બુધવાર, 7 ઑક્ટોબર, 2026

પં. દીનદયાલ દિગ્વિજય દિગ્દર્શન-4: જાતિવાદ એક રોગ છે, હિંદુસ્થાનને હિંદુસ્થાન રહેવા દો

- આનંદ શુક્લ

ભારતમાં જ્ઞાતિ-જાતિવાદ સમાજની રગ-રગમાં ફેલાયેલો છે. તેનો ફાયદો ભૂતકાળમાં આક્રમણખોરોએ ઉઠાવ્યો હતો અને હવે સ્વતંત્રતા બાદ રાજકારણમાં સત્તા સાધકો વારંવાર ઉઠાવી રહ્યા છે. ભારતની લોકશાહીને ટોળાશાહીમાં બદલી નાખવામાં આવ્યું છે. મત સમીકરણોના આધારે મોટું ટોળું ઉભું કરીને જીતી જવું પછી ફલે તે વોટ 50 ટકાથી પણ ઓછા હોય. આ ભારતીય રાજકારણની સ્વતંત્રતા પછીની તાસિર રહી છે. આવી રીતે 50 ટકાથી ઓછા વોટથી થતી ઉમેદવારોની જીત કે કોઈ પક્ષની જીત હંમેશા ભારતમાં અલ્પમત કે લઘુમતની સરકારને જ સત્તા સોંપતી રહી છે. હા, જીતનાર સૌથી વધુ વોટ મેળવે છે. પરંતુ તેને મળેલા કુલ વોટ કુલ મતદારો કે થયેલા વોટિંગના 50 ટકાથી મોટાભાગે ઓછા જ હોય છે. આ લોકશાહીને વધુ મજબૂત અને તાર્કિક બનાવનારી સ્થિતિ નથી. વોટ જોડવા જેવી રીતે જાતિવાદ ચલાવાય છે, તેવી રીતે વોટ તોડવા માટે મત સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પણ ઉભા રાખવામાં આવે છે. 


ભારતમાં જાતિગત વસ્તીગણતરી એટલે કે કાસ્ટ સેન્સસ ચાલી રહ્યો છે અને તેના આંકડા સંભવત 2027ના મધ્ય સુધીમાં દેશ-દુનિયાની સામે હશે. 1931 બાદ બીજીવાર કાસ્ટ સેન્સસ થઈ રહ્યો છે. 1931માં આઝાદી પહેલા અને હવે આઝાદી બાદ જાતિગત વસ્તીગણતરી થઈ રહી છે. આ દરમિયાન ઘણાં ઉત્તરપ્રદેશ, ગુજરાતથી માંડીને મોટાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં જાતિવાદી રાજકારણનો લિટમસ ટેસ્ટ પણ થવાનો છે અને આ ચૂંટણીઓ હિંદુત્વવાદી રાજનીતિ માટે એક અગ્નિપરીક્ષા હશે. આની ફાઈનલ 2029ની લોકસભાની ચૂંટણીમાં યોજાશે. 


વસ્તી આધારે અનામત આપવાની માગણી કરીને 50 ટકા મહત્તમ અનામતની સુપ્રીમ કોર્ટે બાંધેલી મર્યાદાથી વધુ અનામત આપવાની માગણી પણ વિવિધ રાજકીય પક્ષો કરી રહ્યા છે. 

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જાતિવાદને રોગ ગણાવ્યો હતો અને તેમણે આના સંદર્ભે સ્પષ્ટ મત કર્યો હતો કે જાતિના આધારે રાજનીતિ યોગ્ય નથી. દુર્ભાગ્યે સ્વતંત્રતા પછી રાજનીતિમાં જાતિવાદનો ઉપયોગ બેફામપણે શરૂ થઈ ચુક્યો હતો. રાજકીય પક્ષોએ જાતિઆધારે વોટ માંગવાનું શરૂ કર્યું હતું અને આવી રાજકીય વૃત્તિ-પ્રવૃત્તિ, રાજકીય કુરીતિ સુધી વિસ્તરી છે. 


એક તરફ 1980ના દાયકામાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજનના કાર્યક્રમો સરકારોએ ચલાવ્યા. જેમાં ખાસ કરીને હિંદુ સમુદાય અને તેમાં પણ હિંદુઓની જનરલ કેટેગરીમાં આવતી જાતિઓમાં તેનો સૌથી વધુ પ્રસાર થયો. તેની અસર 1981થી માંડીને 2011 સુધીના સેન્સસમાં જોવા મળી છે. કોરોનાના કારણે 2021નો સેન્સસ થઈ શક્યો નહીં અને હવે હા-ના કરતાં કરતાં વિપક્ષના દબાણ હેઠળ 1931 બાદ આપણા દેશમાં પહેલીવાર જાતિગત વસ્તીગણતરી થઈ રહી છે. 


પં. દીનદયાલ ઉપાધ્યાયે વર્ષો પહેલા દેશના લોકો અને રાજકીય પક્ષોના નીતિ-નિર્ધારકોને સાવધ કર્યા હતા કે જાતિ અને સંપ્રદાયના વિચાર પણ ઉમેદાવારોની પસંદગીને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. કોંગ્રેસ તો આ કીચડમાં સંપૂર્ણપણે ફસાયેલી છે, પરંતુ વિરોધી દળોના પાલવ પણ સંપૂર્ણપણે સાફ નથી. (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


આનું કારણ સમજાવતા એકાત્મ માનવવાદના પ્રણેતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે પક્ષોનું વ્યાપક ન હોવું અને સુદ્રઢ સંગઠનાત્મક માળખાનો અભાવ પણ આનું કારણ છે. પરંતુ જાતિવાદની માત્ર ટીકા કરતાથી કામ નહીં ચાલે, જે માત્ર આમ કરે છે, તેઓ ખરેખર તેને વધારવામાં જ વધારે મદદગાર થયા છે.  (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


જાતિવાદ ભારતીય સમાજની હકીકત છે અને તેને કોઈ અવગણી શકે તેમ નથી. આને લઈને પં. દીનદયાલે કહ્યુ હતુ કે ભારતમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ જાતિનું અંગ છે. માટે બીજા પક્ષો પર જાતિવાદ અને સંકુચિતતાના આરોપ લગાવવાથી અજાણતા જ દેશમાં આ ભાવનને પરોક્ષપણે વધુ બળ મળે છે. (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


જાતિવાદનો સહારો લઈને મત માગનારાઓની ચૂંટણીમાં હારની ઘટનાને ટાંકીને તેમણે કહ્યુ હતુ કે અનુભવ પણ એ જણાવે છે કે જે ઉમેદાવરોએ જાતિવાદનો સહારો લઈને મતોની ભીખ માંગી, તે ખરાબ રીતે પરાજિત થયા, કારણ કે બીજી જાતિના મતદાતાઓમાં આની વિરુદ્ધ વ્યાપક પ્રતિક્રિયા થઈ અને તે તેમની વિરુદ્ધ થઈ ગયા. (પૃષ્ઠ-59, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ઉમેદવારોની પસંદગીને લઈને પોતાનો સ્પષ્ટ મત રજૂ કરતા કહ્યુ હતુ કે ઉમેદવાર નક્કી કરતી વખતે જાતિવાદનું આ ભૂત રાજકીય પક્ષોને ઘણું અસર કરે છે. પરંતુ જો ઉમેદવારમાં અન્ય તમામ યોગ્યતા વિદ્યમાન છે, તો હું એ વાતની ચિંતા કરવાને જરૂરી સમજતો નથી કે ઉમેદવાર કઈ જાતિ વિશેષનો છે. (પૃષ્ઠ ક્રમાંક 59-60, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


ડૉ. રામમનોહર લોહિયા એક દિગ્ગજ સમાજવાદી નેતા હતા અને તેમને એક ચૂંટણીમાં પોતાનો મતવિસ્તાર એટલા માટે બદલવો પડયો હતો, કારણ કે ત્યાં તેમની જ્ઞાતિના મતદાતાઓની સંખ્યા ઓછી હતી. ડૉ. લોહિયા ખુદ જાતિવાદમાં માનતા ન હતા. તેની સાથે તેઓ પછાત વર્ગ અને જાતિઓના લોકો માટે 60 ટકા બેઠકો સુરક્ષિત કરવાની માગણી પણ કરતા હતા. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આને ટાંકતા કહ્યુ હતુ કે ભારતમાં તે (ઉમેદવાર) જાતિ વગરનો વ્યક્તિ હોઈ શકે નહીં. પરંતુ જો પરિસ્થિતિ ત્યાં સુધી વણસે છે કે ડૉ. રામમનોહર લોહિયા જેવા વ્યક્તિને ચૂંટણીના મેદાનમાંથી એટલા માટે હટવું પડે કે તે સંબંધિત મતવિસ્તારમાં રહેતા મતદાતાઓની બહુમતી જેટલા નથી, તો આ ગંભીર વાત હશે. (પૃષ્ઠ-60, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આનું નિરાકરણ કરવાનો ઉપાય આપતા એમ પણ કહ્યુ કે પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં આવે, ન કે જાતિના આધારે મતદાતાઓને અપીલ કરવામાં આવે, જેવું કે સોશયલિસ્ટ નેતા ડૉ. લોહિયા પછાત વર્ગ અને જાતિઓના લોકો માટે 60 ટકા બેઠકો સુરક્ષિત કરવાની માગણી કરતા કરી રહ્યા છે. (પૃષ્ઠ ક્રમાંક-60, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


આ સિવાય ઉમેદવારોની પસંદગીમાં આર્થિક સ્થિતિ અને ચૂંટણીમાં ખર્ચ કરવાની ક્ષમતા બીજો મુખ્ય આધાર રહ્યો છે અને તે આને પ્રભાવિત કરે છે. આવા લોકોની વાત કરતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે ખરેખરમાં તેઓ (ધનબળ ધરાવનારા) જનતા અને રાજકીય પક્ષો પાસેથી તેમના મત અને ટિકિટ મેળવવા માટે આવતા નથી, પરંતુ તે ખરીદવા આવે છે. તેથી તેમના માટે કોઈપણ કિંમત ચુકવવી તેમના માટે વધારે નથી હોતી. સંસદની સદસ્યતા તેમના માટે પોતાની ચરબી વધારવા અને વધુ જાડા થવાનું સાધન હોવાને કારણ એક વેપાર છે. (પૃષ્ઠ ક્રમાંક - 60,દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016) )


ચૂંટણીમાં વિદ્વાન અને પ્રામાણિક લોકો ચૂંટણી હારી જવાને પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાય યોગ્ય માનતા ન હતા. મતદાતાઓને તેમનો આગ્રહ હતો કે ઉમેદવારોને ચૂંટતી વખતે પહેલા સિદ્ધાંત, પછી પાર્ટી, પછી વ્યક્તિનો ક્રમ રહે. આચાર્ય કૃપલાની અને આચાર્ય નરેન્દ્ર દેવ તથા ડૉ. બી. આર. આંબેડકર જેવા દિગ્ગજ અને વિદ્વાનોને પણ ચૂંટણી હારવાનો વારો આવ્યો હતો. 

આ તમામ નેતાઓ અન્ય પક્ષોના હોવા છતાં દીનદયાલજી ઈચ્છતા હતા કે સારા દેશભક્ત કાર્યકર્તાઓ ચાહે તે કોઈપણ પક્ષના કેમ ન હોય, વિજયી થઈને આગળ આવવા જોઈએ. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે જનસંઘના સંસ્થાપક સદસ્ય હોવા છતાં પણ ફૂલપુરની લોકસભા બેઠક પરથી ડૉ. રામમનોહર લોહિયા અને ઉત્તર મુંબઈથી આચાર્ય કૃપલાનીને જીતાડવા માટે જનસંઘના કાર્યકર્તાઓને તેમની ચૂંટણીમાં કામે લગાડયા હતા. 


ધનિક વર્ગના વધતાં પ્રભાવથી પણ પંડિત દીનદયાલજીએ જનતાને સાવધ કરતા કહ્યુ હતુ કે જો સમયસર આ તરફ ધ્યાન આપવામાં નહીં આવે, તો દેશની ધારાસભાઓમાં આ ધનિક વર્ગ પોતાનો પ્રભાવ વધારી લેશે અને આ સ્થિતિમાં હવે કોઈપણ સમસ્યા પર નિર્ણય રાષ્ટ્રીય હિતો અથવા લોકકલ્યાણના આધાર પર ભાગ્યે જ ક્યારેક થઈ શકશે. (પૃષ્ઠ ક્રમાંક - 60,61, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


પંડિત દીનદયાલ ઉપાધ્યાયની આ ચેતવણી 2026ના વર્ષમાં આપણે સાચી લાગે તેના પણ કારણો છે. દેશની ધારાસભાઓમાં જનપ્રતિનિધિઓમાં મોટાભાગના ધનાઢય છે અને પોતપોતાના વ્યાપારિક હિતો પણ ધરાવનારા છે. આ સાથે ઉત્તરોત્તર વધી રહેલા ચૂંટણી ખર્ચ જેમાં સત્તાવાર અને બિનસત્તાવાર ખર્ચ સામેલ છે, તે પણ દર્શાવે છે કે મની પાવર લોકશાહીનું ચીરહરણ કરી રહ્યો છે. 


