Wednesday, June 22, 2016

પરમાણુ હુમલાની ધમકી આપતું આતંકનું આકા પાકિસ્તાન હજીપણ અમેરિકાનું લાડકવાયું

 ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતું પાકિસ્તાન

આતંકનું આકા પાકિસ્તાન હજીપણ અમેરિકાનું લાડકવાયું

-  -  પ્રસન્ન શાસ્ત્રી

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની દોસ્તીના મોટા-મોટા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ભારત અને દુનિયામાં આતંકવાદના એપીસેન્ટર એવા પાકિસ્તાનને અમેરિકા દ્વારા જંગી મદદ ચાલુ રાખવામાં આવી છે. અમેરિકાની પ્રતિનિધિસભામાં પાકિસ્તાનને મદદમાં કાપ મૂકવાની માગણી કરતા એક નહીં પણ બે કાયદાકીય સંશોધનો નામંજૂર થયા છે.

અમેરિકાનું હજીપણ લાડકું પાકિસ્તાન-

ભારતમાં છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો ખેલ ખેલતું પાકિસ્તાન આતંકના આકાઓનો વૈશ્વિક અડ્ડો છે. અલકાયદાના ચીફ ઓસામા-બિન-લાદેન અને તાલિબાન ચીફ મુલ્લા મંસૂર અખ્તરને અમેરિકાએ જ પાકિસ્તાનમાં ખતમ કર્યા છે. આ પહેલા મુલ્લા ઓમર પણ પાકિસ્તાનમાં જ માર્યો ગયો હતો. આટ.. આટલા પુરાવા છતાં આતંકના એપીસેન્ટર પાકિસ્તાનને જંગી આર્થિક મદદ અમેરિકા દ્વારા ચાલુ રાખવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ખૂબ પ્રભાવશાળી ભાષણ કર્યું હતું. જ્યારે અમેરિકાના સાંસદોએ 66 વખત તાળીઓ વગાડી અને નવ વખત ઉભા થઈને મોદીની વાતને બિરદાવી ત્યારે લાગ્યું કે આ અમેરિકાના નીતિ-નિર્ધારકનું માનસ પરિવર્તન છે. પરંતુ જ્યારે અમેરિકન સાંસદો દ્વારા પાકિસ્તાનને અપાતી મદદમાં ઘટાડો કરવા માટેના એક નહીં.. પણ બે-બે કાયદાકીય સંશોધનોને મંજૂરીનો ઈન્કાર થયો..  ત્યારે તેમના પાકિસ્તાન પ્રેમની મજબૂરી ખૂબ મજબૂતપણે ઉજાગર થઈ.

એક તરફ અમેરિકા દુનિયામાંથી આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈ લડવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે બીજી બાજુ પાકિસ્તાનને જંગી આર્થિક મદદ કરીને મોટું આશ્ચર્ય અને આઘાત બંને પેદા કરી રહ્યું છે. આશ્ચર્ય સાથે અમેરિકાની પ્રતિનિધિ સભાના મોટાભાગના સાંસદોએ કહ્યુ છે કે પરમાણુ હથિયારોથી સંપન્ન એક દેશ સાથે સંબંધ બનાવી રાખવો જરૂરી છે. પછી ભલે તે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં વધુ કંઈ કરી રહ્યો હોય નહીં.  

અમેરિકાની પ્રતિનિધિસભામાં નામંજૂર થયેલું પહેલું સંશોધન કોંગ્રેસના સભ્ય ટેડ પો દ્વારા લાવવામાં આવ્યું હતું. જેમાં તેમણે ગઠબંધન સહયોગ ફંડ- એટલે કે સીએસએફમાંથી પાકિસ્તાનને આપવામાં આવનારી મદદને 90 કરોડ ડોલરના સ્થાને ઘટાડીને 70 કરોડ ડોલર કરવાની માગણી કરી હતી. ટેડ પોનું સંશોધન અમેરિકાની પ્રતિનિધિસભામાં 191 વિરુદ્ધ 230 મતોએ નામંજૂર થયું હતું.

બીજું સંશોધન અમેરિકન કોંગ્રેસના સભ્ય ડાના રોહરાબચરનું હતું. તેમાં પાકિસ્તાનને મદદ ઉપલબ્ધ કરાવવા માટે ફંડનો ઉપયોગ નહીં કરવાની માગણી કરી હતી. આ સંશોધન પણ 84 વિરુદ્ધ 236 મતના મોટા અંતરથી નામંજૂર થયું હતું.

મદદની લ્હાણી અને ચેતવણી-
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. પેન્ટાગોને એક સીધા સંદેશામાં કહ્યુ છે કે આતંકવાદના અડ્ડાઓથી અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર અસર પેદા થશે.

મિત્ર પાકિસ્તાન હવે અમેરિકાનું કેટલા પ્રમાણમાં દોસ્ત રહ્યું છે.. તેના સંદર્ભે અંકલ સેમ જ જાણ છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે નવા મિત્ર છે. એક તરફ પાકિસ્તાનને અમેરિકાની સંસદમાંથી જંગી ફંડને મંજૂરી આપવામાં આવે છે.. તો બીજી તરફ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવે છે.

