોમાં હિંદુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા દાનનો ઉપયોગ હજની સબસિડી અને મદરેસાઓની પાછળ પણ કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ મંદિરો અને હિંદુ ધર્મસ્થાનો-ટ્રસ્ટોનો વહીવટ સરકાર પોતાને હસ્તક કરવા માટે પ્રયત્ન કરી રહી છે. હિંદુ મંદિરો અને ધર્મસ્થાનો સરકારી વહીવટ નીચે ન જવા દેવા ક્યારેક ભાજપનો મુદ્દો રહ્યો છે. તેની સામે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પોતાને હસ્તક કરવાની સરકારની કોઈ હિંમત નથી.

ગુજરાત જેવાં ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં નરેન્દ્ર મોદી જેવાં હિંદુત્વનિષ્ઠ મુખ્યમંત્રી અને ગોહત્યા પ્રતિબંધક કાયદા હોવા છતાં ગોહત્યા થતી હોવાની વાતો તાજેતરમાં અખબારોમાં ખૂબ જોરશોરથી આવી છે. ત્યારે આવી ઘટનાઓમાં એ જાણવું જરૂરી બને છે કે નરેન્દ્ર મોદીની મુસ્લિમોને પોતાની તરફે વાળવાની નીતિ તુષ્ટિકરણ સુધી તો પહોંચી ગઈ નથી ને? જો નરેન્દ્ર મોદી સામે ગોહત્યાના મુદ્દે કોઈ રાજકીય દ્વેષ અને હિતોને ધ્યાનમાં રાખીને મોરચો ખાલાયો હોય તો તે ભારતની રાજનીતિની અધમ કક્ષા જ હશે. પરંતુ જો ગુજરાતમાં ગોહત્યા પ્રતિબંધ કાયદાનો કડકાઈથી અમલ ન થતો હોય, ચોક્કસ માનવું પડે કે મુસ્લિમ તુષ્ટિકરણનો વાઈરસ ગુજરાતમાં પણ ફેલાયો છે.

ગુજરાતની 2007ની વિધાનસભાની ચૂંટણીઓ અને તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને મુસ્લિમોના મતો મળ્યા છે. જો કે હકીકત એ છે કે ભાજપના એકપણ ધારાસભ્ય મુસ્લિમ નથી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉભાં રાખવામાં આવેલા 12 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવારને જીત મળી છે. અમદાવાદના જુહાપુરા, જમાલપુર, કાળુપુર, આસ્ટોડિયા, જેવાં મુસ્લિમ પોક્ટસમાં ભાજપને જૂજ વોટ મળ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં મુસ્લિમોના મત મળ્યા હોવાનો પ્રચાર સેક્યુલર દેખાવા મુસ્લિમ તુષ્ટિકરણના માર્ગ પર પદાર્પણ તો નથી ને? થોડા સમય પહેલા અમદાવાદના શરખેજના રોજા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પઠાણી સૂટમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. કદાચ હવેના સમયગાળામાં પ્રખર હિંદુત્વવાદી નેતા નરેન્દ્ર મોદી નમાજની ટોપીમાં નજરે પડે તો પણ કોઈ મોટું આશ્ચર્ય નહીં થાય.

તાજેતરમાં બિહારમાં ભાજપ-જેડીયૂએ નીતિશ કુમારના નેતૃત્વમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી છે. ત્યાં પણ ભાજપે દાવો કર્યો છે કે તેમના ગઠબંધનને મુસ્લિમ મતો મળ્યા છે. જો કે નીતિશ કુમારને મુસ્લિમ મતો મળ્યા હોવાની બાબતમાં તથ્ય છે. પરંતુ ભાજપને મુસ્લિમ મતો મળ્યા હોય અને તેના જોર પર ભાજપ ચૂંટાયો હોય, તો આવા દાવાનો તથ્યાત્મક અભ્યાસ થવો જોઈએ.

આ સિવાય ભાજપના પ્રવક્તા તરીકે ટેલિવિઝનમાં 2002 પછી મુખ્તાર અબ્બાસ નક્વી અને શાહનવાઝ હુસૈન જ વધારે પ્રમાણમાં આવતા રહે છે. ત્યારે ટેલિવિઝન પર પણ ભાજપ મુસ્લિમ ચહેરાઓ સાથે હોવાની વાત દેખાડવા માટે એડી ચોટીનું જોર લગાવતો જ નજરે પડે છે. શું કોઈ મુદ્દાઓની પેરવી કોઈ હિંદુ પ્રવક્તા કરે, તો તેનાથી કોઈ મોટો રાજકીય અનર્થ સર્જાવાનો છે? શું ભાજપની આવી વૃતિ તેના અર્ધચેતન માનસમાં મુસ્લિમ તુષ્ટિકરણના અંકુરને દર્શાવતી નથી?

મહાત્મા ગાંધીના સાચા વારસ કોણ છે, તે આઝાદીના 64 વર્ષે શોધનો વિષય છે. પરંતુ જ્યાં સુધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને લાગે વળગે છે, ત્યાં સુધી ગાંધીની વારસાઈ મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ એકબીજા સાથે ગલાકાપ સ્પર્ધામાં છે. હાલના તબક્કે મુસ્લિમ તુષ્ટિકરણના મામલે કોંગ્રેસ ભલે આગળ હોય, પણ ભાજપ પણ કંઈ કમ નથી. દેશના દરેક રાજકીય પક્ષોને મુસ્લિમ તુષ્ટિકરણના વાઈરસનો ચેપ લાગેલો છે. જેના કારણે પોતે સેક્યુલર દેખાવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. દેશમાંથી અંગ્રેજોના ગયા બાદ તેમની જગ્યા ગાંધીના વારસદાર હોવાનો દાવો કરતાં સેક્યુલરોએ લીધી છે, પરંતુ રાષ્ટ્રવાદીઓ તો હજી પણ સામેની બાજુએ જ છે. 1989માં હિંદુત્વવાદી હોવું ગૌરવની વાત હતી, પરંતુ તેના 20-21 વર્ષ બાદ હિંદુત્વવાદી તરીકે માન્યતા પ્રાપ્ત નેતાઓ પણ પોતાની છબી ભૂંસીને સેક્યુલર છબી ઉભી કરવાની પેરવીમાં પડયા છે. ત્યારે દેશના હિંદુઓ માટે ચિંતાનો વિષય છે કે દેશમાં ફરીથી મુસ્લિમ તુષ્ટિકરણના પ્લેગનું વિષચક્ર ફરીથી કોઈ પાકિસ્તાન તો ઉભું નહીં કરે ને? શું હિંદુત્વવાદના ખભે ચઢેલું ભાજપ પણ ભીંત ભુલ્યું છે? શું દેશનો હિંદુ હજી પણ મુસ્લિમ તુષ્ટિકરણના શેતાનના હાથે રંજાડ પામશે?

Tuesday, September 13, 2011

ગુજરાત સામેના તેજોદ્વેષીઓની “ગેમ” ખુલ્લી પડી


-આનંદ શુક્લ

કાયદાની રમત અને કાયદા સાથે રમત બંને ઘટનાઓ ગુજરાતની 2002ના કોમી રમખાણોની ઘટના સાથે જોડાયેલી છે. ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંદુત્વનો પાયો ઘણો ઉંડો નાખવામાં આવ્યો છે. હિંદુત્વની વિચારધારા ગુજરાત અને દેશભરમાં આગળ વધે તેનાથી કૉંગ્રેસ, કમ્યુનિસ્ટ પક્ષો સહીતના રાજકીય પક્ષોને તો વાંધો છે જ. પરંતુ કેટલીક વિદેશી હિતસાધક એનજીઓ અને કથિત કર્મશીલોને પણ તેનાથી વાંધો છે. ભારતમાં કાયદો ન્યાય માટે પૂરો અવકાશ આપે છે. આવી કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિદેશી હિતસાધક કર્મશીલો અને એનજીઓની એક ધરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હિંદુવાદી સંગઠનો પાછળ હાથ ધોઈને પડી છે. તેમને તેમના આ મિશનમાં મીડિયાનો સાથ મળ્યો છે. ગુજરાતમાં હિંદુત્વને આગળ વધતું અટકાવવા અને નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે મીડિયાએ કર્મશીલોના ઈશારે નાચીને ઘણાં ધમપછાડા કર્યા છે.

ઘણાં કેસોમાં મીડિયા ટ્રાયલ ચાલી. બેસ્ટ બેકરી કેસ તેનું ઉદાહરણ છે. જ્યારે બેસ્ટ બેકરી કેસમાં વડોદરાની અદાલતે આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા, ત્યારે મીડિયાએ કર્મશીલો સાથે કોરસમાં હોબાળો મચાવ્યો હતો. તેમની મીડિયા ટ્રાયલે ગુજરાતના વાતાવરણમાં ભારે તણાવ ઉભો કરી દીધો હતો. ગુજરાતનું ન્યાયતંત્ર ભયાનક કક્ષાએ બદનામ થયું હતું. બેસ્ટ બેકરી સહીત રમખાણોના 9 જેટલાં કેસો ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા.ત્યાર બાદ બેસ્ટ બેકરી કેસમાં આરોપીઓને સજા થઈ. તેની સામે તાજેતરમાં આવેલા ગોધરા કાંડના ચુકાદામાં ઘણાં આરોપીઓ છૂટી ગયા. ગોધરાકાંડનો મુખ્ય આરોપી પણ છૂટી ગયો. પરંતુ મીડિયા અને કર્મશીલોએ આ કેસમાં છૂટી જનારા લોકો સંદર્ભે કોઈ મોટો હોબાળો મચાવ્યા નહીં. તેના માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં કોઈ રીટની કાર્યવાહી કરી નહીં. બેસ્ટ બેકરી કેસ અને અન્ય 9 કેસોમાં મુસ્લિમો મર્યા હતા અને ગોધરાકાંડમાં હિંદુઓ મર્યા હતા. તેને કારણે મુસ્લિમો તરફે જ લડવું અને બોલવું મીડિયા અને કર્મશીલો નક્કી કરીને બેઠા હોવાનું જ સામે આવે છે. ગોધરાકાંડ પછીના તોફાનોની વારંવાર વાતો કરનારા લોકો ગોધરાકાંડ સંદર્ભે બેશરમ મૌન રાખે છે. ગુજરાતની જનતાએ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને 2002, 2007ની ચૂંટણીમાં પોતાનો પ્રત્યાઘાત આપ્યો છે. ગુજરાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રહેલી ભાજપને બહુમતી આપી છે. જો કે મીડિયાને વશવશો હશે કે તેમનું મિશન મોદી અને ભાજપ હટાવો સફળ થઈ શક્યું નહીં.

