Sunday, December 23, 2018

હિંદુત્વવાદી રાજનીતિ ભાજપની ગુલામ નથી


હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની હારના સંકેત

હિંદુત્વવાદી રાજનીતિ ભાજપની ગુલામ નથી

-     પ્રસન્ન શાસ્ત્રી

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની હાર ભાજપ માટે રાજકીય દ્રષ્ટિએ બેહદ અસામાન્ય બાબત છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનું પંદર વર્ષથી શાસન હતું અને રાજસ્થાનમાં 2013ની વિધાનસભામાં ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી હતી અને 2014ની લોકસભામાં ભાજપને રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો પ્રાપ્ત થઈ હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશને ભૂતકાળમાં ગુજરાતની જેમ ભાજપશાસિત મોડલ સ્ટેટ તરીકે 2012 પહેલા પ્રચારીત કરાયા હતા.  જો કે લગન હોય તેના ગાણા ગવાયના અંદાજમાં 2012થી 2014 દરમિયાન ભાજપશાસિત મોડલ સ્ટેટ તરીકે પાર્ટીના તત્કાલિન વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર ધરાવતા ગુજરાતને જ પ્રચારીત કરવામાં આવ્યું હતું. 
2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદી બેલ્ટના મહત્વના આ ત્રણેય રાજ્યોની કુલ 65 લોકસભા બેઠકોમાંથી ભાજપને 62 પર જીત મળી હતી. રાજસ્થાનમાં 25માંથી 25, મધ્યપ્રદેશમાં 29માંથી 27 અને છત્તીસગઢમાં 11માંથી 10 બેઠકો ભાજપને મળી હતી. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં ઉત્તરપ્રદેશની 80માંથી 73 બેઠકો પર એનડીએની જીત બાદ સૌથી મોટું બીજું યોગદાન હિંદી બેલ્ટના આ ત્રણેય રાજ્યોનું રહ્યું હતું.
આ ત્રણેય રાજ્યોમાં અંદાજે 90 ટકા કે તેથી વધારે પ્રમાણ હિંદુઓનું છે. મધ્યપ્રદેશમાં 6.5 ટકા, છત્તીસગઢમાં બે ટકા અને રાજસ્થાનમાં નવ ટકા જેટલા મુસ્લિમો વસવાટ કરે છે. આંગળીના વેઢે ગણાય તેટલી બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક છે. આ ત્રણેય રાજ્યોમાં આરએસએસ-વીએચપી દ્વારા રામમંદિર નિર્માણ માટે આંદોલન છેડવાની કોશિશો થઈ હતી. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતથી માંડીને યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સુધીના નેતાઓએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિવદેનો આપ્યા હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી વખતે જ અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથના કોંગ્રેસને અલી જોઈએ અને ભાજપને બજરંગબલી જેવા નિવેદનો વચ્ચે બજરંગબલીને દલિત ગણાવતું નિવેદન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પહેલા જ રાજસ્થાન અને અવિભાજીત મધ્યપ્રદેશ હિંદુત્વની પ્રયોગશાળા તરીકે કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓ પ્રચારીત કરતા રહ્યા છે. અન્ય રાજ્યો અને કેન્દ્રીય સ્તર પહેલા આ રાજ્યોમાં ટેકસ્ટ બુક બદલાઈ ચુકી છે. આ રાજ્યોના આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી કલ્યાણ આશ્રમ ખાસું સક્રિય છે. પરંતુ આ ત્રણેય હિંદી બેલ્ટના મહત્વપૂર્ણ રાજ્યોના પરિણામો હિંદુત્વને ડેકોરેટિવ પોલિટિક્સનો ભાગ બનાવીને માત્ર રૂપકો તરીકે ઉપયોગ કરનારા રાજકારણીઓ માટે એક લાલબત્તી સમાન છે. કુલ મળીને ભારતની રાજનીતિના હિંદુકરણને એક મોટો ધક્કો છે અને તેથી જ તેના ગંભીર રાજકીય અર્થો પણ છે. રામજન્મભૂમિ આંદોલનના પ્રારંભે આ રાજ્યોમાં ભાજપને જનતા દ્વારા સત્તા સોંપવાની શરૂઆત થઈ ચુકી હતી. એક રીતે હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યો હિંદુત્વની રાજનીતિના ગઢ પણ ગણાતા હતા. તેમ છતાં 2014ની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદના નામે ભાજપને સમર્થન આપનારા ત્રણેય મહત્વપૂર્ણ રાજ્યોમાં ભાજપની હાર હિંદુત્વવાદીઓના અંતરમનમાં નિરાશાનો પણ સંકેત આપે છે. દેવાલય પહેલા શૌચાલયની વાત કરવા છતાં પણ 2014માં હિંદુ મતદાતાઓએ ભાજપને હિંદુ અંતરમનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વોટ આપ્યા હતા. પરંતુ હિંદુ અંતરમનની આકાંક્ષાઓની સતત અવગણના થઈ હોવાની એક લાગણી પણ આકાર લઈ ચુકી છે અને કદાચ એટલા માટે જ ભાજપ પર હિંદુ વોટરનો ભરોસો ડગમગવા લાગ્યો હોવાના સંકેત હિંદી બેલ્ટના ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામોએ સંકેત આપ્યા છે.
માત્ર હિંદુ પ્રતીકોને આગળ કરીને થતી રાજનીતિમાં હિંદુ અંતરમનની આકાંક્ષાઓની કોઈ પૂર્તિ થતી દેશના 78 ટકા જેટલા હિંદુઓએ છેલ્લા સાડા ચાર વર્ષમાં જોઈ નથી. પાકિસ્તાનના મસૂદ અઝહર જેવા આતંકવાદીઓ રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ સામે ધમકીઓ આપતી ઓડિયો ટેપ જાહેર કરી રહ્યા છે. ત્યારે ભારતની છેલ્લા ત્રીસ વર્ષની સૌથી શક્તિશાળી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે કોઈપણ રાજકીય સક્રિયતા દાખવવાની દરકાર ધરાવતી નહીં હોવાની રાજકીય ઢબે જ હજી સુધી વર્તી રહી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પાછી ઠેલાવા મામલે નિવેદનબાજીઓમાં કોંગ્રેસના નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલને જવાબદાર ઠેરવીને સરકાર પોતાની જવાબદારીમાંથી કદાચ છટકી જવાની કોશિશ કરી રહી છે. ભાજપ અને સંઘ પરિવાર પાસે કપિલ સિબ્બલને જવાબ આપી શકે તેવા વકીલો છે. તો પછી આવી બાલિશ દલીલોનો શો અર્થ છે?
તેની સાથે જ હિંદુઓ વ્યવસાયની દ્રષ્ટિએ ખેડૂત, સરકારી કર્મચારી, શ્રમિક, સ્ટૂડન્ટ, દુકાનદાર અને મિડલ ક્લાસ તથા ગરીબ પણ હોય છે. હિંદુ ધર્મની સાથે જ જ્ઞાતિના આધારે તેઓ એસસી, એસટી, ઓબીસી અને આદિવાસી તથા જનરલ કેટેગરીમાં આવતા લોકો પણ હોય છે. રામજન્મભૂમિ આંદોલન, કાશ્મીરની કલમ-370 અને સમાન નાગરિક ધારાએ અલગ-અલગ રાજકીય દ્રષ્ટિકોણોમાં સામન્જસ્યતા સ્થાપિત કરીને હિંદુ વોટબેંકને એકીકૃત સ્વરૂપ આપ્યું હતું. તેના કારણે જ ભાજપ આ રાજ્યોમાં સત્તામાં આવતું રહ્યું છે. પરંતુ હિંદુ અંતરમનની આકાંક્ષાઓની અવગણનાએ ઉભી કરેલી નિરાશા હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પ્રતિબિંબિત થઈ રહી છે
.
