Thursday, April 23, 2015

ભારતની સમર્થતામાં જ સમૃદ્ધિનો નકશો, રાફેલ ભારતની જરૂરિયાત અને મજબૂરી

- પ્રસન્ન શાસ્ત્રી

ફ્રાન્સના રાફેલ યુદ્ધવિમાન ખરીદવા ભારતની જરૂરિયાત પણ છે અને મજબૂરી પણ છે. ફ્રાંસ સાથે પરમાણુ ઊર્જા કરારની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ શરત રાફેલ ડીલ હતી. તો વાયુસેનાની મારક ક્ષમતા ક્ષીણ થઈ ચુકી છે. ત્યારે ચીન અને પાકિસ્તાનની જુગલબંધી દ્વારા ઉભા થયેલા પ્રાદેશિક અને વૈશ્વિક સમારિક પડકારો સામે ભારતીય વાયુસેનાની ઘાતકતા વ્યૂહાત્મક સરસાઈ માટે ભારતની મજબૂરી છે. આવી સ્થિતિમાં ભારત હવે વધુ રાહ જોઈ શકે તેવી સ્થિતિમાં નથી.

જેના કારણે સંરક્ષણ તકનીકના ટ્રાન્સફર મામલે ફ્રાન્સ રાજી થયું નહીં હોવાથી ભારતે આ સોદો કરવો પડયો છે. તો પરમાણુ ઊર્જા મામલે ભારતને ફ્રાન્સની જરૂરત છે અને તેમાં રાફેલ ડીલની શરત માનવી પણ જરૂરી હતી. 126 વિમાનોનું ટેન્ડર કરાયા બાદ બે વર્ષથી લટકી રહેલા સોદાને કારણે વૈશ્વિક બજારમાં ભારતની શાખ પર બટ્ટો પણ લાગી રહ્યો હતો.

આજના યુગમાં કોઈપણ યુદ્ધ અથવા સૈન્ય  અભિયાનમાં વાયુસેના પર નિર્ભરતા વધી છે અને સામરિક સમીકરણોમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક પડકારો વચ્ચે ભારતીય વાયુસેનાએ ગત 17 વર્ષથી કોઈ નવા યુદ્ધવિમાનોને સામેલ કર્યા નથી. ઈન્ડિયન એરફોર્સમાં એક અંદાજ પ્રમાણે 45થી 50 સ્ક્વોર્ડન હોવા જોઈએ. એક સ્ક્વોર્ડનમાં 18 યુદ્ધવિમાનો ઓપરેશનલ કન્ડીશનમાં અને ત્રણથી ચાર ફાઈટર પ્લેન મેઈન્ટેન્સમાં હોય છે. પરંતુ વધી રહેલા સામરિક પડકારો વચ્ચે ભારતીય વાયુસેનાના સ્ક્વોર્ડનની સંખ્યા માત્ર 32ની છે અને તેમાં પણ આગામી સમયમાં ઘટાડો થવાનો છે.

વાયુસેનાના બેડામાં સામેલ મિગ-21 ફ્લાઈંગ કોફિન તરીકે કુખ્યાત બન્યા છે અને હવે તેમની ઉંમર પુરી થઈ ચુકી છે. તો મિગ-27 અને મિગ-29 વિમાનો પણ આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રિટાયર થઈ રહ્યા છે.

સુખોઈ વિમાન જ હાલ વાયુસેનાની શક્તિને વધારી રહ્યા છે. 272માંથી અડધા સુખોઈ યુદ્ધવિમાનો વાયુસેનાને મળી ચુક્યા છે. બાકીના આગામી એક દશકમાં મળે તેવી શક્યતા છે. પરંતુ સોવિયત સંઘના વિસર્જન બાદ રશિયા બદલાયેલા વૈશ્વિક પરિવેશમાં ચીન અને પાકિસ્તાન તરફે પોતાના વલણમાં ઘણો મોટો ફેરફાર કરી ચુક્યું છે.

