Wednesday, December 14, 2016

રાષ્ટ્રીય ઓળખ ગુમાવવાના ડરને કારણે યુરોપે પકડી દક્ષિણપંથની દિશા

-   પ્રસન્ન શાસ્ત્રી

યુરોપ અને અમેરિકામાં રાષ્ટ્રીય ઓળખ સામે ઉભા થયેલા જોખમોના પરિણામે ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટ વધારેમાં વધારે મજબૂત બની રહી છે. ફાર રાઈટ પોપ્યુલિટ મૂવમેન્ટને એવું કહી શકાય કે દેશ-રાષ્ટ્રની ઓળખ સામેના જોખમો સામેની જનતાની ચિંતાને કારણે દક્ષિણપંથી લાગણીઓની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયા.

2016માં આવી બે આશ્ચર્યજનક પરંતુ લોકપ્રિય વિજયની ઘટનાઓ જોવા મળી છે. જૂન માસમાં યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે બ્રિટનમાં આવેલું જનમત સંગ્રહનું પરિણામ આવી પહેલી આશ્ચર્યજનક ઘટના હતી. જેમાં બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવા માટેનો બ્રેક્ઝિટ તરીકે જાણીતો બનેલો ચુકાદો ફરમાવ્યો હતો. 

બીજી ઘટના ડિસેમ્બર માસમાં અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામોમાં સામે આવી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ તરીકે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે. આ બંને જનચુકાદાઓ અમેરિકા અને બ્રિટન જેવા બે તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક સમાજો માટે દુનિયાના અન્ય દેશો અને ખાસ કરીને ભારત ખાતે ઉદારવાદનો આડંબર કરનારા રાજકીય, સામાજિક સંગઠનો માટે આઘાતજનક રહ્યા છે. વિસ્થાપિતોને આશ્રય સહીતના ઈમિગ્રેશન માટેના નીતિગત ખુલ્લાપણાના મતભેદો, વિવિધતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દાઓને કારણે યુરોપ અને અમેરિકામાં ઘણી મોટી હદે રાષ્ટ્રીય ઓળખ અને અસ્તિત્વ બાબતે સ્થાનિક લોકોના અંતરમનમાં ઘૂઘવાટ અને ઉકળાટની ચરમસીમા તરફ આગળ વધવાની પ્રક્રિયાનો સંકેત આપી રહ્યા છે. 

બ્રેક્ઝિટ બાદ ફ્રેક્ઝિટની માગણી થઈ ચુકી છે. તો યુરોપની ત્રીજી એક મોટી ઘટનાની પણ ચર્ચા કરવી પડે તેમ છે. ઈટાલીને પરંપરાગત રીતે યુરોપીયન યુનિયનનું કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેમ છતાં ઈટાલીમાં પણ યુરોપિયન યુનિયનથી વિરુદ્ધના વલણોની શરૂઆત થઈ ચુકી છે. તાજેતરમાં ઈટાલીએ પણ એસ્ટાબ્લિશમેન્ટને નામંજૂર કર્યું છે. ઈટાલીના જનમત સંગ્રહના પરિણામો અહીં દક્ષિણપંથી લાગણીઓ માટે આશાસ્પદ માનવામાં આવે છે. આવા જ વલણો ઘણાં યુરોપીયન દેશોમાં ચરમસીમા તરફ આગળ વધી રહ્યા છે.

અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીનેગંભીરતાથી લેવામાં આવતી ન હતી.  અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પ્રચાર વખતે સ્થાનિક મીડિયા જૂથો, નીતિ-રાજકારણ સંબંધિત સંસ્થાનોએ ટ્રમ્પને બિલકુલ ગંભીરતાથી લીધા ન હતા. પરંતુ તેમ છતાં અમેરિકાના મતદાતાઓની ભીતરના ઉંડાણમાં સામાજિક પરિવર્તનો સંદર્ભેની ગંભીર ચિંતાઓને કારણે ટ્રમ્પની ઉમેદવારી તેમના માટે બેહદ ગંભીર હતી. જેને કારણે અમેરિકાના તથાકથિત ઉદારવાદી લોકતાંત્રિક મૂલ્યોની પરવાહ કર્યા વગર અમેરિકનોએ અમેરિકાના હિતોની પરવાહ સાથે ટ્રમ્પને જીતાડયા છે. ભારત માટે અમેરિકા ખાતે સામે પ્રવાહે તરીને ટ્રમ્પે મેળવેલી જીત કોઈ આશ્ચર્ય પમાડનારી વાત નથી. ભારતમાં ગુજરાતમાં વિધાનસભાની ત્રણ ચૂંટણીઓમાં અને 2014ની લોકસભાની ચૂંટણીમાં મીડિયા અને કથિત થિંક ટેન્કો-બૌદ્ધિક સંગઠનોની લાગણીઓ વિરુદ્ધ ભારતની જનતા પોતાનો ચુકાદો ફરમાવી ચુકી છે. આવા પરિણામો માટે પણ ગુજરાત અને ભારતના લોકોના હ્રદય-મનમાં રાષ્ટ્ર સામેના ખતરાઓ અને પડકારો સંદર્ભે દશકાઓથી ધરબાયેલી ચિંતાઓ જ કારણભૂત હતી. 

