Tuesday, May 26, 2015

અસંમતિઓના આકાશમાં સાથે-સાથે વિહરતી એકબીજાની મોદી સરકાર અને સંઘ સરકાર!!!

- આનંદ શુક્લ 
નરેન્દ્ર મોદીની શખ્સિયતમાં સૌથી મોટી ભૂમિકા એક સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. સંઘના પ્રચારકથી ભારતના પ્રધાનમંત્રી સુધીની મોદીની સફરમાં બંનેના સંબંધોમાં તણાવની કેટલીક ઘટનાઓ છતાં સહયોગનો માહોલ યથાવત રહ્યો છે. આમ તો સંઘને વિચારધારાના રસ્તે પ્રભાવ પાથરવા સરકાર જોઈએ છે.. અને મોદીને સરકાર ચલાવવા માટે સંઘ.. હાલ તો આરએસએસ અને મોદી બંને એકબીજાની સરકાર છે.

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઘણી મોટી ભૂમિકા રહી છે. 2002ની ગુજરાતની કમનસીબ ઘટનાઓ વખતે પણ સંઘે મોદીને ખુલ્લો ટેકો આપ્યો હતો. વિરોધ વચ્ચે પણ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં બાર વર્ષ સુધી નાગપુર રેશિમબાગ ખાતેના આરએસએસના ટોચના નેતાઓના સમર્થનથી મુખ્યપ્રધાન તરીકે મોટા વિરોધ વગર સરકાર ચલાવવાની તક મળી. તો 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાના વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી આરએસએસના વરિષ્ઠ નેતાઓના ટેકાથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા.

2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદીને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ સક્રિય ભૂમિકા નિભાવીને લોકસંપર્કો કર્યા હતા. તેનું પરિણામ 26 મે-2014ના રોજ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની શપથવિધિ હતી. ચૂંટણી પરિણામોમાં જ્વલંત સફળતા બાદ નરેન્દ્ર મોદી નાગપુરની મુલાકાત લઈ આવ્યા હતા અને સરસંઘચાલક મોહન ભાગવત સાથે લાંબી બેઠક પણ કરી હતી.

મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાન સેવન- આરસીઆર ખાતે આરએસએસના સંગઠન મહામંત્રીઓની એક બેઠક કરી હતી. આ પહેલો પ્રસંગ હશે કે જેમાં આરએસએસના સંગઠન મહામંત્રીઓની બેઠક સરકાર્યવાહ અથવા સરસંઘચાલક સિવાયના કોઈ સરકારમાં બંધારણીય પદે હોય તેવા નેતાએ લીધી હતી. સંઘ પણ વાજપેયી સરકારના કાર્યકાળના અનુભવ પરથી બોધપાઠ લઈને મોદી સરકાર સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ ઈચ્છતું નથી..

તેના સંકેતો પણ તેના દ્વારા શરૂઆતથી વડાપ્રધાનને આપવામાં આવ્યા હતા. ભાજપ અને સંઘ પરિવારની સંસ્થાઓ વચ્ચે નિયમિત સમન્વય બેઠકો બોલાવીને મહત્વના મુદ્દે સંયોજનનો માર્ગ અપનાવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અને સરકારના પ્રધાનો અવાર-નવાર નાગપુર ખાતે અને અન્ય ઠેકાણે સરસંઘચાલક મોહન ભાગવત તથા આરએસએસના શીર્ષસ્થ નેતાઓને મળતા રહે છે.

રાજનાથસિંહ ગૃહ પ્રધાન બનતા ભાજપના અધ્યક્ષ તરીકે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા અમિત શાહની નિમણૂક માટે લાંબી બેઠકોના દોર ચાલ્યા અને આખરે અમિત સાહને ભાજપની બાગડોર સોંપવામાં આવી. જેના કારણે ભાજપના સંગઠન માળખા પર મોદીનો પ્રભાવ સરકારની જેમ સંગઠન સ્તરે પણ રહે તેનો માર્ગ પ્રશસ્ત કરવા નાગપુર રેશિમબાગ ખાતેથી મંજૂરી આપવામાં આવી હતી.

તો ભાજપ અને સંઘ વચ્ચે સંયોજનનું કામ જોતા સુરેશ સોનીના સ્થાને સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલની સંઘ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ. કૃષ્ણ ગોપાલ મથુરાના વતની છે અને પીએમ મોદી સાથે પણ તેમના સારા સમીકરણો છે. જેના કારણે સરકાર અને સંઘ વચ્ચે સંયોજનમાં વધુ સારા સમીકરણોની આશા પણ કરવામાં આવે છે.

આરએસએસની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં પહેલીવાર સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શન પરથી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું ભાષણ પ્રસારીત કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના ભાષણનું આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓમાં મોટું મહત્વ હોય છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરકાર્યવાહ વહીવટીય નિર્ણયો લેવા માટે સંગઠનના બંધારણ પ્રમાણે મુખ્ય ભૂમિકામાં હોય છે. ભૈય્યાજી જોશી આરએસએસના સરકાર્યાવહ છે. દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થતી હોય છે. આ વખતે માનવામાં આવતું હતું કે યુવાનોને તક આપવાના નામે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા દત્તાત્રેય હોસબોલેની સરકાર્યવાહ પદે પસંદગી કરાશે. પરંતુ આરએસએસ દ્વારા ત્રીજી ટર્મ માટે ભૈય્યાજી જોશીની જ પસંદગી કરવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે સંઘના સંગઠનના માળખા પર મોદીનો પ્રભાવ એક મર્યાદીત હદ સુધી જ સ્વીકારવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભૈય્યાજી જોશીએ વડાપ્રધાન નિવાસ ખાતે મોદી સાથે મુલાકાત પણ લીધી છે. ભૈય્યાજી જોશી સેવન-આરસીઆરની મુલાકાત લેનારા સંઘના પહેલા સરકાર્યવાહ છે.

તો ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીનો વનવાસ ખતમ કરાવવા માટે આરએસએસ ઈચ્છુક છે. પરંતુ નરેન્દ્ર મોદીના અણગમાને કારણે સંજય જોશીનું ભાજપમાં હજી સુધી કોઈ પુનર્વસન થઈ શક્યું નથી. તેથી ભાજપમાં પણ મોદીના પ્રભાવ સામે સંજય જોશી મામલે સંઘ હજી સુધી કંઈ ધાર્યું કરાવી શક્યો નથી.

મોદી સરકારનું વર્ષ પુરું થયા બાદ પણ સંઘ પરિવાર સરકારની સાથે છે.. તો તેનું કરાણ મોદી સરકારને સંઘ પરિવારની જરૂરિયાત છે. તેની સાથે સંઘને પણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા માટે મોદીના ચહેરાની ચમક જોઈએ છે. તેથી છેલ્લે જમીન સંપાદન બિલ મામલે ખેડૂતોના હિતોની સુરક્ષાની ખાતરી આપ્યા બાદ હવે આરએસએસ મોદી સરકારને ટેકો આપવાના અહેવાલો આવી રહ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ બને છે કે આરએસએસ મોદીના ચહેરાની ચમક ઘટે તેવું બિલકુલ ઈચ્છતું નથી. જો કે તેમ છતાં બંને વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે.

વડાપ્રધાન મોદીના એક વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર એકબીજા સામે ખુલ્લેઆમ ટીકા કરવાનું ટાળી રહ્યા છે. તથ્ય એવું પણ છે કે સંઘ અને સરકાર વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે. પરંતુ બંને એકબીજાની જરૂરિયાત હોવાથી હાલ પરસ્પર સહકારની સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે.

ઈતિહાસ ઘણું શીખવાડતો હોય છે. મોદી સરકાર અને આરએસએસ બંનેએ ઈતિહાસમાંથી ઘણું શીખવાની કોશિશ કરી છે. વાજપેયી સરકારના કાર્યકાળ વખતે થયેલી ભૂલોમાંથી બંનેએ ઘણાં બોધપાઠો ગ્રહણ કર્યા છે. મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં બંને વચ્ચે બધું સમુસુથરું શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે કોઈ મોટો વિવાદ ઉભરીને સામે નહીં આવવાથી સંઘ અને સરકાર વચ્ચે કોઈ અસંમતિઓ નથી.

સંઘ પરિવારના ઘણાં સંગઠનો વચ્ચે પરસ્પર મતભેદો પ્રવર્તી રહ્યા છે. ભાજપ પણ સંઘ પરિવારનો જ એક ભાગ છે. પરંતુ હજી સુધી તો અસંમતિઓથી સર્જાયેલા મતભેદોથી કોઈ મહાભારતે આકાર લીધો નથી. મતભેદોને સમન્વય સમિતિની બેઠકોમાં વાતચીતથી ઉકેલવાની કોશિશ થતી રહી છે. ખાસ કરીને સ્વદેશી જાગરણ મંચ, કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને કેટલીક હદે વિશ્વ હિંદુ પરિષદને મોદી સરકાર સાથે કેટલાંક મામલે મતભેદો છે. તેમ છતાં મોદી સરકાર વિરુદ્ધ કોઈ આકરા વિરોધના સૂર ઉજાગર થયા નથી. એવો ભાસ પણ થાય છે કે મોદી અને સંઘ વચ્ચે સારો તાલમે છે. જેનાથી અસંમતિઓમાંથી રાઈનો પહાડ બનવાનું અટકી ગયું છે.

વાજપેયી સરકારના કાર્યકાળમાં સંઘ સાથે ટકરાવની સ્થિતિ હતી. સંઘ પરિવારના ઘણાં સંગઠનો વાજપેયી સરકારની નીતિઓનો આકરો વિરોધ કરતા હતા. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘના સંસ્થાપક અને સ્વદેશી જાગરણ મંચના પ્રેરક દત્તોપંત ઢેંગડીએ વાજપેયી સરકારની કડક અને ખુલ્લેઆમ ટીકાઓ કરી હતી. આર્થિક ઉદારવાદના મુદ્દાઓ સાથે તમામ મુદ્દા પર વાજપેયી સરકાર અને સંઘ પરિવાર વચ્ચે ટકરાવ હતો. સ્થિતિ તો ત્યાં સુધી વણસી હતી કે દત્તોપંત ઠેંગડીને સંઘ પરિવારમાં વિપક્ષના નેતા તરીકે ગણવાના શરૂ કરાયા હતા. વાજપેયી સરકારે વિરોધ છતાં આર્થિક ઉદારીકરણની નીતિઓ પર જ આગળ વધવાનું શરૂ કર્યું અને સ્વદેશી જાગરણ મંચ હાંસિયામાં ધકેલાઈ ગયું.

હાલ પણ મોદી સરકારના કાર્યકાળમાં સ્વદેશી જાગરણ મંચની હસ્તી નામમાત્રની રહી હોય તેવું લાગી રહ્યુ છે. મોદી સરકાર વાજપેયી વખતના આર્થિક ઉદારીકરણથી ઘણી આગળ નીકળી ગઈ છે. તેથી જ તો મોદીના આર્થિક સલાહકારોમાં એકપણ સ્વદેશીના ટેકદાર નથી. વળી મોદીનો મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સ્વદેશી જાગરણ મંચની પાયાગત વિચારધારાથી પણ વિરુદ્ધ છે. તેમાં વિદેશી રોકાણ.. અને વિદેશી કંપનીઓની મોટી અને મુખ્ય ભૂમિકા રહેવાની છે. જો સ્વદેશી તરફ મોદી સરકારનો સહેજ પણ ઝોક હોત તો મેક ઈન ઈન્ડિયા અભિયાનને સ્થાને મેઈડ બાય ઈન્ડિયા, મેઈડ ફોર ઈન્ડિયા અથવા મેઈડ બાય ઈન્ડિયન્સની નીતિ અપનાવાઈ હોત.

બીજી તરફ ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે મેક ઈન ઈન્ડિયા માટે ખેડૂતોની જમીનોની કુરબાની શા માટે.. કિસાન સંઘનો હાલ જો કે જમીન સંપાદન બિલના વિરોધમાં એવો બુલંદ અવાજ નથી. પણ વાંધાઓ યથાવત છે. તેવા સંજોગોમાં કિસાન સંઘનો વિચાર ગમે તે હોય.. પણ હાલ તે સરકારની સાથે જ દેખાઈ રહ્યું છે. બીજી તરફ નવી અર્થવ્યવસ્થાની મજબૂરીના નામે સમજી ગયેલું આરએસએસ પણ જમીન સંપાદન બિલના મામલે સરકારની સાથે ઉભેલું જોવા મળશે તેવું પણ નક્કી મનાય છે.

મોદી સરકારની નીતિઓના મામલે મહદ અંશે વિશ્વ હિંદુ પરીષદે ખામોશી ઓઢી રાખી છે. વાજપેયી સરકારના કાર્યકાળમાં પરિષદ દ્વારા અવાર-નવાર રામમંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હાલની મોદી સરકાર માટે હજી સુધી વીએચપી દ્વારા રામમંદિર મુદ્દે જલદ વલણ અખત્યાર કરાયું નથી. જો કે અજમેર શરીફ ચાદર મોકલાયા બાદ રાજનાથસિંહ દ્વારા રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી રામમંદિર નિર્માણ મામલે કાયદો લાવી શકાય તેમ નહીં હોવાની મજબૂરી વ્યક્ત કરતા નિવેદન પર આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.

લવ-જેહાદ અને ઘરવાપસી જેવા કાર્યક્રમો મામલે વીએચપી અને સરકાર વચ્ચે ઘર્ષણની શક્યતા હતી. પરંતુ આ મામલે સરકાર અને વીએચપી બંનેએ સુજબુજથી કામ લીધું છે. વિપક્ષે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી.. પણ તેમને બંને પક્ષો તરફથી દર્શાવાયેલી પરિપક્વતાને કારણે કોઈ કામિયાબી મળી નથી. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદા લવાયા હોવાથી હિંદુવાદી સંગઠન ખુશ છે. પરંતુ સાથે આવા કાયદા હોવા છતાં થઈ રહેલી ગૌહત્યાના મામલે પણ આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.

જો કે ચીન અને પાકિસ્તાન સામેની મોદી સરકારની નીતિઓમાં અસ્પષ્ટતાથી વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ટીકાના સૂર વ્યક્ત કરી ચુક્યા છે. તાજેતરની પીએમ મોદીની ચીન યાત્રા પર વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા અને આચાર્ય ધર્મેન્દ્રએ આકરા શાબ્દિક પ્રહારો કરીને સરકારને સાવધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ બહારથી આવતી કંપનીઓની સહુલિયત મામલે મજૂર કાયદામાં માલિક તરફી ફેરફારોના મામલે ભારતીય મજદૂર સંઘના કેટલાંક રિઝર્વેશન છે. જો કે તેના મામલે હજી સુધી એટલા ઉગ્ર મતભેદો સપાટી પર આવ્યા નથી. પણ ભવિષ્યમાં આવા મતભેદો સપાટી પર નહીં આવે તેવી કોઈ શક્યતા નકારી શકાય નહીં.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાનો મુદ્દો સંઘની વિચારધારા સાથે સંકળાયેલો કેન્દ્રીય મુદ્દો છે. પરંતુ અહીં સંઘ અને મોદીની સંમતિ સાથે રામ માધવના પ્રયત્નોથી ભાગલાવાદીઓના રાજકીય મંચ તરીકે ઓળખાવાયેલી પીડીપી સાથે ભાજપે સરકાર બનાવી છે. ત્યારે મસર્રત આલમની મુક્તિ, મુફ્તિના નિવેદનોથી વીએચપી જેવા હિંદુવાદી સંગઠનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. પરંતુ હકીકત એ પણ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુફ્તિ મોહમ્મદ સઈદ સાથે સરકાર બનાવવાની મંજૂરી આરએસએસ પાસેથી મળી ચુકી હોવાથી વીએચપીની પ્રતિક્રિયામાં અણગમાના સૂર ઘણાં નીચા રહે છે.

મોદીના શહેરીકરણ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટો પણ આરએસએસની પાયાગત ગ્રામલક્ષી વિચારધારાથી વિપરિત છે. 2009માં વિશ્વ મંગલ ગૌ-ગ્રામ યાત્રા કરનારા આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓ ભારતના સાડા છ લાખથી વધારે ગામડાંને સક્ષમ કરવાની નીતિને આગળ વધારવાની વાત અવાર-નવાર કરી ચુક્યા છે. પરંતુ મોદી શહેરીકરણને એક પડકાર નહીં.. પણ વિકાસની તક ગણાવી રહ્યા છે. આવા સંજોગોમાં આરએસએસ પણ ગામડાંના મહત્વની વાતો હવે પોતાના બૌદ્ધિક સુધી જ મર્યાદીત રાખે તેવી શક્યતા વધારે છે. મોદી સરકારનું ઔદ્યોગિકરણલક્ષી વલણ સંઘના કૃષિલક્ષી અર્થવ્યવસ્થાના પાયાગત વિચારને માત્ર પુસ્તકિયો પ્રેમ જ સાબિત કરે છે.

વિચારધારાના સ્તરે સરકાર અને સંઘ પરિવારની સંસ્થાઓના વિપરીત વલણો છતાં બંને વચ્ચે બિનજરૂરી ઘર્ષણમાં ઉતરીને એકબીજાના પગ પર કુહાડી નહીં વિંઝવાની સંમતિ સ્પષ્ટ જોઈ શકાય છે. મતભેદો પર આંદોલન પર પોતાની સરકાર વિરુદ્ધ આંદોલન કરવાના સ્થાને સમન્વય અને વાતચીતના માધ્યમથી મતભેદો ઉકેલવાની કોશિશો થઈ રહી છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે સંઘ મોદી અને તેમની સરકારના દરેક કામથી ખુશ છે. મોદીની કાર્યપદ્ધતિ સામે સંઘ પરિવારમાં વાંધાવચકાની વાત ઘણી જૂની છે. હજીપણ આ મામલે નારજગી પુરતા પ્રમાણમાં દૂર થઈ હોવાની શક્યતા નથી.

સંઘ હંમેશા ઈચ્છે છે કે મોદી વડાપ્રધાન તરીકે સૌને સાથે લઈને ચાલે.. તેમાં તેમનો પણ સમાવેશ થાય. ભૂતકાળમાં વાજપેયીએ સંઘ પરિવારના તમામ ઘટકોને સાથે લઈને એનડીએની સરકાર ચલાવી નહીં. તો મોદી વડાપ્રધાન તરીકે સંઘ પરિવારના તમામ ઘટક દળોને સાથે લેવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે ભાજપના તમામ વર્ગોને મોદી સાથે લઈ શક્યા નથી. જો કે ભાજપના તમામ લોકોને મને-કમને પણ મોદીની સાથે કે પાછળ-પાછળ ચાલવું પડે છે. મોદીની કેન્દ્રીયકૃત કાર્યશૈલીને કારણે પાર્ટી અને સરકારમાં સામુહિક નેતૃત્વની સ્થિતિને કોઈ અવકાશ નથી. મોદી સરકારમાં આ ઉણપ આરએસએસને સૌથી વધારે ખૂંચે તેવી શક્યતા છે.

પીએમ મોદી @ 365 : મોદી સરકાર બની ગઈ છે યુટર્ન સરકાર

- આનંદ શુક્લ
વિદેશમાંથી બ્લેક મની પાછા આવે તો દરેકના ખાતામાં 15 લાખ જમા થવાની વાત હવે મોદી સરકારના ગાળાનો ગાળિયો બની ગયો છે. ચૂંટણી વખતે વાયદા કરવા અને સરકારમાં આવ્યા બાદ મજબૂરીઓનો અનુભવ કરનારી મોદી સરકારે પુરોગામી યુપીએ સરકાર જેવા વલણને અખત્યાર કરીને એક મોટો યુટર્ન લેતા પારકા અને પોતાના બંનેમાં નારાજગી પ્રવર્તી રહી છે.

