Friday, August 16, 2019

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક “થૉટ્સ ઑન પાકિસ્તાન”: વિભાજન બાદ ભારતમાં હિંદુઓની બહુમતીથી મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગવાનો વિશ્વાસ હતો?


-     આનંદ શુક્લ
આંદોલનો આદર્શોને પામવા માટે પુરી શક્તિ લગાવીને થતા હોય છે.. પરંતુ ત્યાર બાદના નિર્ણયો આદર્શોની લાગણીઓમાં તણાયા વગર ઉભા થયેલા સંજોગોને આધારે વાસ્તવિકતાના ધરાતલ પર કરવા જોઈએ. આઝાદીની લડત વખતે ભારત પાસે આવા બે વ્યવહારકુશળ અને વાસ્તવિકતાને આધારે લાગણીઓને બાજુએ મુકીને વિચારનારા અને નિર્ણય લેનારા નેતા હતા.. જેમાં લોહપુરુષ સરદાર પટેલ અને આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો સમાવેશ થાય છે. ભારતના સેક્યુલર કલેવરને સાબૂત રાખનારું બંધારણ આપનારા ડૉ. આંબેડકરે પોતાના પુસ્તક- થોટ્સ ઓન પાકિસ્તાનમાં ભારત વિભાજન સંદર્ભે પોતાના વિચારો સ્પષ્ટપણે દર્શાવ્યા છે.

આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના વિભાજન સંદર્ભેના વિચારો ગાંધીજી કરતા તદ્દન વિપરીત હતા. તેમણે તત્કાલિન હિંદુ અને મુસ્લિમ સમાજમાં પેદા થયેલા રાજકીય વિદ્વેષની વાત કોઈપણ શબ્દોના આડંબર વગર સ્પષ્ટતાથી કરી હતી.


હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે માત્ર અંતર નથી, શત્રુતા છે. બંને વચ્ચેના અંતરનું કારણ ભૌતિક નથી. તેનું સ્વરૂપ આધ્યાત્મિક છે. તેના મૂળ કારણની ઉત્પતિ ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક વિદ્વેષના ગર્ભમાંથી થઈ છે. રાજકીય વિદ્વેષની તેની અભિવ્યક્તિ માત્ર છે. – ડૉ. આંબેડકર (થોટ્સ ઑન પાકિસ્તાન, પૃ-311)


આંબેડકરે અખંડ ભારતની આઝાદીની સંભાવનાઓ અને તેની વાંછનીયતાઓ સંદર્ભે કેટલીક અતિગંભીર આશંકાઓ પ્રગટ કરી હતી. ઉલ્લેખનીય છે કે અખંડ ભારતનો વિચાર દક્ષિણપંથી સંગઠનોની આકાંક્ષાઓનો આજે પણ ભાગ છે


શું અખંડ ભારતની આઝાદી ખરેખર એવો આદર્શ છે કે જેના માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ- આ એક વિચારણીય પ્રશ્ન છે. પહેલી વાત, જો ભારત અવિભાજીત પણ રહેશે, તો તેની એકતા આંગિક નહીં હોય. ભારત કહેવા માટે તો એક દેશ હશે, પરંતુ હકીકતમાં તે બે દેશ જ રહેશે- હિંદુસ્તાન અને પાકિસ્તાન, એક કૃત્રિમ અને આરોપિત બંધનોથી જોડાયેલો દેશ. આ દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને કારણે થશે. દ્વિરાષ્ટ્રવાદનો સિદ્ધાંત એકતાની ભાવનાને વિકસિત થવા દેશે નહીં. દ્વૈતવાદના વિષાણુ બોડી પોલિટિકમાં ફેલાને એવા ઉન્માદને જન્મ આપશે, જે આ કૃત્રિમ એકતાને ધ્વસ્ત કરવા માટે આખરી ક્ષણ સુધી લડશે. જો દૈવિક શક્તિની કૃપાથી ભારતનું એકીકૃત સ્વરૂપ બચી પણ જાય, તો એટલું તો નિશ્ચિત છે કે ભારત એક રુગ્ણ અને દુર્બળ રાજ્ય હશે. આ કૃત્રિમ એકતાને કારણે તેની જીવંતતા સૂકાતી જશે, આંતરિક સંબંધો ઢીલા પડતા ઝશે, લોકોમાં પ્રેમ અને વિશ્વાસની ભાવના દુર્બળ થતી જશે અને તેની સાથે ભારતનો નૈતિક અને ભૌતિક વિકાસ ધીમો પડતો જશે. – ડૉ. આંબેડકર (થૉટ્સ ઑન પાકિસ્તાન, પૃ-334-335)


