Monday, July 24, 2017

ડોકલામમાં ચીનની દાદાગીરી: ચીન સામે નાટોની તર્જ પર લશ્કરી ગઠબંધન જરૂરી


- પ્રસન્ન શાસ્ત્રી

ચીન ભારત સામે ખરાં અર્થમાં સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર છે. 1962ના વિશ્વાસઘાતી યુદ્ધ બાદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે ડ્રેગન એકંદરે શાંત રહ્યું છે. પરંતુ ચીન દ્વારા પાકિસ્તાનનો વ્યૂહાત્મક હથિયાર તરીકે સતત ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ભારતનું વૈશ્વિક કદ અને શક્તિમાં ખાસો વધારો થયો છે. ભારતના છેલ્લા ઘણાં સમયથી રશિયાની સાથે અમેરિકા સાથેના સંબંધો પણ બેહદ ઘનિષ્ઠ સ્તરે આગળ વધી રહ્યા છે. તો યુરોપિયન યુનિયનના દેશો સાથે પણ ભારતના સંબંધોમાં ખાસી ઉષ્મા દેખાઈ રહી છે. ભારતને મળી રહેલા વૈશ્વિક મહત્વ વચ્ચે ઉત્તર કોરિયાની પરમાણુ હુમલાની ધમકીઓ અને દક્ષિણ ચીન સાગરમાં આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નહીં માનવાની ચીનની વાતે તેનો અમેરિકા સાથેનો તણાવ વધાર્યો છે. 

અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન ડીસી ખાતે જૂન માસના આખરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત પહેલા ચીને ભારતની સિક્કિમ સરહદે ભૂટાન-ચીનના ટ્રાઈજંક્શન ખાતે આવેલા ડોકલામ ખાતે રોડ નિર્માણની કોશિશ કરી હતી. તેનો ભૂટાનની સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 2007ની ભારત સાથેની સંધિ પ્રમાણે ભૂટાનની સેનાએ ચીનની હરકતની ભારતીય સેનાને જાણકારી આપી હતી. ડોકલામ ખાતે ભારતીય સેનાએ ચીન દ્વારા ભૂટાન સરહદે કરવામાં આવતા સડક નિર્માણને થંભાવ્યું હતું. જેના કારણે ચીનની સેનાએ ભારતીય સેનાના બે જૂના બંકરો તોડી પાડયા હતા. અહીં ગત એક માસથી વધુ સમયથી ભારત અને ચીનના સૈનિકો આમને-સામને છે અને બીજિંગ તરફથી ભારતને સેના પાછી ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે. ભારતીય સરહદી વિસ્તારોમાં અવાર-નવાર ઘૂસણખોરી કરતા ચીનને ડોકલામમાં ભારતીય સેના દ્વારા આવો જવાબ મળવાની બિલકુલ આશા ન હતી. તેને કારણે પોતાને હવે અમેરિકાના પર્યાયરૂપ મહાસત્તા માનતું ચીન ધુંધવાયું છે. 

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિને કારણે વોશિંગ્ટન દ્વારા આંતરરાષ્ટ્રીય બાબતોમાં 1930ના ફ્રાંસ અને બ્રિટનની જેમ હસ્તક્ષેપ ઓછો કરવાની નીતિની શરૂઆત થઈ ચુકી હોવાનું માનવામાં આવે છે. તેવા સંજોગોમાં ઉભી થનારી ખાલી જગ્યા પુરવા માટે ચીન અધીરું બન્યું છે. તેને કારણે દક્ષિણ ચીન સાગર અને પાકિસ્તાન તથા હિંદ મહાસાગરમાં તેણે પોતાની ગતિવિધિઓ વધુ આક્રમક બનાવી છે. આવા સંજોગોમાં ડોકલામ ખાતે ચીનની હરકત રોકવાની ભારતની રણનીતિક પહેલ બીજિંગના વિસ્તરવાદી મનસૂબાઓને રોકવા માટે નિર્ણાયક સાબિત થાય તેમ છે. 