ચૂંટણી અભિયાનોમાં નરેન્દ્ર મોદી વિદેશમાં રહેલા ભારતીયોના કાળા નાણાં મામલે કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા વાકપ્રહાર કરતા રહ્યા છે. દેશની જનતાને વાયદો કરાયો હતો કે 100 દિવસની અંદર વિદેશોમાં જમા કાળું નાણું પાછું લાવવામાં આવશે. પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેને માત્ર ચૂંટણીલક્ષી વાત ગણાવી હતી. તેનું નુકસાન દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ઉઠાવવું પડયું અને લોકોમાં પુરોગામી યુપીએ સરકાર અને પ્રવર્તમાન મોદી સરકાર વચ્ચે વિદેશમાં કાળા નાણાં પાછા લાવવા માટે કોઈ તાત્વિક ફરક નહીં હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા વિદેશમાંથી કાળું ધન પાછું લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ કાળા ધન મામલે એસઆઈટી રચનારી મોદી સરકારે બ્લેક મની ધરાવતા ખાતેદારોની માહિતી આપવાનો પુરોગામી યુપીએ સરકારની જેમ ઈન્કાર કરતા તેમના ઘણાં ટેકેદારોનો મોહભંગ થયો હતો. બ્લેક મની મામલે વિપક્ષના નિશાના પર રહેલી મોદી સરકારને પોતાના લોકોના વિરોધનો પણ સામનો કરવો પડયો છે. એનડીએ સરકારમાં કાયદા પ્રધાન રહેલા રામ જેઠમલાણીએ સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી બ્લેક મની મામલે મોદી સરકારને ગળે ગાળિયો કસ્યો છે. તો રામદેવ જેવા મોદીના ટેકાદોરોએ પણ આ મામલો તીખા સવાલો કર્યા છે.

ચારે તરફથી ઘેરાયેલી મોદી સરકારે રાજકીય નુકસાનની ભરપાઈ માટે નવો કાયદો લાવીને તેને સંસદમાં મંજૂર કરાવ્યો. પરંતુ હજીપણ વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવા મામલે સરકારની નિયત પર આશંકાના વાદળો છવાયેલા છે. સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં બનેલી એસઆઈટી છતાં સરકાર આ મામલામાં હજી સુધી કાયદાકીય દાવપેંચ દ્વારા માત્ર દેશને ગોળ-ગોળ ફેરવતી હોવાનું જ જનતા મોટેભાગે માની રહી છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ રામ જેઠમલાણીએ બ્લેક મની મામલે કેન્દ્ર સરકારે દેશ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવીને આકરું વલણ અખત્યાર કર્યું હતું. તેમણે એસઆઈટીમાં રહેલા અધિકારીઓ પુરોગામી સરકારમાં કાળા ધનની સ્વદેશ વાપસીમાં અડચણ બનનારા અધિકારીઓ હોવાનું જણાવીને સવાલો ઉઠાવ્યા છે. આ સવાલોના જવાબ મોદી સરકારે સુપ્રીમ કોર્ટ અને દેશની જનતાની સામે આપવાના છે.

વેપારીઓના મોટા સમર્થનવાળા ભાજપે ચૂંટણી અભિયાનો પહેલા અને પ્રચાર વખતે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈનો આકરો વિરોધ કર્યો હતો. પરંતુ સત્તામાં આવ્યા બાદ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈની મંજૂરીને પુરોગામી યુપીએ સરકારની જેમ ચાલુ રાખીને ગજબનો યુટર્ન મોદી સરકારે લીધો છે.

20 સપ્ટેમ્બર-2012ના રોજ એફડીઆઈના વિરોધમાં ભાજપે ભારત બંધનું એલાન આપ્યું હતું. ઉમા ભારતી કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરાવવું પડે કે તેમણે ત્યારે કહ્યું હતું કે તેઓ પહેલા વ્યક્તિ હશે કે જે વોલમાર્ટની દુકાનની આગચંપી કરશે. સુષ્મા સ્વરાજ પણ તત્કાલિન વિપક્ષી નેતા તરીકે એફડીઆઈ વિરુદ્ધ એક ઠરાવ સંસદમાં લાવ્યા હતા. 7 માર્ચ-2013ના રોજ ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈનું જાહેરનામું પાર્ટીના સત્તામાં આવ્યા બાદ પાછું ખેંચવાનો વાયદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મલ્ટી બ્રાન્ડમાં એફડીઆઈના વિરોધમાં 14 સપ્ટેમ્બર-2012ના રોજ ટ્વિટ કર્યું હતું. યુપીએ સરકારના કાર્યકાળમાં એફડીઆઈ મામલે સંસદની કાર્યવાહી ઘણાં દિવસો સુધી ભાજપે અટકાવી રાખી હતી.

પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી અને ભાજપે યુટર્ન લીધો છે. હવે તેઓ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈના તરફદાર તરીકે નજરે પડી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન તરફથી જારી કરાયેલા પ્રેસ સર્કુલરમાં મલ્ટીબ્રાન્ડમાં 51 ટકા એફડીઆઈ ચાલુ રાખવામાં આવી છે. યુપીએ સરકાર વખતે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈ માટેના નિયમો અને શરતોને મોદી સરકારે યથાવત રાખી છે. જો કે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારમણે દાવો કર્યો છે કે આ મામલા પર ભાજપના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.

જીએસટી બિલને દેશના કરમાળખાને ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે મહત્વનું માનવામાં આવે છે. મનમોહન સરકારે જીએસટી બિલ મંજૂર કરાવવા કોશિશ કરી હતી.. તો તેનો ભાજપે વિરોધ કર્યો હતો. હવે મોદી સરકારે સત્તામાં આવીને યુટર્ન મારીને જીએસટી બિલને આઝાદી બાદ ભારતના આર્થિક સુધારા માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી જીએસટી બિલને આઝાદી બાદ ભારતમાં આર્થિક સુધારા માટેનું સૌથી મોટું પગલું ગણાવી રહ્યા છે. પરંતુ પુરોગામી યુપીએ સરકારના કાર્યકાળમાં ભાજપ અને તેની સત્તાવાળા રાજ્યો જીએસટી બિલમાં અડચણ બનીને ઉભા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે યુપીએ સરકારમાં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ જીએસટી બિલ સૌથી પહેલી વખત રજૂ કર્યું હતું. ત્યારે ભાજપે તેનો સૌથી જલદ વિરોધ કર્યો હતો.

હવે જ્યારે જેટલીએ જીએસટી બિલ રજૂ કર્યું તો ભાજપ અને કોંગ્રેસે પરસ્પર પોતાના સ્થાનની અદલા-બદલી કરી લીધી છે. લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પારીત જીએસટી બિલ રાજ્યસભામાં અટકી ગયું. રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નહીં હોવાને કારણે આ બિલ ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાવાળી 21 સાંસદોની પ્રવર સમિતિ પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચોમાસુ સત્રમાં જીએસટી બિલ મંજૂર થાય તેવી આશા સેવાઈ રહી છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાંક સ્થાનો પર સરહદી વિવાદ અને કન્ટૂર્સ છે. તેથી 41 વર્ષ જૂની સમસ્યાના ઉકેલ માટે મનમોહન સરકારે ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ સમજૂતીને મંજૂર કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતે વધુ જમીન છોડવી પડશેના મુદ્દે ભાજપે વિરોધ કર્યો હતો. આજે આ કરારને સંસદમાં મંજૂર કરાવવાને મોદી સરકાર પોતાના એક વર્ષના કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 41 વર્ષ જૂના સરહદી વિવાદના ઉકેલ માટે સંસદમાં મંજૂર કરાયેલા ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ કરારને મોદી સરકાર ઐતિહાસિક ગણાવી રહી છે. પરંતુ જ્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ આ સંધિને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે આખરી તબક્કાની સમજૂતીએ પહોંચ્યા હતા.. ત્યારે ભાજપે જ તેમાં અડચણ પેદા કરી હતી.

પરંતુ હવે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના સ્થાનોની અદલા-બદલી બાદ ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કામને આગળ વધાર્યું છે અને સંસદમાં ટેકો આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પણ માન્યો છે. આ કરારને મંજૂરી બાદ લગભગ 50 હજાર લોકોને ભારતની નાગરિકતા મળશે. તો પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેને એક રાજકીય ફાયદાના માધ્યમ તરીકે પણ જોઈ રહ્યું હોવાની ચર્ચા છે.

6 મે-1974ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી જમીન હસ્તાંતરણ સમજૂતીને લાગુ કરવા માટે બંધારણની પહેલી અનુસૂચિને સંશોધિત કરવામાં આવી છે. આ બિલમાં બાંગ્લાદેશની સાથે આસામ.. પશ્ચિમ બંગાળ.. ત્રિપુરા અને મેઘાલયના ક્ષેત્રોની આપ-લેના અમલીકરણની જોગવાઈ છે.

આતંકવાદ અને પાકિસ્તાન સાથે વાતચીત સાથે-સાથે નહીં ચાલે.. ઘૂસણખોરી અને ચીન સાથે વાટાઘાટો પર નારાજગી ભાજપ અને ખુદ નરેન્દ્ર મોદી દ્વારા પ્રચાર અભિયાનોમાં વ્યક્ત કરાઈ છે. સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ચીન બંનેના વલણો યથાવત છે.. પણ મોદી સરકારે યુટર્ન મારીને પાકિસ્તાન-ચીનની બેઈમાન હરકતો છતાં વાતચીત અને સારા સંબંધોની તૈયારી દેખાડવી પડી છે.

ભાજપ અને નરેન્દ્ર મોદી મનમોહન સરકારને પાકિસ્તાન અને ચીન સાથે ઢીલા વલણ માટે આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. ચૂંટણી અભિયાનોમાં તેઓ ગરજી-ગરજીને કહેતા રહ્યા છે કે જો સત્તામાં આવશે તો બંનેને જડબાતોડ જવાબ અપાશે. ચૂંટણીની રેલીઓમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉભારીને વોટ મેળવવાની રણનીતિ ભાજપની સ્પષ્ટ બહુમતી મળવાને સાથે કામિયાબ થઈ છે.

પરંતુ પાકિસ્તાને સરહદે શસ્ત્રવિરામ ભંગ, ઘૂસણખોરી, આતંકવાદીઓને મદદ જેવા મુદ્દે પોતાના વલણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો ભારત સરકારની મનાઈ છતાં પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસિત કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળતા રહ્યા છે. ઓબામાની ભારત મુલાકાત બાદ પાકિસ્તાનના વલણમાં નોંધપાત્ર ફેરફાર વગર જ વિદેશ સચિવ એસ. જયશંકરને સાર્ક દેશોની મુલાકાતના બહાને ઈસ્લામાબાદ કુરનિશ બજાવવા મોકલવામાં આવ્યા હતા.

તો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત વખતે ચુમાર ખાતે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો મામલો ખૂબ તણાવપૂર્ણ રહ્યો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત વખતે ત્યાંની સરકારી ચેનલ સીસીટીવીએ જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ વગરના ભારતના નક્શા દર્શાવીને હદ ઓળંગી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે વાયદાનો વેપાર કરી રહ્યા છે.

બુલેટ ટ્રેન સહીતની રેલવે ક્રાંતિની મનસા રાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીએ સરકાર દ્વારા સંસદીય સત્ર પહેલા ઝીંકાયેલા ભાડા વધારાનો વિરોધ કરી ચુક્યા છે. પરંતુ એક મોટા યુટર્ન દ્વારા મોદી સરકારના સત્તામાં આવ્યાના ટૂંકાગાળામાં રેલવે બજેટ પહેલા જ 14 ટકા જેટલો રેલ ભાડાનો સૌથી મોટો વધારો ઝીંકાયો હતો.

7 માર્ચ-2012ના રોજ મોદીએ એક ટ્વિટ કરીને સંસદના સત્ર પહેલા રેલવેના ભાડા વધારવાને અયોગ્ય પગલું ગણાવ્યું હતું. તેમણે આ મામલે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને એક પત્ર પણ લખ્યો હતો.

પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાના ટ્વિટ અને પત્રને ભૂલીને 14 ટકા જેટલો ભારે ભરખમ વધારો ઝીંક્યો હતો. ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહની સરકાર પર સંસદની અણદેખી કરીને રેલવે ભાડમાં વધારો કરનારા મોદીની સરકારે યુટર્ન લઈને રેલવે બજેટ પહેલા જ ભાડામાં ભારે-ભરખમ વધારો કરી દીધો.

પારદર્શકતા, જવાબદેહી સુશાસન માટેની સૌથી મોટી જરૂરિયાતો છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી અભિયાનોમાં આ વાતો ગરજી-ગરજીને કહી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ મહત્વની નિમણૂકો અને આરટીઆઈ મામલે વલણને એક મોટા યુટર્ન તરીકે જોવામાં આવે છે.. સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદીને તેમની વાતો યાદ કરાવીને સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

મોદીએ પોતાના મોટાભાગના ભાષણોમાં પારદર્શકતા અને જવાબદેહીની ગુલબાંગો પોકારી છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના પ્રદર્શનમાં એવી છાપ ઉપસી રહી છે કે જાણે આ બધું માત્ર ચૂંટણી પ્રચારનો ભાગ હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલાઓ પર સરકાર પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. મુખ્ય માહિતી કમિશનર, સીવીસી અને લોકપાલની નિમણૂક હજી સુધી નહીં થવાના મામલે વડાપ્રધાન મોદી પર પારદર્શકતાના મામલે પલટી મારવાનો આરોપ મૂક્યો છે.

સોનિયા ગાંધીએ માહિતી અધિકારને અસરવિહીન બનાવવાની કોશિશ કરવાનો મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે. આરટીઆઈ હેઠળ હવે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને કેગની સાથે ભાજપ સરકારે પીએમઓ અને કેબિનેટ સચિવાલયને પણ મુક્તિ આપી છે. ત્યારે સામાન્ય જનતા હવે સરકારને સીધો સવાલ પુછી શકતી નહીં હોવાનો આરોપ પણ કોંગ્રેસ તરફથી લગાવાયો છે.

સોનિયા ગાંધીએ આઠ માસથી સીઆઈસીનું પદ ખાલી હોવાનું અને ત્રણ માહિતી કમિશનરોના પદ એક વર્ષથી ખાલી પડયા હોવાનો મુદ્દો ઉઠાવીને 39 હજાર આરટીઆઈ પેન્ડિંગ હોવાનો મામલો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે માહિતી આપવામાં વિલંબ જાણકારી નહીં આપવા બરાબર છે. તેમણે વડાપ્રધાન મોદીને પારદર્શકતા અને સુશાસનના વાયદા યાદ કરાવતા કહ્યુ છે કે ખોટા કામ કરનારાઓને સંરક્ષણ આપવું કોઈપણ સરકારના નૈતિક મૂલ્યોનો ભાગ હોઈ શકે નહીં.

મોદી @ 365 : બ્રાન્ડ ઈન્ડિયાના નામે બ્રાન્ડ મોદીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની રણનીતિ

- આનંદ શુક્લ
અમેરિકાના મેગેઝીન ટાઈમે બે વર્ષ પહેલા તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને મુખપૃષ્ઠ પર- ધ અન્ડરએચીવર ગણાવ્યા હતા. તો ટાઈમ મેગેઝીનના તાજેતરના અંકના મુખપૃષ્ઠ પર –વ્હાઈ મોદી મેટર્સ હેઠળ વડાપ્રધાનને ચમકાવ્યા છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ભારતના કરિશ્માને વિશ્વભરમાં પ્રસ્થાપિત કરવા માટે બ્રાન્ડ ઈન્ડિયા ગણાવી રહ્યા છે.. તે હકીકતમાં બ્રાન્ડ મોદી માટે આંતરરાષ્ટ્રીય મંચો પર સ્થાન ઉભું કરવાની કોશિશ હોવાની માન્યતા પણ પ્રવર્તી રહી છે. બ્રાન્ડ ઈન્ડિયા માટે કરાયેલા કામોના વિશ્લેષણથી બ્રાન્ડ મોદીની હકીકતો પણ સામે આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 365 દિવસમાંથી 48 દિવસ સુધી વિદેશમાં રહ્યા છે. તેમણે 17 દેશોની મુલાકાત લીધી છે. મોદીએ હજારો કિલોમીટરનો ગગનવિહાર કરીને બ્રાન્ડ ઈન્ડિયાને સ્થાપિત કરવા માટે પ્રયાસ કર્યો છે. 26 મે-2014ના રોજ શપથવિધિના 21મા દિવસથી જ તેમણે વિશ્વવિહાર શરૂ કર્યો હતો. 2015માં પણ આ વર્ષે 19 મે-2015 સુઘીમાં તેમણે 15 દિવસ વિદેશ પ્રવાસ કરીને તેમણે 10 દેશોની મુલાકાત લીધી છે. મોદી પોતાની દરેક વિદેશ યાત્રામાં ભારત સંદર્ભે બોલવાનું ચુકતા નથી.

ફ્રાન્સની યાત્રા દરમિયાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ સાથે નૌકાવિહાર કરીને ચર્ચા કરી હતી. તેમની દરેક વિદેશ યાત્રામાં આવી કોઈને કોઈ વિશેષતા હોય છે. મોદીની વિદેશ યાત્રા પાછળ ઈકોનોમિક ડીલ સાથે એનઆરઆઈ અને ભારતીય મૂળના લોકોની સાથે મુલાકાતો અને સભાઓને વડાપ્રધાને સંબોધનો કર્યા છે. અપ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોને ભારત સાથે જોડવાની કોશિશ અને તેમની સાથે વાતચીતથી બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. સાથે વિદેશમાં વસતા ભારતીયોને દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાના પ્રયત્નો સાથે દેશના વડાપ્રધાન તેમને ભૂલ્યા નથી.. તેવો ભાવ પણ પેદા થઈ રહ્યો હોવાની માન્યતા પ્રવર્તી રહી છે.

મહત્વપૂર્ણ છે કે મોદીના મિશન પીએમ માટે વિદેશમાં વસતા ભારતીયોએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં મોટો રસ લીધો હોવાની વાત પણ ભૂલવી જોઈએ નહીં. નરેન્દ્ર મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે કે જેમણે વિદેશમાં વસતા ભારતીયો સાથે સૌથી વધારે સંવાદ કર્યો છે. ત્યારે બની શકે કે એનઆરઆઈમાં બ્રાન્ડ ઈન્ડિયા અને બ્રાન્ડ મોદી એકબીજાના સમાનાર્થી બનીને પ્રસ્થાપિત થાય.


દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિને પહોંચાડી છે. તેના માટે ભગવદ ગીતા.. મહાત્મા ગાંધી... ભગવાન બુદ્ધ... ભારતનું ચિંતન.. પર્યાવરણ અને શાંતિના સંદર્ભમાં કરતા રહ્યા છે.

નરેન્દ્ર મોદી 2002થી તેમની બની ચુકેલી એક કથિત છબી સામે યુદ્ધ ખેલતા રહ્યા છે. આ જંગમાં જીત મેળવીને તેઓ વડાપ્રધાન બનવામાં સફળ થયા છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી કેટલીક આશંકાઓને દૂર કરવા માટે મોદીએ એક અલગ પ્રકારની રણનીતિ સાથે પોતાને એક વિકાસવાદી.. શાંતિપ્રિય.. કુશળ પ્રશાસક તરીકે પ્રસ્થાપિત કરીને વૈશ્વિક નેતાઓની કક્ષામાં લાવવા માટે પ્રયત્ન પણ કરી રહ્યા છે. ચોક્કસપણે ભારતના વડાપ્રધાન હોવાના નાતે આમ કરવું માત્ર મોદી માટે જ નહીં પણ ભારતના હિતોના સંરક્ષણ માટે પણ જરૂરી છે.

નરેન્દ્ર મોદીએ ભારતને સોફ્ટ પાવર તરીકે રજૂ કરવા માટે દેશની શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે ભગવાન બુદ્ધની મોટાભાગના વિદેશ પ્રવાસોમાં વાત કરી છે. તેમણે નેપાળ- ભૂટાન- જાપાન- શ્રીલંકા સહીતના દેશોમાં શાંતિ અને સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ ભારત સાથે જોડાણના ઈરાદે ભગવાન બુદ્ધને યાદ કર્યા છે.

ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમ સંદર્ભે એનપીટી પર હસ્તાક્ષર નહીં કરવાને કારણે યુરેનિયમનો પુરવઠો મેળવવામાં કેટલીક અડચણો હતી. પરંતુ આવા સંજોગોમાં અમેરિકા.. કેનેડા.. ઓસ્ટ્રેલિયા.. ફ્રાન્સ.. જાપાન.. જેવા દેશોમાં તેમણે મહાત્મા ગાંધીની અહિંસક લડતને અવાર-નવાર યાદ કરાવી છે. અમેરિકા.. ઓસ્ટ્રેલિયા.. ફ્રાન્સ.. જેવી વિદેશ યાત્રામાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતીમાની મુલાકાત લઈને માલ્યાર્પણ પણ કર્યું છે. આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની આતંકી માનસિકતાને હાસિયામાં ધકેલીને અમેરિકા અને પશ્ચિમના દેશો સાથે આતંક સામેના જંગમાં ભારતનો અભિપ્રાય રજૂ કરવા માટે પણ મહાત્મા ગાંધીના કેટલાંક સંદર્ભો અવશ્યપણે પરોક્ષપણે ટાંકીને ભારતની શાંતિપ્રિયતાનો મુદ્દો રજૂ કર્યો છે. જેના કારણે આતંકના આકાઓ દ્વારા જમ્મુ-કાશ્મીર મામલે ખેલાતા ખૂની ખેલને ખુલ્લો પાડી શકાય.

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વૈશ્વિક નેતાઓને શ્રીમદ ભગવદ ગીતા ભેંટ આપી છે. શ્રીમદ ભગવદ ગીતા હિંદુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. મહાભારતના યુદ્ધ વખતે અન્યાયને પરાજિત કરવા ન્યાયની લડાઈ લડવા અર્જુનને આપવામાં આવેલો ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ શ્રીમદ ભગવદ ગીતામાં છે. નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ગાંધીજી દ્વારા લિખિત શ્રીમદ ભગવદ ગીતાની પ્રતિ ભેંટ કરી હતી. તો જાપાનના વડાપ્રધાન શિંજો આબેને પણ તેમણે ગીતા ભેંટ કરી હતી. જાપાનમાં નરેન્દ્ર મોદીએ ગીતા ભેંટ કરવાના મામલે ઘરઆંગણે થઈ રહેલી સેક્યુલારિઝમના નામે ટીકાઓને જવાબ પણ આપ્યો હતો. જેના ગૂઢાર્થો ઘરઆંગણાની રાજનીતિ અને વિદેશ માટે પણ ઘણાં મહત્વના છે.

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના મુદ્દા ઉઠાવતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય તત્વચિંતનને વૈશ્વિક મંચો પર મૂક્યું છે. યુનો હોય.. જાપાન હોય.. અમેરિકા હોય.. ઓસ્ટ્રેલિયા હોય.. કે અન્ય કોઈ દેશ જ્યાં પણ સંદર્ભો હતા... ત્યાં તેમણે ભારતની પર્યાવરણપ્રેમી ભારતીય તત્વચિંતનને વિશ્વ સામે મૂક્યું... પછી તે ગાયનું દૂધ પીવાય..ગાયને કપાય નહીં તેવું જાપાનમાં કરેલું નિવેદન હોય કે પર્યાવરણની જાળવણી માટે ભારતીયોની જીવનપદ્ધતિ સાથે સંકળાયેલા મુદ્દા હોય.

ભારતને શાંતિપ્રિય.. પર્યાવરણ મિત્ર.. ન્યાયપ્રિય દર્શાવવા સાથે પોતે પણ આ મૂલ્યોમાં માનતા હોવાનું તેમણે વૈશ્વિક મંચો પર દર્શાવ્યું છે. જેનો સીધો અર્થ છે કે ભારત વિશ્વમાં એક મોટી ભૂમિકામાં આવે... તો તેના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પણ વૈશ્વિક નેતાની ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે.. આવા સમયે પ્રગતિશીલ અને શાંતિપ્રિયતા માટેની પ્રતિબદ્ધતા આંતરરાષ્ટ્રીય મંચો પર રજૂ કરવી પણ ખૂબ જરૂરી છે. તેમણે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય બનાવવા માટેની બાબતોની રજૂઆત પણ વિદેશમાં વસતા ભારતીયોની સભામાં કરી છે.

યુનો દ્વારા વિશ્વ યોગ દિવસની જાહેરાત કરવામાં આવી છે.. તેના માટે યોગની વૈશ્વિક મંચ પર પીએમ મોદીની રજૂઆતની સીધી અસર છે.

27 સપ્ટેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે યુનોની અંદર વાજપેયીની પરંપરાને આગળ વધારતા હિંદીમાં સંબોધન કર્યું હતુ. આ ભાષણમાં તેમણે આખરી તબક્કામાં વિશ્વમાં લોકોના આરોગ્યનો મુદ્દો ઉઠાવીને યોગની જરૂરિયાત હોવાની વાત આગ્રહપૂર્વક આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોગ સંદર્ભેની વાતની ઘણી મોટી અસર ઉભી થઈ હતી. મોદીની યોગ માટેની જરૂરિયાતનું 170થી વધારે દેશોએ સમર્થન કર્યું છે. તો 11 ડિસેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની ઘોષણા પણ કરી છે. ભારતીય યોગને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવા માટે બનેલી વૈશ્વિક સમજૂતી ભારતીય સંસ્કૃતિ અથવા તો બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક પટલ પર મજબૂતી મળવા જેવું છે. સાથે વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત સ્વીકારવામાં આવી રહી છે તેના પણ સંકેત મળી રહ્યા છે.

ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતની આઈટી ક્ષેત્રની કાબેલિયતનો દેશ માટે પુરો ઉપયોગ કરવાની મોદીની મનસા છે. પરંતુ તેની સાથે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વૈશ્વિક પટલ પર ભારતની સારી છાપ ઉપસાવીને દેશના સક્ષમ આઈટી પ્રોફેશનલ્સની શાખને આધારે ઉભી કરવા ઈચ્છ છે.

2011ના વસ્તીગણતરીના આંકડા પ્રમાણે ભારતમાં લગભગ 75 ટકા લોકો જ સાક્ષર છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવા કૃતસંકલ્પ દેખાઈ રહ્યા છે.

મોદીએ પોતાની જાપાન યાત્રામાં કહ્યુ હતુ કે કેટલાંક લોકો વચ્ચે ભારતની છબી સાપ સાથે ખેલતા મદારીઓના દેશની છે. મોદીએ કહ્યુ કે પહેલા સાંપથી રમતા હતા અને હવે માઉસથી રમીએ છીએ. તેમણે કહ્યુ કે જ્યારે ભારતીયો માઉસ ચલાવે છે.. ત્યારે દુનિયા ચાલે છે.

કેનેડાના પ્રવાસ દરમિયાન તેમણે દુનિયાભરમાં પોતાની આવડતનો ડંકો વગાડનારા આઈટી પ્રોફેશનલ્સના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ગુગલ.. માઈક્રોસોફ્ટ જેવી ડિજિટલ ક્ષેત્રમાં નિર્માણ થયા છે.. પરંતુ ભારતીયોની આઈટી ક્ષેત્રમાં મોટી આવડત છતાં દેશમાં આવી કોઈ વસ્તુ વિકસિત કરી શકાઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરેલો મુદ્દો બિલકુલ અર્થપૂર્ણ છે. મોદી એક તરફ દેશને ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામથી આખા દેશને ઈન્ટરનેટથી જોડવા તૈયાર છે. પરંતુ દેશની લચ્ચડ માળખાગત સુવિધાઓને કારણે આ સપનું શહેરો સુધી જ મર્યાદીત રહે તેવી શક્યતા વધારે છે. માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામને દેશના ગામેગામ પહોંચાડવો હશે તો પહેલા માળખાગત સુવિધાઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવું પડશે.

ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ક્રાંતિની મનસા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટની વાત તેમના મોટાભાગના ભાષણોમાં કરતા રહે છે. પરંતુ મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ પર વિપક્ષે કટાક્ષ અને ખુદ રિજર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને કેટલાંક સૂચનો કર્યા છે.

મેક ઈન ઈન્ડિયા દ્વારા મોદીને ભારતના મૈન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને નિકાસ વધારવી છે. નિકાસ વિદેશી હૂંડિયામણ માટે ખૂબ મહત્વની હોય છે. ભારતમાંથી કાચોમાલ બહાર જાય છે અને તેને મેન્યુફેચર્ડ થયા બાદ આયાત કરવો પડે છે. આવી સ્થિતિમાં ભારતના અર્થતંત્રને ગગડતા રૂપિયા સાથે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારત સૌથી વધારે ડિફેન્સ સેક્ટરમાં આયાત કરે છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ ડિફેન્સ સેક્ટર સહીતના ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ મામલે ભારતને પગભર બનાવવાની મોદીની ઈચ્છા છે. જેનાથી ભારત વ્યૂહાત્મક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની સૈન્ય ક્ષમતા નોંધપાત્ર ખર્ચ ઘટાડીને હાસલ કરી શકશે. પરંતુ મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતને વિશ્વની ફેક્ટરી બનાવવાની મનસા ઘણો મોટો સમય માંગી લે તેમ છે.

પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પગભર થયેલું ભારત નિકાસ વધારી શકશે.. આવા સંજોગોમાં ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશોમાં ફેલાશે અને તેના કારણે બ્રાન્ડ ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં.. મેક ઈન ઈન્ડિયા દેશમાં નોકરીઓની અપાર સંભાવના પેદા કરી શકે છે.. તેનાથી બેરોજગારી ઘટવાની અને લોકોના જીવનસ્તરમાં વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

પરંતુ ભારતમાં સ્કિલ્ડ લેબરની અછત.. માળખાગત સુવિધાની ઉણપ.. વેપાર સ્થાપવા માટેની કાયદાકીય અડચણો.. સહીતના ઘણાં મુદ્દા મેક ઈન ઈન્ડિયા માટે પડકારજનક છે. તો વૈશ્વિક બજારોમાં ચીનના સસ્તા માલસામાન અને પશ્ચિમ તથા અમેરિકા-જાપાનના ગુણવત્તાસભર ઉત્પાદનો સામે ભારતના ઉત્પાદનોને પ્રતિસ્પર્ધાનો સામનો પણ કરવાનો છે.

બીજી તરફ મેક ઈન ઈન્ડિયા મામલે વિપક્ષે ખૂબ આકરા વાર કર્યા છે. ખેડૂતોના આપઘાતનો મામલો અને ખેતીની થઈ રહેલી ઉપેક્ષાના મુદ્દો ઉઠાવીને વિપક્ષે મોદી સરકાર પર આકરો હુમલો કર્યો છે. 56 દિવસની રજાઓ ગાળીને પાછા ફરેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ખેડૂતો- મજૂરો- ગરીબો મેક ઈન ઈન્ડિયા નથી કરતા શું..

તો બીજી તરફ રિજર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને મોદીને મેક ઈન ઈન્ડિયા પર સૂચન કર્યુ હતુ કે આ પ્રોગ્રામ ચીનની નિકાસ કેન્દ્રીત વૃદ્ધિની નીતિની નકલ છે. રાજને કહ્યુ હતુ કે આ સ્કીમ મેક ફોર ઈન્ડિયા હેઠળ ઘરેલુ બજાર માટે ઉત્પાદનો બનાવવા પર કેન્દ્રીત હોવી જોઈએ.

ભૂકંપ બાદ નેપાળમાં રાહત-બચાવ કાર્ય અને યમનમાંથી ભારતીયોની વાપસી કરાવવાના અભિયાનમાં 40 દેશોના કેટલાંક નાગરિકોને સુરક્ષિત કાઢવાની મોદી સરકારની કામગીરીના ખૂબ વખાણ થયા છે. સાર્ક દેશોના નેતાઓને શપથવિધિમાં આમંત્રણ અને ઓબામાને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી માટે રાજી કરવાથી પણ બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત થતી હોવાની એક માન્યતા પ્રવર્તી રહી છે.

નેપાળમાં તાજેતરમાં આવેલા ખતરનાક ભૂકંપમાં સાત હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. પાડોશી દેશ તરીકે મુશ્કેલીમાં મુકાયેલા નેપાળને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન મૂકીને મદદ કરવાના પગલા ઉઠાવ્યા છે. ભારતીય સેના અને તબીબોની ટીમો તાત્કાલિક નેપાળમાં રાહત અને બચાવ કામગીરીમાં મોકલી દીધી હતી. નેપાળના વડાપ્રધાન સુશીલકુમાર કોઈરાલાએ પાડોશી દેશ તરીકેની ભારતની ભૂમિકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ભારતના રાહત અને બચાવ કાર્યના અભિયાનની અમેરિકા સહીતના દેશોએ પ્રશંસા કરી છે.

યમનમાં હૂતી વિદ્રોહીઓ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહ કેટલાંક દિવસ ત્યાં રોકાયા હતા. પાકિસ્તાન સહીતના અન્ય દેશોના લોકોને પણ ભારતે મદદ કરી હતી. જેની ઘણાં દેશોએ પ્રશંસા કરી છે.

ભારતને પ્રાદેશિક સ્તરે આગેવાન તરીકે સ્થાપિત કરવાના ઈરાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક દેશો સાથે સતત સારા સંબંધો માટે કોશિશો કરી રહ્યા છે. મોદીએ શપથવિધિમાં સાર્ક દેશોના શીર્ષસ્થ નેતાઓને આમંત્ર્યા હતા. આવું પહેલા ક્યારેય કોઈપણ વડાપ્રધાનના કાર્યકાળમાં બન્યું નથી. તો મંગળયાનના લોન્ચિંગ વખતે કરેલા સંબોધનમાં સાર્ક દેશો માટે સેટેલાઈટ બનાવવાની વાત પણ મોદી કરી ચુક્યા છે. સાર્ક દેશોમાં સહકાર ઉભો કરવાની વડાપ્રધાન મોદીની આ રણનીતિને ભારતની સારી છબીને વૈશ્વિક મંચ પર રજૂ કરવા માટે એક સારું પગલું માનવામાં આવે છે.

26 જાન્યુઆરી-2015ના રોજ પ્રજાસત્તાક દિવસના સમારંભમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સાથે મળીને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. રેડિયો પર મન કી બાત કરી.. તો 2005માં વીઝા વિવાદ બાદ ઓબામાના આમંત્રણ બાદ મોદીએ સપ્ટેમ્બર-2014માં કરેલી અમેરિકા યાત્રામાં ઓબામા સાથે બે વખત મુલાકાત કરી હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે સારી કેમેસ્ટ્રી ઉભી થવાના સંકેતો મળ્યા હતા. ઓબામા અને મોદીએ અમેરિકી અખબારમાં સંયુક્ત તંત્રીલેખ પણ લખ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મ્યામાર ખાતેના આસિયાન સંમેલનમાં મોદીને મેન ઓફ એક્શન કહીને પ્રશંસા પણ કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ઘનિષ્ઠતાઓ વધી રહી છે.

ઓબામા પોતાના એક કાર્યકાળમાં ભારત આવનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ છે. જો કે તેમણે ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે ઉપદેશો આપીને મોદી સરકાર માટે કેટલીક વિમાસણભરી પરિસ્થિતિ ઉભી કરી છે. પરંતુ દિલ્હી ખાતેની સંયુક્ત પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને બરાક કહીને સંબોધિત કર્યા અને ટેલિફોન પર બંને નેતાઓ વચ્ચે વાતચીત થતી રહેતી હોવાનો ખુલાસો ખુદ વડાપ્રધાન મોદીએ કર્યો હતો. જેના કારણે ઓબામા સાથેની તેમની કેમેસ્ટ્રીના સારા સંકેત મળી રહ્યા છે. આ તમામ બાબતો સંકેત કરી રહી છે કે બ્રાન્ડ ઈન્ડિયાને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને તેની પાછળ વૈશ્વિક સ્તરે બ્રાન્ડ મોદી પણ પ્રસ્થાપિત થઈ રહી છે.

સ્વચ્છતા અભિયાન અને શૌચાલય બનાવવાના કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયા છે. જેના કારણે તેમની ટૂરિજમને પ્રોત્સાહન આપવાની નીતિને વધુ ઈંજન મળશે તેવા દાવા કરાય છે.. સાથે ભારતના લોકોને સારું આરોગ્ય પણ મળી શકશે અને ભારતની વિશ્વમાં છબી પણ ઘણી સારી રીતે ઉભરશે. પરંતુ સ્વચ્છતા અભિયાન માત્ર વડાપ્રધાનની નજરે ચઢવા માટેનું માધ્યમ ગણવામાં આવે તો તે આડંબરથી વધારે કંઈ થવાનું નથી.

15મી ઓગસ્ટે લાલકિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ગંદકી ભગાડીને સ્વચ્છતા અભિયાન માટે સંકલ્પબદ્ધતા દેશ સામે મૂકી હતી. 2 ઓક્ટોબરે ગાંધીજયંતીના અવસરે સ્વચ્છતા અભિયાનની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુંથી સફાઈ કરીને શરૂઆત કરી હતી. મોદીના સ્વચ્છતા અભિયાનમાં સચિન તેન્ડૂલકરથી માંડીને ઘણી મોટી સેલિબ્રિટિએ ભાગ લીધો છે. સરકારના પ્રધાનો.. ભાજપના નેતાઓ.. વિપક્ષના કેટલાંક નેતાઓએ પણ વડાપ્રધાનનના સ્વચ્છતા અભિયાનને આવકાર્યું અને તેમાં ભાગ પણ લીધો છે.

ગંદગીને હટાવીને સ્વચ્છ ભારત બનાવવાનો એક ફાયદો વિશ્વના પર્યટકોને ભારતમાં આકર્ષિત કરવામાં સફળતા મળવાની સંભાવના તરીકે જોવાઈ રહ્યો છે. ભારતમાં ગંદગી જોઈને પર્યટકો તેની ચર્ચા કરતા હોય છે. ત્યારે તેનાથી ભારતની છબી વૈશ્વિક સ્તરે પણ ખરડાતી હોય છે. આવા સંજોગોમાં સ્વચ્છતા અભિયાનથી બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત બનીને ભારતની વિદેશોમાં સારી છબી રજૂ કરી શકાય તેમ છે. જો કે મોદીના સ્વચ્છતા અભિયાન વખતે ઘણાં સવાલો પણ ઉભા થયા હતા. જ્યારે મીડિયામાં સફાઈના નામે પહેલા સૂકા પાંદડા બિછાવીને દિલ્હી ભાજપના કેટલાંક નેતાઓએ સ્વચ્છતા અભિયાનનો દેખાડો કર્યો હતો.

ગંગાનું શુદ્ધિકરણ અને ઘાટોની સફાઈનો પણ વડાપ્રધાનનો વાયદો છે. પરંતુ સ્વચ્છતા અભિયાનને કેટલી સફળતા મળી છે... તે અભ્યાસનો વિષય છે. જો કે સારી વાત એ છે કે સ્વચ્છતાનો મામલો લોકો માટે ચર્ચાનો મુદ્દો તો બની ચુક્યો છે. બીજો મામલો ખુલ્લામાં શૌચ કરવાના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ હોવાનો છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી શૌચાલય દરેક ઘરમાં બનાવવાની વાત કરી છે.. તો મહિલાઓના સમ્માન સાથે શૌચાલયની જરૂરિયાતને જોડીને તેમણે વિદેશોમાં પણ કહ્યુ કે તેમને દરેક શાળામાં કન્યાઓ માટે શૌચાલય બનાવવાનું કામ હાથ પર લેવામાં કોઈ સંકોચ નથી.

સ્વચ્છતા અભિયાનમાં કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા એક નિવેદને વિપક્ષને ભડકાવ્યું છે. મોદીએ કહ્યુ હતું કે 60 વર્ષ ગંદકી કરનારા ગંદકી કરીને ચાલ્યા ગયા.. હવે તેઓ સફાઈ કરી રહ્યા છે.