દુષ્પ્રચાર અને મુદ્દા ઉઠાવવા બંને વચ્ચે મોટો ભેદ છે. ગુજરાતમાં હિંદુત્વની પાયો નાખી ચુકેલી વિચારધારાને કોમવાદી ગણીને તેનો તેજોદ્વેષ કરવો સૌથી મોટી નાલાયકી છે. હિંદુત્વને રાજકીય રીતે અનુસરવું લોકોની પસંદગી છે. આ પસંદગીને ખોટી ઠેરવવાનો કોઈને હક નથી. હિંદુત્વને કોમવાદ ગણાવીને તેના નામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, હિંદુ સંગઠનો અને ભાજપ પર માછલા ધોવાની વૃતિ પબ્લિક ઓપિનિયનને બદલવા માટેની નિર્લજ્જ કવાયત છે. ગુજરાતમાં મુદ્દા ઘણાં ઉઠાવી શકાય તેમ છે. ગુજરાતમાં સાડા સાત વર્ષ સુધી લોકાયુક્ત ન હતા. પરંતુ જ્યારે રાજ્યપાલે લોકાયુક્તની નિમણૂક કરી ત્યારે જ મીડિયાએ લોકાયુક્તનો મુદ્દો ઉઠાવ્યો. ગુજરાતમાં ગોચરની જમીનો પર અતિક્રમણનો મુદ્દો છે. ગુજરાતમાં ઉદ્યોગોને અપાતી કથિત વધુ પડતી રાહતોનો મુદ્દો છે. ખેતીની જમીનો ઉદ્યોગોને આપવાની બાબત છે. કેગના રિપોર્ટ પ્રમાણેની નાણાંકીય ગેરરીતિનો મુદ્દો છે. પણ આવા મુદ્દા ટીવી ચેનલને સનસનાટીપૂર્ણ અને ટીઆરપી વધારનારા લાગતા નથી. તેને કારણે મોદી સામે મોરચો ખોલવા માટે તેમને ગુજરાતના 2002ના રમખાણો, સોહરાબુદ્દીન-કૌસરબી એન્કાઉન્ટર, ઈશરત જહાં એન્કાઉન્ટર જેવાં સનસનાટીપૂર્ણ ટીઆરપી વધારનારા અને ચોક્કસ રાજકીય પક્ષોને મદદ કરનારા મુદ્દાઓ જ હાથમાં આવે છે.

ગુજરાતમાં વિકાસ પૂરઝડપે ચાલી રહ્યો હોવાનો મુખ્યમંત્રી દાવો કરી રહ્યાં છે. ઘણાં રિપોર્ટો તેમની વાતને સમર્થન આપે છે. ત્યારે મીડિયા આ મુદ્દા પર તેમની કોઈ ભૂલ અથવા કોઈ કમી શોધીને લોકો સામે લાવી શકે તેમ છે કે કેમ? મીડિયા અને કર્મશીલોએ જવાબ આપવો જોઈએ કે 2002ની ઘટનાઓ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ક્યાં કાચા પૂરવાર થયા છે? નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે કઈ જગ્યાએ કેવી રીતે કાચા પૂરવાર થયા છે? કોઈ ઈન્ટરવ્યૂ હોય તો કરણ થાપર કે વિજય ત્રિવેદી જેવાં મુલાકાતકર્તા નરેન્દ્ર મોદીને ગોધરાકાંડ અને રમખાણોના પ્રશ્નો પુછીને મુંઝવવાનો દાવો કરીને વાહવાહી લૂંટીને ટીઆરપી અંકે કરતાં હોય છે. આ વૃતિ કેટલી વ્યાજબી છે?

ગુલમર્ગ સોસાયટી કાંડમાં દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરી દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનને આધારે રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પોતાની તપાસને આધારે કહ્યું છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ અને એમેક્સ ક્યુરીના રિપોર્ટ નીચલી અદાલતને સુપ્રત કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસનું મોનિટરિંગ કરવાનો પણ ઈન્કાર કર્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાત અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દ્વેષીલો-ઝેરીલો પ્રચાર ચાલી રહ્યો છે, તેનો અંત આવે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. જેના કારણે એ વાતને બળ મળે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય 62 વ્યક્તિઓ પર અનિર્ણાયકતા અને ફરજ ચૂકના આરોપો મૂકવામાં આવ્યા હતા, તે માત્ર અને માત્ર રાજકારણનો ભાગ છે. તેમાં ન્યાયતંત્રને ખોટી રીતે કાયદાઓના ઉપયોગથી ઢસડવામાં આવ્યું હતું. કોઈએ 1984ના શીખ વિરોધી રમખાણો અથવા ભાગલપુરના તોફાનોને આવી રીતે ન્યાયતંત્રમાં લઈ જવાની વાત કરી નથી. માત્ર ગુજરાતને જ આવી બાબતો કેમ લાગુ પડે છે, તે સમજવું ખરેખર અઘરું છે.

માત્ર એક જ નહીં ગુજરાતના સંખ્યાબંધ કેસમાં સીધા જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પક્ષકારો દ્વારા અપનાવામાં આવેલી પદ્ધતિ ટીકા પાત્ર છે. કારણ કે તેના દ્વારા તેવો એવું સ્થાપિત કરવા માંગે છે કે ગુજરાતમાં ન્યાયતંત્ર જેવી કોઈ ચીજ નથી. પક્ષકારોના આવા વલણોથી સમગ્ર ન્યાયતંત્રની બદનામી થઈ છે. ગુલબર્ગ સોસાયટીના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પણ ટેલિવિઝન પર બકવાસ કરીને નિર્ણયની ટીકા કરનારાઓની નોંધ સુપ્રીમ કોર્ટે લેવા જેવી ખરી.

માનવાધિકાર કાર્યકર્તાઓની રંગભૂમિ માત્ર ગુજરાત જ શા માટે છે? શું અન્ય કોઈ રાજ્યોમાં માનવાધિકાર હનનના કોઈ કિસ્સા બનતા જ નથી? મીડિયા ગુજરાતલક્ષી બનીને અહીંની નાનામાં નાની ઘટનાને સનસનાટીપૂર્ણ બનાવીને બતાવતું રહે છે. ત્યારે મીડિયા માટે ભારતમાં બનતી માનવાધિકારની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત છે? ગુજરાત અને ભારતમાં અન્ય તમામ સ્થાનો પર કોમી તોફાનોની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ જૂની બાબતોની ખણખોદ કરીને વાતાવરણ તણાવપૂર્ણ કરવાનો પ્રયાસ નિંદાજનક નથી?

વિચારધારાને નિશાન બનાવવા માટે કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ આટલો બધો દુષ્પ્રચાર કરવાનો આઝાદ ભારતના રાજકીય ઈતિહાસમાં આ પહેલો બનાવ છે. કેટલીક ઘટનાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોવાના કારણે કિન્નાખોરી રખાતી હોવાની વાત પણ પ્રતિપાદીત થતી હોય તેવો ભાસ ઉભો થાય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી એસઆઈટીના કાબેલ અધિકારીઓએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સતત 9 કલાક પૂછપરછ કરી હતી. આ સિવાય અન્ય 62 વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ થઈ હતી. આ પૂછપરછના આધારે તેમને કોઈ પુરાવા હાથ લાગ્યા ન હતા. આનો અર્થ એ થયો કે જેમના તરફ આંગળી ચિંધવામાં આવી હતી, તેઓ સામે આવી બાબતો રાજકીય પ્રચારથી વધારે કશું જ ન હતી. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની બહાર છે. ત્યારે સવાલ એ છે કે આટલી ખોટી રીતે કાયદાનો ઉપયોગ કરીને સીધા સુપ્રીમમાં કેસ લડવા માટે ક્યાંથી નાણાં અને ફંડ પૂરું પડે છે? શું આની પાછળ કોઈ રાજકીય પક્ષની હિતસાધના છે અથવા વિદેશમાંથી હિતસાધક તત્વોને મદદ મળી રહી છે? સુપ્રીમ કોર્ટમાં એક દિવસ માટે વકીલોની ફી લાખો રૂપિયામાં હોય છે. ગુજરાતના હજી ડઝનબંધ કેસો સુપ્રીમ કોર્ટમાં છે. ત્યારે આ કેસ લડવા માટે મળી રહેલા ફંડ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જ તપાસ થાય તે ઈચ્છનીય છે. પ્રજા ઉબાઈ જાય તેટલી હદે વાતનું વતેસર કરવા પાછળ મીડિયા અને ધર્માંતરીત કાર્યકરો તથા તેમના મળતિયાંઓને કોણ બહેકાવી રહ્યું છે, તે પણ ઊંડી તપાસનો મુદ્દો છે. કારણ કે સવાલ માત્ર નરેન્દ્ર મોદીનો નથી, આ મુદ્દા પર સવાલ હિંદુત્વની વિચારધારાને નિશાન બનાવવાનો અને ગુજરાતને બદનામ કરવાનો પણ છે.