પાકિસ્તાન અને ચીન સાથે રશિયાના શસ્ત્રસોદા ભારત માટે મોટા જોખમો પેદા કરી રહ્યા છે. પાંચમી પેઢીના અત્યાધુનિક યુદ્ધવિમાનો રશિયાએ ચીનને આપવાનો સોદો કર્યો છે અને સાથે અત્યાધુનિક મિસાઈલ ટેક્નોલોજી પણ રશિયા તરફથી ચીનને મળવાની છે. તો લગભગ ત્રણ દશકો બાદ રશિયાના સંરક્ષણ પ્રધાન પાકિસ્તાનની મુલાકાતે જઈને ત્યાં કેટલાક શસ્ત્રસોદાની વાતો કરી આવ્યા છે. એક તરફ ભારત માટે ચીન અને પાકિસ્તાનની જુગલબંધીથી વ્યૂહાત્મક પડકારો તો મોઢું ફાડીને ઉભા છે. હવે તેમને રશિયાના હથિયારોથી નવું ઈંધણ પ્રાપ્ત થયું છે.

ભારતને ઘણાં મહત્વના હથિયારો માટે રશિયા પર આધાર રાખવો પડે છે. પરંતુ આઈએનએસ વિક્રમાદિત્યના સોદા અને અન્ય વિમાનોના અપગ્રેડેશન તથા સંયુક્ત શસ્ત્રનિર્માણના પ્રોજેક્ટમાં થોડીઘણી અડચણો આવતી રહી છે. જેના કારણે રશિયા સિવાય પણ ભારતે અન્ય શસ્ત્રનિર્માતાઓ તરફ નજર દોડાવવી પડી છે. ચોક્કસપણે રશિયાનો અત્યાર સુધીનો વ્યવહાર ભારતના સદાબહાર મિત્ર તરીકેનો જ છે. પરંતુ અમેરિકા સાથે ભારતની વધી રહેલી કથિત ઘનિષ્ઠતાઓથી કોઈ આશંકાઓ રશિયા સાથેના સંબંધોમાં કોઈ અડચણ પેદા કરે નહીં તે ભારતીય વિદેશ નીતિ સામે મોટો પડકાર છે.

ચીન અને પાકિસ્તાનની વધતી સૈન્ય ક્ષમતા વચ્ચે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતોની સુરક્ષા માટે સૈન્ય સજ્જતા વધારવાની જરૂરિયાત છે. તેના માટે ભારતીય વાયુસેનાને હવે નવી પેઢીના યુદ્ધવિમાનોની તાત્કાલિક જરૂરિયાત છે. વાયુસેનાએ 2012માં પોતાની જરૂરિયાતો ભારત સરકારને જણાવી દીધી હતી. માનવામાં આવે છે કે મર્યાદીત વિકલ્પો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કરવાનો નિર્ણય કરવો પડયો છે. જો કે ભારત માટે નાણાંકીય મુશ્કેલીઓ ઓછી નથી. પરંતુ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલમાં 36 રાફેલ વિમાનો રેડી ટુ ફ્લાઈ કન્ડિશનમાં પ્રાપ્ત થશે.

સોદો લાંબો સમય ખેંચાતા વૈશ્વિક બજારમાં ભારતની શાખ પર બટ્ટો લાગી રહ્યો હહતો. આવા સંજોગોમાં ફ્રાંસ સાથેના કારોબારી અને કૂટનીતિક સંબંધો તથા ભવિષ્યમાં અન્ય દેશો સાથેના સંરક્ષણ સોદા પર તેની અસર પડે તેવી શક્યતા પણ હતી. રાફેલના ભારતમાં નિર્માણની સંભાવનાઓ પણ શોધાઈ રહી છે. ફ્રાન્સની કંપની દસોલ્ટ સાથે ડીલમાં મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ખરીદીની શરત પણ સામેલ થવાની શક્યતા છે. 36 રાફેલ યુદ્ધવિમાનો માટે ભારત તરફથી 7.5 અબજ ડોલરની ચુકવણી થવાની છે. જો કે આ 36 સિવાય અન્ય કેટલા યુદ્ધવિમાનો મળશે તેના સંદર્ભે હજી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

