Sunday, September 25, 2016

આતંકવાદના નામે ખુલ્લું યુદ્ધ: પાકિસ્તાનને કરાવો ભારતની શક્તિનો અહેસાસ

-     પ્રસન્ન શાસ્ત્રી
સેના ભારતના અસ્તિત્વની મુખ્ય વાહક છે. ભારતની મુક્તપણે શ્વાસ લેતી લોકશાહીનો મૂળ આધાર સેના છે. ખરેખર સેના બોલતી નથી, પણ પરાક્રમ કરે છે. પરંતુ સેના પરાક્રમ કરતી હોય, ત્યારે દેશના નેતાઓએ ચુપ રહેવું જરૂરી છે. સેનાને તેનું પરાક્રમ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ મુક્ત વાતાવરણ પુરું પાડવાનું કામ રાજકીય નેતૃત્વની ઈચ્છાશક્તિ પર નિર્ભર છે. ઉરીનો આતંકવાદી હુમલો પહેલો પણ નથી અને કદાચ યોગ્ય પગલા નહીં ઉઠાવાય તો છેલ્લો પણ નહીં હોય. ભારતમાં આતંકવાદની સમસ્યા હોવાનું છેલ્લા ત્રણ દાયકાથી કહેવામાં આવે છે. પરંતુ હવે કથિત આતંકવાદ મામલે અને તેને આપવામાં આવનાર જવાબ સંદર્ભે તલસ્પર્શી સમીક્ષાનો સમય પાકી ગયો છે. 

હકીકતમાં જેને આતંકવાદ ગણાવીને જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.. તે આતંકવાદ નથી. આ એક યુદ્ધ છે. એક એવું યુદ્ધ કે જેને પાડોશી દેશ પાકિસ્તાન પોતાની મનમરજી પ્રમાણે શરૂ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે તેને પૂર્ણ કરે છે. 2001માં સંસદ પરનો આતંકવાદી હુમલો હોય કે 2008નો મુંબઈ પરનો હુમલો હોય. આતંકવાદના આંચળા નીચે પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધનું પ્રોક્સિ વૉર એક ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. હા
, ઉરી હુમલો અને તેના પહેલાના તમામ કથિત આતંકી હુમલા પાકિસ્તાનનું ખુલ્લું યુદ્ધ છે. આવા આતંકવાદી હુમલાઓની પાછળ પાકિસ્તાની સેના અને તેની ખુરાફાતી ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ભૂમિકા સંદર્ભે ભારતમાં સારા એવા પ્રમાણમાં જાણકારી છે.
ઉરી હુમલામાં 18 જવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે. આ હુમલો છેલ્લા ઘણાં વર્ષો બાદ સેનાને નિશાન બનાવીને કરાયેલો મોટો હુમલો હતો. ભારતીય સેનાને આટલા મોટા સ્તરે નુકસાન કરનાર લોકોને દંડિત કરવા જોઈએ. પરંતુ આ કોઈ ખૂન કેસનો મામલો નથી. આ યુદ્ધ અપરાધ છે. આ યુદ્ધ અપરાધને અંજામ આપનાર પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ છે. તેથી પાકિસ્તાની સેના અને આઈએસઆઈને પણ દંડ આપવો જરૂરી બને છે. તેથી પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ આતંકવાદી હુમલાઓને અનુરૂપ ભારતીય સેનાની કાર્યવાહી થવી ન્યાયોચિત બને છે. 

હવે તો દેશના લોકોની ધીરજની સાથે ભારતીય સેનાના સૈનિકોની ધીરજની પણ પરીક્ષા કહી શકાય. સેનામાં જોડાનારા દરેક સૈનિક અને અધિકારીને તેમની ફરજો અને તેમા જીવનું બલિદાન કરવાની તમામ બાબતોની સુપેરે જાણકારી હોય છે. સેનામાં કામ કરવું એ નોકરી નથી.. પણ દેશસેવા છે. સેનામાં સામેલ થનારાઓની દેશભક્તિ પર ક્યારેય કોઈપણ પ્રકારની શંકાને કોઈ કારણ નથી. કોઈપણ સ્થિતિમાં દેશની સુરક્ષા કરવી અને દેશના દુશ્મનો દ્વારા થોપવામાં આવતા યુદ્ધોને લડીને જીતવા સૈનિકોની પહેલી પ્રાથમિકતા છે. યુદ્ધમાં લડીને વીરગતિ પ્રાપ્ત કરવી દરેક સૈનિકોના જુસ્સાની ચરમસીમા છે. પરંતુ ઉરી હુમલામાં વીરગતિ પ્રાપ્ત કરનારા સૈનિકોની જેમ કોઈપણ જવાન બલિદાન આપવા ઈચ્છશે નહીં. સેનાના જવાનો દુશ્મન સામે લડવા ઈચ્છી રહ્યા છે. દુશ્મનને તેની બેરેક્સમાં જ ખતમ કરવાની મનસા ધરાવે છે. 

