Monday, October 16, 2017

એક હિંદુની ચિંતા: હિંદુત્વના ગઢ ગુજરાતમાં માથું ઉંચકતો જ્ઞાતિવાદ!




2017માં ગુજરાતના દેખાડેલા રસ્તે ભારત ચાલશે
-   પ્રસન્ન શાસ્ત્રી

ગુજરાત ભારતમાં નવો ચિલો ચાતરનાર રાજ્ય તરીકે રાષ્ટ્રવાદી આંદોલનનું નેતૃત્વ લેતું આવ્યું છે. સામાજિક અને સાંસ્કૃતિક આંદોલનો જ નહીં, પણ રાજકીય આંદોલનોમાં પણ ગુજરાતે દેશનું નેતૃત્વ લીધું છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ ભૂંસી નાખવાની કોશિશો સદીઓથી થઈ છે. વખતોવખત ભારતના રાજ્યોએ ભારત અને ભારતની રાષ્ટ્રીય ઓળખને બચાવવા માટે નેતૃત્વ લીધું છે. આઝાદી બાદ સેક્યુલરારિઝમના નામે ભારતની ઓળખ ભૂંસી નાખવાની કમ્યુનિસ્ટ-સોશયાલિસ્ટ કોશિશોને રોકવાનું કામ ગુજરાતે કર્યું છે.

ગુજરાતના લોકોની રાષ્ટ્રભક્તિ અને બલિદાનની ભાવના પર કોઈને લેશમાત્ર પર શંકા હોવી જોઈએ નહીં. ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી ઈચ્છાશક્તિએ અંગ્રેજો અને પાન-ઈસ્લામિક તત્વોની મેલીમુરાદ સામે ભારતની અખંડિતતાની સુરક્ષા કરી છે. ગુજરાતની માટીની તાકાત છે કે વડાપ્રધાન પદની તમામ યોગ્યતા છતાં દેશ સામેના પડકારોને જોતા સરદાર સાહેબે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે રજવાડાઓને ભારતીય સંઘમાં સામેલ કરવાનું ભગીરથ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ એક બલિદાન છે અને તેને બિરદાવવું જોઈએ, કારણ કે જ્યારે દેશની એકાદ કોંગ્રેસ કમિટીને બાદ કરતા તમામ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના વડાપ્રધાન જોવા ઈચ્છતા હતા અને ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીના કહેવાથી સરદાર સાહેબે વડાપ્રધાન પદ છોડવાનો નિર્ણય માત્ર એક સેકન્ડમાં કર્યો હતો.

છેલ્લા શ્વાસ સુધી મા ભારતીની આરાધનામાં આયખું ખપાવી દેનારા શૂરવીર દેશભક્તોની યાદીમાં સાચા ગુજરાતી સરદાર પટેલની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. રાષ્ટ્રનિષ્ઠા પદોથી ઉપર હોય છે અને સરદાર સાહેબનું વ્યક્તિત્વ આવી જ પ્રેરણા આપે છે. નર્મદા મૈયા, તાપી, સાબરમતી, મહીસાગર જેવી અનેક નદીઓના નીરથી સિંચાયેલી ધીંગી ધરા આવા દેશભક્તોને જન્મ આપે છે અને જેનાથી ભારતનું મસ્તક ગર્વથી વિશ્વની સામે ઊંચુ રહી શકે છે. રાજ્ય તરીકે પણ ગુજરાત સામુહિકપણે આવું જ કામ કરી રહ્યું છે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. આ કામ કોઈ એક અથવા બે દાયકાનું કામ નથી. ગુજરાત સદીઓથી સ્વાભિમાન, શૂરવીરતા અને વ્યાપારના માર્ગે ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરતું રહ્યું છે.