ભારતીય વાયુસેનાની શક્તિ-

ભારતીય વાયુસેના પાસે 606 ફાઈટર પ્લેન છે. તેમાંથી 245 મિગ-21 શ્રેણીના છે. જેમાંથી 100 વિમાનોને 2017માં સેવાનિવૃત્ત કરી દેવામાં આવશે. બાકીના 2024 સુધીમાં હટાવાશે. ગ્રાઉન્ડ એટેક માટે 85 મિગ-27 વિમાનો છે. તેને પણ 2020 સુધીમાં વાયુસેનાની સ્ક્વોર્ડનોમાંથી હટાવી લેવાશે. આમ તો ભારત પાસે કુલ 836 યુદ્ધવિમાનો છે. પરંતુ તેમાં યુદ્ધ લડવા માટે યોગ્ય એવા 450 યુદ્ધવિમાનો જ છે.


ભારત-પાકિસ્તાન-ચીનની સરખામણી-



રાફેલ ભારતની જરૂરિયાત-

પાકિસ્તાન પાસે હાલ સૌથી આધુનિક વિમાન જેએફ-17 થંડર છે. તેનું પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્તપણે નિર્માણ કરાયું છે. ત્યારે ચીન પાસે જેએફ-17 સિવાય રશિયા પાસેથી સુખોઈ-27 વિમાન પણ મળ્યા છે. ભારત પાસે સુખોઈ-30 છે. પરંતુ રાફેલ તેના કરતા ચડિયાતા હોવાનો કેટલાંક સંરક્ષણ નિષ્ણાતોનો અભિપ્રાય છે.

સુખોઈ-30 અને રાફેલ વચ્ચેનો ફરક-
સંરક્ષણ નિષ્ણાત કર્નલ દાનવીર ભસહનું કહેવું છે કે ભારત પાસે અત્યારે સૌથી આધુનિક યુદ્ધવિમાનો સુખોઈ-30એમકેઆઈ છે. તેની રેન્જ ત્રણ હજાર કિલોમીટર સુધીની છે. સુખોઈ-30 સતત પોણા ચાર કલાક સુધી યુદ્ધ કરી શકે છે. તે 6 મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઈલો લઈ જવા સક્ષમ છે. સુખોઈ વિમાનો સસ્તા છે. પણ રાફેલની સરખામણીએ તેની ઝડપ ઓછી છે. રાફેલ મોંઘા જરૂર છે, પરંતુ સુખોઈના મુકાબલે ઘણા ઝડપી છે. રાફેલ એર-ટુ-એર, એર-ટુ-સરફેસ અને એન્ટિશિપ મિસાઈલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ ડોગફાઈટર શ્રેણીના વિમાનો છે. તેથી હવામાં દુશ્મનોના વિમાનોનો નજીકથી મુકાબલો કરી શકે છે. જો કે સુખોઈ-30 એમકેઆઈમાં આવી ખૂબીઓ નહીં હોવાનો અભિપ્રાય છે.


રાફેલની અન્ય યુદ્ધવિમાનો સાથે સખામણી-



એકસાથે 6 જેટલી બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલો લઈ જવા સક્ષમ રાફેલ હકીકતમાં વાવાઝોડું કે તોફાન છે. આખું પાકિસ્તાન અને અડધાથી વધુ ચીન રાફેલની 3700 કિલોમીટરની રેન્જમાં છે. બે એન્જિનવાળા મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટનો ઉપયોગ લીબિયા, માલી અને ઈરાકમાં થઈ ચુક્યો છે.

