Saturday, July 12, 2014

વિકાસની ઉધઈ એટલે મોંઘવારી: ફૂગાવાના સતત ઉંચા રહેલા દરથી ગરીબો “મીઠા” ફળથી વંચિત

આનંદ શુક્લ

ઉદારીકરણ પછી અર્થતંત્રે વિકાસની ગતિ પકડી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ સમયગાળામાં આવેલી સરકારોએ ફૂગાવાના ઉંચા દર અને મોંઘવારીની સમસ્યાનો સામનો કર્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવવધારાને કારણે જનતાનું જીવન દુભર બન્યું છે. લોકોને પોષણ સંબંધિત મામલાઓમાં સમજૂતીઓ કરવી પડે છે. મોંઘવારીને કારણે ખાદ્યાન્ન, પેટ્રોલિયમ પેદાશ, રેલવે ભાડા સહીતની સેવાઓ મોંઘી થઈ છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પર વિકાસના દાવાઓ વચ્ચે મોંઘવારીએ વિપરીત પ્રભાવ ઉભો કર્યો છે.

મોંઘવારીની વિકાસ સાથે સ્પર્ધા-

ભારતે ઉદારીકરણની આર્થિક નીતિ અપનાવ્યા બાદ મોંઘવારી દેશનો ઘણો મોટો પ્રશ્ન બન્યો છે. જો કે 1974 અને 1975-76માં દેશમાં ફૂગાવાનો દર સૌથી વધારે હતો. પરંતુ જો 1991થી ફૂગાવાના દરને જોઈએ, મોંઘવારી અને વિકાસના દર વચ્ચે સતત સ્પર્ધા જોવા મળે છે.

ઉદારીકરણ પછીનો સમયગાળો-

કન્ઝૂમર  પ્રાઈસ ઈન્ડેક્સના આધારે 1991માં કોંગ્રેસની નરસિમ્હારાવની સરકારના કાર્યકાળમાં ફૂગાવાનો દર 13.07 ટકા હતો. 1992માં ફૂગાવો 8 ટકા, 1993માં 8.64 ટકા, 1994માં મોંઘવારી 8.64 ટકા અને 1995માં ફૂગાવાનો દર 9.69 ટકા રહ્યો છે.

રાજકીય અસ્થિરતાનો ગાળો-

1996થી 1998 વચ્ચે કાંખઘોડીવાળી ત્રીજા મોરચાની કોંગ્રેસના ટેકાવાળી સરકારોમાં દેશમાં ફૂગાવાનો દર વધ્યો હતો. 1996માં ફૂગાવો 10.41 ટકા,  1997માં મોંઘવારી દર 6.29 ટકા અને 1998માં 15.32 ટકા ફૂગાવાનો દર રહ્યો હતો.

એનડીએનો કાર્યકાળ- 

1999માં એનડીએની વાજપેયીના નેતૃત્વવાળી સરકારના સમયે ફૂગાવાનો દર 0.47 ટકા હતો. 2000માં મોંઘવારી 3.48 ટકા, 2001માં 5.16 ટકા, 2002માં 3.20 ટકા, 2003માં 3.72 ટકા, 2004માં ફૂગાવો 3.78 ટકા થયો હતો.

યુપીએનો શાસનકાળ- 

યુપીએ સરકારના સત્તા પર આવ્યાના 2005ના વર્ષમાં ફૂગાવો 5.57 ટકા થયો હતો. 2006માં 6.53 ટકા, 2007માં 5.51 ટકા, 2008માં 9.70 ટકા, 2009માં 14.97 ટકાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. જ્યારે 2010માં ફૂગાવો 9.47 ટકા, 2011માં ફૂગાવો 6.49 ટકા..તો 2012માં મોંઘવારી ફરીથી બે અંકમાં એટલે કે 11.17 ટકાએ પહોંચી હતી. જ્યારે 2013માં ફૂગાવાનો દર 9.13 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે મે-2014માં મોંઘવારીનો દર 7.02 ટકા રહ્યો હતો.

ઉદારીકરણ પછી વિકાસનો દર વધ્યો હોવાનું કહેવાય છે. પરંતુ તેની સાથે સાથે મોંઘવારીએ પણ ઉદારીકરણ પછીના સમયગાળામાં માઝા મૂકી છે. તેની પાછળ સરકારની આર્થિક નીતિ જવાબદાર છે કે આંતરરાષ્ટ્રીય બજારવાદને કારણે લોકોમાં વધેલી ઉપભોગની ભાવના? કારણ કે મોંઘવારીને કારણે વિકાસના ફળ દેશના ગરીબો સુધી પહોંચી રહ્યા નથી. મોંઘવારી વિકાસને ખાઈ રહી છે.

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


મોદીના અચ્છે દિનના સ્વપ્નલોકની સચ્ચાઈ જનતાને કડવી દવા!

આનંદ શુક્લ

મોંઘવારી ક્યારે ઘટશે? દેશના આર્થિક આરોગ્ય સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર બનીને કડવી દવા પાઈ રહ્યા છે. જેના કારણે દૂધ… પેટ્રોલ-ડીઝલ.. રેલવે ભાડા… સબસિડી વગરના સિલિન્ડર.. ડુંગળી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની છે. 10મી જુલાઈએ બજેટમાં પણ મોદી સરકાર કમ્મરતોડ ભાવવધારાથી જનતાને કોઈ રાહત આપે તેવા સંકેતો સાંપડતા નથી. લોકોને મનમોહનોમિક્સ અને મોદીનોમિક્સમાં હજી સુધી કોઈ તફાવત દેખાયો નથી. ત્યારે જનતાનો સવાલ એ છે કે મોદીએ ચૂંટણી પહેલા અચ્છે દિનનો વાયદો કર્યો હતો, તે અચ્છે દિન ક્યાં ખોવાય ગયા છે? જનતાને મોદી સરકારની મુશ્કેલીઓ સાંભળવા કરતા પોતાની સમસ્યાઓના ઉકેલમાં વધારે રસ છે.

