Sunday, March 17, 2019

કોંગ્રેસમુક્ત ભારતના નામે ભાજપનું કોંગ્રેસીકરણ પાર્ટી વિથ ડિફરન્સ સામે સૌથી મોટો ખતરો



-     પ્રસન્ન શાસ્ત્રી


 


રાજકીય ચિંતક રજની કોઠારીએ સ્વતંત્રતા બાદની ભારતીય રાજકીય વ્યવસ્થાને કોંગ્રેસ સિસ્ટમનું નામ આપ્યું હતું. એટલે કે બહુપક્ષીય રાજકીય વ્યવસ્થા બાદ પણ કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસનો સિક્કો ચાલવો અથવા કોંગ્રેસની રાજકીય પરંપરાઓ તેની માનસિકતા સાથે જ ચાલવી. આજે કોંગ્રેસનો સિક્કો ઘણાં અંશે અમુક રાજ્યોને બાદ કરતા રાજકીય ચલણની બહાર છે. પરંતુ કોંગ્રેસ સિસ્ટમની સૌથી મોટી અસર ભારતના રાજકીય માહોલમાં ઘર કરી ગયેલી એ જ જૂની રાજકીય માનસિકતાઓ અને પરંપરાઓ છે. આનું સૌથી મોટું ઉદાહરણ પાર્ટી વિથ ધ ડિફરન્સ ગણાવાતી ભારતીય જનતા પાર્ટી પર જોવા મળી રહ્યું છે. 2014માં કોંગ્રેસમુક્ત ભારત બનાવવાની વાત ભાજપ દ્વારા પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનોમાં કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસમુક્ત ભારતનો અર્થ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની પોષક બની ચુકેલી કોંગ્રેસ સિસ્ટમને હટાવવાનો હતો. આતંકવાદ અને કોમવાદી બની ચુકેલા સેક્યુલારિઝમની માનસિકતાને દૂર કરીને ભારતની રાષ્ટ્રવાદથી પ્રેરીત હિંદુત્વ આધારીત માનસકિતાને અસરકારક બનાવવાનો હતો.


પરંતુ શું આવું માત્ર કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ઉછીના લેવા માત્રથી શક્ય બની જશે? સોનિયા ગાંધીના નિકટવર્તી રહેલા કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની કેરળ ખાતેની રેલી વખતે જ ભાજપમાં સામેલ થયા હતા. ટોમ વડક્કનને કોંગ્રેસના પ્રવક્તા તરીકે ભૂતકાળમાં એક ટ્વિટ કર્યું હતું કે એક વખત તમે ભાજપમાં સામેલ થઈ જાવ છો, તો તમારા તમામ આરોપો સાફ થઈ જાય છે. આ ટ્વિટના એક માસ બાદ ટોમ વડક્કનના ભાજપમાં સામેલ થવાને કારણે તેમના જૂના ટ્વિટને રિટ્વિટ કરીને તેમની ઉપર આકરા કટાક્ષ કરવામાં આવે છે. બાલાકોટ એરસ્ટ્રાઈક પર કોંગ્રેસના વલણથી નારાજ થઈને વડક્કને દેશપ્રેમ સાથે સમજૂતી નહીં કરવાની વાત કરીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હોવાનું જણાવ્યું છે. પરંતુ શું તેઓ રામમંદિર, કલમ-370 અને સમાન નાગરીક ધારા જેવા દેશપ્રેમના વિષયો પર પણ ભાજપ સાથે હવે સંમત હોવાનું માની લેવું કે આવા વિષયો પર તેઓ ફરીથી કોંગ્રેસમાં જાય ત્યાં સુધી રાહ જોવી?


તો બિહાર કોંગ્રેસના પ્રવક્તા રહેલા વિનોદ શર્મા પણ ભાજપમાં સામેલ થયા અને તેમણે કારણ આપ્યું હતું કે પુલવામા એટેક બાદ થયેલી એરસ્ટ્રાઈક પર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવાને કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓને પાકિસ્તાનના એજન્ટ ગણવામાં આવે છે અને તેથી તેમણે ભારે મનથી કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાનું પસંદ કર્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા રામકૃષ્ણ વિખે પાટિલના પુત્ર સુજય વિખે પાટિલ પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય ગુજરાતમાં ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.