Monday, September 12, 2011

આતંકના ખાત્મા માટે પ્રચંડ જનઆંદોલન જરૂરી


-આનંદ શુક્લ

આ દેશની પોલીસથી શરીફ અને ભીરુ લોકો જ ડરે છે. આ દેશની પોલીસથી માફિયા, ગુંડા અને આતંકીઓ ક્યારેય ડર્યા નથી અને ડરવાના નથી. કારણ કે આ દેશના રાજનેતાઓમાં આતંક અને આતંકવાદીઓ વિરુદ્ધ લોખંડી ઈચ્છાશક્તિનો સદંતર અભાવ છે. પંજાબના આતંકવાદ અને તેની સમાપ્તિ બાદ 1989થી પહેલા કાશ્મીર બાદમાં સમગ્ર દેશ આતંકની ઝપટમાં આવી ગયો. આ દેશમાં પોલીસ, તંત્ર અને સરકાર કરતા વધારે શક્તિશાળી પાકિસ્તાનના નોન સ્ટેટ એક્ટર હોય તેમ લાગે છે. કારણ કે પાકિસ્તાન પ્રેરીત, પોષિત અને પ્રાયોજીત આતંકવાદી સંગઠનો ભારતમાં જ્યારે ઈચ્છે ત્યારે, જ્યાં ઈચ્છે ત્યાં તેમને મન પડે તેવો વિસ્ફોટ અથવા વિસ્ફોટો કરે છે. પાકિસ્તાનના કરાચીમાંથી છોટા શકીલનો ફોન ભારતમાં રહેલા બિલ્ડરને આવે છે અને તેની હાલત પાતળી થઈ જાય છે. ભારતમાં દરેક જગ્યાએ પાકિસ્તાની તત્વો પોતાની શક્તિઓ તેમને જરૂર પડે ત્યારે નોંધાવતા રહે છે. ભારતીય તંત્ર, સુરક્ષા એજન્સીઓ અને સરકારનો ખોફ દેશમાં આતંકીઓ અને માફિયાઓને હવે રહ્યો નથી. કદાચ ભૂતકાળમાં ક્યારેક આતંકીઓને આવો ખોફ હતો.

દિલ્હીના હાઈકોર્ટ સંકુલમાં વિસ્ફોટ, વિસ્ફોટમાં 13 લોહીથી લથબથ લાશો. આ બધું જાણે કે લોકોને કોઠે પડી ગયું છે. વિસ્ફોટો પછી વિસ્ફોટો થવા છતાં રાજનેતાઓની અસંવેદનશીલતાએ પ્રજામાં મૂઢતા ફેલાવી દીધી છે. રાજકારણીઓની ઉપેક્ષાએ જનતાને એટલી અસંવેદનશીલ બનાવી દીધી છે કે દિલ્હીમાં વિસ્ફોટ બાદ લોકોએ ટ્રાફિક જામને સમસ્યા ગણી. લોકોએ ટીવી-રેડિયો ટ્યૂન કરીને ડાઈવર્ઝન ક્યાં છે, તેની જાણકારી પહેલા મેળવી. બે દશકામાં ભારતમાં સેંકડો આતંકવાદી ઘટનાઓ બની છે. પરંતુ વિસ્ફોટો બાદ વિસ્ફોટો છતાં હજી સુધી ભારતના લોકોએ ક્યારેય આતંકવાદ સામે આંદોલન કર્યું નથી, ક્યારેય માગણી કરી નથી કે આતંકી હુમલા કરનારા ગુનેગારોને તાત્કાલિક ઝડપવામાં આવે અને તેમને તેમના ગુના પ્રમાણે કડકમાં કડક સજા કરવામાં આવે. ક્યારેય કોઈ સામાજીક કાર્યકર્તાને પણ આવો વિચાર સ્ફૂર્યો નથી કે આતંકવાદને દેશમાંથી તડીપાર કરવા માટે અનશન, આંદોલન, જનજાગરણ કરવામાં આવે.

અત્યાર સુધી ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ અને વિસ્ફોટોમાં મકબૂલ બટ્ટ સિવાયના અન્ય કોઈ આતંકવાદીને ફાંસીને માંચડે ચઢાવવામાં આવ્યો નથી. અત્યારના લોકોને કદાચ મકબૂલ બટ્ટ વિશે જાણકારી પણ નહીં હોય. તેવા લોકોને જણાવી દઈએ કે મકબૂલ બટ્ટ જમ્મુ-કાશ્મીરનો પાકિસ્તાન પરસ્ત અલગતાવાદી અને આતંકવાદી હતો. તેને વિમાન અપહરણ કેસ અને અન્ય મામલામાં ફાંસીની સજા આપવામાં આવી હતી. તેની ફાંસી બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસાચાર તીવ્રતાથી ચાલુ થયો. કાશ્મીર ખીણમાંથી આતંકવાદીઓએ 3 લાખ કાશ્મીરી પંડિતોને આઝાદ ભારતમાં જ નિરાશ્રિત બનાવ્યા પણ તંત્ર, સરકાર ખામોશ રહ્યાં. મુંબઈમાં 1993માં વિસ્ફોટો થયા અને તેનો કેસ 14 વર્ષ જેટલો લાંબો ચાલ્યો. આ કેસમાં દાઉદ ઈબ્રાહીમ અને ટાઈગર મેમણ સહીતના મુખ્ય આરોપીઓ તો પોલીસની પકડની બહાર છે. જે લોકોને ફાંસીની સજા થઈ છે, તેમને ભારતના કાયદાઓના પેચમાં તાત્કાલિક ફાંસી મળે તેવી શક્યતા નથી. સંસદ પર હુમલાના કેસમાં ઝડપાયેલા અફઝલ ગૂરુને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે આપી છે. રાષ્ટ્રપતિએ અફઝલની દયા અરજી ફગાવી દીધી છે. પરંતુ હજી સુધી તેની ફાંસીની તારીખ નક્કી થઈ શકી નથી. દિલ્હી હાઈકોર્ટમાં વિસ્ફોટો પાછળ અફઝલ ગૂરુની ફાંસી રોકવાનો ઉદેશ્ય હોવાનો દાવો તથાકથિત હૂજી અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ઈમેઈલમાં કરાયો છે. જો કે અફઝલે પોતાને વિસ્ફોટ સાથે જોડવા સાથે વાંધો વ્યક્ત કર્યો છે. મુંબઈ પરના આતંકી હુમલા બાદ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ત્યાંના નોન સ્ટેટ એક્ટર્સે આ હુમલો કર્યો છે. જો કે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ મુંબઈ પરના આતંકવાદી હુમલા માટે જવાબદાર છે, તે સાબિત કરવા અને તેની પાકિસ્તાન પાસે કબૂલાત કરાવવા માટે હજીપણ ભારતે ઘણી મહેનત કરવાની જરૂર છે. પાકિસ્તાને હાફિઝ સઈદ સહીતના મુંબઈ હુમલાના મુખ્ય આરોપીઓને ક્લિનચીટ આપીને અદાલતોમાંથી બરી કરવા માંડયા છે.

ભારત સરકાર પાસે દેશની જનતાએ જવાબ માગવો જોઈએ કે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા અને વિસ્ફોટોમાં કેટલી ઘટનાઓમાં ક્યાં મુખ્ય આરોપીઓ પોલીસ અને કાયદાની જદ્દની બહાર છે? અત્યાર સુધી આવી ઘટનાઓમાં કેટલા લોકોને ફાંસીની સજા થઈ અને તેમાથી કેટલાને ફાંસી આપવામાં આવી છે? જેમની ફાંસી બાકી છે, તેની પાછળ ક્યાં કારણો જવાબદાર છે? હવે પછી આતંકવાદી હુમલા અને વિસ્ફોટો ન થાય તેના માટે ભારત સરકારનો એક્શન પ્લાન શું છે? જો તેમ છતાં આવા હુમલા થાય, તો આતંકના સ્ત્રોતને સમાપ્ત કરવા માટે કોઈ વ્યૂહરચના તૈયાર છે?
માત્ર કેન્ડલિયા ક્રાઉડ દ્વારા મીણબત્તીઓ સળગાવાથી આતંકવાદીઓ આતંક ફેલાવવાનું કામ છોડવાના નથી કે તેનાથી ગભરાવાના નથી. વિસ્ફોટો બાદ ભારતમાં ભેગા થતાં કેન્ડલિયા ક્રાઉડને ટેલિવિઝનમાં જોઈને આતંકવાદીઓ તેમના કેમ્પોમાં જરૂરથી ભારતના લોકોની મૂર્ખતા પર હસતા હશે. ભારતના લોકોએ આંદોલન દ્વારા સરકાર પાસે આતંકને રોકવા માટે સખત પગલાં લેવા માટે હવે રસ્તા પર ઉતરવું પડશે. સમય પાકી ગયો છે કે જનતા પ્રત્યાઘાત આપે. જે કોમ અને સમાજ મરેલો છે, તે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપતો નથી. પરંતુ જો આપણા ભારતીયોની કોમમાં દમ હોય અને આપણે જીવતા-જાગતા હોઈએ તો હવે શેરીઓ, ગલીઓ અને રસ્તાઓ પર ઉતરવાનો સમય આવી ગયો છે. હાલ આતંકવાદના ખાત્મા માટે ભારતમાં પ્રચંડ જનઆંદોલનની તાત્કાલિક જરૂરત છે.