પંડિત દીનદયાલજીએ હાકલ કરી હતી કે માટે એ રાજકીય પક્ષોએ જે દેશની રાજનીતિમાં મુખ્ય પક્ષ તરીકે વિકસિત થવા માંગે છે, આ ખતરાથી સચેત રહીને પોતાના સિદ્ધાંતોની હત્યા કરવી ન જોઈએ. (પૃષ્ઠ ક્રમાંક-61, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


જનતા કે જે લોકશાહીની માલિક છે, તેમને હાકલ કરતા પં. દીનદયાલે દિગ્વિજય દિગ્દર્શન કરતા કહ્યુ કે જનતાની પણ ફરજ છે કે તે જાગૃત રહીને બુદ્ધિમતા સાથે હંસની જેમ નીર-ક્ષીર વિવેકો પરિચય આપે, જેનાથી દેશના રાજકીય પક્ષોના ખોટા દ્રષ્ટિકોણને સુધારી શકાય. જો સમાજ ચાહે છે કે તેને કોઈ ઝુકાવી શકે નહીં, તો તે પોતાની શક્તિનો પરિચય આપે. (પૃષ્ઠ ક્રમાંક-61, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્ગય ખંડ-10, સંપાદક - ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન-નવી દિલ્હી, સંસ્કરણ-પ્રથમ (2016))


આપણે નાના હતા ત્યારે બધાંએ એક વાર્તા વાંચી હશે કે સાંભળી હશે. એક વૃદ્ધ પોતાની મરણ પથારીએ હતો. ત્યારે તેના ચાર પુત્રો કે જેમની વચ્ચે હંમેશા વિવાદ રહેતો હતો, તેમને પોતાની પાસે બોલાવીને દરેકને એક-એક લાકડી તોડવા માટે આપી. ચારેય પુત્રોએ તેને આસાનીથી તોડી આપી. પછી વૃદ્ધે આ લાકડીની સંખ્યા તબક્કાવાર વધારી, તો લાકડીઓ તૂટવી અઘરી બની અને પછી તેને તોડી શકાય નહીં. આ વૃદ્ધનો સંદેશ સ્પષ્ટ હતો કે એકતામાં જ શક્તિ છે. વિભાજિત થશો તો તૂટી જશો. ભારત કોઈ જનરલ, ઓબીસી, એસસી-એસટી સમુદાયોનો આગવો દેશ નથી. પણ આ જનરલ, ઓબીસી, એસસી-એસટી જેઓ હિંદુ તરીકે ઓળખાય છે અને જે હિંદુ છે, તેમનું સ્થાન છે- આ હિંદુસ્થાન છે. 

આમ તો હિંદુ રાષ્ટ્રવાચક શબ્દ છે અને તેને સંપ્રદાયવાચક તરીકે વાપરવામાં આવે છે. પણ ભારતનો રાષ્ટ્ર તરીકે, તેની પરંપરાઓ અને સંસ્કૃતિના પ્રવાહનો આદર કરનારા તમામ હિંદુઓ છે. સર્વે હિંદુ સહોદરા (સૌ હિંદુઓ એકબીજાના ભાઈ છે) અને હિંદુ ન પતિતો ભવેત (કોઈપણ હિંદુ પતિત નથી), એ સૂત્રો ભારતના રાષ્ટ્રીય જીવનના યથાર્થ છે. તેને વ્યવહારમાં લાવીને રાજકારણના આંટાપાટામાં જાતિવાદી રાજનીતિમાં એક-એક લાકડી બનવાને સ્થાને, જો હિંદુ તરીકે આપણે એક થઈશું તો આપણને કોઈ તોડી નહીં શકે. માટે જ હિંદુસ્થાનને હિંદુસ્થાન રહેવા દઈને તેને વિકાસપથના સર્વોચ્ચ શિખર પર લઈ જવા માટેના વાહક બનવા તરફ ધ્યાન કેન્દ્રીત કરીને આપણને, આપણા દેશને તોડવા મથતા દેશની અંદર અને બહારના, રાજકીય કે સામાજિક કીડાઓનો સંપૂર્ણ પરાભવ કરીએ, તેમને હરાવી દઈએ. 


સોમવાર, 5 ઑક્ટોબર, 2026

પં. દીનદયાલ દિગ્વિજય દિગ્દર્શન-3 : ભારતને 20 લાખની ભૂમિસેના, IAFને 200 સ્ક્વોર્ડનની જરૂર!

- આનંદ શુક્લ 


ભારતને વિશ્વગુરુ કે પશ્ચિમી ટર્મિનોલોજી મુજબ સુપરપાવર બનવું હોય, તો પોતાની સૈન્યશક્તિને વધુ મજબૂત કરવી અને વિસ્તારવી પડે તેમ છે. હાલ ભારતીય સેના ATLAS Military Index (2026), Global Firepower Index (2026), Military Strength Ranking (2026) અને WorldPowerStats Power Index (2026) મુજબ વિશ્વમાં ચોથા સ્થાને છે. આ તમામ ઈન્ડેક્સ મુજબ, ભારતીય સ સેનામાં 14 લાખથી વધુ સૈનિકો, 12 લાખ સુધીના રિઝર્વ સૈનિકો અને 25 લાખ જેટલા અર્ધલશ્કરી દળોના સૈનિકો છે. જો એરપાવરની વાત કરીએ તો, 2026ના WDMMA ગ્લોબલ એર પાવર રેન્કિંગ મુજબ ભારતીય એરફોર્સ વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ભારતીય એરફોર્સથી વધુ શક્તિશાળી વાયુસેનાઓમાં પહેલા સ્થાને અમેરિકા અને બીજા સ્થાને રશિયાની એરફોર્સનો સમાવેશ થાય છે. 


જો કે અમેરિકા અને રશિયાની વાયુસેનાઓ અને ભારતીય વાયુસેના વચ્ચેનું અંતર ઘણું મોટું છે. તો ચીનની વાયુસેના ભારતીય વાયુસેના કરતા રેન્કિંગમાં ભલે પાછળ હોય, પણ સંસાધનોની દ્રષ્ટિએ તેની પાસે વધુ શસ્ત્રસરંજામ હોવાનું વૈશ્વિક માપદંડોમાં સામે આવ્યું છે. 


હાલ વિશ્વમાં ભૂરાજકીય ઉથલ-પાથલો વચ્ચે બીજા વિશ્વયુદ્ધ પછીના સામરિક સમીકરણોમાં ઘણાં મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. 


રશિયા-યુક્રેન યુદ્ધ પછી શરૂ થયેલા ભૂરાજકીય પરિવર્તનોમાં ઈરાન સામે ઈઝરાયલ-અમેરિકાની સંયુક્ત કાર્યવાહી બાદ ચાલી રહેલા યુદ્ધની ઘણી મોટી ભૂમિકા છે. આ સિવાય સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલો મક્કા પેક્ટથી મુસ્લિમ નાટો જેવી કોઈ સૈન્ય ગઠબંધનની સ્થિતિની આગામી સંભાવનાઓ પેદા થઈ રહી છે. 


આ સંજોગોમાં ભારત સામે ચીન-પાકિસ્તાનના બે સ્થાયી ભૂરાજકીય અને સૈન્ય પડકારો વચ્ચે તેનો પરિઘ પણ વિસ્તાર પામે તેવી સંભાવના છે. ભારતના પાડોશમાં બાંગ્લાદેશમાં શેખ હસીના પદભ્રષ્ટ થઈને ભારતમાં આશ્રય મેળવ્યા બાદ સત્તામાં આવેલી નવી સરકાર પાકિસ્તાન તરફ ઝુકાવ ધરાવે છે અને તેને પણ મક્કા પેક્ટમાં રસ હોવાના સંકેત આપ્યા છે. આવા સંજોગોમાં આગામી સમયમાં ભારત સામે કોઈપણ યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ત્રણ દેશો સાથેના સીમાડાં સાચવવાનો મોટો સૈન્ય પડકાર પેદા થયો છે. આ સિવાય ભારતની અંદર પર ભારત વિરોધી પાંચમી કતારિયા અને આતંકવાદી સંગઠનોના સમર્થકોના મોડયુલ્સ થકી આંતરિક સુરક્ષાને લઈને પણ મોટો પડકાર આકાર પામી રહ્યો છે. 


આવા સંજોગોમાં વિકાસ પથ પર આગળ વધવા માટે સૈન્ય શક્તિ- સુરક્ષાને મજબૂત બનાવવી જરૂરી છે.

 

આવી સ્થિતિમાં હિંદી મેગેઝીન પાંચજન્યમાં 24 જાન્યુઆરી, 1966ના રોજ પ્રકાશિત પંડિત દીનદયાલ ઉપાધ્યાયના "સુરક્ષા અને વિકાસ પરસ્પર વિરોધી નહીં પુરક છે" શીર્ષક હેઠળના વિચારો ઘણાં માર્ગદર્શક છે.  પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું આ દિગ્વિજય દિગ્દર્શન જણાવે છે કે સુરક્ષા અને વિકાસ બંનેને આપણે સાથે લઈને નહીં, પણ એક સમજીને ચાલવું પડશે.... જો સુરક્ષા અને આર્થિક વિકાસને અલગ-અલગ રખાશે તો આ ઘણું વધારે ખર્ચાળ હશે. સુરક્ષાના બે ભાગ છે. કેટલાક અંશોમાં તો આપણે આપણી સેનાના તમામ અંગોને હંમેશા તૈયાર રાખવા પડશે. તેની સાતે બીજો એ ભાગ છે, જે સાધારણ શાંતિકાળમાં પોતપોતાના કામમાં રહે છે, પરંતુ યુદ્ધકાળમાં તે સંપૂર્ણ શક્તિ સાથે યુદ્ધ પ્રયાસમાં લાગી જાય છે. બીજી તરફ અત્યાર સુધી આપણું ધ્યાન ગયું જ નથી. સમય પડે જોશમાં સ્વેચ્છાપૂર્વક જે કંઈ સેના કરી દે છે, તે બસ યુદ્ધ અને શાંતિકાળનું અંતર છે. (પૃષ્ઠ ક્રમાંક-12,દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016  )


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આ વાત જ્યારે કરી હતી, ત્યારે 1962માં ચીન સામેના યુદ્ધમાં હાર અને 1965માં પાકિસ્તાનને હરાવવા છતાં તાશ્કંદ કરાર અને તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના રહસ્યમય નિધનની ઘટનાઓ બની ચુકી હતી. 


ત્યારે પંડિત દીનદયાલે સૈન્ય તાલીમને ફરજિયાત કરવાનું જણાવીને આનાથી સ્થાયી સેનાને મદદ થશે તેવો સ્પષ્ટ અભિપ્રાય પણ આપ્યો હતો. તેમણે ચીન-પાકિસ્તાનને લઈને કહ્યુ કે આ બંને આપણા પ્રાકૃતિક શત્રુ છે. તેમની સાથે સંઘર્ષ ટાળી શકાય તેમ નથી. જો આપણે પુરતી પ્રતિકાર શક્તિ પ્રાપ્ત કરી લીધી તો બની શકે કે તેમને આક્રમણ કરવાનું દુસ્સાહસ થાય નહીં. (પૃષ્ઠ ક્રમાંક- 11,દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016  )



ચીનની વિસ્તારવાદી નીતિનો ખતરો રજૂ કરતા પંડિત દીનદયાલે કહ્યુ છે કે કમ્યુનિસ્ટ ચીનનું ભારતની સીમાઓના પ્રત્યક્ષ અતિક્રમણ સિવાય દક્ષિણ-પૂર્વ એશિયામાં તેનો વિસ્તારવાદ પણ આપણા માટે સંકટનું કારણ છે. પશ્ચિમી સામ્રાજ્યવાદના ગયા બાદ આ દેશોમાં એક શક્તિશૂન્ય પેદા થયું છે. ચીન તેને ભરવાની કોશિશ કરી રહ્યું છે, અમેરિકા તેને રોકી રહ્યું છે. પરંતુ આ કામ તો સ્વાભાવિકપણે ભારતે જ કરવું પડશે, ત્યારે સફળતાથી થઈ શકશે. ભારતની સુરક્ષા માટે આ જરૂરી છે. (પૃષ્ઠ ક્રમાંક-11, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016 )


નાનકડી સેનાથી કામ નહીં ચાલે તેવું જણાવીને પં. દીનદયાલે કહ્યુ કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે આપણી આખી સીમા અકુદરતી છે. આપણી ઉત્તરીય સીમા જો કે કુદરતી છે, પરંતુ આજે તે આપણા માટે વધારે કઠિન પણ બની ગઈ છે. માટે આપણે એક નાનકડી સેના સાથે કામ ચલાવી શકીએ નહીં. આપણી પાસે પહાડ, રણ, મેદાન અને જળપૂર્ણ તમામ ક્ષેત્રોમાં લડવા લાયક સેના જોઈએ.  (પૃષ્ઠ ક્રમાંક-11, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016  )



પંડિત દીનદયાલજીએ તત્કાલિન સુરક્ષા યોજનાને અપુરતી ગણાવીને કહ્યુ હતુ કે શાસન માત્ર 8,25,000ની ભૂમિસેના અને 45 સ્ક્વોર્ડનની વાયુસેનાનું લક્ષ્ય રાખીને ચાલી રહ્યું છે. નૌસેના તરફ હજી કોઈ વિશેષ ધ્યાન નથી. જરૂરી છે કે આપણી ભૂમિસેના 20 લાખની હોય અને વાયુસૈન્ય શક્તિ 200 સ્ક્વોર્ડન સુધી હોવી જોઈએ. આપણા શસ્ત્રસરંજામ પણ આધુનિકત્તમ હોય, આપણી પોતાની સેનાને પરમાણુ શસ્ત્રોથી પણ સજ્જ કરવી પડશે.  (પૃષ્ઠ ક્રમાંક-12,  દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016  )



ભારતે 1974માં પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું અને 1998માં બીજા પરમાણુ પરીક્ષણો કર્યા. ભારત આજે પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર છે. 