હાલ સ્વચ્છતા અભિયાનને કેટલી સફળતા મળી છે.. તેના ક્યાસો અને દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે. સ્વચ્છતા અને શૌચાલય નિર્માણના અભિયાનો ખરેખર લોકોના આરોગ્ય સાથે સંકળાયેલા અને દેશની છબીને વિશ્વ સામે સારી બનાવનારા છે. પરંતુ તેનો ઉપયોગ માત્ર રાજકીય સરસાઈ મેળવવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજરોમાં વસી જવા માટે કરવો આડંબરથી વિશેષ કશું નથી. સ્વચ્છતા અભિયાન જન-જનનું અભિયાન બનવું જોઈએ... તે જીવનશૈલીનો ભાગ બનાવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે માત્ર ભાષણબાજી અને વાયદાબાજી કરનાર રાજનેતાની એક નકારાત્મક છબી પણ વિપક્ષો દ્વારા ઉપસાવાની કોશિશ થઈ રહી છે. ચૂંટણી વખતે કરેલા વાયદા પુરા નહીં થયા હોવાન મુદ્દો ઉછાળીને મોદીના બેવડા ધોરણો અને આડંબરો કરતા હોવાના મામલે પણ ચણભણાટ સપાટી પર આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ 700 જેટલી સભાઓ અને રેલીઓ ગજવીને વાયદા પર વાયદાઓ કરીને ભારતની જનતાના મબલખ વોટ મેળવ્યા છે. ત્રીસ વર્ષમાં પહેલી વખત પૂર્ણ બહુમતીવાળી સિંગલ પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી છે. પરંતુ એક વર્ષના અંતે મોદીના ભાષણો અને વિદેશ યાત્રાઓથી જ્યાં એક તરફ દેશને ફાયદો થયો છે.. તો બીજી તરફ તેના કારણે ખુદ વડાપ્રધાન મોદીની એક નકારાત્મક છબી પણ ઉપસી રહી છે. કોમોડિટી ટ્રેડિંગ ગુરુ અને હેજ ફંડ મેનેજર જિમ રોજર્સે કહ્યુ છે કે મોદી માત્ર બોલે છે.. કંઈ કરતા નથી. આમ જોવામાં આવે તો જિમ રોજર્સની મોદી માટેની ટીપ્પણી બ્રાન્ડ ઈન્ડિયા એટલે કે બ્રાન્ડ મોદી માટે એક આંચકો છે.

જિમ રોજર્સના કહેવા પ્રમાણે... મોદી સરકાર સત્તામાં આવી છે.. ત્યારથી તેમણે માત્ર વાતોના વડા કર્યા છે અને તેણે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે કોઈ નક્કર પગલા ઉઠાવ્યા નથી. તેમણે ભાજપ સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક આક્રમણ કર્યું છે કે આ બંને રાજકીય પક્ષો પહેલા પણ ભારત માટે સારા ન હતા અને ક્યારેય સારા થઈ શકે તેમ પણ નથી.

જો કે તેની સાથે ઘણી વૈશ્વિક સંસ્થાઓ ભારતમાં નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા આર્થિક સુધારાના વખાણ કરી રહ્યા છે.. તેનાથી ભારતનો વિકાસ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવા અનુમાનો પણ કરી રહ્યા છે. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મોદીની પ્રશંસા કરતો એક અભિપ્રાય ટાઈમ મેગેઝીનમાં આપ્યો છે.

મોટી લોકચાહના સાથે મોદીનું કરિશ્માઈ વ્યક્તિત્વ ભાજપની જીત માટેની મોટું કારણ છે. વિદેશમાં વસતા ભારતીયો માટે નરેન્દ્ર મોદી માટેની ચાહના હજી પણ મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. પણ ઘણાં મામલે મોદીના બેવડા ધોરણો અને આડંબરોથી તેમના ચાહકો પણ વિચલિત થઈ રહ્યા છે. એક નેતા અને વ્યક્તિ તરીકે મોદી સામે કોઈને કોઈ પ્રકારનો વાંધો નથી. પરંતુ ચોક્કસ પણે તેમના આડંબરો અને એક્શન વગરની ભાષણબાજીથી લોકોનો હવે મોહભંગ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદી માટે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત બનાવવા માટે નક્કર પરિણામોનો અહેસાસ પણ પોતાના ચાહકોને ઝડપથી કરાવવો પડશે.

365 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 વિદેશ યાત્રાઓ અને કુલ 48 દિવસ દેશની બહાર રહેવાના મુદ્દાને વિપક્ષે ખૂબ વ્યંગાત્મક લહેજાથી ઉઠાવ્યો છે. સંસદથી માંડીને સડક સુધી મોદીના ઝંઝાવાતી ગગનવિહાર અને વિશ્વવિહારને કારણે એક નકારાત્મક છબી ઉપસી રહી છે.

ગ્લોબલ વિલેજ બની ચુકેલી દુનિયામાં રાષ્ટ્રહિતમાં દેશની વ્યૂહાત્મક અને આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે અન્ય દેશો સાથેના સંબંધો ખૂબ મહત્વના હોય છે. તેના માટે વિદેશ નીતિ અને વડાપ્રધાનના વિદેશ પ્રવાસનું મહત્વન વધી જાય છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ વિદેશ નીતિમાં વાઈબ્રન્સી લાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ છે.. પણ વિદેશ નીતિનું ડ્રાઈવિંગ ખુદ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વિદેશ નીતિના સારા પરિણામો પણ દેખાઈ રહ્યા છે.

પરંતુ મોદીના વિદેશ પ્રવાસો વિપક્ષના નિશાને સંસદમાં રહ્યા છે... તો સામાન્ય માણસ પણ સમજી શકતો નથી કે આટલા મોટા પ્રમાણમાં વિદેશ પ્રવાસો કરવાની વડાપ્રધાન મોદીને જરૂર શું છે... તાજેતરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી હાલ ભારતના પ્રવાસે છે અને તેઓ પંજાબમાં જઈને ખેડૂતોના હાલચાલ પણ જાણે.. સંસદમાં મોદીના વિદેશ પ્રવાસનો મામલો મોટા વિવાદનું કારણ બન્યો છે. સંસદના મોદીજીને વીઝા મળી ગયા હોવા સુધીની ટીપ્પણી કરીને વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પર આકરા વ્યંગબાણ છોડવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ખર્ચાની વિગતો માંગવામાં આવી છે. કરોડોના ખર્ચાના અંદાજ લગાવવામાં આવે છે. તો વિદેશ યાત્રાની ફળશ્રુતિ પર પણ કેટલીક આશંકાઓ અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આવા સંજોગોમાં વાસ્તવિક સ્થિતિ નહીં પહોંચવાથી દેશના એક મોટા વર્ગના મનમાં મોદીની છબી એક વિશ્વવિહારી વડાપ્રધાન તરીકેની જ ઉપસી રહી છે. ત્યારે એક તરફ મોદી વિદેશોમાં ભલે બ્રાન્ડ ઈન્ડિયાને મજબૂત કરી રહ્યા હોય પણ દેશના એક મોટા વર્ગ પર તેની નકારાત્મક અસર દેખાઈ રહી છે. વિપક્ષના હાથમાં મોદી સામે મોરચો માંડવા માટે એક મોટો મુદ્દો પણ હાથ લાગ્યો છે. તેથી મોદીએ બ્રાન્ડ ઈન્ડિયાને ઝાંખપ લાગે નહીં તેના માટે કેટલાંક અસરકારક પગલા ભરવાની અને વિપક્ષ તથા લોકોની આશંકાઓ દૂર કરવાની પણ જરૂર છે.

દર વર્ષે 1.20 કરોડ નોકરીઓ પેદા કરવા ભારતને રોજગારલક્ષી આર્થિક નીતિ જરૂરી

- આનંદ શુક્લ
મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વકાંક્ષા ધરાવે છે. તેના સંદર્ભે કરતા દાવામાં દર વર્ષે 1 કરોડ 20 લાખ લોકોને રોજગાર પુરા પાડવાની વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ 1991-92થી ઉદારવાદના વાવાઝોડામાં ભારતની આજ સુધીની સરકારો રોજગાર આપી શકે તેવી આર્થિક નીતિનું નિર્ધારણ કરી શકી નથી. ત્યારે મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા અને એક કરોડથી વધારે લોકોને દર વર્ષે રોજગારી આપવાની વાત કરે છે.. ત્યારે આર્થિક નીતિમાં પાયગત ફેરફારો વગર આ વાતો હથેળીમાં ચાંદ જોવા બરાબર જ ભાસી રહી છે.

8મી એપ્રિલે યોજના પંચને વિખેરી નાખીને નીતિ પંચને અમલી બનાવવામાં આવ્યું છે. નીતિ પંચના અધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ ઉદ્યોગગૃહની સીસીઆઈઆઈની વાર્ષિક સભામાં જણાવ્યું હતું કે વધુ મજૂરોને રોજગારી આપે તેવા ઉદ્યોગોમાં ઔદ્યોગિક ગૃહો તરફથી રોકાણ શા માટે કરાતું નથી? પનાગરિયાના સંબોધન પ્રમાણે.. દર વર્ષે ભારતની વસ્તીમાં એક કરોડ 20 લાખ લોકો રોજગારીને લાયક બને છે અને તેમને રોજગારી પુરી પાડવાની જરૂરી છે. તેમણે ભારતના ઔદ્યોગિક ગૃહોને ફૂડ પ્રોસેસિંગ.. ઈલેક્ટ્રોનિક એસેમ્બલી અને ચર્મ ઉદ્યોગમાં મોટું રોકાણ કરવા માટે સુચવ્યું છે.

પરંતુ મોદી સરકારના મેક ઈન ઈન્ડિયાના લક્ષ્ય અને નીતિ પંચના પહેલા અધ્યક્ષ અરવિંદ પનાગરિયાની વાતમાં વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિચાર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે ભારતીય તેમજ વિદેશી મૂડીરોકાણમાં મોટો વધારો કરવાનું છે. આખા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની મોદીની મનસા ઘેલછાની હદે ઉછળી રહી છે. જો કે આમા ઔદ્યોગિક વિકાસનો વિરોધ કરવાની કોઈ લાગણી નથી. માત્ર વાત એટલી જ છે કે ઔદ્યોગિક વિકાસમાં કેટલાંક દેશી-વિદેશી ઉદ્યોગગૃહોનો જ વિકાસ નહીં.. પણ લોકોને પણ તેના ફળ ચાખવા મળે.. ભારતની વસ્તીના 65 ટકા લોકો યુવાવર્ગના છે. ત્યારે તેમને સતત રોજગારી મળી રહે તેની તાતી જરૂરિયાત છે. પરંતુ માત્ર દેશીવિદેશી મૂડીરોકાણોના વધવાથી જ દેશમાં રોજગારી વધી જશે.. તેવી કોઈ શક્યતા ચોક્કસ નીતિ વગર હકીકત બનવાની નથી.

છેલ્લા 10 વર્ષના વિકાસની હકીકતો જોતા દર વર્ષે એક કરોડ 20 લાખ નોકરીઓ પેદા કરવાની વાત અત્યંત અઘરી લાગી રહી છે. 1999થી 2009-10 વચ્ચેના સમયગાળામાં જાહેર અને ખાનગી ક્ષેત્રોએ સાથે મળીને રોજગારી વર્ષે માત્ર એક ટકાના દરે વધી શકી છે. 2011માં ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ 5.6 ટકાના દરે વધી હતી. બીજી તરફ ખેતીનો જીડીપીમાં હિસ્સો ઘટીના માત્ર 14 ટકા થઈ ગયો છે. પરંતુ ભારતના અર્થતંત્રમાં રોજગારી પેટે ખેતી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો દ્વારા ભારતની 58 ટકા રોજગારી આપી રહી છે.

1991-92થી ઉદારીકરણના યુગની શરૂઆતથી જ દેશના લગભગ પોણા ભાગની રોજગારી આપતા ખેતીના ક્ષેત્રની ઘોર અવગણના કરાઈ છે. જેના કારણે છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં અંદાજે સાડા ત્રણ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા છે. તાજેતરમાં કમોસમી વરસાદમાં બરબાદ થયેલા પાકને કારણે ફરીથી ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠયો છે. તો તેમાં જમીન સંપાદન બિલ સંદર્ભેની આશંકાઓ વચ્ચે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે. ત્યારે ખેતી પર ગમે તેવી રીતે નભતા 58 ટકા લોકોને તેના પ્રત્યે ઉપેક્ષિત વલણ સરકાર ઉદ્યોગ તરફી હોવાનું લાગવું સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ હોય તેવું પણ પ્રતિપાદીત લાગે છે.

હાલ ખેતીમાં મનરેગા કે ટૂંકી રોજગારી પર નભતી ભારતની જનતાને ગામડું છોડીને વધતી મોંઘવારી વચ્ચે શહેરોમાં હિજરત કરવાની ફરજ પડે છે. આજે ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શહેરોનો હિસ્સો છે. અહીં ગરીબો ગંદી વસ્તી અને ફૂટપાથ પર દિવસો કાઢી રહ્યા છે. તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. હવે પાછું ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ શાસકોને ખંટાઈ રહી છે. મોદી સરકાર હવે 500 સ્માર્ટ સિટી બનાવવાના લક્ષ્ય પર આગળ વધવા માંગે છે. 100 સ્માર્ટ સિટીની યોજનાને કેબિનેટની મંજૂરી પણ મળી ચુકી છે.

પરંતુ સવાલ એ છે કે આવી સ્માર્ટ સિટીમાં ભારતના ગરીબોને કેવી રીતે વસાવવામાં આવશે? બાકી શહેરમાં પલાયન નહીં કરનારા શ્રમજીવીને ઓછામાં ઓછું સ્વચ્છ હવા તો મળે છે... બાકી માની લેવામાં આવે કે વધુ રોજગારી તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રથી મળશે અને તેના કારણે ગામડામાં જમીન પરનું ભારણ ઓછું કરવા જમીન સંપાદન સરળ બનાવવું જોઈએ.. પરંતુ મેક ઈન ઈન્ડિયામાં કમ સે કમ ખેડૂતના સંતાનને પટાવાળા.. કલાર્ક અને ચોકીદારની નોકરી મળશે તેવી ગણતરી રાખવામાં આવે તો પણ ઔદ્યોગિક ઉત્પાદન નોકરીઓ ઉભી કરવાનું લક્ષ્યાંક પાર પાડશે તેવું શેના આધારે માની શકાય?

અત્યારે મેન્યુફકચરિંગક્ષેત્રનો જીડીપીનો હિસ્સા માત્ર 16 ટકા છે. 2014ના જૂન ત્રિમાસિક પરિણામો પ્રમાણે ભારતના 50 શહેરોમાંના 4500 ઉદ્યોગગૃહોએ 16 લાખ 64 હજાર 670 રોજગારી ઊભી કરી હતી. તે સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામોમાં ઘટીને 1 લાખ 31 હજાર 983 થઈ હતી. ટૂંકમાં,ઔદ્યોગિક ઉત્પાદનની હાલત સફળ થશે એવું કયા આધારે માનવું? લાંબા ગાળાની વાત કરીએ તો, છેલ્લા 10 વરસમાં ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રનો સરેરાશ ઉત્પાદન વૃદ્ઘિદર માત્ર 6થી 8 ટકા રહ્યો છે. આને 10 વર્ષમાં ત્રણ ગણો કરવો કોઈ સરળ બાબત નથી.

1991ની નવી આર્થિક નીતિના અમલ બાદ ઔદ્યોગિક ક્ષેત્રે 70 ટકાથી વધુ મૂડીરોકાણ થયું છે. પરંતુ તેનાથી ધાર્યા લક્ષ્યાંકો પાર પાડી શકાયા નથી. જો કે આ આર્થિક નીતિઓએ ખેતી ક્ષેત્રની હાલત બગાડવામાં સફળ રહી છે. તેનો સીધો ફાયદો ડબલ્યૂટીઓમાં સામેલ દેશોને થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ભારતની આર્થિક નીતિઓ શું માત્ર દેશના જ નીતિનિર્ધારકોના હાથમાં છે કે તેમના પર ઝાકમઝોળ ધરાવતા વિકસિત દેશોના વિકાસથી સરકારો અસરગ્રસ્ત હોવાથી ખેતી વિરોધી વલણ અખત્યાર કરે છે?

એક તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશી-વિદેશી રોકાણ વધારવાની વાતો થઈ રહી છે. વડાપ્રધાન મોદી ઝંઝાવાતી ગગનવિહાર દ્વારા વિશ્વવિહાર કરી રહ્યા છે. પરંતુ એફઆઈઆઈમાંથી વિદેશી રોકાણકારો પોતાના ફંડો પાછા ખેંચી રહ્યા હોવાથી 7 મે-2015ના રોજ રૂપિયો છેલ્લા વીસ માસની સૌથી નીચલી સપાટી સુધી ગગડયો હતો. ત્યારે એક ડોલરનો ભાવ 64 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
તાજેતરમાં ભારત સરકારના ઉદ્યોગ વિભાગે પાછલા 23 વર્ષમાં થયેલા મૂડી રોકાણ અને એના કારણે થયેલા રોજગારીના વધારાની રાજ્યવાર વિગતો આંકડા સાથે બહાર પાડી હતી. તેના પ્રમાણે ગુજરાતમાં એક કરોડ રૂપિયાના રોકાણના કારણે ચાર વ્યક્તિને રોજગારી મળી છે. આનો ખુલાસો નવી આર્થિક નીતિના ટેકેદારો આજ સુધી આપી શક્યા નથી. ઊલટાનું વધુ જોરથી આર્થિક સુધારા અમલમાં મૂકવા વૈશ્વિક દબાણ ઊભું કરે છે. નાણાં પ્રધાન અરુણ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એજન્ડાને લાગુ કરવા માટે તેમના નિર્દેશ પ્રમાણે રોકાણકારોને બધું આપવા કમર કસી રહ્યા છે.

પ્રખ્યાત અર્થશાસ્ત્રી આઈ. એમ. લીટર અને એની ક્રુગરનું કહેવું છે કે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા દાયકામાં ધીમું પડયું છે. તેનું કારણ સરાકરોએ માત્ર મસમોટા ઉદ્યોગો વિકસિત કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રખ્યાત અર્થશાસ્ત્રી એની ક્રુગરનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં કારખાના કાં તો એક હજાર કે તેથી વધારે કામદારોવાળા છે. અથવા તો નાના વણનોંધાયેલા એકમોવાળા કારખાનાની ભરમાર ધરાવે છે. વૈશ્વિક વિકાસના ઈતિહાસમાં 100થી 500 સુધીના કામદારોની સંખ્યા ધરાવનારા કારખાના વધુ ઉત્પાદન કરનારા અને વધુ કાર્યક્ષમ સાબિત થતા આવ્યા છે.

મોટા કારખાના તીવ્ર ક્રોની કેપિટાલિસ્ટ એટીટ્યુટ તરફ ઝોંક ધરાવતા હોવાનું દેખાયું છે. તો નાના વણનોંધાયેલા કારખાના શ્રમજીવીના શોષણનો સ્ત્રોત બનતા હોય છે. આવા સંજોગોમાં શ્રમેવ જયતેનો સૂત્રોચ્ચાર મજૂરોનું કલ્યાણ કરી શકશે નહીં.. તેના માટે મજૂર નીતિમાં ધડમૂળના ફેરફારો અને 58 ટકાને રોજગારી આપતી ખેતીને 18મી સદીની અવસ્થામાં રાખતી સરકારી માનસિકતામાં પણ ક્રાંતિકારી ફેરફારની જરૂરિયાત છે. રોજી માટે ગામડાના ગરીબોને શહેરો તરફ ધકેલવાને બદલે કસ્બાઓમાં ખેતી આધારિત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઊભા કરવા તરફ ધ્યાન આપવું જરૂરી છે. રોજગારલક્ષી રોકાણ વધુ કરાય તેવી નવી આર્થિક નીતિના અમલ મારફત વધુ રોજગારી પેદા થઈ શકશે.