આતંકવાદી હુમલા અથવા વિસ્ફોટોમાં આપણે બચી ગયા, એટલે આપણે અસંવેદનશીલતાથી વર્તન કરીએ, આપણે મૂઢ બનીને તેના આદિ બની ગયા હોઈએ તેમ વર્તીએ? આ કેટલું વ્યાજબી છે. અમેરિકા અને આપણી વચ્ચે પાયાનો ફરક છે કે ત્યાં 9/11 બાદ તદ્દન શાંતિ છે અને આપણે ત્યાં આતંકનો, વિસ્ફોટનો ઘટનાક્રમ હજી યથાવત છે. શું આપણું સુરક્ષા તંત્ર કમજોર છે? ક્યાંક વોટબેંકની નિર્લજ્જ રાજનીતિએ આતંક સામે લડવાની આપણી ઈચ્છાશક્તિને કરડી ખાધી છે. એક નેતા આદરની સાથે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનના મોત બાદ તેને યાદ કરતાં ઓસામાજી કહે છે અને હિંદુ સંગઠનોનો દોષ કાઢે છે. એક રાજ્યની વિધાનસભા ભૂતપૂર્વ વડાપ્રધાનના હત્યારાઓને ફાંસી ન આપવા માટે પ્રસ્તાવ પારિત કરે છે, તો બીજું રાજ્ય સંસદ પર હુમલો કરનારને રહેમ નજરે જોવાની વાત કરે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આવતીકાલે મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકી કસાબ માટે પણ કોઈનું દિલ દ્રવી ઉઠશે. એક ઉદાર સજ્જનો વિચાર છે કે ફાંસીની સજા જ ખોટી છે.

દરેક આતંકવાદી હુમલા બાદ સરકાર પોતાનો દ્રઢ નિશ્ચય દોહરાવે છે કે આગળથી આપણે આવું થવા દઈશું નહીં. બધાં વર્દી અને વર્દી વગરના હરકતમાં આવે છે. કોઈ કેન્દ્રીય મંત્રી લોકોની આવી વૃતિ-પ્રવૃતિ જોઈને જ તો બોલવાની હિંમત કરે છે કે લોકો વિસ્ફોટોના આદિ બની ગયા છે. ક્યારેક આપણને એવું પણ લાગે કે આતંકવાદીઓને પણ સરકારની લુખ્ખી ધમકીઓની આદત પડી ગઈ છે અને તેનાથી તેમને બીજી આતંકવાદી ઘટનાઓ કરવાની પ્રેરણા અને હિંમત મળે છે. સંભવ છે કે સરકારને આતંકી હિંસાનો મુકાબલો હિંસાથી કરવામાં કોઈ વિશ્વાસ નહીં હોય. એટલે જ તો સરકાર આતંકવાદીઓ અને આતંકી ઘટનાઓમાં આવી ઢીલી નીતિઓ રાખીને વર્તે છે. તેવામાં એક વિચાર એવો આવે છે કે ભારતમાં ભ્રષ્ટાચાર સામે તાજેતરમાં અન્નાના અનશનમાં લોકોએ ખૂબ આંદોલન કર્યું. તો હવે સરકાર જ અન્નાને અનુરોધ કરીને આતંક વિરુદ્ધ અનશન કેમ કરાવતી નથી!

Saturday, September 10, 2011

અડવાણીની અંતિમ(?) (રથ)યાત્રાના ખતરનાક ગૂઢાર્થો


-આનંદ શુક્લ

ભાજપને રાજકારણની વૈતરણી પાર કરીને સત્તાના સિંહાસન પર પહોંચાડવા માટે અડવાણી એક નવી રથયાત્રાની તૈયારી કરી રહ્યાં છે. ભારતીય રાજનીતિમાં રથયાત્રાથી ચેમ્પિયન બનેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભ્રષ્ટાચારના મુદ્દે નવી રથયાત્રા કાઢવાની ઘોષણા કરી છે. 2009માં ડૉ. મનમોહન સિંહના હાથે વડાપ્રધાન પદની દોડમાં માત ખાધા બાદ આમ તો લાલકૃષ્ણ અડવાણીએ પોતાને વડાપ્રધાનપદની દોડથી અલગ કરી લીધા છે. પરંતુ તાજેતરમાં સંસદમાં કેશ ફોર વોટ મામલે આપવામાં આવેલા નિવેદન કે અમરસિંહ સાથે ધરપકડ કરાયેલા ભાજપના બંને સાંસદોને સ્ટિંગ ઓપરેશન કરવા માટે પોતે મંજૂરી આપી હતી અને જો કોઈ દોષિત છે, તો તે પોતે છે. તેમણે સરકારને કહ્યું પણ હતું કે તેમને જેલમાં બંધ કરવામાં આવે. ત્યાર બાદ ભ્રષ્ટાચારના મુદ્દે અડવાણીએ સંસદના શિયાળુ સત્ર પહેલા રથયાત્રાની જાહેરાત કરીને એક જ તીરથી અનેક નિશાન પાર પાડવાની તૈયારી કરી છે. હવે માત્ર અડવાણીનું જ નહીં, પણ ભાજપનું ભવિષ્ય પણ એના પર નિર્ભર રહેશે કે આ યાત્રા કેટલી કામિયાબ થાય છે. જો આ યાત્રા કામિયાબ થઈ તો તેનું સૌથી મોટું નુકસાન સ્વાભાવિક રીતે કોંગ્રેસને જ થશે, પરંતુ જો તે નિષ્ફળ રહી તો તેનો આંચકો ભાજપને ઓછો પરંતુ અડવાણીને વધારે લાગશે અને તેઓ 83 વર્ષે વડાપ્રધાન પદે પહોંચવાની પોતાની તમામ સંભાવનાઓને એક જ ઝાટકે ખતમ કરી નાખશે.

સંભાવના છે કે 83 વર્ષના અડવાણીની આ રથયાત્રા રાજકારણમાં તેમની અંતિમ યાત્રા બની રહેશે. અડવાણીની આ રથયાત્રાની ઘોષણામાં ઘણાં બધાં રાજકીય ગૂઢાર્થો છુપાયેલા છે. ભાજપની આંતરીક સ્થિતિ અને સર્વસંમત નેતાની હજી કમી હોવાની વાત સ્પષ્ટ થઈ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેપથ્યમાં જવાની સાથે જ ભાજપમાં નેતૃત્વનું સંકટ ઉભું થઈ ગયું હતું. વાજપેયીના નેપથ્યમાં ગયા પછી ભાજપમાં ઉભા થયેલા શૂન્યને અડવાણી દ્વારા ભરવાની કોશિશ થઈ હતી. અડવાણીએ રામરથયાત્રા દ્વારા પોતાના રાજકીય કદને વાજપેયીની સમકક્ષ લાવીને ઉભું કરી દીધું હતું. તેથી તે સ્વાભાવિક છે કે વાજપેયીના નેપથ્યમાં જવાથી ઉભા થયેલા નેતૃત્વના શૂન્યને અડવાણી ભરી દે. પરંતુ અડવાણીની પાકિસ્તાન યાત્રા અને ત્યાં જિન્નાહને સેક્યુલર કહેવાના અને બાબરી ધ્વંસને પોતાની જીંદગીનો દુ:ખદ દિવસ કહેવાના નિવેદને તેમના રાજકીય કદને પળમાં વામણું કરી નાખ્યું.

આ ઘટના પછી ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતાઓ નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, યશવંત સિંહા, જશવંતસિંહ વગેરેમાં નેતૃત્વ મુદ્દે હોડ જામી અને એકબીજા પર સરસાઈ મેળવવા માટેની પેતરાબાજી પણ ચાલી. જો કે અડવાણીની ભ્રષ્ટાચાર મુદ્દે હજી એક રથયાત્રા કરવાની ઘોષણા દર્શાવી રહી છે કે ભાજપના દ્વિતિય પંક્તિના નેતૃત્વમાં હજી સુધી કોઈ નેતા પર સર્વસંમતિ સધાઈ નથી. આ સિવાય બીજો અર્થ એ છે કે અડવાણી 2009ની ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. પરંતુ અડવાણીને રાજકારણમાં પોતાની વડાપ્રધાનપદે આસિન થવાની ઈચ્છાની પૂર્તિ ન થવાને કારણે અવગતિયો જીવ હોવાની વાત ઘણાં ગુજરાતી સમીક્ષક કહી ચુક્યા છે. તેવી પરિસ્થિતિમાં ક્યાંક અડવાણીની ફરીથી આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ભાજપ-એનડીએના ઉમેદવાર થવાની કોઈ સુષુપ્ત ઈચ્છા હોઈ શકે છે. જો કે અડવાણીએ પોતાની નવી રથયાત્રાને વડાપ્રધાન પદની દાવેદારી સાથે જોડવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો છે. જો કે ભાજપમાં 2009ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પરાજીત થયા બાદ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. ક્યારેક વાઈબ્રન્ટ ગુજરાતમાં તો ક્યારેક કોઈ ફિલ્મી સિતારા અથવા તો ઉદ્યોગપતિ દ્વારા આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી યોગ્ય હોવાની વાત અલગ-અલગ સંદર્ભોમાં કહેવામાં આવી છે. કેટલીક ટેલિવિઝન ચેનલોએ પણ પોતાના સર્વેક્ષણમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં નરેન્દ્ર મોદી આગળ હોવાનું જણાવ્યું છે. પરંતુ ભાજપમાં દ્વિતિય પંક્તિના નેતાઓમાં આ મામલે હજી કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.

