Sunday, May 21, 2017

પશ્ચિમ બંગાળને બીજું કાશ્મીર બનતું અટકાવો

-    પ્રસન્ન શાસ્ત્રી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પશ્ચિમ બંગાળમાં વધી રહેલી જેહાદી પ્રવૃત્તિઓ અને ઘટી રહેલી હિંદુઓની વસ્તીને લઈને તાજેતરની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે કાર્યકર્તાઓને આરએસએસ તરફથી આગ્રહ કરાયો છે કે તેઓ પશ્ચિમ બંગાળની સરકારની કોમવાદી રાજનીતિ વિરુદ્ધ જાગરૂકતા પણ પેદા કરે. આરએસએસના સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પશ્ચિમ બંગાળમાં હિંદુઓની ઘટતી વસ્તીને દેશની એકતા અને અખંડિતતા માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. હોસબોલેએ કહ્યુ છે કે વિભાજન બાદ પૂર્વ પાકિસ્તાનથી હિંદુઓને પશ્ચિમ બંગાળમાં આશ્રય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમ છથાં આશ્ચર્યજનક રીતે પશ્ચિમ બંગાળની વસ્તીગણતરીના 2011ના આંકડા પ્રમાણે હિંદુઓની વસ્તી 70.54 ટકા છે. જો કે 1951માં પશ્ચિમ બંગાળ ખાતે હિંદુઓની વસ્તી 78.45 ટકા હતી.

આરએસએસ તરફથી પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી હિંદુ વિરોધી હિંસક ઘટનાઓની ટીકા કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે હિંદુઓ પર પૂર્વ નિયોજિત હુમલા થવાને કારણે ધુલાગઢમાં 13 ડિસેમ્બર-2016ના રોજ આગચંપી, લૂંટ અને મહિલાઓ સાથે છેડછાડની જેવી ભયંકર ઘટનાઓ બની હતી. એક તરફ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારી શાળાઓને કોમવાદી ગણાવીને પશ્ચિમ બંગાળની સરકાર બંધ કરાવવાની ધમકીઓ આપી રહી છે, તો બીજી તરફ સિમુલિયા મદરસા જેવી હજારો સંસ્થાઓમાં જેહાદી અને કટ્ટરપંથની તાલીમ સંદર્ભે મમતા બેનર્જીની સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે.

પશ્ચિમ બંગાળમાં હિંદુઓની દયનીય સ્થિતિ અને વોટબેંકની રાજનીતિને કારણે વધી રહેલી મુસ્લિમોની રાજકીય દાદાગીરીની ચર્ચાઓ વિદેશના પત્રકારો પણ કરી રહ્યા છે. તેને કારણે પશ્ચિમ બંગાળમાં ધાર્મિક વસ્તી અસંતુલનના ગંભીર પરિણામોની આશંકા સાથેના કેટલાક આકલનો પણ વહેતા થયા છે. જમ્મુ-કાશ્મીરમાં હિંદુની સંખ્યા 70 ટકાથી ઓછી છે. જેને કારણે કાશ્મીર ખીણમાંથી 1989માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના જ દેશમાં નિરાશ્રિત થવાનો વારો આવ્યો હતો અને આજે પણ તેઓ પોતાના પૈતૃક ઘરોમાં રહેવા માટે જઈ શકયા નથી. પશ્ચિમ બંગાળમાં પણ કંઈક આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં હિંદુઓની વસ્તી 70 ટકા અને મુસ્લિમોની વસ્તી 30 ટકાની આસપાસ થઈ છે. તેને આધારે અમેરિકાની ખ્યાતનામ પત્રકાર જેનેટ લેવીએ આશંકા વ્યક્ત કરી છે કે હવે કાશ્મીર બાદ પશ્ચિમ બંગાળનો નંબર છે.

