Saturday, June 21, 2014

ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી
વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.

કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો
તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.

જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી
બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.

મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો

મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.

દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા

મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.

આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન

ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ

ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.
બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.

આઈએસઆઈએસની કરમ કુંડળી

હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.

આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી

આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.

પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?

પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.

પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.

તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.

વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ

ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.

સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.

સત્તા સંતુલનો ખોરવાયા

મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.

ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.

પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન

એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.

1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.

આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.

આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ

આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.

ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.

ભારતે તૈયાર રહેવું જોઈએ

વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.

અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના

ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.

આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.
રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.

ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.

ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.

થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.

નિષ્કર્ષ

વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.