હિંદુઓએ અંતરમનની આકાંક્ષાઓ હકીકત બનશે તેવી આશા સાથે ઘણી વખત વોટિંગ કર્યું છે. 2014માં પણ જ્યારે ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનું એલાન કર્યું, ત્યારે રામજન્મભૂમિ આંદોલનની પૃષ્ઠભૂમિમાં ગુજરાતે 2002માં અનુભવેલી ઘટનાઓને કારણે 2014માં હિંદુ આકાંક્ષાનો માહોલ બન્યો હતો. પરંતુ મિડલ ક્લાસને અચ્છે દિનની અનુભૂતિ થઈ શકી નહીં. તેની સામે પહેલા નોટબંધી અને નાના દુકાનદારોને જીએસટીની આંટીઘૂંટીએ ખૂબ હેરાન કર્યા. તો પેટ્રોલ-ડીઝલના ભાવવધારાએ પણ જનાક્રોશમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ખેડૂતોની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નહીં આપી શકવાની સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા દેવામાફીના વાયદાઓ પણ ત્રણેય રાજ્યોમાં ખાસી અસર પેદા કરી ગયા હતા.
ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના વળતા પાણી જોવા મળ્યા છે. જેમાં 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ રાજસ્થાનમાં ભાજપને 80 ટકા બેઠકો મળી હતી અને 2018માં અહીં ભાજપની બેઠકો માત્ર 31 ટકા થઈ છે. મધ્યપ્રદેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભા બેઠકો 67 ટકામાંથી ઘટીને 42 ટકા પર પહોંચી છે. જ્યારે છત્તીસગઢના ગ્રામ્ય વિસ્તારોમાં 52 ટકાથી ઘટીને ભાજપની બેઠકો 17 ટકા પર પહોંચી છે. હિંદી બેલ્ટમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય મિજાજના બદલવાના સંકેત તરીકે આ ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામને જોવાઈ રહ્યા છે. તેમા ખેડૂતોની સમસ્યાઓ અને મિડલ ક્લાસની મુશ્કેલીઓની મોટી ભૂમિકા છે. તેની સામે એસસી-એસટી એક્ટના મામલા સાથે સંબંધિત ઘટનાઓ અને જાતિવાદી રાજકારણની પણ મોટી ભૂમિકા છે.
આ સિવાય છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા પણ પોતાની છબીના કાયાકલ્પની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ તરફ જઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત, કર્ણાટક, કૈલાસ-માનસરોવરથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢના મંદિરોમાં રાહુલ ગાંધીની ટેમ્પલ રનનો પણ પીએમ મોદીના કોંગ્રેસમુક્ત ભારતના અભિયાનને મોટો આંચકો લાગવાનું મહત્વનું કારણ છે. શિવસેના હોય કે ફારુક અબ્દુલ્લા હોય, ચંદ્રાબાબુ નાયડુ હોય કે એમ. કે. સ્ટાલિન હવે રાહુલ ગાંધી પપ્પૂ નહીં હોવાનું કહેવા લાગ્યા છે. તેની સાથે જ પીએમ મોદીની મસ્જિદોની મુલાકાત અને બહાદૂરશાહ ઝફરની મજાર પર જવા જેવી બાબતોની પણ ઘણી ઘેરી અસર હિંદુ અંતરમન પર પેદા થઈ ચુકી છે. જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ભાજપની ગઠબંધન સરકાર બની હોવા છતાં આતંકવાદ અને સરહદે પાકિસ્તાનનો બેફામ ગોળીબાર તેમા શહીદ થતા જવાનોના મૃતદેહો જોઈને દેશ ઉકળી ઉઠયો હતો. આખરે ભાજપને મહબૂબા મુફ્તિની મહોબ્બતને અલવિદા કહીને જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવું પડયું છે. માત્ર 10થી 15 ટકા મતદાન સાથે શ્રીનગર બેઠક પરથી ફારુક અબ્દુલ્લા લોકસભાના સાંસદ બન્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ છથી સાત તબક્કામાં કરાવવી પડી છે. પાકિસ્તાન યુએન સુધી કાશ્મીર મુદ્દે ઉમ્બાડિયા કરી રહ્યું છે.
આ ત્રણ રાજ્યો પહેલા જ તેની હારના સંકેત ભાજપને ઉત્તરપ્રદેશ અને બિહારની તમામ પેટાચૂંટણીમાં હાર તરીકે મળી ચુક્યા હતા. યુપીમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ગોરખપુર અને નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર લોકસભા બેઠક પરની ભાજપની હાર હિંદુ અંતરમનની આકાંક્ષાઓની અવગણના હોવા બાબતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહીં. ભાજપ કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ હારી ગયું હતું. કેરાનાથી હિંદુઓના હિજરતના દાવાઓ ખુદ ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં કેરાના બેઠક પર ભાજપની હાર થઈ હતી. આ ત્રણેય બેઠકો હિંદુ બહુલ બેઠકો છે. કેરાનામાં મુસ્લિમ વોટર્સની સંખ્યા વધારે છે. પણ એટલી પણ નથી કે હિંદુ વોટરની એકજૂટતા સામે ટક્કર લઈ શકે.
હિંદુ અંતરમનને એક સવાલ વિહવળ બનાવી રહ્યો છે કે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં પ્રચંડ બહુમતી હોવા છતાં ભાજપની સરકારો રામમંદિર નિર્માણ માટે કેમ કોઈ નક્કર રૂપરેખા માટે સક્રિય દેખાઈ રહી નથી? આરએસએસ દ્વારા રામમંદિર નિર્માણ માટે કાયદાની માગણી કરવામાં આવી છે. તો આરએસએસના નેતા એમ પણ કહી રહ્યા છે કે રામમંદિર નિર્માણની માગણી કરીને તેઓ કોઈ ભીખ માંગી રહ્યા નથી. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પર દબાણ વધારતા આખરે કહી જ દીધું છે કે જો આ વાત તેમના હાથમાં હોત, તો રામમંદિર નિર્માણનું કામ 24 કલાકમાં શરૂ થઈ જાત. માનવામાં આવે છે કે આ નિવિદન યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને કદાચ નિશાન બનાવીને આપ્યું છે. તેવામાં ભાજપ જો રામમંદિર નિર્માણ મામલે કોઈ નક્કર પગલું નહીં ભરે, તો તેવી સ્થિતિમાં હિંદુત્વવાદી સંગઠનોના કાર્યકર્તાઓ અને તેમના ટેકેદારોમાં મોટી નિરાશા ચૂંટણી પરિણામોમાં ચુકવવાનો વારો આવે તેવી ભીતિ પણ ભાજપ-સંઘ પરિવારના એક વર્ગમાં મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. હિંદુત્વવાદી રાજનીતિ પર મોનોપોલી અને હિંદુઓને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની માનસિકતા બંને પ્રકારના રાજનેતાઓ માટે આ એક લાલબત્તી છે.
લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પૂર્વોત્તરના રાજ્યોને બાદ કરતા બાકીના તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલા વોટની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. હરિયાણામાં 2014માં 34.7 ટકા અને પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 33.2 ટકા, મહારાષ્ટ્રમાં 2014માં 27.3 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 27.8 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 2014માં 34.4 ટકા અને વિધાનસભા ચૂંટણીમાં 23 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઝારખંડમાં 2014માં ભાજપને 40.10 ટકા અને વિધાનસભામાં 31.3 ટકા, દિલ્હીમાં 2014માં 40.10 ટકા અને 2015ની વિધાનસભાની ચૂંટણીમાં 31.3 ટકા વોટ ભાજપને મળ્યા હતા. તો બિહારમાં 2014માં 29.4 ટકા અને 2015ની વિધાનસભામાં 24.4 ટકા, આસામમાં 2014માં 36.5 ટકા અને 2015ની વિધાનસભામાં 29.5 ટકા, પશ્ચિમ બંગાળમાં 2014માં 18 ટકા અને 2016ની વિધાનસભામાં 10.2 ટકા, ગોવામાં 2014માં 53.40 ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 32.5 ટકા વોટ મળ્યા હતા. મણિપુરમાં 2014માં ભાજપને 11.9 ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં વધારા સાથે 36.3 ટકા વોટ મળ્યા હતા. જો કે પંજાબમાં 2014માં 8.7 ટકા અને 2017ની વિધાનસભામાં 5.4 ટકા, યુપીમાં 2014માં 42.3 ટકા અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 39.7 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપને 2014માં 55.3 ટકા અને 2017ની વિધાનસભામાં 46.5 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં 2014માં 60.11 ટકા અને 2017ની વિધાનસભામાં 48.8 ટકા વોટ, હિમાચલપ્રદેશમાં 2014માં 53.31ટકા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં 48.8 ટકા વોટ ભાજપને મળ્યા હતા. મેઘાયલમાં 2014માં 8.9 ટકા અ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં નજીવા વધારા સાથે 9.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ત્રિપુરામાં 2014માં માત્ર 5.7 ટકા અને 2018ની વિધાનસભામાં ધરખમ વધારા સાથે 43 ટકા વોટ મેળવી ભાજપને મોટી જીત મળી હતી. તો નાગાલેન્ડમાં 2014માં ભાજપને બિલકુલ પસંદ કરવામાં આવ્યું ન હતું અને 2018માં ભાજપને 15.4 ટકા વોટ નાગાલેન્ડમાંથી મળ્યા હતા. જ્યારે કર્ણાટકમાં 2014માં 43 ટકા અને 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 36.35 ટકા વોટ મળ્યા હતા. તો છત્તીસગઢમાં 2014માં 48.7 ટકા અને 2018ની વિધાનસભા ચૂંઠણીમાં 33 ટકા, મધ્યપ્રદેશમાં 2014માં 54 ટકા અને 2018ની વિધાનસભાની ચૂંટણીમાં 40.9 ટકા, રાજસ્થાનમાં 2014માં 54.9 ટકા અને 2018ની વિધાનસભામાં 38.8 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે મિઝોરમમાં 2014માં શૂન્ય ટકા સામે 2018ની વિધાનસભામાં આઠ ટકા અને તેલંગાણામાં 2014ના 8.5 ટકા સામે 2018ની વિધાનસભા ચૂંટણીમાં 7.1 ટકા વોટ ભાજપને પ્રાપ્ત થયા હતા. 
બિહારમાં 2015માં વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી-જેડીયુ-કોંગ્રેસ મહાગઠબંધનને જીત મળી હતી. આ વોટિંગ પેટર્ન પ્રમાણે 2019માં વોટિંગ થાય, તો બિહારમાં આરજેડીની બેઠકો ચારમાંથી 12, જેડીયુની બેઠક બેમાંથી આઠ થવાની સંભાવના છે. જો કે જેડીયુ હવે એનડીએમાં સામેલ છે. 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 વિધાનસભા બેઠકો પર જીત મળી હતી. 2019માં દિલ્હીમાં આ પેટર્ન પર વોટિંગ થાય,તો દિલ્હીની સાત બેઠકો ભાજપ પાસેથી આમ આદમી પાર્ટીના ખાતામાં જાય છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી જેવી વોટિંગ પેટર્ન રહે, તો 2019માં 11ના સ્થાને 15 બેઠકો ટીઆરએસને મળી શકે તેમ છે. આવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીની 34 બેઠકો 38માં ફેરવાઈ શકે છે. તમિલનાડુમાં એઆઈએડીએમકેની બેઠક 37માંથી 34 થવાની સંભાવના છે. તો આ વોટિંગ પેટર્ન પર ઓડિશામાં બીજેડીને 20ના સ્થાને 21, જ્યારે તેલુગૂદેશમ પાર્ટીને 15 અને અન્યને 99 બેઠક મળવાની શક્યતા છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી હવે એનડીએની સાથે નથી. જ્યારે તમિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ પણ હવે નથી. તેથી અહીં વોટિંગ પેટર્ન બદલાવાની પુરી સંભાવના છે. યુપીમાં 2017ની વોટિંગ પેટર્ન પર 2019માં મતદાતા વોટ કરે તો સમાજવાદી પાર્ટીને પાંચ અને બહુજન સમાજ પાર્ટીને ત્રણ બેઠકો મળી શકે છે. જો કે હવે યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને કારણે ભાજપને વધુ આકરી ટક્કર મળવાની સંભાવનાઓ રાજકીય બાબતોના જાણકારો દર્શાવી રહ્યા છે.
અંગ્રેજી અખબાર લાઈવ મિન્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણી બાદની વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર 2019માં વોટિંગ થશે તો ભાજપને 219 બેઠકો મળે તેવી સંભાવના છે. 2014માં ભાજપને 282 બેઠકો મળી હતી. જ્યારે 2014માં 44 બેઠકો પર જીત મેળવનારી કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની વોટિંગ પેટર્નના આધારે 2019માં વોટિંગ થાય તો 97 બેઠકો મળવાની સંભાવના છે. એટલે કે એક તો કોંગ્રેસમુક્ત અભિયાનના નામે કોંગ્રેસયુક્ત ભાજપ 2019માં ધાર્યો રાજકીય પ્રભાવ જમાવી શકશે નહીં. તો તેની સામે મોદી મેજિક બેઅસર થવાને કારણે અન્ય કોઈ હિંદુ અંતરમનની આકાંક્ષાને અનુરૂપ રાજકીય વિકલ્પના અભાવમાં કોંગ્રેસ ફરીથી બેઠી થવા લાગશે. 
2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 15 રાજ્યોમાં લોકસભાની 27 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. આ 27 લોકસભા બેઠકોમાંથી 16 પર એનડીએનો કબજો હતો, પરંતુ પેટાચૂંટણીમાં એનડીએ માત્ર નવ બેઠકો બચાવી શકી છે અને સાત બેઠકો ગુમાવી છે. મોદીની હિંદુવાદી છબીના ઉગ્ર ટેકેદારો માટે પહેલો આંચકો દેવાલય પહેલા શૌચાલય હતો, બીજો આંચકો ગૌરક્ષકોને ગુંડા ગણાવતી ટીપ્પણી હતી. એસસી-એસટી એક્ટ મામલે દલિતો અને સવર્ણ જ્ઞાતિઓ વચ્ચે રાજકીય સંતુલન જાળવવામાં પણ બેદરકારી દાખવવામાં આવી. મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોમાં આની મોટી અસર હોવાનું માનવામાં આવે છે. એમા મિડલ કલાસ અને કારોબારીઓની નોટબંધી અને જીએસટી સંબંધિત મુશ્કેલીઓમાં મોદીનું મસ્જિદોમાં જવું, મુસ્લિમોના પયગંબરના જન્મદિવસનો શુભેચ્છા સંદેશો આપવો પણ તેમની હિંદુવાદી છબીના ટેકેદારોને બિલકુલ અસ્વીકાર્ય રહ્યો હશે. તેવામાં સવાલ એ છે કે હિંદુત્વવાદીઓના અંતરમન ઘાયલ છે અને શું હિંદુત્વવાદી રાજનીતિનું નેતૃત્વ કરનારાઓને હિંદુઓના અંતરમનને પહોંચેલી ઈજાઓનો કોઈ અહેસાસ છે? આભ ફાટે ત્યારે થિંગડા મારવાની સ્થિતિ ટાળવી જોઈએ. હિંદુઓના અંતરમનની આકાંક્ષાને આદર આપવા માટે 2019 પહેલા હજીપણ સમય છે.