ધાર્મિક વસ્તી ગણતરીનું અસંતુલન ભારતના અસ્તિત્વ માટે કેટલું ખતરનાક છે, તેની હકીકત જેનેટ લેવીએ પોતાના લેખમાં ઉજાગર કરી છે. જેનેટ લેવીએ લખ્યું છે કે વિભાજન વખતે ભારતના હિસ્સામાં આવનારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 12 ટકાથી થોડીક વધારે હતી. જ્યારે પાકિસ્તાનના હિસ્સામાં ગયેલા પૂર્વ બંગાળમાં હિંદુઓની વસ્તી 30 ટકા જેટલી હતી. આજે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 27 ટકા થઈ ચુકી છે. કેટલાક જિલ્લાઓમાં તો મુસ્લિમોની વસ્તી 63 ટકા સુધી થઈ ચુકી છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી 30 ટકાથી ઘટીને માત્ર 8 ટકા બાકી બચી છે. અમેરિકન થિન્કર મેગેઝીનમાં પ્રકાશિત થયેલા જેનેટ લેવીના આર્ટિકલમાં મુસ્લિમ શરણાર્થીઓ માટે દરવાજો ખોલી રહેલા પશ્ચિમી દેશોને ખતરાની ચેતવણી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં રાજનીતિનું કેન્દ્રબિંદુ 27 ટકા મુસ્લિમ વોટની આસપાસ છે. ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ગત બંને ચૂંટણીઓમાં મુસ્લિમ વોટરોએ સમર્થન આપ્યું છે. જેને કારણે મમતા બેનર્જીએ પોતાની સરકારની નીતિઓને પણ મુસ્લિમ તુષ્ટિકરણવાળી બનાવી છે. આ નીતિ હેઠળ સાઉદી અરેબિયાથી ફંડ મેળવતી દશ હજારથી વધુ મદરસાઓને માન્યતા આપીને ત્યાંની ડિગ્રને સરકારી નોકરીઓ માટે યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય મસ્જિદોના ઈમામોને જાતભાતના વજિફા ઘોષિત કરવામાં આવ્યા છે. જેનેટ લેવીના આર્ટિકલ પ્રમાણે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એક ઈસ્લામિક શહેર વસાવવાનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આખા બંગાળમાં મુસ્લિમ મેડિકલ, ટેક્નિકલ અને નર્સિંગ સ્કૂલો ખોલવાનું કામ થઈ રહ્યું છે. આ સિવાય માત્ર મુસ્લિમોનો ઈલાજ કરનારી હોસ્પિટલો પણ બનાવાઈ રહી છે. મુસ્લિમ યુવાનોને સાઈકલથી લઈને લેપટોપની લ્હાણી કરતી સ્કીમો ચાલી રહી છે. આમા ધ્યાન રાખવામાં આવે છે કે લેપટોપમાત્ર મુસ્લિમ યુવતીઓને નહીં પણ મુસ્લિમ યુવકોને જ મળે. દારૂણ ગરીબી સામે લડી રહેલા લાખો હિંદુ પરિવારોને બંગાળમાં આવી કોઈપણ યોજનાનો ફાયદો આપવામાં આવતો નથી.

અમેરિકન પત્રકાર જેનેટ લેવીનું કહેવું છે કે ઈસ્લામિક ધાર્મિક માન્યતાઓમાં ખુલ્લેઆમ દુનિયાભરમાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી છે. દરેક સ્થાને ઈસ્લામ બળજબરીથી ધર્માંતરણ અને બિનમુસ્લિમોની હત્યા દ્વારા ફેલાયેલો છે. જેનેટ મુજબ મુસ્લિમોની વસ્તીના વધારા સાથે દુનિયાભરમાં આતંકવાદ, કઠમુલ્લાપણું અને ગુનાખોરીમાં વધારો થાય છે. દુનિયાભરમાં મુસ્લિમોની વસ્તીના પ્રભુત્વ ધરાવતા સ્થાનો પર ધીમેધીમે શરિયતના કાયદાની માગણી પણ શરૂ થાય છે અને તે માગણી અલગ દેશની માગણી સુધી પહોંચે છે. અમેરિકન પત્રકાર જેનેટ લેવી આના માટે ઈસ્લામની અંદર ધરબાયેલી 1400 વર્ષ જૂની કટ્ટરવાદી અને સહઅસ્તિત્વને નકારનારી દુર્ભાવનાઓને જવાબદાર માને છે.