આ સિવાય બીજા કેટલાક ઉદાહરણો પર નજર કરીએ, તો ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર કે જેમના ઉપર મીટૂ અભિયાન હેઠળ કેટલીક મહિલા પત્રકારો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેઓ ભૂતકાળમાં પત્રકાર તરીકેના પોતાના કાર્યકાળમાં અને કોંગ્રેસની સાથે રહેવા દરમિયાન ભાજપ-આરએસએસ-વીએચપીના રાષ્ટ્રવાદને કોમવાદનું નામ આપીને ગંભીર આરોપો સાથેની નિવેદનબાજી અને પુસ્તક લખી ચુક્યા છે. 2002માં ગુજરાતની ઘટનાઓ મામલે રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આવી ટીકાત્મક વાતો એમ. જે. અકબર કરી ચુક્યા છે. તેઓ પણ 2014ની લોકસભાની ચૂંટણીના ટાણે જ ભાજપમાં જોડાયા છે. શું આટલું મોટું હ્રદયપરિવર્તન તેમના ભાજપીકરણને કારણે થયું કે સત્તાધારી પાર્ટીમાં પ્રભાવ ભોગવવાની કોઈ લલક તેમને ભાજપમાં દોરી ગઈ હશે? જો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં હ્રદયપરિવર્તનોના પવન વચ્ચે છેલ્લી માહિતી સુધી તો તેઓ ભાજપમાં જ છે.


પક્ષપલટુ તરીકે પંકાયેલા જગદમ્બિકાપાલ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ-આરએસએસ-વીએચપી અને ખુદ નરેન્દ્ર મોદી માટે અનાપ-સનાપ બોલતા ટેલિવિઝન ડિબેટોમાં ખાસા દેખાતા હતા. તેઓ રમઝાન વખતે મુસ્લિમ પહેરવેશમાં ખભા પર રૂમાલ અને માથે નમાજ ટોપી પહેરીને આવેલા પણ યાદ આવતા હશે. પરંતુ 2014ની લોકસભાની ચૂંટણીમાં જગદમ્બિકાપાલ ભાજપમાં જોડાયા અને લોકસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. જો કે તેમની વિચારધારાત્મક દ્રઢતા અને પ્રતિબદ્ધતા ભાજપના મૂળ વિચાર સાથે કેટલી રહેશે તેના પર શંકાઓ તો રહેવાની જ છે.


મણિપુરમાં બીરેન સિંહ કોંગ્રેસ બાદ ભાજપના ટેકાથી મુખ્યપ્રધાન બન્યા હતા. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી વખતે સતપાલ મહારાજ, તેમના પત્ની અમૃતા રાવત, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય બહુગુણા, ભૂતપૂર્વ સ્પીકર યશપાલ, ભૂતપૂર્વ પ્રધાન હરકસિંહ રાવત, સુબોધ ઉનિયાલ, પણવ સિંહ, કેદારસિંહ રાવત, પ્રદીપ બત્રા, રેખા આર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા. ઉત્તરાખંડની ભાજપની સરકારના પ્રધાન મંડળમાં સતપાલ મહારાજ, યશપાલ આર્ય, હરકસિંહ રાવત, સુબોધ ઉનિયાલ અને રેખા આર્યને સ્થાન પણ આપવામાં આવ્યા હતા.


ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસમાં લાંબો સમય રહેનારા યુપી અને ઉત્તરાખંડ રાજ્યોના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણદત્ત તિવારી, રીટા બહુગુણા જોશી, અમરપાલ ત્યાગી, ધીરેન્દ્રસિંહ, રવિકિશન સહીતના નેતાઓ વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપના ઉમેદવાર બનીને જીત્યા હતા. તેમાના રીટા બહુગુણા જોશી યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટમાં પ્રધાન પણ છે.


ગોવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિજય પાઈ ખોટ, પ્રવીણ જ્યાંતે અને પાંડુરંગ મદકાઈકર ભાજપમાં સામેલ થયા હતા. તેમને તમામને ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. જેને કારણે ગોવામાં ભાજપમાં આંતરીક વિરોધની સ્થિતિ પણ પેદા થઈ હતી. પરંતુ કોંગ્રેસમુક્ત ભારત બનાવવાના ચક્કરમાં આવા વિરોધની પણ અવગણના કરવામાં આવી હતી.