અમેરિકન કોંગ્રેસને મોકલવામાં આવેલા અફઘાનિસ્તાન પરના છમાસિક રિપોર્ટમાં પેન્ટાગોને ચેતવણી સંદર્ભે સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકના સુરક્ષિત સ્થાનો હજીપણ અસ્તિત્વ ધરાવે છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાકિસ્તાન ઉણું ઉતરી રહ્યું છે. તેના કારણે પાકિસ્તાન સાથેના અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને અસર પહોંચશે તથા તેની અસર સુરક્ષા માટેની મદદ પર પણ પડશે.

પાકિસ્તાન દ્વારા આતંકી નેટવર્ક સામે કાર્યવાહીમાં નિષ્ક્રિય રહેવાના કારણે અફઘાનિસ્તાનની સ્થિરતાને પણ અસર પહોંચી રહી હોવાનું પેન્ટાગોને જણાવ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન એશ્ટોન કાર્ટરે હક્કાની નેટવર્ક સામે પાકિસ્તાને કાર્યવાહી કરી હોવાનું પ્રમાણિત કર્યું નથી. જેના કારણે 30મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહેલા અમેરિકાના પ્રવર્તમાન નાણાંકીય વર્ષ માટે પાકિસ્તાનને કોએલેશન સપોર્ટ ફંડના ત્રણસો મિલિયન અમેરિકન ડોલર રોકવામાં આવ્યા હતા. પેન્ટાગોને પાકિસ્તાનને કડક સંદેશો આપતા કહ્યુ છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ હજીપણ ઘણાં આતંકવાદી સમૂહો માટે અભ્યારણ તરીકે યથાવત છે.

પેન્ટાગોનના એકસોથી વધારે પૃષ્ઠોના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમા તાલિબાનો.. અલકાયદા.. એક્યુઆઈએસ.. હક્કાની નેટવર્ક.. લશ્કરે તોઈબા.. તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન.. આઈએસ-ખોરસાન પ્રોવિન્સ અને ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ અભ્યારણ અને આ સંગઠનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમ બંને દેશોની સુરક્ષા માટે પડકાર છે. તેનાથી પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સામે પણ ખતરો છે. પાકિસ્તાને આતંકવાદી અને ઉગ્રવાદી જૂથો દ્વારા ક્ષેત્રમાં ઉભા થયેલા જોખમને ઘટાડવામાં ભૂમિકા અદા કરવી જોઈએ.

પેન્ટાગોન દ્વારા ખાસ કરીને કુનાર પ્રાંતમાં વણસી રહેલી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.  પેન્ટાગોને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે નિર્ધારીત મામલાઓ પર મધ્યમ સ્તરના સાતત્યપૂર્ણ મિલિટ્રી-ટુ-મિલટ્રી ડાયલોગનું સૂચન કર્યું છે. જેમાં આઈએસ-ખોરસાન પ્રોવિન્સને લઈને ઉભા થયેલા જોખમો પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સરકાર અને સૈન્ય સ્તરે પ્રસંગોપાત ઉચ્ચસ્તરીય ચર્ચાઓને પણ પ્રોત્સાહન આપવાની તૈયારી પેન્ટાગોન દ્વારા દર્શાવવામાં આવી છે.

મોતનું સોદાગર પાકિસ્તાન-

દક્ષિણ એશિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો હોવાનું અમેરિકાએ માન્યું છે. કોંગ્રેસનલ રિસર્ચ રિપોર્ટમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને કારણે ભારત સાથે જંગનું જોખમ વધ્યું હોવાનું આકલન રજૂ કરાયું છે. જો કે હાલની જટિલ પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તેની અમેરિકાને ચિંતા છે કે ભારતને પોતાના પડખે લેવા માટેની કોઈ કોશિશ થઈ રહી છે.. તેના સંદર્ભે પણ સાવધાન રહેવું એટલું જ જરૂરી છે.

પાકિસ્તાને ફૂલ સ્પેક્ટ્રમ ન્યૂક્લિયર ડેટેરન્સનો સિદ્ધાંત અપનાવ્યો છે. પાકિસ્તાન તરફથી પરમાણુ હથિયારો પ્રત્યે સક્રિયતામાં અચાનક વધારો થયો છે. જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરંપરાગત યુદ્ધમાં પરમાણુ ટકરાવનું જોખમ પણ વધી ગયું છે. એક તરફ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ માટે અમેરિકા પુરજોર કોશિશ કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાને પણ ચીનની મદદથી એનએસજીમાં દાખલ થવા માટેના ધમપછાડા શરૂ કર્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકન કોંગ્રેસની રિસર્ચ સર્વિસ તરફથી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી તોળાઈ રહેલા પરમાણુ યુદ્ધના જોખમ સંદર્ભે ચિંતા વ્યક્ત કરાઈ છે.

સીઆરએસ તરફથી રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ.. નવા પ્રકારના હથિયારોનું નિર્માણ અને પરમાણુ કાર્યક્રમને ઝડપી બનાવવાથી નિરીક્ષકોની ચિંતા વધી ગઈ છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે.

બિનપરમાણુ પ્રસાર બાબતોના વિશ્લેષક પૉલ કે. કેર અને વિશેષજ્ઞ મેરી બેથ તરફથી પાકિસ્તાનના પરમાણુ હથિયાર શીર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સીઆરએસ રિપોર્ટ પ્રમાણે.. પાકિસ્તાન પાસે 110થી 130 જેટલા પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે. આ સંખ્યા વધારે હોવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.