મુસ્લિમ કોમવાદ સમય સાથે લુપ્ત થવાની વાત સાથે આંબેડકર સંમત હતા. તેમને રાષ્ટ્રવાદી મુસ્લિમોની શક્તિ અને નિયત પર પણ શંકા હતી કે તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મિત્રતા સ્થાપિત કરવામાં સફળ થઈ શકશે


મુસ્લિમ લીગ સાથે રહેલા રાષ્ટ્રવાદી મુસ્લિમો અને કોમવાદી મુસ્લિમોમાં કોઈ ફરક કરવો અઘરો છે. તેમા કોઈ શંકા નથી કે રાષ્ટ્રવાદી મુસ્લિમો કોંગ્રેસના આદર્શ, લક્ષ્ય અને નીતિઓ પ્રત્યે સમર્પિત છે. વાસ્તવમાં કોંગ્રેસમાં એવા લોકો છે કે જઓ એવું માને છે કે બંનેમાં કોઈ અંતર નથી તથા રાષ્ટ્રવાદી મુસ્લિમો કોમવાદી મુસ્લિમોનો આગામી પડાવ છે. રાષ્ટ્રવાદી મુસ્લિમોની સચ્ચાઈ ત્યારે સામે આ જાય છે કે જ્યારે રાષ્ટ્રવાદી મુસ્લિમ ડૉ. અંસારી દ્વારા કમ્યુનલ એવોર્ડના વિરોધનો ઈન્કાર કરાયો હતો. મુસ્લિમો પર મુસ્લિમ લીગનો એટલો પ્રભાવ વધી ગયો છે કે તેના મુસ્લિમ નેતાઓ જે મુસ્લિમ લીગના વિરોધી હતા, હવે મુસ્લિમ લીગમાં સામેલ થવા માંગે છે અથવા તેની સાથે મધુર સંબંધો બનાવવા ઈચ્છે છે. જ્યારે સિકંદર હયાત અને બંગાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ફઝલુલ હકના વિચારો અને વ્યવહારો પર નજર કરીએ તો આ તથ્યની સચ્ચાઈ પર વિશ્વાસ કરવો પડે છે.– ડૉ. આંબેડકર (થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ 406-407)


સેક્યુલર ભારતના સેક્યુલર બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે ભાગલાની સાથે વસ્તીની અદલા-બદલી પણ કરવામાં આવે. તેમનું સ્પષ્ટ માનવું હતું કે જો આમ નહીં થાય તો જે સમસ્યાને ઉકેલવા માટે વિભાજન જરૂરી લાગી રહ્યું છે.. તેનો ઉદેશ્ય ક્યારેય પૂર્ણ નહીં થાય. તબાદલા-એ-આબાદી વગર થયેલા ભાગલા બાદ પણ પરિસ્થિતિ પહેલા જેવી જ રહેશે અને વિભાજન નિરર્થક અને બેઈમાની હશે. ભારતમાં તો મુસ્લિમો સુરક્ષિત રહેશે.. પરંતુ પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ શું થશે તે કહેવું ઘણું મુશ્કેલ છે... 