ડોકલામનું ભારત અને ચીન માટે વ્યૂહાત્મક મહત્વ છે. ડોકલામ ખાતે સડક નિર્માણ કરીને ચીન ભારતના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સિલિગુડી કોરિડોર એટલે કે ચિકનનેક સુધી પોતાની રણનીતિક પહોંચ વધારી શકે તેમ છે. ચીનની ડોકલામ ખાતેની હરકત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તેને કારણે ભારતે કોઈ મોટી સમસ્યાનો ભવિષ્યમાં સામનો કરવાની સ્થિતિ આવે તેના કરતા પહેલા જ ચીનને પડકારવાની વ્યૂહરચના અખત્યાર કરવામાં આવી છે. તેની સાથે 1949માં ચીનના તિબેટ પરના આક્રમણ વખતે ભારતે કરેલી ભૂલનું પુનરાવર્તન પણ ડોકલામ ખાતેની ભૂટાન સરહદે ટાળ્યું છે. 

1962ના યુદ્ધમાં ભારત સાથે વિશ્વાસઘાત કરીને જીત મેળવનારા ચીને 1963માં પાકિસ્તાન પાસેથી સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરનો પાંચમો ભાગ એક કરાર હેઠળ પ્રાપ્ત કર્યો હતો. 1962માં ચીને અક્સાઈ ચીનનો 38 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો. 2010માં ચીને કાશ્મીર કાર્ડનો ભારત સામે ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરના લોકોને સ્ટેપલ વીઝા આપવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઈને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પસાર થવાનો છે. જેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. તો ભારત દ્વારા ચીનની વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટને નકારીને તેની બીજિંગ ખાતેની બેઠકનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. આને કારણે ચીનને કૂટનીતિક રીતે ભારત દ્વારા ખાસો ચચરાટ મળી ચુક્યો છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ તાજેતરમાં રાજ્યની અશાંત પરિસ્થિતિમાંચીનનો દોરીસંચાર હોવા બાબતે નિવેદન કર્યું છે. આ નિવેદન ખાસું ચિંતાજનક છે. ડોકલામ ખાતે ભારત ભૂટાન સાથેની સંધિ પ્રમાણે થિમ્પૂની મદદે દોડી ગયું છે. ચીનના સરકારી મીડિયાએ ભારતને ધમકી આપતા કહ્યુ છે કે પાકિસ્તાન ઈચ્છે તો તેઓ પણ કાશ્મીરમાં ભારત દ્વારા ડોકલામ ખાતે કરવામાં આવેલા હસ્તક્ષેપની જેમ દખલગીરી કરી શકે તેમ છે. જો કે બાદમાં ચીનના વિદેશ મંત્રાલયે કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો હોવાનું જણાવીને બીજિંગના પ્રસ્તાવને નકાર્યો છે. જમ્મુ-કાશ્મીર ખાતેની ભારત અને ચીનના કબજા હેઠળના કાશ્મીર વચ્ચેની 1597 કિલોમીટરની સરહદને સત્તાવાર રીતે ચીને સીમા વિવાદમાં ઘટાડી નાખી છે. આની પાછળનો ઉદેશ્ય ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીરના મામલે મેલી મુરાદ બર લાવવાનો છે. ચીને સીમા વિવાદમાં કરેલા કૂટનીતિક ઉમ્બાડિયા વડે જમ્મુ-કાશ્મીરમાં સાર્વભૌમતા મામલે પ્રશ્ન ઉભો કરીને દબાણ પેદા કરવાનું શરૂ કર્યું છે. ચીન-પાકિસ્તાન કોરિડોરના 46 અબજ ડોલરના પ્રોજેક્ટની ચહેલ-પહેલ વધવાની સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાતે ચીનની લશ્કરી હાજરીમાં પણ વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં પીઓકેમાં ચીનના સૈનિકોની હાજરીના અહેવાલો આવી ચુક્યા છે. જો કે ત્યારે ચીને આવા અહેવાલોને નકાર્યા હતા. પરંતુ ઈકોનોમિક કોરિડોરના નામે ચીનની વ્યૂહરચના જમ્મુ-કાશ્મીરમાં ભારતને ચીન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સીધા ઘેરવાની રણનીતિ પર આગળ વધવાની છે. 