તેમણે એમ પણ કહ્યુ હતુ કે સુરક્ષાદળ આપણે કેટલા અને કેવી રીતે વધારીએ, તેનો નિર્ણય મનસ્વીપણે કરી શકાય નહીં અને ન તેમાં પોતાની ગરીબી-અમીરીનું ધ્યાન જ રાખી શકાય છે. સ્વતંત્રતા આપણી સૌથી પહેલી જરૂરત છે. તેની સુરક્ષા તો કોઈપણ કિંમતે કરવી જ પડશે. પરંતુ ઢંગ અને વ્યાજબીપણાંથી કામ કરવામાં આવે તો આપણી ગરીબી આ માર્ગમાં બાધક નહીં થાય.  (પૃષ્ઠ ક્રમાંક-11, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016  )



પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે સુરક્ષાનો પ્રશ્ન એક- બે વર્ષનો નથી, પણ સ્થાયી છે. માટે આપણે કાયમી વ્યવસ્થા જ કરવી પડશે. આ ત્યારે શક્ય છે જ્યારે આપણે પોતાના સંપૂર્ણ આર્થિક ચિંતન અને આર્થિક યોજનાઓને સંપૂર્ણપણે બદલીને યથાર્થવાદી, સર્વસંગ્રાહક, એકાત્મ અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી વિચારીએ.  (પૃષ્ઠ ક્રમાંક-14, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-13, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016  )


પં. દીનદયાલ દિગ્વિજય દિગ્દર્શન-2 : સાચો સ્વયંસેવક કોણ?

- આનંદ શુક્લ

સ્વયંસેવક શબ્દ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના રાષ્ટ્રવાદી-હિંદુત્વવાદી સાંસ્કૃતિક સંગઠન સાથે જોડાયેલો છે. આ શબ્દનો અર્થ વિવિધ દ્રષ્ટિકોણથી કરાતો રહે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદસ્યો ખુદને સ્વયંસેવક ગણાવે છે અને આ સંગઠનના સદસ્યોને લોકો સ્વયંસેવક તરીકે ઓળખે છે. સામાન્ય રીતે લોકો સ્વયંસેવકનો અર્થ મફતમાં જેમની પાસેથી કામ લઈ શકાય છે, તેવા વ્યક્તિ તરીકે કરી શકે છે. કેટલીક સંસ્થાઓ અને સંગઠનોમાં કાર્યક્રમોના આયોજનોમાં મફતમાં કામ કરનારા લોકોને સ્વયંસેવકનું 'હુલામણું' ગણાવી શકાય તેવું નામ આપવામાં આવે છે અને આવા આયોજનોના સમાપ્ત થવાની સાથે જ આવા સ્વયંસેવક તરીકે ઓળખાતા લોકોનું સ્વયંસેવકત્વ પણ સમાપ્ત થઈ જાય છે. 


ભારતીય જનસંઘના સંસ્થાપક સદસ્ય અને એકાત્મ માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સાચા સ્વયંસેવકને લઈને પોતાના વિચારદર્શનમાં સૌનું માર્ગદર્શન કર્યું છે. પાંચજન્ય મેગેઝીનના 25 નવેમ્બર, 1963ના અંક મુજબ, નૈરોબીમાં બૌદ્ધિક વર્ગમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે "આપણે લોકો પોતાના માટે જે સ્વયંસેવક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તે ન તો થોડાક સમય માટે છે, ન નિશુલ્ક કામ કરવા માટે છે અને ન તો કોઈ અનુમતિ વગર ક્યાંય પણ પ્રવેશી જવા માટે જ છે. આ બધું સ્વયંસેવક માટે બનેલી નાનકડી વ્યવસ્થા છે. આપણે તો મોટી વ્યવસ્થા માટે સ્વયંસેવક બન્યા છીએ. " (પૃષ્ઠ ક્રમાંક -107 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


સ્વયંસેવકનું કાર્ય અને ધ્યેય સંદર્ભે પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે " ઘણી મોટી વ્યવસ્થા કરવી ઘણું મોટું કાર્ય છે. તેને સંપન્ન કરવા માટે જ આપણે સ્વયંસેવક બન્યા છીએ. આપણે આપણા સમાજનું સંગઠન કરવાનું છે. આપણો સમાજ જે ચીજને લઈને ઉત્પન્ન થયો છે, તે ધ્યેય ને, તે તત્વને આપણે સંપૂર્ણ માનવ જાતિ સુધી પહોંચાડવાનું છે." (પૃષ્ઠ ક્રમાંક -107 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે ખરાં સ્વયંસેવકત્વની વાત કરતા કહ્યુ છે કે "જો આપણે આપણા જીવનના મહાન ધ્યેય, મહાન લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છીએ, તો આપણે શ્રેષ્ઠ છીએ. આ આપણું વાસ્તવિક સ્વયંસેવકત્વ છે." (પૃષ્ઠ ક્રમાંક - 108, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસરસંઘાચલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને સ્વયંસેવકોના આદર્શ હોવાનું જણાવીને ક્હ્યુ છે કે "તેમણે (ડૉ. હેડગેવાર) સભા-સંસ્થાઓના મૌસમી સ્વયંસેવકોને એક બાજુ હટાવીને આપણને સ્થાયી સ્વયંસેવકત્વ પ્રદાન કર્યું છે. તેમણે સમાજ માટે દેશ માટે જીવિત રહાનારા લોકો પેદા કર્યા છે. તેમણે કહ્યુ છે કે દેશ માટે મરનારા લોકો શ્રેષ્ઠ છે, પરંતુ તેમનાથી પણ શ્રેષ્ઠ છે સમાજ માટે જીવનારા." (પૃષ્ઠ ક્રમાંક - 108 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આને સવિસ્તાર સમજાવતા કહ્યુ છે કે "વાસ્તવમાં જે ધર્મ અને સમાજ માટે જીવે છે, તે ધર્મ અને સમાજને માટે મરે પણ છે. જેણે પોતાનું આખું જીવન ધર્મમય બનાવ્યું છે, સમાજમય બનાવ્યું છે, તે આખરી સમયે સમાજ માટે જીવન આપી પણ શકે છે. તેની અંદર એક ધ્યેયવાદ, એક નિસ્વાર્થ સેવાનો ભાવ અને કર્તવ્યપરાયણતા હોય છે." (પૃષ્ઠ ક્રમાંક -108 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


પંડિત દીનદયાલજીએ હિંદુત્વને જ સ્વયંસેવકોનું સ્વયંસેવકત્વ જણાવીને ક્હ્યુ છે કે "આપણે લોકો પોતાને હિંદુ કહીએ છીએ. હિંદુનો અર્થ શું છે? કેટલાક લોકો કહે છે, જે મુસ્લિમ નથી, તે હિંદુ અથવા જે ખ્રિસ્તી નથી, તે હિંદુ. પણ આ વ્યાખ્યા યોગ્ય નથી. હિંદુ જીવનનો એક ભાવ લઈને ચાલે છે. સંપૂર્ણ સમાજ જ્યારે એક જ ભાવ લઈને ચાલે છે, તો તેને એક નામ મળે છે. તેના માટે આપણે સર્વસ્વ બલિદાન કરવા માટે તત્પર રહીએ છીએ." (પૃષ્ઠ ક્રમાંક -107 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


આના સંદર્ભે વધુ વાત કરતા પંડિત દીનદયાલે કહ્યુ છે કે "આપણું હિંદુત્વ જ આપણું સ્વયંસેવકત્વ છે. આપણે શાખામાં જ સ્વયંસેવક નથી, શાખાની બહાર પણ છીએ. જ્યાં હિંદુ એકઠા થાય છે, ત્યાં આપણે હિંદુ નથી, તેમની વચ્ચે પણ આપણે હિંદુ છીએ, કે જેઓ હિંદુ નથી. આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે તેમને લાગે કે હિંદુ તેજસ્વી હોય છે." (પૃષ્ઠ ક્રમાંક - 108, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


સ્વયંસેવકોએ કેવી રીતે કામ કરવાનું છે, તેનું દિગ્વિજય દિગ્દર્શન કરતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે "આપણે તો એ માનીને ચાલીએ છીએ કે હિંદુ સંસ્કૃતિ, હિંદુ પરંપરા, હિંદુ ધર્મ, હિંદુ જીવનધારા અને હિંદુ વ્યવહાર આ સૌના આપણે પ્રતિનિધિ છીએ. આ નાતે આપણા એ સ્વયંસેવક વધુમા વધુ તેજસ્વી બને અને વધુમાં વધુ લોકોને એકઠા કરીને એકસાથે ઉભા કરી શકે, આ ભાવ, આ વિચાર, આ ધ્યેય બરાબર પોતાના મનમાં જાગૃત રાખીને આપણે પોતાનું કાર્ય કરવાનું છે."(પૃષ્ઠ ક્રમાંક -108 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-11, સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી, પ્રથમ સંસ્કરણ- 2016)


તેથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એકવાર માટે પણ સંઘની પ્રાર્થના નમસ્તે સદા વત્સલે માતૃભૂમે... ગાનારો વ્યક્તિ આજીવન સ્વયંસેવક રહે છે. હા, આ વ્યક્તિ પછી સંઘમાં હોય કે સંઘમાં ન હોય, પણ તેનું સ્વયંસેવકત્વ કે જે તેણે સંઘની પ્રાર્થના ગાતી વખતે ધારણ કર્યું છે, તે તેની સાથે આજીવન રહે છે. જો કે હાલ રાજકીય અને સામાજીક વિવાદોમાં સંઘ સાથે ભૂતકાળમાં જોડાયેલા લોકો ખુદને સ્વયંસેવક ગણાવતા નથી હોતા કે સંઘના પ્રભાવને કારણે ખુદને સ્વયંસેવક ગણાવે છે, તેવા લોકો પંડિત દીનદયાલજીના દિગ્વિજય દિગ્દર્શનની અભિવ્યક્તિ મુજબ સ્વયંસેવક ગણી કે ગણાવી શકાય નહીં. આવા લોકો તકવાદી અને તકલાદી ગણાવી શકાય છે. 

રવિવાર, 4 ઑક્ટોબર, 2026

શંકરસિંહ વાઘેલાનું વિવાદીત નિવેદન 2027ની ચૂંટણી પહેલા KHAM 2.0નો પહેલો ગિયર, હિંદુત્વની રાજનીતિના મૂળિયાં ઉખાડવાનો ઈરાદો!

- આનંદ શુક્લ 


કાસ્ટ સેન્સસ એટલે કે જાતિગત વસ્તીગણતરીના આંકડા પહેલા ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ થકી હિંદુત્વની રાજનીતિના મૂળિયા ઉખાડવાની રણનીતિ પર કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહેલા શંકરસિંહ વાઘેલા આગળ વધી રહ્યા છે. તેમની એકમાત્ર રાજકીય મહેચ્છા ગુજરાતમાં ભાજપને હરાવવાની છે. જો કે આ આખા રાજકીય ખેલમાં ગુજરાતનો મુસ્લિમ તો "ટેકન ફોર ગ્રાન્ટેડ" જ રહી જવાનો!