તેને જરૂરથી સ્વીકારવું પડશે કે પાકિસ્તાન બની જવા માત્રથી હિંદુસ્તાનમાં કોમવાદી તણાવ ખતમ થશે નહીં, પાકિસ્તાન પોતાની રીતે પોતાની વસ્તીમાં એકરૂપતા લાવવામાં સફળ રહેશે. પરંતુ ભારત એક મિશ્રિત રાજ્ય રહેશે. ભારતમાં વસ્તીની એકરૂપતા લાવવા માટે આવશ્યક છે કે વસ્તીની અદલા-બદલી થાય. પાકિસ્તાનથી તમામ હિંદુઓ ભારતમાં આવી જાય અને ભારતના તમામ મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાય. જ્યાં સુધી આમ નહીં થાય, તતો પાકિસ્તાન બન્યા બાદ પણ ભારતમાં બહુમતી વિરુદ્ધ લઘુમતીની સમસ્યા યથાવત રહેશે જેવી પહેલેથી છે અને હિંદુસ્તાનના બોડી પોલિટકમાં દુર્ભાવના પેદા કરતી રહેશે. જે લોકો વસ્તીની અદલા-બદલીની મજાક ઉડાવી રહ્યા છે, તેમણે તુર્કી, ગ્રીસ અને બલ્ગેરિયામાં પેદા થયેલી લઘુમતીઓની સમસ્યાનો ઈતિહાસ વાંચવો જોઈએ. આ દેશોએ જે કામ કર્યું તે સાધારણ કામ હતું નહીં. બે કરોડ લોકોની વસ્તીની અદલા-બદલી કરવામાં આવી. સમસ્યાની જટિલતાને જોતો તેમણે સાહસને છોડયું નથી અને સફળતાપૂર્વક આ કઠિન કામ પૂર્ણ કરવામાં આવ્યું, કારણ કે તેમના માટે સામુદાયિક શાંતિ અન્ય સમસ્યાઓથી વધારે મહત્વપૂર્ણ હતી. વસ્તીની અદલા-બદલી સામુદાયિક શાંતિ માટે એકમાત્ર રસ્તો છે. જો પોતાના મર્યાદીત સાધનો છથાં ગ્રીસ, તુર્કી અને બલ્ગેરિયા જેવા નાના દેશો આ કામ કરી શકે છે, તો કોઈ કારણ નથી કે હિંદુસ્તાન આમ કરી શકે નહીં. – ડૉ. આંબેડકર (થોટ્સ ઑન પાકિસ્તાન, પૃ-102-104)


વસ્તીની અદલા-બદલી નહીં થવા છતાં પણ આંબેડકર ભારતનું વિભાજન ઈચ્છતા હતા. તેમને વિશ્વાસ હતો કે વિભાજન બાદના ભારતમાં હિંદુઓની બહુમતી હશે અને સંસદમાં સાંસદોની ભારે બહુમતીથી મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગશે. પરંતુ ભારતમાં વોટબેંકની રાજનીતિમાં મુસ્લિમ તુષ્ટિકરણ માટે દેશના લગભગ તમામ રાજકીય પક્ષોની નીતિને કારણે કોમવાદ અને આતંકવાદની સમસ્યાઓનો અવાર-નવાર સામનો કરવો પડે છે. લાગે છે કે ભારતના ભાગલા સ્વીકાર કરાયા બાદ તત્કાલિન કોંગ્રેસી નેતાઓ અને ખાસ કરીને જવાહરલાલ નહેરુની અવાસ્તવિક આદર્શવાદમાં દૂરદ્રષ્ટિનો સ્પષ્ટ અભાવ હોવાનું દેખાઈ રહ્યું હોય તેવું પ્રતીત થાય છે.


ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 9 : 1947માં ભારતનું વિભાજન ટાળવા ગાંધીજીએ કોશિશો કરી, પણ કોંગ્રેસ માની નહીં