ચીને પાકિસ્તાનને ભારત સામે પ્રોક્સિવૉર માટે પ્રોત્સાહિત પણ કર્યું છે અને પાકિસ્તાનના સામરિક હથિયાર આતંકવાદનો બીજિંગે પોતાના વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. જેને કારણે ચીન પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને યુએનની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવવાની ભારતની કોશિશો સામે વીટોનો ઉપયોગ કરતું રહ્યું છે. તો ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારત સામે પરમાણુ બિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહીં કરવાનો મામલો આગળ કરીને ચીન દ્વારા પાકિસ્તાનના સમર્થનમાં અડંગાબાજી પણ થઈ રહી છે. 

ચીને ઈશાન ભારતના ભાગલાવાદી તત્વો ખાસ કરીને નગા અને મિઝો ઉગ્રવાદીઓને ખાસા પ્રોત્સાહિત કર્યા છે. આસામના ઉગ્રવાદી સંગટન ઉલ્ફાનો લાંબા સમયથી ફરાર ચાલી રહેલો કમાન્ડર ઈન ચીફ પરેશ બરુઆ ચીનના યુન્નાન પ્રાંતના રુલ્લી ખાતે આશ્રય મેળવીચુક્યો છે. ઈશાન ભારતના અન્ય કેટલાક ઉગ્રવાદીઓ મ્યાંમારના યુન્નાન સાથેના સરહદી વિસ્તારાં ચીનના સમર્થનવાળી કાચિન ઈન્ડિપેન્ડન્સ આર્મીના નિયંત્રણવાળા વિસ્તારમાં છૂપાયા હોવાની પણ આશંકા છે. ઈશાન ભારતના નવ ઉગ્રવાદી જૂથોના સંયુક્ત મોરચાની રચનામાં ચીનનની ઈન્ટેલિજન્સ એજન્સીએ સક્રિય ભૂમિકા નિભાવી હોવાની વાત પણ કોઈનાથી છૂપી નથી. 2010માં તત્કાલિન કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઈએ સ્વીકાર્યું હતું કે માઓવાદીઓ સહીતના ઉગ્રવાદી જૂથોને ચીની બનાવટના હથિયારો મળી રહ્યા છે. તેની સાથે પાકિસ્તાન અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક ઘનિષ્ઠતાઓને કારણે આ બંને દેશોમાંથી કોઈ એક દેશ સાથેની લડાઈ ભારત માટે બે મોરચે યુદ્ધ લડવાનો રણનીતિક ખતરો લગભગ દોઢ દશકાથી પેદા કરી ચુકી છે. ચીનની વ્યૂહરચના તૈયારી હોય નહીં તેવા ભારતના મર્મસ્થાનોને નિશાને લેવાની છે. તેની પાછળનો ઈરાદો ભારતની વૈશ્વિક પ્રવાહોમાં વધતી ભૂમિકા પર લગામ લગાવીને બીજિંગના વ્યૂહાત્મક હિતોને આગળ વધારવાનો છે. જેને કારણે ચીન છેલ્લા ઘણાં વર્ષોથી એકપણ ગોળી છોડયા વગર ભારતને વિવિધ પ્રકારના ઘર્ષણોમાં નેપાળથી લઈને હિંદ મહાસાગર સુધી ફસાવી રહ્યું છે. 

ભારત સાથે સરહદ ધરાવતા બફર સ્ટેટ તિબેટનો ચીન દ્વારા કોળિયો કર્યાને 66 વર્ષ જેવો સમય વીત્યો છે. હાલ ચીનની નૌસેના પાસે દુનિયાની ઝડપથી વિકસતી સબમરીન ફ્લિટ છે. ચીનની સબમરીનો અવાર-નવાર હિંદ મહાસાગરમાં દેખા દેતી રહેછે. હિંદ મહાસાગરમાં ચીન પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની વ્યૂહરચનાને આગળ વધારી રહ્યુંછે. તેના પહેલા પગલા તરીકે ચીને દ્વિજબૌટી ખાતે હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પહેલો નેવલ બેસ સ્થાપિત કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ભારતની 7600 કિલોમીટર લાંબા સમુદ્ર કિનારે ભારતનું વ્યૂહાત્મક અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થયેલું છે. જેને કારણે હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી એક વ્યૂહાત્મક ખતરો પેદા કરી રહી છે. 