લગભગ 10 વર્ષ સુધી મોંઘવારીના ભાર તળે દબાયેલી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનના વાયદામાં આશાનો સંચાર થયો હતો. પરંતુ ત્યાર બાદ દૂધ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓમાં ભાવવધારા થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે પોતાની સરકારની મજબૂરી ગણાવી. તેમણે દેશની આર્થિક દુર્દશા માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી અને અર્થતંત્રના આરોગ્યને સુધારવા માટે કડવી દવા આપવાની વાત કરી હતી.

દેશના અર્થતંત્રને કડવી દવા પાવા માટે વડાપ્રધાન મોદી ડોક્ટરની ભૂમિકામાં આવ્યા. તેમની સરકારે રેલવે ભાડામાં આઝાદી બાદનો સૌથી મોટો 14 ટકા જેટલો વધારો જનતાના માથે ઝીંક્યો અને નૂરભાડા પણ વધાર્યા. મોદી સરકારના મંત્રીઓએ યુપીએ સરકારની જેમ તર્કો આપવા માંડયા અને નિર્ણયને પુરોગામી સરકારનો ગણાવીને પોતાના હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો. રેલવે ભાડમાં વધારા સામે લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે.

ડોક્ટર મોદીની કડવી દવાના ડોઝ અપતા હતા અર્થતંત્રને પણ તેનાથી મોઢું કડવું થવા લાગ્યું જનતાનું. મોદી સરકારે પેટ્રોલમાં 1.69 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો તાજેતરમાં કર્યો. ડુંગળી સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા. તો સબસિડી વગરના રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા 50 પૈસાનો વધારો કરાયો છે. જેના પરિણામે જનતાએ ઉપરાઉપરી ભાવવધારા સામે દેશભરમાં દેખાવો થયા અને મોદીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યુ છે કે નબળા ચોમાસાની મીડિયામાં આવતી ખબરોને કારણે જમાખોરી વધી રહી છે અને જમાખોરીથી મોંઘવારી વધી રહી છે. દિલ્હીમાં જમાખોરોના ઠેકાણાઓ પર છાપામારી શરૂ થઈ છે અને રાજ્યોને પણ તેના માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

તો કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટ પહેલા સંકેત આપ્યા છે કે તેઓ સામાન્ય બજેટમાં સસ્તી લોકપ્રિયતાના સ્થાને અર્થતંત્રની સ્થિતિ સુધારવા પર જોર આપશે.

તેવામાં જનતાને આગામી સપ્તાહે રજૂ થનારા મોદી સરકારના બજેટમાં આકરા નિર્ણયો જોવા મળી શકે છે. જેટલીએ કહ્યુ છે કે મહેસૂલી ખાદ્ય એક મોટો પડકાર છે. મોંઘવારી પણ અત્યારે આસામાને છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટટોને એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જેટલીએ કહ્યુ છે કે અત્યારે મોંઘવારી સ્વીકાર્ય મર્યાદાથી ઉપર છે. તેમ છતાં ત્રણ-ચાર વર્ષની નિરાશા બાદ આશા દેખાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલા લેવાથી પરહેજ કરશે,કારણ કે તેનાથી રાજકોષની હાલત બગડી જશે.

આર્થિક સુધારાને નામે કેન્દ્રમાં આવેલી છેલ્લી કેટલીક સરકારોએ મોંઘવારીને ખુબ જ સોંઘી કરી નાખી છે. જેના કારણે સોંઘવારીની આશામાં સેવતી જનતાનું જીવન દુભર બન્યું છે. ભારતમાં સત્તામાં કોઈપણ આવે પણ સત્તાપક્ષની ભાષા અને નીતિઓમાં હાલના તબક્કે કોઈ જ ફરક લાગી રહ્યો નથી. વળી જાણકારો પ્રમાણે, સબસિડી હટાવી લેવાની નીતિ આગળ કરનારી સરકારોએ ઉદ્યોગો માટે અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની રાહતોની લ્હાણી કરી છે. ત્યારે સવાલ એ છે કે કલ્યાણરાજ્ય ભારતની સરકાર પ્રોફિટ મેંકિગ કંપનીમાં ફેરવાઈ ગઈ છે? લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ કેવા આર્થિક સુધારા છે..જેમાં મોંઘવારી સતત વધતી રહે છે. આ આર્થિક વિકાસના સુધારાના નામે કોનો વિકાસ થઈ રહ્યો છે?

ચૂંટણી પ્રચારમાં મોદી લોકોને પુછતા હતા કે યુપીએ સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો પુરો કર્યો છે? પણ હવે મોદી ખુદ સત્તામાં છે અને મોંઘવારી મામલે લોકોને નિરાશા પ્રાપ્ત થઈ છે. ત્યારે મોદી 200 દિવસમાં પણ મોંઘવારીને ઘટાડે તો તેમની અચ્છે દિન આવ્યાની વાત થોડી-ઘણી સાચી સાબિત થાય..

કૃષિ ક્ષેત્રની ગુનાહિત અણદેખી ભારતના અર્થતંત્ર સામેના પડકારોનું મુખ્ય કારણ

આનંદ શુક્લ

ઉદારીકરણના તબક્કામાં ભારતમાં વિકાસનું વાવાઝોડું આવ્યું હોવાનો તમામ સરકારો દાવો કરતી રહી છે. વિકાસના નામે ભારતમાં ઉદારીકરણ અને બજારવાદને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું. જેમાં ભારતના અર્થતંત્રની કરોડરજ્જૂ બનેલા કૃષિ ક્ષેત્રની ગુનાહિત અણદેખી કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે કૃષિ ક્ષેત્ર નબળું પડતું ગયું અને તેની અસર કાચા માલની ઉપલબ્ધતા, ખાદ્યાન્ન ફૂગાવાનું વધવું અને રોજગારી ઉપલબ્ધતા પર પડવા લાગી છે.