2007માં કોલકત્તા ખાતે બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીન વિરુદ્ધ હુલ્લડો ભડકી ઉઠયા હતા. પશ્ચિમ બંગાળમાં ઈશનિંદાનો ઈસ્લામિક કાયદો લાવવાની મુસ્લિમ સંગઠનોની માગણીની આ પહેલી કોશિશ હતી. તસલીમા નસરીને 1993માં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેમને બળજબરીથી મુસ્લિમ બનવવાના મુદ્દા પર લજ્જા નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકના પ્રકાશન બાદથી તેઓ બાંગ્લદેશ છોડીને કોલકત્તામાં આવી ગયા હતા. અહીં ચોંકાવનારી બાબત એ છે કે હિંદુઓ પર અત્યાચારની કહાની લખનારા તસલીમા નસરીનને બાંગ્લાદેશ જ નહીં, પણ ભારતના મુસ્લિમોએ પણ નફરતની જનરથી જોયા. એક તરફ લેખિકા તસલીમા નસરીનના ગળા કાપવાના ફતવા જાહેર થતા રહ્યા અને પશ્ચિમ બંગાળની ડાબેરી અથવા તો તૃણમૂલ કોંગ્રેસની સરકારો મુસ્લિમ કટ્ટરપંથીઓની હરકતો સામે આંખ આડા કાન કરતી રહી હતી. તેમને પોતાની મુસ્લિમ વોટબેંકના નારાજ થઈ જવાનો ડર હતો. 2013માં પશ્ચિમ બંગાળમાં કેટલાક કટ્ટરપંથી મૌલાનાઓએ અલગ મુગલિસ્તાનની માગણી શરૂ કરી દીધી હતી. 2013માં પશ્ચિમ બંગાળમાં ઠેકઠેકાણે હુલ્લડો થયા અને હિંદુઓના મકાનો-દુકાનો અને મંદિરો બાળી નાખવામાં આવ્યા હતા. આરોપ છે કે મમતા બેનર્જીની સરકારે હુલ્લડખોર મુસ્લિમો પર કાર્યવાહી નહીં કરવાના પોલીસને કથિતપણે ઓર્ડર આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં એક નવી વાત પણ સામે આવી છે કે દેશભરમાં હુલ્લડખોર મુસ્લિમોનો હિંદુઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવતો નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની મોટી વસ્તી ધરાવતા માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુર જિલ્લાઓમાં મુસ્લિમો હિંદુઓની દુકાનોમાંથી સામાન ખરીદતા નથી. અહીં મુસ્લિમો હુલ્લડો પણ કરે છે અને હિંદુઓને બહિષ્કાર પણ કરે છે. જેને કારણે આ વિસ્તારોમાંથી હિંદુઓને મોટાપ્રમાણમાં વિસ્થાપિત થઈને અન્યત્ર જવાની ફરજ પડી છે અને તેને કારણે અહીં હિંદુઓ લઘુમતીમાં આવી ચુક્યા છે.

જૂન-2014માં મમતા બેનર્જીએ અહમદ હસન ઈમરાન નામના કુખ્યાત જેહાદીને ટીએમસીમાંથી રાજ્યસભાનો સાંસદ બનાવ્યો હતો. અહમદ હસન ઈમરાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમીનો સહસંસ્થાપક હતો. આ સિવાય આરોપ છે કે અહમદ હસન ઈમરાને શારદા ચિટફંડ ગોટાળાના નાણાં બાંગ્લદેશના જેહાદી સંગઠન જમાત-એ-ઈસ્લામી સુધી પહોંચાડયા છે. આની પાછળનો ઉદેશ્ય બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામીને હિંદુ વિરોધી હુલ્લડો કરવામાં નાણાંકીય મદદ કરવાનો હોવાની આશંકા છે. આ વ્યક્તિ વિરુદ્ધ એનઆઈએ અને સીબીઆઈની તપાસ ચાલી રહી છે. લોકલ ઈન્ટેલિજન્સ યુનિટના અહેવાલ પ્રમાણે ઘણાં હુલ્લડો અને આતંકવાદીઓને શરણ આપવામાં હસનનો હાથ છે. તેના પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધો હોવાના પણ આરોપ લાગતા રહ્યા છે. મમતા દ્વારા ભવિષ્યમાં પણ ઈસ્લામિક કટ્ટરવાદીઓને સંસદમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.