શ્રાદ્ઘ પક્ષ પત્યા પછી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજકીય શ્રાદ્ધ સાથેની રાજકીય મહેચ્છા સાથે 86 વર્ષીય શંકરસિંહ વાઘેલા ફરીથી કૉંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. તેના પહેલા જ નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધી જયંતી પર કહ્યુ હતુ કે જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે. આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વડેફવાના સ્થાને સરકારને બદલી કાઢવી જોઈએ. શંકરસિંહ વાઘેલાએ અલગ ભીલિસ્તાન રાજ્યને સમર્થ આપતા કહ્યુ કે આખી દુનિયાને ખબર છે કે સૌથી દુ:ખી સમાજ આદિવાસી સમાજ છે. દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા લોકો અનામતના દુશ્મન છે. 


2027માં જાતિગત વસ્તીગણતરીના આંકડા સામે આવવાના છે. તેના પહેલા અનામતના રાજકારણની વિવિધ ચોપાટો દેશભરમાં ચાલી રહી છે. ગુજરાતમાં પણ આનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આદિવાસી આંદોલનમાં અનામતનો મુદ્દો ઉઠાવતા શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે 'અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો'


આ નિવેદન બાદ બ્રાહ્મણ, પટેલ અને વણિક આગેવાનોનએ નારાજગી વ્યક્ત કરીને માફીની માગણી કરીને ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી છે. 


પણ શંકરસિંહે કહ્યુ છે કે મેં જિંદગીમાં કોઈ નિવેદન ફેરવી તોળ્યું નથી. માફી માગવાનો સવાલ નથી. તેની સાથે ધમકી પણ આપી છે કે શંકરસિંહ સામે મજાક ન કરતા. હું ચિલાચાલુ પોલિટિશિયન નથી, જે કીધું છે તે ડંકાની ચોટ પર કીધું છે. 


KHAM થિયરી 2.0નો ફર્સ્ટ ગિયર


ગુજરાતમાં 1969ના હિંદુ-મુસ્લિમ રમખાણો બાદ રાજકીય ઋતુ બદલાઈ હતી. દેશભરમાં કૉંગ્રેસના તત્કાલિન આંતરિક જૂથવાદ અને વિપક્ષની એકતાની શરૂઆત પણ ગુજરાતથી જ થઈ હતી. ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં જનતા મોરચાની સરકાર પણ બની હતી. જો કે કટોકટીના કપરા રાજકીય કાળ બાદ જનતા પાસે બે જ વિકલ્પ હોવાથી તેમણે તો પેન્ડ્યુલમની જેમ એક પાર્ટીથી બીજી પાર્ટી તરફ વોટની દોટ મૂકવાની જ હતી. તેવામાં કટોકટી આવી અને તેની સામે આંદોલન થયા. પણ ગુજરાતમાં બદલાયેલી રાજકીય ઋતુને રોકવા માટે ગુજરાત કોંગ્રેસે ખામ થિયરી તરફ રાજકીય દોટ મૂકી હતી. 


KHAM થિયરી એટલે ક્ષત્રિય, હરિજન (અનુસૂચિત જાતિ), આદિવાસી અને મુસ્લિમ વોટરોના મત સમીકરણોથી ગાંધીનગરની ગાદી જાળવી રાખવાનો રાજકીય કારસો. આ રાજરમતની શતરંજ કોંગ્રેસના તત્કાલિન વરિષ્ઠ નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતાએ બિછાવી હતી. આ રાજકીય શતરંજ પર ચાલ ચાલવાનું મુખ્ય કામ માધવસિંહ સોલંકીના હાથમાં હતું. 1980માં કોંગ્રેસ આઈને 141 બેઠકો મળી હતી. ખામ થિયરીનું રાજકારણ તેના પછી આગળ વધ્યું અને ગુજરાતી બે મોટા અનામત આંદોલનો જોયા. 1985માં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. 1985માં કોંગ્રેસને મળેલી 149 બેઠકોનો રેકોર્ડ છેક 2022 સુધી અકબંધ પણ રહ્યો હતો. 


પણ 1990માં જનતાદળ- ભાજપના ગઠબંધનને ગુજરાતની જનતાએ કોંગ્રેસ વિરુદ્ધ મત આપીને જીતાડયું અને કોંગ્રેસને માત્ર 33 બેઠકો આપી હતી. તેના પછી ખામ થિયરીને ગુજરાતમાં હિંદુત્વના રાજકારણે રિપ્લેસ કરી. આમ તો હિંદુત્વના રાજકારણમાં પણ અંદરખાને જાતિવાદી રાજનીતિની સોગઠાંબાજી ચાલતી હોવાનું કોઈનાથી અજાણ્યું નથી. પણ ખામ થિયરીનો સંપૂર્ણ પરાભવ 1995થી 2022 સુધી ચાલુ રહ્યો. 


2015માં પાટીદાર અનામત આંદોલન થકી ફરી એકવાર ગુજરાતમાં જાતિવાદી રાજનીતિએ માથું ઉંચક્યું. 2017માં ભાજપને તેનું નુકશાન પણ થયું. પણ સત્તા ટકી શકી.

 

કોંગ્રેસ અને ભાજપ વિરોધી પાર્ટીઓના રણનીતિકારોનું ચોક્કસપણે માનવું છે કે ભાજપની જીતનું કારણ હિંદુઓની રાજકીય એકતા છે એટલે કે હિંદુત્વ છે. જો ભાજપને હરાવવું હોય તો હિંદુઓની રાજકીય એકતાને તોડવી પડે. તેના માટે હિંદુઓનો જાતિવાદી રાજકારણમાં ગુંચવીને પોતાના રાજકીય ઈરાદાઓને પાર પાડી શકાય છે. આના માટે ઘણી રાજકીય કોશિશો 2015થી જ ગુજરાતમાં ચાલુ છે. 


હવે શંકરસિંહ વાઘેલાએ બ્રાહ્મણ, પટેલ, વણિક સમાજને લઈને જે વિવાદીત નિવેદન કર્યું છે. તેનાથી એ સંકેત મળી રહ્યા છે કે ગુજરાતમાં ખામ થિયરી 2.0નો પહેલો ગિયર પડી ચુક્યો છે. 

2027ના આખરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા દેશમાં ચાલી રહેલા જાતિગત વસ્તીગણતરીના આંકડા પણ સામે આવે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં જ્ઞાતિવાદને રાજકીય સ્તરે ઉછાળવાથી ભાજપને રાજકીય નુકશાન જઈ શકે છે અને આનો ફાયદો ઉઠાવવાનું રાજકીય ગણિત કોંગ્રેસમાં શ્રાદ્ધ પક્ષ પછી સામેલ થવાની સંભાવના ધરાવતા શંકરસિંહ વાઘેલાએ માંડ્યું છે. 


શંકરસિંહ વાઘેલાના નિવેદનમાં ક્ષત્રિય સમાજને લઈને કોઈ ટીપ્પણી કરવામાં આવી નથી. આની પાછળનું દેખીતું કારણ શંકરસિંહ વાઘલેા ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાનું માનવામાં આવે છે. પણ શંકરસિંહ વાઘેલા જેવા પાકટ રાજકારણી આવી છીછરી રાજકીય ગણતરી કરે તે માનવું ખુદ હાસ્યાસ્પદ છે. ગુજરાતમાં ખામ થિયરી 2.0 વર્ઝનમાં ક્ષત્રિય સમાજની પણ મોટી ભૂમિકા હશે. આવા સંજોગોમાં ક્ષત્રિય સમાજ નારાજ થાય તેવી ટીપ્પણી ક્ષત્રિય સમાજમાંથી જ આવતા શંકરસિંહ જેવા નેતા દ્વારા થાય તેવી સંભાવના સ્વપ્નેય વિચારી શકાય તેમ નથી. 


ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ


ગુજરાતમાં એક અંદાજ મુજબ, અનુસૂચિત જાતિની વસ્તી 7 ટકા અને આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિની વસ્તી 11 ટકા છે. જ્યારે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી વર્ગની વસ્તી 52 ટકા જેટલી માનવામાં આવે છે. આમ ગુજરાતમાં ઓબીસી, એસસી, એસટી સમુદાયોના લોકોની વસ્તી 70 ટકા જેટલી છે. તો મુસ્લિમ સમુદાયની વસ્તી કે જેમાથી ઘણાંનો સમાવેશ ઓબીસી કેટેગરીમાં પણ થાય છે,  તેમની વસ્તી 9.69 ટકા જેટલી છે. 


શંકરસિંહ વાઘેલા ખામ થિયરી 2.0નો ફર્સ્ટ ગિયર નાખી ચુક્યા છે. તેનું રાજકીય રહસ્ય આ આંકડા અને તેનાથી ઉભા થતાં જાતિ સમીકરણોના વોટ ગણિતમાં છે. 


ઓપન કેટેગરીની ગુજરાતમાં વસ્તી 26 ટકા જેટલી હોવાનું અનુમાન છે. જેમાં મુસ્લિમ સમુદાયનો ઉચ્ચ વર્ગ પણ સામેલ છે. એટલે કે ખામ થિયરીના નવા સ્વરૂપ અને નવા આકાર સાથે આગળ વધવામાં આવે તો ગુજરાતમાં ભાજપને ચૂંટણીમાં ભૂ પાય શકાય છે, તેવી શંકરસિંહ વાઘેલાને તેમના 6 દાયકાના રાજકીય અનુભવ થકી સમજ ઉભી થઈ હશે. 


1990માં ગુજરાતમાં 16 ટકા વસ્તી ધરાવતા પાટીદારો કોંગ્રેસથી દૂર થઈને ભાજપના તરફદાર બન્યા હતા. 2015ના પાટીદાર અનામત આંદોલન છતાં ભાજપની કોર વોટબેંક પાટીદાર સમુદાય છે. જો કે નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાત ભાજપમાં ઓબીસી વર્ગનો દબદબો પણ તબક્કાવાર વધ્યો છે અને જેમાં કોળી-ઠાકોર સહીતના જ્ઞાતિવર્ગો સામેલ છે. 2002ના ગોધરાકાંડ અને તેના પછીના રમખાણો બાદ અનુસૂચિત જનજાતિ વર્ગ કે જે કોંગ્રેસનો સમર્થક હતો, તેણે રાજકીય રીતે ભાજપને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. હાલ પણ કેટલાક અપવાદરૂપ પોકેટ્સ સિવાય ભાજપનો આદિવાસી વિસ્તારોમાં રાજકીય દબદબો છે. અનુસૂચિત જાતિ વર્ગો પણ 2002 બાદ મોટા પ્રમાણમાં ભાજપના ટેકેદાર બની ગયા હતા. 2015-16 બાદ ઉના કાંડની ઘટના પછી પરિસ્થિતિ બદલાઈ છે. કોંગ્રેસના અનુસૂચિત જાતિના યુવા નેતા જિગ્નેશ મેવાણીની સક્રિયતાએ આમા વધારો કર્યો છે. જો કે 2022ના પરિણામો જણાવે છે કે ભાજપને જ્ઞાતિવાદી રાજકારણથી હરાવી શકાય તેવી સ્થિતિ નથી. ભાજપે 2022માં ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો (156 બેઠકો) મેળવી હતી. પણ તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતવિભાજનની પણ એક મોટી ભૂમિકા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. 


આ વિશ્લેષણોના આધારે કોંગ્રેસના રણનીતિકારો ગુજરાતમાં 2017ની જેમ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસનો દ્વિપાંખિયો જંગ ઈચ્છી રહ્યા છે કે જેમાં કોઈ ત્રીજા પક્ષમાં મતવિભાજન થાય નહીં. 

ભાજપના હિંદુત્વના રાજકારણ સામે જ્ઞાતિવાદી રાજકારણનું કાર્ડ પ્રચંડ રાજકીય કાવાદાવા સાથે રમવાની વ્યૂહરચના પર પણ કામ થઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં આદિવાસી સમુદાયમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને નેતા ચૈતર વસાવાનો ઘણો મોટો પ્રભાવ છે. આ વિસ્તારમાં શંકરસિંહ વાઘેલા દ્વારા અનામતનો મુદ્દો ઉઠાવવો, આદિવાસીઓની વાત કરવી અને અનુસૂચિત જાતિના મેલુ ઉપાડવાના મામલાની વાત કરીને બ્રાહ્મણ, પટેલ અને વણિક સમુદાયને નિશાન બનાવતું નિવેદન કરીને તેમાંથી ક્ષત્રિય સમાજને બાકાત રાખવો એક રાજકીય રણનીતિના નવા દાંવપેચની નવી શરૂઆત છે. 


જો કે દાવા એવા પણ થઈ રહ્યા છે...