અરુણાચલ પ્રદેશમાં 2014ની વિધાનસભાની ચૂંટણીમાં 60માંથી 42 ધારાસભ્યો કોંગ્રેસના હતા. અહીં પણ રાજકીય આંટાપાટા વચ્ચે ભાજપે 47 ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી. પેમા ખાંડુ પહેલા પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં સામેલ થયા અને બાદમાં ભાજપમાં સામેલ થયા હતા. તેમના પિતા દોરજી ખાંડૂ કોંગ્રેસની સરકારમાં મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. પેમા ખાંડુ ભાજપમાં જોડાયા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા.


આસામમાં પણ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના હેમંત વિશ્વ શર્મા, પલ્લબ લોચન દાસ, જયંત મલ્લ બરુઆ, પિયૂષ હજારિકા, રાજન બોરઠાકુર, અબુ તાહિર બેપારી, બિનાદા સૈકિયા, બોલિન ચેતિયા, પ્રદાન બરુઆ અને કૃપાનાથ મલ્લ જેવા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આસામમાં ભાજપની જીત પાછળ પંદર વર્ષ કોંગ્રેસમાં રહેનારા હેમંત વિશ્વશર્માની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. તેમને ભાજપે ઉત્તર-પૂર્વમાં પાર્ટીને જોરશોરથી આગળ વધારવાનું કામ સોંપ્યું છે. હેમંત વિશ્વશર્મા અને પલ્લબ લોચન દાસ આસામની સર્બાનંદ સોનોવાલની સરકારમાં પ્રધાનો પણ છે.


2014ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ, તો ત્યારે ચૌધરી બિરેન્દ્રસિંહ, રાવ ઈન્દ્રજીતસિંહ, જગદમ્બિકાપાલ, ડી. પુરંદેશ્વરી, કૃષ્ણા તીરથ સહીત ઘણાં કોંગ્રેસી નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. તેમના કેટલાક પ્રધાનો પણ બન્યા હતા. ભાજપના 2014માં જીતનારા 282 સાંસદોમાંથી 50 જેટલા સાંસદો કોંગ્રેસી મૂળના હોવાની પણ એક મોટી ચર્ચા ચૂંટણી પરિણામો વખતે ચાલી હતી.


ગુજરાતને તો હિંદુત્વના ગઢ કે હિંદુત્વની પ્રયોગશાળા તરીકે ભારતના રાજકારણમાં ઓળખવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં 22 વર્ષથી સત્તામાં રહેનારા ભાજપને અહીં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 2014ની લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવા છતાં 100 બેઠકો પણ મળી ન હતી. સત્તા જરૂરથી ટકી પણ 100થી નીચે બેઠકો જીતીને મેળવેલી સત્તા આટલી મજબૂત પાર્ટી માટે ગુજરાતમાં હાર જેવી જ જીત ગણવી પડે તેવી સ્થિતિ હતી. ગુજરાતમાં 2007થી અત્યાર સુધીમાં 35 જેટલા ટોચના કોંગ્રેસી નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો ભાજપમાં આવી ચુક્યા છે. તેમાના 17ની પાસે ભાજપમાં પદ છે અને આમાના કેટલાક એવા છે કે જેમને ભાજપમાં સામેલ થતાની સાથે જ ગુજરાત સરકારમાં પ્રધાન પદે બેસાડવામાં આવ્યા છે.


2007માં એક ધારાસભ્ય, 2012માં 11 ધારાસભ્યો-ત્રણ સાંસદ અને એક ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ, 2018માં 14 ધારાસભ્યો અને એક સાંસદ, તથા 2019માં ચાર ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. આમા એક ધારાસભ્ય પર કથિતપણે 35 કરોડની લાંચ લેવાનો પણ આરોપ છે.


કોંગ્રેસી મૂળના ગુજરાત ભાજપના આવા કેટલાક નેતાઓના નામ પર નજર કરીએ, તો તેમા નીમાબહેન આચાર્ય, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, છબીલ પટેલ, લાલસિંહ વડોદરિયા, જશાભાઈ બારડ, રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રભુ વસાવા, પરેશ વસાવા, કુંવરજી હળપતિ, દેવજી ફતેપુરા, અનિલ પટેલ, નરહરિ અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારિયા, નટવરસિંહ પરમાર, રાઘવજી પટેલ, જયેદ્રસિંહ પરમાર, જીવાભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી. આઈ. પટેલ, ડૉ. તેજશ્રી પટેલ, શંકર વારલી, કરમશી પટેલ, અમિત ચૌધરી, બલવંતસિંહ રાજપૂત, છનાભાઈ ચૌધરી, રામસિંહ પરમાર, માનસિંહ ચૌહાણ, સી. કે. રાઉલજી, ભોલાભાઈ ગોહિલ, કુંવરજી બાવળિયા, આશાબહેન પટેલ, જવાહર ચાવડા અને પરસોત્તમ છાબરિયાનો સામાવેશ થાય છે.