ખેડૂતોને અન્નદાતા કહેવાય છે, પરંતુ આજે અન્નદાતાને આત્મહત્યાનો માર્ગ પકડવો પડે છે. એક અંદાજ પ્રમાણે, છેલ્લા દોઢ દાયકામાં દેશભરમાં સાડા ત્રણ લાખથી વધારે ખેડૂતોએ આત્મ હત્યા કરી લીધી છે. આ આત્મહત્યાનો દોર હજી પણ અટકતો દેખાતો નથી. તો ખેડૂતો જમીનો વેચીને હવે અન્ય રોજગારીના વિકલ્પો તરફ વળ્યા છે. ખેતી છોડી દેનારા ખેડૂતો અને ખેત મજૂરોની સંખ્યા કરોડોમાં છે. ત્યારે તેની અસર ખાદ્યાન્ન ઉત્પાદન અને કાચા માલની ઉપલબ્ધતા પર પડી રહી છે. સાથે ખેતી છોડી ચુકેલા ખેડૂતો રોજગારીના મામલે પણ અસ્થિરતા અનુભવી રહ્યા છે.

આજે ખેતીનું જીડીપીમાં યોગદાન માત્ર 13.7 ટકા છે. તેમ છતાં તે દેશના બાકીના 86.3 ટકાના યોગદાન પર ભારે પડી રહી છે. આઝાદી વખતે ખેતી દેશના જીડીપીમાં 66 ટકા યોગદાન આપતી હતી. પરંતુ નહેરુથી મોદી સરકાર સુધીની આઝાદ ભારતની સફરમાં 13.7 ટકાએ પહોંચી ચુકી છે. આ તબક્કામાં સર્વિસ સેક્ટરનું જીડીપીમાં યોગદાન 20 ટકાથી વધીને 67 ટકા સુધી પહોંચી છે. એટલે કે આઝાદી વખતે જે ભૂમિકા ખેતીની હતી, તે આજે જીડીપી યોગદાનમાં સર્વિસ સેક્ટરની છે. તેમ છતાં દેશના અર્થતંત્રમાં ખેતીની મહત્વપૂર્ણ ભૂમિકાને નજર અંદાજ કરી શકાય તેમ નથી.

આજે પણ દેશના જીડીપીમાં માત્ર 13.7 ટકા યોગદાન આપતી ખેતી અને તેના આનુષંગિક ક્ષેત્રો સાથે સંબંધિત રોજગારો પર કુલ વસ્તીના 60 ટકા લોકો આજીવિકા મેળવે છે. જ્યારે બીજી તરફ સર્વિસ સેકટર દ્વારા વધારે નફો મેળવવાની સ્થિતિમાં પણ દેશના માત્ર 20 ટકા લોકો જ તેના પર નિર્ભર રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે અલ-નીનોની અસર હેઠળ નબળા ચોમાસાની ભીતિ હેઠળ વિકાસ દર સંદર્ભેની ચિંતા આર્થિક સર્વેક્ષણની સમીક્ષા દરમિયાન પણ જોવા મળી હતી. ખાદ્યાન્ન ફૂગાવાનો દર વધવાની શક્યતાઓ અને આશંકાઓ વચ્ચે મોદી સરકાર પણ કૃષિ ક્ષેત્ર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી ચુકી છે. ત્યારે સવાલ એ છે કે ખેતી અથવા ખેડૂત જ ભારતનો અસલ મર્મ છે અથવા ખેડૂતોની વાત કરીને ખેતીના કોર્પોરેટીકરણની દિશામાં મોદી સરકાર પગલા ભરવા માટે ગણતરીપૂર્વક આવી ચિંતાઓ વ્યક્ત કરી રહી છે?

વાસ્તવિક સંકટ નીતિઓનું છે. સરકારી નીતિઓથી કોઈ માળખાગત સુવિધા કૃષિ ક્ષેત્ર માટે ઉપલબ્ધ થઈ શકી નથી. તેના કારણે ખેતીની શક્તિ ઓછી થઈ છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ સરકારનું ધ્યાન નહીવત છે. 50 વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ત્રણ ટકાનો વધારો થયો છે. તેનો સીધો અર્થ એ છ કે સરકાર માટે વિકાસનો રસ્તો એ કમાણી પર ટકેલો છે કે જે વિદેશી ઉત્પાદનોને ભારતમાં લઈને આવે છે અને પછી ભારતના કાચા માલને કોડીઓના મોલે બહાર લઈ જવાનો રસ્તો ખોલે છે. આ સેવાની અવેજમાં મળનારું કમિશન જ સરકારો માટે વિકાસનો પ્રાણવાયુ બની ચુક્યું છે. ભારતના વિકાસ દરના આંકડા પાછળની વરવી વાસ્તવિકતા આ જ છે.

હાલ 125 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં 8 કરોડ ખેડૂતો અને 25 કરોડ ખેતમજૂરો છે. એટલે કે માત્ર ટેકાના ભાવથી કામ ચાલશે નહીં. ખેતીમાં સરકારે રોકાણ કરવું જ પડશે. ચોથી પંચવર્ષીય યોજનાથી 12મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય આવકના માત્ર 1.3 ટકાથી પણ ઓછું રોકાણ કૃષિ ક્ષેત્રમાં થયું છે. ત્યારે જે દેશમાં 62 ટકા વસ્તી ખેતી પર આશ્રિત છે. 50થી 52 ટકા ખેત મજૂરો હોય, ત્યાં 1.3 ટકા ખર્ચથી સરકાર ખેડૂતોનું શું ભલુ કરી શકશે? આનાથી મોટી વરવી વાસ્તવિકતા એ છે કે ખાનગી રોકાણને આમાંથી કાઢી નાખવામાં આવે તો રાષ્ટ્રીય આવકના સરકાર માત્ર 0.3 ટકા જ રોકાણ છે. તેથી હકીકત એ છે કે દેશમાં કૃષિ ક્ષેત્રમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તેમાં સરકારનું યોગદાન માત્ર નામ પુરતું છે અને ખેડૂતો પોતાની તાકાત પર જ ઝઝૂમી રહ્યા છે.