વેટ ફોર માઈ બુક ઓન ઉર્દૂ શાયરીમાં મમતા બેનર્જીએ નમાજની પેશકશ બાદ ઈદની ઘોષણા કરી હતી. 2014માં અમેરિકાના રાજદ્વારી કેથલીન સ્ટીફન્સને કોલકત્તા ખાતે મળવાનો મમતા બેનર્જીએ ઈન્કાર કર્યો હતો. કારણકે કેથલીન સ્ટીફન્સે ટીપુ સુલ્તાન મસ્જિદના ઈમામ મોહમ્મદ નૂર ઉર રહમાન બરકત સામે વાંધો વ્યક્ત કર્યો હતો. પોલીસ અધિકારી નજરૂલ ઈસ્લામના એક પુસ્તક વ્હોટ મુસ્લિમ્સ શુડ ડૂમાં ઈમામોને બિનઈસ્લામિક વજિફા આપવા બદલ મમતા બેનર્જીની ટીકા કરવામાં આવી હતી. આ પુસ્તિકાની 25 હજાર નકલો વહેંચાયા બાદ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા તેને માર્કેટમાંથી હટાવી લેવડાવાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારત દ્વારા કરવામાં આવેલી મદદની ટીકા કરતી રેલી યોજાઈ શકે છે અને આ રેલીમાં કઠમુલ્લાઓ પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશી યુદ્ધઅપરાધીઓની પ્રશંસા કરવાનું પણ ચુકતા નથી. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો દિવસેને દિવસે એકજૂટ થઈ રહ્યા છે. જ્યારે હિંદુઓ સામાજિક અને રાજકીય એમ બંને સ્તરે ખંડિત થઈ રહ્યા છે. ત્યાં સુધી કે બંગાળના તથાકથિત ભદ્રલોક અને સુશીલ સમાજના ગણાતા બંગાળીઓ પણ ઈસ્લામિક કટ્ટરવાદી શક્તિઓ સામે ઝુકતા દેખાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારની વાત કરનારા તસલીમા નસરીનને કોલકત્તામાંથી કઠમુલ્લાઓ બહાર કાઢવાની માગણી સાથે હિંસાખોરી પર ઉતરી આવે છે. તો ગૌહત્યા પર હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ જઈને મુસ્લિમો સ્ટેટ્સમેન હાઉસની અંદર હિંસક વ્યવહાર અપનાવીને ખુલ્લુ પ્રદર્શન પણ કરી શકે છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા 65 ડેસિબલ પેરામીટરના ઉપયોગનું ખુલ્લું ઉલ્લંઘન પણ તેઓ કરે છે. મુસ્લિમો કોલકત્તાના મધ્યમાં કુખ્યાત વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેન માટે પણ એક શોકસભાનું આયોજન કરી ચુક્યા છે. આવા ઘણાં ઉદાહરણો છે કે જેમાં બંગાળના કથિત સુધારાવાદી અને કમ્યુનિસ્ટો સહીતના ઉદારવાદીઓએ એક હરફ સુદ્ધાં પણ ઉચ્ચાર્યો નથી. માટે જ પશ્ચિમ બંગાળમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદમઠમાં ઉજાગર થયેલી રાષ્ટ્રવાદની ભાવનાઓને ફરીથી નવપલ્લવિત કરવી પડશે. આ પશ્ચિમ બંગાળનું અસ્તિત્વ શ્યામાપ્રસાદ મુખર્જીના અથાગ પ્રયત્નોનું પરિણામ છે. જેમણે જમ્મુ-કાશ્મીરના બે વિધાન અને બે પ્રધાનોની વ્યવસ્થાનો વિરોધ કરવા માટે બલિદાન આપ્યું હતું. તે પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પરંપરા તેને ભારતનું બીજું કાશ્મીર બનતું અટકાવશે અને અહીં રાષ્ટ્રવાદી શક્તિઓને એકજૂટ કરીને દેશદ્રોહી વિચારો અને તત્વોનો મુકાબલો પણ કરશે.

Sunday, May 14, 2017

પાકિસ્તાન સામે યુદ્ધની લાચારી કે શાંતિની ચતુરાઈ?

ઈન્દિરા ગાંધી બાદ સત્તામાં આવેલા તમામ વડાપ્રધાનો અત્યાર સુધી મોટે ભાગે પાકિસ્તાનની આતંકવાદી હરકતો સામે આકરા નિવેદનો આપીને મોટાભાગે નાની-મોટી કાર્યવાહી કરીને ચુપચાપ રહેવાનું પસંદ કરતા રહ્યા છે. આતંકની ખૂનામરકીથી ભારતને લોહીલુહાણ કરવાની નીતિને સહન કરવું ભારતની લાચારી છે કે ચતુરાઈ?  બે ભારતીય જવાનોના સિરચ્છેદની ઘટના બાદ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવાનો જનાક્રોશ પણ છે. ત્યારે વધુ એક સવાલ પણ ચર્ચાવો જોઈએ કે પાકિસ્તાન પ્રેરીત સમસ્યાઓને દૂર કરવા માટે યુદ્ધ કરવું સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ અંકુશ રેખા નજીકના વિસ્તારોની મુલાકાત લઈને કાશ્મીરના આતંકવાદને કથિત આઝાદીની લડાઈના નામે સમર્થન આપવાની વાત કરી હતી. તેના થોડા સમયગાળામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે બે ભારતીય જવાનોના સિરચ્છેદ કર્યા હતા. ત્યાર બાદ ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આ તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સૈનિકોને જમાવડો વધારી દીધો છે. તો ભારતીય સેના દ્વારા બોફોર્સ તોપની તેનાતીના અહેવાલો પણ આવ્યા છે. તણાવ વચ્ચે સરહદે પાકિસ્તાની સેના દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવે છે. તેની પાછળનો ઉદેશ્ય કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. 