શંકરસિંહ વાઘેલા મૂળ જનસંઘી હોવાની વાત કરીને સોશયલ મીડિયા પર એવા પણ દાવા થઈ રહ્યા છે કે તેઓ કથિતપણે ભાજપની ટોચની નેતાગીરી સાથે સાંઠગાંઠ કરીને ફરી એકવાર કોંગ્રેસને રાજકીય દગો આપવા માટે જ ફરીથી તેમાં પ્રવેશી રહ્યા છે. સોશયલ મીડિયા પર તર્કો અપાઈ રહ્યા છે કે શંકરસિંહ વાઘેલા આવું નિવેદન આપીને ભાજપથી નારાજ બ્રાહ્મણ, પટેલ અને વણિક વોટર્સને ફરીથી તેમની સાથે જોડી રહ્યા છે. આવા તર્ક-વિતર્કો અને આંકડાની માયાજાળમાં એક વાત સ્પષ્ટ છે કે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ માટે જ્ઞાતિવાદી રાજનીતિના મોટા પડકારો સામે આવવાના છે. શંકરસિંહ વાઘેલા દ્વારા ખામ થિયરી 2.0નો નાખવામાં આવેલો ફર્સ્ટ ગિયર ભાજપ ન્યૂટ્ર્લ કરી શકે છે કે તેને સેકન્ડ, થર્ડ, ફોર્થ કે ફિફ્થ ગિયરમાં કોણ અને કેવી રીતે લઈ જાય  છે, તેના પણ હવે સૌની નજર રહેશે ? જો કે આવા રાજકારણથી ગુજરાતના લોકોનું કેવું અને કેટલું સારું થશે કે સામાજિક તાણાંવાણાં વધુ વિખાશે તેના પર પણ ચિંતન થવું જોઈએ?


આ રાજકીય શતરંજમાં મુસ્લિમ વોટર્સ ટેકન ફોર ગ્રાન્ટેડ હશે!


ગુજરાતમાં ખામ થિયરીના જૂના સંસ્કરણમાં મુસ્લિમ વોટર્સની મોટી ભૂમિકા હતી. પણ નવા વર્ઝનમાં મુસ્લિમોની હાલ ખાસ ચર્ચા નથી. ગુજરાતના 9.69 ટકા મુસ્લિમો મોટાભાગે કોંગ્રેસને જ ટેકો આપતા રહ્યા છે. છેલ્લી કેટલીક ચૂંટણીમાં મુસ્લિમો ભાજપને વોટ આપતા હોવાના આંકડા આવતા રહે છે, પણ એ આંકડા એટલા મોટા નથી કે ભાજપની જીત કે હારમાં કોઈ મોટો ફેરફાર કરી શકે. આવા સંજોગોમાં કોંગ્રેસ એમ માનીને ચાલી રહી છે કે જો તે ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં આવશે, તો મુસ્લિમ વોટર્સ તેને જ વોટ આપશે. તેથી તેમને લઈને હાલ કોઈ ખાસ ચર્ચા થઈ રહી નથી. આની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે મુસ્લિમ વોટર્સને લગતા મુદ્દાઓમાં જો ધાર્મિક મુદ્દા કે મામલાની ચર્ચા કરવામાં આવે છે, તો તેનો ફાયદો ભાજપને મળવા લાગે છે. 

બુધવાર, 26 ઑગસ્ટ, 2026

રિઝર્વેશન હટાવો આંદોલન મતલબ મોદી સરકાર હટાવો આંદોલન!

- આનંદ શુક્લ 

ભારતમાં અનામત એક રાજકીય ચક્રવ્યૂહ છે. કોઈ રાજનેતા ઘણો મોટો બને તો તેને અનામતના ચક્રવ્યૂહમાં ફસાવીને પછાડવો. આ રાજકીય પ્રયોગો ભારતમાં સ્વતંત્રતા પ્રાપ્તિ પછી મોટાભાગના રાજનેતાઓ સાથે થયા છે. ગુજરાતમાં ખામ થિયરી થકી સત્તામાં આવેલા માધવસિંહ સોલંકીએ 148 બેઠકો સાથે કૉંગ્રેસને જીત અપાવી હતી. પણ તેમને સત્તામાંથી હટાવવા માટે અનામત આંદોલનની મોટી ભૂમિકા હતી. અરે માધવસિંહ સોલંકીની વાત થોડી જૂની છે. પણ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં રાજકીય કુનેહ ધરાવતા આનંદીબહેન પટેલને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પણ આનંદીબહેન પટેલ જે સમુદાયમાંથી આવે છે અને ભાજપના ગુજરાતમાં જે સૌથી મોટા વોટર્સ સમુદાય છે- તે પાટીદાર સમુદાયે અનામતની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ એક આંદોલન કર્યું હતું. આ આંદોલન 2015માં જીએમડીસી ખાતે એક મહાવિશાળ રેલી દ્વારા આનંદીબહેન પટેલની સરકાર સામે એક મોટો પડકાર ઉભો કરી ચુક્યું હતું. આંદોલન દરમિયાન થયેલા ગોળીબારમાં 14 જેટલા પાટીદાર યુવાઓના બલિદાન થયા. તેના પછી આર્થિક રીતે પછતાં સવર્ણ સમુદાયોને 10 ટકા અનામત આપવામાં આવ્યું. 


આનંદીબહેન પટેલના જીવનચરિત્ર ચુનૌતિયાં મુઝે પસંદ હૈ- માં પાટીદાર અનામત આંદોલનને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ માગણી બંધારણીય રીતે પૂર્ણ થઈ શકે તેમ ન હતી. આને લઈને વાતચીત ચાલી રહી હતી. તેની સાથે પાટીદાર અનામત આંદોલન પાછળ ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓની ભૂમિકાને લઈને પણ વાત કરવામાં આવી છે. ટૂંકમાં પાટીદાર અનામત આંદોલનના એક વર્ષ બાદ આનંદીબહેન પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીના દોઢ-સવા વર્ષના સમય પહેલા રાજીનામું આપ્યું હતું. એટલે કે પાટીદાર અનામત આંદોલન કે જેમાં પાટીદારોને ઓબીસી અનામત આપવાની માગણી કરવામાં આવી હતી, જે બંધારણીય રીતે શક્ય ન હતી- તેના કારણે આનંદીબહેનને રાજીનામું આપવું પડયું. એટલે કે આ આંદોલનની ડિઝાઈન ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને હટાવવાની હતી. 


હવે ગુજરાતવાળો અનામતના સફળ ચક્રવ્યૂહનો પ્રયોગ કેન્દ્રમાં મોદી સરકાર સામે થઈ રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી દ્વારા નીટ-યુજી પેપર લીક કાંડમાં શિક્ષણ પ્રધાન પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પેપર લીક મામલે કડક કાયદાના અમલ પછી હવે આંદોલન-આંદોલનની રમત-ગમત સ્પર્ધા જાણે કે દિલ્હીના જંતર-મંતર પર ચાલુ થઈ છે. કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપી પહેલા ડિજિટલ પ્લેટફોર્મ પર આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર્તા અભિજીત દીપકેએ કરી હતી અને તેમણે તેને સફળતા સુધી પહોંચાડીને દર્શાવી દીધું કે મોદી સરકાર પણ ઝુકે છે, ઝુકાવનારો જોઈએ. 


હવે જંતર-મંતર પર રિઝર્વેશન હટાવો આંદોલનના નેજા હેઠળ અનામત વ્યવસ્થા પર વિમર્શ હેઠળ એક આંદોલન ઉભું કરવાની કોશિશ થઈ રહી છે. આ આંદોલનના ચહેરા ક્યારેક દક્ષિણપંથી વિચારધારા ધરાવતી થિંક ટેન્કો અથવા વૈચારીક આંદોલનમાં જોવા મળતા હતા. આવા ચહેરા સીધા પોતાને આંદોલન સાથે જોડાયેલા હોવાનો ઈન્કાર પણ કરી રહ્યા છે. જેવી રીતે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિનો ચહેરો હાર્દિક પટેલ હતા., તેવી રીતે આ આંદોલનનો ચહેરો હર્ષ દુબે છે. આમ તો અનામત ભારતીય રાજકારણના એવા સાત કોઠા છે કે જેમાં ફસાયેલા નેતા મોટાભાગે અભિમન્યુ જ સાબિત થયા છે અને આ સાત કોઠાને વિંધનારા અર્જૂનની રાહ જોવાઈ રહી છે. પરંતુ હાલ જે રિઝર્વેશન હટાવો આંદોલન ચાલી રહ્યું છે, તેમાં મોદી સરકારને અભિમન્યુ બનાવવાની કોશિશ થઈ રહી છે. ભલે 2029ની લોકસભાની ચૂંટણીને હજી અઢી વર્ષ જેટલો સમય બાકી હોય. પણ તેના પહેલા 2027માં આવનારી યુપી અને ગુજરાત સહીતના મહત્ત્વના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આ રાજકીય પ્રયોગના પારખા કરવાની આંદોલનકારીઓ અને તેમની પાછળ રહેલા લોકોને હશે.


ભારતમાં જાતિગત વસ્તીગણતરી એટલે કે કાસ્ટ બેસ્ડ સેન્સસ ચાલી રહ્યો છે. તેના પછી ભારતમાં વસ્તીના પ્રમાણમાં એસસી-એસટી-ઓબીસી અનામત વધારવાની માગણીઓ સાથે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ડાબેરીઓ સહીતના વિપક્ષી દળોના નેતાઓ નિવેદનબાજી કરી ચુક્યા છે. કોંગ્રેસે તો જાતિગત વસ્તીગણતરીમાં ઓબીસી કૉલમ ઉમેરવાની માગણી કરતો પત્ર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે. 2014થી ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જ્ઞાતિમાંથી આવતા હોવાનું ઘણીવાર કહી ચુક્યા છે. 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું, તે અરસામાં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે એક દક્ષિણપંથી મેગેઝીનના ઈન્ટરવ્યૂના લીક થયેલા હિસ્સાને ટાંકીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને ટાંકીને મીડિયા અહેવાલ હતા કે અનામતની વ્યવસ્થા પર પુનર્વિચારણા થવી જોઈએ. આને લઈને સંઘ તરફથી સ્પષ્ટીકરણ પણ બહાર પાડવામાં આવ્યું હતું. પણ 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સફળતા મળી ન હતી. 


તેવી જ રીતે 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો અબ કી બાર 400 કે પાર, સૂત્ર ચલાવવામાં આવ્યું. ભારતના બંધારણમાં ઘણી મહત્ત્વની જોગવાઈઓ બે તૃતિયાંશ બહુમતી અને 50 ટકા રાજ્યોના સમર્થનથી બદલી શકાય છે. તેથી બંધારણ બદલવાની ગર્ભિત યોજના હોવાનો ભાજપ-સંઘ પર આરોપ લગાવવામાં આવ્યો. તેનું પરિણામ હતું કે ભાજપને મળનારા દલિત વોટમાં ઘટાડો થયો અને ઓબીસી વોટર્સ પર પણ આની અસર થઈ હતી. જો કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીતના નેતાઓએ ખાત્રીપૂર્વક કહ્યું હતુ કે અનામત કોઈ હટાવી નહીં શકે. તાજેતરમાં રાજનાથસિંહે પણ કહ્યુ છે કે અનામત કોઈ માઈનો લાલ હટાવી શકશે નહીં. 


તેમ છતાં રિઝર્વેશન હટાવો આંદોલન જે રીતે આગળ વધી રહ્યું છે, તેની ડિઝાઈન મોદી સરકાર હટાવોની વધારે હોય તેમ લાગે છે. ભારતીય જનતા પાર્ટીની કોર સ્ટ્રેન્થ હિંદુ પોલિટિકલ યૂનિટી છે. 2014, 2019 અને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં વિપક્ષને આનો તોડ મળ્યો ન હતો. પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમને સંકેત મળી ગયા હતા કે આ હિંદુ પોલિટિકલ યૂનિટીને તોડવી હોય તો કાસ્ટ બેસ્ડ પોલિટિક્સને પુનર્જીવિત કરવું પડે. તેના માટે કાસ્ટ સેન્સસ કરાવવાની માગણી પાસેરામાં પહેલી પુણી હતી અને તેના પછી અનામતની સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી 50 ટકાથી વધારે અનામત આપવાની એટલે કે અનામતને વસ્તીના પ્રમાણમાં વધારવાની માગણી તેનો બીજો તબક્કો હતો. 


આને લઈને બિનઅનામત વર્ગના હિંદુ સમુદાયોનમાં પણ આશંકાઓ તેજ બની. જેનો લાભ લઈને વિપક્ષ હોય કે ભાજપ-સંઘ જે વૈચારીક દક્ષિણપંથી હિંદુત્વવાદી કુળ ધરાવે છે, તેમા રહેલા મોદી સરકારને નાપંસદ કરનારા વર્ગ-જૂથ હોય તેમના દ્વારા રિઝર્વેશન હટાવો આંદોલન શરૂ કરવાની કોશિશો થઈ છે. 