તો ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે દરેક ચૂંટણીમાં પાર્ટી વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા કરે તે જરૂરી નથી. આ એ પાર્ટીની ઘોષિત નીતિથી બિલકુલ ઉલટું છે કે જે આ સવાલ પર કોંગ્રેસ અથવા અન્ય વિરોધીઓને ઘેરવાનું ચુકતી ન હતી. હાલમાં કોઈ ચૂંટણી નથી, ન તો કોઈ એવી પરિસ્થિતિ કે જેમાં ભાજપને કેન્દ્રની સત્તા મળી રહી છે. આનાથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીની અંદર ચાલી રહેલા ગજગ્રાહની ખબર પડે છે. ગડકરીનું નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની વધુ એક રથયાત્રા શરૂ કરવાના એલાન સંદર્ભે સામે આવ્યું છે.

74 વર્ષીય અન્ના હજારેના 12 દિવસના અનશનથી દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહોલ જામેલો છે. અન્ના હજારેના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે સિવિલ સોસાયટી દ્વારા ચલાવાયેલી બીજી આઝાદીની લડતથી દેશનું વાતાવરણ અત્યારે ચાર્જ છે. તેના કારણે દેશમાં કોંગ્રેસની વિરુદ્ધનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે રાજકીય વાતાવરણ કોંગ્રેસ વિરુદ્ધનું હોય, તો તે ભાજપ તરફી થઈ જાય છે. કારણ કે જે આંદોલન દેશના મુખ્ય વિપક્ષે કરવાનું હતું, તેને ભાજપે સિવિલ સોસાયટી અને અન્ના હજારેના ભરોસે છોડી દીધું હતું. માટે એવું પણ લાગે છે કે અડવાણી દ્વારા ભ્રષ્ટાચાર અને રાજકીય સુચરિત્રની વાતના મુદ્દા રથયાત્રા દ્વારા ઉઠાવવાની વાત અન્ના હજારેના આંદોલનને મળેલા વ્યાપક સમર્થનથી પ્રેરીત છે. પરંતુ તેમણે વિચારવું જોઈએ કે આ મુદ્દા ધધકતી અગન જ્વાળા જેવા છે અને તેમાંથી રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો બની શકે કે રાજકીય રોટલા બળી પણ જાય!

ભારતીય રાજકારણના હાલના પીઢ રાજનેતા એલ. કે. અડવાણીને રથયાત્રાઓનો બહોળો અનુભવ છે. તેમણે સૌથી પહેલા સપ્ટેમ્બર 1990માં રામજન્મભૂમિ રથયાત્રા કાઢી હતી. તેના પરિણામે દેશની રાજનીતિના રથની દિશા બદલાઈ ગઈ હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં માંડ બે બેઠકો મેળવનારું ભાજપ 1996 સુધીમાં તો કોંગ્રેસનો વિકલ્પ બનીને ઉભું રહ્યું. તો 1997, 1998માં સત્તાના સૂત્રો પણ હસ્તગત કર્યા. રામજન્મભૂમિ રથયાત્રાથી પ્રેરાયને અડવાણીએ અન્ય ચાર રથયાત્રાઓ કાઢી હતી. તેમાં સપ્ટેમ્બર, 1993માં જનાદેશ યાત્રા, મે-જૂન, 1997માં સ્વર્ણ જયંતી રથયાત્રા, માર્ચ-એપ્રિલ, 2004માં ભારત ઉદય યાત્રા અને એપ્રિલ-મે 2006માં ભારત સુરક્ષા યાત્રા કાઢી હતી. જો કે અડવાણીની રામજન્મભૂમિ રથયાત્રા જેટલી અને જેવી સફળતા તેમની અન્ય કોઈ યાત્રાને હજી સુધી મળી શકી નથી.

નવી ઘોષિત રથયાત્રાથી અડવાણી ત્રણ કામ કરવા માંગે છે- એક, ભાજપને ભ્રષ્ટાચાર વિરોધી માહોલની વચ્ચે મજબૂત કરવાની કોશિશ કરવી, બીજું, વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પોતાને બધાં ભાજપી નેતાઓથી દમદાર સાબિત કરવા, ભ્રષ્ટાચારના મુદ્દે અન્નાના આંદોલન બાદ ઉભા થયેલા કોંગ્રેસ વિરોધી માહોલને ભાજપ તરફી બનાવવું.

દેશના આમ આદમી માટે આ પ્રસ્તાવિત રથયાત્રા સાથે સંલગ્ન મોટી ચિંતા એ હશે કે લગભગ સ્વયંસ્ફૂરણાથી ઉભરેલા ભ્રષ્ટાચાર વિરોધી ચેતનાને તેનાથી ક્યાંક કોઈ આંચકો તો લાગશે નહીં ને? જનલોકપાલ બિલ માટે ચાલી રહેલું જે આંદોલન તેની ચેતનાની મુખ્ય અભિવ્યક્તિ બનેલું છે, તેનું સ્વરૂપ અત્યાર સુધી બિનરાજકીય રહ્યું છે. કોઈ એક પાર્ટી દ્વારા તેમાથી લાભ લેવાની કોશિશ લોકોમાં તેના પ્રત્યે અરુચિ પેદા કરી શકે છે. એ પણ ત્યારે કે જ્યારે ભાજપના તત્કાલિન અધ્યક્ષ કેમેરામાં લાંચ લેતા ઝડપાય ગયા હોય, ભાજપના રેડ્ડી બંધુઓને ભ્રષ્ટાચારના આરોપમાં જેલ ભેગા કરાયા હોય, લોકાયુક્તના રિપોર્ટના આધારે કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાને ગાદી છોડવી પડી હોય, ઉત્તરાખંડના મુખ્યમંત્રી નિશંક પર તલવાર તોળાઈ રહી હોય અને મીડિયામાં ભાજપ પર ભ્રષ્ટાચાર સામે નરમ વલણ અપનાવાયાના આરોપો લગાવાતા હોય.

બીજો સૌથી મહત્વનો મુદ્દો છે કે ખુદ લાલકૃષ્ણ અડવાણી તેમની રામજન્મભૂમિ રથયાત્રાથી દેશની રાજનીતિમાં સૌથી વધારે કોમવાદી ચહેરા તરીકે મીડિયામાં પ્રચારીત કરાયા છે. અડવાણીની ખ્યાતિ અને સ્મૃતિ આજે પણ તેમની આ રથયાત્રાને લઈને છે. ત્યારે લોકોને આશંકા છે કે અડવાણી દ્વારા ઘોષિત નવી રથયાત્રા આખી ભ્રષ્ટાચાર વિરોધી ચેતનાને કોમવાદી રંગમાં રંગી ન નાખે. કારણ કે અન્નાના આંદોલનમાં ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા સામે કેટલાંક નાલાયકોએ વાંધો ઉઠાવીને તેને ઈસ્લામ વિરોધી ગણાવ્યા હતા. આવા નાલાયક તત્વે અન્નાના આંદોલનમાં ભાગ ન લેવા માટે મુસ્લિમોને હાકલ કરી હતી. ત્યારે અડવાણીની ખુદની કરણી, રથયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ટેકો વગેરે બાબતો આવા નાલાયક કોમવાદી તત્વોને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને કોમવાદી રંગ લગાવવા માટે મોકળું મેદાન આપશે.

વળી એ એક વિડંબણા છે કે ભ્રષ્ટાચારના મુદ્દા પર પોતાને ખરાબ રીતે ઘેરાયેલા જોવા છતાં કોંગ્રેસે અડવાણીની રથયાત્રાની ઘોષણાનું સ્વાગત કર્યું છે. લાગે છે કે કોંગ્રેસને ઉંડે ઉંડે આશા છે કે અડવાણીના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં કૂદવાની સાથે જ અન્ના હજારેના આંદોલનથી ઉભું થયેલું દબાણ તેના કોમવાદીકરણ સાથે ઢીલું પડી જશે. તેનાથી કોંગ્રેસને પોતાના રાજકીય હિતો સધાવાની પૂરી શક્યતાઓ પણ દેખાઈ રહી હોય. ત્યારે આ રાજકીય ગાળિયાને અહેસાસ સૌથી મોટા વિપક્ષ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને નહીં હોય?

વિકૃત સેક્યુલારિઝ્મથી ભારત સત્યાનાશના માર્ગે!


- આનંદ શુક્લ

વિવાદના વંટોળમાં ભારતના રાષ્ટ્રહિતો મરી રહ્યાં છે. દેશના રાજકીય પક્ષોને પોતપોતાની વોટબેંક સાચવવા સિવાય અન્ય કોઈ વાતની પરવાહ નથી. રાજનીતિનું લક્ષ્ય માત્ર અને માત્ર સત્તાપ્રાપ્તિ રહ્યું છે. રાજનીતિમાં રાષ્ટ્રસેવા, સમાજસેવા અને જનસેવા ગેરહાજર છે. રાજકીય પક્ષો અને નેતાઓની સ્વહિત સાધના રાષ્ટ્રને બેહદ નુકસાન પહોંચાડી રહી છે. દેશની સંસદમાં દેશહિત અને રાષ્ટ્રહિતની મોટાભાગે વિવાદો કરીને અવહેલના કરવામાં આવી છે. આતંકવાદ, કોમવાદ, નક્સલવાદ, પાકિસ્તાન, કાશ્મીર, ચીન, અમેરિકા સાથેના સંબંધો, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેકારી જેવાં ઘણાં બધાં મુદ્દાઓ પર કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય નીતિનો અભાવ છે. આ તમામ મુદ્દા રાષ્ટ્રનીતિના નહીં, રાજનીતિના ભાગ બની ગયા છે. લોકોની ઝંખના છે કે તેમને સારું, સ્વસ્થ અને સુરક્ષિત જીવન મળે. પણ સ્વહિત સાધનાથી સત્તાપ્રાપ્તિ માટેના લક્ષ્યમાં લાગેલા રાજકીય પક્ષો અને નેતાઓ લોકોની આવી કોઈ લાગણીને માન આપી રહ્યાં નથી.