ચીનની ભારતના ભૂરાજનીતિક હિતોને નુકસાન પહોંચાડવાની રણનીતિ, વ્યાજબી જવાબ માટે સમુદ્રી શક્તિ જરૂરી

- આનંદ શુકલ
ચીન પોતાના જીઓપોલિટિકિલ હિતોની પૂર્તિ માટે અને અમેરિકા સામે બીજા ધ્રુવ તરીકે સ્થાપિત થવા માટે સમુદ્રી સિલ્ક માર્ગની વેતરણમાં છે. તેની હિંદ મહાસાગરમાં સક્રિયતા અને દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી ભારત અને વિશ્વ માટે તેના વિસ્તારવાદી વલણ સંદર્ભે ચિંતા ઉપજાવનારું છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેની વધતી ઘનિષ્ઠતા.. ભારતના બાંગ્લાદેશ અને ઈરાન સાથેના સારા સંબંધો બીજિંગની મહત્વકાંક્ષાઓ પર અંકુશ લગાવી શકે તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં અમેરિકા દ્વારા વીઝા આપવા બાબતે ઉઠેલા વિવાદની કડવાશને ભૂલાવીને યુનોની મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના આમંત્રણથી તેઓ વ્હાઈટ હાઉસની મુલાકાતે પણ ગયા હતા. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન પણ બન્યા હતા. સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ અને સ્ટ્રેટજીક પાર્ટનરશિપ મજબૂત કરવાની બંને દેશો વચ્ચેની સમજૂતીથી સ્પષ્ટ થયું છે કે અમેરિકા ભારતને બદલાયેલા વૈશ્વિક પરિવેશમાં મહત્વનું ગણી રહ્યું છે.

ઓબામાએ ભારત મુલાકાતમાં એશિયા-પેસિફિકમાં ભારતની ભૂમિકાને આવકારવા સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ટેકો પણ આપ્યો છે. ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાથી ચીન ચોક્કસપણે ધુંધવાયું હોવાનું માનવામાં આવે છે. તેના કારણે પાકિસ્તાન દિવસની પરેડમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ મુખ્ય મહેમાન બન્યા અને માતબાર મદદ પણ જાહેર કરી છે.

જી-20 દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા હતા. ઓસ્ટ્રેલિયા પણ ચીનના વિસ્તારવાદી વલણનો વિરોધ કરી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સારા સંબંધોના નવા પ્રકરણને પણ ચીન સામેની કથિત રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની સક્રિયતા છેલ્લા દોઢ દશકથી તબક્કાવાર વધી રહી છે. ત્યારે મોદીએ 2015ના વર્ષમાં હિંદ મહાસાગરીય દેશો મોરેશિયસ.. સેશલ્સ અને શ્રીલંકાની યાત્રા કરી હતી. ચીન નકારી રહ્યું હોવા છતાં હિંદ મહાસાગરમાં પોતાના કાયમી નૌસૈન્ય થાણા સ્થાપવાની વેતરણમાં હોવાનું માનવામાં આવે છે. સેશલ્સ અને મોરેશિયસ જેવા દેશોને ચીન આસાનીથી છેલ્લા કેટલાંક સમયથી પોતાના વર્ચસ્વમાં લાવી રહ્યું છે.

આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશલ્સની મુલાકાત અને અહીં રડારની સ્થાપના કરવાથી ચીનને સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ હિંદ મહાસાગરમાં ભારતના વર્ચસ્વને પડકારે નહીં. તો શ્રીલંકામાં એલટીટીઈ સામેના યુદ્ધમાં ચીનની મદદ પછી બંને વચ્ચે ઘનિષ્ઠતા બની છે. કોલંબો ખાતે અવારનવાર ચીનના જહાજો અને સબમરીનો લાંગરવાથી ભારતની સામરિક ચિંતાઓ વધી છે. ત્યારે ત્રીસ વર્ષ બાદ શ્રીલંકાની ભારતીય વડાપ્રધાનની મુલાકાતથી ચીનનો પ્રભાવ ઘટાડવા માટેની કોશિશો તેજ બનવાના સંકેત મળી રહ્યા છે. યુનોમાં એલટીટીઈ સામેની લશ્કરી કાર્યવાહીના મામલે માનવાધિકાર ભંગના શ્રીલંકા વિરોધી ઠરાવને તમિલનાડુના રાજકારણથી પર રહીને ભારત સરકારે ટેકો આપ્યો ન હતો.

આસિયાન સંમેલનમાં મ્યાનમાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. અહીં તેમણે મ્યામારની મિલિટ્રી જુન્ટાની સરકાર પ્રત્યે પરંપરાગત ભારતીય ડિપ્લોમેટિક વલણમાં સૂચક ફેરફારના સંકેત પણ આપ્યા હતા. તેમણે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની વાત કરીને આસિયાન દેશોમાં પણ ભારત સારા સંબંધો ઉચ્ચકક્ષાએ લઈ જવા ઈચ્છુક હોવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીન મ્યામારને 90 ટકાથી વધારે શસ્ત્રસરંજામની આપૂર્તિ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ મુલાકાતમાં 36 રફાલ યુદ્ધવિમાનો ખરીદવાનો સોદો કર્યો છે. રફાલ ફાઈટર જેટની શક્તિને જોતા ચીનના એરપાવરને સંતુલિત કરવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. રફાલની 3700 કિલોમીટરની રેન્જ અને 10 કલાક સતત ઉડ્ડયન કરવાની ક્ષમતાને કારણે તેની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. તેને વિમાનવાહક યુદ્ધજહાજ પરથી પણ ઓપરેટ કરી શકાય છે. તો મોદીની ચીન યાત્રા પહેલા ગોવાના સમુદ્રી તટ નજીક ભારત અને ફ્રાન્સની નૌસેના વચ્ચે વરુણ નામની લશ્કરી કવાયત કરવામાં આવી છે. 10 દિવસ ચાલેલી આ નૌસેના કવાયતના સામરિક અર્થો છે.

21મી સદીના સામુદ્રિક સિલ્ક માર્ગની પહેલ આખરે ચીનથી દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા સુધી પહોંચશે. ચીન સ્પષ્ટપણે એશિયાના નેતૃત્વ પર આસિન થવા ઈચ્છે છે. ભારત અને ફ્રાન્સની નેવી વચ્ચેના યુદ્ધાભ્યાસને પણ આના સંદર્ભે જોવો જોઈએ. ચીનની વધી રહેલી ગ્રીન વોટર નેવીને બ્લૂ વોટર નેવીમાં બદલવાની મનસા સામે ભારત માટે મહત્વનું છે કે તે પોતાના મિત્રવત દેશોની નૌસેના સાથે સંબંધ બનાવે અને તેમની સાથેની કવાયતમાં પોતાનું કૌશલ વધુ ધારદાર બનાવે.

બાંગ્લાદેશ સાથેના 41 વર્ષ જૂના સીમા વિવાદના ઉકેલ માટે ભારતીય સંસદે જમીન સીમા સમજૂતી-1974ને લાગુ કરતા ખરડાને મંજૂરી આપી છે. જેના કારણે બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોમાં સુધારો થાય તેવી શક્યતા છે. ચીન બાંગ્લાદેશના ચિતાગોંગ અને ઢાકા ખાતેના પોર્ટોના વિકાસમાં ખૂબ સક્રિય છે. બાંગ્લાદેશના 80 ટકા શસ્ત્રસરંજામ ચીન દ્વારા પુરો પાડવામાં આવે છે. બાંગ્લાદેશ જમીન અને દરિયાઈ સરહદથી ભારત સાથે અતિ વ્યૂહાત્મક રીતે જોડાયેલું છે.

આવા સંજોગોમાં ચીનના કોઈપણ પ્રકારના વર્ચસ્વને બાંગ્લાદેશમાં અવકાશ મળવો જોઈએ નહીં તે ભારતના હિતમાં છે. મોદી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ઢાકાની મુલાકાતે પણ જઈ આવ્યા છે અને તેમને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ખૂબ ઉષ્માભર્યો આવકાર પણ મળ્યો હતો.

પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની ચીનને સોંપણી કરાઈ છે. આવા સંજોગોમાં અરબ સાગરમાં કંડલા સહીતના મહત્વના વ્યૂહાત્મક સ્થાનો સુધી ચીનની નેવીની પહોંચ વધે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં ભારતે ઈરાનના ચાબહર પોર્ટને વિકસિત કરવાનો એક કરાર કર્યો છે. ચાબહર પોર્ટ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રોવિન્સ ખાતે ઈરાનના દક્ષિણ-પૂર્વ સમુદ્ર તટ પર આવેલું છે. અહીંથી ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને બાયપાસ કરીને પહોંચ બનાવી શકે છે. આ ઈરાની પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પણ નજીક છે.

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે કે નહીં.. પણ હકીકત સપાટી પર આવી રહી છેકે ભારત ભૂરાજકીય મહત્વકાંક્ષાઓ આગળ વધારવાની નીતિ પર ચાલી રહ્યું છે. વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથેના શક્તિશાળી દેશો માટે બ્લૂ વોટર નેવી પોતાની તાકાત દર્શાવવા માટે જરૂરિયાત છે. ત્યારે ભૂરાજનીતિક હિતોને નુકસાન પહોંચાડવાની કોઈપણ હરકતને પહોંચી વળવા માટે દરિયાઈ શક્તિ ખૂબ જરૂરી છે.

લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને અનુલક્ષીને આગળ વધવા માટે ચીન માટે હિંદ મહાસાગર મહત્વનું ક્ષેત્ર છે. આવા સંજોગોમાં ચીનની નૌસેનાની હિંદ મહાસાગરીય વિસ્તારોમાં સક્રિયતાનો અર્થ ભારતના સામુદ્રિક હિતોને આગામી સમયમાં પડકાર તરીકે જ જોવામાં આવે છે. ત્યારે ભારત માટે પણ વ્યાજબી પ્રતિક્રિયા માટેની તૈયારી જરૂરી બની જાય છે.

મોદીની ચીન નીતિનું ડોકોડિંગ, સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો જવાબ રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ..

- આનંદ શુક્લ 
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનું ડિકોડિંગ ઘણું રસપ્રદ છે. ચીનની સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો જવાબ આપવા માટે જાણે કે મોદી રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સની કોઈ રણનીતિ પર કામ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. મોદીની લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની મનસાના ગૂઢાર્થો હિંદ મહાસાગરમાં ચીનનો પ્રભાવ રોકીને તેની ઘેરાબંધી કરવાનો હોય તેવું પણ પ્રતિપાદિત થઈ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ભારતના સૌથી વફાદાર પાડોશી દેશ ભૂટાનની પહેલી વિદેશ યાત્રા કરી હતી. ભૂટાન વ્યૂહાત્મક રીતે અરુણાચલ પ્રદેશ.. સિક્કિમ અને ઈશાન ભારત સાથે જોડાયલું છે. ભૂટાનનો એક છેડો ચીનને પણ સ્પર્શે છે. ચીન અને ભૂટાન વચ્ચે સીમા વિવાદ છે. જેમાં ચીન ભારતની ચિકન નેક નામના સ્ટ્રેટજિકલી મહત્વના ક્ષેત્ર નજીકનો ભૂટાનનો હિસ્સો આપવા માટે દબાણ કરી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ભૂટાન મુલાકાત કરીને તેના પર ચીનના આવા કોઈપણ દબાણ વિરુદ્ધ ડિપ્લોમેટિક મેસેજ આપ્યો છે.

ભારતનું સદીઓથી સાંસ્કૃતિક સાથીદાર નેપાળ વિશિષ્ટ દરજ્જો ધરાવતું પાડોશી રાષ્ટ્ર છે. નેપાળના નાગરિકો ભારતીય સેનામાં સામેલ થઈ શકે છે. ભારતીય સેનામાં ગુરખા રેજિમેન્ટ ગૌરવમય ઈતિહાસ ધરાવે છે. ભારત અને નેપાળના નાગરિકો એકબીજાના દેશમાં રોકટોક વગર જઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે નેપાળના નાગરિકો વોટિંગ સિવાયના મોટાભાગના તમામ અધિકારો ભારતમાં ભોગવી શકે છે. પરંતુ નેપાળમાં રાજાશાહીના અંત અને માઓવાદી પ્રભુત્વમાં ચીનની એક મોટી ભૂમિકા રહી છે.

ચીને અહીં મોટા પ્રોજેક્ટો અને રેલ લિન્ક્સ પર કામ કર્યું છે. વળી ભારત વિરોધી લાગણીઓને હવા આપવાનું કામ પણ ચીનના દોરીસંચારથી થતું રહ્યું છે. ત્યારે 17 વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે મોદી નેપાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે વિકાસના મામલે નેપાળને સંપૂર્ણ સહકારની ખાતરી આપી અને ત્યાંની સંસદને સંબોધિત કરી હતી. તો સાર્ક દેશનો બેઠકમાં પણ ફરીથી કાઠમંડૂની મુલાકાત લીધી હતી.
તેમણે તાજેતરમાં નેપાળમાં આવેલા ભૂકંપમાં ભારતીય સેના અને સંસાધનોને રાહત અને બચાવ કાર્યમાં મોટા પ્રમાણમાં ઉતારી હતી. તેની પાછળનો સ્પષ્ટ હેતુ નેપાળને ભારતની વધુ નજીક લાવીને ચીનનું વર્ચસ્વ ઘટાડવાનો પણ છે.

બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રાઝિલ.. ચીન.. રશિયા.. દક્ષિણ આફ્રિકાના નેતાઓની સાથે મોદીએ મુલાકાત કરી હતી. બ્રિક્સમાં વડાપ્રધાન મોદીએ બ્રિક્સ દેશ માટેની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં મોદીને ચીન પર ડિપ્લોમેટિક સરસાઈની તક મળી હતી. બ્રિક્સ દેશોની બેન્કમાં ચાઈનિઝ ચલણનો ઉપયોગ કરવાની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મનસા બર આવવા દેવાઈ નહીં.

સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. અહીં મોદીએ સીમા પર શાંતિ અને સ્થિરતાની જાળવણીની વાત સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. તો ચીન સાથે આર્થિક સંબંધો વધારવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જિનપિંગની ભારત મુલાકાત વખતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વિયેતનામના સત્તાવાર પ્રવાસે હતા. દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામે ભારતીય કંપનીઓને ઓઈલ બ્લોક્સ ક્ષરણ માટે આપ્યા છે. જો કે ચીન આ ક્ષેત્ર પર પોતાનો દાવો કરીને ભારતને દૂર રહેવા જણાવી રહ્યું છે. દક્ષિણ ચીન સાગરમાં ભારતીય નૌસેનાના જહાજો સાથે પણ ચીન દ્વારા ગેરવર્તુણકના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે વિયતનામના પ્રવાસે પ્રણવ મુખર્જીની મુલાકાતના દક્ષિણ ચીન સાગર સંદર્ભે બીજિંગને કેટલાંક ડિપ્લોમેટિક મેસેજ પણ મોકલવામાં સફળતા મળી હતી.

જાન્યુઆરી માસમાં જાપાનના વિદેશ પ્રધાને અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ભારતીય ઉપખંડ બહાર મોદીએ વડાપ્રધાન તરીકે સૌથી પહેલી મુલાકાત જાપાનની લીધી છે. અહીં તેમણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે ખૂબ જ ઉમળકાથી મુલાકાત કરી અને ભારતના વિકાસ માટે સહયોગ માંગ્યો હતો. તો જાપાનમાં ભારતીય સમુદાયની સાથેની વાતચીતમાં તેમણે ચીનનો ઉલ્લેખ કર્યા વગર તેના વિસ્તારવાદી વલણની ટીકા કરી હતી. જાપાન-અમેરિકા અને ભારત વચ્ચે સંયુક્ત નૌસૈન્ય કવાયતો છેલ્લા કેટલાંક સમયથી થઈ રહી છે. એશિયા-પેસિફિકમાં જાપાન સાથે ભારતના વધી રહેલા સહયોગ પાછળ દક્ષિણ ચીન સાગરમાં તેની દાદાગીરી ઘટાડવાની યોજના પણ મુખ્ય પ્રેરકબળમાંથી એક હોવાનું માનવામાં આવે છે.

ચીનના પીપલ્સ લિબરેશન આર્મીની ઘૂસણખોરીથી LAC સંભવિત મિલિટ્રી કોન્ફલિક્ટ ઝોન

- આનંદ શુક્લ 
ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદમાં પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા થતી ઘૂસણખોરીથી તણાવ સર્જાય છે. પરંતુ ભારતની સરકારો હંમેશા ચીનની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લેતા હોય છે અથવા તો તેને ડાઉન પ્લે કરવાનો પ્રયત્ન પણ કરતી રહી છે. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ.. ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપુરથી માંડીને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સુધીના વ્યક્તિઓનું માનવું છે કે ભારત માટે ખરો સામરિક પડકાર ચીન છે.

મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે.. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ઉત્તર લડાખના બુરત્સે અને દિપસાંગ ખાતે 20 અને 28 માર્ચ-2015ના રોજ બે વખત ઘૂસણખોરી કરી હતી. ભારતીય સેના દ્વારા ચીનના સૈનિકોને પડકારવામાં આવતા તેઓ એલએસીમાં ચીનના ક્ષેત્રમાં ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે 14 મેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ચીન પ્રવાસ પહેલા પીએલએ દ્વારા ઘૂસણખોરી તેમની જિનપિંગની ભારત મુલાકાત વખતે કહેવામાં આવેલી વાત માનવાનો લાલસેનાનો ઈન્કાર જ ગણી શકાય.

ભારત અને ચીનની સરહદે છેલ્લા 25 વર્ષથી એકંદરે ગંભીર લશ્કરી સંઘર્ષની ઘટનાઓ વગર શાંત રહ્યા છે. છેલ્લે 1987માં ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશની સુમડોરોંગ ચુ વેલી ખાતે મોટો તણાવ સર્જાયો હતો. તેના પહેલા ચીનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ ડેંગ શીઓપિંગે ઓક્ટોબર-1986માં ભારતને બોધપાઠ ભણાવવાનું આક્રમક નિવેદન કર્યું હતું. જો કે 1987થી 2015 સુધી ચીનની સેનાની ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ચીની સેનાની ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીની ઘટનાના આંકડાઓ પર નજર કરીએ તો.. 2010માં 228 વખત ઘૂસણખોરીની ઘટના બની હતી. 2011માં 213 વખત.. 2012માં સૌથી વધારે વખત 426 વખત ઘૂસણખોરી કરાઈ હતી. તો 2013માં 411 વાર અને 4 ઓગસ્ટ-2014 સુધીના આંકડા પ્રમાણે 334 વાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી હતી.

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ મુદ્દે કેટલીક મોટી ઘટનાઓની જાણકારી તેની દિશા અને બીજિંગના વલણનો ઉઘાડું કરનારી છે.





ભારત અને ચીનના શીર્ષસ્થ નેતાઓ વચ્ચેની મુલાકાત વખતે એલએસી પર પીએલએ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓ વકરતી હોય છે. તેની પાછળ ચીન પોતાનો વિવાદીત ક્ષેત્ર પરનો દાવો મજબૂત હોવાનું દર્શાવવા માગતું હોવાની માન્યતા છે. વળી દ્વિપક્ષીય વાતચીતમાં સામરિકા મામલાઓમાં ભારત સંરક્ષણાત્મક રહે તેવો પણ તેનો હેતુ હોય છે.

ચીનની ઘૂસણખોરી બિનવિવાદીત ક્ષેત્રોમાં પણ થાય છે. જેનાથી તેઓ આવા ક્ષેત્રોને વિવાદીત બનાવીને પોતાનો સરહદી વિસ્તારોમાં દાવામાં સામેલ કરે છે. 2012થી ચીનની ઘૂસણખોરીની 90 ટકા ઘટનાઓ પશ્ચિમી સરહદે થઈ છે. તેનો અર્થ છે કે ચીન માટે પીઓકે અને તેની સાથે સંકળાયેલા વિસ્તારનું પૂર્વી સેક્ટરોથી વધારા મહત્વ છે. આની પાછળ પહેલેથી ચીનના કબજામાં રહેલા અક્સાઈ ચીનને પણ જાળવી રાખવાની એક વ્યૂહરચના છે.

