Tuesday, May 27, 2014

સાવધાન: પાકિસ્તાની પીએમ નવાઝ ભારત માટે ‘શરીફ’ નથી

- પ્રસન્ન શાસ્ત્રી
ભારતના સનાતન અસ્તિત્વને કાપીને પાકિસ્તાનની રચના જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા દ્વારા થઈ છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965, 1971 અને 1999માં ચાર ભીષણ યુદ્ધ થયા છે. આ સિવાય 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચતી ભારતની જીતનો બદલો લેવા માટે પાકિસ્તાને ભારતને લોહીલુહાણ કરવાની નીતિ અપનાવી છે. પાકિસ્તાની સેનાના ટ્રેનિંગ મેન્યુઅલમાં ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોરનો સમાવેશ કરવામાં આવે છે. પાકિસ્તાની સેનામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓની ભરમાર છે.

પાકિસ્તાનના સમાજમાં પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓ, અંતિમવાદીઓ અને આતંકવાદીઓને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન મળે છે. પાકિસ્તાન ઘોષિત ઈસ્લામિક રાજ્ય છે. પાકિસ્તાનનો ઈસ્લામિક રાષ્ટ્રવાદ ભારત અને હિંદુઓના વિરોધ પર કેન્દ્રીત છે. પાકિસ્તાન આતંકવાદનું જનક અને પોષક છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય અને રાજકીય હિતોની પૂર્તિ માટે આતંકીઓનો ભારત વિરુદ્ધ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદીઓ ભારતીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પાકિસ્તાનના તાનાશાહ ઝિયા-ઉલ-હક દ્વારા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા. આ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1971ની હાર પછી ભારતના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પાસે આવીને નીચી મુંડીએ સિમલા કરાર કરી ગયા હતા. પરંતુ પાકિસ્તાનમાં જઈને તેમણે ભારત સામે કાશ્મીર માટે એક હજાર વર્ષ લડવાની અને ઈસ્લામિક અણુ બોમ્બ બનાવવા માટે ઘાસ ખાવા જેવી કુરબાનીઓની વાતો કરી હતી. આ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને અહીં મુખ્ય પ્રવાહની પાર્ટી ગણવામાં આવે છે.

જો કે પાકિસ્તાનમાં ભુટ્ટોની ફાંસી પછી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકે આખી રાજકીય તાસિરને બદલી નાખી. પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથને મજબૂત કરતી નીતિઓ અપનાવી. ઝીયા-ઉલ-હકે ભારત સામે નફરત ભરી નીતિઓથી પાકિસ્તાની સમાજનું વધુ બ્રેન વોશ કર્યું. પાકિસ્તાની સેનાના માઈન્ડ સેટને ભારત સામે બદલો લેવા માટે અને ભારતીય ઉપખંડમાં ઈસ્લામિક પ્રવૃતિઓ તેજ બનાવીને આધિપત્ય સ્થાપિત કરવાની નીતિઓ અપનાવી હતી.

પાકિસ્તાનના ઘણી થિંક ટેન્ક ભારતનું હાલનું વિશાળ કદ ઘટાડવાની રણનીતિ પર પાકિસ્તાની સેનાને કામ કરવા માટે બ્રેઈન સ્ટોર્મિંગ કરતી રહી છે. પાકિસ્તાનની કટ્ટરપંથી ઈસ્લામિક થિન્ક ટેન્ક ભારતને ત્રણ કે ચાર ટુકડામાં વહેંચવા માટેની સામરીક રણનીતિ પર વર્ષોથી કામ કરી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઝીયા-ઉલ-હકે  અને ત્યાર પછી પાકિસ્તાનમાં સત્તા પર આવનારા તમામ શાસકોએ ભારતમાં અલગતાવાદી પ્રવૃતિઓ કરનારા સંગઠનો અને વિચારધારાને નૈતિક, આર્થિક અને લશ્કરી ટેકો આપીને પ્રોક્સી વોર શરૂ કર્યું છે. આ પ્રોક્સી વોર હજી પણ ચાલુ છે.

ભુટ્ટોના શાસનકાળમાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીયકરણના તબક્કામાં શરીફ ખાનદાનની સ્ટીલ ફેક્ટરીને સરકારે લઈ લીધી હતી. જેના કારણે  ઉદ્યોગપતિ જૂથના નબીરા નવાઝ શરીફે પાકિસ્તાનની રાજનીતિમાં પાપા પગલી ભરવાની શરૂ કરી. નવાઝ શરીફ ભુટ્ટો અને તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઘોર વિરોધી છે. આ વાત તેઓ જાહેરમાં અનેક વખત કહી ચુક્યા છે. નવાઝ શરીફે ઈસ્લામિક કટ્ટરવાદી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકની આંગળી પકડી હતી. તેઓ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નાણાં મંત્રી બન્યા અને બાદમાં તેના મુખ્યમંત્રી પણ બન્યા.