Thursday, November 22, 2018

રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ કરી પાપ ધોવે રામદ્રોહીઓ


રામના નામે રાજકારણ રામદ્રોહ
 

રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ કરી પાપ ધોવે રામદ્રોહીઓ

-    પ્રસન્ન શાસ્ત્રી

 

રામભક્તોની વ્યથા બની વાચા-

રામભક્તો અને રામભક્ત હોવાનો દંભ કરનારાઓ વચ્ચેનું ધર્મયુદ્ધ છે. આ ધર્મયુદ્ધમાં અધર્મ સામે ઝુકનારાઓને ધર્મ માટે માથું ઉંચુ રાખીને અડગ રહેનારા વ્યક્તિ પસંદ પડતા નથી. રામભક્ત હોવાનો દંભ કરનારાઓ રામ નામના દમ પર જ સત્તાની ખુરશી સુધી પહોંચ્યા છે. પરંતુ રામલલા હજી તાડપત્રીમાં જ વિરાજમાન છે. ફાઈવસ્ટાર અને સેવનસ્ટાર પાર્ટી કાર્યાલયો બન્યા છે, પણ તાડપત્રીમાં વિરાજમાન રામલલાને ભૂલાવી દેવાયા છે. ખાલી ચૂંટણી સમયે વોટરોને ખેંચવા માટે રામલલાને યાદ કરવાનો સિલસિલો 1992થી યથાવત છે. રામજન્મભૂમિની ચળવળને 1942ના ભારત છોડો આંદોલન અને તેના કરતા પણ મોટી ચળવળ તરીકે જોવામાં આવે છે. પરંતુ આવી મોટી ચળવળ સાંસ્કૃતિક સ્વાભિમાનને પ્રસ્થાપિત કરવાના સ્થાને ખુરશી પર પ્રસ્થાપિત થવાનું માધ્યમ બનાવી દેવાઈ અને ભૂલાવી દેવાઈ છે. આવી હરકત રામદ્રોહ છે. રામદ્રોહને હિંદુઓ માફ નહીં કરે. પહેલા રામમંદિર પછી સરકારની વાત 2019 પહેલા વધુ બુલંદ બનશે. રામભક્ત હોવાનો દંભ કરનારાઓ માટે 2019ની ચૂંટણી રામદ્રોહી તરીકે યથાવત રહેવાની સ્થિતિમાં કપરા ચઢાણરૂપ બનવાની છે. ચેતી જાવ. બાકી મારો રામ તો તમને જોવે જ છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવીને રામદ્રોહનું પાપ ધોઈ નાખો. હિંદુઓ માફ કરી દેશે.

 
રામજન્મભૂમિ સાંસ્કૃતિક આઝાદીની લડાઈ
 

ભારતને રાજકીય આઝાદી 15મી ઓગસ્ટ-1947ના રોજ મળી હતી. પરંતુ ભારત માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજીક આઝાદીની લડાઈ રાજકીય આઝાદીના સાત દશકો બાદ પણ અધુરી છે. ભારતની ઓળખ શું? શું આપણે આપણી ઓળખ તરીકે ધર્મનિરપેક્ષતાના નામે નમાલાપણું જ ઓઢી રાખવું છે? 26 જાન્યુઆરી, 1950 પહેલા પણ ભારત હતું. ભારતના બંધારણના આમુખમાં સેક્યુલર શબ્દ ઉમેરાયો તે 1975 પહેલા પણ ભારત હતું. ભારતની પ્રગટ-અપ્રગટ, પ્રત્યક્ષ-પરોક્ષ ઓળખ તેની અક્ષુણ્ણ હિંદુ સંસ્કૃતિ હતી, છે અને તેને ટકાવી રાખવા માટે સ્વાભિમાનને પુનર્પ્રસ્થાપિત કરવા માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક આઝાદીની ચળવળ સ્વતંત્રતા બાદ પણ ચાલી રહી છે. હિંદુ સાંસ્કૃતિક ઓળખને ટકાવી રાખવા માટે આઝાદીની લડાઈ જીતવાની છે.

 
આ સાંસ્કૃતિક આઝાદીની લડાઈ કેવી રીતે આગળ વધી રહી છે, તેની અનુભૂતિ આખા ભારતને રામનામથી થઈ ચુકી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર બાબર નામના પરદેશી મુઘલ પદાક્રાંતાના સેનાપતિ મીર બાંકી દ્વારા ઉભો કરાયેલો બાબરી ઢાંચો ભારતની સાંસ્કૃતિક ગુલામીનું એક પ્રતીક હતો. 1989ની કારસેવા અને યુપીના તત્કાલિન મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવના ગોળીબારના આદેશ બાદ પોતાના જીવનનું રામજન્મભૂમિને આઝાદ કરાવવા માટે બલિદાન આપનારા રામ કોઠારી અને શરદ કોઠારી જેવા ઘણાં વીર યુવાનો ભારતમાતાએ જોયા છે અને તેમને ઘેરી નિંદરમાં પોતાના પાલવમાં ફરીથી સમાવી પણ લીધા છે. 6 ડિસેમ્બર-1992ના રોજ બાબરી ઢાંચો ધ્વસ્ત થવી ભારતની સાંસ્કૃતિક આઝાદીનો વિશ્વમાં રણટંકાર સમો ઘંટનાદ હતો.