-     આનંદ શુક્લ
જશ પર જોડા મારવાની વૃતિને કારણે આઝાદીના આંદોલનમાં સૌથી આગળ રહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અખંડ ભારતના આશ્વાસન છતાં કોંગ્રેસ દ્વારા ભાગલા સ્વીકારવા બદલ આકરી ટીકા થાય છે. પરંતુ હકીકત એ છે કે અહિંસાવાદી ગાંધીજી ભારતના ભાગલા રોકવાની પ્રામાણિક કોશિશો કરી ચુક્યા હતા. પરંતુ સક્રિય રાજકારણમાંથી રચનાત્મક સામાજિક કાર્યોમાં લાગેલા ગાંધીજીની વાત કોંગ્રેસ દ્વારા માનવામાં નહીં આવતા તેમને પોતાના જીવનનો કોઈ હેતુ ખતમ થઈ રહ્યો હોવાનું લાગવા લાગ્યું હતું.
મહાત્મા ગાંધીને ભારતના ભાગલામાં સર્વનાશ દેખાતો હતો. તેઓ વિભાજનને આખરી શ્વાસ સુધી રોકવાની ઈચ્છા ધરાવતા હતા. મૌલાના આઝાદે નહેરુ અને પટેલ દ્વારા ભાગલાની માઉન્ટબેટનની યોજના પર સંમતિની વાત સાંભળીને ગાંધીજી સ્તબ્ધ બની થઈ ગયા હતા.
પાકિસ્તાન નામંજૂર
જો કોંગ્રેસ ભાગલા સ્વીકારવા માંગે છે તો તેમ મારી લાશ પર જ થશે. જ્યાં સુધી હું જીવિત છું, હું ભારત વિભાજન સ્વીકારીશ નહીં અને શક્ય હશે તો હું કોંગ્રેસને તેનો સ્વીકાર પણ નહીં કરવા દઉં. – ગાંધીજી (આઝાદ- ઈન્ડિયા વિન્સ ફ્રીડમ, પૃ,- 186)
ગાંધીજીની અહિંસાવાદિતાએ તેમને મહાત્માપણું બક્ષ્યું હતું. પરંતુ ભારતને આઝાદ કરાવવા માટે રક્તસ્નાનની જરૂરત પડશે.. તે અહિંસા છતાં થશે તેવો સ્પષ્ટ સંદેશ તેમણે વાઈસરોય લોર્ડ વાવેલ અને લોર્ડ માઉન્ટબેટનને જણાવ્યો હતો.
સ્પષ્ટ સંદેશો-
તમારે તમારા પુરોગામીઓના અન્યાયનું પ્રાયશ્ચિત કરવું પડશે. બ્રિટિશ હકૂમતની- ભાગલા પાડો, રાજ કરોની નીતિ અમને આવી સ્થિતિમાં લઈ આવી છે કે આજે અમારી સામે બે જ રસ્તા છે. એક રસ્તો છે બ્રિટિશ હકૂમતને પહેલાની જેમ ચાલવા દેવામાં આવે અથવા રક્તસ્નાન દ્વારા યોગ્ય ઉકેલ શોધવામાં આવે. આ બંને માર્ગમાંથી કોઈ એકને પસંદ કરવાનો સમય આવી ગયો છે.– ગાંધીજી (એલન કેમ્પવેલ જોનસન – માઈ મિશન વિથ માઈન્ટબેટન, પૃ.- 25)
પ્રાર્થનાસભામાં પુનરોચ્ચાર
જો સંપૂર્ણ ભારત સળગી ઉઠશે, તો પણ અમે પાકિસ્તાનની માગણી સ્વીકારીશું નહીં, જો મુસ્લિમો પોતાની તલવારની અણિએ લેવા ચાહશે ત્યારે પણ નહીં. -  ગાંધીજી (માઈકલ એડવડ્ર્સ, લાસ્ટ ઈયર્સ ઓફ બ્રિટિશ ઈન્ડિયા, પૃ.- 179)
મહાત્મા ગાંધીની અસંમતિ છતા વિભાજનનો સ્વીકાર કરાતા તેમને લાગ્યું કે તેમના જીવનનો ઉદેશ્ય સમાપ્ત થઈ ગયો છે અને હવે તેમણે પણ ખતમ થઈ જવું જોઈએ. ગાંધીજી ભાગલાનો અસ્વીકાર કરીને બાકીનું જીવન પાકિસ્તાનમાં વીતાવવા માંગતા હતા.
ગાંધીજીની અંતર્વ્યથા
આજે હું બેહદ એકલો પડી ગયો છું. ત્યાં સુધી કે સરદાર અને નહેરુ પણ ભાગલા સંદર્ભેની મારી જે ધારણા છે તેને ખોટી માને છે અને વિચારે છે કે વિભાજનને સ્વીકારવાથી શાંતિ આવશે. હું સારી રીતે જોઈ રહ્યો છું કે આપણે લોકો આ સમસ્યાનો ખોટો ઉકેલ શોધી રહ્યા છીએ. બની શકે કે આપણે તાત્કાલિક તેની અસરનો અનુભવ કરી શકીએ નહીં, પરંતુ હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આ કિંમત પર પ્રાપ્ત કરેલી સ્વતંત્રતાનું ભવિષ્ય અંધકારમય છે. તેના કારણે મારો આત્મા ઘણો દુ:ખી છે. બધાંન માલૂમ થાય કે હું ભારત વિભાજન સાથે ક્યાંય જોડાયેલો નથી. બની શકે કે હું એકલો આમ વિચાર ધરાવું છું. તેમ છતાં હું વારંવાર કહું છું કે ભાગલા નુકસાનકારક સાબિત થશે. – ગાંધીજી (પ્યારેલાલ- ધ લાસ્ટ ફેઝ, ખંડ-2, પૃ.-214-15)