અફઘાનિસ્તાનમાં અલકાયદા વિરુદ્ધ નાટો અભિયાનોમાં પણ રાફેલની મોટી ભૂમિકા હતી. 4700 કિલોગ્રામ ફ્યૂલ અને પાંચ હજાર કિલોગ્રામના વજનના બોમ્બ કે મિસાઈલ લઈ જવા માટે સક્ષમ રાફેલ હવામાં 10 કલાક ઉડી શકે છે. તે નાના એરબેસ અને એરક્રાફ્ટ કેરિયર પરથી પણ ઉડાણ ભરવા માટે સક્ષમ છે. ભારતીય નૌસેના પાસે બે વિમાનવાહક યુદ્ધજહાજો છે. રાફેલને તેના પર પણ કેટલીક સંખ્યામાં તેનાત કરી શકાય છે. ભારતીય વાયુસેનાએ 6 વિમાનોની ટ્રાયલમાં રાફેલ યુદ્ધવિમાનો જરૂરિયાત પ્રમાણેના હોવાનું જણાવ્યું છે.

નિશંકપણે રાફેલ ભારતીય વાયુસેનાની જરૂરિયાત છે. પરંતુ સાથે ભારતીય ભૂમિસેના અને નૌસેના સહીત ત્રણેય પાંખને અન્ય શસ્ત્રસરંજામની પણ ઘણી જરૂરિયાત છે. હાલ ભારત પાસેનો 70થી 80 ટકા શસ્ત્રસરંજામ જૂનોપુરાણો છે. 60ના દશકમાં બનેલા શસ્ત્રસરંજામને 70થી 80ના દશકમાં આયાત કરાયા છે. ભારતની કુલ જરૂરિયાતના 72 ટકા શસ્ત્રસરંજામને આયાત કરવામાં આવે છે. ગત દશ વર્ષોમાં ભારતે 30 અભજ ડોલરના હથિયારો આયાત કર્યા છે. તો આગામી 6થી સાત વર્ષોમાં જૂના હથિયારોના સ્થાને નવા શસ્ત્રસરંજામ માટે 80થી 100 અબજ ડોલરનો ખર્ચ કરવો પડશે.

ચીન હવે રિવર્સ એન્જિનિયરિંગના માધ્યમથી બહારના અત્યાધુનિક હથિયારોનું પોતાને ત્યાં નિર્માણ કરી રહ્યું છે. ત્યારે ભારતે પણ સ્વદેશી શસ્ત્રનિર્માણ પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. સાથે કૌભાંડો અને કટકીના મામલા પર રાજકારણ ખેલાતા શસ્ત્ર સોદાઓ ઘોંચમાં પડતા રહે છે. ત્યારે શસ્ત્રસજ્જતા મામલે રાજકારણ ખેલવાના સ્થાને કોઈ યોગ્ય પ્રક્રિયા વિકસિત કરવી ભારતની સામરિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ.

સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગના શરૂ થયાના બે દશક બાદ જ તેના યોગ્ય પરિણામો મળતા હોય છે. તેથી હજીપણ ભારતને સંરક્ષણ નિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે 16થી 17 વર્ષ લાગશે. આ સમયગાળામાં ભારતે વિદેશી શસ્ત્રનિર્માતાઓ પર આધાર રાખવો જ પડશે. સંરક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે તેના પર રાજકારણ બંધ થવું જોઈએ. તેથી હવે સેના અને રાજનેતાઓએ ઝડપથી દેશહિતમાં નિર્ણયો લેવા જરૂરી બન્યા છે. સમૃદ્ધ ભારત બનાવવા માટે વિકાસ જરૂરી છે. પરંતુ વિકાસથી પેદા થનારી સમૃદ્ધિ માટે સમર્થ ભારત પણ જરૂરી છે. ભારતની અર્થવ્યવસ્થાને ટકાવવા માટે સામરિક હિતો અને સૈન્ય શક્તિની મોટી ભૂમિકા રહેલી છે. વૈશ્વિક આતંકવાદના પડકારો વચ્ચે સુરક્ષિત ભારત સમર્થતાથી સમૃદ્ધિ તરફ આગળ વધે તે બેહદ જરૂરી છે.