દિલ્હીમાં 7મી સપ્ટેમ્બર, 2011ના રોજ હાઈકોર્ટના ગેટ નંબર-5 પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિસ્ફોટ ભારતનું ભાગ્ય બની ગયું છે. એથી વધારે દુર્ભાગ્ય છે કે બે દશકાથી આતંકવાદથી પીડિતા ભારત પાસે તેનો સામનો કરવાની કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, કોઈ કડક કાયદો નથી અને રાજકીય પક્ષો પોતપોતાની ટ્યૂન વગાડીને રાજનીતિ કરી રહ્યાં છે. શું 26/11 બાદ આતંકના ભયાવહ ચહેરાને જોયા પછી ભારતીય સંસદ એક વિશેષ સત્ર આતંકવાદ સામેની રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે કોઈ વિશેષ સત્ર બોલાવીને ચર્ચા ન કરી શકે? પણ દેશનું દુર્ભાગ્ય છે કે વિવિધ રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતપોતાની જવાબદારીઓ ભૂલી જાય છે.

યુપીએ-1ના સમયગાળામાં સૌથી પહેલું કામ આતંકવાદ વિરોધી કાયદો પોટાને હટાવવાનું થયું હતું. આ કામ તેમણે કોઈ રાષ્ટ્રહિતમાં કર્યું ન હતું, પરંતુ મુસ્લિમોને હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે પોટાને હટાવ્યો હતો. વિચાર કરો કે જ્યારે આતંકવાદથી દુનિયા ત્રસ્ત હોય, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વસ્ત થયા હોય અને ભારતની સંસદ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન થયો હોય, ત્યારે પોટા જેવા કડક આતંકવાદ વિરોધી કાયદાને હટાવી દેવો કેટલું તર્કસંગત લાગ છે? આતંકવાદની રાજનીતિ તો પાકિસ્તાન ભારતમાં કરી રહ્યું છે, પરંતુ ભારતના રાજકારણીઓ આતંકવાદ પર રાજનીતિ કરી રહ્યાં છે. મુસ્લિમ વોટબેંકને છાવરવાની રાજનીતિ આતંકવાદના મુદ્દે મહત્વની બની છે. આતંકવાદ સામે કડક કાયદાનો વિરોધ કરનારાઓનો તર્ક હતો કે કાયદો ઘડવાથી કંઈ આતંકવાદ રોકાવાનો નથી અને ભારત પાસે પુરતા કાયદા છે કે તેના દ્વારા આતંકવાદનો સામનો થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે દેશમાં બે દાયકાથી આતંકવાદ શા માટે કાબૂમાં આવતો નથી? દેશમાં 26/11ની ઘટના પછી પણ કોઈ બોધપાઠ શા માટે લેવામાં આવ્યો નથી? શું જેલમાં બેસીને મટન-બિરયાની ખાઈ રહેલા અફઝલ ગૂરુ અને કસાબને જોઈને કોઈ આતંકવાદ વિરોધી કડક કાયદાની અને ન્યાયપ્રણાલીને વધારે ઝડપી બનાવવાની જરૂરત દેખાતી નથી?

ખરેખર આતંકવાદના મુદ્દે વિવિધ તર્કોથી લોકો તંગ આવી ગયા છે. કોઈ કહે છે કે આતંકવાદને ધર્મ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદનો કોઈ રંગ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદ સામે કોઈ કડક કાયદાની જરૂરત નથી, કોઈ કહે છે કે આતંકવાદનું કારણ ગરીબી, બેકારી અને શિક્ષણનો અભાવ છે, કોઈ કહે છે કે આતંકવાદ ગેરમાર્ગે દોરાયેલાઓનું કૃત્ય છે. ત્યારે જનતા જાણવા કંઈક જાણવા ઈચ્છે છે. ભારતમાં કેટલા પ્રકારના આતંકવાદ અસ્તિત્વમાં છે? તેમનું હાલનું સ્ટેટસ શું છે? આ તમામ આતંકવાદનું કારણ શું છે? દેશમાં આઝાદી બાદ કેટલાં આતંકવાદી હુમલા થયા? આ આતંકવાદી હુમલા ક્યારે અને ક્યાં ઠેકાણે થયા? આ હુમલા પાછળનો ઉદેશ્યોની સરકારને તપાસ બાદ જાણ થઈ છે? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા શું હતી? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના નામ જાહેર કરો? આ દરેક આતંકવાદી હુમલા બાદ સહાયતા રાશિ કેટલી અને કેવી રીતે ચુકવવામાં આવી? આ આતંકવાદી હુમલા બાદ સરકારે ક્યાં પગલાં લીધા? આ આતંકવાદી હુમલાની તપાસનું સ્ટેટસ શું છે? આ આતંકવાદી હુમલાની ઘટનામાંથી કેટલાંમાં ગુનેગારોને સજા થઈ? આતંકવાદીઓને સજા થયા પછી તેનો અમલ કેટલા કિસ્સામાં થયો? આતંકવાદ સામે લડવામાં દેશની રાષ્ટ્રીય નીતિ શું છે?

આતંકવાદી હુમલાઓ બાદનું રાજકીય વાતાવરણ હંમેશા જણાવે છે કે આવા કોઈપણ સવાલોના જવાબ દેશના નેતાઓ પાસે નથી અને જનતાની સંવેદનાઓને એટલી મૂઢ બનાવી દેવામાં આવી છે કે તેઓ આવા કોઈ પ્રશ્નોનો જવાબ પુછી શકે તેવી સ્થિતિમાં નથી.

આ સિવાય દેશમાં કોમવાદી રાજકારણ ચાલી રહ્યું છે. કોમવાદનો એવો અર્થ નથી કે બહુમતીને છાવરવા જ કોમવાદ ગણાય. કોમવાદ તો લઘુમતી-મુસ્લિમ અને ખ્રિસ્તીઓને છાવરવા પણ છે. પરંતુ દેશના કર્મશીલો અને રાજકારણીઓ આ વાતને ભૂલી જાય છે. જેના કારણે દેશના બહુમતી સમાજમાં પણ પ્રતિક્રિયાઓ, આશંકાઓ અને તણાવ ઉભો થાય છે. ભારતના બંધારણે કાયદાને તમામ માટે સમાન અને કાયદા સામે તમામ સમાન હોવાની વાત ભારપૂર્વક કરી છે. દેશના દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો આપ્યા છે. પરંતુ સાથે સાથે વિશેષ અનુચ્છેદ દ્વારા લઘુમતીઓને સંરક્ષણ પણ આપ્યું છે. જો કે આ સંરક્ષણને સંરક્ષણ ન રહેવા દઈને દેશના રાજકીય નેતાઓએ લઘુમતી તુષ્ટિકરણનો હાઈવે બનાવી દીધો છે. દેશને આઝાદી મળી, તેની સાથે જ વિભાજનનું દુ:ખ પણ મળ્યું. આ દુ:ખ ક્યાં કારણોથી મળ્યું, તેની કોઈ ચર્ચા વ્યવસ્થિત રીતે જનતા સમક્ષ કરવામાં આવી નથી. દેશમાં મુસ્લિમ લીગના કોમવાદી રાજકારણે પાકિસ્તાનની પેદાશ કરી છે. આ વાતને ગમે તેવા રૂપાળા તર્કો અને તથ્યોને વિક્ષેપિત કરીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ તે વધારે સમય સુધી છુપાય શકે તેમ નથી.

દેશનું સુપર કેબિનેટ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ દેશના કોમવાદથી ઘણી બધી રીતે પરેશાન છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે પ્રિવેન્સન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્ટ-2011 બનાવ્યો છે. પરંતુ તે બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધનો કાયદો છે. વળી તે કાયદા સામે તમામને સમાન અને તમામ માટે કાયદાને સમાન ગણવાની મૂળ ભાવનાનો છેદ ઉડાડી રહ્યો છે. આ કાયદા પ્રમાણે કોમવાદી અને લક્ષિત હિંસા માટે માત્ર અને માત્ર બહુમતી સમાજ એટલે કે આ દેશનો હિંદુ જ જવાબદાર છે. નેશનલ એડવાઈઝરી કાઉન્સિલનું આ ફેક્ટ ફાઈન્ડિંગ કેટલું ભયંકર છે, તેનો અંદાજો લગાવતા વિશેષજ્ઞોને કંપકપી છૂટી જાય છે. આ કાયદો સમાજનું કેટલી હદે વિઘટન કરશે, તેની તેના બનાવનારને ખબર નથી.

ત્યારે સવાલ એ છે કે દેશમાંથી કોમવાદનું નિર્મૂલન કરવું છે કે તેના પર રાજકારણને છૂટોદોર આપવો છે? જો દેશમાં કોમવાદના નિર્મૂલનની દિશામાં કંઈક વિચાર કરવો હોય, તો દેશની સરકારે થોડા સવાલોના જવાબ સાર્વજનિક કરવા જોઈએ. ભારતના વિભાજન માટે ક્યાં પરિબળો અને કોની રાજનીતિ જવાબદાર હતી? આઝાદ ભારતમાં કોમી અને લક્ષિત હિંસાના કેટલાં બનાવો બન્યા? આ બનાવો ક્યારે અને કઈ જગ્યાએ બન્યા? તેની પાછળના સંભવિત કારણો ક્યાં હતા? કોમી અને લક્ષિત હિંસાની ઘટનામાં માર્યા ગયેલાઓ અને ઘાયલોના નામ ઘટનાવાર જાહેર કરવામાં આવે? આવી ઘટનાઓમાં મૃતકો અને ઘાયલોને ચુકવવામાં આવેલી સહાયતા રાશિઓને ઘટનાવાર નામ સાથે જાહેર કરવામાં આવે? કોમી અને લક્ષિત હિંસાની ઘટનાઓ સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વલણોને જાહેર કરવામાં આવે? આવી કેટલી ઘટનાઓની તપાસ તેના અંજામ સુધી પહોંચી? આવી ઘટનાઓ બાદ કેટલાં લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમાથી કેટલાં લોકોને સજા થઈ તે ઘટનાવાર દર્શાવવામાં આવે. શું ભારતમાં આતંકવાદ અને કોમવાદી ઘટનાઓ વચ્ચે કોઈ આંતરસંબંધ છે?