14મી જૂને સોંપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે.. ભારત પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે નહીં.. તેના માટે પોતાના પરમાણુ હથિયારો વધારી રહ્યું છે. સીઆરએસ અમેરિકન કોંગ્રેસની એક સ્વતંત્ર રિસર્ચ વિંગ છે. તે વખતોવખત અમેરિકાના સાંસદોને સંબંધિત વિષયો પર પોતાના અહેવાલ ઉપલબ્ધ કરાવે છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર જોખમ હોવાની માન્યતા વચ્ચે રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા આવા શસ્ત્રની સુરક્ષા માટે ઘણાં પગલા ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભરોસો ઉભો કરવાની કોશિશ થઈ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપાયો પર પાકિસ્તાનનું યથાવત રહેવું અને આગળ વધવું હજીપણ સવાલોના ઘેરામાં છે.

અમેરિકાના સાંસદોને માહિતી ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય હિતોના મુદ્દા પર સીઆરએસ દ્વારા નિયમિતપણે અહેવાલ રજૂ કરાય છે. આ રિપોર્ટ માત્ર માહિતી માટે હોય છે. સીઆરએસ રિપોર્ટ અમેરિકન કોંગ્રેસના સત્તાવાર અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતો નથી. જો કે તેનાથી આંકવામાં આવેલા જોખમને ઓછું ગણી શકાય તેમ નથી.

પાકિસ્તાનની ઘાતક મનસા -

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના જમાનાથી પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ શંકાસ્પદ હોવાની ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. પરંતુ તાજેતરમાં અમેરિકાની થિન્ક ટેન્ક્સ દ્વારા ન્યૂક્લિયર પાકિસ્તાન પર ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. 2025 સુધીમાં પાકિસ્તાન પાસે 220થી 225 પરમાણુ હથિયારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.

બુલેટિન ઓફ એટોમિક સાઈન્ટિસ્ટ્સની ન્યૂક્લિયર નોટબુકના એક રિપોર્ટમાં પાકિસ્તાનના આગામી દશ વર્ષમાં વિશ્વની પાંચમી સૌથી મોટી પરમાણુ શક્તિ બની જવાની આકલનો રજૂ કરાયા છે. પરંતુ અહીં અમેરિકાની નીતિ પર વિશેષ વિચારણાની જરૂર છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ પર ખૂબ છાતી પીટી હતી. ઈરાન પાસેના બેહદ ખતરનાક હથિયારો દુનિયા માટે ખતરો સાબિત થાય તેવી સંભાવનાઓ સાથેના દાવાઓ અમેરિકા અને તેના સમર્થિત દેશોએ કર્યા હતા. અમેરિકાના દબાણમાં ઈરાનની લગભગ સંપૂર્ણ તલાશી લેવામાં આવી.. પણ અમેરિકાને હાથ કંઈ લાગ્યું નથી. તેમ છતાં વૈશ્વિક દબાણ ઉભું કરવામાં કમિયાબ રહેલા અમેરિકાએ ઈરાન સાથે વિશેષ શરતો ધરાવતી ડીલ કરવામાં સફળતા મેળવી છે.

પરંતુ અમેરિકાની રહેમ નજર હેઠળ ચાલતા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી તેને કોઈ સમસ્યા નથી. આવું લાગવાને કારણ પણ છે. પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકાના અસરકાર અને સંપૂર્ણ વર્ચસ્વવાળા તબક્કામાં વિકસ્યો હતો. પાકિસ્તાને એક ખુલાસો કર્યો હતો કે તેણે ભારતની સાથેની સરહદે શોર્ટ રેન્જ પરમાણુ બોમ્બની તેનાતી કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અમેરિકાને ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવાના અહેવાલો પર મરચાં લાગ્યા હતા.. તેવું પાકિસ્તાન તરફથી ભારતને આપવામાં આવેલી પરમાણુ હથિયારોની ધમકીથી વોશિંગ્ટનને થયું નથી. આ અમેરિકાની બેવડી નીતિ નથી તો શું છે?

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન.. ગૃહ પ્રધાન... વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ અને ખુદ વડાપ્રધાન નવાઝ શરીફ પરમાણુ હુમલાની ધમકીઓ સીધી કે આડકતરી રીતે આપી ચુક્યા છે. પાકિસ્તાનની સર્વેસર્વા સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ આવી ધમકીઓ આપી ચુક્યા છે. તેમ છતાં અમેરિકા દ્વારા પાકિસ્તાન સામે આકરા પગલા લેવાના સ્થાને તેની આળપંપાળની નીતિઓ યથાવત રહેવાનું અકળ રહસ્ય હજી પણ અકબંધ છે.

પાકિસ્તાનના તોપખાનામાં પરમાણુ મિસાઈલ -

પાકિસ્તાનના ટેક્ટિકલ શોર્ટ રેન્જ પરમાણુ હથિયારો અને મિસાઈલ ભારત સાથેના યુદ્ધમાં ઉપયોગના ઈરાદે જ બનાવવામાં આવ્યા છે. તેને ભારત સામે પાકિસ્તાનની અત્યાર સુધીની સૌથી મોટી અને ખતરનાક યુદ્ધનીતિ માનવામાં આવે છે.