2014, 2019 અને 2024માં ભાજપને હિંદુ અપર કાસ્ટ્સના 50 ટકાથી વધુ વોટ મળ્યા છે. મતલબ કે તે ભાજપની વફાદાર વોટબેંક છે. 2024માં ભાજપની વફાદાર વોટબેંક ઓબીસી અને એસસી વોટમાં ગાબડું પાડવામાં વિપક્ષને સફળતા મળી હતી. 2024માં ભાજપને મળેલા ઓબીસી વોટ 52 ટકાથી ઘટીને 48 ટકા થયા હતા. જ્યારે એસસી કે દલિત વોટ 41 ટકાથી ઘટીને 36 ટકાએ પહોંચ્યા હતા. આની અસર ઉત્તરપ્રદેશમાં ભાજપની બેઠકોમાં ધરખમ ઘટાડાથી થઈ હતી. જેના પરિણામે ભાજપ-એનડીએ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યું. જો કે રાહતની વાત એટલી છે કે ભાજપને મળેલા એસટી વોટ એટલે કે આદિવાસી વોટ 45 ટકાથી વધીને 51 ટકા થયા હતા. 



પણ હવે 2029ની લોકસભા ચૂંટણી અને તેના પહેલાની વિધાનસભાની ચૂંટણીઓમાં રિઝર્વેશન હટાવો આંદોલન સામે રિઝર્વેશન બચાવો આંદોલન શરૂ થાય અને તેના દ્વારા બિનઅનામત-ઓપન, ઓબીસી, એસસી અને એસટી વર્ગોમાં વહેંચાઈ જાય તેવી એક વોટિંગ પેટર્નને ઉપસાવવાની રાજકીય ડિઝાઈન થકી મોદી સરકાર-ભાજપ-આરએસએસ અને હિંદુવાદી સંગઠનોને પડકારીને હિંદુ પોલિટિકલ યૂનિટીને ખતમ કરવાનો એક મોટો રાજકીય પ્રયોગ હાથ ધરાયો છે. આ પ્રયોગ કેન્દ્રની મોદી સરકારને અનામતના રાજકીય ચક્રવ્યૂહમાં અભિમન્યુ બનાવવાની એક કોશિશ છે. પણ હંમેશા અર્જૂન સાબિત થનારી મોદી સરકાર નિશ્ચિતપણે આમા અર્જૂન તરીકે અકબંધ રહેવાની કોશિશ કરશે. પણ તે કેટલી અને કેવી રીતે સફળ રહેશે તે આંદોલનોની દશા અને દિશા જ નક્કી કરશે. 

શનિવાર, 22 ઑગસ્ટ, 2026

શું ભાજપ-સંઘ આંદોલન ઉભા કરવાની ક્ષમતા ગુમાવી ચુક્યા છે?

- આનંદ શુક્લ  

આંદોલન ઉભા કરવા સંઘ અને આનુષંગિક સંગઠનો માટે ભાજપનું વિપક્ષમાં હોવું જ એક પ્રાથમિક શરત છે?

શું ભાજપ અને સંઘના સંગઠનોની શક્તિ ઘટી ગઈ છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે કોકરોચ જનતા પાર્ટી ડિજિટલ પ્લેટફોર્મ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની એક ટીપ્પણી બાદ બને છે, તેના હજારો-લાખો ફોલોઅર્સ પણ બને છે અને નીટ-યુજી પેપર લીક કાંડમાં શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ કરાવી શકે છે. પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય અને ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન હોવાનો દાવો કરતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી આખા મામલામાં ગેરહાજર હોય. આ આશ્ચર્ય નથી...? કોકરોચ જનતા પાર્ટીએ તો રાજસ્થાન સરકારને પણ અલ્ટીમેટમ આપ્યું છે કે જો આશુતોષ રાંકા અને તેમની ટીમ પર સ્કૂલ ઠીક કરો અભિયાન દરમિયાન થયેલા હુમલાના ગુનેગારોને ઝડપવામાં નહીં આવે અને સ્કૂલનું સમારકારમ શરૂ નહીં થાય તો 48 કલાકમાં સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકે જયપુર પહોંચશે અને આંદોલન શરૂ કરશે. 

હવે સવાલ એ પણ ઉભો થાય છે કે જાહેરજીવનમાં ખાસ કરીને રાજકારણ અને સામાજીક-આર્થિક-

સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સક્રિય આરએસએસના આનુષંગિક સંગઠનોની આને લગતા પ્રશ્નોમાં ગેરહાજરી શું સૂચવી રહી છે, કે ભાજપ અને સંઘના સંગઠનોની શક્તિ એઠલી ઘટી ગઈ છે કે સરકાર સામે થનારા કોઈ આંદોલનની સમાંતર ન તો કોઈ અન્ય આંદોલન કરી શકે છે અને ન તો આવા આંદોલનની હવા કાઢી શકે છે. 

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અખિલ ભારતીય સમન્વય બેઠક સંઘના વડપણ હેઠળ થઈ, પણ આ બેઠકમાં શું એવી ચર્ચા થઈ હશે કે આપણા જ આનુષંગિક રાજકીય ક્ષેત્રના સંગઠન ભાજપની સરકાર છે અને આપણા જ સ્વયંસેવકો સરકારમાં છે, તો સરકારની નકારાત્મક બાબતને છાવરવી કે દબાવવી અને તેની સામે આંદોલન કરવા નહીં ? નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી જીતી રહ્યા હોવાથી બાકી કોઈ બાબતની જરૂર નહીં હોવાનું અખિલ ભારતીય સમન્વય બેઠકોમાં મંથન થતું હશે કે આનો સાર હશે કદાચ.. 

તેમને એવું પણ લાગી રહ્યું હશે કે ભાજપને દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવી દીધી તો હવે દુનિયામાં કંઈ કરવાનું બાકી રહ્યું નથી. ભાજપનું સૌથી મોટી રાજકીય પાર્ટી બનવું જ શું ભારત નિર્માણ કે રાષ્ટ્ર નિર્માણ છે ? પણ આંદોલનની ક્ષમતા ગુમાવી ચુકેલા સંઘના આનુષંગિક સંગઠનો અને ખુદ ભારતીય જનતા પાર્ટી હાલ તો ફૂલેલા પણ પોતાની શક્તિ ગુમાવી ચુકેલા શરીરો સિવાય કંઈ લાગતા નથી. 

2011 અને 2012માં દિલ્હીમાં કોંગ્રેસની આગેવાનીવાળી તત્કાલિન યુપીએ-2 સરકાર સામે થયા હતા. ત્યારે અણ્ણા હજારેનું ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન હોય કે બાબા રામદેવનું આંદોલન હોય કે નિર્ભયા ગેંગરેપ કાંડ સામેનું આંદોલન હોય કે કોમનવેલ્થ ગેમ્સમાં દિલ્હીની તત્કાલિન કોંગ્રેસના શિલા દિક્ષિત સરકારની સામેના આંદોલન હોય, સત્તાધારી પક્ષ પરેશાન થયો હતો. ત્યારે ભાજપ અને સંઘ પર આંદોલનને હવા આપવાના આરોપ લાગી રહ્યા હતા અને તેમાં ઘણી હદે સચ્ચાઈ પણ હતી. સીધા આંદોલનમાં સામેલ થવા કરતા ત્યારે ભાજપે અને સંઘે જનાક્રોશને પડદા પાછળથી દિશા આપી અને તેનો રાજકીય લાભ 2014થી તેમને મળી રહ્યો છે. પણ હવે ભાજપ હોય કે સંઘ હોય કે કૉંગ્રેસ રાજ વખતના તેમના કોઈ બાબા હોય કે ઉપદેશકાર હોય કે સામાજિક કાર્યકર્તા, આવા કોઈનામાં પણ હાલ આંદોલન ઉભું કરવાની ક્ષમતા નથી. 

સીજેપીના આંદોલન પછી જંતર-મંતર પર 21 ઓગસ્ટે અનામત સુધારણા માટે એક દેખાવ થયા, તેને પોલીસની મંજૂરી પણ મળી ન હતી અને તેમને જંતર-મંતર પરથી હટાવાયાના અહેવાલ છે. આ આંદોલનની પાછળ કોણ હશે, તેનો હાલ તો ખુલાસો થયો નથી. પણ એટલું નક્કી છે કે આ આંદોલનકારીઓ મોદી સરકાર, ભાજપ અથવા સંઘ કે હિંદુવાદી સંગઠનોને સીજેપી આંદોલનકારીઓની જેમ ગાળો આપી રહ્યા ન હતા. તેથી તેનો અર્થ કાઢવામાં આવે છે કે આ આંદોલન આવા કોઈ આવા સંગઠનોના સમર્થકોના દોરીસંચાર હેઠળ ઉભા કરીને સીજેપી આંદોલનની અસરને ખાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે હાલ તો આવો પ્રયાસ સદંતર નિષ્ફળ દેખાઈ રહ્યો  છે અને આ જ દર્શાવે છે કે 2011-12માં જેઓ આંદોલનની ક્ષમતા ધરાવતા હતા, તેઓ હવે આંદોલન કરવા માટે સક્ષમ લાગી રહ્યા નથી. 

આંદોલન ત્યારે જ ઉભું થાય છે કે જ્યારે સમાજની લાગણીઓને ઠેસ પહોંચે કે તેને આઘાત લાગે, ત્યારે સમાજ આંદોલિત થયા છે અને તેના આક્રોશને એક દિશા આપવા માટે વૈચારિક અને સંગઠનિક પ્રમાણિકતા ધરાવતા ચહેરા કે સંગઠન મળે તો તે જનાંદોલનનું સ્વરૂપ લે છે. 

ભારતીય જનતા પાર્ટી 1980માં તેની સ્થાપનાકાળથી વિરોધ પક્ષની પાર્ટી તરીકે એક આંદોલનવાળી પાર્ટી ગણાતી હતી. 1984માં ભલે તેની માત્ર 2 બેઠકો આવી હતી, પણ આ જ પાર્ટીએ 1989-90માં પોતાની વૈચારીક અને સંગઠનિક ઈમાનદારી થકી ભારતના ઈતિહાસના સૌથી મોટા જનાંદોલનમાંથી એક એવા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનને ઉભું કર્યું હતું. ત્યારે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનને ખાળવા માટે શરૂ કરાયેલા મંડલ આંદોલનને ખાળવા માટે પણ ભાજપે પોતાના ટેકેદાર જૂથોને આંદોલિત કરીને મંડલ વિરુદ્ધ પણ એક વ્યાપક નરેટિવ બનાવ્યો હતો. રામજન્મભૂમિ મુક્તિ આંદોલન અને મંડલ વિરોધી આંદોલનોએ ભાજપની રાજકીય શક્તિને સતત વધારી અને પહેલા 13 દિવસ, પછી 13 માસ અને પછી ગઠબંધનમાં પુરા પાંચ વર્ષની સરકાર બનાવવાની ક્ષમતા આપી હતી. 

જ્યારે ભાજપની આગેવાનીમાં એનડીએની વાજપેયી સરકાર હતી, ત્યારે પણ રામમંદિર માટે વીએચપી, સ્વદેશીના આગ્રહ માટે સ્વદેશી જાગરણ મંચ, એબીવીપી, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય જ રહ્યા હતા. સંઘ વિચારક અને સ્વદેશી જાગરણ મંચના પ્રેરક દત્તોપંતજી ઠેંગડીએ આર્થિક નીતિઓને કારણે વાજપેયી સરકારના નાણાં મંત્રી યશવંત સિંહાને ક્રિમિનલ ફાયનાન્સ મિનિસ્ટર પણ ગણાવી દીધા હતા. 

પણ 2014થી 2026ના 12 વર્ષ જેટલા સમયગાળામાં મોદી સરકાર 1,2 અને 3ના કાર્યકાળમાં ઘણાં એવા મુદ્દાઓ છે કે વૈચારિક ધરાતલ પર તેનો સંઘના આનુષંગિક સંગઠનો દ્વારા વિરોધ થઈ શકે તેમ હતો. પણ હાલ વીએચપી લગભગ ચુપ છે, સ્વદેશી જાગરણ મંચ પણ ચુપ છે, નીટ-યુજી પેપરલીક કાંડ મામલે એબીવીપી પણ ચુપ રહ્યું અને આંદોલન સીજેપીએ અંકે કરી લીધું, કિસાનોના મુદ્દા પર પણ ભારતીય કિસાન સંઘ એટલું સક્રિય નથી, શ્રમિકોના મુદ્દાઓને લઈને ભારતીય મજદૂર સંઘ પણ મોટાભાગે ચુપ રહે છે. શું આ બધી રણનીતિ અખિલ ભારતીય સમન્વય બેઠકોમાં બનતી હશે કે આપણામાંના લોકો રાજ કરી રહ્યા છે માટે તેમને તકલીફ થવી જોઈએ નહીં? જો આવું થશે તો જે આંદોલનોનું નેતૃત્વ હિંદુવાદી સંગઠનો ખાસ કરીને સંઘના આનુષંગિક સંગઠનોને લેવાનું હતું, તે આગેવાની કોઈ બીજાના હાથમાં જતી રહેશે. પછી અર્બન નક્સલની પરિભાષાને અપડેટ કરીને દિમાગી નક્સલ કહીને તેને અલગ-થલગ કરવાની હાકલ કરવી પડશે. જો કે આવી વૈચારીક અને સંગઠનિક અપ્રમાણિકતા દિમાગી નક્સલને મેનસ્ટ્રીમમાં લઈ આવશે અને હિંદુવાદી સંગઠનોને અલગ-થલગ કરી દે તેવી પરિસ્થિતિ પેદા થશે. 