પાકિસ્તાનની અમાનવીય હરકતને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિકલ્પો પર વિશેષજ્ઞો વિચારણા કરી રહ્યા છે. જેમાં સ્પેશ્યલ ફોર્સિસ દ્વારા પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવવાનો પણ એક વિકલ્પ છે. આવા સંજોગોમાં આર્ટિલરીના લોન્ગરેન્જ ફાયરપાવર દ્વારા પાકિસ્તાની પોસ્ટોને સર્જિકલ સ્ટ્રાઈક વખતે ઉડાવી દેવાની પણ એક વ્યૂહરચના પર વિચારણા થઈ શકે છે. પાકિસ્તાન તરફથી પણ ભારતની સંભવિત કાર્યવાહી પર વિચારણા થઈ રહી હશે. કૂટનીતિક ઉમ્બાડિયા કરતા પાકિસ્તાનનો ઈરાદો કાશ્મીરના મામલાને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવવા માટે તણાવને યુદ્ધના સ્તર સુધી લઈ જવાનો જરૂરથી હશે. આવી સ્થિતિમાં ભારતની પ્રતિક્રિયા બેહદ આકરી રહેશે. તેની પાછળનો હેતુ કાશ્મીરમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓની ખૂનામરકીને કાયમી ધોરણે બંધ કરાવવાનો રહેશે. 

2003માં એલઓસી પર યુદ્ધવિરામ જાહેર થયા બાદ સરહદે આર્ટિલરીનો ઉપયોગ સંરક્ષણ નિષ્ણાતો પ્રમાણે સરહદી તણાવને 1990થી 2003ના સમયગાળા તરફ દોરી જશે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને કારણે જમ્મુ-કાશ્મીરની સરહદોની આસપાસના વિસ્તારમાં ચીનના શ્રમિકો અને કદાચ સૈનિકોની પણ ખાસી સંખ્યા હોવાનો અંદેશો છે. યુદ્ધનું સ્તર પરમાણુ યુદ્ધ સુધી પહોંચે તેવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને દબાણની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનનો આતંકવાદ સહન કરવો અને આકરી નિંદા કરતા નિવેદનો આપવા સરકારની લાચારી છે કે ચતુરાઈ?

બીજી એક સ્થિતનો પણ વિચાર કરીએ... 2003ના શસ્ત્રવિરામ બાદ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ જમ્મુ-કાશ્મીરના સીમાડા ઓળંગીને આગળ વધ્યો હતો. કદાચ શસ્ત્રવિરામ કારગીલ યુદ્ધ બાદના તણાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને લાગુ કરાયો હશે. પરંતુ 2008માં મુંબઈ પર થયેલો 26-11નો હુમલો આવા આતંકી હુમલા અને વિસ્ફોટોનું સૌથી મોટું ઉદાહરણ છે. આવા હુમલા થવાની પણ શક્યતાઓ આંતરરાષ્ટ્રીય થિંક ટેન્કો દ્વારા વખતો વખત દર્શાવવામાં આવી છે. આવા સંજોગોમાં જનાક્રોશને ધ્યાનમાં રાખીને સરકાર પર પાકિસ્તાન સામે કાર્યવાહીનું પુરેપુરું દબાણ રહેશે. આવા જનાક્રોશના દબાણમાં સરકાર પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે.. તો આ સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

શરીફ-સજ્જનની મુલાકાત: બેકચેનલ ડિપ્લોમસીમાં વ્યાપારીક હિતોનો પેચ


પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સજ્જન જિંદલની સાથેની મુલાકાતને બેકચેનલ ડિપ્લોમસી ગણાવીને ભારત સાથે તણાવ ઘટાડવાની કોશિશ ગણાવી છે. શરીફના નિવેદન બાદ ભારતના ઉદ્યોગપતિ સજ્જન જિંદલ ફરી એકવાર ચર્ચામાં છે. પાકિસ્તાન સાથે તણાવ ઘટાડવું ભારતીય વિદેશ મંત્રાલય માટે પણ આસાન નથી. ત્યારે સજ્જન જિંદલ આ કામ કેવી રીતે કરી રહ્યા છે અને મોદી-શરીફ વચ્ચે પુલ બનવાની ખૂબી તેમનામાં કેવી રીતે આવી અને તેમની પૃષ્ઠભૂમિ જાણવાની ઉત્સુકતામાં વધારો થયો છે. 