ખાદ્ય સુરક્ષા બિલ અને સબસિડીના આંકડા જ બે લાખ કરોડ રૂપિયાને પાર કરી જાય છે. ખેતી માટે સરકારો પુરતી સિંચાઈ વ્યવસ્થા પણ કરી શકી નથી. દેશની 67 ટકા ખેતીલાયક જમીન આજેપણ પાક લેવા માટે વરસાદ પર નિર્ભર છે. મોંઘવારી અને ખેડૂતોની સમસ્યા પર કેન્દ્ર સરકાર કહે છે કે રાજ્ય સરકારોની જવાબદારી છે. જો ખેતીનો મામલો રાજ્ય સરકારોનો વિષય હોય, તો પછી કેન્દ્રીય કૃષિ મંત્રાલયની જરૂરત પર પણ સમીક્ષા કરવી પડે.

પચાસના દશકમાં ભારતમાં અન્ય ઉદ્યોગો નહીવત હતા. જેને કારણે કૃષિની આવક અને ઉત્પાદન પર અર્થતંત્ર સંપૂર્ણપણે આશ્રિત હતું. પરંતુ ભારતમાં ઉદ્યોગો વધવાની સાથે જીડીપીમાં તેમની ભાગીદારી પણ વધવા લાગી અને કૃષિની હિસ્સેદારી આઘાતજનક રીતે ઘટી છે. કૃષિ ક્ષેત્રની હાલની ઉદાસિનતા માટે ઉદારીકરણને પણ જવાબદાર ગણવામાં આવે છે. ખેતીના પાયાગત માળખાને મજબૂત કર્યા વગર અન્ય ઉદ્યોગો પ્રત્યે ઝડપથી આધારીત થવું અને તેની સરખામણીએ ખેડૂતોનો ખેતીથી મોહભંગ પણ થવા લાગ્યો છે.

કૃષિ નીતિમાં વિઝનના અભાવે અગિયાર પંચવર્ષીય યોજના બાદ પણ એવું મોડલ વિકસિત કરી શકાયું નથી કે જેમાં રોજગાર અથવા લાભની શક્યતાઓ દેખાય. ત્યારે જરૂર છે કૃષિ ક્ષેત્રોમાં વ્યવસાયપરક નક્કર પગલા ઉઠાવવામાં આવે. ભારતના પાયાગત આર્થિક આધારને એક આકર્ષક મોડલ બનાવવા માટે યોજનાબદ્ધ શરૂઆત કરવામાં આવે.

હરિત ક્રાંતિ બાદ ખાદ્યાન્ન ઉત્પાદનમાં વ્યાપક વધારા છતાં ભારત કૃષિ મોરચે અસફળ સાબિત થયું છે. હરિત ક્રાંતિ બાદ ભારતનું કુલ અનાજ ઉત્પાદન 25થી 26 કરોડ ટનની આસપાસ પહોંચી ગયું છે. પરંતુ આયાત-નિકાસ વચ્ચે અસંતુલન તથા ખોટી ભંડારણ નીતિના કારણે તેનો અપેક્ષિત લાભ ઉઠાવી શકાતો નથી. ઘઉંના ઉત્પાદનના મામલામાં અગ્રણી પંજાબમાં ગત બે વર્ષ દરમિયાન લગભગ 85 લાખ ટન ઘઉં ખુલ્લામાં રાખવા પડયા હતા. એટલે કે કૃષિ ક્ષેત્ર  પર માળખાગત સ્તર પર એટલી ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવી નથી કે જેનાથી ખેડૂતોના પરિશ્રમથી પેદા થતા અનાજને સંરક્ષિત કરી શકાય.

આ સિવાય કેટલાંક ખોટા નિર્ણયો પણ દેશની લાચારી માટે જવાબદાર છે. 90ના દશકમાં ડબલ્યૂટીઓ સમજૂતી અંતર્ગત નિકાસ પ્રત્યે ઉદાર વલણ અપનાવાનું કહેવામાં આવ્યું હતું કે ખાદ્યાન્ન સંકટ આયાતથી પુરુ કરી લેવાશે. આ નિર્ણય સારો નિર્ણય સાબિત થઈ શક્યો નથી.

આ દેશમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થયા છે. તેના પર એક-એક દિવસ સંસદમાં ચર્ચા થાય છે. પરંતુ ખેતી પર દેશની 60થી 65 ટકા વસ્તી આધારીત છે. ત્યારે કૃષિ ક્ષેત્ર માટે કોઈ સ્વતંત્ર બજેટ નથી અને તેના સાથે સંબંધિત નીતિ-નિર્માણ પર કોઈ ચર્ચા પણ સંસદમાં થતી નથી. ભારતમાં ખેતીના ક્ષેત્રો એટલા વિશાળ છે કે જો સરકારી સ્તરે તેના પર નીતિગત પગલા લેવામાં આવે અને તેને વ્યાપારીક મોડલ તરીકે સંચાલિત કરવામાં આવે તો ખેડૂતો માટે માત્ર ખાદ્યાનન્ન ઉપલબ્ધ કરાવવાનું માધ્યમ જ નહીં, પરંતુ રોજગારલક્ષી વ્યવસાય બનીને ઉભરી શકે છે. ખેતીથી મોહભંગ થવાને કારણે ખેડૂતો ગામડા છોડીને પલાયન કરી રહ્યા છે. 