પાકિસ્તાનના ઈરાદા બેહદ ખરાબ છે. પાકિસ્તાને શોર્ટ રેન્જના પરમાણુ હથિયારો અને મિસાઈલ તૈયાર કર્યા છે. ઈરાદો સ્પષ્ટ છે.. યુદ્ધની સ્થિતિમાં તેનો ભારતીય સેના સામે ઉપયોગ કરવાની પાડોશી દેશ નાપાક મનસા ધરાવે છે. પાકિસ્તાનના શોર્ટ રેન્જ ન્યૂક્લિયર વેપન્સ પરંપરાગત પરમાણુ બોમ્બથી અલગ હોવા છતાં બેહદ ખતરનાક છે.

પાકિસ્તાનની પરમાણુ શક્તિથી સજ્જ આવી મિસાઈલો ભારતીય ઉપખંડમાં મોટી તબાહીનું કારણ બને તેવી શક્યતા છે. પાકિસ્તાની સેનાએ આવી મિસાઈલો પોતાની સેનામાં સામેલ કરી લીધી છે. તેથી હવે ભારત માટે પાકિસ્તાન તરફના સૈન્ય પડકારમાં વધારો થયો છે. આ શોર્ટ રેન્જ લૉ યિલ્ડ ન્યૂક્લિયર વેપન્સ એક નાના વિસ્તારમાં તબાહીનું તાંડવ ખેલવા માટે સક્ષમ છે.

પરમાણુ શક્તિથી સજ્જ પાકિસ્તાનની નાના અંતરની ઓછી ક્ષમતાની પરમાણુ મિસાઈલ યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાની ટુકડીને પલકવારમાં નેસ્તોનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડતો હોવાથી હવે તેણે પરમાણુ ગુસ્તાખી કરવાની પુરેપુરી તૈયારી કરી રાખી છે.

પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવાતી નાની મિસાઈલનું નાપાક નામ નસ્ર છે. તે પાકિસ્તાનની હત્ફ શ્રેણીની મિસાઈલ છે. જોવામાં તે એક પાતળા રોકેટની જેમ દેખાય છે. નસ્ર મિસાઈલ 60 કિલોમીટરની રેન્જમાં તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. તેમા ન્યૂક્લિયર વોરહેડ્સ લગાવી શકાય છે. તેને એક ટ્રક પર લગાવાયેલા મસ્ટિબેરલ રોકેટ લોન્ચરથી પણ છોડી શકાય છે. પાકિસ્તાને નસ્ર મિસાઈલ માટે ચાર બેરલવાળું લોન્ચર બનાવ્યું છે. એટલે કે પાકિસ્તાની સેના એકસાથે આવી ચાર ચાર મિસાઈલો છોડવા સક્ષમ છે. નવી તકનીકથી તૈયાર આ નાના પરમાણુ બોમ્બ પોતાના વિસ્ફોટના સ્થાને રેડિએશનથી તબાહી મચાવે છે. નાના પરમાણુ બોમ્બના વિસ્ફોટ બાદ ભીષણ ગરમીની સાથે રેડિએશન નીકળે છે. તે એક નિશ્ચિત વિસ્તારમાં મોતનો ખેલ ખુલીને ખેલી શકે છે.

અમેરિકા સહીત દુનિયાના ઘણાં દેશો પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમથી ચિંતિત છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓની ગતિવિધિઓ પુરજોરમાં ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાનના પરમાણુ હથિયારોના આતંકવાદીઓના હાથમાં પડવાની સ્થિતિ જાણકારો નકારતા નથી. તો પાકિસ્તાનની નાગરિક સરકાર અને સેના વચ્ચેના સંબંધો નરમ-ગરમ રહેતા હોય છે. પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્રોગ્રામનું નિયંત્રણ ત્યાંની સેનાના હાથમાં છે. આ બંને સંજોગોમાં ભારત માટે પાકિસ્તાની પરમાણુ હથિયારોનું મોટું જોખમ હોવાનું પણ આકલન છે.

દક્ષિણ એશિયામાં મિસાઈલ રેસ-

યુદ્ધખોર પાકિસ્તાને ઘોરી અને શાહીન નામની પરમાણુ મિસાઈલો વિકસિત કરી છે અને અંદમાન-નિકોબાર સુધીના ભારતીય વિસ્તારમાં પરમાણુ હુમલાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનનો મિસાઈલ કાર્યક્રમ ચીનની રાહબરી હેઠળ જ આગળ વધ્યો છે. જાણકારો પ્રમાણે.. તો ચીનની તૈયાર મિસાઈલોને જ પાકિસ્તાને નવા નામ આપ્યા છે.