 
અયોધ્યા, મથુરા, કાશી વિશ્વનાથ- તીનો લેંગે એકસાથ

 
આ સાંસ્કૃતિક આઝાદીની લડાઈ રામજન્મભૂમિ પરથી અપવિત્ર બાબરી ઢાંચો હટાવાયા બાદ ભવ્ય શ્રીરામમંદિરના નિર્માણ સુધી અધુરી છે. અરે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તો ભારતની સાંસ્કૃતિક આઝાદીનો પહેલો પડાવ હશે. હજી તો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને ભારતની ધાર્મિક રાજધાની કાશીમાં ભગવાન વિશ્વનાથના મંદિરને પણ આવું જ ગૌરવ અપાવવાનું ભગીરથ કાર્ય હિંદુ સમાજે કરવાનું છે. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતમાં સૂત્ર બોલાતું હતું કે અયોધ્યા-મથુરા-કાશી વિશ્વનાથ તીનો લેંગે એકસાથ ભારતને સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજીક ગુલામીના ઈરાદે જ વિદેશી મુસ્લિમ આક્રમણખોરોએ સોમનાથ હોય કે અયોધ્યા, મથુરા હોય કે કાશી. હિંદુઓના સર્વોચ્ચ આસ્થા કેન્દ્રોમાં સામેલ રામ, કૃષ્ણ અને શિવના મંદિરોને ધ્વસ્ત કરીને મસ્જિદો બનાવવાનું પાપ કર્યું હતું. આ મંદિરોને ફરીથી ગૌરવમય રીતે નિર્મિત કરીને પવિત્ર સ્થાનો પર પાપીઓ દ્વારા કરાયેલા પાપને ધોવાના છે. અયોધ્યા, મથુરા, કાશી વિશ્વનાથ તીનો લેંગે એકસાથને હકીકત બનાવવાનો હવે સમય આવી ચુક્યો છે.

 
 હિંદુઓ પોલિટિકલી ફૂલ નથી

 
અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાએ ગત ચાર દશકથી ભારતની રાજનીતિમાં આમુલચૂલ પરિવર્તનો આણ્યા છે. ભારતની રાજનીતિના કેન્દ્રમાં હિંદુઓ, હિંદુઓની લાગણીઓ આવી છે. ભારતની રાજનીતિનું હિંદુકરણ ભારતના સશક્તિકરણ માટે આવકાર્ય છે. પરંતુ ભારતની હિંદુ કેન્દ્રીત બનેલી રાજનીતિ હવે 1947 જેવો કોઈ દ્રોહ કરે નહીં તેના માટે પણ હિંદુઓએ સાવધાન અને સક્રિય રહેવું પડશે. હિંદુઓ હવે પોલિટિકલી ફૂલ એટલે કે રાજકીય મૂર્ખ બનવા માટે તૈયાર થવાના નથી.

 
ઝુકનારાઓને માથું ઉંચુ રાખનારો ખટકે જ

 
જમીન સંપાદન મામલે વટહુકમો પર વટહુકમો અને પછી યુટર્ન, નોટબંધી, જીએસટી, ટ્રિપલ તલાક પર વટહુકમ વગરે ઘટનાક્રમોમાં વધતી મોંઘવારી વચ્ચે પિસાતા ભારતના લોકોને છેલ્લા કેટલાક મહીનાઓથી કાનમાં ફરી એકવાર રામમંદિર નિર્માણનો મુદ્દો ગુંજવા લાગ્યો છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ મામલે સંઘ પરિવારમાં તાજેતરના મહીનાઓમાં ખાસી ઉથલ-પાથલો જોવા મળી છે. વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાને સંસદમાં કાયદો બનાવીને રામજન્મભૂમિ પર મંદિર નિર્માણની માગણીને લઈને આખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવારથી અલગ અભિપ્રાયને કારણે હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો થઈ હતી. આખરે પ્રવીણભાઈ તોગડિયાએ વિશ્વ હિંદુ પરિષદ છોડીને રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ જેવા હિંદુ એજન્ડાઓને આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરી છે.

 
તોગડિયાના વિશ્વ હિંદુ પરિષદ છોડયા બાદ અને સંઘ પરિવારથી અલગ હિંદુ સંગઠન બનાવ્યા બાદ સમસ્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવાર તરફથી રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે વટહુકમ અથવા કાયદો બનાવવાની વાત થઈ રહી છે. આખરે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિર નિર્માણ કરવાની માળા જપતા સંઘ પરિવારમાં આવું અભૂતપૂર્વ વિચાર પરિવર્તન આવવાનું કારણ શું છે? અહીંઆ એક સ્પષ્ટતા અવશ્ય કરવી પડશે. રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ થાય, તો તેની સૌથી વધુ ખુશી મને થશે, મારા જેવા હિંદુઓને થશે અને સમગ્ર હિંદુ સમાજને થશે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે જીવતા-મરતા હિંદુઓ સારા હિંદુ છે અને સાચા હિંદુ છે. શશી થરુર છાપ વિચારસરણી ધરાવતા ગુડ હિંદુ અને બેડ હિંદુની વાત કરનારાઓને આ જવાબ પણ છે.

 
સંઘ પરિવારની રામધૂનનું રહસ્ય

 
મૂળ મુદ્દા પર આવીએ તો હાલની સ્થિતિમાં સંઘ પરિવારના વલણમાં અચાનક આવેલા પરિવર્તનને સમજવું જરૂરી છે. મુસ્લિમો વગર હિંદુત્વ અધુરું હોવાની વાત કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે નાગપુરથી 2018ની  વિજયાદશમીએ ઘોષણા કરી હતી કે રામજન્મભૂમિ પર રામનું જ મંદિર બને અને ભવ્ય મંદિર બને. તેના માટે જરૂરી હોય તો કાયદો બનાવવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે 2012ના વિજયાદશમી ભાષણ બાદ પહેલીવાર રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાનો મામલો 2018ના વિજયાદશમી ભાષણમાં ઉઠાવ્યો છે.
 

વિજયાદશમીનું ભાષણ આરએસએસના સ્વયંસેવકો માટે આદેશ સમાન નિર્દેશ આપનારું હોય છે. હાલના વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ અને ઘણાં રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સંઘના સ્વયંસેવકો છે અને તેને કારણે વિજયાદશમીનું સરસંઘચાલકનું ભાષણ તેમના માટે પણ આદેશરૂપ નિર્દેશથી કમ નથી. ગત કેટલાક વિજયાદશમીના સરસંઘચાલક મોહનરાવ ભાગવતના ઉદ્ભબોધનો પણ ઘણાં રસપ્રદ રહ્યા છે. 2014ની લોકસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા 2012માં રામમંદિરનો મુદ્દો 2018ના વિજયાદશમીના સંબોધનની જેમ ઉઠાવવામાં આવ્યો હતો. તો 2013ના વિજયાદશમી ભાષણમાં લોકસભાની ચૂંટણી પહેલા વોટિંગથી દૂર રહેવું અથવા તો નોટાનો ઉપયોગ કરવો બિનઅસરકારક માટે ફાયદાકારક બનશે તેવી વાત મોહનરાવ ભાગવતે લોકોને સમજાવી હતી. 2018ના વિજયાદશમી ભાષણમાં પણ 2019ની લોકસભા ચૂંટણી વખતે વોટર્સને ઉપલબ્ધ શ્રેષ્ઠને પસંદ કરીને એકસો ટકા વોટિંગ કરવાની હાકલ પણ તેમણે કરી હતી.
 