ઉલ્લેખનીય છે કે અક્સાઈ ચીન પર ભારતનો દાવો છે.
દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધી રહેલી દાદાગીરી સામે અમેરિકા ભારત ચીન સામે ઉભું રાખવા માટે સ્ટ્રેટજીક સપોર્ટ આપી રહ્યું છે. જાપાને પણ પ્રથમ વખત અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ત્યારે ચીન પણ હવે ભારતની મજબૂત થતી ભૂરાજકીય સ્થિતિથી સંપૂર્ણપણે અવગત છે.

ચીન ઈંચ ટુ ઈંચ પોલિસી હેઠળ એલએસી પર ઘણી જગ્યાએ અતિક્રમણ કર્યું હોવાની પણ એક માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ ચીનની સેનાને પ્રાદેશિક યુદ્ધ માટે તૈયાર રહેવાની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની હાકલ અને બદલાતી સામરિક નીતિઓ સાથે જોડીને પણ જોવામાં આવે છે. તેને કારણે જાણકારો આને સંભવિત મિલિટ્રી કોન્ફ્લિક્ટ ઝોન તરીકે જોઈ રહ્યા છે.


પાંચ ફ્લેશ પોઈન્ટ અને ચીનની મિલિટ્રી પ્રેશરની નીતિ, ભારતની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ સ્ટ્રેટજી હેઠળ ઘેરાબંધી

- આનંદ શુક્લ
ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્યત્વે ચાર વિવાદના મુદ્દાઓ છે. જેના કારણે બંને દેશો વચ્ચે વૈશ્વિક કૂટનીતિક શતરંજમાં શેહ અને મ્હાતનો ખેલ ચાલી રહ્યો છે. જેમાં સીમા વિવાદ.. ભારતની ચીન દ્વારા ઘેરાબંધી.. તિબેટ અને જળવિવાદની મોટી ભૂમિકા છે.

પોતાની લશ્કરી ક્ષમતાથી દબાણ ઉભું કરવા માટે ચીને હિંદ મહાસાગર ખાતે ભારતની ઘેરાબંધી કરી છે. જેમાં મ્યામારથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી ચીને પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને મિલિટરી લિન્ક્સ દ્વારા હિંદ મહાસાગરમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કોશિશો કરી છે. ચીન દ્વારા ભારતની ઈરાદાપૂર્વકની ઘેરબંધીને અમેરિકાના વિશ્લેષક રોબર્ટ કેપ્લાને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ તરીકે પરિભાષિત કરી છે. ભારતના રાજદ્વારીઓ દ્વારા પણ ચીનના ફંડથી પાડોશી દેશોમાં ઉભી થઈ હેલી સુવિધાઓને ચિંતાનો વિષય ગણવામાં આવી છે. તાજેતરમાં શ્રીલંકાના કોલંબો ખાતે બે વખત ચીનની સબમરીનો લાંગરવાની ઘટના બની ચુકી છે. તો દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગોમાંથી એક એડનની ખાડીમાં પણ ચીને પોતાના યુદ્ધજહાજો તેનાત કર્યા છે. ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ.. શ્રીલંકામાં હબનટોટા અને કોલંબો પોર્ટ.. બાંગ્લાદેશમાં ચિતાગોંગ પોર્ટ, મ્યામારમાં સિતવે પોર્ટને વિકસિત કર્યા છે. તો સેશલ્સ ખાતે ચાંચિયાઓ વિરુદ્ધ સુરક્ષાના નામે ચીનનું નેવલ બેસ સ્થાપિત કરવાની ગતિવિધિઓ પણ તેજ બની છે. માલદીવ્સ ખાતે પણ ચીન કાયમી નૌસેનાનું થાણું નાખવા પ્રયત્ન કરી રહ્યું છે. મોરેશિયસમાં પણ ચીનના સત્તાવાર ફંડથી 47 પ્રોજેક્ટો ચાલી રહ્યા છે.


ચાર હજાર કિલોમીટર જેટલી લાંબી સરહદ મામલે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે ભારત પર ચીને 1962માં આક્રમણ કરીને એક મોટો ભૂભાગ પોતાના કબજામાં લઈ લીધો છે. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ મામલે બંને દેશો વચ્ચે જલદ મતભેદો છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે ચીનની સેના દ્વારા અવારનવાર ઘૂસણખોરીની ઘટનાઓ બનતી રહે છે. જો કે 25 વર્ષથી એલએસી પર બંને દેશો વચ્ચે એકપણ વખત ગોળીબારની ઘટના નહીં બની હોવાનું માનવામાં આવે છે.

ભારત અને ચીન વચ્ચે 1950 સુધી તિબેટ બફર સ્ટેટ તરીકે અસ્તિત્વમાં હતું. 1950માં ચીને તિબેટ પર આક્રમણ કરીને તેના પર કબજો જમાવ્યો હતો. જેના કારણે ભારત અને તિબેટ સરહદે જ્યાં પાંચ હજાર સૈનિકોથી રખેવાળી કરાતી હતી.. ત્યારે હવે અહીં સેના અને આઈટીબીપીના લગભગ પાંચ લાખ સૈનિકોથી કામ ચલાવવું પડે છે. 1959માં તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારતે રાજકીય શરણ આપ્યું હતું. તેઓ હાલ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે નિવાસ કરે છે અને અહીંથી તિબેટની એક્સાઈલ ગવર્મેન્ટ પણ ચાલી રહી છે. તિબેટને ચીને સ્વાયત્તત રાજ્ય તરીકે દરજ્જો આપ્યો છે. પરંતુ તિબેટના 60 લાખ લોકોનું ચીન દ્વારા દમન થઈ રહ્યું હોવાના મામલો પણ વિશ્વમાં વિવાદનું કારણ છે. તો ચીન દલાઈ લામા અને તેમને શરણ આપવા બદલ ભારત પર તિબેટમાં ભાગલાવાદી પ્રવૃત્તિ ભડકાવાનો આરોપ મૂકી રહ્યું છે.

તિબેટના હજારો હિમખંડો દક્ષિણ એશિયાની મોટી નદીઓના જળસ્ત્રોત છે. એશિયાના અન્ય દેશોની જેમ ભારત પણ ચીન દ્વારા પાણીની આપૂર્તિમાં ચીન દ્વારા અડચણ ઊભી કરાતી હોવાનો મામલો ઉઠાવે છે. બ્રહ્મપુત્રા નદી પર ડેમોનું બાંધકામ અને અન્ય નદીઓના પાણીના વહેણ બદલવાની મનસાને કારણે પણ ભારત સાથેના ચીનના સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મચેલાની તો ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે જળ વિવાદ મામલે ઘર્ષણની શક્યતા છે.

ચીનમાં બનતો માલસામાન ભારતમાં ડમ્પિંગ કરવાનો મામલો પણ સ્વદેશી કુટિર ઉદ્યોગો માટે મોટો પડકાર છે. સાથે બંને દેશો વચ્ચે અપ્રમાણસરનો વ્યાપાર પણ એક મોટો મુદ્દો છે. ભારતમાં ચીનની નિકાસ તેની અહીંથી આયાત કરતા સાડા ત્રણ ગણી વધારે છે. ભારતની લોકશાહીની અવાર-નવાર ટીકા કરવી અને ચીનની થિન્ક ટેક્સ ભારતને અનેક ભાગમાં ભાગલા કરવાના હોકારા-પડકારા કરતી રહે છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે ઘણાં મુદ્દે નક્કર કામગીરીની જરૂરિયાત છે.


4,057 કિલોમીટર લાંબી સરહદે વિવાદને કારણે ચીન ભાવિ નહીં પણ તાત્કાલિક જોખમ

- આનંદ શુક્લ
ચીન સાથેના સરહદી વિવાદના તણાવમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ પોતાની રણનીતિક સ્વતંત્રતાના મંત્રોચ્ચાર કરતા ભારત માટે પ્રાદેશિક ભૂમિકા નિભાવવામાં પણ અડચણ પેદા કરી શકે તેમ છે. તેવા સંજોગોમાં ભારત માટે વૈશ્વિક મંચ પર પોતાનો પ્રભાવ દર્શાવવા માટે કોઈ ખાસ બાબત રહેશે નહીં. તેથી ચીન સાથેનો સીમા વિવાદ ઝડપથી ઉકેલીને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર કોઈ સમજૂતી થવી અથવા તો સરહદોને બંને દેશો રિડિફાઈન કરવા કોઈ નક્કર પગલા ભરે તે બેહદ જરૂરી છે.

ચીને અક્સાઈ ચીનનો વિસ્તાર તિબેટ પર હુમલો કર્યા બાદ કબજે કર્યો હતો. તો 1962માં ચીને યુદ્ધ કરીને ભારતની ઘણી મોટી જમીનને દબાવી રાખી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો એક ભાગ 1963માં પાકિસ્તાને ચીનને સોંપી દીધો છે. ભારત અને તિબેટ વચ્ચેની 1914માં મેકમોહન લાઈન સંદર્ભેની સમજૂતીને ચીન માનવાનો ઈન્કાર કરતું હોવાથી લગભગ ત્રણ હજાર કિલોમીટરથી વધારે મોટી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર વિવાદ ચાલી રહ્યો છે.

માર્ચમાં યોજાયેલી બંને દેશો વચ્ચેની 18મા તબક્કાની સીમા વાટાઘાટોમાં કેટલીક સમજૂતી થઈ છે. વિવાદાસ્પદ સીમાનો મામલો હવે બંને દેશો રણનીતિક સંચાર તરીકે સંબોધિત કરશે. 1954. 1993...1996.. 2005 અને 2013ની સમજૂતીઓ પ્રત્યે પરસ્પર પ્રતિબદ્ધતાઓ પ્રગટ કરતા બંને પક્ષો વચ્ચે લડાખમાં ઘણાં બિંદુઓ પર સંમતિ સાધી શકાય તેવી આશા સેવવામાં આવી છે. બંને પક્ષોમાં 1995માં ઓળખ કરાયેલા વાસ્તવિક નિયંત્રણ રેખાવાળા 12 વિવાદીત ક્ષેત્રો આવેલા છે. ત્યારે એકમાત્ર સંમતિવાળા ચુશૂલ બિંદુથી બંને પક્ષો લડાખના ટ્રેક જંકશન.. પેગાંગ સો.. ચુમાર અને દેમચોકમાં સંમતિ બિંદુઓની સંભાવના શોધવાની કોશિશોમાં છે.

તાજેતરમાં અરુણ શૌરીએ વિચાર વ્યક્ત કર્યા છે કે ભારત માટે ચીન લાંબાગાળાનો મુખ્ય પડકાર છે. તો ભૂતપૂર્વ રાજદ્વારી શ્યામશરણનું માનવું છે કે જેટલો લાંબો સમય એલએસી પર યથાસ્થિતિ રહેશે.. તેટલી પ્રબળ સંભાવના ઉભી થશે કે વાસ્તવિક નિયંત્રણ રેખા જ નિર્ધારીત સરહદમાં બદલાઈ જાય. તો કેટલાંક વિશ્લેષકો માની રહ્યા છે કે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક હિતોના વધવાથી ચીનની સત્તા અને વર્ચસ્વની ભૂખ પર અંકુશ લાગી શકે છે.

સૈન્ય બાબતોના વિશ્લેષકોનું કહેવું છે કે ચીન એક ભાવિ જોખમ છે. 1962ના યુદ્ધ જેવા અપમાનનો ફરીથી સામનો કરવો પડે નહીં તેવી ઈચ્છાથી વધુ વિશ્વાસ બહાલી ઉપાયોથી એલએસી પર શાંતિ જાળવી રાખવી જરૂરી છે... કારણ કે હાલની ચીનની સૈન્ય ક્ષમતાઓ ભારત પર મોટી સરસાઈ ધરાવે છે. જો કે ભારતે પણ પ્રતિરોધક ક્ષમતામાં ખાસો વધારો કરીને 1962 જેવી સ્થિતિનું પુનરાવર્તન ટાળવા માટે ઘણી તૈયારી કરી હોવાની વાત પણ ચીન નજરઅંદાજ કરી શકે તેમ નથી.

એક અંદાજ પ્રમાણે.. ભારતને સરહદે ચીન જેવી વાયુસેનાલક્ષી મારકક્ષમતાઓ વિકસિત કરવામાં હજી લગભગ 10 વર્ષ લાગશે. આ અનુમાન ચીન દ્વારા સંરક્ષણ મામલે રજૂ કરાયેલા શ્વેતપત્રના આધારે લગાવવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ-2025 સુધી સંક્ષિપ્ત.. તીવ્ર અને પ્રબળ પ્રાદેશિક યુદ્ધ માટે તેઓ પોતાનું મશીનીકરણ અને દૂરસંચાર તંત્ર મજબૂત કરી લેશે. જેમાં મોબાઈલ રેપિડ રિએક્શન ફોર્સની રચના અને તમામ સૈનિક સંસાધનોનું નેટવર્ક બનાવવાની યોજનાઓ પણ સામેલ છે.

તેના કારણે ભારતીય સેના 90 હજાર સૈનિકોવાળી માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ તૈયાર કરી રહી છે અને વાયુસેનાની સત્તાવાર ફાઈટર સ્ક્વોર્ડન્સની ક્ષમતા 39.5થી વધારીને 42 કરી દેવામાં આવી છે. દરેક સ્ક્વોર્ડનમાં 20 યુદ્ધવિમાનો હોય છે. વાયુસેનાના મામલાને ઘણાં નિષ્ણાતો યુદ્ધવિમાનોની 55 સ્ક્વોર્ડન હોવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તો ચીન અને પાકિસ્તાન બંને મોરચે એકસાથે યુદ્ધ લડવાની ક્ષમતા વિકસિત કરવાની વાત 2010થી સતત થઈ રહી છે.

ચીન અને પાકિસ્તાન સાથે વિવાદીત સીમાઓ જોતા ઉત્તરમાં જીઓપોલિટિકલ મામલાને પ્રભાવિત કરવાની ભારતની પસંદગી મર્યાદીત છે. પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય નૌસેના પાસે લગભગ બે દશકોથી ક્ષમતા છે કે તે પીપલ્સ લિબરેશન આર્મીની નૌસેનાને મલક્કા સુધી મર્યાદીત રાખી શકે છે. સ્ટ્રેટજીક એનાલિસ્ટ અને ચીન મામલાના જાણકાર બ્રહ્મચેલાનીએ લખ્યું છે કે સમુદ્રી સંચાર વિકસિત કરવાથી ભારતીય નૌસેના પ્રમુખ દરિયાઈ માર્ગો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે અને હિમાલયમાં પણ ચીનની સેનાના વ્યવહાર પર અંકુશ કરવામાં સુધારો લાવી શકાય છે.

પરંતુ સરકાર દ્વારા ડિફેન્સ અને સિક્યુરિટીના મામલાને કોઈ અંતર કરાતું નથી અને બંનેને એકસરખા મહત્વના માને છે. જેને કારણે સૈન્ય આકલનોને સરકાર ખાસ મહત્વ આપી રહી નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર નક્શા અથવા જમીની સ્તર પર સંમતિ બની નહીં હોવાના કારણે ચીન દ્વારા લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને મિલિટ્રી લાઈનમાં ફેરવવાની ચીનની હરકતોને પણ સરકારમાં ઉચ્ચસ્તરે ડાઉન પ્લે કરાતી હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે. પરંતુ ચીન ભારતની દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય સરહદોમાં ફરેફાર કરવા ચાહે તો તેને ચોક્કસ યુદ્ધની કાર્યવાહી માનવી જોઈએ.

કોઈ દેશ રાજકીય અથવા લશ્કરી લક્ષ્ય નિર્ધારીત કર્યા વગર યુદ્ધ કરતો નથી. સાથે હકીકત એ પણ છે કે વિવાદીત સરહદ મામલે યુદ્ધ કરવાના વિકલ્પ સામે હાલ ચીન ભારતને સૈન્ય દબાણથી નમાવવાની અને સરસાઈને અનેકગણી વધારી રહ્યું છે. ચીનના વ્યૂહરચનાકારો પ્રમાણે.. ભારત પર સૈન્ય દબાણ જ ભવિષ્યનું યુદ્ધ છે. તેણે એપ્રિલ- મે- 2013માં સફળતાપૂર્વક લડાખના દિપસાંગ ખાતેના મેદાનામોમાં શક્તિશાળી યુદ્ધક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તો જિનપિંગની ભારત મુલાકાત વખતે પણ ચુમાર ખાતે તેણે ગત વર્ષોમાં વિકસિત કરેલી સૈન્ય ક્ષમતાઓ દ્વારા મિલિટ્રી પ્રેસર ઉભું કર્યું હતું.

ચીનની નૌસેના શ્રીલંકા અને પાકિસ્તાન સહીતના હિંદ મહાસાગરના ક્ષેત્રમાં એડનની ખાડી સુધી સક્રિય દેખાય છે. આવા સંજોગોમાં ભારતીય નૌસેના ચીનના સમુદ્રી જહાજોના આવાગમનમાં આઈઓઆરના એસએલઓસીમાં રોકે છે.. ચીન જમીન.. સમુદ્ર.. હવા.. અવકાશ.. સાઈબર અને પાકિસ્તાનમાં રોકેલી પોતાની સૈન્ય ક્ષમતાઓથી પુરી શક્તિથી જવાબી કાર્યવાહી કરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ચીને પાકિસ્તાન સાથે સૈન્ય અને પરમાણુ સમન્વય સ્થાપિત કરી લીધો છે. તેથી ભારતીય વિશ્લેષકો આવા પરિદ્રશ્યની કલ્પના કરે તેમાં આશ્ચર્યચકિત થવાનું કોઈ કારણ નથી.

વિશ્લેષકો ચીનને ભલે ભાવિ જોખમ ગણતા હોય.. પરંતુ હકીકત એ છે કે ભારત માટે તે તાત્કાલિક ખતરો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘણાં ઊંચા સ્થાનો પર તેનાત ભારતીય સૈનિકોને પીપલ્સ લિબરેશન આર્મી નિયમિતપણે ઘૂસણખોરી કરીને મનોવૈજ્ઞાનિક રીતે પરાજિત કરી રહ્યા છે. તેનો વિરોધ કરવાના સ્થાને ભારત સરકાર ચીનના સૈનિકોની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લઈ રહી છે. સંસદમાં પણ સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે આવું સરહદ નિર્ધારીત નહીં હોવાથી બંને પક્ષો તરફથી થતું હોય છે. પરંતુ આ હકીકતમાં સચ્ચાઈ નહીં હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. પરંતુ ભારતની સરકારો દ્વારા ચીનના લશ્કરી દબાણને વધુ મહત્વ આપવામાં આવતું નથી. દુર્ભાગ્યે ભારતની સરકારો દ્વારા શાંતિ અને આર્થિક લાભની વાટાઘાટો જ થતી રહી છે.. જેમાં ભારતે સૈન્ય ક્ષમતામાં વધારો કરીને મોટું પરિવર્તન કરવાની તાતી જરૂરિયાત છે.

મોદી @ 365 : સારી શરૂઆત પણ ચાલાક ચીનથી ચેતવું જરૂરી, મોદીજી જરા સંભલના

- આનંદ શુક્લ
ભારત અને ચીન બદલાતા વૈશ્વિક પરિવેશમાં એકબીજા પ્રતિસ્પર્ધી અને વ્યૂહાત્મક પડકારોનું કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિમાં બીજિંગની સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચનાનો તોડ શોધવા માટેની કોશિશ દેખાઈ રહી છે. ચીનની ભારતની આસપાસ કરાયેલી ઘેરાબંધીને તોડીને ચીનને વ્યાજબી સામરિક જવાબ આપવામાં અત્યાર સુધી મોદી સફળ દેખાય છે.