ગુર્જર ધરાનો મહિમા વૈદિકકાળથી લઈને અલગ-અલગ રીતે વ્યક્ત થયો છે. અનેક સંઘર્ષો અને બલિદાનો થકી આજનું ગુજરાત બન્યું છે. 1960માં મહાગુજરાતની ચળવળ આવો જ એક મકામ હતો. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે સાચો ગુજરાતી સાચો રાષ્ટ્રભક્ત છે. પરંતુ ગુજરાતી ખૂબ જ પરિપકવ અને ધૈર્યશીલ પણ છે. ગુજરાતે ગુજરાત તરીકેના નિર્ણયો દેશ માટે કર્યા છે અને ખૂબ પરિપકવતા સાથે કર્યા છે. રાષ્ટ્રવાદ, હિંદુત્વ અને હિંદુ અસ્મિતા ગુજરાતના લોકજીવનનો અમીટ, અતૂટ ભાગ છે. ગુજરાતને હિંદુત્વથી કોઈ અલગ કરી શકે નહીં. મહંમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હોય, મહોમ્મદ ઘોરીની પાટણ પડાવવાની નિષ્ફળ કોશિશ હોય, અલાઉદ્દીન ખિલજીનો સામનો કરવાની વાત હોય કે એક મુસ્લિમ શરણાર્થીને બચાવવા અકબર જેવા શક્તિશાળી શહેનશાહ સામે બાથ ભીડવાની વાત હોય કે સિંધના સુલતાનની કચ્છ પરની મેલી નજરનો સામનો કરવા માટે એક લાખથી વધુ લોકોના બલિદાન આપવાની વાત હોય, ગુજરાતે આ લડાઈઓ લડવામાં ક્યારેય પાછી પાની કરી નથી.

આઝાદ ભારતના ઈતિહાસમાં નવનિર્માણ આંદોલન હોય કે કટોકટી સામેનો જંગ હોય, રામજન્મભમિ આંદોલન હોય કે પાકિસ્તાન તરફી પાંચમી કતારિયાઓની ટોળકી ગુજરાતે પોતાના તરફથી બરાબર લડાઈ લડી છે. આ લડાઈ માત્ર ગુજરાતને બચાવવા માટેની લડાઈ ન હતી. આ તો દેશની રાષ્ટ્રીય ઓળખ બચાવવાની લડાઈ હતી. સેક્યુલારિઝમના નામે ગુજરાતના હિંદુ ઓળખ પ્રત્યેના જોડાણની કથિત બુદ્ધિજીવી અને ઉધારની ઉદારતા લીધેલા કથિત ઉદારવાદીઓએ ખૂબ ટીકાઓ કરી, પણ તેમ છતાં ગુજરાત અડિખમ છે અને ગુજરાત અડિખમ જ રહેવાનું છે. હિંદુત્વ ગુજરાત અને ભારતમાં રાજકારણનો મુદ્દો નથી, સમાજજીવન અને સંસ્કૃતિનો પ્રાણ છે. સમાજ અને સંસ્કૃતિમાંથી હિંદુત્વની બાદબાકી એટલે ભારતની બાદબાકી છે.

2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતે ચિંધેલો રસ્તો આખા ભારતે 2014ની લોકસભાની ચૂંટણીમાં પકડયો હતો. હવે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ફરી એકવાર દેશને અને દેશના રાજકારણીઓને દિશાનિર્દેશ સ્વરૂપે આદેશ આપવાનું છે. 2017માં ગુજરાત જે કરશે, તેને 2019માં ભારત પણ અનુસરે તેવી પુરી શક્યતા છે. ગુજરાતના આદેશને કાને ધરવામાં આવશે, તો 2019 દેશ માટે કલ્યાણકારી વર્ષ હશે.