આ સવાલોના જવાબ મળે તો જાણી શકાય કે દેશમાં કોમવાદ કેમ છે? તેના માટે કોણ મોટાભાગે જવાબદાર છે? આવી ઘટનાઓ કેવી રીતે થાય છે અને તેમાં સજા અને સહાયતા કેવી રીતે થાય છે? ત્યાર બાદ જો તો કોઈ કાયદો બનાવી શકાય. પણ આ બાબતોની ચર્ચા કર્યા વગર તેને ધ્યાન પર કાયદો બનાવીને હિંદુઓને કોર્ટની કાર્યવાહી વગર દોષિત ઠેરવી દેવા કેટલી હદે વ્યાજબી છે? ભારતમાં આતંકવાદ અને કોમવાદ વચ્ચે સંબંધ હોવાની વાત ઘણાં કિસ્સાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામે આવી છે. ત્યારે શું કોમવાદ અને લક્ષિત હિંસા સંદર્ભે મુસ્લિમોને તોફાન કરવાનો પરવાનો આપતા કાયદાથી આતંકવાદને રોકવા માટેનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકાશે?

આના સિવાય પણ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ દરકાર કરવામાં આવતી નથી. હિંદુઓ ગાયને માતા ગણે છે અને હિંદુઓમાં ગોમાંસ વર્જ્ય છે. ત્યારે ગોહત્યાને રોકવા માટે દેશવ્યાપી કડક કાયદા બનાવવાની કોઈ હિલચાલ કરવામાં આવતી નથી.બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદા છે, ત્યાં કાયદાનો કડકાઈથી અમલ થઈ રહ્યો નથી.

હિંદુ ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પર સરકારની ગીધદ્રષ્ટિ છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનો અને ટ્રસ્ટોને વિશેષાધિકાર આપી દેવાયા છે. કર્ણાટક જેવાં રાજ્યમાં ભાજપની સરકારે જ મંદિરોનો વહીવટ પોતાના હસ્તગત લઈ લીધો છે. વળી મંદિરોની દાનની આવક હિંદુ ધાર્મિક કાર્યો માટે જ વપરાય તેવી કોઈ ચોકસાઈ રાખવામાં આવતી નથી. મંદિરોની આવકને હજની સબસિડી, મદરેસાઓ અને અન્ય ધર્મના કામમાં પણ વાપરવામાં આવે છે. ત્યારે હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનો, મંદિરો અને ટ્રસ્ટોમાં દાન કરીને ધાર્મિક પ્રવૃતિઓ કેવી રીતે ચલાવી શકશે? તેનો કોઈ અર્થ કેવી રીતે રહેશે?

આ દેશનો આત્મા હિંદુત્વ છે. પરંતુ દેશનું શાસન સેક્યુલર માળખાં નીચે ચાલી રહ્યું છે.આમા દેશમાં તમામ ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો સરકારની ફરજ છે. પરંતુ સરકાર તેમ કરી રહી નથી. તેની વધુ સાબિતીઓ ઉપરોક્ત સવાલોના જવાબો જાહેર થયા બાદ આપોઆપ લોકો સામે સ્પષ્ટ બનશે.સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા કરવી આ દેશની મુસ્લિમ વોટબેંક માટે લાળ ટપકાવતા નેતાઓ માટે સામાન્ય વાત છે. દેશમાં હિંદુઓને જ પીડિત બનાવીને અન્ય પંથ-સંપ્રદાય-મજહબોને વિશેષ લાભો આપીને તુષ્ટિકરણ કરીને દેશના સોશ્યલ એન્જિનિયરિંગ સાથે ભયાનક અને ભાગલાવાદી પ્રયોગ થઈ રહ્યો હોય તેમ લાગતું નથી? દેશ માટે સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા, વિકૃત વ્યવહાર તમામ પ્રકારે અને સ્તરે ખતરનાક પુરવાર થયો છે અને થતો રહેશે.ત્યારે જરૂરી છે કે દેશની જનતા સ્વયંભૂ જાગૃત બનીને દેશના નેતાઓ અને રાજકારણીઓને વિકૃત સેક્યુલારિઝ્મનો માર્ગ છોડાવા માટે અભૂતપૂર્વ દબાણ ઉભું કરે, રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રીય નીતિઓ બનાવવા માટે દબાણ કરે.જો દેશની તમામ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે,તો તેમાંથી મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વિકૃત સેક્યુલરોની સેક્યુલારિઝ્મના નામે આચરવામાં આવેલી વિકૃતિઓ છે.

Friday, September 9, 2011

આતંકવાદના મુદ્દે બશર્મોની બેશરમી


- આનંદ શુક્લ

એક વખતની આતંકવાદી ઘટના બાદ બીજી આતંકવાદી ઘટનાની રાહ જોવાની ભારત સરકારને ટેવ પડી ગઈ છે. આતંકવાદથી દેશ છેલ્લા બે દશકાથી લહુલુહાણ છે અને યુપીએ સરકાર પાસે આતંક સામે લડવાની કોઈ સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ અને રણનીતિ નથી. વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાની ઘસાયેલી રેકોર્ડ વગાડતા રહે છે. તો સુબોધકાંત સહાય જેવા બેજવાબદાર કેન્દ્રીય મંત્રીઓ પીડિતોના લોહી અને સ્વજનોના આંસુ પર પોતાની ઓકાત બતાવી રહ્યાં છે. આતંકવાદના મુદ્દા પર રાજનીતિની નીચ કોશિશ ભારતીય રાજકારણનું કલંક છે. પરંતુ ભારતના રાજકારણમાં આતંકવાદના મુદ્દે રાજનીતિને રાષ્ટ્રનીતિમાં ફેરવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ ભેગા મળીને કોઈ પ્રયત્ન કરતાં નથી.

યુપીએ-1 સરકાર જ્યારે સત્તામાં આવી તો તેમણે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પોટા નામનો આતંકવાદ વિરોધી કાયદો સંસદમાં રદ્દ કરાવ્યો હતો. તે વખતે તર્ક હતો કે આતંકવાદ કંઈ કાયદાથી રોકાવાનો નથી અને ભારતના પ્રવર્તમાન કાયદા આતંકવાદ સામે લડવા માટે સક્ષમ છે. મુસ્લિમ વોટબેંકની રાજનીતિ સાથે પોટાને હટાવવાના મુદ્દાને કોંગ્રેસ અને તેના મળતિયાં રાજકીય પક્ષોએ ભેળવી દીધો હતો. પણ અત્યારે સવાલ એ છે કે સંસદ પર હુમલાના ષડયંત્રકારી આતંકી અફઝલ ગૂરુને ઘટનાના 10 વર્ષ બાદ પણ ફાંસીની સજા આપી શકાય નથી. સુપ્રીમ કોર્ટે અફઝલની ફાંસી પર મંજૂરીની મ્હોર મારી છે, પણ રાજકારણે અફઝલને ફાંસી પર લટકવા દીધો નથી. મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ આમિર કસાબને પણ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. પરંતુ તેને આજે પણ જેલમાં બેસાડીને બિરયાની ખવડાવામાં આવે છે. ત્યારે ભારતના કાયદામાં એવી કોઈ ખામી છે, ભારતના ન્યાયતંત્રની પ્રણાલીમાં એવા કોઈ છીંડા છે કે અફઝલ, કસાબ જેવા નરરાક્ષસોને જેલમાં બેસાડીને મટન-બિરયાની ખવડાવામાં આવે છે.

મુંબઈમાં ત્રણ વિસ્ફોટો થયા, બાદમાં અન્નાના કથિત ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં લોકો આતંકવાદનો મુદ્દો ભૂલી ગયા. અન્નાના અનશન સમાપ્ત થયાના અઠવાડિયા બાદ 7મી સપ્ટેમ્બરે દિલ્હીની હાઈકોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 11 લોકોના જીવ ગયા. પણ કોઈ રાજકારણીઓના પેટનું પાણી હલ્યું નથી. કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે તો સંવેદનહીનતાની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે દિલ્હી વિસ્ફોટો સંદર્ભે આંચકાજનક નિવેદન આપતા કહ્યુ છે કે આ કોઈ નવી ઘટના નથી. આખા દેશમાં આતંકી હુમલા થાય છે. લોકો આવા ઘડાકાઓના આદિ થઈ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં મુંબઈમાં થયેલા ટ્રિપલ બ્લાસ્ટ વખતે સુબોધકાંત સહાય મુંબઈમાં જ કોઈ ફેશન શોમાં મોડલ્સની લચકતી કમર જોઈને પોતાની આંખો ઠંડી કરી રહ્યા હતા.