ભાજપના વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ પણ મોદીની ચીન નીતિ પ્રત્યે સકારાત્મકતા પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂમાં દર્શાવી છે. જો કે તેમ છતાં ચીન પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં કોઈ ધાર્યું કામ કરાવી શક્યા નથી... તે પણ એક હકીકત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ચીનની વિસ્તારવાદી નીતિઓને નિશાના પર લીધી હતી. તો મોદીએ જાપાનની વડાપ્રધાન તરીકેની પહેલી મુલાકાતમાં પણ ચીનનો ઉલ્લેખ કર્યા વગર વિસ્તારવાદી હરકતો માટે દક્ષિણ ચીન સાગરની સમસ્યાનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું હતું. જો કે મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ.. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે ટેલિફોન પર તેમને સૌથી પહેલા શુભેચ્છાઓ પાઠવી હતી.
તો ચીનના વિદેશ પ્રધાને પણ ભારતની તાત્કાલિક દિલ્હીની મુલાકાત લઈને ભારત અને ચીન વચ્ચે મોદી સરકારના કાર્યકાળમાં સારા દ્વિપક્ષીય સંબંધોની આશા વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અમદાવાદથી ભારતની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન તેમનું લાલ જાજમ બિછાવીને અતિભવ્ય સ્વાગત કરાયું હતું.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન મોદીની ખાસ સૂચના પ્રમાણે જિનપિંગ સાથે વાટાઘાટો કરવા ખાત તામજામ કરાયો હતો. રિવરફ્રન્ટ પર બંને નેતાઓએ વોક-ધ-ટોક કરી અને મોદીએ જિનપિંગને ઝુલે બેસાડીને જુલાવ્યા પણ ખરા. વડાપ્રધાન મોદી જિનપિંગને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. અહીં બંને નેતાઓએ આશ્રમના ઓટલે બેસીને મહાત્મા ગાંધીની વૈશ્વિક શખ્સિયતની વાતો કરી હતી. જિનપિંગે જ્યારે સાબરમતી આશ્રમમાં પોતાનો મહાત્મા ગાંધી સંદર્ભે મેસેજ લખ્યો ત્યારે પણ વડાપ્રધાન મોદી તેમની પાછળ ઉભેલા જ દેખાયા હતા.
જિનપિંગનું અમદાવાદની હોટલ હયાત ખાતે સ્વાગત કરતી વખતે મોદી તેમને મંડેરિન ભાષામાં આવકારવા માટે ચિઠ્ઠી કાઢીને કંઈક યાદ કરતા પણ દેખાયા હતા. તો દિલ્હી ખાતે પણ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને કેટલાંક કરારો થયા હતા. જો કે બંને દેશો વચ્ચે આશા કરવામાં આવતી હતી તેટલા મોટા રોકાણના કરારો થયા નહીં. પણ જિનપિંગ અને મોદી વચ્ચે કોઈ સારી કેમેસ્ટ્રી રચાશે તેવી આશા જરૂરથી ઉભી થઈ હતી. મોદીએ જિનપિંગને તેમના હોમટાઉન વડનગર ખાતે ચીની તીર્થયાત્રી યુ-એન-સાંગની સદીઓ પહેલાની મુલાકાતની વાત યાદ કરાવી હતી. ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની વાત પણ ભગવાન બુદ્ધને યાદ કરીને વડાપ્રધાન મોદીએ કરી હતી.

ત્રણ દિવસ બાદ જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજિંગ આવવાનું આમંત્રણ આપીને ચીન જવા રવાના થયા હતા. પરંતુ જિનપિંગની ભારત મુલાકાત વખતે જ ચુમાર ખાતે પીપલ્સ લિબરેશન આર્મીના ત્રણસો જેટલા સૈનિકોની ઘૂસણખોરીની ઘટનાની કડવાશથી મુલાકાતનો સ્વાદ બગડી ગયો હતો. લગભગ એક માસ સુધી ભારત અને ચીન વચ્ચે ચુમાર ખાતે ઘૂસણખોરીના મુદ્દે તણાવ રહ્યો હતો. યોગાનુયોગ પંચશીલના 60 વર્ષની ઉજવણીમાં પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભાગ લીધો હતો.. ત્યારે પણ ચીનની સેનાએ ઘૂસણખોરી કરીને સરહદી તણાવ ઉભો કર્યો હતો. ચુમાર ખાતેની ચીન સૈનિકોની વાપસી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય વાતચીત બાદ જ થઈ શકી હતી.

કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ વડાપ્રધાન મોદીની ચીન મુલાકાતની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે બીજિંગનો પ્રવાસ કર્યો હતો. જેમાં કૈલાસ માનસરોવરની યાત્રા માટે વૈકલ્પિક માર્ગ ખોલવા માટે ચીને સંમતિ દર્શાવી હતી. તો પ્રોટોકોલ તોડીને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સુષ્મા સ્વરાજ સાથે વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ સહીતના મુદ્દે કેટલીક વાતચીત કરી હોવાનું પણ માનવામાં આવે છે.

મોટાભાગે ચીનના શીર્ષસ્થ નેતાઓ ભારત મુલાકાત બાદ પાકિસ્તાન પણ જતા હોય છે. પરંતુ જિનપિંગે ભારતની મુલાકાત પછી પાકિસ્તાન જવાનું ટાળ્યું હતું. એક વખત ચીનના રાષ્ટ્રપ્રમુખે ઈસ્લામાબાદની મુલાકાતને રદ્દ પણ કરી હતી. પરંતુ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા.. ત્યારે ચીન ફરીથી અમેરિકા-ભારતના મજબૂત થઈ રહેલા સ્ટ્રેટજીક રિલેશન્સથી ધુંધવાયું હતું.

ઉલ્લેખનીય છે કે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશ ખાતેની મુલાકાતનો પણ ચીને વિરોધ કર્યો હતો. મોદીની લિંક વેસ્ટ નીતિ પ્રમાણે યોજાયેલી જર્મની.. ફ્રાન્સ અને કેનેડાના પ્રવાસ પહેલા બીજિંગે અરુણાચલ પ્રદેશ પર દાવો કરીને ભારત સાથેના સરહદી વિવાદ પર નિવેદન પણ આપ્યું હતું. તો તાજેતરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાન દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. અહીં જિનપિંગે પાકિસ્તાનને ચીનનું સદાબહાર મિત્ર ગણાવ્યું હતું. ચીને પાકિસ્તાનમાં 46 અબજ ડોલરના 51 જેટલા કરારો કર્યા હતા. જેમાં સિલ્ક રુટ સાથે જોડતો ઈકોનોમિક કોરિડોર ત્રણ વર્ષમાં પુરો કરવાના કેટલાંક મહત્વના કરારો થયા છે.
તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ ચીનની હાજરી અને પકડ વધુ મજબૂત થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. પાકિસ્તાન જતા પહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પોતાના નાનાભાઈના ઘરે જતા હોય તેવી લાગણી થતું હોવાનું નિવેદન પ કર્યું હતું. ચીને તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આર્થિક રોકાણ કરનારા કરારોમાં અમેરિકાને પણ ધોબીપછાડ આપ્યો છે. ચીન પાકિસ્તાનને અત્યાધુનિક 8 સબમરીન અને પાંચમી પેઢીના 55 યુદ્ધવિમાનો જેએફ-17 આપવાના કરારો પણ થયા છે.

જિનપિંગની પાકિસ્તાન મુલાકાત બાદ મોદીનો ચીન પ્રવાસ પણ સૂચક છે. ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ છે કે ભારત અને ચીન સરહદ 25 વર્ષથી સંપૂર્ણપણે શાંત છે અને એકપણ ગોળી બંને દેશો તરફથી ચલાવવામાં આવી નથી. જો કે તેમણે સરહદે શાંતિ અને સ્થિરતા જળવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે સરહદી વિવાદ સંદર્ભે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં ચીનની ત્રણ વખત મુલાકાત લઈ ચુક્યા છે. ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર પણ ચીન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. એસ. જયશંકર ઘણાં લાંબા સમય સુધી ચીન ખાતે ભારતના રાજદૂત તરીકે કાર્યરત રહ્યા છે. સક્ષમ રાજદ્વારી તરીકે મોદીનું ચીન નીતિને એસ. જયશંકર આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમણે પણ ચીન સામેની કૂટનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચોક્કસ રજૂઆત કરી હશે કે બીજિંગ સાથેનો કડક વ્યવહાર કરવાથી ભારતને વૈશ્વિક શક્તિ બનવામાં મદદ મળશે નહીં. સાથે ચીન સાથેના સીમા વિવાદની અણદેખીથી તેની વધારે છૂટ લઈને આક્રમક ઘૂસણખોરીની રણનીતિને અવકાશ મળશે. તેની સાથે ચીનના પીછલગ્ગુ બનીને પણ ભારત કામ કરી શકે નહીં.. ભારતે વૈશ્વિક સ્તરે મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં આવી નીતિ પણ પીછેહઠ જ ગણાશે.

તેવી જ રીતે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીના દાવપેચ પ્રમાણે.. ચીનની વધી રહેલી પકડવાળા પાકિસ્તાન સાથે વાટાઘાટા નહીં કરવાથી પ્રાદેશિક સ્તરે સ્થિતિ વધુ ખતરનાક બની શકે તેમ છે. તો અફઘાનિસ્તાન.. ઈરાન.. મધ્ય  એશિયાના ગણતંત્રો તથા મધ્ય-પૂર્વમાં પાકિસ્તાન સાથેના તણાવના પરિણામે ભારત પોતાની પ્રાદેશિક ભૂમિકા ગુમાવે તેવી પણ એક પ્રબળ સંભાવનાની રજૂઆત પણ મુત્સદી રાજદ્વારી તરીકે એસ. જયશંકરે કરી જ હશે. જેના કારણે મોદીની ચીન નીતિમાં વ્યાપક ગતિશીલતા દેખાઈ રહી છે.

પરંતુ હકીકત એ પણ છે કે ચીન ભારતને પાકિસ્તાનની સરખામણીએ વધુ મહત્વ આપતું નથી. પાકિસ્તાન ચીન માટે ભારત વિરુદ્ધનું વ્યૂહાત્મક હથિયાર છે. પાકિસ્તાનના ભારત વિરુદ્ધના આતંકવાદને પણ ચીન નજરઅંદાજ કરવાની નીતિઓ ધરાવે છે. તો પીઓકે વિવાદીત ક્ષેત્ર હોવા છતાં અહીં ચીન ડેરાતંબુ નાખી રહ્યું છે. બલુચિસ્તાન ખાતેના પાકિસ્તાની પોર્ટ ગ્વાદર ખાતે પણ ચીન ભારત માટે મેરીટાઈમ પડકારો ઉભા કરીને હિંદ મહાસાગરમાં પોતાની નૌસૈનિક ગતિવિધિઓ વધારી રહ્યું છે. આવા સંજોગોમાં 1962ના યુદ્ધ અને પંચશીલ નીતિઓની ચીન સાથે દોસ્તીમાં નિષ્ફળતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરથી ધ્યાનમાં રાખવી પડશે.

મોદીનું બુદ્ધમ શરણમ્ ગચ્છામિ, કલ્ચરલ ડિપ્લોમસીથી લુક ઈસ્ટને એક્ટ ઈસ્ટ પોલિસીમાં બદલવાની કવાયત


- આનંદ શુક્લ
ભારતને એશિયામાં પાવરફુલ દેશ તરીકે પ્રસ્થાપિત કરવા માટે વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષના વિદેશ પ્રવાસમાં બુદ્ધ ડિપ્લોમસીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. બૌદ્ધ ગતિવિધિઓ પર મોદી સરકારના વધતા ધ્યાનને તેમની વિદેશ નીતિનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. મોદીના બુદ્ધમ્ શરણમ ગચ્છામિના ઘણાં બહોળા કૂટનીતિક અર્થો છે...

એશિયામાં ચીન અને પાકિસ્તાનના સામરીક પડકારોને પહોંચી વળવા અને ચીનની નજીક જવા માટે એક ચોક્કસ સાંસ્કૃતિક નીતિનો મોદી સરકાર દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસી તરફ દોરી જઈ રહ્યા છે. જેમાં બૌદ્ધ ડિપ્લોમસીના ડોઝ દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા માટે તેઓ એક સાંસ્કૃતિક પુલ બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. દિલ્હીમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં 31 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. દિલ્હીનું તાલકટોરા સ્ટેડિયમ બૌદ્ધ મતના અનુયાયીઓથી ખીચોખીચ ભરેલું હતું. સરકાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાના દિવસે આવા વિશાળ આયોજન પાછળ એશિયામાં ભારતને સૌથી મોટા બૌદ્ધ કેન્દ્ર તરીકે પ્રચારીત કરવાની મોદીની ઈચ્છા કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

તેમની આ મુત્સદી વિદેશ નીતિ પ્રભાવી બનાવવાની સાથે ટૂરિઝમ દ્વારા દેશની આવકમાં વધારો કરવાની પણ છે. મોદીએ આ કાર્યક્રમમાં કહ્યુ કે 21મી સદી એશિયાની સદી હશે. તેમાં કોઈ પણ શંકા નથી. ત્યાર બાદ તેમણે કહ્યુ કે બુદ્ધ વગર આ સદી એશિયાની સદી બની શકે નહીં. મોદી સરકાર સ્પષ્ટપણે બૌદ્ધધર્મને વિદેશનીતિના કેન્દ્રમાં રાખીને સમગ્ર ક્ષેત્રમાં કામ કરી રહી છે. સંકેત મળી રહ્યા છે કે મોદી રાજકીય અને ઈકોનોમિક ડિપ્લોમસીમાં બુદ્ધપુલ દ્વારા ભારતને સોફ્ટ પાવર તરીકે રજૂ કરવા ઈચ્છે છે. તેનાથી ચીન સાથે મુકાબલો કરવામાં મદદ મળશે.. તો મ્યાંમાર.. થાઈલેન્ડ.. કમ્બોડિયા અને શ્રીલંકા જેવા દેશોમાં મઠોના નિર્માણ અને સંરક્ષણ દ્વારા બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.

ભારત બૌદ્ધ ધર્મનું સ્વાભાવિક ઠેકાણું છે. માનવામાં આવે છે કે નેપાળના લુમ્બિની ખાતે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. પરંતુ તેમણે બોધગયા ખાતે પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. ભારતમાં એક સમયે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ હતું. તો દલિતોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના ટેકેદારો સાથે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. એટલે મોદીની આ બૌદ્ધ ડિપ્લોમસી ઘરઆંગણાના રાજકારણમાં બૌદ્ધ બની ચુકેલા દલિત વર્ગને પણ આકર્ષી શકે છે. વળી સંઘની વિચારધારા પ્રમાણે બૌદ્ધ અને હિંદુ ધર્મને અલગ માનવામાં આવતા નથી. વળી હિંદુ-બૌદ્ધ સમન્વય માટે આયોજનબદ્ધ કોશિશો પ્રભાવીપણે આગળ વધારવામાં આવી છે. ત્યારે બૌદ્ધ ડિપ્લોમસીને લઈને મોદી સરકારની મોટી યોજનાઓ સમજી શકાય તેમ છે.

ભારતને એશિયા ખાતે બૌદ્ધ ડિપ્લોમસીનો બેવડો ફાયદો થઈ શકે છે. તેનાથી ડિપ્લોમસી સિવાય પર્યટકોને આકર્ષિત કરવામાં મોટી મદદ મળી શકે છે. દુનિયાના મોટામોટા નેતાઓને બોધગયા અને સારનાથ જેવા બૌદ્ધ ધર્મના આસ્થા કેન્દ્રો સુધી લાવી શકાય છે. મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે.. ત્યારે બૌદ્ધ ધર્મના મહત્વના સ્થાનો ધરાવતા દેશોમાં બૌદ્ધ મંદિરોના દર્શને અવશ્ય જાય છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં જાપાન પ્રવાસ દરમિયાન તેમણે મશહૂર બૌદ્ધ મંદિરો તોજી અને કિનુકાકુજીમાં પ્રાર્થના કરી હતી. તો શ્રીલંકાના વિદેશ પ્રવાસમાં તેમણે કોલંબોના મહાબોધિ મંદિરમાં બૌદ્ધ સંન્યાસીઓને સંબોધિત કર્યા હતા અને અનુરાધાપુરા ખાતે મહાબોધિ વૃક્ષ નીચે પ્રાર્થના પણ કરી હતી. નેપાળ અને ભૂટાનના પ્રવાસ દરમિયાન પણ મોદી ત્યાંની સંસદોને સંબોધિત કરતી વખતે ભગવાન બુદ્ધને યાદ કરવાનું ચુક્યા ન હતા.

તો ચીન,મંગોલિયા અને સાઉથ કોરિયાના વિદેશ પ્રવાસમાં પણ મોદીની બુદ્ધ ડિપ્લોમસી નજરે પડી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હોમ ટાઉન શિયાનમાં ગ્રેટ વાઈલ્ડ ગુજ પેગોડા છે. તે પ્રખ્યાત બૌદ્ધ તીર્થયાત્રી યુ-એન-સાંગને સમર્પિત છે. કહેવમાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરનો પણ બૌદ્ધ ધર્મ સાથે ખૂબ મજબૂત નાતો રહ્યો છે અને યુ-એન-સાંગે ભારત પ્રવાસમાં વડનગરની પણ મુલાકાત લીધી હતી. શિયાનના બૌદ્ધ મઠમાં યુ-એન-સાંગે 1400 વર્ષ પહેલા પોતાની ભારત યાત્રાનું વિવરણ લખ્યું હતું. ભારતે ગત વર્ષ માર્ચ માસમાં બૌદ્ધ વૃક્ષનો છોડ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ મોકલ્યો હતો. તે હવે 160 સેન્ટિમીટર ઉંચો થઈ ગયો છે. દક્ષિણ કોરિયા આ બૌદ્ધ વૃક્ષ લગાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી આમ તો ઈશ્વર તરફ પહેલેથી જ ભક્તિભાવ ધરાવે છે. મોદીનો ઈશ્વર તરફનો આ ભક્તિભાવ તેમની આધ્યાત્મિક પ્રકૃતિનો પુરાવો છે કે લોકચાહના પ્રાપ્ત કરવાની ઘેલછા છે? તાજેતરમાં તેમના બુદ્ધમ શરણ ગચ્છામિ કરવા પાછળનું રહસ્ય પણ ખૂબ જ રસપ્રદ છે. જેમાં ચીન સાથે સારા સંબંધો બનાવવા માટેની એક સંભાવના પણ તેઓ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બુદ્ધ પૂર્ણિમા દિવસ સમારંભનું દિલ્હી ખાતે સરકાર દ્વારા આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમ માટે સરકારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજૂના વડપણ હેઠળ એક આયોજન સમિતિની રચના કરી હતી. આ આયોજનને ખાસ માનવામાં આવે છે. માત્ર બે વખત સરકારી સ્તરે આવા કાર્યક્રમો આયોજિત થયા છે. સૌથી પહેલા જવાહરલાલ નહેરુની સરકારમાં 2500મી બુદ્ધ જયંતી નિમિત્તે બોધગયામાં મોટા સરકારી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ કુશીનગર ખાતે 2007માં તત્કાલિન મનમોહનસિંહની સરકારે ભગવાન બુદ્ધના 2550મા પરિનિર્વાણ દિવસે સરકારે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે આઠ વર્ષ બાદ મોદી પણ ભગવાન બુદ્ધની શરણમાં પહોંચી ગયા છે. મોદી સરકાર દ્વારા બુદ્ધ પૂર્ણિમાનું આટલા મોટા સ્તરે આયોજન કરવાનો ઉદેશ્ય પણ ઘણો રોચક છે.

મોદીએ પોતાના જન્મસ્થાન વડનગર સાથે બૌદ્ધ ધર્મના સંબંધની વાત એક મોટા મકસદ સાથે રજૂ કરી છે. આ ઉદેશ્ય પાછળ 9 વર્ષ પહેલા ચીનના હાંગ્જોઉ ખાતે યોજાયેલા એક કાર્યક્રમની વિગતો જાણવી જરૂરી છે. ચીનના હાલના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ત્યારે રાષ્ટ્રપ્રમુખ ન હતા. પરંતુ બૌદ્ધ ધર્મને માનનારા જિનપિંગે એક મોટી યોજના ચીનની સામે રજૂ કરી હતી. તેમની ઈચ્છા ચીનને બૌદ્ધ ધર્મના એક મોટા કેન્દ્ર તરીકે રજૂ કરવાની છે. તેના કારણે 2009 અને ત્યાર બાદ 2012માં ચીને વર્લ્ડ બુદ્ધિસ્ટ ફોરમનું આયોજન પણ કર્યુ હતું. તેથી દુનિયામાં ચીનને બૌદ્ધ ધર્મના સૌથી મોટા અને મહત્વના કેન્દ્ર તરીકે પ્રચાર મળવો શરૂ થઈ ગયો હતો. આ મામલે ભારત ચીનથી પાછળ પડવા લાગ્યું. આ એ જ ભારત છે કે જ્યાં અઢી હજાર વર્ષ પહેલા ભગવાન બુદ્ધે જ્ઞાનની પ્રાપ્તિ કરીને બૌદ્ધ ધર્મનો પાયો પણ નાખ્યો હતો. ચીનની બૌદ્ધ કેન્દ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત થવાની હિલચાલથી ભારત સરકાર સફાળી જાગી અને આયોજનો શરૂ કર્યા. જેના કારણે બુદ્ધ પૂર્ણિમા પર એક આયોજનની કોશિશ 2011માં યુપીએ સરકારે પણ કરી હતી.