અમેરિકનો જેવી જ ચિંતા અંગ્રેજોના દિલમાં પણ હતી. તેના કારણે મધ્ય-એશિયામાંથી આવી રહેલા મુસ્લિમ શરણાર્થીઓને આશ્રય આપવાના પ્રમાણમાં ઘટાડો કરવા માટે બ્રિટિશ મતદાતાઓએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો ચુકાદો આપ્યો હતો. બ્રેક્ઝિટ ફરમાવતો જનમત બ્રિટનના રાજકીય નેતાઓને વિસ્થાપિતોને આવતા અટકાવવા માટેની નીતિના વાસ્તવિક અમલીકરણનો માર્ગ મોકળો કરવાની લાગણી ધરાવતો હતો. 2016માં અમેરિકા અને બ્રિટનના બંને વિજયો ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટના હાથમાં સાંકેતિક રીતે સત્તાના હસ્તાંતરણો દર્શાવનારા છે. 

યુરોપમાં કથિત ઈસ્લામફોબિક અતિવાદી દક્ષિણપંથી રાજકીય પક્ષોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીઓમાં મોટા ફાયદાઓ થયા છે. જર્મનીમાં રાજકીય તાસિરમાં ધરખમ ફેરફારોના સંકેત મળી રહ્યા છે. જર્મનીમાં દક્ષિણપંથી રાજકીય પક્ષ અલ્ટરનેટિવ ફોર જર્મની એટલે કે એએફડી 16 જર્મન સ્ટેટ પાર્લામેન્ટ્સમાંથી દશમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. 2017માં અલ્ટરનેટિવ ફોર જર્મનીને પહેલી ફેડરલ વિકટ્રીની આશા છે. 

શરણાર્થીઓ વિરોધી નીતિઓ ધરાવતી ડેનિસ પીપલ્સ પાર્ટી ડેનમાર્કમાં 2015ની ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બની છે. ડેનમાર્કની સંસદમાં શરણાર્થીઓ વિરોધી ખરડાને પસાર કરવામં ડેનિસ પીપલ્સ પાર્ટીના સમર્થન પર સત્તાધારી ગઠબંધનને આધારીત રહેવાની રાજકીય મજબૂરી છે. 

તો 2015માં સ્વીડન ખાતે મોટી સંખ્યામાં શરણાર્થીઓના આવ્યા બાદ અહીંના લોકોએ ઐતિહાસિક ચુકાદાના સંકેત આપ્યા છે. તાજેતરના ઓપનિયન પોલ્સમાં અતિવાદી દક્ષિણપંથી સ્વીડન ડેમોક્રેટ્સને 20 ટકાથી વધારે મત મળ્યા છે. 

ફ્રાન્સમાં પણ મરીન લે પેન દ્વારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સંસ્કૃતિને સંપૂર્ણપણે આત્મસાત કરવા માટેની કરેલી હાકલે ઘણી મોટી અસર પેદા કરી છે. લા પેન ફ્રાન્સમાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ યુરોઝોન છોડીને ફ્રેન્ચ ફ્રાન્કને તાત્કાલિક અમલી બનાવવાનું જણાવી ચુક્યા છે. યુરોપ અને અમેરિકામાં મુસ્લિમ લઘુમતી અને મધ્ય-પૂર્વ એશિયામાંથી આવતા મુસ્લિમ શરણાર્થીઓને લઈને પેદા થયેલી જનતાની ચિંતાઓની અવગણના કરનારા રાજનેતાઓ હારી રહ્યા છે અથવા તો નબળા થવા લાગ્યા છે. 