આવા કેટલાક ભાજપમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા નેતાઓના નામ પણ ઘણાં રસપ્રદ છે. જેમાં નજમા હેપતુલ્લા, કર્નલ સોનારામ જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને તેમને જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહની ટિકિટ કાપીને ઉમેદવાર બનાવાયા હતા. હવે રાજસ્થાનમાં ભાજપની સત્તા પણ નથી અને માનવેન્દ્રસિંહ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જોડાઈ ચુક્યા છે.


ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એસ. એમ. કૃષ્ણા અને તમિલનાડુના લલિતા કુમારમંગલમ રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમના ભાઈ પી. આ. કુમારમંગલમ કેન્દ્રની પી. વી. નરસિમ્હારાવની સરકારમાં પ્રધાન હતા અને તેમના પિતા કમ્યુનિસ્ટ હતા. ડી. પુરન્દેશ્વરી મનમોહનસિંહની સરકારમાં પ્રધાન હતા અને તેઓ એન. ટી. રામારાવના પુત્રી છે.


આમ તો આ આર્ટિકલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાઓની જ ચર્ચા કરવામાં આવી છે. પરંતુ બે નામની વિશેષ ચર્ચા તેઓ બિનકોંગ્રેસી હોવા છતાં કરવી પડે તેમ છે. કારણ કે આવા નેતાઓની માનસિકતા નહીં બદલાય તો તેમના જેવા નેતાઓ મળીને ભાજપની પાર્ટી વિથ ડિફરન્સની રહી-સહી આબરૂ પણ મિટાવી દેશે. આવા બે નામમાં પહેલું નામ સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા નરેશ અગ્રવાલનું છે.


રામમંદિર નિર્માણનો ભાજપે વાયદો કર્યો છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રામલહેર પર સવાર થઈને ભાજપ ચાર વખત દિલ્હીની ગાદી પર આવ્યું છે. પરંતુ નરેશ અગ્રવાલે સંસદમાં સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે ભગવાન રામ માટે એલફેલ શબ્દપ્રયોગ કર્યા હતા. તેઓ ભાજપમાં રહીને લોકોને આપવામાં આવેલા રામમંદિર નિર્માણના વાયદાને કેવી રીતે પુરો કરશે તેના ઉપર ભાજપના ઘણાં ટેકેદારો અને પાર્ટી માટે સહાનુભૂતિ ધરાવનારાઓને શંકા છે. ભ્રષ્ટાચાર હટાવવાની ભાજપની જૂની વાત છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં સારદા ચિટફંડ ગોટાળામાં જેમનું નામ ઉછળ્યું હતું, તેવા ટીએમસીના ભૂતપૂર્વ નેતા મુકુલ રોય હવે ભાજપમાં છે.


પક્ષપલટુંઓ ભારતીય રાજનીતિને વરવા સ્તરે લઈ જનારા પરિબળોમાંથી એક છે. રાજકીય પક્ષો આજે સત્તા મેળવવાની ટોળકી બનીને રહી ગયા હોય તેવો ભાસ પણ આવા વિચારધારાત્મક ગઠબંધન કે માનસ પરિવર્તન વગરના પક્ષપલટાથી થયા વગર રહેતો નથી.


કોંગ્રેસના નેતાઓના ભાજપમાં સામેલ થઈને સીધી ચૂંટણી લડવાની ટિકિટ કે પ્રધાન પદુ ધરી દેવાની વાતની સાથે ભાજપની કેડર આધારીત અને સંઘના વિચારોને આગળ વધારનારી પાર્ટી તરીકેની છાપ પણ ભૂંસાવા લાગી છે. તેના સિવાય ભાજપ સદસ્યતાઓના મામલામાં દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે. તો કોંગ્રેસમુક્ત ભારતની વાત કરનાર ભાજપને કોંગ્રેસના ઉછીને નેતાઓની જરૂર કેમ પડે છે તેવો સવાલ પણ ઉઠવા લાગ્યો છે.


