Monday, April 5, 2010

નક્સલવાદ: ગણતંત્ર વિરુદ્ધનું "ગનતંત્ર"


દેશમાં ગણતંત્ર છે, પણ તેની સામે સમાંતર "ગનતંત્ર" ઉભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિંસાની વિચારધારાથી સત્તા માટે ગરીબ, શોષિત, વંચિત અને દબાયેલા-કચાડેયેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતાં દેશના 1/3 ભાગ પર ગનતંત્ર દ્વારા હિંસાનું તોફાન મચાવી દેવાયું છે. આ હિંસાની હેલી નક્સલવાદ તરીકે ઓળખાય છે. નક્સલવાદને ખુદ વડાપ્રધાન મનમોહનસિંહ આતંકવાદ કરતાં મોટું જોખમ હોવાની વાત કરી ચૂક્યા છે. નક્સલવાદનું જે મૂળ છે, તે કોમ્યુનિસ્ટ વિચારધારાને કારણે ચીનમાં તથાકથિત ક્રાંતિ થઈ ચૂકી છે. ચીનની ક્રાંતિના પુરોધાર માઓ ત્સે તુંગની વિચારધારા પ્રમાણે ભારત અને નેપાળમાં હિંસા દ્વારા ક્રાંતિ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નક્સલવાદને માઓવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળમાં માઓવાદીઓને મળેલી સફળતાને કારણે ભારતમાં કાર્યરત નક્સલવાદી માઓવાદી જોરમાં છે. આમ તો તેમની ઈચ્છા નેપાળથી લઈને શ્રીલંકા સુધી રેડ કોરિડોર ઉભું કરવાની છે. તેમા તેમને ઘણી સફળતા પણ મળી ચૂકી છે. જેનું મુખ્ય કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિમાં અસ્પષ્ટતા અને અસમંજસતા છે.

કેન્દ્રીય ગૃહસચિવના જણાવ્યા પ્રમાણે, નવેમ્બર-2003માં નવ રાજ્યોના 55 જિલ્લાઓ નક્સલવાદીની ઝપેટમાં હતા. જો કે 2009માં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમના જણાવ્યા પ્રમાણે, દેશના 20 રાજ્યોના 223 જિલ્લાઓ નક્સલવાદીઓની પકડમાં આવી ચૂક્યા છે. ગૃહમંત્રી પી.ચિદમ્બરમે સ્પષ્ટતા કરી છે કે 13 રાજ્યોના 90 જિલ્લાના 400 પોલીસ સ્ટેશન સતત નક્સવાદી હિંસાથી ગ્રસ્ત છે. નક્સલવાદી હિંસાની અને તેના ભારતમાં પ્રભાવની વાત તો કરી, પણ નક્સવાદી કોણ છે? તેની વિચારધારા કઈ છે? તેના વિશે પણ ચર્ચા કરીએ.

ભૂમિવિહીન મજૂરો અને આદિવાસી લોકો તરફથી જમીનદારો અને અન્યો સામે હિંસક લડાઈ કરનારાઓને નક્સલ્સ કે નક્સલવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. નક્સલવાદીઓનો દાવો છે કે તેઓ વર્ગવિહીન સમાજના નિર્માણ માટે શોષણ અને દમન વિરુદ્ધ લડાઈ કરે છે. જો કે તેમના વિરોધીઓ નક્સલવાદીઓને વર્ગસંઘર્ષના નામે લોકોનું દમન કરતાં આતંકવાદીઓ ગણાવે છે. નક્સલવાદી હિંસામાં 30થી વધારે નક્સલ જૂથો દેશભરમાં કાર્યરત છે. જેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) નક્સવાદી વિચારધારાનો પ્રસાર કરતું રાજકીય જૂથ છે. આ સિવાય પીપલ્સ વોર ગ્રુપ(પીડબલ્યુજી), માઓઈસ્ટ કોમ્યુનિસ્ટ સેન્ટર(એમસીસી), પીપલ્સ ગુરિલ્લા આર્મી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્કિસ્ટ-લેનિનિસ્ટ જનશક્તિ અને ત્રિટિયા પ્રસ્તુતિ કમિટી(ટીપીસી) મુખ્ય છે. જેમા પીડબલ્યુજી અને એમસીસી 2004માં નક્સવલવાદી હિંસા માટે એક થયા છે. તમામ નકસલવાદીઓએ 2050ના એજન્ડામાં ભારતની સત્તા બંદૂકના જોરે મેળવવાના સ્વપ્ના જોયા છે. તેના માટે ભારતીય સેનાના કેટલાંક સેવાનિવૃત જવાનો અને અધિકારીઓની મદદ પણ લેવાતી હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લાઈએ નક્સલવાદીઓને ચીન દ્વારા હથિયાર મળતા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે સમગ્ર પૂર્વોત્તર અને ભારતમાં ઉભા થયેલા રેડ કોરિડોર પાછળ ચીન અને આઈએસઆઈનો દોરી સંચાર હોવાની વાત બળવત્તર બની છે. આ નક્સલવાદીઓને બાંગ્લાદેશ અને શ્રીલંકાના તથા પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંપર્કો હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દેશના 33 ટકા ભાગ પર ગનતંત્ર ઉભું કરનારા નક્સલવાદીઓ દેશ માટે ગંભીર જોખમો અને પડકારો ઉભા કરી રહ્યાં છે.