પાકિસ્તાનની પરમાણુ મિસાઈલો-

પાકિસ્તાની શાહીન-3 નામની ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ એક ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે બે હજાર સાતસો પચાસ કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.  ઘોરી નામની ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 700 કિલોગ્રામ ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પંદરો કિલોમીટર સુધીમાં ત્રાટકી શકે છે.  જ્યારે ગઝનવી નામની પાકિસ્તાની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 700 કિલોગ્રામના ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે ચારસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.  બાબર નામની પાકિસ્તાની ક્રૂઝ મિસાઈલ 100 કિલોગ્રામ ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે 700 કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.  નસ્ર નામની શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ એકસો કિલોગ્રામ જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે 60 કિલોમીટરની રેન્જમાં હુમલો કરવા સક્ષમ છે.  પાકિસ્તાને પોતાની આર્ટલરીમાં રણનીતિક પરમાણુ હથિયાર તરીકે નસ્ર મિસાઈલને સામેલ કરી છે. આ ઘટનાક્રમે ભારતીય ઉપખંડને દુનિયાની સૌથી ખતરનાક વસાહત બનાવી દીધી હોવાનું અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું છે.

ભારતની પરમાણુ મિસાઈલ-

ચીન અને તેના ચાળે ચઢેલા પાકિસ્તાનની મિસાઈલોના જોખમ સામે ભારતે પણ તૈયારીઓ કરી છે. અગ્નિ-પાંચ મિસાઈલ દ્વારા ભારતીય સેનાઓ ચેન્નઈથી ઈસ્લામાબાદ અને ચીનના મહત્વપૂર્ણ ઠેકાણાઓ સુધી હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારતની અગ્નિ-5 ઈન્ટરમીડિયેટ રેન્જ મિસાઈલ દોઢ ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-3 ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ બેથી અઢી ટન ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે પાંત્રીસ્સો કિલોમીટરની રેન્જમાં પોતાના ટારગેટને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ 600 કિલોગ્રામથી એક ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે દોઢસોથી સાડી ત્રણસો કિલોમીટરની રેન્જમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલકે-15 અથવા બી-05 એક ટન ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે સાડી સાતસો કિલોમીટરની રેન્જમાં ટાર્ગેટને તબાહ કરવાની શક્તિ ધરાવે છે.  ભારતની કે-ફોર સબમરીન લોન્ચડ બેલેસ્ટિક મિસાઈલ બે ટન જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ સાથે સાડા ત્રણ હજાર કિલોમીટર સુધીમાં ભીષણ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ તફાવત છે.. ભારતનો મિસાઈલ કાર્યક્રમ સ્વદેશી છે અને પાકિસ્તાનને ચીનનો તૈયાર માલ મળી રહ્યો છે.

દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન-

સૈન્ય શક્તિ અને સંશાધનોની દ્રષ્ટિએ ભારત દેખીતી રીતે પાકિસ્તાન પર મોટી સરસાઈ ધરાવે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકાની મદદ અને ચીનના ખીલે ભારત સામે ઘૂરકિયાં કરવાનું ચુકતું નથી.

ભારત-પાકિસ્તાનની સરખામણી-

ભારતની કુલ વસ્તી 125 કરોડ અને પાકિસ્તાનની કુલ જનસંખ્યા વીસ કરોડ છે. ભારત પાસે ઉપલબ્ધ કાર્યક્ષમ માનવશક્તિ 62 કરોડ અને પાકિસ્તાન પાસે આવા લોકોની સંખ્યા નવ કરોડ ત્રીસ લાખ જેટલી છે. ભારતમાં લશ્કરી કામગીરી માટે સક્ષમ લોકો 49 કરોડ છે.. જ્યારે પાકિસ્તાનમાં આવી જનસંખ્યા સાડા સાત કરોડની છે. ભારતના સક્રિય સૈનિકોની સંખ્યા તેર લાખ પચ્ચીસ હજારની છે અને પાકિસ્તાન પાસે છ લાખ સત્તર હજાર જેટલા સક્રિય સૈનિકો છે. ભારત પાસે રિઝર્વ સૈનિકોની સંખ્યા 21 લાખ 43 હજાર સુધીની છે અને પાકિસ્તાન પાસે પાંચ લાખ પંદર હજાર અનામત દળો છે.

ભૂમિસેનાની તુલના-

ભારત અને પાકિસ્તાનની ભૂમિસેનાઓની સરખામણી કરીએ.. ભારતની પાકિસ્તાન પર દેખીતી સરસાઈ છે. ભારત પાસે છ હજાર ચારસો ચોસઠ ટેન્કો છે અને પાકિસ્તાન પાસે બે હજાર નવસો ચોવીસ ટેન્કો છે. ભારત પાસે 6 હજાર સાતસો ચાર આર્મ્ડ ફાઈટિંગ વ્હીકલ્સ ઉપલબ્ધ છે અને પાકિસ્તાન પાસે બે હજાર આઠસો અઠ્ઠાવીસ એએફવી છે. ભારત પાસે સેલ્ફ પ્રોપેલ્ડ ગન્સની સંખ્યા 290 અને પાકિસ્તાન પાસે 465 એસપીજી છે. ભારત પાસે આર્ટિલરી સાત હજાર ચારસો ચૌદ જેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે અને પાકિસ્તાન પાસે ત્રણ હજાર બસ્સો ઈઠ્ઠીયોત્તેર જેટલી આર્ટલરી છે. ભારત પાસે મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સની સંખ્યા 292 છે અને પાકિસ્તાન પાસે 134 એમએલઆરએસ ઉપલબ્ધ છે. ભારતની જમીન સરહદ પંદર હજાર કિલોમીટર જેટલી અને વિવિધતા સભર દુર્ગમતા ધરાવે છે. તેથી પાકિસ્તાન સામેની સૈન્ય સરસાઈ અન્ય સરહદી સમસ્યાઓને ઉકેલવામાં પણ લગાવવી પડે છે. તેની સાથે ભારતે ચીન અને પાકિસ્તાન બંને મોરચે મજબૂત રણનીતિક તૈયારીઓ કરવી પડશે તેવું પણ ઘણાં સંરક્ષણ નિષ્ણાતો અવાર-નવાર જણાવી ચુક્યા છે.