વિવાદ: ગાંધી હત્યામાં RSS પર આરોપ લગાવી રાહુલ ગાંધી ફસાયા

આનંદ શુક્લ

ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા 67 વર્ષ બાદ પણ રાજકીય મુદ્દો બને છે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની હત્યાનો મુદ્દો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ સંદર્ભે તેમણે આરએસએસના લોકો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે મહારાષ્ટ્રના ભિવંડીની કોર્ટે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

મહાત્મા ગાંધી.. ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના રાષ્ટ્રપિતા... જનતા પર એક અમીટ છાપ ધરાવે છે. ગાંધીજીનું મહાત્માપણું આજે પણ જનતાના દિલમાં રાજ કરી રહ્યું છે. પરંતુ તેમની સાથે રાજકીય રીતે અસંમત નાથુરામ ગોડસે અને તેના સાથીદારોએ તેમની હત્યા કરી નાખી હતી. ગાંધીજીની હત્યા બાદ સાવરકર સહીત ઘણાં નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તો સરદાર પટેલે ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ કોર્ટે નાથુરામ ગોડસે અને તેના એક સાથીદારને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મામલામાં વિનાયક દામોદર સાવરકર અને આરએસએસને ક્લિનચીટ આપવામાં આવી હતી. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસના લોકો અને વિચારધારા પર ગાંધીજીની હત્યાનો સીધો આરોપ લગાવ્યો હતો.

ભિવંડીના આરએસએસના સચિવ રાજેશ કુંતે કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરી કાર્યવાહીની માગણી કરી હતી. કોર્ટે હવે રાહુલ ગાંધીને 7 ઓક્ટોબર સુધીમાં ગાંધી હત્યા બાબતે સંઘ પર આપેલા નિવેદન સંદર્ભે કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કર્યો છે. સંઘની દલીલ છે કે ગાંધી હત્યાના મામલામાં જવાબદારોને સજા અપાઈ છે. જ્યારે આરએસએસને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારનો વિવાદ શા માટે?

આરએસએસએ કહ્યુ છે કે આ મામલો કોર્ટમાં છે. પરંતુ રાહુલ ગાંધીએ ઈતિહાસની ઘટનાઓમાંથી શીખ લેવી જોઈએ. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સીતારામ કેસરીને ગાંધી હત્યા મામલે આવી જ ટીપ્પણી બદલ કોર્ટમાં માફી માગવી પડી હતી.

ગાંધીજીની હત્યા દેશ માટે આઝાદી બાદ પહેલો કારમો આઘાત હતો. પરંતુ તે વખતની પરિસ્થિતિ અને લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓના માહોલમાં કેટલાંક લોકો ગાંધીજીના વિરોધી બન્યા હતા. જેમાંથી નાથુરામ ગોડસે જેવા વ્યક્તિઓ ભારતની તત્કાલિન સમસ્યાઓ માટે ગાંધીજીને મોટું કારણ ગણતા હતા.

તેમણે ગાંધીજીની હત્યા કરી.. ઘટના ખૂબ જ દુખદ અને આઘાતજનક હતી. આજે પણ તેની અસર ભારતના લોકોના દિલમાં છે. પરંતુ કોર્ટ અને કમિશનો દ્વારા ગાંધી હત્યાના મામલે આરએસએસનો દોષમુક્ત જાહેર કરાયું હોય, તો પછી તેમના પર રાજકીય પ્રતિસ્પર્ધાથી પ્રેરીત થઈને આરોપ લગાવવો કેટલું યોગ્ય ગણાય? જો કે આનો નિર્ણય હવે કોર્ટ કરશે... પણ ભારતની બેજવાબદાર રાજકારણને જવાબદાર બનાવવા માટે રાજનેતાઓનું જવાબદાર બનવું ખૂબ જ જરૂરી છે.

રાજકીય એજન્ડા માટે ગડકરી નહીં, તો સંઘ માટે અમિત શાહ હી સહી

આનંદ શુક્લ

સંઘ પરિવારમાં  કોંગ્રેસના પોલિટિકલ મોડલને ખતમ કરીને ભાજપને માધ્યમ બનાવીને પોતાના આદર્શો પ્રમાણેની રાજનીતિ ઉભી કરવા માટેની મહત્વકાંક્ષા છે. જેના માટે રાજકીય ઈમાનદારી અને વફાદારી ઉભી કરવા અને કોઈને પણ રાજકીય નફો નહીં આપવાના નવા મોડલ સાથે ખામોશીથી કામ થઈ રહ્યું છે. જો કે તેના માટે પણ સંઘ પરિવારને માધ્યમ તરીકે ચોક્કસ વ્યક્તિઓની જરૂર હોય છે. સંઘ જે પ્રયોગને નીતિન ગડકરી દ્વાર અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.. હવે તેને અમિત શાહ સંઘની મહત્વકાંક્ષાઓની ક્ષિતિજ પર મોદીના માર્ગદર્શનમાં પહોંચાડશે.

ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ ગડકરી દિલ્હીના ન હતા. તેમને નાગપુરથી ભાજપને કેમોથેરપી આપવા મોકલાયા હતા. તેવી રીતે અમિત શાહ પણ દિલ્હીના નથી અને ભાજપના સમગ્ર દેશમાં કાયાકલ્પ માટેના મિશન સાથે અધ્યક્ષ બન્યા છે. ગડકરી કોઓપરેટિવથી કોર્પોરેટ સુધીને સમજનારા વેપારી પણ છે. અમિત શાહે પણ કેશુભાઈના શાસનકાળમાં નાણાંકીય કોર્પોરેશન દ્વારા રાજકારણને સાધ્યું. તેમના આ હુન્નરનો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ કર્યો. સંઘે પણ આ વાસ્તવિકતાને ઝીણવટથી પારખી છે.