જો કે મનમોહનસિંહની સરકારે મ્યાંમારમાં બૌદ્ધ ચિંતનનો અભ્યાસ કરનારાઓનો સૌથી મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં મદદ કરી હતી. પરંતુ તેની મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય બુદ્ધ પૂર્ણિમા સમારંભના આયોજન જેવી નોંધ લેવાઈ ન હતી. મોદીએ સત્તામાં આવ્યા બાદ ચીનની આ કોશિશોનો જવાબ આપવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ભારતને બૌદ્ધ ધર્મના સૌથી મોટા કેન્દ્ર તરીકે રજૂ કરવા માટે વડાપ્રધાન મોદીએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા બૌદ્ધ ધર્મીઓની બહુમતી ધરાવતા સૌથી વફાદાર પાડોશી દેશ ભૂટાનની કરી.. તો દક્ષિણ એશિયા બહાર તેમણે પહેલો પ્રવાસ જાપાનનો કર્યો હતો.

જિનપિંગની ભારત મુલાકાતમાં અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે પોતાના હોમટાઉન વડનગરનું બૌદ્ધ ધર્મ સાથેનું કનેક્શન રજૂ કરીને તેને આંતરરાષ્ટ્રીય મીડિયાના એજન્ડામાં લાવવાની કોશિશ કરી હતી. ચીન પ્રવાસ દરમિયાન મોદી જિનપિંગના હોમટાઉન ખાતે બૌદ્ધ પેગાડાની મુલાકાત લઈને બંને નેતાઓના વ્યક્તિગત સંબંધોમાં એક નવું આયામ જોડી રહ્યા છે.

ટૂરિઝમના વિકાસ માટે કોશિશો કરી રહેલી મોદી સરકારને બુદ્ધ ડિપ્લોમસીથી પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં પણ મોટો ફાયદો થવાની આશા છે. એશિયામાં હિંદુ.. મુસ્લિમ.. બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ રહે છે. તેઓ પોતાના ધર્મોના મૂળિયા સાથે જોડાવા માટે તીર્થયાત્રી તરીકે આસ્થાકેન્દ્ર સુધી જાય છે. ભારતમાં હિંદુઓ બાદ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટેના મહત્વના વારસાનું અસ્તિત્વ છે.

મોદી સરકાર બૌદ્ધ ટૂરિજ્મ સર્કિટ વિકસિત કરવા ઈચ્છે છે. જેમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે બોધગયા.. સારનાથ જ્યાં તેમને પહેલું શિક્ષણ મળ્યું... રાજગીર જ્યાં તેઓ રહ્યા અને ભિક્ષાટન કરતા હતા. નાલંદામાં બૌદ્ધ સાહિત્યનો મોટો ભંડાર હતો. કુશીનગર ખાત ભગવાન બુદ્ધે પોતાનો આખરી જીવનકાળ વ્યતિત કર્યો હતો. કપિલવસ્તુમાં ભગવાન બુદ્ધે બાળપણ વિતાવ્યું હતું. વૈશાલી ખાતે બુદ્ધે પોતાનો આખરી ઉપદેશ આપ્યો હતો. તો શ્રાવસ્તી ખાતે તેમણે પોતાના જીવનકાળના 24 વર્ષ વીતાવ્યા હતા.

આવી મહત્વની 10 જગ્યાઓ પર મોદી સરકાર દુનિયાભરના બૌદ્ધ તીર્થયાત્રીઓને બોલાવવા ઈચ્છે છે અને તેના માટે બજેટમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. મોદી સરકાર બુદ્ધ ટૂરિજ્મ સર્કિટ માટે ફેઝ ટુમાં 17 રાજ્યોના બૌદ્ધ સ્મારકોને પણ જોડવાની યોજના પર કામ કરવાની છે. મહત્વપૂર્ણ છે કે 2013માં ચીનને 2014ની સરખામણીએ ટૂરિજ્મથી થયેલી કમાણીમાં 14 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ 2010થી 2015 વચ્ચે પ્રવાસીઓથી ભારતની આવકમાં માત્ર 8 ટકાનો ફાયદો થવાનું અનુમાન છે. એટલે કે ચીનના મુકાબલે ભારતને અડધી કમાણી થઈ છે. ત્યારે દક્ષિણ એશિયામાં બૌદ્ધ ટૂરિસ્ટોને ભારત પોતાને ત્યાં ખેંચીને ચીનને એક મોટો ધોબીપછાડ આપવા ઈચ્છી રહ્યું છે.

આંકડા દર્શાવી રહ્યા છે કે બૌદ્ધ તીર્થયાત્રીઓને આકર્ષવામાં ભારત ઘણું પાછળ છે. થાઈલેન્ડમાં 33 ટકા.. નેપાળમાં 13 ટકા.. ચીનમાં 13 ટકા બૌદ્ધ તીર્થયાત્રીઓ જાય છે. તો જાપાનમાં 10 ટકા અને કમ્બોડિયામાં સાત ટકા બૌદ્ધ શ્રદ્ધાળુઓ પહોંચે છે. ગત વર્ષના આંકડા પ્રમાણે ચીનમાં લોકોની આવક વધતા હવે તેઓ વધુ નાણાં ખર્ચી રહ્યા છે. ગત વર્ષે 10 કરોડ ચીની પર્યટકોએ દુનિયાભરના દેશોનો પ્રવાસ કર્યો હતો. ત્યારે બૌદ્ધ ધર્મમાં માનતા કમ્યુનિસ્ટ ચીનના આવા પ્રવાસીઓને પણ ભારત ખાતેના બૌદ્ધ વારસા સુધી આકર્ષિત કરવાની મનસા મોદી સરકાર ધરાવે છે.

મોદી સરકારને માત્ર તીર્થયાત્રીઓ જ જોતા નતી. પરંતુ એશિયામાં સૌથી વધુ બૌદ્ધ ધર્મી લોકો ધરાવતા જાપાન.. ભૂટાન.. મ્યાંમાર.. શ્રીલંકા.. થાઈલેન્ડ સહીતના દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ શરૂ કરવા ઈચ્છે છે. વાજપેયીની લુક ઈસ્ટ પોલિસીને મોદી એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવા માંગે છે. તેના માટે સંયુક્ત સાંસ્કૃતિક વારસાની ડોરથી બંધાયેલી મોદીની અત્યાર સુધીની વિદેશ નીતિમાં બુદ્ધ ડિપ્લોમસીની એક મોટી ભૂમિકા રહેલી છે.

મોદી @ 365 : ઈન્ડિયન ઈકોનોમીનો કાડિયોગ્રામ, તબિયત સુધારા પર પણ સારવાર જરૂરી

- આનંદ શુક્લ
વાજપેયી સરકારમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ખાતાના કેબિનેટ પ્રધાન રહેલા જાણીતા પત્રકાર અરુણ શૌરીના મતે મોદી સરકારની આર્થિક નીતિ એટલી આશાજનક રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના સમયગાળામાં ઈન્ડિયન ઈકોનોમીનો મળી રહેલો કાડિયોગ્રામ દર્શાવે છે કે અર્થતંત્રનું આરોગ્ય પહેલાની સરખામણીએ ચોક્કસ સુધર્યું છે. પરંતુ તેમ છતાં નિરાશાજનક સ્થિતિ પેદા થવાના કેટલાંક નક્કર કારણો પણ છે. મોદી સરકારની એટલા માટે પણ ટીકા થઈ રહી છે કે જેટલી ઝડપની આશા રાખવામાં આવી હતી તેટલી ગતિથી અર્થતંત્રની હાલત સુધારવા માટે ઘણાં નક્કર કામ કરવાના હજી બાકી છે.

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળને વિકાસ માટેના સુવર્ણકાળ તરીકે ભારતભરમાં અને દુનિયામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા પ્રચારીત કરાયો છે. મોદીના મુખ્યપ્રધાનથી વડાપ્રધાન થવા સુધીની સફરમાં વિકાસના ગુજરાત મોડલનો ઘણો મોટો ફાળો છે. આવા સંજોગોમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું એક વર્ષ વિકાસના મામલે પણ સમીક્ષકોના અભ્યાસનો વિષય છે. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસ અને તેના માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવવાની મોદી સરકારની મનસા છે. જો કે તેમાંથી ઘણી બધી બાબતો હજી ખૂબ પ્રાથમિક સ્તરે છે. પરંતુ મોદી સરકાર વિકાસનો નક્શો અમલી બનાવવામાં કામિયાબ થાય તો આગામી દશકામાં ભારત મોટી હરણફાળ ભરી શકે તેમ છે.

મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા વેન્ટિલેટર પર પહોંચી હોવાની ટીપ્પણીઓ મોદી અને ભાજપના નેતાઓ કરતા રહ્યા છે. અત્યારે મોદી સરકારને એક વર્ષમાં ઘણું બધું કર્યું છે.. આર્થિક નીતિને સ્થિર કરવા માટે સારા પ્રયત્નો કર્યા છે. રૂપિયો હવે ડોલર સામે સ્થિર થઈ રહ્યો છે. પણ મનમોહનસિંહના કાર્યકાળ કરતા ઘણો મોટો ફરક હજી સુધી દેખાયો નથી. આવા સંજોગોમાં મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં વિકાસ દર ગતિ પકડતો દેખાયો છે. આંકડા પર નજર કરીએ તો...વર્ષ- 2012-13માં ભારતનો વિકાસ દર 5.1 ટકા હતો. 2013-14માં 6.9 ટકા અને 2014-15માં વિકાસ દર 7.4 ટકા રહેવાનું અનુમાન છે. હકીકતમાં આ અનુમાનો વાસ્તવિક નથી.. પરંતુ માત્ર પ્રચાર છે.. તેવું ભાજપના જ વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ એમના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે અને ગ્રોથ રેટ ન હોવાના કારણે નાણાં પ્રધાન અરુણ જેટલી અને આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન વચ્ચે મતભેદોના કારણે વ્યાજદરો ઘટતા નથી.

મોંઘવારી તાજેતરના વર્ષોમાં ભારતની જનતા માટે મોટી મુસીબત છે. યુપીએ સરકારના કાર્યકાળમાં પણ ફૂગાવામાં બેફામ વધારાથી જનતાને મહામુસીબતોનો સામનો કરવો પડયો છે. મોદી સરકાર પાસે મોંઘવારી પર કાબુ મેળવવાની મોટી અપેક્ષા જનતા રાખી રહી છે. આંકાડ જોઈએ તો મોંઘવારી અને ફૂગાવાનો દર ઘટયો છે. કન્ઝયૂમર પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે ગત એક વર્ષમાં ફૂગાવાનો દર 6.8 ટકાથી ઘટીને 5.2 ટકા થયો છે. તો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ પ્રમાણે ગત એક વર્ષમાં ફૂગાવાનો દર 5.7 ટકાથી – 2.3 ટકા થયો છે. આ આંકડાઓ સરકારી ફાઈલોમાં ચોક્કસ ઘટયા છે... પરંતુ ફાઈલોમાં ઘટેલી મોંઘવારીથી જનતાને કોઈ રાહતનો અનુભવ થઈ રહ્યો નથી.

વહીવટીય ખર્ચને કારણે દર વર્ષે નાણાંકીય ખાદ્ય થતી હોય છે. સરકાર આવી નાણાંકીય ખાદ્યને જીડીપીના ચાર ટકાથી નીચે લઈ જવાનું લક્ષ્ય રાખે છે. આંકડા જોઈએ તો... 2014ના નાણાંકીય વર્ષમાં નાણાંકીય ખાદ્ય જીડીપીના 4.4 ટકા હતી. જ્યારે 2015માં નાણાંકીય ખાદ્ય જીડીપીના 4.1 ટકા રહી છે. જ્યારે 2016ના વર્ષમાં નાણાંકીય ખાદ્ય જીડીપીના 3.9 ટકા સુધી લઈ જવાની સરકારની ગણતરી છે. પરંતુ ખુદ વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો અને ઓબામા.. જિનપિંગ જેવા વિદેશી મહેમાનોની આગતા-સ્વાગતામાં કરતા ખર્ચીલા તામજામનો ફાળો પણ વહીવટીય ખર્ચમાં નાણાંકીય ખાદ્યને વધારવામાં કારણભૂત છે.

મોદી સરકારના એક વર્ષના ગાળામાં બહારી આર્થિક પરિવર્તનો સામે પ્રતિરોધક ક્ષમતા ભારતે સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત કરી લીધી છે. આંકડો જોઈએ તો... 2013ના નાણાંકીય વર્ષમાં વિદેશી હૂંડિયામણનું ભંડોળ 292.6 અબજ ડોલર હતું. 2014માં 303.7 અબજ ડોલર અને 2015માં વિદેશી હૂંડિયામણનું ભંડોળ 343.9 અબજ ડોલરનું રહ્યું છે.  2013ના વર્ષમાં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 4.7 ટકા, 2014માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ જીડીપીના 1.7 ટકા અને 2015માં તે 1.3 ટકા રહ્યું છે. જો કે ભારતનું ચલણ રૂપિયો ડોલરની સરખામણીએ જેટ સ્પીડથી ઘટી રહ્યો હોવાનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો. 1 જાન્યુઆરી-2015માં એક ડોલરની કિંમત 63.164 રૂપિયા.. 1 ફેબ્રુઆરી-2015ના રોજ એક ડોલરની કિંમત 62.097 રૂપિયા, 1 માર્ચ-2015ના રોજ ડોલરનો ભાવ 61.644 રૂપિયા, 1 એપ્રિલ-2015ના રોજ ડોલરની કિંમત 62.32 રૂપિયા અને 6 મે-2015ના રોજ ડોલરની કિંમત 63.35 રૂપિયા હતો. જો તેની સરખામણી મનમોહનસિંહની સરકારના કાર્યકાળમાં આ સમયગાળા સાથે કરવામાં આવે.. તો 1 જાન્યુઆરી-2014ના રોજ ડોલરના 61.905 રૂપિયા હતા. 1 ફેબ્રુઆરી-2014ના રોજ ડોલરના 62.5 રૂપિયા, 1 માર્ચ-2014ના રોજ ડોલરના 61.831 રૂપિયા, 1 એપ્રિલ-2014ના રોજ ડોલરના 59.96 રૂપિયા ચુકવવા પડતા હતા. જો કે 6 મે-2014ના રોજ ડોલરના 60.20 રૂપિયા હતા.  આમ મોદી હોય કે મનમોહન  રૂપિયાની તબિયતમાં કોઈ મોટો સુધારો દેખાયો નથી.

મોદી સરકારના એક વર્ષના કાર્યકાળ દરમિયાન રોકાણમાં તબક્કાવાર ઝડપ આવી રહી છે. 2013માં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન -0.3 ટકા, 2014માં 3.0 ટકા અને 2015માં 4.1 ટકા રહ્યું છે. મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા જેવા પ્રોજેક્ટ સાથે ઔદ્યોગિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છે છે. પરંતુ માંદુ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે ચિંતાનો વિષય બની ચુક્યું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો દર મે-2014માં 5.6 ટકા હતો. ઓક્ટોબર-2014માં – 2.7 ટકા અને ફેબ્રુઆરી-2015માં 5.0 ટકા રહ્યો છે.

ભારતના અથતંત્રનો મોટો આધાર સેવા ક્ષેત્રો પર છે અને નિશ્ચિતપણે સારા ચોમાસાથી કૃષિ ક્ષેત્ર પણ ઓક્સિજન પુરું પાડતું રહે છે. ભારતીય અર્થતંત્રના વિકાસની પ્રક્રિયાની આગેવાની કરી શકે તેવો ઔદ્યોગિક વિકાસ દર હજી સુધી પ્રાપ્ત કરી શકાયો નથી. તેના માટે કારોબાર સ્થાપિત કરવામાં મુશ્કેલી.. મોટા રોકાણની જરૂરિયાત.... રોકાણકારોનો ઓછો ભરોસો.. મૂળભૂત માળખાગત સુવિધાનો અભાવ અને વર્ક કલ્ચરનો અભાવ પણ કારણભૂત છે. સાથે સ્કિલ્ડ લેબરની અછતે પણ ઔદ્યોગિક વિકાસના પાછળ રહેવામાં મોટી ભૂમિકા ભજવી છે.

મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના માપદંડો તરીકે કેટલાક કેન્દ્રીય ઉદ્યોગોના દેખાવને ધ્યાન પર લેવામાં આવે છે. આવા કેન્દ્રીય ઉદ્યોગમાં સિમેન્ટ.. સ્ટીલ.. ખાતર.. કોલસો, ક્રૂડ ઓઈલ.. નેચરલ ગેસ.. રિફાઈનરી ઉત્પાદનો અને વીજળીનો સમાવેશ થાય છે. માર્ચ-2015ના આંકડા દર્શાવે છે કે આ સેક્ટરનો વિકાસ હકીકતમાં 0.1 ટકા સાથે સમેટાયો છે. આ દેખાવ ઓક્ટોબર-2013 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે.

ફેબ્રુઆરી-2014માં વિકાસ દર 6.1 ટકા હતો અને ફેબ્રુઆરી-2015માં 1.4 ટકાના વધારા સાથે આગળ વધી રહ્યો છે. 2014-15ના નાણાંકીય વર્ષમાં ઉદ્યોગોના આ સેક્ટરમાં 3.5 ટકાનો વિકાસ દર નોંધાયો હતો. આ ઔદ્યોગિક વિકાસ દર ગત 6 વર્ષમાં સૌથી નીચો છે. કોર ઈન્ડસ્ટ્રીનું ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં યોગદાન 38 ટકા જેટલું છે. માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ઉદ્યોગોનું મહત્વ અને જરૂરિયાતને જોતા તાજેતરના આંકડા ચિંતા ઉપજાવનારા છે. તેનાથી આ સેક્ટરોમાં સૂચક મંદીનો સંકેત મળે છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને ફરીથી ચેતનવંતુ બનાવવા માટે રોકાણકારોને પ્રોત્સાહનની તાતી જરૂરિયાત છે. કાચામાલની સપ્લાઈમાં અડચણ, તેના માટે અપુરતી માંગ અને સંબંધિત આર્થિક નીતિના મુદ્દાઓને સારી રીતે સમજવા જરૂરી છે અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે ઉદ્યોગોવાર પગલા લેવા જરૂરી છે. તો બીજી તરફ ભારતીય રિઝર્વ બેન્ક પર વ્યાજદરો ઘટાડવા માટેનું દબાણ વધી રહ્યું છે. પરંતુ આરબીઆઈનો સંરક્ષણાત્મક સૂર અને ફૂગાવાના દરને કાબુમાં રાખવાની પ્રાથમિકતાને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા હાલ દેખાતી નથી. જો કે એક વર્ષના આંકડા અને એક માસના તાજેતરના ડેટા કોઈપણ સંપૂર્ણ નીતિગત નિષ્કર્ષ સુધી પહોંચવા માટે પુરતા નથી. પ્રવર્તમાન ટ્રેન્ડથી સંકેત મળી રહ્યા છે કે મંદી તરફ ઔદ્યોગિક ક્ષેત્ર આગળ વધી રહ્યું છે અને આવા સંજોગોમાં ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટજી પર પુનર્વિચારણા દેશના અર્થતંત્રના સારા આરોગ્ય માટે જરૂરી છે.