વાયુસેનાની તુલના-

ભારત અને પાકિસ્તાનના એરપાવરની સરખામણી કરીએ.. તો ભારત પાસે કુલ એક હજાર નવસો પાંચ જેટલા એરક્રાફ્ટ છે અને પાકિસ્તાન પાસે કુલ 914 એરક્રાફ્ટ છે. જેમાંથી ભારત પાસે ફાઈટર પ્લેનની સંખ્યા છસ્સો ઓગણત્રીસ જેટલી અને પાકિસ્તાન પાસે ત્રણસો સિત્યાસી ફાઈટર્સ છે. ભારત પાસે 761 એટેક એરક્રાફ્ટ્સ અને પાકિસ્તાન પાસે 387 એટેક એરક્રાફ્ટ્સ છે. ભારત પાસે 263 ટ્રેનર એરક્રાફ્ટ્સ છે અને પાકિસ્તાન પાસે 170 ટ્રેનર એરક્રાફ્ટ્સ ઉપલબ્ધ છે. ભારત પાસે કુલ પાંચસો ચોર્યાસી હેલિકોપ્ટરો છે અને પાકિસ્તાન પાસે 313 હેલિકોપ્ટર છે. ભારત પાસે વીસ એટેક હેલિકોપ્ટર્સ છે અને પાકિસ્તાન પાસે 48 એટેક હેલિકોપ્ટર્સ છે.

નૌસેનાની શક્તિનું બળાબળ-

સમુદ્રી સૈન્ય શક્તિની સરખામણી કરીએ તો.. ભારત પાસે કુલ 202 યુદ્ધજહાજો છે અને પાકિસ્તાન પાસે 74 જહાજો છે. ભારત પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. પાકિસ્તાન પાસે એકપણ વિમાનવાહક જહાજ નથી. તો ભારત પાસે 15 અને પાકિસ્તાન પાસે 10 ફ્રિગેટ્સ છે. ભારત પાસે નવ ડિસ્ટ્રોયર્સ અને પાકિસ્તાન પાસે કોઈ ડિસ્ટ્રોયર નથી. ભારત પાસે પચ્ચીસ જેટલી કોરવેટ્સ છે અને પાકિસ્તાન પાસે આવું એકપણ જહાજ નથી. ભારત પાસે પંદર સબમરીનો છે અને પાકિસ્તાન પાસે આઠ સબમરીન છે. તો ભારત પાસે કોસ્ટલ ડિફેન્સ ક્રાફ્ટની સંખ્યા 46 છે અને પાકિસ્તાન પાસે બાર કોસ્ટલ ડિફેન્સ ક્રાફ્ટ ઉપલબ્ધ છે. માઈન વોરફેર માટે ભારત પાસે સાત જેટલા જહાજો છે અને પાકિસ્તાન પાસે આવા માત્ર ત્રણ જહાજો છે.

ભારતીય વાયુસેનાને પોતાની સરસાઈ જાળવી રાખવા માટે ઉન્નત સંસ્કરણના ચોથી અને પાંચમી પેઢીના નવા યુદ્ધવિમાનોની તાત્કાલિક જરૂરિયાત છે. તો ભારતની સમુદ્રી સીમા સાત હજાર કિલોમીટર જેટલી લાંબી છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની વધતી સક્રિયતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌસેનાને વધુ સજ્જતા અને તૈયારીઓની જરૂરિયાત હોવાનું માનવામાં આવે છે.

પાકિસ્તાનની પરમાણુ નીતિ-

પરમાણુ હથિયારોવાળું પાકિસ્તાન ભારત માટે ખૂબ ખતરનાક ન્યૂક્લિયર પોલિસી ધરાવે છે. ભારત પર પરમાણુ હુમલો કરવા માટે પાકિસ્તાન દ્વારા તેની પરમાણુ નીતિમાં ચાર જોગવાઈ છે. એક.. જો ભારત પાકિસ્તાનના મોટા ભૂભાગને પોતાના તાબા હેઠળ લઈ લે... બીજું.. ભારત દ્વારા પાકિસ્તાની સેના અથવા એરફોર્સનો મોટોભાગ નેસ્તોનાબૂદ કરાય.. ત્રીજી સ્થિતિમાં ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ગુંગળાવાની કોશિશ કરે.. ચોથા કારણમાં ભારત પાકિસ્તાનને રાજકીય રીતે અસ્થિર કરવા માટે મોટાપાયે આતંરીક ઉથલ-પાથલો કરાવે.