મોદીની ભાજપના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી જીતથી સંઘના મહત્વકાંક્ષી એજન્ડાઓને હાલ તો ઓક્સિજન મળ્યો છે. બાકી પહેલા દિલ્હીની રાજનીતિથીના કાદવમાંથી ભાજપને બહાર કાઢવા માટે સંઘે મોદીને હથિયાર જ બનાવ્યા હતા. પરંતુ જ્યારે મોદીને પ્રચંડ જનાદેશ મળ્યો.. તો સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે દિલ્હીની સત્તા મળી શકે .. તો દરેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર કેમ બનાવી શકે નહીં?

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રભાવ વધારવાનો વિચાર સંઘની અંદર હવે જાગી ચુક્યો છે. સંઘનું માનવું છે કે કલમ-370 અને કાશ્મીરી પંડિતોના પુનર્વાસનો મુદ્દો સામાજિક રીતે ઉઠાવતા પહેલા રાજકીય સ્તરે ઉઠાવવો જરૂરી છે. તેવી જ રીતે કમ્યુનિસ્ટ વિચારધારાના ખાત્મા બાદ મમતા બેનર્જીના રાજકારણને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડવાની જરૂર છે. તેના દ્વારા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય પ્રભાવને ઘટાડી પણ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપને જીત મળી છે અને પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મત પણ મળ્યા છે.

કેન્દ્રની સત્તા ભાજપને મળે તેના માટે સંઘ પરિવાર ખૂબ જ અધીરો બન્યો હતો. સંઘે મનમોહન સરકારના કાર્યકાળમાં પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ આવતું દેખાયું હતું. જ્યારે સરસંઘચાલકથી લઈને ઈન્દ્રેશ કુમાર સહીત ડઝનબંધ શીર્ષસ્થ પદાધિકારીઓની આસપાસ આતંકના નામે ઉભી થયેલી આરોપોની જાળ ગુંથાઈ હતી. તેથી લોઢું લોઢાને કાપેના અંદાજથી મોદી અને તેમની સાથે અમિત શાહને ભાજપમાં શીર્ષસ્થ સ્તરે આગળ વધારવા માટે સંઘની મદદથી ખુલ્લુ મેદાન આપવામાં આવ્યું. કંઈક આ જ અંદાજમાં સંઘ હવે રાજકીય શુદ્ધિકરણનું મિશન આગળ વધારી રહ્યો છે. તેની એક બાજી પર મોદી સર્વેસર્વા છે... તો બીજી તરફ મોદીના વજીર અમિત શાહ સુપ્રીમો છે. 


અમિત શાહ: ખામોશીથી કાર્યવાહીની શૈલી ધરાવતા ભાજપના નવા અધ્યક્ષ

આનંદ શુક્લ

9 જુલાઈ-2014ના રોજ ભાજપની જીતના ચાણક્ય અને સૌથી અસરકારક વ્યૂહરચનાકાર અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પરંતુ દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ મહદ અંશે ખામોશ રહ્યા. દોઢ વર્ષ પહેલા 23 જાન્યુઆરી-2014ને યાદ કરીએ તો જશ્નના માહોલમાં રાજનાથસિંહની અધ્યક્ષ પદે તાજપોશી થઈ હતી. ભાજપમાં પરંપરા છે કે અધ્યક્ષ બન્યા બાદ તુરંત કાયકર્તાઓને મીડિયા દ્વારા દરેક અધ્યક્ષ સંબોધિત કરે છે. પરંતુ અમિત શાહે અમદાવાદ આવીને પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરી.

અમિત શાહનો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટેની લગન તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આસિન કરી શકી છે. જાણકારો પ્રમાણે, અમિત શાહની ખામોશી તેમની વ્યૂહરચનાકાર તરીકેની કાર્યશૈલીનું સૌથી મોટું હથિયાર છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય વિષય પર બોલવા માટે ખૂબ પંકાયેલા છે. અમિત શાહ બોલે છે, તેના કરતા સંગઠન માટે જે જરૂરી હોય તે ખામોશીથી કરી નાખે છે. યૂપીના ભાજપ પ્રભારી તરીકે અમિત શાહે આ વાત પ્રસ્થાપિત પણ કરી છે. ભારતના દરેક રાજ્યોમાં લોકસભાની જ્વલંત જીતનું પુનરાવર્તન કરીને ભાજપના કાયાકલ્પનું મિશન અમિત શાહને સોંપવામાં આવ્યું છે.

ભાજપના સંગઠનમાં રાજ્ય સ્તરે નવસંચાર માટે અમિત શાહનો પહેલો રાજકીય મંત્ર મોટાભાગના રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવાની કવાયત બની રહેવાની શક્યતા છે. એટલું જ નહીં.. નરેન્દ્ર મોદીના ખાસમખાસ સેનાતપિત અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ ભાજપ મુખ્યમથકના નાના-નાના ઓરડામાં કબજો જમાવીને બેઠેલા કેટલાંય નેતાઓની ખુરશીના પાયા પણ હચમચશે.

સંઘના નેતાઓ અને અમિત શાહ વચ્ચે તેમની અધ્યક્ષ પદે નિયુક્તિ પહેલા ઘણી મહત્વની બેઠક થઈ છે. માનવામાં આવે છે કે સંઘના ત્રણ મંત્રો આગામી સમયમાં ભાજપમાં જોવા મળશે. પહેલું..દરેક રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂનો સમાવેશ થાય તો નવાઈ નથી. બીજું...સંઘની શાખાઓ સાથે સંબંધિત અથવા એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશનારાઓને નંબર-1 અને નંબર-2 માટે મહત્વ આપવામાં આવશે. આમાથી પ્રદેશ પ્રમુખ પસંદ થાય તેવી શક્યતાઓ રહેશે. ત્રીજું.. ગઠબંધનના રાજકારણ હેઠળ ભાજપને સત્તામાં લાવવાના સપના પિરસતા નેતાઓને હાંસિયામાં ફેકી દેવા.