ભાગલાનો સ્વીકાર કરાયા બાદ મહાત્મા ગાંધી પર તેનો વિરોધ નહીં કરવાનો ગંભીર આરોપ લગાવાયો હતો. ત્યારે ગાંધીજીએ આરોપોનો ઉત્તર આપતા કહ્યું હતું કે-
આરોપનો જવાબ-
મારા પર (આરોપ) લગાવાયછે કે મારું આશ્વાસન આજે કેટલું નબળું પડી રહ્યું છે કે ભારતનું વિભાજન મારા શરીરના વિભાજન બાદ થશે, તે સમયે મને વિશ્વાસ હતો કે મારી સાથે જનતા છે, મે વારંવાર કહ્યુ હતુ કે આપણે અસત્યા અને દુષ્ટતા સાથે સમજૂતી કરવાની નથી. આજે પણ વિશ્વાસ સાથે કહ્યુ છું કે જો તમામ બિનમુસ્લિમો મારી સાથે હોત તો ભારતનું વિભાજન થવા દેત નહીં. પરંતુ મારે વિશ્વાસ કરવો પડે છે કે લોકોનું સામૂહિક ચિંતન મારી સાથે નથી. માટે મારે અલગ થઈ જવું જોઈએ. – ગાંધીજી (કલેક્ટેડ વર્ક્સ-XXX, VII, પૃ. – 117-18)
ગાંધીજીએ ભાગલાના દુષ્પરિણામોના અંદાજાને આધારે અવિભાજિત ભારતના વડાપ્રધાન બનવા માટે ઝીણા સામે પ્રસ્તાવ મૂક્યો હતો. આ એક ખતરનાક સોદો હતો. પરંતુ ભારતના ભાગલાના ભયાનક પરિણામો કરતા ઓછો જોખમી હોવાનું ગાંધીજી માનતા હતા. ભારતના ભાગલા આઝાદીને જોખમમાં નાખનારા અનિષ્ટને પેદા કરનાર ગણાવ્યા હતા. ગાંધીજીનો ઈશારો કદાચ ઈસ્લામિક કટ્ટરવાદ તરફ હોઈ શકે કે જેના કારણે ભારત પર ભીષણ ધર્માંધ આક્રમણો થયા અને અત્યાચારી શાસનોનો તબક્કો પણ આવ્યો હતો.

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 8 : ખંડિત આઝાદીના પર્વ પર મંથન કરીએ અખંડ ભારતની હત્યાનું કોણ હતું ગુનેગાર?


-     આનંદ શુક્લ

વિભાજનની વિભીષિકા આજે પણ ભારત માટે કરુણાંતિકાઓ જ પેદા કરી રહી છે. ત્યારે આઝાદીની 72 વર્ષ બાદ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ભારતના ભાગલા માટે જવાબદાર કોણ... ઝીણા.. નહેરુ...મહાત્મા ગાંધી.. સરદાર પટેલ.. કે અંગ્રેજ.. કોંગ્રેસ કે મુસ્લિમ લીગ... કે તમામની સામૂહિક જવાદારી છે? ભારતના ભાગલા છતાં પણ દક્ષિણ એશિયામાં તત્કાલિન સમસ્યાઓ  આજે પણ યથાવત છે... તો આવા ભાગલાની તાર્કિકતા અને યથાર્થતા કેટલી છે?