જેએસડબલ્યૂ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન સજ્જન જિંદલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ નવીન જિંદલના મોટાભાઈ છે. તેમની કંપની ભારતમાં સ્ટીલ ઉત્પાદન કરનારી બીજા ક્રમાંકની સૌથી મોટી ખાનગી કંપની છે. સજ્જન જિંદલનો માઈનિંગ, ઊર્જા, પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ઘણો મોટો કારોબાર છે. 

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ સજ્જન જિંદલના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેના નિકટવર્તી સંબંધોથી ભારતમાં ઘણાં લોકોને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ હકીકત એવી છે કે શરીફનો પરિવાર પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિ કુટુંબોમાં સામેલ છે. શરીફના પરિવારનો પણ સ્ટીલનો મોટો કારોબાર છે. પાકિસ્તાનના વડાપ્રધાનની પારિવારીક કંપનીનું નામ ઈત્તેફાક ગ્રુપ ઓફ કંપની છે. તેનો પાકિસ્તાનના પંજાબમાં મોટો કારોબાર છે. આ કંપનીની સ્થાપના નવાઝ શરીફના પિતા મુહમ્મદ શરીફે કરી હતી. હાલ શરીફની પારિવારીક કંપનીનો વહીવટ તેમના ભત્રીજાના હાથમાં છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે સજ્જન જિંદલના શરીફના પરિવાર સાથે વ્યાપારીક સંબંધો છે. 

સૂત્રો મુજબ સજ્જન જિંદલ અવાર-નવાર ઈસ્લામાબાદ આવન-જાવન કરે છે. તેમની ઈસ્લામાબાદની મુલાકાતનો ઉદેશ્ય અફઘાનિસ્તાનના બામિયાનથી કરાચી પોર્ટ સુધી કાચું લોખંડ લાવવા માટે યોગ્ય રીતે માર્ગ ઉપલબ્ધ થાય તેના માટેની કોશિશો કરવાનો છે. બામિયાનથી હાજીગાકના રસ્તે કાચું લોખંડ કરાચી પોર્ટ પર લાવવામાં આવે છે. આ કાચું લોખંડ પાકિસ્તાનના પોર્ટથી ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલા પોર્ટ્સ પર પહોંચે છે. 

2011માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરાર થયો હતો. આ કરારમાં સજ્જનની જેએસડબલ્યૂ અને નવીન જિંદલની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ પણ સામેલ હતી. આ કરાર માટે ભારતની સરકારી કંપની સેલના નેતૃત્વમાં એક કોન્સોર્ટિયમ સામેલ હતું. તેમણે મોન્નેટ ઈસ્પાત અને અફઘાન આયર્ન એફિસ્કો સાથે સમજૂતી કરી હતી. તેના પ્રમાણે.. હાજિગાક ખાતે દર વર્ષે દશ લાખ ટન ઉત્પાદન કરતી સ્ટીલ મિલ અને 1.8 અબજ ટન કાચા લોખંડનો રિઝર્વ ઉભો કરવાની સમજૂતી કરી હતી. 

પાકિસ્તાન ટુડેમાં પ્રકાશિત થયેલા ગો નવાઝ ગો શીર્ષક હેઠળના આર્ટિકલમાં લેખક આરિફ નિઝામીએ દાવો કર્યો છે કે સજ્જન જિંદલની શરીફ સાથેની મુલાકાત અંગત વ્યાપાર સંબંધિત હતી. અફઘાનિસ્તાનમાં દોઢ અબજ ડોલરનું કાચા લોખંડનું કન્સેશન ધરાવે છે. આ કાચું લોખંડ ભારત લઈ જવા માટે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ પરિવહનનો માર્ગ નથી. માટે કાબુલથી જિંદલની પાકિસ્તાન મુલાકાત ટ્રાન્સિટ રાઈટ સુરક્ષિત કરવા માટેની હતી. 