ડોકલામ ખાતેના સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને કાશ્મીર-લડાખની સાથે સિક્કિમના જનમતસંગ્રહ દ્વારા ભારતમાં કરાયેલા વિલિનીકરણ સામે પણ સવાલો પેદા કરવાની કોશિશ કરી છે. 2003માં ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજિંગ મુલાકાત વખતે તિબેટને ચીનનો ભાગ માનવામાં આવ્યો હતો. તો ચીને સિક્કિમ પર ભારતના સાર્વભૌમત્વ પર સવાલો નહીં ઉઠાવવાની પરોક્ષ સંમતિ આપી હતી. પરંતુ ડોકલામ ખાતેના સૈન્ય ગતિરોધમાં સિક્કિમ મામલે પણ ચીન સવાલો શરૂ કરે તેવા સંકેતો મળી રહ્યા છે. આ સિવાય નફ્ફટાઈથી ચીન અરુણાચલ પ્રદેશના 90 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તાર પર પણ દાવો ઠોકતું રહ્યં છે. સિક્કિમનો મામલો ઉઠાવવો ચીનને વિશેષજ્ઞોના માનવા પ્રમાણે તેમને ભારત સાથેના સીમા વિવાદમાં સરસાઈની સ્થિતિમાં રહેવા માટે સિક્કિમનો મુદ્દો મદદરૂપ બનશે. 

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિબેટના આધ્યાત્મિક વડા દલાઈ લામાને રાજ્યાશ્રય આપ્યો હતો. દલાઈ લામા ભારતના માનવંતા મહેમાન છે. પરંતુ ચીનને આમા પેટમાં અવાર-નવાર દુખાવો ઉપડતો હોય છે. દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને તાજેતરમાં અને ભૂતકાળમાં વાંધો ઉઠાવ્યો હતો અને ભારતને દુષ્પરિણામોની ધમકી આપી હતી. જો કે ભારત સરકારનું સાતત્યપૂર્ણ વલણ રહ્યું છે કે દલાઈ લામા ભારતના સમ્માનિત મહેમાન છે અને તેઓ ભારતમાં કોઈપણ ઠેકાણે ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવાસો કરવા માટે સ્વતંત્ર છે. ત્યારે ચીનના ઉમ્બાડિયાઓ સામે હવે ફરી એકવાર તિબેટિયનોને તેમના અધિકારો પાછા અપાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કર રણનીતિક પહેલ કરવાનો પણ સમય આવી ચુક્યો છે. 

આ સિવાય દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકેલું ચીન ભારતને આર્થિક વોરફેરમાં પણ મ્હાત આપવા માટે ઓછી કિંમતના માલસામનનું ડમ્પિંગ કરવા સહીતના હથકંડાઓ પુરજોર રીતે અપનાવી રહ્યું છે. ચીનની હરકતો સામે ભારત દ્વારા પરંપરાગત નિવેદનોમાં સહયોગની વાતો કરવામાં આવે છે. ત્યારે સામે છેડે ચીન સ્પષ્ટ સંદેશા આપી રહ્યું છે કે એક આકાશમાં બે સૂર્ય હોઈ શકે નહીં અને પોતાના બર્બર રાષ્ટ્રવાદ દ્રારા ચીન એશિયાના એકમાત્ર સિરમોર તરીકે પ્રસ્થાપિત રહેવાની પેંતરાબાજી પણ કરી રહ્યું છે. 