દિલ્હી વિસ્ફોટના બે દિવસ બાદ ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પોતાની વકીલ તરીકેની દલીલો સાથે જનતા સામે પ્રગટ થયા હતા. તેમણે કહ્યું હતું કે આખું ભારત આતંકવાદીઓના નિશાના પર છે અને હવેનો આતંકી હુમલો અમદાવાદમાં થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ દેશમાં આતંકવાદી હુમલો ન થવાની ગેરેન્ટી આપી શકે નહીં. તેમણે ભારતની ભૂગોળને ઘણી વિકટ ગણાવી. પ્રખ્યાત વકીલમાંથી નાણામંત્રી બાદમાં ગૃહમંત્રી બનેલા પી. ચિદમ્બરમે કહ્યું છે કે દરેક ગુપ્ત માહિતી પર ત્યાં સુધી કાર્યવાહી કરી શકાય છે, જ્યાં સુધી તે ખોટી સાબિત ન થઈ જાય. આપણે આપણી ક્ષમતાઓને વિકસિત કરવાની કોશિશ કરી રહ્યાં છીએ. દરેક એજન્સીઓએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે.

ત્યારે સવાલ એ છે કે આપણે આપણી ક્ષમતાઓને ક્યાં સુધી વિકસિત કરતાં રહીશું, ક્ષમતાઓ વિકસિત થવા છતાં પણ આતંકવાદી હુમલાઓ તો રોકાતા નથી. તેનો અર્થ એ થયો કે ભારતની સુરક્ષા એજન્સીઓ અને સરકાર કરતાં આતંકવાદીઓ વધારે તૈયારી કરી રહ્યાં છે. દરેક એજન્સીઓ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવતી ન હોવાથી જ તો આતંકી હુમલો થાય છે. તો આવી કઈ એજન્સી કે એજન્સીઓ છે અને તેમાં ક્યાં લોકો જવાબદાર છે, તે પણ ચિદમ્બરમ સાહેબે શોધવું ન જોઈએ. ચિદમ્બરમ સાહેબ ગૃહમંત્રી થઈને દેશમાં બોમ્બ ધડાકા નહીં થાય, તેવી કોઈ ખાતરી આપવા માટે તૈયાર નથી. પણ તેઓ કહી રહ્યાં છે કે દેશના નાગરીકોએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. એટલે કે અત્યારે લોકો પોતાની ભૂમિકા નિભાવતા નથી? શું લોકોએ પોતાની સુરક્ષા રામભરોસો રાખવી પડશે કે પોતાની મેળે પોતાની સુરક્ષા કરવી પડશે?

ચિદમ્બરમે પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે 9/11ના હુમલા બાદ અમેરિકાને પોતાની ક્ષમતાઓ વિકસિત કરવામાં સમય લાગ્યો હતો. આપણે તો 26/11ની ઘટના બાદ આપણા સુરક્ષા તંત્રને મજબૂત કર્યું છે. પરંતુ ચિદમ્બરમ સાહેબ, કેમ ભૂલી જાય છે કે પૂણેમાં જર્મન બેકરીનો બ્લાસ્ટ, મુંબઈમાં ટ્રિપલ બ્લાસ્ટ, દિલ્હી બ્લાસ્ટ સહીતના આતંકવાદી હુમલા 26/11 બાદ જ થયા છે. હા, 26/11 બાદ કંઈક ત્રીસ માસ સુધી આતંકવાદી હુમલા થયા ન હતા. તો શું અમારે જનતાએ એમ માનવું કે તે પાકિસ્તાન અને તેના દ્વારા પ્રેરીત તથા પોષિત આતંકવાદી સંગઠનોની ઈચ્છા ન હોવાથી થયા ન હતા? કારણ કે અમેરિકા ઈચ્છતું ન હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઉભો ન થાય અને પોતાના સામરીક હિતોને નુકસાન ન પહોંચે. તો શું અમેરિકાએ પાકિસ્તાનની સરકાર અને સેનાને અને પાકિસ્તાની સરકાર-સેનાએ આતંકવાદીઓને ભારતમાં થોડો સમય આતંકી હુમલા ન કરવાનું ફરમાન કર્યું હશે અને ચિદમ્બરમ સાહેબ આને આતંકી હુમલાઓ રોકવામાં સફળતા માનીને છાતી ફૂલવી રહ્યાં છે?

દિલ્હી બ્લાસ્ટ બાદ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન હતું કે આતંકવાદ સામેનું યુદ્ધ લાંબુ છે અને તેમાં આપણે જીતીશું. ત્યારે સવાલ એ છે કે આતંકવાદ સામે આપણે ક્યું યુદ્ધ કેવી રીતે લડી રહ્યાં છીએ? શું આપણે આતંકવાદ સામે યુદ્ધના નામે નક્કર પરિણામદાયક પગલાં લેવાની જગ્યાએ હવામાં હવાતિયાં મારીને ખુશ થઈ રહ્યાં છીએ? શું આતંકવાદ જ્યાંથી પેદા થઈ રહ્યો છે, તે પાપી પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે લશ્કરી નહીં, તો કૂટનીતિક, રાજનયિક, રાજકીય, વ્યાપારીક અને સામરીક પગલાં લઈ રહ્યાં છીએ? આતંકવાદ સામેના યુદ્ધની આવી પોકળ નીતિ અને રણનીતિથી મનમોહનજી આપણે કેવી રીતે જીતીશું તેનો તો જવાબ આપો?

આતંકવાદી હુમલા બાદ સરસ અંગ્રેજી ભાષામાં પઢાયેલા પોપટની જેમ નિવેદન આપનારા કોંગ્રેસી નેતાઓની કોઈ અછત નથી. કોંગ્રેસના એક મહાસચિવ દિગ્વિજય સિંહને દરેક આતંકવાદી હુમલામાં આરએસએસનો હાથ દેખાતો રહ્યો છે. તેમણે જુલાઈ માસમાં થયેલા મુંબઈ વિસ્ફોટોમાં આરએસએસનો હાથ હોવાની વાતને નકારી ન હતી. તો તે વખતે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં દરેક આતંકવાદી હુમલા રોકવા બેહદ મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું હતું કે ચોકસાઈ અને જાસૂસી દ્વારા દેશમાં 99 ટકા આતંકવાદી હુમલા રોકવામાં આવ્યા છે, પરંતુ દરેક હુમલો રોકવો કઠિન છે. તેમણે કહ્યું હતું કે ઈરાક અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલા અવારનવાર થાય અને અમેરિકા તેને ક્યાં રોકી શકે છે.

તો દિલ્હીમાં ભૂતકાળમાં દિવાળી પહેલા થયેલા આતંકવાદી હુમલામાં ઘણાં લોકોના જાન ગયા અને બીજા દિવસે જેટલી બેઠક થઈ, તે બધાંમાં ગૃહમંત્રી શિવરાજ પાટિલે જાતભાતના પરિધાનોમાં ભાગ લીધો હતો. શું એ શરમજનક વાત નથી કે લોકોના માર્યા જવાની ઘટના દરમિયાન ગૃહમંત્રી શિવરાજ પાટિલે કપડા અને જોડાંની પસંદગીમાં ગુંચવાયા હતા? મુંબઈ પરના આતંકવાદી હુમલાની ઘટના વખતે તાજ અને ટ્રાઈડેન્ટ હોટલમાં થયેલા આતંકી હુમલા બાદ પત્રકારોના એક સવાલના જવાબમાં પાટિલે આ હુમલાઓને નાની-મોટી ઘટના ગણાવીને પત્રકારોના સવાલોથી પીછો છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મુંબઈ પરના આતંકવાદી હુમલામાં 186 લોકોના જાન ગયા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. આટલી મોટી ઘટનાને નાની ઘટના કહેનારો વ્યક્તિ દેશનો ગૃહમંત્રી હતો, તે દેશનું દુર્ભાગ્ય નથી?

તો મુંબઈ હુમલા દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહમંત્રી આર. આર. પાટિલ ઘરેથી નીકળવા માટે તૈયાર ન હતા. નાયબ મુખ્યમંત્રી છગન ભૂજબળે કહ્યું હતું કે 26/11ની રાત્રે જ્યારે તેમણે પાટિલને હુમલાવાળા સ્થાનો પર જવાનું કહ્યું તો તેમણે કહ્યું કે પોલીસે મનાઈ કરી છે. ત્યારે ભૂજબળે કહ્યું હતું કે ઠીક છે, તમે ઘટનાસ્થળ પર ન ચાલો, પણ ઓછામાં ઓછું ડીજીપી ઓફિસ સુધી તો આવી જ શકો છો, પણ તેઓ તૈયાર થયા ન હતા.

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, તેના માટે આંદોલન થાય. આ બધી વાતો ઘણી સારી છે. ત્યારે દેશને આતંકવાદ મુક્ત કરાવવા માટે અને આતંકવાદના ખાત્મા સુધીની લડાઈ અન્ના હજારે જાહેર કરે, તે ઘણું સારું છે. આતંકવાદ પર રાજનીતિથી દેશને મુક્ત કરવા અને રાષ્ટ્રનીતિ ઘડવા માટે શું અન્ના હજારે નવું આંદોલન કરવા માટે તૈયાર છે? દેશના લોકોએ અન્નાના આંદોલનમાં ભાગ લીધો, ખૂબ સારું કામ કર્યું. પણ હવે આતંકવાદ સામે લડવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે તમે તૈયાર છો? અન્નાના આંદોલનને મીડિયા ઈવેન્ટ બનાવનારા કેન્ડલિયા પત્રકારો પણ આતંકવાદના મુદ્દા પર જનમત તૈયાર કરવા માટે કોઈ મહત્વની ભૂમિકા નિભાવશે કે ચિલાચાલુ સ્ટોરીઓ તથા આતંકી ઘટનાઓના ગાણાં ગાઈને કેટલાંક ચોખલિયાઓને બોલાવીને સ્ટુડિયોમાં ચર્ચા જ કર્યે રાખશે?