ભારતની પરમાણુ નીતિની સમીક્ષા જરૂરી-

તેની સામે ભારતની પરમાણુ નીતિ વધુ જવાબદાર ગણાય છે. ભારત પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની ન્યૂક્લિયર પોલિસી જાહેર કરી ચુક્યું છે. જો કે સેકન્ડ સ્ટ્રાઈક કેપેબિલિટી માટે ભારતની તૈયારીઓ ખૂબ મજબૂત હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન પણ આ બાબતથી ડરે છે.  જો કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને પાકિસ્તાનની વધુ આક્રમક પરમાણુ નીતિ સામે હવે ભારતે પણ પોતાની પરમાણુ નીતિની સમીક્ષા હાથ ધરવી પડે તેવા સંજોગો છે. પાકિસ્તાનની બાબતમાં અમેરિકા હાલના સંજોગોના વલણોના આધારે કેટલું ભરોસાપાત્ર સાબિત થશે? આ પણ વિચારણાનો એક મુદ્દો છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને માપમાં રાખતી પરમાણુ નીતિ બનાવવાની તાતી જરૂર છે.

ઉત્તર કોરિયામાં પરમાણુ પ્રસાર-

પાકિસ્તાનથી ઉત્તર કોરિયાને પરમાણુ તકનીક પહોંચાડવામાં આવી હોવાની આશંકા છે. ઉત્તર કોરિયા પાસેના પરમાણુ હથિયારો અમેરિકા માટે જોખમી છે. તેમ છતાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા પરમાણુ પ્રસાર સંદર્ભે અમેરિકાના બેવડા ધોરણો છે.

પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોની સુરક્ષાના મસ મોટા દાવા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાનના હથિયારો અને તકનીકની સુરક્ષા હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. વર્ષ-2004માં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન દ્વારા પરમાણુ હથિયારો સાથે જોડાયેલી બેહદ ગુપ્ત બાબતો અન્ય દેશોને વેચવામાં આવી હોવાના આરોપ લાગ્યા હતા. માનવામાં આવે છે કે અબ્દુલ કાદિર ખાને પાકિસ્તાનની પરમાણુ તકનીક ઉત્તર કોરિયાને વેચી હતી. પરંતુ અમેરિકા આખા મામલામાં ખાનાપૂર્તિ કરતું જ દેખાયું છે. આવા પાકિસ્તાનના પરમાણુ હથિયારો આતંકવાદીઓના હાથમાં પડે તેવી સંભાવના પણ નકારવામાં આવતી નથી. મહત્વપૂર્ણ છે કે 2009માં ઈસ્લામાબાદની હાઈકોર્ટે એ. ક્યુ. ખાનને મુક્ત કરી દીધો અને અમેરિકા મૂકદર્શક બનીને આખા મામલાને જોઈ રહ્યું છે.

અમેરિકાની પૂર્વનિર્ધારીત નીતિમાં ફેરફાર થયો છે. હવે અમેરિકાના પાંચ હજાર પાંચસો જેટલા સૈનિકો 2017 સુધી અફઘાનિસ્તાનની ધરતી પર તેનાત રહેશે. તેનો સીધો અર્થ છે કે અમેરિકાને પાકિસ્તાનની જરૂરત પડશે. ગત 14 વર્ષોમાં અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈના નામે પાકિસ્તાનને વીસ અબજ ડોલરથી વધારેની મદદ કરી છે.

અમેરિકા અફઘાનિસ્તાનમાં ફસાયેલું રહે તેમાં પાકિસ્તાનની સેના અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પણ મોટા હિતો છે. આમ થવાથી બંનેને અમેરિકા તરફથી જંગી સહાયતારૂપે ડોલરના ઢગલા મળતા રહેશે. આમ તો અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યને સંપૂર્ણપણે ખસેડી લેવાનો બરાક ઓબામાએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન વાયદો કર્યો હતો. પરંતુ ઓબામા પોતાની બંને ટર્મ પૂર્ણ થવા છતાં વાયદો પુરો કરી શક્યા નથી.

પાકિસ્તાનમાં રહેલા આતંકી નેટવર્ક હજીપણ અમેરિકાના રાષ્ટ્રીય હિતો સામે મોટું જોખમ છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાનો આઈએસઆઈના દોરીસંચાર હેઠળ માથું ઉંચકી રહ્યા છે. તેથી અફઘાનિસ્તાનમાં ફરીથી 1996ની જેમ તાલિબાનો અથવા કોઈ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો કાબુલનો કબજો લઈ લેશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આવા સંજોગોમાં જનરલ ઝીયા ઉલ હક વખતે પાકિસ્તાની અને અફઘાનિસ્તાની મદરસાઓમાં થયેલી કટ્ટરવાદની ખેતીનો ફાયદો હવે અલકાયદામાંથી છૂટા પડેલા આઈએસઆઈએસ દ્વારા ઉઠાવાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. અફઘાનિસ્તાનમાં કેટલાંક આતંકવાદી જૂથોએ પોતાની નિષ્ઠા આઈએસ પ્રત્યે વ્યક્ત કરી હોવાના અહેવાલો પણ દેખાઈ રહ્યા છે. આવા સંજોગોમાં અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે અમેરિકી દળોની વાપસી અમેરિકા સાથે દુનિયા માટે ખતરનાક સાબિત થાય તેવી શક્યતાઓ નકારવામાં આવતી નથી. આમ છતાં પાકિસ્તાનની પરમાણુ હથિયારોની હોડને રોકવા માટે અમેરિકા કોઈપણ નક્કર રણનીતિ સાથે આગળ વધી રહ્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું નથી.