આમ તો મોદી સરકાર નીટ-યુજી પેપર લીક કાંડ મામલે પહેલીવાર ઝુકી નથી. યુપીએ સરકારના વખતના જમીન સંપાદન કાયદાને બદલવાનું મોદી સરકારને ભારે પડયું હતું અને કિસાન આંદોલનો કે જેમાં ભારતીય કિસાન સંઘની લગભગ ગેરહાજરી જ ગણી લો, સરકારને આ કાયદો પાછો લેવો પડયો હતો. તેવામાં મોદી સરકારે કૃષિ કાયદો બનાવ્યો અને ખેડૂતોની કિસ્મત બદલી નાખવાની વાત કરી હતી. પણ એક વર્ષ ચાલેલા આંદોલનમાં ખેડૂતોએ ત્રણેય કાયદાઓને પાછા ખેંચાવ્યા. રાષ્ટ્રીય ટીવી પર માફી માંગતા વડાપ્રધાન કાયદા પાછા ખેંચ્યા હતા. સરકાર અને ભાજપના નેતા કહેતા હતા કે આ સરકારમાં રાજીનામું થતું નથી. પણ સીજેપી આંદોલનકારીઓએ ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું લેવડાવ્યું. 

આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે સરકારની પાછળની સંગઠનશક્તિ હવે ખોખલી થઈ રહી છે. તેની નૈતિકતા અને વૈચારિક પ્રામાણિકતાની વિશ્વસનીયતા રસાતળ તરફ આગળ વધી રહી છે. 

એક સમય હતો કે ભાજપ ખુદ મોટા આંદોલન ઉભા કરતું હતું અથવા લોકપ્રિય આંદોલનમાં પડદા પાછળ ભૂમિકા નિભાવતું હતું. પણ ભાજપ કે સંઘ આનુષંગિક સંગઠનો કે તેની સાથે સિમ્પથી ધરાવનારા લોકો ઝારખંડ  સિવાયના કોઈ રાજ્યમાં પરીક્ષામાં થઈ રહેલા પેપર લીક કે ગડબડ મામલે આંદોલન ઉભા કરી શક્યા નથી. 

રવિવાર, 16 ઑગસ્ટ, 2026

પં. દીનદયાલ દિગ્વિજય દિગ્દર્શન-1: જ્યારે તેમણે રાવલપિંડીનો તખ્ત તોડવાની કરી હતી વાત...

-  આનંદ શુક્લ

ભારત હિંદુ રાષ્ટ્ર છે. આમા કોઈને શંકા નથી, પણ શંકા પેદા કરવામાં આવી રહી છે. આનું એકમાત્ર કારણ ભારતની સ્વતંત્રતા પછીની રાજનીતિ છે. આ રાજનીતિએ ભારતમાં વિભેદ-મતભેદથી સત્તા સમીકરણો સાથીને ખુરશીની સાધનાની રાજકીય પરંપરા જ જોઈ છે. ભારતમાં સ્વરાજ્યથી સ્વરાષ્ટ્ર તરફ જવાનો એક માર્ગ પ્રશસ્ત થવો જોઈએ. આવા વૈચારિક દિગ્વિજયી દિગ્દર્શનનું કામ કરનારા વૈચારિક સાધનાના સાધક ઋષિઓમાંથી એક પંડિત દીનદયાલ ઉપાધ્યાય છે. તેમણે ભારતના દિગ્વિજયી વિચારોનો દિગ્દર્શન કર્યું છે.


17 મે, 1965ના રોજ આંધ્રપ્રદેશના સંઘ શિક્ષા વર્ગના બૌદ્ધિક વર્ગમાં પં. દીનદયાલ ઉપાધ્યાયે રાવલપિંડીનો તખ્ત તોડવો પડશે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે મુસ્લિમની રાજકીય આકાંક્ષાઓને પરાજીત કરવાનો પ્રયત્ન શિવાજીએ કર્યો. સદાશિવ ભાઉએ દિલ્હી પર આક્રમણ કરીને દિલ્હીના તખ્તને તોડયો, કારણ કે તે સમયે તે તખ્ત જ તેમના રાજકીય વર્ચસ્વનું પ્રતીક હતો. આજે ફરીથી તે દૂષિત પ્રવૃત્તિને નષ્ટ કરવાની છે, તો તેમનો તખ્ત તોડવો પડશે. પરંતુ હવે તેમનો તખ્ત દિલ્હી ન રહી રાવલપિંડીમાં છે. માટે જ્યાં સુધી રાવલપિંડીનો તખ્ત તૂટતો નથી, ત્યાં સુધી રાષ્ટ્રીય આત્મસાતીકરણનું કાર્ય પ્રારંભ નહીં થાય.  (પૃષ્ઠ-135, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-12, (હિદી), સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રકાશક-પ્રભાત પ્રકાશન, , સંસ્કરણ- પ્રથમ, 2016)


રાવલપિંડી અખંડ ભારતના ટુકડા કરીને બનાવવામાં આવેલા પાકિસ્તાનની સેનાનું મુખ્યાલય છે અને પાકિસ્તાનની સત્તાનું કેન્દ્રબિંદુ પણ છે. પાકિસ્તાન બન્યા પછી ભારતમાં મજહબી ઉન્માદ ફેલાવવાની કોશિશો હેઠળ ઈસ્લામિક આતંકવાદને પોષિત-પ્રેરીત કરવાની કોશિશોથી આપણે સૌ અવગત છીએઆ સમસ્યાને સમજવા માટે થોડીક તેની પૃષ્ઠભૂમિ પણ જોઈ લઈએ. તેના પહેલા યાદ રાખવું જોઈએ કે  ભારત, ભારતના લોકો, ભારતના હિંદુઓએ કોઈપણ ગુંચવાડાજનક વૈચારિક વંટોળમાં ફસાવવું જોઈએ નહીં. મજહબી ઉન્માદ ભારતની મોટાભાગની સમસ્યાનું મૂળ છે. સ્વતંત્રતા પૂર્વે 1946ની ચૂંટણી યોજાઈ તેમાં પાકિસ્તાનના મુદ્દાને લઈને તત્કાલિન અખંડ ભારતના 95 ટકા જેટલા મુસ્લિમોએ ભાગલાવાદી મુસ્લિમ લીગને પોતાના મત આપ્યા હતા. એક ઉત્તર-પશ્ચિમ પ્રાંતને બાદ કરતા તત્કાલિન અખંડ ભારતના પ્રાંતોમાં મુસ્લિમોએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. 


ત્યારે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિની પરાકાષ્ઠા એ હતી કે આખા અખંડ ભારતની બાગડોર મુસ્લિમ લીગને સોંપવા માટે ગાંધીજી તૈયાર થઈ ગયા હતા. પરંતુ મુસ્લિમોના અલગ રાજ્યની સંભાવનાને જોતા ત્રણ પેઢી પહેલા ઈસ્લામ અંગિકાર કરીને મુસ્લિમ બનેલા પરિવારના મહંમદ અલી ઝીણા કોઈપણ પ્રકારની સમજૂતીનો ઈન્કાર કરી ચુક્યા હતા. 


મુસ્લિમોની કદાચ એવી કલ્પના રહી હશે કે મુસ્લિમોનો અલગ દેશ ભારતની ભૂમિ પર ઉભો કર્યા બાદ આગળ જઈને આખા ભારત પર મુસ્લિમ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની એક આધારભૂમિ ઉપલબ્ધ થશે. ત્યારે ઝીણાનું એક વિધાન પ્રસિદ્ધ થયું હતું કે પાકિસ્તાન જલ્દી આસામને ગળી જશે. જો કે આસામ ભારતનો જ અભિન્ન હિસ્સો છે. પણ આસામ રાજ્યમાં 38થી 40 ટકા મુસ્લિમ વસ્તી છે. તેનો અર્થ એ છે કે ઝીણા અને તેના પાકિસ્તાન પરસ્ત મુસ્લિમોની ટોળકી આસામ જેવા ભારતના ભૂભાગોની ધાર્મિક વસ્તી સંતુલનને ખોરવીને તેને પાકિસ્તાનનો ભાગ બનાવવા માંગતા હતા. 


અખંડ ભારત અને તેના પછીના પાકિસ્તાન બન્યા બાદના સ્વતંત્ર ભારતની સૌથી મોટી રાજકીય સમસ્યા મુસ્લિમ મજહબી ઉન્માદ છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે એકમ સદવિપ્રા: બહુધા વદન્તિ, આવું આપણે કહી છીએ. સત્ય એક છે, પરંતુ તત્વવેતા તેને અલગ-અલગ રીતે પ્રગટ કરે છે. આના આધારે આપણે ઈશ્વરને ગણેશ, શિવ, વિષ્ણુ આદિના સ્વરૂપે પૂજીએ છીએ. જો કોઈને મોહમ્મદની પૂજા કરી તો પણ વાંધાની વાત નથી. પંરતુ જો મુસ્લિમ મોહમ્મદનો અનુયાયી છે, જો તે અનુયાયી માત્ર હોય તો કોઈ ચિંતાની વાત નથી. પરંતુ ચિંતાનો વિષય એ છે કે મુસ્લિમ બન્યા બાદ તેની પ્રકૃતિ બદલાઈ જાય છે. તે રાષ્ટ્રથી અલગ થઈ જાય છે અને રાષ્ટ્ર માટે શત્રુ બની જાય છે. જ્યારે આ સ્થિતિ આવે છે, ત્યારે હિંદુ અને મુસ્લિમમાં ભેદ જોવા મળે છે. (પૃષ્ઠ-126, દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-12, (હિદી), સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રકાશક-પ્રભાત પ્રકાશન, , સંસ્કરણ- પ્રથમ, 2016)


1947માં ભારતના ભાગલા બાબતે પં. દીનદયાલજીએ લખ્યું કે 1947માં થયેલો આ પરાભવ ભારતીય એકત્વની અનુભૂતિનો પરાજય નથી, પણ રાષ્ટ્રીય એકતાના નામે કરવામાં આવેલા ભ્રાંત પ્રયાસોનો પરાજય છે. આપણે એટલા માટે નથી હાર્યા કે આપણા ઉદેશ્યમાં કોઈ દોષ હતો, પરંતુ એટલા માટે કે આપણો માર્ગ ખોટો હતો. (પૃષ્ઠ-129, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


ભારતમાં હજારો વર્ષોથી ચાલતા ઈતિહાસ અને જેમાં સંપૂર્ણ જીવન આવી જાય છે, તે તમામ બાબતોનો કોઈ શબ્દમાં સમાવેશ થાય તો તે હિંદુ છે. તે ભારતીયોને ભારતીયો સાથે જોડનારો શબ્દ છે. પણ તેને રાષ્ટ્રવાચકના સ્થાને પંથવાચક તરીકે જ વાપરવામાં આવ્યો છે. પં. દીનદયાલે સ્વતંત્રતા પહેલા અને પછી થયેલા હિંદુ -મુસ્લિમ એકતાના પ્રયત્નોની નિષ્ફળતાને દર્શાવીને હિંદુ એકતા પર ભાર મૂક્યો છે. પં. દીનદયાલજીએ કહ્યુ છે કે હિંદુ-મુસ્લિમ યૂનિટીના તો લોકોએ સૂત્રો પોકાર્યા, પરંતુ તેઓ એક વાત ભૂલી ગયા કે હિંદુ યૂનિટી પણ કોઈ ચીજ છે. આખરે જેમને જોડવાના છે, જો મુસ્લિમોને હિંદુ સાથે મિલાવવાના છે, તો કેટલાક લોકો આને માનીને ચાલે છે કે જો હિંદુ-મુસ્લિમ એકતા હશે, તો મુસ્લિમોને હિંદુઓની સાથે મિલાવવાના છે. જો હિંદુઓની સાથે મિલાવવાના છે, તો હિંદુ તેનું પણ એક અસ્તિત્વ હોવું જોઈએ. આ એક અસ્તિત્વનો આ શબ્દ દ્વારા તેમણે સ્વીકાર કરી લીધો, પરંતુ આ અસ્તિત્વને વ્યવહાર દ્વારા સ્વીકાર્યું નથી અને વ્યવહારથી વિપરીત કરવાનો પ્રયાસ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું કે બધું હોવા છતાં પણ કોઈ સૂત્ર નથી. તેથી તમામ પ્રકારના સંઘર્ષ પેદા થાય છે, તમામ પ્રકારના ઝઘડા પેદા થઆય છે. (પૃષ્ઠ - 118 , દીનદયાલ ઉપાધ્યાય સંપૂર્ણ વાડ્.મય ખંડ-14, (હિદી), સંપાદક- ડૉ. મહેશચંદ્ર શર્મા, પ્રકાશક-પ્રભાત પ્રકાશન, , સંસ્કરણ- પ્રથમ, 2016)