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી એક ટર્નિંગ પોઈન્ટ હશે. એક એવો ટર્નિંગ પોઈન્ટ કે જેમા હિંદુત્વ પોલિટિક્સના કર્ણધારોએ આત્મવિશ્લેષણ અને સિંહાવલોકનો કરવા પડશે, કારણ કે હિંદુત્વના ગઢ તરીકે જાણીતું ગુજરાત છેલ્લા અઢી વર્ષથી જ્ઞાતિવાદીયુગમાં પાછું ધકેલાઈ રહેલું દેખાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન હોય કે ઓબીસી, એસસી, એસટી એકતા મંચ હોય કે ઉના કાંડ બાદ દલિત મૂવમેન્ટની વાત હોય. ગુજરાતમાં જાણે કે હિંદુત્વની ગર્જનાના સ્થાને માત્ર જ્ઞાતિવાદી ઘૂંઘવાટ ધુંધવાટમાં બદલાતો દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં જ્ઞાતિવાદી સ્તરે લોકોનું અઢી દાયકા પછી આમ વહેંચાવું હિંદુત્વની રાજકીય મૂવમેન્ટને મોટું અને હતોત્સાહિત કરનારું નુકસાન છે. જે ગુજરાતમાં અનેક બલિદાનો થકી એક મૂવમેન્ટને તેના ડેસ્ટિનેશન સુધી લઈ જવામાં કામિયાબી મળી છે, ત્યાં આ મૂવમેન્ટનો સંભવિત રકાસ પણ આના માટે જવાબદાર રાજકીય નેતૃત્વને પોતાના વલણનોની પુનર્વિચારણા કરવાનો કડક સંદેશો આપે છે.

હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટાયા બાદ લોકોને મહેસૂસ થવું જોઈએ કરાવવું જોઈએ કે તેમની આકાંક્ષાઓ પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણની રાહ જોતા લોકોને આર્થિક સુધારાના નામે રંઝાડી શકાય નહીં. હિંદુઓની સાંસ્કૃતિક મહેચ્છાઓના મુદ્દે ચૂંટાયેલી સરકાર નોટબંધીને લાગુ કરી શકતી હોય અને જીએસટીને સંસદમાં પારીત કરાવીને રાષ્ટ્રહિત માટે લાગુ કરાવી શકતી હોય, તો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદીઓના ખાત્માની ઈચ્છા રાખનારાઓની કલમ-370 દૂર કરવાની માગણી અને કટ્ટરવાદી મુસ્લિમોની લઘુમતીઓના મૂળભૂત અધિકારોના નામે રાષ્ટ્રને પડકારવાની દાદાગીરીને રોકવા સમાન નાગરીક ધારો લાગુ કરવાની માગણી શું રાષ્ટ્રહિતમાં થનારી માગણીઓ નથી? પવિત્ર રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ અને સમગ્ર રાષ્ટ્રમાં ગૌહત્યા પ્રતિબંધિત કરવાની રાષ્ટ્રહિતની માગણીઓ પુરી કરવામાં કોઈ નક્કર કાર્યવાહી થતી કેમ દેખાતી નથી?

હિંદુ આકાંક્ષાઓ પૂર્ણ થવી ભારતના અચ્છે દિન છે. હિંદુ આકાંક્ષાઓને ઠેસ પહોંચવી અથવા તેને પુરી કરવામાં મોળા પડવું એટલે હિંદુત્વની રાજકીય મૂવમેન્ટને નુકસાન કરવાનું પાપ છે. કદાચ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી દેખાઈ રહેલા જ્ઞાતિવાદી અવાજો અને તેને મળતું દેખાઈ રહેલું કથિત સમર્થન આવા જ કારણોની કડી છે. હજી સમય છે, સુધારી લેવાનો અને સુધરી જવાનો. એ ભુલવું જોઈએ નહીં કે ભારત એક લોકશાહી છે. લોકશાહીમાં લોકોનો અવાજ સુપ્રીમ છે અને તેનાથી સુપ્રીમ બીજું કંઈ જ નથી. વિકાસના દાવાઓ અને તેને પડકારતા અવાજો વચ્ચે લોકોને પોતાની આજીવિકા, મકાન, પ્રાથમિક સુવિધાઓ પણ જોઈએ છે. લોકોને રામ અને રોટી બંનેની દરકાર છે. રામનું નામ લઈને લોકોની રોટી છીનવી નહીં શકાય અને માત્ર રોટી આપીને રામને લોકોથી દૂર કરી શકાશે નહીં. રોટીની લાલચો આપીને લોકોને રામથી દૂર કરવાની કોશિશ કરનારાઓ રાજકારણમાં ખોવાવા લાગ્યા છે અને કદાચ ઓગળવાની તૈયારીમાં છે. પરંતુ રામના નામ સાથે રોટી પણ મળે તેવી વ્યવસ્થા નહીં હોય તો રોટીની વાત અને રામના નામનો દંભ કરનારા ફરીથી બેઠા થઈ જશે.