યુરોપમાં 80ના દાયકાથી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓએ સ્થાન જમાવ્યું છે. પરંતુ આવી અતિવાદી દક્ષિણપંથી પાર્ટીઓને યુરોપમાં સાતત્યપૂર્ણ અને સાર્વત્રિક રાજકીય ફાયદો મળ્યો નથી. ઓસ્ટ્રિયામાં બીજા વિશ્વયુદ્ધ બાદ અતિવાદી દક્ષિણપંથીઓના સત્તામાં આવવાની પ્રબળ આશંકાઓ પ્રવર્તી હતી. પરંતુ ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના મે માસના પ્રથમ રાઉન્ડમાં દક્ષિણપંથી ફ્રીડમ પાર્ટીના ઉમેદવારોને માત્ર એક ટકાની સરસાઈથી જીત મળી હતી. તો ડિસેમ્બર માસમાં ફ્રીડમ પાર્ટીને ઓસ્ટ્રિયાની ગ્રીન પાર્ટીથી સાત પોઈન્ટથી હારી ગઈ હતી. જો કે ઓસ્ટ્રિયામાં ફ્રીડમ પાર્ટીની લોકપ્રિયતા ત્રીસ વર્ષથી નીચેની વયજૂથના મતદાતાઓમાં વધી રહી છે. તો સ્વિટ્ઝરલેન્ડમાં પણ શરણાર્થીઓનો વિરોધ કરનારી સ્વિસ પીપલ્સ પાર્ટી 1999થી તમામ ફેડરલ ઈલેક્શનમાં વીસ ટકાથી વધારે મત પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. 

દક્ષિણપંથી શક્તિઓના ઉભારને કારણે યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ સંદર્ભે નીતિગત પરિવર્તનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમ ઈન્ડિપેન્ડન્સ પાર્ટીની સંસદમાં એક જ બેઠક હોવા છતાં બ્રેક્ઝિટ જનમત દરમિયાન તેની હાકલોની અસરકારક ભૂમિકા રહી છે. આ એક સૂચક ઉદાહરણ છે. 2017માં ફ્રાન્સની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટના લા પેનને એક મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. માર્ચ-2017માં યોજાનારીચૂંટણીઓ માટે ગીર્ટ વાઈલ્ડર્સની આગેવાનીવાળી ડચ ફ્રીડમ પાર્ટીની સરસાઈમાં વધારો થયો છે. ગીર્ટ વાઈલ્ડર્સે -મેક ધ નેધરલેન્ડ્સ ગ્રેટ અગેઈનની વાત કરી છે.

યુરોપ અને અમેરિકામાં આગામી ચૂંટણીના પરિણામો કોઈપણ હોય, પરંતુ શરણાર્થીઓ સામેની લાગણીઓ નક્કરપણે સામાન્યીકરણ તરફ આગળ વધી રહી છે. અમેરિકામાં મુખ્ય પાર્ટીના ઉમેદવારોએ ક્યારેય ખુલ્લેઆમ ઈસ્લામફોબિયાને પ્લેટફોર્મ બનાવીને રાષ્ટ્રીય હિતો માટે મત માંગીને ટ્રમ્પ પહેલા ક્યારેય જીત મેળવી નથી. ટ્રમ્પે પણ પ્રચાર વખતે ગેરકાયદેસર મુસ્લિમ ઈમિગ્રેન્ટ્સને સામુહિકપણે હાંકી કાઢવાની અને તેમના પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.

જર્મનીના ચાન્ચેસલર એન્જેલા મર્કેલને શરણાર્થીઓ માટે ઉદારતા દર્શાવનારા નેતા તરીકે યુરોપિયન યુનિયનમાં ઓળખવામા આવે છે. પરંતુ મર્કેલે પણ કાયદેસર રીતે શક્ય હોય તેવા તમામ સ્થાનો પર બુરખા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. સરહદ વગરના યુરોપની કલ્પનામાંથી જન્મેલા યુરોપિયન યુનિયનના ઉદારવાદી મૂલ્યો ધરાવતા સંસ્થાપક દેશો- ઈટાલી, જર્મની, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને ફ્રાન્સ 2017માં ફાર રાઈટ પોપ્યુલિસ્ટ મૂવમેન્ટની ચરમસીમા તરફ આગળ વધે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે ચૂંટણીઓમાં ઈમિગ્રેશન પોલિસી જ એક માત્ર મુદ્દો નથી. પરંતુ યુરોપ અને અમેરિકામાં શરણાર્થીઓ માટેની પ્રવર્તમાન નીતિઓને લઈને જનતાની અંદર ધરબાયેલી દહેશત અને ચિંતાઓ એક ચહેરો ચોક્કસપણે છે.