17 વર્ષ સુધી એનડીએ ગઠબંધનનો યુગ ચાલ્યો. ત્યારે સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે રાજકીય પ્રચાર દ્વારા સંઘનો સ્વયંસેવક ભાજપ માટે રાજકીય જમીન તૈયાર કરે છે.. પરંતુ તેનો લાભ ગઠબંધનના પક્ષોને શા માટે મળવો જોઈએ? તેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં સંઘ અને મોદી-અમિત શાહનું લક્ષ્ય ભાજપને પોતાના દમ પર સત્તાએ પહોંચાડવાનું હતું. હવે અધ્યક્ષ તરીકે અમિત શાહ ભાજપને મહારાષ્ટ્ર.. હરિયાણા અને ઝારખંડમાં પોતાના દમ જીત મળે તેવા લક્ષ્ય સાથે કામ કરશે.


પરંતુ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીવાળા ત્રણેય રાજ્યોમાં લોકસભા ચૂંટણી જેવી જીત દોહરાવવાના અમિત શાહના મિશનમાં ત્રણ અડચણો પણ છે. .એક.. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસે એવો કોઈ નેતા નથી કે જેની પાછળ આખી પાર્ટી ચાલવા તૈયાર હોય. બીજું... ત્રણેય રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાઓને લઈને જૂથબંધીનો ભોગ બન્યા છે. ત્રીજુ.. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે.. પરંતુ તેના સાથીપક્ષો વંશવાદમાં ગળાડૂબ છે. 

કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે મોદીનું પોલિટિકલ મોડલ લાગુ થયું

આનંદ શુક્લ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગવું પોલિટિકલ મોડલ છે. આ પોલિટિકલ મોડલનો અનુભવ ગુજરાતના ભાજપના સંગઠન અને સરકારી તંત્ર-રાજકીય વર્તુળોને 13 વર્ષથી થયો છે. આ મોદી મોડલ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં પણ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પછી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચાપલુસીની હદ સુધી કરતી પ્રશસ્તિ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ પર મોદીની પક્કડ-

મોદીના પોલિટિકલ મોડલ પ્રમાણે, સંગઠનની બાબતમાં મજબૂત ગણાતા કેડરબેઝ ગુજરાતા ભાજપમાં વ્યક્તિવાદ પ્રભાવી બન્યો અને મોદી તારણહાર તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ છે. પરંતુ આમાના કોઈપણ નરેન્દ્ર મોદીનો કોઈપણ પ્રકારે ક્યારેય વિરોધ કર્યો નથી. આ બધાં મોદીના યસમેન બનીને રહ્યા અને હજીપણ મોદીના યસમેન છે.
તો ગુજરાતમાં ચાલેલી મોદી સરકારની વાત કરીએ તો તેમાં પણ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં જાહેરાતોમાં, સભાઓમાં, સરઘસોમાં, પ્રચારોમાં છવાયેલા રહ્યા. કેટલાંક પ્રસંગે ધાર્મિક ઉત્સવો દરમિયાન શુભેચ્છા સંદેશની જાહેરાતોમાં ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા ભગવાન કે આધ્યાત્મિક પુરુષ કરતા પણ મોદીની મોટી તસવીરો લાગતી હતી.
ગુજરાતના રસ્તાઓ, બસો, કેટલીક જગ્યાએ ભીંતો પર મોદીના અલગ-અલગ મુદ્રામાં ફોટોગ્રાફ રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓની જાહેરાત સાથે અઢળક પ્રમાણમાં દેખાઈ હતી. જો સરકારના સંચાલનની વાત કરીએ, તો જાણકારો પ્રમાણે, મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાણ બહાર એક પણ મંત્રી કે અધિકારી કંઈપણ કરી શક્તો ન હતો. વિધાનસભામાં અને સભા-ભાષણોમાં ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ ચાપલુસીની કક્ષાએ કરવાનું ચુક્તા ન હતા.

મોદીનું પોલિટિકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બન્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમનું આગવું પોલિટીકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે સરકાર અને સંગઠનમાં લાગુ થવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્ર સરકારમાં મંત્રાલયો-નોકરશાહી પર પ્રભાવ પાથર્યો

જો કેન્દ્રની સરકારમાં મોદી મોડલના પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની છે. નરેન્દ્ર મોદીએ પહેલા કેબિનેટની બેઠક બોલાવીને તમામ મંત્રીઓને તેમની આદત પ્રમાણે મંત્રાલયના એજન્ડાઓ નક્કી કરીને જણાવવા માટે કહ્યુ હતું.

બાદમાં તેમણે સચિવો સાથે બેઠક કરી અને સરકાર તેમની સાથે રહેશે તેઓ નિર્ભયપણે કામ કરે તેમ જણાવ્યું. પીએમ મોદીએ સચિવોને તેમની સાથે સીધા વાત કરવાની છૂટ આપી છે. તેનાથી કેટલાંક જાણકારો મોદી સરકારના મંત્રીઓનો નોકરશાહી પર પ્રભાવ ઘટવાની અને વડાપ્રધાનની બ્યૂરોક્રસી પર અસર વધવાની સંભાવનાઓ દર્શાવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશના 674 જિલ્લાના કલેક્ટરો સાથે સીધો સંપર્ક બનાવવાના મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે. તેનો સીધો અર્થ છે કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલા મોડલની જેમ પોતાના મોડલને સરકારી તંત્રમાં સ્થાપિત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીની પકડ બ્લોક લેવલ પર પણ હતી. તેવી જ પકડ મોદી જમાવવાની શરૂઆત કરી ચુક્યા છે. જાણકાર પત્રકારો પ્રમાણે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં ઈન્દિરા ગાંધી બાદ હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અધિકારીઓમાં ખોફ દેખાઈ રહ્યો છે.