શરીફ અને સજ્જન જિંદલ વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતા ડિસેમ્બર-2015માં સાર્વજનિક થઈ હતી. 25 ડિસેમ્બર-2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાબુલથી ઈસ્લામાબાદ વડાપ્રધાન નવાઝ શરીફને હેપ્પી બર્થડે કહેવા માટે પહોંચ્યા હતા. તે દિવસે શરીફના દોહિત્રીના નિકાહનો પણ પ્રસંગ હતો. આ મુલાકાત પાછળ સજ્જનની ભૂમિકા હોવાની ચર્ચાઓ હતી. મે-2014માં નરેન્દ્ર મોદીની શપથવિધિમાં નવાઝ શરીફ સામેલ થયા હતા. ત્યારે શરીફે સજ્જન જિંદલ દ્વારા આયોજિત ટી-પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. 

આ સિવાય નવેમ્બર-2014માં કાઠમંડૂ ખાતેની સાર્ક સમિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલની અસર હતી. મોદી અને શરીફે પહેલા દિવસે એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું. ત્યારે મોદી અને શરીફ વચ્ચે સાર્ક સમિટથી અલગ મુલાકાતનું માધ્યમ સજ્જન જિંદલ બન્યા હોવાના મીડિયા અહેવાલોમાં દાવા થયા હતા. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે આવા દાવાઓને નકાર્યા હતા. મહત્વપૂર્ણ છે કે પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તક ધિસ અનક્વાઈટ લેન્ડ-સ્ટોરીઝ ફ્રોમ ઈન્ડિયાઝ ફોલ્ટ લાઈનમાં બે દેશોના કૂટનીતિક સંબંધોમાં સજ્જન જિંદલની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. આમ તો ભૂતકાળથી લઈને અત્યાર સુધીમાં રાષ્ટ્રહિતના નામે થતી કૂટનીતિ કે રાજનીતિમાં વ્યાપારીક હિતોની ભૂમિકા નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ત્યારે સજ્જન-શરીફની મુલાકાતોમાં બેકચેનલ ડિપ્લોમસીના નેપથ્યમાં કારોબારી હિતોની ભૂમિકા છે કે નહીં તેનો પણ ખુલાસો થવો જરૂરી છે..

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: પણ ઉમેદવાર કોની પસંદગીના હશે મોદીની કે મોહન ભાગવતની?

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. વાઈએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએને ટેકો જાહેર કર્યો છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ પણ આ ચૂંટણીમાં ભાજપને ટેકો આપવાના સંકેતો આપ્યા છે. શરદ પવારે પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત હોવાની ટીપ્પણી કરી છે. જેને કારણે ભાજપના ઉમેદવાર આગામી રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા પ્રબળ બની છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએને ટેકો આપતા વાઈએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ ભાજપ પાસે પોતાના ઉમેદવારને જીતડવા પુરતું સમર્થન હોવાની ટીપ્પણી કરી છે. જગમોહન રેડ્ડીએ કહ્યુ છે કે ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં અથવા તો અન્ય ઉમેદવાર ઉતારવાનો કોઈ મતલબ નથી. તેમણે એનડીએને ચૂંટણીમાં ટેકો આપવાની જાહેરાત પણ કરી છે. તો તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને ટેકો આપવાના સંકેતો કર્યા છે. 

તેવામાં વિપક્ષી એકતાની કોશિશોને શરદ પવારે પણ પોતાની ટીપ્પણીથી પંકચર કરી દીધી છે. શરદ પવારનું કહેવું છે કે ભાજપ અને તેના અન્ય સાથીપક્ષો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બેહદ મજબૂત હોવાનું લાગી રહ્યું છે. એક તરફ વિપક્ષી ઉમેદવાર માટે સંમતિ સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી માંડીને ડાબેરી નેતા સીતારામ યેચુરી સુધીના રાજકારણીઓ કોશિશો કરી રહ્યા છે. પરંતુ તમિલનાડુના એઆઈએડીએમકે અને ઓડિશાના બીજેડીએ પોતાના પત્તા હજી ખોલ્યા નથી. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના સભ્યો મતદાન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના કોલેજિયમમાં કુલ વોટ સંખ્યા 10 લાખ 93 હજાર 654ની છે. જીત માટે આના પચાસ ટકા એટલે કે પાંચ લાખ 46 હજાર 828 વોટ જોઈએ. એનડીએના સાંસદો અને ધારાસભ્યોના વોટને જોડીએ તો તેનું મૂલ્ય પાંચ લાખ 32 હજાર 592 વોટ થાય છે. એટલે કે એનડીએના ઉમેદવારને જીતવા માટે હજી 14 હજાર 236 વોટ જોઈએ. વાઈએસઆર કોંગ્રેસના સાથને કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત થઈ છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએનું પલડું ભારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પસંદગીના ભાજપના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે. પરંતુ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા પર પણ સૌની નજર મંડાયેલી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન ભાગવતની પસંદગીના હશે, તો ચૂંટણી ગણિતમાં ગડબડ ઉભી થવાની શક્યતા છે. 