2013ના વિજયાદશમીના ભાષણમાં મોહનરાવ ભાગવતે સંઘના સ્વયંસેવકોને એકસો ટકા વોટિંગ કરવાની હાકલ કરીને તત્કાલિન યુપીએ સરકાર દ્વારા હિંદુઓ સાથે વિચાર,વાણી અને વર્તનથી પક્ષપાત કરીને લઘુમતીઓનું તુષ્ટિકરણ કરાતું હોવાની વાત જણાવી હતી. 2013માં સરસંઘચાલકે ચૂંટણી લોકતાંત્રિક ફરજ હોવાનું જણાવીને એકસો ટકા વોટિંગની હાકલ કરી હતી. તેના માટે તેમણે યુવાવર્ગના વોટરોને મતદાતા યાદીમાં પોતાનું નામ ચકાસવાની પણ તાકીદ કરી હતી. 
 

સમજાય તેને વંદન, બાકી અભિનંદન
 

2018ના વિજયાદશમીના ભાષણમાં સરસંઘચાલક મોહનરાવ ભાગવતે મોદી સરકારની સુરક્ષા મામલે અને સરકારી યોજનાઓ માટે પ્રશંસા કરી અને ઈંધણના ભાવમાં વધારો અને ગગડતા રૂપિયા પર મૌન પાળ્યું હતું. જો કે 2013ના વિજયાદશમીના ભાષણમાં તેમણે તત્કાલિન યુપીએ સરકારની મોંઘવારી અને ગગડતા રૂપિયાના મામલે આકરી ઝાટકણી કાઢી હતી. સમજાય એની સમજશક્તિને વંદન બાકી અભિનંદન...
 

મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ 2014ની વિજયાદશમીના ભાષણમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ હતુ કે આ વર્ષે વાતાવરણ બિલકુલ અળગ છે અને સૌ કોઈ અનુભવી રહ્યા છે. તેમણે સરકારને ઈકોનોમી, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક સંબંધો પર કામ કરવા અને પશ્ચિમ બંગાળ તથા આસામમાં ગેરકાયદેસર ઘૂસણખોરી મામલે સાવધાન કરવાનું કામ કર્યું હતું. 
 

2015માં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વિજયાદશમીના ભાષણમાં સ્વેચ્છાએ રાંધણગેસની સબસિડી છોડવાની બાબત અને સ્કિલ ઈનિશિયેટિવ્સના મુદ્દાઓને સ્પર્શ્યા હતા. ભાગવતે વોટબેંકના રાજકારણથી ઉપર ઉઠીને તમામ નાગરિકોને લાગુ પડે તેવો સમગ્ર દ્રષ્ટિકોણ વસ્તીનીતિને લઈને અપનાવવાની વાત કરી હતી.
 

2016ના વિજયાદશમીના ભાષણમાં સરસંઘચાલક મોહનરાવ ભાગવતે કહ્યુ હતુ કે સાચા ગૌરક્ષકોને અવાંછિત તત્વોની સાથે સરખાવી શકાય નહીં. આવા અવાંછિત તત્વો પોતાના સાંકડા અંગત અને રાજકીય સ્વાર્થી મુદ્દને બદનામ કરે છે અથવા અફવા ફેલાવે છે. મહત્વપૂર્ણ છે કે ગૌહત્યા રોકવામાં બનેલી કથિત મોબ લિંચિંગની ઘટનાઓને લઈને મીડિયામાં ખૂબ હંગામો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં ગૌરક્ષકોને ગુંડા કહી દીધા હતા. જેને કારણે ગૌસેવકો અને ગૌભક્તોની લાગણી દુભાઈ હતી. તેને ધ્યાનમાં રાખીને વિજયાદશમીમાં સરસંઘચાલક મોહન ભાગવતે વાતને વાળવી પડી હતી. 2016માં મહબૂબા મુફ્તિ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-ભાજપની ગઠબંધનની સરકારમાં મુખ્યપ્રધાન બન્યા હતા. 2016માં વિજયાદશમીના દિવસે ભાગવતે કહ્યુ હતુ કે રાષ્ટ્રીય ગતિવિધિઓને પ્રોત્સાહિત કરવાની જરૂરત હોવાનું જણાવીને કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીર ખીણમાં વસાવવાની વાત સરકારોને યાદ કરાવી હતી.
 

2017માં વિજયાદશમીના ભાષણમાં સરસંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અને ચીનની સરહદે ચાલતી હરકતો સામે મજબૂત અને દ્રઢ વલણ દાખવવાની હાકલ કરી હતી. રોહિંગ્યા ઘૂસણખોરો સંદર્ભેનો નિર્ણય લેતી વખતે આ લોકો રાષ્ટ્રીય સુરક્ષા અને એકતા માટે ખતરો હોવાનું ધ્યાનમાં રાખવા માટેની હાકલ પણ તેમણે કરી હતી. આમ તો 2016 પછી સંઘ, ભાજપના નેતાઓને રામ નામ યાદ આવવા લાગ્યું હતું. 2017થી 2018 વચ્ચે ભાગવત પણ ઘણી વખત અયોધ્યામાં રામમંદિર નિર્માણની વાત કહી ચુક્યા છે. પરંતુ 2018ના વિજયાદશમીના ભાષણમાં રામમંદિર નિર્માણ માટે કાયદો અથવા તો વટહુકમની વાત તેમણે લગભગ પહેલીવાર કરી હતી. 
 

રાજકીય નફા-નુકસાનનું ગણિત
 

જો કે રામમંદિરનો મામલો જટિલતાની ચરમસીમાએ પહોંચી ચુક્યો છે. જટિલ અને વિવાદીત મુદ્દાઓના નિવારણથી આમ તો સરકારોને લાભ થતો હોતો નથી. રાજકીય લાભ તો આવા મુદ્દાઓના સતત જટિલ થવાથી જ મળતો હોય છે. આવી જટિલ સ્થિતિમાં પહોંચી ચુકેલા રામમંદિરના મુદ્દાના સમાધાન માટે ભાગ્યે જ કોઈ સરકાર હાથ નાખવા તૈયાર થાય. જેને કારણે મોદી સરકાર પણ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતની રામમંદિર નિર્માણ મુદ્દે કાયદો લાવવાની રાજકીય ઈચ્છાશક્તિ દેખાડે તેવી શક્યતા ખૂબ ઓછી હોવાનું જાણકારોનું માનવું છે. જો કે ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ પ્રાઈવેટ બિલ લાવવાની વાત કરી છે. પરંતુ તેને રામમંદિર પર ખરડો લાવવાના એક પ્રતીકાત્મક ક્રિયાકાંડથી વધુ મહત્વનું માનવામાં આવતું નથી. શું રાકેશ સિંહા પ્રાઈવેટ બિલ મૂકીને ભારતની સંસદમાં સાંસદોને હિંદુઓના નામે રામમંદિર પર વોટ કરવા માટે હાકલ કરી શકશે અને જો આવી હાકલ નિષ્ફળ નિવડશે તો રામમંદિરના ખરડાને મંજૂરી નહીં આપનારી સંસદમાં રાકેશ સિંહા બેસવાનું ચાલુ રાખશે? કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના વલણને ખુલ્લા પાડવાનો ભાજપી આત્મસંતોષ લેવાનું મુનાસિબ માનશે? સરકાર ધારે તો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રામમંદિર માટે સોમનાથ મંદિરની તર્જ પર કાયદો બનાવવા માટેનો ખરડો રજૂ કરીને તેને મંજૂર પણ કરાવી શકે છે. રાજ્યસભામાં તો સરકારની બહુમતી પણ નથી. તેવામાં રાકેશ સિંહાનું પ્રાઈવેટ બિલ મંજૂર થવાની કોઈ શક્યતા દૂર-દૂર સુધી દેખાઈ રહી નથી.

અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભાજપની રાજનીતિની ધરી ગણતો મુદ્દો છે. પરંતુ ભાજપ હવે પોતાની રાજનીતિને રામમંદિરની ચર્ચાઓથી ઘણી આગળના સ્તરે પહોંચાડી ચુક્યું છે અને રાજકીય સચ્ચાઈ એ પણ છે કે રામલહેર પર સવાર થઈને જ ભાજપ કોંગ્રેસનો વિકલ્પ બનીને નવા રાજકીય ધ્રુવ તરીકે સ્થાપિત થવામાં સફળ રહ્યું છે. 
 

રામમંદિરના મુદ્દે ઉભી થયેલી રાજનીતિએ સમસ્ત સંઘ પરિવાર એવી સ્થિતિમાં લાવી દીધું છે કે જ્યાં રામમંદિર નિર્માણ નહીં થવાની સ્થિતિમાં તેમની રાજકીય સ્થિતિ પર વિશેષ અસર પડવાની નથી. આનું સાંકેતિક પ્રમાણ છે કે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થઈ ગયું, પરંતુ તેમણે જેવી રીતે સોમનાથ મંદિરનું આઝાદી પછી નિર્માણ કરાવ્યું તેવી ગૌરવમય પરંપરાથી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ભાજપને ચોથી વખત સત્તા મળી હોવા છતાં થઈ શક્યું નથી. 
 

આજની સ્થિતિમાં રામમંદિર નિર્માણનો મામલો સંઘ પરિવાર માટે તેમના રાજકીય અસ્તિત્વ માટે કોઈ ખાસ મહત્વ ધરાવતો નથી. પરંતુ રામમંદિરનો જ મુદ્દો ભવિષ્યની રાજનીતિ પર મોટી અસર કરે તેવી શક્યતા છે. જેને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના નેતાઓ રામમંદિર નિર્માણના મામલે માત્ર નિવેદનબાજીઓ કરીને 1992 જેવા આંદોલનની વાત કરીને નવેસરથી સક્રિય થવાનો આભાસ ઉભો  કરી રહ્યા છે. 
 

તોગડિયાએ આયનો દેખાડતા, ભાજપને બચાવવાની કોશિશ
 

સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઈતિહાસમાં એવો પ્રસંગ પહેલીવાર આવ્યો છે કે જ્યારે તેમના સંગઠનનો હિસ્સો રહેલો સદસ્ય તેમનાથી અલગ થયા બાદ તેમના જેવી વાત કરીને સમાજનું સમર્થન પ્રાપ્ત કરી રહ્યાછે. આ પહેલા સંઘ પરિવારથી અલગ થનારા વ્યક્તિને અપ્રાસંગિક બનવું પડતું હતું અથવા તો તેમને પાછા સંઘના શરણે આવવું પડતું હતું. પરંતુ ડૉ. પ્રવીણ તોગડિયાએ વિશ્વ હિંદુ પરિષદથી અલગ થયાના થોડાક મહીનામાં જ પોતાની હિંદુ નેતા તરીકેની ઓળખ ફરીથી પ્રસ્થાપિત કરી લીધી છે. જેને કારણે સંઘ પરિવારને ચિંતા છે કે તોગડિયાની સફળતાથી પ્રેરીત થઈને સંઘ પરિવારના અન્ય આયામોના સદસ્યો આવી સ્થિતિ ઉભી કરી શકે છે. જેના કારણે હિંદુનિષ્ઠ રાજનીતિનું કેન્દ્રબિંદુ બદલાય અથવા તો વિભાજીત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. જેને કારણે ભાજપ સહીત સંઘ પરિવારના તમામ સંગઠનો એકસૂરમાં અયોધ્યામાં રામમંદિર માટે સંસદમાં કાયદો બનાવવાની વાત કરી રહ્યા છે. જેથી તોગડિયાથી લોકોનું ધ્યાન હટાવી શકાય. ખાસ કરીને સંઘ પરિવારના સદસ્યો અને સ્વયંસેવકો તોગડિયાની પાછળ દોરવાય નહીં. 1992 બાદ 21થી 23 ઓક્ટોબર-2018ના રોજ અયોધ્યામાં ફરી એકવાર રામભક્તો પહોંચ્યા હતા અને તોગડિયાએ આગેવાની કરી હતી. રામભક્તોનો દમ જોતા રામભક્તિનો દંભ કરનારાઓના પગ પેટમાં પેસવા સ્વાભાવિક હતા. 
 

રામમંદિર પર સંસદમાં કાયદો બનાવવાની માગણી માટે તોગડિયાને હટાવવા માટે આકાશ-પાતાળ એક કરનારા સંઘ પરિવારે ફરી એકવાર ભાજપની મદદ કરવાની મનસા વ્યક્ત કરી છે. જેની પાછળનો ઉદેશ્ય  રામમંદિર નિર્માણને લઈને સંઘ પરિવાર અને ભાજપની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠવાના બંધ થઈ જાય. તેની સાથે કોંગ્રેસ સહીતના વિપક્ષી દળો સામે સવાલો ઉઠવાના શરૂ થઈ ચુક્યા છે. સંઘ પરિવાર અને ભાજપના ટેકેદાર વર્ગમાં સંસદમાં રામમંદિર નિર્માણનો કાયદો બનાવવાનો પ્રશ્ન ભાજપના સ્થાને કોંગ્રેસ અને અન્ય વિપક્ષોને પુછાઈ રહ્યા છે.
  

જવાબદારીથી બચવાની પણ કોશિશ!
 

આ સિવાય હિંદુત્વના વિચારના ટેકેદાર હોવાની વાત કરતા લોકો દ્વારા યોજનાબદ્ધ રીતે સોશયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વિલંબનો મામલો ઉઠાવાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ હિંદુ ભાવનાઓની અવગણના કરતી હોવાની વાત પણ ઉઠાવાઈ રહી છે અને આવા મામલામાં ભાજપના નેતાઓ પણ સામેલ છે. તેની પાછળનો ઉદેશ્ય પણ રામમંદિરનો વિષય સુપ્રીમ કોર્ટના પાલામાં નાખવાનો છે. આમ કરીને દેશની આખી વ્યવસ્થાને હિંદુત્વને અનુરૂપ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપને સતત મજબૂત કરવાની જરૂરિયાત હોવાનું લોકોમાં પ્રસ્થાપિત કરવાનો મૂળ ઉદેશ્ય છે. આમ કરીને હિંદુ એજન્ડાને આગળ વધાર્યા વગર તેના નામે હિંદુ સમાજની સમજનું દોહન કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે આવા મામલાઓ પરની મોનોપોલી જાળવવાનો ગંદો ખેલ વોટબેંકના પોલિટિક્સથી પણ ખતરનાક રીતે ચલાવાઈ રહ્યો છે. આ ખેલમાં ઝુકનારા અને ઘૂંટણિયે પડનારાઓને હિંદુત્વ માટે માથું ઉંચુ કરીને છાતી કાઢીને ઉભો રહેનારો એકપણ વ્યક્તિ પસંદ પડતો નથી. ડૉ. પ્રવીણ તોગડિયા પણ આવા લોકોને ખૂંચે તે સ્વાભાવિક છે. 
 

