Tuesday, February 19, 2013

ધર્મનિરપેક્ષતાનો દંભ છોડો, સાચા હિંદુ બનો


-          ક્રાંતિવિચાર

શું મનુષ્ય ધર્મથી નિરપેક્ષ રહી શકે? ધર્મથી નિરપેક્ષ રહેનારા મનુષ્યમાં અને પ્રાણીમાં કોઈ ફેર રહે? પણ ભારતમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં 1976માં કટોકટી વખતે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ બંધારણના મૂળ ઘડવૈયાઓએ બંધારણમાં મૂક્યો ન હતો. પરંતુ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના શાસનમાં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ભારતીય બંધારણના આમુખમાં પાછળથી મૂકવામાં આવ્યો. આમ તો ભારતને ધર્મનિરપેક્ષ બનાવવાનું ચલણ 1947થી અસ્તિત્વમાં હતું. પરંતુ 1976માં તેને બંધારણમાં સામેલ કરીને ભારતીય રાજનીતિની દિશાને ડામાડોળ કરવામાં આવી.

દેશમાં વોટબેંકની એક નવી રાજનીતિ શરૂ થઈ. ભારત સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને નાગરીક તરીકેના ઘણાં અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો. આજે પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં હિંદુ વોટરો પ્રભાવહીન રહે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. તેની વિરુદ્ધ ભારતમાં 14 ટકાની આસપાસ રહેલા મુસ્લિમોને ભારતની તમામ ચૂંટણીઓમાં સમાન અધિકાર અને પ્રભાવથી વોટ કરવાનો અધિકાર છે. જેના પરિણામે હંમેશા એક ચોક્કસ દિશામાં વોટિંગ કરનારા મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા માટે કોંગ્રેસના સૌથી પ્રભાવી વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણની ભારતના અસ્તિત્વ માટે જોખમી રાજનીતિ શરૂ કરી.

આ રાજનીતિ દર દસકે સતત નીચેના સ્તરે પહોંચતી ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, મુસ્લિમોની હાલતને અનુસૂચિત જાતિના લોકો કરતા પણ ખરાબ ગણતો સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાર બાદ મુસ્લિમ વોટો સાચવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહે 15 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અલગ લઘુમતી મામલાનું મંત્રાલય બનાવ્યું છે. વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું છેકે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ધર્મનિરપેક્ષતાની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનું આનાથી વરવું ઉદાહરણ બીજું કોઈ મળે તેમ નથી. હવે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની માગણી થઈ રહી છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારોએ મુસ્લિમોને અનામત આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામતનો કોર્ટની રાહે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ સુધી સરકારની ધર્મના નામે અનામત આપનારી નીતિ સાથે કોર્ટે ખાસી અસહમતિ દર્શાવી છે.

ભારતની આઝાદીનો ઈતિહાસ આપણને ભણાવાય છે. પરંતુ સાથે ભારતના ભાગલાનો ઈતિહાસ પણ ભણાવવો જોઈએ. ભારતના ભાગલા ધર્મના નામે થયા તેમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતના ભાગલા ઈસ્લામ અને મુસ્લિમોના નામે થયા છે. તત્કાલિન બ્રિટિશ સરકારે સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થાને મંજૂરી આપીને ભારતના ભાગલાનું મૂળ નાખી દીધું હતું. આઝાદ પણ ખંડિત ભારતમાં હાલ મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વચનો આપનારા નેતાઓ છે. અત્યારે શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને અનામતની વાત થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારની ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જોતા લાગી રહ્યું છે કે મુસ્લિમોને રાજકીય ક્ષેત્રમાં પંચાયતો, વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માગણી પણ ઉઠશે. લોકસભામાં લોકપાલ બિલની ચર્ચા વખતે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા નેતાઓની દલીલો જોઈ હોય તો તેના પરથી આના સંકેતો મળે છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં એસસી, એસટી અને લઘુમતીના નામે મુસ્લિમો સભ્યને અનામત કરવાની માગણી ઉઠી હતી. તે પહેલા ક્યારેય કોઈપણ બંધારણીય પદ માટેની પસંદગીમાં ધર્મના નામે અનામતની માગણી થઈ નથી.

ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનું ઝેર ભારતની વ્યવસ્થામાં હવે તેની ચેતનાને અસર કરવા લાગ્યું છે. ભારતની સેનાની ત્રણેય પાંખ, પોલીસ અને જ્યુડિશરીમાં કેટલાં મુસ્લિમો છે, ક્યા પદ પર છે તેના આંકડા સચ્ચર કમિટી બનાવીને મેળવવામાં આવ્યા છે. સચ્ચર કમિટી દ્વારા મુસ્લિમ સિવાયની અન્ય લઘુમતીઓ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ અને આકલનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી. તેના પરથી ચોક્કસ માનવાને કારણ છે કે સચ્ચર કમિટી કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને પ્રાસંગિક બનાવવાની એક વ્યવસ્થાનો ભાગ હતી. ભારતમાં હાલ ગરીબોની મોટી સંખ્યા છે. કહેવામાં આવે છે કે ગરીબી ઘટી રહી છે. પરંતુ આમ આદમીની સ્થિતિને જોવામાં આવે તો ગરીબો 42 ટકાની આસપાસ છે. જો કે સરકાર પાસે અલગ-અલગ રિપોર્ટો પ્રમાણે જુદાંજુદાં આંકડા છે. પરંતુ બધાનો એકમત છે કે ભારતમાં ગરીબો ઘણા મોટા પ્રમાણમાં છે. તો શું આ ગરીબોમાંથી 80 ટકા લોકો મુસ્લિમ હશે? સચ્ચાઈ એ છે કે ભારતમાં રહેનારા ગરીબોમાંથી 80 ટકા હિંદુઓ છે. તો લાભ ગરીબોને મળવો જોઈએ કે મુસ્લિમોને?

છેલ્લા 15 વર્ષથી ભારતમાં ગરીબલક્ષી યોજનાઓને મુસ્લિમલક્ષી યોજનામાં ફેરવવાનું વલણ સામે આવ્યું છે. દેશની સંપત્તિની ભાગબટાઈ ધર્મના નામે થઈ રહી છે. યોજનાઓમાં લઘુમતીઓના નામે મુસ્લિમોના ભાગને અલગ કરવાનું વલણ અપનાવાય રહ્યું છે. ત્યારે આ નીતિ બનાવનારી સરકારોએ જવાબ આપવો જોઈએ કે 125 કરોડના દેશમાં હિંદુઓ 84 ટકા છે. ભારતને ટેક્સની જે આવક થાય છે, તેમા 85 ટકા હિસ્સો હિંદુઓનો છે. તો જે ટેક્સ આપનારા લોકો છે, તેના નાણાનો ઉપયોગ ધર્મના નામે ભાગબટાઈમાં કેમ કરવામાં આવે છે? આનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે કે મંદિરોમાં હિંદુઓ દ્વારા કરવામાં આવતા દાનનો ઉપયોગ હિંદુ ધાર્મિક કાર્યો સિવાય અન્ય કામોમાં વપરાય છે. કેટલેક ઠેકાણે મુસ્લિમોને સબસિડી અને મદરસાઓના કામમાં હિંદુઓ દ્વારા મંદિરોને દાનમાં અપાયેલા નાણાંમાંથી ફંડ ફાળવવામાં આવતા હોવાના ઉદાહરણો પણ કેટલેક ઠેકાણે સામે આવ્યા છે.

ધર્મનિરપેક્ષતાના નામે દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કસાબ જેવા જેહાદી આતંકીને ભારત સરકારે ધર્મનિરપેક્ષતાની રાજનીતિના પરિણામે સાડા ચાર વર્ષ સાચવી રાખ્યો..તો સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને લાંબા સમય સુધી તિહાડમાં બિરયાની ખવડાવી પડી. આ બંને નરરાક્ષસોને ભારત સરકારે છુપી રીતે ફાંસી આપી. ફાંસીની તારીખો પહેલેથી જાહેર કરવામાં પણ સરકારને જોખમ દેખાતું હતું. આ ધર્મનિરપેક્ષતાની રાજનીતિમાં મજબૂર બનેલી ભારતની વ્યવસ્થાની કહાણી છે.

મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણીય રીતે વિશેષ દરજ્જો આપતી કલમ-370 દૂર કરવાની વાત કરવી ભારતની રાજનીતિમાં કોમવાદી ગણાય છે. ચાર લગ્નો માટે સ્વતંત્ર મુસ્લિમોને સમાન નાગરીક ધારા હેઠળ કાયદા સામે તેમને સમાન કરવાની વાતને ભારતમાં સાંપ્રદાયિક ગણવામાં આવ છે. મોગલ લૂંટારા બાબરના બર્બર સેનાપતિ મીર બાંકી દ્વારા ધ્વસ્ત કરાયેલા રામમંદિરના સ્થાનેથી બાબરી ઢાંચો હટાવવાના કામને હિંસાનું કારણ ગણવામાં આવે છે. રામ ભારત રાષ્ટ્રના શિખર પુરુષોમાંના એક છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભારતની અસ્મિતાનું પુનર્સ્થાપન છે. પરંતુ આને કટ્ટરપંથી કામ ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તે ભારતમાં કાળું છે. દુનિયાના કોઈપણ દેશમાં કોઈ રાજ્યનો વિશેષ દરજ્જો તે દેશની એકતા અને અખંડિતામાં અડચણ બનતો હોત, તો તેને તુરંત દૂર કરવામાં આવ્યો હોત. દુનિયામાં કોઈ દેશમાં કોઈ ધર્મના લોકોના વિશેષાધિકાર દેશની દુર્ગતિનું કારણ બનતા હોત, તો તેને તુરંત સમાન નાગરીક ધારા નીચે લાવવામાં આવ્યા હોત. વિશ્વના કોઈ દેશની અસ્મિતાને કોઈ લૂંટારાએ ખંડિત કરી હોત, અપમાનિત કરી હોત, તો તેનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું હોત. ભારતમાં ચાલી રહેલી રાજનીતિને કારણે આપણે ભારતના લોકો આમ કરી શકતા નથી.

કાળાને ધોળું અને ધોળાને કાળું કરવાની રાજનીતિનો પર્યાય ધર્મનિરપેક્ષતા બની ગઈ છે. ધર્મનિરપેક્ષતાના નામે અપનાવવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમોની ખૂબ આળપંપાળ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસ્લિમોના અસામાજિક તત્વોને નજરઅંદાજ કરવામાં આવે છે. જેહાદના નામે ચાલતા આતંકવાદની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. મુસ્લિમોને અનામતથી માંડીને આર્થિક સહાયતા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ બધી બાબતોમાં હિંદુઓના અધિકારો અને હિતોને બલિ ચઢાવવામાં આવે છે. ક્યારેક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સમાન ગણાવ્યું હતું. પરંતુ ભારતના રાજકારણમાં ધર્મનિરપક્ષેતા અફીણ સમાન છે. જેના કારણે હિંદુઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભારતના હિતોને આઘાતજનક નુકસાન થઈ રહ્યું છે. ભારતની સમસ્યાઓ ઉકેલાવાના બદલે ધર્મનિરપેક્ષ રાજનીતિને પરિણામે વધારે ગુંચવાય છે. ત્યારે પોતાને હિંદુ નહીં, પણ ધર્મનિરપેક્ષ ગણાવતા હિંદુઓએ પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ધર્મનિરપેક્ષ માત્ર હિંદુઓ થઈ રહ્યા છે. ધર્મનિરપેક્ષોની સંખ્યા આઝાદી પહેલા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે હતી. આઝાદી પછી પણ આ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેર પડયો નથી. મુસ્લિમ વ્યક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક એવી કોઈપણ પ્રકારની ઓળખમાં પોતાની ધાર્મિક ઓળખને સૌથી વધારે અને પહેલુ પ્રાધાન્ય આપે છે. ત્યારે ધર્મનિરપેક્ષતાના નામે હિંદુઓ પોતાની રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પાતાળમાં ધકેલીને ઓળખવિહીન થઈ રહ્યા છે. આ દેશમાં હિંદુઓ ઓળખવિહીન બનશે, તો ખરેખર ભારતના અસ્તિત્વ પર જોખમ આવશે. તેવા સંજોગોમાં ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને દેશવટો આપવો જોઈએ.

બાકી આખા વિશ્વના કલ્યાણની ભાવના ધરાવતા, વિશ્વના તમામ જડચેતનને સુખી કરવાની લાગણી ધરાવતા અને દરેક પ્રાણીઓમાં સદભાવનાની સ્થાપનાની ઈચ્છા કરનાર હિંદુને કોઈ ધર્મનિરપેક્ષતા શીખવાની જરૂર નથી. હિંદુઓની આવી ઉદાત્ત ભાવનાથી મહાન ધર્મનિરપેક્ષતા નથી. પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારા વ્યક્તિઓમાં આ ભાવનાઓ ગાયબ હોય છે. ત્યારે ધર્મનિરપેક્ષ કરતા હિંદુ બની રહેવું ભારત માટે વધારે હિતાવહ છે.