ઓગસ્ટ-1988માં રહસ્યમયી વિમાન દુર્ઘટનામાં જનરલ ઝીયા-ઉલ-હકનું મૃત્યુ થયું. ત્યારે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં નવાઝ શરીફે કટ્ટરપંથી ઝીયાના એજન્ડાને આગળ વધારવા માટે વોટ માંગ્યા હતા. તેઓ પાકિસ્તાનની સૌથી વધારે કટ્ટર દક્ષિણપંથી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા છે. તેમને પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનો અને નેતાઓનો હંમેશાથી ખુલ્લો ટેકો રહ્યો છે. જો કે તેઓ 1988માં બેનઝીર ભુટ્ટોને સત્તા પર આવતા રોકી શક્યા નહીં.

નવાઝ શરીફે બેનઝીર ભુટ્ટોની સરકારને ઉથલાવવા માટે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી જૂથોની મદદ લેવાની શરૂઆત કરી. તે સમયે શરીફે અમેરિકા દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં સિક્રેટ ઓપરેશનમાં ઠાર કરાયેલા ઓસામા બિન લાદેનની મદદ લીધી હતી. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના મરહૂમ શાસક ઝીયા-ઉલ-હક દ્વારા સ્થપાયેલી ઈસ્લામિક જમ્હુરી ઈત્તેહાદ (આઈજેઆઈ)નો કટ્ટર સમર્થક હતો. નવાઝ શરીફ તે વખતે આઈજેઆઈના અધ્યક્ષ હતા. આઈએસઆઈના ભૂતપૂર્વ અધિકારી ખાલિદ ખ્વાજાના ખુલાસા પ્રમાણે, શરીફ ઓસામાને સાઉદી અરેબિયામાં તેમની હાજરીમાં ત્રણ વખત મળ્યા હતા. ઓસામાએ શરીફને ભુટ્ટો સરકારને ઉથલાવવા માટે ફંડ પણ આપ્યું હતું.

1990થી 1993 સુધી નવાઝ શરીફ પહેલી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. તેમના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામીકરણ માટેની કમિટીઓ અને જેહાદી તંત્રને ઉભું કરવામાં આવ્યું હતું. ભારતના અંડરવર્લ્ડના મુસ્લિમ માફિયાઓ સાથે પણ સંપર્કો સ્થાપિત કરવામાં આવ્યા હતા. નવાઝ શરીફને તેમની જેહાદી નીતિઓને કારણે પાકિસ્તાની સેના અને કટ્ટરપંથીઓનો ભરપૂર સાથ મળ્યો હતો.

ભારતમાં 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. ભારતમાં બોમ્બ બ્લાસ્ટથી આતંકની પહેલી શરૂઆત વખતે પાકિસ્તાનમાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા. પાકિસ્તાને તે વખતે કુખ્યાત માફિયામાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમને ભારત વિરોધી પ્રવૃતિઓ માટે છૂટોદોર આપ્યો હતો. મુંબઈ વિસ્ફોટ માટે જવાબદાર ટાઈગર મેમણને પાકિસ્તાનમાં શરણ પણ શરીફની સરકારે જ આપ્યું હતું. જો કે શરીફ અને તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપિત વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચતા પાકિસ્તાની સેનાના કહેવાથી શરીફે પદનો ત્યાગ કર્યો હતો.

બીજી વખત નવાઝ શરીફ 1997થી 1999 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા. આ બીજા કાર્યકાળ દરમિયાન કટ્ટરપંથીઓના ટેકાથી સત્તા પર આવેલા શરીફે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પ્રભાવને વિસ્તરીત કરવાની રણનીતિ અપનાવી. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને દુનિયામાં સૌથી પહેલી મંજૂરી નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે આપી હતી. 1998માં ભારતે પાકિસ્તાનની નીતિઓને જોતા પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તેના જવાબમાં શરીફે પણ પાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણો કરીને જવાબ આપ્યો હતો. ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર બસ યાત્રા કરીને અમનનો પેગામ લઈને પાકિસ્તાન ગયા. ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન તરીકે નવાઝ શરીફે વાજપેયી સાથે મીઠીમીઠી વાતો કરી, પણ પાકિસ્તાનના તત્કાલિન વિરોધપક્ષના નેતા બેનઝીર ભુટ્ટો સાથે મુલાકાત કરવા દીધી નહીં. વાજપેયીને સેલ્યુટ નહીં કરીને પાકિસ્તાની સેનાના તત્કાલિન અધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફને પણ શરીફ તરફથી કોઈ ઠપકો મળ્યો નહીં.