ભારતમાં રાષ્ટ્રીય ઓળખ માટેની લડાઈ સફળ થઈ છે. તેના માટે રાજકીય લડાઈમાં પણ સફળતા મળી છે. પરંતુ હજી સુધી તેની ચરમસીમા અને સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત થઈ શકી નથી. આના પહેલા હિંદુત્વના ગઢ ગુજરાતમાં જ્ઞાતિવાદી અવાજો વચ્ચે રાષ્ટ્રવાદની ચિંતા ગાયબ થતી દેખાઈ રહી છે. આવી સ્થિતિ ભારતનું રાષ્ટ્રીય નુકસાન છે. 92 વર્ષથી અવિરત ચાલતા રાષ્ટ્ર આરાધનમાં એક વિક્ષેપ છે. ભારતને રાષ્ટ્રીય નુકસાનમાંથી બચાવવા માટે ગુજરાતમાં હિંદુત્વને જાહેરજીવનમાં સાબૂત રાખવા માટે કારગર કોશિશો કરવી જરૂરી છે. હિંદુત્વવાદીઓને અસામાજિક ચિતરવાની રાષ્ટ્રવ્યાપી મુહિમને આનાથી બળ મળશે.

યાદ કરીએ સરદાર પટેલને જેમણે પોતાની વ્યક્તિગત બાબતોને બાજુએ મૂકીને રાષ્ટ્રને મહત્વ આપ્યું. ભારતના આઝાદ થયા બાદ સૌથી પહેલું કામ ગુજરાત અને ભારતની અસ્મિતાને પુનર્સ્થાપિત કરવાના ઈરાદે પવિત્ર સોમનાથ મંદિરનનું પુનર્નિમાણ કરાવ્યું અને કાયદો બનાવીને આના માટે કાર્યવાહી કરી. શું અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ સંસદમાં સોમનાથ મંદિર નિર્માણ માટે બનાવાયેલા કાયદાની તર્જ પર બનાવી શકાય નહીં?

ત્રણ હિંદુ સહોદરોને ત્રણ બાબતો યાદ કરાવવી છે --------

ભાઈ હાર્દિક પટેલ જય સરદાર સૂત્ર માત્ર બોલવા માટે જ નથી, અનુસરવા માટે પણ છે, આ વાતને યાદ રાખજો, પવિત્ર સોમનાથ મંદિરનું પુનર્નિમાણ ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલે રાષ્ટ્ર અને ગુજરાતની અસ્મિતા માટે કરાવ્યું હતું. તમે અયોધ્યામાં પવિત્ર રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે શું કરવા માંગો છો? શું રામમંદિર માટે આપના હ્રદયમાં કોઈ અનામત છે કે નહીં?

ભાઈ જિગ્નેશ મેવાણીને યાદ કરાવવાનું કે બાબાસાહેબ આંબેડકરે દલિત અધિકારોની વાત કરી હતી. પરંતુ આવી વાત તેમણે રાષ્ટ્રીય હિતના દાયરામાં કરી હતી. થોટ્સ ઓન પાકિસ્તાન અને તેમણે બૌદ્ધ મતાવલંબી થવા માટે આપેલા કારણો તેના ઉદાહરણો છે. આપ પણ બાબાસાહેબ આંબેડકરના માર્ગે દલિતો યુવાનોને રાષ્ટ્રહિતમાં ચાલવા માટે પ્રેરીત કરશો એવી આશા છે.

ભાઈ અલ્પેશ ઠાકોર, ક્ષત્રિય-ઠાકોર સમુદાયે હિંદુઓની ઓળખ અને આસ્થાઓ માટે વણલખ્યા ઘણાં બલિદાનો આપ્યા છે. ફાગવેલમાં સ્થાપિત ભાથીજી મહારાજનું મંદિર તેનો એક માત્ર પુરાવો છે. ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષા આપની રગ-રગમાં હશે તેવા વિશ્વાસ સાથે આપના સમુદાયનની વાત કરતા ભારતને નહીં ભૂલો તેવી આશા ઠગારી નહીં નિવડે તેવું માનીએ છીએ.