ભાજપના સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે મોદીની જ પક્કડ રહેશે

સરકારની સાથે ભાજપના સંગઠન પર પણ મોદી પોતાનો પ્રભાવ વધુ પ્રગાઢ બનાવીને તેમની કામગીરીમાં સંગઠન તરફથી કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બેકસીટ ડ્રાઈવિંગ હતું. તો મોદી ભાજપ સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ગુજરાત પ્રદેશ એકમની જેમ પાથરીને આ સમસ્યા ઉભી થાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. તેના માટે ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા મોદીના ખાસ અમિત શાહ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભાજપના એવા અધ્યક્ષ છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરામાં પગે લાગીને આદર આપવાનું ક્યારેય ચુક્યા નથી.

તેના ભાગરૂપે ઘણી રાજકીય કવાયતો બાદ ના-ના કરતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર-ટુ એટલે કે ગૃહમંત્રી બની ગયા છે. તેના કારણે સંગઠનમાં બીજા સત્તાકેન્દ્રના ઉદભવની સંભાવના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

તેની સાથે મોદીના ખાસમખાસ અને ગુજરાતમાં મોદી સાથે ખભેખભો મિલાવાની દરેક મિશન પાર પાડનારા અમિત શાહને 50 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે મોદી સરકાર અને સંગઠન વચ્ચે અમિત શાહ વડાપ્રધાનના સંકેતો અને એજન્ડાઓ બાબતે કડીરૂપ કામ કરશે. જેના કારણે મોદી સરકારને તેમના કામકાજમાં અડચણ ઉભી થાય નહીં તેની તકેદારી રખાશે. હિંદુત્વવાદી મુદ્દાઓ, એફડીઆઈ-ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ, સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે કામ કરતા સંઘ પરિવારના સંગઠનોને પણ અમિત શાહના સંઘના શીર્ષસ્થ નેતાઓ સાથે ઘનિષ્ઠતાના આધારે કાબુમાં રાખવામાં આવશે.

હાલ સત્તાવાર રીતે ભાજપના નેતાઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ પાર્ટીમાં શીર્ષસ્થ નેતાઓમાં આંતરીક બેચેની ખૂબ વધી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ એક સપ્તાહની અંદર જ નરેન્દ્ર મોદીએ સંગઠન સ્તર પર બે મોટી પહેલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેનાથી ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે તેઓ આ મુદ્દે જાહેરમાં કંઈપણ કહી રહ્યા નથી.

સૌથી પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 7-આરસીઆર ખાતેના પીએમ નિવાસમાં ભાજપના મહાસચિવોની બેઠક બોલાવી હતી. મોદી ખુદ ભાજપમાં લાંબા સમય સુધી મહાસચિવ રહ્યા હતા. માટે તેમનો મહાસચિવો પ્રત્યે લગાવ સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં મહાસચિવ ઉપાધ્યક્ષથી વધારે સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માટે વડાપ્રધાન નિવાસ પર પાર્ટીના મહાસચિવોની બેઠકથી મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવોસમાં તેઓ મળેલી સફળતાને નબળી નહીં પડવા દે.

આ બેઠકથી પણ વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે આ બેઠકની માહિતી રાજનાથસિંહને આપવામાં આવી ન હતી. બેઠક બાદ જ્યારે સમાચાર આવ્યા, ત્યારે રાજનાથસિંહે મહાસચિવોને ટેલિફોન કરીને જાણકારી પ્રાપ્ત કરી હતી. કે બેઠકમાં મોદીએ શું વાતચીત કરી છે. જો કે રાજનાથસિંહ તે વખતે પાર્ટી અધ્યક્ષ સાથે મોદી સરકારના ગૃહમંત્રી પણ હતા. પરંતુ મોદીની આ પહેલથી તેઓ પણ ચોંકી ગયા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ બીજી પહેલ કરીને નવી દિલ્હી ખાતેના 11 અશોકા રોડ પરના ભાજપના મુખ્યમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી મુખ્યાલયમાં કામ કરનારા કર્મચારીઓને મળ્યા અને પોતાના હાથે કર્મચારીઓને બોનસ પણ આપ્યું. અહીં તેમણે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહની સાથે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું.

બીજી પહેલનો સંકેત સ્પષ્ટ હતો કે તેઓ ભલે પાર્ટી અધ્યક્ષને કિનારે કરે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનને મહત્વ આપતા રહેશે. આનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપમાં મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમો છે ને બીજો કોઈ નેતા તેમની આ છબીની આડે આવી શકે નહીં.

આનાથી વધારે ચોંકવાનારી વાત એ છે કે વડાપ્રધાન તરીકે તમામ જિલ્લા કલેક્ટર સાથે મોદી જોડાશે. તેની સાથે ભાજપના સંગઠન સ્તરે પણ તેઓ એક એવું તંત્ર વિકસિત કરવા જઈ રહ્યા છે કે જેનાથી દેશભરમાં જિલ્લા સ્તર પર મોદી પોતાની પકડ બનાવી રાખી શકે. તેના માટે તેઓ દરેક જિલ્લામાં એક સીઈઓ નિયુક્ત કરવાની યોજના અમલી બનાવવાની વિચાર પ્રક્રિયા ચાલુ કરી ચુક્યા છે. આ પાર્ટી સીઈઓ જિલ્લા સ્તરે સત્તા અને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરશે અને ભાજપના અધ્યક્ષ અને મોદીના ખાસ અમિત શાહને સીધો રિપોર્ટ કરશે. એ કહેવાની જરૂર નથી કે આમાની મહત્વની બાબતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન પર જરૂરથી મૂકતા રહેશે.