બાકી નવાઝ શરીફે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ જહાંગીર કરામાતને હટાવીને પરવેઝ મુશર્રફને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. શરીફ એવી ખુશફેમીમાં હતા કે પાકિસ્તાની સેના તેમના સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પરવેઝ મુશર્રફ તેમના માણસ છે. પરંતુ વાજપેયીની સાથે લાહોર એકોર્ડ પર સહી કરનારા શરીફના શાસનકાળમાં જ કારગિલમાં પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં એલઓસી પાર કરીને કબજો જમાવ્યો હતો. કારગિલમાંથી પાકિસ્તાની સેનાને મારી હટાવવા માટે ભારતને 500 જેટલાં જવાનો અને અધિકારીઓના બલિદાન આપવા પડયા હતા. જો કે શરીફનો દાવો છે કે કારગીલના જંગની તેમને કોઈ જાણ હતી નહીં, પણ મુશર્રફે આખી યોજનાને પાર પાડી હતી. પરંતુ છેલ્લે થયેલા ખુલાસા અને દાવાઓ પ્રમાણે, કારગીલમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહીની યોજનાની નવાઝ શરીફને પણ જાણ હતી.

કારગીલમાંથી અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાની સેના પાછી ખેંચવા માટે શરીફને તાકીદ કરી હતી. જેના કારણે શરીફે પાકિસ્તાની સેનાને ભારતીય વિસ્તારો છોડીને પાછા ફરવાનો આદેશ કર્યો હતો. કારગીલ યુદ્ધ પછી જનરલ મુશર્રફ શ્રીલંકા ગયા હતા. ત્યારે શરીફે મુશર્રફના વિમાનને કરાચીમાં ઉતરાણ કરવા દીધું નહીં. જેના કારણે પાકિસ્તાની સેનાએ તખ્તાપલટ કરી અને મુશર્રફ સત્તા પર આવતા શરીફને સાઉદી અરેબિયાના જેદ્દામાં વિસ્થાપિત થવું પડયું હતું.

મુશર્રફે પાકિસ્તાનની સત્તા છોડયા પછી છેક 2013માં નવાઝ શરીફ પાકિસ્તાન આવીને ચૂંટણી લડી શક્યા. 2013માં નવાઝ શરીફ પાકિસ્તાનના ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે. નવાઝ શરીફની જીતમાં તહેરીકે તાલિબાન અને અહલે-સુન્નત-વલ-જમાત (એએસડબલ્યૂજે) જેવા કટ્ટરપંથી સંગઠનોનો ખુલ્લો ટેકો મળ્યો છે. સુન્ની કટ્ટરપંથી સંગઠન લશ્કરે જાંગવીની માતૃ સંસ્થા અહલે-સુન્નત-વલ-જમાત છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ મુખ્યમંત્રી છે. પાકિસ્તાની પંજાબની શાહબાઝ શરીફની સરકાર ખુલ્લેઆમ ભારત વિરોધી આતંકવાદી જૂથોને સરકારી રાહે નાણાંકીય સહાય કરે છે. લશ્કરે તોઈબાનો કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને અમેરિકી સરકારે તેના પર મોટું ઈનામ જાહેર કર્યું છે. હાફિઝ સઈદને 6 સપ્ટેમ્બરે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં વડાપ્રધાન નવાઝ શરીફે હજારો જેહાદીઓની રેલી કરવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાન નેશનલ ડિફેન્સ ડેના રોજ હાફિઝ સઈદની રેલીમાં ભારત અને હિંદુઓ સામે ખૂબ જલદ વિષવમન કરાયચું હતું. શરીફની સરકાર પાકિસ્તાન શરીયત પ્રમાણે ચલાવવાની કટ્ટરપંથીઓ સામે બિલકુલ ખામોશ છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને જેહાદીઓને રાજકીય તંત્રમાં સ્થાન અપાવવાની તરફેણ કરે છે. શરીફ અફઘાનિસ્તાનના માનવતા વિરોધી તાલિબાનો સાથે વાતચીતની  કરવાની વાત કરીને અમેરિકી લશ્કરી કાર્યવાહીને આડે પાટે લઈ જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. 2014માં અમેરિકી અને નાટો સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરશે, ત્યારે ભારત પર જેહાદી આતંકનો ખતરો ઘેરો બની રહ્યો છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જેહાદી નેટવર્કને તોડવાને સ્થાને શરીફ સરકાર તેમને સરકાર અને રાજકીય તંત્રનો ભાગ બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. આવા સંજોગોમાં ભારત સામે ઘણો મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.