વૈશ્વિક રાજકારણની મનસાથી આશંકા-

આમ તો ચીન પાકિસ્તાન દ્વારા ભારતને ભીડાવી રહ્યું છે.. તો ભારત દ્વારા અમેરિકા ડ્રેગનના વર્ચસ્વને સંતુલિત કરવામાં લાગ્યું છે. પરંતુ અમેરિકાથી થયેલી કેટલીક નિવેદનબાજીમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સંદર્ભે ભારતના ઉપયોગની મનસાની ગંધ આવી રહી છે. આવા સંજોગોમાં ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણયો લેવામાં સાવધાની પણ રાખવી પડશે.

પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભારત અને પાકિસ્તાનના સૈન્ય સિદ્ધાંતો સંદર્ભે એક પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક સૂચક ટીપ્પણી કરી હતી. વોશિંગ્ટન ખાતેના બે દિવસીય સંમેલનના સમાપન વખતે તેમણે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોને ઘટાડવા આગળ વધવું જોઈએ. એ નિર્ધારીત કરવું જોઈએ કે સૈન્ય સિદ્ધાંત વિકસિત કરતી વખતે સતત ખોટી દિશામાં આગળ વધે નહીં.

અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ઓબામાની ટીપ્પણી પર ટાઢા ઢોળવાની કોશિશ કરી હતી. પરંતુ તેમણે કહ્યુ હતુ કે કેટલાંક દેશોમાં પરમાણુ હથિયારો વધી રહ્યા છે અને કેટલાંક નાના પરમાણુ હથિયારોની ચોરીનો ખતરો વધારે હોઈ શકે છે.

તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા સંકેતો આખા મામલાને વધુ સ્પષ્ટ કરવા માટે પુરતા છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ પરમાણુ હથિયાર સંપન્ન અર્ધ-અસ્થિર દેશ પાકિસ્તાનની સમસ્યાના સમાધાન માટે ભારત અને અન્ય દેશોની મદદ માંગશે. અમેરિકા સામે સૌથી મોટી સમસ્યા પરમાણુ હથિયારોની છે. આ હથિયારો ધરાવતા દેશોની છે. તેઓ પાકિસ્તાનમાં સંપૂર્ણપણે અસ્થિરતા જોવા ઈચ્છતા નથી. અમેરિકાનો પાકિસ્તાન સાથે થોડો સારો સંબંધ છે. તેમને લાગે છે કે તેઓ કોશિશ કરશે અને તેને જાળવી રાખશે.

ટ્રમ્પે પાકિસ્તાન સાથેના સંબંધો જાળવવાની વાત પોતાના સ્વભાવ વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. પરંતુ તેની સાથે તેમણે પાકિસ્તાનને બીજા રસ્તે જતું અટકાવવા માટે નાણાં અને મદદ ચાલુ રાખવાની પણ તરફદારી કરી છે. તેમનું પણ સીધેસીધું માનવું છે કે પાકિસ્તાન પર અમેરિકાની ધાક અને વર્ચસ્વ ઘટશે.. તો તેનાથી વધારે મોટી મુશ્કેલી પેદા થશે. જો કે પાકિસ્તાનનું બીજી તરફ જવું એટલે માત્ર આતંકવાદીઓના વર્ચસ્વ તણે જવું કે ચીનના વર્ચસ્વ હેઠળ જવું? તેની સ્પષ્ટતા થવી બાકી છે.

ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠતા વધી રહી છે. આવા સંજોગોમાં ભારતને ગ્લોબલ ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ અમેરિકાની સેનેટમાં નામંજૂર થયું છે. અમેરિકાની સંસદમાં રિપબ્લિકન પાર્ટીનું મોટું વર્ચસ્વ છે. ત્યારે ટ્રમ્પનું એક સૂચક નિવેદન પણ યાદ કરવું જોઈએ. ટ્રમ્પે કહ્યુ હતુ કે જ્યારે ભારત અને અન્ય કેટલાંક દેશો તરફ જોઈએ છીએ. તો લાગે છે કે કદાચ તેઓ અમેરિકાની મદદ કરશે. અમેરિકા આ દિશામા જોઈ રહ્યું છે. અમેરિકા પાસે આવા ઘણાં દેશ છે. જેમને અમેરિકા નાણાં આપે છે અને તેના બદલામાં કંઈ મળતું નથી. પરંતુ આ ટૂંક સમયમાં થોભી જશે.

અમેરિકા સામાન્ય રીતે પોતાનું હિત હોય નહીં તેવી બાબતોમાં જીભથી જલેબીઓ પાડીને દુનિયાદારી નિભાવતું હોય છે. પરંતુ પોતાના મતલબની બાબતો માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો-કાયદાઓને તાક પર મૂકતા પણ ખચકાતું નથી. ઈરાક અને ઈરાન સાથેની દાદાગીરી અને પાકિસ્તાનની આળપંપાળ તેના મોટા ઉદાહરણ છે. અમેરિકાની નીતિની અસલિયત છે કે ચોરને ચોરી કરવાનું કહેવાનું ચાલુ રાખશે અને શાહૂકારને જાગતા રહેવા માટે બૂમો પણ પાડતું રહેશે.