ભારતનું વિભાજન ખૂબ ઉતાવળે સ્વીકારી લેવામાં આવ્યું હતું. તેના સેંકડો કારણોમાં એક મુખ્ય કારણ રાષ્ટ્રીય તત્વોના વિકૃતિકરણથી કોંગ્રેસ દ્વારા વિકસિત કરાયેલો રાષ્ટ્રવાદ. આ કોંગ્રેસી રાષ્ટ્રવાદ એટલો નબળો હતો કે મુસ્લિમ રાષ્ટ્રવાદ નામે શરૂ કરવામાં આવેલા અલગતાવાદનો મુકાબલો કરી શક્યો નહીં. આ અલગતાવાદી પ્રવૃતિમાં હિંસાચારની મુખ્ય ભૂમિકા હતી. બીજી તરફ હિંદુઓએ પોતાનું સંપૂર્ણ સમર્થન ગાંધીજીના મહાત્માપણા અને કટ્ટર અહિંસા સાથેની કોંગ્રેસને આપ્યું હતું. હિંદુ મહાસભા જેવા પક્ષોને હિંદુ સમાજમાંથી નહીંવત ટેકો પ્રાપ્ત થયો હતો. તે વખતે કોંગ્રેસનો દાવો હતો કે મુસ્લિમ લીગનો મુકાબલો માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. 1945-46ની ચૂંટણીઓમાં કોંગ્રેસને હિંદુઓનું પૂર્ણ સમર્થન મળ્યું. જ્યારે મુસ્લિમોએ મુસ્લિમ લીગને ટેકો આપ્યો હતો. પરંતુ કોંગ્રેસે મુસ્લિમો સહીત ભારતના તમામ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાનો ખોટો દાવો કર્યો હતો.
ઝીણાનો સૌથી મોટો વાંધો હતો કે કોંગ્રેસ હિંદુઓના ટેકાવાળી પાર્ટી હોવા છતાં તમામ વર્ગો અને ખાસ કરીને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરવાનો ઢોંગ કરે છે. ત્યારે પાકિસ્તાનવાદીઓની અલગતાવાદી હરકતોનો મુકાબલો કરવાની સ્પષ્ટ નીતિનો કોંગ્રેસમાં અભાવ હતો. હિંદુ-મુસ્લિમ એકતાના નામે કોંગ્રેસી ઢોંગને કારણે હિંસક અલગતાવાદી પાકિસ્તાનની માગણી કરતા મુસ્લિમ રાષ્ટ્રવાદનો મુકાબલો કરે તેવા ભારતીય રાષ્ટ્રવાદને વિકસિત કરવામાં નિષ્ફળતા મળી હતી. જેના કારણે દેશનું વિભાજન થયું હતું. તેથી ભારત વિભાજન માટે મુસ્લિમ લીગ, મોહમ્મદ અલી ઝીણા અને અલગતાવાદી મુસ્લિમ રાષ્ટ્રવાદ સીધા જવાબદાર હોઈ શકે. પરંતુ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ સહીતના કોંગ્રેસના નેતાઓ તેમના રાષ્ટ્રીય તત્વોને વિકૃત કરીને વિકસિત કરાયેલા નબળા રાષ્ટ્રીય રાષ્ટ્રવાદને વિકસિત કરીને પાકિસ્તાનને હકીકત બનતા નહીં અટકાવી શકવાની જવાબદારીમાંથી બિલકુલ બચી શકે તેમ નથી.
પાકિસ્તાનની માગણી પુરી કરવા માટે મુસ્લિમ લીગ દ્વારા કરાતી હિંસાનો ગાંધીજીના કટ્ટર અહિંસાવાદ પાસે કોઈ જવાબ ન હતો. જો કે લોહપુરુષ સરદાર પટેલે એકવાર તલવારનો મુકાબલો તલવારથી કરવાની વાત કરી હતી. તો તેના સંદર્ભે ઝીણાએ પુછયું કે તેમની તલવાર ક્યાં છે?  કારણ કે ઝીણા જાણતા હતા કે કોંગ્રેસ ગાંધીજીની અહિંસક નીતિના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકશે નહીં. જો કે હિંદુ સમુદાય પાસે ઝીણાની હિંસાચારી પ્રવૃતિઓનો મુકાબલો કરવાની સંપૂર્ણ શક્તિ હતી. મુસ્લિમ લીગી ગુંડાઓની હિંસાનો જડબાતોડ પ્રતિકાર કરાયો હતો. પરંતુ કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીએ ઉપવાસનું હથિયાર ઉઠાવીને તેને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંગાળના તોફાનો બાદ હિંદુ સમુદાય તરફથી બિહારમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. તેના કારણે લીગને ભવિષ્યની તેની હિંસા સામેના જવાબથી કંપકપી છૂટી ગઈ. ઝીણાએ વસ્તીની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મૌલાના આઝાદે કહ્યુ કે કોંગ્રેસ ઝીણાનો તબાદલા-એ-આબાદીનો પ્રસ્તાવ માની લેવો જોઈએ. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના મુસ્લિમો ઝીણાના પાકિસ્તાનને સૌથી વધારે ટેકો આપી રહ્યા છે. તબાદલા-એ-આબાદીના પ્રસ્તાવના માની લેવાથી તેમને ભારતમાંથી તેમની મિલ્કતો છોડીને પાકિસ્તાન જવું પડશે. તેના માટે તેઓ તૈયાર નહીં થાય અને મુસ્લિમ લીગનો સાથ છોડી દેશે. પરંતુ પરંતુ ગાંધીજીનું મહાત્માપણું તેમને આવો પ્રસ્તાવ સ્વીકારવાની મંજૂરી આપતું ન હતું. તેના કારણે ભારતનો વિભાજન અટકાવવાનો પક્ષ નબળો પડયો હતો.
ભારતનું વિભાજન કરાવવામાં બ્રિટિશ સામ્રાજ્યવાદી શક્તિઓના સ્થાપિત હિતો જોડાયેલા હતા. તેના માટે તેમણે હિંદુ-મુસ્લિમ વચ્ચેની હિંસાની આડમાં ઝીણા અને મુસ્લિમ લીગની આડ લઈને દક્ષિણ એશિયામાં પોતાની ગ્રેટ ગેમ પાર પાડી હતી. અંગ્રેજોની ઈચ્છા હતી કે ભારત છોડયા પછી તેનો એક ભાગ તેના નિયંત્રણમાં રહે અથવા બ્રિટનની કઠપૂતળી તરીકે નાચવા માટે તૈયાર રહે. જ્યારે લોર્ડ વેવલ વાઈસરોય બન્યો, તો તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન વિસ્ટર્ન ચર્ચિલે કહ્યુ હતુ કે – કીપ અ બિટ ઓફ ઈન્ડિયા વિથ યૂ એટેલે ક ભારતનો થોડો ભાગ પાસે રાખી લો. પાકિસ્તાનની રચના સાથે તેને બ્રિટન સહીતના પશ્ચિમી દેશો અને બાદમાં અમેરિકા પાસેથી શસ્ત્ર અને આર્થિક સહીત તમામ પ્રકારની મદદ મળતી રહી છે.
બ્રિટિશ ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને લખ્યું પણ હતુ કે જો વિભાજન બાદ તાત્કાલિક ભારત પાકિસ્તાન પર હુમલો કરત તો આ નવા દેશનું નામોનિશાન જ રહેત નહીં. અંગ્રેજોની ઈચ્છા હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય નહીં. તેના કારણે જ માઉન્ટબેટને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનીઓના આક્રમણ છતાં યુદ્ધ ટાળવા માટે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવાની સલાહ આપી હતી. ભારત વિભાજન સંદર્ભે અંગ્રેજ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ તમામના પોતપોતાના સ્થાપિત હિતો હતા. જો ભારતનું વિભાજન થયું ન હતો, તો આજે આપણો દેશ વિશ્વના પ્રથમ શ્રેણીના દેશોમાં સ્થાન પામ્યો હોત. તેનો સીધા અર્થ થાય છે કે એશિયાના સંશાધનો પર પશ્ચિમી દેશોનું વર્ચસ્વ હાલના જેવું રહેત નહીં.
અંગ્રેજો સામે સંઘર્ષો અને જેલવાસમાં જિંદગીના આખરી પડાવ પર પહોંચેલા ઘણાં કોંગ્રેસી નેતાઓ થાકી ચુક્યા હતા. તેમને ઝડપથી દેશની આઝાદી મેળવીને સત્તા હસ્તાંતરીત કરીને દિલ્હીમાં બેસવું હતું. તેની સાથે કોંગ્રેસની ઈચ્છા હતી કે મુસ્લિમ લીગની હિંસા ખતમ થાય અને કેન્દ્ર મજબૂત બને. પરંતુ ઝીણાના રહેતા તે શક્ય હતું નહં. પરંતુ વિભાજન બાદ પણ હિંસાએ ભારતનો પીછો છોડયો નથી. નહેરુ અને ઈન્દિરા ગાંધીના કાર્યકાળ સુધી કેન્દ્ર મજબૂત રહ્યું, પરંતુ બાદમાં મુસ્લિમ વોટબેંકના રાજકારણે પ્રાદેશિક સ્તરે ચૂંટણી સમીકરણોમાં પ્રાદેશિક પક્ષોને મજબૂત કર્યા અને કેન્દ્ર નબળું પડ્યું. દેશમાં 30 વર્ષ સુધી જોડાણ સરકારો સત્તા પર આવી અને તેને કારણે રાષ્ટ્રહિત માટેના નીતિગત નિર્ણયોની પ્રક્રિયા મંથર પડી હતી.