કોંગ્રેસના ઉછીના નેતાઓની આયાતની સૌથી ખરાબ અસર ભાજપના કાર્યકર્તાઓના નૈતિકબળ પર જાણે-અજાણે પડી રહી છે. ભાજપના કર્મઠ કાર્યકર્તાઓ આવા ઉછીના નેતાઓની આયાતથી ઠગાયાની અનુભૂતિ પણ કરે છે. કારણ કે લાંબા સમય સુધી પાર્ટીમાં મહેનત કરનારા આવા કાર્યકર્તાઓના સ્થાને આયાતી નેતા ચૂંટણી જીતી જાય છે, મુખ્યપ્રધાન કે કેન્દ્રીય પ્રધાન કે રાજ્યની સરકારમાં પ્રધાન પદ મેળવી લેતો હોય છે.


કોંગ્રેસમુક્ત ભારત એટલે માત્ર કોંગ્રેસની સરકારોથી મુક્ત ભારત એવો અર્થ કરવામાં આવે છે કે હકીકતમાં કોંગ્રેસની સિસ્ટમ મુક્ત ભારત બનાવવાની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસની સરકારોને હટાવવાથી તો ભાજપ આવા રાજ્યોમાં સરકાર બનાવવામાં કામિયાબ રહ્યું છે. પરંતુ કોંગ્રેસમુક્ત સિસ્ટમ માટે જરૂરી સંગઠન ઉભું કરવામાં ભાજપ આવી રીતે ખાસ કોઈ સફળતા મેળવી શક્યું નથી. 


આવા કોંગ્રેસમાંથી આયાતી નેતાઓની ભરમાર જોતા એક બાબત પણ નિશ્ચિતપણે દેખાઈ રહી છે કે ભાજપ કોંગ્રેસમુક્ત ભારત બનાવવા માટે હાલ પણ સક્ષમ નથી. કારણ કે આયાતી કોંગ્રેસીઓની ભરમાર દર્શાવે છે કે ભાજપ તેના દાવા જેટલી મજબૂત રાજકીય પાર્ટી નથી. પરંતુ ભાજપ સત્તામાં થોડીક નબળી દેખાવા લાગશે અથવા જનતામાં પ્રતિસાદ ઓછો મળવાની સંભાવના હશે, તો તેવી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા નેતાઓના ફરીથી હ્રદયપરિવર્તન થઈને પાછા તેમની મૂળ પાર્ટીમાં નહીં જાય તેવી કોઈ ખાતરી નથી. 


આવા હ્રદયપરિવર્તન જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 દૂર કરવી, રામમંદિર નિર્માણ, સમાન નાગરીક ધારો લાગુ કરવો, સંપૂર્ણ ગૌહત્યા પ્રતિબંધ અને આતંકવાદ-કટ્ટરવાદના સફાયા માટે દ્રઢતાપૂર્વક કાર્યવાહી જેવા મુદ્દાઓ વખતે નહીં થાય તેની કોઈ ખાતરી નથી. તો પછી કોંગ્રેસની સિસ્ટમથી મુક્તિ મેળવવાના નામે કોંગ્રેસ જેવા જ ક્રિયાકલાપો અપનાવીને કોંગ્રેસની સિસ્ટમને આઝાદ ભારતમાં મજબૂત કરવાનું કામ ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાના નામે શા માટે થઈ રહ્યું છે?


ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એક વિધાન, એક પ્રધાનની માગણી સાથેનું બલિદાન, પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું આર્થિક અને રાજકીય ચિંતન અને દ્વિતિય સરસંઘચાલક શ્રીગુરુજીના વિચારોનું માર્ગદર્શન ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ બનાવે છે. આવા વિચારો અને બલિદાનોને ભૂલીને નેતાઓની આયાતથી પાર્ટી વિથ ડિફરન્સને ભૂંસવાનો ખતરો પેદા કરી ચુકી છે. કોંગ્રેસમુક્ત ભારત માનસિકતા, વિચાર અને રીતરસમોના ધરમૂળથી પરિવર્તનથી શક્ય બનશે, કોંગ્રેસી નેતાઓની આયાતથી નહીં.