આસ્થાનું પોલિટિકલ એન્કાઉન્ટર કરતા નહીં
 

25મી નવેમ્બરે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ શિવસેનાને સમાંતર કાર્યક્રમ કરી રહી છે. બાબરી ધ્વંસના કેટલા વર્ષ બાદ અયોધ્યામાં આવું સંમેલન થઈ રહ્યું છે. જ્યારે હિંદુવાદી ગણાતી સરકાર સત્તામાં હોય, ત્યારે હિંદુઓને રામમંદિર નિર્માણ માટે આંદોલન કરવું પડે,તો પછી હિંદુઓ માટે મોદી હોય કે મુલાયમસિંહ શું ફરક ગણવાનો
 

રામમંદિર નિર્માણનો મુદ્દો સાંસ્કૃતિક આઝાદીની ચળવળના સ્થાને રાજકીય બનાવી દેવાયો છે અથવા રાજકીય બની ચુક્યો છે. આની રણનીતિ સંઘ પરિવાર દ્વારા બદલાતી રહી છે. હાલની સ્થિતિમાં સંઘ પરિવાર અને ભાજપ આના સંદર્ભે કોઈ જવાબદારી લેશે તેવી શક્યતાઓ બેહદ પાંખી છે. તેઓ કોંગ્રેસ સહીતના વિપક્ષ અને ન્યાય વ્યવસ્થા પર રામમંદિર નિર્માણ નહીં થવાની જવાબદારી નાખી દેશે. સંઘ પરિવાર અને ભાજપના ટેકેદારોના આર્ટિકલ્સ, ટીવી ડિબેટમાં તર્ક-કુતર્કથી સત્તામાં આવ્યાના સાડા ચાર વર્ષે કોંગ્રેસ સહીતના વિપક્ષને સવાલ કરાય છે કે અમે તો સંસદમાં કાયદો આજે લાવી દઈએ, શું તમે સમર્થન આપશો? પરંતુ આવા વખતે ભૂલી જવામાં આવે છે કે રામમંદિર નિર્માણ માટે હિંદુ સમાજનું સમર્થન લેવા માટે પાલમ ખાતે ઠરાવ કરવામાં આવ્યો હતો. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની પ્રતિબદ્ધતા માત્ર વિશ્વ હિંદુ પરિષદ નહીં, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે પણ વ્યક્ત કરી છે. આવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઠરાવને મંજૂર કરતી વખતે શું વીએચપી, ભાજપ કે આરએસએસ દ્વારા કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોનું સમર્થન માંગવામાં આવ્યું હતું કે તમે ટેકો આપશો તો અમે ઠરાવને મંજૂરી આપીશું? સંસદમાં રામમંદિર માટે પ્રતિબદ્ધતા દેખાડતું એકપણ કામ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું કોઈને પણ યાદ આવે તો દેશના હિંદુઓને જાણ કરવી જોઈએ. રામમંદિર નિર્માણના મુદ્દાને એક પોલિટિકલ એન્કાઉન્ટર બનાવીને નિર્દોષ હિંદુઓ કે જેમણે આસ્થા અને શ્રદ્ધાથી આંદોલનને ટેકો આપ્યો હતો તેમના ભોગ લેવાયા અને હવે આવી તૈયારી ફરી એકવાર થઈ રહી છે.
 

સવાલોના ચક્રવ્યૂહમાં રામદ્રોહીઓ 
 

બચ્ચા-બચ્ચા રામ કા અને જો રામ કા નહીં વો કામ કા નહીં. પણ રામના નામે સત્તામાં આવીને ગુલતાન કરનારાઓ રામમંદિરના સ્થાને રામની મૂર્તિ બનાવવાની વાતો કરનારાઓને કેવી રીતે રામના ગણવા? બાકી રામમંદિર બનતું હોય, તો બધાં રામકામમાં જોતરાઈ જવા તૈયાર છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થાન શિવનેરી કિલ્લાની માટીનો કળશ ભરીને રામજન્મભૂમિ મંદિરના મહંતને સોંપવાના છે. જો આવી પવિત્ર માટીમાંથી આવતી છત્રપતિ શિવાજી મહારાજની વીરતાની મહેકની કોઈ અસર થાય, તો તેમના હિંદવી સ્વરાજના સ્વપ્નને સાકાર કરવાના પ્રથમ પગલા તરીકે રામમંદિર નિર્માણની રાજકીય ઈચ્છાશક્તિ પેદા થાય. બાકી તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સવાલ કર્યો છે કે શું પંદર લાખ આવશેની જેમ રામમંદિર નિર્માણ પણ બીજો જુમલો છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈય્યાજી જોશી અયોધ્યામાં તાડપત્રીની નીચે વિરાજમાન રામલલાના દર્શન કરવા માટે ગયા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે હવે ભવ્ય રામમંદિરમાં રામલલાના દર્શન કરવા આવશે. પરંતુ સંઘના સર્વોચ્ચ પદાધિકારીઓને તાડપત્રીમાં વિરાજમાન રામલલા કેટલા વર્ષે યાદ આવ્યા? દર વર્ષે અજમેર ચાદર મોકલતા અને અમદાવાદને કર્ણાવતી નહીં કરી શકનારા ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિદ્દી સૈયદની મસ્જિદથી માંડીને વિદેશોની મસ્જિદો અને બહાદૂર શાહ ઝફરની મજાર પર આંટાફેરા કરતા જોવા મળ્યા છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ જે રામરથ યાત્રામાં પોતાની ભૂમિકા હતી તેવા નરેન્દ્ર મોદીને તાડપત્રીમાં વિરાજમાન રામલલાના દર્શન કરવાની બિલકુલ ફૂરસત નથી
 

પરંતુ રામમંદિરના મુદ્દે નિવેદનબાજીથી વધારે કંઈ નહીં કરનાર ભાજપને સંઘ પરિવાર રામમંદિરના ચૂંટણી ટાણે આલાપવામાં આવતા રામરાગથી હાલ કોઈ મદદ કરી શકશે? પેટ્રોલ-ડીઝલની કિંમતોએ મનમોહનસિંહની સરકારનો રેકોર્ડ તોડી ચુકી છે. રૂપિયો ગગડવામાં મોદી સરકારમાં નવો વિક્રમ સ્થાપિત કરી ચુક્યો છે. રફાલ ડીલમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો શંકા-કુશંકાના તાણાવાણા વણી રહ્યા છે. નોટબંધી અને જીએસટીના લાગુ કરવામાં લોકો અને કારોબારીઓને અનુભવાયેલી મુશ્કેલીઓને હજીપણ યાદ કરાઈ રહી છે. ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. આવા સમયે સાડા ચાર વર્ષ રામમંદિર મામલે કંઈ નહીં કરનારી મોદી સરકારને મજબૂત થઈ રહેલી એન્ટિ-ઈન્કમ્બન્સીથી બચાવવા માટે સંઘ પરિવારે સાગમટે રામધૂન શરૂ કરી છે. પણ રામલલા તાડપત્રીના સ્થાને ભવ્ય રામમંદિરમાં વિરાજમાન થશે કે કેમ તેના પર આશંકાઓ યથાવત છે.