મુસ્લિમ લીગ અને ઝીણાનો વિચાર હતો કે પાકિસ્તાન નામનો મુસ્લિમ દેશ બનાવીને તેઓ સમગ્ર ઈસ્લામિક વિશ્વનું નેતૃત્વ કરશે. હવે તેઓ પરમાણુ બોમ્બ બનાવીને વિચારી રહ્યા છે કે તેમના ઉદેશ્યમાં તેઓ સફળ રહ્યા છે. તેના કારણે પાકિસ્તાન પોતાના પરમાણુ બોમ્બને ઈસ્લામી બોમ્બ કહી રહ્યું છે. પાકિસ્તાન સમજે છે કે તેમણે ઈસ્લામને મજબૂત કરી દીધો છે. મુસ્લિમ લીગની માનસિકતા હતી કે પાકિસ્તાને ભારત પર હાવી થઈ જાય તેટલું શક્તિશાળી બનાવવું. તેમનું અંતિમ લક્ષ્ય હતું કે ભારતમાં ભાગલા બાદ પણ રહેતા મુસ્લિમોના પણ તેઓ નેતા બને અને તેમની મદદથી ભારત પર કબજો કરે. તેથી તો વિભાજન વખતે સૂત્રો પોકારાયા હતા કે- હસ કે લિયા પાકિસ્તાન... લડ કે લેંગે હિંદુસ્તાન..
જો કે જમીયત-ઉલેમા-એ-હિંદ જેવા સંગઠન ભાગલા વિરુદ્ધ હતા. તેમને લાગતું હતું કે પાકિસ્તાન બનવાથી ઈસ્લામનો દક્ષિણ એશિયામાં પ્રભાવ સંકોચાઈ જશે. કદાચ તેમની ગર્ભિત ઈચ્છા સમગ્ર ભારત પર ઈસ્લામિક પ્રભાવ જમાવીને નિયંત્રણ મેળવવાની હોઈ શકે છે. આજે પણ ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ કેટલાંક ચોક્કસ વિસ્તારોમાં હિંસાચારના મિશન સાથે આવતા આતંકવાદીઓને મદદ કરવા માટેનું તંત્ર ચલાવતા હોવાની આશંકાઓ ભારતની ઘણી એજન્સીઓએ વ્યક્ત કરી છે. તેના કારણે ભારતના મુસ્લિમોમાં કટ્ટરપણું જીવિત રાખીને અલગ સામાજિક-રાજકીય અસ્તિત્વ જાળવી રાખીને તેને મજબૂત કરવા માટે પણ ઘણાં સંગઠનો કામ કરી રહ્યા છે. જામિયા-મિલાય યૂનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહેલા આબિદ હુસૈનના પુસ્તક- ઈન્ડિયન મુસ્લિમ ડેસ્ટિની અને એન. વી. ગાડગિલના પુસ્તકમાં પણ આ પ્રકારના સંદર્ભો સાથે વિશ્લેષણો આપવામાં આવ્યા છે.
વિભાજનની વિભીષિકા અને અખંડ ભારતની કરુણાંતિકા માટે ઝીણા, નહેરુ,ગાંધીજી તો પરોક્ષપણે સરદાર પટેલને જવાબદાર ગણાવતા ઘણાં વિશ્લેષણો વખતોવખત પુસ્તકો સ્વરૂપે સામે આવતા રહ્યા છે. જસવંતસિંહનું જિન્નાહની પ્રશંસા કરતું અને નહેરુ-સરદાર પટેલને વિભાજન માટે કથિતપણે જવાબદાર ઠેરવતું પુસ્તક તેની એક કડી માત્ર છે. કોઈ મુસ્લિમ લીગને.. તો કોઈ કોંગ્રેસને.. તો કોઈ સાવરકર તથા હિંદુ મહાસભાને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ભારતીયતાને આધારે મજબૂત રાષ્ટ્રવાદ વિકસિત કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી અને તેના દ્વારા અલગતાવાદી મુસ્લિમ રાષ્ટ્રવાદની હિંસાનો સામનો કરવામાં તમામ સ્તરે નબળાઈઓ સામે આવી. તેનું પરિણામ ભારતનું વિભાજન છે... તેનું પરિણામ ભારતને રક્તરંજિત કરતું પાકિસ્તાન છે... આના માટે જવાબદાર કોઈ એક વ્યક્તિ કે સંગઠનને ઠેરવી શકાય નહીં. હા, તેમની આમા મુખ્ય ભૂમિકાઓનો ક્રમ ઉપર-નીચે હોઈ શકે છે. પરંતુ અખંડ ભારતની હત્યાની જવાબદારી સામૂહિક છે.... તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.