ભારતની લોકશાહીમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મર્યાદીત છે. પરંતુ તેમ છતાં વિશેષ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. તેથી કેન્દ્રમાં સત્તામાં રહેલો કોઈપણ પક્ષ પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે મજબૂત સ્થિતિ ધરાવતા ભાજપની આગેવાનીવાળા એનડીએ દ્વારા પોતાની પસંદગીના રાષ્ટ્રપતિ બનાવવાની કોશિશો તેજ બની છે. 

એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારો સંદર્ભે કેટલીક ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. તેમાં સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું નામ ચર્ચામાં આવ્યું હતું. શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી કરી હતી. પરંતુ ખુદ મોહન ભાગવતે આવી કોઈપણ વાતને રદિયો આપીને પોતાના નામની અટકલો પર વિરામ લગાવ્યું હતું. 

બીજું સૌથી મોટું નામ રામજન્મભૂમિ આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીનું છે. અડવાણી સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગ વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આના સંદર્ભે વાતચીત થઈ હોવાના મીડિયા અહેવાલો હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા બાબરી ધ્વંસ મામલે અડવાણી સહીતના ભાજપના 12 નેતાઓ સામે ફોજદારી કેસ ચલાવવાનો ચુકાદો આવ્યો છે. જાણકારો પ્રમાણે.. અડવાણીના રાષ્ટ્રપતિ બનવા પાછળ કોઈ કાયદાકીય અડચણો નથી. તેમ છતાં અદાલતી કારણો અને નૈતિકતાના આધારે આના સંદર્ભે અડવાણીનું નામ પાછળ ધકેલાઈ ગયું છે. માનવામાં આવે છે કે અડવાણીના નામનો વિપક્ષ તરફી વિરોધ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ તેમની 89ની જૈફવય અને 2013માં નરેન્દ્ર મોદીના ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિની અધ્યક્ષ બનવાનો ગોવા કારોબારી વખતે કરાયેલો વિરોધ અને પીએમ પદના ઉમેદવાર જાહેર થવા વખતે પણ અડવાણી દ્વારા કરાયેલો વિરોધ તેમની પસંદગીમાં નકારાત્મક બાબત ગણાય છે. 

મહિલા અને સારી છબી ધરાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દોડમાં છે. પરંતુ તેમની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે તેમની દાવેદારી થોડી નબળી માનવામાં આવે છે. 

દલિત અને દક્ષિણ ભારતીય તરીકે કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાં સામેલ છે. તેમના નામ પર વિપક્ષ સંમત થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. કદાચ ભાજપને પણ વેંકૈયા નાયડુના નામ પર સંમતિ સધાવાની આશા નહીં હોય. 

આ તમામ પરિસ્થિતિમાં ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મૂર્મૂનું નામ સૌથી આગળ છે. દ્રૌપદી મૂર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ ચૂંટણી જીતી જાય છે.. તો તેઓ દેશના પહેલા આદિવાસી સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મૂર્મૂના આદિવાસી હોવાની રાષ્ટ્રીય રાજનીતિ પર પણ વ્યાપક અસર પેદા થવાની શક્યતા છે. 

ભાજપ પર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ ભાજપના ઘણાં કામકાજો અને નિર્ણયોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સલાહનો મોટો પ્રભાવ હોવાની પણ ચર્ચા રહે છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની પસંદગી વખતે પણ આરએસએસની ભૂમિકાની ચર્ચા અને તેનો હાથ ઉપર રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પસંદગીનો હશે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની પસંદગીના હશે તેના પર એનડીએના ઉમેદવારની જીતનો મોટો આધાર છે. આમા મોહન ભાગવતની પસંદગી ચાલશે તો ચૂંટણી ગણિતમાં ગડબડ થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.