હિંદુ-મુસ્લિમ એકતાના નામે થયેલા પ્રયાસોમાં હિંદુ એકતા લગભગ ગેરહાજર જ રહી અને તેના કારણે હિંદુઓની સામાજીક-રાજકીય એકતા થઈ નહીં. આ કારણ છે કે 1940થી 1947 વચ્ચે ઝીણા એ જ ભાષા બોલ્યા કે જે ભાષા શાહ વલીઉલ્લાહ ખાન અને સર સૈયદ અહમદ બોલતા હતા. ઝીણાએ કહ્યુ હતુ કે હું મારા જ બળ પર નિર્ભર છું. અંગ્રેજોનો ભરોસો કરતો નથી, ન તો હિંદુ બનિયાંઓનો કરું છું. આજે અમે ભારતના માત્ર એક ચતુર્થાંસ ભાગની માગણી કરી છીએ. ત્રણ ચતુર્થાંસ દેશને અમે હિંદુઓ માટે છોડવા તૈયાર છીએ। તે જો પોતાની હઠ નહીં છોડે તો કદાચ તે પણ તેમને નહીં મળે. હિંદુઓએ વિગત એક હજાર વર્ષથી ભારત પર શાસન કર્યું નથી. તેમને પોતાનું રાજ ચલાવવા માટે ત્રણ ચતુર્થાંસ ભારત આપવા માટે અમે તૈયાર છીએ. અમારા એક ચતુર્થાંસ ભાગની અભિલાષા છોડી દે. (પૃષ્ઠ-127, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991) 


ભારતમાં તત્કાલિન નેતાગીરી દ્વારા હિંદુ-મુસ્લિમ એકતાના મુસ્લિમ તુષ્ટિકરણને આગળ રાખીને કરવામાં આવેલા પ્રયાસોનું જ પરિણામ ઘણું ભયાનક આવ્યું. મુસ્લિમ લીગના અધ્યક્ષ મહંમદ અળી ઝીણાએ કહ્યુ હતુ કે ભારતની સમસ્યા આંતરરાજ્યીય નથી, આંતરરાષ્ટ્રીય છે. આ શાંતિ લાવવી હોય તો અહીંની મુખ્ય જાતિઓને ભારતના અલગ-અલગ ટુકડા કાપીને આપી દેવા જ પડશે. ભારતમાં હિંદુ અને મુસ્લિમ મળીને એક મિલીજુલી રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી શકશે, આ એક કોરું સપનું માત્ર છે. મુસ્લિમ એક લઘુમતી સમુદાય નથી, એક રાષ્ટ્ર છે. તેને પોતાની સ્વતંત્ર ભૂમિ અને રાજ્ય મળવા જોઈએ. (પૃષ્ઠ-127, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


હિંદુ -મુસ્લિમ એકતાના ખોટી દિશામાં થયેલા પ્રયાસોએ જ ભારતના ભાગલા કરાવ્યા અને સ્વતંત્ર ભારતના 80મા સ્વતંત્ર દિનની ઉજવણીએ પણ ભારતમાં કોમ્યુનલ પ્રોબ્લેમ અર્થાત કોમવાદી સંઘર્ષનો પ્રશ્ન યથાવત છે. પંડિત દીનદયાલજીએ કહ્યુ હતુ કે શું વિભાજને એ સ્પષ્ટ દેખાડી દીધું નથી કે તુષ્ટિકરણ એકતાનું સાધન બની શકે નહીં? તો પછીના સમયગાળામાં આપણે આ સાધનો બાબતે પુનર્વિચાર કર્યો નહીં? આપણે શા માટે અસંદિગ્ધ શબ્દોમાં ઘોષિત કર્યું કે ભારતમાં ઉપાસના પદ્ધતિઓની વિવિધતા તો રહી શકે છે, પરંતુ રાષ્ટ્રીય સાંસ્કૃતિક ધારા એક જ રહેશે અને જે તે ધારાની સાથે પોતાને સમરસ નહીં કરી શકે, તે અહીંના રાષ્ટ્રીય નહીં રહી જાય? (પૃષ્ઠ-129, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


સ્પષ્ટ છે કે સંસ્કૃતિ જ આપણા રાષ્ટ્રીય એકાત્મતાનું પ્રાણતત્વ છે. ભારતમાં મુસ્લિમો આક્રમણખોરો તરીકે આવ્યા અને તે ભાવનાથી જ સ્વતંત્ર ભારતમાં રહે તો તેને લઈને રાષ્ટ્રીય પ્રવાહની સમરસતાની પદ્ધતિઓ પર વિચારણા થવી જોઈએ. પાકિસ્તાનનું નિર્માણ ભારતભૂમિ પર થયેલું રાજકીય આક્રમણ જ છે. આપણે ભલે તેને વિભાજન કહીએ, પણ તે હજાર-બારસો વર્ષ પહેલા શરૂ થયેલા આક્રમણોનો એક નવો અધ્યાય છે. 


પાકિસ્તાન અખંડ ભારતનો જ આક્રમિત ભાગ છે અને તેને ફરીથી આ અખંડ હિંદુ રાષ્ટ્રનું અંગ બનાવવું જોઈએ. કોઈ સમજૂતી સ્વીકાર્ય ન હોવી જોઈએ. પણ આ કેવી રીતે થશે, તેને લઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાયે આપેલો જવાબ પણ સાંભળી લેવો જોઈએ કે મુસ્લિમોને રાજકીય મોરચે હરાવીને. (પૃષ્ઠ - 131, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


એ પણ સચ્ચાઈ છે કે ભારતના મુસ્લિમોમાં એ ઈચ્છા દેખાતી નથી કે દેશ અખંડ થઈ જાય. તેનું કારણ એ છે કે તેઓ સંપૂર્ણ ભારતવર્ષને ફરીથી ઈસ્લામિક સત્તાને આધીન બનાવવાની આધારભૂમિ તરીકે પાકિસ્તાનને જોવે છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાન તેમની દ્રષ્ટિએ એક સીડી હોય, તો અખંડ ભારતની પરિકલ્પનાનો તેવો કેવી રીતે સ્વીકાર કરશે? માટે અહીંપણ કોમવાદી રાજકીય આકાંક્ષાઓને નિષ્ફળ બનાવનારી રાષ્ટ્રીય શક્તિઓને પ્રબળ કરવાનો જ એકમાત્ર માર્ગ આપણી પાસે બાકી રહે છે. (પૃષ્ઠ -131 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


આના માટે પંડિત દીનદયાલજીએ કહ્યુ કે એકતાની અનુભૂતિના અભાવને કારણે જ દેશ ખંડિત થયો, તો તે અનુભૂતિના અસ્તિત્વથી જ તે અખંડ થશે. આપણે તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ. મુસ્લિમોને ભારતીય બનાવવા માટે આપણે વિગત 50 વર્ષોમાં અપનાવેલી આપણી નીતિઓમાં પરિવર્તન કરવું પડશે. કોંગ્રેસે એકતાના પ્રયાસોને ખોટા આધાર પર કર્યો. રાષ્ટ્ર અને સંસ્કૃતિની અનાદિકાળથીચાલી આવતી વાસ્તવિક એકતાનો સાક્ષાત્કાર કરવાના સ્થાને અને સૌને તે એકતાનો અનુભવ કરાવવાના સ્થાને કોંગ્રેસે અનેકતાનું આત્મઘાતી પોષણ જ કર્યું. તેની સાથે જ તેણે અનેકોને કૃત્રિમ અને રાજકીય સોદાબાજીના આધારે એક કરવાની કોશિશ કરી. આ પ્રયાસો ક્યારેય સફળ થઈ શકે નહીં. રાષ્ટ્રીયતા અને અરાષ્ટ્રીયતાનું સમન્વય થવું અસંભવ જ છે. (પૃષ્ઠ-131 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


ભારતમાં રહેતા મોટાભાગના મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પૂર્વજ હિંદુ છે. આ તથ્ય નિશંકપણે સત્ય છે. પણ ભારતના રાષ્ટ્રીય પ્રવાહ સાથે નહીં ભળવાની મજહબી ઉન્માદી માનસિકતા તેમને આ તથ્ય સ્વીકારીને હિંદુઓ સાથે અલગ પૂજાપદ્ધતિ હોવા છતાં રાષ્ટ્રીય પ્રવાહ એક હોવાની સમરસતા કેળવવામાં મુખ્ય અડચણ છે. 


પં. દીનદયાલજીએ કહ્યુ છે કે પાકિસ્તાન માત્ર એક પૃથક રાજકીય સત્તા નથી. હિંદુસ્થાનના ઐતિહાસિક રાષ્ટ્રીયત્વ સાથે નાતો તોડનારી, ભિન્ન અને શત્રુત્વની ભાવનાથી ઓતપ્રોત વિજાતીય રાષ્ટ્રીયતામાં તેમનો વિશ્વાસ છે. આ તો વિષ છે. (પૃષ્ઠ-133 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


તેમણે આ વિષનો તોડ પણ જણાવ્યો છે અને કહ્યુ છે કે જ્યાં સુધી મુસ્લિમોનો રાજકીય પરાભવ નથી થતો, ત્યાં સુધી આનો હલ થઈ શકશે નહીં. આવા રાજકીય પરાભવ બાદ જ મુસ્લિમોને પોતાનામાં મિલાવી લેવાનું શક્ય બનશે. સમસ્યાનું આ યથાર્થ રુપ છે. આને સમજ્યા વગર તુષ્ટિકરણની નીતિ પર ચાલીને અથવા પ્રભાવહીન આહ્વાન કરીને હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસો અહીં કરવામાં આવ્યા. કોઈ આશ્ચર્ય નથી કે તે નિષ્ફળ જ રહ્યા. આ નીતિને કારણે હિંદુ સમાજમાં હીનભાવ આવી ગોય છે, તેને પણ આ ભાગલાવાદીઓના રાજકીય પરાભવ કરીને દૂર કરી શકાશે. રાષ્ટ્રીય પુરષાર્થની ભાવનાને ફરીથી ઉન્મુક્તતા મળશે. પરાભવ બાદ આત્મનિરીક્ષણની ભાવના જાગે છે. મુસ્લિમ આવું આત્મનિરીક્ષણ કરશે, ત્યારે તે સત્યનો બોધ તેમનામાં પણ જાગશે કે ભારતની પરંપરા જ તેમની પોતાની પરંપરા છે અને આપણા પૂર્વજ એક જ છે તથા ભારતમાતા જ આપણી માતા છે. (પૃષ્ઠ-133 , પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન, ખંડ-5 રાષ્ટ્રની અવધારણા (હિંદી), લે. - ચંદ્રશેખર પરમાનંદ ભિષીકર, અનુવાદક - મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન દિલ્હી, દ્વિતિય સંસ્કરણ- 1991)


તેથી જ પં. દીનદયાલ ઉપાધ્યાયે મુસ્લિમોના સ્વતંત્ર ભારતમાં રાજકીય પરાભવ અને તેની સાથે જ રાવલપિંડીના તખ્તને તોડવાની વાત કહી હતી, કારણ કે ભારતને દબાવી-કચડી અને ધર્માંતરીત કરીને ઈસ્લામિક બનાવવાની ઘેલછાનું આધારબિંદુ પાકિસ્તાન તેના સર્જનકાળથી જ બનેલું છે. પાકિસ્તાન ભારતમાં મુસ્લિમોને મજહબી ઉન્માદમાં ફસાવવાના કારસા કરતું રહે છે. પાકિસ્તાનના મોટા નેતાઓ ઘણીવાર કહી ચુક્યા છે કે પાકિસ્તાનની સરહદ ભૌગોલિક હોવાના સ્થાને માનસિક વધારે છે. કાશ્મીરમાં અંદાજે ચાર દાયકા જૂના ઈસ્લામિક આતંકવાદને પાકિસ્તાન કેવી રીતે પ્રેરીત-પોષિત કરી રહ્યું છે, તે આપણે સૌ જોઈ રહ્યા છીએ. ભારતમાં પણ વોટબેંકની રાજનીતિમાં કેવી રીતે મુસ્લિમ તુષ્ટિકરણ ચાલ્યું તેને પણ આપણે જોયું. હિંદુઓની રાજનીતિક એકતાએ 1989થી ભારતનું રાજનીતિક ચરિત્ર બદલવાની શરૂઆત કરી છે. 2014 બાદ આનો બીજો અધ્યાય શરૂ થયો છે. પણ હિંદુઓની રાજકીય એકતા સામાજિક એકતાના દ્રઢીકરણમાં નહીં વાપરવામાં આવે, તો તેનો ફાયદો પાકિસ્તાન પરસ્ત ભાગલાવાદીઓ અને વોટબેંકના સાધકો ઉઠાવશે.