ડોકલામ ખાતેના સૈન્ય ગતિરોધમાં ચીન દ્વારા ભારત સામે જ્ઞાનતંતુનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ છેડી દેવાયું છે. સંરક્ષણ અને નાણાં પ્રધાન અરુણ જેટલીએ જ્યારે ચીનની આડોડાઈ પર કહ્યુ હતુ કે 2017ના ભારતને ચીન 1962નું ભારત સમજવાની ભૂલ કરે નહીં.. તો તેના જવાબમાં ચીને પણ કહ્યું હતું કે ચીન પણ 1962ના સ્તરથી ઘણું વધુ શક્તિશાળી બની ચુક્યું છે અને ભારતને ફરીથી હરાવશે. સંસદમાં ડોકલામ ગતિરોધ પર વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ખૂબ સરસ નિવેદન આપ્યું અને બંને દેશોની સેના હટયા બાદ વાતચીતની તૈયારી દર્શાવી હતી. તેના જવાબમાં ચીન દ્વારા સુષ્મા સ્વરાજ પર ખોટું બોલવાનો આરોપ લગાવાયો છે અને બાદમાં ભારતને સેના પાછી ખેંચવાનું જણાવતા કહેવામાં આવ્યું છે કે પર્વતને હટાવવો સહેલો છે. પરંતુ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને હટાવી શકાશે નહીં. 

1962ના યુદ્ધની ભારતની હારની વાત કરનારું ચીન 1967માં ભારતીય સેનાના જબરદસ્ત પ્રતિકારમાં પોતાના 400 સૈનિકોના માર્યા જવાની ઘટના ભૂલી જાય છે. તો 1987માં ચીનની આવી કોશિશોને ઉગતી ડામી દેવાની તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ કે. સુંદરજીની વ્યૂહાત્મક પહેલોને પણ ચીન ભૂલી ગયું છે. ચીનનું કહેવું છે કે તેની કોઈ યુદ્ધમાં હાર થઈ નથી. પરંતુ જાપાન સામેના બે યુદ્ધોમાં ફ્રાન્સ અને બ્રિટન હોત નહીં તો પોતાની શું હાલત થાત, તેનો બીજિંગે વિચાર કરવો જોઈએ. તો વિયતનામ જેવા ટચુકડાં દેશ સામેની દાદાગીરી ચીનને ખાસી ભારે પડી ચુકી હતી અને તેને બીજિંગ યાદ કરવા માંગતું નથી. તો રશિયા સાથેના સરહદી વિવાદમાં એક લાખ વર્ગ કિલોમીટર વિસ્તારમાં ચીન દાવો કરતું હતું. પણ ચીને આમા ઘણી બધી સમજૂતી કરવી પડી હતી. તેને પણ બીજિંગે યાદ રાખવું જરૂરી છે. ડોકલામ ખાતેની ચીનની કોઈપણ લશ્કરી આક્રમકતાનો ભારતે પણ આવા અંદાજમાં જવાબ આપવો બેહદ જરૂરી છે. આવો જવાબ ચીનના સદાબહાર મિત્ર પાકિસ્તાનને પણ કાબુમાં રાખવા માટે જરૂરી છે.

ભારત કરતા ચીનની લશ્કરી શક્તિ વધુ હોવાની વાતો ઘણી ચર્ચાતી રહી છે. પરંતુ તેની સાથે ભારત કરતા ચીનની સરહદ ઘણી મોટી અને જટિલ હોવાનું ભૂલી જવાય છે. બાકી દુનિયાની લશ્કરી શક્તિમાં ચીન ત્રીજા ક્રમાંકે અને ભારત ચોથા ક્રમાંકે છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સાઉથ-ઈસ્ટ એશિયન દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે. આમાના મોટાભાગના દેશોને ચીન સાથેની મેરીટાઈમ સરહદે વિવાદો ચાલી રહ્યા છે. તેના દ્વારા ભારત ચીનને એક મોટો કૂટનીતિક સંદેશો આપી રહ્યું છે. પરંતુ ભારતે હવે માત્ર કૂટનીતિક સંદેશા સુધી મર્યાદીત રહેવું જોઈએ નહીં. ચીન સામે ભારતે સાઉથ-ઈસ્ટ એશિયન દેશો ખાસ કરીને મ્યાંમાર, મલેશિયા, ઈન્ડોનેશિયા, વિયતનામ, ફિલિપિન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામે મળીને ચીનની વ્યૂહાત્મક દાદાગીરી રોકવા માટે નાટોની તર્જ પર એક લશ્કરી ગઠબંધન બનાવવા તરફ આગળ વધવું જોઈએ.