ભારતમાં 16મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ભાજપ અને એનડીએની નવી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી છે. વડાપ્રધાન પદે શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે ભાગ લીધો છે. પરંતુ શરીફે ભારતના નવા વડાપ્રધાનને ટેલિફોન પર જીત માટે અભિનંદન પાઠવતા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું. તેના જવાબમાં ભારત તરફથી નવી સરકારે  સાર્ક દેશોના પ્રમુખો સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ શરીફે આ આમંત્રણ પર નિર્ણય લેવામાં 72 કલાક જેટલો લાંબો સમય લીધો. માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ અને પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફ સાથે બેઠકો બાદ તેઓ ભારત આવવાનો નિર્ણય કરી શક્યા હતા.

પરંતુ શપથવિધિ દરમિયાન નવાઝ શરીફની બોડી લેન્ગવેજ ઘણી વિચિત્ર હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ જ્યારે શપથ વિધિમાં આવ્યા, ત્યારે ભારતીય પરંપરા હેઠળ નમસ્કારની મુદ્રા સાથે પ્રવેશ્યા હતા. બીજા દિવસે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીને મળ્યા, ત્યારે પણ કરજઈ નમસ્કારની મુદ્રામાં ગર્મજોશીથી તેમને મળ્યા હતા. પરંતુ નવાઝ શરીફે બધી જગ્યાએ સલામ કરીને લોકોનું અભિવાદન કર્યું. પરંતુ અહીં ફરક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓની માનસિકતાનો છે. અફઘાનિસ્તાનમાંથી ભૂતકાળમાં ભારત પર અનેક ભીષણ આક્રમણો થયા છે. પરંતુ હાલના અફઘાનિસ્તાનના શાસકોમાં કોઈ કટ્ટરતા કે ભારત વિરોધી ભાવના દેખાતી નથી. પરંતુ પાકિસ્તાનના ભારત આવનારા દરેક નેતાઓ ભારતમાં આવીને તેમના વ્યવહારમાં ઈસ્લામિક કટ્ટરવાદી માનસિકતા દર્શાવતા રહે છે.

શરીફે દિલ્હીની જામા મસ્જિદની મુલાકાત લીધી, અહીં નમાઝ પઢી. દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારીને નવાઝ શરીફે મળીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ઈમામ બુખારીએ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ઈમામ બુખારી તેમની કોમવાદી માનસિકતા માટે કુખ્યાત છે. તેમણે હાલની લોકસભાની ચૂંટણીમાં સેક્યુલર વોટરોએ કોંગ્રેસને વોટ કરવો જોઈએ કહીને મુસ્લિમ મતદાતાઓને વોટિંગ કરવાની દિશા દર્શાવી હતી. શ્રી મોદી, ભાજપ અને આરએસએસ માટે હંમેશા વિષવમન કરનારા ઈમામ બુખારીની માનસિકતાથી આખો દેશ પરિચિત છે.

ત્યારે દેશે સાવધાન રહેવાની જરૂર છે, પાકિસ્તાનના નવાઝ શરીફ ભારત માટે ક્યારેય શરીફ રહ્યા નથી. વાજપેયી જેવા કવિ હ્રદય વડાપ્રધાન શરીફથી ભૂતકાળમાં છેતરાયા છે. પરંતુ આ ઈતિહાસનું પુનરાવર્તન થાય નહીં તેવી દરેક હિંદુની હ્રદયની લાગણીઓ છે. વળી, પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ નવાઝ શરીફ સાથે સંબંધો ધરાવે છે. પરંતુ તેમણે પણ કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવીને કોઈપણ આક્રમણનો જવાબ આપવાની વાત કરીને યુદ્ધખોર માનસિકતા પ્રદર્શિત કરી છે. કાશ્મીર મુદ્દે યુદ્ધનું નિવેદન આપીને નવાઝ શરીફ ખુદ ફરી ગયા છે. આ બંને શરીફોના સત્તા પર આવતા જમ્મુ-કાશ્મીર ખાતે એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા 120થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ વખતે પણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા હતા. શરીફની ભારત મુલાકાત દરમિયાન કુલ ત્રણ વખત પાકિસ્તાની સેનાએ ભારતીય સેના પર ફાયરિંગ કર્યા છે. ત્યારે પાકિસ્તાનના ઈરાદા અને બેવડા વલણો સ્પષ્ટ થઈ રહ્યા છે. ભારતની નવી સરકારે પણ નવા યુગમાં પાકિસ્તાન સામેની નીતિઓની સ્પષ્ટતાનો પાકિસ્તાનના શરીફોને અનુભવ થાય તેવી રણનીતિ પર કામ કરવું રાષ્ટ્રહિતમાં જરૂરી છે.