પાકિસ્તાનના મનસ્વી યુદ્ધોમાં વીરગતિ પામનારા જવાનોના પાર્થિવ દેહને જોઈને દેશની જનતામાં ગુસ્સો છે. આ આક્રોશ ખરેખર રાષ્ટ્રીય ચેતના છે. પરંતુ કોઈપણ નક્કર કાર્યવાહીની ગેરહાજરી આવી રાષ્ટ્રીય ચેતના પર કુઠારાઘાત બનીને ત્રાટકશે. આથી હવે યુદ્ધને યુદ્ધની જેમ રાજકીય નેતૃત્વ દ્વારા લેવાય તે જરૂરી છે. શાંતિ જરૂરી છે. પરંતુ શાંતિ ત્યારે જ ટકે છે.. જ્યારે યુદ્ધખોર પાડોશીને કચડી નાખવા માટેની અસરકારક તૈયારીઓનો તેને અહેસાસ કરાવવામાં આવે. ભારતની શક્તિનો ખરેખર પાકિસ્તાનને નક્કર અહેસાસ કરાવવાનો સમય પાકી ગયો છે. તેના માટે માત્ર આર્થિક, કૂટનીતિક, રાજદ્વારી, વ્યૂહાત્મક કોશિશો જ પુરતી નથી. જમીન પર પાકિસ્તાનની ગુસ્તાખીઓનો લશ્કરી રાહે સંપૂર્ણ તૈયારી સાથે મજબૂત જવાબ મળવો જોઈએ. 

પાકિસ્તાની સેના-આઈએસઆઈ અને આતંકવાદી સંગઠનોનું એક ડીપ-સ્ટેટ પાકિસ્તાનની અંદર અસ્તિત્વમાં છે. એમ પણ માની શકાય કે પાકિસ્તાનના ડીપ સ્ટેટે પાકિસ્તાનના લોકોને વૈચારીક, રાજકીય અને આર્થિક રીતે એક જમીનના ટુકડામાં કેદ કર્યા છે. પાકિસ્તાનનું ડીપ-સ્ટેટ આતંકવાદને પોતાનું વ્યૂહાત્મક હથિયાર ગણે છે. આ આતંકના હથિયારનો માત્ર ભારતમાં જ નહીં.. પણ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ ઉપયોગ કરે છે. તાલિબાનોને પેદા કરવા અને અફઘાનિસ્તાનને બરબાદ કરવાનું કામ પાકિસ્તાને કર્યું છે. તો વૈશ્વિક આતંકવાદી નેટવર્કમાં પણ પાકિસ્તાનના લોકોની ઘણી મોટી ભૂમિકા છે. પાકિસ્તાન આતંકવાદનું સૌથી મોટું નિકાસકાર છે. મુંબઈ પરનો 2008નો હુમલો હોય કે પઠાનકોટ હુમલો હોય પાકિસ્તાને હંમેશા પુરાવાને નકાર્યા છે. પાકિસ્તાન પોતાના દ્વારા ઉછેરવામાં આવેલા આતંકવાદીઓને ખતમ કરવા માંગતું નથી. પરંતુ આવા નેટવર્ક દ્વારા પાકિસ્તાનનો ઈરાદો ભારતને રક્તરંજિત કરવાનો છે. 

ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોની સેંકડો ટુકડીઓ પાકિસ્તાની સેનાની આતંકવાદની જાળને તોડવાના સંઘર્ષમાં લાગેલી છે. આની ઘણી મોટી અસર ભારતીય સંરક્ષણ બજેટ અને દેશની આર્થિક પ્રગતિ પર પડી રહી છે. સૌથી પહેલા પાકિસ્તાની સેના અને તેના બગલબચ્ચા જેવા લશ્કરે તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનને ભારતમાં મોકલવામાં આતંકી મોકલવા બદલ આકરો બોધપાઠ ભણાવવો પડશે. તેના માટે પાકિસ્તાનના બંકરો તબાહ કરવા, સરહદ પાર કરવી, વાયુસેનાનો ઉપયોગ કરવો, ભારે આર્ટલરી વાપરવી, સર્જિકલ સ્ટ્રાઈક કરવી, આતંકવાદી સરગનાઓને ગુપ્ત અભિયાનો હેઠળ ઠેકાણે પાડવા અથવા પરિસ્થિતિના અનુપાત પ્રમાણેની અસરકારક કામગીરી કરવા માટેની રણનીતિને ધાર આપીને હકીકત બનાવવા તરફ આગળ વધવું પડશે. મનમરજી પ્રમાણે યુદ્ધ કરનારા આતંકવાદીઓને તેમની શૈલીમાં જ ખતમ કરવા માટે ભારતના રાજકીય નેતાઓએ ભાષણબાજીથી આગળ વધીને કામગીરીને બોલવા દેવી પડશે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને કાર્યક્ષમ અને અસરકારક બનાવવી જરૂરી છે. તેના માટે સિત્તેરના દાયકામાં હતો તેવો ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓનો ખોફ ફરીથી જમાવવાની વ્યૂહરચના પર આગળ વધવું પડશે. સરહદની આ પાર જ નિર્દોષોના લોહી વહેવાનો સિલસિલો હવે વધુ લાંબો ચાલવો જોઈએ નહીં. 

ભારતે પહેલા લશ્કરી રાહે મજબૂત અને અસરકારક પગલા લીધા બાદ કૂટનીતિક, રાજદ્વારી, આર્થિક, વ્યૂહાત્મક સ્તરે આગળ વધવાની જરૂર છે. પાકિસ્તાનના આતંકી ખેલ હેઠળ ચાલતા ખુલ્લા યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કકળાટ અને પ્રેમપત્રો કે પ્રેમસંદેશાઓ લઈને દૂતો મોકલવાનો કોઈ અર્થ નથી. 125 કરોડ લોકોના શક્તિશાળી દેશે પોતાની શક્તિ મુજબ જ વ્યવહાર કરવો જરૂરી છે.

યાદ કરાવું-

1993ના મુંબઈના શ્રેણીબદ્ધ વિસ્ફોટોને યાદ રહ્યા હોત અને તાત્કાલિક કાર્યવાહી થઈ હોતતો ઉરી હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોના બલિદાન નહીં ભૂલએ તેવું કહેવાની જરૂર પડી જ ન હોત..