નક્સલવાદના મૂળ જુલાઈ 1948માં શરૂ થયેલા તેલંગાણા આંદોલનમાં નખાઈ ગયા હતા. આ સંઘર્ષ ભારતમાં ક્રાંતિ લાવવા માટે ચીનના માઓ ઝેડોંગની વિચારધારાને આધાર બનાવીને શરૂ કરાયો હતો. જેના કારણે આ નક્સવાદ આંધ્રપ્રદેશમાં સારો એવો પ્રભાવ ધરાવે છે. જો કે હાલમાં તે આંધ્રપ્રદેશમાં નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)માંથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કિસ્ટ-લેનિનિસ્ટ) બન્યા બાદ પ્રવર્તમાન નક્સવાદ નક્સલવાદે સાકાર રૂપ ધારણ કર્યું હતું. સીપીઆઈ(એમ)એ પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાગ લઈને જોડાણ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે ચારુ મજમુદાર અને કાનુ સાન્યાલના નેતૃત્વમાં સીપીઆઈ(એમ-એલ)ની રચના થઈ હતી. પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલા દાર્જીલિંગ જિલ્લાના નક્સલબારીમાં 25મી મે, 1967ના દિવસે આદિવાસીઓએ જમીનદારોની જમીન પર સશસ્ત્ર હુમલો કરીને પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ સશસ્ત્ર સંઘર્ષને કારણે નક્સલાઈટ્સ કે નક્સલવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. 60 અને 70ના દાયકા દરમિયાન નક્સલવાદીઓનું સશસ્ત્ર આંદોલન વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થયું હતું. આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને તેમા જોડાયા હતા. જો કે અત્યારે નક્સલવાદી આંદોલન ગણતંત્રની વિરુદ્ધનું ગનતંત્ર બની ચૂક્યું છે. નક્સલવાદી આંદોલનના પ્રવર્તમાન સ્વરૂપથી તેના સંસ્થાપક પ્રવર્તકમાંના એક કાનુ સન્યાલ ખાસા વ્યથિત હતા. તેમણે તાજેતરમાં આત્મહત્યા કરી છે. જો કે હાલમાં 50,000 જેટલા સશસ્ત્ર નક્સલવાદીઓ ભારતભરમાં હોવાના સરકારે દાવા કર્યા છે. નક્સલવાદીઓ ગુજરાત જેવા નક્સલ પ્રભાવવિહીન ક્ષેત્રોમાં પણ હિંસાની ખેતી કરવા માટે તત્પર બન્યા છે. ત્યારે નક્સલવાદીઓને જેર કરવા માટેના ઓપરેશન ગ્રીન હન્ટ શરૂ કરવા સંદર્ભે કોઈ સ્પષ્ટ માહિતી આપવાનું કેન્દ્ર સરકાર ટાળી રહી છે. કેન્દ્ર સરકાર નક્સલીઓ સાથે વાતચીતનો પ્રસ્તાવ પણ મૂકી ચૂકી છે. જો કે તાજેતરમાં ઓરિસ્સામાં મલકાનગિરિ ખાતેના સુરંગ વિસ્ફોટમાં સીઆરપીએફના બાર જવાનોના મોતની ઘટના અને તે સિવાય આ સમયગાળામાં થયેલી નક્સલી હિંસા સરકારના શાંતિ પ્રસ્તાવના લીરે લીરા ઉડાડી રહ્યાં છે. ત્યારે કોમ્યુનિસ્ટ વિચારધારાના મૂળિયામાંથી સંવર્ધિત બનેલા ગનતંત્રને કહેવું હોય, તો કોમ્યુનિસ્ટ આતંકવાદ પણ કહી શકાય છે.

વિકાસવિહીન ક્ષેત્રોમાં થઈ રહેલી નક્સલી હિંસા પાછળ વિકાસવિહીનતા કારણભૂત હોવાના બૈદ્ધિકો દાવાઓ કરે છે. પણ સાચું તો એ છે કે નક્સલવાદીઓ સરકારી તંત્રને નિશાન બનાવીને વિકાસ થવા દેવા માંગતા નથી. એક તરફ હિંસાનું તાંડવ ચાલતું હોય, ત્યારે સરકારી તંત્રને તેનો ભય દૂર કરવાની જરૂર છે. જેના માટે નક્સલીઓ સામે કોઈ કારગર નીતિ અને કાર્યવાહી કરવી આવશ્યક છે. જો કે નક્સલીઓ વિકાસના કામોને પણ નિશાન બનાવી રહ્યાં છે અને રેલવેને પણ નિશાન બનાવીને સામાન્ય લોકો માટે ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યાં છે. ત્યારે જરૂર એ છે કે નક્સલીઓ ભારત સરકાર સામે હથિયાર હેઠાં મૂકીને તથાકથિત દમન અને શોષણ સામે ન્યાય મેળવવા માટે વાતચીત કરે. નક્સલવાદ સાથે ચીન અને આઈએસઆઈની કહેવાતી મિલીભગત પણ રાષ્ટ્રની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરા સમાન છે. ત્યારે નક્સલીઓની વિકાસના કામો અટકાવીને અવિરત હિંસામાં સામેલગીરી તેમની વિકાસ તરફની દ્રષ્ટિને ઉજાગર કરે છે. તેમનું લક્ષ્ય માત્ર ગનતંત્ર દ્વારા ગણતંત્ર પર અધિકાર મેળવવાનું છે. ત્યારે દેશની જનતા જાગૃત બને અને તેને સુરક્ષા મળે તે જોવું કેન્દ્ર અને રાજ્ય સરકારોનું કર્તવ્ય છે.